વરસાદી મુસાફરી Vikram Rojasara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વરસાદી મુસાફરી

આજ સવારથી મન કુદકા મારતું હતું, કેમકે લગભગ એક મહિના પછી હોસ્ટેલથી ઘરે જવાનું હતું. હું અગિયારેક વાગ્યે તૈયાર થઈ ગયો અને પાલડી જવા માટે જેવો રૂમ બહાર નીકળ્યો કે તરતજ વરસાદ સારું થઈ ગયો. એટલે ના છૂટકે વરસાદના ધીમા પડવાની રાહ જોવા લાગ્યો, કેમકે છત્રી મારી પાસે હતી નહી. સવારે વાંચેલા છાપાઓમાં ફરીવાર નજર નાંખી અને હાથમાં છાપું રાખી વારે-વારે વરસાદની ગતિવિધિની નોંધ લેવાનું શરુ કર્યું, કે જેથી વરસાદ ધીમો પડે કે તરતજ નીકળી જવાય.એને વરસવાનું ચાલુ જ રાખ્યું અને મેં વરસાદના ધીમા પડવાની રાહ જોવાનું. આજે બંને હોડમાં હતા કે કોણ પહેલા થાકી જાય છે. અને અંતે એ અટકી ગયો, થાકીને તો નહીં અટકયો હોય પણ લગભગ ચોક્કસ એને મુજ માસુમ પર દયા આવી હશે એટલે અટક્યો હશે. કાગડોળે રાહ જોય રહેલો હું ઝડપથી હોસ્ટેલથી બહાર નીકળ્યો અને પાલડી તરફ ચાલતી પકડી.દસેક મિનીટમાં પાલડી ચાર રસ્તા પહોંચી ગયો. ત્યાં સિગ્નલ બંધ હતું, હું પગપાળા હતો તેમ છતાં સિગ્નલને માન આપવાનું ચુક્યો નહીં અને ઉભો રહી ગયો. ત્યાં ઉભો હતો એટલામાં બીજી તરફથી એક બસ આવી, મેં બસનું પાટિયું વાંચવા પ્રયત્ન કર્યો પણ મારા ચશ્માં પર વરસાદી ઝરમરનો ઝામર આવી ગયેલ એટલે કંઈ દેખાયું નહીં. એટલે મગજમાં ટાઇમ મેનેજમેન્ટના ફંડાએ જન્મ લીધો અને મેં સિગ્નલ બદલાય ત્યાં સુધીમાં ચશ્માં સાફ કરવાની કવાયત હાથ ધરી.પહેલા તો આજે સવારેજ પેન્ટના ખિસ્સામાં મુકેલ નાવો નકોર સફેદ રૂમાલ કાઢીને ચશ્માં સાફ કરવાનું વિચાર્યું, પણ એ વિચાર તરતજ બદલી નાંખ્યો કેમકે એ રૂમાલ હજુ પંદર દિવસ બાજુઓ અદલ-બદલ કરીને ધોયા વિના ચલાવવાનો હતો. અંતે શર્ટની છાલ ઝીન્દાબાદ. ઈનશર્ટ નહીં કરવાનો આ એક ફાયદો છે, ચશ્માં સાફ કરવા માટે બીજી કોઈ વસ્તુની જરૂર પડતી નથી. અંતે ચશ્માં ચડાવ્યા એટલે મારી રોશની(મારી આંખોની) પાછી આવી અને મેં પેલી બસનું પાટિયું વાંચ્યું.એ બસ લીંબડી તરફ જ જતી હતી. પણ મારા નસીબ ફૂટેલા કે એ તરફના વાહનો પહેલા નીકળી ગયા અને હું રસ્તો ઓળંગીને સ્ટેશન પર પહોંચ્યો એ પહેલાજ એ બસ નીકળી ગઈ.પછી તો ‘દ્રાક્ષ ખાટી હતી’ એ ન્યાયે બસમાં બેસવાની જગ્યા નહોતી એવું વિચારીને બીજી બસની રાહ જોવા લાગ્યો(એ સિવાય બીજું કરું પણ છું!!!!) આ વખતે મારા નસીબે સાથ આપ્યો એટલે ઝડપથી બીજી બસ મળી ગઈ અને જિંદગીમાં કંઇક મેળવી લીધું હોય એવી વિજયી સ્માઈલ સાથે બસમાં બેઠો અને ટીકીટ લીધી અને બસ અમદાવાદના ટ્રાફિકને ચીરતી આગળ વધવા લાગી.

મેં બસમાં આજુબાજુ નજર કરવાનું ચાલુ કર્યું. આગળથી ત્રીજી સીટમાં એક વડીલ અને એક યુવાન વચ્ચે બારી ખુલ્લી રાખવી કે બંધ એ બાબતે બોલાચાલી ચાલી રહી હતી. અંતે વડીલ જીત્યા અને બારી ખુલ્લી રાખવામાં આવી. પેલો યુવાન ઉદાસ થઈને બેસી રહ્યો. હું ત્રણની સીટમાં અંદરની તરફ બેઠેલો, મારી બાજુમાં એક સિત્તેર વટાવી ચુકેલા દાદા બેઠેલા,અને એમની બાજુમાં બારી તરફ એક બા બેઠેલા.બાને કદાચ બંધ બારીને લીધે અકળામણ થતી હશે એટલે એમને બારી ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ વરસાદી મોસમને લીધે બારી જામ થઇ ગયેલી એટલે ન ખુલ્લી. એમણે પેલા દાદાને બારી ખોલવા માટે કહ્યું. મને થયું કે લાવો હું જ બારી ખોલી આપું એટલે મેં દાદાને કહ્યું કે તમે રહેવા દો, હું બારી ખોલી આપું છું. તો દાદાની આંખોમાં અલગજ ચમક આવી ગઈ, લગભગ એમને થયું હશે કે મેં એમને બારી ખોલવા માટે અસમર્થ ગણાવ્યા!!! એટલે તેઓ ‘અભી તો મેં જવાન હું’ એવું દેખાડવા ઉભા થયા અને બારી ખોલવાનો નિષ્ફળ પ્રયત્ન કરીને બેસી ગયા. પછી મેં કોઈપણ જાતના અભિમાન વિના બારી ખોલી આપી એટલે પેલા બા ને રાહત થઇ.

એક સીટ પર નાની એકાદ વરસની બાળકીને લઈને એક જોડું બેઠું હતું. બાળકીના મોં પરનું નિર્દોષ હાસ્ય ખરેખર મન પ્રફુલ્લિત કરી દેનારું હતું. એ બાળકી એના માતા-પિતાને રમાડી રહી હતી, હા, ફરીથી વાંચવાની જરૂર નથી બાળકી જ માતા-પિતાને રમાડી રહી હતી. ખરેખર આપણને એમ થાય છે કે આપને બાળકોને રમાડીએ છીએ, પણ હકીકતે તો બાળક કરતા આપણને એની સાથે રહેવાનું વધારે ગમતું હોય છે. કેમકે જે ખુશી દિવસભર તનતોડ મહેનત કરીને અંતે મક્તા રૂપિયામાં નથી મળતી એના કરતા અનેકગણી વધારે ખુશી નિર્દોષ બાળક સાથે વિતાવેલ પાંચ મીનીટમાં મળતી હોઈ છે...

બસ રાજકોટ તરફ જતી હતી અને બપોરની ઊંઘ ગુમાવવી એ રાજકોટવાળાને બિલકુલ ના પોસાય એટલે મોટા ભાગના મુસાફરો ઊંઘી ગયેલા હતા. પાછળની સીટ પર બેઠેલા એક બેન ફોન પર એમના દીકરાના વહુને રાંધણછઠ નિમિતે સાંજે જમવાનું છું બનાવવું એની વિગતવાર મોટે-મોટેથી બોલીને માહિતી આપી રહ્યા હતા, એનાથી લગભગ આજુબાજુ વાળાની ઊંઘ તો હરામજ થઇ ગયેલી. સદભાગ્યે નેટવર્ક એરરને લીધે એમનો ફોન કપાય ગયો ને બધાયે રાહતનો શ્વાસ લીધો.

મારી નજર એક આધેડ વયના અને ચક્ષુ પર ડાબલા ચડાવીને છાંપુ વાંચતા એક વડીલ પર પડી. મેં ધ્યાનથી જોયું તો એ કાકા ‘સહિયર’ પૂર્તિમાં આવતી કોલમ ‘સહિયર સમીક્ષા’વાંચી રહ્યા હતા.કદાચ એમાં એ પોતાની સમસ્યાનું સમાધાન શોધતા હશે અથવા તો એમાં આવતી જાહેરાતોમાં એ પોતાની ખોવાય ગયેલ અનમોલ જવાનીનું જોશ પાછું મેળવવા માટે મરણીયો પ્રયાસ કરી લેવા માંગતા હશે. કંડકટર અને ડ્રાઈવર આગળ કેબીનમાં બેસીને બસની સુકાન સાંભળી રહ્યા હતા.

એટલામાં વરસાદ ચાલુ થયો અને બધી બારીઓ ધડાધડ બંધ થઇ ગઈ, સિવાય કે ત્રીજા નંબરની બારી. કેમકે એ બારી બંધ કરવામાં પેલા વડીલનો અહંમ વચ્ચે આવતો હતો. પણ જેમ-જેમ વરસાદ વધતો ગયો એમ-એમ ભીંજાવાને લીધે પેલા વડીલનો અહંમ ઓગળી ગયો અને એમણે બારી બંધ કરી.પેલા બાજુમાં બેઠેલા યુવાનના મોં પર મેં છેલ્લા ધોધ કલાકમાં પહેલીવાર હાસ્ય જોયું,એ હસતો હોય ત્યારે ખરેખર સારો દેખાતો હતો.આખી બસમાં હવે વરસાદની અને હવામાનની જ વાતો થવા લાગી હતી.બસ સારી જ હતી તેમ છતાં બારીની ખાંચમાંથી પાણી બસની અંદર આવી જતું હતું જેને લીધી બારી પાસેની સીટ પર બેઠેલા મુસાફરોની હાલત વધતા વરસાદ સાથે કફોડી થતી જતી હતી.

મારી પાછળ બેઠેલા એક સુજ્ઞ મુસાફર કે જે બારી પાસે બેસીને ભીંજાય રહ્યા હતા એમણે સરકારને આવી બેદરકારી માટે કોસવાનું શરુ કર્યું. ચોમાસામાં બસની બારીઓ રીપેર કરાવવી જોઈએ એવો સરસ મજાનો સુજાવ પણ આપ્યો અને સરકાર પગલા ન લે તો સરકાર બદલવી જોઈએ એવા મુદ્દા પર પહોંચી ગયા.કદાચ એ કમાલની સુવાસ સહન નહી કરી શકતા હોઈ. એટલામાંજ એમના ફોનની ઘંટડી વાગી અને બાજુ વળે કહ્યું કે તમારા ફોનની રીંગ વાગે છે ત્યારે ફોન ઉપાડ્યો.ફોન લાઉડસ્પીકર પર કર્યો એના પરથી લાગ્યું કે એમના કાનમાં કંઇક તકલીફ હશે થવા તો એમના ફોનમાં, ખેર જે હોય તે.સામે લગભગ એમના ઓઅતની હતા જે બોલી રહ્યા હતા કે, ‘મેં તમને કેટલા દિવસથી રસોડાના નળિયા બદલવાનું કહ્યું છે, પણ તમે છો કે માનતા જ નથી, આજે જુવો વરસાદને લીધે રસોડામાં પાણી-પાણી થઇ ગયું છે...’ અને આવું તો કેત્લુએ સંભળાવી દીધું. અને પેલા સરકાર બદલવાની વાતો કરવાવાળા ભાઈ રસોડાના નળિયા પણ નથી બદલી શકતા એ જાણીને નવાઈ લાગી.પેલા ભાઈ એ શાંતિથી સાંભળી લીધું અને આગળ આખી મુસાફરીમાં એક પણ શબ્દ બોલ્યા વિના બેસી રહ્યા. વરસાદ સતત વધી રહ્યો હતો એટલે હવે બસમાં પાણી સીટો નીચે આવવા માંડ્યું હતું.

પેલા ભાઈનો ફોન ચાલતો હતો એટલામાં માર પગ પાસે એક સુંવાળું ચપ્પલ આવ્યું, જોઈનેજ ખબર પડી જાય કે કોઈ છોકરીનું ચપ્પલ હશે. કદાચ બસના હડબડાટને લીધે પાછળ આવી ગયું હશે.પણ ના તો એ ચપ્પલને અડવાની હિંમત કરી કે ન તો એ કોનું છે એ પૂછવાની હિંમત કરી. કેમકે અમુકવાર એ ચપ્પલમાં એની માલકણએ હવા ભરેલી હોઈ છે, એટલે એ ચપ્પલને જમીન પરથી આપણા ગાલ પર પહોંચતા વાર નથી લાગતી હોતી. જો કે મને એવો કોઈ જાત અનુભવ નથી અને એવા અનુભવ કરવાના આપણને કોઈ અભરખા પણ નથી(ગમે તેમ તોય શરીફ છોકરો છું યાર!!!?) અને જો ચપ્પલની માલકણ વિફરે તો પછી છોકરાઓની હાલત સેલ્ફી લેવા માટે આગળ કરેલા ફોન જેવી થઇ જાય, કેમકે પછી બધા સામા પક્ષે જઈને પોતાનું પર્ફોર્મન્સ દેખાડવા પ્રયત્ન કરવા લાગે છે.એટલે આવા સંજોગોમાં સંતીથી બેસી રહેવામાં જ ભલાઈ છે.

હવે બસમાં બેઠો એના બે કલાક થવા આવ્યા હતા અને લીંબડી નજીક આવી ગયું હતું, એટલે મને મારું બેગ યાદ આવ્યું, કે જે મેં બેસતી વખતે સીટ નીચે મુકેલ પણ વરસાદ શરુ થયો ત્યારે ઉપર લેવાનું ભૂલી ગયેલો. મેં સીટ નીચેથી બેગ કાઢ્યું ત્યારે ખબર પડી કે બીજા શું કરે છે એની પારકી પંચાત કરવામાં મારું બેગ અડધાથી વધારે પલળી ગયું હતું. અંતે લીંબડી હાઈ-વે પર બસ ઉભી રહી અને ધીમા-ધ્ગીમાં વરસતા વરસાદમાં પાણીથી નીતરતું બેગ લઈને ભારે હૈયે નીચે ઉતરી ગયો. ને અંતે “ સલામત સવારી, એસ.ટી.હમારી” એ ન્યાયે મારી સલામતી અને બેગની અસલામતી સાથે મારી અમદાવાદથી લીંબડીની વરસાદી સફર પૂરી થઇ. હજુ ગામડે પહોંચવાનું હતું એટલે બીજી બસ પકડવા માટે લીંબડી બસસ્ટેશન તરફ આગેકુચ કરી.......