રૂડી રબારણ ભાગ -2 Ajay Panchal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રૂડી રબારણ ભાગ -2

રૂડી રબારણ ભાગ -2 લેખક - અજય પંચાલ

રૂડીના ઝાંઝરનો ઝણકાર હવે આખો દિવસ અમારા ઘરની આસપાસ રણક્યા કરતો. વહેલી સવારે એ ભેંસોને દોહવાનું કામ પતાવીને સવારના નવની આસપાસ એ આવી જતી. મંગળાબાના ઘરે કચરા-પોતું કરતી, વાસણ માંજતી, મંગળાબાને રસોઈમાં મદદ કરતી, ઘરના અન્ય કામકાજમાં પણ હાથ બટાવતી, સાંજની રસોઈ થઇ જાય એટલે એ બધાના ખાવા પીવાની રાહ ન જોતી. ઝડપથી રસોડું આટોપી લઈને એ ઘરે જતી. સાંજનું અંધારું થાય એ પહેલા તે ઘરે જવા રવાના થઇ જતી. બપોરે એ મંગળાબાને ઘરે જ ખાતી પણ સાંજે એ માટે રોકાતી નહીં. દિવસના સમયે તો હું સ્કુલે હોઉં એટલે મને તો સાંજે જ જોવા મળતી. હું સ્કુલેથી આવીને ઝટપટ હોમવર્ક પતાવી લેતો. મોહનકાકાનું ઘર અને અમારું ઘર એકમેકને અડીને જ હતાં. ત્રણ માળના અમારા ઘરની ઓશરી જોડાયેલી હતી અને એજ રીતે અગાશી પણ જોડાયેલી હતી. સાંજે રૂડી બપોરે અગાશી પર સુકવેલા કપડાં લેવા અગાશીમાં જતી. હું ય એ વખતે અગાશીમાં જતો. રૂડી સાથે કોઈને કોઈ બહાનું કાઢી હું વાતો કર્યા કરતો. એને ય મારી સાથે વાતો કરવાની મજા આવતી.

અમરીશના આવ્યા પછી દરરોજ સાંજે મારો એમના ઘરે જવાનો તો રોજનો કાર્યક્રમ હતો. કુટુંબ છૂટી જવાનો ગમ અને એકલતાની પીડા ભૂલવા અમરીશ સાંજના સમયે ડ્રીંક્સ લેતો. એક તો ઇન્ડિયાનું નાનું ગામ, અને એમાં ય માતા પિતાની આમન્યા રાખવાંની એટલે અમરીશ એની રૂમમાં જ બધી વ્યવસ્થા કરાવતો. રૂડી નાનકડા ટેબલ પર વ્હીસ્કીની બોટલ, ગ્લાસ, ફ્રિજમાંથી કાઢેલો બરફ, બરફ નાખવા માટેનો ચીપીયો, બાઈટીંગ માટે શેકેલા કાજુ, શેકેલા પાપડ એ બધું તૈયાર કરી દેતી. એને પણ અમરીશની જરૂરિયાતોનો ખ્યાલ હતો એટલે એ બધું મોહનકાકા કે મંગળાબાથી છાનું સમયસર ગોઠવી દેતી. અમરીશ પણ ખુબ જ સાલસતાથી રૂડી સાથે વર્તતો. એ ક્યારેય રૂડીને ઘરની નોકર ગણીને તોછડાઈથી વર્તન ન કરતો. અમરીશ હમેશા માપમાં જ ડ્રીંક્સ લેતો. હું એમની સાથે વાતો કરતો બેસી રહેતો. મને એ સોફ્ટ ડ્રીન્કસ આપતા. થોડા સમય પછી તો એમના અંગત જીવનની વાત જાહેર થઇ જ ગઈ હતી. એટલે એ પણ ખુલીને મારી સાથે બધી વાતો કરતા. જો કે પત્નીની બેવફાઈની વાત કરતા કરતા એ વ્યગ્ર થઇ જતા પણ નિશાના ઉલ્લેખથી એમનો ચહેરો ઉદાસ થઇ જતો હતો. રૂડી પણ કામ કરતા કરતા અમારી વાતો સાંભળતી. એને ય અમરીશની કથની સાંભળીને સહાનુભુતિ થતી. કોઈક વાર એ પણ સાંજે ફરવા જવા માટે નીકળતા. ગામમાં અમરીશના જુના મિત્રો હતા પણ એ ઝાઝું કોઈ સાથે ભળતો નહિ. હું જ મોટેભાગે ફરવામાં સાથે રહેતો.

બાપુજી કચેરીમાંથી આવીને સાંજે મોહનકાકાની સાથે ગામમાં આંટો મારવા જતા હતા. એ આવે એટલે બધા સાથે જ જમી લેતા. બાપુજી આગળ પડતાં નામી એડવોકેટ હતા. મોટાભાઈ પણ બાપુજીની લાઈનમાં જ હતા. વકીલાતનું ભણ્યા પછી એ પણ બાપુની પ્રેકટીશમાં જ જોડાઈ ગયા હતા. રાત્રે જમ્યા પછી બધા ઓસરીમાં ખુરશીઓ નાખીને વાતો એ વળગતા. મોડી રાત સુધી વાતો-ગપાટાનો દોર ચાલુ રહેતો. રૂડી તો જો કે સાંજે જ જેવું રસોડાનું કામ પતે એટલે ચાલી જતી. જોકે મારું ધ્યાન પણ એના ગયા પછી જ બીજા બધા કામમાં લાગતું. મારી પરીક્ષાઓ પણ પતી ગઈ હતી. અને વેકેશન ચાલતું હતું એટલે મોડી રાત સુધી બેસવાની મને ય છુટ્ટી હતી. અમરીશ અને મારે ઉંમરનો ઘણો ફાસલો હતો છતાય અમારે સારું ગોઠી ગયું હતું.

વેકેશન ચાલતું હોવાથી હવે મને ઘણો બધો સમય ફ્રી મળતો હતો એટલે મારા રૂડીની આજુબાજુના આંટા વધી ગયા હતા. એક બપોરે રૂડી કપડા સુકવતી હતી ત્યારે હું અગાશીની પાળે ટેકો લઈને ઉભો ઉભો રૂડી સાથે વાતો કરતો હતો. રૂડી આમે ય બોલકણી બહુ હતી એટલે એની બકબક બધાની સાથે ચાલુ તો રહેતી.

"આ અમરીશભઈની જિંદગી તો ખરી વખ થાય ગઈ નૈ?" ડોલમાંથી નીચોવેલું કપડું કાઢતાં રૂડી બોલી. "બિચારા જવાનજોધ માણહને એમ જ બૈરું છોડી ન જતુ 'રે એ કેવું કહેવાય?

"હા જો ને! બિચારા આખો દિવસ કઈ ને કઈ ચોપડી વાંચતા હોય છે કે પછી કમ્પ્યુટર પર ટાઈમ પસાર કરે છે. બીજું કરે પણ શું?"

"ઈ પરદેસમાં બધા આમ જ કરતા હશે?

"મને શું ખબર પડે. હું ય ક્યાં ગયો છું ત્યાં. પણ અમરીશભાઈના કહેવાથી ખબર પડે છે કે આપણા દેશ કરતા વિદેશના લોકો વધારે ફોરવર્ડ છે."

"ઈ ફોરવર એ હું છ? ફોરવર હોય ઈ આવું કરે? મારા બાપા કેતા'તા ઈ મીં હોમ્ભર્યું 'તુ કે તિયાં તો લોક ના ફાવે તો તરત જ ફારગતી આલી દે. તો હેં, ફોરવર લોકો ફારગતી આલી દે?"

મને રૂડી અંગ્રેજી શબ્દો આ રીતે બોલતી ત્યારે બહુ જ રમુજ પડતી. પણ હું ય એને મને જેટલી સમજ પડે એટલી સમજ પાડતો. એમ કરવાથી મને ય એની સાથે ટાઈમ પાસ કરવાનું કારણ મળતું.

"તો અવ અમરીશભૈ બીજું લગન કરશે?"

"તને કેમ અમરીશની એટલી બધી ચિંતા થાય છે?
એ કરશે જેમ એમને યોગ્ય લાગે એમ." હું સહેજ ચિડાઈને બોલ્યો.

"લે આવા ભલા માણહને દુઃખ પડે તો ચંત્યા તો થાય જ ને. ઈ કેવું હારું રાખે છે આપની હારે! તો મુને તો ચંત્યા થાય છ"

"એ તને પરદેસની વસ્તુઓ આલે છે એટલે એ તને ગમે છે? મારામાં રહેલો ઈર્ષાખોર પુરુષ બોલવા લાગ્યો.

"હાય હાય, આવું હું બોલો છ. ઈ તો આવડા જુવાન પહાડ જેવા આદમીને આવું દુઃખ પડ તો કોઈને ય દુઃખ થાય જ. જેટલો રૂપારો છે એવો મનનો ય કેટલો ભલો છે."

અમરીશના દુઃખની વાતથી દુઃખી થવાને બદલે રૂડીએ એના રૂપાળા હોવાનું કહ્યું એ સાંભળીને મારી કમાન છટકી. એટલે હું મોં ચઢાવીને પગ પછાડતો દાદર ઉતરી ગયો. મને અમરીશનો સાથ ગમતો પણ અમરીશ રૂડી સાથે સારી રીતે વર્તતો કે રૂડી અમરીશ માટે આવી લાગણીભરી વાતો કરતી એ ના ગમતી. વળી ઉદાર મનનો અમરીશ વાર તહેવારે રૂડીને કંઈ ને કંઈ આપ્યા કરતો. રૂડી અમરીશ જે કાંઈ આપે એની વાત મને બહુ જ ખુશ થઇ ને કહેતી. જે મને બહુ જ ખટકતું. રૂડી સાથેની વાત પછી હું થોડા દિવસ મોં ફુલાવીને જ ફર્યો. નાદાન રૂડીને મારા મનમાં ચાલતી ગડભાંજની ખબર નહોતી એટલે એના નખરાં ચાલુ જ રહેતા. પણ હું બહુ દાદ નહોતો આપતો. રૂડી સાથે મારે આમ તો બીજું કાંઈ જ નહોતું છતાં પણ રૂડી પર હું કોઈક હક ધરાવતો હતો એવું મને લાગતું હતું.

વેકેશન તો અમરીશ અને રૂડીના કારણે બહુ જ ઝડપથી વીતી ગયું. સ્કૂલો ખુલી ગઈ હતી. એટલે હું મારા નવા ક્લાસમાં બીઝી થવા લાગ્યો હતો. અષાઢ માસના વાયરા ફૂંકાતા હતા. વર્ષાના આગમનનો સમય પણ થવા આવ્યો હતો. આવી જ એક અષાઢી સાંજે આકાશમાં વાદળ ગોરંભાયા હતા. અમરીશને આજે ઠીક નહોતું લાગતું એટલે એ મોડી સાંજ સુધી સુઈ જ રહ્યો હતો. હું સ્કુલેથી આવીને હોમવર્ક કરીને એમના ઘરે આંટો મારવા ગયો.

"મંગળાબા, અમરીશભાઈ નથી દેખાતાં. બહાર ગયા છે ક્યાંક?" આમ તો હું અમરીશને નામથી બોલાવતો પણ મંગળાબા સામે એમ ન કરતો.

'ના રે! એનું તો બપોરથી જ માથું ચઢ્યું છે. એ તો ઉપર એની રૂમમાં આરામ કરે છે." મેં આજુબાજુ જોયું પણ રૂડી મને નજરે ના ચઢી.

અગાશીમાં ગયો તો રૂડી ત્યાં પણ નહોતી. આકાશમાં છવાયેલા ઘેરાં વાદળોને કારણે વાતાવરણમાં સાંજ પડતાં પહેલા જ અંધારું થવા લાગ્યું હતું. ઝરમર ઝરમર ધીમો વરસાદ વરસવા લાગ્યો હતો. વરસાદ પડતો જોઇને થયું કે ચાલ પહેલા વરસાદમાં અગાશીમાં જઈને પલળું. મને વરસાદમાં ન્હાવાનું બહુ જ ગમતું. થયું કે ચાલ રૂડીને કહું કે અગાશીમાં આવે. પહેલા વરસાદમાં પલળવાની મજા આવશે. આમ વિચાર આવતા જ રૂડીને શોધી કાઢવાની ઇચ્છા બળવત્તર બની. પણ રૂડી ક્યાં હતી?

પાછો નીચે આવીને એકાદ-બે ચક્કર માર્યા. પણ રૂડી ક્યાંય નજરે ના ચઢી. છેવટે મને થયું કે લાવ વચલા માળે અમરીશની રૂમ છે ત્યાં જોઉં કદાચ તે ત્યાં હોય. કદાચ સાંજના ડ્રીંક્સની વ્યવસ્થા કરતી હોય. હું મારા રૂમમાંથી નીકળીને બાલ્કનીમાં આવ્યો. અને હું અમારા તરફની બાલ્કનીમાંથી કુદીને અમરીશની બાલ્કનીમાં આવ્યો. અમરીશના રૂમની બારી અધખુલી હતી. હું તો સાહજીકતાથી જ રૂડીને શોધવા જતો હતો. બારીમાંથી જે દ્રશ્ય જોયું તે જોઇને હું સડક જ થઇ ગયો. અમરીશના રૂમમાં ઝાંખું અજવાળું હતું. અમરીશ એના બેડ પર અઢુક્ળો સુતો હતો. એનું બદન ખુલ્લું હતું. રૂડી બેડની પાંગતે એક પગ ઉપર વાળીને બેઠી હતી. એની ઓઢણી બ્લાઉઝ પરથી સરી પડી હતી. બેફિકરાઈથી પગ વાળવાથી એની ઘાઘરી સહેજ ઉપર ચઢી ગઈ હતી. એનો ઘુંટણ ખુલ્લો થયેલો દેખાતો હતો. એ અમરીશ તરફ નમેલી હતી અને એના બંને હાથ અમરીશના ખભા પર હતા. નમેલી રૂડીના મદમસ્ત ભરાવદાર સ્તન બ્લાઉઝમાંથી ડોકિયા કરતાં હતાં. એ હાંફતી હોય એમ લાગ્યું. પરસેવાથી એનું બદન ભીનું થઇ ગયું હતું. મારી નજર સમક્ષ આ બધી ઘટના એક મિનીટ માત્રમાં જ બની હતી. પણ એ જોઇને મારુ હદય જોર જોરથી ધબકતું હતું. મારો શ્વાસોશ્વાસ ખુબ જ તેજ થઇ ગયો. એજ વખતે જોરદાર વીજળી ઝબૂકી અને આકાશમાં ભયાનક કડાકા સાથે ગડગડાટ થયો. વીજળીના એ ચમકીલા અજવાળાંની એ અડધી ક્ષણમાં મેં જોયું કે રૂડીએ ધીમી ચીસ પાડીને એ અમરીશને વળગી પડી હતી. મારું મગજ સુન્ન મારી ગયું હતું. મારી આંખે જે જોયું તેની મેં ક્યારેય કલ્પના નહોતી કરી. એજ વખતે પવનના જોરદાર ઝાપટાથી બારીનું બારણું જોરદાર અવાજ સાથે અથડાયું. એ બંને મને જુએ એ પહેલા હું ઝડપથી દોડીને અમારી બાલ્કનીમાં આવ્યો. એ વખતે મેં આમ કેમ કર્યું તેની મને ખબર નથી. પણ મેં જે જોયું હતું તે મારી કલ્પના બહારનું હતું. અને મારા રૂમમાં ભરાઈને મારી બેડ પર પડ્યો.

મારું મગજ બહેર મારી ગયું હતું. મારું શરીર કંપતું હતું. જે દ્રશ્ય મારી નજરે પડ્યું હતું એને સ્વીકારવા મારું હદય ના પાડતું હતું. મારું અંતર વલોવાતું હતું. આંખે જાણે અંધારા આવતા હોય તેવો આભાસ થતો હતો.

શું થઇ રહ્યું હતું એ રૂમમાં?

રૂડી અને અમરીશ?

જે વાતનો હું ક્યારેય વિચાર ન કરી શકું એવું બન્યું હતું?
મારી આંખો સુકી હતી પણ મારું મન રડતું હતું. રૂડી મારી પ્રિય હતી. હું એની પાછળ ગાંડો હતો. હું મનોમન રૂડીના પ્યારમાં પડી ચુક્યો હતો. મને એને પામવાની ઝંખના હતી, ભલે એ શક્ય નહોતું. પણ મારું હદય મારા મગજના કહ્યામાં નહોતું. રૂડી મારી હતી. મારા હદયની આરાધ્યા હતી.
એણે આવું કર્યું? મારું હદય ઘવાયું હતું. આજે મારા પ્રેમની ઈમારત કડડભૂસ કરતી ધરાશાય થઇ ગઈ હતી. હદયમાં ચિરાડો પડી ગઈ હોય તેમ અંદર દુઃખતું હતું. હું મનોમન રડી રહ્યો હતો. હું જેમતેમ કરીને નીચે આવ્યો. મારા ગળે શોષ પડતો હતો. મેં પાણી પીધું અને બહાર આવ્યો.

મેં રૂડીને નીચે આવતા જોઈ. એના કપડાં અસ્તવ્યસ્ત હતા. એ બ્લાઉઝના બટન ઠીક કરતી નીચે ઉતરતી હતી. ઓઢણી જેમ તેમ ઓઢતીક ને એ ઉતાવળથી ઘરમાં ગઈ અને તરત જ દોડતી બહાર નીકળી ગઈ. મેં એને રોકવા બુમ પાડી પણ એ ના રોકાઈ. વરસતા વરસાદમાં મને એમ લાગ્યું કે રૂડીની આંખમાં આંસુ હતાં.

વરસાદ મુશળધાર વરસતો હતો. મારું મન પણ એમ જ રડતું હતું. મારી આંખોમાં પાણી ઉભરાયાં. હવે મનનો ઉભરો બહાર આવવા લાગ્યો. એક વણકહ્યા પ્રેમનું અકાળે જ મોત થઇ ગયું હતું. મારું હદય કકળતું હતું. જે રૂડીને મેં આટઆટલાં ભાવથી મારા હદયમંદિરમાં બેસાડી હતી. એણે જ મારા હદયને કચડ્યું હતું. મારા મનની મુરત અચાનક જ ખંડિત થઇ ગઈ હતી. મને એ પણ ખબર નહોતી કે હું એને પ્રેમ કરતો હતો. રૂડી માટે મને અપાર ચાહના હતી. હું એની પાછળ ઘેલો હતો પણ એ લાગણીને શું કહેવાય એનું ય મને ભાન નહોતું. મારા મનમાં રૂડી વસેલી હતી અને એના પર મારો અધિકાર હતો એવું મારું બાલીશ મન માનતું હતું. મારા દિલમાં જાણે કોઈએ અણીદાર ખીલો ખુંપી દીધો હોય એવી ટીશ ઉઠી હતી. મારી છાતીમાં ચૂંથારો થતો હતો. હદયમાં અપાર વેદના થતી હતી.

વરસતાં વરસાદમાં અંધકારમાં ભાગતી રૂડીનો ચહેરો મને યાદ આવ્યો. અંધારાને કારણે એ કળાયું નહીં. મારું મન તૂટી ચુક્યું હતું.
મારી મનની માનેલી પ્રિય વ્યક્તિએ આજે મને ઘોખો આપ્યો હતો?
રૂડીની સાથે જ મને અમરીશ યાદ આવ્યો. અમરીશ તો મારો દોસ્ત જેવો માણસ અને એણે આવું કર્યું?
અચાનક જ મારા હદયની વેદના ઈર્ષામાં બદલાઈ. આમે ય અમરીશે રૂડીને સાડી આપી ત્યારથી જ મને એ ખટક્યું હતું. પાછું રૂડીને વારતહેવારે કંઈક ને કંઈક આપ્યા કર્યું. રૂડીને ય અમરીશની હાલત અને સંજોગો જોઇને સહાનુભુતિ થતી હતી. જે મને સહેજ પણ પસંદ નહોતું. હવે મને લાગ્યું કે આમાં અમરીશનો જ વાંક છે. એણે જ રૂડીને ફોસલાવી હતી. હું મનમાં ફરી એ દ્રશ્ય યાદ કરવાની કોશિશ કરતો હતો. શું અમરીશ રૂડીને ફોસ્લાવતો હતો?

એ દ્રશ્ય મગજમાં આવતા જ મારા રુંવાડે રુવાંડે આગ લાગી. ગુસ્સાથી માથું ભમવા લાગ્યું. મારું રોમે રોમ વેરની આગમાં સળગવા લાગ્યું. હું પાછો આવીને બેડમાં પડ્યો. મારું શરીર તાવ આવ્યો હોય એમ ધખતું હતું. મગજમાં ચિત્ર વિચિત્ર વિચારો આવતા હતા. શું કરું? મારા મનની આગ શમાવવા શું કરું? ઈર્ષાનો અગ્નિ ભડભડ કરતો બળતો હતો. અને મારા મગજમાં એક ખતરનાક વિચાર આવ્યો. હજુ ય કાંઈ એટલું મોડું નહોતું થયું. હજુ રાત પડવાની વાર હતી. મારી પાસે ઘણો સમય હતો.
રાત્રે મોડેથી જયારે હું મારી રૂમમાં પાછો આવ્યો ત્યારે હું ખુબ જ થાકી ગયો હતો.

******

સવારના પોરમાં મંગલાબાની કાળી ચીસથી વાતાવરણ કંપી ગયું.

"અ..મ..રી............શ !!
અમરીશના રૂમમાંથી મંગળાબાની ગગનભેદી ચીસો આવતી હતી.

હું તો સવારે જલ્દી ઉઠતો નહીં. પણ બા બાપુજી, ભાઈ ભાભી સવારે ઉઠી ગયા હતા. મંગળાબાની ચીસ સાંભળી એ બધા જ એમના ઘરે દોડ્યાં. મંગળાબાની રોક્કળ ચાલુ હતી. અમરીશનો નશ્વર દેહ લોહીલુહાણ હાલતમાં એના બેડ પર પડ્યો હતો. અમરીશની છાતીમાં કરપીણ ઘા હતા. એનો એક હાથ એની છાતી પર અને બીજો હાથ બેડની પાંગત પરથી નીચે લટકતો હતો. અમરીશની છાતીમાંથી હજુ ય લોહી ઝમતું હતું. બેડ પરની ચાદર અને ગાદલું લોહીથી તરબોળ હતાં. અમરીશનું મોં અધખુલ્લું હતું. એના ડોળા બહાર આવી ગયા હતાં.


ક્રમશ: લેખક - અજય પંચાલ (USA)