અંતાક્ષારી ચાલતી રહી સ્ટેશન વહેતા રહ્યા. દરેક સ્ટેશને એકાદ વ્યક્તિ ગ્રુપમાંથી કાલે મળવાના કોલ સાથે છૂટી પડતી હતી.
વૈશાલી આવવાનું જાહેર થતા જ તે ઉભી થઇ.
“ચાલો ત્યારે મારું સ્ટેશન આવી ગયું. કાલે મળીએ બધા.” વૈશાલી ઉતારનારી ગ્રુપમાં તે એકલી જ હતી. તેણે ઉતારવાની તૈયારી રૂપે પોતાનો મોબાઈલ કાઢ્યો અને રાબેતા મુજબ કોલ જોડ્યો.
“હા પપ્પા, સ્ટેશન ઉતરીશ હવે.” બસ આટલું કહી મોબાઈલ પર્સમાં મૂકી દીધો. પાછળ ફરી બધી સખીઓને હાથ હલાવી “બાય” કહી દીધું. એટલામા ટ્રેઈન સ્ટેશન ઉપર ઉભી રહી.
તેની એક ખૂબી તો હતી જ કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ તે ડરી ગઈ છે તે તમને જાણવા ના દે. આ ડર તેનો રોજનો ડર હતો પણ હમેશા તે સીનો ટટ્ટાર રાખી ચારે બાજુ તેની મોટી આંખો ફેરવતી ચાલતી જેથી જોનારને લાગે જ કે આત્મવિશ્વાસથી ભરપુર મોર્ડન છોકરી છે. છેડ-છાડ કરવી અઘરી પડી શકે છે. અને રેલ્વે સ્ટેશન જેવી જગ્યાની આજુ બાજુ રખડતા ટપોરીઓ હમેશા તેનાથી દુર જ રહેતા. એક વર્ષ પહેલા જયારે તે ભણતર માટે અપ-ડાઉન કરતી ત્યારે કે અત્યારે તેને કદી આવો કોઈ કડવો અનુભવ થયો નથી. જે કદાચ તેના આવા નીડર વ્યક્તિત્વને કારણે જ હશે.
સ્ટેશનની બહાર નીકળતા જ ઓટોરિક્ષા વાળાની “ગાઝીયાબાદ-ગાઝીયાબાદ”ની જાણીતી બુમો સંભળાવા લાગી. તેનો ઓટો પસંદ કરવા માટે એક જ નિયમ હતો કે જોડે કોઈ સ્ત્રી મુસાફર છે કે નહિ તે ચેક કરવું. જો સ્ત્રી મુસાફર હોય તો જ રિક્ષામાં બેસવું.
એક રિક્ષા તેની લગભગ અડો-અડ આવીને ઉભી રહી તેણે અંદર નજર કરી તો ડ્રાયવર જોડે એક જુવાન છોકરો અને પાછળની સીટમાં એક જુવાન છોકરો હતો.
“મેડમ, ગાઝીયાબાદ?” રિક્ષા ડ્રાયવરે અંદરથી જ પૂછ્યું. અંદર બેઠેલા બંને મુસાફરોને જાણે પરવા જ ના હોય તેમ બીજી બાજુ જ જોઈ રહ્યા હતા. પણ નિયમ મુજબ અંદર કોઈ સ્ત્રી ના હોવાથી તેણે ડોકું નકારમાં હલાવી દીધું અને આગળની રિક્ષા બાજુ ચાલવા લાગી.
આગળ જ એક બીજો ડ્રાયવર રિક્ષામાંથી બહાર ડોકું કાઢી ગાઝીયાબાદની બુમો મારી રહ્યો હતો. તેણે નજીક જઈ અંદર જોયું તો લગભગ તેની ઉમરની જ એક છોકરી અંદર બેઠી હતી. હવે આ રિક્ષા તેને માટે બરોબર હતી એમ વિચારી તે અંદર બેસી ગઈ. અંદર બેસી તેણે બાજુ વાળી છોકરી બાજુ જોઈ સ્મિત કર્યું પણ જાણે તે છોકરીને કોઈ રસ ના હોય તેમ જુઠ્ઠું સ્મિત કરી તે બહાર જોવા લાગી. તેણે ફરી પાછો પોતાનો મોબાઈલ હાથમાં લીધો.
“હા, પપ્પા ઓટો મળી ગઈ છે.” તે કોઈ દિવસ સામે પક્ષનો જવાબ સંભાળવાની રાહ ના જોતી. પણ આ ક્રિયા રાબેતા મુજબ કરવી જરૂરી હતી. તેની પોતાની સલામતીની ખાતરી કુટુંબને આપવા અને પોતે પણ હળવાશ અનુભવે તેના માટે.
અંદર બેઠેલા બધા મુસાફરોના ચહેરા તે ધ્યાનથી જોઈ રહી હતી જાણે આ જ બધા ઓળખ પરેડમાં ઓળખવામાં યાદ રહે માટે. પણ એમાં તેનો લગીરે વાંક નહોતો. હમણાં-હમણાં બનેલી ઘટનાઓ અને કાયદો અને વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિના કારણે કોઈ પણ યુવતી કે તેના કુટંબને આ રીતે વર્તવું જ પડે એ સ્વાભાવિક હતું.
અહીના ઓટો વાળાને મોટાભાગે નેવુંના દસકાના ગીતો જ વધુ પસંદ રહેતા અને તે પણ મોટા વોલ્યુમ સાથે. તે ખુબ જ અકળાતી. પણ આ તેની મજબૂરી હતી એટલે સહન કર્યા સિવાય છૂટકો ન હતો. એક બીજા સાથે ચપો-ચપ બેસવું. પુરુષોનો સ્ત્રીઓને લાભ ઉઠાવી કરાતો સ્પર્શ. આ બધી તેની દુનિયા નોહતી. તેના સપના તો પોતાની કારમાં ઓફીસ અવર-જવર કરવાના હતા. જ્યાં તેને પોતાની સુરક્ષિત જગ્યામાં લોકો ફક્ત જોઈ જ શકે. આમ જે હોય તે તેને ચોટીને બેસી ના શકે. પણ દરેક સમયને આવવાનો એક સમય હોય છે અને અત્યારે એ સમય નથી એવું તે બરોબર જાણતી હતી.
મદન મોહન માલવિયા માર્ગ ઉપર સડસડાટ વહી જતી હારબંધ દુકાનોની રોશની જાણે કોઈ રંગબિરંગી કાંચના ટુકડાથી લપેટાયેલો ડ્રેગન પાછળ સરકી રહ્યો હોય તેમ લાગતું હતું. ફેબ્રુઆરીની ઠંડીની અસર બજારની ચહેલ-પહેલ ઉપર પણ જણાતી હતી. તેના વિચારો જાણે તે સરકી જતા ડ્રેગનના શરીર ઉપર ઠંડી હવાથી ચીપકાવતી જતી હોય તેમ એક પછી એક વિચાર તેના દિમાગમાં બદલાઈ રહ્યા હતા. ટ્રાફિક સિગ્નલ ઉપર બાજુમાં આવી ઉભી રહેતી કોઈ કારની અંદરની દુનિયામાં તે જાણે-અજાણે ડોકિયું કરી આવતી. અને પાછું નસીબનું ગ્રીન સિગ્નલ ના મળે ત્યાં સુધી રાહ જોવા ટ્રાફિકના ગ્રીન સિગ્નલથી તે કારમાંથી પાછી પોતાની ઓટોરિક્ષામાં આવી જતી.
પણ, આમ અચાનક ડામાડોળ થઇ ગયેલી રિક્ષા એ તેને એકદમ સભાન બનાવી દીધી. તે લગભગ બાજુમાં બેઠેલા મુસાફરના ખભા ઉપર ઢળી પડી. પછી પોતાની જાતને સંભાળતા તે તાડૂકી.
“એ ભાઈ જરા આરામથી ચલાવ. કોઈને ઉતાવળ નથી.”
“બેન, ધીમી જ ચાલતી હતી , પંચર પડ્યું લાગે છે.” રિક્ષા ઉભી રહેતા જ આગળ બેઠેલો મુસાફર ઉતારી ગયો અને રિક્ષાનો ડ્રાયવર ઉતારી ટાયર ચેક કરવા લાગ્યો. તે બીજી બાજુ બેઠેલી મુસાફર છોકરીના લગભગ ખોળામાં આવી જાય તે રીતે બહારની બાજુ નીકળી.
“શું થયું?” કોઈ સ્વજનના મૃત્યુ સમયે લાશ પાસે બેઠલો હોય તેવી મુદ્રામાં બેઠેલા ડ્રાયવરને પૂછ્યું.
“પંચર.” તે આટલું જ બબડ્યો.
“હવે?”
ડ્રાયવર સ્વસ્થ થયો.”તમે ચિંતા ના કરો પાછળ બીજી કોઈ રિક્ષા આવતી જ હશે, હું તમને એમાં એડજસ કરી દઉં છું.
તેની ડાબી બાજુ બેઠેલા મુસાફરને તો હજુ કોઈ કૃપાદાન મળવાનું હશે એ આશાએ ઉતારવાનું મન જ નોહ્તું થતું. એટલે એ તો યથાવત બેઠો હતો.
“સાંભળ્યું નહિ કાકા? પંક્ચર છે ઓટોમાં, ઉતરો નીચે અને ઉતારવા દો.” તેણે છણકો કર્યો.
કાકા? ઓહ! જાણે અહમ ઘવાઈ ગયો તે પુરુષનો. કટાણું મો કરી તે નીચે ઉતર્યો.
“હા, અવે ઉતરું છું.” તે ઉતરી ઓટોથી થોડો દુર ચાલી ગયો.
મને કોઈ ઉઠાવી જાય તો? આટલો વિચાર આવતા જ તે મલકાઈ.
“શું યાર? જયારે આવું કશું હોય એટલે તરત જ આવો વિચાર આવી જાય છે.” તે મનોમન વિચારવા લાગી અને પોતાની નાદાનિયત ઉપર પોતે જ હસવા લાગી.
“ઓ ભાઈ તું, ટાયરને જ જોયા કરીશ કે બીજી કોઈ ઓટો ઉભી રખાવીશ.” સાથી પેસેન્જર છોકરીએ પેલાને થોડો તતડાવ્યો.
ઓટો ડ્રાયવર જાણે તેના ખર્ચના વિચારોમાં ખોવાયો હતો. તેને એમ કે ખાયા પિયા કુછ નહિ ઓર ગિલાસ તોડા બારા-આના. પણ ગ્રાહકને સંતોષવા તો પડે જ ભલે તે કોઈ મલ્ટીનેશનલ કંપનીનો માલિક ના હોય.
તેણે રોડ ઉપર નજર દોડાવી ત્યાજ એક ઓટો સીધા ડ્રાયવરના પગ પાસે ઉભી રહી.
“શું થયું ભાઈ?” બીજી ઓટોના ડ્રાયવરે મદદગાર સ્વરમાં પૂછ્યું. અને બંને છોકરીઓએ જાણે રાહતનો શ્વાસ લીધો. બંને પેલા ડ્રાયવરની પાસે આવી ઉભી રહી ગઈ.
તેણે જોઈ લીધું કે આ જ રિક્ષામાં તે મેટ્રો સ્ટેશન આગળ નોહતી બેઠી કારણ કે અંદર બીજી કોઈ સ્ત્રી પેસેન્જર નોહતી. અત્યારે પણ એ જ પેસેન્જર હતા. પાછળની સીટમાં બેઠેલો એક જુવાન છોકરો અને ડ્રાયવરની બાજુમાં બેઠેલો બીજો એક જુવાન છોકરો. પણ અત્યારે તેની સાથે બેસવા પેલી બીજી છોકરી પણ હતી જેને ખબર નહિ પણ અતડું રહેવામાં ખુબ આનંદ આવતો હતો.
ઓટો ડ્રાયવરે ભાડું વગેરે નક્કી કરી અને બધા પેસેન્જરને અંદર બેસવા કહ્યું. પણ બંને છોકરીઓ બેસવાના કારણે રિક્ષા ભરાઈ ગઈ એટલે ડ્રાયવરે બીજા લોકોને બેસવાની ના પાડી દીધી. થોડો ડર અને ખચકાટ તો બંને છોકરીઓને થયો પણ બંનેને એક-બીજાની હૂફ લાગી એટલે ચલાવી લીધું.
એકદમ તેને કૈક વિચાર આવતા તેણે મોબાઈલ કાઢી કોઈ નંબર જોડ્યો.
“હેલો, પપ્પા, ઓટોમાં પકચર થયું છે એટલે હમણાં જ બીજી ઓટોમાં બેઠા.” થોડું અટકીને..
“હા, હજુતો માલવિયા રોડ ઉપર જ છીએ. નજીક આવું એટલે તમેને ફોન કરું પાછો.” આટલું બોલી તેણે ફોન પર્સમાં મૂકી દીધો.
ખરે-ખર તો તેણે ફોન કરવાનો અભિનય જ કર્યો હતો. જેથી ઓટોમાં કોઈ બદઈરાદા વાળું હોય તો ચેતી જાય. પરંતુ તેના સિવાય સૌ તે બાબતે અજાણ હતા. જો કે કોઈએ આ ફોનની દરકાર પણ લીધી હોય તેવું લાગ્યું નહિ. બધા પોતપોતાની અલગ દિશામાં તાકી રહ્યા હતા અને ડ્રાયવર રિક્ષા હંકારી રહ્યો હતો.
અચાનક તેનું ધ્યાન ગયું કે ઓટો ડૉ.બર્મન રોડ તરફ ફંટાવાને બદલે મદન મોહન માલવિયા માર્ગ ઉપર જ સીધી નીકળી.
“એ ભાઈ, એ ભાઈ, કઈ બાજુ લઇ જાય છે?” અમારે આ તરફ જવાનું છે.” તેણે ડ્રાયવરનો ખભો હલાવી નાખ્યો. તેની બાજુમાં બેઠેલી છોકરી પણ બહાર ડાફેરીયા મારવા લાગી પણ તેને કઈ સૂઝ પડી હોય તેવું લાગ્યું નહિ એટલે તે કઈ બોલી નહિ.
“બેન, રેડીશન બ્લ્યુ હોટેલ આગળ સવારનું કામ ચાલુ થયું છે એટલે ટ્રાફિક બહુ હોય છે. અમે આખો દિવસ શટલ ફેરવતા હોઈએ છે એટલે અમને ખબર હોય. આગળથી ફરી એ જ રોડ ઉપર આવી જઈશું. તમે ચિંતા ના કરો હું કઈ એવો-તેવો નથી. આ જ લાઈન ઉપર રોજ મારી રિક્ષા ફરે છે.” ડ્રાયવરે ચલાવ્યે રાખ્યું.
જોકે તેને લાગ્યું તો ખરું જ કે આ ચહેરો પહેલા પણ જોએલો છે એટલે હશે તો રોજનો ઓટો વાળો જ એમ વિચારી તેણે મન વળી લીધું અને ચુપ બેસી રહી. પાછું સાથે બીજી છોકરી હોવાની રાહત તો વારે-ઘડીએ થતી જ રહેતી હતી.
આગળ જતા રિક્ષા મુખ્ય રસ્તો છોડી થોડા સુમસામ રસ્તા ઉપર આવી. પણ હવે વારે-વારે શક કરીને પોતાની જાતને મૂરખ સાબિત કરવા માંગતી નોહતી. આમપણ, ખાસી બધી ખાતરી તો ડ્રાયવર દ્વારા આપવામાં આવી જ હતી. અને પોતે પણ પપ્પાને બધું જણાવ્યું છે એવું આ લોકો જાણે છે એટલે કોઈ ઊંચ-નીચ કરવાની તો હિંમત નહિ જ કરે. બુમા-બુમ પણ કરી શકાય કારણ કે મુખ્ય રોડ નથી પણ રહેણાંક વિસ્તાર તો છે જ. એક વાર એવો વિચાર પણ આવ્યો કે પપ્પાને સાચે ફોન કરી દીધો હોત તો સારું થાત. હવે ફરી કરશે તો આજુ-બાજુ વાળા પેસેન્જર તેણે કેટલી ફટટુ સમજશે તેની પણ ચિંતા થવા લાગી.
આ બધી ચિંતામાં પણ તે આજુ-બાજુનો વિસ્તાર ધ્યાનથી જોવા અને યાદ રાખવાની કોશિશ કરવા લાગી. તેણે ધ્યાન પણ આપ્યું કે તેનો જ વિસ્તાર હોવા છતાં તે કદી આ તરફ આવી નથી. તેની બાજુમાં બેઠેલી છોકરીને તો જાણે કોઈ ચિંતા જ નોહતી. તે તો આરામથી બેઠી જણાતી હતી. અને બીજા બે પેસેન્જર તો જુવાન છોકરાઓ જ હતા એટલે એમને તો કઈ ચિંતા જ ના હોય ને.
“હું તો અત્યારના જમાનાની સ્વતંત્ર સ્ત્રી છું મારે આવું ડરી ડરીને ના જીવાય.” એવો વિચાર કરવાનો તેણે પ્રયત્ન કર્યો પણ “કદાચ મને કિડનેપ કરી મારો રેપ કરે તો?” વાળો વિચાર પાછો એના મગજ ઉપર ફરી વળ્યો.
ટોળામાં કે જાહેરમાં “સ્ત્રીશક્તિ” અને “અબળા નહિ પણ સબળા” જેવી ગુલબાંગો થાય પણ આવા સમયે તો કુદરતી સ્વભાવ જ મન પર હુકુમત કરે એ તેણે આજે અનુભવી લીધું.
અચાનક જ રિક્ષાને બ્રેક વાગી. તેણે વિચારોમાંથી ઝબકીને બહાર જોયું તો કોઈ બની રહેલી સોસાયટીના નાકા આગળ રિક્ષા ઉભી હતી. રિક્ષામાંથી આગળ બેઠેલો પેસેન્જર ઉતર્યો એટલે એને લાગ્યું કે આ ભાઈને અહી ઉતારવાનું હશે.
પણ તેના અચરજ વચ્ચે તેણે જીન્સના પાછળના ખિસ્સામાં રાખેલું ચાકુ કાઢ્યું અને તેની બાજુમાં બેઠેલી છોકરીની ગરદન ઉપર મૂકી દીધું.....