સૌમિત્ર
સિદ્ધાર્થ છાયા દ્વારા
-: પ્રકરણ ૩૩ : -
ધરાએ આપેલી ચીમકીની સૌમિત્ર પર બરોબર અસર થઇ અને વીસ થી પચીસ મિનીટમાં સૌમિત્ર તૈયાર થઈને હોટલના રિસેપ્શન પર આવી ગયો. ધરાએ તેના જમણા હાથની પહેલી બે આંગળી અને અંગુઠો ભેગા કરીને સૌમિત્ર ખૂબ સરસ દેખાય છે એવો ઈશારો કર્યો. સૌમિત્રએ કાયમની જેમ ધરાના માથા પર એક હળવી ટપલી મારી એટલે ધરાએ ખોટો ગુસ્સો કર્યો અને પછી બંને હસતાંહસતાં હોટલની બહાર આવી ગયા.
હોટલની બહારથી જ ધરા અને સૌમિત્ર રીક્ષામાં બેઠા અને ધરાના ઘર તરફ રવાના થયા. રસ્તામાં ધરાએ તેની ફેવરીટ દુકાનેથી વણેલા અને ફાફડા ગાંઠીયા લીધા. લગભગ પંદરેક મિનીટ બાદ રીક્ષા ધરાના ઘર પાસે આવીને ઉભી રહી. ધરા જ્યારે રીક્ષાવાળાને પૈસા આપી રહી હતી ત્યારે સૌમિત્રએ બહારથી જ અત્યંત વિશાળ દેખાઈ રહેલા તેના ઘર પર નજર માંડી. ઘરની સૌથી ઉંચી ટોચ પર મોટા અક્ષરે ‘ધરા’ લખેલું જોઇને સૌમિત્રના ચહેરા પર સ્મિત આવી ગયું.
‘મારી નોવેલનું નામ પણ ધરા, મને આગળ આવવામાં મદદ કરનાર પણ ધરા, મારા દિલમાં પણ ધરા,અહીં પણ ધરા, ત્યાં પણ ધરા, બસ જ્યાં જુઓ ત્યાં ધરા, ધરા ધરા...’ પૈસા ચૂકવીને ધરાને પોતાની તરફ આવતી જોતાં જ સૌમિત્ર એની સામે આંખ મારતા બોલ્યો.
‘પપ્પા સામે આમ બહુ ગાંડાવેડા ન કરતો. હમણાં આ સબ્જેક્ટ પર કાંઇજ નહીં મતલબ કાંઈજ નહીં, સમજ્યો?’ સૌમિત્રને કોણી મારીને ઘરના દરવાજા તરફ આગળ વધતા ધરા બોલી.
‘અરે, પણ માણસ વખાણ પણ ના કરે? જબરી હિટલરશાહી છે હો તારી.’ સૌમિત્ર હસતોહસતો ધરા પાછળ દોરવાયો.
‘બસ હવે ચૂપ થઇ જા.’ પોતાની આંખો મોટી કરીને ધરા વઢતી હોય એમ સૌમિત્રને બોલી.
ધરાની પાછળ પાછળ સૌમિત્ર એના ઘરમાં પ્રવેશ્યો. પ્રવેશદ્વાર પાસે જ બૂટ-ચંપલ મૂકવાનો ઘોડો હતો એ જગ્યા પાસે ધરાએ એક હાથે ગાંઠિયાવાળી પ્લાસ્ટિકની થેલી અને બીજે હાથે ભીંતને પકડીને બેલેન્સ જાળવ્યું અને પોતાના સેન્ડલ ઉતાર્યા. ધરાને જોઇને સૌમિત્રએ પણ પોતાના પાર્ટી શૂઝ ઉતાર્યા. પ્રવેશદ્વાર પછી તરતજ એક ખૂબ મોટો હોલ હતો અને એની બરોબર મધ્યમાં સંખેડાના હીંચકા પર ધરાના પિતા પરસોતમદાસ સોની ઝૂલી રહ્યા હતા. આમતો આ બેઠકખંડ આખાનું ફર્નીચર સંખેડા સ્ટાઈલનું જ હતું અને અત્યંત ભવ્ય લાગી રહ્યું હતું.
રૂમમાં પ્રવેશવાની બીજી જ સેકન્ડે સૌમિત્રની નજર સામેથી એ જ્યારે પ્રભુદાસ અમીનને મળવા આવા જ એક ભવ્ય મહેલ સમાન ઘરમાં પ્રવેશ્યો હતો એ દ્રશ્ય પસાર થઇ ગયું. જો કે એ વખતે સૌમિત્ર અત્યંત ટેન્સ હતો જ્યારે અત્યારે એ સાવ હળવોફૂલ હતો કારણકે એ ધરાના ખાસ મિત્ર તરીકે જ તેના ઘરમાં આવ્યો હતો અને થોડીવારમાં ધરા સાથેજ રાજકોટ જોવા માટે નીકળી જવાનો હતો.
‘આવો આવો સોમિતર ભાય...’ પરસોતમદાસ જાતેજ હીંચકા પરથી ઉભા થયા અને સૌમિત્ર એમને પગે લાગવા નીચો વળે એ પહેલાં જ એને વળગી પડ્યા.
સૌમિત્રને પરસોતમદાસના પોતાને ‘સોમિતર’ તરીકે બોલવતાં જ હિતુદાનની યાદ આવી ગઈ. સૌમિત્રને એમણે જે લાગણી વરસાવી તેની જરૂર નવાઈ લાગી, કારણકે પ્રભુદાસ અમીનને મળ્યા બાદ એને એક છાપ પડી ગઈ હતી કે પૈસાદાર બાપની પરણવા લાયક છોકરીનો બાપ પ્રભુદાસ અમીન જેવો જ રુક્ષ હોતો હશે. બે મિનીટ પછી ધરા એના મમ્મી ઉમાબેનને લઈને આવી. સૌમિત્ર એમને પણ પગે લાગ્યો. ધરાએ સૌમિત્ર અને પરસોતમભાઈને ડાઈનીંગ ટેબલે આવવાનું કહ્યું. ટેબલની આસપાસ મૂકેલી ખુરશીઓ પર બેસવાની સાથેજ એક સાથે બે-બે નોકરો પરસોતમદાસ અને સૌમિત્રની સેવામાં લાગી ગયા. એક નોકરે ગાંઠીયા અને સંભારો ભરેલી બે ડીશો મૂકી તો બીજો નોકર ગરમાગરમ ચ્હા લાવ્યો. સૌમિત્ર પોતાની થઇ રહેલી સરભરાથી ઈમ્પ્રેસ થઇ ગયો.
‘મને ગુડીએ તમારા વિસે વાય્ત કઈરી. મને બોવ આનંદ થ્યો હોં કે તમે હો એ હો ટકા લેખક બનવાનું જ નક્કી કરી લીધું હું? આ ઝમાનામાં આવો મોટો નિર્ણય કો’ક જ લય હકે હું?’ પરસોતમદાસે ગાંઠીયા ખાવાની શરૂઆત કરતાં જ એમની અને સૌમિત્ર વચ્ચેનું મૌન તોડ્યું.
સૌમિત્રને પરસોતમદાસે એના વખાણ કર્યા એ ગમ્યું પણ બે સેકન્ડ એને એ સમજતાં વાર જરૂર લાગી કે ધરાને એના માતા-પિતા લાડમાં કદાચ ગુડ્ડી કહેતા હશે.
‘જી, હું તો અકસ્માતે જ આવો નિર્ણય લેવા માટે મજબૂર થયો છું, બાકી જો ધરા ન હોત તો હું અત્યારે તમારી સામે હાજર ન હોત અને અમદાવાદમાં જ નોકરીએ જવાની તૈયારી કરી રહ્યો હોત.’ સૌમિત્રએ પણ ગાંઠીયા ખાવાની શરૂઆત કરી.
‘ઈ તો ધાર્યું ધણીનું થાય હું? મેં ને ગુડીની મમીએ ઈને પે’લેથીન જ એવા સંસ્કાર આયપા સે કે બધાનું હારું કરીને પોતાનું હારું કરવું હું? ઇને તમને મદદ ભલે કયરી હઈસે પણ હામે એને તમારા જેવો હારો દોસ્દાર પણ મયળો ને? હું કિયો સો?’ આટલું કહીને પરસોતમદાસે સ્મિત કર્યું.
‘પણ ધરા જેવી મિત્ર નસીબદારને જ મળે.’ સૌમિત્ર રસોડાના દરવાજે ઉભેલી ધરા સામે જોઇને બોલ્યો. ધરાએ જવાબમાં એની સામે જીભ કાઢી.
‘મનેય વાંસવાનો બવ સોખ હું? પણ ગુજરાતીમાં હોં? અંગરેજીમાં આપણને ટપો ઓસો પડે.આપણા ઘર્યના ઉપરના મારે મોટી લાયબ્રેરી સે, ઇમાં ઝેટલી બુકું સે ઈ બધીય બુકું મેં વાંસી લીધી સે હું? મેઘાણી થી લયને પેટલીકર, કાલેલકર, બક્સી, હરકિસન મે’તા, તમારા ઓલ્યા અસ્વીની ભટ. ગાંધીજી હોતેન ને નથ્ય સોયડા હું? મારી ઓફીસની સેમ્બરમાં મારા ટેબલ પાહેય બે-ત્રણ બુકું કાયમ પયડી જ હોય હું? નવરો પયડો નથ્ય કે હેયને વાંસવાનું સરુ કયરું નથ્ય. લોકો માવા-દારૂના વ્યસનું કરે, મને સોપડીનું વ્યસન.’ પરસોતમદાસ આમતો હસી રહ્યા હતા પણ એમના એકેએક શબ્દમાં એમના વાંચનની રેન્જ પર એમને જે ગર્વ થઇ રહ્યો હતો એ ટપકી રહ્યો હતો.
સૌમિત્રની ધારણાની સાવ વિરુદ્ધ પરસોતમદાસ કરોડપતિ હોવા છતાં જમીન સાથે જોડાયેલા અને એના જેવા જ ઇન્સાન નીકળ્યા. હવે એને ખ્યાલ આવ્યો કે ધરાને પણ પૈસાનું જરાય અભિમાન કેમ નથી અને તે કેમ નોકરી કરે છે. નાસ્તો પતાવીને પણ એ બંનેએ ખૂબ વાતો કરી. એક તરફ પરસોતમદાસની લાગણી અને બીજી તરફ ધરાના માતા ઉમાબેન જે રીતે સતત સૌમિત્ર સામે લાગણીભરી નજરે જોઈ રહ્યા હતા એ જોઇને સૌમિત્રને બે ઘડી લાગ્યું કે ધરાએ ભલે એના માતા-પિતાને હજીસુધી સૌમિત્ર પ્રત્યેની પોતાની લાગણી જણાવી ન હોય પણ આ બંનેની અનુભવી નજરોએ સૌમિત્રને ઓલરેડી પોતાના કુટુંબના થનારા સભ્ય તરીકે જરૂરથી પારખી લીધો છે.
==::==
‘હેવ યુ ગોન મેડ? મિસ્ટર પંડ્યાને કેટલું ખરાબ લાગશે?’ વરુણે લગભગ બૂમ પાડી.
‘પણ મને અહિયાં બે સેકન્ડ પણ બેસી નથી શકાતું. તું કેમ સમજતો નથી? અને મેં બૂક રીડીંગમાં આવવાની ક્યાં ના પાડી છે?’ ભૂમિએ પણ લગભગ વરુણના સૂરમાં જ સૂર મેળવીને જવાબ આપ્યો.
‘પણ પ્રોગ્રામ આખો એમને સ્ટેશને રીસીવ કરવા થી શરુ કરીને બૂક રીડીંગ પછી ક્વેશ્ચન એન્સર અને છેલ્લે ડીનર સુધીનો ડીસાઈડ કરેલો છે. વી આર ધ હોસ્ટ ડેમ ઈટ! જરા આટલી અક્કલ તો વાપર?’ વરુણ હવે ગુસ્સામાં હતો.
‘તું મારી હાલત તો સમજ? પેટમાં ખૂબ દુઃખે છે અને મારાથી બેસી શકાય એમ નથી.’ ભૂમિ બોલી ઉઠી.
‘પ્રોગ્રામ તો આજે સાંજે છે ને? તો તું કોલોનીના ડોક્ટર પાસેથી દવા લેતી આવને? સાંજ સુધીમાં યુ વીલ બી ઓલરાઈટ.’ વરુણ થોડો ઠંડો પડ્યો.
‘હું કાલે તારા આવવા પહેલાં જ દવા લઇ આવી હતી. ડોકટરે કીધું છે કે ઈટ વીલ ટેઈક સમ ટાઈમ. જ્યાંસુધી પીરીયડ બરોબર નહીં આવે ત્યાંસુધી આ દુઃખાવો રહેશે જ. સાચું કહું છું વરુણ મને સુઈ રહેવાથી ખૂબ રાહત મળે છે અને ખાલી તારું માન રાખવા જ હું બૂક રીડીંગ વખતે હાજર રહીશ. ’ ભૂમિ વરુણની નજીક ગઈ અને એણે એનો હાથ પકડ્યો અને એની આંખમાં આંખ મેળવીને જાણે કે અરજ કરી રહી હોય એમ બોલી.
‘તારે જેમ કરવું હોય એમ કરજે. અત્યારે તો હું ઓફીસ જાઉં છું. મારે તો તને મિસ્ટર પંડ્યાને રીસીવ કરવા સ્ટેશને પણ લઇ જવી હતી પણ.. હવે તું સીધી જ ક્લબ હાઉસમાં આવી જજે હું તને લેવા નહીં આવું.’ આટલું બોલીને વરુણે ભૂમિનો હાથ એક ઝાટકા સાથે છોડાવી દીધો અને પગ પછાડતો ઘરની બહાર નીકળી ગયો.
‘તને કેવી રીતે સમજાવું વરુણ? પેટનો દુઃખાવો ફક્ત બહાનું છે, મારાથી સૌમિત્રનો સામનો નહીં થઇ શકે....નહીં થઇ શકે....નહીં...’ આટલું બોલતાં જ ભૂમિ ખૂબ રડવા લાગી.
==::==
જમશેદપુર જવા માટે પોતાની બેગ પેક કરતી વખતે સૌમિત્રએ સૌથી છેલ્લે પોતાનો એ સૂટ મૂક્યો જે એ બૂક રીડીંગ વખતે પહેરવાનો હતો. સૌમિત્રને ખ્યાલ હતો કે જ્યારે જ્યારે એ લાઈટ ક્રીમ કલરનો શર્ટ પહેરીને કોલેજ જતો ત્યારે ભૂમિ એના પર વિશેષ પ્રેમ વરસાવતી અને આથી જ સૌમિત્રએ જમશેદપુરના બૂક રીડીંગ માટે ખાસ લાઈટ ક્રીમ કલરનું જ બ્લેઝર સીવડાવ્યું હતું.
‘ભૂમિને આ કલર ખૂબ ગમે છે, ભલે અત્યારે અમારાં વચ્ચે કોઈજ સંબંધ નથી, પણ ભૂમિ પ્રત્યે મારો પ્રેમ તો જરાય ઓછો નથી થયોને? ઓહ ગોડ! મને ખૂબ એક્સાઈટમેન્ટ ફીલ થઇ રહી છે. બસ આઠેક કલાક પછી હું ભૂમિને લગભગ અઢી વર્ષે મારી નજર સામે જોઇશ. પણ યાર, એ હવે પરણેલી છે હોં કે? તારે ધ્યાન રાખવું પડશે કે વરુણને તારા અને ભૂમિના ભૂતકાળ વિષે જરાય ડાઉટ ન પડવો જોઈએ. હા હા હવે હું એનો બરોબર ખ્યાલ રાખીશ અને ભૂમિને જાણેકે સાવ પહેલી વખત જ મળતો હોઉં એવું જ વર્તન કરીશ. પણ આ ધરાડી ક્યાંક ભાંગરો ન વાટે તો સારું, બહુ ઉત્સાહી છે. ભૂમિ તારે સૌમિત્રને એકલામાં મળવું છે? ગાંડી હરખમાં આવી જઈને ભૂમિને મારી સાથે મેળવવાના પ્લાન ન બનાવી દે. ના ના, સૌમિત્ર એને તારે પહેલેથી જ સમજાવી દેવી પડશે. હા, કોલકાતા એરપોર્ટ પર જ્યારે અમે મળીશું ને ત્યારેજ એને હું કહી દઈશ ....
... પણ ભૂમિનું વર્તન કેવું હશે? એ હજીપણ મારાથી ગુસ્સે હશે? ના ના એનો ગુસ્સો તો તરતજ પીગળી જાય એવો છે. કોલેજમાં પણ પેલી મીસ યુનિવર્સીટી નીકી આસુદાની જ્યારે મારી પાછળ પડી હતી અને ભૂમિ મને એની સાથે પાર્કિંગમાં જોઈ ગઈ હતી ત્યારે પણ એ કેટલી ગુસ્સે થઇ ગઈ હતી? પણ પછી તો એ તરતજ શાંત થઇ ગઈ હતી એટલે અઢી વર્ષે પણ એ પેલા દિવસની વાતને લઈને ગુસ્સામાં રહે એવું મને તો નથી લાગતું. કદાચ એવું પણ બને કે, સમય જતાં એને એની ભૂલ સમજાઈ હોય અને અત્યારે એ પશ્ચાતાપ કરી રહી હોય. આઈ હોપ કે એ અત્યારે ખુબ સુખી હોય. ખબર નહીં એની મેરીડ લાઈફ કેવી હશે? મારે કેટલા ટકા યાર? મારે તો આ બૂક રીડીંગ પતે પછી મારી આવનારી મેરીડ લાઈફ વિષે ધરાનું ડીસીઝન સાંભળવાનું છે. તો હવે નક્કી, ભૂમિ સામે હું એકદમ નોર્મલ રહીશ અને એની સાથે એકલામાં વાત કરવાની વાત પણ નહીં કરું, પણ હા જો મોકો મળશે તો....’
સૌમિત્રનું આમ મનોમંથન ચાલી જ રહ્યું હતું ત્યાંજ એની બેડ પર પડેલો કોર્ડલેસ ફોન રણક્યો અને એનું ધ્યાનભંગ થયું.
‘હા બોલ, બસ નીકળું જ છું. મારી સવા અગિયારની ફ્લાઈટ છે, તારી? ઓકે ગૂડ ગૂડ. તો કોલકાતા એરપોર્ટ પર મળીયે. જે કોઇપણ વહેલું પહોંચે એ ઇન્ડીયન એરલાઇન્સના ડેસ્ક પાસે જ ઉભું રહેશે ઓકે? ઠીક છે ચલ બાય.’ ધરાના એ કોલને રીસીવ કરીને સૌમિત્રએ પોતાની બેગ ઉપાડી ને લીવીંગ રૂમ તરફ ચાલ્યો.
==::==
‘સૌમિત્ર જ્યારે પણ મને બાંધણીવાળા ડ્રેસમાં જોતો ત્યારે બસ જોઈજ રહેતો. પણ શું કરું? અત્યારે તો બાંધણીવાળો કોઈજ ડ્રેસ નથી મારી પાસે? હું પણ પાગલ છું, ગયે વખતે અમદાવાદ ગઈ ત્યારે મમ્મીએ કેટલો ફોર્સ કર્યો હતો પેલો બાંધણીવાળો ડ્રેસ લેવાનો? પણ મેં જ સૌમિત્રને એ ડીઝાઈન ગમે છે એટલે ગુસ્સામાં આવી જઇને ના પાડી દીધી હતી. હવે અત્યારે જ્યારે મને સૌમિત્રની નોવેલ વાંચીને એના પ્રત્યેનો ગુસ્સો સાવ જતો રહ્યો છે અને ઉલટાણી મને એનો સામનો કરવાની પણ બીક લાગે છે ત્યારે મને એ બાંધણીની ડીઝાઈનવાળો ડ્રેસ પહેરવાનું મન થાય છે. પણ આવું ન થવું જોઈએને? સૌમિત્ર ભલે હજી પરણ્યો નથી, પણ હું તો પરણી ગઈ છું ને? મારે સૌમિત્ર સામે સુંદર દેખાઈને શું મેળવી લેવું છે? કદાચ તે દિવસે જે રીતે મેં એને ધુત્કાર્યો હતો એટલે હવે એનું વળતર ચુકવવા માટે મને કદાચ આવો વિચાર આવતો હશે. જે હોય તે પણ અત્યારે મારે બાંધણીની ડીઝાઈનવાળો ડ્રેસ ક્યાંથી લાવવો? હે ભગવાન કોઈ રસ્તો સુઝાડ તો? અરે હા... બાંધણીની ડીઝાઈનવાળો ડ્રેસ નથી પણ બાંધણી તો છે ને? થેંક્યું ભગવાન!’ પોતાના મનના વિચારો સાથે લડતાં લડતાં ભૂમિને અચાનક જ યાદ આવ્યું કે તેની પાસે એક બાંધણીવાળી સાડી તો છે જ અને તે ખુશ થઇ ગઈ.
ભૂમિએ પાસે પડેલું ટેબલ ઊંચક્યું અને કબાટ ઉપર મૂકેલી મોટી સ્યુટકેસ ઉતારી. બેડ ઉપર આ મોટી સ્યુટકેસ મૂકીને એને ખોલી. આ સ્યુટકેસમાં ભૂમિની અત્યંત મોંઘી સાડીઓ હતી. ભૂમિ એક પછી એક સાડીઓ ઉથલાવવા માંડી અને છેવટે તેને અત્યારે ખૂબ જરૂરી અને સૌમિત્રને ગમતી એવી બાંધણી પણ એને મળી ગઈ. બાંધણીને હાથમાં લેતાંની સાથેજ ભૂમિનો ચહેરા પર સ્મિત આવી ગયું.
એણે સ્યુટકેસ બંધ કરી અને બાંધણીને સ્યુટકેસની ઉપર જ મૂકીને ન્હાવા જતી રહી. ન્હાઈને બ્લાઉઝ અને પેટીકોટ પહેરીને ભૂમિ બહાર આવી અને બાંધણીને પ્લાસ્ટિકના પેકમાંથી બહાર કાઢીને એને અત્યંત કાળજીપૂર્વક પહેરવા લાગી. બાંધણી પહેરીને ભૂમિએ કબાટના લાઈફ સાઈઝ અરીસા સામે જોયું અને પોતાની સુંદરતા પર એને જ માન થઇ ગયું. ભૂમિને એક વખત તો એવો વિચાર પણ આવી ગયો કે આ અઢી વર્ષમાં એને માત્ર સૌમિત્ર સામે તે સારી દેખાય તેના માટે જ આટલી ચીવટથી તૈયાર થવાનું મન કેમ થયું? તેણે વરુણ સામે તે સુંદર દેખાય તેવા તો કોઈજ પ્રયાસ નહોતા કર્યા? તો હવે અચાનક જ કેમ તેની સાથે આમ થઇ રહ્યું છે? ભૂમિ આમ વિચારી જ રહી હતી ત્યાંજ ડોરબેલ વાગી.
ભૂમિ ઝડપથી મેઈન ડોર તરફ દોડી અને બારણું ખોલ્યું તો સામે વરુણ ઉભો હતો.
‘તું? તું તો નહોતો આવવાનો ને? મને લીધા વગર સીધો જ ક્લબ હાઉસ જવાનો હતોને?’ ભૂમિએ છણકો કરીને વરુણ સામે જોયું.
‘સૌમિત્ર પંડ્યાને પ્રોગ્રામ પત્યા પછી જે ડીડી આપવાનો છે એનું કવર મારા સ્ટડી ટેબલના ડ્રોઅરમાં જ રહી ગયું છે એનો મને પછી ખ્યાલ આવ્યો એટલે એવા આવ્યો છું. પણ તું કેમ આટલી સરસ તૈયાર થઇ? તારી તો તબિયત ખરાબ હતીને? અચાનક જ ફ્રેશ કેમ થઇ ગઈ?’ બેડરૂમમાં પડેલા સ્ટડી ટેબલ તરફ ચાલતાં ચાલતાં વરુણ બોલ્યો.
‘તારા ગયા પછી મને વિચાર આવ્યો કે મારે એટલીસ્ટ તારું માન જાળવવા પણ સૌમિત્રને..આઈ મીન મિસ્ટર સૌમિત્ર પંડ્યાને મળવું જોઈએ અને હવે મને થોડું સારું છે, એટલે હું આવીશ, પણ ક્લબ હાઉસ જ રેલ્વે સ્ટેશન નહીં. આઈ હોપ કે તું મારી પોઝીશન સમજી શકીશ.’ ભૂમિએ પણ હજીસુધી કઠોરતા મૂકી ન હતી.
‘ધેટ્સ ગૂડ. આઈ લાઈક ઈટ! ઠીક છે તારે જો સ્ટેશને એમને રીસીવ કરવા ન આવવું હોય તો આઈ વોન્ટ ફોર્સ યુ, પણ ક્લબ હાઉસ અમારા આવ્યા પહેલાં જ પહોંચી જજે અને હવે તબિયત સારી છે તો ક્વેશ્ચન એન્સર સેશનમાં ભાગ નહીં લઈશ તો ચાલશે પણ પ્રેઝન્ટ જરૂર રહેજે પ્લીઝ.’ સ્ટડી ટેબલના ડ્રોઅરમાંથી એક કવર લઈને પોતાના બ્લેઝરના નીચેના ખિસ્સામાં એને મુકતાં વરુણ બોલ્યો અને ફરીથી મેઈન ડોર તરફ ચાલવા લાગ્યો.
‘હા એટલું તો હું સમજી શકું છું. ડોન્ટ વરી હું પણ ક્લબ હાઉસ જવા પંદર-વીસ મિનિટમાં જ નીકળું છું.’ વરુણના ચહેરા પર મંદ સ્મિત જોતાં ભૂમિનો અવાજ પણ નિર્મળ બન્યો.
સવાર પછી પહેલીવાર ભૂમિને સ્મિત આપીને ઘરની બહાર નીકળી રહેલો વરુણ હજી મેઈન ડોર પર પહોંચ્યો જ હતો ત્યાંજ એના ઘરનો ફોન વાગ્યો. ભૂમિ અને વરુણ બંને ફોન તરફ એકસાથે વળ્યા પણ વરુણને સ્ટેશને જવાની ઉતાવળ હતી એટલે એ ફોન પાસે દોડીને પહોંચી ગયો અને એણે ફોન ઉપાડ્યો.
‘હા, યેસ, વરુણ પટેલ બોલું છું? અરે હા, બોલો બોલો. શું? પણ કેમ?’ આટલું બોલતાં જ વરુણના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ. ભૂમિ વરુણ સામે ટગર ટગર જોઈ રહી હતી.
-: પ્રકરણ તેત્રીસ સમાપ્ત :-