Charlie - Everybody knows Charlie! Ajay Panchal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Charlie - Everybody knows Charlie!

Charlie - Everybody knows Charlie

ચાર્લીને કોણ નથી જાણતું?
ચાર્લી અમારા કુટુંબનો સૌનો લાડલો સભ્ય છે. મારા સૌ મારા કુટુંબીજનો, મિત્રો, મારા બોસ, મારા સહાધ્યાયીઓ બધા જ ચાર્લી ને જાણે છે. ઘરેથી કામ કરતો હોઉં તો વિડીયો કોલ દરમ્યાન મારા બોસ, કે હોંગ કોંગ ઓફિસની Melanie કે આર્જેન્ટીના ઓફીસનો Ale Riccardi કે મેક્સિકો ફેક્ટરીનો પ્રોજેક્ટ મેનેજર Jorge સુદ્ધા Charlie વિષે પૂછે જ પૂછે. અને જો કોઈવાર પૂછવાનું ભૂલી ય જાય તો કોલ દરમ્યાન એકાદ વાર તો ચાર્લી જાતે જ આવીને બધાને Hi કહી જાય. અરે હું મેક્સિકોમાં બીઝનેસ ટ્રીપ દરમ્યાન જે હોટેલમાં કાયમ ઉતરું છું તે હોટેલ રિયું પ્લાઝાની બાર ટેન્ડર લીઝ પણ ચાર્લીને જાણે છે. મારી મુલાકત દરમ્યાન કાયમ એ મને ઓર્ડર કરતાં પહેલા જ મારું મનપસંદ 'ડોન હુલીયો (Don Julio) ડ્રીંક ધરી દઈ ને પૂછે કે "How is Charlie?"

ચાર્લી એ છુવાવા (Chihuahua) બ્રીડનો ડોગ છે. પાંચ વરસની ઉંમરમાં એનું વજન 13 પાઉન્ડ જેટલું છે. એકદમ હેન્ડસમ ડોગ. ક્રીમ કલરના ફર પર આછો ગોલ્ડન કલરનો ઢોલ ચઢાવ્યો હોય એવો સુંદર ચાર્લી સ્વભાવે બહુ જ તીખા મરચાં જેવો છે. ખુબ જ વફાદાર અને પ્રોટેક્ટીવ, પણ બહુ જ પઝેસીવ નેચરનો છે. આમે ય છુવાવા ડોગ એમના પઝેસીવ નેચર માટે જાણીતા છે. ખુબ જ સુંદર,ખુબ જ લોયલ પણ બહુ જ પઝેસીવ. એ એમ જ માને છે મારી આખી પ્રોપર્ટી પર એનો જ હક છે. જયારે એ બહાર ફ્રન્ટ યાર્ડની લોન કે બેક યાર્ડ માં વોક માટે જાય ત્યારે એ અમુક અમુક જગ્યાએ પી (પેશાબ) કરીને એની ટેરેટરી માર્ક કરી દે છે. એટલા એરિયામાં જો કોઈ બીજો ડોગ આવે કે જો કોઈ અજાણી વ્યક્તિ ચાલતી હોય તો એ વિન્ડોમાં રહ્યો રહ્યો ગુસ્સે થાય અને જોરજોરથી ભસે. જો બહાર છુટ્ટો હોય તો તો મગદુર નથી કે કોઈ ત્યાંથી ચાલી શકે. ઘરમાં રહીને ગુસ્સે થઈને ભસે અને પછી અમારી સામે એ રીતે જુએ જાણે કે કમ્પ્લેઇન કરતો હોય કે 'તમે ય કેમ કશું નથી કરતાં?' એને એના નાનકડાં કદનું ય ભાન નથી અને મોટા ડોગની પણ સામે થઇ જાય છે. અમારા ઘરે આવતા મહેમાનને અમારે પહેલા ચાર્લીથી પરિચિત કરાવવા પડે છે. એ અજાણી વ્યક્તિને પસંદ નથી કરતો. એટલે એ વ્યક્તિને સુંઘી લે અને પરિચિત થઇ જાય પછી જ સ્વીકારે છે. સ્ત્રીઓ સાથે એ સહેલાઈથી પરિચિત થઇ જાય છે પણ ડાર્ક કલરના પુરુષો એને ગમતાં નથી.

ચાર્લી જેટલો અમને વફાદાર છે એટલી જ વફાદારીની સામે પણ રાખે છે. જો અમે બહાર ગયા હોઈએ અને જો કોઈ બીજા ડોગ પર હાથ ફેરવ્યો હોય અને ઘરે આવીએ તો તરત જ એને ખબર પડી જાય છે. જાને ખોટું લાગ્યું હોય તેમ એનું વર્તન બદલાઈ જાય છે. એકવાર હું મારી બીઝનેસ ટ્રીપ માટે અઠવાડિયું મેક્સિકોમાં રોકાયો હતો. અને એ ગાળામાં બારી દીકરીના ફીયાન્સેએ એને વેલેન્તાઇન ડે નિમિત્તે બીજા એક ડોગ 'સોફી'ની ભેટ આપી. નાનું બીજું ગલુડિયું ઘરમાં આવ્યું ને ચાર્લીનો મિજાજ બગડી ગયો. જેટલા સભ્યોએ સોફીને પકડને વ્હાલ કર્યું એ બધનો એણે રીતસરનો બહિસ્કાર કરી દીધો અને એક ખૂણામાં જ બેસી રહ્યો. બે દિવસ સુધી એણે ખાવાનું પણ ના ખાધું. હું ટ્રીપ પરથી આવ્યો એટલે એરપોર્ટ પરથી જ મને આ બાબતની જાણ કરી દીધી હતી એટલે હું જેવો ઘરે આવ્યો એટલે ચાર્લી મને વળગીને એટલું બધું વ્હાલ કર્યું કે જાણે કહેતો હોય કે ઘરના બધા જ વિશ્વાસઘાતી છે. બધાની આંખો ભીની થઇ ગઈ. એની આંખો પણ આંસુથી ભીની હતી. હું સમજીને સોફીને અડ્યો પણ નહિ તેથી એને મારી પર ભરોસો રહ્યો. મેં મારા હાથે ખવડાવ્યું ત્યારે એણે ખાધું. લગભગ એક મહિનો એણે આવું શુષ્ક વર્તન બધા સાથે રાખ્યું પછી એણે સોફીને ધીરે ધીરે સ્વીકારી. હું જયારે પણ ટ્રીપમાં વિદેશ ગયો હોય તો લગભગ દરરોજ ફોન કે ટેક્સ્ટ દ્વારા એમની અને ઘરના બધા જ સભ્યોના હાલ તો હું પૂછતો જ રહું છું. ઘરે પાછો આવું એટલે મારે ઘરના સભ્યોને પણ હાઈ હલો કરવાનો સમય આપ્યા પહેલા અડધો કલાક એમને વ્હાલ કરવા દેવું પડે છે. હું નીચે ફ્લોર પર બેસી જાઉં કે સુઈ જાઉં અને એ મને સુંઘીને, ચાટીને, વળગીને વ્હાલ કરે પછી થોડો સમય એમની સાથે એમના રમકડા સાથે રમું ત્યાર પછી ટ્રીપની વિગતે વાત અન્ય સભ્યો સાથે થઇ શકે.

ચાર્લી અને સોફી ઘરના માનદ સભ્યો છે. જેટલી હેલ્થની કાળજી અન્ય સભ્યોની રખાય છે એટલી એ બંનેની પણ રખાય છે. હોસ્પિટલમાં લઇ જઈને એમને જરૂરી રસી મુકાવાય છે. એ બંનેનો અલગ હેલ્થ ઇન્સ્યોરન્સ પણ લેવામાં આવ્યો છે. એમના માટેનું સ્પેશ્યલ ફૂડ લાવવમાં આવે છે જે દિવસમાં બે વાર એમને અપાય છે. જયારે કશું નવું શીખે કે ખુશ થઇ એ ત્યારે જ એમને સ્પેશ્યલ 'ટ્રીટ' અપાય છે. એમને નવડાવવા, નાખ કાનની તપાસ માટે દર મહીને pet સ્ટોરમાં લઇ જવામાં આવે છે. દરરોજ બે સમયે એમને બહાર walk માટે લઇ જવાય છે. દરરોજ સાંજે એમને walk કરાવવાની જવાબદારી મારી છે. એ દરરોજ મારા ઘરે આવવાની આતુરતાથી રાહ જોતા જ હોય છે. ઘરે આવું એટલે દરરોજ એટલું બધું વેલકમ મળે છે કે ત્યારે ખ્યાલ આવે છે કે ઘરે કોઈ મારી આતુરતાથી રાહ જુએ છે. કોઈ પણ સીઝન હોય, ગરમી હોય, ઠંડી હોય કે શૂન્ય ડીગ્રી કરતાં પણ નીચું તાપમાન હોય કે વરસાદ હોય એમને પણ સ્વેટર કે રેઇન કોટ પહેરાવીને પણ એમને બહાર લઇ જવા પડે. મને કદાચ મને કબજીયાત થઇ જાય તો ચાલે પણ ચાર્લીનું કામ પત્યું કે નહિ એની તો તપાસ ચોક્કસ રાખું છું. મજાની વાત તો એ છે કે મારા એક સ્વેટર અને ચાર્લીના સ્વેટરનો રંગ અને ડીઝાઈન એકદમ સરખા છે. ઘણીવાર અમે બંને મેચિંગમાં બહાર જઈએ છે. અમે ક્યારેય પણ બહાર જઈએ તો એમના સમયની ખ્યાલ રાખીને ઘરે પાછા સમયસર આવી જઈએ છે. અથવા તો ગમે તે એક વ્યક્તિ એમને સામે બહાર લઇ જવા માટે ઘરે રહે છે. જો લગ્ન પ્રસંગે બધા એ સાથે બે ત્રણ દિવસ માટે જવાનું થાય તો એમને Pet motel માં રાખીએ છીએ જ્યાં એમની બધી જ જરૂરિયાતોનું ધ્યાન રખાય છે.

ચાર્લી અમારા ઘરે આવ્યો ત્યારે એ લગભગ બે મહિનાનો જ હતો. ચાર્લી પહેલા અમારે ત્યાં Chunks નામનો એક મોટો રોટવાઈલાર Rottweiler ડોગ હતો. જે મોટો થતાં મારી દીકરીના ફીયાન્સેના ઘરે રહેવા ગયો એટલે મારી દીકરી ચાર્લીને ઘરે લઇ આવી. નાનકડું બચ્ચું ઘરે આવ્યું ત્યારે તો થરથરતું હતું અને આજે એ બધાને થથરાવે એવો થઇ ગયો છે. હવે વાર તહેવારે બધા જ ડોગ ભેગા થાય છે અને સાથે રમે છે. આજે ચાર્લી અને સોફી ચન્કસ ને મળવા માટે ગયા છે. ઘર સુનું સુનું લાગે છે. તો પછી આજે મેં વિચાર્યું કે ચાલો આજે ચાર્લી પર જ એક લેખ લખી નાખું. ચાર્લી, સોફી અને ચન્કસ અમારા પરિવારના અનન્ય સભ્યો છે.
-અજય પંચાલ (USA)