અનોખો સંબંધ SMIT SONI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનોખો સંબંધ

"અનોખો સંબંધ"

સવાર ના ૭:૧૫ વાગ્યા નો સમય હતો. ડોરબેલ વાગતા જ સરલાબેને માળા બાજુ એ મૂકી અને દરવાજા તરફ ગયા..પોતાના પુત્ર શરદ અને પુત્ર વધુ ચારુ ની કાગડોળે રાહ જોઈ રહેલા સરલાબેને ચહેરા પર મીઠું સ્મિત આપીને બંને ને આવકાર્યા...માળા કરતી વખતે કશું ના બોલવાનો નિયમ સરલાબેને આજે પણ જાળવી રાખેલો ... ઘર માં પ્રવેશતાજ સરલાબેન ના આશીર્વાદ લઇ બંને સોફા પર બેઠા. "ધરતી નો છેડો ઘર" એ કહેવત નો પૂરો અનુભવ આજે બંને ને થવા લાગ્યો. પ્રવાસ નો થાક વધારે લાગેલો હોવાથી પ્રવાસ ની ઉપરછલ્લી ચર્ચા સરલાબેન સાથે કરી અને બાકી ની વિગતવાર ચર્ચા નિરાંતે કરીશું એમ કહી બંને પોતાના નિત્યક્રમ માં લાગી ગયા …

“ચારુ , હું નાહવા જાઉં છુ નાસ્તો તૈયાર કરજે ” એટલું કહીને શરદ બેડરૂમ માં પ્રવેશ્યો …નવા નવા લગ્ન કરેલ નવ-યુગલ એવા શરદ અને ચારુ આજેજ એમના જીવન ના સુવર્ણ દિવસો હિમાચલ ના બર્ફીલા પહાડો માં ૮ -૧૦ દિવસ ગાળી ને પાછા ફર્યા હતા …આટલા દિવસ બહારનું ભોજન કર્યા બાદ પોતાના ઘેર ઓર્ડર મુજબ મનગમતો નાસ્તો મળતા ની સાથે જ શરદ ના જીવ માં જીવ આવ્યો …નાસ્તા ના એક એક બાઇટ્સ સાથે બંને આટલા દિવસ ની દરેક સુવર્ણ ક્ષણ ને નિશબ્દ વાગોળતા ગયા...આજનો દિવસ ફક્ત આરામ કર્યા બાદ બીજે દિવસે નજીક ના વડીલો ને મળી એમના આશીર્વાદ લઇ જીવન ના નવા અધ્યાય ની શરૂઆત કરવાનું નક્કી કર્યું.

શરદ ના લગ્ન ના ૩ વર્ષ પહેલા જ એમના બાપુજી નો સાથ કુદરત એ છીનવી લીધેલો ..એટલે લગ્ન નો બધો વહીવટ અને જવાબદારી શરદ ના પોતાના શિરે હતી …પરંતુ આ બધી લગ્ન ની તૈયારીઓ માં એમના બનેવી કમલેશભાઈ નો પણ ખુબજ મોટો ફાળો રહ્યો જે શરદ માટે એક મજબૂત પાસું હતું . સ્વભાવે ખુબજ લાગણી વાળા અને હમેશા મદદ માટે તૈયાર રહેતા એવા બનેવી કમલેશભાઈ તેમના બા જમનાબેન , પત્ની વીણા અને ૨ વર્ષ ના પુત્ર વત્સલ સાથે બાજુના જ ગામ માં રહેતા હતા. એક ના એક પુત્ર એવા કમલેશભાઈ શહેર માં ઇલેક્ટ્રોનીક્સ ચીઝ-વસ્તુઓ નો વેપાર ધરાવતા હતા.

લગ્ન પછી તરતજ ફરવા નીકળી ગયા હોવાથી દરેક ના હિસાબ -કિતાબ નો વહીવટ તો હજુ બાકીજ હતો જે શરદ ને ખુબજ સીમિત સમય ની મંજુર થયેલ રજાઓ માં એડજસ્ટ કરવાનું હતું .. શરદ ના મન માં આ બધું કાઉન્ટ ડાઉન તો ટુર માંથી પાછા આવતાની સાથેજ શરુ થઇ ગયેલું જે એની આજની નિર્ધારિત ઊંઘ નો દુશ્મન બનવા જઇ રહ્યું હતું. નાસ્તો કર્યા બાદ હવે વારો હતો શોપિંગ જોવાનો ….શરદ , ચારુ અને સરલાબેન બધા ડ્રોઈંગ રૂમ માં ગોઠવાઈ ગયા અને એક પછી એક ચીઝ -વસ્તુઓ ની ચર્ચા ચાલુ થઇ …

ખુબજ સુંદર રીતે પાર પડેલ લગ્ન પ્રસંગ ની શરણાઈ ઓ ના સૂર હજુ પણ કાન ના પડદામાં ટકોરા મારતા હતા ત્યાજ એક અલગ અવાજ કાને પડ્યો ….ટ્રીંગ ટ્રીંગ …..ટ્રીંગ ટ્રીંગ ….સરલાબેન ના મોબાઈલ પર કોઈ અજાણ્યો નંબર ….સામેથી અજાણ્યો અવાજ ….હેલ્લો કોણ …આટલું બોલ્યા બાદ સામેથી કૈંક સાંભળીને સરલાબેન ના ચહેરા પર ચિંતા ના વાદળો ઘેરાવા લાગ્યા … ચારુ અને શરદ ને એ પામતા જરાય વાર ના લાગી કે કૈક તો અજુગતું બન્યું છે …અવાચક બની ગયેલા સરલાબેન ના હાથ માંથી ફોન લઇ અને થોડી ગભરામણ સાથે શરદ એ વાત આગળ વધારી..હ હ હેલ્લો કોણ ..શું થયું છે?….સામે થી અવાજ આવ્યો ..હેલ્લો શરદભાઈ …હું જીગ્નેશ બોલું છુ ...કમલેશ નો મિત્ર ...કમલેશ ની તબિયત અચાનક ખરાબ થઇ છે અને અમે એમને હોસ્પિટલ લઇ આવ્યા છીએ …વત્સલ , વીણાભાભી અને બા અમે બધા સાથે છીએ …તમે જલ્દી આવો. એટલું સંભાળીને શરદ નું શરીર પણ ઢીલું પડી ગયું અને ઘર માં બધું જેમ નું તેમ મુકીને પુરા પરિવાર સાથે શરદ પણ હોસ્પિટલ પહોચ્યો …

ત્યાની પરિસ્થિતિ જોયા બાદ ચિંતાઓ ને રોકી શકવાનો કોઈ અવકાશ જ નહોતો રહ્યો … હાઇપર ટેન્શન ના કારણે લકવો મારી ગયેલા કમલેશભાઈ ના શરીર ની ટ્રીટમેન્ટ આ શહેર માં શક્ય ના હોવાથી ડોક્ટર એ તરતજ નિર્ણય લઇ એમને અમદાવાદ ની એક પ્રાઇવેટ હોસ્પિટલ માં રીફર કરવા જણાવ્યું... ખુશી નો માહોલ અચાનક જ ગંભીર પરિસ્થિતિ માં બદલાઈ ગયો.. મજબૂત કાળજે કુટુંબ ના સભ્યો ને હૈયાધારણ આપવા સિવાય શરદ પાસે કોઈ જ વિકલ્પ નહોતો …પોતાના નજીક ના મિત્રો ને પણ જાણ કરતા વાયુવેગે મિત્રો હાજર થઇ ગયા મદદ માટે... શું કરવું તે કોઈને સમજાતું નહોતું …સમય પાણી ની જેમ વહી રહ્યો હતો ..આખરે દરેક હાજર વ્યક્તિઓ સાથે ચર્ચા પછી શરદ, વીણાબહેન અને શરદ ના બે મિત્રો એમ્બુલેંશ માં અમદાવાદતરફ નીકળી પડ્યા

વહેલી પરોઢે અમદાવાદ પહોચ્યા બાદ કમલેશભાઈ ને શહેર ની તે પ્રાઇવેટ હોસ્પિટલ ના આઈ.સી.યુ. વોર્ડ માં દાખલ કર્યા. સ્પેશીયાલીસ્ટ ડોકટરે પણ તરત જ હાજર રહી ને એમની ટ્રીટમેન્ટ ને પૂરો ન્યાય આપ્યો …સાથે આશ્વાસન પણ આપ્યું કે તકલીફ થોડી વધારે છે પરંતુ અમે પૂરો પ્રયત્ન કરીશું એમને ઠીક કરવાનો ….આ સમયે કમલેશભાઈ હવે કોઈને ઓળખી શકવાની કે કશું બોલી શકવાની પરિસ્થિતિ માં નહોતા... એટલે ડોક્ટર ની વાત પર પણ શંકા ના વાદળો ઘેરાવા લાગ્યા …પરંતુ શરદ અને કુટુંબ ના દરેક સભ્યો પાસે આ પરિસ્થિતિ ને આધીન થવા સીવાય કોઈ બીજો વિકલ્પ દુર દુર સુધી દેખાયો નહિ.

બે દિવસ , ત્રણ દિવસ , ચાર દિવસ અને પછી એક અઠવાડિયા ના સમયગાળા પછી પણ કમલેશભાઈ ની પરિસ્થિતિ માં કોઈ સુધારો જણાયો નહિ …બીમારી બહુ ગંભીર હોવાથી દિવાસા દિવસ પૈસા ની જરૂરીયાત પણ વધતી ગઈ...સમય અને પૈસા બંને પાણી ને જેમ વહેતા રહ્યા. શરદ ને તેના મિત્રો અને સગા -સંબંધીઓ તરફથી આર્થિક મદદ મળતી રહી. પરંતુ તબિયત માં કોઈ ફેર જણાયો નહિ …દિવાસા-દિવસ પરિસ્થિતિ વિપરીત થતી ગઈ. શરદ પોતાનું સર્વસ્વ ભૂલી અને ફક્ત એમને સાજા કરવાની નેમ સાથે આગળ વધતો રહ્યો …આખરે આર્થિક મજબૂરી ના કારણે કમલેશભાઈ ને પ્રાઇવેટ માંથી શહેર ની સરકારી હોસ્પિટલ માં ટ્રાન્સફર કરવાની ફરજ પડી …અને પહેલા જ દિવસે સરકારી હોસ્પિટલ ના ડોકટર ની વાત શરદ ના કાને પડતાજ જાણે કે શરદ માથે આભ તૂટી પડ્યું ...આવનારા પરિણામ ની પૂરી માહિતી પોતાના ર્હદય માં સાચવી બેઠેલો શરદ તબ્યત ની પૃચ્છા કરનાર દરેક ને ફક્ત એટલુજ કહી સકતો “થઇ જશે સારું ”, “ડોક્ટર સાહેબ એ થોડી રાહ જોવાનું કહ્યું છે ”, “થોડો સમય લાગશે ”, “ઈશ્વર પર ભરોસો રાખો ”….

હલન -ચલન ના કરી શકનાર એવા એમના શરીર ની શરદ પહેલા કરતા હવે વધારે સંભાળ રાખવા લાગ્યો....મજબૂત ઈરાદાઓ સાથે જાણે કે કુદરત ને કારમો પરાજય આપવો હોય એમ કમલેશભાઈ ની સાથે શરદ પણ જોડાઈ ગયો એ જીવન-મરણ ના યુદ્ધ માં ...

પરંતુ કુદરત ની સામે સૌ કોઈ લાચાર હોય છે એ નરી વાસ્તવિકતા આખરે શરદ ને પણ સ્વીકારવી પડી ...પુરા એક મહિના ની સરકારી હોસ્પિટલ ની યાત્રા બાદ કમલેશભાઈ આ ફાની દુનિયા ને છોડી અને અનંત યાત્રા એ નીકળી પડ્યા …આવનારું પરિણામ મન ના એક ખૂણે પહેલેથીજ ઘર કરી ગયું હોવાથી શરદ ને આ સમયે પોતાની જાત ને સમજાવતા વાર ના લાગી અને આ નરી વાસ્તવિકતા ને એણે સ્વીકારી લીધી ..સમય જતા વત્સલ અને વીણાબેન પણ એક સુખી -સમ્મૃધ પરિવાર સાથે બંધન માં જોડાઈ ગયા અને પરિવાર નો માળો પાછો ગોઠવાઈ ગયો … શરદ પણ પોતાના નવા દામ્પત્ય જીવન માં પરોવાઈ ગયો …ધીરે ધીરે બધું વિસરતું ગયું …

પરંતુ આ બધા ની વચ્ચે એક માં નો પરિવાર તો અધુરો જ રહ્યો … જેમની આગળ -પાછળ હવે કોઈ જ રહ્યું નથી ….વિખેરાઈ ગયેલ આ માળા ને પાછો બનવા માટે પણ હવે કોઈ જ વિકલ્પ નહોતો …દરિયા જેટલી આશાઓ આંખો માં લઈને બાકીનું જીવન વિતાવવાનું હવે જમનાબા માટે પણ કપરું હતું …જમનાબા નું જીવન આથમી ગયેલ સૂર્ય ના અંધારા નીચે પસાર થવા લાગ્યુ જેમાં સુરજ હવે પછી ક્યારેય ઉગવાનો નહોતો …એક દીકરા ની અને કુટુંબ ની એકલતા એમને દિવસા -દિવસ ભરખી રહી હતી …પ્રાઇવેટ કંપની માં નોકરી કરતા અને પોતાના પરિવાર માં ગૂંથાઈ ગયેલા શરદ માટે પણ હવે એ અઘરું હતું કે સમય કાઢી ને જમનાબા ને મળવા જાય, એમની પૃચ્છા કરે , એમને સાંભળે …

પરંતુ લાગણી ના તાર જાણે ઉપર થી જોડાઈ આવેલ હોય એમ શરદે પોતાના બિઝી શીડ્યુલ માંથી આખરે સમય કાઢીને એમને થોડા થોડા સમયે મળવાનું ચાલુ રાખ્યું....થોડી આર્થિક સહાય કરીને એમના ગળપણ ની લાકડી બનવાનો પ્રયાસ શરદે શરુ કર્યો ..એક દાયકા જેટલા સમય ના વહાણા વીતી ગયા પછી આજે પણ જમનાબા ના આંશુઓ સુકાયા નથી... પણ જયારે જયારે શરદ એમને મળવા જાય છે ત્યારે ત્યારે ચોક્કસ એક લાગણી ની આપ -લે થાય છે અને એ લાગણી જ જમનાબા ને બાકીના દિવસો માટેની ઉર્જા પૂરી પાડવામાં મદદરૂપ બને છે .…

અહી લોહીનો કોઈ સીધો સંબંધ ના હોવા છતાય એક “અનોખો સંબંધ ” રચાયેલો છે જે શરદ ને જમનાબા ના અંધકારમય જીવન માં થોડા થોડા સમયે અજવાળું પાથરવાની પ્રેરણા આપી રહ્યું છે....

  • સ્મિત સોની