આયુર્વેદ અને સૌન્દર્ય
દ્નીયામાં ભાગ્યેજ કોઈ સ્ત્રી એવી હશે કે જે પોતાની સુંદરતા માટે સભાન નહિ હોય. દરેક સ્ત્રી સુંદરતા ઝંખે છે .આ તેનો કુદરતી સ્વભાવ છે. અને આજકાલ તો પુરુષો અને બાળકો પણ પોતાની સુંદરતા પ્રત્યે સભાન થવા લાગ્યા છે. પરંતુ પુરુષ ની સરખામણીમાં સ્ત્રી પોતાના સૌન્દર્ય બાબતે વધુ ચિંતિત હોય છે.
આકર્ષક અને સુન્દર ચહેરો ,સામે વાળી વ્યક્તિના હ્રદયને સોંસરવા વીંધી નાખે તેવા તીક્ષ્ણ નયનબાણ ,સપ્રમાણ નમણુ નાક, મૃગલી સમાન ગરદન,પહોળી છાતી પર ધબકતા ઉન્નત ઉરોજ, લાંબા કળા ઘટાદાર કેશ કે જે તેની પાતળી નાજુક કમર ની નીચે સુધી નૃત્ય કરતા હોય, પુષ્ટ નિતંબ, સપ્રમાણ પીંડલીઓ ,અને મખમલી પગની પાની ધરાવતી સ્ત્રી એટલે આદર્શ સુંદર સ્ત્રી...
આ તો થઇ બાહ્ય સૌન્દર્ય (outer beauty)ની વાત પરંતુ જયારે આયુર્વેદના સંદર્ભમાં સૌન્દર્યની વાત કરીએ ત્યારે તે બાબત ખાસ જાણવી જરૂરી છે કે આયુર્વેદમાં માત્ર બાહ્ય સૌન્દર્યની અગત્યતા ન દર્શાવતા સાથે આંતરિક સૌન્દર્ય (inner beauty) ની પણ તેટલી જ અગત્યતા દર્શાવેલ છે. સપ્રમાણ શરીર, સુંદર ત્વચા, ઘટાદાર વાળ વગેરે જેમ બાહ્ય સૌન્દર્ય પ્રદર્શિત કરે છે તેમ સદાચાર, નમ્રતા, શિષ્ટાચાર, એકાગ્રતા વગેરે આભ્યંતર ગુણો નિર્દેશિત કરે છે જેમાં ભાવનાત્મક અને માનસિક ક્ષમતા પણ સમાવિષ્ટ છે. જે રીતે આપણે શરીરને આયુર્વેદોક્ત યોગ્ય આહાર વિહાર થી સુવ્યવસ્થિત કરી શકયે છીએ તે જ રીતે હકારાત્મક વિચારશૈલી થી આપણે મન ને તાલીમબધ્ધ કરી શકયે છીએ. જે રીતે બહાર થી શરીર શુધ્ધ અને સુદ્રઢ બની શકે છે તે જ રીતે મન પણ સંપૂર્ણ નિયંત્રિત તથા શીષ્ટ્બદ્ધ બની શકે છે. આ રીતે મનને બિલકુલ શાંત હળવું સતેજ થા સચેત કરી શકાય છે.
આ ઉપરાંત આયુર્વેદ માં એક અન્ય સૌંદર્ય (secret beauty) ની વાત કરી છે અન તે છે તમારી આભ્યંતર શક્તિ (inner strength) જે બાહ્ય તથા આંતરિક સૌન્દર્યને સમતોલ રાખે છે. પુરતી ધીરજ અને અનુભવ પરથી શિખવાની ધગશ આ બધા ગુણો ને વિકસાવે છે. વક્તિ જો સૌન્દર્યના આ ત્રણ પાસાઓ યોગ્ય રીતે સમજે અને પોતાના સાચા સૌન્દર્યને જાતે ઓળખી નિખારે, અંદર રહેલા ગણો ને વિકસાવી બહાર લાવે તો આત્મવિશ્વાસ સાથે સાચી પરિપક્વતા મેળવી સમાજ માં સુંદર વક્તિ તરીકે પ્રતિષ્ઠા પામી શકે છે.
જો શરીર નીરોગી હશે તોજ સુંદરતા જળવાઈ રેહશે. આયુર્વેદમાં દર્દીની ચિકિત્સા જેટલું જ મહત્વ સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યની જાળવણીને આપેલ છે. સામાન્ય રીતે બાળક જન્મે ત્યારે “શતમ જીવમ શરદ” તેવા આશીર્વાદ આપવામાં આવે છે. કિશોર અવસ્થામાં વ્યક્તિ સંપૂર્ણ નિર્ભીક હોઈ છે. સમય જતા વ્યક્તિ વધુને વધુ જવાબદારીઓથી ચિંતિત રહે છે જેની અસર તેના સ્વાસ્થ્યને પણ આવે છે. યુવા અવસ્થામાં રૂષ્ઠ-પુષ્ઠ રેહવા વાળા સ્ત્રી પુરુષ પ્રૌઢાવસ્થામાં વિભિન્ન રોગથી ઘેરાય જાય છે. અને તેને જીવન બોજમય લાગવા લાગે છે અન અંતે તે તનાવ તથા નિરાશાથી પિડાય છે.
જો વ્યક્તિ યુવાવસ્થાથી જ યોગ્ય આહાર વિહારનું ઉચીત પાલન કરે તો પ્રૌઢાવસ્થામાં શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખીને આનંદમય જીવન પસાર કરી શકે છે. પચીસ ત્રીસ વર્ષની આયુથી જ દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્ય બાબતે સચેત રેહવું જોઈએ. પોતાના આહાર વિહારમાં વધ માં વધુ શાકભાજી તથા ફળોનો ઉપયોગ અને નિયમિત વ્યાયામ વ્યક્તિ શારીરિક સંતુલન વિકસિત કરી શકે છે.
મારી પાસે આવતા દર્દીને હું જયારે તેમની નિયમિત વ્યાયામ બાબત પુછતાછ કરું ત્યારે તે લોકો મોટા ભાગે ઘર કામ અને વ્યવસાય ની વસ્તતાના કારણે નિયમિત વ્યાયામ નથી કરી શકતા તેવું જણાવે છે. અને આધુનિક જીવન શૈલી જોતા ક્યારેક આ વાત સાચી પણ લાગે છે. પરંતુ જો વ્યક્તિ થોડું સમયનું આયોજન કરે તો વ્યાયામ માટે જરૂર સમય ફાળવી જ શકે. કઈ નહિ તો સવારમાં ખુલ્લા પાર્કમાં ૪૦-૪૫ મિનીટ નિયમિત ચાલવાથી પણ સારામાં સારો વ્યાયામ મેળવી શકે છે. ખાસ કરીને શુધ્ધ વાયુ રક્ત સાથે મળીને શરીરના દરેક અંગને સક્રિય કરી આખા દિવસની ઉર્જા પૂરી પાડે છે. આહાર વિહારમાં નીયંત્રણની સાથે સ્વસ્થ રેહવા માટે નિંદ્રા પણ તેટલી જ અગત્યની છે. યોગ્ય નિંદ્રા વ્યક્તિને રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે જે વૈજ્ઞાનિક રીતે સિધ્ધ થયેલ છે.
કાયાકલ્પ
સુંદરતા વધારવા તથા જાળવવામાં કાયાકલ્પ શબ્દ બહું જ પ્રચલિત છે અને તમે પણ વારંવાર તે સંભાળ્યો જ હશે. પરંતુ સાચા અર્થમાં અયુર્વેદોક્ત કાયાકલ્પ એટલે શું તે ભાગ્યે જ કોઈક જાણતું હશે. આયુર્વેદ ચિકિત્સામાં કાયાકલ્પ માટે રસાયણ ચિકિત્સાનું વિસ્તૃત વર્ણન કરેલ છે જેમાં વ્યક્તિ એક કુટી એટલે કે ઝૂંપડી જેવા એક રૂમમાં પ્રવેશ કરી દિવસો સુધી માત્ર રસાયણ દ્રવ્યો અને ફળોનું સેવન કરી કાયાકલ્પ કરતાં હતા અને તે પણ શહેરથી દુર પર્યાવરણની વચ્ચે શુધ્ધ વાતાવરણમાં.
આધુનિક સમયમાં વ્યક્તિ પોતાનો વાવ્સાય અને પરિવાર છોડીને કાયાકલ્પ કરવા જઈ શકે તે સંભવ નથી પરતું વ્યક્તિ પોતાના સમાજમાં રહી ને કાયાકલ્પ કરી શકે તેવા પણ કેટલાક ચિકિત્સાકર્મો આયુર્વેદમાં જણાવેલ છે. આ ચિકિત્સા કર્મોની વાત પર જઈએ તે પેહલા આયુર્વેદમાં અતિ ઉપયોગી તેવા રસાયણ દ્રવ્યો વિશે થોડી વાત કરીશ. આયુર્વેદ સિવાય ભાગ્યે જ કોઈ ચિકિત્સા પધ્ધતિમાં આવા ઉત્કૃષ્ઠ દ્રવ્યોનું વર્ણન થયું હશે કે જે શરીરને નીરોગી રાખી અને ચિરયૌવન જાળવવામાં સહાયતા કરતા હોઈ. આવા કેટલાક દ્રવ્યો જેવા કે આમળા, અશ્વગંધા, શતાવરી, યષ્થીમધુ, વગેરે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારીને શરીરની સુંદરતા જાળવી રાખવામાં સહાયરૂપ બને છે. આ ઉપરાંત આયુર્વેદ એક અન્ય પણ વિશિષ્ઠતા ધરાવે છે અને તે છે પંચકર્મ ચિકિત્સા. આયુર્વેદમાં બે પ્રકારની ચિકિત્સા પધ્ધતિ દર્શાવેલ છે- શમન ચિકિત્સા તથા શોધન ચિકિત્સા. સામાન્ય તાવ, ઉધરસ, શરદી, જાડા, વગેરે રોગોમાં આયુર્વેદ ઔષદ્ધો આપવાથી રોગો દુર થાય છે. પરંતુ જ્યારે રોગો જીર્ણ બને અથવા તો સામાન્ય ભાષામાં કહીએ કે રોગો ઘર કરી જાય ત્યારે શરીરને પંચકરમ ચિકિત્સા દ્વારા શોધન એટલે ક શુધ્ધ કરવામાં આવે છે.
સાંપ્રત સમયની સમસ્યાઓ જેવી કે વાતાવરણ તથા ખોરાકમાં પ્રદુષણ, વ્યવસાયિક તથા માનસિક જવાબદારીઓના કારણે રેહતો તનાવ વગેરે પરિસ્થિતિમાં રોગ મુક્ત જીવન આપે તેવું આયુર્વેદ એક અદ્ભુત વિજ્ઞાન છે જે વ્યક્તિના આંતરિક તથા બાહ્ય સૌન્દર્યને જાળવવામાં મદદરૂપ થઈને વ્યક્તિને શ્રેષ્ઠ જીવન આપે છે. આયુર્વેદ ચિકિત્સાના વિવિધ પાસાઓ તથા પંચકર્મ ચિકિત્સાની વિસ્તૃત માહિતી આગળ ઉપર જાણીશું.