IPC section 366 - 5 Maneesh Christian દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

IPC section 366 - 5

મનુષ્ય કોઈપણ પરિસ્થિતિ સાથે બહુ જલ્દી તાલમેલ મેળવી લે છે. આટલા લાખો વર્ષ સુધી આ ગોળા ઉપર અસ્તિત્વ ટકાવી રાખવાનું આજ કારણ હશે.

તે પણ થોડી હળવાશ અનુભવવા લાગી. સુમસામ ભાસતી જગ્યા અને ઠંડો પવન, તે નદીકિનારાનું કાલ્પનિક ચિત્ર મગજમાં રચવા લાગી. ધીમે-ધીમે તેણે બંને હાથને પોતાની છાતી ઉપર દબાવી અદબ વળાવી પડે એટલી ઠંડક લાગવા લાગી. ગાડીના હુફાળા વાતાવરણની અસર તેનું શરીર છોડી રહ્યું હતું.

આજુ-બાજુમાં થોડી ગુસ-પુસ સંભળાઈ રહી હતી. તેને લાગ્યું કે આગળ વધવાની જગ્યા માટેની જ યોજનાઓ ચાલી રહી છે.

“હું અહીં રેતીમાં બેસી જાઉં?” તેણે અંધ હોય તેમ ઉપર જોઈ પૂછ્યું.

“મેડમ તમારા કપડા ખરાબ થશે. નીચે રેતી છે અને ગંદકી છે.” પેલા પરિચિત નરમ આવજનો જ જવાબ આવ્યો.

તે કઈ પણ બોલ્યા વગર ઉભી રહી. તેને લાગ્યું કે તેનો સ્ત્રી-જાદુ કદાચ કામ કરી રહ્યો છે. પણ ઉતાવળ કરવામાં માલ નથી. પરસ્થિતિ પુરેપુરી સમજાય પછી જ કઈ યોજના કરવી અને તેમાં આ “ડફોળ” ઉપયોગી થશે.

રેતીમાં ચાલતું કોઈ નજીક આવ્યું હોય તેવું તેને લાગ્યું. આ વખતે તે થોડી ચમકી ગઈ કારણકે બાવડું પકડનાર પંજો આ વખતે ખુબ ઠંડો હતો. તેને લાગ્યું કે જવાનો સમય થઇ ગયો.

“અહી બેસી જાઓ મેડમ, અહી મેં મારો રૂમાલ પાથર્યો છે એની ઉપર બેસી જાઓ.” એકદમ ધીમે રહી તે બોલ્યો. કદાચ તેનો કોઈ સાથીદાર સાંભળી ના જાય એટલે પણ “મારો રૂમાલ” ઉપર તેણે ભાર જરૂર મુક્યો.

હવે નક્કી હતું કે આ ભાઈ લપટાઈ ગયા છે. એટલે એ જ પરિસ્થિતિ સમજાવશે અને બહાર કાઢવામાં પણ આ જ કામ લાગશે.

“આપણે ક્યાં જઈ રહ્યા છીએ.” પોતાનું પહેલું તીર તેણે છોડી જોયું.

“આપણે?”

“હા આપણે.” તેનો પૂછવાનો ભાવાર્થ તે સમજી ગઈ છતાં એકદમ સરળતાથી તેણે જવાબ આપ્યો.

થોડીવાર સુધી શાંતિ પથારયેલી રહી. તે અવાજની દિશામાં પોતાનું મુખ ફેરવી જવાબની રાહ જોતી હોય તેમ ડોળ કરવા લાગી.

“કોઈ તમારી રાહ જોઈ રહ્યું છે. ત્યાં તમને લઇ જવાના છે.” એકદમ અભાન જવાબ હતો એવું ધીમેથી બોલાએલા શબ્દોના કારણે લાગ્યું. બોલનારનું ધ્યાન શબ્દોમાં નહિ પણ કૈક બીજે જ હતું.

“પણ ક્યાં” તેણે થોડી મીઠડી બનવાનો પ્રયત્ન કર્યો.

“મેડમ, એ તો ટાઈમ આયે ખબર પડી જશે. બહુ તેજ ના દોડો.” અવાજ થોડો રુક્ષ થયો.

તે ચેતી ગઈ. હજુ સમય નથી આવ્યો. તેણે પોતાનું મુખ બીજી દિશામાં ફેરવી લીધું. તે ગભરાઈ ગઈ પણ ડોળ એવો કર્યો કે રિસાઈ ગઈ.

અંધારામાં જ પણ આ તીર નિશાના ઉપર વાગ્યું.

“જુઓ, તમે ગભરાઓ નહિ, તમને કઈ જ નુકશાન નહિ થાય એ હું વચન આપું છું. બસ અમારું કામ પતી જાય એટલે તમે છુટ્ટા.” પેલાએ બાજી સંભાળતો હોય એવો જવાબ આપ્યો.

તો પણ તે રિસાઈ હોય એવી મુદ્રામાં જ બેસી રહી.

આમ જ થોડી મીનીટો પસાર થઇ ગઈ. જાણે હવે તે આ અંધારામાં રહેવા ટેવાવા લાગી હતી. તે ઠંડો પવન મહેસુસ કરતી બેસી રહી હતી. યમુના કિનારો હતો પણ નદી દુર હતી અથવા તો આ વિસ્તારમાં સુકો પટ હશે એવું તેને લાગ્યું કારણ કે પાણીનો કોઈ અવાજ નોહ્તો આવતો.

“દેવેન્દ્ર.....” પાછળની બાજુ દુરથી કોઈ એ બુમ મારી હોય તેવું અવાજની તીવ્રતાથી લાગ્યું.

બાજુમાંથી ઉઠીને કોઈનો એ જ પાછળની બાજુ રેતીમાં પગલા પાડવાનો આવાજ સંભળાયો. તે અનુમાન કરી શકી કે બીજી ગાડી આવી ગઈ હતી.

આ લોકો મને આવી રીતે એકલી શું વિચારીને મૂકી દેતા હશે? કે જોડે કોઈ રહેતું હશે? ત્રણ વ્યક્તિ હોવાનો અંદાજ હતો, હવે વધ્યા હશે કે એટલા જ હશે? ઈશારામાં તો તેમણે કેટલીય વાતો કરી લીધી હશે. રિક્ષામાં જોયા ત્યારે તો ત્રણે મજુરી જેવું કામ કરતા હોય એવા જ લગતા હતા. ખરે-ખર તેઓ એવા જ હશે કે પછી વેશ બદલેલો હશે? આ દેવેન્દ્ર કોણ હશે? મારી નજીક આવવા કોશિશ કરે છે એ જ કે કોઈ બીજો?

અનુમાન-વિચાર-વિચાર-અનુમાનમાં તે ગોટાવા લાગી. પણ આંખો તરફ હાથ લઇ જવામાં તે હજુ પણ ડરતી હતી. રખે ને કઈ અજુગતું બની જાય. અને હવે તો પેલાને થોડો પલાળ્યો છે એટલે કઈ જોખમ નથી લેવું એવું તેને લાગ્યું.

કોઈ પાછળથી આવ્યું. ફરી બાવડું પકડાયું. આ વખતે આંગળીઓ એ થોડી વધારે છૂટ-છાટ લીધી. એ જ તૈલી પરસેવાની ગંધ. એક વાત તો હતી જ કે દર વખતે તેને સ્પર્શ આ વ્યક્તિ એ જ કર્યો હોવો જોઈએ એવું તેના શરીરની ગંધથી તેણે અનુમાન લગાવ્યું.

“ચાલો” ફક્ત આટલું જ કહી તેને દોરવા લાગ્યો. આ વખતે જાણે બીમારને ચલાવી રહ્યો હોય તેમ તેના ખભાની ફરતે પણ બીજો હાથ મુક્યો જેની કોઈ જરૂર જ નોહતી.

રેતીમાં જેમ-તેમ કરી તે ચાલવા લાગી, નદીની રેતી તેની મોજડીમાં ઉતરી ગઈ અને તેને અકળાવવા લાગી. પણ ચાલવું જ પડે તેમ હતું. થોડું ચાલ્યા પછી તેને લાગ્યું કે અંતર વધારે છે અને તેને કોઈ મોજડી કાઢી સાફ તો કરવા જ નહિ દે. તેણે બને પગે વારાફરતી ઝાટકો મારી મોજડી આગળની બાજુ ફેંકી દીધી.

“બેઉ મોજડી પકડતો આય લા...” તેણે જોયું કે આ ભાઈ વધારે પડતી દરકાર કરી રહ્યો છે. તેનો પરિસ્થિતિને કારણે પ્રતિકાર ના કરવો તેને તે કદાચ સહમતી સમજી બેઠો હતો. જે હોય તે અત્યારે તો જેમ ચાલે છે તેમ જ ચાલવા દેવામાં ભલાઈ હતી.

આખરે રેતીનો પટનો પૂરો થયો હોય તેવું લાગ્યું. પગ નક્કર તળિયા ઉપર પડ્યા. પાકો રોડ આવ્યો હોય તેવું લાગે છે. પણ વાતાવરણમાં તો પારાવાર શાંતિ જ પથારાએલી હતી એટલે વિસ્તાર તો ઉજ્જડ જ હોવો જોઈએ.

"હવે અહીંથી આપનણે મોટરસાયકલ ઉપર જવાનું છે."

"મોટર સાયકલ!?" આશ્ચર્ય અને પ્રશ્નાર્થ મિશ્રિત ઉદગાર હતો એ.

તેની બાજુ વાળો વ્યક્તિ એને સ્થિર ઉભી રાખી થોડો દુર ગયો. ગુસપુસ સાંભળવા લાગી. તેણે બીજા બધાને કોઈ સૂચનાઓ આપી હોય તેવું લાગ્યું.

"ચાલો, મેડમ બેસી જાઓ." તે પાછો આવી ગયો અને બાવડું પકડી દોરવા લાગ્યો. અગલા ચાલતા તે એક વ્યક્તિ જોડે હળવેથી ટકરાઈ તેને લાગ્યું કે મોટરસાયકલ ઉપર કોઈ બેઠું છે. તે તરત થોડી પછી ખસી ગઈ.

"પેલું ફૂટ રેસ્ટ નીચું કરજે." મોટરસાયકલ ઉપર બેઠેલી વ્યક્તિ જ બોલી. આ કોઈ નવો જ અવાજ હતો. પેલા ત્રણ સિવાયનો.

તે અસમંજસમાં ઉભી રહી.

તેની બાજુવાળાએ તેને બેસવા માટે ટકોર કરી. છૂટકો જ નોહ્તો હવે. તો પણ પ્રયત્ન કરવાનો વિચાર કર્યો.

"બીજી કાઈ વ્યવસ્થા થાય તેવી નથી.?" એક કિડનેપર તેનો હમદર્દ બન્યો છે તે જાણતા તેના અવાજમાં થોડી સ્થિરતા હતી.

"ઓયે, હેલીકોપ્ટર ચાલશે?" પેલો નવો અવાજ સંભળાયો અને કોરસમાં હાસ્ય ઉછળ્યું.

તે ભોઠી પડી ગઈ. સન્નાટાના કારણે તેને લાગ્યું કે તેઓ આટલા જ છે પણ હાસ્ય ઉપરથી તેણે અનુમાન લગાવી લીધું કે અહી આખી ટુકડી મોજુદ છે. લગભગ બીજા ચાર-પાંચ તો ખારા જ.

"અહી વીરાનામાં આટલું મળ્યું એ જ બહુ છે નહીતો અહ્થી છેક સુધી ચલાવીને જ લઇ જતા તને." ફરી એ મોટરસાયકલ ઉપર બેઠેલી વ્યક્તિએ જ ટોણો કર્યો.

"ચાલો હવે જલ્દી અહીથી." તેનો હમદર્દ તેની વહારે આવ્યો. "મેડમ બહુ દુર નથી જવાનું, બેસી જાઓ." તેણે હળવેથી તેને બેસવા માટે મોટરસાયકલ તરફ ધકેલી.

આ વ્યક્તિ કદાચ પેલી રાહ જોનાર વ્યક્તિથી ખુબ ડરે છે? કે સ્ત્રીનો આટલો બધો નજીકનો સહવાસ તેણે પહેલી વખત માણ્યો છે? કે તે ખરેખર આકર્ષાયો છે? કે તે પહેલીવાર આવું કામ કરી રહ્યો છે? કે મજબૂરીથી આ કામમાં ધકેલાયો છે? કે તે તેના ગુનાહિત કાર્યમાં ખુબ પ્રોફેશનલ છે?

તેની સલુકાઇ આવા ઘણા પ્રશ્નો તેના મગજમાં ઉભા કરી રહી હતી. બીજા બધા તો લાગણીવિહીન છે એવું એક જ તારણમાં તે કળી શકી. પરંતુ આ જ એક વ્યક્તિ કળવી તેને ખુબ મુશ્કેલ લાગી. તેણે ખુબ વિચાર કરી જોયો કે આ લોકો કોણ હોઈ શકે. તેને એટલું તો યાદ હતું જ કે આમાંથી અમુક લોકોના ચહેરા વૈશાલી મેટ્રો બહાર રિક્ષા સ્ટેન્ડની આજુ-બાજુમાં જ જોએલા છે. પણ કેટલા સમયથી જુએ છે. એ તેને યાદ નોહ્તું આવતું.

પોતે એક મધ્યમવર્ગ કુટુંબનું ફરજંદ છે. તેના પિતા પાસે કોઈ એવી મિલકત નથી. એટલા મોટા પાયાની કોઈ દુશ્મની પણ તેમની હોવાની શક્યતા નથી કે કોઈ તેનો બદલો લેવા આવું કાર્ય કરે. તેની પાસેથી લુંટી શકાય તેવી એક જ ચીજ હતી. તેનું શરીર. પણ તેને માટે આટલે દુર તો નાં જ લાવે ને. વચ્ચે કેટલી બધી વેરાન જગ્યાઓ આવી હશે. તે લોકો પોતાનું કામ કરી ચુક્યા હોત.

કદાચ ભૂલથી તો તેઓ મને નથી ઉઠાવી લાવ્યાને? એક ફિલ્માં જોયાનું તેને યાદ આવ્યું કે ભૂલમાં કોઈ અલગ જ વ્યક્તિની હત્યા કરી નાખવામાં આવે છે જેથી ફિલ્મનું રહસ્ય ખુબજ ઊંડું થઇ જાય છે.

તેની કમરે કોઈની આંગળીઓનો સ્પર્શ થતા તે વિચારોમાંથી ઝબકી ઉઠી. મોટરસાયકલની ઝડપના કારણે ઠંડા પવનની લહેરીખીઓ વાગતી હતી તેના કરતા પણ આ સ્પર્શ વધારે વિચલિત કરી ગયો.

તે આગળ ખસી શકે તેમ નોહ્તું. અને પાછળ આ વ્યક્તિ બેઠો હતો. તે વિચારી રહી હતી. ખબર નહિ કેવા ગોબરા લોકો હશે. જેઓ રોજ ખાલી મને દુરથી જોઈ ખુશ થતા હશે. આજે તેમની વચ્ચે મને ગોંધી રાખી છે.

કદાચ સારા હોવાનો ડોળ કરી શારીરિક છૂટ-છાટ લેવી હોય એવું બને. અને એવું જ હોય તો પણ તે પ્રતિકાર ક્યાં કરવાની હતી. આવું તો રોજ ટ્રેન, બસ કે ઓટોમાં ભદ્ર ગણાતા લોકો પણ કરી જ જતા હોય છે ને. જ્યાં સુધી ખતરો વધે નહિ ત્યાં સુધી પ્રતિકાર કરી તેમને ઉશ્કેરવામાં કોઈ મઝા નથી એવું તેને લાગ્યું.

સારો એવો સમય મોટરસાયકલ ચાલી. રસ્તો સારો અને ઉબડ-ખાબડ વાળો મિશ્રિત હોવાનું તે પામી શકી. વચ્ચે-વચ્ચે અમુક વાર કોઈ વાહન પસાર થાવનું તેણે સાંભળ્યું. એન્જીનના ઘોંઘાટથી એટલું તો સમજી શકી કે પસાર થનારા બધા વાહનો માલ-વાહક કે ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા છકડા જ હતા. એટલે વિસ્તાર શહેરથી દુર કોઈ ગ્રામ્ય હોવો જોઈએ.

તેના અનુમાન કરવાની ક્રિયાથી તે થોડું મલકાઈ ઉઠી. ભાગ-દોડ, ભાગ-દોડ વાળી જીંદગીમાં કદી શાંતિથી આંખ બંધ કરીને બેઠી નથી. બસ, કારકિર્દી અને કારકિર્દીની જ ભેજામારી. આજે આવા સમયમાં પોતાની ફરજીયાત બંધ કરવામાં આવેલી આંખોના કારણે તેને પોતાની સાથે વાત કરવાનો મોકો મળ્યો. તકલીફના સમયમાં થયેલા અનુભવો જ માણસને ઘડે છે તે તેના દિમાગમાં ઝબકયું હતું.

પોતાના વિચારોમાં આગળ પાછળ અફળાતા તેના શરીર વિષે પણ તેને ભાન નોહ્તું રહેતું. જયારે મન કામ કરવાનું શરુ કરે છે ત્યારે શરીર ફક્ત માધ્યમ બની જાય છે તેની કોઈ વિસાત રહેતી નથી.

ઝટકાથી ઉભી રહેલી મોટરસાયકલના કારણે તે સફાળી બની. પાછળની વ્યક્તિ ઉતરી. એક પણ મોકો નહિ ચુકનાર તેણે બાવડેથી પકડી. દર વખતની પકડમાં આંગળીઓ વધારે અંદરની તરફ જતી રહેતી હતી.

"તું આગળ જઈ ને જોઈ આવ." તેને પકડીને ઉભી રાખેલી વ્યક્તિએ કદાચ મોટરસાયકલ હંકારનારને કહ્યું.

મોટરસાયકલ સ્ટેન્ડ થવું. તેની ઉપરથી કોઈનું ઉતરવું અને તેના દુર જતા પગલા આ બધું પોતની શ્રવણશક્તિથી તે કળી શકી.

તેને જાણે ચક્કર આવવાના હોય અને તે પડી જવાની હોય એમ આ વ્યક્તિ એ હજુ બાવડું છોડ્યું નોહ્તું. નાસી છૂટવાની વાતમાં તો કોઈ માલ જ નથી એ તો આ લોકો પણ સમજી ચુક્યા હશે. તો શું કરવા એનો બરછટ હાથ હટાવતો નહિ હોય. તેના અપડાઉન ગ્રુપના તરલીકા બહેનની વાત તેને યાદ આવી ગઈ જે તેમણે થોડા શાયરના અંદાજમાં કહી હતી "સ્ત્રીના દર્દનું કારણ લાભ લઇ ચુકેલો પુરુષ હોય છે, અને હમદર્દ બનેલો લાભ લેવા માંગતો પુરુષ હોય છે."

એક હળવી વ્હીસલ સંભળાઈ. સબ સલામતનો આ ઈશારો હતો. વ્હિસલની સાથે જ તેને દોરવામાં આવી. તે દોરવામાં આવતી દિશામાં ચાલવા લાગી. અમુક પગલા ચાલ્યા. તેને કોઈ જુનો લોખંડી દરવાજો ખુલવાનો અવાજ સંભળાયો.

"હમમમ...કેદખાનું આવી ગયું." તેનું હૃદય જોર-જોરથી ધડકવા લાગ્યું. કોણ હશે એ રાહ જોનાર વ્યક્તિ? અહી જ હશે કે હજુ આવશે? પેલો હમદર્દ અહી રહેશે કે બીજા કોઈને હવાલે કરવા માં આવશે? કેટલાય પ્રશ્નોથી તનું દિમાગ સસ્પેન્સ ફિલ્મના અંત જેવું ચાલવા લાગ્યું.

તેને અંદર લઇ જવામાં આવી પણ હજુ પેલા એ પકડી જ રાખેલી હતી. અત્યારે પહેલીવાર આ ના ગમતો સ્પર્શ તેને સારો અને સાંત્વન આપનાર લાગ્યો. તેના લીધે એક સલામતી તો તે અનુભવવા જ લાગી હતી.

અંદર આવતા જ પાછળ દરવાજો બંધ થયો. કડી પણ વાગી. તાળું પણ લાગ્યું. તેણે બધું ધ્યાનથી સાંભળી લીધું. તેને કોઈ નક્કર માંચડા જેવી જગ્યા ઉપર બેસાડવામાં આવી. તેણે પાછળની બાજુ નામી ટેકો દેવાનો પ્રયાસ કરી જોયો પણ કોઈ નક્કર ટેકો લાગ્યો નહિ એટલે તે ટટ્ટાર બેસી રહી.

"લો, પાણી પી લો."

તેણે ફક્ત નકારમાં ડોકું હલાવ્યું. તેના હૃદયનો ફફડાટ હજુ હલકો નોહ્તો થયો.

તેના કાંડાને પેલો રુક્ષ પંજો અડ્યો. તેનું કાંડું પકડી તેના પંજામાં પાણીનો ગ્લાસ પકડાવવામાં આવ્યો. ઈચ્છા ના હોવા છતાં તેણે બે ઘૂંટા ઉતર્યા અને અંધારામાં જ ગ્લાસ આગળ ધરી. તેના હાથમાંથી ગ્લાસ લઇ લેવામાં આવી.

હવે શું થશે? હવે શું થશે? ના દબાણમાં પુરપાટ ગતિથી લોહી તેની નસોમાં દોડી રહ્યો હોય તેવું તેને લાગ્યું.

પેલા તૈલી પરસેવાની ગંધ તેણે એકદમ નજીકમાં અનુભવી. કોઈ શરીર તેના નાકની અડો-અડ આવી ગયું હતું. બસ કદાચ હવે અંત. એટલામાં તેના માથાની પાછળના ભાગમાં તેણે કોઈ સ્પર્શ અનુભવ્યો.

તેની આંખો ઉપર બાંધવામાં આવેલા કળા ડીબાંગ પટ્ટાની ગાંઠ છૂટી રહી હતી. થોડી વારમાં જાણે પટ્ટાની ઉપરના ભાગમાં રહેલા મસ્તિસ્કમાં લોહી પૂરના પ્રવાહની વેગે પ્રસરી ગયું. માથું હળવાશ અનુભવવા લાગ્યું. પટ્ટો સરકી ગયો હતો પણ આંખો હજુ બંધ હતી......