સમર્પણ Ajay Panchal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમર્પણ

સમર્પણ

હિમાનીના હૈયામાં આજે આનંદની સરવાણીઓ ફૂટતી હતી. એણે જાંબલી કલરની કાંજીવરમ સાડી એના મેચિંગ બ્લાઉઝ સાથે કાઢી અને બહાર મૂકી.
“મોમ, તું આજે આ સાડી પહેરીશ? Come On Mom! ચાલ આજે તું હું તને તૈયાર કરું. તું જો આજે તને તારી દીકરી કેવી ત્યાર કરે છે?”
કેથરીને એ સાડી જોઇને જોઇને કહ્યું, “ના ના, હું આવી સાડી પહેરીને આ સમારંભમાં નહિ જાઉં! એક કામ કર, પેલી almond કલરની સાડી કાઢ, એ તારી જ ગયા જન્મદિવસે આપેલી ભેટ છે.” થોડી રકઝક પછી છેવટે મા-દીકરીની પસંદ બદામી કલરની કાંજીવરમ સાડી પર જ ઉતરી. હિમાનીએ માને તૈયાર કરી. બદામી રંગની કાંજીવરમ સાડી અને મેચિંગ બ્લાઉઝમાં કેથરીનનો ગોરો દેહ પચાસ વરસની ઉંમરે પણ ખુબ જ જાજરમાન લાગતો હતો. હિમાની પણ ઝડપથી તૈયાર થઇ ગઈ. બાળકોને તૈયાર કરીને દાદા-દાદીને જોડે લઈને હિમાનીનો પતિ પણ હોલ પર જવા રવાના થઇ ગયા હતા. હિરેન અને લ્યુસી અમેરિકાથી ગઈકાલે રાત્રે જ આવી ગયા હતાં. માને એમની હાજરીથી સરપ્રાઈઝ આપવાનું હતું એટલે એ બંને હોલની નજીકની હોટેલમાં જ ઉતર્યા હતા અને ત્યાંથી પ્રસંગ શરુ થાય એ પહેલા જ હોલમાં આવીને આગળની હરોળમાં ગોઠવાઈ જવાના હતા. પાપાના મૃત્યુ પછી દાદા–દાદી મા સાથે જ રહેતા હતા પણ થોડા દિવસથી તે હિમાનીના ઘરે રોકાયા હતા. કેથરીન અને હિમાની ઝડપથી ટેક્સીમાં ગોઠવાયાં. ટેક્સી ઝડપથી હોલ તરફ સરકી રહી હતી. હિમાની ફોન પર બધી ગોઠવણ કરવામાં જ બીઝી હતી. અચાનક ઝરમર વરસાદ શરુ થયો. સીઝનના પહેલા વરસાદના અમી છાંટણાએ ઘરતીમાંથી એક અનેરી સોડમ પ્રસરાવી દીધી. પહેલા વરસાદની ધરાની સોડમે કેથરીનને નચિકેતની યાદ લાવી દીધી અને કેથરીનને સમયના ગાળામાં સરી પડી.

કેથરીનની નચિકેતની પહેલી મુલાકાત ન્યુયોર્ક યુનીવર્સીટીના પ્રાંગણમાં થઇ હતી. ઇન્ડીયાથી નવા નવા આવેલાં નચિકેતને સ્ટુડન્ટ એક્ષ્ચેન્જ પ્રોગ્રામ હેઠળ ન્યુયોર્કની પ્રખ્યાત યુનીવર્સીટીમાં એક વર્ષ ભણવાનો લ્હાવો મળ્યો હતો. ભણવામાં હોશિયાર નચિકેત અમેરિકાના નવા વાતાવરણમાં ગૂંચાતો હતો. નચિકેત અમેરિકાની કોલેજ પ્રવેશની વિધિથી ગુંચવાતો હતો. અને ત્યાં જ એને લાઈબ્રેરીમાં કેથરીન ભટકાઈ ગઈ. ખુબ જ સંકોચથી પણ વિવેકથી એણે કેથારીનને જણાવ્યું કે એને રજીસ્ટ્રેશન ફોરમાલીટીમાં ગુંચવણ થતી હતી. “oh, it’s quite a simple. Don’t worry, I will help you.” કહીને કેથેરીને એને પ્રવેશ વિધિમાં મદદ કરી. એડમીશન અને રજીસ્ટ્રેશન ફોરમાલીટી પતી ગઈ. એ દિવસે તો ક્લાસ શરુ થતા નહોતા એટલે નચિકેત પાછો હોસ્ટેલ પણ જવા માંગતો હતો. અને ઝરમર ઝરમર વરસાદ શરુ થયો. કેથરીને સામેથી એને કોફી માટે જોઈન થવાનું ઇજન આપ્યું. નચિકેત સંકોચાતો હતો કારણકે એના ખિસ્સામાં પૂરતા ડોલર નહોતા. એ આનાકાની કરતો રહ્યો. કેથરીનને થોડું અજુગતું લાગ્યું એવો ભાસ થયો એટલે એણે સંકોચ છોડીને હિંમતપૂર્વક કહી દીધું કે, ” I love to join you for a coffie but at this moment I can not afford that either. I am here under Student Exchange Program.”

હસતા અને ભૂરી આંખો નચાવતા કેથરીને કહ્યું, “Oh, That’s it? Come on, Consider it as my treat!” અને બંને કોફી શોપમાં ગયા. કેથરીનને નચિકેતમાં રસ પડ્યો હતો. એવી ગણતરીથી નહિ કે નચિકેત ખુબ જ હોશિયાર હોય તો જ આવા પ્રોગ્રામ હેઠળ પરદેશ ભણવા આવી શકે, પણ કેથરીન કંઈક અંશે ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થયેલી હતી. સાઠના દાયકામાં અમેરિકાનો અમુક વર્ગ હિપ્પીસ અને બીટલ્સ દ્વારા ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થયો હતો. કેથરીનના માતા પિતા એમાંના એક હતા. અને એની અસર કેથરીન પર પણ પડી જ ચુકી હતી. ખુબ જ ઝડપથી કેથરીન અને નચિકેતની દોસ્તી વિકસી. નચિકેત કેથરીનને અભ્યાસમાં મદદ કરતો અને સામે કેથરીન નચિકેતને અમેરિકાના વિવિધ સ્થળો, રહેણીકરણી અને રીતભાતથી પરિચિત કરતી જતી હતી. કેથરીનની મદદથી નચિકેતને ફાજલ સમયમાં યુનીવર્સીટી કેમ્પસમાં પાર્ટ ટાઈમ નોકરી પણ મળી ગઈ હતી એટલે ભણવા ઉપરાંતના ખર્ચ એમાંથી નીકળી જતાં. સ્ટુડન્ટ એક્ષ્ચેન્જ પ્રોગ્રામ તો વરસમાં પૂરો થઇ ગયો. નચિકેતને એ જ કોલેજમાં એડમીશન મળી ગયું. આમ નચીકેતનું અમેરિકા ખાતેનું રોકાણ લંબાઈ ગયું. સાથે હરતા ફરતા અને અભ્યાસ કરતા કરતા નચિકેત અને કેથરીન એકબીજાના પ્રેમમાં પડી ચુક્યા હતા. પ્રણયનો એકરાર થયો અને બંનેની જીંદગીમાં એક બહાર આવી ગઈ. કોલેજનો અભ્યાસ પૂરો થતાં સુધીમાં તો પ્રણયની પરિપક્વતા વધી ચુકી હતી. કેથરીનના માતા પિતા અમેરિકન રહેણીકરણી પ્રમાણે એમની પુત્રીની પસંદ સાથે સંપૂર્ણપણે સહમત હતા. એ પણ ઈચ્છતા હતા કે એ બંને પરણી ને પ્રભુતામાં પગલા પાડે. પણ તકલીફ નચિકેતના બાજુ થી હતી.

નચિકેતના પિતા અમરનાથ ભાર્ગવ હાઇકોર્ટના જાણીતા એડવોકેટ હતા. નચિકેત અમરનાથ ભાર્ગવ અને પત્ની જ્યોત્સના બહેનનું એકમાત્ર સંતાન હતો. એમના માટે નચિકેત ખુબ જ લાડકો હતો પણ સાથે સાથે એમને હિંદુ સંસ્કૃતિ અને ધાર્મિક રીતી રીવાજોમાં પણ અતુટ શ્રધ્ધા હતી. વકીલ હોવાના કારણે અમરનાથ થોડા ઘણાં પણ ઓપન માઇન્ડેડ હતા પણ જયોત્સનાબહેન એકદમ રૂઢીચુસ્ત અને અતિ ધાર્મિક હતા. નચિકેત હવે ધર્મસંકટમાં હતો. એને ખબર હતી કે એના માતા પિતાને ગળે વાત ઉતારવી એ ખુબ જ અઘરું છે. એણે ફોનથી અમરનાથ સાથે વાત કરી. પણ એ ધરાર તૈયાર ના જ થયા. હવે એ કેથરીનને અંધારામાં રાખવાં નહોતો માંગતો. એણે કેથરીનના માતા પિતાના દેખતા જ વાત છેડી. “કેથી, મારા માતા પિતાને આપણા લગ્નની વાત મંજુર નથી. એ ઘણાં રૂઢીચુસ્ત છે. હું તને ખોટો વિશ્વાસ આપીને અંધારામાં રાખવા માંગતો નથી.” કેથી અને એના માતા પિતા પહેલા તો આ વાતથી નારાજ થયા અને નચિકેત પર ઘણા સવાલોનો મારો ચલાવ્યો. છેવટે તેમને સમજાયું કે નચિકેતનું એમ કહેવા પાછળનું કારણ શું હતું. બધાનાં મન ખુબ જ આળા થઇ ગયા. નચિકેતે ઇન્ડિયા પાછા જવા માટેની તૈયારી કરી. ઇન્ડિયા જવાના આગલા દિવસે એ કેથીને આખરી વાર મળીને અલવિદા કહેવા માટે ગયો. એનું હૈયું ખુબ જ ઉદાસ હતું. આજે એની પ્રેમિકાને એ કાયમ માટે છોડીને જવાનો હતો. એ ભારે પગલે કેથરીનના ઘરે ગયો. કેથરીનના મા બાપે એને આવકાર્યો. કેથરીન એના રૂમમાં હતી. એ બહાર આવી. તેની સુટ્કેશો તૈયાર હતી. “નચિકેત, તે તારા માતા પિતાને તારી રીતે સમજાવ્યું. પણ એ રાજી ના થયા. છતાંપણ હું આશા છોડવા માંગતી નથી. હું એક આખરી પ્રયત્ન કરવા માંગું છું. હું તારી સાથે ઇન્ડિયા આવું છું.”

“પણ……” નચિકેત બોલતા અચકાયો. એ અંદરથી તો કેથરીનની આ વાતથી ખુશ તો થયો હતો પણ એ માબાપની રૂઢીચુસ્તતાથી પરિચિત હતો એટલે એને એમાં ઝાઝો અવકાશ ન્હોતો લાગતો. એને કેથરીનના માબાપ સામે જોયું, પણ એ એમની બેટીની જીદ સામે લાચાર હતા. એમને પણ કેથરીનની વાત યોગ્ય લાગતી હતી કે એણે પ્રયત્ન તો જરૂર કરવો જ જોઈએ.

એરપોર્ટ પર નચિકેતને લેવા માટે જ્યોત્સનાબેન અને અમરનાથની સાથે ઘણા સ્વજનો અને મિત્રો પણ હાજર હતા. ટ્રોલીમાં સમાન લઈને નચિકેત બહાર આવ્યો. માતા પિતાને પગે લાગ્યો. મિત્રો અને સ્વજનોનું અભિવાદન સ્વીકારતો હતો ત્યાં જ કેથરીન આગળ આવી. નચિકેતે માબાપને કેથરીનની ઓળખાણ કરાવી. કેથરીને હાથ જોડીને કહ્યું,

“નામસ્ટે ! મારા નામ કેથરીન છું. ટમને માલી ને હેપી થયો છું.” કેથીએ વિચાર્યુકે બધા ખુશ થશે. પણ એનું ભાંગ્યું તૂટ્યું વાક્ય સાંભળીને મિત્રો અને સ્વજનોએ હાસ્યનો ઠહાકો લગાવ્યો. અમરનાથ અને જ્યોત્સનાબેન ખુબ જ ઝંખવાણા પડી ગયા. આજે એમને પુત્રને અમેરિકા મોકલવા માટે ખુબ જ અફસોસ થયો. અમરનાથ ગુસ્સાથી લાલચોળ હતા. નચિકેત પિતાનું આ રૂપ જોઇને ગભરાઈ ગયો હતો.
“આ છોકરી અહિયાં કેમ આવી છે? ક્યાં જવાની છે અહીંથી?” અમરનાથ ગુસ્સામાં તાડૂક્યા.

આ મામલો જોઇને સગાં અને મિત્રો પણ આઘા પાછા થવા લાગ્યાં. થોડા તો મનમાં હસતા પણ હતાં. “જોયું, છોકરાઓને બહુ માથે ચઢાવો તો આવી નોબત આવે.” જ્યોત્સનાબહેનનો પણ પુત્રને મળવાનો ઉત્સાહ મરી ગયો હતો. એમના મુખ પર નારાજગી ચોક્ખી દેખાતી હતી. નચિકેતે હિંમત કરીને કહ્યું, “પપ્પા, કેથરીન તમારી અને મમ્મીની સાથે વાત કરવા આવી છે. અત્યારે તો એ આપણી સાથે જ આવશે.”
પુત્રનો જવાબ સાંભળી અમરનાથે સામું ચોપડાવ્યું, “મેં મારો નિર્ણય તને ફોન પર જ સંભળાવી દીધો છે. મારે કોઈની સાથે વાત કરવી જ નથી.”

નચિકેતે માતા પિતાના સાવ આવા અકડું વલણની આશા નહોતી રાખી. એ ખુબ જ હતાશ થઇ ગયો. એને કેથરીનની સામે થયેલું અપમાન કઠયું. ઘણી વખત મા બાપે પણ સમય વર્તીને વર્તન કરવું જોઈ એ, પણ મોટા ભાગના કિસ્સામાં એવું નથી જ બનતું. નચિકેતથી કેથરીનનું આ અપમાન સહન ના થયું. “તો પછી હું પણ ઘરે આવવા માંગતો નથી. હું મારી મેળે મારો રસ્તો કરી લઈશ.” વાત વણસતી ચાલી એટલે કેથેરીને ખુબ જ નમ્રતા થી કહ્યું, “Uncle, My intentions was not to separate your son from his family. I came here to explain you our situation. I do not want to make any action without your blessing. I believe that we can discuss it later when everyone is calm. I humbly request you, sir.”

અમરનાથને પણ લાગ્યું કે હમણાં જીદ કરવાથી વાત વણસી જશે, દીકરો હાથથી ખોઈ બેસીશું અને જાહેરમાં ફજેતો થશે. એટલે એમણે પણ કેથરીનની વાતમાં મૂક સંમતિ આપી.

એ દિવસે ઘરનું વાતાવરણ બોઝિલ જ રહ્યું. બીજા દિવસે સવારે નાસ્તાના ટેબલ પર ફરી એ જ વાતની ચર્ચા શરુ થઇ. વાતનો દોર કેથરીને સંભાળ્યો. વાતો અંગ્રેજીમાં જ થતી હતી અને જ્યોત્સનાબહેનને વાત થોડી સમજાતી હતી પણ વાતનો સાર આ સમજાયો. કેથેરીને બહુ જ મક્કમતાથી પણ નમ્ર અવાજે એના અને નચિકેતના પ્રેમની વાત કહી. એ પણ જણાવ્યું કે એ નચિકેતની જીંદગીમાં સ્થાન પામવા માટે પુરેપુરી કટિબદ્ધતા સાથે પોતાનો દેશ છોડીને આવી હતી. પણ એને માતા પિતાની મંજુરી અને આશીર્વાદ સિવાયનો સંબંધ પણ મંજુર નહોતો. નચિકેતને પામવા માટે એ કઠીનમાં કઠીન પરિસ્થિતિને સહન કરવા પણ તૈયાર હતી. ત્યારે જ્યોત્સનાબહેને વાંધો ઊઠાવ્યો કે કેથરીનનો ધર્મ, ભાષા, રહેણ સહેણી, પોશાક, ખોરાક આ બધું જ અલગ છે તો એ એને સ્વીકારી નહિ શકે. કેથરીન માટેનો આ પહેલો પડકાર હતો. મક્કમ મને એણે કહ્યું, “હું તમારી સાથે તમારી થઈને રહેવા તૈયાર છું. તમે જો સાથ આપશો તો હું સંપૂર્ણ પણે મારી જાતને બદલી નાખીશ.” નચિકેત અને અમરનાથ કેથરીનના આ નિર્ણયથી ચોંકી ગયા. અમરનાથનું મન તો ત્યાં જ જીતાઈ ગયું. જો આ પરદેશી છોકરી પોતાના પ્રેમ ને સંપાદન કરવા માટે આ હદ સુધી બલિદાન આપવા ત્યાર હતી તો એ પોતાના પુત્રના પ્રેમને સાકાર કરવા માટે કેમ થોડી બાંધછોડ સ્વીકારી ના શકે? આમ જ્યોત્સનાબહેને કચવાતા મને અને અમરનાથે ખુલ્લા દિલથી કેથરીનને સ્વીકારી લીધી.

કેથરીનના સ્વીકાર સાથે જ્યોત્સ્નાબહેને એક પછી એક પડકાર એની સામે મુકવા માંડ્યા. નચિકેત-કેથરીનના ઘડિયા લગ્ન લેવાયા. કેથરીનના માતા પિતા એ પણ અમેરિકાથી આવીને હાજરી આપી. એ બંને પોતાની પુત્રીની પસંદગી પર ગર્વિત હતા. એમણે અમરનાથને વિશ્વાસ આપ્યો કે કેથરીન એમને નિરાશ નહિ જ કરે. કેથરીનનું નામ બદલીને ખ્યાતિ રાખવામાં આવ્યું. લગ્ન હિંદુ વિધિથી ધામધુમથી કરવામાં આવ્યા. અમેરિકાના અત્યંત આધુનિક અને મુક્ત વાતાવરણમાં ઉછરેલી ગોરી છોકરી આજે લાલ પાનેતર પહેરીને હિંદુ ધર્મ અપનાવી સંપૂર્ણ હિંદુ વિધિથી લગ્ન કરીને પોતાને એક એવા બંધનમાં બાંધતી હતી કે જે તેની જીંદગીમાં પ્રેમને પ્રાપ્ત તો કરશે પણ સાથે સાથે પોતાની જિંદગીને ધડમૂળમાંથી બદલી નાખશે. કોઈ પણ સ્ત્રી પરણીને સાસરે આવે છે ત્યારે એની જીંદગીમાં સાસુ જ ઘણા પડકારો અને અડચણ ઉભા કરે છે. દરેક સ્ત્રીએ વહુ તરીકેની કઠીન ફરજ બજાવી જ હોય છે તો પછી કેમ એ બીજી સ્ત્રીનું દર્દ સમજી નહિ શક્તિ હોય? કેમ એ સાસુ બને ત્યારે પોતે વહુ તરીકે જે અનુભવ્યું હતું એ ભૂલી જઈને બીજી સ્ત્રીની જીંદગીમાં અડચણો ઉભી કરે છે? વાત્સલ્યમૂર્તિ સ્ત્રીનું આ વર્તન સમજાય એવું નથી. કેથરીન માટે પહેલો પડકાર હતો પોશાક બદલવાનો. સાડીનો પહેરવેશ કેથરીન માટે અઘરો હતો. સાડી પહેરીને ચાલવાનું પણ નહોતું ફાવતું તો પછી બીજા ઘરકામ કઈ રીતે કરવાના? સદભાગ્યે ઘરકામ કરવા માટે નોકરો હતા પણ રસોઈ તો હાથે જ કરવાની હતી. કેથરીને જાતે સેન્ડવીચ બનાવવા સિવાય કોઈ જ કુકિંગ કર્યું નહોતું. પણ એને ખુબ જ ધીરજથી અને ખંતથી શીખવાનું શરુ કર્યું. એને ભાષામાં ઘણી જ તકલીફ પડતી હતી. એ ડીક્ષનરી પોતાની સાથે જ રાખતી. જો ક્યાંક ગુંચવાય અને ખબર ના પડે તો નચિકેતની મદદ લેતી. નચિકેત પણ હવે નોકરીએ લાગ્યો હતો. એની ધગશ જોઇને જ્યોત્સનાબેન પણ થોડા કુણા પડ્યા હતા. એમણે શરૂઆતમાં રસોઈના મુખ્ય કામ જાતે કરવા માંડ્યા ને કેથરીનને નાના નાના કામ બતાવવા માંડ્યા. ધીમે ધીમે કરતાં કેથરીન રસોઈમાં પાવરધી થતી ચાલી. એ અરસામાં જયોત્સનાબહેન ફ્લુમાં પટકાયા અને લગભગ દસેક દિવસ પથારીવશ રહ્યા. કેથરીને ઘરના તમામ કામકાજની દેખરેખ સંભાળી લીધી. રસોઈની સંપૂર્ણ જવાબદારી માથે લઈને કુશળતાથી ઘર સંભાળી લીધું અને સાસુની માવજત પણ ખુબ જ કરી. હવે કેથરીને જયોત્સનાબહેન અને અમરનાથના મનમાં અનેરી જગ્યા બનાવી લીધી. ધીરે ધીરે કેથરીન ગુજરાતી ભાષા સમજવા માંડી હતી. નચિકેતને પામવા માટે કેથરીને પોતાનો દેશ, ધર્મ, ભાષા, બોલી, પહેરવેશ, ખોરાક, આ બધું જ બદલી નાખ્યું. એને લગીર માત્ર ખટકો નહોતો. નચિકેત અને કેથરીનનીનો સંસાર સુખરૂપે ચાલવા લાગ્યો.

સમયનું ચક્ર ચાલતું રહ્યું. અમેરિકાની ગોરી કેથરીન ખ્યાતી બનીને ભારતીય જીવનમાં ગૂંથાતી ગઈ. હવે તો એની પુરાણી પહેચાન માટે ફક્ત ગોરો રંગ જ બાકી રહ્યો હતો. રંગને બાદ કરતા એ સંપૂર્ણપણે ભારતીય બની ગઈ હતી. ગુજરાતીતો કડકડાટ બોલતી, પણ જ્યોત્સ્નાબહેનનીસાથે સાથે સંસ્કૃતના શ્લોકો પણ બોલતાં શીખી ગઈ. પ્રાર્થના વખતે ખુબ જ મધુર અવાજે ભજન ગાતી અને વાતાવરણને પૂરેપૂરું ધાર્મિક બનાવી દેતી. સ્વભાવ પણ ખુબ જ ઋજુ હતો તેથી બધાની સાથે ખુબ જ સહજતાથી હળીમળી જતી અને બધાની પ્રિય થઇ જતી. નચિકેત અને કેથરીને નક્કી કર્યું હતું કે જિંદગીની ગાડી પાટે ચઢે એ પછી જ બાળકને જીંદગીમાં લાવવું. જિંદગીની ગાડી પાટે ચઢી ચુકી હતી. સમય જતા હિમાની અને પછી હિરેનનું એમની જીંદગીમાં આગમન થયું અને એમનું જીવન કીલ્લોલમય બની ગયું. અમરનાથ પણ હવે નિવૃત થઈને પૌત્ર–પૌત્રી સાથે બાલીશ રમતો રમવામાં નિવૃત્તિનો સમય પસાર કરતા હતા.

જિંદગી હમેશા સુખ દુખ અને ચઢ ઉતર લાવ્યા જ કરે છે. થોડા સમયથી નચિકેતની તબિયત ઢીલી રહેતી હતી. શરૂઆતમાં થોડો તાવ અને શરીરમાં થાક રહેતો હતો. પણ ધીમે ધીમે એનું શરીર લેવાવા માંડ્યું. વજન ઘણું બધું ઘટી ગયું. ડોક્ટરોની દવા ચાલુ થઇ. સ્પેશીયાલીસ્ટની સલાહ લેવામાં આવી. ઘણા બધા ટેસ્ટ લેવામાં આવ્યા અને નિદાન આવ્યું કે નચિકેતને કેન્સરનો રોગ લાગુ પડ્યો હતો. બધાના માથે આભ તૂટી પડ્યું. ઘરનું વાતાવરણ શોકમય થઈ ગયું. અમરનાથ તો અકાળે જ વૃદ્ધ થઇ ગયા. એકના એક દીકરાને આવો અસાધ્ય રોગ લાગુ પડ્યો એ જાણીને એમના દિલને ખુબ જ આઘાત લાગ્યો. કેથરીન આમતો હિંમત હારે એવી નહોતી. એને લાગ્યું કે હવે ભારતમાં નચિકેતનો ઈલાજ કરવા કરતા અમેરિકા લઇ જવો જ ઠીક પડશે. એ હિમાનીને સાસુ સસરા પાસે મુકીને નચિકેત અને નાના હિરેનની સાથે અમેરિકા આવી. હિમાની સ્કુલમાં હતી એટલે એનો અભ્યાસ ભંગ કરવો ઉચિત નહોતો. અમરિકામાં અદ્યતન હોસ્પીટલમાં નચિકેતનો ઈલાજ શરુ થયો. એના માતા પિતાએ પણ કેથરીનની આ મુસીબતમાં પુરેપુરો સાથ આપ્યો. કેથરીને નચિકેતની સારવાર કરવામાં પાછું વળીને જોયું નહિ પણ કુદરતના અફળ ફેંસલા સામે એનું કંઈ જ ના ચાલ્યું. એનો પ્યારો નચિકેત એ જે ધરતી પર એને પ્રથમ વાર મળી હતી એ જ ધરતીને છોડીને પત્નિ, બાળકો અને માતાપીતાને રોતાં કકળતાં મુકીને કાયમ માટે ચાલી નીકળ્યો. કેથરીનનું હદય કકળી ઉઠ્યું. નચિકેતનો પ્રેમ પામવા માટે અને જીંદગીમાં હમસફર બનાવવા માટે એણે એના બધા જ અરમાનો અને આશાઓની કુરબાની આપી હતી અને એ જ નચિકેત આજે તેને આ હાલતમાં મુકીને મોતની સફર પર એકલો જ ઉડી ગયો.

નચિકેતનો નશ્વર દેહ લઈને કેથરીન ભારત પછી ફરી. એના માતા પિતા પણ એની સાથે આવ્યાં. ધાર્મિક વિધિ પ્રમાણે શોકગ્રસ્ત વાતાવરણમાં નચિકેતના અગ્નિસંસ્કાર વિધિ થયાં. લૌકિક ક્રિયાઓ પતિ ગઈ ત્યાં સુધી એના માતા પિતા ભારતમાં રહ્યાં.

અમેરિકા જતા પહેલાં કેથરીનના પિતાએ અમરનાથને કહ્યું, ”અમે કેથરીનને અને બાળકોને અમારી સાથે અમેરિકા લઇ જવા માંગીએ છીએ. નચિકેતનો પ્રેમ પામવા માટે અમારી દીકરીએ ઘણા બલિદાનો આપ્યાં અને અમે એમાં મુક સંમતિ પણ આપી. કારણ કે અમે અમારી દીકરીએ લીધેલા નિર્ણયનું અને એના નચિકેત પ્રત્યેના પ્રેમનું માન રાખવા માંગતા હતાં. એની કુરબાનીઓ જોતાં અમને મનમાં અસહ્ય દુખ થતું હતું પણ અમે ક્યારેય એને એની કટિબદ્ધતામાંથી પાછી ફેરવવા માટે યત્ન કર્યા નહિ. હવે આશા છે કે તમે એને એનું જીવન સુખમય રીતે વીતે એ માટે અમારી સાથે અમેરિકા જવા રજા આપશો.”

આ સાંભળીને અમરનાથ અને જ્યોત્સનાબેન ના માથે આભ તૂટી પડ્યું. હજુ હમણાં જ જુવાનજોધ દીકરો ગુમાવ્યો અને તરત જ પુત્રવધુ અને પૌત્ર-પૌત્રી પણ ગુમાવવાના? જ્યોત્સ્નાબેનની તો સુધ બુધ પણ ના રહી. પણ અમરનાથ સમજતા હતા કે અત્યાર સુધી એમની ખુશી માટે પુત્રવધુ એ બલિદાનો આપ્યા હતાં, હવે પુત્રવધુ અને નચીકેતના સંતાનોના સુખ માટે બલિદાન આપવાનો વારો એમનો છે. એમણે કહ્યું, ” ખ્યાતિ, બેટા! તું તારા માતા પિતા સાથે અમેરિકા જઈ શકે છે. અમે તારા કે સંતાનોના સુખમાં બાધા નહિ બનીએ.” આ સાંભળતા જ કેથરીન બોલી, “પાપાજી, તમે એવું માની જ કેવી રીતે લીધું કે હું તમને અને મમ્મીજી ને છોડીને ક્યાંય પણ જઈશ? હું સમજી શકું છું કે મારા માતા પિતા ની ઈચ્છા એવી જ હોય કે મારી બાકીની જીંદગી સુખરૂપે વીતે. પણ હું એવું કેવી રીતે કરી શકું? હું તમને બંને ને આ ઉંમરે એકલા મુકીને કેવી રીતે જઈ શકું? હું ફક્ત નચિકેતને જ નહોતી પરણી? હું આખા પરિવારને પરણી છું. તમારી પાછલી ઉંમરમાં તમને સાચવવાની જેટલી ફરજ નચિકેતની હતી એટલી જ ફરજ મારી પણ છે. અને હવે નચિકેતના અવસાન પછી તો એ ફરજ બેવડાઈ ગઈ છે.” અમરનાથે ગળગળા અવાજે કહ્યું, “પણ બેટા !………”

વચ્ચેથી જ એમની વાત કાપતા કેથરીને એના પોતાના માતા પિતા ને કહ્યું, “મારો ફેંસલો અટલ છે. હું અહિયાં જ રહીને એક ભારતીય પુત્રવધુ તરીકે મારી ફરજો બજાવીશ. તમારી લાગણીને હું સમજુ છું પણ હું એમ નહિ કરી શકું. મારા માટે નચિકેતનું ઘર એ જ મારું ઘર છે , એના માતા પિતા એ મારા માતા પિતા છે અને એમની ફરજો હવે મારી ફરજો છે.” બધાની અથાગ વિનવણી, સમજાવટ છતાં કેથરીન ટસથી મસ ના થઇ. જ્યોત્સનાબહેન અને અમરનાથની આંખો હર્ષાશ્રુંથી છલકાઈ ગઈ. આજે એમને લાગ્યું કે કેથરીનને પુત્રવધુ તરીકે પામીને એ કૃતજ્ઞ થઇ ગયા છે. કેથરીનના માતા પિતા પણ પુત્રી પ્રત્યે અનેરો આદર અને હૈયામાં ઉદાસીની મિશ્ર લાગણીઓ સાથે અમેરિકા પાછા ફર્યા.

નચિકેતની સારવાર પાછળ ઘણી બધી રકમ ખર્ચાઈ ગઈ હતી. હવે તો અમરનાથ પણ નિવૃત થઇ ગયા હતાં એટલે આમદાનીનું સાધન પણ શોધવું જ રહ્યું. એમનું ઘર ઘણું મોટું હતું એટલે બાજુના બે રૂમ ભાડે આપવાની વ્યવસ્થા કરી લીધી. ઘરમાં નોકર ચાકર પણ ઓછા કરી નાખ્યા. મોટાભાગના કામ જાતે જ કરી લેવાનું નક્કી કર્યું જેથી ખર્ચમાં ઘટાડો કરી શકાય. એ છતાં બાળકોના ઉછેર, અભ્યાસ, ટ્યુશન, ઘર ખર્ચ, ઘરડા સાસુ સસરાની દવા સારવાર આ બધા ખર્ચાને પહોંચી વળવા માટે કેથરીને વિચાર્યું કે હવે એણે નોકરી શોધવી જ પડશે. ન્યુયોર્ક યુનીવર્સીટીના સ્નાતક હોવાને કારણે અને અંગ્રેજી ઉપરાંત ગુજરાતી પર સારો એવો કાબુ હોવાને કારણે કેથરીનને એક ઈંગ્લીશ મીડીયમ સ્કુલમાં અંગ્રેજી વિષય શીખવવાની શિક્ષિકાની નોકરી મળી ગઈ. નોકરી મળતાની સાથે જ એણે સાંજના સમયે થોડા વિધાર્થીઓને પ્રાઇવેટ ટ્યુશન આપવાનું પણ શરુ કરી દીધું. સાથે સાથે હિમાની અને હિરેનના અભ્યાસમાં પણ મદદ કરવા લાગી. આર્થિક સમસ્યાનો હલ તો આમ આવી ગયો. પણ ઘરના કામકાજ, સ્કુલની નોકરી અને પ્રાઇવેટ ટ્યુશનના કારણે એનો ઘણો બધો સમય વીતી જતો. એ ઉપરાંત એ સાસુ સસરાની કાળજી રાખવાનું કે સામાજિક પ્રસંગો-વ્યવહાર જાળવવાનું પણ ચૂકતી નહિ. હિમાનીના સારો મુરતિયો જોઇને લગ્ન લેવાયાં અને એ સાસરે ગઈ. હિરેન પણ વધુ અભ્યાસ અર્થે અમેરિકા નાના નાની સાથે રહેવા ગયો.


નચિકેતની સારવાર વખતે કેથરીન હોસ્પીટલની મુલાકાતો લેતી હતી એ દરમ્યાન એણે નોધ્યું હતું કે મહદ અંશે ભારતીય સમાજ આરોગ્ય, શિક્ષણ અને સ્વચ્છતાની બાબતમાં સભાન નહોતો. એંસીના દાયકામાં એણે અભ્યાસ કર્યો હતો એટલે કમ્પ્યુટરની બાબતમાં એ પણ એટલી જ્ઞાત નહોતી. હિમાની-હિરેનના ના અભ્યાસ અર્થે ઘરમાં કમ્પ્યુટર વસાવ્યું હતું એટલે એણે ધીરે ધીરે કમ્પ્યુટર શીખવાનું શરુ કર્યું. સાથે સાથે એણે શનિ-રવિ જયારે સ્કુલ બંધ હોય ત્યારે લાયબ્રેરીમાં વયસ્ક વ્યક્તિઓને ભેગા કરી એમને આવી બધી બાબતોથી જ્ઞાત કરવાનું શરુ કર્યું. આ બધી પ્રવૃતિઓ કરતા એની પાસે પોતાના માટે તો ફાજલ સમય બચતો જ નહિ. પણ એને આ પ્રવૃત્તિઓમાં ખુબ જ આનંદ આવતો. કમ્પ્યુટર વાપરતાં એ સોસીઅલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકના પરિચયમાં આવી. શરૂઆતમાં તો એ સહઅધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સગા સ્નેહીઓના સંપર્કમાં રહેતી. એક દિવસ એને એ ખ્યાલ આવ્યો કે કેમ આ સોચીઅલ નેટવર્કિંગ સાઇટના માધ્યમથી વધુને વધુ લોકોને આરોગ્ય, શિક્ષણ અને સ્વચ્છતાની બાબતમાં સભાન ના કરી શકાય?

શરૂઆતમાં તો એના મેસેજો અવગણવામાં આવ્યા, અમુક લોકો હસ્યાં, ટીકા કરી. પણ વિધાર્થીઓ અને અમુક જાગૃત લોકો ધીમે ધીમે આ અભિયાનમાં જોડાતાં ગયાં. દેશને બદલાતાં પહેલા જાતને બદલીએ, સમાજને જાગૃત કરતા પહેલા પોતાને જાગૃત કરીએ, પછી પરિવારને અને મહોલ્લાને અને ગામને જાગૃત કરીએની ચેતના લોકોમાં જાગવા લાગી. આ અભિયાનની નોંધ સ્કુલમાં લેવાઈ, ગામમાં લેવાઈ અને છેવટે રાજ્ય સરકારમાં પણ એની નોંધ લેવાઈ. કેથરીનનું નામ ફક્ત શહેરમાં જ નહીં પણ ગામે ગામ ગુંજવા લાગ્યું. ઘણી બધી સંસ્થાઓ આ કાર્યમાં આગળ આવી. ઠેર ઠેર લોક જાગૃતિ અભિયાનની રેલીઓ થવા લાગી. સરકારે આ લોક ચેતનાને ઉન્સાહિત કરવા માટે એક મહત્તમ યોજના શરૂઆત કરવાની જાહેરાત કરી.

આજે શહેરમાં મોટો સમારંભ રાખવામાં આવ્યો હતો. સરકારે લોક જાગૃતિ અભિયાનની શરૂઆત આ જ શહેરમાંથી કરવાનો નિર્ણય કર્યો હતો. ઠેર ઠેરથી લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કેથેરીનના પુત્ર અને એની ગર્લફ્રેન્ડ પણ અમેરિકાથી આવી પહોંચ્યા હતા. ખીચોખીચ ભરાયેલા હોલમાં મુખ્યમંત્રીએ પ્રારમ્ભિક પ્રવચન પછી કેથરીનને સ્ટેજ પર બોલાવીને એનું સ્વાગત કર્યું. એક વિદેશી હોવા છતાં પણ આ દેશને પોતાનો માનીને કેથરીને પોતાના કુટુંબને જ નહિ પણ સાથે સાથે દેશની ઉન્નતિ માટે કરેલાં કાર્યો, સામાજિક જાગૃતિ અને લોક નવચેતનાના કાર્યોને બિરદાવ્યા. લોકોની તાલીઓના ગડગડાટ વચ્ચે મુખ્યમંત્રીએ પુષ્પગુચ્છ સાથે રાજ્યના મહત્તમ એવોર્ડ “રાજ્ય રત્ન”થી કેથરીનને નવાજી. સાથે સાથે રાજ્ય સરકારની લોક નિર્માણની નવી યોજનાના અમલ માટેની જાહેરાત કરી, કેથરીનની નિમણુંક લોકનિર્માણ યોજનાના અધ્યક્ષ તરીકે કરી. આગલી હરોળમાં બેઠેલા સાસુ સસરા, દીકરી જમાઈ અને દીકરા અને એની ગર્લ ફ્રેન્ડ એ બધાના મુખ પર કેથરીને કરેલા કાર્યો પર ગર્વ હતો.

સમાંરભ પૂરો થતાં બધાંના અભિનંદન સ્વીકારતાં સર્વે બહાર નીકળ્યા. બધાના મોં પર આનંદ અને અહોભાવની લાગણી હતી. વિદેશી નારી કેથરીનના સમર્પણની ગાથા બધે ગવાતી હતી. કેથરીન ખુબ જ ખુશ હતી. આજે એના નચિકેતનું તર્પણ થયું હતું. ઝરમર ઝરમર વરસાદ વરસવો શરુ થયો જાણે કે સ્વર્ગમાં નચિકેતની આંખો હર્ષાશ્રું વહાવતી ના હોય!!!

--અજય પંચાલ (USA)