સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 5 Govardhanram Madhavram Tripathi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 5

સરસ્વતીચંદ્ર

ભાગ : ૧ : બુદ્ધિધનનો કારભાર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

.


પ્રકરણ ૫

બુદ્ધિધન (અનુસંધાન, સંપૂર્તિ)

મોટા માણસોનો ખોટો ડોળ ખરામાં ચાલ્યો જાયો છે, અને નાનાંની ખરી વાત ખોટામાં ચાલી જાય છે. રંક બુદ્ધિધનનો ક્રોધ જોઇ દયાશંકરને હસવું આવ્યું અને ઘરમાં સૌ તેની વાત જ ભૂલી ગયાં. જે કારભારીને ત્યાં

માનું અપમાન થયું હતું ત્યાં બુદ્ધિધન પ્રસંગે અપ્રસંગે પ્રથમથી જ જતો હતો અને સાજો થયા પછી પાછો જવા લાગ્યો. પણ ઇશ્વરે સૌનાં મગજ અને કાળજાં અપારદર્શક કર્યાં છે. એમ કરતાં મોટાનાં મન સમજવા નાનાને અવકાશ મળે છે, પરંતુ ગરીબ બિચારાં નાનાં માણસોનાં મન તો મોટાં

માણસોની પ્રમત્ત - અંધ આંખોને અદૃશ્ય જ રહે છે અને એ આંધળાંઓને

મન રંક પુરુષોનાં કાર્યો સ્વાભાવિક રીતે અર્થ વિનાનાં, અક્કલ વિનાનાં ૃ,

મૂર્ખતા ભરેલાં, માલ વિનાનાં અથવા તો અપ્તરંગી વસે છે. કોઇ વખત આંધળામાં કાણો રાજિયો મળી આવે તો રંક માણસોની બુદ્ધિની પરીક્ષા કરવા યોગ્ય - મૂૂલ્ય જાણવા લાયક - વધારે બુદ્ધિવાળા તો આપણે જ છીએ એમ માને છે અને આ બિચારામાં આટલી બુદ્ધિ છે એવું કહી કદર બૂજવાની

હિંમત કરે છે. કારભારીમંડળ ભરાયું હોય, ગપાટા મારતું હોય,બડાશો હાંકતું હોય, નિન્દા કરતું હોય, કોઇને નુકસાન કરવામાં જય પામી અભિમાન અને આનંદ પામતું હોય, નીચ ઉત્સવ કરતું હોય, ખોટા ઢોંગ રચતું હોય, નીતિના નિયમને ઊલટપાલટ કરી દેતું હોય, અને મૂર્ખતાથી રંગેલા -

દુષ્ટતાનાં ભરેલાં - બુદ્ધિના દુરુપયોગે ધક્કેલેલાં અને ખુશામતે સળગાવેલાં સ્વપ્નજાળ જોતું હોય તેવે વખતે બુદ્ધિધન એકલો સેવકવર્ગ સાથે ભળનાર

મુત્સદ્દીવર્ગની છેલ્લી પાયરીના માણસોમાં સૌની પાછળ બેસતો અને આંખ, કાન અને મનને જુદા જુદા વ્યાપારમાં રોકી અને સંસારનો અભ્યાસ કરતો અને કારભારી અને તેના દીકરાને જોઇ, અંતઃકરણમાં પોતાની મેળે હોલાતા ભડકાને ઘડી ઘડી વધારે વધારે પ્રદીપ્ત કરતો. પરંતુ તેના ઉપર કોઇની નજરે પડતી ન હતી. માત્ર કારભારીનો દીકરો દુષ્ટરાય, તિરસ્કારને અહંકારભરી બાડી આંખે કોઇ વાર તેના ભણી આઘેથી જોર રહેતો, છાતી કાઢતો, અને એના જેવા કંઇ કંઇ રંક માણસોને તેમની અવસ્થાનું ભાન આવે એવાં અટકચાળાં કરી તથા તાબેદાર માણસો પાસે વણકહ્યે કરાવી, એમ કરવામાં પોતાની પદવી સાર્થક થતી હોય - પોતાનો હક જળવાતો હોય એવો ડોળ કરી દમભેર ચાલ્યો જતો અને તેની પાછળ તેનાં પૂછડાં

ચાલ્યાં જતાં. તેનો બાપ શઠરાય તેના કરતાં કંંઇ વધારે સારો અને અક્કલવાળો હતો. દીકરાના જેવા કામ તે ન કરે એમ ન હતું પરંતુ પ્રયોજન હોય ત્યારે જ કરતો અને ચાલતાં સુધી સ્વાર્થ સિવાય બીજું પ્રયોજન રાખતો ન હતો.

આથી બુદ્ધિધનનો અને તેનો પ્રસંગ જવલ્લે જ પડતો, પરંતુ પડેલા પ્રસંગ સમયે તેણે પરીક્ષા કરી હતી કે આ છોકરો ચંચળ અને બુદ્વિવાળો છે -

અલબત્ત ‘ચંચળ’ અને ‘બુદ્ધિવાળો’ એટલે શઠરાયના પોતાના જેવો તો નહીં જ. પરંતુ આ પરીક્ષાથી બુદ્ધિધનને કાંઇ લાભહાનિનો સંભવ ન હતો. કારણ રહે. તે તેનો સગો અથવા વેરી બેમાંથી એક પણ ન હતો.

જે વરે હતું તે માત્ર રંક અવસ્થાવાળા બુદ્ધિધનના અંતઃકરણમાં ગુપ્ત રીતે બળ્યાં કરતું હતું અને તેને બાપદીકરે અજાણતાં સળગાવેલું હતું. સ્વભાવિક સદ્‌ગુણ વિનાના માણસો બધે ઠેકાણે વિવેક રાખી શકતા નથી અથવા રાખવાનું કારણ જોઇ શકતા નથી. પરંતુ ઇશ્વર તો અજાણ્યે ઠોકર ખાનારના પગમાંથી પણ લોહી કાઢે છે અને અવિવેકનાં ફળ જાણ્યેઅજાણ્યે દેખીતાં કે અણદેખીતાં પણ સર્વ જમીનમાં પોતાનાં મૂળ નાંખે છે. ફળ દેખાયે અજ્ઞાની

માનવ કારણ ન સમજાવાથી ઇશ્વરને માથે આરોપ મૂકે છે અને પોતાનો પાછલો અવિવેક ભૂલી જાય છે અથવા તો તે આ વિવેક અને તેનાં ફળનો સંબંધ જોઇ નથી શકતાં.

વિવેકપ્રધ્વસાદ્‌ભવતિ સુખદુઃખવ્યતિકરઃ ।।૧

ધન્ય છે તેમને કે જેમનાં અંતઃકરણ સ્વાભાવિક રીતે જ સદ્‌ગુણ અને વિવેકનાં કવચ ધારણ કરનાર હોય છે અને જેમની વિવેકબુદ્ધિ દુઃખના અંધકારમાં પણ અંતર્દીપ સળગાવી એકાંત આનંદનો પ્રકાશ ભોગવે છે !

શઠરાય અને દુષ્ટરાયને જોઇ, તેમના અપરાધનો અવસર વિચારી, તેનાં ભાવિ ફળ અને પોતાાનો કોપ વિચારી, કોપની શાન્તિના વખતમાં શાસ્ત્રસંસ્કારી બુદ્ધિધન વિસ્મય પામી આવા આવા વિચાર કરતો હતો.

એક સમયે કારભારીના ઘરમાં તેના મંડળની પાછળ બેઠાં બેઠાં બુદ્ધિધન આ જ વિચારમાં ગરક થઇ ગયો હતો. એટલામા સૌ મંડળ ઊઠી

ચાલ્યું ગયું અને વિચારમાં ને વિચારમાં, નજર આગળથી સ્વપ્ન ચાલ્યું જતું હોય તેમ આ સૌ મંડળના પ્રવાહને વહી જતો શૂન્ય નયનથી જોતો જોતો, બુદ્ધિધન એક બારીના પગથિયા પર બેસી રહ્યો, ઊઠવું ભૂલી ગયો અને એકલો પડ્યો. એટલામાં વાસીદું કાઢનાર એક ચાકર સાવરણી વીંઝતો વીંઝતો આવ્યો અને તેણે હવામાં સાવરણી ઝાપટી માંહ્યનો કસ્તર ઉડાડ્યો કે બુદ્ધિધન ચમકીને જાગ્રત-નિદ્રામાંથી જાગ્યો. સર્વને ગયેલ જોઇ, આળસ

મરડી, હળવે હળવે દરવાજા બહાર નીકળ્યો.

દરવાજામાંથી નીકળતાં એક રજપૂત ગરાસિયો સામો મળ્યો. તેને

માથે મોટું કસબી લપેટાવાળું પાઘડું, હાથમાં રૂપેરી હુક્કો, કસકસી પહેરેલું ઝીણું બુટ્ટાબુટ્ટાવાળું એક અંગરખું, કેડે બાંધી લીધેલા વસ્ત્રમાં જમૈયો, છરો, તરવાર અને એમ કેટલાંક હથિયાર બાંધેલાં, પગે કસકેસલો પાયજામો જેને એડી ઉપર બોરિયાં ઘાલી દીધેલાં હતાં, અને રાતી ભરેલી મોજડીઓ : આ સર્વ પહેરી ગરાસિયો બુદ્ધિધનના સામો આવતો હતો તે ગરાસિયા પાછળ

બીજો એક સાધારણ ડોળનો ગરાસિયો અને એકબે માણસ હતાં. સૌ મંડળ

હળવે હળવે ચાલતું હતું. બુદ્ધિધનને જોઇ અગ્રેસર ગરાસિયો બોલ્યો.

‘કેમ બુદ્ધિધનભાઇ, ક્યાં ચાલ્યા ? કામદાર છે કે ?’

‘પધારો, પધારો, ભૂપસિંહજી ! કામદાર હમણાં જ ગયા.’

મોં કસમોડું કરી ભૂપસિંહજી બોલ્યો : ‘ઠીક ! ત્યારે અમને ફેરો શા માટે ખવરાવ્યો ? ઠીક ભાઇ, ઠીક ભાઇ, ઠીક. આજ એનો પણ દી છે. બુદ્ધિધન ! તમે કેમ હાલ દેખાતા નથી ? હવે અમારે ઘેર કો દિવસ આવતા રહો. કારભારીના ઘરમાં સોનું લાખ મણ હશે, પણ તમારે એમાંથી કાંઇ કામ આવવાનું નથી. આ કામદારને ઊમરે જોડા ઘસવી નાંખશો તેના કરતાં અમારા જેવાને ઘેર કોઇ વખત આવતા રહો તો તમારા જેવાને અમે તો કાંઇ કામ લાગીએ હોં ! પછી તો ભાઇ, તમારી મરજી !’

‘એમ શા વાસ્તે ? ઘણા દિવસથી હું પણ તમારે ત્યાં આવવાનો વિચાર રાખું છું.’

હવેથી બુદ્ધિધનને ભૂપસિંહ સાથે પોતાને પ્રસંગ વધારવા માંડ્યો.

ભૂપસિંહ રાણા જડસિંહનો પાસેમાં પાસેનો પિત્રાઇ હતો. સગીર વયને

લીધે આજ સુધી તેના વંશનો કારભારીઓના વહીવટ તળે હતો અને ગરાસનો વહીવટદાર તથા કારભારી મળી તેની ઊપજમાંથી ખવાય એટલું ખાઇ ગયા હતા. રાણાને પણ પિત્રાઇપણું સાચવવા ભણાવી મૂક્યો હતો.

અત્યાર સુધી ભૂપસિંહને ગરાસમાંથી જિવાય જોગ મળતું હતું. અને સગીર ઉમ્મરમાં જીવ જોખમમાં ન રહે તે મોસાળ જઇ રહ્યો હતો. હાલ તે ઉમ્મરમાં આવવાથી ગરાસનો સ્વતંત્ર વહીવટ પાછો મેળવવા તજવીજ કરતો હતો, અને જીવ જોખમમાં નાંખી સુર્વણપુર આવ્યો હતો. પરંતુ તેને કોઇ દાદ આપતું ન હતું અને સૌ ધક્કેલે ચડાવતા હતા. આથી રાણા અને કારભારીઓ ઉપર તે મનમાં પુષ્કળ વેર રાખતો હતો. પણ તે વેર નપુંસક હતું, કારણ તે કાંઇ કરી શકે એમ ન હતું. હલકા મુત્સદ્દીઓ પાસે બેસી કામ કાઢવાના રસ્તા ખોળતો અને કારભારીને લાંચ આપવા વિના બીજો

માર્ગ તેને કોઇ બતાવતું ન હતું. કારભારી અને તેના જુદા જુદા પાસવાનો

મળી સૌને ઓછામાં ઓછા પચાસ હજાર લાંચના જોઇતા હતા અને એટલો જ દરબારનો નજરાણો જોઇતો હતો.

આવા વખતમાં શત્રુના શત્રુ તે મિત્ર એમ થયું. બુદ્ધિધન ભુપસિંહને અર્થે કારભારી સાથે બાથ ભીડવા હિંમત કરી. ભૂપસિંહને પૈસે ટકે મોસાળમાંથી આશ્રય હતો અને તેમાંથી બુદ્ધિધનને પણ ઘરના નિર્વાહની ચિંતા દૂર થઇ

અને કારભારીઓ સાથે લડતાં ‘હળવટ કે જળવટ’ કરવા તત્પર તયો.

ભૂપસિંહને પણ બીજું કોઇ કારભારીની બીકે મળતું ન હતું. એટલે આ ઠીક પડી ગયું. ગરાસિયો અને મુત્સદ્દી રાત્રે મળતા, વર્તમાન તથા ભવિષ્યનો વિચાર કરતા, અને હજી સુધી કોઇની નજરે ચડે એટલું તેમનું વજન થયું નહોતું.

એમ કરતાં કરતાં બુદ્ધિધન અને ભૂપસિંહનો પ્રસંગ પ્રસિદ્ધ થયો, અને એક સાથે બીજો પણ કારભારીઓના શત્રુમાં લેખાવા લાગ્યો. પોતે કાંઇ પણ દેખીતું કામ કરી શક્યો ન હતો એટલામાં આ પરિણામ થયું જોઇ

બુદ્ધિધનને સારું ન લાગ્યું. આખરે સામાંશસ્ત્ર વાપરવા સજ્જ રહેવાની સજ્જ રહેવાની તેને જરૂર લાગી. સુવર્ણપુરમાંથી ઘર તથા જમીન વેચી અંગ્રેજી હદમાં જમીન લીધી અને લીલાપુર નામના અંગ્રેજી થાણામાં બે જણ જઇ રહ્યા. બુદ્ધિધને કુટુંબ પણ સાથે લીધું. કુટુંબ નીકળ્યું તે દિવસે દુષ્ટરાય

તરફથી સૌભાગ્યદેવીને પકડવા નીચ હુમલો કરવા ધારેલો પાછળથી માલૂમ

પડ્યો તે ઉપરથી કુટુુંબ સાથે લઇ લીધું તે સાર્થક થયું લાગ્યું.

લીલાપુરમાં બન્ને જણાએ જુદાં જુદાં ઘર ભાડે રાખ્યાં. ગામથી એકબે ગાઉના છેટે સરકારી એજંટ કર્નલ બસ્કિન સાહેબ રહેતા. તેમના તાબામાં સુવર્ણપુર, રત્નપુરી તથા બીજાં બેચાર સંસ્થાનો અને સાતઆઠ

તાલુકા હતા. તે સંસ્થાનો દસથી પચાસ લાખ સુધીની જુદી જુદી ઊપજનાં હતાં. સાહેબ જાતે લશ્કરી માણસ હોવાથી આનંદી મિજાજના હતા, શીઘ્ર વિચાર પસંદ કરતા, અને હુકમનો અમલ થતાં ક્ષણ પણ ઢીલ થતી અથવા સામું કારણ કોઇ બતાવે તો અધીરા થઇ જતા અને તપી જતા. સીધો રસ્તો લેવાની જાતે ટેવ રાખતા, સામું માણસ આડે રસ્તે જાય છે એમ

હમેશ વહેમાતા, અને તેવા માણસ સામે સર્વ જાતના ઉપાય લેવામાં ન્યાયબુદ્ધિને નિરુપયોગી ગણાતા. જાતે કામ કરવું હોય ત્યારે સ્વાભાવિક ડહાપણ ભરેલા અને દૂરદર્શી વિચાર કરી શકતાં પરંતુ ઘણુંખરું કામ શિરસ્તેદાર મારફત

લેતા. શિરસ્તેદારને ઘણી મળ્યે ખુશી થતા અને શિરસ્તેદારને હોશિયાર તથા સારા માણસમાં ગણવા લાગ્યા હતા. શિરસ્તેદારની જગા ઉપર હાલમાં એક દક્ષિણી ગૃહસ્થ સદાશિવપંત નામનો હતો. તે અંગ્રેજી સારું જાણતો,

ચાલાક હતો, અને સાહેબનો મિજાજ જાળવી સ્વતંત્ર દેખાવ કરવામાં પ્રવીણ હતો. સાહેબની મહેરબાનીથી એક વખત તેણે શાન્તિગઢની દીવાનગીરી

મેળવી હતી. પરંતુ સાહેબની મહેરબાનીથી આ પદ મળ્યું એટલે એ સંસ્થાનના ઠાકોર પ્રતિ પોતાનો કાંઇ પણ ધર્મ હોય એમ માનતો ન હતો. કેટલાંક કામમાં દરબારી માણસોની ગરજ પડતી તે વખતે તેમને ખુશી કરતો હતો પણ ગરજ સર્યે તેમની પરવા પણ ન રાખતો. આથી એક પણ મંડળ તેને પોતાના વર્ગનો ન ગણતું. ન્યૂસપેપરોવાળામાં આ રીતિથી તેણે નિષ્પક્ષપાત અને ન્યાયીપણાની કીર્તિ મેળવી હતી અને સાહેબ પાસે પ્રતિષ્ઠા વધારી હતી. આથી એના સામી ફરિયાદ કરવાનાં દ્ધાર સર્વત્ર બંધ થઇ ગયાં હતાં અને પોતાની ગુપ્ત ઇચ્છાઓ પૂરી પાડવામાં અને લોભ તથા ઉદ્ધતપણાનો પૂરો અમલ કરવામાં નિરંકુશ બની ‘નામીચો શાહુકાર રળી ખાતો હતો.’

દેશી માણસો લાયક નથી અથવા તો સ્વતંત્રતા જાળવી શકતા નથી અથવાતો તેમનું વજન પડતું નથી એવે એવે બહાને ઘણીક જગાઓ પરદેશી માણસોથી ભરી દીધી અને તે પરદેશીઓમાં દક્ષિણીવર્ગ કરતાં બીજી જાતનાં માણસો જડી આવ્યાં ન હતાં. આખરે ઠાકોર, દેશી મુત્સદ્દીવર્ગ, ગરાસિયાઓ અન રૈયત - સર્વના તરફથી જુલમની બૂમ ઊઠી. પરંતુ રાજ્યના અને ઠાકોરના શત્રુઓ સાહેબ પાસે જતા અને પોતે દેશી છતાંદીવાનસાહેબના ન્યાયથી સંતોષી છીએ એમ બતાવતા એટલે બીજા લોકોની બૂમને સાહેબ ગણકારતા નહીં. પણ એક વખત તો ઠાકોરને પોતાને અપમાન મળવાથી સાહેબને જાતે મળી ફરિયાદ કરી અને કેટલીક ખટપટ જાગી. તેમાંથી સાહેબનો અભિપ્રાય એવો બંધાયો કે દીવાન પ્રમાણિકાપણાને લીધે આ સર્વને ‘મેનેજ’

કરી શકતો નથી એટલે તેને પાછો અસલ જગા ઉપર બોલાવી લીધો. તેનો

‘જાતદરમાયો’ વધારી આપ્યો, અને પ્રસંગ મળ્યે મોટી જગા અપવાવા કહ્યું.

સાહેબની પાસે ન્યાયનું પણ કામ હતું. તે તથા રજવાડી કામ

સંબંધમાં વકીલ મુખત્યારો રાખવામાં આવતા. બુદ્ધિધને સાહેબને મળી પોતાની બુદ્ધિથી ખુશ કરી સનદ મેળવી અને સ્વતંત્ર ગુજરાન જોગ પૈસો તથા એજંસીના અમલદારોમાં જવાઆવવા જોગ મોભો મેળવ્યો. સદાશિવપંત સાથે મિત્રતા કરી અને ભૂપસિંહનું તથા તેનું ઓળખાણ કરી આપ્યું. પંતને સમજાવી દીધું કે ભૂપસિંહને જતે દિવસે ગાદી મળવાનો સંભવ છે અને તરતમાં ગરાસ વાસ્તે કાંઇ ખરચી શકે એમ છે. પોતે પણ ધંધા પ્રસંગે સાહેબ પાસે જવરઅવર વધાર્યો અને ધંધામાં પોતાની પ્રમાણિકતા, ચાલાકી અને વિવેકબુદ્ધિથી સાહેબની પ્રીતિ મેળવી. એટલે સુધી કે સૌની બાબતમાં સાહેબ પંતને પૂછી ન્યાય કરતો, અને બુદ્ધિધનની હકીકત સાંભળે ત્યારે કોઇને પૂછવાપણું રહેતું નહીં. શિરસ્તેદાર અદેખાઇ કરી પોતાના કામમાં વચ્ચે ન પડે માટે બુદ્ધિધણ તેને પણ પ્રથમથી મળતો અને તેનું મન રીઝવતો, અને એટલું કરવામાં પોતે કાંઇ દોષ કરે છે એમ તેના મનમાં ન આવતું.

સદાશિવનો ભૂપસિંહ સાથે સંબંધ વધતો ગયો તેમ તેમ એને બુદ્ધિધનની આડખીલ લાગવા માંડી અને એને ખસેડી જાતે પરભાર્યો સંબંધ કરવા

લાગ્યો. ઉદારતાની રીત બુદ્ધિધને ભૂપસિંહને શોખવી હતી અને એ શિખામણનો અમલ કરવાને પ્રત્યેક પ્રસંગે બુદ્ધિધનને પૂછવામાં આવતું હતું તે બંધ થયું.

બુદ્ધિધને આ સંબંધ બાંધી આપવામાં જુદો જ વિચાર કર્યો હતો. ભૂપસિંહને તરત ગરાસ મળશે તો તે મોજશોખમાં પડશે, તેના મનના ઊભરા નરમ

પડશે, અને સાહેબલોકોમાં તેનો પરિચય વધવાનો પ્રસંગ નહીં રહે, માટે ગરાસને બહાને તેને લીલાપુરમાં વધારે વાર રાખવો, સાહેબલોકમાં તેને જતોઆવતો કરવો, પોતે ત્રાહિત દેખાઇ સાહેબની પાસે તેનાં વખાણ કરવાં, અને શિરસ્તેદારો લાંબા તથા ઉદાર પરિચયની શરમે તથા અગાડીની આશાએ પ્રસંગ પડ્યે કામ લાગે, એવા વિચારથી ગરાસ મેળવવાના ખરા ઉપાય બુદ્ધિધન મુલતવી રાખતો અને આ સર્વ પ્રસંગનો લાભ લઇ ભૂપસિંહની સાધારણ સમજણ સુધારવાની મહેનત કરતો. તેવામાં સદાશિવ તરફથી આ અનર્થ અને જે બુદ્ધિધને તેને લાભ કરી આપેલો તે જ બુદ્ધિધન અને ભૂપસિંહની વચ્ચે ભેદ પડ્યો. આ બાબત જાણે પોતાના કળ્યામાં પણ આવી નથી એવો વેશ તેણે ધારણ કર્યો.

આ સર્વનો પ્રતિકાર કરવા અને ખોટામાંથી કાઢવા હવે તેણે યુક્તિઓ રચવા માંડી. ‘સારો અર્થ અને સારાં સાધણ’ એ નિયમ તેણે સાંભળ્યો પણ ન હતો. સ્વાભાવિક રીતે અંતઃકરણ શુદ્ધ હોવાથી હંમેશાં સારાં સાધન ખોળતો. પરંતુ સારા અર્થને વળગી રહેવાથી જ તેનું અંતઃકરણ તૃપ્ત થતું અને ‘સારે અર્થે ગમે તે સાધન લેવું તેમાં તેનો કાંઇ દોષ સમજાય એવો ઉપદેશ મળ્યો ન હતો અને એમ સુઝાડે એવું કાંઇ પણ તેના સંસારમાં ન હતું. સારાં સાધન ન મળ્યે ખોટાં સાધણ લેવાની તેને જરૂર લાગી. ભૂપસિંહના ઉપર પોતાની સારી અસર કરવી તરત તો છોડી દીધી અને વાતચીતને

માત્ર મોજશોખના વિષયનું સંગ્રહસ્થાન થવા દીધી. સદાશિવ દારૂનો વ્યસની હતો. તે વ્યસનમાં ભૂપસિંહને પડવા દીધો. સદાશિવ સ્ત્રીલંપટ હતો અને એવા પ્રસંગ બુદ્ધિધને જાતે તટસ્થ રહી ઉત્પન્ન કર્યા. ગરાસિયો દક્ષિણીને ત્યાં રાતદિવસ પડી રહેવા લાગ્યો, અને સદાશિવ દિવસે કચેરીમાં જાય

અને રાત્રે બહાર ભૂપસિંહને ઘેર તો જાય તો મેળાપ થવો મુશ્કેલ થવા

લાગ્યો અને ત્યાં ઘડી બે ઘડી એકલો બેસી વાટ જોઇ પાછો જતો અને માત્ર શું થાય છે તે નજરમાં રાખતો. ભૂપસિંહની સ્ત્રી રાજબા આજ સુધી તો સુપાત્ર રહી હતી. બુદ્ધિધન બાબત તેના મનમાં ઊંચો વિચાર હતો. અને તેમાંથી અક્કેના મનમાં કુબુદ્ધિ હતી નહીં. પરંતુ ભૂપસિંહ બહાર રહેતો એટલે હવે આ બેની એકાંત વધારે થવા લાગી. પતિની કુચાલ સાંભળી રાજબાને અસંતોષ અને ઇર્ષ્યા ઉત્પન્ન થયાં, અને મનના વલણે તેને એવી બુદ્ધિ સુઝાડી કે હવે પત્નીધર્મ પાળવા હું બંધાઇ નથી. આથી તેને મોહ થયો અને એક દિવસ બુદ્ધિધણ એકલો બેઠો છે અને રાજબા બેઠી છે, વાતો કરતાં કરતાં થોડીક વાર તે છાની રહી, અને કાંઇક મનમાં આવ્યું એટલે થોડી વાર બુદ્ધિધન સામું જોઇ રહી અને બુદ્ધિધન તેના સામું જોતાં તેનો વિકાર કળી ગયો - અને તેની પવિત્રતા ડગમગવા લાગી. તે ઊઠ્યો

- તે ઊઠી. પોતાની ઇચ્છાવિરુદ્ધ - કોઇકના ધક્કેલ્યાં લાચાર બન્યાં હોય

તેમ બન્ને જણે એકમેકની હાથેલીમાં હાથેલી મૂકી. બન્નેની નાડીઓ વેગવાળી થવા લાગી અને છાતીઓ ધબકવા લાગી, બન્નેનાં શરીર કંપવા લાગ્યાં, વિચારવિવેક હોલાઇ ગયા, મોં બાવરાં બની ગયાં. શરીર તાવવાળાં થઇ

ગયાં, અને સમયનો પ્રેર્યો રાજબાની છાતી પરનો છેડો સરી ગયો. એટલામાં કાંઇક આકસ્મિક ધબકારાનો અવાજ થયો - પરવશ થયેલાં બન્ને જણ

ચમક્યાં, હાથમાંથી હાથ પડી ગયો, ‘કાલ આવીશ’ કહી બુદ્ધિધન વિચારમાં પડી ઘર ભણી ચાલ્યો અને તેને પાછો ખેંચવા - બોલાવવા - દિઙમૂઢ અને પરવશ રાજબાએ હાથ લાંબો કર્યો, મોં પહોળુ કર્યું અને વળી તુરત જ બંધ થઇ ગઇ અને પોતાને ઠેકાણે જઇ બેઠી તથા થોડી વાર વિચારશૂન્ય

બની - વિચારમાં પડી આખરે છાનીમાની રોઇ પડી, અને અંતે નવો અવતાર લીધો હોય એવી મનમાં બની વિલ્વળ મનથી પોતો કામે પડવા યત્ન કરવા લાગી.

બુદ્ધિધન આ બનાવને આપત્તિરૂપ ગણી શોકમાં ડૂબી ફિક્કે મોંએ ઘેર ગયો. તેનાં અંતઃકરણમાં પશ્ચાત્તાપ અગ્નિ પેઠે સળગ્યો. બાઇ માણસ સાથે એકાંતમાં હવે ન રહેવું એવી મનમાં ગાંઠ વાળી. વળી કલ્પનાશક્તિ જાગી અને બનેલા બનાવનો ચિતાર પ્રત્યક્ષની પેઠે મન આગળ ખડો થયો અને સરી ગયેલા ચેડાાવાળી - ટકટક જોઇ રહેતી - ઊઠતી - હાથમાં હાથ

મૂક્તી - આતુર મુખવાળી રાજબા તેના મન આગળ આવી ઊભી રહેતી અને તેના સુવિચારને હાંકી મૂકતી. આમ કરતાં કરતાં ઘરમાં આવ્યો.

માતુશ્રી બેઠાં હતાં તેમનું મુખ એવું ને એવું છતાં બુદ્ધિધનને જુદું લાગ્યું.

પોતે ભ્રષ્ટ અને અપરાધી હોય તેમ છેટે ઊભો રહ્યો અને માતુશ્રીના પવિત્ર

પ્રતાપી મુખ સામું જોઇ ન શક્યો. શયનગૃહમાં ગયો ત્યાં નિર્દોષ સૌભાગ્યદેવી હસતી હસતી સામી આવી અને કણ્ઠે હસ્તદાન કરી પતિવ્રતા પતિને સ્નેહસત્કાર દેવા લાગી. પોતાનો સ્પર્શ તેને દૂષિત કરતો હોય તેમ આ સત્કારનો પ્રત્યાઘાત ન વાળતાં પોતે સ્તબ્ધ ઊભો રહ્યો અને મનમાંથી સ્પર્શ ન કરતો હોય એવી વૃત્તિ અનુભવવા લાગ્યો. આ મારી દેવી - મારી ધર્મપત્ની - એની મેં અવગણના કરી એમ ગણી પશ્ચાત્તાપના અગ્નિમાં બલવા લાગ્યો. વળી એના પવિત્ર નિર્દોષ મુગ્ધ મુખ સામું જોઇ રહ્યો. તેને પોતે છેતરી એ વિચાર તેને સાલવા લાગ્યો. હજુ સુધી આ મારી પાસે જોઇ રહ્યો. તેને પોતે છેતરી એ વિચાર તેને સાલવા લાગ્યો. હજુ સુધી આ

મારી પાસે જોઇ રહ્યો. તેને પોતે છેતરી એ વિચાર તેને સાલવા લાગ્યો.

હજુ સુધી આ મારી પાસે ઊભેલો પતિ આવો દુષ્ટ છે એ જાણતી નથી એવી પ્રતિભા જાગી. વળી એના મુખ ભણી જોઇ રહ્યો - તેમાં કાંઇક નવીન સુંદર લાગવા માંડી. તેની સાથે રાજબાનું મુખ સરખાવવા લાગ્યો

- આખરે નક્કી થયું કે સૌભાગ્યદેવીની કાન્તિ આગળ રાજબા કાંઇ લેખામાં નથી. આવી હલકી સ્ત્રી પર પોતે ઘડીક પણ મોહિત થયો તે સારુ પોતાની કમઅક્કલ પર તિરસ્કાર કરવા લાગ્યો. બુદ્ધિ શાથી ગુમ થઇ ગઇ અને આ હંસીને મૂકી કાગડી પર મન કેમ ગયું એ બાબત બહુ આશ્ચર્ય લાગવા

માંડ્યું. અંતે આ પવિત્ર પતિવ્રતા - મારી દેવી - તે જ મારા સ્નેહને યોગ્ય

છે એમ ગણી તેના સ્નેહને ઉત્તર દેવા બુદ્ધિધનનું અંતઃકરણ તત્પર થયું.

હવેથી ભૂપસિંહને ઘેર જવું નહીં અને જેવું તો રાજબા પાસે અથવા એકલા બેસવુંં નહીં એવો પાકો ઠરાવ કર્યો અને ઇશ્વરે આવી રીતે ગમે તેમ પણ

મહાપાપમાંથી ઉગાર્યો માટે તેનો આભારી બની ગયો, અને મર્દન કરાવી સ્નેહ - તેલ - ચોળાવી નાહ્યું હોય તેમ નિદ્રાવશ જેવું લાગતાં - મનનો ધણી - મનસ્વી પવિવ્રતાની પવિત્ર પાવક અને શાંત સોડમાં ઘસઘસાટ ઊંઘી ગયો. ઊંઘમાં માત્ર તેને જ જોઇ રહ્યો. એના એક સ્વપ્નમાં તો

‘હ્ય્દયમન્દિર’ નામના વિશાળ મન્દિરના સિંહાસન પર સૌભાગ્યદેવી બેઠેલી, તેના મુખ આગળથી ચંદ્રમાના જેવાં કોમળ કિરણ ફૂટતાં હતાં, બુદ્ધિધન પોતે પોતાાને કૃતાર્થ અને ભાગ્યશાળી માનતો દેવીને ઘડી વાર ચામર ઢોળતો હતો, ઘડીક તેનો છડીદાર થતો હતો, અને ઘડીકમાં મન્દિરના દ્ધાર આગળ કલબલાટ મચાવી મૂકી પચાસેક રાજબાઓ આવી ઊભી રહેતી તેને આઘેથી કાઢી મૂકતો હતો. ‘ઊભો રહેજે શઠ !’ કરી તેને હસવામાં મન્દ

પ્રહારે ધોલ મારતી હોય તેમ દેવીનો કોમળ હાથ ઊંઘમાં બુદ્ધિધનના લમણા ઉપર રહ્યો હતો અને તેના રમણીય બિંબાધર નિદ્રામાં મલકતા હતા.

બીજે દિવસ બુદ્ધિધણ રીતસર કામકાજમાં ગૂંથાયો. પણ સંખ્યાકાળ

પડી અને ભૂપસિંહને ઘેર જવાનો સમય થયો એટલે રાજબા સાંભરી, મન ઉત્સુક થયું, પ્રથમ દિવસનો ઠરાવ ભૂલી ગયો અને કપડાં પહેરી બહાર જવાનો વિચાર કરે છે એટલામાં સૌભાગ્યદેવી કાંઇક પૂછવા આવી. તેને જોતાં જ પવિત્ર વિચાર પાછા ઉત્પન્ન થવા અને આટલા સરખા બનાવથી એનું પત્નીવ્રત સદાકાળ અમર રહેવા બચ્યું ! ‘હટ ! હું કાંઇ નથી જતો રાજબાને ઘેર !’ કહી તે બીજે રસ્તે બીજે કામે ગયો અને તે સમયથીએ વિચારરાહુ એના મન આગળ કદી પોતાની મેળે પાછો આવ્યો નહીં. પરંતુ રાજબા સ્ત્રીબુદ્ધિવાળી હતી. તેનું મન આગ્રહી હતું અને તેમાં પકડાયેલી વાત ત્યાંથી ખસતી ન હતી. રજપૂતાણીમાં હિંમત પણ જબરી હતી. વચન આપવા છતાં બુદ્ધિધન આવ્યો નહીં. આજ રોકાઇ ગયો હશે - કાલે આવશે.

કાલ થઇ, ન આવ્યો. પરમ દિવસ થયો. અને ન આવ્યો : એમ સાતઆઠ

દિવસ થયા. અંતે એક દિવસે ભૂપસિંહ ઘરમાંહી રમાબાઇને ઘેર ચાલ્યો એટલે રાજબા પણ તેની પાછળ જોતી જોતી ઇર્ષ્યાભરી જવા વિચાર કરી વિલ્વળ બની ઊઠી અને પુરુષનો વેશ લીધો. કેડે હથિયાર બાંધી લીધાં અને બુદ્ધિધનના ઘર આગળ રાતના આઠ વાગ્યે આવી ઊભી અને સંદેશો કહાવ્યો કે ‘ભૂપસિંહના દોસ્ત રાજસિંહ તમને મળવા આવ્યા છે - કાંઇ એકાંત કરવાની છે.’ બુદ્ધિધન આ નવીન નામ સાંભળી ચમક્યો - ઊભો થયો અને એકલો આગળ આવી ‘આવો, આવો, રાજસિંહ’ કરી તેને પોતાના દીવાનખાનામાં લઇ ગયો. તેનું મોઢું અને પોશાક ન્યાળતાં ન્યાળતાં ઘણાક તર્કવિતર્ક કરવા લાગ્યો અને અદ્‌ભુત આશ્ચર્યમાં મગ્ન થતો બોલ્યો :

‘આ શું ? તમે - અત્યારે - આમ ક્યાં છે ?’

‘બુદ્ધિધન ! તમે સારું ન કર્યું. ભૂપસિંહને તો સદાશિવપંતને ઘેર

મદદ મળવા માંડી અને મને વચના આપ્યા છતાં તમે મદદ ન આપી એ શું મારા તમારા સ્નેહ-’ એમ કહેતાં કહેતાં રાજબા અટકી પડી - પુરુષનો

ચાળો કરી અક્કડ અને ટટાર થઇ હાથ જમૈયા પર મૂકવા ગઇ, પણ તે

સ્ત્રીની પેઠે કેડે અર્ધચંદ્ર કરી મૂક્યો. છાતી કાઢવા ગઇ, પણ અણધાર્યો દેખાવ દીધી અને છેતરાઇ. વળી આંખ ઢાંકી ન રહી.

‘અને તમારો કોલ ! તમારો બોલ ! તમારું વચન !’

‘હું બહુ દિલગીરી છું. ભૂલમાં બોલેલું પળતું નથી. વધારે મોટા કોલને લીધે આ બોલ તોડવો પડે છે.’

‘પણ કાંઇ મારો વિચાર કર્યો ?’

‘તમારો પણ સારો જ વિચાર કર્યો છે.’

‘હા, નક્કી.’

‘ફરી વિચાર કરો.’

‘પૂરો વિચાર કર્યો છે. રામ રામ’ - કરી ગભરાયેલો બુદ્ધિધન ઊઠવા લાગ્યો.

‘હવે જાણ્યો જાણ્યો તમારો વિચાર’ - કરી રાજબાએ બુદ્ધિધનનો હાથ ઝાલી એક ઊંચો તકિયો પડ્યો હતો તે પર બેસાડ્યો અને તેના શરીર સરસો જઇને શરીર ચાંપતી ઊભી. કોણ જાણે ક્યાંથી તેનામાં આ હિંમત આવી. રજપૂતાણી ! ગજબ કર્યો ! બેસતો બેસતો, હાથ લઇ લેતો, શરીર સંકોચતો બુદ્ધિધન બોલ્યો : ‘રાજ - હવે બસ થયું. મને ભુપસિંહ મારફત બોલાવજો. હું આવીશ.’

‘એની બીક લાગે છે ?’ કહી રજપૂતાણીએ ભ્રૂકુટી ચડાવી અને તિરસ્કારભર્યું હાસ્ય કરવા લાગી અને નીચી નમી બેઠેલા ઊઠતા બુદ્ધિધનના ખભા ઉપર હાથ અને હડપચી મૂકતી અડોઅડ ઊભી.

‘બીક ઇશ્વરની ! બીજા કોઇની મને બીક નથી.’

નહીં ચાલે જાણી રજપૂતાણી ડોળા ફેરવતી ઊઠી.

‘ઠીક છે. ઇશ્વરની બીક રાખો. ભૂપસિંહના બોલાવ્યા આવજો.

પણ કોલ પળાવું ત્યારે હું રજપૂતા - ખરો. વારુ, જાઉં છું.’ એમ કહી હાથ તરછોડી, પોતાને શરીરે બુદ્ધિધનના શરીરનો ધક્કો મારી રુઆબબંધ રજપૂતાણી

ચાલી ગઇ.

સહજ વિચાર અને આશ્ચર્યમાં પડી બુદ્ધિધને આ સ્મરણમાંથી હાંકી

મૂક્યું અને કામે લાગ્યો - જાણે કે કાંઇ બન્યું જ ન હોય ! ભૂપસિંહને ઘેર જવું તરત તો એકદમ બંધ કરી દીધું. સુર્વણપુર સુધી કર્ણોપકર્ણ આ નાની સરખી વાત ઊડી. જગત માનવા લાગ્યું કે કાંઇક કારણથી ભૂપસિંહ અને બુદ્ધિધનની મિત્રતા તૂટી, અને કારણ વિષે ગપદેવીએ શેષનાગ જેવા લોકની જીભો ઉપર હજારો ખુલાસા મૂક્યા. બન્ને મિત્રો રસ્તામાં મળતા તો માત્ર

લટકસલામ થતી.

ભૂપસિંહ અને સદાશિવ બેને જુદા શી રીતે પાડવા અને ગરાસિયાને ગરજીલો શી રીતે કરવો તે હવે બુદ્ધિધનનું ગુરુકાર્ય થઇ પડ્યું. એ બેનો સંબંધ કરવામાં પોતે ભૂલ કરી એવું સ્પષ્ટ દીસવા લાગ્યું. અને હવેથી કોઇનો પણ વિશ્વાસ ન રાખવો. કોઇને પણ સારો ન ગણવો, અને પોતાનું તંત્ર કોઇના હાથમાં જવા ન દેવું એવો મોટો ઉપદેશ આટલી નાની બાબતમાંથી

લીધો. ગરાસિયાને પોતાના કાર્યનું સાધન બનાવવા હાથમાં લેવાની જરૂર

લાગી, પરંતુ તેને પણ પોતાના કાર્યનું સાધણ નિર્ણય કર્યો. તેમજ એ પણ શિખામણ મળી કે ભૂપસિંહને ખોટે રસ્તે ન પાડવો. કારણ ખોટે રસ્તે પડનાર માણસ પાડનારની પણ લગામમાં આગળ જતાં રહી શકતું નથી એ અનુભવસિદ્ધ થયું. કદાચિત્‌ લગામમાં રહે પણ તેમ કરવાને પોતાને નીચે રસ્તે જવું પડે એ પણ ખરાબ વાત. જો બુદ્ધિધન રાજબાની વૃત્તિમાંસામેલ

થયો હોત તો ભૂપસિંહને આંગળીના ટેરવા પર રમાડી શક્ત, પરંતુ તે વિચાર શુદ્ધ અંંતઃકરણમાંથી પારાની પેઠે સરી જતો.

એક દિવસ બુદ્ધિધન સાહેબની કચેરીમાં ચાલ્યો જાય છે ત્યાં પોતાનાથી આગળ ભૂપસિંહને જતો દીઠો. રસ્તામાં સદાશિવનું ઘર આવ્યું. મેડીએ બારી પર રમાબાઇ ઊભી હતી. નીચે આવી તેણે બારણું ઉઘાડ્યું, ભૂપસિંહ અંદર ગયો, બારણું બંધ થયું અને બુદ્ધિધન તેની આ દશા જોઇ નિઃશ્વાસ નાખી ચાલતો થયો. કચેરીમાં જઇ પોતે બેઠો તો ખરો પણ મન ચંચળ થયું હતું. એટલામાં સાહેબે બૂમ પાડી - ‘બુદ્ધિધન !’ એકદમ ઊઠી બુદ્ધિધન

ત્યાં ગયો.

સાહેબ એક ટેબલ પાસે ખુરશી પર પીછું મોંમાં ઘાલી બેઠા હતા.

મોંમાંથી પીછું કાઢી સાહેબ બોલ્યા : ‘બુદ્ધિધન ! તમને ખબર છે કે સુવર્ણપુરના ગરાસિયાનો જવાબ રાણાએ ક્યા વરસમાં આપ્યો ?’

બુદ્ધિધન વિચારમાં પડી બોલ્યો : ‘પંત ! બેચાર દિવસ ઉપર જે દક્તર તપાસ સારુ આપ ઘેર લઇ ગયા છો તેમાં એ જવાબ હશે ને તેમાં તારીખ હશે.’

સાહેબ : ‘જાઓ, માણસ મોકલી મંગાવો.’

પંત તાબેદારીથી - નરમાશથી બોલ્યો : ‘સાહેબ ! આજ હું ઓફિસમાં જોઉ છું, ત્યાં નહીં હોય તો કાલ ઘેર જોતો આવીશ.’

સાહેબ : ‘નહીં નહીં, અત્યારે જ માણસ મોકલો કે તમે જાઓ.’

પંત : ‘બુદ્ધિધન ! મહેરબાની કરી કોઇને મારે ત્યાં મોકલશો ?’

બુદ્ધિધનને લાગ મળ્યો. નરભેરામ કરીને એક ખંધો, મશ્કરો, અટકચાળો, અદેખો, બહુબોલો, કોઇની શરમ ન રાખે એવો કારકુન હતો.

રમાબાઇને સ્વતંત્રતા આપવા સારુ પંતની પૂઠ પાછળ તે ટોળ કરતો.

દક્ષિણીઓને ધિક્કારતો અને પંતની કડવી મશ્કરીઓ કરતો. તે પોતાના બીજા કામમાં બહુ લાગતો એટલે પંત આ સઘળું માફ કરતો અને તેને પોતાનો ગણતો. બુદ્ધિધને દસ્તાવેજ ખોળવા તથા લાવવા નરભેરામને શોધી કાઢી મોકલ્યો. નરભેરામ જઇ જુએ છે તો પંતનાં બારણાં બંધ. કોઇને બોલાવવાને બદલે ઉલાળાકૂંચીના કાણામાંથી નીચો પડી જોવા લાગ્યો તો ભૂપસિંહને અંદર દીઠો. કોઇને ખબર કર્યા કે બોલાવ્યા વિના એકદમ પાછો ફર્યો, બુદ્ધિધનના કાનમાં ગમત પામી સમાચાર કહ્યા. એણે પંતને કહેવા કહ્યું, અને પંત સાહેબનાથી જુદી ઓરડીમાં ગયો હતો ત્યાં જઇ નરભેરામ

ઊભો રહ્યો અને મોં પર શોક આણી, ગુસ્સો આણી, મનમાં આનંદ પામી, જાણે કે જીભ ઊપડતી ન હોય તેમ ડોળ કર્યો. આખરે સૌ સમાચાર માગી.

નરભેરાામ કહે, ‘બુદ્ધિધનને પૂછો તો સારું. અ ઉપાય સુઝાડશે. મને તો

લાગે છે કે આ લુચ્ચા ભૂપસિંહની ફજેતી કરવી ને મારવો.’ મનમાં જાણ્યું કે ‘ઠીક લાગાં આવ્યો છે - ભૂપસિંહ તો મરદ છે. બચ્ચા, ફજેતી તો તારી બાયડીની થશે ને સાથે તારી !’ ગભરાયેલા સદાશિવને બુદ્ધિધને ગંભીર,

ચિંતાવાળું અને અજાણ્યું મોં રાખી શિખામણ આપી કે ‘દસ્તાવેજ જડતો નથી માટે જાતે શોધવાની પરવાનગી લઇ ઘેર ચાલો.’ ત્રણે જણ ચાલ્યા.

ગરાસિયાનું કામ અને મારામારી થાય કરી એકબે સિપાઇઓને પણ સાથે

લીધા. બારણાના કાણામાંથી જુએ છે તો ભૂપસિંહ દાદરે ચડતો જણાયો.

કાણામાં જુએ છે એટલામાં વાંકા વળેલા નરભેરામે હાથ પાછળ રાખી નિશાની કરી રસ્તે જનાર-આવનારને પણ ઊભા રાખ્યા. નરભેરામની સૂચનાથી પાડોશીનું ઘર ઉઘડાવી વંડેથી સૌ ચડી ઊતર્યા અને ભૂપસિંહ તથા રમાબાઇને બેઠાં હતાં તે મેડીની જોડેની મેડીમાં સૌ ભરાયા અને પાટિયાં ભરી દીધેલાં હતાં તેનાં વચાળાંમાંથી ત્રણે જણ જાતે અને સિપાઇઓ નજર કરવા લાગ્યા.

સદાશિવની આંખ ફરી ગઇ - લાલચોળ થઇ, તેના ઓઠ ધ્રૂજવા તથા ફડફડવા લાગ્યા ને ગાંડા જેવો દેખાયો. ‘મારું કે મરું’ એ એનો નિશ્ચય થયો તે એણે જણાવ્યો. નરભેરામ પાછળ ઊભો ઊભો કાખલીઓ કૂટવા મંડી ગયો અને બુદ્ધિધનના કાનમાં કહે : ‘હાશ ! ઠીક સ્વતંત્રતાં લેવાય છે.

મડમસાહેબ સાહેબને લાયક છે.’

બારી બહાર લોકો વધારે ભરાયા અને શોરબકોર થયો. રમાબાઇનું ધ્યાન ખેંચાયું અને તેણે ભૂપસિંહને ખબર કરી. ગરાસિયો ચમક્યો. રાતોપીળો થઇ ગયો, મૂછ પર હાથ નાખ્યો અને લોક ઉપર આવે છે એમ સમજી એક હાથે રમાબાઇને બગલમાં ઘાલી બીજે હાથે તરવાર મ્યાનમાંથી અર્ધી બહાર કાઢી અને બોલી ઊઠ્યો : ‘લૂંડિયાં ક્યાં કરનેવાલી હૈ - આ સદાશિવ જાતે આવે કની તો એને તો એને તો ખીસામાં ઘાલું અને તને મારા ઘરમાં રાજબાની સાથે રાખું. મારી તરવાર અચળ છે !’ સદાશિવ ભયભીત થઇ

ગયો. ક્રોધ ઊતરી ગયો, બુદ્ધિધનના હાથ વચ્ચે દયામણે મોંએ પડી ગયો, અને બુદ્ધિધનને તેની ખરેખરી દયા આવી.

‘સદાશિવ !’ તને આને નહીં પહોંચો. અત્યારે દીઠું ન દીઠું કરો.

ગમે તે ગરાસિયો મારશે કે ગમે તો બાયડી ઝેર દેશે. ચાલો, લોકોને કહીએ કે કંઇ નથી એટલે વેરાઇ જાય અને ફજેતી બંધ થાય. સાહેબની પાસેથી બેચાર માસની રજા લઇ દેશ જાઓ. દસ્તાવેજમાં કંઇ ન જડ્યું - કહીશું.

દેશ જઇ રમાબાઇને ગમે તે કરજો. જીવ જોખમમાં ન નાંખો.’ સૌ ગયા.

લોકો ‘હો ! હો !’ કરતા વેરાયા. કેમ વેરાય છ તે અધઉઘાડી બારી કરી રમાબાઇએ જોયું, અને સૌની વચ્ચે પાઘડી ઉપરથી સદાશિવને ઓળખ્યો.

સૌ ગયાપછી ભૂપસિંહ છાનોમાનો ઘેર ગયો અને રાજબા તો જાણે પોતાની જ હોય તેમ તેના ઉપર રોજની પેઠે અમલ ચલાવવા લાગ્યો. પણ રાજબાએ તો રૂસણું લીધું. રમાબાઇની ફજેતી કોઇ માણસે રાજબાને કરી હતી. અને તેણે ઠરાવ કર્યો કે હવે ઝઘડો મચાવી બુદ્ધિધનને ઘેર બોલાવવો.

‘ઠકરાળાં ! હુક્કો ભરો.’

‘અમારું કામ તો એ જ છેસ્તો. બીજાં કામમાં બીજાં’ - કરી રાજબા રોઇ પડી અને બોરબોર જેવાં આંસુ આણ્યાં.

‘આ શું ?’

‘નહીં જાણતા હો ! બુદ્ધિધન જેવા સારા દોસ્તની સોબત છોડી; ગરાસ પાછો મેળવવાનું તો મનમાં જ શાનું હોય ! સદાશિવ જેવા લુચ્ચાની સોબત શોધી અને-’

‘અને શું ?’

‘શું તે એ કે હવે તમારે મારું કામ રહ્યું નથી. હાસ્તો, દક્ષિણી જેવાં રૂપાળાં અમે તે ક્યાંથી હોઇએ ?’

એક પાસ આ સંવાદ શરૂ થયો. બીજી પાસ સદાશિવે રજા માગી.

તરત તેનું કામ ઉપાડી લે એવું કોઇ ઑફિસમાં ન હોવાથી સાહેબે રજા આપવા આનાકામી કરી. સદાશિવને મન હવે બુદ્ધિધન તેનો પોતાનો થયો હતો. એટલે તેને વિનંતી કરી અન બુદ્ધિધને ઉપકાર કરતો હોય તેમ તે કબૂલ કરી તેની એવજીમાં કામ કરવા સ્વીકાર્યું. સાહેબે પણ તે ગોઠવણ પસંદ કરી બુદ્ધિધનને ધાર્યો અર્થ સાધવામાં એક પગથિયું ચડવા મળ્યું.

ભૂપસિંહ હવે એકલો પડ્યો. રમાબાઇ ગઇ. રાજબા બમણું જોર કરી ચાલવા લાગી. રમાબાઇમાં અને સદાશિવામાં ભૂપસિંહનો પૈસો તણાઇ

ગયો હતો અને ગરાસ સાંભરવા લાગ્યો. ગરાસ સાંભર્યો એટલે બુદ્ધિધન પણ પાછો સાંભર્યો અને તેની ગરજ પાછી પડી; પણ ટેક છોડી તેને ગરજ બતાવવી તે મરવા જેવું હતું. પણ રાજબાને રઢ લાગી. તેણે ધણીને મોસાળ

સમાચાર મોકલ્યા. મામાએ કહાવ્યું કે ‘બુદ્ધિધનને શોધો; એ હવે શિરસ્તેદાર થયો છે. આમ બાયલા તઇ બેસી રહો છો અને કુછંદે પડો છો તે ઠીક નહીં.’ ઘરમાં વધારે વખત રહેવાનું થયું ને રાજબાએ પણ પોતાની વાત છોડી નહીં અને કહ્યું કે ‘બુદ્ધિધન સાથે ટેક હોય નહીં; તે આપણા હિતેચ્છુ છે. તમારી કચાલને લીધે તેણે તમને છોડયા છે. તમે સુધર્યા જાણી તે રાજીથશે. હવે તે પદવી ઉપર છે અને તમને કામ પણ લાગશે.’ આખરે ગરાસિયણે જય મેળવ્યો અને એનાથી કાયર થઇ ગરાસિયો ઉદાસ બની બુદ્ધિધન પાસે પાછો જવા આવવા લાગ્યો. એવામાં કંઇક રોગથી રાજબા અચિંતી એકાએક ગુજરી ગઇ, એટલે બુદ્ધિધનમાં આવેલી સાવચેતીથી એ વાત ઉઘાડી પડવા ન પામી.

આ સમયે લીલાપુર આવ્યે બુદ્ધિધનને પાંચેક વરસ થઇ ગયાં હતાં.

સૌભાગ્યદેવીને વર્ષ દિવસની એક દીકરી થઇ હતી. પડોશમાં એક બંગાાળીબાબુ

મુસાફરીએ આવેલો રહેતો હતો. તેની વહુનું નામ સૌને નવું નવું લાગતું હતું અને ગમી ગયું હતું એટલે તે ઉપરથી ડોસીએ દીકરીનું નામ અલકકિશોરી રાખ્યું. વળી થોડાક દિવસ થયાં એક પુત્ર પ્રસવ્યો હતો. તેની રાશિ પપ્પા ઉપર હતી. એટલે બાપના નામ સાથે મળતું આણવાને પ્રમાદધન નામ

રાખ્યું. છોકરો નાનપણમાં માતુશ્રીના ખોળામાં હાલવાચાલવા વગર ઘેનમાં પડી રહેતો એટલે પ્રમાદધન નામ બાપને પણ ગમી ગયું. આ સર્વ વર્તમાન પછી બુદ્ધિધનને શિરસ્તેદારની જગા મળી જોઇ માને સંતોષ થયો અને પોતો ભાગ્યશાળી ગણતી ડોસી પુત્ર પૌત્ર અને વહુની નજર આગળ

ગુજરી ગઇ અને ગુજરતાં પહેલાં દીકરાએ, હવે કારભારની બાબતમાં જીવ ઊંચો ન રાખવા માને કહ્યું અને તેનો જીવ ગતે જાય.

દીકરાવહુન માતુશ્રી ગયા પછી ઘર સૂનું લાગવા માંડ્યું અને બન્નેને ઘણું દુઃખ થયું. પણ દીકરાને કચેરીના કામમાં અને વહુને છોકરાંછૈયાંની જંજાળમાં સૌ ભૂલી જવું પડ્યું. ચકોર, બુદ્ધિશાળી, અને ડાહ્યાં માતુશ્રી વગર છોકરાં બરોબર ઊછરવાનાં નથી એ વિચાર બુદ્ધિધનના મનમાં ઘણી વાર ઊઠતો. પોતાને એ બાબતમાં કાંઇ કરવા નવરાશ ન હતી, અને સૌભાગ્યદેવી પતિવ્રતા અને હેતાળ હતી પરંતુ સંસારવ્યવહારમાં તેની બુદ્ધિ ઝાઝી ચાલતી નહીં અને ડોસી હતાં ત્યાં સુધી કાંઇ ચિંતા માથે પડી ન હતી. ડોસી પાસે ઘરકામમાં માહેર તઇ હતી પરંતુ છોકરાં કેમ ઉછેરવાં તે શીખવાનો પ્રસંગ આવ્યો ન હતો અને પોતાને ઉછેરી તે સરત રાખવા જેટલી બુદ્ધિ ન હતી તો પોતાની મેળે ચલવવા જેવી બુદ્ધિ તો ક્યાંથી હોય

? તે બિચારી, સાદી, ભોળી, સારા વિચારની, સાધારણ સમજવાળી, અને જગતને સાસુ ને વરના જેવાં સારા માણસોથી ભરેલું માનનારી હતી.

પતિવ્રતાપણું તેને સ્વાભાવિક થઇ ગયું હતું અને જગતની ગાડી પોતાની

મેળે જ ચાલી જાય છે તેને ધક્કેલવાની થઇ ગયું હતું અને જગતની ગાડી પોતાની મેળે જ ચાલી જાય છે તેને ધક્કેલવાની જરૂર કદાપિ પણ પડતી હશે એનું તેને ભાન પણ ન હતું. આવી સ્ત્રીથી બુદ્ધિધન પોતાને સુખી

માનતો. શિરસ્તેદારની જગા અને આવો નિષ્કંટક સંસાર એ બે જેટલા દિવસ નભ્યાં ત્યાં સુધીના જેવા દિવસ બુદ્ધિધનના આખા જીવતરમાં પહેલાં કદી જોવામાં આવ્યા ન હતા. કચેરીમાં આવ્યા પછી વહુની પાસે બેસી છોકરાંને રમાડતાં રમાડતાં, રાત્રે ઊંઘેલાં છોકરાંનાં મોં ન્યાળી ન્યાળી દેવી સાથે આનંદ ભોગવતાં, સવારે પવનની મીઠી લહેર બારીમાંથી આવતી હોય તે વખતે તેના ગાલ ઉપર કોમળ હાથ મૂકી દેવી જગાડે અને છોકરાંને હળવે રહી જાગે નહીં એમ આધાં ખસેડી ઊઠતાં ઊઠતાં - આવા રમણીય

દિવસો ફરી આવવાના નથી એ વિચાર ઘણી વાર બુદ્ધિધનને થતો અને તે વિચારના આનંદનો ઊભરો સૌભાગ્યદેવીને અથવા છોકરાંને આલિંગન દઇ

કાઢતો.

સદાશિવ પંત રાજા ઉપર ગયો અને પોતાના દેશમાં એક સારી નોકરી શોધી કાઢી. બસ્કિન્‌ સાહેબે સારું સર્ટિફિકેટ મોકલ્યું અને બુદ્ધિધનને કાયમ કર્યો. રજવાડાંઓમાં એનું માન વધ્યું. ભૂપસિંહનો અને એનો સંબંધ

તૂટ્યો હતો એટલે સુવર્ણપુરમાં પણ આ નિમણૂક પસંદ કરવામાં આવી અને ત્યાંના મંડલ સાથે બુદ્ધિધને સંબંધ વધારવા માંડ્યો. પ્રસંગે પ્રસંગે નવા શિરસ્તેદારે સુવર્ણપુર જવા માંડ્યું અને કારભારી મંડળ તરફથી માન અને પૈસા મળવા માંડ્યા. દુષ્ટરાય તેની ખુશામતામાં અગ્રેસર થયો અને જડસિંહના દરબારમાં શઠરાયની જોડની જગા ઉપર તેને બેસાડવામાં આવતો.

પ્રસંગે પ્રસંગે સૌની પાસે બુદ્ધિધન પૈસા કઢાવતો અને આ દુષ્ટ લોકો સાથે આવો વ્યવહાર રાખવામાં તેને કાંઇ અણઘટતું ન લાગતું. વળી આ સૌનો

લાભ લઇ સુવર્ણપુરના રાજમહેલની ખટપટો જાણી લેવાય એવા સંબંધ

બાંધવા માંડ્યા અને તે કાર્યમાં શઠરાય પાસેથી મળતા દ્રવ્યનો ઉદાર હાથે ઉપયોગ કરતો. હજુ સુધી શઠરાયનો સંપૂર્ણ વિશ્વાસ તેના ઉપર થયો ન હતો.

જડસિંહને એક ખોટો દીકરો પર્વતસિંહ નામનો હતો. શઠરાય તેને તેનાં ખરાં માબાપ બતાવી કાઢી મુકાવવાની ધમકી આપી કબજીમાં રાખવાનું કરતો તેથી તે કંટાળેલો હતો. શઠરાયના પહેલાંના કારભારીનો દીકરો ગરબડદાસ નામનો આજ વહીવટદાર હતો અને તેણે પર્વતસિંહને સાધ્યો હતો. ગરબડદાસ ઘડીએ ઘડીે લોકો પાસે શઠરાય સામે સરકારમાં અરજીઓ કરાવતો. આ લોકોએ પણ બુદ્ધધનને સાધવા માંડ્યો. ભૂપસિંહને ગાદીએ બેસવામાં આ ખોટા પર્વતસિંહની આડખીલી હતી. બુદ્ધિધને પોતાની પાસે આવતી ખટપટનો ભેદ શઠરાયને તેનો પોતાનો થઇ જણાવ્યો અને ત્યાર પછી શઠરાયને બુદ્ધિધન ઉપર વિશ્વાસ ચોંટ્યો; પોતાની ખાનગી બાબતોમાં તેની કંઇક સલાહ લેવા લાગ્યો, અને કામનો માણસ ગણી દરબારમાંથી પૈસા ખવડાવવા લાગ્યો. શઠરાયે આખરે પર્વતસિંહનું કાટલું કરાવ્યું અને ગરબડદાસને બરતરફ કર્યો. ગરબડદાસ બુદ્ધિધન ઉપર વિશ્વાસ રાખતો, કારણ પોતાનો ભેદ એનાથી ફૂટ્યો હશે તેની એને ખબર ન હતી. હવેથી ગરબડદાસ પોતાની વાતો તથા શઠરાયની વાતોની બાતમી બુદ્ધિધન પાસે

મૂકતો. શઠરાય એમ સમજતો કે બુદ્ધિધન આ બન્ને લુચ્ચાને ઠગવામાં પાપ ન ગણાતો અને પોતાનું છેવટ કાર્ય વાજબી કાર્ય વાજબી હતું એટલે શઠં

પ્રતિ શાઠ્યં કુર્યાત એ ધોરણેને અનુસરતો.

હવે પર્વતસિંહ ગયો એટલે જડસિંહને બીજો કુંવર ઊભો કરી આપવાની જરૂર કારભારીમંડલને લાગી. માત્રાઓ, ધાતુઓ અને રસાયણો ખાઇ ખાઇ અતિભોગ કરી જડસિંહે પુરુષત્વ હીન કરી દીધું હતું અને રાણીઓ યથેચ્છ વર્તતી હતી. કોઇ પણ રાણીને ખરો પુત્ર થાય તો તે રાણીનું તેમ જ તેના યારનું જોર વધે અને પોતાનું જોર કમી થાય એ શઠરાયને અનિષ્ટ હતું, અને પોતાના કબજામાં રહે એવો ખોટો પુત્ર ઊભો કરવા તેણે યુક્તિઓ કરવા માંડી. આ વાત બુદ્ધિધનને કાને આવી હતી પરંતુ કારભારીઓની મારફત આવી ન હતી. ભૂપસિંહ સાથે ઉઘાડો સંબંધ

પોતે રાખી શકે એમ ન હતું એમ એ માણસ બીજાના હાથમાં જાય એ સારું નહીં એ અનુભવે સિદ્ધ કરી આપ્યું હતું. કારભારીમંડળથી વિરુદ્ધ ન દેખાવું, પણ વિરોધ કરવાના સાધનની આવશ્યકતા હતી. ગરબડદાસ કાંઇ કામ

પ્રસંગે લીલાપુર આવ્યો ત્યારે બુદ્ધિધનને મળ્યો અને બે જણ ભુપસિંહને

મળ્યા. રાણીની ઇચ્છા સિવાય ખોટો પુત્ર થાય નહીં માટે તે કાર્યમાં પટરાણીને સામેલ કરવા યુક્તિઓ ચાલતી હતી તે ગરબડદાસે કહ્યું. પર્વતસિંહ ગયો એટલે ભવિષ્યનો લોભ કરી સુવર્ણપુર ખાતે ભૂપસિંહના ગુપ્ત દૂતનું કામ

કરવા ગરબડદાસે માથે લીધું અને ભૂપસિંહને હાથમાં લઇ શકે નહીં એમ

છેટે રહી તેનું કામ કરનાર માણસ મળ્યું જોઇ બુદ્ધિધનની ઇચ્છા સફળ થઇ.

ગરબડદાસને સલાહ પૂછવાનું ઠેકાણું બુદ્ધિધન થયું.

જડસિંહની પટરાણી ઊંચા કુળની હતી અને કારભારીની ખટપટ પસંગ કરતી ન હતી. પરંતુ આખરે તે લોભમાં લેવાઇ અને જગતમાં

પ્રસિદ્ધ થયું કે તેને દિવસ છે. ભૂપસિંહ અને ગરબડદાસ ઉપરાઉપરી સાહેબ પાસે અરજીઓ કરવા લાગ્યા કે સીમંત ખોટું છે, પણ કારભારીઓ મૂછે તાલ દઇ ફરતા પરંતુ મનમાં ડરતા. એક પ્રસંગે શઠરાય લીલાપુર આવ્યો અને બુદ્ધિધનની પરીક્ષા કરવા વાત કાઢી અને ગરબડદાસની અરજીઓ બાબત ફરિયાદ કરી. બુદ્ધિધન કહે : ‘જખ મારે છે : એમ તો હાથી પછવાડે કૂતરાં ઘણાં ભસે. આ તો ઠીક છે કે આપણી વાત સાચી છે, પણ કોઇ વખત એવોયે હોય કે આપણે કેમ કરવુંયે પડે. આપણે પણ આપણી સ્વાર્થ છે.’ આટલી વાતથી કાંઇ શઠરાયે ભેદ આપ્યેે નહીં. અને બુદ્ધિધનના બોલ્યામાં તેને કાંઇક વહેમ પડ્યો પણ તે જતો રહ્યો.

ભૂપસિંહનો ગરાસ હજી સુધી દરબાર પાસે હતો. ભૂપસિંહ અને એનાં ભાઇબહેનનાં લગ્ન, તેમનાં માબાપનાં ક્રિયાખરચ, ઇત્યાદિમાં ઘણં ખરચું કરવું પડ્યું છે, દુકાળ ગયા, અને એવાં એવાં નિમિત્તે કાઢી તો જડસિંહનો કારભારી ભૂપસિંહ પાસે દરબારનું લેણું કાઢતો હતો અને તે વસૂલ કરવાને નિમિત્તે પોતાની વહીવટ લંબાવતો હતો. બુદ્ધિધનને ચાલતા અરસામાં ભૂપસિંહ પાસે આ વહીવટ પાછો લેવા બસ્કિન સાહેબને અરજી

કરાવી. બુદ્ધિધને તે અરજી શઠરાયને દેખાડી. હા ના કરતાં સુવર્ણપુરના દરબારમાંથી બુદ્ધિધનને પચાસ હજાર રૂપિયા મળ્યા અને ભૂપસિંહને ગરાસ ન મળવ દેવાનું તેણે માથે લીધું. વાતમાં વાત કરતાં અને પોતાનો ભરોસો ઊપજ્યોહતો તેથી કારભારીઓએ ક્યા ક્યા ચોપડા કેવી કેવી રીતે જૂઠા રાખ્યા હતા અને હિસાબ કેવી રીતે રાખ્યો હતો તે સમજવાની તક મળી અને તે તકનો ઉપયોગ કર્યો. સાહેબને અષ્ટંપષ્ટ સમજાવ્યો, હિસાબમાં કૂંડાળાં વાળ્યાં, અને બીજાં પાંચ વરસ સુધી ગરાસ દરબારના હાથમાં રહે એવો ફેંસલો થયો. પચાસે હજાર ભૂપસિંહને ગાદી મેળવવામાં વાપરવાના હતા તે એને ખબર હતી એટલે એ લોકમાં બડબડ્યો પણ મનમાં સંતોષ પામ્યો.

ભૂપસિંહ અને બુદ્ધિધનને કાંઇ સગપણ નથી અને બુદ્ધિધન પૈસાથી જિતાય એવો છે એવું હવે શઠરાયને સ્પષ્ટ લાગ્યું અને તેને હૈયે નિરાંત વળી. હવે તો સુર્વણપુર આવે ત્યારે શિરસ્તેદારને આગ્રહ કરી કારભારી એકબે વાર પોતાને ઘેર જમાડે અને તેની સાથે ગપાટા હાંકે અને બીજાં

માણસો પણ શિરસ્તેદાર સાથે હળી ગયાં. હળવે હળવે કારભારીનાં ઘરનાં સૌ માણસોને અને તેમની ઘણીક વાતોને બુદ્ધિધન જાણી ગયો. નરભેરામ

પણ તેની સાથે આવતો અને એ ઘરનાં છિદ્ર શોધી કાઢી, જાણી, આનંદ

પામતો.

દુષ્ટરાયની બહેન ખલકનંદા હતી અને વહુ રૂપાળી હતી. ખલકનંદા સાસરે જાય ત્યારે એક જમાલખાન નામનો સિપાઇ ફાનસ લઇ તેને મૂકવા જતો. જમાલખાન ગાતો તથા ચિત્ર કાઢતો અને વાળબાળની ટાપટીપ કરતો. સાસરે જતાં જતાં ખલકનંદા કોઇક પહેરી જમાલખાનને ઘેર પણ જાય અને ઘડી બે ઘડી કાઢે. કોઇ વખત મરદનો લેબાસ પહેરી જમાલખાનને હાથે વળગી ગેલ કરતી કરતી રાત્રે ફરવા પણ જાય. રૂપાળી વહુને જુદો રસ્તો સૂઝ્‌યો હતો. દુષ્ટરાય ફોજદાર હતો એટલે ગામ પરગામ ફરવા જતો અને ઘરમાં રૂપાળી વહુ સાથે મેરુલો નામનો રજપૂત સિપાઇ રહેતો. ઘરમાં એકાંત પડે એટલે મેરુલો દુષ્ટરાયના શૃંગારગૃહમાં બિરાજતો. ચિકિત્સાખોર નરભેરામને આ બન્ને નાટક કંઇક જોયામાંઅને બાકી સાંભળ્યામાં આવ્યાં હતાં અને બુદ્ધિધનને તેણે કહ્યાં હતાં. બૈરાંના વિશ્વાસું, પુરુષોના વિશ્વાસુ થઇ ગયા હતા. જમાલખાન પર શઠરાયનો અને મેરુલા ઉફર દુષ્ટરાયની વિશ્વાસ હતો અને પટરાણીને છૂટાછેડાના દિવસ પાસે આવ્યા એટલે કુંવર શોધવાનું કામ આ બન્ને વિશ્વાસુ ગૃહસ્થો ઉપર પડ્યું. જમાલખાન અને

મેરુલો સ્વાભાવિક રીતે એકબીજાના પ્રતિસ્પર્ધી હતા અને આ કામમાં વધારે થયાં. જમાલખાને એક તરકડીનો છોકરો શોધી કાઢ્યો અને મેરુલાએ એક કોળી શોધી કાઢ્યો. તરકડો રૂપાળો હતો અને શઠરાય પાસે જમાલખાનનું

ચાલતું હતું મારે તરકડો પસંદ પડ્યો અને મેરુલો નિરાશ થયો.

બુદ્ધિધનની સૂચનાથી ગરબડદાસે આ બે જણા સાથે પરિચય કર્યો હતો અને એક દિવસ મેરુલો ખીજવાયેલો નિરાશ બનેલા ગરબડદાસ સાથે ગપ્પાં મરવા બેઠો અને વાએ ચડ્યો તેમાં કાંઇક લવી ગયો. લાલચ આપી વધારે ભેદ લીધો. એકદમ ગરબડદાસ લીલાપુર આવ્યો અને બુદ્ધિધનની સલાહ અને સૂચનાઓ વધતી ગઇ. આ તક ન જવા દેવી - વખત ખોવો નહીં એમ ઠરાવ થયો સાહેબની પાસે અરજી થઇ અને તેમાં ભૂપસિંહ બંદોબસ્ત માગ્યો. એકદમ સવારો મળતાં તેને લઇ ભૂપસિંહ અને ગરબડદાસ જડસિંહને મહેલ ગયા, સાહેબનો કાગળ દેખાડી દેખાડી અંદર ધસ્યા, અને જડસિંહ સાથે એકાંત માગી જડસિંહને સમજાવ્યો : ‘સાહેબને બધી ખબર પડી છે તમે આ કામમાં સામેલ રહેશો તો જીવતાં ગાદી જશે. મરતાં ગાદી કોને જાય તેની તમારે શી ચિંતા છે ? પિતરાઇને મૂકી તરકડાને ગાદી જાય

તેમાં તમારી આબરૂ નથી - અને પરલોકમાં તમને લાભ નથી. કાલ સવારે તમારે ખરો છોકરો થશે તો તેને મૂકી ખોટાને સોંપવું પડશે. અમને સાહેબે

મોકલ્યા છે. દેવો હોય તે જવાબ દેજો. તમે જાણો. તમારે માથે જુમ્મો છે.’

જડસિંહ સાહેબનું નામ સાંભળી ગભરાઇ ગયો. કાગળમાં સાહેબના નામનો શેરો હતો અને ભૂપસિંહની વાત સાંભળી તેનેયોગ્ય ખુલાસો કરવામાં આવશે એવી આશા બતાવી હતી. જડસિંહ કહે : ‘આ બાબતમાં હું કાંઇ જાણતો નથી. કારભારીને પૂછી જોઇશ અને ખુલાસો લખી મોકલાવીશ. ભૂપસિંહના કરતાં કોળી તરકડાંનાં છોકરાં મને વધારે વહાલાં નથી. હું મારાથી ચાલતો બંદોબસ્ત કરીશ.’

ગરબડદાસ : ‘પણ આજ રાત્રે જ સૌ નક્કી થઇ જાય તો ?’

જડસિંહ : ‘ભાઇ, કોણ જાણે. હું તો કારભારીને કહીશ એ જાણું.

હું બીજું શું કરું ?’

ગરબડદાસ : ‘ત્યારે તમારાથી જાતે મદદ નહીં થાય ?’

જડસિંહ : ‘જાતે તે હુંં કાંઇ પોલીસનું કામ કરું ? મલો કારભારીને.’

આવ્યા હતા તેવી જ ઝડપથી સૌ જણ ઘોડા દોડાવતા પાછા દોડ્યા.

સુવર્ણપુરમાં ગભરાટ થઇ રહ્યો અને કારભારી રાજમહેલે આવ્યા. રાણાએ વાત કહી તેથી સંતોષ ન વળ્યો અને આમ આવ્યા અને આમ ગયા તે કંઇ

આટલાથી સંતોષ પામી ન જાય એમ ધાર્યું. લીલાપુર અને સુવર્ણપુર વચ્ચે ઝાઝું છેટું ન હતું. ગરબડ તરત પહોંચ્યો અને બુદ્ધિધનને સમાચાર કહી બોલ્યો : ‘રાણો જાતે કાંઇ કરી શકે તેમ નથી તે તમને ખબર છે. કોળી ને તરકડાં એટલું તો એના મોંમાંથી નીકળી ગયું. વાત મુદ્દે ખરી છે. ત્યાં વધારે રહેવાથી લાભ નથી જાણી એમ પાછા આવ્યા.’

થોડી વારમાં શઠરાયનું માણસ દોડતે ઘોડે આવ્યું અને તેની સલામ

કહી બુદ્ધિધન પાસે બાતમી માગી. બુદ્ધિધન કહે : ‘મારાથી આ બાબતમાં ઝાઝો ભેદ ખોલાય નહીં. કંઇક ગોલાંતરકડાંના છોકરાંની વાત અને કારભારી જાણે છે એવી વાત રાણાજીએ કરી છે. બીજું સૌ સાહેબ જાણે. શઠરાય

તરત સૌ માંડેલી વાત બંધ કરશે તો ઠીક છે. માણસ ગયું. બુદ્ધિધન પાસેથી બે હજાર રૂપિયા લઇ ગરબડદાસે મેરુલાને આપ્યા અને તેની મદદથી તરકડીનું ઘર શોધી કાઢ્યું ને એકબે સવાર ત્યાં રાખ્યા અને પોતે, ભુપસિંહ અને એકબે સવાર રાણીના મહેલની પડોસમાં સંતાઇ રહ્યા. કારભારી ગભરાઇ

ગયો. વધારે વાર લગાડવાથી વધારે તપાસ થશે અને માણસ ફૂટ્યાં એટલે ભોપાળું બહાર પડશે અને સાહેબ અગાડી તપાસ કરાવશે તો રાણાનું ઠેકાણું નહીં એટલે કોણ જાણે શું પરિણામ થાય રાણીને દિવસ છે એવું જાહેર કર્યું હતું માટે પોતાનું મંડળ એકઠું કર્યું. રાત્રે ને રાત્રે વિચાર કર્યો અને એકબે દિવસમાં રાણીને મૂએલી દીકરી આણી દટાવી દીધી તથા જીતવો કુંવર આણવાનો વિચાર સૌ વાત ટાઢી પડ્યા પછી કરવાનો રાખ્યો.

એવામાં બસ્કિન સાહેબ તરફથી પત્ર આવ્યો તેમાં જડસિંહને ખોટા પુત્રની બાબતમાં લખ્યું હતું કે :

‘આ બાબત સાંભળી હું ઘણો દિલગીર થયો છું. મારે તમને કહેવું જોઇએ કે આ ખટપટમાં તમારા કારભારીઓ સાથે તમે પણ સામેલ હશે એવો વહેમ આણવાનું અમને તમારા તરફથી મજબૂત કારણ મળ્યું છે. આ વખતો આ બાબત સરકારમાં લખવામાં નથી આવતું પણ બીજી વખત આવો પ્રસંગ આવશે તો તમારા હકમાં સારું નહીં થાય એ યાદ રાખવું.

વળી તમને સૂચના કરવામાં આવે છે કે હવેથી તમારા અંતઃપુરમાં કોઇ

પણ રાણીને દિવસ હોય તો પ્રથમથી આ એજંસીમાં સમાચાર આપવામાં આવે. આ સૂચનાનો અમલ કરવામાં કાંઇ પણ શિથિલતા દેખાડવામાં આવશે તો તમારા વિરુદ્ધ શંકા સબળ થશે અને સરકારને ખબર કરવામાં આવશે.

માટે આશા રાખવામાં આવે છે કે આ વિષે તમારા કારભારીઓ તરફથી સતત બંદોબસ્ત થશે. આ તુમારની નકલ એજંટના ખાસ દફતરમાં રાખવામાં આવશે.’

આ પત્રથી સર્વ મંડળ નરમ બની ગયું અને તેના ઉત્તરપ્રત્યુત્તર થોડાક થયા. પરંતુ મૂળ પત્રની અસરનો પટ સૌના મનમાં કાયમ બેસી ગયો.

કારભારીની આ સૌ વાત થયા પછી થતી સૌ બાતમી મેળવવાનાં સાધન હવે બુદ્ધિધને ગરબડદાસ મારફત કરી આપ્યાં અને શઠરાયે આપેલા રૂપિયા તેનું જ ઘર ફોડવાનાકામમાં લાગવા માંડ્યા. નવો કુંવર કરવાનો વખત આવતાં પહેલાં કોણ જામે કાંઇ ખટપટથી કે કોણ જામે કાંઇ રોગથી જડસિંહ અચિંત્યો ગુજરી ગયો. તેની બાતમી એકદમ લીલાપુર પહોંચી અને સુવર્ણપુર ઉપર જપ્તી બેઠી. રાણીઓના મહેલ, તિજોરી, દફતરખાનું, સૌ ઠેકાણે ચામડાનાં જીવતાં તાળાં દેવામાં. ભૂપસિંહને રાજ્ય મળવાની સામગ્રી

ચાલવા માંડી. તેના ઝૂંપડા જેવા ઘર આગળ ચોબદારો અને અમલદારો જઇ

ઊભા રહેવા લાગ્યા. પોતે કરેલા અપરાધ માફ કરાવવા શઠરાપ જાતે બુદ્ધિધનને ત્યાં ફેરા ખાવા લાગ્યો. ગરબડદાસનો દોર વધ્યો. મહાસંપત્તિનો સૂર્ય ઊગતો જોઇ બુદ્ધિધનની ગંભીરતા ખસી નહીં અને તેનામનમાં ઉદ્યોગને ઉત્સાહને ઊભરે ઢાંકી દેવાયો. નહીં. તે મોહમાં પડ્યો નહીં, ઉતાવળો થયો નહીં અને આંધળો બન્યો નહીં. સંપત્તિના સૂર્યને વગર ઝાંઝવે, વણઅંજાયે, સ્થિર વૃત્તિથી જોવા લાગ્યો. ભૂપસિંહની સંપત્તિ સાથે એને સંબંધ છે તે એના અને ભુપસિંહના વિના બીજું કોઇ જાણતું નહીં. સર્વની આંખે એ ત્રિકાળમાં શિરસ્તેદાર જ ભાસતો.

સાહેબના તરફથી અભિનંદનપત્ર લઇ બુદ્ધિધન ભૂપસિંહને મળ્યો.

ભૂપસિંહનું અંતઃકરણ ઉપકારથી ભરાઇ આવ્યું. ‘મારા રાણા ! સુવર્ણપુરના સ્વામી !’ એટલા શબ્દ ગદ્‌ગદ કંઠે બોલી બુદ્ધિધન હર્ષનાં આંસુ સારતો ભૂપસિંહના સામું જોઇ ઊભો રહ્યો. ભૂપસિંહ એકદમ તેને ભેટી પડ્યો અને જોરથી બાઝ્‌યો. ‘બુદ્ધિધન ! તમારે લીધે આ દિવસ આવ્યા ! તમારો આભાર મારાથી નહીં ભુલાય ! હા ! હવે હું રાજા અને તમે પ્રધાન અને પાછલા દિવસ ભૂલી નવા દિવસ બંને જણ જોઇશું.’ નવા રાણાના મનના આવેગને, તેમ જ પ્રસંગે સ્મરણમાં આણેલા પોતાના વૈરભાવને, મનસ્વી પુરુષે રોકી રાખવાનું યોગ્ય ધાર્યું. અભિષેકકાળનું મંગળાચરણ કોઇનું નુકસાન કરી કરવું, નવો રાણ પોતાની ખાનગી સ્થિતિનાં જૂનાં વેર તાજાં કરશે એ આશા સાહેબના મનમાં ઉત્પન્ન કરવી, અને સત્તાથી હજી ન ખસેલા જૂના અમલદારોની મનમાંની બીક ખરી પાડી તેમને બુમાટો કરવાનું દેખીતું કારણ આપી તેમની પ્રપંચબુદ્ધિના વીર્યને ઉત્તેજિત કરવું : આ અને બીજાં પરિણામોના વિચાર બુદ્ધિધનના મગજ આગળ તરી આવ્યા અને તે પરિણામો ન થાય

એવો તેણે માર્ગ પકડ્યો. ‘કાલે તમે સાહબને મળવા આવો, લીલાપુરમાં ર્યા તેના સ્મરણ વાસ્તે અહીંયા અંગ્રેજ શાળા કાઢી અને સુવર્ણપુરમાં ‘બસ્કિન્‌

બાગ’ કરાવી તમારા અભિષેકનું મંગળાચરણ કરવાની વાત કાઢો, જૂના અમલદારોને કાયમ રાખવાનો વિચાર જણાવો, અમે તમારે વિશ્વાસ રાખી શકવા લાયક પ્રમાણિક અને સારું બહારનું માણસ તમારા અંગનું કરી રાખવા સાહેબ પાસે માગો. અને ‘બુદ્ધિધન ઉપર આપનો વિશ્વાસ અનુભવથી થયો હોય તો તેને આપો નીકર બીજા કોઇને’ એમ સૂચના કરો. આ રીતે બુદ્ધિધને કહ્યું. તે પ્રમાણે થયું. ભૂપસિંહ વાસ્તે બસ્કિન્‌ સાહેબનો અભિપ્રાય

ગરાસના પ્રસંગમાં કાંઇક ઠીક બંધાયો હતો અને તેની અવસ્થા જોઇ દયા ઊપજી હતી. તેમાં આ પ્રસંગે તેના મુખમાંથી આવા સારા વિચાર નીકળતા જોઇ સાહેબ ઘણા જ પ્રસન્ન થઇ ગયા, તેને વાસ્તે સરકારમાં આવા સારા રિપોર્ટ કર્યો, જોઇએ તેટલી મદદ આપવા સ્વીકાર્યું, પોતાની ઑફિસનો બંદોબસ્ત કરી બુદ્ધિધનની મરજી હોય તો રાણાની નોકરીમાં તેને જ જવા દેવાની હા કહી, અને સરકારનો હુકમ આવતાં સુવર્ણપુર જઇ ઠાઠમાઠથી અભિષેક કર્યો. આ પ્રસંગે મુંબઇના વર્તમાનપત્રોવાળાઓને બુદ્ધિધનની સૂચનાથી બોલાવવામાં આવ્યા હતા. તેમની ખાતરબરદાસ અચ્છી રીતેથી કરી. પરાય

માણસ તરીકે બુદ્ધિધન તેમને મળતો અને રાણાનાં વખાણ કરતો. મુંબઇનાં અંગ્રેજી અને દેશી સૌ પત્રોમાં રાણા ભૂપસિંહના રાજ્યાભિષેકની લાંબી

લાંબી અને છટાદાર હકીકત આવી, તેના બુદ્ધિ વગેરેનાં વખાણનાં બણગાં ફૂંકાયાં, અને જગતના ઘણા ભાગે સૌ ખરું જ માન્યું.

બુદ્ધિધનને ઠેકાણે બીજા માણસ આવ્યો એટલે જ સુવર્ણપુર આવ્યો અને ‘હજૂર સેક્રેટરી’ની નોકરી લીધી. ગરબડદાસ રાણાની પ્રીતિનું બીજું પાત્ર હતું તેને હિસાબી ખાતું સોંપાવ્યું. બીજા અમલદારો કાયમ રહ્યા. જતે દિવસે બુદ્ધિધનની પદવીનું નામ ફેરવી તેની ઇચ્છાથી એના એ કામ ઉપર રાખી તેને ‘અમાત્ય’ બનાવ્યો અને પગાર વધાર્યો. સર્વ મામલો હળવે હલવે શાંત થઇ ગયો હતો. કોઇ કોઇ વાર ખટપટ - વાયુથી મોજાં ઊછળતાં તો અમાત્યની બુદ્ધિ તેલ પેલ પેઠે તે ઉપર રેડાઇ તોફાન શાંત કરી દેતી.

કેટલાક નાનામોટા બનાવો બનતા, અંદર અંદર ઇર્ષ્યા, વૈર, આદિ રહેતાં પરંતુ પરદેશી જોનારને મન કાંઇ દેખાય એમ ન હતું.

અમાત્ય પોતાનું કામ શાન્તિથી કરતો, સૌને સારે રસ્તે પાડી કોઇના કામમાં બહુ વચ્ચે ન આવી કારભારી વગેરેને સમજાવી કામ લેવા

પ્રયત્ન કરતો અને બધા એકઠા મળતા ત્યારે કોઇના મોં ઉપર અસંતોષનો

લેશ દેખાતો ન હતો.

અમાત્યનું માન દિવસે દિવસે વધતું હતું. પોતાના પૂર્વજોના બંધાવેલા રાજેશ્વર મહાદેવનો તેણે જીર્ણોદ્ધાર કર્યો. લોકો તેના ઉપર આશાથી જોવા

લાગ્યા. મુંબઇ જવાના પ્રસંગ મળતા ત્યારે ત્યાંના સાહેબ લોકોમાં જતો અને પ્રતિષ્ઠા પામી કાર્ય સાધી ઘેર આવતો. શાસ્ત્રીઓનો પરિચય રાખતો અને કર્મકાંડ પર શ્રદ્ધા બતાવતો. આ સર્વ તેનાં ભૂષણ થઇ પડ્યાં, અને રાણા પાસે એનું વધારે વધારે ચાલતું દેખાયું તેમ તેમ આ સૌ ભૂષણનાં વધારે વધારે વખાણ થવા લાગ્યાં.

રાજેશ્વર મહાદેવમાં રાણો અને અમાત્ય આવ્યા તે પ્રસંગે રાજ્યકાર્યની આ વ્યવસ્થા હતી અને અભિષેક થયે ત્રણચાર વર્ષ વીતી ગયાં હતાં.

રાજેશ્વરમાં આ બંને જણને બેસારી, અને નવીનચંદ્ર વાડામાં હતો તે સમયે અલકકિશોરી અને કુમુદસુંદરીને એ જ વાડામાં કેદ કરી, અત્યાર સુધી આપણું ધ્યાન આડી વાતોમાં ગૂંચાયું અને બુદ્ધિધનનો ઇતિહાસ જણાવવામાં વાર્તાનો પ્રસંગ આપણી આંખ આગળથી આટલી વાર દૂર રહ્યો તે બનાવ, વાંચનાર, જો તને સકારણ અને સફળ ન લાગે તો હવે એ ન જ બન્યો હોય એમ તારી નજર આગળથી કાઢી નાંખી, ગઇગુજરી વિસારી દે અને ભૂતકાળને ભૂલી વર્તમાનકાળની વાર્તામાં ડૂબવા નીચલા પ્રકરણના પ્રવાહમાં વહ્યો જા.