એક અનોખી મુલાકાત Vikram Rojasara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અનોખી મુલાકાત

મુલાકાત

છેલ્લા અડધા કલાકથી બસની રાહ જોઈને પાલડી બસ સ્ટેશન પર ઊભેલો સોહમ સૌરાષ્ટ્ર તરફ જતી બસ આવતા ઉતાવળે પગલે બસમાં ચડી ગયો. દિવાળી આવતી હતી એટલે બસમાં ભીડ વધારે હતી. સોહમ જ્યાં એક જગ્યા ખાલી હતી ત્યાં જઈ ને બેસી ગયો એટલે કંડકટરે સોહમ ને ટીકિટ માટે પૂછયું. સોહમે ટીકિટના થતા રૂપિયા આપ્યા અને કહ્યુ, એક ટીકિટ લીંબડી. સોહમ ના શબ્દો સાંભળીને કંડકટરતો ટીકિટ આપીને ચાલ્યા ગયા પણ તેની બાજુમાં બેઠેલી યુવતી કે જે અત્યાર સુધી બારીની બહાર જોઈ રહી હતી તેણે સોહમ તરફ જોયું. તેને જોતા જ યુવતીના હોઠ પરથી સવાલ સરી પડ્યો, ”સોહમ તું ?“ આ સવાલ સાથેજ વાતચીત શરૂ થઈ પછી તો બસ એન્જિન વેગે આગળ ચાલતી રહી અને સોહમ તથા અજાણી યુવતી બન્ને પોતાના અતીતમાં વાયુવેગે પાછા ચાલતા ગયા.

આજથી લગભગ ચાર વર્ષ પહેલા અમદાવાદની ફાઈનઆર્ટ કોલેજમાં સોહમે ચિત્રના અભ્યાસ માટે એડમિશન લીધું હતું. પોતે સૌરાષ્ટ્રના નાનકડા ગામની ધૂળમાં રમીને ઉછરેલો એટલે શરૂઆતમાં તો અમદાવાદની ભાગતી દોડતી વસ્તીમાં એકલવાયુ લાગતું પણ ધીમે ધીમે કોલેજ અને હોસ્ટેલમાં મિત્રો બની ગયા. અને બને પણ કેમ નહીં, એનું વ્યકતિત્વ જ એવું હતું. પરગજુ સ્વભાવ તો જાણે વારસામાં મળ્યો હતો, ધનદોલતની બાબતમાં તો સાધારણ હતો પણ જો કદાચ સંસ્કારનો માપદંડ લઈને અમીરોની યાદી બનાવીએ તો એમા એનું નામ ચોક્કસ હોય.

કૉલેજમાં એડમિશનના થોડા સમયમાં જ બધા એને ઓળખતા થઈ ગયેલા. એક તો એનો નમ્ર સ્વભાવ અને બીજુ એની ચિત્રની કલા કારીગરી. પ્રોફેસરો પણ એના ચિત્રો જોઈને અચંબામાં પડી જતા. એક વર્ષ પુરું થતા તો એનો ચાહક વર્ગ ઘણો બધો વધી ગયો હતો જેમાં છોકરાઓ કરતાં છોકરીઓની સંખ્યા વધારે હતી. પણ તેણે પોતાની લોકપ્રિયતાનો ક્યારેય ગેરલાભ ઉઠાવવાનો વિચાર સુદ્ધા નહતો કર્યો. આ જ તો એની ખાસિયત હતી કે જે ને લીધે પોતાની જ કૉલેજમાં ઉછેર પામી રહેલો એક નમણો નાગરવેલનો છોડ સોહમ તરફ આકર્ષાયો હતો. એ નમણો નાગરવેલનો છોડ એટલે બીજુ કોઈ નહીં પણ સોહમની સાથેજ અભ્યાસ કરતી સુરભિ .

સુરભિ અમદાવાદની જ હતી અને પોતાના ચિત્રના શોખને પુરો કરવા અહિં આવી હતી. એ હતી પણ એટલી નમણી કે પહેલી નજરે જોતા જ ગમી જાય. સપ્રમાણ ઊંચી, ગોરો વાન, નજાકત ભરી આંખો, જાણે પાંખો વિનાની પરી જ જોઈલો. એટલે તો કૉલેજમાં હંમેશા છોકરાઓ માટે ચર્ચાનો વિષય તો વળી છોકરીઓ માટે ઈર્ષ્યાનો વિષય બની રહેતી. સુરભિ નામની આ વેલને પોતાની બનાવવા ઘણા બધા છોકરાઓ માળી બનવા તૈયાર હતા. પણ કહેવાય છે ને કે સ્ત્રીઓ પાસે પુરુષોને પારખવા માટે એક વધારે ઈંદ્ધીય હોય છે, એ ન્યાયે સુરભિ હંમેશા પ્રેમજાળમાં ફસાય ના જવાય એની હંમેશા કાળજી રાખતી.

કૉલેજમાં કોઈ આર્ટ એકિઝબિશન હોય કે કયાંય બહાર જવાનુ હોય તો બધા સાથે મળી ને આયોજન કરતાં અને સોહમ તેમાં હંમેશા મોખરે રહેતો. એ પછી કોઈ ગામડાંના ચિત્રો દોરવાના હોય કે પછી ગીરનારની તળેટીમાં જઈને કુદરતને કાગળ પર કંડારવાની હોય. સુરભિ હંમેશા સોહમ પાસેથી કંઈક નવું શીખતી રેહતી, જેમકે કયા ચિત્રમાં કયો રંગ સારો લાગે, કેવી રીતે ચિત્રને અસરકારક બનાવવું, ને આવું તો ઘણું બધું. ચિત્રમાં રંગો પુરતા પુરતા બન્નેના જીવનના રંગોનું મેઘધનુષ્ય ત્યારે રચાય ગયું એની બન્ને માંથી કોઈને ખબર ના રહી. બન્ને એકબીજાને દિલથી ચાહવા લાગ્યા હતાં. પછી કોઈ ને કોઈ બહાનું બનાવીને મુલાકાતો વધતી જતી હતી. અને અંતે એ દિવસ પણ આવી ગયો જ્યારે બીજા વર્ષના અંતમાં યોજાયેલા આર્ટ એકિઝબિશનમાં સોહમે સુરભિનુ ચિત્ર દોરીને બધા વચ્ચે પ્રપોઝ કર્યુ. અને સુરભિ સોહમને ભેટી પડી. અને એકિઝબિશનમાં હાજર બધાએ આ નવા પ્રેમીપંખીડાને તાળીઓથી વધાવી લીધા. પછી તો આ વાત આખી કૉલેજમાં ફેલાય ગઈ, ને સુરભિને પામવાના સપનાં જોતા છોકરાઓ આંખો ચોળતા રહી ગયા. હવે દિવસે બહાર ફરવા જતાં ને રાત્રે ફોન પર મીઠાં ઉજાગરા થતા.

સોહમ બાઈકનો શોખીન હતો જ્યારે તેનાથી તદન વિરુદ્ધ સુરભિ હંમેશા બાઈકમાં જવાનું ટાળતી. સોહમને બસમાં જવા માટે કહેતી અને બાઈકમાં જવાથી અકસ્માતનો ભય વધી જાય એવી તો કેટલીય દલીલો કરીને એને બસમાં જવા માટે તૈયાર કરી લેતી અને સોહમ પણ સ્ત્રીહઠ સામે નમતું મુકી દેતો. સુરભિ ને એના પિતાએ નવું એક્ટિવા અપાવેલું છતાંય એ બસમાં જ જતી આવતી. બસ, બાઈકમાં કે બસમાં મુસાફરી કરવી એ બાબતે ક્યારેક મીઠી બોલાચાલી થઈ જતી.

પણ કહેવાય છે ને કે “પ્રેમ ગમે તેટલો સાચો હોય પણ લગ્ન પહેલા તો લફરૂ જ કહેવાય” એ નાતે આ બન્ને એ પણ ઘરે એમના સંબંધની વાત કરી. વડીલોની બાબતમાં બન્ને થોડાં નસીબદાર હતાં, એટલે જ જ્ઞાતિ અલગ અલગ હોવા છતાં ઘરેથી લગ્ન માટે મંજુરીની મહોર મળી ગઈ હતી. હવે કૉલેજ પુરી થાય એટલે લગ્ન લઈ લેવાં એવું બન્ને પક્ષના વડીલોએ નક્કી કર્યુ અને સગાઈનું મુર્હત પણ કઢાવી લીધું. બન્ને પક્ષેથી હા પડાય ગઈ એટલે બન્ને ખુબ ખુશ હતા. પણ એમને ક્યાં ખબર હતી કે એક બીજાનો બાઇક પ્રત્યેનો ગમો અણગમો જ જુદાંઈનું કારણ બની જશે. આજ બન્ને સગાઈ માટે કપડાંની ખરીદી કરવા જવાના હતાં એટલે સવારે નવ વાગતા જ સોહમ બાઇક લઈને ભાવિ પત્નીને લેવા એના ઘરે પહોંચી ગયો. સુરભિ તૈયાર થઈ ને આવી એટલે સોહમે બાઇકને કિક મારી અને સુરભિને પાછળ બેસવાં કહ્યું. પણ સુરભિએ તરતજ મોં બગાડીને બેસવાની ના પાડી દીધી. એટલે બન્ને વચ્ચે વિવાદ શરૂ થયો ને કયારે વાત વણસી ગઈ એની ખબર જ ના રહી. સુરભિએ હંમેશાની માફક દલીલો કરવાની ચાલું જ રાખી પણ આજે સોહમ એની એક પણ વાત સાંભળવા તૈયાર ન હતો. આશરે કલાકેકની માથાકુટ પછી પણ સુરભિ બાઈકમાં જવા માટે માનવા તૈયાર ન હતી એટલે સોહમ પણ ત્યાંથી ચાલી નીકળ્યો હંમેશ માટે. વડીલોએ પણ સમજાવા અને મનાવવા માટે તેમનાથી બનતી બધી કોશીશ કરી પણ આ વખતે બે માંથી એકેય નમતું મુકવા તૈયાર નહોતા. બસ પછી તો બધું જ બંધ રહ્યું.

એ વાતને આજે વરસ જેટલો સમય થવા આવ્યો હતો અને બન્ને થોડે ઘણે અંશે એકબીજાને ભૂલી પણ ગયા હતા. પણ આજે અચાનક બન્ને બસમાં સાથે મળી ગયા. સોહમ કામથી અમદાવાદ ગયો હતો અને સુરભિ અમદાવાદના એક પ્રખ્યાત આર્ટ એકિઝબિશનમાં ભાગ લેવા માટે ગઈ હતી. એની તો આજે ખુશી જ બેવડાય ગઈ હતી, કેમકે એકિઝબિશનમાં એ પ્રથમ ક્રમે આવી હતી અને બસમાં સોહમ સાથે અણધારી મુલાકાત થઈ ગઈ. લીંબડી પહોંચતા પહોંચતા તો બન્ને એ પ્રથમ મુલાકાતથી લઈ ને વિખુટા પડવાની અને આજે આમ મુસાફરીમાં એક સાથે મળી જવાની બધીજ યાદગાર પળો ને વાગોળી લીધી. હવે બન્ને પોતાની બાળક જેવી કરેલી જિદ સમજાય ગઈ હતી કે જે બન્ને અલગ પડવા માટેનું કારણ બની ગઈ હતી. લીંબડી પહોંચતા સુધીમાં તો બન્ને એવા મળી ગયા કે જાણે ભુતકાળમાં કયારેય અલગ જ ના થયા હોય. અને અહીંથી જ ફરવા માટે જુનાગઢ જવા માટેનું નક્કી કરી લીધું, અને અત્યારે બાઈકમાં જવું કે બસમાં એ બાબતે એકેયે પણ દલીલના કરી અને લીંબડી ઊતરીને જુનાગઢની બસમાં ચડી ગયા. અને કંડકટરે ટીકિટ માટે પુછ્યું ત્યારે બન્ને મનમાં જ એક સાથે બોલી ઊઠયાં “બે ટીકિટ જિંદગીની લાંબી સફર માટે..”