સુષમા
આજે સુષમા ગમગીન અને શાંત બની ગઇ હતી. કેન્સર હોસ્પિટલમાં સારવાર અપાવતાં એનાં
કુટુંબીજનોને તો એને બચાવી લેવાની આશા હતી પણ દિવસે દિવસે એના શરીરમાં ઊભી થતી નવી મુસીબતે
તેને વિમાસણમાં મૂકી દીધી હતી. તેનો પતિ ગંભીર બની એની સેવા કરી રહ્યો હતો. સુષમાને તો એ બચી
જવાની આશા આપતો પણ બીજી તરફ ચૂપચાપ આંસુ સારતો. પતિના એવા બેવડા વલણથી સુષમા પોેતે
મુંઝવણ અનુભવતી. એ કયારેક પતિને ફરિયાદ કરતીઃ
‘તમે આજકાલ મારી સાથે બેસીને પહેલાંની જેમ કેમ વાતો કરતા નથી ? હું આખો દિવસ તમને
જોતી જ નથી’ સુષમાને શું ખબર પણ બૈજુ સવારે ઊઠીને સુષમાને રોજ સારવાર માટે લઇ જતો. પછી એને
સારવારની દવા અને જરૂરી રિપોર્ટ મેળવતાં અર્ધો દિવસ નીકળી જતો. તે ઉપરાંત બહારની દવા ખરીદવા
અને બીજો સામાન લેવા એને બહાર દોડવું પડતું. આખો દિવસ કામમાં રોકાઇને બૈજુને થાક ખાવાનો સમય
ન રહેતો. વળી જેવી સાંજ થતી એવી સુષમાને એ ખૂબ ડંખતી. રાતે એને જેવી તેવી ઉંઘ આવતી. વળી તેમાં
પણ પાઇન (દવાના બાટલા) ચઢાવવા રાતે નર્સોની દોડધામ ચાલુ રહેતી. વારંવાર એવી સારવારથી સુષમાની
નસો ઊંડી ઉતરી ગઇ હતી એટલે નસ મેળવતાં નર્સને અને દરદીને ખૂબ જ તકલીફ પડતી. એવા દુઃખમાં
મોકો મળતાં બૈજુ બાજુએ જઇ જૂની વાતોમાં સરી પડતોઃ
૧૯૭૭ના મે મહિનામાં બૈજુએ વડોદરાથી દહેરાદૂનની સફર આરંભી ત્યારે એ એકલો જ હતો.
બીજા દિવસે સાંજે સાતેક વાગે તે દહેરાદૂન પહોંચ્યો ત્યારે અંધારું થવા આવ્યું હતું. ઝરમર ઝરમર વર્ષા થઇ
રહી હતી. સ્ટેશને ઉતરી બૈજુએ પોતાની અટેચી સાથે મસૂરી તરફ જતી બસ પકડવા ઝડપ કરી. થોડીવારમાં
એ બસ અડ્ડા પર પહોંચ્યો ત્યારે એક બસ મસૂરી જવા તૈયાર હતી. એ તેમાં ઝટપટ બેસી ગયો અને તરત
બસ ઉપડી. બસ ઉપડતાં ખબર પડી કે ઉપર જતી એ છેલ્લી બસ હતી. અંધારામાં ઠંડા પવનની લહેરો ખાતાં
બસ ધીમેધીમે આગળ વધી. બૈજુએ રાજપુરની ટિકિટ કપાવી અને અર્ધા કલાકની મુસાફરી પછી એ રાજપુર
ગામના સ્ટેન્ડ પર ઉતરી પડ્યો. સ્ટેન્ડ પાસે એક પાન-બીડીનો ગલ્લો હતો. ત્યાં જ લાઇટ હતી, બાકી
આસપાર બધે અંધારૂ ઘોર. બૈજુએ ગલ્લાવાળાને પોતાને જવાનું એડ્રેસ પૂછી લીધું. સ્થળ તદ્ન નજદીક હતું,
એથી થોડી વારમાં એ અટેચી લઇ ત્યાં પહોંચી ગયો. ત્યાં હિંદીભાષી લેખકોની ગોષ્ઠિ મળી રહી હતી. કેટલાક
લેખકો ત્યાં હાજર થઇ ગયા હતા. તેઓએ બૈજુને આવકાર્યો. ત્યાં હાથપગ ધોઇ ફ્રેશ થયા પછી બૈજુએ મિત્રો
સાથે ભોજન લીધું. રાજપુરનુું વાતાવરણ ખુશનુમા ઠંડક પહોંચાડતું હતું. એવા આહ્લાદક વાતાવરણમાં રાતે
બૈજુ આરામથી ઊંઘ્યો.
એ સવારે ઊઠ્યો ત્યારે પંખીગાન સંભળાતાં હતાં. પોતાના વતન કરતાં ભિન્ન પક્ષીઓનો કલરવ એ
સાંભળી રહ્યો હતો. પ્રથમ દિવસે ઊઠીને એણે ઠંડા પાણીમાં સ્નાન કર્યું ત્યારે ત્યાંના અતિશીતળ પાણીથી શરીર
થીજી ગયું. સ્નાન કર્યા બાદ શરીરમાં અજબ તાજગી અનુભવાતી હતી. પછી તરત ચાપાણીમાં ભારે નાસ્તો
મળ્યો. ગુજરાત કરતાં ત્યાંના સવારના નાસ્તાની એ ભિન્ન પ્રથા લાગી. સવારે નાસ્તામાં જમવા જેટલો ભરપુર
નાસ્તો મળે, એટલે સૌએ ધરાઇને ખાઇ લીધું.
મોડેથી લેખકમિત્રો સાથેનો કાર્યક્રમ શરૂ થયો. પ્રથમ દિવસે પરિચય સાથે શિક્ષણ અપાયું. તેમાં
કાર્યક્રમ પૂરો થતાં લેખ, વાર્તા, નાટક અને રેડિયો લેખન અંગે શિક્ષણ અપાયું. ભારતનાં જુદાજુદા રાજ્યોમાંથી
લેખકો આવેલા હોય, તેઓને છેલ્લા બે દિવસ બધે ફરવાની છૂટ આપવામાં આવી. એવી તકોમાં બૈજુ
પરપ્રાંતિય મિત્રો સાથે ઋષિકેશ અને દહેરાદૂનમાં ખૂૂૂબ ફર્યો.
છેલ્લા દિવસે સંસ્થા મારફતે મસૂરીનો પ્રવાસ ગોઠવાયો. એ દિવસે સવારથી જ બધા બસ પકડવા
તૈયાર થઇ ગયા ત્યારે બૈજુ મસૂરીથી અજાણ હોવાથી હાફસ્લીવ શર્ટમાં તૈયાર થઇ નીકળ્યો. તેને સંસ્થાના
સંચાલકે ગરમ કપડાં પહેરવા સૂચન કર્યું. છતાં બૈજુએ બહુ ધ્યાન આપ્યું નહિ ત્યારે એ લેખક ગોષ્ઠિમાં
આવેલી એક પંજાબી યુવતીએ પોતાના શરીર પર વીંટાળેલી ગરમ શાલ ઝડપથી કાઢી બૈજુને મસુરીમાં ઓઢવા
આપી. યુવતીની બૈજુ માટેની લાગણી જોઇ યુવાન મિત્રો બૈજુ સામે જોઈ માર્મિક હાસ્ય કરવા લાગ્યા. થોેેડી
વારમાં બસ આવી, તેમાં પંદરેક લેખક મિત્રો ગોઠવાઈ ગયા. તરત જ બસ ઉપડી અને પહાડીની ઉપર તરફ
ઘુમતી ઝીગઝાગ માર્ગ પર કલાકની મુસાફરી કર્યા બાદ એ મસૂરીની પહાડી ઉપર પહોંચી ગઈ. બસમાંથી
ઉતરતાં જ ગુલાબી ઠંડીનો એહસાસ થવા લાગ્યો. આસપાસ બહાર દૂરથી આવેલા મુસાફરો ગરમ કપડાંમાં
સજ્જ થઈ વાતાવરણની મઝા લેતા હતા. ત્યારે બસમાંથી નીચે ઉતરી બૈજુને તરત શરીરે શોલ વીંટાળવી પડી.
બધા જ આહલાદક ઠંડીનો અનુભવ કરી રહ્યાં હતાં. નીચે ઉતરી સંચાલકે દરેકને ત્રણેક કલાકનો સમય
ફાળવ્યો. એટલા સમયમાં મસૂરીમાં જ્યાં ફરવું હોય ત્યાં ફરીને દરેકે પાછું મસૂરીના બસ અડ્ડા પર હાજર
થઈ જવાનું હતું.
ચારે કોર ગઝબનું વાતાવરણ અને અદ્ભૂત દૃશ્યો! દૂરદૂર પહાડોમાં રમતાં વાદળો અને પહાડી
ઢોળાવો પર કુદરતી રીતે ગોઠવાએલાં વિવિધ વૃક્ષોની સુંદરતા મનને હરી લેતી. સૂર્યતાપમાં પણ શીતળ
પવનની લહેરો શરીરને ઠારી, ક્યાંયે વિખેરાઈ જતી હતી. મસૂરીના મુલાકાતીઓ અવનવા સુંદર પોષાકોમાં
સજ્જ થઈ આમતેમ મહાલતા હતા. જ્યારે ત્યાંના રહીશો સ્થાનિક સામાન્ય પોષાકમાં નોકરીધંધે જતા નજરે
પડતા હતા. તેમના ગોરા ચહેરાનો રંગ ઠંડીમાં લાલ-ગુલાબી થઈ તેઓની સુંદરતા વધારતો હતો. તેમાં પણ
તિબેટી યુવતીઓની સુંદરતા લાજવાબ હતી!
એવું નિરીક્ષણ કરતો બૈજુ મિત્રો સાથે ઝડપથી મસૂરીમાં ફરી રહ્યો હતો. તેણે થોડી ખરીદી કરી
લીધી. બધા મિત્રોએ એક સાથે બેસી ત્યાંના શીતળ વાતાવરણમાં ગરમ ચા અને નાસ્તાનો આસ્વાદ માંડયો.
એમ જોતજોતામાં ત્રણ કલાક પૂરા થઇ ગયા. છેલ્લે બૈજુ એક પહાડી પરથી નીચેની ખીણ અને સામેની
પહાડીઓનું દર્શન કરી રહ્યો હતો. કેટલો સુંદર પ્રદેશ અને કેવી સુંદર પ્રજા! અહિં ત્રણ કલાકનો શું હિસાબ.
આવા સુંદર પ્રદેશમાં મહાલવાનો મોકો પ્રભુ ફરી ક્યારે આપશે? જીવનભર જ્યાં રોકાઈ જવાનું મન થાય
એવો પ્રદેશ પણ બૈજુને રોકવા કોણ કહે? એમ એનો અંતરાત્મા કહી રહ્યો હતો. સામેનું રળિયામણું દૃશ્ય જોઇ
રહેતાં બૈજુને દિલીપકુમાર અને વૈજ્યંતિમાલાની ભૂમિકાવાળું બિમલરાયનું ચલચિત્ર ‘મધુમતિ’ આંખ સામે
આવ્યું. તેમાં આવા જ પહાડી દૃશ્યોમાં આગલા જન્મની પ્રેયસી વારંવાર ફિલ્મનાયક દિલીપકુમારને ગીતથી
લલચાવતી હતીઃ આજા રે...પરદેશી.....મૈં તો કબ સે ખડી ઇસ પાર, કી અખિયાં થક ગઇ પંથ નિહાર.....’’
એ વાતને પાંચ વર્ષ વિતી ગયાં. ફરી બૈજુને એના પ્રિય પ્રદેશ મસૂરીમાં જ એક સેમિનાર માટે
આમંત્રણ મળ્યું. આ વખતે ચારેક મિત્રો પણ એની સાથે સેમિનારમાં જવા જોડાયા. એક વહેલી સવારે તેઓની
રેલયાત્રા શરૂ થઇ અને બીજા દિવસે સાંજે તેઓ દહેરાદૂન પહોંચી ગયા. ત્યારે કોલસાથી ચાલતું એન્જિન
બોમ્બેથી દહેરાદૂન જતા દહેરાદૂન એક્સપ્રેસમાં લાગતું હતું. એ મે મહિનો હોવા છતાં દહેરાદૂનમાં એ
દિવસોમાં ખૂબ ઠંડી પડી રહી હતી. એક મિત્રએ દહેરાદૂનમાં પોતાની એક પરિચિત વ્યક્તિને પોતાના આગમન
સબંધી જાણ કરી હતી. એથી પાંચેય મિત્રો ટ્રેનમાંથી ઉતરીને એ દહેરાદૂનવાસીની શોધ કરી રહ્યા હતા. દૂર રેલ
એન્જીનની પાસે એક વ્યકિત ગરમી મેળવવા ઊભી હતી. તેની પાસે પહોંચી જોતાં એ જ દહેરાદૂનવાસી જોસફ
હતા. જોસફ પોતાના એક જ ગુજરાતી મિત્રને લેવા સ્ટેશને આવ્યા હતા પણ એમની સાથે બીજા ચારને જોઇ એ
બધાના ચહેરા જોતા થઇ ગયા.
" શુ અમારા બધાંની તમારે ત્યાં એક રાત પુરતી વ્યવસ્થા થઇ શકશે?’’ ક્રિસ્ટીએ હિંદીમાં પૂછ્યું.
"...કેમ નહિ...કેમ નહિ....’’ એમ સંકોચાતાં જોસફે પ્રત્યુત્તર વાળ્યો. એ સાથે જ બધા પોતાનો
સામાન લઇ જોસફના નિવાસસ્થાને જવા ઓટોરિક્ષામાં રવાના થયા. આસપાસ વાદળો અને ઠંડી છવાઇ ગયાં
હતાં. થોડા સમય પહેલાં ત્યાં વરસાદ થયો હતો. થોડીવારમાં ઓટોરિક્ષા રસ્તો કાપતી કિશનનગર પહોંચી ગઇ.
ત્યારે ખબર પડી કે જોસફનું ઘર એક રૂમ-રસોડાની મર્યાદિત વ્યવસ્થાવાળું જ છે. જોસફનાં પત્ની અને
બાળકોએ ગુજરાતી મિત્રોનું ગરમજોશીથી સ્વાગત કર્યું. પાંચેય મિત્રો થાકેલા હોવાથી ત્યાં દીવાન અને
ખુરશીઓમાં ગોઠવાઇ ગયાં. થોડીવારમાં ગરમાગરમ ચા અને નમકીન આવ્યાં. બધાંને ખૂબ ભૂખ લાગી હતી.
એટલે પાંચેય મિત્રો નાસ્તો ઝાપટવા મંડી ગયા. એ સાથે જોસફ અને એમનાં પત્ની શીલા બહાર આવ્યાં અને
તેઓની સાથે ચા-નાસ્તામાં જોડાયાં. બધાં હિંદીમાં વાત કરતાં ચા-નાસ્તો કરતાં હતાં.
નાસ્તો કરતાં ક્રિસ્ટીએ હસતાં હસતાં શીલા અને જોસફને જણાવ્યું : ‘ અમારી સાથે અમે એક
કેન્ડીડેટ લાવ્યા છીએ. એ લગ્નની જોડી શોધી રહ્યો છે. શું આપ લોકો અમને મદદરૂપ થશો?’
‘ કેમ નહિ, એમ જો અને આપની મદદ કરી શકતાં હોઇએ તો અમને ખુશનસીબ સમજીશું. કોણ
છે એ કેન્ડીડેટ’ શીલાએ મુક્ત હાસ્ય વેરતાં પ્રશ્ન કર્યો.
‘ બૈજુ વડોદરાનો જાણીતો ટેલન્ટેડ યુવક છે. ખરેખર એને જે પરણશે એ યુવતી સુખી થઇ જશે’ એ
જ ક્ષણે જોસફના કિચનમાંથી એક યુવતી બહાર આવી. તેની સાથે જોસફનાં બાળકો પણ હતાં. એ યુવતી
ગુજરાતી મિત્રોની નજીક સરકી અને એણે સહજ ઝૂકીને બધાંને ‘નમસ્કાર’ કર્યા. પેલાં બાળકો પણ એને
અનુસર્યાં.
એના ગોરાગોરા ગાલ ઉપર રતુમડી છાયા. એના ગુલાબી હોઠોની અદ્ભુત લાલિમા અને ભરાવદાર
શરીર સૌષ્ઠવ તંદુરસ્તીનો ખ્યાલ આપતાં હતાં. બૈજુ તો એકીટસે એને જોઇ જ રહ્યો. ‘ વાહ શું અદ્ભુત
ઇશ્વરદત્ત સૌંદર્ય’! પેલી યુવતીએ બધાંના ચહેરા પરથી નજર સરકાવી બૈજુ સામે જોયું તો બંનેની નજર
ટકરાતાં એણે નજર ઝુકાવી લીધી. બૈજુને પણ ઘડીભર ક્ષોભ થયો કે આ તો ઘણી નાની છોકરી.
‘ આ અમારી ગપ્પો છે. એનું નામ સુષમા પણ ઘરે બધાં એને ગપ્પો કહે છે. આપ લોકોની
સરભરામાં મદદરૂપ થવા અમે એને બોલાવી છે.’ શીલા બોલ્યાં.
વાહ ભાઇ ગપ્પો તો ખૂબ સુંદર છે. મિત્રોમાંથી પુષ્પાબેન બોલ્યાં ત્યારે ગપ્પો ખિલખિલાટ હસતાં
શરમાઇ ગઇ.
‘ અચ્છા, હવે આપણે નાસ્તો કરી ગપ્પોના ઘરે જ જવાનું છે. ત્યાં મારા ભાઇ, ભાભી, એમની બે
દીકરીઓ બધાં તમને મળીને ખુશ થશે.’ જોસફે કહ્યું.
‘ કાર્યક્રમ સારો લાગે છે. સમય જશે અને મુલાકાત પણ થશે.’ ક્રિસ્ટીએ જણાવ્યું.
થોડીવારમાં બધા ચા-નાસ્તો પતાવી જોસફ અને ગપ્પો સાથે દહેરાદૂન બજાર તરફ જવા લાગ્યા.
આગળ રામપુરમંડી વિસ્તારના મેડા પર ગપ્પોનું ઘર. ત્યાં પહોંચતાં જ શ્રી અને શ્રીમતી સનીએ ગુજરાતીઓને
આવકાર્યા. થોડી વારમાં સુનિલ, સુનીતા, અને રાની બહાર આવ્યાં અને સૌને નમસ્કાર કર્યા. વાતોની શરૂઆત
થઇ અને વાતો ચાલતી રહી. એ દરમિયાન ચા-નાસ્તો ફરી આવ્યો. ઠંડી ખૂબ હતી એટલે ગરમ ચા અને
નાસ્તામાં સૌને મઝા આવી. નાસ્તો કરતાં કરતાં શ્રી ક્રિસ્ટીએ હસતાં રજુ કરેલી વાત અહિ જોસફે ગંભીરતાથી
રજુ કરી.
‘ભાઈ આ તમારી સામે બેઠેલા બૈજુ વડોદરાની યુવિવર્સિટીમાં સર્વિસ કરે છે. એ પોતાની અર્ધાંગીની
શોધવા આવ્યા છે.’
‘વાહ ભાઇ, તમે તો પછી અમારી છોકરીઓ ગુજરાતમાં લઇ જશો, એમને !’ મોટા ભાઇએ ટકોર કરતાં
સૌ હસ્યાં. અહિ બૈજુએ સુનીતા અને રાની તરફ નજર ફેરવવા માંડી ત્યારે જોસફે સ્પષ્ટતા કરી કે રાની શાદીસુધા
છે. કેવળ સુનીતા અને ગપ્પો જ બાકી છે. વાતચીતમાં ક્રિસ્ટીએ સુનીતા અને ગપ્પોના ભણતર અંગે વાત પૂછી
લીધી. છેલ્લે નાસ્તો પતાવી વાતચીત ટૂંકાવતાં નમસ્તે કરી બધા દાદરો ઉતરી ગયાં.
ત્યાં થઈ ધીમેધીમે ચાલતાં જ બધાં જોસફના ઘરે પહોંચ્યાં. રાત્રે બધાં સાથે જમ્યાં, મુસાફરીમાં
ગુજરાતીઓ બહુ થાકેલાં હોવાથી ઘસઘસાટ ઉંઘી ગયાં. સવારે વહેલાં ઊઠીે તેઓએ મસૂરી જવાની તૈયારી
કરવા માંડી. પ્રથમ મોં ધોયા બાદ ચા-નાસ્તો થયો અને ત્યારબાદ ઓટોરિક્ષા પકડી સૌ મસૂરી બસ સ્ટોપ તરફ
જવા તૈયાર થયાં ત્યારે જોસફે અંતે તેઓને મસૂરીથી પાછાં વળતાં પોતાના ઘરની ફરી મુલાકાત કરવા ખૂબ
આગ્રહ રાખ્યો.
મસૂરી પહોંચી ત્યાંનું સૌંદર્ય માણતાં સૌ ખુશખુશ થઇ ગયાં. બૈજુ તો જાણે રસ્તે, બજારમાં પહાડો
અને ખીણોમાં એની જીવનસાથી શોધતો હોય તેમ ધારીધારીને જોતો. જ્યારે હિમાચ્છાદિત હિમાલયનાં શીખરો
તરફ એની નજર સરકતાં પહાડી સૌંદર્ય એની નજરે પડતું ત્યારે ‘મધુમતિ’નું પેલું રહસ્યગહીત વારંવાર એના
સ્મરણપટ પર રણકતું “આજા રે પરદેશી...મેં તો કબ સે ખડી ઇસ પાર....’ અને બૈજુ એવી પડાહીઓમાં
ધડકતા હૈયે મિનિટો સુધી તાકી રહેતો. ગઇ વખતે કેવળ ત્રણ જ કલાક જે સ્થળે ગાળ્યા હતા, ત્યાં હવે પંદર
દિવસ પૂરા બૈજુને રહેવા મળ્યું. સેમિનારમાં પરણેલી અને અપરણિત સ્ત્રીઓ પણ હતી. છતાં બૈજુને તેઓમાં
પોતાની જીવનસાથી મળી નહિ. છેલ્લે સેમિનાર પતાવીને ગુજરાતીઓ ફરી દહેરાદૂન ઘાટી તરફ મોટરમાં
સરકયા. સાંજ પડે તે પહેલાં તેઓ ઝડપથી જોસફને ત્યાં પહોંચ્યાં. ત્યારે જોસફનાં કુટુંબીઓ એક ધાર્મિક
સભામાં જવા તૈયાર હતાં. તેઓમાં ગપ્પો પણ હતી. ગુજરાતીઓને આવેલાં જોઇ બધાં ખુશ થઇ ગયાં. તેઓએ
બધાંને પાણી પીવડાવ્યું અને સૌૈ એક સાથે જ બહાર નીકળ્યાં.
ગપ્પો ચાલીને થોડી આગળ નીકળી ગઇ. બૈજુએ ઉતાવળે પગલાં ભરી ગપ્પો સાથે થઇ જઇ, તેની
ખબર અંતર પૂછવા માંડી. એ સાથે જ એ મનભરીને ગપ્પોને નીરખી રહ્યો. ખરેખર લાજવાબ છોકરી પણ
ઉમરમાં પોતાથી અર્ધી. એવામાં તેજ ચાલે ચાલતાં જોસફ બૈજુ પાસે આવી પહોંચ્યા અને તેમણે તેને બાજુમાં
બોલાવતાં સીધી જ વાત પૂછી લીધી. ‘ અમે ગપ્પોની શાદી કરવા તૈયાર છીએ. શું તમને મંજૂર છે?’ એ ક્ષણે
શું બોલવું એ બૈજુને સમજાયું નહિ પણ બીજી જ ક્ષણે એણે પ્રત્યુત્તર વાળ્યો.
‘ ઓહ, આપની વાત માટે આભાર પણ મારે મારાં માતાપિતાને પૂછવું પડશે.’
‘જરૂરથી પૂછીને તરત તમે મને પત્ર લખજો.’ બૈજુ તો ગભરાતો ક્રિસ્ટીની પાસે પહોંચ્યો.
‘ લો ત્યારે તમારા પ્રસ્તાવનો જોસફે સ્વીકાર કરી લીધો.’
‘ એટલે શું, હું ના સમજ્યો?’
‘ તેઓ ગપ્પોની વાત મારી સાથે કરવા રાજી....’ અશક્ય, તારી ભૂલ થતી લાગે છે. એ તો બીચારી
હમણાં જ એસ.એસ.સી. થઇ, જ્યારે તું તો ઉંમરમાં બહુ મોટો. હા પેલી સુનીતાની વાત હોય શકે. તારી સમજ
ફેર થઇ લાગે છે.’ બીજાં બધાંએ પણ ક્રિસ્ટીની વાતમાં સૂર પુરાવ્યો. જો કે ક્રિસ્ટીએ જોસફ સાથે વાત કરી
સ્પષ્ટીકરણ કરી લીધું. તેઓ ખરેખર ગપ્પોની જ વાત બૈજુ સાથે કરવા તૈયાર હતા. પછી દહેરાદૂનવાસીઓ
વચ્ચેથી ફંટાઇ ગયા અને ગુજરાતીઓ રેલ્વે સ્ટેશને પહોંચ્યા. બૈજુ બેચેન હતો એ જાણે એનું દિલ દહેરાદૂનમાં
મૂકી આવ્યો હતો. એને મન એ સમસ્યા હતી કે આટલે દૂર સુષમાને લેવા ફરી ક્યારે અવાશે?
રેલ્વે સ્ટેશન પર પહોંચી બધા મિત્રોએ બૈજુને કોન્ગ્રેચ્યુલેેશન આપ્યું. બધાં ટ્રેનમાં ગોઠવાયાં ત્યારે
મુખ્ય વિષય ગપ્પો અને બૈજુનો રહ્યો. પ્રભુએ ખરેખર આપણી યાત્રા સફળ કરી. ક્રિસ્ટી પોતાની રજુઆતની
સફળતા જણાવવા લાગ્યા. સૌએ બૈજુને એ અંગે ઢીલ નહિ રાખવા અને જલ્દી લગ્ન કરી લેવા શિખ આપી.
બધાં ખુશી મઝામાં પ્રવાસ માણતાં બીજા દિવસે વડોદરા પહોંચી ગયાં. ત્યાં પાંચેય મિત્રો અલગ થઇ ગયાં.
બૈજુએ ઘરે પહોંચી માતપિતાને ગપ્પો સાથેના લગ્નની વાત પૂછી લીધી. તેઓએ પુત્રની ખુશીમાં પોતાની ખુશી
વ્યક્ત કરી. એ સાથે જ બૈજુએ જોસફના પ્રસ્તાવનો સ્વીકાર કરતો પત્ર પાઠવી દીધો અને ગપ્પોેનું સરનામું
મેળવી એની સાથે પત્રવ્યવહાર શરૂ કરી દીધો. બૈજુનો પ્રથમ પત્ર સુષમા-ગપ્પોએ છેવટ સુધી જાળવી રાખ્યો
હતો. તેમાં ગુલાબનું નાનું ફુલ મૂક્યું હતું અને લખ્યું હતું : “ફૂલ તુમ્હેં ભેજા હૈ ખતમેં, ફુલ નહીં મેરા દિલ
હૈ.’’
એક વાર બૈજુને કુટુંબ સાથે સગપણ કરવા ગપ્પોના ઘરે જવુ પડયું. પછી ફટાફટ શાદી પણ કરી
લીધી. ત્યારે શાદી ટાણે ગપ્પોને પ્રથમ વાર જોનાર મિત્ર સેમીએ ઉદ્ગાર કાઢ્યા : ‘ ખરેખર તમારી બીબી દૂજ
કા ચાંદ જેવી છે.’ લગ્ન પછી કુટુંબીજનોએ બીજા દિવસે ગપ્પો અને બૈજુને વિદાય આપી. તેમની દીકરી
હજારો માઇલ દૂર એક નવી સંસ્કૃતિ અને ભાષાવાળા વિસ્તારમાં જઇ રહી હતી ત્યારે ગપ્પોના હૈયાફાટ
રૂદનથી બૈજુના મનમાં ધ્રાસ્કો પડવા લગ્યો. શું આ છોકરી ગુજરાતમાં સ્થાયી થઇ શકશે કે પછી મૈકે યાદ કરી
રડીને મને પરેશાન કરશે.
બૈજુ અને ગપ્પોનાં મન મળી ગયાં હતાં. બંને અપૂર્વ પ્રેમે રંગાઇ ગયાં હતાં. તેઓ જ્યાં જતાં ત્યાં
હાથમાં હાથ પરોવી હરતાં ફરતાં. તેઓ વાસ્તવિક ભાવે એકબીજાની એટલે નજદીક આવી ગયેલાં કે ઘણા
તેમને ધ્યાનથી નિરખી રહેતાં. તેઓને મસ્તીમાં ટહેલતાં જોઇ ઘણાનું ધ્યાન એ અજોડ જોડી પર ચોંટી જતું
કેટલાંક યુવક-યુવતીઓ એમને જોઇ બોલી ઊઠતાં ‘નસીબ તે આનું નામ’. બૈજુના પ્રેમમાં તરબોળ થઇ ગપ્યોને
કદી પતિની ઉંમરનો ખ્યાલ પણ ન આવ્યો. દૂધમાં જેમ સાકર ભળે તેમ ગપ્પો બૈજુના જીવન અને કુટુંબમાં
ભળી ગઇ હતી.
કાયમ મુક્ત મને હાસ્ય કરતી ગપ્પો. બધાંને પ્રેમથી સત્કારતી ગપ્પો. હિંદીમાં મીઠી જબાન ચલાવતી
ગપ્પો. મોટેરાંઓને “આપ’’,“ આપ’’ શબ્દોેથી સન્માનતી ગપ્પો. એ નાનાં મોટાં સૌને પ્રેમથી બોલાવતી.
કોઇની સાથે અબોલા થાય તો એ ફરી સામે ચાલીને બોલાવતી. એના નમ્ર અને પ્રેમાળ સ્વભાવને લીધે
કુટુંબમાં, સમાજમાં અને અડોશપાડોશમાં લોકો બધાં એને માનથી જોતાં.
લગ્નના સાત મહિના બાદ ગપ્પોને ભયંકર પેટમાં દર્દ ઉપડ્યું. એને તાત્કાલીક સિસ્ટરોના મિશન
હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી. ત્યાં તપાસમાં દર્દનું કારણ “એકટોપીક પ્રેગનન્સી’’ જણાયું. એથી તાકીદે
એનું ઓપરેશન કરવું પડ્યું. તેમાં લેડી ડાક્ટરે એકટોપીક પ્રેગનન્સીવાળી એક બાજુની ફિલોપીન ટયુબ અને સાથે
સાથે ચેપવાળી મોટી થઇ ગએલી એક ઓવરી કાઢી નાંખી. એે જ સમયે ડાકટરે બૈજુને વાત કરી દીધી કે હવે
ગપ્યો ભાગ્યે જ ગર્ભ ધારણ કરી શકે. બંને એ સાંભળીને બહુ દુઃખી થઇ ગયાં. જો કે ૧૯૯૧માં પ્રભુએ પ્રીતને
તેમના કુટુંબમાં મોકલી આપી. એથી બંનેનો સુખી સંસાર વધુ આનંદમય બન્યો.
૧૯૯૨માં ફરી મોટી બીમારીએ ગપ્પોને ભરડામાં લીધી. એક મહિના સુધી સતત એને રક્તસ્ત્રાવ
ચાલુ રહ્યો. ડાકરટની સામાન્ય સારવારથી એ કાબુમાં ન આવ્યો. આખરે અતિપરેશાન થયેલી ગપ્પોએ
‘હિસ્ટેકટોમી’ નું ઓપરેશન કરાવી લીધું. બે વખતના ઓપરેશનોમાં બૈજુને ખૂબ ખર્ચ થઇ ગયો. ડાકટરોએ
ધાર્યા કરતાં વધારે પૈસા પડાવી લીધા. એટલે ખર્ચ અને શરીરની ખરાબી થયા પછી ચાલો હવે તો બીમારી
ટળી, એમ સમજી પતિ-પત્ની પ્રીત સાથે હળવાશથી જીવન ગુજારવા લાગ્યાં.
અધ્યાપક કુટિરમાં બેઠાં સરકારી નળિયાંવાળાં મકાનોમાં તેમનું ઘર. ઘર આગળ બદામનું તોતિંગ
વૃક્ષ, ડાબે ગરમાળો અને પાછળ લીંબુ તથા મીઠી લીમડીનાં વૃક્ષો. ઘરના આંગણમાં નાનકડો પણ સેંકડો
અવનવા ફૂલછોડો ધરાવતો મનમોહક બાગ. તેમનું સુંદર ઘર અને ખુશનુમા મિજાજ જોઇ કુટુંબીઓ, મિત્રો
અને પાડોશીઓ એમને ખૂબ ચાહતાં. ક્યારેક એવું જીવન અદેખાને કોરી ખાય છે. ૧૯૮૨ થી ૧૯૯૭ સુધી
બૈજુ અને ગપ્પોનું જીવન ખૂબ સુખમાં વિત્યું. એમના ઘરમાં જાણે દુઃખનું નામોનિશાન ન હતું. એવામાં એક
સ્ત્રીએ તેમના બગીચાના વખાણ કરતાં તેઓના આગણામાં પગપેસારો કર્યો. આજે આ છોડ આપો કાલે પેલો
છોડ આપો એમ બૈજુ પાસે છોડવાઓ માંગીને તેણે ગપ્પો-સુષમાના ઘરથી દૂર સામે પોતાનો બગીચો ઊભો
કરી દીધો. ગપ્પોને એ સ્ત્રી પર શંકા આવવા લાગી. કેમ કે જ્યારે બાગમાં આવતી ત્યારે તેના પતિ સાથે જ
વાતો કરતી અને છાનામાના જોઇતા છોડવાઓ લઇ જતી. ગપ્યો એની તરફ ધ્યાન આપવા લાગી. એટલું જ
નહિ પણ પોતાના પતિને પણ તેણે એ સ્ત્રી સબંધી પોતાની શંકા દર્શાવી. તો પણ પેલી સ્ત્રીએ તેના ઘરે
આવવાનું ચાલુ રાખ્યું. એટલું જ નહિ પોતાના પતિ સાથે બૈજુની દોસ્તી કરાવી દીધી. એથી બૈજુ તેઓના ઘરે
જવા લાગ્યો.
‘ તમે આ માણસના ઘરે જાઓ છો પણ મને આ કુટુંબ ઠીક લાગતું નથી’. એવી લાગણી એણે પતિ
આગળ વ્યક્ત કરી. બૈજુ ઘણી વાર એને ત્યાં જઈ મેગેઝીન્સ લવતોે અને વાંચીને પાછાં આપી આવતો. એક
વખત બૈજુને તેઓના ઘરે ગયે મહિનાથી વિશેષ સમય થઇ ગયો ત્યારે એક વાર રસ્તામાં પેલા ભાઇ બૈજુને
મળતાં
તેમણે
કહ્યું.
‘તમે ઘણા સમયથી આવતા નથી પણ મેં તમારા માટે મેગેઝીન્સ રાખ્યાં છે. તે તમે ગમે ત્યારે ઘરે જઇ મેળવી
લેશો’, એ જ દિવસે બૈજુ ઘરે ગયો અને એની પત્ની પાસે મેગેઝીન્સ લઇ આવ્યો. થોડા દિવસો પછી વાંચીને એ
પરત પણ કરી આવ્યો. એ દિવસોમાં પ્રીતની બર્થ ડે પાર્ટીમાં એ કુટુંબના નાના દીકરાને આમંત્રણ આપવા જતાં
પેલી સ્ત્રી તડુકીઃ ‘તે દિવસે તમે મારા ઘેર આવ્યા હતા એટલે મારા પતિ ગુસ્સે છે.’ બૈજુએ આ વાતને બહુ
ગંભીરતાથી ન લીધી.
થોડા દિવસો બાદ અતિસુંદર પોષાકમાં એક રૂપાળી યુવતીએ બપોરે ત્રણેક વાગે બૈજુના નામની
બૂમ પાડી તેના ઘર આંગણામાં પ્રવેશ કર્યો. ગપ્પો ઝટપટ બહાર નીકળી અને પેલી યુવતીને જોઇ રહી.
“ બોલો તમારે બૈજુનું શું કામ છે ?’’ ગપ્પોએ તેને જોઇ રહેતાં પ્રશ્ન કર્યો.
‘ મારે તેને મળવું છે.’
‘ એ તો અત્યારે ઘરે નથી પણ તમે ઘરમાં આવો બેસો’. ગપ્પોએ તેને ઘરમાં આવકારી સામે પ્રશ્ન
કર્યો.’
‘બોલો શું કહેતાં હતાં ?’
‘ તમને જાણીને નવાઇ લાગશે પણ બૈજુ મારો ખાસ દોસ્ત છે. ૧૯૮૨ સુધી અમારે સારી દોસ્તી
રહી. હું તેના આખા ઘરકુટુંબને ઓળખું છું. આજે પણ હું બૈજુને ભૂલી નથી. હમણાં હું અમેરિકાથી આવી છું
પણ હવે તો તેને લઇને જ અમેરિકા જઇશ’.
ગપ્પો ચોંકી ગઇ. એનું મોં રડવા જેવું થઇ ગયું. બાજુમાં પ્રીત આરામથી સૂતી હતી. ગપ્પો
થોડીવારમાં ઘરની બહાર ભાગી અને કુટિરની અંદર રાનાના ઘરમાં ઉપરના માળે જઇ એણે પતિને સામે ફોન
કર્યો. ગભરાટના માર્યા તે ફોન પર બરાબર બોલી શકી નહી. બૈૈજુના અર્ટિસ્ટ મિત્ર પરિમલે ફોન લીધો અને
તરત મૂકી દીધો. તેણે બૈજુને જણાવ્યું કે ભાભીનો ફોન હતો. તે બરાબર બોલી શક્યાં નહિ પણ બૈજુને તરત
મોકલો એમ કહ્યું, મને લાગે છે. બૈજુ બપોરે બેની રિસેસમાં ઘરે જઇ હજુ હમણાં જ આવ્યો હતો. એટલે એને
તેમાં કંઇ ગંભીરતા જણાઇ નહિ. જ્યારે ગપ્પો ફોન કરી પાછી વળી ત્યારે પેલી યુવતી સરસડાટ બહાર રોડ
તરફ વળી તેણે ઓટોરિક્ષા કરી અને સ્ટેશન તરફ નીકળી ગઇ.
એના થોડા દિવસ પછી ગુંડા જેવા લાગતા બે માણસો બપોરે બૈજુના ઘર પર પથ્થરમારો કરી
ચાલતા થયા. ગપ્પોએ પાછળ બહાર નીકળી તેઓને પડકાર્યા પણ તેઓ ઊભા રહ્યા નહિ. એમ થોડા જ
દિવસો પછી બૈજુને પર્ફોમિંગ આર્ટસના એક સેમિનારમાં ભાગ લેવા જવાનું આમંત્રણ મળ્યું. સેમિનારમાં જતાં
સવારે કેન્યાકુંજ સામે ચાની લારી પર એ મિત્રોના આગ્રહથી ચા પીવા રોકાયો. ચા પીતાં કોઈએ જોરથી એના
માથામાં પથ્થર માર્યો, એેથી એનું માથું લોહીલુહાણ થઇ ગયું. તરત બૈજુનો મિત્ર માર્ટિન એને યુનિવર્સિટી હેલ્થ
સેન્ટરમાં લઇ ગયો. ત્યારે ડાકટર હજુ આવ્યા ન હતા એથી સીસ્ટરે પરત ટાંકા લીધા અને જવાની રજા
આપી. હવે એ વાત બહુ સ્પષ્ટ થતી હતી કે બાગમાંથી વારંવાર છોડવા લઇ જનારી સ્ત્રી અને તેનો પતિ હાથ
ધોઇને ગપ્પો અને બૈજુની પાછળ લાગ્યા હતા. એટલું જ નહિ તેઓએ બૈજુને નોકરી પર જતાં સતાવવા
ભાડુતિ ગુંડાઓ અને તોફાની વિદ્યાર્થીઓનો સહારો લીધો હતો. આ સબંધી ગપ્પો અને બૈજુએ પોતાના કુટુંબમાં
સૌને માહિતગાર કર્યાં. એટલું જ નહિ આવી બલાથી છૂટવા તેઓએ ઇશ્વરને પ્રાર્થના કરવા માંડી.
એવામાં એક વાર અચાનક ગપ્પો અર્ધી રાતે જાગી ઊઠી. તે ગભરાઇ ગઇ હતી. ઊઠીને તરત એણે
બાજુમાં સૂતેલા પતિને જગાડયા. બૈજુના જાગતાં તેણે ગભરાએલી મુદ્રામાં જણાવ્યું :
‘ હમણાં જ મને કોઇએ ખાટલામાંથી ઉચકીને નીચે પછાડી’
‘આપણા ઘરમાં એ શક્ય જ નથી. કેમ કે અગાઉ એવું કદી બન્યું નથી. વળી રોજ આપણે નિયમિત
પ્રાર્થના કરતાં હોવાથી ઘરમાં પરમેશ્વરનો વાસ છે.’
‘ પણ મેં તો સાચે જ અનુભવ્યું.!’
‘ અરે ગાંડી, એ તારું સ્વપ્ન હશે’.
‘ અરે બૈજુ હવે તમને કેવી રીતે સમજાવવા’
‘ ચાલ હવે તું મારી નજીક આવી સુઇ જા. તને કોઇ હેરાન નહિ કરે’. એમ કહી બૈજુએ ગપ્પોની
પીઠે હાથ વિંટાળી તેને પોતાની નજીક લઇ લીધી. એટલું જ નહિ એની પીઠ પર એ પ્રેમથી હાથ ફેરવવા
લાગ્યો. તે દિવસે તો એ ધીમેધીમે સૂઇ ગઇ પણ બીજા દિવસથી એણે એ ઓરડામાં સૂવાની ના પાડી દીધી.
એથી ગપ્પો બૈજુ અને દીકરી પ્રીત આગળના બેઠકખંડમાં સૂવા લાગ્યાં. વળી ગપ્પોને કોઇ વાતનો ડર ન લાગે
એ માટે તેના ઓશીકા નીચે પવિત્ર બાઇબલનો ભાગ ‘નવા કરાર’ મૂકવા માંડયો. ઘરના દરેક રૂમમાં તેઓએ
બાઇબલ ગોઠવી દીધાં. એ દિવસથી ગપ્પોને ઉંઘ આવવા લાગી પણ તેને ઘણી વાર રાતે ખૂબ ડરામણા સ્વપ્નો
આવતાં. ઘણી વાર તો એને એવો આભાસ થતો કે કોઇ તેના હાથનો સ્પર્ષ કરીને તેને બોલાવી રહ્યું છે.
ઊનાળો આવી પહોંચ્યો, વાતાવરણમાં વર્તાતો ઉકળાટ જીવનને વિશેષ કંટાળાજનક બનાવતો હતો.
એથી દર વર્ષની જેમ આ વખતે પણ ગપ્પોએ બૈજુને મૈકે દહેરાદૂન લઇ જવાની વિનંતી કરી. માઇલો દૂરથી
પોતાનાં સ્વપ્નોને છોડી આવેલી ગપ્પો પર બૈજુ તરસ ખાતો અને લગભગ દર વરસ ખર્ચ કરીને પત્નીને
દહેરાદૂન લઇ જતો. આ વરસે પણ ગપ્પોએ મૈકે જવાની તૈયારી કરવા માંડી એક દિવસ તે દીકરી પ્રીતને લઇ
બૈજુની ઓફીસમાં ગઇ. ત્યાં પ્રીતને પપ્પાને સૌંપી તે બજારમાં ખરીદી કરવા રવના થઇ ગઇ. ત્યાં એક દુકાને
કોઇ માલ લઇને દુકાનદારને પૈસા ચૂકવતાં, દસની નોટોમાંથી કંઇક નીચે પડયું. દુકાનદાર અને ગપ્પો બંનેનું
ધ્યાન તેના પર ગયું. ત્યાંથી બીજે કાપડની દુકાને ચુન્ની ખરીદી પૈસા ચૂકવતાં ફરી એ જ વસ્તુ પર્સમાંથી નીચે
પડી. ત્યારે દુકાનદારે ગપ્પોનું ધ્યાન દોર્યું.
‘ બેન, પર્સમાં આ શું લાવ્યાં છો?’ તરત ગપ્પોએ આંગળી લગાડી એ ઓળખી : ‘ આ તો રાખ છે.’
પછી ગપ્પો એ દુકાનેથી નીકળી ગઇ. ખરીદી પતાવી એ બૈજુની ઓફીસે ગઇ અને ત્યાંથી પ્રીતને લઇ એ ઘરે
ચાલી ગઇ. સાંજે બૈજુ ઓફીસેથી ઘરે ગયો ત્યારે ગપ્પોએ શહેરમાં ઘટેલી ઘટના વર્ણવી. એ સાથે જ બૈજુને
પાછળની વાતનો ખ્યાલ આવ્યો. બરાબર ચાર દિવસ પહેલાં રાત્રે ગપ્પોએ પોતાને ખાટલામાંથી ઉંચકીને
પછાડવાની વાત કરી હતી. એ વાતનો મર્મ સમજતાં તેણે પૂછયું :
‘ ગપ્પો, એક વાત બહુ સ્પષ્ટ છે. આ રાખ તારા પર્સમાં ચમત્કારિક રીતે આવી નથી પણ એ કોઇ
મૂકી ગયું છે. હવે બરાબર તપાસ કરીને કહે કે ચાર દિવસ પહેલાં આપણા ઘરમાં કોણ વ્યક્તિ આવી હતી?’
એ સાથે જ ગપ્પોને બધું બરાબર યાદ આવી ગયું.
‘ બરાબર ચાર દિવસ પહેલાં તો જેમની જોડે તમારે ઝઘડો થયો છે, એ સ્ત્રીની મા આવી હતી. એણે
બહારથીે મારી પાસે કઢી લીમડીની માગણી કરી હતી. એથી હું કઢી લીમડી લેવા પાછળ ગઇ. લીમડીનું ડાળ
નમાવી પાંદડાં તોડી સાતેક મિનિટ પછી હું ઘરમાં આવી ત્યારે તે સ્ત્રી આપણા ઘરમાં બીજા બારણા પાસે જ
ઊભી હતી.’
ગપ્પો તેં બહુ મોટી ભૂલ કરી છે. આ ફેમિલી આપણી પાછળ પડ્યું છે એની તને ખબર છે. તો પણ
શા માટે તે સ્ત્રીને આપણા ઘરમાં પ્રવેશવા દીધી. હવે સમજી લે ચાર દિવસ પહેલાં તને ખાટલામાં પછાડવાની
અસર એ મેલી વિદ્યાનો પ્રતાપ છે. એ સ્ત્રી આપણા ઘરમાં આવીને મંત્રેલી રાખ પાટલી પર પડેલા તારા પર્સમાં
મૂકી ગઇ. મીઠી લીમડી લેવાનું તો કેવળ બહાનું હતું.’’
આ વાત સાંજે ગપ્પોએ સામેની પાડોશી સ્ત્રીમિત્રને કરી. એ જ ઘડીએ પેલી સ્ત્રીએ જણાવ્યું :
‘ ગપ્પો દીદી, તમને કોઇએ મૂઠ મારી છે.’ એટલે ગપ્પો પતિ પાસે દોડી.
‘ બૈજુ મૂઠ મારવી એટલે શું? કેમ કે સામેવાળાં બેન કહે છે, મેલી રાખ દ્વારા મને મૂઠ મારી છે.’
‘ હવે એવું બધુ વિચારવું નહિ. જીવતા જાગતા ઇસુ ખ્રિસ્તમાં આપણો વિશ્વાસ છે. એ આપણને ગમે
તેવી સ્થિતિમાંથી બચાવી લેવા સમર્થ છે.’ એમ કહી બૈજુએ ઘરની બહાર મોટું ક્રોસનું નિશાન દોર્યું. એ જોતાં
જ સામેવાળાં બેન આવીને પૂછવા લાગ્યાં.
‘ બૈજુભાઇ આ તમે શું કર્યું? ’
‘ અમે કોઇના મૂઠમારથી નથી બીતા. પેલી સ્ત્રીની મા અમારા ઘરમાં મેલીવિદ્યા અજમાવી ગઇ છે. તો
પણ અમારા સર્વશક્તિમાન પ્રભુ ઇસુ ખ્રિસ્ત અમારૂ રક્ષણ કરશે.’
‘ છાના રહો છાના રહો. આ કઇ સ્ત્રીનો નામનિર્દોષ તમે કરો છો. કોલોનીમાં વાત ફેલાશે તો ઝઘડાનું
ઘર થશે.’ એમ કહી ગપ્પો બળાપો કાઢવા લાગી. તરત એ સામેવાળાં બેનને ઘરે જઇ એમને સમજાવી આવી
કે એ તો મારા પતિને શક છે પણ એમ કંઇ કોઇને દોેષ દેવાય? જો જો બેન તમે કોઇને કહેતાં ના.
થોડા જ દિવસમાં ગપ્પો, બૈજુ અને પ્રીત બપોરની ફિરોજપુર જનતા એક્સપ્રેસ દ્વારા દહેરાદૂન
ઊપડી ગયાં. દહેરાદૂનમાં ગપ્પોની તબિયત લથડવા માંડી. તેણે પપ્પાને કહ્યું.
‘પાપાજી, હવે મારાથી બરાબર જમાતું નથી. અશક્તિ ખૂબ લાગે છે.’ તરત એના પપ્પાએ
દહેરાદૂનમાં દૂર રહેતા એક વૈદ્યની તપાસ કરી અને ગપ્યો અને બૈજુને ત્યાં સારવાર માટે લઇ ગયા. ગપ્પોએ
વૈદ્યને સમસ્યા જણાવી. એમને અશક્તી લાગે છે, કામ થતું નથી. અને ખોરાક બહુ ઓછો લેવાય છે. વૈદ્યે
ગપ્પોની નાડી પારખી કહ્યુંઃ
‘ એનામાં મંદાગ્ની નરમ છે. નારીત્વ તૂટતું જાય છે. એટલે એને હું દવા લખી આપું એ નિયમિત
લેવાથી બે મહિનામાં એ સારી થઇ જશે.’ એમ જણાવી એમણે દવામાં કુમારી આસવ અને લસણાવટીની
ટિકડીઓ લખી આપ્યાં. ગપ્યોએ બીજા જ દિવસથી એ આયુર્વેદિક દવાઓ નિયમિત લેવાં માંડી. શરૂઆતમાં
એેને ઠીક લાગ્યું. બીજા અઠવાડિયે તેઓ પહાડ પર મસૂરીની સલેહગાહે ગયાં. ત્યારે ગપ્યોને ખૂબ અશક્તિ
લાગતી હતી. ફરવાનો મૂડ આવતો ન હતો. છતાં દિવસે તેઓ મસૂરી બજારમાં ફર્યાં. સાંજે બારલુગંજ પાસે
દૂર કાકા-કાકીના ઘરે રાત રોકાયાં. સવારે વહેલાં ઊઠી તેઓ મસૂરીમાં આવેલા ગીર્જાઘરમાં ભક્તિ માટે
બસમાં ઉપડ્યાં. બસમાં જગ્યા ન હોવાથઈ પ્રીત, ગપ્પો અને બૈજુને ઊભા રહેવું પડ્યું. મસૂરીમાં બસ થોભતાં
ત્રણે નીચે ઉતર્યાં. ગપ્પો તો ઊભી રહીને એવી નિર્ગત થઇ ગઇ હતી કે તરત રસ્તાની કોરે બેસી પડી. દસેક
મિનિટના વિરામ પછી તેઓ ચાલ્યાં. ધીમેધીમે પગથિયાં ચઢીને તેઓ પગરિક્ષાના સ્ટેન્ડ પાસે પહોંચ્યાં. ત્યાંથી
એક પગરિક્ષા કરી તેઓ ચર્ચે જવા ઊપડ્યાં. ગપ્પોએ સરસ બદામી રંગનો સૂટ અને એવી જ ચુન્ની ઓઢી
હતી. પગરિક્ષા હજુ પચીસેક ફૂટ પણ આગળ ગઇ નહિ હોય અને ગપ્યોના મોંમાંથી ચીસ નીકળી ગઇ : ‘
ઓ બા મરી ગઇ.....મા....’
‘અરે એ ભાઇ રિક્ષા રોકો, ભાઇ રિક્ષા રોકો’ બૈજુએ મોટેથી બૂમો પાડી મૂકી. છતાં બૈજૂના આશ્ચર્ય
વચ્ચે દસેક ફૂટ રિક્ષા આગળ વધી ગઇ ! ગપ્પોની ચુન્ની રિક્ષાના પૈડામાં વિંટાઇ વળી હતી અને એની મૂંડી
રિક્ષાના પૈડાં તરફ ઝૂકી ગઇ હતી. એથી જે છેડો રિક્ષાના પૈડામાં ફસાયો હતો એને જોરથી બૈજુએ પોતા તરફ
ખેંતી રાખ્યો હતો. રિક્ષા થોભતાં બૈજુએ ફટાફટ ગપ્યોના ગળેથી ચુન્ની ઉતારી નીચે ફેંકી દીધી. રિક્ષાવાળાએ
પૈડામાં ફસાયેલી ચુન્ની કાઢી આપી. અહિ બૈજુને લાગ્યું કે મોત ગપ્પોનો પીછો કરી રહ્યું છે! રિક્ષાવાળો જાણે
મોતનો સોદાગર હોય એમ માની તેેણે રિક્ષાવાળા પર રોષ ઠાલવ્યોઃ
‘ અરે તુમ રિક્ષાવાળા હૈ કી કયા? વહ ચિલ્લાઇ ઔર મૈંને આવાજ દી ફીર ભી તુમને રિક્ષા નહી
રોકી?’
‘ સાબ, માફ કરના, સલોપીંગ પર એકદમ બ્રેક લગનેસે રિક્ષા પલટ સકતી હૈ. લકિન બૈઠતે સમય
મૈંને બહેનજી કો ચુન્ની સમાલનેકો બોલા થા !’ ત્યારે ગપ્પો ગળા પર પડેલો લાલધુમ લસરકો બતાવી ગળામાં
અવાજ રૂંધાઇ ગયાની ફરિયાદ કરતી હતી. બૈજુએ રિક્ષાવાળાને લિંબુપાણીવાળા પાસે રિક્ષા લઇ જવા કહ્યું. એ
તરત લિંબુશરબતવાળા પાસે ગઇ ગયો. ત્યાં ગપ્યોને લિંબુપાણી પાઇ પાછાં ત્રણેય રિક્ષામાં બેસી ચર્ચમાં
પહોંચી ગયાં.
એ જ દિવસે ગપ્પો અને બૈજુએ દીકરીને મસૂરીમાં ખૂબ ઘુમાવી. તેને ખાવાપીવા જે જોઇએ તે બધું
લઇ આપ્યું. રોપ-વે મારફતે બૈજુ પ્રીતને ઉપર ગનહીલ લઇ ગયો. ત્યારે ગપ્પો નબળાઇને કારણે કલાક સુધી
નીચે એકલી જ રોકાઇ ગઇ. ત્યાંથી નીચે આવી ત્રણેએ સાથે ફોટા પડાવ્યા. આ વખતે ગપ્પોએ આગ્રહ કરી
પોતાનો અને દીકરીનો અલગ અલગ ફોટો પડાવ્યો. ત્યાં જ નાસ્તા હાઉસમાં ત્રણેએ ચાઉમીન-ચીની વાનગીનું
ભોજન કર્યું. પોતે નાદુરસ્તી હોવા છતાં ગપ્પોએ પુત્રી અને પતિની ખુશીમાં તેમને ખૂબ સાથ આપ્યો. સાંજે તેઓ
ફરતાં ફરતાં દહેરાદૂનની બસ પકડી મસૂરીથી નીચે ઉતરી ગયાં. અગાઉ જ્યારે પણ તેઓ દહેરાદૂન આવતાં
ત્યારે મસૂરીની મજા તો અવશ્ય માંડતાં.
બીજા દિવસથી તેઓએ ઝટપટ દહેરાદૂનમાં બધાંની મુલાકાતો પતાવવા માંડી. એક દિવસ જોસેફ
અંકલનાં ઘરે ગયાં. ઘરે પોતાના તરફથી સૌનું જમવાનું કર્યું. અને છેલ્લા દિવસે છોટી દીદીની ખાસ મુલાકાત
તેની નોકરીના સ્થળે કરી. અંતે માતપિતા ભાઇબેનને ‘બાય’ કરી તેઓ વડોદરા પાછાં વળ્યાં. ફરી અધ્યાપક
કુટિરનું એમનું ઘર ધમધમવા લાગ્યું. ગપ્પોની આયુર્વેદિક દવા ખૂટી જતાં બૈજુએ એ વડોદરાથી મેળવી લીધી.
છતાં ગપ્પોની તબિયત બગડતી ગઇ.
એ દિવસોમાં આઇ.ઇ.એમ. મિશન તરફથી મહારાષ્ટ્રમાં ચીકલદરા કુટુંબ સાથે જવાનું આમંત્રણ
મળતાં, ફરી ત્રણેય ટ્રેનથી અને ચીકલદરા પહાડ પર ચઢવા માટે જીપથી મુસાફરી કરીને પોતાને સ્થળે પહોંચી
ગયાં. ત્યાં ત્રણ-ચાર દિવસ ગાળીને બસમાં નીચે ઉતરતાં ગપ્પો બેહોશ જેવી થઇ ગઇ. ચીકલદરા પણ
ગપ્પોએ પોતે એક મિત્રને વિનવીને ત્રણેય જણાનો સાથે ફોટો લેવડાવ્યો હતો. પુત્રી અને પતિની ખુશીમાં પોતાનું
દુઃખ દબાવીને તે તેમની સાથે ખૂબ ફરી. પછી તેઓ વડોદરા પોતાના ઘરે આવી પહોંચ્યાં. હવે ગપ્પો માનસિક
રીતે પણ નબળી થઇ ગઇ હતી.
એક દિવસે મિત્ર વિનોદને ત્યાં તેઓ સાંજના પાંચેક વાગે મુલાકાતે ગયાં. ત્યાં પાણી પીને હજુ બેઠાં જ
હતાં ને ગપ્પોએ તરત પાછાં ઘેર જવાની માગણી કરવા માંડી. બૈજુએ તેને બહુ સમજાવી પણ તે એકની બે ન
થઇ. એક નાના બાળકની જેમ ગપ્પોએ ઘેર જવાની હઠ કરી હતી. આ પ્રકારનું વલણ બૈજુ પ્રથમવાર જ
અનુભવી રહ્યો હતો. થોડીવારમાં તેઓ પાછાં ઘેર આવી ગયાં. ગપ્પો ઢીલીઢસ થઇ દીવાન પર પડી. એટલામાં
બૈજુ પોતાના સુંદર બગીચામાં બહાર આવ્યો. એ સાથે જ તેણે સામેના ગ્રાઉન્ડમાં ઊભેલી ભૂરા રંગની
મારૂતિવાન જોઇ. તેમાં બેઠેલો સફેદ પળિયાંવાળો જાડો માણસ પોતાના ઘર તરફ ધ્યાન કરી રહ્યો હતો એમ
બૈજુને લાગ્યું. એવા કોઇ માણસને એણે અગાઉ જોયો હોય એમ યાદ આવ્યું. એકવાર પેલી મીઠી લીમડી લેવા
આવેલી સ્ત્રી જ એક જાડા પુરુષના સ્કૂટર પર આવી બૈજુ અને ગપ્પો પસાર થતાં હતાં, તેઓને હાથ કરી બતાવી
રહી હતી. બસ એવો જ કોઇ પુરુષ વાનમાં બેઠેલો હતો. બૈજુ એ તરફ ધ્યાન કરવા થોડું આગળ વધ્યો કે તરત
પેલા પુરુષે ગાડી પુરપાટ દોડાવી મૂકી.
બીજા અઠવાડિયે ગપ્પોની તબિયત વધુ લથડતાં બૈજુએ એને પોતાના ભાઇ સેમીને ઘરે રાખી. ત્યાં
એક દિવસે ગપ્પોને પહેલાં વિનોદભાઇને ઘેર જેવી અસર થઇ હતી, તેવી જ અસર શરૂ થઈ. મારે મારા
પોતાના ઘેર જવું છે અને બસ હમણાં જ જવું છે એમ વારંવાર કહ્યા કરતાં ભાભીએ તેને ઘરમાં એક રૂમમાં
બંધ કરી દીધી. છ વાગે બૈજુ ઓફીસેથી ઘેર પહોંચ્યો ત્યારે ભાભીએ સુષમા-ગપ્યો અંગે ફરિયાદ કરી.
સુષમાને મળતાં એ માનસિક રીતે તદ્ન અસ્વસ્થ બની ગઇ હતી. એને પતિએ સમજાવવા માંડી. આખરે એક
શરતે ગપ્પોએ એ વાત પડતી મૂકી કે બીજા દિવસે રવિવારે તે બંને ભાઇ-ભાભીઓને ઘેર લઇ જઇ જમાડવા
માંગે છે.
બીજા દિવસ-રવિવારે ચાર-સાડાચારે ભાભીના ઘરેથી બધાં નીકળ્યાં. સુષમાના ઘરે જઇને બે
ભાભીઓ જમવાનું બનાવતી હતી અને ગપ્પો આગળના રૂમમાં આરામ કરતી હતી. એવામાં એકાએક એ
ઝડપથી ઊઠીને અંદરના રૂમમાં ચાલી ગઇ. એ માનસિક રીતે તૂટી ગઇ હતી. એના મગજને જાણે કોઇ
સંચાલિત કરી રહ્યું હતું. નાનાં બાળકો સિવાય બધાં કુટુંબીઓ ત્યાં જમા થઇ ગયાં. પત્નીની ગંભીર સ્થિતિ
પામી જઇ બૈજુએ રડીને પ્રાર્થના કરાવી. પછી ગપ્પોએ તરત દિયર ફ્રાન્સીસને પ્રાર્થના કરાવવા વિનંતી કરી.
ફ્રાન્સીસે અગાઉ કદી જાહેરમાં પ્રાર્થના કરી ન હતી. તો પણ ભાભીની વિનંતીથી તેણે રડીને ભાભી માટે પ્રાર્થના
કરાવી. એ દરમિયાન ગપ્પોના હાથમાં નવો કરાર મૂકવામાં આવ્યો. ગપ્પોએ તેને સદ્ભાવપૂર્વક પકડી રાખતાં
શ્રદ્ધાપૂર્વક ઉચ્ચચાર્યુંઃ ‘શેતાન મારામાંથી નીકળી જા, શેતાન ચાલ્યો જા’ પછી ગપ્પોના કહેવાથી કુટુંબીઓએ
તેની પસંદનાં એક બે સ્તોત્રો ગાયાં. ત્યાર બાદ ધીમેધીમે એ માનસિક રીતે સ્વસ્થ થતી જણાઇ અને ફરી કદી
એ સ્થિતિમાં મૂકાઇ નહિં. ઇશ્વરે એને એના પોતાના જ વિશ્વાસથી સ્વસ્થ કરી દીધી હતી એમ કુટુંબીઓએ જાતે
અનુભવ્યું. ત્યારે ગપ્પોએ ઇશ્વર તરફથી તેને ગીતશાસ્ત્રનો ૨૭મો અધ્યાય દર્શાવવામાં આવ્યો છે એમ જણાવી
એ વંચાવ્યો અને એની ચોથી કલમ પર ભાર મૂકી એનો અર્થ પૂછયો.
તે જ દિવસે રાજુ અને સુમતિભાભીએ બૈજુને કહ્યું કે આ વિસ્તારમાં રહેવું તમારે માટે ખતરનાક છે.
હવે તમે જલ્દી આ ઘર છોડી દો. ફ્રાન્સીસ અને રાજુએ પોતાનું પ્રથમ મજલી ઘર તેઓને રહેવા આપવા ઇચ્છા
દર્શાવી. એથી ગપ્પોને ખૂબ સંતોષ થયો.
‘હવે તો હું અને પ્રીત રાજુના ઘરે રહેવા જતા રહીશું. પછી એના પપ્પાને આવવું હોય તો આવે.’’
એમ તેણે કહ્યું.
૧૯મી જુલાઇએ આ વાત થઇ અને ૨૯મીએ બૈજુ અને ગપ્પો પોતાનું ઘર ખાલી કરીને
સિદ્ધાર્થનગરમાં પોતાના ભાઇને ઘેર રહેવા ચાલ્યાં ગયાં. ત્યાં એક રૂમ અને રસોડાનું નાનું ઘર જ હતું. તેઓને
ત્યાં ખૂબ શાંતિ લાગી. ૬ઠ્ઠી ઓગસ્ટે બૈજુનો જન્મદિન હતો. ગપ્પોએ ખુશીખુશી સૌ કુટુંબીજનોને આમંત્રણ
આપ્યું. તેમાં તેણે યુ.પી.ની ખાસ વાનગી દહેરાદૂન ચોખાનો સુગંધિત ભાત અને છોલાચણા સ્વાદિષ્ટ બનાવીને
સૌને પીરસ્યાં, બધાંએ ખાઇને રાજી થઇ બૈજુને મુબારકબાદી પાઠવી. પાર્ટી પતી ગઇ ત્યારે ગપ્યો થાકીને લોથ
થઇ ગઇ હતી. એનાથી હવે વધુ કામ થતું ન હતું. એ દિવસો દરમિયાન ગપ્પોના પેટના દુઃખાવાની તપાસ
ચાલતી હતી. પાંચ ઓગસ્ટની સોનોગ્રાફી તપાસમાં તેના ગોલબ્લેડરમાં પથરી હોવાનો રિપોર્ટ આવ્યો હતો.
થોડા દિવસો બાદ ગપ્પોને પોતાને કમળો થયાનું અનુમાન થતાં તેણે ડૉક્ટર પાસે ખાતરી કરાવી. તપાસમાં
કમળો પુરવાર થતાં ડૉક્ટરે ગપ્પોને તરત હોસ્પીટલમાં દાખલ કરવા જણાવ્યું. આખરે ૧૪મી ઓગસ્ટે રાત્રે
ગપ્પોને ભયંકર પેટમાં દુઃખાવો ઉપડતાં તરત તેને રાત્રે જ દવાખાનામાં દાખલ કરી દેવાઇ.
દવાખાનામાં જતાં તે પગે ચાલીને રીક્ષામાં ચઢી અને એનો કેસ તૈયાર થતાં પોણો કલાક નીકળી
ગયો; ત્યાં સુધી એસ.એસ.જી.ના તાત્કાલીક સારવાર વિભાગની બહાર બેસી રહી. એને ચોથે માળે ડી-૪ માં
પ્રવેશ મળતાં એ પગે ચાલીને દાદરો ચઢી હતી. વોર્ડમાં એના રોકાણ દરમિયાન એ પગે ચાલીને બધા
દરદીઓના પલંગે જઇ મળતી અને એમની ખબર પૂછતી. બીજા દિવસથી ડૉક્ટર ભટનાગરની ટુકડીએ
ગપ્યોની શારીરિક તપાસ આરંભી. તેમાં બહાર એન્ડોસ્કોપી અને સીટી સ્કેનીંગ કરાવતાં ઓબસ્ટ્રક્ટીવ
ઝોન્ડીસના મૂળમાં ગપ્પોનું ગોલ બ્લેન્ડર નાકામ બની ગયાની ખબર પડી. લીવરમાંથી ગોલ્બ્લેડરમાં
બાઇલજયુસ પહોંચાડતી નળી બ્લોક થઇ ગઇ હતી. વળી એ નળીમાં કોષોનો જથ્થો જમા થયો હતો. એથી
ડૉક્ટરે કેન્સરની શક્યતા દર્શાવી ગપ્પોને અમદાવાદ એમ.પી.શાહ કેન્સર હોસ્પીટલમાં લઇ જવાની સલાહ
આપી. બીજા દિવસથી ગપ્પો તદ્ન નબળી પડી ગઇ અને એના પગ ચાલતા અટકી ગયા. રાત્રે એને પેટમાં
વેદના વધવા લાગી એથી આખરે બૈજુએ એને અમદાવાદ લઇ જવા નક્કી કર્યું.
બૈજુ અને ગપ્પો મેટાડોર કરી એમ.પી.શાહ કેન્સર હોસ્પીટલ, અમદાવાદ જવા રવાના થઇ ગયાં.
એ વખતે ડૉ.ભટનાગરે સાથે લઇ જવા એક આસિસ્ટંટ ડૉક્ટરની પણ મદદ પૂરી પાડી. ત્યાં દાખલ થયા
પછી ૩૬ વર્ષની યુવાન ગપ્પોને ગોલબ્લેડર કેન્સરની શક્યતા અંગે ડૉક્ટરોને આશ્ચર્ય થયું હતું! ગપ્પોનો
મજબૂત શારીરિક બાંધો અને શરીર સૌષ્ઠવ જોઇ ડૉક્ટરો કૅન્સરની વાતને મહત્ત્વ આપતા ન હતા. એથી પ્રથમ
લોહી અને પછી પેટમાં પાણી કાઢી ચકાસણી કરતાં તેમાં કેન્સરના કોઇ કોષો દેખાયા ન હતા. પાછળથી
ગોલબ્લેડરમાંગી માંસપેશી લઇ લેબોરેટરીમાં તેની ચકાસણી કરતાં ગોલબ્લેડરમાં કેન્સરકોષો વધી ગયા હોવાનું
જણાયું હતું. હવે ઓપરેશન કરી કેન્સર નાબૂદ કરી શકાય એવી કોઇ શક્યતા રહી ન હતી. એટલે હવે
ગપ્યોની જીંદગી ખતરામાં છે, એમ સ્પષ્ટ ડૉક્ટરોએ જણાવ્યું હતું.
ડૉક્ટરોના એવા તારણથી બૈજુ અને તેના સગાસ્નેહીઓ ઉદાસ થઇ ગયાં હતાં. છતાં દરેક બીમારીનો
આખરી ઇલાજ ઇશ્વર પાસે છે. ઇશ્વર જ ગપ્પોને ઠીક કરશે એ વિશ્વાસે ગપ્પોને બીમારીમાંથી મુક્તિ
અપાવવા તેઓએ પ્રાર્થનાપારાયણ સેવકોને અને મિત્રોને વિનંતી કરી હતી. એથી સેંકડો લોકો રોજ ગપ્પોના
બચાવ માટે ખાસ પ્રાર્થના કરતા હતા. થોડા દિવસની સારવાર બાદ કોઇ પરિણામ ન દેખાતાં ગપ્યોને
દવાખાનામાંથી રજા આપવામાં આવી હતી. વડોદરામાં ગપ્પોને લાવ્યા બાદ લોહી આપવાની જરૂર પડતાં
મિત્રોએ લોહીદાન કર્યું હતું. એ સાથે કેન્સરની ખાસ ઔષધ કિમોથેરાપી તેને આપવામાં આવી હતી. એથી
ગપ્પોના મોંમાં અને હોઠો પર ચાંદાં પડી ગયાં હતાં અને તેને પટમાં વેદના વધી ગઇ હતી. પરિણામે તે વધુ
અશક્ત અને નાહિમ્મત બની ગઇ હતી. એવામાં એની ડૂંટીમાંથી એકાએક ખૂબ પીળું પ્રવાહી (બાઇલ) નીકળી
આવતાં એને એસ.એસ.જી.માં ડૉ ભટનાગરે સારવાર આપી હતી. એ દિવસોમાં વડોદરામાં જુનિયર
ડૉક્ટરોની હડતાલ હોવાથી ડૉક્ટર ભટનાગરે ફરી ગપ્પોને અમદાવાદના કેન્સર હોસ્પીટલમાં લઇ જવાની
સલાહ આપી હતી. એથી ફરી ગપ્પોને અમદાવાદના હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી.
ગપ્પોની ગંભીર તબિયતના સમાચારે સગાંસ્નેહીઓ મિત્રો અને પરિચયવામાંઓ મોટા પ્રમાણમાં એને
મળવા દવાખાને દોડી ગયાં હતાં. અમદાવાદ, વડોદરા અને દહેરાદૂનમાં બધાં ચર્ચોમાં ગપ્પોને માંદગીમાંગી
સાજાપણુ મળે માટે ખાસ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. દવાખાનામાં ફરી એક વાર ગપ્પોની એન્ડોસ્કોપી
કરતાં તે તદ્ન અશક્ત અને ગભરું બની ગઇ હતી. શરીરની આંતરિક પરિસ્થિતિ જાણવા કરાતી એન્ડોસ્કોપી
એવી
દુઃખદાયક
પ્રક્રિયા
છે
જે
ગપ્પોએ
એ
બીજીવાર
કરાવવા
‘ના જ’ પાડી હતી. છતાં જ્યારે ડૉક્ટરની સલાહથી એન્ડોસ્કોપી કરવી જ પડી ત્યારે એ જાણે અર્ધમૃત્યુ પામી
હોય તેવી સ્થિતિમાં આવી ગઇ હતી ત્યારે જ ડૉક્ટરે બૈજુને જણાવી દીધું હતું કે હવે તમારી પત્નીને દવાખાને
રાખવાનો કોઇ જ અર્થ નથી. એથી બીજા જ દિવસે તે ગપ્પોને ઘેર લઇ આવ્યો હતો અને બેન સેરાને ત્યાં તેને
રાખી હતી.
સુષમાની માંદગી વેળા જ્યારે સ્વજનો અને સ્નેહીઓ સુષમાને મળવા આવતાં ત્યારે બૈજુ સામે
અજાયબ અનુભવ વર્ણવતાંઃ
‘મેં તો તમારા સમાજમાં આટલી પ્રેમાળ અને હસમુખી સ્ત્રી પ્રથમ જ જોઈ,’ સુશીલાબેન.
‘સુષમાદીદી વિનાનું કુટિર સૂમસામ ભાસે છે. જ્યારે એ ઘર પાસેથી પસાર થાઉં છું ત્યારે આંખો
ભરાઈ જાય છે,’ સુનંદાબેન.
‘ભાભીનો પ્રેમ તો દરેક પર અનહદ. અમને મળે તો ખુશખુશ થઈ જાય,’ પરિમલ.
‘જીણે જીવતે જીવ દુઃખ ના ભાર્યું, એ બચારીને માથે દુઃખનો ડુંગર તૂટ્યો,’ મણીબા.
‘મારી લારીએ દીદી કપડાંને ઈસ્ત્રી માટે આપવા આવે ત્યારે વાત તો સચમૂચમાં મારી દીદીની જેમ
કરે,’ અશોકભાઈ.
ત્યાં સુધીમાં અમદાવાદથી જ સાથે રહેલાં ગપ્પોનાં માતાપિતા, બેનનો દીકરો બબલુ અને
ભાઇભાભી એની સારવારમાં મદદ કરવા આવી પહોંચ્યાં હતાં. વડોદરા લઇ જતાં ડૉક્ટરે બૈજુને ખાસ
સૂચના આપી હતી કે હવે ખાસ કોઇ દવાદારૂ કે સારવારથી ગપ્યોને બચાવી શકાશે નહિં. કેમ કે તેનામાં
કેન્સર ત્રીજા તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે. એ માટે એને કોઇ ડૉક્ટર પાસે લઇ જઇ પરેશાન કરવી નહિ. છતાં
ગપ્પોના પિતાની જીદના કારણે બૈજુએ ગપ્પો માટે હોમિયોપથી સારવાર શરૂકરવી પડી હતી. એથી સતોષ ન
પામતાં તેમણે આયુર્વેદિક સારવાર માટે જીદ કરી હતી ત્યારે બૈજુએ ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે ગપ્પોની
બીમારીનો સ્પષ્ટ ખ્યાલ બાપુજીને આપ્યો હતો. એ વિગતો લઇ ગપ્પોના પિતાએ આયુર્વેદિક હોસ્પીટલના
ડૉક્ટરનો સંપર્ક કરતાં, ડૉક્ટરે એવી કટોકટીભરી સ્થિતિમાં કોઇ સારવાર મદદરૂપ નહિ થાય તેમ જણાવ્યું
હતું.
ગપ્પોને વડોદરા લાવ્યા બાદ એ સારી રીતે બોલી શકતી હતી અને બધાંને ઓળખતી હતી. એ સારી
રીતે વાત પણ કરી શકતી હતી. એથી ગપ્પોના માતપિતાને એના બચાવની આશા હતી. તેઓ કહેતાંઃ ‘જૈસે હી
વહ ચલને લગેગી હમ ઉસકો દેહરાદૂન લે જાએંગે.’ છતાં સુષમાની સ્થિતિ બગડતી ગઇ. એનું પેટ વધારે
ફૂલવા લાગ્યું અને એણે બોલવાનું ઓછું કરી દીધું. એની સભાનાવસ્થામાં એણે દીકરી પ્રીતને પોતાની પાસે
બોલાવી પોતાની લગોલગ બેસાડી ત્યારે ગપ્પોનો ચહેરો રડમસ થઇ ગયો હતો. મહાપ્રયાસે એણે હૃદયમાં દર્દ
દબાવી દઇ હસીને દીકરીને વહાલ કર્યું હતું. મમ્મીની સાથે પ્રીત કોઇ વાત કરી શકી નહિ ત્યારે મમ્મીએ
પૂછયુંઃ ‘બેટા સારું છે ને?’ એના જવાબમાં વ્યથિત મને પ્રીતે કેવળ હકારમાં માથું હલાવ્યું હતું. તે દિવસે
ગપ્પોએ રાજુભાભી સાથે ખૂબ વાતો કરી લીધી અને એને પ્રીતની જવાબદારી સોંપી દીધી. રાજુ તો એને
હિંમત આપતી હતી પણ ગપ્પો અને બૈજુની આંખમાં આંસુ હતાં. ગપ્૫ોની સમજદારીપૂર્વકની વાતને કારણે
ઘણાં કહેતાં એની તબિયત સારી લાગે છે. એ દિવસે સ્નેહીજનો અને ઘણા મિત્રોએ ગપ્પો સાથે વાત કરી.
ગપ્પોએ એ દિવસે સવિશેષ વાતો બબલુુ સાથે કરી. એ માસીને દીદી કહેતોઃ ‘દીદી આજ તુમ ઠીક હો. તુમકો
ઔર અચ્છા હો ગયા તો હમ તુમ્હે દેહરાદૂન લે જાએંગે.’ બૈજુએ પણ ગપ્યોનો એક હાથ પોતાના હાથમાં લઇ
એની સાથે વાતો કરી અને ફ્રુટ જ્યુસ પીવડાવ્યું.
બીજા દિવસથી ગપ્પોની તબિયત લથડવા માંડી રાતથી એને પેશાબ થવાનો અટકી ગયો ત્યારે વહેલી
સવારે પાંચવાગે પ્રવિણ જીજાજી અને બૈજુ શહેરમાં દોડ્યા અને બજારમાંથી કેથેટર લાવી સોસાયટીમાં રહેતાં
એક નર્સબેન મારફતે એ નંખાવ્યું. એથી ગપ્પોને પેશાબ થવા લાગ્યો. ગપ્પોને પેશાબ બરાબર થાય તે માટે
એના પપ્પા વારંવાર પાણી પીવડાવતા પણ એથી એનું પેટ વધારે ફૂલવા માંડ્યું. પછીના દિવસની વહેલી
સવારે બૈજુ પ્રથમ જાગ્યો અને ગપ્પોને આરામથી સુતેલી જોઇ મોં ધોવા ભાઇને ઘેર ચાલ્યો ગયો. પછી બબલુ
જાગ્યો અને એણે ગપ્પોને જગાડી અને પેસ્ટ કરાવી. તેણે સેરાબેન પાસે પાણી મંગાવી સારી રીતે ગપ્પોનું મોં
ધોવડાવ્યું અને એક લીલું નાળિયેર તોડી એનું બધું પાણી દીદીને પાઇ દીધું. રોજ તો ગપ્પો એવું કંઇ પણ પીવા
આનાકાની કરતી પણ આજે એ આનાકાની વગર બધું પાણી પી ગઇ. એટલામાં બૈજુ ફ્રાન્સીસના ઘરેથી ચા
પીને આવ્યો. તેણે બબલુને મોં ધોવા અને ચા પીવા મોકલ્યો. ગપ્પોને તેણે ધારીને જોઈં તો તે શાંત થઇ ગઇ
હતી. તેનું પેટ ખૂબ ફૂલી ગયું હતું. થોડીવાર પછી બબલુ ચા પીને દીદી પાસે આવી પહોંચ્યો. ત્યાં બીજું કોઇ
નહોતું. એટલે બૈજુએ પૂછયુંઃ
‘ગપ્પોને સવારે કશું આપ્યું?’
‘અંકલ મેં આંટીને પૂરેપૂરુ નાળિયેર પીવડાવી દીધું છે.’
‘ઓ બાપરે, બબલુ આ તેં શું કર્યું. એનું પેટ તો જો કેવડું મોટું થઇ ગયું છે!?’
‘અંકલ મેં કોઇ જબરદસ્તી કરી ન હતી. દીદી આરામથી બધું પાણી પી ગયાં.’
‘અચ્છા ઠીક છે પણ તારી આંટીની તબિયત આજે સારી લાગતી નથી. ચાલ આપણે સાથે પ્રાર્થના
કરીએ.’ ગપ્પોને પણ બૈજુએ પ્રાર્થના માટે જાણ કરી. એ સાંભળી ગપ્પોનું મોં થોડું હાલ્યું. એ જો કે બેઠી થઇ
શકી નહિ. તરત બૈજુએ પ્રભુને આજીજીપૂર્વકની વિનંતી કરી અને એનું બધું દર્દ પ્રભુ લઇ લે એમ પ્રાર્થનામાં
કહ્યું. હજુ પ્રાર્થના ચાલુ જ હતી એ દરમિયાન ગપ્પો મહાપ્રયાસે બોલીઃ ‘બસ અબ દુઆ બંધ કર દો.’ એ જ
સમયે બૈજુએ ‘આમેન’ સાથે પ્રાર્થના પૂરી કરી. બૈજુએ બબલુને મોકલી ગપ્પોનાં ભાઇભાભીને બોલાવ્યાં અને
જણાવ્યું કે હવે તેની તબિયત ઠીક નથી.
ગપ્પોની ભાભી નર્સ હતી. એણે તરત ગપ્પોની નાડી તપાસી કહ્યું ‘ખરેખર ગપ્પોની તબિયત ગંભીર
છે, તાત્કાલીક ડૉક્ટરને બોલાવો.’ બૈજુ એથી તરત પોતાના મિત્ર વિનોદને લઇ યુનિવર્સીટી હેલ્થ સેન્ટર
ઉપડ્યો. ડૉક્ટર દરદીઓને તપાસી રહ્યા હતા. તેમની પાસે જઇ બૈજુ ભાંગી પડ્યો. તેની આંખોમાં આંસુ
ઉભરાઇ આવ્યાં ‘તમે એમ હિંમત હારશો નહિ. બોલો શું થયું છે?’ ડોક્ટરે પૂછયું.
‘ એની તબિયત સારી નથી સાહેબ.’
‘સારું તમે પહોંચો. ત્યાં નજીકમાં મેઇન રોડ ઉપર ઊભા રહેજો. હું આવું છું.’
એથી વિનોદ અને બૈજુ પાછા વળી ગયા. બૈજુ મુખ્ય રોડના વળાંકે કબ્રસ્તાન પાસે થોભ્યો. ત્યાં એક
કલાક રાહ જોયા બાદ ડૉક્ટર ટેકનિશિયન સાથે સ્કૂટર પર આવતા દેખાયા. બૈજુએ તેઓને સિદ્ધાર્થનગર
પહોંચવાનો રસ્તો સમજાવ્યો અને પછી પોતે તેજ ગતિએ એમની પાછળ દોડવા લાગ્યો.
ઘરે જઇ ડૉક્ટરે ઝટપટ ગપ્પોને તપાસી લીધી. એના કપાળ વચ્ચે એમણે દબાવી જોયું. નાડી તપાસી
અને હૃદયના ધબકારા સ્ટેથોસ્કોપ વડે ચકાસ્યા. પછી ડૉક્ટર ઘરની બહાર નીકળી ગયા. તે પહેલાં બૈજુ ત્યાં
આવી ઊભો થઇ ગયો હતો. તેમણે બૈજુને પાસે બોલાવ્યો.
‘એની નાડી ધીમી પડી છે અને બી.પી.નીચે ગયું છે. એ થોડા દિવસ માંડ કાઢે. એને કોઇ પણ
દવાખાને ન લઇ જવા મારી સલાહ છે. અગર સારવાર આપવી હોય તો સેલાઇનના બાટલા ચઢાવી જુઓ.’
ડૉક્ટરની આ વાત સાંભળવા પપ્પા, મમ્મી, ભાઇ ભાભી બબલુ, સેરા અને રાજુ પાસે આવી ગયાં હતાં. સૌ
ઘડીભર અવાક્ બની ગયાં. ભાભીએ ડૉક્ટરનું માર્ગદર્શન મેળવી સેલાઇન આપવાની તૈયારી કરવા માંડી. બૈજુ
ઑફીસના મસ્ટરમાં સહી કરવા ઉતાવળે બહાર નીકળી ગયો.
અગિયાર વાગ્યા હતા. સોસાયટીમાંથી બધા પુરુષો નોકરીએ ચાલ્યા ગયા હતા. ગપ્પોના કુટુંબીઓ
તેની સારવારમાં લીન હતાં. ગપ્પો હવે ચૂપ થઇ ગઇ હતી. બૈજુ ઝડપથી રિક્ષા કરી પોતાના ડિપાર્ટમેન્ટમાં
પહોંચી ગયો. આજે તેની જબાન બંધ હતી. જેના સાજાપણાની આશામાં ત્રણ મહિના રાતદિવસ એક કરી
નાખ્યા, ડૉક્ટરે સૂચવેલી દવાદારૂ અને સારવાર કરી ખૂબ ખર્ચ કરી નાખ્યો એના બચાવની હવે આશા નિર્મૂળ
થઇ ગઇ હતી. બૈજુ ડિપાર્ટમેન્ટમાં પ્રવેશી સીધો હેડ પાસે પહોંચી ગયો. ત્યાં તે એક પણ શબ્દ બોલી શકતો ન
હતો. તેની આંખોમાં આંસુ છલકાતાં હતાં.
‘બૈજુ, દુઃખ તો સહન કરવું જ પડશે. કહો તો ખરા શું બન્યું?’ હેડે પ્રશ્ન કર્યો.
‘સાહેબ, સુષમાની હાલત ગંભીર છે. હું કેવળ મસ્ટટરમાં સહી કરવા આવ્યો છું.’ બૈજુએ જવાબ
આપ્યો.
‘તમે જલ્દી ઘરે જાઓ. પત્નીને સંભાળો.’
બૈજુ હેડને થેક્યુ કહી બહાર નીકળી ગયો. બહાર નીકળી તેણે સ્ટાફના સભ્યો જોડે પત્નીની સ્થિતિ
અંગે વાત કરી. એને વાતો કરતાં રોકી રમેશ પટેલે એને તરત ઘેર જવા સૂચવ્યું. એ જ ઘડીએ બૈજુ ઝડપથી
દાદરો ઉતરી ગયો. બહાર જઇ રિક્ષા પકડી અને ભાઇ સેમીના ઘરે પહોંચી ગયો. ત્યારે સેમી બેંગ્લોર ગયો
હતો, ભાભી એક લગ્નમાં ગયાં હતાં. કેવળ દીકરી એનુ ઘરે મળી. એનુને બૈજુએ કાકીની તબિયત ગંભીર
હોવાનું જણાવ્યું અને બૈજુએ કાકીની તબિયત ગંભીર હોવાનું જણાવ્યું અને એ સમાચાર તરત એની મમ્મીને
પહોંચાડવા જણાવ્યું.
ત્યાંથી મુખ્ય માર્ગ પર જઇ એણે બીજી રિક્ષા પકડી અને ઘર તરફ ઊપડ્યો. બધા માર્ગો આજે
સુમસામ ભાસતા હતા. ચારે બાજુ ચોમાસા જેવું વાદળિયું વાતાવરણ પથરાઇ રહ્યું હતું. તે દિવસે વરસાદ
અને વંટોળની આગાહીને લીધે લોકો રસ્તા પર ઓછાં જણાતાં હતાં. બૈજુ પોતાની દિલોજાનને આખરી શબ્દો
કહેવા અને એનો આખરી બોલ સાંભળવા જઇ રહ્યો હતો. એણે ઘર પાસેના ચાર રસ્તા પર રિક્ષા છોડી દીધી.
ત્યાંથી સેરાનું ઘર સ્પષ્ટ દેખાતું હતું. બહાર રાજુભાભી ઊભા હતાં. એણે ઇશારતથી પરિસ્થિતિ પૂછી.
ભાભીએ માથું નમાવી સંદેશ પાઠવી દીધો. એ દોડતો ઘરે પહોંચ્યો અને ભાભીને પૂછયુંઃ
‘રાજાુ, સુષમા?’
‘તમે રિક્ષામાંથી હજુ ઉતરતા જ હતા, એ જ પળે એણે શ્વાસ મૂકી દીધો.’
બૈજુ ઝડપથી ઘરમાં પ્રવેશ્યો અને પત્નીના દેહ પર ઢળી પડ્યો. એની આંખોમાંથી ચોધાર આંસુ વહી
રહ્યાં જેની સાથે સોળ વર્ષનો સુખી સંસાર માણ્યો એ આજે પુત્રી અને પોતાને મૂકીને ઇશ્વરપિતાની ગોદમાં
પહોંચી ગઇ હતી. એટલે પ્રભુને ફરિયાદ કરતાં બૈજુ રડી ઊઠ્યોઃ
‘મારા પ્રભુજી, તમે આ શું કર્યું ? પ્રભુજી તમે આ શું કરી નાંખ્યું? નાની પ્રીતનો ભાર ગપ્પો વિના
કોણ ઉંચકશે? મને આધાર આપનાર ગપ્પો જીવવા ચાહતી હતી તો એને કેમ ન જીવાડી? ગપ્પો વિના મારું
જીવન દયાપાત્ર બની જશે? અરેરે પ્રભુજી આ તમે શું કર્યું? ત્યારે ચારે તરફ ઊભાં રહેલાં સ્વજનોની આંખો
આંસુથી છલકાતી હતી. કેટલાંકના ગળામાંથી ડૂસકાં નીકળતાં હતાં. ત્યારે ગપ્પોએ અપૂર્વ શાંતિમાં સ્વસ્થ વદને
સદાનો વિસામો લેવા અબોલો લઇ લીધા હતા.
ફય્ૃજી઼ડ્ઢ
૨
જીવનાવરણ
આશા અને આશિષે થોડા સમય પર જ લગ્ન કર્યાં હતાં. આશિષ એક સરકારી કંપનીમાં એન્જીનિયર
હતો. આશાએ ક્લોથ ડિઝાઇનીંગમાં એમ.એસ.સી.હોમ. કર્યું હતું, એથી એને તૈયાર વસ્ત્રો બનાવતી ખાનગી
કંપનીમાં સુપરવાઇઝરની જગા મળી હતી. આશિષની કંપની પાસે હોવાથી બંને પ્રથમ વડોદરામાં રહ્યાં હતાં.
લગ્ન બાદ થોડા જ સમયમાં આશિષને કંપનીની ટાઉનશીપમાં ત્રણ રૂમ, કીચનનું સુંદર મકાન મળી જતાં,
તેઓ વડોદરાથી ત્યાં રહેવા ગયાં હતાં. કંપનીના મકાનમાં આગળ કારપાર્ક અને બાગ માટે સુંદર વ્યવસ્થા
હતી. ટાઉનશીપમાં રસ્તાઓ પર અને જાહેરસ્થળોએ હારબંધ સુંદર વૃક્ષો રોપવામાં આવ્યાં હતાં. કેટલીક
જગ્યાએ સુંદર ફૂલછોડવાળા નાના બાગબગીચાઓ અને બાળકો માટે રમતનાં સાધનો ધ્યાન ખેંચતાં હતાં.
આશિષની કંપની ટાઉનશીપની ઉત્તરે, શહેર બહારથી પસાર થતા, હાઇવે પર આવેલી હતી જ્યારે
આશાની કંપની દક્ષિણે દૂર આવેલા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં હતી. આશિષની કંપની ટાઉનશીપથી દૂર
હોવાથી, એ સ્કૂટર વાપરતો જ્યારે આશા સની મોપેડ પર આવ-જા કરતી.
એ સરકારી કંપનીની સાથેસાથે અર્ધો ડઝન જેટલા સંલગ્ન ઉદ્યોગો સ્થપાયા હતા. એ બધાની
ચીમનીઓમાંથી રાતદિવસ આગ, ગેસ અને રંગબેરંગી ધુમાળો વગેરે વાતાવરણમાં પ્રસરતાં જોવા મળતાં.
કેટલીક ચીમનીઓના પ્રદૂષિત ધુમાળાથી પાસેના ઝાડ સૂકાઇ ગયાં હતાં. ઘણી વાર રાત્રે ઉદ્યોગો મારફતે
વાતાવરણમાં તીવ્ર ગેસ છોડી મુકાતાં, ઉંઘમાં લોકો બેચેની અનુભવતા. એ અંગે કોઇ વાર ફરિયાદ થતી તો
કેવળ છાપામાં એના સમાચાર ચમકતા એટલું જ.
એક દિવસ સાંજે ‘હાથી મરી ગયો’ એવી ખબર ફેલાતાં કોલોનીના લોકો મુખ્ય માર્ગ તરફ દોડ્યા.
થોડી વારમાં રસ્તાની બાજુએ પડેલા હાથીની આસપાસ એટલું મોટું ટોળું જમા થઇ ગયું કે માર્ગ પરનો
વાહનવ્યવહાર થંભી ગયો. જોતજોતામાં પોલીસવાન આવી પહોંચી અને રાબેતા મુજબનો વાહનવ્યવહાર ચાલુ
કરાવવા જબરદસ્તીથી લોકોને ત્યાંથી ખસી જવા ફરજ પાડવા લાગી. તેઓએ મરેલા હાથી પાસે ઊભા રહેલા
મહાવતનું સ્ટેટમેન્ટ લેવા માંડ્યું કે શું બન્યું?
‘પાસેના ગામમાં ‘ગોલ્ડન સર્કસ’ ચાલે છે. એના એક હાથીને લઇ હું પાસેના તળાવે જઇ રહ્યો હતો
ત્યારે રોડ પાસેના એક મોટા ખાડામાં ભરાએલું પાણી જોઇ, હાથી પાણી પીવા લલચાયો હતો. મેેં હાથીને એ
પાણી પીવા દેતાં, થોડું ચાલ્યા બાદ હાથી લથડાવા લાગ્યો હતો અને સુંઢમાંથી થોડું પાણી ઉડાડી જમીન પર
બેસી ગયો હતોે. હું હાથીને જોઉં અને કંઇ સમજું તે પહેલાં જ હાથી ત્યાં જ ઢળી પડ્યો હતો!’ બીજા દિવસે
એ અખબારોમાં ચમક્યુંઃ ‘એક ઉદ્યોગના પ્રદૂષિત પાણીથી સર્કસના હાથીનું મોત.’
રોજ સવારે ચા-નાસ્તો લેતાં, પછી પોતપોતાની નોકરીએ જતાં સાંજે કામ પરથી ઘેર આવી નાહીધોઇ
તાજગી અનુભવતાં અને સંધ્યાભોજન બાદ નવરાશની પળોમાં આશિષ અને આશા ભોજનમેજ પર બેસી રોજની
જીંદગી વિશે વાતો કરતાં એક સવારે ચા-નાસ્તો લેતાં આશિષે વાત શરૂ કરીઃ
‘ડિયર, તું મકાનમકાન કરતી હતી. તો હવે તો ખુશને!’
‘માઇ ડિયર, આપણું મકાન જરૂર સુંદર છે, પણ આવા મકાનની મેં વાત કરી ન હતી.’
‘તો પછી તારે કેવું મકાન જોઇએ?’
‘મને મારું પોતાનું મકાન જોઇએ.’
‘એટલે આ પરાયાનું છે?’’
‘એમ નથી આશિષ. પોતાનું એટલે આપણે પોતે બંધાવેલું; શહેરથી દૂર, હવા ભરપૂર અને ઝાડ-પાન-
ફૂલોના કુદરતી સૌંદર્યથી ભરપુર એવું ઘર.’
‘ આશા, એ માટે તારે રાહ જોવી પડશે.’
‘મને મંજુર છે.’
ચા-નાસ્તો પૂરો કરી બંને પેપર વાંચવા બેઠાં. આશિષે ‘ટાઇમ્સ’ લીધું અને આશાએ ‘સંદેશ.’ પેપરના
છેલ્લે પાને સમાચારો જોતાં જ આશા ચોંકી.
‘આશિષ, તમારી કંપનીમાં આટલો મોટો અકસ્માત થયો અને તમે વાત સુદ્ધાં નથી કરતાં!’
‘આશા મારી કંપનીમાં ક્યારેક જીવલેણ અકસ્માત થાય છે. ગઇકાલની વાત એમ છે કે કંપનીમાં
અચાનક એમોનિયા ગેસ લીક થતાં, આઠ કામદારો દાઝી ગયા હતા. પાછળથી તેમાંના ચારે જાન ગુમાવ્યા
હતા. એ જ સમાચાર છે ને?’
‘આશિષ, શું તમને આ નાનીસૂની વાત લાગે છે? મને તો ખૂબ બીક લાગે છે.’
‘બીક કોને ન લોગે? પણ હું મારું કામ કરતાં ખૂબ કાળજી રાખું છું.’
‘પણ તમને ખબર છે ને અકસ્માત એટલે અકસ્માત. અચાનક એમાં સપડાઇ જવાય. આશિષ, મને
તો તમારી ખૂબ ચિંતા થાય છે.’
‘આશા, તું નાહકની ચિંતા કરે છે. ચાલ મને કહે, શું તારી નોકરી ચિંતામુક્ત છે?’ થોડી વાર શાંતિ
છવાઇ ગઇ. પછી આશા ધીમેથી બોલીઃ
‘મારી નોકરી તો ભયાનક નથી પણ......’
‘પણ શું?’’ આશિષે પૂછયું.
‘કહું છું, ઊભા રહો. હા આશિષ ક્યારેક નોકરી પરની અવરજવર ખતરો બની શકે.’
‘એટલે શું બની શકે?’
‘આશિષ, નેશનલ હાઇવે પરથી પસાર થતાં વાહનો મધ્યે મારું સની દોડાવતાં મને નાકે દમ આવી
જાય છે. ઘણી વાર હું સ્હેજમાં બચી જાઉં છું. ક્યારેક રસ્તામાં તેલ ઢોળાયું હોય ત્યારે વાહનોને ત્યાંથી પસાર
થતાં, સ્લીપ મારી જતાં મે જોયાં છે. કોઇ વાર આગળ જતું વાહન એવો ધુમાળો ઓકે છે કે પાછળ આવનારને
સામે કશું જ દેખાય નહિં. એવા ધુમાળાથી મારી આંખોમાં બળતરા થવા લાગે છે. એ જ રીતે બેફામ
વગાડાતા હોર્ન પણ આગળ-પાછળના વાહનચાલકોને મુંઝવણમાં મૂકે છે. રોજ આ બધા અનુભવથી મારું માથું
દુઃખવા લાગે છે.’
‘વળી શહેરમાં તો મેળો ભરાયો હોય એમ સવારે લોકો પોતાના વાહનોમાં નોકરી, અભ્યાસ, ધંધે
અથવા ફરવા નીકળી પડે છે. તેમાં મોપેડ, મોટર-સાયકલ, સાયકલ, કાર, રીક્ષા, બસ, જીપ વગેરે જાતજાતનાં
વાહનો જોવા મળે છે. ધોરી માર્ગ પર પસાર થનારા ખટારા અને ટેંકરો તો જાણે માતેલા સાંઢ!’
‘તદ્ઉપરાંત કોર્પોરેશનની નિષ્કાળજીને લીધે ઘણી વાર રસ્તાની કોરે ડામરનાં ખાલી પીપ, કપચી અને
પત્થરો પડેલાં દેખાય છે. એવી અડચણોને લીધે રોડ પર હંમેશાં અકસ્માતનો ભય રહ્યા કરે છે. તમે જ
વિચારો, મારી મુસાફરી આપણા ઘરથી શરૂ થઇ, વડોદરા શહેરને ચીરી સામે પાર જી.આઇ.ડી.સી. સુધી
પહોંચતાં ત્રીસેક માઇલની થાય.’ આશાએ સવિસ્તાર માહિતી આપી.
‘કમાલની વાત છે, આશા. આટલી લાંબી રોજ તું આવ-જા કરે છે, છતાં તારા ચહેરા પર એનો
ખ્યાલ સુદ્ધાં આવતો નથી. આ તો તેં આજે વાત કરી ત્યારે જ સાચી વાત જાણી શક્યો. ડિયર, તું તારો પોતાનો
બરાબર ખ્યાર રાખજે, મારે ખાતર.’ આશાએ આશિષ તરફ આંખો ફેરવી. એ ગંભીર બની ગયો હતો.
આશાએ હાથ લંબાવી એના ગાલને સ્પર્શ્યો. આશિષે પોતાનો એક હાથ આશાની કમરે વીંટાળી, બીજો હાથ એને
માથે ફરવ્યો. એમ બંને પ્રેમમાં ઓતપ્રોત બની ગયાં.
આશિષ-આશાના દિવસો હસીખુશીમાં પસાર થતા. રજાના દિવસે બંને શહેરમાં ચાલ્યાં જતાં, શોપીંગ
કરતાં, સિનેમા જોતાં અને મોડી સાંજે ઘેર આવતાં. કોઇ રજાના દિવસે તેઓ ગામડે માતપિતાની મુલાકાતે
જતાં, એક દિવસ સાંજે તેઓએ જમતાંજમતાં ઘરગથ્થુ વાતો કરી અને જમ્યા બાદ ચર્ચામાં જોડાયાં.
‘આશિષ, આપણા શહેરના માર્ગો પહોળા અને સુદર છે. ઠેરઠેર નવા ઉદ્યોગો સ્થપાઇ રહ્યા છે.
શહેરમાં જૂનાં બાંધકામોનું નવીનીકરણ થઇ રહ્યું છે. શહેરની આસપાસ ઢગલાબંધ હાઉસીંગ સોસાયટીઓ
ઊભી થઇ ગઇ છે. એથી શહેર વસતિથી ખદબદવા લાગ્યું છે. એને લીધે પર્યાવરણ સામે મોટો ખતરો ઊભો
થયો છે.’
‘તારી વાત સાચી. કોલોનીઓને લીધે ખેતરોમાં હવે મકાનોની ખેતી વવાઇ રહી છે. બાકી જમીનમાં
ગરીબોએ ઝૂંપડાં ઊભા કર્યાં છે. નવાંનવાં બાંધકામોને લીધે રોજ આપણી આંખો સામે કેટલાંય ઝાડ કપાતાં
દેખાય છે. એમ શહેરનું પર્યાવરણ તૂટી રહ્યું છે. ’ આશિષે સાથ પુરાવ્યો.
‘એ તો ખરું જ. વળી આસપાસ ઊભી થએલી ઢગલાબંધ ફેક્ટરીઓ રોજ શહેર અને આસપાસની
વસતિ પર ધુમાળા વડે આક્રમણ કરે છે. એ જ પ્રમાણે પ્રવાહી પ્રદૂષણો ગટર મારફતે નીચાણવાળા વિસ્તારો
અને નદીમાં રોજ વહેવડાવવામાં આવે છે.’ આશાએ ઉમેર્યું, વળી ઘણી નિર્જન જગાએ કંપનીઓમાંથી નીકળતો
ઘનકચરો રસ્તાની કોરે દૂરદૂર સુધી ઠાલવવામાં આવે છે, એથી આસપાસનાં ખેતરોની ખેતી અને ત્યાં વસતા
લોકો પર એની માઠી અસર થઇ શકે.’
‘આશા, તને ખરેખર જાહેર આરોગ્ય અંગે સારી જાણકારી છે. શહેરમાં અપાતા પાણી પુરવઠામાંથી
નળીઓ મારફતે જુદાજુદા વિસ્તારોમાં પાણી આપવામાં આવે છે. ક્યારેક એવી નળીઓ જમીનમાં લીક થઇ
જતાં, પીવાનું પાણી અને ગટરનું પાણી એકબીજામાં ભળી જવાના કિસ્સા બન્યા છે. એથી ઝાડાઉલ્ટી થઇ મોત
નિપજવાના બનાવો બન્યા છે. એ જ પ્રમાણમાં ગંદકી અને બહાર ફેંકાતા ગંદા પાણીને લીધે મચ્છરો અને
માખી મોટા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. એને લીધે મેલેરિયા અને કોલેરા થઇ શકે.’
‘આશિષ, તમારી વાત સાચી છે. જો કે આપણી કોલોનીમાં સ્વચ્છતા અંગે કાળજી રખાય છે, એથી
આપણે ત્યાં એવો રોગચાળો ફેલાવાની શક્યતા ઓછી છે. છતાં મચ્છરોનો ત્રાસ તો આપણે ત્યાં પણ ખરો જ.
એટલે આપણે ગમે ત્યારે મેલેરિયાના શિકાર બની શકીએ.’’
‘સાચું છે, આશા. અગાઉ પર્યાવરણ વિશેષજ્ઞોએ આપણા રહેઠાણના વાતાવરણમાં ફેલાતા ઝેરી ગેસ
અને વાયુઓનો અભ્યાસ કરી જણાવ્યું હતું કે લાંબે ગાળે એની ઘાતક અસર થતાં ટી.બી. અથવા કેન્સર થઇ
શકે.’
‘બાપ રે..... તો તો આપણે મોતના નગરમાં રહેતાં હોઇએ, એમ લાગે છે. આશિષ હવે આગળ વાત
કરશો નહિ. એવી વાતોથી મને ડર લાગે છે.’ આશિષ હસતાં હસતાં મૌન સેવી ગયો. આશા એને ઊઠાડીને
સૂવાના ઓરડામાં લઇ ગઇ. ત્યારે રાત્રીનાં મંડાણ થઇ ગયાં હતાં.
એમ દિવસો વિતવા લાગ્યા. થોડા સમય પછી આશાને પુત્ર જનમ્યો. એનું નામ તેઓએ અર્પિત રાખ્યું.
એક પુત્રમાં સંતોષ માની પતિની સંમતિથી આશાએ કુટુંબનિયોજનનું ઓપરેશન કરાવી લીધું. જો કે આશાને એક
પુત્રી માટે ઇચ્છા હતી પણ હવે પુત્રી જ અવતરશે, એની શું ખાતરી એમ વિચારી તેઓએ પૂર્ણવિરામ મૂક્યું.
આશાની પ્રાઇવેટ નોકરી હોવાથી થોડા દિવસની રજા પછી એને નોકરીએ લાગી જવું પડ્યું. એથી
પંદર દિવસમાંજ અર્પિતને ડેરીનું દૂધ શરૂ કરાવવું પડ્યું. ત્યાર બાદ થોડા દિવસો માટે આશિષ અર્પિતની
સંભાળ માટે ઘેર રહ્યો. અર્પિતને ઉછેરવાની જવાબદારી ભારે લાગતાં તેઓએ કાશીબા નામની ભીલ બાઇને
પૂરા દિવસના કામ માટે રાખી લીધી. એ અર્પિતની પણ સંભાળ રાખતી. નોકરાણીની દેખભાળમાં અર્પિત મોટો
થવા લાગ્યો.
એક સાંજે જમતાં તેઓ વાતોમાં પરોવાયાં.
‘આશિષ, આજે તો મરતાં બચી.’
‘શું કહે છે ડિયર, એવું તે શું થયું?’ આશિષ ઊંચો થઇ ગયો.
‘સવારે જતાં હું મર્યાદામાં સની દોડાવી રહી હતી. મારી પાછળ આવી રહેલી એક ટ્રકને પાછળની
બસે ઓવરટેક કરતાં, પેલી ટ્રક મારી તરફ સરકી અને હું ડાબી તરફ ફંટાઇ. ત્યારે ડાબી તરફ પાસે એક
બગડેલી કાર રસ્તા પર પડી હતી. પેલી ટ્રકે મને વધુ સાઇડ પર ધકેલતાં, હું બેલેન્સ ગુમાવી બેઠી, અને પેલી
કાર સાથે અથડાઇ ગઇ. પેલી ટ્રક તો સડસડાટ આગળ નીકળી ગઇ પણ હું નીચે ફંગોળાઇ ગઇ. તરત કાર
રીપેર કરનારા મારી મદદે દોડી આવ્યા. તેઓએ મને બેઠી કરી, પાણી પાયું. રોડની બાજુની જમીન ધુળવાળી
હોવાથી મને ખાસ ઇજા થઇ ન હતી પણ કાર સાથે મારું સની ભટકાતાં એની હેડલાઇટ તૂટી ગઇ હતી. એવું
સની ચાલુ કરી હું નોકરી પર પહોંચી ગઇ. આશિષ, હવે ખરેખર મને એક્સીડંટનો ભય લાગવા માંડ્યો છે.’
આશા એકી શ્વાસે બોલી ગઇ અને આશિષ એકચિત સાંભળી રહ્યો. આશિષના ચહેરા પર ચિંતાની અસર
ડોકાતી હતી.
‘ડાર્લિંગ, તને કાંઇ થયું તો અર્પિત અને હું કોના સહારે જીવીશું? આશા એક કામ કર. મને સારો
પગાર મળે છે. વળી અર્પિત માટે ઘરમાં તારી હાજરીની જરૂર છે. એટલે હવે તારે નોકરી કરવાની જરૂર
નથી. આપણે એકના પગારમાં ઘર ચલાવીશું. બીજા પગારના લોભમાં હું તને ગુમાવવા માગતો નથી.’
‘આશિષ, તમારી લાગણી હું સમજું છું. પણ આજના મોંઘવારીના દિવસોમાં એક પગારથી ઘર
ચલાવવું મુશ્કેલ છે. આપણે બંને કમાઇએ છીએ છતાં અર્પિતના જન્મનો ખર્ચ આપણને કેવો અઘરો લાગ્યો
હતો.’
‘તારી વાત હું માનું છું. છતાં આપણી કોલોનીમાં જ કેટલા બધા લોકો છે, જેઓ એકના પગારમાં
નિર્વાહ કરે છે. તેમ આપણે પણ કરકસરથી રહીશું.’’ આશિષે સલાહ આપી.
‘આશિષ, આવતા વર્ષથી આપણો અર્પુ સ્કૂલમાં જશે એના માટે સારી સ્કૂલમાં એડમિશન મેળવવા
મોટી રકમ જોઇશે. વળી એની ફી, ચોપડીઓ, યુનિફોર્મ, નાસ્તો, જવાઆવવાનો ખર્ચ વગેરે સંબંધી શું? માટે
મારી વાત માનો. હું નોકરી છોડી દેવા માંગતી નથી.’ આશાએ હિંમત દર્શાવી.
‘ઠીક જેવી તારી ઇચ્છા. પણ નોકરી પર જતાં તારી જાતને ખૂબ સંભાળજે, ડાર્લિંગ.’
‘એક વાત યાદ રાખો આશિષ. જ્યાં સુધી તમે હયાત છો ત્યાં સુધી મને કશું થવાનું નથી.’
‘એટલે મારા મરતાં તું શું સતી થવાની છે?’ આશિષે હસતાંહસતાં પૂછયું.
‘ તમે દેવલોક સિધાવો અને હું સતી થાઉં તો પછી આપણો અર્પુ શું કરશે? આપણે બંનેએ એને માટે
જીવવું પડશે.’
અર્પિત હવે મોટો થઇ ગયો હતો. એ સ્કૂલમાં જવા લાગ્યો. સાવારે આશિષ એને સ્કૂટર પર સ્કૂલમાં
મૂકી આવતો અને બપોરની રિસેસમાં એને શાળાએથી ઘેર લઇ આવતો. બપોરના અર્પિત ઘરમાં કાશીબાના
સહારે રહેતો. ધીમેધીમે એ મોટો થતો ગયો. શાળા અને મહાશાળામાં પ્રથમ નંબરે પાસ થઇ એણે માતપિતાનું
નામ રોશન કર્યું.
એને વાંચનનો શોખ હતો. પોતાના અભ્યાસ ઉપરાંત સામાન્ય જ્ઞાનનાં પુસ્તકો, દૈનિકપત્રો અને અન્ય
માસિકો એ નિયમિત વાંચતો, વળી માતપિતા સાથે રોજ ભોજન મેજ પર નવાનવા વિષયની ચર્ચામાં ભાગ
લેતો.
એક સવારે ચાનાસ્તો લેતા માતપિતા અને દીકરો વાતોમાં પરોવાયાંઃ
‘બેટા, તું કોલેજમાં સફળતાપૂર્વક અભ્યાસ કરી રહ્યો છે, એનો અમને ગર્વ છે. અમે તો વાતો કરીકરીને બુઢ્ઢાં થવા
આવ્યાં પણ તું જીવનમાં કંઇક કરી દેખાડજે.’ આશાએ વાત શરૂ કરી.
‘મમ્મી, તમે શું કરી દેખાડવાની ઇચ્છા રાખો છો?’ અર્પિતે પૂછયું.
‘અર્પુ, તને પર્યાવરણની સમસ્યા અંગે ચિંતા છે, એ અમે જાણયું. અમે એ સંબંધી કંઇ કરી શક્યાં
નથી પણ તું તારા પિતાજીનું નામ રોશન કરજે.’ આશાએ જણાવ્યું.
‘મમ્મી, તમારી સમજ સાચી છે. કોઇએ તો કાર્ય કરવું જ જોઇએ. આજે કાર્યની શરૂઆત થાય તો
વર્ષો પછી એનું પરિણામ જોવા મળે. જોઇએ હવે, હું શું કરી શકું છું, એ અંગે જરૂર વિચારીશ.’
‘મા-દીકરાની વાતમાં હું કંઇ કહી શકું?’ આશિષે હસતાં હસતાં પૂછયું.
‘ચોક્કસ.’ આશા સસ્મિત બોલી.
‘બેટા, સાંભળ.’ અર્પિત સામે જોઇ. ‘અર્પુ, તારી મમ્મીના કહેવા મુજબ તું પર્યાવરણ અંગે જ કંઇક
કર. વિકસતા ભારતદેશ માટે પ્રદુષણમુક્ત બનવું અઘરું છે. છતાં એ દિશામાં ઘણી કામગીરી શરૂ થઇ ગઇ છે.
ગંધાતી ગંગાને સ્વચ્છ કરવાની સરકારી યોજના અમલમાં છે. ઉદ્યોગોને પ્રદુષણમુક્ત કરવા નિયમો ઘડવામાં
આવ્યા છે.’
‘વૃક્ષો અને વનરાજી ઉછેરવા વનસંરક્ષણ ખાતુ કાર્યરત છે. ભારતમાં પણ પ્રદુષણની જન્મદાતા
યોજનાઓને વામી દેવા માંગ ઊઠી રહી છે. હવે લોકો એવા જાગૃત બન્યા છે કે અવાજ પ્રદુષણો પર પ્રતિબંધ
મૂકવા સરકારી ખાતાંઓને ફરજ પાડી રહ્યા છે.’ આશિષે વિગતો આપી.
‘શું આટલાં આયોજનોથી આપણે ભારતને પ્રદૂષણમુક્ત કરી શકીશું? પ્રદુષણનાં મૂળ તો દુનિયાના
દરેક દેશમાં ફેલાયેલાં છે. જ્યાં પ્રદુષણોનો જરાય ખતરો ન હતો, એવા બરફાચ્છાદિત એન્ટાર્ટિકા પર
સંશોધનો કરી, આકાશના ઓઝોન આવરણને નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. એ અંગે કોઇ ઉપાય કારગત
ન નીવડે તો આવતા દિવસોમાં પૃથ્વીવાસીઓ અસહ્ય તાપથી શેકાઇ જશે.’
‘જાપાનના સાગરમાં ફેલાએલા પ્રદુષિત જળને લીધે ત્યાંની માછલીઓ ખોરાક માટે ઝેરી બની ગઇ
છે. એવી માછલીઓ ખાવાથી જાપાનીઓ માંદા થવાની વાતો પ્રકાશમાં આવી હતી.’
‘ભારત, જાપાન, રશિયા અને અમેરિકામાં ફેલાએલા કેટલાંક જળ અને હવા પ્રદૂષણોને કારણે ત્યાંના
કેટલાંક પક્ષીઓની જાતિઓ નામશેષ થઇ રહી છે.’
‘રશિયામાં ચેર્નોબીલ ગેસ રિસાવની ઘટનાને લીધે હજુ ત્યાંના ઘણા લોકો પીડાઇ રહ્યા છે.’
‘અંતરિક્ષના સલામત વિસ્તારમાં ઘણા નકામા પદાર્થો ઊડી રહ્યા છે. એથી અવકાશયાનોને સતત
અકસ્માતોનો ભય રહ્યા કરે છે.’
‘આફ્રિકાનાં જીરાફ, અને હાથી, ભારતના વાઘ અને સિંહ તેમ જ ઓસ્ટ્રેલિયાના કાંગારૂની સંખ્યામાં
ઘટાડો નોંધાઇ રહ્યો છે.’
‘જમીન, હવા અને પાણી પ્રદૂષિત થઇ ચૂક્યાં છે. પરિણામે જમીનમાં પુરો પાક થતો નથી. હવામાંની
અશુદ્ધિને લીધે માણસ અને પ્રાણીજીવન ટૂંકાઇ રહ્યું છે. જ્યારે પાણી જીવનજળને બદલે વિષ સમાન બનતુું
જાય છે. એવાં પ્રદૂષણો એક દિવસે વિશ્વવિનાશનું કારણ બની રહેશે. એમ મને લાગે છે.’ આશાએ પણ લાંબુ
વર્ણન કર્યું.
‘ઓહોહો મમ્મી, આટલું બધું જ્ઞાન તમે ક્યાંથી મેળવ્યું? આ બધું ક્યાં જઇને અટકશે?’ અર્પિતે પ્રશ્નો
કર્યા.
‘દીકરા, એ બધાની ચિંતા તું કરીને શું કરીશ? આ સમસ્યાનું મૂળ માણસ પોતે જ છે. દિવસે દિવસે
માણસ એના સુખને લીધે પ્રદુષણોમાં વધારો કરી વાતાવરણને દૂષિત કરતો જાય છે.’ આશિષે કહ્યું.
‘તો શું એનો કોઇ ઉકેલ નથી?’ અર્પિતે પૂછયું.
‘આમ તો ઉકેલ સહેલો છે પણ વાસ્તવિક નથી.’ આશા બોલી.
‘કેમ મમ્મી, એવું શું છે? આપણે માનીએ છીએ ને; ્ૐઈઇઈ ૈંજી ર્દ્ગં્ૐૈંદ્ગય્ ૈંસ્ર્ઁંજીજીૈંમ્ન્ઈ ૈંદ્ગ
્ૐઈ ર્ઉંઇન્ડ્ઢ - માણસ માટે દુનિયામાં કંઇ અશક્ય નથી..’
‘તારી વાત સાચી બેટા, પણ સર્વવ્યાપી પ્રદૂષણો નિવારવા કોણ ભગીરથ પ્રયાસ આદરશે?’ આશાએ
પ્રશ્ન કર્યો.
‘આવોને આપણે સૌ સાથે મળીને કંઇક કરીએ.’ અર્પિત બોલ્યો.
‘બેટા, તું બહુ સાહસિક લાગે છે. પણ તને ખબર છે; આપણી પ્રાચીન વાત આપણે અર્વાચીનયુગના
લોકોને કહેવા જઇશું તો તેઓ એ હસી કાઢશે.’ આશાએ કહ્યું.
‘એટલે મમ્મી, તમે શું પર્યાવરણના ઉકેલની વાત સૂચવો છો?’
‘હા દિકરા, મેં અગાઉં કહ્યું તેમ એનો ઉપાય છે પણ એ વાત લોકોને ગળે કેમ ઉતારવી?’
‘મમ્મી, તમે મને કહો તો ખરાં એ વાત. હું બરાબર એ સમજી લઇશ અને પછી આપણે
જનજાગરણ અભિયાન છેડીશું.’
‘અર્પુ, વાત જરા લાંબી છે.’
‘ઓ કે, જો વાત લાંબી હોય તો ફરી કોઇ વાર સાંજે બેસીશું ત્યારે સાંભળીશું. મમ્મી તમે વાત જરૂર
કરજો, ભૂલતાં નહિં હોં.’ એમ વાતો પૂરી કરી માતપિતા અને અર્પિત છૂટાં પડ્યાં.
અર્પિતે કોલેજમાં અભ્યાસ કરતાં પર્યાવરણ અંગે રસ કેળવી પેપરો અને મેગેઝિનોમાં લખવા માંડ્યું.
એથી કોલેજના વિદ્યાર્થીઓમાં અને ઘણા લોકોમાં એ જાણીતો બન્યો. માતપિતા અર્પિતની પ્રવૃત્તિથી ખુશ થતાં
એમ ખૂબ દિવસો વિતી ગયા. એક રજાના દિવસે ત્રણે બપોરનું ભોજન લઇ રહ્યાં હતાં. જમતાંજમતાં
રાજકારણમાં ધર્મ, દેશનું અર્થતંત્ર અને નર્મદા યોજના વિશે વાતચિત થઇ. ભોજન પૂરું કરતાં અર્પિતને
પર્યાવરણની સમસ્યાના ઉકેલની અગાઉની વાત યાદ આવી.
‘મમ્મી, તે દિવસે તમે કહેતાં હતાં કે એનો ઉપાય સહેલો છે. તો આજ ેએ બાબતે વિસ્તારથી કહો.
આજે આપણે રજા છે, એટલે ગમે તેટલો સમય જાય વાંધો નથી.’ અર્પિતે પ્રસ્તાવ કર્યો.
‘ચાલ આજે તારી ઇચ્છા છે તો આખી વાત જ તને કરું.’ ભોજન પૂરું કરતાં કહ્યું.
‘સારું ત્યારે તમે વાત સાંભળવા તૈયાર રહો, હું જરા વાસણ અંદર મૂકી આવું,’ કહી આશાએ ટેબલ
પરનાં બધાં વાસણ ઊઠાવી લીધાં અને ટેબલ પર પોતું ફેરવ્યું. આશિષ અને અર્પણ હાથ-મોં ધોઇ ખુરશીમાં
ગોઠવાઇ ગયા. તેઓના માથા પર પંખાનો ઠંડો પવન વિખરાતો હતો. આશા પણ બધું કામ પતાવીને આવી
ગઇ અને આશિષ તથા અર્પણની સામે બેસી ગઇ.
‘થોભો મમ્મી, હું પેન અને પેપર લઇ આવું.’ અર્પિત બોલ્યો.
‘બેટા, મારી વાત માટે પેન અને પેપરની જરૂર નહિં પડે. વાર્તા એવી મઝાની છે કે તને બધું યાદ રહી
જશે.’
‘તો મમ્મી, કહોને એ વાત.’
‘ઠીક તો સાંભળો પ્રાચીનયુગની આ વાત. માટીમાંથી સર્જાએલો પ્રથમ માનવ આળસ મરડીને બેઠો
થયો. એણે ધીમેધીમે આંખો ખોલીને સામે નજર કરી તો - લીલાંછમ વૃક્ષો હિલોળા ખાઇ રહ્યાં હતાં. મંદમંદ
પવન લહેરાતો હતો. નીચે જમીન પર ઊગેલા જાતજાતના છોડવાઓ પર રંગબેરંગી ફૂલો ખિલ્યાં હતાં. એ
ફૂલો પર વિવિધ રંગીન પતંગિયાં ઊડાઊડ કરી રહ્યાં હતાં. ઘણા વૃક્ષોના થડ પર લીલાંછમ પાનોની વચ્ચે
વેલાઓ લપેટાએલા હતા. દૂર ઉંચા પ્રદેશથી સરી આવતી નદીનાં પાણી કલકલ કરતાં મેદાનમાં વહી જતાં
હતાં. એથી યે દૂર હિમાચ્છાદીત પહોડોનાં શંકુ શિખરો નજરે પડતાં હતાં.’
‘એ કુદરતને માણવાનું આદમીને મન થઇ આવ્યું. એ ઊભો થયો અને એણે સામેની દિશામાં પગલાં
ભર્યાં, એક વૃક્ષ પાસેથી પસાર થતાં કેટલીક ખિસકોલીઓ અને કાચીંડા દોડીને ઝાડ પર ચઢી ગયાં. પાસેના
ઝાડો પર વાંદરાઓ ‘હૂપાહૂપ’ કરી કૂદકા મારતા હતા. નીચેની ઝાડીમાં અને આસપાસની જમીન પર ચકલી,
દેવચકલી, કાબર, દરજીડો, બુલબુલ, દૈયડ અને લેલાં અવાજ કરતાં આમતેમ ઊડાઊડ કરતાં હતાં. આગળ
ઊંચા ઝાડો પર હોલાં, કબૂતરો, પોપટ, કાગડા, મોર, કોકડીયો કુંભાર, કોયલ અને કંસારા વગેરે પક્ષીઓ
જુદાજુદા અવાજ કરતાં આમથી તેમ ઊડતાં હતાં.’
‘ઊંચે આકાશમાં નજર કરતાં સમડી, ગીધ, શકરોબાજ અને ગરુડ વાદળ નજીક પાંખો પ્રસારી
મસ્તીથી વિહરતાં હતાં. સૂર્યનાં કોમળ કિરણો અંતરિક્ષમાંથી ફૂટીને દૂરદૂર વિખેરાઇ જતાં હતાં.’
‘આ બધું અવલોકતો માનવ આગળ ડગ ભરી રહ્યો હતો. એની સાથે એક કાબરચીતરો કૂતરો
આગળઆગળ દોડતો હતો. એને રસ્તામાં ઘોડો, ગાય, ભેંસ, હાથી, બકરી, ઊંટ વગેરે જાનવરો મળ્યાં. માનવે
થોભીને એ બધાના શરીર પર પ્રેમથી હાથ ફેરવ્યો. કેટલીક જગાએ ઝાડીમાં છૂપાએલાં વાઘ, સિંહ, ચિત્તો,
દિપડો, ઝરખ, હરણ, શિયાળ વગેરે પ્રાણીઓ એણે જોયાં. એ બધાં પશુપંખીઓ એકબીજાની સાથે મળી સાથે
જ જીવન જીવતાં હતાં. જાણે એકબીજાનાં સંબંધીઓ જ જોઇ લો!’’
‘એ સિવાય સાપ, નાગ, ચિત્તળ, પાટલા ઘો, અજગર જેવા બીજા જીવો પણ એણે જોયા. એ બધાં
પ્રાણીઓ સ્વર્ગ સમાન એદનબાગમાં સાથે જીવતાં હતાં. પ્રથમ માનવ ‘આદમ’ સ્વતંત્ર હતો, એ બધાં
પ્રાણીઓની દેખરેખ કરતો અને પ્રાણીઓ તેને માલિક સમજતાં.’
‘એ બધાં પ્રાણીઓની સાથે રહેવામાં આદમને મઝા આવતી. કેમકે તેની સાથે રહેવા માટે એના જેવો
બીજો કોઇ અન્ય જીવ એદબાગમાં હયાત ન હતો. એને પ્રેમ કરે, એની સાથે હરીફરી શકે, વાત કરી શકે અને
જીવન માણી શકે એવા જીવનસાથી માટે આદમ ઝંખતો હતો. એની ઝંખના જાણે ઇશ્વર પારખી ગયા હોય એમ
એક દિવસે વહેલી સવારે આદમે પોતાની સાથે સૂઇ રહેલી એક રૂપસુંદરી જોઇ. એને જોતાં જ આદમ
હેબતાઇ ગયોઃ
‘નાજૂક નમણી કાયા, મનમોહક ગુલાબી રંગ, લાંબા અને ચમકતા કાળા વાળ, મૃગીણી સમ આંખો
અને ભરાવદાર ટામેટા જેવા લાલ ગાલ.’
‘અરે ગજબની કાયા!’ આદમના મુખમાંથી ઉદ્ગાર સરી પડ્યો. એના શબ્દોના અવાજથી એ
રૂપસુંદરી જાગી ઊઠી. એણે ધીમેધીમે આંખો ખોલી જોયું તો એની પડખે એના જેવો જ કોઇ જીવ બેઠો હતો.’
‘આપ કોણ છો?’ એના મુખમાંથી પ્રશ્ન સર્યો.
‘ગભરાઇશ નહિં સુંદરી, હું આદમ છું. અને હું તને પ્રેમ કરું છું.’
‘હું ‘ઇવ’ છું. હું પણ તમને જ દિલથી ચાહું છું.’ ઉંચો અને પડછંદ દેહ, વાંકડિયા કાળા વાળ અને
મોં પર દેવી આભા ધરાવતા આદમને નીરખી રહેતાં ઇવ બોલી.’’
‘ઇવ, જોને સવાર કેવી ખીલી છે.’ એ સાથે ઇવે આસપાસ એક નજર ફેરવી લીધી. ‘ચાલ હવે હું
તને એદનબાગ દેખાડું. એદન તો પૃથ્વી પરનું સ્વર્ગ છે. એને સંપૂર્ણ નિરખતાં ઘણાં દિવસો નીકળી જશે પણ
આજે તને ખાસખાસ સ્થળો દેખાડું.’ આદમે સસ્મિત વાત કરી, એટલામાં રંગબેરંગી પક્ષીઓની એક જોડ
પાસેના વૃક્ષ નીચે ચણવા ઊતરી આવી.’
‘પ્રિયે, આ શું છે?’ પંખીઓ જોતાં ઇવે પ્રશ્ન કર્યો.
‘પ્રિયા, પૃથ્વી પરના જીવોને આપણે નામ આપવાનાં છે. આજ સુધી મેં ઘણાંને નામ દીધાં છે. જો આ
નવાં રંગીન પંખી એમને આપણે શું કહીશું?’ એટલામાં તો પેલાં પક્ષીઓ કે.... કે..... કરી અવાજ કરવા
લાગ્યાં.
‘પ્રિયા, આપણે એમના અવાજ મુજબ એમને ‘કાકા’ કહીશું?’
‘ખરેખર સુંદર નામ. પણ એમાં સહેજ ઉમેરું..... ‘કાકાકૌઆ’ કેવું લાગશે?’
‘બિલકુલ બરાબર. આદમ, હવે મને પેલાં ઉછળતાં નદીનાં નીર જોવા લઇ જશો?’’ ઇવે આંગળી
દર્શાવી પૂછયું.
‘ચાલ આપણે સાથે સાથે ત્યાં જઇએ.’ એમ કહી આદમે ઇવનો જમણો હાથ પોતાના ડાબા હાથમાં
લઇ લીધો. એ આહલાદક સ્પર્ષથી બંનેમાં જાણે વિજસંચાર થયો. બંનેની નજરો મળી અને મૃદુ હાસ્ય છેડાયું.
આદમના હાથને સહારે ઇવ બેઠી થઇ ગઇ અને બંને હાથમાં હાથ પરોવી એદનના મધ્યભાગમાં ચાલી નીકળ્યાં.
ફળોથી લચી પડેલાં એદનનાં વૃક્ષો નિહાળી ઇવ ગાંડીગાંડી થઇ ગઇ. એવા દરેક વૃક્ષ તરફ આંગળી ચીંધી
આદમ કહેતોઃ
‘એ કેરી, રાયણ, સીતાફળ, જામફળ, જાંબુ, લીંબુ, દાડમ, જમરૂખ, પપૈયુ, કેળાં, ચીકુ, નાસપતી,
બોર વગેરે છે. આગળ જતાં તડબૂચ, કાકડી, સકરટેટી, દ્રાક્ષો વગેરે ફળોથી છવાએલા વેલા ઇવે જોયા.’
‘ઇવ એ બધાં ફળો ખાવાની તને મઝા આવશે. પણ પહેલાં આપણે નદીકિનારે લટાર મારી આવીએ.’
‘પ્રિયે, જુઓને એ નદી તો નજીક આવી ગઇ. એ નદીની પાછળ દૂરદૂર ઉંચા પહાડો પર આચ્છાદિત
પેલું સફેદ અને ચમકતું શું દેખાય છે?’ ઇવે પૂછયું.
‘વાહ, તેંતો સુંદર વસ્તુ શોધી કાઢી. એ તો પહડ પર છયાએલો ઠંડો શિતળ બરફ છે. એટલે જ
આજે વાતાવરણમાં ગુલાબી ઠંડી અનુભવાય છે. નદીનાં પાણી પણ તને ઠંડાગાર લાગશે.’ ચાલતાં ચાલતાં તેઓ
નદીકિનારે આવી પહોંચ્યાં, ત્યાં બગલાં, બતકો, ટિટોડી, હંસ, જળકૂકડી અને જળકાગડા ઊડાઊડ કરતાં હતાં.
નદીકિનારે ચાલતાં તેઓના પગ નીચે આવતી ઝીણી રેત પગના તળીયાં નીચે દબાઇ બંનેના પગલાં કંડારતી
હતી.’
‘પ્રિયા, જરા પાણીમાં તો નજર કર. તને કંઇ દેખાય છે?’ નદીમાં પાણીની લગોલગ જતાં આદમે
પૂછયું.
‘પાછળથી પડતાં સૂર્યનાકિરણોને લીધે પાણીમાં બંનેનું સ્પષ્ટ પ્રતિબિંબ પડતું હતું. એ જોઇ ઇવ ખુશ
થઇ ગઇ અને આદમને ભેટી પડી. એ વેળા ફરી એની નજર પાણીમાં ગઇ ત્યારે એ બંનેના પ્રતિબિંબની નીચે
એણે કોઇ અજાયબી જોઇ.’
‘ઓહોહો પ્રિયે, કેટલા બધા જીવો! એમની આંખો તો જુઓ, મોટીમોટી ગોળગોળ અને દેહ લીસોલસ
અને ચમકતો, એ શું છે?’ ઇવે તાજજુબ થઇ પૂછયું.
‘એ માછલીઓ છે. એવી નાની મોટી, જુદાજુદા રંગની અને આકારની અસંખ્ય માછલીઓ પાણીમાં
જીવે છે. વળી સેંકડો હાથ લાંબી અને પહોળી મહાકાય માછલીઓ પણ મેં જોઇ છે.’
‘કમાલ કહેવાય! અને જુઓ તો ખરા, નદીની વચ્ચે પેલા ખડક ઉપર મોં ફાડીને પડેલો પેલો
ભીંગડાવાળો જીવ કયો છે?’
‘એ મગર છે.’
‘આદમ, મગર મને બિહામણો લાગે છે.’
‘એથી પણ ભયંકર પ્રાણીઓ હું તને બતાવીશ પણ એ બધાં આપણાં મિત્રો છે. એ નુકશાનકર્તા નથી.’
‘પ્રિયે, આવોને આપણે આ ઠંડા પાણીમાં સ્નાન કરીએ.’ એ સાથે જ આદમ હવાની કમરમાં હાથ
વીંટાળી એને પાણીમાં દોરી ગયો. ઠંડાગાર પાણીની અસર બંનેના મોં પર વર્તાતી હતી. આદમે આગળ જઇ
ધીમેથી ઇવને પાણીમાં ધક્કો માર્યો અને પછી પોતે પણ ડૂબકી મારી ગયો. એ બંનેના પાણીમાં પડતાંની સાથે
જ નદીનાં પાણી ઉછળ્યાં. એથી આસપાસનાં બગલાં, બતકો અને હંસ દૂરદૂર ઊડી ગયાં.’
ડબૂક ડબૂક કરતાં બંને પાણીમાં મઝાથી તરવા લાગ્યાં. નહાતાં ઇવે એક સોનેરી માછલી પોતાના
ખોબામાં પકડી લીધી. અને એ આદમને બતાવવા લાગી. ખોબામાં પાણી ઘટી જતાં માછલી તરફડવા લાગી.
‘ઇવ, છોડી દે એને પાણીમાં, નહિ તો એ મરી જશે.’ એમ કહેતાંની સાથે જ ઇવે એને પાણીમાં
સરકાવી દીધી. નાહ્યા પછી બંને પાણીની પાસે નદીકિનારે બેઠાં અને રેતીમાં એક ખાડો ખોદવાં લાગ્યાં. એ
ખાડામાં ચોખ્ખું પાણી ધીમે ધીમે જમા થઇ ગયું અને પાણી બંનેએ ખોબેખોબે પીધું અને ત્યાંથી ઊઠીને જંગલ
તરફ આગળ ચાલતાં થયાં. એ સમયે જંગલમાંથી કોઇ પ્રાણીની ત્રાડ સંભળાતી હતી.
‘પ્રિયે, આટલી મોટી ગર્જના કોની છે.?’ ઇવે પૂછયું.
‘એ સિંહની ગર્જના છે. ચાલ આપણે તેની બોડ તરફ જઇએ.’ વાતો કરતાં તેઓ ગીચ ઝાડી તરફ
ફંટાયાં. આગળ જતાં વાંસ, સાગ, દેવદાર, અને મહુડાનાં પ્રચંડ વૃક્ષો નજરે પડતાં હતાં. રસ્તામાં ખાડાટેકરા,
ખડકો અને ગીચ જંગલ આવતું ગયું એમાં અસંખ્ય પક્ષીઓ કલરવ કરતાં ઊડી રહ્યાં હતાં. આગળ વધતાં
વાંદરાં, હરણ, શીયાળ, ગેંડો જેવાં પ્રાણીઓ સામે આવતાં હતાં. કેટલાંક પ્રાણીઓ તો એમને અડીને અથવા
સુંઘીને પસાર થઇ જતાં.
દૂર ઝાડીમાં ખડકોની આગળ માટીનો એક મોટો ઢગ જણાતો હતો. એ માટીના ઢગલા પર માટીના
જ રંગનું કોઇ જાનવર દેખાતું હતું. એની ગરદન પર અને માથે ખૂબ ગુચ્છાદાર વાળ હતા. એ આગળના બે
પગ ઉંચા રાખી પાછળના પગ પર બેઠું હતું. એની પાસે બેઠેલી એની માદા બે બચ્ચાં સાથે ગેલ કરી રહી
હતી.
‘જુઓ આદમ, આ પેલું પ્રાણી કુટુંબ કેવું સુંદર લાગે છે!’ ઇવે કહ્યું.
‘ઇવ, એ સિંહ, સિંહણ અને એમનાં બચ્ચાં છે.’ એ સાથે જ સિંહની નજર એમના પર પડી. એ
જાણે માલિકને ઓળખી ગયો હોય તેમ તેણે પાંચ-છ ત્રાડ પાડી. ઇવ એક જગાએ થંભી ગઇ અને અવાજ
સાંભળી રહી. સિંહણના બચ્ચાં આદમ-ઇવને જોતાં જ તેઓના તરફ દોડી આવ્યાં ઇવ એમને જોઇ ખુશ થઇ
ગઇ અને તેણે નીચે વળીને એક બચ્ચું પોતાની ગોદમાં ઉપાડી લીધું. એને માથે હાથ ફેરવી, એ એને રમાડવા
લાગી. સિંહણ પણ ધીમેથી ઊભી થઇ અને આદમ અને ઇવ પાસે આવી ગઇ. આદમ એના માથે હાથ ફરવવા
લાગ્યો અને સિંહણ એના પગને ચાટવા લાગી. ફક્ત સિંહ એકલો દૂર ગુફા પાસે બેસી બધું જોઇ રહ્યો હતો.
એટલામાં હરણોનું એક ટોળું દોડી આવ્યું. ઇવે સિંહણના બચ્ચાંને એક હરણ પર બેસાડી દીધું અને
એ પડવા જેવું થતાં, એને નીચે ઉતારી લીધું. સિંહણના બધાં બચ્ચાં ત્યાં ભેગાં થઇ ગયાં. એમની આસપાસ
હરણોનું ટોળું ચારો ચરી રહ્યું હતું. એટલામાં સિંહે ત્રાડ નાંખી. એ સાંભળતાં જ હરણનું ટોળું દોડતું દોડતું દૂર
જંગલમાં અદૃશ્ય થઇ ગયું.
વહેલી સાવારે ઘરથી નીકળેલાં આદમ અને ઇવ હવે થાકી ગયાં હતાં. તેઓને ભૂખ લાગી હતી.
એથી તેઓએ ખોરાકની શોધમાં આમતેમ નજર નાખવા માંડી. એવામાં ઇવે લાલ ફળોથી લચી પડેલું એક વૃક્ષ
જોયું અને તે ઝટપટ આદમને ત્યાં ખેંચી ગઇ. ત્યાં જઇને બંને સફરજનનો બગીચો જોઇ આશ્ચર્યચકિત થઇ
ગયાં. તેમાંના મોટા ભાગનાં ઝાડ પર લાલ ફળો હતાં. જ્યારે કેટલાંક પીળાં, સોનેરી, ગુલાબી અને લીલાં પણ
હતાં. કેટલાંક વૃક્ષ તો ફળથી એવાં લચી પડ્યાં હતાં કે તેનાં ડાળ જમીન સુધી ઝૂકી ગયાં હતાં. ત્યાં ઘણાં
પક્ષીઓ કલબલ કરતાં ફળો ખાઇ રહ્યાં હતાં. આદમ અને ઇવે ત્યાંના બધાં વૃક્ષો પરથી જુદાં જુદાં ફળ એકઠાં
કર્યાં. પછી પાણીના એક ઝરણા પાસે ઝાડને છાંયડે બેસી તેઓ આરામથી ફળો ખાવા લાગ્યાં.
ઝરણાનો વહેળો નદી તરફ જતો હતો. તેમાં પાન, ફળ, ફૂલ વગેરે તરતાં તરતાં નદી તરફ નીકળી
જતાં. પાણીની ઠંડકને લીધે આદમ અને ઇવને નાસ્તો કરવાની મઝા આવતી ગઇ. નાસ્તો કર્યા બાદ તેઓએ
મોટાં પાંદડાં લઇ પડિયો બનાવ્યો અને એ વડે ઝરણાનું પાણી પીધું.
ત્યાંથી તેઓ પોતાના નિવાસ સ્થાન તરફ પાછા વળ્યાં ત્યારે બપોર થઇ હતી. બપોરના તાપમાં
તેઓને પરસેવો છૂટતો હતો. એવામાં રોકાઇને વાતી પવનની લહેર તેઓને આનંદદાયક લાગતી હતી. હસતાં
અને વાતો કરતાં તેઓ પોતાને નિવાસસ્થાને આવી પહોંચ્યાં. ત્યાં જમીન પર લીલુંછમ ઘાસ છવાએલું હતું.
આસપાસ ઘટાદાર ઝાડોનો છાંયડો છવાયો હતો. આદમ અને ઇવ એવા છાંયડામાં લીલા ઘાસ પર બેસી
પવનની મીઠી લહેરો ખાતાંખાતાં આરામથી સૂઇ ગયાં. એટલામાં તેઓનો ‘કાબરો’ કૂતરો પણ ત્યાં આવી બેસી
ગયો. તેઓ મોડેથી ઊઠ્યાં ત્યારે સાંજ થવા આવી હતી.
‘પ્રિયે, એદન તો મને સ્વર્ગ લાગી. પણ એમાં આપણું નિવાસસ્થાન બસ આમ જ ખુલ્લું?’
‘કેમ પ્રિયા, તું શું ઇચ્છે છે. આ બાગ આપણી જ છે. આપણે મન ફાવે ત્યાં એવી રીતે રહી શકીએ
છીએ.’ આદમે કહ્યું.
‘શું આ આપણા નિવાસસ્થાને તાપ, વરસાદ અને ઠંડીથી રક્ષણ મળે એવી વ્યવસ્થા શું ન થઇ શકે?’
ઇવે ફરી પ્રશ્ન કર્યો.
‘થઇ શકે ને.’ કહી આદમ અટકી ગયો અને વિચારવા લાગ્યો. પછી સ્પષ્ટ આયોજન મળી જતાં એ
ખુશ થઇ ગયો. ‘ઇવ, આપણે જંગલમાં જઇ સૂકાએલાં સીધાં અને મજબૂત લાકડાં ભેગા કરવાં પડશે. એ
લાકડાની મજબૂત થાંભલીઓ રોપી એના પર આપણે સીધી વળીઓ ગોઠવીશું. એ બધાં લાકડાંને મજબૂત
વેલાથી બાંધી એના પર તાડનાં મોટાં પાંદડાં ગોઠવી સુંદર છત બનાવીશું. બોલ, તું એમ જ વિચારતી હતીને?’
આદમે વર્ણન કરી પૂછયું.
‘વાહ આદમ, તમે ખૂબ બુદ્ધિશાળી છો. ચાલો એ માટે આપણે હમણાં જ જંગલમાં જઇએ.’ એ સાથે
બંને ઊભા થઇ ગયાં અને જંગલમાં ગયાં. ત્યાં તેઓએ આમતેમ પડેલાં, મોટાં સૂકાએલાં ડાળાં એકઠાં કર્યાં.
એના બે મોટા ભારા તેઓએ બાંધ્યા. બંનેએ એ ભારા માથે ઉંચક્યા અને ચાલતાં ચાલતાં પોતાને નિવાસસ્થાને
પહોંચી ગયાં.
સાંજ પડી ગઇ હતી અને તેઓને ભૂખ લાગી હતી. એવામાં પાસે જ દ્રાક્ષોથી લચેલો દ્રાક્ષવેલો તેઓએ
જોયો. બંને ત્યાં પહોંચી ગયાં અને પાકી દ્રાક્ષો તોડીને તેઓએ ખૂબ ખાધી. ત્યાંથી તેઓ નજીકના સરોવરે ગયાં.
ત્યાં તેઓના પગના અવાજથી કેટલાંય દેડકાં પાણીમાં કૂદી પડ્યાં. સામે કિનારે ગાયો, ભેંસો, ઘેટાં બકરાં અને
નીલગાયો સરોવરનું પાણી પી રહ્યાં હતાં. આદમ અને ઇવે સરોવરની નજીક જઇ નમીને હાથ વડે સ્વચ્છ
પાણી લઇ પીધું. સરોવરના પાણીમાં તેઓના પડછાયાની સાથે પોતાના નિવાસસ્થાને ઊડી જતાં પંખીઓ જણાતાં
હતાં.
સરોવરનું પાણી પી તેઓ રહેઠાણ તરફ વળ્યાં ત્યારે મંદમંદ પવન વાતો હતો અને ઝરમર વર્ષા શરૂ
થઇ. એવી વર્ષામાં ભીંજાતાં અને વાતો કરતાં બંને પાસેના ઘાસ પાસે બેઠાં. સૂર્યનાં કિરણો દેખાતાં બંધ થયાં
હતાં. આદમ અને ઇવના મુખ પર થાક અને નિદ્રાના ચિન્હો જણાતાં હતાં. ધીમેથી બંને ઘાસ પર સૂઇ ગયાં
અને ઘસઘસાટ નિદ્રામાં પોઢી ગયાં. મોડી રાતે ઇવ સફાળી જાગી ઊઠી. એણે જોયું તો એક મોટો સાપ એના
શરીર પરથી ઉતરી આદમના શરીર પર લપેટાયો. આદમને ઉંઘમાં ઠંડો અને લીસો સ્પર્શ થતાં એ પણ જાગી
ઊઠ્યો. આદમના જાગતાંની સાથે જ સર્પ ધીરેથી એના શરીર પરથી ઉતરી જમીન પર ચાલતો થઇ ગયો બંને
પતિપત્ની સાથે બેસી ચંદ્રપ્રકાશમાં વાંકાચૂંકી સરકી જતા સાપને જોઇ રહ્યાં.
‘પ્રિયા, તારો વિચાર સાચો હતો. આપણે રહેવા માટે એક કુટિર બનાવવી જોઇએ. આપણે ઝાડ નીચે
સૂતાં હતાં છતાં વરસાદ આપણને ભીજવતો હતો. વળી રાતની ગાઢનિદ્રામાં પેલા સાપે કેવી ખલેલ પહોંચાડી.’
‘પ્રિયે, હું તો લીસાલસ સ્પર્ષથી ચોંકી ગઇ હતી. પછી સાપને જોતાં ડર દૂર થયો. એટલે આપણી
સાલમતિ માટે કુટિર તો સારી. જેમ સિંહને બોડ, સાપને દર અને ચકલીને માળો હોય છે; તેમ આપણા માટે
કુટિર હોવી જરૂરી છે.’ ઇવનું વર્ણન સાંભળી આદમ હસ્યો અને ઇવ પણ હસી પડી. પ્રભાતનાં છડીદારો
મરઘો, કોયલ, બુલબુલ, દૈયડ વગેરેનો કલરવ સંભળાતો હતો. પ્રભાતના ઠંડા વાતાવરણમાં બંને મસ્તી કરતાં
મઝાથી આળોટતાં હતાં.
પ્રભાતનો પ્રકાશ ચારેકોર પથરાવા લાગ્યો. આદમ અને ઇવ જમીન પરથી ઊઠી નદી તરફ ચાલતાં
થયાં. રસ્તામાં સેંકડો પંખીઓનાં ટોળાં આમતેમ ઊડી રહ્યાં હતાં. નદીએ પહોંચી તેઓએ મોં ધોયું અને સ્નાન
કર્યું. નાહીને કોમળ સૂર્યપ્રકાશમાં તેઓ નિવાસસ્થાન તરફ વળ્યાં. રસ્તામાં તેઓએ સરસ પાકી કેરીઓ,
જમફળ અને કેળાં તોડીને એકઠાં કર્યાં. ઝાડ નીચે પડેલાં કેટલાંક સૂકાં ફળો પણ તેઓને મળ્યાં. તેમાં અખરોટ,
બદામ, અને કાજુનો સમાવેશ થતો હતો. એ બધું ભેગું કરીને તેઓ ઘરે આવી પહોંચ્યાં અને મઝાથી તાજાં અને
સૂકાં ફળો આરોગવા લાગ્યાં.
ફળાહાર બાદ તેઓએ લાકડાંના ભારા છોડ્યા. તેમાંથી ચાર મજબૂત થાંભલીઓ અલગ કરી. આદમ
એક અણીદાર પથ્થર લઇ આવ્યો અને તે વડે તેણે દસેક ફૂટના અંતરે ચાર સમચોરસ બનાવતા ખાડા કર્યા.
તેમાં ઇવે થાંભલીઓ લાવી ઊભી કરી અને આદમે તેઓની આસપાસ પથ્થરો અને માટી પૂરી થાંભલીઓને
જમીનમાં સ્થિર કરી. એ થાંભલીઓ પર આમનેસામને સીધી મજબૂત વળીઓ ગોઠવી અને થાંભલીઓ અને
વળીઓને વેલા વડે સખત બાંધી દીધી. વચ્ચે પણ આડીઅવળી ઘણી વળીઓ ગોઠવી. પછી તેઓ તાડ તથા
કેળનાં પાનાં લઇ આવ્યાં અને એ પહોળાં કરીને ખૂબ પ્રમાણમાં છાપરા પર પાથરી દીધાં. વળી એ પાંદડાં પર
ભારે લાકડાં મૂકી સમચોરસ સલામત કુટિર બનાવી દીધી. એ કુટિરને તેઓએ દક્ષિણ અને ઉત્તરે પાતળી
સળીઓ અને પાંદડાં સીવી બંધ કરી દીધી. જયારે પૂર્વ અને પશ્ચિમ તરફ હવા ઉજાસ માટે ખુલ્લી રાખી.
કુટિરમાં ભોયતળિયે તેઓએ મુલાયમ સૂકું ઘાસ પાથર્યું. એટલે એદનમાં આદમ અને ઇવ માટેની પ્રથમ કુટિર
તૈયાર થઇ ગઇ. એ જોઇ ઇવે તાળીઓ પાડી આનંદથી ઉદ્ગાર્યું.
‘એદનમાં આદમની મઝાની કુટિર, આશાકુટિર, પર્ણકુટિર’
આદમ પણ ઇવની કમરે હાથવીંટી નાચવા લાગ્યો.
‘ઇવકુટિર રે ઇવકુટિર એદન બાગની પ્રથમ કુટિર’ એજ શબ્દો બંને વારાફરતી ગાવા લાગ્યાં.
અર્પિતના માએ વાત પૂરી કરતાં કહ્યુંઃ
‘બેટા, એ પર્ણકુટિરમાં આદમ અને ઇવે સેંકડો વર્ષ ગાળ્યાં પણ એ કદી માંદાં ન પડ્યાં. તેઓ
જીવનભર સદા સુખી અને તંદુરસ્ત રહ્યાં. શરદી, ખાંસી અને તાવનો તેઓને કદી અનુભવ થયો ન હતો અને
કોઇ નબળાઇ લાગતી ન હતી. એક સો વીસ વર્ષની વયે તેઓને એદનવાડીની બહાર મોકલવામાં આવ્યાં.
બહાર આવીને તેઓએ ખેતી શરૂ કરી સુંદર ઘર ઊભુ કર્યું અને ખબર છે, આદમ ૯૩૦ વર્ષ જીવ્યો હતો.!’
‘ના હોય મમ્મી, માણસ એટલું લાંબુ જીવી શકે?’ અર્પિતે શંકા વ્યક્ત કરી.
‘આ તો પૃથ્વી પરનાં પ્રથમ સ્ત્રીપુરુષની ઐતિહાસિક વાત છે. આજે પણ બાઇબલનાં પાનાં પર એ
જોવા મળે છે.’ આશાએ સ્પષ્ટતા કરી.
‘કેવી ચમત્કારિક કથા! કેવું લાંબુ દિર્ઘાયુ!’ અર્પિતે આશ્ચર્ય વ્યક્ત કર્યું.
‘બેટા, એ આજે પણ શક્ય છે. જો લાંબુ અને સુખી જીવન જીવવું હોય તો એદન વાડી જેવી
પ્રદુષણમુક્ત દુનિયા રચવી પડે. એ સાથે આત્મા અને મનની સ્વચ્છતા પણ જરૂરી છે. કેમ કે આદમ અને
ઇવ નિર્મળ જીવન જીવતાં હતાં અને પરમાત્મા સાથે સત્સંગ પણ કરતાં હતાં.’ પિતાએ સાથ પુરાવ્યો.
‘આજનું વિશ્વ એદનથી વિશાળ છે. એના પર ઝેરી પ્રદુષણો લાંબાગાળાની ઘાતકી અસર કરી રહ્યાં
છે. એને મિટાવવા ગમે તેવી મોટી ઝુંબેશ ઉઠાવો તો પણ એ સંપૂર્ણ સફળ થઇ શકે નહિં. છતાં પૃથ્વી પરનું
માનવ અને પ્રાણીજીવન બચાવવા માટે પર્યાવરણને શુદ્ધ રાખવા આપણે થાય તે બધા જ પ્રયત્નો કરવા જોઇએ.
હું જરૂર એ માટે સક્રિય રહીશ.’ અર્પિતે પોતાનો સંકલ્પ જાહેર કર્યો. એ નિહાળીને માતપિતાના મોં મલકી
ઊઠ્યાં.!
ફય્ૃજી઼ડ્ઢ
૩
ગુલાબમાલા
પરમ શહેરથી દૂર આવેલા પેટ્રોકેમિકલ્સમાં એન્જિનીયર હતો. તેના પિતા હાઇસ્કૂલમાં શિક્ષક હતા,
એટલે પુત્રને પણ તેમણે શિસ્ત જાળવતાં શીખવ્યું હતું. પરમ નિયમિત અને સમયસર કામ પર જતો અને
વફાદારીપૂર્વક ફરજ બજાવતો.
એક દિવસે સવારે નજીવા કારણસર મોડું થઇ જતાં, પરમે પૂરપાટ હિરોહોન્ડા મારી મૂક્યું. ઘરેથી
થોડે દૂરના ચાર રસ્તા નજીક એ પહોંચ્યો, ત્યાં ક્રોસ થતા રસ્તા પરથી ધીમી ગતિએ એક કાઇનેટિક હોન્ડા
પસાર થઇ રહ્યું હતું. તેના પર લાલ સાડીમાં એક ગોગલ્સધારી યુવતી બેઠી હતી. પરમ વીસેક ફૂટ દૂર હતો.
એને એમ કે ગાડી દબાવી કાઢી લઇએ. એ સાથે જ પરમના હિરોહોન્ડાએ વિજળીક ગતિ પકડી. બરાબર
ચાર રસ્તાની મધ્યમાં પેલી યુવતીનું કાઇનેટિક હોન્ડા સામે આવી ગયું. પરમે એવી જોરદાર બ્રેક મારી કે રોડ
પર હિરોના ટાયરની છાપ વર્તાવા માંડી. બંને વાહનો એક સાથે સ્થિર થઇ ગયાં.
‘સેર-સપાટા કરવા નીકળ્યાં છો કે!’ પરમે ગુસ્સો ઠાલવતાં ટકોર્યું.
‘કેમ તમને અદેખાઇ આવે છે! અને હા, આટલી ઉતાવળ શા માટે? પછી એકસીડંટ થાય જ ને!’
યુવતીએ મોં બગાડ્યું.
‘બોલતાં તો બહુ આવડે છે.’ કહી પરમે કીક મારી. ત્યારે પેલી યુવતી ગોગલ્સ હઠાવી કમનીય
આંખે પરમને જોઇ રહી.
પરમે એ યુવતીના મુખ અને દેહ પર એક નજર ફેરવી સરસરાટ હિરોહોન્ડા દોડાવી મૂક્યું. થોડી જ
ક્ષણોમાં એ પોતાની ઑફિસમાં પહોંચી ગયો. સવારેસવારે એના શરીર પર પસીનાના રેલા જોઇ સહકાર્યકરોેને
આશ્ચર્ય થયું! બહુ પૂછપરછ કરતાં પરમે દિલચસ્પ અકસ્માતનું વર્ણન કર્યું. એ સાંભળી બધાં ખુશ થઇ ગયાં.
બીજા દિવસે પરમ સમયસર ઘરેથી નીકળ્યો અને શાંતિથી માર્ગ કાપતો પેલા ક્રોસ રોડ પર આવી
પહોંચ્યો. એ જ ઘડીએ પેલી યુવતી દૂરથી આવતાં જણાઇ. પરમનું હિરોહોન્ડા મંદ પડ્યું અને ત્યાં જ થંભી
ગયું. બસ એ જ સમયે ત્યાં કાઇનેટિક હોન્ડા આવી થંભ્યું. ફરી યુવતીએ ગોગલ્સ ઉતાર્યાં, હિરોહોન્ડાને કીક
વાગી અને કાઇનેટિક હોન્ડા પણ ઉપડ્યું. ત્યારે બંનેના ચહેરા પર આગલા દિવસના તીવ્ર પ્રત્યાઘાતોની જગાએ
સ્મિત ફરકી રહ્યું.
ત્રીજા દિવસે પરમ એ જગાએ થોડો વહેલો આવ્યો. છતાં આગળ જવાનું એણે માંડી વાળ્યું. હોન્ડા ત્યાં
જ થંભાવી એ કાઇનેટિકની દિશામાં નજર કરવા લાગ્યો. એ જ ક્ષણે દૂરથી ઝડપભેર કાઇનેટિક દોડી આવ્યું.
થોડી વારમાં ગોગલ્સધારી યુવતી જીન્સ પેન્ટ-જેકેટના મોડર્ન ડ્રેસમાં નજીક ધસી આવી. કાઇનેટિક મંદ થયું
અને ત્યાં જ અટકી ગયું. એથી પરમ અને એ યુવતી લગભગ લગોલગ આવી ગયાં હતાં. ગોગલ્સ ઉતરતાં જ
એક કાતિલ નજર પરમના હૃદયને વિંધી ગઇ. પરમ બેકાબૂ બની ગયો અને પગે વાહન ચલાવી વધુ નજીક
આવ્યો.
‘આપનું નામ?’ એનાથી પૂછાઇ ગયું.
‘ખૂબી’ કહેતાં યુવતીના મુખ પર શરમ શેરડા ફૂટ્યા.
‘ઓ માઇ, જેવું નામ એવું રૂપ’ કહી પરમ જોતો જ રહ્યો.
લાલ ટામેટા-શા ગાલ, મયૂરસમ ચબરાક નયન, ફેણધારી નાગણ શા દીર્ઘ કેશ મદમાતાં યૌવનસભર
સ્તનો અને ગોરો રૂપાળો દેહ. પરમની આંખો ખૂબીના દેહ લાલિત્ય પર લટાર મારી મયૂરનયનોમાં ખોવાઇ
ગઇ.
‘બાય બાય’ કહી હૃદયધબકાર સહ પ્રસ્વેદબિંદુઓ લૂંછતાં ખૂબીએ ધીરેથી કાઇનેટિક ગતિમાન કર્યું.
બીજી ક્ષણે પરમે નીચે જોઇ કીક મારી ‘બાય’ કર્યું.
એમ પરમ અને ખૂબીની એ ચોકડી પર રોજ મુલાકાતો થતી રહી. મુલાકાતોની સાથે એમની વાતો
પણ વધી.
‘તમે નામ જણાવ્યું નહિ.’ યુવતીએ હિંમત કરી.
‘પરમ’
‘હોઇ હોઇ, સાચે જ નામ એવા ગુણ છે.’
‘તમે શું કરો છો?’ પરમે પ્રશ્ન કર્યો.
‘એમ.એસ.માં એમ.એસસી. કરું છું.’ અટકીને ખૂબીએ પૂછયું, ‘અને તમે રોજ સવારે આમ ક્યાં જાઓ
છો?’
‘મારી ફરજે. હું પ્લાન્ટ એન્જિનીયર છું.’
‘જુઓ પરમ, સમય થઇ ગયો.’ કહી ખૂબીએ કાંડા પરની ઘડિયાળ બતાવી. આસપાસથી જતા લોકો
વાહનો ધીમે કરીને પરમ અને ખૂબીને જોઇ રહ્યાં હતાં.
‘ઓ કે ખૂબી, સી યુ,’ કહી પરમ ઉપડ્યો.
‘સી યુ, બાય....’ કરી ખૂબી પણ પોતાને રસ્તે પડી.
પછી બહારની મુલાકાતો ગોઠવાઇ. ખૂબી અને પરમ એકબીજાને માટે જીવવા વચનો આપી બેઠાં. બે
વર્ષમાં ખૂબીએ એમ.એસસી. કરી લીધું. એના લગ્નની વાતો થવા માંડી. પરમ માટે પણ માગાં આવવા લાગ્યાં.
છેવટે પરમે તો ઘરમાં ઘટસ્ફોટ કરી નાંખ્યો કે એ રજપૂતાણી ખૂબીને જ પરણશે. ઘરનાં બધાં એને મનાવવા
લાગ્યાં કે જ્ઞાતિ બહાર એનાથી લગ્ન થઇ શકે નહિં. એ સામે પરમે એવી જૂની માન્યતાઓ તોડીને ફેંકી દેવા
સંઘર્ષ જારી રાખ્યો. ના છૂટકે પરમના માતપિતાએ ખૂબીના માતપિતા પાસે માંગું મોકલ્યું. ખૂબીના માતપિતાએ
પણ એ લગ્ન માટે તૈયારી બતાવી નહિ અને ખૂબીને સમજાવવા માંડી. એ સામે ખૂબીએ આજીવન કુંવારી
રહેવાનું બંડ પોકાર્યું. એથી પરમ અને ખૂબીના લગ્ન અંગે વિવાદ જાગ્યો. અંતે કુટુંબવાદ અને જ્ઞાતિવાદના
વાડાઓ તોડી....... પરમ અને ખૂબીએ રજીસ્ટર્ડ મેરેજ કરી લીધાં. એના માનમાં પરમના માતપિતાએ
‘આવકારોત્સવ’ ગોઠવ્યો. ખૂબીનાં માતપિતાને પણ મનાવી તેમાં લાવવામાં આવ્યાં ત્યારે ખૂબી અને પરમ બંને,
એકબીજાના માતપિતાના ચરણોમાં નમ્યાં અને વડીલોના આશીર્વાદ લીધા. તે દિવસે માનપાનથી બધાંએ પરમ
અને ખૂબીને વધાવી લીધાં. લગ્ન બાદ બંને પ્રેમીડાં ગોવાની મઝા મારી આવ્યાં. ધીમેધીમે તેઓ શહેરના રંગીન
વાતાવરણમાં ગુંથાઇ ગયાં.
લગ્ન બાદ થોડા જ સમયમાં પરમે કાર ખરીદી. બંને શહેરથી દૂર પેટ્રોકેમિકલ્સની વસાહતમાં રહેતાં
હોય, સાંજે ત્યાં પ્રદૂષણનું ઝેર વર્તાતું હતું. એથી પરમે ત્યાંથી દૂર શહેરમાં સારા મકાન માટે ઇચ્છા વ્યક્ત કરી.
ખૂબીને પરમની વાત પસંદ આવી. એટલે બંને રજાના દિવસોમાં કાર લઇ શહેરમાં નવા બંધાતા મકાનો માટે તપાસ
કરવા ઉપડી જતાં. કોઇ મકાન નાનું, કોઇ વિસ્તાર ગીચ, કોઇ વસતી ભેળસેળીયા તો કોઇ સ્થળ એકાંત એમ
પરીક્ષા કરતાં કરતાં આખરે તેઓએ શહેરનાં ભદ્ર વિસ્તાર પ્રતાપગંજ પર પસંદગી ઉતારી. રેલ્વે સ્ટેશન અને
બસની સુવિધા, વળી બજાર અને કોલેજ પણ પાસપાસે. એવા વિસ્તારમાં તપાસ કરતાં ‘ગુલાબમાલા’ નામના
લક્શુરિયસ એપાર્ટમેન્ટમાં એમણે એક ફ્લેટ નોંધાવ્યો. બધી સુવિધા અને ભદ્ર વિસ્તારને કારણે બિલ્ડર રમણભાઇ
પટેલે રૂપિયા પંદર લાખ હપ્તેથી ચૂકવવા અને જરૂરી લોન ઊભી કરી આપવા પરમને જણાવ્યું. પછી તો પરમ અને
ખૂબી દર બે દિવસે કાર લઇને ‘ગુલાબમાલા’ની મુલાકાત લઇ જતાં. રોજ એમની અવરજવરને કારણે બિલ્ડર
પટેલ સાથે એમને સારો મૈત્રીભાવ બંધાઇ ગયો. ફ્લેટનું કામ પૂરજોશમાં ચાલુ હતું. હવે ત્રીજા માળનો સ્લેબ ભરાઇ
રહ્યો હતો. એ જ મજલે પરમને ૧૧મો ફ્લેટ ફાળવવામાં આવ્યો હતો. એની ઉપરનો ફ્લેટ પણ તૈયાર થઇ ગયો.
એ દરમિયાન રોજ પરમ અને ખૂબી અથવા પરમ એકલો ફ્લેટ પર આંટો મારી જતાં. એક દિવસે એવી જ રીતે
ખૂબી અને પરમ ફ્લેટ પર આવી પહોંચ્યાં. રમણભાઈ ત્યાં હાજર હતા. તેઓએ આમનેસામને એકબીજાને
‘હલ્લો’ કર્યું.
‘જુઓ પરમ, તમારો ફ્લેટ તૈયાર,’ કહી રમણભાઇ નજીક આવ્યા.
‘રમણભાઇ, ખરેખર આપનું કામ ઝડપી છે. મને લાગે છે, છ માસમાં અમને ફ્લેટનો કબજો મળી
જશે.’ પરમે કહ્યું. એ શબ્દો પર ખૂબીએ ખુશી વ્યક્ત કરી.
‘હું મારાથી બનતી બધી કોશિશ કરીશ.’ વાત કરતાં રમણભાઇએ ઉપર જોયું. ‘આ પેલો તમારા
ફ્લેટ તરફ - કામ કરી રહ્યો છે, એ આપણો રામૂ.’ રામૂ એક સ્ટૂલ પર ચઢી, હથોડી વડે છત ટાંકી રહ્યો હતો.
એ જ ઘડીએ એની આંખોમાં કાંકરી પડી. આંખમાં કાંકરી પડતાં રામૂનું સ્ટૂલ ડગમગ્યું અને જોતજોતામાં રામૂ
બહારની પાલખોમાં પછડાતો નીચે જમીન પર ઢગલો થઇ પડ્યો!
‘અલ્યા દોડો.... રામૂ પડ્યો.... દોડો.....’ એવા રમણભાઇના મોટા અવાજ સાથે આસપાસથી લોકો ત્યાં દોડી
આવ્યાં. પરમ મદદ માટે કાર લઇ નજીક હાજર થઇ ગયો અને ખૂબી ફાટી આંખે લોહી નીતરતા રામૂને નિરખી રહી.
રામૂની પત્ની લીલી ઉતાવળે પાણીનો ભરેલો માટીનો ઘડો લઇ દોડી આવી. રામૂને દયાજનક સ્થિતીમાં જોઇ એણે ઘડો ત્યાં
જ મૂકી દીધો.
‘ઓ બાપા, મારા રામૂને કોઇ બચાવો. ઓ પટેલ સાએબ.... મારા રામૂને બચાવી લ્યો. ભગવાન
તમારું ભલું કરશે’ કહી એ રામૂની પાસે પહોંચી ગઇ અને ધીરેથી રામૂના મોં પર પાણીનો છંટકાવ કરવા
લાગી. રામૂની આંખો સૂજી જઇ કાળી પડી ગઇ હતી. એના મોં, નાક અને કાનમાંથી લોહી વહેતું હતું. રામૂના
માથે પાણી પડતાં એણે માથુ હલાવ્યું એ સાથે લીલી એની લગોલગ જઇ બેસી ગઇ. એટલામાં એક મજૂરણ
પાણીનો ગ્લાસ ભરી લાવી અને લીલીને એ ધરતાં કહ્યુંઃ ‘લીલી, લે બાપડાને પાણી પા.’
લીલીએ તરત ગ્લાસ લઇ એમાંનું થોડું પાણી રામૂના મોંમાં રેડ્યું. રામૂ સળવળ્યો. લીલી એની તરફ
ઝૂકી. રામૂએ એક હાથ પત્નીના મોં સામે લંબાવી એના મોં પર પ્રેમથી ફેરવ્યો.
‘મારા રામૂ, ઊઠ.’ લીલીએ પ્રેમસાદ દીધો. એ જ ક્ષણે રામૂ શરીર સંકોચી જડ બની ગયો.
‘ઓ રામૂ, તું મને મૂકીને કાં ચાલ્લો? તારા વના મારાથી કમ જીવાશે. આ તારી બે દીધેલીઓનો તો
વચાર કરવો તો.’ કહી લીલી પોક મૂકીને રડવા લાગી. એના રૂદનથી આસપાસનું વાતાવરણ ગમગીન બની
ગયું.
‘લીલી, તું ગભરાઇ નહિં. થવા કાળ થઇ ગયું. પણ હું તારી પડખે છું. હું તને બધી મદદ કરીશ.’
નજીક ઉભેલા રમણભાઇએ લીલીના માથે હાથ દેતાં કહ્યું. તે દિવસે સાંજે રમણભાઇની મદદથી રામૂની
અંતિમક્રિયા થઇ ગઇ. રામૂના અવસાનને કારણે બીજા દિવસે ફ્લેટનું બાંધકામ બંધ રાખવામાં આવ્યું. રામૂ
રમણભાઇ પટેલનો વિશ્વાસુ માણસ હતો. એથી ફ્લેટસના સ્ટોરની ચાવી એ જ રાખતો અને જરૂરી
માલસામાન બધાને કાઢી આપતો. બીજા દિવસથી એ જવાબદારી લીલીને સોંપાઇ. એ સિવાય મહેમાનોની ચા
પાણીની વ્યવસ્થા પણ લીલી સંભાળતી. જરૂર પડે રમણભાઇ લીલીને પોતાના બંગલે અલકાપુરામાં ઘરગથ્થુ
કામકાજ અર્થે લઇ જતા. એ લીલીની બે નાની છોકરીઓના ખર્ચ માટે જરૂરી નાણા પણ આપતા. લીલી હજુ
જુવાન હતી. એ ગોરી અને દેખાવડી હોવાથી બધા મજૂરોમાં એ જૂદી જ તરી આવતી. વળી રમણભાઇના
કુટુંબ સાથેના સંબંધોના કારણે એ સ્વચ્છ અને વ્યવસ્થિત રહેતાં શીખી હતી. જો કે મજૂરો અને
આડોશપડોશવાળાં રમણભાઇ અને લીલીના સંબંધોને શંકાની નજરે જોતાં હતાં. છતાં રમણભાઇની પત્નીએ
ઘરમાં લીલીની અવરજવર અંગે કોઇ વાંધો લીધો ન હતો.
પરમ પહેલાંની માફક નિયમિત હવે ‘ગુલાબમાલા’ પર આવતો નહિં. ધીમેધીમે ફ્લેટનું બાંધકામ
આખરી તબક્કામાં પહોંચ્યું. ફરી પરમ અને ખૂબીની રમણભાઇ સાથે મુલાકાતો વધી. ઘણી વાર લીલીની નાની
છોકરીઓ ઢસડાતી ઢસડાતી તેઓની પાસે પહોંચી જતી. એથી પરમ પણ એ બંનેને બિસ્કીટ-ચોકલેટ વગેરે
લાવી આપતો. ખૂબી ક્યારેક એકાદ છોકરીને પોતાની ગોદમાં ઉંચકી લેતી. એમ દિવસો વિતવા લાગ્યા.
એક દિવસે પરમ એકલો જ ફ્લેટ પર આવ્યો. ત્યારે લીલીની છોકરીઓ રેતીના ઢગ પર મજાથી
રમી રહી હતી.
‘રમણભાઇ, જાુઓને, આ છોકરીઓ ખરી એકલી રમતી થઇ ગઇ છે!’ પરમે વાત શરૂ કરી.
‘શું કરે બીચારી! બાપ ભગવાન પાસે પહોંચી ગયો અને મા કામમાં રહે છે. અરે હા, લીલી આપણા
માટે ચા બનાવવા ગઇ હશે. ચાલો આપણે આરામથી ઓફિસમાં બેસીએ.’ એવા રમણભાઇના સૂચન પછી
બંને ઓફિસમાં બેસવા ગયા. ત્યાં જ પાછળ બીજા રૂમમાં લીલી ચા બનાવતી હતી.
‘અરે લીલી, ચામાં ખાંડ થોડી ઓછી.’ રમણભાઇએ સૂચન કર્યું.
‘એમાં તમારે મને કહેવું ના પડે પટેલ સાએબ.’ લીલીએ અંદરથી સાદ દીધો.
ચા તૈયાર થઇ ગઇ એટલે લીલી બે કપમાં ચા લઇ આવી અને રમણભાઇ અને પરમને ચા આપી
ફ્લેટ પર ચાલી ગઇ. બંને મિત્રો શાંત ચિત્તે ચાની ચૂસકીઓ ભરી રહ્યા હતા.
‘રમણભાઇ, મારે એક અંગત વાત કરવી છે.’ પરમે સંકોચાતાં કહ્યું.
‘કહોને પરમ, શું અંગત વાત છે?’
‘અમારે લગન કરે સાત વર્ષ થઇ ગયાં....’
‘શું વાત કરો છો, સાત વર્ષ? મને તો તમે બે હમણાં જ પરણ્યાં હો એવાં તાજામાજાં લાગો છો.’
રમણભાઇએ હસતાં હસતાં વચ્ચે જ બોલવા માંડ્યું.
‘વાત સાચી. અમે બે એકમેકને ખૂબ ચાહીએ છીએ પણ એક વાતે અમને બંનેને મુંઝવણમાં મૂકી
દીધાં છે.’ પરમે ગંભીર થઇ કહ્યું.
‘શું છે એવું?’
‘રમણભાઇ, વાત એમ છે કે અમને કોઇ સંતાન નથી. ડૉક્ટર નિર્મળના અભિપ્રાય મુજબ ખૂબીનામાં
બાળકની શક્યતા નથી પણ હું એને ખૂબ પ્રેમ કરું છું. એથી મેં હકીકત એનાથી છૂપાવી છે.’
‘જુઓ પરમ, એમાં મુઝાવાની કોઇ જરૂર નથી. આજકાલ વિજ્ઞાન ખૂબ આગળ વધ્યું છે. એથી ટેસ્ટ
ટ્યૂબ બેબીની ટેકનિક આશિષ રૂપ નીવડી છે. તમે ચાહો તો એવો લાભ લઇ શકો છો.’
‘આ બધી વાતોનો અમે ઘણી વાર વિચાર કરીએ છીએ પણ ખબર નહિ અમને એ બહુ બંધબેસતું
લાગતું નથી. શું તમે બીજું કંઇ સૂચવી શકો?’ પરમે પ્રશ્ન કર્યો. થોડી વાર બંને ચૂપ થઇ ગયાં. રમણભાઇએ
વચ્ચે એક ગલાસ પાણી પી લીધું પછી ધીમેથી મોં ખોલ્યું.
‘પરમ.... એક વાત બતાવું.... જો તમારા બંનેના ગળે ઉતરે તો.’ એ ખચકાતાં બોલ્યા.
‘બોલો તો ખરા....’ પરમે ઉતાવળ દર્શાવી.
‘જુઓ પરમ, હું એક મિત્રભાવે આ વાત રજુ કરું છું. તમે અને ભાભીએ તે દિવસે રામૂને નીચે
પટકાઇ જતાં જોયો હતો. એ મારો વફાદાર નોકર હતો. તમને હું મારા અંગત મિત્ર સમજું છું, એટલે આ વાત
કહેવાની હિંમત કરું છું. હમણાં રામૂની પત્ની અને તેની બે નાની દીકરીઓની જવાબદારી મારે શીર છે.’ એમ
કહી રમણભાઇ અટક્યા.
‘બાકી માનવું પડશે. જવાબદારી તો તમે સાચે જ નિભાવો છો, એ અમે નજરોનજર જોયું છે. રામૂએ
રોજ ચોકલેટ એની છોકરીઓને ખવડાવી હશે કે કેમ પણ તમને હું રોજ કંઈ ને કંઈ છોકરીઓના માટે લાવતાં
જોઉં છું.’ પરમ અટક્યો.
‘જુઓ આપણે દુનિયામાં કંઇ લઇને આવ્યા નથી અને કંઇ લઇ જવાના નથી. સૌથી મોટો માનવ ધર્મ
છે. આજે કોઇની મદદ કરીશું તો ભગવાન જરૂર એનો બદલો આપશે.’ રમણભાઇએ કહ્યું.
‘તે રમણભાઇ, તમે શું કહેતા હતા?’ પરમે પ્રશ્ન કર્યો.
‘હા પરમ, વાત કરું છું પણ મન ખચકાય છે કે તમે લોકો મને શું સમજશો. ઠીક, વાત એમ છે કે
લીલીને જોડકી બે દીકરીઓ છે. બંને લીલીના જેવી રૂપેરંગે છે, સુંદર. એનાં કોઇ સગાંઓ હોય એમ મને
લાગતું નથી. બીચારી ઘરડી થશે ત્યારે એની દીકરીઓ જુવાન થશે. છોકરીઓના માથે એ જ મજૂરી, જે લીલી
અને બીજા કડીયાકામના મજૂરો કરે છે! શું એમની જીંદગી સુધારી ન શકાય?’
‘એટલે, હું સમજ્યો નહિ. શું હું લીલીના નિભાવ માટે મદદરૂપ બનું?’ પરમે ઉતાવળે પૂછી નાખ્યું.
‘પરમ, લીલી જેવી સો બાઇઓને હું પોશી શકું. બિલ્ડર હોવાને નાતે ભગવાને મને ખૂબ આપ્યું છે
પણ તમને ખબર છે, મારા ઘેર પણ શેર માટીની ખોટ છે.’ રમણભાઇએ વાત આગળ ચલાવી.
‘હું તમારા ઘેર ઘણી વાર આવ્યો છું. હા કોઇ બાળકો મેં તમારે ત્યાં જોયાં નથી અને મને એ સંબંધી
પૂછવાની ઇચ્છા પણ ન જાગી. માન્યું કે હવે તો છોકરાં જુવાન થઇ પરદેશમાં હશે પણ હકીકત જાણી હું પણ
દુઃખી છું. આપણે બે એક જ મુશીબતના માર્યા ભેગા થઇ ગયા છીએ. બોલો હવે શું માર્ગ કરીશું?’ પરમે
લાગણી વ્યાક્ત કરી.
‘માર્ગ તો છે જ. એટલે તો વાત કરતો હતો. શું આપણે બંને એક પૂણ્યશાળી કામ ન કરી શકીએ?
જોજો આમાં મારો કોઇ સ્વાર્થ નથી.’ રમણભાઇએ સ્પષ્ટતા કરી.
‘હા પણ કહોતો ખરા, કયું પૂણ્યશાળી કામ કરીશું? ચાલો આપણી હા સમજો.’
‘પણ ભાભીનું શું?’ રમણભાઇએ પૂછયું.
‘એને તો પૂછવું જ પડશે. જો કે એને મનાવી શકાય પણ કઇ વાત માટે?’
‘સારું પરમ, સાંભળો, શું આપણે બંને મળી લીલીની એક-એક દીકરીને ગોદ લઇ શકીએ?’ એ સાથે
જ ત્યાં શાંતિ છવાઇ ગઇ રમણભાઇએ એક ગ્લાસ પાણી લઇ ફરી પીધું અને એક ગ્લાસ લઇ પરમ સામે
ધર્યું. પરમ પાણી લઇ ગટગટાવી ગયો.
‘રમણભાઇ, આ બાબત એટલી સરળ નથી. મારી ખૂબી કહે તે ખરું.’ પરમે ધીમા અવાજે કહ્યું.
‘તમે બંને ફુરસદે વિચારજો પણ એક વાત યાદ રાખજો. ભગવાને સૌને માનવી બનાવ્યાં છે.
સંજોગોએ કોઇને ગરીબ અને કોઈને તવંગર કર્યો. એ જ રીતે જે ધર્મ જેણે અપનાવ્યો, એ એનો ધર્મ.
ભગવાને કોઇના નામે કોઇ ધર્મ લખી નથી આપ્યો. બાકી લીલીને મનાવી લેવાની જવાબદારી મારી.’
રમણભાઇએ સ્પષ્ટતા કરી.
એ દિવસથી પરમ ‘ગુલાબમાલા’ પર આવતો બંધ થઇ ગયો. રમણભાઇ મુંઝાયા કે પરમ અને
ખૂબીને એમના પ્રસ્તાવથી માઠું લાગ્યું હશે. ક્યાં પેટ્રોકેમિકલ્સનો કારવાળો એક એન્જિનીયર અને ક્યાં
કડીયાકામ વાળી સામાન્ય મજૂરણ.
‘ગુલાબમાલા’ ફ્લેટસનું છેલ્લા તબક્કાનું કામકાજ ચાલું હતું. વિજળી જોડાણો, નળજોડાણ, ટાઇલ્સ
ફિટીંગ અને રંગરોગાન ઝડપભેર ચાલી રહ્યું હતું. દિવાળી પર દરેકને પોતાનો ફ્લેટ આપી દેવા રમણભાઇ
કમર કસી રહ્યા હતા. હવે લગભગ બધા ફ્લેટવાળા રોજ ‘ગુલાબમાલા’ જોવા આવતા. તદ્ન આધુનિક
બાંધકામથી રમણભાઇની બધા વાહવાહ કરતા હતા પણ હજુ સુધી પરમ અને ખૂબીનાં દર્શન દુર્લભ બન્યાં
હતાં. એવામાં એકાએક એક દિવસ સવારે પરમ અને ખૂબી કારમાં આવી પહોંચ્યાં. તે જ દિવસે ૧૧ નંબરના
ફ્લેટને ફાઇનલ ટચ અપાતો હતો. એથી રમણભાઇ ઉપર ૧૧ નંબરમાં હતા. પરમ અને ખૂબી ઝટપટ
પગથિયાં ચઢતાં ત્રીજા માળે પહોંચી ગયાં. ૧૧મા ફ્લેટમાં પ્રવેશતાં જોયું તો સુંદર દૂધીયા ગ્રેનાઇટ ટાઇલ્સ
જડાઇ ગયા હતા. બોટલ ગ્રીન કલરનું છત શોભી રહ્યું હતું અને દિવાલો ક્રીમ રંગમાં ઝગમગી રહી હતી.
‘આવો આવો, પરમ અને ખૂબી, કંઇ બહુ દિવસે! અરે ભાઇ, ફ્લેટની ચિંતા પણ છે કે નહિ? બોલો
રાખવાનો છે કે નહિ?’ રમણભાઇ ઝટપટ બોલી ગયા.
‘રમણભાઇ, આ શું બોલ્યા! તમે ખૂબ મહેનતથી તૈયાર કરાવેલો ફ્લેટ એમ છોડી દેવાતો હશે.’
પરમે કહ્યું.
‘તો પછી ભાભી, શું વાત છે?’ રમણભાઇએ ખૂબીને પૂછયું.
‘વાત તો તમારા ભાઇ જ કરશે.’ ખૂબીએ સ્મિત ફરકાવ્યું અને પૂછયું. ‘બોલો તમે ચિંતામાં પડી ગયા
હતા ને?’
‘ચિંતા તો કોઇ વાતની નહિ. છતાં મુંઝાયો જરૂર હતો. મને થયું તમારા જેવા સારા મિત્રો હું ન
ગુમાવું.’ રમણભાઇએ જણાવ્યું.
‘સત્ય તો એ છે કે અમને તમારા જેવા આદર્શ મિત્ર ગુમાવવાનું પાલવે તેમ નથી. કેમ કે બિલ્ડરોની
છાપ સામાન્ય રીતે લોકો પર જેવી છે, એના કરતાં તમે ભિન્ન માલૂમ પડ્યા.’ ખૂબીએ વાત ચાલુ રાખી.
‘તો મારે શું સમજવું?’ રમણભાઈએ મુખ્ય વાત અંગે પૃચ્છા કરી.
‘જુઓ રમણભાઇ, અમારા બંનેની.... કહું? .....‘હા’ છે.’ એ સાથે જ રમણભાઇ ખુશખુશ થઇ
ગયા અને પ્રેમથી પરમની પીઠ થાબડવા લાગ્યા. ‘ચાલો આપણે ઑફિસમાં બેસીશું’’ કહી રમણભાઇ બંનેને
નીચે લઇ ગયા. નીચે જઇ ઑફીસમાં બેસતાં જ લીલી ત્રણેયના માટે ઠંડું પાણી લઇ આવી.
‘જો લીલી, આજે ચા બનાવીશ નહિ, આજે અમે ત્રણે જણા પાસે ઠંડું પીવા જઇશું.’ રમણભાઇએ
લીલીને કહ્યું.
‘સારું સાએબ, જેવી આપની ઇચ્છા,’ કહી લીલી બહાર ચાલી ગઇ. એ સાથે ત્રણેય ચાલીને
મુખ્યમાર્ગ પરના એક રેસ્ટોરાંમાં ગયાં. ત્રણેએ પોતાની પસંદનાં પીણાં મંગાવ્યાં અને એનો આસ્વાદ માણતાં
વાત કરતાં રહ્યાં.
‘સારું, મારા ભાઇ અને ભાભી સાંભળો. દિવાળી હવે નજદીક છે. મેં દરેક ફ્લેટધારકોને દિવાળીએ
કબજો સોંપી દેવા વચન આપ્યું છે. એ જ દિવસે સૌની હાજરીમાં એક નાનો પ્રસંગ આપણે ઉજવીશું અને એ
જ દિવસે આપણે લીલીની એક છોકરીને તમારે ગોદ અને બીજી છોકરીને અમારે ગોદ લઇ લઇશું. ત્યાર બાદ
લીલીની સઘળી જવાબદારી હું લઇ લઇશ. એને મારે ઘેર જ રાખીશ.’ રમણભાઇએ વિગતવાર વાત કરી.
‘શરૂમાં હું મુંઝાયો પણ ખૂબીએ મારી હિંમત વધારી વાહ રમણભાઇ, તમે સાચા અર્થમાં ધર્મ પાળો
છો. અમે પણ એક છોકરીને અમારી કરી લઇશું.’ ખૂબીએ હસતાંહસતાં કહ્યું. અંતે એક શુભ નિર્ણય સાથે
પીણા પૂરાં કરી ત્રિપુટી પોતપોતાને નિવાસે સિધાવી.
એમ થોડા દિવસો વિતી ગયા. ‘ગુલાબમાલા’ ફ્લેટસ સંપૂર્ણ તૈયાર થઇ ગયા. સવારે બધા ફ્લેટ
ધારકો હાજર હતા. ત્યાં એક નાનો સમીયાણો ઊભો કરવામાં આવ્યો હતો. બધા ત્યાં ખુરસીઓમાં ગોઠવાયા
હતા. તે દિવસે સૌને વારાફરતી બોલાવી ફ્લેટની ચાવી સોંપવામાં આવી. એ સાથે બધાંને આઇસ્ક્રીમ
વહેંચવામાં આવ્યું. ફ્લેટધારકો અને તેમના કુટુંબીજનો આઇસ્ક્રીમની લિજ્જત માણતાં હતાં અને રમણભાઇનાં
વખાણ કરે જતાં હતાં. એટલામાં રમણભાઇ ઊભા થયા. તેમણે સૌનો આભાર માન્યો અને લીલીને તેની બંને
દીકરીઓ સાથે આગળ બોલાવી. લીલીને રમણભાઇએ એવી રીતે તૈયાર કરાવી હતી કે પટલાણી જ જોઇ લો.
એની બંને દીકરીઓ પણ સુંદર ફ્રોકમાં સજ્જ થઇ હતી. બંને જોડકી દીકરીઓ એટલી સરખી લાગતી કે બંનેને
અલગ તારવી શકાય નહિ. રમણભાઇએ પરમ અને ખૂબીને આગળ બોલાવ્યાં અને બે માંથી એક દીકરી પસંદ
કરવા કહ્યું. ખૂબીએ બંનેના પર વારાફરતી નજર ફેરવી. અંતે પોતાની પાસે ઊભેલી દીકરીને એણે ઉંચકી
લીધી. એ જ ક્ષણે રમણભાઇના પત્ની રેખાબેન આગળ આવ્યાં અને એમણે બાકી રહેલી દીકરીને પોતાની
ગોદમાં ઉંચકી લીધી. એ જોઇ લીલી આંખનાં હર્ષાંસુ રોકી શકી નહિ. એ ક્ષણે બહાર ઊભેલા જુવાનોએ
ફટાકડા ફોડી એ ધન્ય ઘડીનો આનંદ માણ્યો. બીજા દિવસે ‘ગુલાબમાલા’ શીર્ષક હેઠળ રમણભાઇ અને
પરમના પુણયશાળી કર્તવ્યના સમાચાર શહેરનાં અગ્રગણ્ય અખબારોમાં ચમકી ઊઠ્યા.
ફય્ૃજી઼ડ્ઢ
૪
નવી ધરતી
અમેરિકાનું અંતરિક્ષ શટલ ‘ચેલેન્જર’ તૂટી પડતાંની સાથે, એક રહસ્યમય સમાચાર આવ્યાઃ છ
મહિના પહેલાં ત્રણ અંતરિક્ષયાત્રીઓ સાથે ઉડેલું રૂસી સોયુઝ ગાયબ થઇ ગયું છે. સોયુઝમાંથી અવકાશી કેન્દ્ર
સાલ્યુતમાં યાત્રીઓની અદલાબદલી વેળા અકસ્માત સર્જાયો. એક મહિલા સહિત બે યાત્રીઓ અંતરિક્ષ પ્રયોગ
શાળામાં રહી ગયાં અને ત્રીજો યાત્રી યાન સાથે અંતરિક્ષમાં અલોપ થઇ ગયો! રશિયાના મહાપ્રયત્નો છતાં, પેલા
યાત્રીનો કોઇ પત્તો લાગ્યો નથી. આ સમાચારો અંગે પ્રથમ અમેરિકાએ ઘટસ્ફોટ કર્યો હતો.
એક સવારે અંતરિક્ષમાં ફરતી રશિયાની પ્રયોગશાળા સાલ્યુતમાં ‘સોયુઝ સલામત’ના સંકેતો ઝિલાયા.
તરત રશિયાનાં ભૂમિકેન્દ્રોને એ અંગે વાકેફ કરી દેવાયાં. સાંજે એક મદદગાર સોયુઝ ટુકડી નવા યાન સાથે
અવકાશમાં તરતી મુકાઇ. એ સાથે રશિયાએ એની મદદમાં જોડાવા અમેરિકાને વિનંતી કરી. એ વિનંતીને માન
આપી, અમેરિકાએ એક ખાસ શટલ સર્વિસ અંતરિક્ષમાં મદદે મોકલી. રશિયાનું મદદગાર સોયુઝ અને
અમેરિકાનું ડિસ્કવરી બબ્બે અંતરિક્ષયાત્રીઓની ટુકડીઓ સાથે સોયુઝની તપાસમાં આગળ વધ્યાં.
ત્યાં એકાએક અતિ તેજોમય અંતરિક્ષયાન તેઓના જોવામાં આવ્યું. મદદગાર સોયુઝ અને ડિસ્કવરી
એ તરફ ધસ્યાં તેમ જ સાલ્યુત સંચાલકોને સાવધાન રહેવા જણાવવામાં આવ્યું. આસપાસ ઉડતા ઉપગ્રહોએ
એના સંખ્યાબંધ ચિત્રો ખેંચી લીધાં. એ પરથી પેલું પ્રકાશિત જહાજ સોયુઝ ૧૩ નીકળ્યું! એને સંકેતો મોકલતાં
‘સોયુઝ સલામત’, ‘સખારોવ સલામત’ ના સંકેતો પ્રાપ્ત થયા. તરત મદદગાર સોયુઝ અને ડિસ્કવરીએ એને
જોડાણ આપવા પ્રસ્તાવ મૂક્યો. પરંતુ સખારોવે એવો કોઇ પ્રસ્તાવ સ્વીકારવાની ના પાડી. પોતે સ્વતંત્ર રીતે
પૃથ્વી પર ઊતરશે, એમ તેણે કહ્યું.
એથી રશિયાનાં ભૂમિકેન્દ્રોને સાબદાં કરાયાં. કેન્દ્રોએ સખારોવને પોતાને ત્યાં ઊતરવાની બધી
સગવડ આપવા વારંવાર સંદેશા મોકલ્યા. છતાં સખારોવે એ અંગે કોઇ જવાબ ન આપ્યો. એટલે મદદગાર
સોયુઝ અને ડિસ્કવરીએ સોયુઝ-૧૩ને બે બાજુથી ભરડામાં લીધું. એથી એની ગતિ મંદ થઇ ગઇ. સાથેસાથે
બાજુમાં બંને યાનો પણ નરમ થઇ ગયાં. બીજી જ ક્ષણે સોયુઝ-૧૩ તેજ ગતિએ પૃથ્વી તરફ ધસી ગયું.
માર્ગમાં વાંકાચૂંકા ઊડી એણે પેલાં બે યાનોનો માર્ગ અવરોધી રાખ્યો, સડસડાટ નીચે ઊતરી એ મધ્ય પૂર્વના
દેશો ઉપર ઘુમરાવા લાગ્યું. રૂસી કેન્દ્રોએ એનું સંભવિત ઉતરાણ સિરીયા, લેબેનોન કે ઇઝરાયલમાં હોવાની
શક્યતા દર્શાવી. મધ્ય પૂર્વના બધા દેશોને સાવધાન રહેવા જણાવવામાં આવ્યું, જેથી કોઇ મોટો અકસ્માત ન
સર્જાય! ભૂમધ્ય સમુદ્રમાં રશિયા અને અમેરિકાના નૌકા કાફલાઓ સોયુઝ બચાવ કામગીરી માટે ગોઠવાઇ
ગયા.
સોયુઝ-૧૩ની ગતિ નરમ થવા લાગી. એણે પોતાના ઉતરાણ માટે ઇઝરાયલને પસંદ કર્યું. ઇઝરાયલે
સખારોવને પોતાને ત્યાં ઊતરવાની સ્પષ્ટ મનાઇ ફરમાવી, એથી સખારોવે સિનાઇ રણમાં ઊતરવા મિસરી
સરકારની પરવાનગી માગી. એ માન્ય રાખવામાં આવી. એ સાથે થોડી જ મિનિટોમાં સોયુઝ-૧૩ સખારોવને
લઇ સિનાઇમાં સલામત ઊતરી પડ્યું. એ જ ઘડીએ મિસર-ઇઝરાયલના સંયુક્ત બચાવ દળે ત્યાં પહોંચી
એનો કબજો લીધો. સોયુઝ-૧૩માંથી સખારોવને બહાર કાઢવામાં આવ્યો. ત્યારે તેની તેજોમય મુખાકૃતિ જોઇ
બચાવદળ આશ્ચર્ય પામ્યું! ત્યાંથી સખારોવને સખત પહેરા સાથે કેરોની લશ્કરી હૉસ્પિટલમાં લઇ જવામાં
આવ્યો. ત્યાં પ્રાથમિક તપાસમાં, એ સંપૂર્ણ તંદુરસ્ત અને શુદ્ધ માલૂમ પડ્યો. એ સાથે રશિયાએ પોતાનો
માણસ અને યાન પોતાને સુપરત કરવા મિસરને વિનંતી કરી. એ અનુસાર મિસરે સખારોવને રૂસી
સત્તાવાળાઓને હવાલે કર્યો પણ એમનું સોયુઝ કબજે કરી લીધું.
બીજા દિવસે દુનિયાભરનાં સમાચારપત્રોમાં સખારોવની તસવીરો છપાઇ ગઇઃ ‘અંતરિક્ષમાં છ
મહિના ગાયબ રહી એકાએક પાછો ફરેલો રૂસી યાત્રી.’ ‘સખારોવે છ મહિના ક્યાં ગાળ્યા?’ ‘રૂસી યાત્રીએ
શોધેલી નવી ધરતી!’ઃ વગેરે સમાચારો પ્રસિદ્ધિ પામ્યા. એમાં સખારોવની રોમાંચક અંતરિક્ષ સફરનું વર્ણન
કરવામાં આવ્યું હતુંઃ ‘હું સખારોવ તેરોસ્કોવ અને મારા સાથીઓ બેલેન્કોવસ્કી તથા વેલેન્ટિના ગોર્જી, જે
દિવસની ઇંતેજારી કરી રહ્યા હતા, એ દિવસ ઊગ્યો. સવારથી અમને અંતરિક્ષ પોશાકમાં ઢાંકી દેવામાં આવ્યાં
હતાં. ત્યારે સખાલીન ટાપુ પરના અંતરિક્ષ અંકુશમથકે સખત પહેરો હતો. થોડીથોડી વારે લડાકુ મીગ ઘુઘવાટો
કરતાં ઊડીને આકાશને ખબરદાર કરતાં હતાં. અંકુશમથકની નજીકના હવાઇ મેદાનમાં અણુ-ઉર્જાસભર
એસ.એસ. ૯ રૉકેટ અમારા તોતિંગ સોયઝ-૧૩નો ભાર ઊંચકી અવકાશમાં તકાયેલા રૉકેટની આસપાસ અણુ
વિજ્ઞાનીઓ અને તકનિકી જાણકારો છેલ્લી તપાસમાં વ્યસ્ત હતા. ટાપુને છેડે દરિયાકિનારે હવામાં ખેંચાયેલી
વિમાન વિરોધિકાઓ સ્તબ્ધપ્રસ્ત પહેરો ભરતી હતી, ત્યાં રૂસી લાલ ગાર્ડો સૂક્ષ્મદર્શકયંત્રો વડે આકાશને નિહાળી
રહ્યા હતા. ટાપુને અડીને ખળભળતા સાગરમાં રૂસી બચાવનૌકાઓ અને સંરક્ષકજહાજો સચેત ઊભા હતાં.
દૂર કેન્દ્ર ઉપરના ખંડની શીશદીવાલોમાંથી અમે આદ્રશ્ય નિહાળી રહ્યાં હતાં.’
‘૫.૩૫ ૦.૫ તૈયાર,’ એમ આદેશ આવ્યો. એ સાથે ફોજના સંરક્ષણ હેઠળ અમે ખબખબ કરતાં
સોયુઝ-૧૩ તરફ ચાલી નીકળ્યાં. ત્યાં પહોંચતાં જ જમીન પ્લેટફોર્મથી રૉકેટને અઢેલી સોયુઝ સુધી પહોંચતી
સીડી દ્વારા અમે ઝટપટ ઉપર ચઢી ગયાં. ઉપર જઇ અમે બધાને આખરી સલામ પાઠવી, અંદર જવા
સોયુઝદ્વાર ખોલ્યું. તરત એ અમને અંદર કરી આપોઆપ બીડાઇ ગયું. થોડી મિનિટોમાં અમે અંદરનાં યંત્રો
તપાસી લીધાં.’
‘૫.૪૫ બધું બરાબર છે, આગળ વધો’નો સંકેત આવ્યો. એ સાથે નીચે રૉકેટ બેઠકમાંથી ધુમાડાના
ગોટેગોટા ઊઠ્યા. પરોઢના શીત વાતાવરણમાં ધગધગતી આગ વરસાવતનું સોયુઝ-૧૩ વાદળોમાં ગરક થઇ
ગયું. ચારે બાજુ વાદળોની ભરમાર, પૂર્વમાં ઊગતો સૂર્ય, નીચે આમતેમ ઊડતાં પક્ષીઓ અને છેક નીચે
સાઇબીરિયાનો ચમકતો હિમપ્રદેશ; અમે નિહાળી રહ્યાં હતાં.
‘સાવધાન હવાઇ હદ પૂરી’નો આદેશ આવ્યો. એ સાથે સોયુઝમાં અમે મોટો આંચકો અનુભવ્યો. જોયું
તો સોયુઝના નોઝકોનની આસપાસ અગ્નિના ભડકા ઊઠ્યા હતા. બીજી જ ક્ષણે અમે કંઇક રોમાંચ
અનુભવ્યો.’
‘શૂન્યાવકાશ, શૂન્યાવકાશ,વેલેન્ટિના બોલી ઊઠી. હું અને બેલેન્કો આમતેમ ઊછળી પડવા લાગ્યા.
વેલેન્ટિના તો ક્યારેક મને અને ક્યારેક બેલેન્કોને વળગી પડતી હતી, અમારાં શરીરોમાં જાણે લોહી થીજી રહ્યું
હતું. શ્વાસ ખેંચાઇ જતો હતો. હાથ, પગ, માથું જાણે વિખેરાઇ જતાં હોય, એમ લાગ્યું. થોડા કલાકો સુધી ખૂબ
ગભરાટ વ્યાપી ગયો. પછી ધીમેધીમે બધું માફક આવવા લાગ્યું સાંજે તો અમારી સાલ્યુત પ્રયોવશાળાના
સંકેતો ઝિલાવા લાગ્યા.’
‘એસ. એલ. ટી. ૫૭૭ જમણી તરફ’ એના ઉત્તરમાં ‘એસ.યુ.ઝેડ.-૧૩ રસ્તો સાફ છે, આગળ
વધો’નો આદેશ આવ્યો. એ રાત્રે યંત્રોની ઘરેરાટી અને સોયુઝની કાતિલ ગતિને કારણે અમે ઊંઘી શક્યાં નહીં.
છતાં પણ કોફીન જેવા પ્લાસ્ટિકના નિદ્રા-ઉપકરણમાં પુરાઇ, એક પછી એક અમે થોડા કલાકો ઊંઘ ખેંચી
લીધી. વહેલી સવારે જાગ્યા ત્યારે સાલ્યુતના સંદેશા ચાલુ થઇ ગયા હતા. થોડા સમયમાં ઝળહળતું સાલ્યુત
નજદીક આવી ગયું. અમે ગતિ ઘટાડી એનો પીછો કર્યો.’
‘તૈયાર, તૈયાર, તૈયાર.’
‘ચાલો, ચાલો, ચાલો.’
‘ઠીક, બરાબર, સંપૂર્ણ, હવે જોડાણ કરો’ એમ સૂચનાઓ નીચેથી અપાતી રહી. એ જ ઘડીએ સાલ્યુત
અને સોયુઝ જોડાઇ ગયાં. તરત વેલેન્ટિના જોડાણકક્ષના ગોળાકાર નાળામાંથી સરકી સાલ્યુતમાં પ્રવેશી.
સાલ્યુતમાં રહેલા ત્રણ યાત્રીઓએ એનો આવકાર કર્યો. બે કલાક બાદ બેલેન્કોને સાલ્યુતમાં જવાનું હતું અને
વેલેન્ટિનાને સોયુઝમાં પાછા ફરવાનું હતું. સમય ઝડપથી પસાર થઇ ગયો.’
‘હું અને બેલેન્કો નિશાળિયા મિત્રો હતા. સાલ્યુતમાં જતાં પહેલાં, એણે મારું માથું બે હાથોમાં પકડી
જોરથી હલાવી, મને સાહસવીર થવાની સંજ્ઞા કરી. તે વખતે અમારી બંનેની આંખો ભીની થઇ ગઇ. બીજી
બજ ઘડીએ બેલેન્કો પેલા નાળામાંથી ઢસડાઇ સાલ્યુતમાં પ્રવેશ્યો. સામે વેલેન્ટિના ઊભી હતી. સામેના યંત્ર-
સંચાલન કક્ષમાં યાત્રીઓ નિરીક્ષણ કરી રહ્યા હતા. ત્યારે બેલેન્કોને ભારે ધક્કો લાગ્યો હોય એમ એ
સંચાલનકક્ષમાં ઉછળી પડ્યો. વેલેન્ટિનાએ એ તરફ નજર કરી તો બેલેન્કો પેલા બે યાત્રીઓ પર જઇ પડ્યો
હતો. તેઓના હાથ સંચાલનબોર્ડ પર દબાઇ જતાં સાલ્યુતે અચાનક ગતિ પકડી અને સોયુુઝ-૧૩ એની
પકડમાંથી છૂટું થઇ ગયું. સાલ્યુતમાં ભારે ધમાલ મચી ગઇ. પેલા યાત્રીઓ બેલેન્કોને મૂર્ખ ઉતાવળિયો કહી
ધમકાવવા લાગ્યા. જ્યારે વેલેન્ટીના જોરથી બોલી ઉઠીઃ’
‘બાપરે..... પેલું સોયુઝ ભાગ્યું. હવે હું કેમ કરી પાછી જઇશ?’
‘સોયુઝ ખરેખર તેજ ગતિએ અવકાશમાં ઊંડે ઉતરી રહ્યું હતું. એ જોતાં ભૂમિકેન્દ્રો પણ ચોંકી
ઊઠ્યાં! ‘થોભો, થોભો, થોભો, થોભો’ ના વારંવાર તેઓએ સંકેતો મોકલ્યા પણ સોયુઝ જાણે અંતરિક્ષ પાર
નીકળી ગયું. ઘણા દિવસો ઊડતાં રહેતાં ચંદ્ર, સૂર્ય, ગ્રહો, તારાઓ અને તારામંડળો વટાવતું મારું યાન ઊંચે ને
ઊંચે ચઢયે જતું હતું. મેં અંતિમ ગતિએ યાનને દોડાવ્યું હતું. યાનમાં થોડા મહિના ચાલે એટલું ઇંધણ, ખોરાક
અને વાયુપુરવઠો હતાં. મેં જરૂરિયાતથી પણ ઓછો વ્યય કરવાની વ્યવસ્થા ગોઠવી. દિવસો પછી અઠવાડિયાં
અને મહિનાઓ સુધી હું ઊડતો જ રહ્યો. જો કે એકલા રહેવામાં મને ખૂબ કંટાળો આવતો હતો. હવે તો
આકાશની જ્યોતિઓ અને નક્ષત્રો જાણે નીચે ઊતરી પડ્યાં હોય, એમ મને લાગ્યું. છ મહિના પસાર થઇ ગયા
હતા. વિશાળ તારા અને તારાગણો હું વટાવી ચૂક્યો હતો. હવે મેં જ્યાં પ્રવેશ કર્યો એ અંતરિક્ષ ખાલીખમ હતું.
હવે ક્યાં જવું, એ પ્રશ્ન હતો. મારો પુરવઠો ખૂટી જવા આવ્યો હતો. હવે હું ક્યાંયે મરી જ જઇશ, એમ મને
લાગ્યું.’
‘એવામાં ઝગારા મારતો કોઇ નવો ગ્રહ મારા જોવામાં આવ્યો. મેં એ દિશામાં સોયુઝ હંકાર્યું. પહેલાં
તો મને લાગ્યું કે એ કોઇ તેજોમય તારો છે પણ દૂરબીનથી જોતાં એ પૃથ્વી જેવો ગ્રહ લાગ્યો. ગ્રહ ઉપરથી
ફૂટતા હીરાસમ શ્વેત ઝગારા, મારી આંખો સુધી પહોંચતા હતા. વળી એ શ્વેત કિરણોની વચ્ચેથી ઊઠતો પ્રકાશ
સૂર્યપ્રકાશ જેવો તીવ્ર હતો! થોડી વારમાં હું એની નજદીક પહોંચી ગયો. એ સાથે જ મારા યાનમાં લાલબત્તી
થઇ. મારી અજાયબી વચ્ચે મારી માતૃભાષામાં ‘રોકાઇ જાઓ’ નો સંકેત આવ્યો. મારા શરીરમાં જાણે લોહી
થીજી ગયું! ‘શું અહીં પણ રૂસી હવાબાજોએ પોતાનું થાણું નાખ્યું છે!’ એવો ડર મને લાગ્યો, એટલે મેં
‘બચાવો.... બચાવો....’ ના સંકેતો મોકલ્યા. થોડી વારમાં પાંખો ફફડાવતું ચોમુખી એક વિચિત્ર પ્રાણીવાહન મેં
ઊડી આવતું જોયું.’
‘શું મદદ જોઇએ?’ એમ તેમાંથી મને પૂછવામાં આવ્યું. મેં ગ્રહ પર ઉતરવાની રજા માગી. એ સાથે
જ સોયુઝનાં યંત્રો ઠંડાગાર થઇ ગયાં મને ઘેન ચઢવા લાગ્યું અને પછી શું થયું, એની ખબર રહી નહીં. હું
જાગ્યો ત્યારે મારું યાન કોઇ નવી ધરતી પર ઊતરી ચૂક્યું હતું. આપોઆપ યાનનો દરવાજો ખૂલ્યો. બહાર
નજર કરવા હું દ્વાર પાસે આવ્યો તો અહા... હા.... હા મારી આંખો થીજી ગઇ! કોઇ અલૌકિક રૂપ સામે ખડું
હતું. એના ચહેરામાંથી સૌમ્ય રોશની નીતરતી હતી. એનો આખો દેહ સૌંદર્યશીલ કોમળ હતો. એણે મારી
ભાષામાં વાત કરીઃ’
‘હે માણસ, તારા શરીર પર હોય એ બધું ઉતારી, અહીં નીચે ઊતરી આવ.’ ત્યારે મને એ ધ્યાન
ગયું કે એના દેહ પર કોઇ જાતનો પોષાક ન હતો. એને પુરુષ કહું કે સ્ત્રી કે પછી..... હા, મેં ફરિશ્તાઓની
ઘણી વાતો નાનપણમાં સાંભળી હતી. એમના જેવો એ જીવ હતો.’
‘મેં મારી બચાવસીડી યાન બહાર કાઢી, યાન જોડે સટાસટ લગાવી દીધી. ધીમે ધીમે મારો અવકાશી
પોષાક ઉતારી નાખ્યો. સંકોચાતાં શરીર પરનાં બીજાં કપડાં પણ દૂર કર્યા. ત્યારે મને કોઇ નવા જ આહલાદક
હવામાનની અસર થઇ. સીડી ઊતરી જતાં પેલા ફરિશ્તાએ મારો હાથ પકડી લીધો, ત્યારે મારાથી અંગ્રેજીમાં
બોલી પડાયુંઃ’
‘થેંક્યુ.’ પેલો ફરિશ્તો પણ હસી પડ્યો. એ સાથે જ બીજો એના જેવો ફરિશ્તો ત્યાં હાજર થઇ ગયો.’
‘તેઓએ મને નમસ્કાર કર્યા અને મને સાથે લઇ આગળ વધ્યા. ચાલતાં ચાલતાં મેં જોયું તો રૂપા જેવી
ચમકતી જમીન પરથી અમે પસાર થઇ રહ્યા હતા. એ ધરતી મને ગાલીચાસમ નરમ લાગી. દૂરથી હીરા જેવો
ચમકતો આરસનો સમચોરસ કોટ મારા જોવામાં આવ્યો. એ કોટ એટલો બધો ઊંચો હતો કે અંદર શું છે, એ
બહારથી જોઇ શકાતું ન હતું. કોટની દરેક બાજુએ ત્રણ ત્રણ મોટા દરવાજા હતા. અમે ચાલતાંચાલતાં એવા
દરવાજા પાસે આવી પહોંચ્યા. દરેક દરવાજા પર એકેક ફરિશ્તો પહેરો ભરતો હતો પણ એ બધા નિઃશસ્ત્ર
હતા. એમણે પ્રસન્ન ચિત્તે મારો આવકાર કર્યો. મને અજાયબ તોં એ લાગ્યું કે ત્યાંના બધા જ ફરિશ્તાઓની
મુખાકૃતિ, રંગ, ઘાટ, કદ બધું એક જ પ્રકારનું હતું! એથી કોઇ ખાસ ફરિશ્તાને અલગ તારવી શકાય નહિ.
દરવાજાઓ પર નજર કરતાં એની રત્નજડિત રચના જોઇ હું આભો બની ગયો. કોટના પાયામાં પૂરેલા
રંગબેરંગી અકીકના પથ્થરોથી મારું મન પ્રસન્ન થઇ ઊઠ્યું.’
‘આમતેમ નજર કરતો, હું દરવાજામાં પ્રવેશ્યો તો મારી આંખો ચાર થઇ ગઇ! કેમ કે ત્યાંથી ચોખ્ખું
સોનું ઢાળેલો મુખ્ય માર્ગ નગરમાં ધસી જતો હતો. એના પર મેં કોઇ વાહનવ્યવહાર ન જોયો. ઘણા
ફરિશ્તાઓની ત્યાંથી અવરજવર થતી મેં જોઇ. મારી સાથેના ફરિશ્તાઓ બહુ ઓછું બોલતાં, ફક્ત હું પૂછું
એનો જ જવાબ આપતા. મુખ્ય માર્ગ હજારો ફૂટ પહોળો હતો. માર્ગની વચ્ચોવચ એક નદી સરી જતી હતી.
તેનું પાણી કંચન જેવું સ્વચ્છ હતું. નદીને બંને કિનારે લીલાંછમ ઝગમગતાં વૃક્ષો હતાં. વૃક્ષો પરનાં ચમકતાં ફળો
મન લોભાવતાં હતાં.’
‘માર્ગ પરથી ઉઠાવી મેં નજર ઊંચી કરી તો મોંમાંથી એક હેરતભર્યો અવાજ નીકળ્યો. નગરમાં
ઊભી થયેલી બધી ઇમારતોની દીવાલો સંપૂર્ણપણે સોનેમઢેલી હતી ત્યારે મને એમ લાગ્યું કે હું કોઇ
સ્વર્ગનગરમાં આવી પડ્યો છું.’
‘ત્યાંથી ચાલતાં ચાલતાં અમે નગરના કેન્દ્રાલય તરફ ગયા. કેન્દ્રાલય શીશદીવાલોથી રક્ષાએલું હતું.
પણ બહારથી હું સંપૂર્ણ રીતે એ જોઇ શક્યો. એ આખો ખંડ ખૂબ વિશાળ અને શ્વેત હીરાચ્છાદિત હતો. એના
મધ્ય ભાગમાં તદ્દન શ્વેત ભવ્ય રાજ્યાસન સ્થાપિત કરેલું હતું. રાજ્યાસન કક્ષના ભૂગર્ભમાંથી પેલી નદી
નીકળી મુખ્ય માર્ગ તરફ સરી જતી હતી. આ બધું અલોૈકિક, કદી નહિં કલ્પેલું હું જોઇ રહ્યો હતો! આટલું
બધું સોનું, હીરા, માણેક, મોતી, આરસ, અકીક આ લોકો આટલે ઊંચે ક્યાંથી લાવ્યા? શું તેઓ અમારી પૃથ્વી
પર ઊતરતા હશે? મેં અન્ય ગ્રહવાસીઓની ઘણી કાલ્પનીક કથાઓ વાંચી હતી, એવું હું વિચારતો રહ્યો.
અહીંથી ફરિશ્તાઓ મને એક સોનઘરમાં લઇ ગયા. એમાંની દીવાલો કાચ જેવી પારદર્શક હતી. ઘરનું ફર્શ
સફેદ સંગેમરમરનું હતું. ત્યાં મને આરામ કરવાની સૂચના આપવામાં આવી. એમાં મેં કેટલો સમય વિતાવ્યો
એની ખબર નથી. એક દિવસ મને ત્યાંથી પાછા ફરવાની સલાહ આપવામાં આવી.’
‘મારું યાન નકામું થઇ ગયું છે અને તેમાં બળતણ નથી. હું ક્યાંયે માર્યો જઇશ.’ એમ હું તેઓને
કહેતો રહ્યો. તેઓએ મને અમારી સાલ્યુત પ્રયોગશાળા સુધી વળાવી આવવાની હૈયાધારણ આપી.’
‘હું ફરી સોયુઝમાં પુરાઇ ગયો. મારાં વસ્ત્રો અને અવકાશી સૂટ મેં પહેરી લીધાં. હજુ તો મારું યાન
નિષ્ક્રિય હતું, ત્યાં તો પેલું રાક્ષસી પાંખોવાળું ચોમુખું પ્રાણી મારું સોયુઝ લઇ ઊડવા લાગ્યું. મને ઊંઘ આવવા
લાગી અને પછી શું થયું, એની ખબર રહી નહીં.’
‘નવી ધરતી’ વિશેના તમારા અનુભવો કેટલા આધારભૂત છે? એવા પત્રકારોના જવાબમાં મેં જે
જણાવ્યું હતું, એ ઘણા સંશયથી જુએ છે. છતાં એ તદ્દન સત્ય વાત છે કે મને ત્યાં કોઇ પ્રકારનો ખોરાક
અપાયો ન હતો. સાચું કહું તો મારી ભૂખ અને તરસ ક્યાંયે ગાયબ થઇ ગયાં હતાં. ત્યાંના ફરિશ્તાઓને પણ
મેં કંઇ ખાતા કે પીતા જોયા નહીં. મને ત્યાંના આકાશમાં સૂર્ય, ચંદ્ર કે તારા દેખાયા નહીં. છતાં ત્યાં રાત્રીનો
અંધકાર ક્યાંયે ન ભાસ્યો. આખી સૃષ્ટિ પ્રકાશ પ્રકાશ થઇ જીવતી હતી.’
‘એવી હતી એ દુનિયા અને એવા હતા ત્યાંના લોક!’
૫
ઇઝરાયલનો એન્ટેબી વિજય
૧૯૭૬ની સાલ
ખુશનુમા વાતાવરણ અને સ્વચ્છ આકાશમાં એક હવાઇ બસ ઘુરરાટી કરી રહી હતી. તેમાં ૨૬૦
ઉતારુઓ હતા અને વિમાનચાલકોની ટોળી પણ. બધાંના ચહેરા પ્રફુલ્લિત અને ખુશ જણાતા હતા.
એક સાહેબ છાપું વાંચતા હતા અને એક બહેન નવલકથા. બે દોસ્તો ગપસપ કરતા હતા અને એક
યુગલ ગુલતાનમાં હતું. એક ભાઇ ચૂપચાપ બેસી નોંધ કરતા હતા, તો એક વૃદ્ધ બાનુ ઘોરતાં હતાં.પેલા સાહેબે
છાપું મૂકી દઇ, વિમાનપરિચારિકા પાસે કંઇક માગણી કરી. અને ‘જુઓ, એથેન્સ આવ્યું’ નોંધ કરતા લેખકશ્રી
ખૂબ ધ્યાનથી નીચે નીરખી રહ્યા. કેવું મઝાનું એથેન્સ! હજુ પણ પુરાણા ઐતિહાસિક નગરની યાદ આપે છે.
એરબસ નીચે ઉતરાણ કરતી જાય છે, એ સાથે ઉતારુઓને સૂચનાઓ અપાતી રહે છે.
એક બેબીએ ગભરાઇને આંખો બંધ કરી દીધી.
‘બેટી હાન્ના, જો તો ખરી, નીચે કેવું સુંદર દૃશ્ય દેખાય છે!’
‘મારે જોવું નથી. મારા પેટનું પાણી હાલી ઊઠ્યું છે.’ અને એ સાથે હવાઇ બસ એથેન્સના હવાઇ
મથકે થોભી.
‘બેટી, હવે તો જો.’ હાન્નાએ આંખો ખોલી અને પેસેન્જરોને ઉતરતાં જોઇ બોલી, ‘બા, આટલા બધા
લોકો અહીં ઉતરી જાય છે?’
‘બેટી, એમાંના કેટલાંક નીચે થોડું ફરી પાછા આવશે અને બીજા નવા ઉતારુઓ ચડશે પણ ખરા.
અડધા કલાકના વિરામ પછી આપણે ફરી ઉડીશું. તારે ફ્રાન્સ જોવું છે ને? ત્યાં તારાં દાદી અને માસી આપણને
લેવા આવશે. હું ત્યાં જ મોટી થઇ હતી. ત્યાં તને રમવા ફરવાની ખૂબ મઝા આવશે.’
‘બા,બા, જો તો, આ કોણ છે?’
ફૅશનેબલ વસ્ત્રોમાં સજ્જ ત્રણ જુવાનોએ વિમાનમાં પ્રવેશ કર્યો. આસપાસ ચાલતા બે યુવાનોનાં મોં
ગંભીર હતાં. તેઓ સીધી નજરે આગળ ચાલ્યા જતા હતા. તેઓની વચ્ચે ચાલતી એક અલમસ્ત યુવતી
હસતીમલકતી તેમની સાથે આગળ જઇ રહી હતી. પેલા બે યુવાનોએ ખભે ઝોળીઓ લટકાવી હતી. અને પેલી
યુવતીએ એક યુવાનના ખભે પોતાનો હાથ રાખ્યો હતો. એક પૅસેન્જર બાનુ ખાંસી ખાતાં હતાં. તેમની
આગળની બેઠકે ત્રણે જણ ગોઠવાઇ ગયાં.
‘વઇવઇ, જવાનો તો મારા વા’લા મસ્ત છે અને પાછા કોઇ છોકરીને લાવ્યા છે! અરે એમની
ઝોળીઓ તો જુઓ, કેવી ભારેભારે છે! મુઆ ચાંચિયા તો નથી ને?’ બાનુએ ખાંસી દબાવી બાજુમાં કાનાફુસી
કરી.
‘ના રે ના, માજી, તમે કેમ ડરો છો? આ બધા શું મૂર્ખ છે? દરેક હવાઇ મથક પર પૂરું ચેકિંગ થાય
છે. પછી જ ઉતારુઓ વિમાનમાં પ્રવેશે છે. વળી આ તો મહાસત્તાનું વિમાન છે. એને આંચકી તો જુએ. અહીં
બેઠેલા લગભગ સેંકડો મુસાફરો તો આપણા જ છે. આપણે એકલાં થોડાં છીએ!’ પાડોશી જુવાન છોકરીએ
બહાદુરી બતાવી.
સાથે આગળની બેઠકે હસાહસ ચાલી અનેે એકબીજાને તાળીઓ અપાઇ. નીચે ઉતરેલા ઊતારુઓ
કંઇ ખરીદી કરી પાછા વળી રહ્યા હતા. બે ફ્રેન્ચ વિમાન પરિચારિકાઓ યુનિફૉૅર્મમાં પોતાની બૅગ સાથે વિમાન
તરફ આગળ વધી રહી હતી. એમને જોઇ વિમાનમાંથી બે પરિચારિકાઓ પોતાની બૅગ લઇ ઊતરી જવા
લાગી. તેમણે આગંતુક બહેનોનો સત્કાર કરી કેટલાંક પેપર્સ તેમને આપ્યાં અને વિદાય લીધી. નવી આવેલી
પરિચારિકાઓએ વિમાનસેવાનો હવાલો સંભાળી લીધો અને એક પછી એક મુસાફરોએ આવી પોતપોતાની
જગા મેળવી લીધી. એ સાથે સૂચના અપાઇઃ‘મહેરબાની કરીને ધ્યાન આપો એર ફ્રાન્સ બસ કે.એલ.૯૦૦
ઊડવાની તૈયારીમાં છે. મુસાફરોને વિનંતી છે કે તેઓ પોતાની જગા લઇ લે.’એ જ શબ્દો બબ્બે, ત્રણ ત્રણ
ભાષાઓમાં દોહરાવવામાં આવ્યા. બધાંએ પોતાનો માલસામાન સંભાળી લીધો અને છેલ્લે દસેક વિમાનચાલકોનું
દળ એમના મદદનીશો સાથે એન્જિન કૅબિનમાં ગોઠવાયું. નાની હાન્ના માની સોડમાં રહી, બધે નજર ફેરવતી
હતી. એની આંખ જમણી તરફ બેઠેલી પેલી ત્રિપુટી પર પડી.
‘બેટા, એમ ધારીધારીને શું જુએ છે?’
‘બા જોને પેલી બે માણસો વચ્ચે બેઠેલી છોકરી, કેવી સરસ છે, અસ્સલ મારી માસી!....’આ
સાંભળતાં જ પેલી યુવતીએ આંખો કાઢી અને હાન્ના વચ્ચે જ ચૂપ થઇ ગઇ. તરત વિમાનના આગળના
પંખાઓની ફેરફુદરડી શરૂ થઇ. કાન બહેર મારી જાય, તેવી ઘરેરાટી સંભળાવા લાગી અને તરત વિમાન
ઊંચકાયું. પેલા બે જુવાનો નીચા વળી એમની ઝોળીઓ ફંફોળવા મંડ્યા. વચ્ચે બેઠેલી યુવતી સાવચેત જણાતી
હતી. પાછળ બેઠેલાં બાનુ શ્રીમતી ડૉરા ફરી બબડ્યાં : ‘આ બે જણા મારા વા’લા ગઠિયા લાગે છે! જો ને,
ક્યારનાય શું ફંફોળ્યા કરે છે?....’ ‘અલ્યા એ ભાઇ શું ખોવાયું છે? આમ ક્યારનો શું ફંફોળે છે?’ તેમણે
પુછયું.
સામેથી કોઇ પ્રત્યુત્તર ન મળ્યો. ફક્ત આગળ બેઠેલી પેલી છોકરીએ ડોક ફેરવી, પાછળ નજર કરી
લીધી. આગળના ભાગમાં ઍર-હૉસ્ટેસ પેલા લેખક સાથે વાત કરી રહી હતી. ઍરબસ સંપૂર્ણ ઊંચાઇએ
પહોંચી ગઇ હતી. ત્યારે પેલા બે યુવાનોની વચ્ચે બેઠેલી યુવતી ઊભી થવા લાગી.
‘મારું, કામ છે?’ પરિચારિકાની તેના પર નજર પડતાં તેણે પ્રશ્ન કર્યો. પાછળ ઊભેલી બીજી
પરિચારિકા પણ એની નજીક જવા લાગી. પેલી યુવતી તો સાથેના સાગરીતને હાથ દઇ, સડસડાટ આગળ
આવી ગઇ. બે હાથમાં બે રંગીન ગોળા ઊંચા કરી એ તુમાખીથી ઉભી રહી.
‘ખબરદાર, કોઇએ ઊભા થવાની કોશિશ કરી છે તો. જાનથી ઉડાવી દઇશ.’
એ સાથે પેલા બેમાંનો એક પિસ્તોલ સાથે કૉકપીટમાં પાયલટ પાસે ધસી ગયો અને બીજો પાછળ
ગોઠવાઇ ગયો.
બધા અવાક બની ગયાં. તેઓની આંખો પેલી યુવતી અને બે બદમાશો પર ઠરી હતી. ઘણાં
એકબીજાના ચહેરા જોવા લાગ્યાં. શ્રીમતી ડૉરા તો ગાંડાની જેમ આમથી તેમ જોવા લાગ્યાં અને મનોમન કહેતાં
હતાંઃ ‘જુઓ, હું કહેતી હતી ને!’
‘શ્રીમાન પાયલટ, આપનું વિમાન યુગાન્ડા તરફ લો’ - કૉકપિટમાં ઊભેલા યુવાને હુકમ કર્યો. તરત
વિમાન ધીરું પડ્યું અને ફ્રાન્સનો માર્ગ છોડી યુગાન્ડા તરફ ફંટાયું.
આ બાજુ, ફ્રાન્સના પૅરિસ હવાઇ મથકે ઍરબસનો લાંબો વિરામ હતો. કેટલાંય લોકો પોતાનાં
સ્નેહીઓને મળવા અને લેવા આવ્યાં હતાં. બધાં ઉમળકાભેર ઍરબસની રાહ જોતાં બેઠાં હતાં. હવે સાત
મિનિટ બાકી છે, હવે છ, પાંચ, ચાર અને ફક્ત ત્રણ! પણ વિમાનનો અણસાર સરખો ય જણાતો નથી.
વિમાનઘરના કંટ્રોલરૂમમાં હજુ કોઇ સંદેશો ઝિલાયો નથી. એટલે સામેથી સંપર્ક કરવા પ્રયત્નો થયા પણ
નિષ્ફળ. સંદેશાવાહક મુંઝાયો, લોકો ઉતાવળાં બની ગયાં હતાં.
‘સર, કે.એલ.૯૦૦નો કૉન્ટેક્ટ મળતો નથી.’ સંદેશાવાહકે અધિકારીને જાણ કરી.
‘શું કહો છો!’ અધિકારી ચોંકી ગયો.
‘જી, ત્યાંથી કોઇ સંદેશો નથી. વળી મેં ટ્રાય કરી...’
‘ફરી પ્રયત્ન કરો,’ અધિકારીએ હુકમ કર્યો.
‘યસ, સર.’ અને ફરી નંબર મંડાયો. પણ વ્યર્થ સંદેશાવાહક રેબઝેબ થઇ ગયો. કંટ્રોલરૂમમાં
દોડધામ મચી ગઇ. બધા ઑફિસરો સંદેશાકૅબિનમાં દોડી આવ્યા. લોકોની પૂછપરછ ચાલુ રહી. તેમને શો
જવાબ આપવો? આખરે જાહેરાત થઇ.
‘મહેરબાની કરી ધ્યાન દો. ફ્લાઇટ નંબર કે.એલ.૯૦૦ દસેક મિનિટ મોડી આવશે.’
‘હેં, હેં, કેમ? કેવી રીતે? શું થયું?’ લોકો ગણગણવા લાગ્યાં
‘ગમે તેમ, લોકોને હમણાં શાંત કરવા આ જાહેરાત કરવી પડી છે.’ ઑફિસરે ઉત્તર વાળ્યો.
કંટ્રોલરૂમમાં ભારે ચિંતાનું વાતાવરણ સર્જાયું. દરેક આવતી ફ્લાઇટ પોતે જ એનો સંદેશો પાઠવતી
હતી અને....
‘મિસ્ટર રૉબર્ટસન, ઍથેન્સથી ઍરબસ નીકળી એનો સંદેશો હશે ને?’
‘યસ, સર. ફ્લાઇટ બરાબર ૭.૧૦ મિનિટે શરૂ થઇ હતી.’
‘પછી?’
‘કાંઇ સમાચાર નથી.’
‘શું કોઇ દુર્ઘટના સર્જાઇ હોય?’
‘નો, સર. કે.એલ.૯૦૦ તો બ્રાન્ડ ન્યુ સર્વિસબસ છે.’
‘તો પછી બીજું શું હોય?’
ત્યાં જ કે.એલ.૯૦૦ની લાઇન આપતી સંદેશા પીન બોક્સમાં લીલી બત્તી થઇ અને તરત
સંદેશાવાહકે રિસીવર લઇ કૉન્ટેક્ટ કર્યો. બધા ઑફિસરો એની નજીક આવી ગયા.
‘હલો ઍર પેરિસ ટર્મિનસ, કે.એલ.૯૦૦ સલામત યુગાન્ડા ઉતરી ગઇ છે.’
‘હેં, કેમ? શું થયું?’
પણ તરત લાલ બત્તી થઇ અને સંપર્ક કપાઇ ગયો. એ અંગે પ્રતીક્ષાલયમાં સૂચના અપાઇઃ
‘મહેરબાની કરી ધ્યાન દો. ફ્લાઇટ નંબર કે.એલ.૯૦૦ને યુગાન્ડામાં ઉતરાણ કરવું પડ્યું છે. તે
ક્યારે આવશે એ નક્કી નથી પણ બધું સલામત છે.’
કંટ્રોલરૂમમાં ફરી લીલીબત્તી થઇ અને સંદેશો આવ્યો : ‘હલ્લો ઍરપેરિસ, અમને સરકારી સંપર્ક જોડી
આપો.’
‘કેમ, શું કામ છે?’
‘કોઇ પડપૂછ વિના કહ્યું તેમ કરો.’
સંદેશાવાહકે ઉડ્ડયનમંત્રાલયનો ઝટ સંપર્ક કરી આપ્યો. વાતચીતમાં લાંબો સમય નીકળી ગયો.
કેટલાંક કંટાળીને ચાલતાં થયાં. ઘણાં થાકીને વિરામગૃહમાં બેસી પડ્યાં. કેટલાંક કંટ્રોલરૂમની બારીએથી
ઑફિસરોની ગુસપુસ નિહાળી રહ્યાં અને ફરી જાહેરાત થઇઃ
‘એક અગત્યની જાહેરાતઃ ફ્લાઇટ કે.એલ.૯૦૦ને હાઇજૅક કી યુગાન્ડા લઇ જવાઇ છે. એના કોઇ
નક્કી સમાચાર આપી શકાય તેમ નથી. જેમજેમ સમાચાર આવતા જશે, તેમતેમ અમે ટી.વી પર જણાવતા
રહીશું.’ આ જાહેરાત સાંભળતાં લોકો અંદરોઅંદર વાતો કરતાં ઘર તરફ વળ્યાં.
બીજા દિવસે સમાચાર પત્રોમાં વિગતો અપાઇ : ૨૬૦ ઉતારુઓ સાથે ફ્રાન્સની એરબસનું અપહરણઃ
ગેરીલાઓ ઍરબસને હાઇજૅક કરી, યુગાન્ડા લઇ ગયા. તેમણે ઇઝરાયલ, અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સમાં કેદ
રખાયેલા ૬૫ આરબ ગેરીલાઓની મુક્તિની માગણી ના સ્વીકારાય, તો ઉતારુઓ સહિત વિમાનને ફૂંકી
મારવાની ધમકી આપી છે.
આ સમાચારે દુનિયાભરમાં ખળભળાટ મચાવી મૂક્યો. લાગતાવળગતા દેશો ચિંતામાં પડી ગયા.
ઇઝરાયલમાં રસ્તાઓ પર અને ગલીઓમાં લોકો ટોળે વળી એની ચર્ચા કરતા હતા. લોકોમાં ગભરાટ અને
મૂંઝવણની લાગણી ફેલાઇ હતી. એ સંબંધે ત્યાં. નેસેટ (પાર્લામેન્ટ)ની ખાસ મીટિંગ બોલાવવામાં આવી.
મિટિંગમાં સંરક્ષણમંત્રીએ અપહરણ અંગે લાંબું નિવેદન કર્યુંઃ
‘ફ્રાન્સ ઍરબસને યુગાન્ડામાં ઍન્ટેબી ઍરપોર્ટ પર રાખવામાં આવી છે. આપણા એજન્ટની માહિતી
અનુસાર અપહરણની જવાબદારી જર્મનીના શ્રી વિલ્ફે્્રડ બોઝે લીધી છે. તેની સાથીદાર જર્મનસ્ત્રી છે અને બીજો
આરબ છે. ઍરબસની પાસે સંહારક શસ્ત્રો ભરેલી એક વાન અને બે હેલિકૉપ્ટરો પડ્યાં છે. જેવું વિમાન ત્યાં
ઊતર્યું કે યુગાન્ડાના સૉલ્જરો એને ઘેરી વળ્યા હતા. તેમાં પાંચ આરબ છાપામારો હતા. તેઓ ઝટપટ આગળ
આવી જર્મન ચાંચિયાઓને ભેટ્યા હતા. ત્યાંથી મુસાફરોને ટર્મિનસ-હૉલ પર લવાયા હતા. તેમણે યુગાન્ડાના
પ્રમુખ શ્રી ઇદી અમીનને જર્મન છાપામારો સાથે વાત કરતાં જોયા હતા. એ સમયે એકકાળી મર્સિડીઝ કાર ત્યાં
આવી હતી અને બીજા બે ગેરીલાઓ તેમાં ભળ્યા હતા. તેમાંનો એક બોઝને ભેટી પડ્યો હતો.’
‘બાન પકડાયેલાં મુસાફરોને પહેલાં ૨૪ કલાક માટે યુગાન્ડાના સૈનિકોની દેખરેખ હેઠળ રખાયા
હતા.’ ત્યાર બાદ ગેરીલાઓએ તેમનો હવાલો સંભાળ્યો હતો. ગેરીલાઓને યુગાન્ડાના સૈનિકોએ
સબમશીનગન, પિસ્તોલ અને સ્ફોટક પદાર્થો પૂરા પાડ્યાં હતાં. પછીના દિવસથી અમીનના સૈનિકોએ ટર્મિનસ
બહારનો બંદોબસ્ત સાચવ્યો હતો. તેમાંના મોટા ભાગના બાનોની ચોકી માટે પહેલા મજલે રહ્યા હતા. આ
સમય દરમિયાન ગેરીલાઓ આરામથી ફરતા હતા. તેમને બહાર આવવા જવા માટે સરકારી મોટરો અને
સંદેશાવાહક યંત્ર અપાયાં હતાં.
‘જ્યારે ગેરીલાઓએ એક પછી એક પૅસેન્જરોની ઝડતી લીધી ત્યારે અમીનના સૈનિકોની મદદ
લેવાઇ હતી. અમીનના સૈનિકોએ ઉતારુઓ સાથે શરમજનક વ્યવહાર કર્યો હતો અને પેશાબખાને જવા સુધી
તેમને બંદૂકો બતાવાતી હતી. ઉતારુઓમાં સોએક આપણા માણસો છે. તેમને જુદાં તારવી કાઢવામાં આવ્યાં છે.’
‘બોલો, શું કરીશું?’ ઇઝરાયલની નેસેટમાં પ્રધાનમંત્રીએ સવાલ કર્યો.
‘તરત લશ્કરી કાર્યવાહી કરો.’ એક સૂચન આવ્યું.
‘એ પછી પણ પહેલાં બીજું કંઇ?’ સંરક્ષણમંત્રીએ પૂછયું.
‘ગેરીલાઓને છોડી દેશબંધુઓના જાન બચાવો.’બીજું સૂચન આવ્યું એના તરફ લોકો આંખો કાઢી જોઇ
રહ્યા.
‘મિસ્ટર દાયાનની સલાહ પૂછી હોય તો?’ ત્રીજાએ સૂચવ્યું.
‘એ બધું હું જોઇ લઇશ પણ તમે કોઇ માર્ગ સૂચવો છો?’
બધા ચૂપ રહ્યા અને પાર્લોમેન્ટ ગેરીલાઓ પાસે એક દિવસની મુદત વધારી આપવા સંમત થઇ.
એ દિવસે જનાબ ઇદી અમીનની દરમિયાનગીરીથી ૧૫૦ બિનયહૂદીઓને મુક્ત કરી દેવામાં આવ્યાં.
જ્યારે ૧૦૦ યહૂદીઓને વ્યવસ્થિત રીતે બાન તરીકે રાખવામાં આવ્યાં. પેલી ઘરડી યહૂદી શ્રીમતી ડૉરા
શરૂઆતથી જ ગેરીલાઓને પામી ગઇ હતી. તે અસ્વસ્થ જણાતાં શ્રી અમીનની સલાહથી તેને સરકારી
હોસ્પિટલમાં લઇ જવાઇ. હવે બાકી રહેલાં નિર્દોષ નાગરિકો પર કડક બંદોબસ્ત ગોઠવાયો.
ગેરીલાઓએ ભેગા મળી યહૂદીઓની મજાક કરવા માંડી.
‘હ... હા... હ... કેમ મસ્તી છેને!’ એકે કહ્યું.
‘શું કરે છે, પેલો વનઆઇડ દાયાન તમારો?’ બીજો બોલ્યો.
‘ઇઝરાયલ જવું છે કે પછી દાયાન લેવા આવશે?’ ત્રીજાએ ઉડાવવા માંડી.
‘ઉપઉપ, ડાયાન નહિ ફ....પ્ફેરેસ અને ગોલ્ડા નહિ ર...રાબિન.’ પેલી યુવતીએ ઠસ્સો કરી મજાક
કરી.
એ દિવસે અમીનદાદાએ ઇઝરાયલની માગણી માન્ય રાખી, એક દિવસની મુદત વધારી આપી,
ગેરીલાઓને એમણે મનાવી લીધા.
‘કાલે સોદો પતવો જોઇએ, નહિ તો આ સોએ યહૂદી સ્ત્રી-પુરુષોને ઉડાવી દઇશું.’ એકે કહ્યું.
‘એય, જો તો ખરો પેલી નાની છોકરી કેવી મસ્તીથી સૂતી છે!’ ગેરીલા યુવતીએ બધાનું ધ્યાન દોર્યું.
‘અલી એય, એ શું તારી લાડલી છે?’ એણે બાલિકાને સોડમાં લઇ સૂતી યહૂદીસ્ત્રીને પૂછ્યું.
‘હા’
‘શું નામ છે, એનું?’
‘હાન્ના.’
‘અરે, હા અને ના-વાળી એને જગાડ. આ તારા બાપનું ઘર નથી, સમજી?’ ગેરીલા યુવતી દમ મારવા
લાગી.
છતાં હાન્નાની મમ્મીએ એની જરા પણ દરકાર કરી નહિ. ત્યાં બૉઝ મૂછો મરડતો આવ્યો અને જર્મન
યુવતીને તેણે જોરથી ખભે ધબ્બો માર્યો. બંનેની નજરો મળી. બોઝે પોતાની મશીનગન તેને પકડાવી. એક
બહાદુર સ્ત્રીની અદાથી પેલી યુવતીએ એક હાથમાં મશીનગન ઉઠાવી અને બીજા હાથે પોતાની પિસ્તોલ સાથે
રમત કરવા લાગી. ઘડીક બોઝ તેને નીરખી રહ્યો. થોડું, રોકાઇ તે મલકાતો મલકાતો બહાર ચાલ્યો ગયો અને
થોડી વારમાં પાછો આવી પોતાને સ્થાને ગોઠવાઇ ગયો.
એ છેલ્લી રાત હતી. સોએ જીવો પર જીવનમરણનો તડકોછાંયો ડોકિયાં કરતો હતો. તે રાત્રે સોએ
જણને ચાર જુદીજુદી ટોળકીઓમાં વહેંચી દેવામાં આવ્યાં. તેમાંનું કોઇ નાસવાની કોશિશ ન કરે, માટે દરેક
ટોળીની આસપાસ સ્ફોટક પદાર્થોનો ઘેરાવો કરવામાં આવ્યો. છતાં ત્રણ દિવસમાં થાકેલાં એ યહૂદીઓ ત્યાં
આરામથી લંબાવી ગયાં. તેઓ જાણે મોતને પડકારતાં હોય, કે મોતને આવવું હોય તો ચારે દીવાર તોડીને આવે.
ગેરીલાઓનો પાકો બંદોબસ્ત હોત. તેઓ યહૂદીઓની મજાક કરીને પણ થાક્યા હતા.
‘મને તો એમ થાય છે કે હમણાં જ મશીનગન ચલાવી દઉં!’ પેલી યુવતીએ બહાદુરી બતાવી.
‘ધીરે હવે થોડા જ કલાકો બાકી છે. હાથ તો મારા પણ ચમચમે છે.’ બોઝે યુવતીને ગળે હાથ
વીંટાળતાં કહ્યું.
‘અરે યાર, મારા કાકાના છોકરાને અમેરિકાની જેલમાં પાંચ વર્ષ થઇ ગયાં. મારા બેટા શું સમજતા
હશે!’’ બીજો બોલ્યો.
‘અમેરિકાની વાત જવા દો. એક પછી એક બધા યહૂદીઓની કમર તોડી નાખો, એટલે બધા ઠેકાણે
આવી જશે.’ ત્રીજા દાઢીવાળાએ સિગારેટનો દમ ભરતાં કહ્યું.
રાત ઝડપથી પસાર થઇ રહી હતી. કેટલાક યહૂદીઓ વારે ઘડીએ પડખું ફેરવીને ગેરીલાઓ સામે
જોઇ લેતા હતા. હાન્ના બેબી માની સોડમાં લપાઇને ઘોર નિદ્રામાં પોઢી હતી. વાતાવરણ શાંત અને ગંભીર હતું.
ક્યારેક મોટરકારની અવરજવરનો નીચેથી અવાજ સંભળાતો હતો. વચ્ચે વચ્ચે સૈનિકોનાં પગલાંનો ખબખબ
અવાજ સંભળાતો હતો. એ સિવાય આખું યુગાન્ડા જાણે રાત્રિની બાહોમાં જકડાયેલું હતું.
વિમાનઘરની માર્ગદર્શક સર્ચલાઇટ આકાશમાં ચારેતરફ ઘુમરીઓ ખાતી હતી. સ્વચ્છ આકાશમાં
તારાઓ ટમટમી રહ્યા હતા. એવામાં કંટ્રોલરૂમમાં લાલ બત્તી થઇ અને તરત લીલી, સાથે હવાઇ કૉલ આપતી
ઘંટડી રણકી. બગાસાં મારતાં સંદેશાવાહકે દોડી રિસીવર ઉપાડ્યું.
‘હલ્લો, ઍન્ટેબી. યુ.એન.ડી.૩ આરબ ગેરીલાઓની માગણી પૂરી કરવા કેટલાક કેદીઓ લઇ આવે
છે.’
‘હેં શું કહ્યું?’
‘આરબ પ્રિઝનર્સ સર્વિસ, પ્લીઝ!’
સંદેશવાહક રાજી થઇ ગયો. તેણે ‘સબ સલામત’નો સિગ્નલ આપી દીધો. આકાશમાં વિમાનની
ઘરેરાટી સંભળાવા લાગી. ફરી તરત, લાલ, લીલી બત્તી થઇ.
‘હલ્લો, ઍન્ટેબી ઍર ટર્મિનસ, અમારું ઍર બોઇંગ ૭૦૯ રેગ્યુલર સર્વિસમાં છે.’
અને સિગ્નલ અપાયો ‘સબ સલામત.’
આકાશમાં ભારે ઘરેરાટી સંભળાવા લાગી. નીચે પહેરો ભરતા યુગાન્ડાના સૈનિકો ઉપર તાકી રહ્યા.
આકાશમાં વિમાનની કોઇ બત્તી દેખાતી ન હતી. ઘડીભરમાં બે તોતિંગ હવાઇ જહાજો નીચે ઊતરી આવ્યાં.
સૈનિકો આંખો ફાડી જોઇ રહ્યા. નીચે આવતાં જ વિમાનની લાઇટો ઑન થઇ. ઍર-રૂટ પર બેઉ વિમાનો
પાસપાસે ખાબક્યાં. એ સાથે કોઇ અતિ તેજીલો ગુબારો છૂટ્યો. આખું ઍન્ટેબી ઝગમગી ઊઠ્યું! અમીનના
સૈનિકો એ પ્રકાશમાં અંજાઇ ગયા.
થોડી વારમાં તેમની આંખો કામ કરતી થઇ તો એક આર્મી, નાની આર્ટિલરી સાથે ઍન્ટેબી ટર્મિનસ
બિલ્ડિંગ તરફ જતાં દેખાઇ. જીપગાડીઓ, નાની રણગાડીઓ, મશીનગનો અને કાળામસ નીગ્રો બંદૂકધારીઓ
ઝપાટાબંધ આગળ વધી રહ્યા હતા. અમીનના સૈનિકો તો ચક્કર ખાઇ ગયા! માન્યામાં ન આવે તેવું દૃશ્ય! શું આ
સ્વપ્ન તો નથી ને! ખુલ્લા આકાશમાં ચકરાવા લેતું એક વિમાન સાફ દેખાતું હતું. ‘દુશ્મનો તો હોય જ નહિ. અલ્લા
જાણે કોણ છે આ લોકો!’ એમ સિપાઇઓ તાજ્જુબી પામવા લાગ્યા.
સૌ પ્રથમ ટર્મિનસ બિલ્ડિંગના ઉપલા મજલે એક સામટા કેટલાય ધડાધડ, ધડાધડ અવાજો ગર્જયા.
યુગાન્ડાના સૈનિકો એ તરફ દોડ્યા પણ હજુ બાનોની મુદત પૂરી થઇ ન હતી. તો પછી ઉપર આ શાના
બૂમબરાડા અને ધમાલ વર્તાય છે? અમીનના સૈનિકો ટર્મિનસ બિલ્ડિંગમાં પ્રવેશ્યા કે એમના પર હુમલો થયો.
‘દુશ્મન... દુશ્મન...’ તેઓ બરાડી ઊઠ્યા.
કોઇ અજાણી ભાષામાં સૂચના અપાતી તેમણે સાંભળી. બાન પકડાયેલાં લોકો ભોયતળિયે ઊંધા થઇ
ગયાં હતાં. તેમના શ્વાસ ધસમસતા હતા. બીજી બાજુ ગોળીઓની ભારે રમઝટ ચાલી હતી. ટર્મિનસ પર
લોહીધારાઓ વહી જતી હતી. બોઝ ગોળીઓથી વીંધાઇ ગયો હતો. દાઢીવાળો સખ્ત રીતે ઘવાતાં, પાગલ જેવો
થઇ બંદૂક સાથે ભાગી છૂટ્યો હતો. એની પાછળ દુશ્મનો પડ્યા હતા. જર્મન યુવતીને એક જ ગોળીએ
ભોયભેગી કરી દેવાઇ. પેલો દાઢીવાળો ભાગતો ભાગતો ગૅલરી પાસે પહોંચ્યો અને ગાંડાની જેમ આકાશ તરફ
મશીનગન ઉઠાવી તેણે ગોળીઓનો વરસાદ વરસાવ્યો. એ સાથે એક ગોળી એના પર આવી અને એને લઇને
નીચે પટકી દીધો. ઉપરના દસેક ગેરીલાઓને સફાચટ કરી દેવાયા હતા.
પછી અમીનના સૈનિકોનો પીછો થયો. ગોળીબારો ઘડીભર શાંત પડતાં ચાર યહૂદી બાનો ઊભા થઇ
ગયા. અમીનના સૈનિકો સાથે ગોળીઓની આપલેમાં તેઓ ચારેય વીંધાઇ ગયા. અમીનના સૈનિકો નાસભાગ
કરવા લાગ્યા. ભારે ચિત્કાર અને ચિચિયારીઓ સંભળાતી હતી. છેવટે બધા એકી અવાજે પોકારી ઊઠ્યા :
‘ઇઝરાયલ... ઇઝરાયલ...’
એ પોકાર સાથે જ ભોંયે ઊંધા પડેલાં બધાં બાનો ઝટપટ ઊભાં થઇ ગયાં. ઇઝરાયલી અફસરોએ
બાનોની આસપાસનો સ્ફોટક પદાર્થ ખસેડી લીધો. યહૂદીઓ તો જોતા જ રહી ગયા. ‘શું આ આપણા માણસો!’
દરેકને નીચેના વિમાનોમાં જલદી જગા લઇ લેવા તેઓની માતૃભાષામાં કહેવામાં આવ્યું. ભારે અચંબા વચ્ચે
બાળકો, જુવાનો, સ્ત્રીઓ અને પુરુષો સડસડાટ દાદર ઊતરવા લાગ્યા. તેમની બંને બાજુ કાળા મશીનગન
ધારીઓ કડક પહેરા સાથે બાનોને જાણે બીજે લઇ ચાલ્યા! છતાં ત્યાં યહૂદી બાનો સલામત હતાં. એમના મુખ
પર કોઇ બીકનું નિશાન ન હતું.
ઇઝરાયલી કમાન્ડોની ટોળી મુક્ત કરાયેલાં બાનોને લઇ રનવે પર પહોંચી. ત્યાં બે રાક્ષસી હન્ટર
વિમાનો ઊભા હતાં. તેમનાં યંત્રો ચાલુ હતાં યહૂદીઓને બે ભાગમાં વહેંચી બેઉ વિમાનમાં લઇ લેવાયાં.
વિમાનોની આસપાસ રણગાડીઓનો સજ્જડ પહેરો હતો. ઉપર ઊડતું જૅટ ક્યારેક ડૂબકી ખાઇ પાછું ઉપર
ચાલ્યું જતું ત્યારે બે લશ્કરી આગેવાનો કંઇ ગફતેગુ કરી રહ્યા હતા.
‘હવે ભારે તકેદારી રાખવી પડશે.’ કર્નલ યોનાથને સૂચવ્યું.
‘વાત સાચી છે. દુશ્મનોનો હવાઇ હુમલો થાય, તો?’ બ્રિગેડિયર શોમરોને શંકા વ્યક્ત કરી.
‘મિસ્ટર બ્રિગેડિયર, મને એક ટોળી આપો અને આપ આપણા વિમાનોની જવાબદારી સંભાળી લો.’
‘ઓ કે દોસ્તો, આગળના પચીસ સૈનિકો કર્નલ સાથે જોડાય. બાકીના મારી સાથે વિમાનમાં આવો.’
એમ શોમરોનની ટોળી વિમાન તરફ ચાલી અને યોનાથનની ટોળીએ ટર્મિનસની જમણી પાંખ તરફ કૂચ
આરંભી. દરેકના મુખ પર અદમ્ય જુસ્સો અને અપૂર્વ સાહસ સ્પષ્ટ વર્તાતાં હતાં . જમણી પાંખ તરફ આગળ
વધતાં ડિફેન્સઝોન શરૂ થયો. ત્યાં કેટલાક પહેરેગીરો ફરજ બજાવતા હતા.
‘શૂટ, શૂટ,’ ઑર્ડર થયો.
ધડાધડ કરતી કેટલીય ગોળીઓ છૂટી અને એક પછી એક કરતાં બધા પહેરેગીરો જમીન પર
લાંબાસટ થઇ ગયા. આ દૃશ્ય ટર્મિનસ ટાવર પરનો સૈનિક જોઇ ગયો. તેને દુશ્મનોનો વહેમ પાકો થઇ ગયો.
ડિફેન્સઝોનમાં પ્રવેશી ઇઝરાયલી કમાન્ડોએ ત્યાં પડેલાં લડાયક વિમાનો પર બોમ્બ ઝીંક્યા. એથી ત્યાં પડેલાં
બારેક વિમાનોમાં ભારે આગ લાગી. આગના પ્રકાશમાં વિમાનો પર રૂસી બનાવટની છાપ સ્પષ્ટ વર્તાતી હતી.
એ વખતે સર... ર... ર...કરતી એક ગોળી ત્યાં ધસી આવી અને ટોળીના આગેવાનની છાતીમાં ખૂંપી ગઇ.
એક ઇઝરાયલી સૈનિક એ દિશા પામી ગયો. તેણે ટર્મિનસ ટાવર પર મશીનગનમારો ચલાવ્યો અને પેલો
પહેરેગીર ચાળણી થઇ નીચે ઢળી પડ્યો.
કર્નલ યોનાથનને ઊંચકી ઇઝરાયલી સૉલ્જરો ઝડપથી વિમાન પાસે દોડી ગયા. બ્રિગેડિયર શોમરોન
પોતાના સાથીની હાલત જોઇ દુઃખી થયો. લોહી ટપકતા કર્નલના મુખમાંથી શબ્દો સંભળાયાઃ
‘વિલંબ ન કરશો બધું સલામત છે. વિમાન ઊઠાવો. મેં દેશ પ્રત્યેની મારી ફરજ અદા કરી છે!’
‘દોસ્ત તું વધુ ઘવાયો છે. હવે સમય બિલકુલ નથી. ઓલરાઇટ, ઇશ્વર તારા પર કૃપા કરે. તારી
કુરબાનીએ જ અમે ગઢ જીતી આવ્યા.’
સમયની દરેક ક્ષણ કીમતી હતી. યોનાથનને ઝડપથી વિમાનમાં લઇ લેવાયો. બધાં આવી ગયાં છે
એની ચોક્કસાઇ કરી લેવાઇ. એ સાથે વિમાન આસપાસનો પહેરો હઠાવી લેવાયો અને વિમાનો વીજળીવેગે
હવામાં ઊડ્યાં.
પરોઢ થવા આવી હતી. નિર્જન ઍન્ટેબી પર કેટલીક લાશો આમતેમ પડી હતી. ડિફેન્સ ઝોનમાં હજુ
આગ પ્રજવળતી હતી. શોમરોને જોયું તો ઍન્ટેબી પર ઉતરી રવાના થયાને ફક્ત પાંત્રીસ મિનિટ થઇ હતી. એ
પાંત્રીસ મિનિટમાં પોતાના દેશે અસાધારણ વિજય પ્રાપ્ત કર્યો હતો. એ તો ખરેખર ચમત્કાર કહેવાય! દુશ્મનનું
આખું લશ્કર પોતાના પર ચડી આવ્યું હોત, તો! પણ તેઓ ઊંઘતા રહ્યા અને પોતે સહેલાઇથી ત્રાસવાદીઓનો
ખાત્મો બોલાવી દીધો. એ કેવળ રાજાઓના રાજા સર્વશક્તિમાન ઇશ્વરની મહેરબાની હતી અને તરત તેને
યોનાથનની યાદ આવી.
‘હેલો એલ.એલ.૭૧, કર્નલ કેમ છે?’
‘સર કર્નલસાહેબ છેલ્લા શ્વાસ લઇ રહ્યા છે. વિમાનના બધા પેસેન્જરો એમની મદદમાં છે. આપણી
જુવાન દીકરીઓએ પોતાનાં વસ્ત્રો ફાડી એમને પાટા બાંધ્યા છે. છતાં રક્ત પ્રવાહ ચાલુ છે. કેટલાંય
દેશવાસીઓ એમના મુખને ચૂમી રહ્યાં છે. બધાં જ એમના જીવન માટે પ્રાર્થના કરી રહ્યાં છે.’
‘હેલ્લો ૭૧૧, જુઓ કેન્યા આવ્યું ત્યાં આપણો હોલ્ટ છે. ત્યાં સુધી કર્નલનો શ્વાસ ચાલુુ રહ્યો તો
એમને બચાવી લેવાના બધા જ પ્રયત્નો કરીશું.’
‘ઓહ પ્રભુ!’
‘શું થયું?’
‘સર, કર્નલ આપણને છોડી. ગયા!’
‘અહો... કેવી અજબ દેશભક્તિ! યોનાથન સાચે જ કહેતો હતો, મેં દેશ પ્રત્યેની મારી ફરજ અદા
કરી છે.’
ઇઝરાયલી હન્ટર વિમાનો કેન્યા પર ઘૂમરાવા લાગ્યાં. નીચેથી ‘સબ સલામત’નો સિગ્નલ અપાયોઃ
નાઇરોબી ઍરપોર્ટ પર પૂરો લશ્કરી બંદોબસ્ત હતો. જોતજોતામાં બે તોતિંગ હન્ટર વિમાનોએ ત્યાં ઉતરાણ
કર્યું. ઍરપોર્ટ પર તૈયાર રાખેલી ડિસ્પેન્સરી વાન તબીબી ટુકડી સાથે તરત દોડી આવી. વિમાનમાંથી
ઘવાયેલાંઓને વારાફરતી સારવાર માટે ઉતારવામાં આવ્યાં. એટલામાં ત્રીજું જૅટ પણ ત્યાં આવી પહોંચ્યું. ત્રણે
વિમાનના કમાન્ડો બ્રિગેડિયર શોમરોન સાથે એલ.એલ. ૭૧૧માં પ્રવેશ્યા. તેઓ માથુ નમાવી મૌન ઊભા
રહ્યા. તેમની સામે સ્ટેચર પર કર્નલ યોનાથન ચિરનિદ્રામાં પોઢી ગયો હતો.. સ્ટેચર આખુ લોહીથી ખરડાયેલું
હતું.
‘પોતાનાબંધુઓને બચાવવા યોનાથને પ્રાણાર્પણ કર્યું.’ બ્રિગેડિયર બોલી ઊઠ્યા.
બીજી તરફ ફર્સ્ટ એઇડનું કામકાજ પૂરું થયું. મુસાફરો હાથે, પગે અને માથે પાટાપિંડી કરાવી
પ્લેનમાં ગોઠવાવા લાગ્યા. બ્રિગેડિયર શોમરોને નીચે જઇ સેવા અને સદ્ભાવ બદલ કેન્યાની મદદ ટુકડીનો
આભાર વ્યક્ત કર્યો. જોતજોતામાં પ્રથમ વિમાન ઊંચકાયું પછી બીજું અને ત્રીજું એવી તેજ ગતિએ વિમાનો
ઊડ્યાં કે જાણે એમની વચ્ચે શરત લાગી હોય! આગળનાં બે હન્ટર વિમાનો સીધી રેખામાં ઊડતાં હતાં.
પાછળ ત્રિકોણે જેટ ધડાકાબંધ ઊડતું હતું.
‘હલ્લો નાઇરોબી, થોડા સમય પૂરતું સાવધાન રહેશો અને દુશ્મનો જણાય તો ખબર કરશો.’
‘ઓ કે. અમારાં રડારો પર ચાંપતી નજર રખાઇ રહી છે. વળી ૩ સુપર સૉનિક લડાકૂ વિમાનોનો
કાફલો સાવચેત કરવામાં આવ્યો છે. ઍરપોર્ટ હાલ પૂરતું લશ્કરી નિયંત્રણ નીચે છે.’
‘ઓ કે, ફરી આભાર.’
વિમાનો વીજળીક વેગે સ્વદેશ તરફ ખેંચાઇ રહ્યાં હતાં અને પ્રથમ સંદેશો આવ્યો : ‘હલ્લો
એલ.એલ.૭૨૧, પેરેસ બોલું છું. હું માનું છું કે આપણે સફળ થયા છીએ.’
‘યસ, સર. સર્વશક્તિમાને આપણને વિજય અપાવ્યો છે.’ સાતેક મિનિટમાં અમે તેલઅવીવ
પહોંચીશું.
‘આવો, આવો. લોકો ગાંડાઘેલા થઇ ગયા છે. પ્રેસિડેન્ટ રાબિનને હું ખબર કરું છું.’
થોડીવારમાં તેલઅવીવના આકાશમાં કાન ફાડી નાખે એવી ગર્જના કરતાં, બે તોતિંગ હન્ટરો નજરે
પડ્યાં બેનગુરિયન ઍરપોર્ટના રનવે પર યહૂદી જવાનોએ સ્ટૅનગન સાથે જગા સંભાળી લીધી. ટર્મિનસ બહાર
એક ઍમ્બ્યુલન્સ અને ડિસ્પેન્સરીવાન તૈયાર રાખેલાં હતાં.
ટર્મિનસ બિલ્ડિંગ પર ઠેકઠેકાણે લોકો વિજયપતાકા ફરકાવી રહ્યાં હતાં. કેટલાંક સિનેગોંગ (પ્રાર્થના
સ્થળ)માં વપરાતી ચાદરો હવામાં ફરકાવી રહ્યા હતા. એરપોર્ટ બહાર યહૂદીઓ અને વિદેશીઓની ટોળીઓને
વ્યવસ્થિત રાખવામાં આવી હતી. તેમાં આરબો, અમેરિકીઓ, બ્રિટિશરો, ફ્રેન્ચો, જર્મનો અને આફ્રિકીઓનો
સમાવેશ થતો હતો. તેમના આગળના ભાગે પત્રકારો કેમેરા સાથે ઊભા હતા. એવામાં ચેતવણી આપતી
સિસોટી વાગી. લશ્કરી પુરુષોની જીપો પાછળ એક સોહામણી કાર આવી રહી હતી. ઇઝરાયલી સૈનિકોએ
ટોળીની વચ્ચે જગા કરી આપી અને પ્રમુખ રાબિન તેમનાં પત્ની સાથે ત્યાંથી પસાર થઇ ગયા. જેવા પ્રેસિડેન્ટ
ઍરપોર્ટ પર દાખલ થયા કે તરત બે હન્ટરોએ ત્યાં ઉતરાણ કર્યું. લોકો જોરથી હર્ષના પોકાર કરવા લાગ્યા.
થોડી વારમાં ત્રીજું જેટ ઊતર્યું.
સૌ પ્રથમ બ્રિગેડિયર શોમરોને બહાર આવી પ્રેસિડેન્ટ રાબિનને સલામી આપી.
વારાફરતી દરેક લશ્કરી જવાનને પ્રેસિડેન્ટ રાબિનેે અભિનંદન પાઠવ્યા. યહૂદી મુક્ત બાનોને પ્રેસિડેન્ટ
આગળથી પસાર કરવામાં આવ્યાં. પ્રેસિડેન્ટે બધાં સાથે હસ્તધનૂન કર્યું. ચારે તરફ આનંદોલ્લાસનું અનેરું
વાતાવરણ સર્જાયું હતું. તસ્વીરકારોના કૅમેરામાં ઝપાઝપ તસવીરો ઝીલાતી જતી હતી. છેલ્લે ચાર યહૂદી જવાનો
કર્નલ યોનાથનનો દેહ સ્ટ્રેચરમાં પોતાને ખભે ઊંચકીને લાવ્યા. શોમરોને ઝટ એક રાષ્ટ્ર ધ્વજ લઇ એના પર
વીંટાળી દીધો. આખા ઍરપોર્ટ પર ચુપકીદી છવાઇ ગઇ. બધા યહૂદી કમાન્ડો અને પ્રેસિડેન્ટ રાબિન માથું નમાવી
ગયા.
‘મેં દેશ પ્રત્યેની મારી ફરજ અદા કરી છે.’ - એ યોનાથનના શબ્દો શોમરોને પ્રેસિડેન્ટ રાબિનને કહ્યા.
‘સાચું જ કર્નલ યોનાથને સેંકડો દેશબંધુઓનાં આંસુ લૂછવા પોતે શહીદી વહોરી છે. એવા દેશભક્તને
ધન્ય હોજો.’ રોબિને અંજલિ આપી.
આખું વિમાનઘર સ્તબ્ધ બની ગયું. ઘડી પહેલાં વિજયનો ઉલ્લાસ માણતા લોકોની જાણે ચેતના
સમાપ્ત થઇ ગઇ. ધીમેધીમે કરી એમાં જીવનનો સંચાર થયો. એક રણગાડી પર યોનાથનના દેહને મૂકવામાં
આવ્યો. તેમની પાછળ વિજય મેળવી આવેલા કમાન્ડોની ટોળી અને છેલ્લે મુક્તિ બાનોની ટોળી એમ
સરઘસાકારે ફરી સ્નેહીઓ અને દેશવાસીઓ જે ફુલ લઇ લોકોેનો સત્કાર કરવા આવ્યા હતા એ બધાં ફૂલ
કર્નલ યોનાથન પર ચડાવાયાં. પુષ્પાચ્છાદિત રણગાડી ધીમી ગતિએ આગળ સરકતી હતી પાછળ પ્રેસિડેન્ટ
રેબિન અને શ્રીમતી રેબિન, પછી લશ્કરી જવાનો અને ઍર ફ્રાન્સના યહૂદી મુસાફરો એમ બધાં વિજય પ્રયાણ
કરતાં હતાં. ચારે બાજુ લાખોની જનમેદની છલકાતી હતી પણ શિસ્ત અને શાંતિ બધે પ્રવર્તતાં હતાં.
૬
મોગરાનાં ફૂલ
લતા એમ.ડી. કરીને હમણાં જ અમેરિકાથી મુંબઈ આવી હતી. અમેરિકાના ચાર વર્ષના વસવાટ
દરમ્યાન તેનામાં ખાસ્સું પરિવર્તન આવ્યું હતું. તે રંગમાં ખીલી ઊઠી હતી અને શરીરે સશક્ત બની હતી.
એના વાળ ‘બોબ્ડ કટ’ થઈ ગયા હતા. એનાં નીલાં નેત્રો, અણીયાળું નાક અને યૌવન સભર પુષ્ઠ દેહ, સૌંદર્ય
નિચોડતાં હતાં.
લતાના પિતા ધંધાર્થે વડોદરા રહેવા ચાલ્યા ગયા હતા. એટલે વડોદરા જતાં પહેલાં લતાએ મુંબઈમાં
એક-બે દિવસ ગાળવાનું નક્કી કર્યું. સાથે એના ભાઇબેન અને મિત્રો હતાં. એક દિવસ મુંબઇમાં દરિયા કિનારે
પેપરમાં જાહેરાત જોઇ તાજ હોટલમાં ભરાયેલું ચિત્ર પ્રદર્શન જોવા બધાં પહોંચી ગયાં.
તાજ આર્ટ ગેલેરીમાં મખમલી જાજમ પર પગલાં માંડતાં બધાં ‘પ્રકૃતિ પ્રેમ’ ચિત્ર પ્રદર્શન નિહાળી
રહ્યાં હતાં. દરેક ચિત્રમાં કંડારાયેલાં ઝાડ, પાન અને ફૂલ જોઇ બધાં ખુશી વ્યક્ત કરતાં હતાં. તેમાં યે મોગરાનાં
લીલાંછમ પાનોમાં ગુંથાયેલાં સફેદ ફૂલોનું પ્રદર્શન જોયા બાદ એકાએક એક તેની નજર પ્રદર્શનખંડની વચ્ચે
ગોઠવાયેલી ફૂલદાની પર ઠરી. તેમાં ફકત લતાનાં પગલાં એ તરફ મંડાયાં અને એક હાથ ફૂલ પર લંબાયો.
‘મેડમ, પ્લીઝ ડોન્ટ ટચ.’ ના સૂચન સાથે એક યુવતી લતા તરફ દોડી.
‘આઇ અમ સોરી. આઇ શુડ ટેક યોર પરમિશન’. લતા મુંઝાઇ ગઇ.’
‘ એક્સકયુજ મી, વી ડોન્ટ હેવ મોર ફલાવર્સ.’
‘ કેન આઇ હેવ ઓન્લી વન? લતાએ વિનંતી કરી.
એ સાથે એક ભાઇ એ તરફ આવ્યા અને પેલી યુવતી કંઇ કહે તે પહેલાં એમણે ઇશારાથી ફૂલ લેવા
લતાને જણાવ્યું. લતાએ સસ્મિત એ યુવાન સામે જોયું. એના માથામાં આછા વાળ હતા. એનો દેહ દુબળો હતો
અને કુર્તા પાયજામામાં એ ભારતીય હોવાનો દેખાવ કરતો હોય એમ લાગ્યું.
થેંક્ યુ, કહી લતાએ એક ફૂલડાળ લઇ લીધી.
‘આ સુંદર ચિત્રોના ચિત્રકાર કોણ છે? લતાએ પેલી યુવતી સામે જોઇ પૂછયું.’
‘ તમારી સામે છે, એ જ મિસ્ટર રશ્મિન!’
‘ઓહ આઇ.સી, કોન્ગ્રેચ્યુલેશન રશ્મિન’ કહી લતાએ પોતાનો જમણો હાથ ધર્યો. એ સાથે જ રશ્મિને
પણ જમણો હાથ લંબાવી લતાનો હાથ હાથમાં લઇ લીધો.
તે દિવસથી લતા જરા ગંભીર બની ગઇ. બીજા દિવસે એ વડોદરા પહોંચી ગઇ. માતાપિતા ઘરડાં
થઇ ગયાં હતાં. લતાને મળીને તેઓ ખુશ ખુશ થઇ ગયાં. લતા પણ પ્રેમથી એમને ભેટી પડી. એ અમેરિકાથી
બધાંને માટે શું શું લાવી એ કાઢીને બતાવવા લાગી.
પછીના દિવસોમાં એણે પોતાના ગામમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી. ભાઇબેન સાથે એ ગામડે કાકાને
ત્યાં પહોંચી ગઇ. ત્યાં જઇ બધે ફરીને પોતાનું જૂનું ઘર, તળાવ અને કૂવો એણે જોયાં. પોતાના ઘર આગળ
ખૂબ મોગરાના છોડ હતા, એ આજે જણાતા ન હતા. મોગરાનાં ફૂલ એ રોજ માથામાં નાખી સ્કૂલમાં જતી, મા
જોડે કૂવે પાણી ભરવા જતી અને તળાવે કપડાં ધોવા જતી. સ્કૂલમાં એનાં માથાનાં ફૂલ, શનો નમીને સુંઘી લેતો.
ત્યારે એ એકદમ ગુસ્સે થઇ શનાને ‘હટ મુઆ’ કહી દેતી. લતાની સહેલીઓ કમુ, રેખા, શાન્તા વગેરે, શિક્ષકો
પ્રેમબેન અને નારણભાઇ એ બધું યાદ આવ્યું.
એજ દિવસે રસ્તામાં તેને કમુ મળી ગઇ. નાની હતી ત્યારની કમુ અને આજની કમુમાં લતાને કંઇ
ફરક લાગ્યો નહિ. કેવળ શરીર વધ્યું હતું.
‘એય બેન,’ સાંભળતાં કમુ થોભી ગઇ.
જુઓ હું ભૂલ ના કરું તો તમારું નામ કમુબેન? લતાએ પૂછયું.
બરાબર બોલો શુંં કામ છે? કમુએ પુછયું.
તમે મને ના ઓળખી? લતાએ પૂછયું.
ના બેન, હું તો ગામડામાં રહું છું એટલે પરગામીની આપણને શું ખબર પડે? કમુએ કહ્યું.
બસને મને પરગામી ગણી કાઢીને.
મારી ભૂલ થતી હશે. તમે જરા ઓળખ આપશો?
કેમ કમુ, આપણે સાથે આ ગામની શાળામાં ભણતાં ન હતાં? કમુ ધારીને એને જોઇ રહી, લતા જરા
થોભી અને બોલીઃ હું લતા.’
‘આ લતા, અરે વાહ, તું તો તદૃન બદલાઇ ગઇ. વાળ કપાવી તું મોડર્ન ડ્રેસમાં આવી ગઇ એટલે
કોઇ ઓળખેે જ નહિ. મને હજુ તારી પસંદ, મોગરાનાં ફૂલ યાદ છે. ત્યારે તું રોજ માથામાં મોગરાનાં ફૂલ
નાંખતી હતી ને!’
‘ હજુ પણ મોગરાનાં ફૂલ મને ગમે છે. પણ હવે ક્યાં રહ્યા એ મોગરા અને ક્યાં ગયા એ સુંગધ
માણનારા?’
‘તારે ફૂલ જોઇએ તો ચાલ મારી સાથે. આપણી સાથે પેલો શનો ન હતો ભણતો; એના બાપે ગામને
છેડે બગીચો ઊભો કર્યો છે. એ લોકો જાતજાતના ફૂલ છોડ અને ફૂલ વેચે છે. અને ખાસ તો એના બગીચામાં
મોગરાની વાડ છે!’
‘એ શનો હવે કયાં છે?’
‘રામ જાણે. આપણને એની ઝાઝી ખબર નથી. લોકો કહે છે એ પેન્ટર બની ગયો છે!’
‘સારું કમું હું ચાલુ, ફરી મળીશું,’ લતાએ ઉતાવળ કરી.
‘ અરે લતા, એમ કંઇ જવાતું હશે. આજે વર્ષો પછી મળ્યાં. મારા ઘેર ચાલ. જરા ચા પીએ, થોડી
વાતો કરીએ તું કોને ત્યાં ઊતરી છે?’
‘કાકાને ઘરે, પટેલ ખડકીમાં. કમું, આજે મારે જવું પડશે. મોડું થયું છે. ફરી જરૂર આવીશ.’
‘અચ્છા જેવી તારી મરજી. આવજે...’ કહી કમુ ચાલતી થઇ.
લતાએ પણ ‘આવજે’ કર્યું.
‘કાકા ગામ, તો સાવ બદલાઇ ગયું. ત્યારે આપણે કૂવે પાણી ભરતાં. હવે ઘેર ઘેર નળ આવી ગયા.
પહેલાં આપણે ફાનસ સળગાવતાં. હવે વીજળીના દીવા આવી ગયા. છતાં અમેરિકા કરતાં આપણે સો વર્ષ
પાછળ છીએ.’
‘ હાચી વાત પણ આપણું કોમ ચાલ સન. અરે હા બેટા, તારા બાપે પેપરમાં તારા મુરતિયા હારુ
ખબર છાપીતી. એ સંબંધી બહારગોમથી એક-બે મોગાં આયાં સ. તારા બાપ ન મોકલજે. વિગતે વાત કરીશ.’
‘ કાકા એક વાત પૂછું? મારી સાથે ભણતી એક છોકરી આજે મળી ગઇ હતી. એ પ્રમાણે એક
છોકરો મારી સાથે ભણતો હતો. આપણા ગામની બહાર મંગળભાઇની ફૂલવાડી છે ને, એમનો છોકરો. એ
હમણાં ક્યાં છે?’
‘અરે મેલન સાલ. એવોનું નોમ લેવું અપશુકનિયાર કહેવાય.’
‘કાકા, હું તો એવામાં માનતી નથી. આ તો, શનો મારી સાથે ભણતો હતો, એટલે’
‘બેટા, પેલા મગર્યાના સોકરા શન્યાની તું વાત કરસ ની. એને તો એકવાર માથામાં વાગતાં એ
બોલતો બંધ થઇ ગ્યાેંતો. પસી રોમ જાણે ક્યોં ગ્યોં.’
‘ બિચારો અમારા વર્ગમાં ખૂબ હોશિયાર. હંમેશાં પ્રથમ નંબર રાખતો. મારા પર ખૂબ ભાવ
રાખતો.’ એમ વાતો કરતા કરતાં તેઓ ઘેર ચાલ્યાં ગયાં.
બીજા દિવસે લતા શહેરમાં પહોંચી ગઇ. માતા પિતાએ એને લગ્ન સંબંધી પૂછપરછ કરવા માંડી.
લતાએ સમાજમાં લગ્ન કરવાની ના પાડી. એના પિતાએ ઘણા છોકરાઓના ફોટા બતાવ્યા અને એમની વિગતો
કહી પણ લતા એકની બે ન થઇ. કોઇ પણ મુરતિયો પોતાને ગમશે તો જ એ શાદી કરશે. એમ તેણે કહ્યું.
બીજા દિવસે ‘શોપીંગ’ કરવા એ બજારમાં નીકળી. લીલુડી ગુજરાતી સાડી અને પીળા બ્લાઉઝમાં
તૈયાર થયેલી લતાના એક હાથમાં ભરપૂર લીલીછમ બંગડીઓ હતી. એના માથામાં મોગરાનો ગજરો શોભી
રહ્યો હતો. એની બેન સાથે એ શહેરના પદવામતી બજારમાં એક પછી એક દુકાનો વટાવતી જતી હતી.
એવામાં એની નજર- ‘રશ્મિન આર્ટ લાઇન’ બોર્ડ પર ગઇ.
‘બેન ચાલ, આ સ્ટુડિયો જોઇએ’. કહી તે ત્યાં જ થોભી ગઇ. બેને હકારો ભણતાં બન્ને સડસડાટ
સ્ટુડિયોનાં પગથિયાં ચઢવા લાગી. સ્ટુડિયોમાં પ્રવેશતાં પ્રવેશદ્વારે એક કલાત્મક ફૂલદાની શોભતી હતી. એમાં
બીજાં ફૂલોની સાથે મધ્યમાં મોગરાનાં ફૂલ ગોઠવેલાં હતાં. સ્ટુડિયોની વચ્ચે નાની કારપેટ બીછાવેલી હતી અને
દીવાલ
સાથે
એક
રજવાડી
જણાતો
સોફો
શોભતો
હતો.
એક
ભાઇએ
‘ગુડમોર્નિંગ’ કહી બન્નેને આવકાર્યાં અને સોફા પર બેસવા કહ્યું, બન્ને બેનો સોફા પર ગોઠવાઇ ગઇ.
‘બોલો શું કામ છે?’ પેલા ભાઇએ પૂછયું.
‘અમારે કંઇ ખાસ કામ નથી..., પણ મિ... રશ્મિનને મળવું છે.’ લતાએ ખચકાતાં કહ્યું.
‘એ આવતા જ હશે, બેસો.’
‘આપ કોણ?’ લતાએ પૂછયું.
‘હું એમનો મિત્ર.’
‘મુંબઇમાં એકઝિબિશન કેવું રહ્યું?’
‘ઘણું સારું, લગભગ બધી જ કૃતિઓ વેચાઇ ગઇ, ફકત બેજ પાછી આવી.’
‘બાકી રહેલી કૃતિઓ બતાડશો?’
એ સાથે પેલા ભાઇએ એક પેન્ટીંગ પરથી કપડું હઠાવતાં; ચડ્ડી-ખમીસમાં એક નાનો છોકરો એક
ગ્રામ્ય છોકરીને મોગરાનાં ફૂલ અર્પણ કરતું જીવંત દૃશ્ય તાદૃશ થયું.
‘અફલાતુન!’ લતા બોલી ઊઠી. એ ધારીધારીને દૃશ્ય જોવા લાગી તો એમાં એને શનાના અને પોતાના
ચહેરાનો ભાસ થવા લાગ્યો. એટલામાં રશ્મિન આવી પહોંચ્યા,
‘ગુડ મોર્નિંગ,’ રશ્મિનજી, અમે તમારી કલાનું પાન કરતાં હતાં. ‘ફૂલ અર્પણનું કેવું જીવંત નિરૂપણ
તમે કર્યું છે!’
રશ્મિને ઇશારતથી કંઇક કહેવા માંડ્યું. લતા સમજી ગઇ : મેં તમને ક્યાંક જોયાં છે.
‘હા મુંબઇમાં હું આપને મળી હતી. ત્યારે મોગરાનું એક ફૂલ તમે મને આપ્યું હતું. આજે મોગરાનાં
ફૂલ અર્પણની તસ્વીર ખરીદવા હું આવી છું. બોલો શી કિંમત છે?’
ફરી રશ્મિને ઇશારા વડે સમજાવ્યું : એ તસ્વીરની મોટી કિંમતે માંગ થઇ હતી. પણ મેં તે આપી
નહિ. એની પાછળ મારી બચપણની લાગણીઓ વણાયેલી છે. એટલે માફ કરજો, એ તમને પણ નહિ વેચી શકું.
લતા થોડી વાર ચૂપ થઇ ગઇ. તેને શું બોલવું તે સૂઝતું ન હતું. રશ્મિન તેને ધ્યાનથી નિરખી રહ્યો
હતો. લતાની બેન બન્નેને જોઇ રહી હતી. ત્યાં જ લતા હાંફળી ફાંફળી ઊભી થઇ ગઇ. ‘મને સાચું કહો
રશ્મિન, તમારું બાળપણનું નામ શું?’ લતાએ લાગણીસભર થઇ પૂછયું.
પાસે લટકાવેલા એક રોલર બોર્ડ પર રશ્મિને ચોક વડે લખ્યું : ‘શનો’
‘શનો!’ રશ્મિન તમે જ ખરેખર? ‘...... હું તમારી લતા, તમને મોગરાનાં ફૂલ ખૂબ ગમતાં હતાં ને,
લો મારા માથામાં ગજરો મઘમઘે છે.’
એ સાથે જ બે બદન એકબીજામાં સમેટાઇ ગયાં.
ફય્ૃજી઼ડ્ઢ
૭
વડોદરાની વાતે
‘આ ચિત્ર છે, સર સયાજીરાવ ગાયકવાડનું. આજનું વડોદરા એમને આભારી છે! એમણે વડોદરામાં
પ્રાણ પૂર્યો અને વડોદરા જીવતીજાગતી નગરી થઇ ગઇ. પરદેશીઓ એને જોઇ ગાયકવાડ મહારાજને નવાજે
છે.’ ઉષાને પુસ્તકમાંથી સયાજીરાવનું ચિત્ર દર્શાવતાં સુરેશ બોલ્યો.
‘એમના મુખ પર એવું જ પોત પ્રકાશે છે!’ ચિત્ર તરફ ધ્યાનમગ્ન થયેલી ઉષા બોલી : ‘સુરેશ, હું
ગાયકવાડી કલાસ્થાપત્ય અંગે મહાનિબંધ લખવાની છું. થોડા મહિના અહીં રોેકાઇ હું એ અંગે સંશોધન કરવા
માંગું છું. મારા પ્રાધ્યાપક સાહેબે મને અહીંના એક પી.એચ.ડી. માર્ગદર્શક પાસે મોકલી છે. એમણે મને તમને
મળવા જણાવ્યું.’
‘મારો વિષય જરા જુદો છે. હું વડોદરાના કલાસ્થાપત્યમાં પરદેશી અસર વિષે અભ્યાસ કરું છું. હવે
આપણે બંને મળીને, એ સંબંધી સંશોધન હાથ ધરીશું.’ સુરેશે કહ્યું.
‘ઓ કે, સુરેશ, હું ચાલુ. અહીંની યુનિવર્સિટી હોસ્ટેલમાં મને થોડા મહિના માટે રહેવાની સગવડ મળી
છે. ફરી કાલે અહીં જ આવીશ.’ એમ કહી એ ઉભી થઇ ગઇ.
‘જરા થોડું બેસો, ચા તૈયાર છે,’ કહી સુરેશ અંદર ગયો. ઉષા ફરી ખુરશીમાં ગોઠવાઇ, સુરેશ બે કપ
ચા લઇ આવ્યો. બંને ચા પીવા લાગ્યાં. સુરેશ ઉતાવળે ચા પીતી ઉષાને ધારીધારીને જોઇ રહ્યો અને વિચારોમાં
વાગોળી રહ્યો. આવી બ્રિલીયન્ટ અને રૂપકડી જીવનસાથી મળી જાય તો...
‘મમ....મેં, આવીને તમને મુશ્કેલીમાં મુક્યા.’ઉષાએ સુરેશનું ધ્યાન હઠાવવા પ્રયત્ન કર્યો.
‘ના ના. એમાં વળી મુશ્કેલી શાની? હું એકલો પણ બેસીને શું કરવાનો હતો?’
‘તમે તો અભ્યાસમાં રોકાયેલા છો ને?’
‘હવે આપણે બે થઇશું. વિચારોની આપલે થશે અને સંશોધન સહેલું થઇ પડશે.’
‘ચાલો ત્યારે જાઉં.’ કપ ખાલી કરી ઉષા ફરી ઊભી થઇ ગઇ.
‘ઓ કે, બાય...’ સુરેશે એને વિદાય કરી. એ સાથે જ ઝટપટ ચાલતી ઉષા ઘર બહાર, રસ્તામાં
દૂરદૂર થતી, અદૃશ્ય થઇ ગઇ.
માણસ સારો લાગ્યો. જરૂર પુરતી વાત. અભ્યાસમાં પૂરો રસ અને કોઇ લફરાબાજી નહિ. એની
પાસેથી મદદ લેવામાં કોઇ વાંધો નહિ. અમારા વિષયમાં પણ ઘણું સામ્ય છે. એથી હું નિર્ધારિત સમયે મારું
રિસર્ચ પતાવી શકીશ. ચાલો ચિંતા ટળી એમ વિચારતી ઉષા હોસ્ટેલને આંગણે જઇ પાહોંચી.
બીજા દિવસે ઉષા અને સુરેશ મળ્યાં. સુરેશ અપ-ટુ-ડેટ બ્રાઉન સફારીમાં હતો, જ્યારે ઉષા ગુલાબી
સાડીમાં, જાણે ગુલાબની કળી! બંનેના હાથમાં નોંધપોથીઓ હતી.
‘બોલો ક્યાંથી શરૂ કરીશું?’ ઉષાના ચહેરા પર નજર પાથરતાં સુરેશે પૂછયું.
‘તમે કહો ત્યાંથી.’ ઉષાએ જવાબ આપ્યો.
‘તો પણ સયાજીબાગ, યુનિવર્સિટી, મ્યુઝિયમ, લક્ષ્મી વિલાસ પેલેસ, કીર્તિ મંદિર, ન્યાયમંદિર
વગેરેમાંથી કયું સ્થળ?’
‘હું જે સ્થળનું નામ જાણું છું. એ તો તમારા લિસ્ટમાં આવ્યું નહિ.’ ઉષા બોલી ઊઠી.
‘કયું!’ સૂરેશે પૂછયું.
‘કમાટીબાગ’ ઉષાએ મંદ હાસ્ય વેરતા કહ્યું.
‘હા... હા...’ સુરેશ જોરથી હસ્યો. ‘સયાજીબાગ એ જ કમાટીબાગ. ચાલો ત્યારે પ્રથમ ત્યાં જ
જઇએ.’
‘ચાલો તો ખરા.’ વાતોમાં ને વાતોમાં બંને ઘર બહાર નીકળી ગયાં, રિક્ષામાં ગોઠવાયાં અને
થોડીવારમાં સયાજીબાગને દરવાજે ઊભાં રહી ગયાં.
‘આ સયાજીબાગનું પ્રવેશદ્વાર. આમ એની કિંમત જોનારને એકદમ ના સમજાય. છતાં એમાં સંસ્કૃતિ
અને ઇતિહાસ સમાયેલાં છે. ગાયકવાડ સરકારના કારીગરોએ આ દરવાજો ઢાળ્યો એ ખરું પણ એની ડિઝાઇન
ઇંગ્લેન્ડના બકિંગહામ પેલેસના દરવાજા જેવી બનાવાઇ છે. દરવાજાના અત્યારના રંગકામમાં આપણા
કારીગરોએ પણ નિપૂણતા વાપરી છે.’ સુરેશે વિવેચન કર્યું.
‘વાહ, વાહ, પ્રવેશદ્વારે જ સંશોધન! અને તે પણ બંનેના વિષયની લગોલગ. સાચે જ તમે અહીંના
સ્થાપત્ય અંગે ભારે સમજ ધરાવો છો.’ એટલામાં તો એમની આસપાસ લોકોનું ટોળું જમા થઇ ગયું. એથી
બંને હસતાં હસતાં બાગમાં પ્રવેશ્યાં.
‘શું રળિયામણો બાગ છે! રંગબેરંગી ફૂલ અને તરેહતરેહનાં ઝાડછોડ, સ્વચ્છ અને
મનગમતા રસ્તા જોઇ મન ખુશ થઇ ગયું.’ ઉષા ચાલતીચાલતી બોલતી ગઇ.
‘મને તો જ્યાં કંઇ મળે સંશોધન, ત્યાં ત્યાં સૌંદર્યનાં દર્શન થાય છે’
‘સુરેશ તમે મઝાના છો.’ પછી હાથ બતાવીને કહ્યું. ‘જુઓ ત્યાં સામે હું શિવાજીની ઘોડેસવાર પ્રતિમા
જોઉં છું.’
‘એ પ્રતિમા મૂકવા પાછળ સયાજીરાવની દેશભક્તિ અને વીર શિવાજી પ્રત્યેનું માન દેખાય છે અને
જુઓ એની પાછળ ભવ્ય મહેલ જેવું અહીંનું મ્યુઝિયમ! એ નજીકથી જોવાની મઝા આવશે.’ સુરેશના એ શબ્દો
બાદ બંનેએ ઝડપથી પગ ઉપાડ્યા અને મ્યુઝિયમની તોતિંગ દીવાલો સમીપ પહોંચી ગયાં.
‘ખાસો મઝાનો મહેલ છે! વળી દીવાલો પરની કોતરણી તો જુઓ. કોઇ પરદેશી છાપ ઊભી નથી
કરતી?’ અટકીને, ‘એ ઇજિપ્તની કલાને મળતી આવે છે.’ ઉષાએ દિલચસ્પી દેખાડી.
‘જોયું ને, ગાયકવાડી સ્થાપત્યમાં પરદેશી અસર!’ મ્યુઝિયમની આસપાસ ફરી બંનેએ સૂક્ષ્મ નિરીક્ષણ
કર્યું. પછી મ્યુઝીયમમાં પ્રવેશી એમાં અંગ્રહાયેલી ઐતિહાસિક વસ્તુઓ, મસાલો ભરેલાં જીવજનાવરો, કાષ્ટ,
કાચ, હિરાકામ, પંચધાતુ, પેરિસપ્લાસ્ટર, સંગેમરમરનાં બાવલાં, અવનવી શિલ્પ અને પુરાતન સમયની
છબીકલા જોઇ ઉષા ગાંડીગાંડી થઇ ગઇ. મ્યુઝિયમ દર્શન પતાવી બંને બહાર આવ્યાં અને નિરીક્ષણ નોંધ
તૈયાર કરવા બેઠાં. બંનેના મુખ પર સંશોધન-થાક ડોકાતો હતો. લેખનકામ પતાવી પાસેના રેસ્ટોરાંમાં બંને ચા
પીવા બેઠાં.
‘સુરેશ, તમારા સાથ માટે ખૂબખૂબ આભાર! હવે મને વિશ્વાસ બેઠો, હું નિર્ધારિત સમયે મારું કામ
પૂરું કરી શકીશ. જુઓને, આપણી શું ઓળખ? ફક્ત મારા પ્રાધ્યાપકની ભલામણ પર તમે આટલું બધું કરી
રહ્યા છો!’
‘મદદ માટે તો આપણે સર્જાયાં છીએ. માનવસેવા એ પ્રભુસેવા છે, એમ કોઇએ સાચું જ કહ્યું છે.’
‘સુરેશ, તમે તત્ત્વજ્ઞાની છો.’
‘બીજું કંઇ?’
‘બીજું પણ બહુ કહેવાનું મન થાય છે પણ સમય સરકતો જાય છે. હવે આપણે ઘરે જવું જોઇએ.’
‘ચાલો ત્યારે ઊઠીએ,’ કહી સુરેશ ઊભો થયો ઉષા પણ ઊઠી અને બંને એકબીજાને ‘બાય-બાય’
કરી માર્ગમાં એકબીજાથી અલગ થઇ ગયાં.
તે દિવસે ઉષાએ હોસ્ટેલમાં જઇ પત્રો લખવા માંડ્યા. ‘પપ્પા, મમ્મીઃ મારું સંશોધન કામ શરૂ થઇ
ગયું છે. મને મનગમતો સાથી મળી ગયો છે, સુરેશ. મારા કામમાં એ મને ખૂબ મદદ કરે છે. બેન રેખા, તારે
વડોદરા જોવું છે? તો જરૂર આવી જા. એક વ્યક્તિની મુલાકાત કરાવીશ, સુરેશની. ગજબનો આદમી છે એ!
ડિયર રોઝી, તું તો મસ્તી મારતી હશે. તેં તો મુંબઇ, વડોદરામાં બધું જોયું છે, હવે આપણો વારો, ગાયકવાડી
સ્થાપત્યના સંશોધનમાં એક ફ્રેન્ડ આપણી મદદ કરે છે; સુરેશ.’
સુરેશ, સુરેશ સુરેશ-બધે જ લખાઇ ગયું. એની સુરેશને શું ખબર? સુરેશ તમે કોણ છો? કેવાછો?
તમારા શોખ..... વગેરે બધું મારે જાણવું છે. ચાલો હજુ તો ખાસ્સો સમય છે, આગે દેખા જાયેગા. અરે હું
પણ કેવી પાગલ છું. એ ગમે તેવો હોય, મારે શું? મારે તો સંશોધન પૂરતો સાથ જોઇએ ને! અને સુરેશ એ
માટે બધી મદદ કરે છે. જો એની બદદાનત હોય તો તરત છતી થઇ જાય. એ તોે કામને જ મહત્ત્વ આપે છે.
સંશોધનના સમય સિવાય મને મળવાની પણ વાત કરતો નથી. ના, ના, સુરેશ ખરેખર ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ ધરાવે
છે, એમ ઉષા વિચારતી ગઇ.
બીજા દિવસોમાં કામ આગળ ચાલ્યું. સયાજીરાવ યુનિવર્સિટીનાં મકાનો જોવા બંને સાથે મળ્યાં.
સાયન્સ ફેકલ્ટીનો અવકાશદર્શી લોખંડી ટોપ ધ્યાન ખેંચે છે, સયાજી પોલીસ ચોકીનું ઘડિયાળી ટાવર અંગ્રેજી
કલાનો અદ્ભુત નમૂનો જોઇ લો. અહીંનાં મકાનોમાં મોટા મોટા પથ્થર, રંગબેરંગી ટાઇલ્સ અને કાચ તથા
ઇંટો, ચૂનો, લાકડું, લોખંડ, તાંબું, પિત્તળ, સીસું જેવો કીમતી માલસામાન વપરાયેલો છે. અને એથી તો આજે
પણ આ મકાનો એવાં ને એવાં જ ઉભાં છે, એમ ઉષાએ નોંધ કરી.
રોજ રોજ સંશોધન આગળ વધવા લાગ્યું. શહેરમાં ઠેરઠેર મુકાયેલાં બાવલાં, વિશાળ રાજમાર્ગો અને
પુલો, લક્ષ્મી વિલાસ મહેલ, મકરપુરા મહેલ, સયાજી સરોવર, ન્યાયમંદિર, સયાજી હોસ્પિટલ, ખંડેરાવ
માર્કેટ; વગેરે બધું ધ્યાનથી જોઇ લીધું. શહેરમાં ઐતિહાસિક બાંધકામો અંગે પ્રાપ્ય પુસ્તકો ઉલટાવી કાઢ્યાં.
ત્રણ મહિનામાં તો ખાસી બધી માહિતી બંનેએ એકત્ર કરી લીધી. સંશોધન કરતાં કરતાં બંને એકબીજાની વધુ
નજદીક આવ્યા.
‘સુરેશ, તમે મને પોતાની વ્યક્તિ સમજી મદદ કરી છે.’ એમ ઉષા ઋણ દર્શાવવા લાગી.
‘તેં પણ મારી સાથે એવું જ વલણ રાખ્યું છે ને!’
‘મેં તો રાખ્યું, સ્વાર્થ ખાતર. પણ તમે નિસ્વાર્થ પ્રેમ દર્શાવ્યો છે.’ ઉષા આવેશમાં તણાણી હતી.
ઉષાનો અવાજ જાણે પરિચિત બનીને સુરેશના કાનોમાં પડઘાતો હતો.
‘સુરેશ, મારી તો તમને ક્યાંથી જરૂર પડે? છતાં યાદ આવું તો નિઃસંકોચ લખજો.’ સુરેશની આંખો
દૂર ક્ષિતિજમાં ડોકાતી હતી. એનું મન વિચારમાળાના મણકા પરોવી રહ્યું હતું.
‘સુરેશ, એક વાત પૂછવાનું મન થાય છે. પૂછું? તમને અયોગ્ય તો નહીં લાગે ને?’
‘બોલ ઉષા, શું બાકી છે?’ સુરેશે પોતાની વિચારમાળા તોડી નાંખતાં પૂછયું.
‘શું તમે... કોઇને.... ચાહો છો?’
‘ઉષા, તને આવું બધું કેમ, શું સૂઝે છે?’ સુરેશે અટવાતાં જવાબ કાઢ્યો.
‘શું કરું. પૂછયા વિના રહેવાતું નથી.’ ઉષા ગંભીર બની ગઇ. સુરેશ મૌન સેવી ગયો.
‘બોલોને શું હું તમને એવું ના પૂછી શકું?’ સુરેશ મૌન જ રહ્યો. એનું મૌન વધુ ઘેરાયું. એમાંથી બહાર
આવવા એણે પોતાની આંખો ઊઠાવી ઉષા પર ઢાળી દીધી. એનું નાક, કાન, ગાલ, હોઠ, ભાલ, વાળ, સીનો
વગેરે જુવાનીનો થનગનાટ લઇ સુરેશની આંખોમાં ચુસાવા લાગ્યાં. એનું શરીર ત્વચાથી માંડી અભ્યંતર સુધી
ભીંજાઇ ગયું. પ્રથમ મેઘ માટીની ખુશ્બો જેમ સુરેશ નિરઅત્તરે ફોરાઇ રહ્યો.
‘સુરેશ....’ ઉષાના શબ્દોની સાથે ઉચ્છવાસ ધસમસ્યો. ‘હું તમારી જીવનસાથી બનવા માંગુ છું.’’
‘સારું તો સાંભળ’ સુરેશે મૌન તોડ્યું. ‘પાંચ વર્ષો પહેલાં હું ગુજરાત યુનિવર્સિટીમાં એમ.એ.ના છેલ્લા
વર્ષમાં અભ્યાસ કરતો હતો. એ દરમિયાન હું એક રૂપાળી છોકરીના પરિચયમાં આવ્યો. સાચું કહું તો તારા
જેવી જ એ દેખાતી. એ પણ મને ચાહતી. કોલેજમાં અને અમારાં ઘરોમાં અમારો પ્રેમ છાનો ન રહ્યો. અમે
લગ્ન કરવા નક્કી કર્યું. માતાપિતાની સંમતિ મળી અને લગ્ન થઇ ગયાં એમ. એ. પૂરું કરી, મેં શિક્ષકની નોકરી
લીધી. અમારો સંસાર સુખી હતોે. એક વરસ પછી બીજું, એમ સમય પસાર કરતાં અમે મઝાથી જીવતાં હતાં.
એની કેટલીક તકલીફને કારણે મારે વારંવાર ડૉક્ટર પાસે જવાનું થતું.’
‘તમારી પત્નીને ગર્ભાશયની બીમારી છે. પ્રસવની શક્યતા નહિવત્ છે. તમારે ભગવાન ભરોસે
સંસાર ચલાવવો રહ્યો. સારવાર ચાલુ રાખજો નહિતર બીમારી વધે અને કશું કહેવાય નહિ. કેમ કે આ બીમારી
એને ઘણા લાંબા સમયથી છે.’
‘ડૉક્ટરે મને એકલાને બોલાવી વાત કરી. હું ગભરાઇ ગયો. દવાખાનેથી ઘેર આવી મેં એને કશી
વાત કરી નહિં. એણે બહુ પડપૂછ કરી પણ મેં ‘ખાસ કંઇ નથી, નાહકની શું કામ ચિંતા કરે છે.’ એમ કહી
ટાળ્યું. ધીમે ધીમે મને એના પર નફરત આવવા લાગી. મારામાં એના પ્રત્યે અવિશ્વાસ ભંડારાયો. અને અમારો
પ્રેમ દ્વેષના ઝંઝાવાતમાં ઝપટાઇ ગયો. એણે ઘર છોડ્યું. મેં નોકરી છોડી અને અમારો સુખી સંસાર ફનાફાતિયાં
થઇ ગયો. એમ હંમેશને માટે અમે જુદાં થઇ ગયાં.’ બોલતાંબોલતાં સુરેશની આંખો ભીંજાઇ ગઇ.
આ વાતથી ઉષાના હૃદય પર જાણે ધરતીકંપ જેવો આંચકો લાગ્યો. એની આંખોમાં ટીવીની જેમ
પોતાની બહેનની તસવીર આવીને અદૃશ્ય થઇ જતી હતી.
‘સુરેશ....’ ઉષાએ સ્વસ્થ થઇ બોલવાનો પ્રયાસ કર્યો. ‘સત્ય શું છે, એ મેં પારખી લીધું છે. હવે મારી
ઇચ્છા અને લાગણીઓને હું મારા અભ્યંતરના ઊંડાણમાં દફનાવી દઉં છું. તમે પણ સત્યને સ્વીકારી લેશો.
એવી હું વિનંતી કરું છું.’
‘આજથી પાંચ વરસ પહેલાં હું અમેરિકામાં એમ.એ કરતી હતી. ત્યારે મારી નાની બેન અમદાવાદમાં
બી.એ. કરતી હતી. મારા પર બાપુજી અને બેનના પત્રો નિયમિત આવતા. એક વખત પપ્પાએ લખ્યુંઃ અમે
રૂખીને પરણાવી દઇશું. પરણાવવી પડે એવું છે. હું સ્થિતિ પામી ગઇ. મેં સહર્ષ બેનનાં લગ્ન કરી દેવા
જણાવી દીધું. પછી તો બેનના સોનેરી સંસારના પત્રો આવવા લાગ્યા. મને એ વારંવાર વાંચવાનું મન થતું.
નવરાશના સમયે હું ફરીફરી એના પત્રો વાંચી ખુશ થતી. એવામાં એકાએક બેનના પત્રો બંધ થઇ ગયા. મેં
વારંવાર પૂછપરછ કરી પત્રો લખ્યા પણ જવાબ ન આવ્યો. પપપાએ પણ એ વાત પર ઢાંકપીછોડો કર્યો. મારે
ડૉક્ટરેટ ત્યાં જ કરવું હતું પણ એમ.એ. પૂરું કરી હું સ્વદેશ પાછી ફરી ગઇ. ગયા વર્ષના ઑગસ્ટમાં હું
દિલ્હીના વિમાન ઘરે ઊતરી. મારાં માતપિતા ભાઇબેન અને કેટલાક મિત્રો મને લેવા આવ્યાં હતાં. એ
બધાંમાંથી મારી નજરતો રૂખી પર ઠરી. એને જોઇ હું રાજીરેડ થઇ ગઇ. બધાં ખુશખુશ થઇ મને ભેટ્યાં પણ
રૂખી તો મને બાઝીને ખૂબ રડી.
‘ઉષી, મારે તારી રાહ જોવાની હતી. પુરુષો એવા બેવફા નીવડે, એવો ખ્યાલ મને ન હતો. એમણે
મારા પર ખોટા આક્ષેપો કર્યા, મારી પર નફરતનો કોરડો વીંઝાયો. એટલે મારે ન છૂટકે ઘર છોડી નાસવું
પડ્યું. ઉષી, બસ ખેલ ખતમ થઇ ગયો!’
‘મેં એને બે હાથોમાં પકડી રાખી અને પ્રેમથી એના મોં પર ખૂબ ચુંબન દઇ દીધાં. અમે ઘેર ગયાં.
ઘેર જઇને વિગતવાર એની વાત સાંભળી. બેનની બીમારી અંગે બાપુજીએ શહેરના સારા ડૉક્ટરનો સંપર્ક
સાધ્યો અને હવે એ સંપૂર્ણ સારી થઇ ગઇ છે. છતાં એ અંગે એ ચૂપ રહી. એક વ્યક્તિ એક સાથે એક જ
વ્યક્તિને પ્રેમ કરી શકે. કોઇ એક વ્યક્તિ પૂરતું જ તેને સંપૂર્ણ પ્રેમ સ્વાર્પણ અને ત્યાગની ભાવના ઉદ્ભવી
શકે. રૂખી કહે છે, હું મારા પતિને ચાહતી હતી, ચાહું છું અને ચાહતી રહીશ. જ્યારે પણ એને પતિની યાદ
આવે છે, ત્યારે મન ભરીને એ રડી લે છે. સુરેશ... મારો સુરેશ!’ એમ બેનની વિતક કથની કહેતાં ઉષાની
આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં.
‘શું આ સત્યકથા છે કે નાટકનું કોઇ દૃશ્ય? ઉષા, મારી પત્ની રેખા, એ જ શું તારી નાની બેન છે.
સાચું કહે ઉષા, ઉષા શું રેખા મને માફ કરશે? મેં એના પર ખરેખર જુલમ કર્યો છે. હવે હું એનાથી ભટકીને
ક્યાંય નહિ જાઉં.’ કહી સુરેશે પોતાનું માથું ઉષાના ખભે ઢાળી દીધું.
બંને ધ્યાનમગ્ન સ્થિતિમાં ત્યાં એમ ને એમ બેસી રહ્યાં. પછી હળવેથી ઉષાએ સુરેશને માથે અને પીઠે
હાથ દઇ ઊભો કર્યો. પ્રેમથી એના હાથમાં હાથ પરોવ્યો અને એને પોતાની સાથે પોતાના ઘેર લઇ ગઇ
ફય્ૃજી઼ડ્ઢ
૮
કલમ સચદેવ આયરની
એ દિવસોમાં સચદેવ આયરનું નામ પત્રકારોમાં મોખરે હતું. મુશ્કેલ, રહસ્યમય અને નાજુક
સમાચારોને એમણે પોતાનું ધ્યેય બનાવી દીધું હતું. જ્યાં કંઇ સમાચારો અટકી જતા, જે બિના પર પડદાઢાંક
થતી અને જ્યાં સમાચારોની શક્યતા ના હોય, ત્યાં શ્રી આયર સામે ચાલીને પહોંચી જતા.
એમને ગુજરાતની એક સંસ્કારી નગરની બિનસંસ્કારી માહિતી મળી. ત્યાંની પોલીસ એવા દૂષણ
સામે આંખ આડા કાન કરતી હતી. એક દિવસે આયર એ શહેરમાં પહોંચી ગયા. તે સાંજે શહેરના
પબ્લિકપાર્કમાં વિહાર માટે ગયા. તે ફરતાંફરતાં ત્યાંના એક વિશ્રાંતિસ્થાને કૉફી પીવા બેઠા. બેઠકો આમતેમ
છૂટીછવાઇ ગોઠવેલી પડી હતી. કેટલાંક કુટુંબો, મિત્રો, દંપતિઓ પોતાની અલગ ટોળી જમાવી બેઠાં હતાં,
એટલામાં એક દંપતી ત્યાં આવ્યું અને આયરની બાજુમાં ગોઠવાયું. બંને તરતનાં પરણેલાં લાગતાં હતાં. બીજું
દંપતી આવ્યું અને દૂર એકાંતની બેઠકોમાં ગોઠવાયું. સ્ત્રી રૂપાળી પણ આધેડ વયની હતી. પુરુષ એના કરતાં
જુવાન અને સશક્ત બાંધાનો હતો. સ્ત્રી ફેશનેબલ મોંઘાં કપડાંમાં સજ્જ હતી, જ્યારે પુરુષ સામાન્ય પોશાકમાં.
પુરુષના બૂટ સરકારી હોવાનું જણાતું હતું.
થોડીવારમાં વેઇટર ફ્લેવર્ડ મિલ્કની બે બૉટલ તેમની પાસે લઇ ગયો. એ સાથે એક ત્રીજો પુરુષ ત્યાં
હાજર થઇ ગયો. એ પણ સાદા વેશમાં હતો. એનું પેન્ટ સરકારી હોવાની ચાડી ખાતું હતું. પેલી સ્ત્રીએ ઝટ
એને પાસે બેસાડ્યો અને બીજી એક બૉટલ મંગાવી લીધી. એની બૉટલ ખાલી થાય ત્યાં સુધી, પેલી સ્ત્રીએ
એની સાથે વાત ચાલુ રાખી. પ્રથમ એની સાથે આવેલો પુરુષ શાંત બેસી રહ્યો હતો. પેલાએ દૂધની બૉટલ
ખાલી કરતાં જ, પેલી સ્ત્રીએ એના હાથમાં પાંચની નોટ પકડાવી દીધી. એ લઇને પેલો ચાલતો થયો ત્યારે પેલાં
બેની વચ્ચે વાતચીત ચાલી. તેમની બાટલીઓ ખાલી થતાં, તેઓ પણ ઊઠીને ચાલવા લાગ્યાં. આયરે પણ
ચાલતી પકડી. પેલા બે જણે બહાર જઇ, રિક્ષા કરી લીધી. પાછળ આયરે પણ રિક્ષા કરી પીછો કર્યો.
આગળની રિક્ષા એક ધનાઢ્ય અને સંસ્કારી ગણાતા લત્તામાં પ્રવેશી. આયરે ત્યાં પ્રવેશતાં જ રિક્ષા છોડી દીધી
અને પગપાળા એમની પાછળ ગયા. એક બે મજલી મકાન પાસે પેલી રિક્ષા થોભી, તેમાંથી ઊતરી તેઓ
ઝટપટ ઘરમાં ચાલ્યાં ગયાં. આયર ત્યાં પહોંચતાં, એક આલિશાન બંગલો જોઇ વિચારમાં પડી ગયા! ‘પ્રશાંત’
બંગલા આગળ સુંદર બાગ શોભતો હતો. ‘ડૉ. આભાર દેસાઇ’ની તકતીવાળા પ્રવેશદ્વારે એ પહોંચ્યા અને
ઘંટડી રણકાવી. એ સાથે જ એક વયોવૃદ્ધ સજ્જન બહાર આવ્યા.
‘જી આપ?’ આયર મૂંઝાયા.
‘હું ડૉક્ટર દેસાઇ.’
‘શું આપને મીરાંબેનનું કામ છે?’
‘હા જી.’
‘એ ઉપર મળશે.’
એ સાથે જ આયર સડસડાટ દાદર ચઢી ઉપર ગયા. દાદર પૂરો થતાં સામેની દીવાલ પર ‘મીરાં
બ્યુટી પાર્લર’’નું બોર્ડ વાંચ્યું. ફક્ત દાદરના અવાજથી મીરાંબેન બહાર આવી ગયાં.
‘આપ મીરાંબેન?’
‘હા જી, કેમ આવવું થયું? શું બ્યુટી ટ્રીટમેન્ટ?’
‘હા... હા... હા...’’ આયર હસ્યા અને સંકોચાતાં બોલ્યા, ‘એમ જ આપનું નામ જાણી આવી ગયો.’
આયરની આંખોમાં આંખો પરોેવી મીરાંએ એક મનમુગ્ધ હાસ્ય કર્યું અને દરવાજો ખોલ્યો. આયરને
બેઠકખંડમાં બેસાડી એ અંદર ચાલી ગઇ. વચ્ચેની ટિપૉઇ પર અંગ્રેજી અને ગુજરાતી સામયિકો અને દૈનિક
પત્રો પડ્યાં હતાં. દીવાલો પર આકર્ષક વૉલપીસ જડાયેલા હતા. સામેની ઓરડીમાં બ્યુટી કૅરસેન્ટર જણાતું
હતું. એટલામાં એક યુવતી પાણી લઇને આવી, સાથે મારાં પણ હતી.
‘એ જુલી છે, હા... હા...’ મીરાં હસી આયરે પાણી પીધું પછી બંને અંદરના ખંડમાં ગયા. ત્યાં બીજી
પાંચ યુવતીઓ હાજર થઇ ગઇ. પ્રથમ રંજના પછી અંજના, રૂપા, શોભા અને છેલ્લે નંદા.’ મીરાં બોલતી ગઇ.
જેમજેમ નામ બોલાતાં ગયાં, તેમતેમ બધી યુવતીઓએ વારાફરતી હાસ્ય કરવા પ્રયત્ન કર્યો. રંજના સાડીમાં
હતી. તો અંજના ચણીયા-બ્લાઉઝમાં, રૂપા રૂપનિખાર પારદર્શક પોશાકમાં, શોભા હોટ-પેન્ટ-ટીશર્ટમાં અને
નંદા લાલઘુમ શર્ટ અને કાળાભમ્મર સ્કર્ટમાં. આયરે રૂપાને પસંદ કરી. બંનેને એક રૂમમાં મોકલી દેવાયાં. રૂમ
બંધ કરી, રૂપા આયરને જોતી પલંગ પર બેસી પડીઃ ‘કેવો સંસ્કારી અને વયસ્ક પુરુષ અને અસભ્ય વ્યવહાર
કરવા આવ્યો છે!’ એ મનોમન તાજુબ થઇ. આયર દૂર દીવાલેથી ખુરસી ખસેડી લાવી એની જોડેજોડ બેસી
ગયા. થોડીવાર કોઇ કંઇ બોલ્યું નહિ. બંને એકબીજાને જોતાં રહ્યાં. એટલેે રૂપાએ પોતાનો પોશાક ઉતારવા
માંડ્યો. તરત આયરે એને રોકી લીધી અને બેસાડી દીધી. હવે તો રૂપા આયર સામે જોતાં શરમાવા લાગી.
‘એ છોકરી તારું નામ શું?’ આયરે ખામોશી તોડી.
એ કંઇ જ ન બોલી, તેણે પોતાનું માથું નમાવી રાખ્યું.
‘ગભરાઇશ નહિ, તારું નામ તો કહે.’
એનો ચહેરો રડમસ થઇ ગયો.
‘મારાથી ગભરાય છે કેમ? તારું નામ તો કહે, હું કોઇને કંઇ નહિ કહું.’આયરે એના ગાલે હાથ પસવારતાં
પૂછયું.
‘સાહેબ, હું ભોપાલની છું. મારું નામ નીરજા. યુનિયન કાર્બાઇડ ગેસ-દુર્ઘટનામાં મેં મારાં મા-બાપ
ગુમાવ્યાં. મારું કોઇ રહ્યું નહિ, એટલે હું ગુંડા ટોળીના હાથમાં સપડાઇ ગઇ. તેઓ મને મદદને બહાને દિલ્હી
લઇ ગયા અને આ બાઇને વેચી મારી. હવે તમે જ કહો સાહેબ, હું ક્યાં જાઉં? શું કરું?’ રૂપાએ એની દાસ્તાન
કહી.
‘બેબી, ચિંતા ના કરીશ. હું તને અહીંથી છોડાવવાના શપથ લઉં છું.’ કહી આયરે રૂપાની રૂપાળી
હથેળી પોતાના બંને હાથોમાં દબાવી રાખી. રૂપાની આંખમાંથી દડદડ આંસુ સરી પડ્યાં.
‘મને છોડાવવા જતાં, હું જો પકડાઇ ગઇ તો મરી ગઇ સમજો.’
‘તને બચાવવાની બધી જવાબદારી મારી. તું બેફિકર રહેજે.’ આયરે હિંમત આપી અને તે ઊઠવા
લાગ્યા.
‘સાહેબ, મારે મીરાંને પચાસ રૂપિયા આપવા પડશે, નહિ તો આવી બન્યું સમજો!’
આયરે દસદસની છ નોટો રૂપાના હાથમાં મૂકી અને એના હાથને ચુંબન કર્યું. થોડીવારમાં એ ઉભા
થઇ બહાર નીકળવા લાગ્યા. રૂપા એમને દાદર સુધી મૂકવા ગઇ અને ‘સાહેબ આવજો, સાહેબ આવજો...’
કહેતી રહી.
બીજા દિવસે ગુજરાતભરનાં સમાચારપત્રોમાં મીરાંના ફોટા સાથે પેલા કૂટણખાનાની વિગતો છપાઇ.
વળી રૂપાની કેફિયત પરથી મુંબઇ, ભોપાલ અને દિલ્હીમાં છોકરીઓનો વેપાર કરતી ગુંડાટોળીઓનો પોલીસે
પીછો પકડ્યો. અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની બેઠેલાં ઘરમાં દરોડો પાડવામાં આવ્યો અને અઠવાડિયા સુધી
એના સમાચાર લગાતાર આવતા રહ્યા.
આયરે રૂપા અને પેલી પાંચેય છોકરીઓને આખરે એક કન્યા છાત્રાલયમાં મુકાવી, તેમના શિક્ષણ
અને કામની વ્યવસ્થા કરી આપી. રૂપાએ બી.એ.નો અભ્યાસ શરૂ કર્યો. આયરનું સરનામું મેળવી એમનું ઋણ
ચુકવવા એ અવારનવાર પત્રો લખતી. પોતાનાં બધાં લખાણ માટે એ ભૂરી શાહી વાપરતી. જ્યારે આયરને
લીલી શાહીથી લખતી. એ કહેતી ‘એમણે મારું જીવન લીલું બનાવવા પ્રયત્ન કર્યો છે.’ આયર પણ ક્યારેક એને
મળી આવતા.
પંજાબમાં ત્રાસવાદે પગ પહોળાં કરતાં, સચદેવ આયરે અમૃતસરની મુલાકાત લેવાનું નક્કી કર્યું. એ
દરમિયાન તેઓ આતંકવાદીઓને ઓળખવા પ્રયત્ન કરશે એમ જણાવ્યું હતું. પંજાબ સરકારને એની અગાઉથી
જાણ કરાઇ. એ સમાચાર આતંકવાદીઓએ પણ ઝડપી લીધા. અમૃતસરની સડક પરથી જ્યારે સચદેવ આયર
રિક્ષામાં પસાર થતા હતા ત્યારે એક દાઢી મૂછ વગરના મોટરસાયકલ સવારે એમનો પીછો કર્યો. આડેધડ
રિક્ષા પાછળ ભાગતા એ જુવાનને બી.એસ.એફ.ના જવાનો એ રોક્યો.
‘સાહેબ, ન્યુઝ પેપર્સ વિતરક છું!’ કહી પેલાએ પાછળ ખુલ્લાં મૂકેલાં વર્તમાનપત્રોનો જથ્થો બતાવ્યો.
એની તલાશમાં એની પાસેથી કંઇ વાંધાજનક મળી આવ્યું નહિ. એટલે એને મુક્ત કરી દેવાયો. પુરઝડપે એ
ગોલ્ડન ટેમ્પલ પર પહોંચ્યો ત્યારે ઝભ્ભા-સુરવાલ-ટોપીમાં એક ખાદી ધારી નેતાને ત્યાં જોયા. એમની
આસપાસ કેટલાક અખબારનાવેશો હતા. પેલો યુવાન કોઇ તસવીર આમતેમ ફેરવતો હતો. તરત પેલા
ખાદીધારી નેતા. ટોળીની વચ્ચેથી એની પાસે પહોંચી ગયા.
‘ભાઇ, શું તમારું નામ?’ તેમણે પૂછયું.
‘શેરસિંગ.’ પેલા યુવાને કહ્યું.
‘શું શોધો છો?’
‘કોઇ આયર-બાયર અહીં આવ્યા છે?’
એ સાંભળતાં જ પેલા ખાદીધારી નેતાએ ચશ્માં ઊંચા કરી પત્રકારોને એ જુવાન તરફ ઇશારો કર્યો. થોડી
વારમાં મંદિરના પટાંગણમાં મોટું ટોળું જમા થઇ ગયું. શીખ વિદ્યાર્થીસંઘના નેતાઓ, અકાલી દળ અને પોલીસવાન
ત્યાં દોડી આવ્યાં. એ જ સમયે ટોળાથી થોડે દૂર પેલાની મોટરસાયકલ પર ધડાકો થયો અને જોતજોતામાં મંદિરનું
આંગણ વર્તમાન પત્રોના ફુરચાઓથી રગદોળાઇ ગયું. તરત શેરસિંગની ધરપકડ કરવામાં આવી. બાકીના વિદ્યાર્થી
નેતાઓ નાસી છૂટ્યા. પાછળથી પેલા જુવાન પાસેથી આયરની છબી મળી આવી હતી. જો કે ત્યાં આયર પોતાના
રોજિંદા વેશમાં ગયા નહોતા.
આ અંગેના સમાચારો પેપરોમાં વાંચી રૂપા ખૂબ ચિંતા વ્યક્ત કરતી. બને તોે પત્રકારત્વ છોડી બીજો
કોઇ વ્યવસાય અપનાવી લેવા, એ આયરને વિનંતી કરવા લાગી.
એ દિવસોમાં પાકિસ્તાન સરહદે અફઘાનિસ્તાનના પ્રશ્ને પશ્ચિમના દેશો ગરમાગરમ સમાચાર એકત્ર
કરતા હતા. એવી એક સમાચાર સંસ્થાએ આયરને ખાસ નોંધ તૈયાર કરવા આમંત્રણ આપ્યું. પાકિસ્તાની
સરકારે આયરને ઝટ પરવાનગી આપી દીધી. થોડા જ દિવસોમાં આયર પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે
પહોંચી ગયા. એમની સાથે ટટ્ટુધારી અફઘાનો યાત્રાએ નીકળ્યા હતા. અફઘાનિસ્તાન સરહદે પહોંચતાં રાત
થવા આવી હતી. અંધારામાં તેઓએ ફટાફટ અફઘાન સૈનિકોનો પોશાક પહેરી સાથે શસ્ત્રો ઊઠાવી લીધાં. ફક્ત
આયર એકલા નિઃશસ્ત્ર હતા.
સવારે બે ત્રણ વાગ્યાના સુમારે તેઓ સૈનિક ચોકીઓ વટાવી અફઘાનિસ્તાનમાં દાખલ થઇ ગયા.
ત્યારે આયરને ખબર પડી કે તેઓમાંના એકની પાસે અફઘાન સૈન્યનું ઓળખપત્ર હતું. ત્યાં કેટલીક લશ્કરી
જીપો એમને લેવા આવી. જીપોમાં બેસી પૂરઝડપે તેઓ કાબુલમાં પેસી ગયા. આગળ જતાં રૂસી થાણાં શરૂ
થયાં. બહાર સખત પહેરો હતો. અંદર શસ્ત્રાગાર અને રૂસી ટેંકોનો ખડકલો હતો. ત્યાંથી છેક હવાઇ મથક
સુધી સખત લશ્કરી બંદોબસ્ત હોવાની આયરને માહિતી અપાઇ. આગળ મુખ્ય શસ્ત્રાગાર પાસેથી પસાર થતાં
એકાએક હુમલાખોરોએ બૉમ્બ ઝીંકવા માંડ્યા. રૂસી સૈનિકોમાં આસભાગ મચી ગઇ. તેમના તંબૂઓ,
હેલિકોપ્ટરો અને શસ્ત્રાગારમાં આગ ફાટી નીકળી રસ્તા પર ધૂમ બૉમ્બ ફેંકી બળવાખોરોએ ધુમાડાના
ગોટેગોટા કર્યા. એવો ધુમાડો ચીરતી તેમની જીપો આગળ સરકી જતી હતી. આયરે મુવી-કૅમેરા કાઢી, એની
ફિલ્મ ઉતારી લીધી. આગળ જતાં એમ્બ્યુલન્સ, આગબંબાઓ અને મદદટુકડીઓ સોવિયેત કેન્દ્રો પર દોડી
જતાં દેખાયાં. જવાબમાં પાકિસ્તાની સરહદે રૂસી હેલિકૉપ્ટરોએ જવાબી કાર્યવાહી કર્યાનું જાણવા મળ્યું.
બીજા દિવસે પેલા હુમલાખોરો જીપો છોડી પાછા પોતાના ઠેકાણે વળી ગયા પણ આયર ત્યાં
અફઘાનિસ્તાનમાં જ રહી ગયા. એમણે લશ્કરી પોશાક ફંગોળી દીધો અને ભારતીય દૂતાવાસમાં હાજર થઇ
ગયા. ત્યાંથી કેટલીક વધુ વિગતો મેળવી તે સકુશળ સ્વદેશ આવી ગયા. ત્યાં પોતે ઉતારેલી યુદ્ધ ફિલ્મ
દર્શાવવા તેમણે પત્રકાર મિત્રોને ભેગા કર્યા. અચાનક રૂપા પણ ત્યાં આવી ચઢી. આયરે પ્રથમ ત્યાંની કથની
કહી અને ફિલ્મ દર્શાવી. પત્રકારો વાહવાહ પોકારી ગયા અને રૂપા સાહસવીર આયર પર આફરિન થઈ ગઇ!
એ દિવસોમાં આયર પર એક સીલબંધ ભારે પરબીડિયું આવ્યું. એ રજિસ્ટર્ડ પોસ્ટથી આવ્યું હતું.
એટલે પોસ્ટમેન સહી લેવા આવ્યો. પરબીડિયા પર સ્પષ્ટ અક્ષરોમાં સચદેવ આયરનું નામ સરનામું હતું. જ્યારે
મોકલનારનું નામ-સરનામું અસ્પષ્ટ જણાતું હતું. આયરે કવર હાથમાં લીધું જ નહિ પણ એને ઘર બહાર
પાણીના નળ પાસે મુકાવી દીધું. પોલીસને એ સંબંધી ફોન કરતાં, થોડી વારમાં પોલીસવાન ત્યાં આવી પહોંચી.
એકસરે મશીન વડે કવરની જાંચ કરતાં, અંદર સ્ફોટક પદાર્થ હોવાનું જણાયું. તપાસકર્તાઓએ એને આગ
ચાંપતાં, મોટો ધડાકો થયો અને જ્યાં કવર મૂક્યું હતું, ત્યાં એક ફૂટ ઊંડો ખાડો પડી ગયો. એ દિવસથી આયર
પોતાની ટપાલ અંગે સાવચેત બની ગયા. એક તરફ આવી જોખમી ટપાલ હતી તો બીજી તરફ લીલીછમ
સુંવાળી ટપાલ. રૂપા હવે નિયમિત આયરને પત્ર લખતી. આયર પણ રૂપાના લીલા પત્રો જરૂર વાંચતાંઃ
‘આયરજી, તમે મારી જિંદગી બચાવી છે. નહિતર હું ક્યાં હોત? મને રાતદિવસ તમારી ચિંતા રહ્યા કરે છે.
કેમ કે તમે જોખમ સામે પડકાર ઝીલી લો છો. બોલો, ક્યારે મળવા આવશો? મળવાની ઇંતેજારીમાં, પ્રેમથી
- રૂપા.’
આમતેમથી મહત્ત્વના સમાચારો પ્રાપ્ત કરવા આયર ઘણે ભાગે બહાર રહેતા. અઠવાડિયા પછી ઘેર
આવે ત્યારે ટપાલનો ઢગલો થઇ પડ્યો હોય. તેમાં સ્નેહીઓ, મિત્રો, પ્રશંસકો અને ઘણા બધા પત્રો હોય. એ
બધામાં લીલી શાહીમાં મરોડદાર અક્ષરોમાં લખાયેલો પત્ર વાંચવા આયરજી લલચાઇ જતાઃ‘આયરજી, હવે
બી.એડ્.નું છેલ્લું વર્ષ છે. પછી હું શું કરીશ, ક્યાં જઇશ? શું તમે મારું ભાવિ ઘડવા મદદરૂપ થશો? ખૂબ
માનપ્રેમથી
- રૂપા.’
ત્યારે વર્તમાન સંજોગોને લઇ, દેશમાં ઊભી થયેલી સાંપ્રદાયિક સમસ્યા માટે આયરના વિચારો
જાણવા કેટલાંક સમાચારપત્રોએ એમને આમંત્રણ આપ્યું. એમાંના દરેકને એમણે સરખા વિચારો લખી
મોકલ્યાઃ
આપણા દેશમાં રાજરજવાડાંઓના સમયથી બિનસાંપ્રદાયિક કહી શકાય, એવી રાજ વ્યવસ્થા ચાલી
આવી છે. તેમાં ફક્ત ઔરંગઝેબનો સમય અપવાદરૂપ ગણાવી શકાય. પરદેશી અંગ્રેજોએ પણ ભારતમાં
બિનસાંપ્રદાયિકતાને મહત્ત્વ આપ્યું હતું. એથી વિશેષ આપણા આઝાદીવીરોએ એ જ સમાજવ્યવસ્થાને પ્રાધાન્ય
આપ્યું. આઝાદીની લડત બધા સાથે મળી લડ્યા હતા ત્યારે કોઇ હિંદુુ, મુસલમાન, શીખ, પારસી કે ખ્રિસ્તી ન
હતું. બધા ભારતીયો હતા. ગાંધીબાપુએ અખંડ ભારતનું સ્વપ્ન જોયું હતું પણ એ બર ન આવ્યું. એથી દેશના
ભાગલાના ભોગે આપણને સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયું. તો પણ આપણે બિનસાંપ્રદાયિક લોકશાહી અમલમાં આણી.
આજ સુધી બધા ધર્મના, જાતના, ભાષાના, જુદાજુદા દેખાવના લોકો, આપણે ત્યાં નિર્ભય રહી એખલાસથી
જીવે છે.
છેલ્લાં કેટલાંક વરસોથી પંજાબમાં લઘુમતીઓની ઉપરાછાપરી હત્યામાંથી કોમવાદનો રાક્ષસ બેઠો
થયો છે. જ્યારે ધર્મઝનૂની શીખોએ નિર્દોષ હિંદુઓની હત્યા કરવા માંડી ત્યારે હિન્દુઓ એક મતે બહાર
આવવા પ્રયત્ન કરવા લાગ્યા. વરસો અગાઉ યરૂશાલેમમાં અલ-અક્સા મસ્જિદમાં આગ લગાડવાના બનાવોથી
ભારતમાં મુસ્લિમોએ કરેલા દેખાવોથી, હિંદુ-મુસ્લિમ તોફાનો ફાટી નીકળ્યાં હતાં. એવાં તોફાનો હમણાં
ગુજરાત, ઉત્તર પ્રદેશ, આંધ્ર અને બીજાં કેટલાંક રાજ્યોમાં થયાં છે. એટલું જ નહિ, જરૂર પડે હિંસાનો આશરો
લેવા, દેશમાં ધર્મના નામે સેનાઓ ઊભી કરવામાં આવી છે.
એથી દેશની બિનસાંપ્રદાયિકતા ખોરવાઇ જવાનો ભય ઉભો થયો છે. દેશને જ્યારે ગરીબી,
નિરક્ષરતા અને સરહદ પર દુશ્મનોનો સામનો કરવાનો છે ત્યારે આ નવી સમસ્યા આપણે જાતે ઊભી કરી
રહ્યા છીએ. એથી આપણી સલામતી સચવાયા કરતાં વિશેષ પ્રમાણમાં જોખમાશે. જો સાંપ્રદાયિકતાને નાથવામાં
આપણે નિષ્ફળ જઇશું તો આવતાં વરસોમાં આપણે બધાં ભારે અસલામતી વચ્ચે જીવતાં હોઇશું. એથી કોઇ
પણ ધર્મ અને સમાજના લોકોને જો કોઇ કામ કરવું હોય, તો સમાજસેવા, દેશસેવા અને માનવ એકતા માટે
બહાર આવે. જો લડવું હોય, તો ભ્રષ્ટાચાર, મોંઘવારી અને સામાજિક દૂષણો માટે લડત ઉપાડી લે. તો જ દેશ
પ્રગતિમાન બનશે અને પ્રજા શાંતિ અનુભવશે.
એ અરસામાં રૂપા અને એના હોસ્ટેલ મૅનેજરના પત્રો શ્રી આયરને મળ્યા. રૂપા બી.એડ્. કરી ચૂકી
હતી. હવે એ જાહેર જીવન શરૂ કરવા માંગતી હતી. એ સંબંધી એણે આયર સાથે ખાસ વાતો કરવા પત્ર લખ્યો
હતો. બીજી બાજુ મેનેજર બહેને પણ આયરને મળવા માટે ખાસ બોલાવ્યા હતા. એટલે એ અગત્યનું સમજી
આયર રૂપાની હોસ્ટેલે પહોંચી ગયા.
‘આવું બહેન?’
‘કોણ? શ્રીમાન આયર? આવો પધારો. બેસો.’
‘બોલો, શી સેવા છે?’ આયરે બેઠક લેતાં વિવેક કર્યો.
‘શાંતિ, પાણી લાવ તો’ કહી મેનેજર ભાનોટે સામે બેઠક લીધી. ‘આપ તો બહુ મોટા પત્રકાર છો
અને અચ્છા સમાજસુધારક. તમે જે છોકરીઓની અમને જવાબદારી સોંપી હતી. એ સંબંધી વાત કરવા માંગું
છું.’ એટલામાં શાંતિ પાણી લાવી. આયરે પાણી પીધું અને ગ્લાસ એને પરત કરી દીધો.
‘બોલો શું કહેવા માંગો છો?’’
‘એ શાંતિ, રૂપાને બોલાવ તો,’ એ સાથે શાંતિ બહાર ગઇ.‘તો આયરજી, વાત એમ છે કે પેલી
છમાંની બે છોકરી તો આ હોસ્ટેલમાંથી પણ ભાગી છૂટી હતી. બાકીની ચારેય ગ્રેજ્યુએટ થઇ ગઇ છે. એથી
દરેકના વાલીને અમે પત્ર લખી બોલાવી, તેમની જવાબદારી સોંપી દેવા માંગીએ છીએ. જો કે તમને
બોલાવવાનું ખાસ કારણ છે.’
‘પણ બેન, હું રૂપાને ક્યાં લઇ જાઉં? હું પોતે એકલો જ છું. એટલે એની જવાબદારી કેવી રીતે
લઉં?’’
‘હું જાણું છું. માટે તો વાત કરું છું. મિસ્ટર આયર, અમારી હોસ્ટેલની વિદ્યાર્થિનીઓમાં રૂપા બહુ
દેખાવડી અને ભણવામાં હોંશિયાર છે. સાથેસાથે એ આદર્શ ચારિત્ર્ય ધરાવે છે, એ અંગે આપ એના શિક્ષકોને
પણ પૂછી શકો. ઘણી વાર કૉલેજના જુવાનો એની પાછળ હૉસ્ટેલ સુધી આવે છે પણ એ કોઇને દાદ દેતી નથી.
મેં એને આજ સુધી મારી દીકરીની જેમ રાખી છે. હવે મારું માનો તો એક સૂચન કરું?’
‘કહો ને બહેન, રૂપાનું જેમાં ભલું થતું હશે, એ બધું કરીશું.’’ આયરે તત્પરતા દર્શાવી.
‘જુઓ, મેં રૂપાને બધું પૂછયું છે. એને કંઇ લફરું હોય તો પણ. બી.એડ્. કરી સારી રીતે જીવન
જીવવા એ વિચારે છે. જરૂર પડશે તો શિક્ષિકા તરીકે કામ પણ કરશે. એને લગ્ન વિષે પૂછતાં, એ શરમાઇ
ગઇ અને કંઇ બોલી નહિ. મેં ખૂબ પ્રેમથી પૂછયું, કોઇ એના ધ્યાનમાં છે? તો કહેવા લાગી, આન્ટી, તમે કોઇને
કહેતાં ના. એક વ્યક્તિને હું ચાહું છું. મેં પૂછયું, કોણ છે, એ? તો સંકોચાતા એક ઊંડા શ્વાસ સાથે એના
થરથરતા હોઠોમાંથી તમારા નામનો ઉદ્ગાર ઊઠ્યો! એ મારી પ્રથમ પસંદગી છે.’ એમ એણે કહેલું.’
એટલામાં રૂપા આવી પહોંચી. મેનેજરે એનો હાથ પકડી પોતાની સાથે જ બેસાડી દીધી. ચાર
દીવાલોમાં મંત્રમુગ્ધ ત્રણ ચહેરાઓ અરસપરસ કંઇ કહેવા મથી રહ્યા હતા.
બીજા દિવસે હૉસ્ટેલનો સભાખંડ રંગબેરંગી ક્રેપ પટ્ટીઓથી શોભી રહ્યો હતો. ચારે તરફ ગોઠવાયેલી
ખુરશીઓમાં પત્રકારો, રાજકારણીઓ, સ્નેહીઓ, મિત્રો અને હોસ્ટેલનો કર્મચારીવર્ગ ગોઠવાયો હતો. વચ્ચે રૌપ્ય
આસનોમાં ગુલાબી સાડીમાં રૂપા અને સફેદ કોટપેન્ટમાં સચદેવ શોભતા હતા. એ ટાણે ગૂર્જર-ભારત પત્રકાર
સંઘ તરફથી એક સ્મૃતિ ગ્રંથનું વિમોચન કરી, એની પ્રથમ ભેટ નવદંપતીને અપાઇ. એનું શિર્ષક હતુંઃ ‘કલમ
સચદેવ આયરની!’
ફય્ૃજી઼ડ્ઢ
૯
મિસ્ટર યંગ
કેમેસ્ટ્રીમાં પી.એચ.ડી. કર્યા પછી તરત રાહુલને એક કેમીકલ કંપનીમાં ટેકનિકલ આસિસ્ટંટની જગા
મળી ગઇ. એ સાંજે પિતાજી પ્રોફેસર પ્રબોધ ચૌધરી અને માતા સરિતા ચૌધરી સાથે એ ડિનરમાં જોડાયો.
ડિનર વેરાઇટીની ખૂશ્બો ડાઇનિંગ હોલમાં પ્રસરી રહી હતી. એ સાથે ટેબલ પર કાચની પ્લેટો, છરી, ચમચા,
કાંટા, પ્યાલા ગોઠવાઇ રહ્યા હતા. ધીમેધીમે કાંટા, ચમચા, પ્લેટોના ટક, ટક, પટ, પટ અવાજ સંભળાવા
લાગ્યા. એ અવાજમાંથી વાતચીતનો અવાજ ગળાઇને સ્પષ્ટ સંભળાતો હતો.
‘વેલ્ડન રાહુલ, તેં ડેડીનું નામ કાઢ્યું! હું કેમેસ્ટ્રીનો પ્રોફેસર છું અને એની વેલ્યુ સારી પેઠે જાણુ છું.
વળી ભારતના નંદરબારથી અહીં અમેરિકાના બ્રુકલીનમાં રહીને આપણે કૌટુંબિક વ્યવસાયને સાચા અર્થમાં
જાળવી બતાવ્યો છે.’ પ્રો. ચૌધરીએ પ્લેટમાં વાનગીઓ લેતા વાત ચલાવી.
‘બાપ દીકરાને, ખબર નહિ કેમ આટલું અમેરિકા ફાવી ગયું છે! બાકી મને તો મારું ગામ નંદરબાર
અને મારો દેશ ભારત ખૂબ યાદ આવે છે.’ કહેતાકહેતાં સરિતાએ રાહુલને વાનગી પીરસી, પોતાની પ્લેટ
ભરવા માંડી.
‘બેટા, કઇ કંપનીમાં તને સર્વિસ મળી?’ પ્રો. ચૌધરીએ પૂછયું.
‘જાપ-અમ કેમિકલ કોર્પોરેશન.’
‘નામ તો જાણીતું છે પણ ખબર નહિ મને કેમ એમ થાય છે કે, હું એના સંપર્કમાં આવ્યો હોઉં!’ પ્રો.
ચૌધરીએ ચશ્માની દાંડી પકડી.
‘કેમ ભૂલી ગયા, આપણે નવાનવા બ્રુકલીનમાં આવ્યા ત્યારે તમે, રાહુલ અને હું ત્યાં ગયાં ન હતાં?’
સરિતાએ પ્રશ્ન કર્યો. રાહુલ મમ્મીની સામે જોઇ રહ્યો અને પ્રોફેસર ચૌધરીએ જમવામાં બ્રેક મારી યાદ
ઢંઢોળવા માંડી.
‘શું રાહુલ તું પણ ભૂલી ગયો? તું જ્યારે દસેક વર્ષનો હતો ત્યારે બ્રુકલીનમાં પહેલવહેલો રોબોટ એ
કંપનીમાં આવ્યો હતો. આપણે છાપામાં એના વિશે વાંચ્યું હતું. અને પછી નજરોનજર રોબોટ જોવા ત્યાં ગયાં
હતાં.’ સરિતાએ રાહુલને યાદ દેવડાવવા પ્રયત્ન કર્યો.
એ સાથે જ રાહુલના હાથમાંના કાંટા ચમચો પ્લેટમાં જ સ્થિર થઇ ગયાં અને એની નજર પ્લેટમાં
રહેલી લાલરંગી ચીકન પર ચીપકી ગઇ.
મેં યંત્રમાનવ રોબોટ વિશે ઘણું સાંભળ્યું હતું પણ એને નજરોનજર જોયો ન હતો. એવામાં રોબોટ
બ્રુકલીન શહેરમાં આવી પહોંચ્યો. મેં રોબોટ જોવા જવાની પપ્પાને ઇચ્છા દર્શાવી. એક દિવસે સવારે આઠ
વાગે પપ્પા અને મમ્મી સાથે હું એક કંપનીમાં પહોંચી ગયો. ત્યાં જઇ પપ્પાએ ઑફિસ મેનેજર સાથે વાતચીત
કરી, રોબોટ જોવાની પરવાનગી મેળવી લીધી. અમે કંપનીમાં પ્રવેશ્યા અને જે વિભાગમાં રોબોટ રખાયો હતો,
ત્યાં પહોંચ્યાં. ત્યાં જઇ રોબોટ નિર્દેશકને પરવાનગી પત્ર બતાવ્યો અને તરત નિર્દેશકે પોતાની પાસેના સ્વીચબોર્ડ
પર વાય-ઓ-યુ-એન-જી અક્ષરો દબાવ્યા. એ સાથે લડાયક સૈનિકની અદામાં ખબ્ ખબ્ ખબ્ કરતો, માથે
મિ.યંગની ટોપીવાળો, સાડા છ ફૂટ ઊંચો રોબોટ અમારી સામે ધસી આવ્યો. એનું ચતુષ્કોણિયા જાડું મોં અને
લાંબા હાથપગ વિચિત્ર લાગતા હતા. એના શરીર પર કંપનીના કર્મચારીનો યુનિફોર્મ હતો. એ બરાબર પપ્પા
અને મારી નજીકમાં જ આવી ઊભો થઇ ગયો. એનું બેઢંગુ રૂપ અને રાક્ષસી ચાલ જોઇ, હું તો બે ડગલાં પાછો
ખસી ગયો.
‘જો, આ તોે માણસ જેવો માણસ, પણ યંત્રથી ચાલતો માણસ. એનાથી કોણ બીએ?’મમ્મીએ મને
નિર્ભય કરતાં માથે હાથ દીધો. એટલામાં તો રોબોટનું જાડું ભદ્ જડબું ફાટ્યું, અને એમાંથી ‘ગુડમોર્નિંગ’ એવો
તોછડો અવાજ નીકળ્યો.
‘ગુડમોર્નિંગ મિ.યંગ’ પપ્પાએ જવાબ વાળતાં પેલા નિર્દેશકને પૂછી લીધું કે શું મિ.યંગને અડી શકાય.
નિર્દેશકનો હકારમાં જવાબ આવતાં જ મિ.યંગે પોતાનો જમણો હાથ છટાક દઇને પપ્પા સામે લાંબો કર્યો.
પ્રથમ તો પપ્પા હાલી ગયા પણ પછી તરત એમણે જમણો હાથ મિ.યંગના હાથમાં પરોવ્યો અને ‘હલ્લો’ કરવા
લાગ્યા. મિ.યંગે પપ્પાને હાથ પકડી એવા ઢંઢોળી મૂક્યા કે ઘડીભર તો હું ગભરાઇ ગયો. ત્યારે મમ્મી મારી
પીઠે હાથ દઇ ઊભી હતી.
‘જો બેટા, એણે કેવું તારા પપ્પાને ‘હલ્લો’ કર્યું! એ તો કશું ના કરે.’ એમ મમ્મી મને સમજાવતી
હતી.
‘મમ્મી, મને તો લાગતું હતું કે યંત્રમાનવ આપણા જેવો લાગતો હશે પણ આ તો પહોળા મોં વાળો
અને લાંબા હાથપગવાળો બરછટ શરીરનો શેતાન નીકળ્યો!’
એ સાથે જ ફટાક દઇ પોતાનો જમણો હાથ ઊંચો કરી ‘બાયબાય’ની સલામી ભરી રોબોટ પાછો ફર્યો
અને પોતાના કામે લાગી ગયો. પપ્પા અને મમ્મી મને ઘેર લઇ ગયાં પણ હું નરમ થઇ ગયો હતો. મને તાવ
આવી ગયો અને દવા પણ લેવી પડી હતી.
‘રાહુલ! જો હજુ તારી પ્લેટ ભરેલી જ છે.’ પપ્પાએ કહ્યું.
‘બેટા શું વિચારે છે તને યાદ આવ્યું કે નહિ? એ દિવસે તું રોબોટથી કેટલો ડરી ગયો હતો! એ રાત્રે
તેં જોરથી બૂમ પાડી હતી. મેં પૂછયું હતું શું થયું? તો તું કહેવા લાગ્યો. મમ્મી પેલો યંગ આપણી મોટર પાછળ
પડ્યો હતો.’ સરિતાએ વાત વધારી. એ સાંભળી પ્રોફેસર ચૌધરી અને રાહુલ ખડખડાટ હસી પડ્યા.
‘બરાબર છે, મને બધું યાદ આવી ગયું.’ કહેતાં પ્રોફેસર ચૌધરી જમીને હાથ લૂછવા લાગ્યા. અને કેમ
ભૂલી ગઇ, એક દિવસે આપણે કારમાં નાઇગરાનો ધોધ જોવા નીકળ્યાં હતાં. ધોરી માર્ગ પર વાહનવ્યવહાર
સડસડાટ વહી જતોે હતો. અડધું અંતર કાપ્યા પછી અચાનક ટ્રાફિક થંભી ગયો. થોડીવારમાં રોડ પર સેંકડો
કારોની લાંબી કતારો ખેંચાઇ ગઇ. તપાસ કરતાં જાણવા મળ્યું કે કાર ચલાવતો એક રોબોટ બહાર ઉછળી
આવ્યો હતો. રોડ પર પડતાં, એ વાહનવ્યવહાર રોકવા ઊભો ગયો તેમાં ચાર-પાંચ કારો એવી ભટકાઇ ગઇ
કે રોડ વચ્ચે એનો કચ્ચરઘાણ વળી ગયો. સડક લોહીથી રંગાઇ ગઇ હતી. એક કાર તો રસ્તાની ડાબી
બાજુએ ઊંધી વળી ભડકે બળી રહી હતી. ત્યારે રાહુલ, તેં તો રોબોટનું નામ સાંભળતાં જ પાછા વળવા જીદ
પકડી હતી. એટલામાં ત્યાં એક ક્રેઇન, એક ટ્રક, બે અગ્નિશામક ગાડીઓ અને પાંચ એમ્બ્યુલન્સવાનો દોડી
આવી હતી.’
‘બરાબર છે પપ્પા, અને તરત પેલા અગ્નિશામકોએ પ્રથમ પેલી કાર ઉપર પાણી મારો ચલાવ્યો હતો.
વળી પેલા ક્રેઇન ઉંટડાએ રોબૉટનો પીછો કરી એના મજબૂત આંકડામાં એને દબાવી લઇ ચાલવા માંડ્યું હતું.
રોબોટભાઇને જાણે ફાંસીએ લટકાવ્યા હોય, એમ એ ક્રેઇનના માથે ઊંચે લટકી રહ્યો હતો. એ સાથે
એમ્બ્યુલન્સ સહાયદળે ઘવાયેલા અને મરેલાઓને ઉપાડી એમ્બ્યુલન્સવાનોમાં મૂકવા માંડ્યા હતા. એવામાં
પેલો ક્રેઇન રોબોટને ટ્રકમાં દબાવી દઇ પરત આવી પહોંચ્યો હતો અને એણે કારોના ભંગારને જોતજોતામાં
ઉઠાવી લીધો હતો. એમ રસ્તો બરાબર સાફ થઇ જતાં ફરી વાહનવ્યવહાર નદીના વહેણની જેમ આગળ
ધસ્યો હતો. આ બધું મને હજુ ય યાદ છે.!’
‘વાહ બેટા, હવે તો તું ભણીગણી જુવાન બની ગયો. હવે તારે પેલા મિ.યંગની સાથે જ કામ કરવાનું
છે.’ મમ્મીએ કહ્યું.
‘તેથી શું? હવે રાહુલ કંઈ એમ યંગફંગથી ડરતો હશે! હવે હું એને તાવ ના લાવી દઉં તો મારું નામ
રાહુલ નહિ!’’ એ સાંભળી પપ્પા મમ્મી ખડખડાટ હસી પડ્યાં.
રાહુલે જાપ-અમ કેમિકલ કોર્પોરેશનમાં કામ કરવાની શરૂઆત કરી દીધી. પહેલા દિવસે તેણે બધા
કર્મચારીઓને બહાર રોકાયેલા જોયા. એ પણ બધાની સાથે જ રોકાઇ ગયો. થોડીવારમાં એક મોટા ખંડનો
લોખંડી દરવાજો આપોઆપ દીવાલમાં સરકી જતો જણાયો. એ સાથે પચાસેક રોબોટનો કાફલો સૈનિક ટોળીની
જેમ ‘લેફ્ટ રાઇટ’ કરતો કંપનીમાં દાખલ થયો. તેઓએ કંપનીના કારીગરો જેવો બ્લ્યુ પોષાક પહેર્યો હતો.
દરેકના માથે જુદાંજુદાં નામની ટોપીઓ મૂકેલી હતી. છતાં બધાના ચહેરા વિકૃત અને સરખા લાગતા હતા.
તેઓના પગોમાં ભારે હોલ-બુટ પહેરાવવામાં આવ્યા હતા. સૈનિક ટોળીની જેમ તેઓ માર્ચ કરતા પોતપોતાની
જગાએ ગોઠવાઇ ગયા અને કામની શરૂઆત કરી દીધી. પછી બહાર ઊભેલા કર્મચારીઓ શિસ્તબદ્ધ અંદર
દાખલ થયા અને પોતપોતાની ફરજ પર લાગી ગયા.
રાહુલનો એ પ્રથમ દિવસ હતો. એટલે એ પોતાના નિમંણૂકપત્ર સાથે કંપનીના મેનેજરને મળ્યો. તેમણે
રાહુલને એના કામ માટે સમજાવ્યું. રાહુલને રોબોટ નિર્દેશક રિચાર્ડ સાથે ટેકનિકલ આસિસ્ટંટનું કામ કરવાનું
હતું. રોબોટને રહેવા માટે કંપનીમાં એક મોટો ઓરડો તૈયાર કરવામાં આવ્યો હતો. રોજ સાંજે કામ પછી
એમને એ ઓરડામાં મોકલી દેવાતા. બારીકાઇથી એમનું નિરીક્ષણ કરવું, એમને ઓઇલીંગ અને ક્લીનીંગ કરવું
અને જરૂર પડે એમને વર્કશોપમાં સમારકામ માટે મોકલવા. વળી દિવસ દરમ્યાન રોબોટની કામગીરી અંગે
બરાબર ધ્યાન રાખવું. એવી કામગીરીમાં કોઇ રોબોટનું કામ સંતોષાકારક ન જણાય, તો એને અલગ કરી,
તપાસ હાથ ધરવી. સવારે વહેલા ‘રોબોટ ઘર’ ખૂલે અને રોબોટ પોતપોતાની જગા લે ત્યારથી સાંજે પરત
થાય ત્યાં સુધીની બધી જવાબદારી રાહુલને સોંપાઇ. એ માટે એની મદદમાં બે મદદગારો પણ અપાયા.
રાહુલે કંપનીમાં પોતાનું કામ શરૂ કરી દીધું. એને ત્યાં નોકરી કરવાની ખૂબ મઝા આવતી. એ
પોતાના માતપિતાને રોજ પોતાના કામ અંગેની નવાજૂની જણાવતો. એવામાં રાહુલે શોધી કાઢ્યું કે મિ. યંગ
એના કામમાં નબળો પડતો જાય છે. તપાસ કરતાં માલુમ પડ્યું કે મિ. યંગ ત્યાં ત્રીસ વર્ષથી સેવા બજાવતો
હતો. જો એ મશીનની સાથે કામ ન કરી શકે, તો ઉત્પાદનમાં ભારે ખોટ જાય અને ક્યારેક અકસ્માત પણ
સર્જાઇ શકે. એથી રિચાર્ડ અને રાહુલે મળી મિ.યંગને એના કામથી નિવૃત્ત કરવા નિર્ણય લીધો. નિવૃત્ત યંગને
કંપનીના પ્રવેશ દ્વાર પર એક શો-કેસમાં મૂકવામાં આવ્યો.
એવામાં કંપનીની મેનેજમેન્ટે વધુ પચાસ રોબોટ ખરીદવાની યોજના ઘડી. હવે નિવૃત્ત થતા
કર્મચારીઓની જગાએ પણ રોબોટને મૂકવાની દરખાસ્ત હતી. આ વાત કંપનીના કર્મચારીઓમાં ચર્ચાનો વિષય
બની ગઇ. એ અરસામાં જાપાનની એક કંપનીમાં રોબોટ અને કેટલાક માનવ કર્મચારીઓ વચ્ચે થયેલી
ઝપાઝપીના સમાચાર આવ્યા. એમાં કંપનીનો એક રોબોટ તોફાને ચઢયો અને એણે પોતાના પોલાદી પંજાથી
દસ માણસોને ટીપી નાખ્યા હતા. એથી કેટલાકના હાથપગ તૂટ્યા હતા. આ સમાચારથી જાપ-અમના
કર્મચારીઓ રોબોટસથી ગભરાવા લાગ્યા. એટલું જ નહીં, તેઓએ નવા રોબોટસ નહિ વસાવવા મેનેજમેન્ટને
વિનંતિ કરી. છતાં કંપનીએ પચાસ રોબોટસનો ઓર્ડર મૂકી દીધો.
એ સામે વિરોેધ પ્રગટ કરવા કર્મચારીઓએ એક કાર્યક્રમ ઘડી કાઢ્યો. રાહુલ પણ કર્મચારીઓના
આંદોલનમાં જોડાઇ ગયો. પ્રથમ દિવસે તેઓએ જુદાં જુદાં પોસ્ટરો લઇ કંપની સામે દેખાવો યોજ્યા. તેમાં
લખ્યું હતુંઃ ‘રોબોટ નોકરી કરે છે, માણસ ભૂખે મરે છે.’ ‘રોબોટ ગાંડો થયો છે, માણસોને મારે છે.’
એ દિવસે કેટલાક કર્મચારીઓએ શો-કેસ સાથે મિ. યંગને ઊંચકી લીધો. શો-કેસ પર કાળી પટ્ટી અને
ક્રોસ મૂકી કોફિનનો દેખાવ કરવામાં આવ્યો હતો. એને ઊંચકીને લઇ ચાલતાં ચાલતાં તેઓ પોકારતા હતાઃ
મિ.યંગ હાય, હાય. કબરમાં ઉતારો ભાઇભાઇ.’ એ દિવસે કંપનીમાં સદંતર હડતાળ રહી.
બીજા દિવસે કર્મચારીઓ સમય પહેલાં કંપનીએ આવી ગયા. તેમાંના કેટલાક છાનામાના કંપનીમાં
પેસી ગયા. અને મોટાં લોખંડી કબાટો, સ્ટેન્ડ અને બીજો કાટમાળ લઇ તેઓએ રોબોટઘર સામે પાથરી દીધો.
પછી બધા પોતપોતાને કામે લાગી ગયા. રોબોટ નિર્દેશક રિચાર્ડ મેનેજમેન્ટના સભ્ય હતા. તે કર્મચારીઓની
પ્રવૃત્તિથી વાકેફ હતા નહિ. તેમણે કંપનીમાં આવી રોબોટઘરનો ઓટોમેટિક દરવાજો ખોલવા બટન દાબ્યું. એ
સાથે ભારે ઘરેરાટી સાથે દરવાજો દીવાલમાં સરકી ગયો અને પચાસ રોબોટ્સની ટોળી લેફ્ટરાઇટની અદામાં
જાણે યુદ્ધ લડવા નીકળી! રોબોટસ બહાર નીકળતાં જ પોતપોતાની દિશામાં આગેકૂચ જારી રાખતા. જેવા તેઓ
પ્રવેશદ્વાર વટાવી બહાર નીકળી આગળ વધ્યા કે તરત લોખંડના ભારેખમ એંગલો, કબાટો અને બીજા
કાટમાળની અડફટમાં આવ્યા. એમની ચાલવાની ગતિ એવી તેજ હતી કે અથડાતાંની સાથે જ તેઓના ભાગોને
નુકશાન થવા લાગ્યું. કેટલાક રોબોટ ગબડી પડ્યા. અને કેટલાક અંતરાયો પણ ધડાધડ અવાજ સાથે પડવા
લાગ્યા. કંપનીમાં ભારે અવાજોની જાણે આંધી ઊઠી. કેટલાક રોબોટસ તો પોતાના માર્ગ પરથી ચલિત થઇ
નાસભાગ કરતા કર્મચારિઓના વિભાગ તરફ દોડવા લાગ્યા. એથી કર્મચારીઓએ બીકના માર્યા આમથી તેમ
દોડવા માંડ્યું. એમાં કેટલાંક કર્મચારીઓ રોબોટના હાથમાં સપડાઇ ગયા. રોબોટના લોખંડી હાથે તેઓ
વિંઝાઇને જમીન પર ચત્તાપાટ પડવા લાગ્યા. ઘણા બેહોશ બની ગયા અને ઘણાં જીવ બચાવવા આમતેમ ભાગી
છૂટ્યા. કેટલાક રોબોટને પણ નુકશાન થયું. એક રોબોટ દોડતાં દોડતાં ચાલુ મશીનમાં ફસાઇ ગયો અને એના
ફુરચેફુરચા ઊડી ગયા. આખી કંપનીમાં બૂમાબૂમ અને નાસભાગ મચી રહી.
પરિસ્થિતિને અંકુશમાં લેવા કંપનીએ સફાઇ ટ્રોલીઓ દોડાવી. આ ટ્રોલીઓએ પ્રથમ રોબટઘર સામેનો
કાટમાળ ખસેડી લીધો. પછી વારાફરતી રોબોટને પકડી પકડીને ઘરમાં પૂરવા માંડ્યા. બીજી બાજુ કંપનીની
એમ્બ્યુલન્સ વાને ઘવાયેલાંઓને દવાખાને ખસેડવા માંડ્યા. આ બધું કાર્ય પતતાં કલાક નીકળી ગયો. તેમાં
કંપનીનો એક કર્મચારી માર્યો ગયો. એથી કર્મચારીઓ રોષે ભરાયા. કર્મચારી મંડળનું સુકાન રાહુલને સોંપવામાં
આવ્યું.
રાહુલે પ્રથમ મેનેજમેન્ટ સામે કોર્ટ કેસ દાખલ કર્યોે. તેમાં કંપનીમાંથી રોબટસને સદંતર નાબૂદ
કરવા માગણી કરવામાં આવી અને મૃત્યુ પામેલા તેમ જ ઘવાયેલાઓને સંપૂર્ણ વળતર ચૂકવવાની માગ હતી.
પ્રથમ સુનાવણીમાં રાહુલે રોબટ અંગે કોર્ટમા લાંબુ બ્યાન આપ્યું. તેમાં રોબોટને ખતરનાક શેતાન તરીકે એણે
વર્ણવ્યો. બાળપણમાં મિ. યંગનો અનુભવ, નાયગરા રસ્તા પરના અકસ્માત માટે જવાબદાર રોબોટ, જાપાનની
કંપનીમાં રોબોટે ગુજારેલો આતંક અને આખરે જાપ-અમ કેમીકલ કોર્પોરેશનમાં રોબોટસના ખૂની હુમલા અંગે
એણે વિગતવાર વર્ણન કર્યું. એથી પ્રથમ સુનાવણીમાં જ કોર્ટે મૃત્યુ પામેલા અને ગંભીર નુકશાન પામેલા
કર્મચારીઓના કુટુંબીજનોને સંપૂર્ણ વળતર ચૂકવવા કંપનીને હુકમ કર્યો. ઘવાયેલાઓ જો કામ કરી શકે તેમ ન
હોય તો એ હાલતમાં જ એમને નિવૃત્ત થતાં સુધી નોકરી પર રાખવા ફરમાવવામાં આવ્યું હતું. તેમજ
કંપનીમાંથી રોબોટસની સંપૂર્ણ નિવૃત્તિ અંગે મેનેજમેન્ટને કર્મચારી મંડળ સાથે મળી, તેઓના હિતમાં નિર્ણય
લેવા જણાવવવામાં આવ્યું હતું. કર્મચારી મંડળ અને પોતાના સાથી રાહુલના પક્ષે ન્યાયનું પલ્લું નમ્યું હોવાથી
રિચાર્ડે તેઓની સાથે જોડાઇ ગયા. રિચાર્ડ અને રાહુલે મળી રોબોટસની નિવૃત્તિ અંગે મેનેજમેન્ટ પર દબાણ
આણ્યું. એમ પણ પચાસ રોબટસમાંના મોટા ભાગનાને એવું નુકશાન થયું હતું કે તેઓ કામ આપી શકે તેમ ન
હતા.
એ અંગે આખરી નિર્ણય લેવા મેનેજમેન્ટની મીટીંગ મળી. તેમાં રિચાર્ડે કંપનીમાં રોબોટસ અને
કર્મચારીઓ વચ્ચે થયેલી મારામારીની વિડીયો કેસેટ દર્શાવી. જેમાં ચિચિયારીઓ પાડી આમતેમ ભાગતા
કર્મચારીઓ, મોતના ભયથી ધ્રુજતા કર્મચારીઓ અને રોબટસના લોખંડી હાથે ઝુડાઇ રહેલા લોકોને જોઇ
મેનેજમેન્ટના સભ્યોને ભારે આઘાતની લાગણી થઇ. એ વખતે બહાર લોન પર ટોળે વળી કર્મચારીઓ બેઠા
હતા ત્યારે કંપનીના મેનેજર રિચાર્ડ સાથે તેઓની પાસે ગયા. બધા કર્મચારીઓ ઊભા થઇ ગયા અને મેનેજરને
સલામ ભરી. બધા તદ્દન શાંત હતા. ટોળામાંથી નીકળી રાહુલ આગળ ગયો અને મેનેજરની સામે ઊભો રહ્યો.
‘શાબાશ રાહુલ, તું જીતી ગયો. એક ભારતીય જુવાન હોવા છતાં તે અમેરિકી લોકોના પડખે ઊભા
રહી, મોટી સેવા બજાવી છે.’ એમ રાહુલની સાથે વાત કરી, મેનેજરે ટોળા પર નજર ફેરવી.
‘ભાઇઓ, કંપનીમાં જે કંઇ બન્યું એ બદલ હું દિલગીર છું. જેઓને સહન કરવું પડ્યું છે, તેઓની
બધી જવાબદારી કંપની ઉઠાવી લેશે. હવે પછી કંપની કોઇ રોબોટ ખરીદશે નહિ. કંપનીનું સઘળું કામ કંપનીના
કર્મચારીઓ મારફતે જ ચલાવાશે.’ એ સાથે તાળીઓના ગડગડાટ ગાજી ઊઠ્યા. અને એમાંથી પ્રચંડ અવાજ
ઊઠ્યો.
‘વેલ્ડન રાહુલ,’
‘શાબાશ રાહુલ.’
ફય્ૃજી઼ડ્ઢ
૧૦
સોનામાં સુગંધ
અજયપુર ગામની વચ્ચોવચ આવેલી હર્ષદ પટેલની હવેલી રાત્રે વિજળીની રોશનીથી ઝળહળી રહી
હતી. સિનેમાના ગીતોનું સંગીત ત્યાં ધીમા અવાજે ગુંજી રહ્યું હતું. ગામના લોકો વળીવળીને એ હવેલી તરફ
જઇ રહ્યાં હતાં. હવેલીની સામે મોટો રંગબેરંગી મંડપ બાંધવામાં આવ્યો હતો. તેમાં એક બાજુ અવ્યવસ્થિત
ગોઠવાએલી ખુરસીઓમાં એક તરફ ગામના સરકારી અમલદારો અને ડૉક્ટર બેઠેલા હતા. તેઓની સાથે
હવેલીના માલિક હર્ષદ પટેલ બેઠાબેઠા વાતો કરતા હતા. એમની ખુરસી પાસે એમનો નોકર વજેસીંગ, જમીન
પર ઊભે પગે બેઠો હતો. એ હસતા મોઢે બધાની વાતો સાંભળી ‘હા’ માં ‘હા’ પુરાવતો હતો. મંડપ નીચે
ગામના સવર્ણોનો જમણવાર ચાલતો હતોે. જ્યારે હવેલીની પાછળના ભાગમાં પછાત લોકો પંગતમાં બેસી
જમી રહ્યા હતા.
એ જ મંડપના બીજા ખૂણામાં હર્ષદ પટેલનો દીકરો સુગંધ કેટલાક જુવાનીયાઓ સાથે બેઠો હતો.
એની જમણી બાજુની ખુરસીમાં બેઠેલી અતિમોહક યુવતી એ સોના હતી અને સોનાની લગોલગ અઢેલીને
બેઠેલી બીજી યુવતી કમલા દેસાઇ હતી. તેઓની આસપાસ બીજી ચારેક યુવતીઓ આમતેમ ખુરસીઓમાં
બેઠી હતી. સુગંધની ડાબી તરફ એના આઠેક જુવાન મિત્રો બેઠા હતા. એ સિવાય સેંકડો સ્ત્રીપુરુષો અને
બાળકો મંડપમાં આસપાસ ખુરસીઓમાં ગોઠવાયાં હતાં અને કેટલાંક અવરજવર કરતાં હતાં. એથી એવો
શોરબકોર થઇ રહ્યો હતો કે કશું સ્પષ્ટ સંભળાતું ન હતું. એટલામાં જમણની પ્રથમ પંગતમાં જમીને ઊઠેલા
મહેમાનો જવાની ઉતાવળ કરતાં, હર્ષદ પટેલે તેઓને થોભાવ્યા હતા. તેમણે જોરથી તાળીઓ પાડી બધાંને શાંત
કરી દીધા. તરત હર્ષદભાઇએ માઇક પર બોલવાની શરૂઆત કરીઃ
‘ગામના વહાલા મિત્રો અને સંબંધીઓ, આજે આપ સૌ અમારી ખુશીમાં સામેલ થવા પધાર્યા, એ
બદલ આભાર. આ ગામમાં ભગવાને મને બહુ આશિષ દીધી છે. એથી મેં પાસેના શહેરમાં ડિટરજન્ટ સાબુ
અને પાવડરની ‘સુગંધ એસ્ટેટ’ નામની કંપની આજથી શરૂ કરી છે. એ કંપનીની બધી જવાબદારી મારો
ચીરંજીવી સુગંધ સંભાળશે.’ એ સાથે જ મંડપ નીચે તાળીઓનો ગડગડાટ ગાજી ઊઠ્યો.
‘સુગંધ એસ્ટેટ’ ના શબ્દો સાથે સુગંધ અને સોનાની આંખો મળી. અને સસ્મિત અલગ થઇ ગઇ.
પાસે બેઠેલી કમલા એ પામી ગઇ અને મૌન રહી. એટલામાં ગામના ઘણા લોકો સુગંધને હારતોરા કરવા
એકઠા થઇ ગયા. એથી સુગંધ, સોના, કમલા અને બે યુવાનો ઊભા થઇ ગયા. વારાફરતી બધા સુગંધને
ફુલહાર પહેરાવી ચાલતા થયા. કેટલીક વડીલ સ્ત્રીઓ આવીને સુગંધને માથે હાથ દઇ આશિષ આપવા લાગી.
ધીમેધીમે જમીને લોકો વિખરાવા લાગ્યાં. છેલ્લે હર્ષદ પટેલ પણ બગાસાં મારતા ઘરમાં સૂવા ચાલ્યા ગયા.
ત્યારે મોડી સાંજે મંડપની ટમટમતી રોશનીમાં ફક્ત ત્રણ ચહેરા ગુસપુસ કરી રહ્યા હતા, સુગંધ, કમલા અને
સોના.
‘કાલથી હું શહેરમાં જાઉં છું. મારે કંપનીની શરૂઆત કરવાની છે. એથી ખૂબ મહેનત કરવાની છે. ગામમાં
ફરી ક્યારે અવાશે, એની કોઇ ખબર નહિ.’ સુગંધે શરૂઆત કરી.
‘સુગંધ તમારા વિના બધું સૂનું થઇ જશે. તમે અવારનવાર આવતા રહેજો અને મળતા રહેજો.’
સોનાએ કહ્યું. કમલાના હોઠ પણ કંઇ કહેવા તડપી રહ્યા હતા પણ એ બીડાઇ જ રહ્યા.
‘કમલા, આજ તું ખામોશ કેમ છે? કંઇક તો કહે.’ સુગંધે એને બોલાવવા પ્રયત્ન કર્યો પણ એ ચૂપ જ
રહી.
‘બહુ અંધારું થઇ ગયું છે. ચાલો હું તમને ઘર સુધી મૂકી જાઉં.’ એવા સુગંધના ઉદ્ગાર સાથે જ
કમલા પાસે પડેલી લાલ મારૂતિકાર તરફ ચાલતી થઇ ગઇ.
‘સુગંધ થોભજો. હું મારા પિતાને લઇ આવું.’ કહી સોના ઉતાવળે ગઇ અને રસોડામાં છેલ્લું કામ
પતાવતાં રસોઇયાઓ પાસેથી વજેસીંગને લઇ આવી. એ સાથે જ કમલા પાછળની સીટ પર બેસી ગઇ. એને
અંદરની તરફ ખસેડી વચ્ચે સોના અને દરવાજાની લગોલગ એના પિતા એમ ત્રણે જણ કારમાં ગોઠવાઇ ગયાં.
એટલે સુગંધે પાછળનો દરવાજો બરાબર બંધ કર્યો અને આગળ બેસી એ કાર હંકારવા લાગ્યો. થોડી જ
વારમાં કાર કમલાના ઘર આગળ થંભી. કમલા કારમાંથી ઊતરી ત્યારે એની આંખોનાં આંસુ મીણની જેમ
ટપકતાં હતાં. એથી સોનાએ નીચે ઉતરીને એને સાંત્વન આપ્યું અને ઘરનાં પગથિયાં સુધી એને મૂકી આવી.
પછી મારૂતિ તરત ઉપડી અને સોના અને એના પિતાને લઇ ગામના છેવાડે આવેલા એમના ઘરે વળાવી તરત
પાછી વળી ગઇ. સોના અને વજેસીંગ ઘર બહાર ઊભા રહી કાર અદૃશ્ય થાય ત્યાં સુધી જોતાં રહ્યાં.
બીજા દિવસથી સુગંધ શહેરમાં ચાલ્યો ગયો. એથી સોના અને કમલા ગામમાં એકલાં પડી ગયાં. કેમ
કે રોજ ત્રણેયની ત્રિપુટી એકઠી મળતી અવનવી પ્રવૃત્તિઓ કરતી અને ગામના જુવાનોને ક્રિયાશીલ રાખતી. જો
કે સોનાએ થોડા સમય પછી સામાજીક પ્રવૃત્તિ ચાલુ કરવાનું વિચાર્યું. તેણે કમલા સાથે મળી પાસેના ગામોમાં
જઇ પછાત લોકો વિશે માહિતી એકઠી કરવા માંડી.
અજયપુરમાં જ પછાત લોકો માટે પીવાના પાણીનો કૂવો વસતિથી એક કિલોમિટર દૂર હતો. વળી
ત્યાં જવા માટે એક માત્ર ધૂળિયો રસ્તો હતો. તેમાં ઘણી જગાએ કાંટા પડેલા હોય, એવો રસ્તો પાણીનું બેઢું
લઇને વટાવતાં મુશ્કેલ લાગતું અને થાકી જવાતું. કેટલીય ગરીબ સ્ત્રીઓ ત્યાં વગર ચંપલે પાણી ભરવા જતી.
તેઓને રસ્તામાં કાંટા પણ વાગતા.
ગામડાઓમાં પછાત વર્ગના મોટા ભાગના લોકો અભણ હતા. તેઓ પોતાનાં છોકરાંને શાળામાંથી
ઊઠાડી લઇ મજૂરીએ લગાડી દેતા. મોટા ભાગની છોકરીઓ સાત ધોરણથી આગળ ભણતી ન હતી. કેમ કે
માતપિતા એવા મનનાં હતાં કે છોકરીઓને તો પોતાનું ઘર સાચવવાનું હોય, એથી એમને ભણાવીને શું ફાયદો?
ગામમાં લગભગ બધાં જ મોટી ઉંમરનાં લોકો કોઇને કોઇ વ્યસનનાં બંધાણી હતાં. ઘણા હુકો, ચલમ, બીડી
પીતા તો કેટલાંક છીંકણી સુંઘતાં. એવાં વ્યસનોમાં સ્ત્રીઓ અને બાળકોને સમાવેશ થતો હતો. જેઓ તમાકુનું
વ્યસન ન કરતાં તેઓ દારૂ પીતા.
ગામને છેવાડે વસેલા હરિજનો ગામમાં સફાઇનું કામકાજ કરતા. ત્યાંથી ગામમાં અંદર જતાં
ચમારોની વસતી હતી. તેઓ ગામમાં મરી જતાં ઢોર લાવી એનું ચામડું કાઢી લેતા અને એનું માંસ પણ ખાતા.
ત્યાંથી ગામમાં આગળ વધતાં વણકરોનાં ઘરો હતાં તેઓ ખાદી વણતાં અને પટેલોના ખેતરોમાં મજૂરી કરતા.
એ જ વસતીમાં સોનાનું ઘર હતું. ગામના પટેલો વણકરો સાથે એકંદરે સારો સબંધ રાખતા. જ્યારે હરિજનો
અને ચમારને તેઓ અડતા નહિ. તો વળી વણકરો, ચમારોની સાથે બેસઊઠનો વ્યવહાર રાખતા પણ રોટી અને
બેટી વ્યવહાર રાખતા નહિ. ગામમાં પટેલો એકંદરે પછાતો પ્રત્યે સારો વ્યવહાર રાખતા. તો પણ કેટલાંક
રજપુતોનાં ગામોમાં અસ્પૃશ્યતાની ગંભીર સમસ્યા હતી. જેમજેમ સોના ગામલોકોની સમસ્યાઓ નજરોનજર
જોતી ગઇ તેમતેમ તેનામાં એવી સમસ્યા અંગે આંદોલન કરવા માટેની પ્રબળ ઉત્તેજના જાગતી ગઇ. આખરે
મન મક્કમ કરી સોનાએ ગામોમાં પછાત લોકો પર થતા અત્યાચારો સામે લડી લેવા નિર્ધાર કર્યો.
સૌ પ્રથમ એણે પોતાના ગામના ડૉક્ટરને મળી, વ્યસનમુક્તિ કેમ્પનું આયોજન કર્યું. તેમાં મોટા
ભાગના જુવાનોએ વ્યસનો છોડવા શપથ લીધા. હાજરીના અડધોઅડધ મોટેરાંઓએ પણ હુકા, બીડી, તમાકુ,
છીંકણી છોડવા તૈયારી બતાવી. તેઓની શારીરિક તપાસ કરતાં ઘણાંને બ્રોન્કાઇટીસ, ટી.બી., અને દમની
બીમારી માલૂમ પડી. સોનાએ એ માટે સરકારી મદદ મેળવી તેઓને સારવાર આપવા માંડી. એવી હેતુલક્ષી
પ્રવૃત્તિઓ માટે તેને પાસેના ગામોમાં સેવાકાર્ય માટે આમંત્રણ મળવા લાગ્યું. ધીમેધીમે અખબારોનાં પાનાં પર
સોનાની પ્રવૃત્તિઓની નોંધ લેવાવા માંડી.
ધંધાની જવાબદારીને લીધે સુગંધ કોઇ વાર ગામમાં આવતો અને બધાંને ઉતાવળે મળી એક જ
દિવસમાં શહેરમાં પાછો વળી જતો. સુગંધ અને સોના મળતાં અને ‘ફરી મળીશું’ કરી વિખૂટાં પડી જતાં.
એવામાં એક દિવસે પાસેના ગામની એક વિધવા મહિલાએ આવીને સોનાને ફરિઆદ કરી કે તેની
નાની દીકરી મધુ સાંજે તેલ લેવા દુકાને ગઇ હતી. ત્યાંથી પાછાં વળતાં, તે ભૂલથી કોઇ રજપુત સાથે અથડાઇ
પડી. એથી પેલા રજપુતે ગુસ્સે થઇ એ છોકરીને ખૂબ માર મારતાં એનો જમણો હાથ તૂટી ગયો હતો અને
એની તેલની બાટલી હવામાં ઉછળી ગઇ હતી. એ વાત કહેતાં તે સ્ત્રી ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.
‘સોનાબેન, મારી મદદ કરો. ગામમાં અમારું કોઇ નથી. જો દરબારને હું કંઇ કહેવા જાઉં તો તેઓ
અમને બંનેને મારી નાંખશે.’
વિધવાની આપવિતી સાંભળી સોનાને દયા આવી. એ તરત એની સાથે જવા તૈયાર થઇ ગઇ. સાથે
એણે કમલાને પણ લીધી. પ્રથમ સોના અને કમલા તે વિધવા સ્ત્રીના ફળિયામાં ગયાં. ત્યાં જઇ તેઓએ જુવાન
ભાઇ-બેનોને ભેગાં કર્યાં. તેઓ બધાં સાથે મળી ગામના સરપંચને મળવા ગયાં. સોનાએ એક લેખિત પત્ર
સરપંચને આપ્યો જેમાં વિધવાની દીકરીને થએલી ઇજા માટે સારવારના પૈસા આપવા તેમ જ તેલની બાટલી
અને તેલના પૈસા ભરી આપવા મારનારને તાકીદ કરવામાં આવી હતી. જો ચોવીસ કલાકમાં તેમ ન થાય તો
આ વાત વિધાનસભા સુધી લઇ જવા સોનાએ સાફ જણાવ્યું હતું. વળી ભવિષ્યમાં જો રજપુતો પછાતોે પ્રત્યે
એવું જ વલણ ચાલુ રાખશે તો ગામનું કામ સદંતર બંધ કરી દેવા પછાતોને ફરજ પડશે, એમ એ નિવેદનમાં
ચેતવણી આપવામાં આવી હતી. ગામના પછાત જુવાનોના એ શાંત આંદોલનની ત્યાંના ભણેલા વર્ગ પર સારી
અસર પડી અને તેઓએ પેલા રજપુતને નુકશાની ભરી આપવા સલાહ આપી. એ જ સાંજે રજપુતે સો રૂપિયા
પેલી વિધવાને આપી દીધા અને સાથે જણાવ્યું કે પોતે એનું વેર લઇને ઝંપશે.
સોનાએ પોતાના ગામમાં પૌઢશિક્ષણના વર્ગ શરૂ કર્યા. તેમાં કમલા શિક્ષણ આપવા લાગી. એમ
ગામના ઘણા લોકોને અક્ષરજ્ઞાન મળ્યું. આવી બધી પ્રવૃત્તિઓ માટે સોનાને હર્ષદ પટેલ તરફથી નાણાની
ભરપુર સહાય મળતી. એથી સોના ઘણી વાર વિચારતી કે શા માટે પટેલ સાહેબે મારો કોલેજનો ખર્ચ
ઊઠાવ્યો? શા માટે એ મને સારાં વસ્ત્રો લાવી આપે છે? શા માટે એ મારી બધી પ્રવૃત્તિઓમાં રસ લઇ નાણાં
આપતા જાય છે? એવું વિચારતાં હંમેશાં પટેલ સાહેબની આંખોમાં દયાભાવ અને મદદની ભાવના જ છલકતી
દેખાઇ. કદી હર્ષદ પટેલે કોઇ ગંદી ચાલ ચાલવા પ્રયત્ન કર્યો ન હતો. એથી સોના હંમેશાં એમને માનથી જોતી.
વળી એ સુગંધના પિતા જ હતા ને!
એવામાં એક રાતે પેલી વિધવા અને એની દીકરી હાંફળાંફાંફળાં દોડતાં સોના પાસે આવ્યાં. સોનાની
પાસે આવતાં જ બંને પોક મૂકીને રડી પડ્યાં. થોડા સમય પછી તેઓ શાંત થયાં. સોનાએ તેઓને પાણી પાયું
અને તેઓના દુઃખનું કારણ પૂછયું.
‘સોનાબેન, પેલો શેતાન આજે સાંજે સળગતી મશાલ સાથે અમારા ઘરે આવતો હતો. તેને જોતાં જ
અમે બંને પાછળનો દરવાજો ખોલી જીવ લઇને નાસી છૂટયાં. ખબર નહિ શું થયું હશે અમારા ઘરનું?’
વિધવાએ ચિંતા વ્યક્ત કરી.
‘ગભરાશો નહિ બેન. જ્યાં સુધી એ રજપુતની સાન ઠેકાણે ના આવે, ત્યાં સુધી તમે મા-દીકરી મારા
ઘરમાં રહેજો.’ સોનાએ તેઓને સાંત્વન આપ્યું. બીજા દીવસે બધાં પેપરોમાં છપાઇ ગયુંઃ ‘કતાલની પછાત
વસતીમાં લાગેલી આગ. મા દીકરી જીવબચાવવા નાસી છૂટ્યાં.’ સોના તરત કમલાને લઇ કતાલમાં પહોંચી
ગઇ. ત્યારે ત્યાં પોલીસ આવી ચૂકી હતી. ત્યાં બે ઘરો બળીને ખાક થઇ ગયાં હતાં. પણ પેલો રજપુત લાપત્તા
હતો. સોનાને જોતાં બધાં ત્યાં ભેગા થઇ ગયાં. એ બધાને સોનાએ સંબોધન કર્યુંઃ
‘ભાઇઓ અને બહેનો, આજે જે કુટુંબો પર અત્યાચાર થયો છે, તેવો અત્યાચાર કાલે ગમે તે વ્યક્તિ
પર થઇ શકે. આજે શાંતાબેન અને કાળીદાસનાં મકાનો બળી ગયાં તો આવતી કાલે આખી વસતી તબાહ થઇ
શકે. એ માટે પ્રથમ સૌએ સંગઠીત થવું પડશે. માટે આજથી જ્યાં સુધી ગુનેગાર પોતે પકડાય નહિ અને
જેલભેગો કરાય નહિ ત્યાં સુધી કોઇએ ગામનું કોઇ પણ કામ કરવું નહિ.’
એ વાત સરપંચના કાને પહોંચી. એથી એ દોડતો આવ્યો અને એણે ગામના ખર્ચે બંને પછાતોનાં
મકાનો બાંધી આપવા તેમ જ ગુનેગાર માણસને પકડવા માટે બધી સહાય કરવાનું વચન આપ્યું. એથી
સોનાએ લોકોને ગામમાં પોતાનું કામ ચાલુ રાખવા સમજાવ્યું. બીજા જ દિવસથી બળી ગએલાં બે કાચાં
મકાનોની જગાએ બે ઇંટોનાં પાકાં મકાનો બંધાવા માંડ્યાં. ત્રીજા દિવસે પેલો રજપુત તાલુકાના શહેરમાંથી
પકડાઇ ગયો અને એને છ મહિનાની જેલ થઇ. એથી ગામલોકોમાં હવે સમજદારી વધવા માંડી. તેઓએ
પછાતો પર થતા અજુગતા વર્તનમાં ફેરફાર કરવા માંડ્યો. બે મહિનામાં નવાં મકાનો તૈયાર થઇ જતાં સોનાએ
પેલી વિધવા સ્ત્રી અને એની દીકરીને સમજાવીને તેઓના ગામમાં રહેવા મોકલ્યાં. એથી પેલી વિધવાએ પોલીસ
અમલદારને મળી રજપુત સામેનું તહોમતનામુ પાછું ખેંચી લીધું. એને લીધે રજપુતની સજા માફ થઇ ગઇ. સૌ
ગામલોકો એ સ્ત્રી પ્રત્યે માનથી જોવા લાગ્યાં. એમ એ પ્રશ્ન સોનાએ કાયમ માટે હલ કરી દીધો. સોનાની
સામાજીક પ્રવૃત્તિઓને કારણે એની ઠેરઠેર પ્રસંશા થવા લાગી. વિધવા બાઇના કિસ્સા સંબંધીની વાત મોટા
ભાગનાં દૈનિકોમાં સોનાની તસ્વીર સાથે છપાઇ.
એ અરસામાં સુગંધે પોતાની ફેક્ટરીના એક નવા જ નહાવાના સાબુની જાહેરાત કરવા માંડી. એનું
નામ એણે ‘સોના’ રાખ્યું. સોના તો એ જાણી ડઘાઇ જ ગઇ. વળી એ સાબુની એક ખાસ ટી.વી. જાહેરાતની
ફિલ્મ તૈયાર કરવા સુગંધે વિચાર્યું. થોડા જ સમયમાં એ જાહેરાત માટે મોડેલીંગ કરવા સુગંધે સોનાને ખાસ
વિનંતિ કરી. જાહેરાત માટે પોતાનું ચિત્રીકરણ કરવા સોના ખચકાતી હતી પણ સોનાને સુગંધના પિતા હર્ષદ
પટેલે કરેલા બધા ઉપકારો યાદ આવવા લાગ્યા. વળી સુગંધ પણ એને ખૂબ ચાહતો હતો અને એ પોતે પણ
સુગંધને પ્રેમ કરતી જ હતી. છતાં એને નડતાં હતાં, કેવળ સમાજનાં બંધનો. સોના માટે આ એક મોકો હતો
જ્યારે એ પટેલ સાહેબના ઉપકારોનું ઋણ અદા કરી શકે. એથી સુગંધ પણ ખુશ રહેશે. એમ વિચારી સોનાએ
જાહેરાત માટે મોડલીંગ કરવાની તૈયારી બતાવી. થોડા જ સમયમાં જાહેરાતની ફિલ્મ તૈયાર થઇ ગઇ.
કાળા ભરાવદાર લાંબા વાળ, નીલરંગી આંખો અને ગોરી કાયા લઇ સોના સ્નાનવેશમાં પડદા પર
આવતી અને કહેતીઃ ‘મારી સોનરૂપ કાયા અને દીર્ઘકેશને નિખારવા માટે જોઇએ કેવળ ‘સોના’. તરુણીઓનો
રૂપનિખાર મનમોહક સાબુ ‘સોના’. આ જાહેરાતથી થોડા જ મહિનાઓમાં ‘સોના’ સાબુ આખા દેશમાં વપરાવા
લાગ્યો. પોતાના સાબુને મળેલી અદ્ભુત લોકપ્રિયતાથી ખુશ થઇ સુગંધે સોનાને માગે તેટલી રકમ આપવાની
ઇચ્છા વ્યક્ત કરી. સોનાએ કંઇ પણ લેવાનો ઇન્કાર કરી દીધો. આખરે સુગંધે સમાજસેવાને માટે સોનાને મોટું
ફંડ આપવા તૈયારી બતાવી ત્યારે એને પોતાના ગામમાં એક કિલોમિટર દૂર પાણી ભરવા જતી પછાત વર્ગની
સ્ત્રીઓ યાદ આવી ગઇ. એથી સુગંધને તેણે ગામમાં પાણીની ટાંકી બાંધવા મદદરૂપ થવા વિનંતી કરી. સુગંધે
એ માટે મોટી રકમ સોનાને આપી. જો કે ખર્ચ વધી જતાં બીજી સરકારી મદદ મેળવી કામ પૂરું કરવામાં
આવ્યું. એથી ગામની બધી વસતીમાં ઠેરઠેર નળ આવી ગયા. એ જોઇ સવર્ણો થી માંડીને પછાતવર્ગના સૌ
સોનાની પ્રશંસા કરવા લાગ્યાં.
એ દિવસોમાં પાસેના એક ગામમાં શ્રી.પરમારની આચાર્ય તરીકે નિમણુંક થઇ. તે પછાત વર્ગના
હોવાથી ગામમાં તેમને કોઇ ઘર ભાડે આપવા તૈયાર ન હતું. આ વાત સોનાના ધ્યાનમાં આવતાં એ ત્યાં પહોંચી
ગઇ. સોના ગામમાં આવતાં જ જુવાનો અને બાળકો એને જોવા દોડી આવ્યાં. ઘણાએ તો એના હસ્તાક્ષર પણ
લીધા. સોનાએ એ ગામના આગેવાનોને મળી આચાર્યશ્રીને ગામમાં ઘર આપવા સમજાવવા માંડ્યું.
‘જે ગુરુ આપણને વિદ્યા આપે, એ સમાજના સૌ માણસો કરતાં વધુ આદરણીય છે. એમનો અનાદર
કદી ના થાય. પરમારભાઇ મહાશાળાના આચાર્ય નિમાયા છે જ્યાં બધાં વર્ણના બાળકો સાથે આવીને ભણે છે.
જો બાળકોને આપણે અન્ય વર્ણીઓની સાથે ભણવામાં વાંધો ન જોતા હોઇએ તો એમના ગુરુને આપણી
વસતીમાં રાખવામાં શો વાંધો?’
આખરે સોનાની સમજણથી શ્રીમતી ચંચળબેન પટેલે પોતાનું ખાલી પડેલું ઘર આચાર્યશ્રીને રહેવા
આપ્યું. એ પહેલાં એ શહેરમાં રહેતા હતા અને એમનાં છોકરાં અંગ્રેજી માધ્યમવાળી ક્રિશ્ચિયન સ્કૂલમાં ભણ્યાં
હતાં. એથી તેઓની રહેણીકરણી જોઇ ગામના લોકો પ્રભાવિત થયા.
સોનાએ ગામમાં પોતાનું સેવાકાર્ય ચાલુ રાખ્યું હતું. તેણે ગામમાં નાની લાઈબ્રેરી શરૂ કરી. ગામના
ચમારોની સ્થિતી સુધારવા તેણે શરૂઆત કરી. મરેલાં જાનવરોનું રોગિષ્ટ અને ગંદુ માંસ નહિ ખાવા તે લોકોને
સમજાવવા લાગી. સોના પ્રત્યે હવે લોકોને ખૂબ માન થઇ ગયું હતું. એટલે એનો પડ્યો બોલ ઝીલી લેવા લોકો
તૈયાર હતા. પરિણામે ચમારોએ માંસ ખાવાનું છોડ્યું. એથી અન્ય પછાત વર્ગના લોકોએ તેઓને પોતાના
સમાજમાં આવકાર્યા.
ગામલોકોમાં સુધારાવાદી કાર્ય કરવાને બદલે સોનાની લોકપ્રિયતા દિનપ્રતિદિન વધતી ગઇ. એ જોઇ
દૂરદર્શન દ્વારા પણ સોનાનું ઇન્ટરવ્યુ લઇ એ ગુજરાતી કાર્યક્રમમાં દર્શાવવામાં આવ્યું એ બધું સુગંધ શહેરમાં
બેઠોબેઠો જોતો હતો અને જાણતો હતો. એ મનમાં હંમેશાં સોનાની પ્રવૃત્તિઓ અંગે ખુશ થયા કરતો. એ
સોનાની વધુ નજીક જવા ચાહતો હતો પણ સમાજવ્યવસ્થાથી મુંઝાતો હતો. જો કે ગામમાં જતો ત્યારે એ અચૂક
સોનાની મુલાકાત કરતો અને એને માટે ગમે તે કરવા તૈયાર હતો.
એ દિવસોમાં હર્ષદ પટેલ અને રતનબા સુગંધનાં લગ્ન અંગે વિચારી રહ્યાં હતાં.
‘મારા સુગંધ માટે રૂપરૂપના અંબારવારી પટલાણી શોધજો.’’ રતનબા કહેતાં.
‘સારું રૂપારીરાય છોકરી લાઇએ પણ ઠનઠન ગોપાલ ચાલેને.’’
‘ના બા હોેં. એ અર્ધો કરોડનું દહેજ તો આપણા શું વિસાતમાં. મારા દીકરાની પોરપટીતો જુઓ.’ એક દિવસે
સુગંધને ઘેર પહોંચી જવા ખાસ પત્ર મળ્યો. પત્ર મળતાં જ એ ઘેર પહોંચી ગયો. પ્રથમ દિવસે માતપિતા અને પુત્રએ મળીને
ખૂબ વાતો કરી. બીજા દિવસે સુગંધે પોતાને ખાસ બોલાવવા માટે પ્રયોજન પૂછયું.
‘બેટા, તું ભણ્યોગણ્યો અને હવે પોતાના પગ પર ઊભો રહેતો થયો એટલે અમને તારા ભવિષ્યની
ચિંતા વળી!’ માએ શરૂઆત કરી અને પિતા પુત્ર સામે જોઇ રહ્યા.
‘બા, ભવિષ્યની ચિંતા શા સારું કરો છો? ઉપરવાળો બધું બરાબર કરશે પણ મને કહો તો ખરાં
શાની ચિંતા?’
‘બેટા, અમારે હવે ઘરમાં એક સુંદર અને સુશિલ વહુ જોઇએ છીએ. બોલ એવી વહુ તું ક્યારે
લાવવા કહે છે?’ મા બોલતી જતી હતી અને પિતા વાર્તાલાપ સાંભળતા હતા.
‘બા, વહુ તો તમે કહો ત્યારે લાવીશું પણ ક્યાંથી લાવીશું? સુગંધે સામો પ્રશ્ન કર્યો અને હર્ષદ પટેલ
હસી પડ્યા.
‘વાહ બેટા, પરીઓ જેવી રૂપાળી છોકરીઓ સાથે ફરે છે અને અમને પૂછે છે. તારે શહેરમાં તો
કોઇની ઓળખાણ થઇ હશે ને?’
‘બા, ઓળખાણ તો મારે ઘણી છે પણ લગ્ન માટે તો એક જ છોકરી પસંદ કરવી પડશેને. એથી હું
મુંઝાઉં છું કે કઇ છોકરી પસંદ કરું?’
‘બેટા, જ્યાં સુધી તારા પિતા જીવે છે, ત્યાં સુધી તારે મુંઝાવાની જરૂર નથી. હર્ષદ પટેલ જે છોકરીના
માતપિતાને માંગું મોકલશે એ કદી પાછું નહિ વળે.’ પિતાએ ઘમંડથી કહ્યું.
‘પિતાજી, મને તમારા માટે અભિમાન છે. હું એવી છોકરી પસંદ કરવા માગું છું જે તમને બધાંને
પસંદ હોય. પણ એક શરત, હું છોકરીવાળા પાસેથી દહેજ લઇશ નહિ.’ સુગંધે સાફ વાત કરી.
‘એ શરત અમને મંજૂર છે.’ પિતાજી ઉતાવળે બોલી ગયા. અને બા જોતાં જ રહી ગયાં.
‘હવે તો કહીશને તારી પસંદગી, અમને પણ ગમી જાય એવી છોકરી કોણ છે?’ બા અધીરાં બન્યાં.
બધાં પાંચેક મિનિટ મૌન થઇ ગયાં. પિતામાતા પુત્રને નીરખી રહ્યાં હતાં અને સુગંધ શું કહેવું તે
વિચારી રહ્યો હતો.
‘સાંભળો બા.... અને બાપુજી, મેં મારા મનથી એક છોકરી પસંદ કરી લીધી છે. એ એમ.એ. થએલી
છે અને ખૂબ સુંદર અને સુશીલ છે. વળી મહત્ત્વની બાબત તો એ છે કે તે છોકરી આજે ‘ગુજરાતનું ગૌરવ’
બની ગઇ છે!’
‘અરે વાહ, જોયું ને મારા લાલાની પસંદગી. હું તો જાણતી જ હતી કે મારો દીકરો અજબ છોકરી
પસંદ કરી લાવશે.’ મા ખુશ થઇ ગઇ.
‘કોણ છે એ ખુશનસીબ? બેટા, તારા લગ્ન ધામધૂમથી કરી લાખો રૂપિયા ખર્ચીશું. તારું લગ્ન તો
એવી શાનથી કરીશ કે પટેલિયાઓ જોતા જ રહી જાય!’ પિતાએ ખુશી વ્યક્ત કરી.
‘પિતાજી, મને લગ્નના ઠાઠનો મોહ નથી. મારા લગ્ન તમને ફાવે એ રીતે કરજો પણ મારી
પસંદગીની છોરરી સાથે જ.’ સુગંધે શરત મૂકી.
‘અમને મંજૂર છે પણ બેટા કહેતો ખરો એ કોની છોકરી? એનું નામ શું?’ બા અધીરાં બન્યાં.
‘એ ખુશનસીબ છોકરીનું નામ છે, .... સોના.’
સોનાનું નામ સાંભળતાં જ ત્રણેય પથ્થરનાં પૂતળાં બની ગયાં. ત્રણમાંથી કોઇ કંઇ બોલવાની હિંમત
કરતું નહિ. બેઠકખંડમાં ઘડિયાળની ટકટક સાતેક મિનિટ સંભળાતી રહી. ધીમે રહીને હર્ષદ પટેલ બહાર
નીકળી ગયા.
‘આ તું શું બોલ્યો દીકરા? તારો બાપ કરોડપતિ, ગામનો મુખ્ય માણસ અને તેં આપણા નોકરની
છોકરીનું નામ લીધું. એ તો સમાજમાં આપણું નાક કાપી નાખવા જેવી વાત થઇ.’ એમ કહેતાં બાની ખાંખમાં
આંસુ આવી ગયાં.
‘બા, અત્યાર સુધી તો તમે મારી ખુશીમાં ખુશી હતાં અને હવે નિરાશ થઇ ગયાં. બા હું તમને ખાતરી
આપું છું, સોના તનમનથી તમારી સેવા કરશે અને કુટુંબનું નામ ઉજાળશે.’ એટલી વારમાં હર્ષદ પટેલ
વજેસીંગ અને સોનાને લઇ આવી પહોંચ્યા. તેઓને જોતાં જ રતનબા આવેશમાં આવી ગયાં.
‘અરે આ બધું શું છે? વજલા તું અત્યારે કેમ આવ્યો? તારા કામે જા. અને સોના તને અહીં કોણે
બોલાવી?’ બા ઝટપટ બોલી ગાયાં.
‘જરા શાંત થા અને મારી વાત સાંભળ’ કહી પટેલ વજેસીંગ અને સોના તરફ ફર્યા. ‘આજે સુગંધ
બહુ દિવસે આવ્યો એટલે મેં તેમને મળવા બોલાવ્યાં છે.’
‘અરે તમેય આ શું કરવા બેઠા છો? છોકરો નાદાન છે એટલે આપણે મોં કાળાં કરવાં?’
‘હેં માજી, આ શું બોલ્યાં? તમારે શાના માટે મોં કાળું કરવું પડે?’ વજેસીંગે પૂછયું અને સોના
પરિસ્થિતી સમજવા પ્રયત્ન કરવા લાગી.
‘ભાઇ વજા, તું ઓટું લગાડીશ નહિ. પટલાણી થોડી આવેશમાં આવી ગઇ છે.’ હર્ષદ ભાઇએ કહ્યું.
‘સુગંધ, હું તો જાણું આ બધું શું છે? મારા પિતાજીએ જીંદગીભર તમારી સેવા કરી આખું જીવન
ઘસી નાખ્યું. એમણે કદી તમારું કોઇ નુકશાન કર્યું નહિ. જરૂર અમે ગરીબ છીએ પણ અમને અમારી જાત પર
ગર્વ છે.’ સોનાએ જાણે સામે તીર ફેંક્યું. રતનબા આંખો કાઢીને એને જોઇ રહ્યાં.
‘સોના, મને બા-બાપુજીએ ખાસ મારા લગ્નની વાત માટે બોલાવ્યો છે. હવે હું મારી પસંદગીની વાત
કરું છું તો બંને બગડ્યાં છે.’ સુગંધે ઘટસ્ફોટ કર્યો અને સોના મોંમાં આંગળાં નાંખી ગઇ.
‘અરે ના શું માને, લાવને બેટા, હું તારી ભલામણ કરું. તારે કોની સાથે લગન કરવાં છે?’ વજેસીંગે
નિર્દોષભાવે પૂછયું.
‘તમારી સોના સાથે કાકા, હું સોનાને પ્રેમ કરું છું અને તે પણ મને ચાહે છે, એ સાચી વાત છે.
અમારા કોલેજજીવનમાં અમે સાથે પરણવા એકરાર કરેલો. શું કાકા, સોનાનો હાથ તમે મને આપશો?’
સુગંધના એ શબ્દો સાથે સૌ અવાક્ બની ગયાં.
‘ચૂપ કર મૂરખ, આ શું બકી રહ્યો છે?’ પોતાના પતિ સામે ફરી. ‘તમે જોઇ શું રહ્યા છો, બહાર
કાઢો આ બંનેને.’ બા ગુસ્સો ઠાલવવા લાગ્યાં.
‘મેં જે કર્યું તે ઠીક કર્યું છે. વજલા સાચું કહેજે, તું ક્યારે અને કેવી સ્થિતિમાં મારા ઘેર આવ્યો હતો?’
થોડીવાર ત્યાં શાંતિ છવાઇ ગઇ. પછી વજેસીંગ ધીમેધીમે બોલવા લાગ્યો.
‘સાહેબ ૧૯૫૫માં હું આપ સાહેબને ત્યાં આવ્યો હતો. ત્યારે આપના પિતાજી નરસિંહ મુખી જીવતા
હતા અને આપે લગન કર્યું ન હતું. પછી દસેક વરસ બાદ તમારાં લગન થયાં હતાં. હું સાહેબ અમરપુરનો
રજપુત છું અને મારા ગામની વણકર છોકરી રૂપા પર મોહિત થઇ એને ઉપાડી લાવ્યો હતો. એ ખરા સમયે
મોટાબાપુએ મને આશરો આપેલો. પછી એક જ વરસે આપણા ઘેર વસ્તાર થયો. તમારે ત્યાં સુગંધ આવ્યો
અને મારે ત્યાં સોના. એ પછીની વાત તમે બધી સારી પેઠે જાણો જ છો.’
‘અરે વજલા, તેં તારી આપવિતી મને ક્યારે કહી હતી. તું અલ્યા રજપુત જાતનો છું, એ તો મેં આજે
જ જાણ્યુું. અને આ તારી રૂપકડી છોકરીને, કોણ વણકર માની છોકરી કહે? વળી સૌથી મોટી વાત તો મારો
સુગંધ આ ગામની લાખો છોકરીઓમાં કેવળ તારી છોકરીને જ ચાહે છે. તું અમારો ચાકર એટલે લોકો વાતો
તો કરશે પણ મારે એ બેનાં દિલ તોડવાં નથી. થોડી વાર શાંતિ છવાઇ ગઇ. પછી ધીમેથી બાએ વાત માંડીઃ
‘હું જ્યારે જ્યારે માંદી થતી ત્યારે તારી રૂપા જ મારી સેવા કરતી. બીચારી મેલેરિયાના તાવમાં એવી
પટકાઇ તે ફરી બેઠી થઇ જ નહિ. આજે પણ એનો ચહેરો મારી સામે આવે છે.’ એ સાંભળતાં વજેસીંગ અને
સોનાની આંખો ભીની થઇ ગઇ. રતનબા પોતાનાં આંસુ પાલવે ધીમેધીમે લૂછતાંલૂછતાં-
‘લો ત્યારે હવે ઉતાવળ કરો, મુરત જોવડાવો, ઢોલીને બોલાવો અને લગ્ન કરી નાખો મારા
દીકરાદીકરીનાં. એ સાથે જ ત્રણેય ચહેરા પર ખુશી મંડરાવા લાગી અને સુગંધ અને સોનાએ મા-બાપનો ચરણ
સ્પર્ષ કર્યો.’
ફય્ૃજી઼ડ્ઢ
૧૧
રાધા કથની
શના કાકા ગામના સરપંચ અને ભલા માણસ, તેમનાં પત્ની અંબામા પણ પ્રેમાળ. તેઓનો એક માત્ર
પુત્ર પ્રેમલ ગામની શાળામાં એસ.એસ.સી.માં ભણતો. શનાકાકા પૈસાપાત્ર એટલે બે માળનું ઘર, જમીનજાગીર,
પશુધન અને નોકરચાકરો એમની પાસે. ખૂબ જાયદાદ અને પ્રેમલ એકલો વારીશ હોવાથી તે મોજમઝામાં
જીવન ગાળતો. ભણવામાં પ્રેમલ હોંશિયાર હતો. ગામના લોકો શનાકાકા અને અંબામાને માનથી જોતા અને
પ્રેમલનું નામ લોકમુખે રમતું રહેતું.
સાઇઠના દાયકામાં એ સમયે ગામમાં કેરોસીનની બત્તીઓને સ્થાને વિજળી આવી હતી. ગામમાં હજુ
નળની વ્યાવસ્થા ન હોવાથી સ્ત્રીઓ કૂવે પાણી ભરવા જતી અને તળાવે કપડાં ધોેેતી. સાંજ પડે ગામનાં
છોકરાં-છોકરીઓ તળાવે ફરવા નીકળતાં અને કિનારે બેસી ગપસપ કરતાં. ત્યારે જુવાનોમાં શહેરમાં જઇ
નોકરી કરવાનું એક નવું આકર્ષણ જામ્યું હતું. એ સિવાય સેરસપાટા કરવા અને ચલચિત્રો જોવા જુવાનીયાઓ
શહેરમાં અવારનવાર જતા. એ સમયે પ્રેમલ અને એના મિત્રો વિદેશ જવાના સ્વપ્નોમાં રાચતા.
શનાકાકા અંગ્રેજોના સમયમાં એસ.એસ.સી. થયેલા, એટલે અંગ્રેજી લખી-બોલી જાણતા. વળી
એમણે અંગ્રેજ શાસનમાં ગામના પોલીસ પટેલ તરીકે ફરજ બજાવેલી. એમના મિલનસાર સ્વભાવના લીધે એ
વખતે એમને રોબર્ટ નામના એક અંગ્રેજ ઑફિસર સાથે મૈત્રી થઇ ગએલી. એ દર વરસે ડિસેમ્બરમાં
ક્રિસ્ટમસના દિવસોમાં શનાકાકાને કાર્ડ મોકલતો અને શનાકાકા એને નાતાલની શુભેચ્છા પાઠવતા.
જોતજોતામાં પ્રેમલે એસ.એસ.સી પાસ કર્યું. શનાકાકા ત્યારે આધેડવયના હતા. માતપિતાએ પ્રેમલને
ઘરનો કારોબાર અને ખેતી સંભાળી લેવા સલાહ આપી પણ પ્રેમલે આગળ ભણવાની ઇચ્છા વ્યક્ત કરી.
ગાંધીજી, નહેરૂ, સરદાર અને બોઝના જીવનમાં પરદેશનો કાયદા અભ્યાસ મદદરૂપ બન્યો હતો. એથી
જીવનમાં આગળ વધવા પરદેશી કેળવણીની જરૂર ખરી, એવું મંતવ્ય પ્રેમલે વ્યક્ત કર્યું. માતપિતાએ પુત્રની
ખુશીમાં એની ઇચ્છા પુરી કરવા સંમતિ દર્શાવી. શનાકાકાએ એ અંગે પોતાના અંગ્રેજ મિત્ર રોબર્ટ સાથે
પત્રવ્યવહાર કર્યો. રોબર્ટે પ્રેમલને ભારતમાં ઇન્ટર સુધીનો અભ્યાસ કરવા સલાહ આપી. પરદેશ ભણવાની
લાલચમાં પ્રેમલે રાજીખુશીથી વડોદરાની યુનિવર્સીટીમાં ઇન્ટર સાયન્સનો અભ્યાસ શરૂ કર્યો.
દીકરાને અમેરિકા મોકલતાં પહેલાં શનાકાકા અને અંબા માએ પ્રેમલના લગ્ન કરી લેવા ઠરાવ્યું.
ગામેગામથી એ માટે પૈસાપાત્ર પટેલોની છોકરીઓનાં માગાં આવવા લાગ્યાં. વળી એવી છોકરીઓ સોનુ, મોટી
રકમ અને જીવનજરૂરીયાતની બધી વસ્તુઓ લાવશે એમ પણ ખાતરી મળવા લાગી. લગ્ન અંગે ઉતાવળ નહિ
કરવા પ્રેમલે માતપિતાને સલાહ આપી.
શહેરમાં ભણતાં એક દિવસ પ્રેમલ ઘરની મુલાકાતે આવ્યો. સવારે દસેક વાગે એ પોતાના સ્કૂટર
પર પાસેના ગામ જવા નીકળ્યો. ત્યારે રસ્તામાં શાળાની એક વિદ્યાર્થીની પંચર થએલી સાઇકલ મુશ્કેલીએ
ખેંચીને તેના ગામે આવી રહી હતી. પ્રેમલે એની પાસે સ્કૂટર ઊભું રાખી પૂછયુંઃ ‘હું તમને મદદ કરી શકું?’ એ
છોકરી પરસેવે રેબઝેબ થઇ ગઇ હતી. તેની સાઇકલના આગલા પૈડામાં હવા નહિ હોવાથી સાઇકલ ખેંચવામાં
મુશ્કેલી પડતી હતી. છતાં એ છોકરી અનુત્તર રહી અને થોડું થોભી પ્રેમલની આંખમાં આંખ પરોવી ચાલતી
થઇ. પ્રેમલ એને જોઇ રહ્યો.‘શરમાશો નહિ, હું આ ગામનો જ વતની છું. તમને સ્કૂલ સુધી મૂકી જઇશ.’ પેલી
છોકરી રોકાઇ અને પાછળ વળી એણે પ્રેમલ સામે નજર કરી. પ્રેમલ ચાલીને એની પાસે પહોંચી ગયો. એના
વાળ ચહેરા પર વિખરાઇ ગયા હતા. કેટલીક વાળની લટોએથી પ્રસ્વેદબિંદુઓ સરકી રહ્યાં હતાં. થાકી જવાથી
એની છાતી ધકધક થતી હતી.
‘શું તમે મને સ્કૂલ સુધી મૂકી જશો? મને ઘણું મોડું થઇ ગયું છે. પણ મારી સાઇકલ?’
‘જરા ય ચિંતા ન કરશો. આ ગામ તમારું જ છે એમ સમજજો. તમારી સાઇકલ પાસેના ખેતરમાં
મૂકી ખોડાભાઇને સંભાળવા કહીશું. હું તમને જલ્દી સ્કૂટર પર શાળામાં છોડી જઇશ.’ એ સાથે એ છોકરીના
હૃદયમાં ખુશીનો અહેસાસ થયો અને એના મુખમાંથી સ્મિત ઝર્યું. પ્રેમલનો ચહેરો પણ મલકાઇ ગયો. પ્રેમલે
રસ્તાની બાજુ પર સ્કૂટર મૂકી દીધું. પછી સાઇકલને ઝડપથી ઊંચી ઊઠાવી ખોડાભાઇના ખેતરમાં મૂકી
આવ્યો. થોડી જ વારમાં એ પાછો આવ્યો અને પેલી છોકરીને સ્કૂટર પાછળ બેસાડી ગામ તરફ સ્કૂટર દોડાવી
મૂક્યું. ગામને કૂવે સ્ત્રીઓ પાણી ભરતી હતી. એ બધી પ્રેમલની પાછળ બેઠેલી છોકરીને જોઇ ઓળખવા પ્રયત્ન
કરવા લાગી પણ સ્કૂટર પૂરપાટ આગળ વધી ગયું. થોડી વારમાં બંને શાળાએ પહોંચી ગયાં. સ્કૂટર થોભતાં જ
પેલી છોકરીએ નીચે ઊતરી ઘડિયાળ જોયું. હજુ દસ મિનિટ બાકી હતી. એણે ખુશીનો એક શ્વાસ ભર્યો. બંને
આમનેસામને જોઇ રહ્યાં.
‘તમારું નામ?’ પ્રેમલે પ્રશ્ન કર્યો.
‘રાધા, નવમામાં ભણું છું.’ મીઠો મધ અવાજ અને ગોરીગોરી કાયા, મોટી મોટી આંખો અને
કાળાલાંબા વાળ, પ્રેમલતો જોતો જ રહ્યો અને રાધાની નજર ઢળી પડી.
‘તમે તો..... અહિ.....’ બોલતાં ખચકાટ અનુભવતી રાધા જમીન પર પગનો અંગુઠો ફેરવવા લાગી.
‘હા, હું આ જ ગામમાં રહું છું. મારું નામ પ્રેમલ. મારી જરૂર પડે શનાકાકાનું ઘર પૂછી લેજો.’
‘ધન્યવાદ, ચાલો હું જાઉં?’’ કહી હસતીહસતી રાધા શાળાના કંપાઉન્ડમાં ઊભેલી છોકરીઓ તરફ
દોડી ગઇ. ત્યારે બધી છોકરીઓ એક નજરે પ્રેમલને નિહાળી રહી હતી. ઘણીએ રાધાને માર્મિક ઇશારત કરી.
તેઓને રાધાએ સાઇકલની ટ્રેજેડી કહી સંભળાવી. સાંજે શાળાએથી છૂટી રાધા ખોડાભાઇના ખેતરે પોતાની
સાઇકલ લેવા દોડી ગઇ. ત્યારે તો સાઇકલ સંપૂર્ણ તૈયાર હતી. રાધા ખુશીમાં મનોમન પ્રેમલનાં વખાણ કરતી
ઘેર પહોંચી ગઇ. એ પછી લાંબો સમય બંનેનાં મનમાં એકબીજાનાં નામ ગુંજતાં રહ્યાં. એટલું જ નહિ, તેઓની
આંખો સમક્ષ એકબીજાના ચહેરા ઉપસી આવતા. રાધા શાંત અને શરમાળ છોકરી હતી પણ હવે તેના
સ્વભાવમાં પરિવર્તન આવવા લાગ્યું. સહેલીઓ સાથે તે પ્રેમ, રોમાંસ અને ચલચિત્રોની વાતો ખુલ્લા દિલથી
કરવા લાગી. વળી પોતાની ખાસ ફ્રેન્ડને તો તેણે પ્રેમલ સાથેના પરિચયની વાત કરી દીધી. સવારે ગામથી
શાળાએ આવતાં રાધા પ્રેમલને જોવાની પ્રતિક્ષામાં નીકળતી. પ્રેમલ પણ તેને જોવા ઝંખતો હતો. ઘણા
મહિનાઓ પછી એક દિવસ રાધાનો પ્રતિક્ષીત ચહેરો ફરી સ્કૂટર પર સામેથી આવતો જણાયો. રાધાનું હૃદય
તો પૂરજોશથી ધડકવા લાગ્યું. સ્કૂટર નજીક આવતાં રાધા સાઇકલ સંભાળી શકી નહિ અને તે પડી જતાં બચી
ગઇ. એ જ ક્ષણે પ્રેમલે સ્કૂટર થંભાવી એક હાથે સાઇકલને ટેકો આપી બીજા હાથમાં રાધાનું કાંડુ પકડી લીધું.
‘અરે ભગવાન....’ રાધાના હોશકોશ ઉડી ગયા.
‘રાધા, કેટલા બધા દિવસે આપણે મળ્યાં.’
‘બાપરે તમે તો નામ પણ નથી ભૂલ્યા!’
‘કેવી રીતે ભૂલી શકું. આજે તો તમને મળવા જ નીકળ્યો છું.’
‘જુઓ પ્રેમલ, મારી શાળાનો સમય થઇ ગયો છે. અને રસ્તે જતાં કોઈ આપણને જોઇ જશે.’
‘રાધા લોકોથી ડરવાની જરૂર નથી. વાત કરવામાં થોડો ગુનો છે.’
‘બોલો શું કહેવું છે?’
‘રાધા, આ વરસે હું ઇન્ટર થઇ જઇશ અને પછી દૂર ચાલ્યો જઇશ.’
‘દૂર એટલે?’
‘પરદેશ.’
‘ઓ ભગવાન, તમે બહુ મોટા છો. તમને ના પહોંચાય. આપણે તો ભારત એ જ સ્વર્ગ!’
‘ભારત આપણી જન્મભૂમિ છે, એ વાત સાચી. છતાં જીવનમાં આગળ વધવા પરદેશનો અભ્યાસ
મહત્ત્વનો છે.’’
‘બેસ્ટ ઓફ લક. પછી તો તમે ભારત આવો શાના?’
‘જરૂર આવીશ. પણ ડાર્લિંગ એક વાત પૂછવા માંગું છું.’ ડાર્લિંગના નામથી રાધાનું હૃદય તોફાને
ચઢ્યું. એની વિશાળ છાતી પર એના ધબકારા ધબકાતા હતા. એનો ચહેરો લાલઘુમ થઇ ગયો. એ આમતેમ
આંખો ફેરવી મોં સંતાડવા લાગી.
‘તું નહિ પૂછે તો પણ મારે તો તને એક વાત પૂછવી જ પડશે. રાધા, હું તને દિલ દઇ બેઠો છું. મારાં
માતપિતા પરદેશ જતાં પહેલાં મારાં લગ્ન કરી દેવા માંગે છે પણ હું તો મારી મનગમતી છોકરી સાથે જ લગ્ન
કરીશ.’
‘પ્રેમલ, બહુ સમય થઇ ગયો છે. મને ડર લાગે છે. જુઓ પાછળ દૂરથી શાળાની છોકરીઓ આવતી
દેખાય છે.’’
‘રાધા, આજે તો તારે મારી વાત સાંભળવી જ પડશે.’
‘તો જલદી કહોને.’
‘રાધા, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું.’
એ સાથે જ રાધાએ પ્રેમલનો હાથ હઠાવી એક જ ઝાટકે પોતાની સાઇકલ ખેંચી લીધી અને ઝટપટ
સાઇકલ પર બેસી, સાઇકલ શાળા તરફ દોડાવી મૂકી.
‘રાધા.......... સ્કૂટર પર મૂકી જાઉં?’ પ્રેમલે જોરથી બૂમ પાડી.
રાધાએ પાછળ જોઇ મુક્ત હાસ્ય કર્યું અને સાઇકલ પૂરપાટ દોડાવી મૂકી. એ પછી રાધા-પ્રેમલની
મુલાકાતો વધી ગઇ. બંને હવે મુક્ત મને એકબીજાને મળવા લાગ્યાં. રાધાની બધી મિત્રોને અને શાળાની
કેટલીક વિદ્યાર્થિનીઓને એમના પ્રણયની જાણ થઇ ગઇ.
એ જ વર્ષે પ્રેમલ ઇન્ટર થઇ ગયો. માતપિતાએ ઝડપથી એને પ્રતિષ્ઠિત કુટુંબની સુંદર છોકરીઓ
દેખાડવા માંડી પણ પ્રેમલે એમાંની કોઇ છોકરી પસંદ કરી નહિ. આખરે અંબામાએ એની ઇચ્છા જાણવા
પૃચ્છા કરતાં, પ્રેમલે રાધાનું નામ લીધું. બીજા દિવસે શનાકાકાએ પાડોશના ગામમાં રાધાના પિતાને કહેણ
મોકલતાં, રાધાનાં માતપિતા અને કેટલાંક સંબંધીઓ એને લઇ પ્રેમલના ઘરે પહોંચ્યાં. ત્યારે રાધાને જોતાંવેંત
શનાકાકા, અંબામા અને ઘરનાં બધા પ્રેમલની પસંદગીથી ખુશ થઇ ગયાં. તે જ દિવસે પ્રેમલ અને રાધાનાં
લગ્ન નક્કી થઇ ગયાં.
થોડા જ દિવસમાં પ્રેમલને અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યાનો પત્ર રોબર્ટ તરફથી
મળતાં હર્ષોલ્લાસમાં બંનેનાં લગ્ન પણ થઇ ગયાં. લગ્ન પછી બંને પંદરેક દિવસ સાથે રહ્યાં, હર્યાંફર્યાં અને
પછી પ્રેમલ મુંબઇથી વિમાનમાર્ગે અમેરિકા જવા ઉપડી ગયો.
પ્રેમલ અમેરિકા જતાં એનું ઘર સૂનું થઇ ગયું. પ્રેમલના મિત્રો એકલા પડી ગયા. ઘરમાં અને આડોશ
પાડોશમાં રોજ જે આનંદપ્રમોદ જણાતો હતો. તેમાં ઓટ આવી પણ પ્રેમલના પત્રો નિયમિત ઘેર આવતા.
ત્યારે માતપિતા પાસે ઘરનાં નોકરચાકરો પણ પ્રેમલનો પત્ર સાંભળવા એકઠા થઇ જતા. પ્રેમલ અમેરિકાની
પ્રગતિ વિશે લખતો. ત્યાંના લોકોની સ્વચ્છતા, સુંદરતા અને પ્રમાણિકતાનાં ભારોભાર વખાણ કરતો. ત્યાં
ગોરાઓ ભારતીયો પ્રત્યે સુગ ધરાવતા અને કાળાગોરાના ભેદ ત્યાં અકબંધ હતા છતાં ત્યાંના લોકોને આપણા
દેશનેતાઓ ગાંધીજી, રવિન્દ્રનાથ, જવાહરલાલ વગેરે પ્રત્યે ખૂબ માન હતું. ત્યાંની યુનિવર્સિટીમાં બધાં મસ્તીથી
સાથે જ હરતાં ફરતાં અને મોજમઝા કરતાં. છતાં સંસ્કૃતિની બાબતે ભારતની અમેરિકા સાથે તુલના ન થઇ
શકે એવું તે સ્પષ્ટ લખતો. પત્રમાં શરૂઆતમાં તે બધાંને નામથી સંબોધતો અને છેલ્લે બધાને નમસ્તે પાઠવતો
છેલ્લા પત્રમાં તેણે રાધાને થોડો સમય ઘેર લઇ આવવા પિતાજીને સલાહ આપી હતી.
એથી થોડા દિવસોમાં જ શનાકાકા રાધાને ઘરે તેડી લાવ્યા. ત્યારે તેઓને ખબર પડી કે રાધા સગર્ભા
છે. અંબામાએ રાધાને પોતાના પતિને પત્ર પાઠવવા કહ્યું. બીજા દિવસે શનાકાકાએ એક એરલેટર, રાધાને
લાવી આપ્યો. રાધાએ ઝટપટ એ પત્ર લખી, ગુંદરથી ચોંટાડી, પોષ્ટ કરવા બાપુજીના હાથમાં મૂકી દીધો. એક
પખવાડિયામાં પ્રેમલને રાધાનો પત્ર મળી ગયો. પત્રમાંના હસ્તાક્ષર ઓળખાતા ન હતા. ફાઉન્ટન પેનના લખાણ
પર આંસુઓ ટપકવાથી લખાણ પ્રસરી ગયું હતું. છતાં જેમતેમ કરી પ્રેમલે અક્ષરો ઉકેલવા માંડ્યાઃ
હૃદયની હર ધડકનોમાં સમાએલા મારા પ્રેમ,
તમને તમારી રાધાનાં લાખો વંદન! તમે એક પણ પત્ર મને લખ્યો નથી છતાં તમારી યોદોમાં
હું સમાએલી છું એવું બા-બાપુને લખેલા પત્રોમાંથી ફલિત થાય છે. બા-બાપુ અને ઘરનાં સૌ તમને ખૂબખૂબ
યાદ કરે છે. તમારા વિના ઘર, ગામ અને તમારી રાધા સૂનાંસૂનાં થઇ ગયાં છે. હજુ તો પાંચ જ મહિના વિત્યા
પણ જાણે વર્ષો વિતી ગયાં! મારાથી ચાર-ચાર વર્ષનો વિરહ કેમ કરી જીરવાશે? પ્રેમ, ખબર છે ને તમારી
નિશાની તો તમે મૂકતા જ ગયા છો. એની જાણ હવે મારા ઘરે અને બા-બાપુજીને પણ થઇ ગઇ છે. મને તો
હવે સ્કૂલમાં જતાં પણ શરમ લાગે છે. મારે હવે સ્કૂલ છોડવી જ પડશે. કેમ કે માની જવાબદારી શરૂ થશે.
મારી સ્થિતિનો ખ્યાલ કરી રડી ઊઠું છું. આજે પણ મારી વેદના આંસુ રૂપે અક્ષરોમાં કંડારી રહી છું. મારી
પર દયા રાખજો, મારા સ્વામી. રજા મળે તો સમય કાઢીને તમારી રાધાને જોવા આવી જજો. તમને અને
તમારા મિત્રગણને મારા પ્યાર.
હર સમયે તમારી - રાધા.
આ પત્ર વાંચીને પ્રેમલ થોડા દિવસ શાંત બની ગયો. પોતે થોડા જ મહિનામાં પિતા બની જશે. વળી તેનો
લાંબા સમયનો અભ્યાસ બાકી છે, એ સંબંધી તે વિચારવા લાગ્યો. રાધાની પણ તેને દયા આવવા લાગી. કેમ કે હજુ
તો તે એસ.એસ.સી.માં છે અને મા બની જશે. કેવળ સત્તર વર્ષની છોકરી! જ્યારે અહિ પરદેશમાં યુવાનો મોટી
ઉંમર સુધી મસ્તી મારે છે અને માતપિતાની જવાબદારીથી દૂર ભાગતા ફરે છે. એની નજર સમક્ષ રાધાનો આંસુ
સભર પત્ર વારંવાર આવતો હતો. ફેબ્રુઆરી-માર્ચમાં તો રાધા મા બની જશે. એને કેવી રીતે હું જોવા જઇ શકું?
ત્યારે તો મારે પરીક્ષાની તૈયારી ચાલતી હશે. કંઇ નહિ બા-બાપુજી બધું સંભાળી લેશે.
ડિસેમ્બરમાં ક્રિસ્ટમસની રજાઓમાં પ્રેમલ અને તેનો એક ભારતીય મિત્ર કનુ એક અમેરિકી યુવતી
સાથે સહેલગાહે નીકળ્યાં. એ દરમ્યાન પેલી અમેરિકી યુવતી બંને મિત્રો સાથે મુક્ત રીતે વિહરતી હતી. તેમાં
પણ પ્રેમલ પર તે આફ્રીન હતી. ઘણી વાર તે એના ગળામાં બંને હાથ પરોવી સામે બેસી જતી. એથી પ્રેમલ
ખૂબ મુંઝવણ અનુભવતો. ત્યારે એનો દોસ્ત કનુ તેને અમેરિકાની બધી મઝા લૂંટી લેવા મનાવતો.
‘પ્રેમલ, આ જુવાનીના દિવસોમાં જ આપણે તો સ્વર્ગમાં આવી ગયા! ફરી ક્યાં આવી મઝા મળવાની
છે.’
‘યાર, હું શાદીસુદ્ધાં છું અને મારી રાધાને વફાદાર છું.’
‘તું પણ ગાંડો જ છે ને. આપણે ક્યાં લગ્નવ્યવહાર બાંધવો છે. જેમ અમેરિકામાં આવી દારૂ પીતા
થયા તેમ આ એક જીંદગીનો નશો છે!’
‘કનુ, તને કેમ કરી સમજાવું. મારી પત્ની બિચારી પ્રેગ્નન્ટ છે.’’
‘હત્તેરેકી, તેથી શું થઇ ગયું. અલ્યા બોલ તારે જાણવું છે? મેં પણ નાની ઉંમરે લગ્ન કરેલાં. આજે હું
ભણીને ગ્રેજ્યુએટ થઇશ, જ્યારે મારી પત્ની ગામડાની અભણ. એટલે શું મારે તેને સ્વીકારી લેવાની? આપણે
તો અહિ મસ્તી મારવા આવ્યા છીએ. વળી ફોરેનરીટર્ન થઇશું એટલે સંખ્યાબંધ ભણેલી રૂપાળી છોકરીઓનાં
મા-બાપ આપણા ઘરના ચક્કર કાપશે.’
એમ ધીમેધીમે રોજ મિત્રોના વિચારવિમર્શથી પ્રેમલ મોકળો બનવા લાગ્યો. વખત જતાં તેણે પેલી
વિદેશી યુવતી સાથે છૂટછાટ ભોગવવા માંડી. કોલેજ બાદ મિત્રો સાથે મહેફીલો જામવા માંડી. ઘણી વિદેશી
છોકરીઓ પ્રેમલને કંપની આપવા લાગી. દિવસો જતાં પ્રેમલના પત્રો ઘરે ઓછા થઇ ગયા. રાધાના પ્રથમ પત્રનો
તેણે કોઇ પ્રત્યુત્તર ન વાળ્યો. એથી રાધા માનસિક તાણ અનુભવવા લાગી. ઘણી વાર અંબામા તેને ફરી પત્ર
લખવા કહેતાં ત્યારે રાધા એમ કહીને ટાળી જતી કે બા એ અભ્યાસમાં પડ્યા હશે. એમને ચાર વર્ષમાં ડિગ્રી
પૂરી કરવાની છે. એમને ક્યાંથી સમય મળે. એમ વાત કરતાં રાધાના ગળે ડૂમો ભરાઇ જતો અને એની આંખો
ભીંજાઇ જતી.
આખરે રાધા મા બની ગઇ. તેને પ્રેમલના રૂપરંગનો સુંદર પુત્ર પ્રસવ્યો. એ ખુશીની ખબર તાત્કાલીક
પ્રેમલને ટેલિગ્રામ મારફતે પહોંચાડવામાં આવી. એણે ખુશીના એ સમાચાર સાંભળી રાધાને અભિનંદનનો તાર
કર્યો પણ એથી વિશેષ પ્રેમલની કોઇ ખબર ન આવી. રાધાના હૃદયમાં ધક્કો લાગ્યો અને એ શાંત તથા
નિરૂત્સાહી બની ગઇ. લોકો તેને જોઇને જ તેનું દુઃખ કળી જતાં. વર્ષમાં એકાદ પત્ર પ્રેમલે ઘરે લખ્યો પણ તેમાં
રાધાના નામનો કોઇ ઉલ્લેખ ન હતો. એથી શનાકાકા અને અંબામા મુંઝવણમાં મુકાયાં. ગામમાં પણ ધીમેધીમે
ચર્ચા શરૂ થઇ. સમય જતાં પ્રેમલે સાયન્સમાં એમ.એસ.સી કરી લીધું. છેવટે બધા મિત્રો ફેરવેલ પાર્ટીમાં
જોડાયા. શરાબ, નાચ અને ખાણીપીણી સાથે મિત્રોએ એકબીજાને છેલ્લાં ચુંબનો ચોડ્યાં. બીજા દિવસે પ્રેમલ
અને કનુ વિમાનમાં મુંબઇ જવા રવાના થયા.
‘જોઇને અમેરિકાની હવાહવાઇ? તને તો પેલી માગ્રેટ છોડવા તૈયાર ન હતી.’ કનુએ શરૂઆત કરી.
‘જવા દેને યાર મારે તો ઘરે બલા આવીને પડી છે.’
‘એટલે?’
‘મારી પત્ની રાધા અને તેનો દીકરો.’
‘તેનો કેમ? તારો નહિ?’
‘ખરો જ ને. ના કહેવાય.’
‘અરે મસ્તીથી ના કહેવાય. જો તારે ગમાર છોકરી જોઇતી હોય તો ચૂપ રહે. નહિ તો અત્યારે જ
બહાનું કાઢી મસ્તીથી છટકી જા.’
સત્તર વર્ષની રાધા ખરેખર સ્વીટ લાગતી હતી. આજે એક બાળકની માતા બન્યા પછી એ કેવી હશે?
એણે ચાર-ચાર વર્ષ મારી રાહ જોઇ. શું એનાં સ્વપ્નોને હું જમીનદોસ્ત કરી શકું? આખરે તો એ ગામડાની ઓછું
ભણેલી છોકરી અને હવે એનામાં આગળ ભણવાની પણ ઇચ્છા હશે કે કેમ? એમ પ્રેમલ વિચારવા લાગ્યો.
બંને મિત્રો પોતપોતાને ગામ પહોંચી ગયા. પ્રેમલના ઘેર તો જાણે ઉત્સવ આવ્યો. આખો દિવસ
માણસ ખૂટે જ નહિ. પ્રેમલને ક્ષેમકુશળ ઘેર આવેલો જોઇ તથા કુટુંબ પ્રત્યે ગામલોકોની લોકલાગણી જોઇ
શનાકાકા, અંબામા અને રાધા ખુશખુશ થઇ ગયાં. પ્રેમલનો દીકરો ત્રણ વર્ષનો થવા આવ્યો હતો. અને કાલુકાલુ
બોલી, મૃદુ હાસ્ય કરતો. બધા એને વહાલ કરતા. પ્રેમલ જો કે મુુંઝવણ અનુભવતો હતો. એણે ચાર વર્ષ
પહેલાં જોએલી સ્વીટ રાધા આજે માંદલી લાગતી. એની આંખો ઊંડી ઉતરી ગઇ હતી. એના ગાલ પરની
લાલાશ ચાલી ગઇ હતી. પતિનો વિયોગ, બાળકની જવાબદારી અને ગૃહકાર્યને લીધે એના શરીરની માદકતા
મરી પરવારી હતી. એવી રાધાને જોઇ પ્રેમલને હવે સુગ આવવા લાગી. એને કેલિફોર્નિયાની ગોરી, મઘમઘતા
પરફ્યુમવાળી અલ્લડ યુવતીઓ યાદ આવવા લાગી.
એવામાં એક દિવસે કનુ સજોડે પ્રેમલને મળવા આવ્યો.
‘પ્રેમલ, આ તારી ભાભી માલીની.’
એ સાથે જ માલીનીએ હાથ લાંબો કરી પ્રેમલ સાથે હસ્તધનૂન કર્યું. પ્રેમલે ભાભીને અને કનુને
‘કોન્ગ્રેટસ્’ કર્યું.
‘કનુ, બાકી તારી દોસ્તી તો નામની જ. કેમકે તેં લગ્નમાં મિત્રને યાદ ન કર્યો.’
‘આઇ એમ સોરી, પ્રેમલ પણ આ તો બધું ઝટપટ થયું. ઝટ મંગની અને પટ બ્યાહ. વળી પાછો
બીજો કોઇ આ ઇદના ચાંદને વ્હીનવી જાય તો....’ કહેતાં બધા હસી પડ્યા. ‘ઓ કે. પ્રેમલ, મેં વડોદરાની
એક્સપ્રેસ હોટલમાં આવતા રવિવારે રિસેપ્શન રાખ્યું છે. તારે અને ભાભીએ આવવું જ પડશે.’
‘રાધા ઓ રાધા’ પ્રેમલે બૂમ પાડતાં ઘરનાં કપડામાં રાધા દીકરા રાહુલને ઉંચકીને બહાર આવી.
‘આવ, મારા જીગરજાન દોસ્ત કનુને અને એની નવી રૂપવતી અર્ધાંગીનીને મળ.’
‘અભિનંદન.... અભિનંદન’ એમ કહી રાધાએ બંનેને મુબારકબાદી આપી. રાધાને જોઇ કનુ અને
માલીનીના ચહેરા પર કોઇ ખુશી ન જણાઇ. પ્રેમલ એ પામી ગયો.
‘અચ્છા જા રાધા, આ લોકોના માટે સારી ચા અને નાસ્તો લઇ આવ.’ થોડી વારમાં ચા નાસ્તો આવી
ગયો અને કનુ તાથા માલીની પરવારી વિદાય થયાં.
પછીના રવિવારે એક્સપ્રેસમાં માલીની અને કનુની વેડીંગ પાર્ટી યોજાઇ. તેમાં પૈસાપાત્ર અને
ભણેલાંગણેલાં ઘણા લોકો હાજર હતાં. કનુએ પ્રેમલને પોતાના સગાંઓનો પરિચય કરાવડાવ્યો. તેમાંથી
માલીનીની એક કઝીન ‘સૌંદર્યા’ પ્રેમલ પર ફિદા થઇ ગઇ. તે ભારતમાં ગ્રેજ્યુએટ થઇ હતી પણ અમેરિકા
જવાની એની ખ્વાઇશ હતી. તરત સૌંદર્યાએ પોતાની પસંદગીની વાત માલીનીને કરી અને માલીનીએ પોતાના
પતિને જણાવ્યું. તે રાત્રે પાર્ટી બાદ માલીની, કનુ, પ્રેમલ અને સૌંદર્યા મળ્યાં. ત્યાં સૌંદર્યાએ પ્રેમલ પ્રત્યે
એકાએક સ્ફુરેલા પ્રેમનો એકરાર કર્યો. પ્રેમલ પણ સૌદર્યાના રૂપ પર મોહિત થઇ ગયો. ગોળમટોળ ગુલાબી
ચહેરો અને મૃગીણી જેવી આંખો, હર્યુભર્યું શરીર અને સોનેરી બોબ્ડ વાળ. પ્રેમલ જો લગ્ન કરવા તૈયાર હોય
તો સૌંદર્યાએ એ માટે પોતાની ખાસ ઇચ્છા દર્શાવી. કનુ અને માલીનીએ પ્રેમલને તક ઝડપી લેવા સલાહ
આપી.
દિવસો પસાર થતાં પ્રેમલને રાધા પ્રત્યે અણગમો થવા લાગ્યો. ગામડામાં રહી લઘરવઘર તૈયાર થતી
રાધાના કપડાંમાંથી હંમેશાં ખોરાકના વઘારની અને ક્યારેક પસીનાની વાસ આવતી. એ સમયે અપ-ટુ-ડેટ
તૈયાર થએલી પરફ્યુમની ખુશ્બોવાળી સૌંદર્યા તેની આંખો સામે તરવરતી વળી એ સારું ભણેલી અને રાધા
ઓછું ભણેલી. ધીમેધીમે પ્રેમલને સૌંદર્યાને પ્રાપ્ત કરવાની ઇચ્છા જાગી. એથી એણે રાધા સાથે કામ પુરતી વાત
કરવાનું રાખ્યું. શનાકાકા અને અંબામા પરિસ્થિતિ પારખી ગયાં. તેમણે વારંવાર રાધા સાથે સુમેળ કરવા
દીકરાને સમજાવ્યો પણ પ્રેમલ અને રાધા વચ્ચે તિરાડ વધતી ગઇ. છેવટે રાધાના માતાપિતાને એની જાણ થઇ
ગઇ. એના પિતા દોડતા રાધાને મળવા આવ્યા. એમણે શનાકાકાને રાધાનો ઘરસંસાર અને પોતાની આબરૂ
બચાવી લેવા વિનંતી કરી. કુટુંબની વચ્ચે પ્રેમલ અને રાધાને બોલાવવામાં આવ્યાં. પ્રેમલ ચૂપ જ રહ્યો અને
રાધા કેવળ ધ્રુસકેધ્રુસકે રડતી રહી. છેવટે શનાકાકાએ થોડા દિવસો માટે રાધાને પિતાને ઘેર પિયેર જવા
સલાહ આપી. એ દરમ્યાન પોતે દિકરાને સમજાવી લેશે એવી તેમણે ખાતરી આપી. એટલે મોહનલાલ દીકરી
રાધાને ઘરે લઇ જવા તૈયાર થયા ત્યારે રાધા જોરથી પોક મૂકીને રડી. ઘરનાં બધાં ચૂપ થઇ ગયાં. શનાકાકા
અને અંબામાની આંખો ભીંજાઇ ગઇ અને મોહનલાલ કાળજુ કઠણ કરી દીકરીને લઇ ઘરે ચાલ્યા.
બીજા દિવસથી પ્રેમલ અને સૌંદર્યાની મુલાકાત શરૂ થઇ ગઇ. પ્રેમલે ફરી કેલિફોર્નિયા જઇ રિસર્ચ
કરવાની વ્યવસ્થા ગોઠવી દીધી. છેલ્લે એણે પિતાને જાણ કરી.
‘બાપુજી, અહિ ભારતમાં જીવન જેવું કંઇ છે નહિ. માટે હું અમેરિકા જઇ વધુ ભણીશ અને નોકરી
પણ ત્યાં જ મેળવી લઇશ.’
‘બેટા, આપણે કેટલી બધી જમીનજાગીર છે, પશુધન છે અને નોકરચાકરો. તું જઇશ તો એ બધાની
સંભાળ કોણ રાખશે? વળી આટલી બધી મિલ્કત છતાં નોકરી કરવાની શી જરૂર?’ શનાકાકાએ દીકરાને
સમજાવાવ માંડ્યું. મારા દીકરા માની જા, તને તો ભગવાનની રાધા જેવી સુંદર અને સુશીલ પત્ની મળી છે.
એને તેડી લાવ અને આપણું ઘર સંભાળ’ કહેતાં માની આંખમાં આંસુ આવી ગયાં.
‘પ્રેમલ ચૂપ જ રહ્યો. તે એકનો બે ન થયો. રાધાનો એક વર્ગસાથી શહેરમાં એક અખબારનો પત્રકાર
હતો. તેને રાધાની આપવિતીની ખબર પડી. તેણે તરત રાધા અને એના પિતા પાસેથી વિગતો મેળવી અન્ય
નામો સાથે ‘રાધા કથની’ પોતાના અખબારમાં છાપી. એ સાથે જ રાધાને સાંત્વન પાઠવતા અનેક પત્રો તંત્રી
પર આવ્યા. તેને પ્રેમલ અને સૌંદર્યાની ગુપ્ત યોજનાની ગંધ આવી ગઇ.
એક દિવસ સવારે પ્રેમલ અને સૌંદર્યા મિત્રો સાથે લગ્ન રજીસ્ટર્ડ કરાવવા મેરેજ રજીસ્ટાર પાસે
પહોંચ્યાં. ત્યાં રાધા તેના માતપિતા અને પેલા પત્રકાર મિત્ર સાથે આવી પહોંચી. તેઓને જોઇ પ્રેમલ અને
સૌંદર્યા ચોંકી ગયાં. રાધાએ પ્રેમલને અવ્યવહારૂ લગ્ન કરવા ના પાડી અને પોતે આજે પણ તેને જ ચાહે છે
એમ ભારપૂર્વક જણાવ્યું. વળી પોતાના કાયદેસરનાં લગ્ન પ્રેમલ સાથે થયાં હતાં તેની સાબિતી રૂપેનું મેરેજ
સર્ટીફીકેટ તેઓને બતાવ્યું. પ્રેમલ એ વખતે પણ ચૂપ જ રહ્યો. એથી પેલા પત્રકારે મેરેજ રજીસ્ટારનો સંપર્ક
કર્યો. પ્રેમલે અગાઉ લગ્ન કર્યું હતું અને ભારતના કાયદા અનુસાર છૂટાછેડા લીધા વિના બીજું લગ્ન કરવું એ
ગુનો બને છે એમ રજીસ્ટારે જણાવ્યું. એથી સૌંદર્યા, કનુ અને માલીની મિત્રો સાથે ભાગવા લાગ્યાં. ધીમેધીમે
બધાં ચાલ્યાં જતાં ત્યાં કેવળ પ્રેમલ, રાધા, રાહુલ, રાધાનાં માતપિતા અને તેનો પત્રકાર મિત્ર વગેરે હાજર હતાં.
‘પ્રેમલ, હું તમને હજુ પણ સહૃદયી ચાહું છું. હું તમને જ મારું સર્વસ્વ માનું છું. જીવનમાં ગેરસમજ
અને ભૂલ થાય પણ પતિ-પત્નીના મંગળ સંબંધો કદી તૂટવા ન જોઇએ. છતાં સૌંદર્યાને જ જો તમે પસંદ કરી
ચૂક્યા હો તો હું તમને રોકીશ નહિ. તમે આ ઘડીએ જ નક્કી કરો કે તમને રાધા જોઇએ કે સૌંદર્યા? જુઓ
તમારો રાહુલ કેવો તમારા પગોમાં ચોંટી ગયો છે.’ ત્યારે રાહુલ પિતાના પગોને અડીને ‘પાપા... પાપા’ કહેતો
હતો.
‘પ્રેમલ માની જા. તારા કુટુંબની ગામમાં ભારે ઇજ્જત છે. વળી શનાકાકાનો તું એકમાત્ર પુત્ર છે.
બિચારાં મા-બાપ દુઃખીદુઃખી થઇ ગયાં છે. વળી રાધાની પરિસ્થિતિ તું સારી પેઠે સમજી શકે છે. જો એ તને
સબક શિખવાડવા માંગતી હોત, તો મેં જ તેને પોલીસની મદદ લેવા સલાહ આપી હતી. એ તને બેહદ ચાહે
છે એટલે તારી બદનામી ઇચ્છતી નથી. જો એનાં માતપિતા કેવાં દુઃખી છે.’ પત્રકાર મિત્રએ રજુઆત કરી.
‘હા બેટા, અમારી પાસે તો કોઇ મોટી મિલ્કત નથી પણ તું અમારો દીકરો જ છે. ચાલ બેટા ઘરે
ચાલ.’ કહી રાધાનાં માતપિતા રડી ઊઠ્યાં.
‘પ્રેમલ મેં બહુ દુઃખ સહ્યું છે. તમે ચાર-ચાર વર્ષ અમેરિકા રહ્યા ત્યારે ભારે વિરહ સહ્યો. લોકોનાં
મહેણાંટોણાં સાંભળ્યાં. છતાં હું હંમેશાં તમને ચાહતી રહી. એ આશાએ કે મારા પતિ કાલે આવશે અને અમે
સુખી સંસાર માણીશું. હું તમને જ મારું સર્વસ્વ માનું છું. દુનિયામાં જણાતો ભપકો તમને સુખ આપી શકશે
નહિ. આવો મારા પ્રિય તમે મને તમારી બાહોમાં સમાવી લો.’’ કહી રાધા ચોધાર આંસુએ રડી પડી.
પ્રેમલે રાધા સામે એક નજર કરી. માતપિતાના પ્રેમમાં પલવાએલી રાધાની કાયા ફરી પુષ્ટ થઇ હતી.
એના ગાલો ગુલાબી રંગે રંગાઇ ઉપસી આવ્યા હતા. રાધા આજે ભણેલીગણેલી યુવતીની માફક ખર્ચાળ સાડી-
બ્લાઉઝમાં પરફેક્ટ તૈયાર થઇ હતી. એના શરીરમાંથી પરફ્યુમની સુવાસ પ્રસરી રહી હતી. પ્રેમલ ફરી
રાધાના રૂપમાં અંજાઇ ગયો. આસપાસ ઊભેલા લોકો સામે જ તેણે રાધાને પોતાની બાહોમાં લઇ લીધી અને
ખૂબ પ્રેમથી તેને ચૂમી લીધી.
૧૨
યહૂદી જવાન
૧
મેસોપોટેમિયાને ખોળે
કલકલ વહેતાં ઝરાનાં નીર પાસે એક યુવાન વિચારમગ્ન બની બેઠો હતો. પહાડી ચઢાણવાળા
ભાગમાંથી નીચે સરી પડતાં ઝરાનાં નીર પર તેની આંખો મંડાયેલી હતી. તેનો સશક્ત દેહ અને સુંદર ચહેરો
ભરજોબનનો ખ્યાલ આપતા હતા. એક શિલા પર ટેકેલા હાથમાં પોતાનું મસ્તક ધરી આ યુવાન કોઇ ઊંડા
મનોમંથનમાં ડૂબી ગયો હતો. ઝરણાનાં નીર પર મંડાયેલી તેની આંખોમાં કંઇક કુતૂહલ જાગ્યું તે એકદમ ઊભો
થઇ ગયો ને જોયું તો એક સુંદર ફૂલ ઝરાનાં પાણીમાં વહી જતું હતું. ઝપાટાબંધ તેણે એ તરફ પગ ઉપાડ્યા
અને પાણીમાં વહી જતા ફૂલને પોતાનાં હાથમાં ઉપાડી લીધું. ફૂલ હાથમાં આવતાં જ તેની સુવાસ ચોમેર પસરી
ઊઠી.
અહા, શી મધુર સુવાસ મુખમાંથી ઊદ્ગાર સરી પડ્યો. ફૂલ-મહેકમાં તરબોળ થયેલા તે યુવાને બધા
વિચારોને વિસારે મૂકી દીધા. એટલામાં દૂરથી કોઇનું ગીતગુંજન કાને પડ્યું. તે સાંભળતાં જ તેણે એ દિશા
તરફ દ્રષ્ટિ કરી અને કાન ચકોર કર્યા. હવામાં વિખેરાઇ જતા ગામઠી ગીતના સૂરો સ્ત્રીના અવાજનો સચોટ
ખ્યાલ આપી જતા હતા. જોતજોતામાં એક ગ્રામીણગૌરી ડુંગરાળ પ્રદેશ પરથી ઢોળાવ પર સડસડાટ ઊતરી
આવતી જણાઇ. રસ્તાની બાજુ પરનાં ઝાંખરામાં વિંઝાતાં તેના વસ્ત્રોને સંભાળવાં તેનો એક હાથ કામે લાગેલો
હતો, જ્યારે બીજા હાથમાં ઘેટાનું નાનું બચ્ચું હતું. તેના મુખનું મધુર ગીતગુંજન આજાુબાજાુનાં ખડકોમાં
અફળાઇ ફરીફરી સંભળાઇ રહ્યું હતું. ખુશીમાં ન માતી આ યુવતી જાણે આંખો મીંચી દોડતી ના હોય, તેમ
ઝરાને કિનારેકિનારે ઢોળાવ તરફ ઢળી રહી હતી.
તેને જોતાં જ પેલો યુવાન સ્તબ્ધ બની ગયો. અહો, આ શું? પોતે દરરોજ તો તેને જુએ છે છતાં આજે
આ નવીન રૂપમાં કોણ આવી રહ્યું છે. ઝરાનાં બંને કાંઠાનાં નવપલ્લવિત વૃક્ષોની હારમાળામાંથી પસાર થઇ
રહેલી, એ યુવતીને તે યુવાન એકીનજરે તાકી રહ્યો. ડુંગરાળ ચઢાણથી ખૂબ નીચે આવી ગયેલી એ યુવતીની
આંખો એકાએક કોઇને શોધતી હોય તેમ નીચેના ઢોળાવ પર ઠરી. નીચે ઊભા રહેલા યુવાનને જોતાં જ તેના
મુખમાંથી અવાજ ઊઠ્યો : ‘યા... કૂબ. એ, યા... કૂબ.’
પહાડી ખડકોમાં અથડાતો એનો અવાજ આજાુબાજાુના વાતાવરણમાં ફેલાઇ ગયો. પોતાની
વિચારમાળા તોડી ફૂલની સુગધમાં મગ્ન બનેલો યાકૂબ ઘડીભર સ્તબ્ધ રહ્યો. પછી કંઇ વિચાર વગર જ તેનો
એક હાથ ઊંચો થઇ ગયો. જાણે મને કમને તે પેલી યુવતીનો આવકાર કરતો ન હોય! ખિલખિલાટ હાસ્ય
વેરતી તે યુવતી યાકૂબની પાસે આવી પહોંચી. ત્યાં આવતાં જ તેણે ઘેટાના બચ્ચાને જમીન પર મૂકી દીધું અને
યાકૂબના બંને હાથ પકડી લીધા. પૂરજોશમાં નીચે ઊતરી આવેલી તે યુવતીમાં બોલવાના હોશકોશ પણ ન હતા.
‘રાહેલ, આ શું ગાંડપણ છે ?’ એકીટસે પોતાની પત્નીને નીરખી રહેલા યાકૂબે પ્રશ્ન કર્યો.
‘યાકૂબ, તમને શું કહું, બસ આજે મારું મન ખૂબ આનંદમાં છે.’ રાહેલે સસ્મિત ઉત્તર વાળ્યો.
‘કેમ શું થયું ? બોલ, કે પછી સાચેસાચ તું ગાંડી થઈ ગઈ છે.’ યાકૂબે રાહેલને ઢંઢોળી પૂછયું.
‘ગાંડી? ગાંડી હું કેમ થાઉં’ તમે આમ સૂનમૂન કેમ લાગો છો, એ જ કહોને ? રાહેલે સામો પ્રશ્ન
કર્યો.
‘રાહેલ, તું મને પરેશાન ન કર. આપણે એવા આનંદનું શું કારણ હોય? નિત્ય એકાંતમાં હું ઈશ્વરને
વિનવું છું. તેના આદેશો અપનાવવા હંમેશાં તત્પર રહું છું. છતાં આપણી પ્રાર્થના ઈશ્વર પૂરી કેમ નથી કરતા?’
યાકૂબે નિરાશ થઈ પૂછયું.
‘તમે ભૂલો છો. ઉતાવળે આંબા ન પાકે, સમજ્યા. ઈશ્વર આપણું બધું સાંભળે છે અને તે આપણને
ઉત્તર પણ દેશે.’ રાહેલે યાકૂબને સાંત્વન આપ્યું.
‘રાહેલ, આજે તારી ખુશી જોઈને તો હું ચાેંકી ઊઠ્યો છું. તારો દિમાગ તો ઠેકાણે છે ને?’ યાકૂબે
પ્રશ્ન કર્યો.
‘આજે ખુશી નહી થાઉં તો ક્યારે થઈશ? જાુઓ છો ને, આ ખિલેલી વસંત!’ કહી તે આજાુબાજાુ
નવપલ્લવિત ફૂલોથી છવાયેલા ઝાડપાન બતાવવા લાગી.
યાકૂબની નજર પણ તેની આંગળીના ઈશારે એક છેડેથી બીજે છેડે પહોચી ગઈ. ત્યારે જ તેને
અનોખા સૃષ્ટિસૌંદર્યનું ભાન થયું. ઠેરઠેર વૃક્ષો રંગબેરંગી ફૂલપાનથી છવાઈ ગયાં હતાં. પ્રભાતના પહોરમાં
પક્ષીઓ આમતેમ ઊડી રહ્યાં હતાં. રંગબેરંગી ફૂલો પર પતંગિયાં આંટાફેરા કરી રહ્યાં હતાં. તેમાં વળી
ઝરણાનાં કલકલ વહેતાં નીર સંગીતના મધુર સૂરો પૂરતાં હતાં. આ બધું જોવામાં યાકૂબ મગ્ન બની ગયો.
તેવામાં દૂરથી કોઈ વાજિંત્રના સૂર સંભળાયા. યાકૂબ અને રાહેલે તે દિશામાં આંખ કાન માંડ્યાં.
સંગીતની સૂરાવલીઓનો અવાજ ધીમેધીમે ઊંચો ઊઠતો ગયો અને દૂરથી કોઈના આગમનનો ભાસ
થવા લાગ્યો. જોતજોતામાં યાકૂબનો મિત્ર મિદ્યાન હાથમાં વાજિંત્ર સૂરો રેલાવતો પોતાનાં ઘેટાંબકરાંના ટોળાને
દોરી આવતો દેખાયો. પાછળના ઊંટ પર તેની પત્ની બાળક સાથે બેઠી હતી. બાળક માની ગોદમાં ભરનિદ્રામાં
હતું. માતા તેના સુંદર વદનને વારંવાર જોયા કરતી હતી. પાછળ આવતું ઘેટાંબકરાંનુ ટોળું આમતેમ ચારો
ચરતું આગળ વધી રહ્યુ હતું. પોતાના મિત્રને ખુશમિજાજમાં જોઈ યાકૂબ મલક્યો અને પોતાનો હાથ ઊંચો કરી
તેનો આવકાર કર્યો. સામેથી મિદ્યાને પણ પોતાનું વાજિંત્ર ઉપર ઊઠાવી યાકૂબને પ્રત્યુત્તર વાળ્યો. રાહેલ
પોતાના હાસ્યમાં મશગૂલ હતી. મિદ્યાનની પત્ની પણ દૂરથી હસી રહી હતી.
નિત્ય હતાશ રહેતો યાકૂબ આ બધું જોઈ વિચારમાં પડી ગયો. હે પ્રભુ, આજે આ બધા ખુશીમાં છે
ને મને જ શું થઈ ગયું છે? સૌદર્યથી ખિલેલી આ વસંત, ખુશીમાં ન માતી રાહેલ અને સંગીત સૂરાવલીઓની
મઝા માણતો મિદ્યાન! યાકૂબ ફરી એકાએક હતાશ બની ગયો. તેણે બંને હાથમાં પોતાનો ચહેરો છૂપાવી
આકાશ તરફ ઢાળી દીધો. તે વેળાએ તેનું પ્યારું ઘેટાનું બચ્ચુ તેના પગમાં આવી પોતાનું મસ્તક તેના પગ સાથે
ઘસવા લાગ્યું. યાકૂબે એકદમ તેને ઊઠાવી લીધું અને પ્યારથી ચૂમી લીધું.
‘મારા નાના બચ્ચા, હું તને ખૂબ ચાહું છું.’ એમાં યાકૂબના હૈયાનું દુઃખ ડોકાઈ ગયું. નિરાશામાં
ઘેરાયેલા પોતાના પતિને જોઈ રાહેલ પણ ઘડીભર મૌન થઈ ગઈ. બીજી જ ઘડીએ તેણે બચ્ચાને પોતાના
હાથમાં લઈ લીધું અને જમીન પર રમતું મૂક્યું. યાકૂબનો ચહેરો નિરાશાની ઝંઝાવાતમાં ખોવાયો હતો.
એટલામાં મિદ્યાન નજદીક આવી પહોચ્યો. યાકૂબ અને રાહેલની નજદીક આવતાં જ તેણે પોતાની ઝોળીનાં
ખજાૂર તેમની આગળ ધરી દીધાં. યાકૂબ તો જોતો જ રહી ગયો, જ્યારે રાહેલે બે હાથમાં સમાય તેટલાં ખજાૂર
લઈ લીધાં. તરત યાકૂબની નજર રાહેલ પર પડી. યાકૂબને પરેશાન થયેલો જોઈ મિદ્યાન પણ વિચારમાં પડી
ગયો. જો કે તેના માટે આ કંઈ નવું ન હતું. કાયમ યાકૂબ હતાશ અને નિરાશ જ જણાતો પણ આજે મિત્રની
ખુશીમાં ખુશ ન થાય તો પછી મૈત્રી શા કામની?
ઊંટ પર સવાર થયેલી મિદ્યાનની પત્ની પણ ઊંટને બેસાડી પોતાના પુત્ર સાથે નીચે ઊતરી આવી.
નીચે ઊતરતાં જ તેનો પુત્ર જાગી ઊઠ્યો અને યાકૂબ તથા રાહેલની સામે જોઈ હાથ આમતેમ હલાવવા લાગ્યો.
‘યાકૂબ તને શું થઈ ગયુ છે ? મને કંઈ સમજાતું નથી. મેં તને કોઈ દિવસ ખુશીમાં જોયો નથી. આજે
તો ખુશ થા દોસ્ત.’ મિદ્યાને કહ્યું.
‘મિદ્યાન શું કહ્યું? ખુશ થાઉં? ના, ના. મારે તો ખુશીનું કારણ જ ક્યાં છે? દિનદિન મારી ચિંતા વધતી
જાય છે.’ યાકૂબે કહ્યું.
‘શાની ચિંતા ? એક દિવસ તો દિલ ખોલીને વાત કર. તને શું થયું? તારે શું જોઈએ છે?’ મિદ્યાને
પૂછયું.
‘મિદ્યાન જો એમ લોકો એકબીજાનાં દુઃખો દૂર કરી દેતા હોત, તો આજે દુનિયામાં કોઈ દુઃખી માણસ
જોવા ન મળત;’ યાકૂબે કહ્યું.
‘બસ હવે બહુ થયું. આમ ક્યાં સુધી કરશો? જિંદગી તો સુખ અને દુઃખના મિશ્રણની બનેલી છે. તો
હંમેશાં આપણે સુખમાં જ કેમ ન માનવું. ચિંતા તો આપણે જાતે જ ઊભી કરીએ છીએ. જાુઓ છો ને, ભાઈ
મિદ્યાન અને ભાભી કેવાં ખુશ દેખાય છે.’ અત્યાર સુધી ધ્યાનમગ્ન બની વાર્તાલાપ સાંભળી રહેલી રાહેલ
બોલી.
એટલામા મિદ્યાનનો પુત્ર આંખો ચોળી રડવા લાગ્યો. રડતા બાળકને જોઈ રાહેલે ખજાૂર યાકૂબના
હાથમાં પકડાવી દીધાં અને બાળકને પોતાના હાથમાં લઈ લીધું. તે ઘણા પ્યારથી તેને હાથમાં હિડોળવા લાગી.
બાળક તરત જ ચૂપ થઈ ગયું.
‘ચાલ, યાકૂબ અમે જઈશું. અમારે આગળ જવાનું છે. ફરી મળીશું,’ મિદ્યાને કહ્યું.
‘વારું દોસ્ત એ તો કહે કે આજે તું કેમ ખુશીમાં છે ?’ યાકૂબે પ્રશ્ન કર્યો.
‘એ મને શું પૂછે છે આ તારી ભાભી ને જ પૂછને’ મિદ્યાને કહ્યું. યાકૂબે ભાભી તરફ નજર કરી.
‘એ તો એમ કે એ નાનો હવે હોશિયાર થઈ ગયો છે. અમે તેને લઈને પહેલી જ વાર બહાર નીકળ્યાં
છીએ,’ મિદ્યાનની પત્નીએ ઉત્તર વાળ્યો. પત્નીના શબ્દેશબ્દ પર મિદ્યાને ખુશી વ્યક્ત કરી. યાકૂબ પણ કંઈક
હાસ્ય કરવા લાગ્યો, જ્યારે રાહેલ હાસ્યમાં લીન હતી.
‘વારું, યાકૂબ અમે જઈએ.’
યાકૂબે સામે નમસ્તે કર્યુ. રાહેલે મિદ્યાનના પુત્રને છેલ્લે ચૂમી લીધો અને તેની માતાના હાથમાં સોંપી
દીધો. મિદ્યાન અને તેના ટોળાએ આગળ પ્રયાણ કર્યું. યાકૂબ પોતાની મૂંઝવણમાં તેઓને દૂર સુધી જતાં જોઈ
રહ્યો. બહાવરા બનેલા યાકૂબને હોશમાં લાવવા રાહેલે એક ખજાૂર લઈ તેના મોંમાં મૂક્યું અને બંને એકબીજાના
પ્રેમમાં પરોવાઈ ગયાં.
‘હ..... હવે આનંદ થયો.એમ સૂનમૂન રહેવાથી કંટાળો આવે. ચાલો આપણે એક ઝાડ નીચે બેસીએ.
આજ તમને હું આનંદની વાત કહેવાની છું,’ રાહેલે યાકૂબનું ધ્યાન પોતાના તરફ કેંદ્રિત કર્યું.
‘તમે આમ ઊભા જ રહેશો કે આાગળ વધશો?’ કહી રાહેલે યાકૂબનો હાથ પકડી ચાલવા માંડ્યું
અને યાકૂબે તેની સાથે પગ ઉપાડ્યા. બંને જણ ચાલતાંચાલતાં એક ઘટાદાર ઝાડ નીચે આવી પહાેંચ્યાં. ઝાડ
નીચેની જમીન ફૂલોથી છવાઈ ગઈ હતી. જાણે કુદરતે સુંદર ચાદર ન બીછાવી હોય! બંને ત્યાં બેસી ગયાં.
‘બોલ, રાહેલ, તું શી વાત કરવાની હતી?’ રાહેલની સામે બેઠેલા યાકૂબે પ્રશ્ન કર્યોે.
‘વાહ, વાહ હવે કંઈક રંગ જામ્યો. આમ દરરોજ રસભરી રીતે વાત કરતા હોય તો કેવી મઝા
આવે?’
‘બસ કર,આ બધું મારે નથી સાભળવું. તું પણ ક્યારે આનંદમાં આવી વાત કરે છે? તારા દુઃખે તો
મારા હૃદયમાં દર્દ કરી દીધું છે. બસ રાત દિવસ એક જ ચિંતા. આજે ન જાણે તું એકાએક કેમ બદલાઈ ગઈ!
તારી ખુશીનો ભેદ તો સમજાવ.’ યાકૂબે કહ્યું.
‘યાકૂબ,જેમ મારુ દુઃખ એ તમારું દુઃખ. તેમ મારું સુખ એ તમારું સુખ. આપણા દુઃખના દિવસો હવે
પૂરા થઈ ગયા છે.’
‘એટલે ?’ યાકૂબે વચ્ચે જ પત્નીને અટકાવી.
‘આટલા અધીરા કેમ બનો છોે? કંઈક વાત તો કરવા દો.’
‘હા. બોલને કોણ ના કહે છે.’
‘યાકૂબ તમે આજ સુધી નિરાશ અને ચિંતામાં કેમ હતા, એ તો કહો?’
‘હવે એ તારાથી ક્યાં અજાણ્યું છે !’
‘તો હવે નિરાશ થવાની કે ચિંતા કરવાની જરૂર નથી. ઈશ્વરે આપણી પ્રાર્થનાઓ સાંભળી છે.’
‘હેં......? હું ન સમજ્યો?’ યાકૂબ વચ્ચે જ બોલી ઊઠ્યો.
‘હં...હં...હં...આમ ઉતાવળા ન બનો, કહું? તમે પિતા બનવાના છો!’ કહી રાહેલે શરમથી નજર
ઝૂકાવી લીધી.
‘શું કહે છે? હું પિતા બનવાનો છું કે તું મા બનવાની છે?’ યાકૂબના આનંદનો પાર ન રહ્યો. તે એકદમ
ઊભો થઈ ગયો અને આનંદમાં ફૂદરડીઓ ફરવા લાગ્યો.
‘વાહ, વાહ હમણાં સુધી મને પાગલ કહેતા હતા અને આમ એકાએક ગાંડપણ ચઢ્યું ને! એમ ત્યારે!’
રાહેલે આશ્ચર્ય દર્શાવ્યું.
‘પ્યારી રાહેલ, એથી વિશેષ વળી કઈ ખુશી હોય શકે! આજે ઈશ્વરે ખરેખર મારું દુઃખ દૂર કર્યુ છે.’
‘અને મારું પણ!’
‘પણ રાહેલ એક વાત કહું ? આપણે હવે અહીં વધારે રહેવાનું નથી. તને તો અહીં ગમતું હશે કેમ?
બાપનું ઘર છે ને! રાહેલ મારા પિતાજી ઇસહાક મારી રાહ જોતા હશે. મારું મુખ જોયા વિના તેમના દિવસ
પણ નહી જતા હોય. વળી મા રિબકા તો મારી આશાએ જ જીવી રહી હશે. મારા બા બાપુજી તને જોતાં જ
હર્ષઘેલા થઈ જશે. રાહેલ, તું જાણે છે કે હું તને ખૂબ ચાહું છું. તારા પિતાજી પણ તને ચાહે છે. તો કૃપા કરી
તેમને વિનંતી કર કે આપણે જલદી આ પ્રદેશ છોડી મારા દેશ તરફ પ્રયાણ કરીએ. બોલ તારે મારું ઘર જોવું
છે ને ?’ યાકૂબે કહ્યું.
‘મને તો તમારું ઘર જોવાની ખૂબ જ ઈચ્છા છે. હું જરૂર પિતાજીને સમજાવીશ. પણ એક શરત!’
‘શી?’
‘સમજી જાઓને!’
‘વાહ,એમ જો કોઈના કહ્યા વિના બધું સમજાઈ જતું હોત, તો માનવ માનવ જ ન રહેત!’ યાકૂબે કહ્યું.
‘તો સાંભળો...પુત્રના પ્રસવ પછી જ આપણે મુસાફરી શરૂ કરીશું,’ રાહેલે શરમાતાં શરત કરી.
‘શાબાશ, તું તો ખરી છે ને! પુત્ર સુધીની ખાતરી આપી બેસે છે. ઈશ્વર તારી મનોકામના પૂરી કરો.
તારી શરત મને મંજાૂર છે,’ યાકૂબે કહ્યું.
આમ દિવસો વિતતા ગયા. એક દિવસ યાકૂબ પોતાના મામાના ખેતરમાં કામ કરી રહ્યો હતો. કામ
કરતાં કરતાં તે ખૂબ નિર્ગત થઈ ગયો અને થાક ખાવા છાંયડામાં બેઠો. એટલામાં ત્યાં મિદ્યાન આવી પહોંચ્યો.
પછી તો ચાલી સુખદુઃખની વાતો.
‘યાકૂબ, તું દોસ્ત એકાએકા બદલાઈ ગયો હોં.’
‘હા...હા...હા...દોસ્ત, એ તો આપણી પ્રાર્થના અને ઈશ્વરનો આશીર્વાદ છે.’
‘તું ખરું કહે છે. તારા આવ્યા પછી મામાની મિલકત ઘણી વધી ગઈ. ગામનાં લોકો તારાં ખૂબ
વખાણ કરે છે.’
‘મિદ્યાન બધાની માન્યતા ખોટી છે. મિલકત કંઈ મારાથી વધી નથી. એ તો ઈશ્વરનો આશીર્વાદ છે,
આશીર્વાદ!’
‘હા, એસ્તો, ઈશ્વરના તારા ઉપર ચાર હાથ છે હોં! મિદ્યાને કહ્યું.
‘જરૂર, ઈશ્વરે મારી ખૂબ મદદ કરી છે. આજે ચૌદ વર્ષથી હું માતપિતાથી દૂર છું. છતાં ઈશ્વર મારી
સંભાળ લે છે. મને રાહેલ જેવી સુશીલ પત્ની અને તારા જેવો નિઃસ્વાર્થ દોસ્ત મળ્યો છે. પછી મારે શું
જોઈએ?’ યાકૂબે કહ્યું.
‘મને પણ તારો બહુ સાથ છે યાકૂબ, પણ એક વાત પૂછું? આજકાલ ભાભી કેમ જણાતાં નથી?
પહેલાં તો હું તમને બંનેને પેલા ઝરણાની પાસે અવારનવાર જોતો. હવે તો તું એકલો પણ એટલે સુધી
નીકળતો નથી. ખરું ને?’ મિદ્યાને પૂછયું.
‘પિતાજી.....બાપુજી.....પિતાજી.....’
આ બૂમો સાંભળતાં જ યાકૂબ અનેે મિદ્યાન એકદમ ઊભા થઈ ગયા, અને જોયું તો યાકૂબની દીકરી
દીના હર્ષભરી દોડતી ખેતરમાં આવી રહી હતી. યાકૂબ પણ ઝડપભેર આગળ વધી ગયો અને દીનાની પાસે
આવતાં જ તેને હાથોમાં ધરી લીધી.
‘શું છે બેટા? કેમ આટલે ઉતાવળે દોડી આવી?’
‘પિતાજી..., નાના માને બાબો...બાબો જનમ્યો છે.’
‘શું કહે છે, બેટા? નાનાં મા તો ઠીક છે ને? અને બાબો?’
‘હા, બંને જણ સારાં છે. નાનાં...મા...તમને જલદી બોલાવે છે,’
યાકૂબ તો આ સાંભળતાં જ ગાંડોગાંડો થઈ ગયો અને ‘મિદ્યાન...ઓ મિદ્યાન.....’ એમ બૂમો પાડતો
પોતાના મિત્રની પાસે દોડી ગયો. ‘દોસ્ત, ઈશ્વરે ખરેખર મારી પ્રાર્થનાઓ સાંભળી છે, તારાં ભાભીને બાબો
જનમ્યો છે,’ કહી યાકૂબ શાંત બની ગયો અને થોડી વાર થોભીને તે વ્યગ્ર ચિત્તે બોલ્યોઃ
‘મિદ્યાન, આપણે હવે સદાને માટે વિખૂટા પડી જઈશું. હું થોડા જ વખતમાં મારા વતનમાં ચાલ્યો
જઈશ,’ યાકૂબ મિદ્યાનને ભેટી પડ્યો. બંને મિત્રો હેતથી એકબીજાને વળગી પડ્યા. બંનેની આંખોમાંથી પ્રેમનો
અમીરસ છલકાઈ ઊઠ્યો.
‘મિદ્યાન, હું ગમે ત્યાં હોઈશ પણ તારો પ્રેમ અને તારી યાદ ભૂલ્યાં ભૂલાશે નહી.’
‘અને યાકૂબ તું પણ કેમ વિસરાશે ? પહાડી ઝરણું અને મામાનું ઘર મને સતત તારી યાદ આપ્યા
કરશે. દોસ્ત હતો બસ, એક યાકૂબ !’
પ્રેમના દર્દમાં ગરકી ગયેલા યાકૂબ-મિદ્યાનને દીના સ્તબ્ધ બની તાકી રહી.
રાહેલના તંબૂમાં બધાં ટોળે વળ્યાં હતાં. સૌના મુખ પર આનંદની રેખાઓ સ્પષ્ટ જણાતી હતી.એક
સુંદર બાળકને સોડમાં લઈ સૂઈ રહેલી રાહેલ ખુશીમાં માતી ન હતી. એટલામાં ત્યાં યાકૂબ, મિદ્યાન અને
દીનાએ પ્રવેશ કર્યો. તેઓને જોતાં જ સૌના આનંદનો પાર રહ્યો નહી. યાકૂબે આવતાં જ પુત્રને એેક પ્રેમભર્યું
ચુંબન આપ્યું. મિદ્યાન સૌના આનંદમાં સાથ પૂરાવવા લાગ્યો અને દીના સ્ત્રીઓના ટોળમાં ભળી ગઈ. સૌની
નજર રાહેલ અને તેના પુત્ર પર મંડાયેલી હતી.
યાકૂબ અને રાહેલની પ્રાર્થનાઓનો જવાબ, યાકૂબ (ઇઝરાયેલ)ના વંશના ઝગમગતો સિતારો આજે
મેસોપોટેમિયાને ખોળે રાહેલની ગોદમાં રમી રહ્યો હતો. કોને ખબર હતી કે, એ જ પુત્ર ઇઝરાયલ (કનાન)નો
ક્રાતિકારી યહૂદી જવાન યૂસફ છે!
૨
ઇઝરાયેલ વચનના દેશમાં
વગડા વાટે વળાંક લઇ અરણ્યમાંથી આગળ વધતો આ માર્ગ સૌને કનાન દેશને દ્વારે પહોંચાડતો.
કનાનની પૂર્વ ગમથી અહીં આવતા સેંકડો મુસાફરોના સંઘ રાતદિવસ આ માર્ગ પર નજરે પડતા. આશરે
ઇ.સ. પૂર્વે બે હજાર વર્ષ ઉપર, જ્યારે આજનાં જેવાં વાહનવ્યવહારનાં સાધન ન હતાં, ત્યારે લોકો પગપાળા
અથવા તો ઘોડા કે ઊંટ પર બેસીને મુસાફરી કરતા. મોટા ભાગના લોકો માલધારીઓ હોવાથી પોતાની સાથે
ઊંટ, ઘોડા, ઘેટાં, બકરાં, ગાયો, ગધેડાં અને બળદ વગેરે રાખતા. આવા કેટલાય ભરવાડોના સંઘ રાતદિવસ
એક સ્થળેથી બીજે સ્થળાંતર કરતા જોવા મળતા.
એક સંઘ મેસોપોટેમિયાથી કનાનને માર્ગે ઘણા સમયથી નીકળી પડ્યો હતો. કેટલાય દિવસનો થાક
અને સેંકડો માઇલનું અંતર કાપ્યા છતાં, સંઘમાં દરેક જણના મનમાં અદમ્ય આશા હતી કે, તેઓ પ્રભુ
પરમેશ્વરે આપેલા વચનના પવિત્ર પ્રદેશ કનાન દેશમાં જઇ રહ્યા છે. મુસાફરીમાં જેમજેમ દિવસો વિતવા
લાગ્યા, તેમતેમ તેમનો એ આશાના કિનારા સમો કનાન દેશ નજદીક ને નજદીક આવતો ગયો. સંઘમાંની એક
જ વ્યક્તિ આ પ્રદેશ વિશે માહિતગાર હતી. બાકીનાં બધાએ તો એ સબંધી કલ્પના જ કરવી રહી.
કનાન એટલે જ દૂધમધથી રેલમછેલનો ફળદ્રુપ પ્રદેશ પછી કોણ એ પ્રદેશને પામવા ન ઇચ્છે? તે
સમયમાં લોકો એવા પ્રદેશોની શોધમાં રાતદિવસ ભટકભટક કરતા. આજે એવા જ એક પ્રદેશ તરફ એક સંઘ
આગળ પ્રયાણ કરી રહ્યો હતો. કંઇક દિનોની મુસાફરી કર્યા પછી અને કંઇક પડાવ નાખ્યા પછી હવે તેઓ
વતન નજદીક આવ્યાં. બધાંની આતુરતાનો અંત આવવાની તૈયારી હતી. જાનવરોના પગ તેમના માલિકને
ધારેલે સ્થળે પહોંચાડવા બળ પકડવા લાગ્યા હતા. પક્ષીઓ પોતાને વિરામ સ્થળે પહોંચવા કિલ્લોલ કરતાં ઊડી
રહ્યાં હતાં. સૂર્ય આખો દિવસ તપીતપીને મંદ પડવા લાગ્યો હતો. દિવસનાં સફેદ ભૂરાં વાદળો લાલ રંગમાં
રંગાઇ રહ્યાં હતાં.
એટલામાં પોતાના માલિકનું દુઃખ પામી ગયેલું એક ઊંટ બૂમ બરાડા સાથે માર્ગ કાઢી આગળ નીકળી
ગયું. તેના બરાડા સાંભળતાં જ પક્ષીઓનો કિલ્લોલ શાંત પડી ગયો. સંઘનાં બધાં લોકોની આંખ એ ઊંટ પર
સવાર થયેલા સંઘના વડા ઉપર મંડાઇ. ઊંટસવાર હતાશ અને ચિંતાતુર બની ગયો હતો. તેની સાથે સવાર
થયેલી સુંદરીએ પોતાનો દેહ તેના હાથમાં ઢાળી દીધો હતો. તે બેહોશ અને દયાજનક બની ગઇ હતી. તેના
શ્વાસોચ્છવાસના ધબકારા પૂરજોશથી ઊપડવા લાગ્યા હતા. કોઇ અસહ્ય દુઃખ તેના માથે તૂટી પડ્યું હતું, જેના
માટે તે પોતાના ભરથારનો સહારો લઇ રહી હતી. આ દ્રશ્ય જોતાં જ બધાં અવાક્ બની ગયાં.
ઊંટ ફરી દર્દભર્યો ચિત્કાર પાડી નીચે બેસી ગયું. સૂર્યનાં કિરણોનો લોપ થયો, જાનવારોના પગ
અટકી ગયા અને સંઘના આદમીઓ પોતપોતાના હાથમાં સળગતી મશાલ લઇ મુખ્ય આદમીની આસપાસ
વીંટળાઇ વળ્યા. તેઓની મધ્યમાં રહેલો આદમી, પોતાની નિષ્પ્રાણ પ્રિયાને હાથમાં ધરી ઘૂંટણે પડ્યો હતો. તેની
લગોલગ ઊંટના ચામડામાં વીંટળાયેલું એક કોમળ બાળક, પૃથ્વીનો પ્રથમ શ્વાસ લઇ રહ્યું હતું. કોમળ
બાળકની નજર તેની સ્વર્ગપોઢી માતા તરફ મંડાયેલી હતી. તેના ઊંઆ, ઊંઆ રડવા સિવાય આખું વાતાવરણ
શાંત હતું. આ દ્રશ્ય જોતાં જ એક યુવતીએ એ બાળકને પોતાની ગોદમાં ઊઠાવી લીધું અને તેને વહાલ કરવા
લાગી. સાથે દસ બાર વર્ષનો એક ફૂટડો કિશોર પોતાના પિતાને વળગી ‘પિતાજી... પિતાજી...’’ ના દર્દનાક
ઉદ્ગારો કાઢી રહ્યો હતો. તેમને આશ્વાસન આપવા, ત્રણ સ્ત્રીઓ તેમની આસપાસ વીંટળાઇ વળી હતી. તેમની
સામે દસ નવજુવાનોેે વ્યગ્ર મને આ દૃશ્ય જોઇ રહ્યા હતા. તેમની આજુબાજુ સંઘના બધાં સ્ત્રી-પુરુુષો
હૃદયભગ્ન ચહેરે સુમસામ ઉભાં હતાં.
પોતાની માતૃભૂમિનો વારસો પામવા નીકળેલા આ માનવીઓ કોણ હતા? એ ઇઝરાયેલી સંઘ હતો
અને કનાન દેશમાં જઇ રહ્યો હતો. સંઘનો વડો યાકૂબ હતો. એ ‘ઇઝરાયલ’ નામે પણ ઓળખાતો. માર્ગમાં
મૃત્યુશૈયાએ પોઢનાર સ્ત્રી તેની વહાલી પત્ની રાહેલ હતી. એને મેળવવા તો ઇઝરાયલે ચૌદ વર્ષ સુધી પરદેશમાં
સખત મહેનત મજૂરી કરી હતી. આજે તે પોતાની પ્રાણપ્રિયા વિના એકલો અને લાચાર બની ગયો હતો. દસ-
બાર વર્ષનો ફૂટડો કિશોર તે રાહેલનો પ્રથમજનિત પુત્ર યૂસફ હતો. તેની ઉપર બંને માતપિતા ખૂબ પ્રેમ કરતાં
હતાં. પૃથ્વી પર પ્રથમ શ્વાસ લેતું કોમળ બાળક, તે રાહેલને પેટે જન્મેલો બીજો પુત્ર બિન્યામીન હોત. એ પુત્ર
પ્રસવમાં જ રાહેલ સદાને માટે પોઢી ગઇ હતી. તે બીચારો જન્મતાંની સાથે જ માનાં દૂધ અને લાડપાન
વિનાનો બની ગયો. મા વિહોણા કોમળ બાળકને પોતાની ગોદમાં લઇ વહાલ કરનાર યુવતી તે ઇઝરાયલની
પત્ની લેઆહને પેટે જન્મેલી પુત્રી દીના હતી.જે ત્રણ સ્ત્રીઓ તેમને આશ્વાસન આપવા આવી, તે ઈઝરાયેલની
પત્ની લેઆહ અને દાસી પત્નીઓ બિલ્હાહ તથા ઝિલ્પાહ હતી. સામે વ્યગ્ર મને ઊભા રહેલા દસ નવજુવાનો,
લેઆહ, બિલ્હાહ અને ઝિલ્પાહ દ્વારા ઇઝરાયલને મળેલા દસ પુત્રો હતા. તેમ જ તેમની સાથે બીજા ઘણા
નોકરચાકરો આ સંઘમાં સામેલ હતા. જે વાટ પર તેઓ થંભ્યા હતા, તે કનાન દેશમાં થઇને જતો ધોરી માર્ગ
હતો. બેથલેહેમ ગામ ત્યાંથી સામે જ નજરે પડતું. એકાએક બનેલા આ ગમખ્વાર બનાવથી આજની રાત અહીં
જ વિતાવવા સંઘના લોકોને ફરજ પડી.
બીજા દિવસની વહેલી સવારે તેઓએ પોતપોતાનો સામાન બાંધવા માંડ્યો અને જાનવરોને તૈયાર
કરવા લાગ્યા. થોડી વારમાં પક્ષીઓનો મધુર કલરવ શરૂ થયો. સૂર્યનાં કિરણો ફૂટી નીકળીને પૃથ્વીને પ્રકાશિત
કરવા લાગ્યાં. પવનની મંદમંદ લહેરો વાવા લાગી.
સંઘના લોકો પ્રયાણ કરવા તૈયાર ઊભાં હતાં. મુસાફરી માટે તૈયાર કરેલાં તેઓનાં જાનવરો
હણહણવા અને ભાંભરવા લાગ્યાં. સૌની નજર અત્યારે એક જ દિશામાં મંડાયેલી હતી. પથ્થરના એક ઢગ પર
ઇઝરાયેલ પોતાનુ ંમાથું ઢાળી પોતાની પ્રાણપ્રિયાને આખરી વંદન કરી રહ્યો હતોે. પિતાને વળગી ઊભો રહેલો
યૂસફ પોતાની માતા માટે રડીરડીને આંસુ સારી રહ્યો હતો. નાનો બિન્યામીન ઘોર ઊંઘમાં જાણે માનાં સ્વપ્નો
જોતો ન હોય તેમ દીનાની ગોદમાં છૂપાયો હતો. સંઘનાં અન્ય લોકો એકી નજરે આ ગંભીર દ્રશ્ય નિહાળી રહ્યાં
હતાં.
‘બાપુજી, મારી માને શું થઇ ગયું? તમે કેમ કંઇ બોલતા નથી, બાપુ!’ કહી યૂસફ આંસુ સારતો હતો.
‘દીકરા, તારી મા સદાને માટે આ દુનિયા છોડી ચાલી ગઇ છે.’ ઇઝરાયેલે ગળગળા કંઠે જવાબ
આપ્યો.
‘બાપુજી, એ ક્યાં ચાલી ગઇ? આપણને એકલા મૂકી એ ક્યાં ગઇ?’ મા વિહોણા યૂસફે પ્રશ્ન કર્યો.
‘બેટા’ તે ઇશ્વર પાસે પહોંચી ગઇ છે. તે હવે પાછી નહી આવે. કદી નહી આવે.’ ઇઝરાયેલે યૂસફના
માથા પર હાથ ફેરવતાં જવાબ આપ્યો.’
‘બાપુજી, હવે મને કોણ રમાડશે? કોણ મને ઇશ્વરના અજાયબ પ્રેમની કહાણીઓ કહેશે?’ માની છાયા
ગુમાવી બેઠેલો યૂસફ દડદડ આંસુ સારી ગયો.
‘દીકરા યૂસફ, તું દુઃખી થઇશ નહી. તારું રૂદન મારાથી જોઇ શકાતું નથી. જો યૂસફ તારે દસ મોટા
ભાઇઓ છે. વળી તારી મા તને એક નાના ભાઇની ભેટ આપી ગઇ છે. કહે બેટા, આથી વિશેષ તારે શું
જોઇએ? યૂસફ તું શાંત થા દીકરા,’ કહી ઇઝરાયેલ ઊભો થઇ ગયો.
તેણે પોતાનાં સાંસુઓ લૂછી યૂસફને ઊંચકી લીધો. બંને બાપ દીકરો ઊંટ પર સવાર થઇ ગયા. એ
જોતાં જ સૌ પોતપોતાના જાનવર પર સવાર થયા અને એક આખરી નજર પથ્થરના ઢગમાં દટાયેલી રાહેલ
સામે કરી સૌએ પોતાનાં જાનવરોને ડચકાર્યાં. આમ, શાંત અને ગંભીર વાતાવરણ સહિત ઇઝરાયેલી સંઘે કનાન
દેશમાં પ્રવેશ કર્યો.
કનાન દેશમાં ઇઝરાયેલી લોકો ઠરીઠામ થયા. તેમણે શરૂઆતમાં ઠેરઠેર તંબૂઓ તાણ્યા. આ ફળદ્રુપ
પ્રદેશમાંથી તેમનાં ઢોરોને જોઇતો ઘાસચારો અને પાણી મળી રહેતું. આજાુબાજાુ દૂરદૂર સુધી ઘાસનાં લીલાંછમ
મેદાનો છવાયેલાં હતાં. દેશની પેદાશથી લોકોને સંતોષ હતોે. તે અરસામાં ઇઝરાયેલી લોકોએ અહીં સાધારણ
ખેતીની શરૂઆત કરી. એ પછી કાપડવણાટ અને રંગકામના ઉદ્યોગો શરૂ કર્યા. તેઓએ મિસર, મેસોપોટેમિયા
અને સિરિયા સાથે વેપારની શરૂઆત કરી. ઇઝરાયેલી લોકોએ કનાન દેશનો દરિયાકિનારો અને આજાુબાજાુનો
પહાડી પ્રદેશ પોતાના રહેઠાણ માટે પસંદ કર્યો.
૩
યૂસફ અને તેના અગિયાર ભાઇઓ
ઇઝરાયેલ પોતાની પ્રિય પત્ની રાહેલથી મળેલા પુત્રો યૂસફ અને બિન્યામીન પર ખૂબ પ્રેમ રાખતો.
તેમાં ય તે યૂસફને અધિકાધિક ચાહતો. યૂસફ એ રાહેલનો પ્રથમજનિત પુત્ર હતો. બંને ભાઇઓ યૂસફ અને
બિન્યામીન એકબીજાને ખૂબ ચાહતા. તે જમાનામાં બહુપત્નીનો રિવાજ હોવાથી એક જ માતાનાં સંતાનો વચ્ચે
પ્રેમ જળવાઇ રહેતો. ઇઝરાયેલને લેઆહ, બિલ્હાહ તથા ઝિલ્પાહથી મેળા દસ પુત્રો હતો. લેઆહથી તેને
રેઉબેન, સિમોન, લેવી, યહૂદા, યિસ્સાખાર તથા ઝબલુન એમ છ પુત્રો હતા. દાન અને નાફતાલી એ બે પુત્રો
બિલ્હાહથી થયા હતા. તેમ જ ગાદ અને આસેર ઝિલ્પાહથી થયા હતા. આ દસેય મોટા ભાઇઓ યૂસફ અને
બિન્યામીનથી અલગ રહેતા, ખેતરમાં કામ કરતા તેમ જ તેઓનાં ઘેટાબકરાં ચરાવવા જતા. યૂસફ અને
બિન્યામીન હજી નાના હતા અને તેથી પિતાની સાથે રહી લાડકોડમાં મોટા થતા હતા.
યૂસફ પર બેહદ પ્યાર હોવાથી ઇઝરાયેલે તેને સુંદર ઝભ્ભો સીવડાવી આપ્યો હતો. તે જમાનામાં
રાજકુંવરો એવા સુંદર ઝભ્ભા પરિધાન કરતા. સત્તર વર્ષનો જાુવાન યૂસફ એ રાજવી ઝભ્ભામાં ખૂબ દીપી
ઊઠતો. પિતાનો યૂસફ તરફનો પ્રેમ જોઇ સંઘનાં બધાં સ્ત્રીપુરુષો યૂસફને માનથી જોવા લાગ્યાં. સંઘમાં પોતાને
ખૂબ માન હોવા છતાં યૂસફમાં અભિમાનનો છાંટો ય ન હતો. તે હંમેશાં સૌના માનમર્યાદા સાચવતો અને
બીજાને પોતાથી વિશેષ ગણતો. યૂસફને ખૂબ માન મળતું જોઇ તેના મોટા ભાઇઓ યૂસફ પર દ્વેષ કરવા
લાગ્યા.
હવે યૂસફ સત્તર વર્ષનો સમજદાર યુવાન બની ગયો હતો. તે પોતાના ભાઇઓની સાથે ઘેટાંબકરાં
ચરાવવા જતો, ભાઇઓને ખૂબ ચાહતો પણ તેઓની અયોગ્ય બાબતોમાં પોતાનો સાથ આપતો નહી. ભાઇઓને
તે ચેતવણી આપતો અને સારા માર્ગો અપનાવવાને કહેતો. વડીલ ભાઇઓને તેના તરફ માન ન હતું. તેઓ
તેનું સાંભળતાં નહી અને તેને મજાકમશ્કરીમાં ઉડાવતા.
નાનો બિન્યામીન પણ હવે સમજદાર બનવા લાગ્યો હતો. યૂસફની સાથે ફરતાંફરતાં બિન્યામીનને
પણ મોટા ભાઇઓનો પરિચય થવા લાગ્યો. મોટા ભાઇઓ મજાકમશ્કરીમાં જ યૂસફને પરેશાન કરી મૂકતા.
આ જોઇ બિન્યામીનનું હૃદય ભરાઇ આવતું.
‘મોટાભાઇ તમે આ બધું ક્યાં સુધી સહન કરશો? ભાઇ, જો તમારી ઇચ્છા હોય તો હું પિતાજીને
ફરિયાદ કરું?’’ બિન્યામીન યૂસફને પૂછતો.
‘ના ભાઇ ના, એવું કરવાથી તો મોટાભાઇઓ સાથેનો સંબંધ વધારે વણસી જશે. માટે બને ત્યાં સુધી
આપણે પ્રેમથી જ કામ લઇશું.’’ યૂસફ બિન્યમીનને સમજાવતો.
આ વાત ક્યાં સુધી ઢાંકી રહે. દિનપ્રતિદિન યૂસફ અને ભાઇઓના સંબંધની વાત વધારે ચર્ચાસ્પદ
બની. યૂસફ પ્રત્યે મોટાભાઇઓનું વલણ યૂસફ અને બિન્યામીનની અલગ જોડી અને અવારનવાર
મોટાભાઇઓ સાથે થતા ઘર્ષણની ગંધ હવે ઇઝરાયલને આવવા લાગી. ઇઝરાયલે એ વિશે યૂસફને પૂછપરછ
કરી. યૂસફે પિતાને કંઇ કહેવાની ના પાડી પણ નાના બિન્યામીને નાદાનીમાં બધી હકીકત પિતાને કહી
સંભળાવી. નાનાભાઇઓ સાથેના અવિવેકભર્યા વર્તનથી ઇઝરાયલ મોટા દીકરાઓ પ્રત્યે ચિડાયો અને તેમને
ખૂબ ઠપકો આપ્યો.
આમ દિવસો વિતવા લાગ્યા. એવામાં એક રાત્રે યૂસફને સ્વપ્ન આવ્યુંઃ તે પોતાના અગિયાર
ભાઇઓની સાથે ખેતરમાં કામ કરી રહ્યો છે, દરેક ભાઇઓ પોતાના પૂળાઓ બાંધવામાં મશગૂલ છે, એકાએક
યૂસફનો એક પૂળો ખેતરની મધ્યમાં જઇ સ્થિર થઇ ઉભો રહ્યો, તેને પવન અને તોફાનનો સપાટો લાગ્યો,
છતાં તે પૂળો સ્થિર જ ઉભો રહ્યો. એવામાં દરેક ભાઇઓના એક એક પૂળા આવી યૂસફના પૂળાની ચારે બાજુ
સ્થિર થઇ ઉભા રહ્યા. તેમને પવનનો સપાટો લાગતાં જ તેઓ વચ્ચેના પૂળા તરફ નમી પડ્યા. સ્વપ્ન પૂરું થતાં
જ યૂસફ જાગી ઊઠ્યો.
પ્રભાત ખીલી ઊઠ્યું હતું. ઉગતા સૂર્યનાં કિરણો પર્વતોની ચોટીઓને સ્પર્શી દૂરદૂર ખીણોમાં વીખેરાઇ
જતાં હતાં. ખુશનુમા પ્રભાતમાં યૂસફ દોેેડતો દોડતો પોેેતાના પિતા પાસે પહોંચી ગયો અને તેમને વળગી પડ્યો.
બિન્યામીન પણ ત્યાં આવી પહોંચ્યો અને યૂસફની સાથે રમતે ચઢ્યો. બાજુમાં ઉભા રહેલા મોટાભાઇઓ આ
બધું જોઇ રહ્યા હતા.
‘બેટા યૂસફ, એક વાત પૂછું?’ ઇઝરાયલે પ્રશ્ન કર્યો.
‘પૂછોને બાપુ’ યૂસફે ઉત્તર વાળ્યો.
‘યૂસફ, તને શું વિશેષ પ્રિય છે?’ ઇઝરાયલે પૂછયું.
‘બાપુજી, સવિશેષ તો હું ઇશ્વરને ચાહું છું. ખરેખર તે કેવા મહાન છે. મારી મા મને ઘણી વાતો
કહેતી હતી, જે આજે પણ યાદ આવે છે. ઇશ્વરે જમીન, આસમાન, મનુષ્ય અને પશુપંખીઓ બનાવ્યાં વળી તે
આપણને ખૂબ ચાહે છે. કેવું અજાયબ, નહીં બાપુ!’ યૂસફે આશ્ચર્ય વ્યક્ત કર્યું.
‘બેટા, તને શું ખબર કે ઇશ્વર આપણને ચાહે છે?’ ઇઝરાયલે ફરી પ્રશ્ન કર્યો.
‘અને હું કહું? બાપુજી, આજે રાત્રે મને એક સ્વપ્ન આવ્યું હતું. સ્વપ્નમાં મેં જોયું તો અમે અગિયાર
ભાઇઓ ખેતરમાં કામ કરી રહ્યા હતા. એવામાં મારો પૂળો ખેતરની મધ્યમાં જઇ ઊભો રહ્યો અને અગિયાર
ભાઇઓના પૂળાઓ મારા પૂળાની આસપાસ ગોઠવાઇ ગયા. વળી આશ્ચર્યની વાત તો એ છે કે અગિયાર
ભાઇઓના પૂળાઓ મારા પૂળાને નમી પડ્યા. બાપુજી, કેવું સુંદર સ્વપ્ન! હું માનું છું કે ઘણી વાર ઇશ્વર સ્વપ્નો
દ્વારા પણ આપણી મુલાકાત લે છે.’ યૂસફે પોતાનું સ્વપ્ન કહી સંભળાવ્યું.
બિન્યામીન આ સાંભળી ખડખડાટ હસી પડ્યો. ઇઝરાયલ વિચારમાં પડી ગયો તેમ જ દસ ભાઇઓ
છેડાઇ ગયા અને ત્યાંથી ઊઠી ચાલતા થયા.
આ સ્વપ્નના પ્રસંગ પછી મોટા ભાઇઓ યૂસફ પર વધારે દ્વેષ કરવા લાગ્યા અને તેના સ્વપ્નને
ઉપજાવી કાઢેલું ગણાવવા લાગ્યા. પણ યૂસફ ભાઇઓ પર સદાય પ્રેમ રાખતો. છતાં મોટા ભાઇઓ તેને
પરેશાન કરવા લાગ્યા. તેની સતાવણી સિવાય ભાઇઓ તેને કંઇ દુઃખ દઇ શકે તેમ ન હતા. કારણ, યૂસફ
ઇઝરાયેલનો વહાલો દીકરો હતો. વળી ઇઝરાયલ સંઘનો વડો હોવાથી સંઘના લોકોને તેની આજ્ઞા અનુસાર
ચાલવું પડતું પણ મોટા ભાઇઓ પિતાને ફરિયાદ જરૂર કરતા.
‘પિતાજી અમે પણ આપના પુત્રો છીએ. અમને કેમ સમાન દૃષ્ટિથી જોવામાં આવતા નથી?’
‘બેટા, તમે ભૂલો છો. તમે પણ જ્યારે તેમની ઉંમરના હતા ત્યારે મેં તમને ખૂબ લાડ લડાવ્યા હતા,’
ઇઝરાયલ તેમને સમજાવતો.
પિતાની સલાહથી મોટા પુત્રો મન મનાવી લેતા. આમ દિવસો વિતવા લાગ્યા અને ફરી એક રાત્રે
યૂસફને અજાયબ સ્વપ્ન આવ્યું.
સ્વપ્નમાં તેણે જોયું કે, પોતે કુદરતને ખોળે આમતેમ ટહેલી રહ્યો હતો. શાંત અને ગંભીર
વાતાવરણમાં અકલતાનું ભાન ભૂલી તેણે આસપાસ દૃષ્ટિ ફેંકી તો તેની અજાયબીનો પાર રહ્યો નહીં. સૂર્ય, ચંદ્ર
અને તારાઓની હસ્તીએ તેને ભારે નવાઇમાં મૂકી દીધો. યૂસફ સૂર્ય, ચંદ્ર અને તારાઓના પ્રકાશથી ઉદ્ભવેલા
વાતાવરણને નિહાળતો એક ખડક પર ચઢી ગયો. જેવો તે ખડક પર સ્થિર થયો કે, એકાએક પવન ફૂંકાયો.
આભ ફાટે તેવી ગર્જના થઇ અને આકાશની મહાન જ્યોતિઓ સૂર્ય, ચંદ્ર અને થોડાક તારાઓ પૃથ્વી પર સરી
આવતા જણાયા. યૂસફ ગભરાઇ ગયો, છતાં તેની આંખો એ જોવામાં મશગૂલ રહી. પૃથ્વી પર આવતાંની સાથે
જ તે જ્યોતિઓ યૂસફ જે ખડક પર ઊભો હતો, તેની આજુબાજુમાં સ્થિર થઇ જમીન લગી તેની આગળ નમી
પડી. તેમના અતિશય પ્રકાશથી યૂસફનો ચહેરો ચમકી ઊઠ્યો. તેણે જોયું તો સૂર્ય, ચંદ્ર અને અગિયાર પ્રકાશિત
તારાઓ તેની આગળ નમી પડ્યા હતા.
આ અજાયબ દર્શનથી યૂસફ સફાળો જાગી ઊઠ્યો અને આકાશને ફાટી આંખે જોઇ રહ્યો. ત્યાં તો
ચંદ્રમા અને ટમટમતા તારાઓભરી હંમેશ મુજબની રાત્રી સિવાય નવું કંઇ જ ન હતું. યૂસફ જે બન્યું તે વિશે
વિચારતો નિદ્રામાં પડ્યો. એવામાં સુમધુર પ્રભાત ખીલી ઊઠ્યું. પ્રભાતના પગરણથી લોકો ઊઠીઊઠીને પોતાને
કામે જવા લાગ્યા. યૂસફ પણ વિચારમગ્ન હાલતમાં ઊઠ્યો. તેના પિતાએ યૂસફને વિચારમગ્ન જોઇ કારણ
પૂછયુંઃ
પિતાજી, આજે મેં એક અજાયબ સ્વપ્ન જોયું. યૂસફે જવાબ આપ્યો.
સ્વપ્ન નામ સાંભળતાં જ તેના બધા ભાઇઓ આસપાસ વીંટળાઇ વળ્યા. સૌના સાંભળતાં યૂસફે
પોતાનું સ્વપ્ન વિગતવાર કહી સંભળાવ્યું.
‘પિતાજી, સ્વપ્નનો કોઇ અર્થ હોય ખરો?’ યૂસફે પ્રશ્ન કર્યો.
‘હા, બેટા, ઘણીવાર ઇશ્વર તેના માણસોને સ્વપ્ન દ્વારા તેની યોજનાઓ દર્શાવી રહ્યા હોય છે,’
ઇઝરાયેલે ઉત્તર વાળ્યો.
‘તો મારા આ સ્વપ્નનો શો અર્થ હશે?’ યૂસફે ફરી પ્રશ્ન કર્યો.
‘દીકરા, ઘણા સ્વપ્નો સમજવાં બહુ કઠણ હોય છે. તારા સ્વપ્ન અનુસાર, તેં જે સૂર્ય, ચંદ્ર અને અગિયાર
તારાઓ તને નમન કરતા જોયા, તેનો અર્થ એવો થાય છે કે, એક દિવસ એવો આવશે, જ્યારે મારે, તારી માને તથા
ભાઇઓને તારી આગળ આવી નમવું પડશે.’ ઇઝરાયેલે અર્થ કર્યો.
આ અર્થ સાંભળતાં જ યૂસફ વિચારમાં પડી ગયો. બિન્યામીન પિતાને તાકી રહ્યો અને મોટા દસ ભાઇઓ
છેડાઇ ગયા.
‘શું તું અમારો વડીલ થશે’ એકે પૂછયું.
‘તું અમારા પર સત્તા ચલાવશે?’ બીજાએ કહ્યું.
‘અમારે તારી આગળ આવી નમસ્કાર કરવા પડશે?’ ત્રીજાએ પ્રશ્ન કર્યો.
ઇઝરાયેલે તેમને વચ્ચે જ રોેક્યા ને સમજાવ્યું કે, એ તો તમારા માટે જ નહીં, મારે માટે પણ છે.
મારે પણ તેને નમવા જવું પડશે. શું નાનો છોકરો પોતાના મોંએ આવી વાતો કરતો હશે? જરૂર આ સ્વપ્ન તેને
ઇશ્વર તરફથી મળ્યું છે અને હું માનું છું કે, તે સંપૂર્ણ થશે જ.
મોટા ભાઇઓએ પિતાની વાતને હસી કાઢી અને ત્યાંથી વિખેરાઇ ગયા. જ્યારે ઇઝરાયેલે આ વાત
પોતાના મનમાં રાખી.
૪
યૂસફનું લિલામ
યૂસફનું સંઘમાં વધી રહેલું માન, પિતાએ તેને માટે સીવડાવેલો સુંદર ઝભ્ભો તેમ જ યૂસફને આવેલાં
સ્વપ્નો, આ બધું જોઇ મોટા ભાઇઓનો દ્વેષ હવે અધિકગણો વધી ગયો. તેઓ તેની દરેક દલીલ તોડા પાડવા
અને તેની માનહાનિ કરવા હંમેશાં તત્પર રહેતા. પિતા યૂસફનો પક્ષ લેતા હોવાથી મોટા ભાઇઓ પિતાજીને પણ
માનથી જોતા ન હતા. હવે તેઓ કોઇ એવી યોજના તૈયાર કરવા લાગ્યા કે ‘ન રહે વાંસ ને ન વાગે વાંસળી.’
એક દિવસ મોટા દસ ભાઇઓ દૂર શખેમના મેદાનમાં કુટુંબનાં ઘેટાંબકરાંના ટોળાં ચરાવવા પિતાની
રજા લઇ નીકળ્યા. યૂસફે તેઓની સાથે જવા માટે ઘણો આગ્રહ કર્યો પણ ઇઝરાયેલે યૂસફને એટલે દૂર નહીં
જવા દેતાં પોતાની પાસે જ રાખ્યો. નાનો બિન્યામીન પણ ઘેર જ હતો.
હવે એવું બન્યું કે દસેય જણને ટોળાં લઇને નીકળે ઘણા દિવસો વિતી ગયા પણ તેમના કોઇ
સમાચાર આવ્યા નહી. એક દિવસે તે દસેય પુત્રોની માતાઓ લેઆહ, બિલ્હાહ અને ઝિલ્પાહ ઇઝરાયલની
પાસે આવી અને પોતાના પુત્રોની તપાસ કરાવવા જણાવ્યું. ઇઝરાયલ પણ ચિંતાતૂર બની ગયો. તેણે જેમ બને
તેમ જલ્દી પોતાના પુત્રોની તપાસ કરાવવા તેમને આશ્વાસન આપ્યું. ઇઝરાયલ ચાહે તો પોતાના નોકર-ચાકરને
મોકલી શકતો હતો, છતાં ભાઇઓની ખબર ભાઇ જ કેમ ન લાવે, એ આશયથી તેણે યૂસફને જવાબદારી
સોંપી. યૂસફને પણ કેટલાય દિવસથી દૂર ગયેલા ભાઇઓને મળવાનું મન થઇ આવ્યું, ભાઇઓ તેને જોશે ને
ખુશ થઇ જશે, પોતે ભાઇઓને મળશે, તેમને ભાથું વગેરે આપશે અને ઘેર લઇ આવશેઃ એવા ઉમંગથી યૂસફ
ભાઇઓને મળવા માટે તૈયાર થઇ ગયો.
બીજે દિવસે યૂસફ ભાઇઓેને મળવા જવા સવારથી જ તૈયાર કરવા લાગ્યો. ઘણા નોકરચાકરોએ તેને એકલો
ન મોકલવા ઇઝરાયલને સલાહ આપી. શખેમ જવાનો માર્ગ ઘણો કઠણ હતો. વચ્ચે જંગલો વટાવવાં પડે, જરૂર પડે જંગલી
જાનવરોનો પણ સામનો કરવો પડે. એવા નિર્જન સ્થળે નાદાન યૂસફ શું કરી શકે? પણ ઇઝરાયલને ઇશ્વર પર અટલ
વિશ્વાસ હતો.
આખરે પિતાની આજ્ઞા માથે ચઢાવી ભાઇઓને મળવાની ખુશીમાં ભાથાની પોટલી ખભે મૂકી, કમરે
પાણીની મશક બાંધી તથા હાથમાં લાકડી સાથે યૂસફ એકલો શખેમ જવા તૈયાર થઇ ગયો. પિતાએ તેને
આશીર્વાદ આપ્યો. આજે પણ તેણે પોતાનો સુંદર ઝભ્ભો પહેર્યો હતો. પિતાનાં આશીર્વચન અને સૌની
શુભેચ્છાઓ લઇ યૂસફ શખેમ જવા રવાના થઇ ગયો. પિતા પુત્રને દૂર સુધી જતાં જોઇ રહ્યા.
યૂસફ મુસાફરી કર્યે જતો, ભૂખ લાગતાં ભાથું છોડીને ખાતો મશકનું પાણી પીતો અને થોડો આરામ
કરી આગળ વધ્યે જતો. હજી સુધી મુસાફરીમાં તેને કોઇ વિઘ્ન નડ્યું ન હતું. રાતદિવસ ઇશ્વરની યાદ તેના
વિચારોમાંથી દૂર ખસતી ન હતી. તેને તો એક જ આશા હતીઃ ભાઇઓને મળવાની ને તેમને ક્ષેમકુશળ જોવાની.
પોતે કેટલો ખુશ હશે, જ્યારે ભાઇઓને દૂરથી જોશે અને દોડીને તેમને ભેટી પડશે! ભાઇઓ પણ તેને કેટલા
ઉમંગથી આવકારશે અને વહાલથી ભેટી પડશે, વગેરે વિચારોથી તેનું હૈયું છલકતું રહેતું.
કેટલાય દિવસોની મુસાફરી પછી તે એક સાંજે શખેમ નજીક આવી પહોંચ્યો. જેમજેમ સ્થળ નજદીક
આવવા લાગ્યું તેમતેમ તે વધારે ઝડપથી ચાલવા લાગ્યો. આખા દિવસનો તાપ અને થાક સહન કર્યા છતાં તેનો
ચહેરો કરમાયો ન હતો. જેમજેમ સ્થળ નજદીક આવતું ગયું તેમ તેમ તેનો આનંદ વિશેષ વધતો ગયો. તેનું
શરીર પરસેવાથી રેબઝેબ બની ગયું હતું અને તેનાં વસ્ત્ર શરીર સાથે ચોંટી ગયાં હતાં. શખેમ હવે બિલકુલ
નજીક હતું. યૂસફે ઝડપ વધારી અને થોડી જ વારમાં તે શખેમના મેદાન પર પહોંચી ગયો.
ઘાસનાં લીલાંછમ મેદાન, ચારે બાજુ પર્વતોની હારમાળાઓ અને અહીંતહીં વહેતાં ઝરણાંનો
ખડખડાટ, એ સિવાય યૂસફને મેદાનમાં કંઇ જ જણાયું નહીં. અતિશય શાંત વાતાવરણમાં પોતે એકલો અટૂલો
ઊભો રહી, ચારે બાજુ દૃષ્ટિ કરી રહ્યો હતો. ભાઇઓને ન જોવાથી તે નિરાશ બની ગયો. છતાં પણ ચારે તરફ
નિહાળી ભાઇઓનાં નામ લઇ લઇને એ બૂમો પાડવા લાગ્યો પણ તેના બૂમબરાડા પર્વતોની ચઢાનો પર
ટકરાઇને પાછા પડતા. યૂસફ હતાશ બની ગયો. આખરે લથડતે પગે ચાલતો તે એક ઝાડ નીચે આવીને બેસી
પડ્યો. સંધ્યાનો સમય હતો. આખું મેદાન નિર્જન અને વેરાન હતું. એવી નિર્જનતામાં એક ઝાડ નીચે બેઠેલો
યૂસફ પોતાનું ધ્યાન વિચારોમાં પરોવી રહ્યો હતો.
મારા ભાઇઓ ક્યાં ગયા હશે? શું તેઓ આગળ વધ્યા હશે? અથવા બીજે રસ્તે થઇને ઘર તરફ
વળ્યા હશે?
આવા વિચારોમાં તેણે દૂરથી એક માણસને મેદાન તરફ આવતો જોયો. તે માણસ પહેરવેશમાં તેના
ભાઇઓથી જુદો જ તરી આવતો. તેને જોતાં જ યૂસફ ઊભો થઇ ગયો ને તે માણસને ધારીધારીને જોવા
લાગ્યો. માણસ નજીક ને નજીક આવતો ગયો. યૂસફ આશાભરી નજરે આવનારને એકીટસે જોઇ રહ્યો.
રાજકુંવર જેવાં વસ્ત્રોમાં શોભતા સુંદર યૂસફને જોઇ તે વિચારમાં પડી ગયો. યૂસફને આમ એકલો જોઇ તેને
આશ્ચર્ય થયું. પાસે આવતાં જ તેણે યૂસફને નમસ્તે કર્યા. યૂસફે પણ વળતા પ્રણામ કર્યા.
‘તમે કોણ છો અને એકલા અહીં કોની રાહમાં બેઠા છો?’ અજાણ્યા આદમીએ પ્રશ્ન કર્યો.
‘હું યહૂદી છું. બેથલેહેમથી આવું છું અને મારા દસ મોટાભાઇઓની શોધમાં નીકળ્યો છું. તેઓ
પોતાનાં ટોળાં આ મેદાનમાં ચરાવવા કેટલાય સમયથી નીકળી પડ્યા છે. ઘણા વખતથી તેમના કોઇ સમાચાર
ન મળવાથી હું અહીં તેમની શોધ માટે આવ્યો છું પણ ખબર નહીં, તેઓ ક્યાં ચાલ્યા ગયા?’ યૂસફે નિરાશ થઇ
જવાબ આપ્યો.
‘દસ ભાઇઓ? તેમને તો વહેલી સવારે મેં આ જ મેદાન પર જોયા હતા. તેમની જે વાતો મેં સાંભળી
હતી તે પરથી એવું સમજાય છે કે, તેઓ દોથાનના મેદાનમાં ચાલ્યા ગયા હશે,’ તે માણસે યૂસફને કંઈક આશા
જગાડી.
‘તમારો ઘણો આભાર, મુરબ્બી. મારે એટલું જ જાણવું હતુ. સ્થળની ખબર પડતાં જ હું તેમને
શોધી કાઢીશ,’ યૂસફે આનંદમાં આવી કહ્યુ.
જતાંજતાં તે અજાણ્યા આદમીએ દોથાન જવાનો સરળ માર્ગ તેને સમજાવ્યો. એક અજાણ્યા માણસનો
પ્રેમ જોઇ યૂસફ આભારવિવશ બની ગયો. છેવટે તે માણસ પોતાને રસ્તે પડ્યો.
ધીમેધીમે સૂર્ય ડૂબતો ગયો અને સર્વત્ર અંધારૂં ફેલાવા લાગ્યું. એકલો યૂસુફ પિતાજી તથા
ભાઇબહેનની યાદમાં ત્યાં બેઠો હતો. રાત ઘેરાવા લાગી અને ચારે બાજુ અંધકાર છવાઇ ગયો. યૂસફ ત્યાં ઝાડ
નીચે જ સોડ તાણી સૂઇ ગયો. તેની એક બાજુ લાકડી અને બીજી બાજુ પાણીથી ભરેલી ચામડાની મશક તથા
ભાથાની પોટલી પડેલાં હતાં.
એવામાં એકાએક ત્યાં પવન ફૂંકાયો. પવને ઝાડપાન અને ધૂળને રમતે ચડાવ્યાં, જોતજોતામાં
આજુબાજુનું વાતાવરણ ધૂંધવાઇ ગયું. ઘાસ, પાન અને ધૂળ ઊડીઊડીને હવામાં દૂર ફેલાઇ જતાં. જે ઝાડ નીચે
યૂસફ સૂતો હતો, તેની ડાળીઓ પવનમાં લહેરાઇ કચકચાટ કરી રહી હતી. ઝાડનાં સૂકાં ડાળ-પાન ખરીપડીને
યૂસફની ઊંઘમાં ખલેલ પહોંચાડતાં હતાં. અંધારી રાતમાં પવનના તોફાને ભયંકરતા સર્જી. નિર્જન જગાએ
પડેલો યૂસફ તોફાનમાં સફાળો જાગી ઊઠ્યો. આજુબાજુ જોયું તો ધૂળ, ઘાસ, પાન વગેરેથી વાતાવરણ ઘેરાઇ
ગયું હતું. વળી અંધારું તો એવું કે કંઇ દેખાય જ નહીં. તોફાનને લીધે આજુબાજુથી વિચિત્ર અવાજો સંભળાતા
હતા. આ અવાજો અવનવા ભાસ પેદા કરી તરત સમી જતા. ખરેખર કોઇ પણ એકલો માનવી હિંમત ખોઇ
બેસે, એવું વાતાવરણ સર્જાયું હતું.
આટલી મોડી રાતે અહીંથી જવું પણ ક્યાં? ચારે દિશાઓ ભેંકાર લાગતી હતી. આવા તોફાનમાં
સપડાયેલો યૂસફ પોતાની બધી હિંમત ભેગી કરી પોતાની જાતને સંભાળી રહ્યો હતો. યૂસફ ઊભો થયો અને
આજુબાજુના વાતાવરણનું નિરીક્ષણ કરવા લગ્યો. પવનનો એક જોસભેર ઝપાટો આવ્યો. એ સમયે યૂસફ પણ
ડરી ગયો કે પોતે હવામાં ફંગોળાઇ જશે. કડ્ડ્ડ્... કરતો કંઇક અવાજ સંભળાયો. અવાજથી યૂસફ એકદમ
ચોંકી ગયો અને ત્યાંથી નાસવા લાગ્યો. પણ જેવો ત્યાંથી દૂર થાય તે પહેલાં જ તેની પાસેનું ઝાડ કડ્ડ્ડ્ભૂસ
કરતું તૂટી પડ્યું અને યૂસફ ‘હે પ્રભુજી...’ બૂમ પાડી ત્યાં જ ઢળી પડ્યો.
ઝાડની ડાળીઓમાં જકડાયેલો યૂસફ બીકનો માર્યો ભાન ખોઇ બેઠો. ધીમેધીમે તોફાન શાંત પડવા
લાગ્યું. પવનના ધીમા સુસવાટા આવી અને રોકાઇ જતા. પવનમાં ઊડતાં ફોતરાં અને ધૂળ જમીન પર બેસી
ગયાં. વાતાવરણ સ્વચ્છ બનવા લાગ્યું. રાતની ભયંકરતા ઘટવા લાગી અને પ્રકાશનાં પગરણ મંડાયાં.
પ્રભાતના પ્રથમ પહોરનો આરંભ થયો. વિશાળ મેદાનને આરે એક પ્રચંડ ઝાડ ભોંયે પડયું હતું. આખું મેદાન
ખાલી અને નિર્જન હતું.
નિર્જન જગાએ પડેલા માનવીને જોઇ આજુબાજુથી પક્ષીઓ ભોંયે પડેલા ઝાડ પર એકઠાં થઇ ગયાં
અને યૂસફની આજુબાજુ ઊડી કલબલાટ કરવા લાગ્યાં. જાતજાતનાં પક્ષીઓના વિચિત્ર અવાજોથી બેહોશ બનેલો
યૂસફ હોશમાં આવી જાગી ઊઠ્યો. તેણે આંખો ખોલી તોે તેની આસપાસ સેંકડોની સંખ્યામાં પક્ષીઓનું ટોળું
આમતેમ ઊડી કલબલાટ કરી રહ્યું હતું. પોતે એક પ્રચંડ ઝાડની વચ્ચે ફસાઇ ગયો હતો છતાં ઝાડ જમીન પર
એવી રીતે ગોઠવાયું હતું, જેથી તેના કોઇ પણ અંગને સાધારણ પણ ઇજા ન આવે. પોતાના અદ્ભુત બચાવથી
યૂસફ પ્રભાવિત થઇ ગયો અને ઇશ્વરની આભારસ્તુતિ કરતો ઊભો થઇ ગયો. તેના ઊભા થતાં જ
આજુબાજુનાં પક્ષીઓ શોરબકોર કરતાં દૂરદૂર ઊડી ગયાં. યૂસફે ઊભા થઇ માટીથી ખરડાયેલો પોતાનો
ઝભ્ભો ખંખેરી નાખ્યો અને પોતાનો સામાન એકઠો કરી, ઇશ્વરનો આભાર માનીને દોથાન તરફ ચાલવા માંડ્યું.
પ્રભાતનો આરંભ થઇ ચૂક્યો હતો. સૂર્યનાં કોમળ કિરણો પૃથ્વીને પ્રકાશિત કરી રહ્યાં હતાં. મંદમંદ
પવનથી યૂસફનું મન પ્રફુલ્લિત બન્યું અને પક્ષીઓના કિલ્લોલથી તેનું હૃદય આનંદવિભોર થયું. આ ખુશનુમા
પ્રભાતમાં યૂસફ ભાઇઓને મળવા દોથાન તરફ આગળ વધી રહ્યો હતો. થોડું અંતર કાપ્યા પછી એક ઝરણું
આવ્યું. ઝરણાના પાણીથી યૂસફે પોતાનાં હાથ, પગ, મોં ધોયાં તથા પોતાની મશક ભરી આગળ ચાલવા માંડ્યું.
અહીંથી સીધો રસ્તો દોથાન તરફ જતો હતો. માર્ગમાં જાનવરો તથા માણસોના પદ્ચિહ્નો નિહાળતો
યૂસફ ત્વરિત ગતિથી દોથાન તરફ આગળ વધી રહ્યો હતો. પ્રભાતના મધુર વાતાવરણમાં તેણે લાંબી મજલ
કાપી નાખી. હવે સૂર્ય વધારે તપવા લાગ્યો હતો. પરસેવાથી રેબઝેબ યૂસફ આગળ ને આગળ વધ્યે જતો હતો.
દોથાન હવે નજદીકમાં જ હતું. યૂસફ દૂરથી આંખો મોટી કરી કરીને સામે દૃષ્ટિ ફેંકતો હતો. એટલામાં દૂરથી
તેણે કેટલાક માણસોને ટોળાં ચરાવતા જોયા. તેના પગોમાં એકએક બળ આવ્યું અને તે વધારે ઝડપથી આગળ
વધવા લાગ્યો. જેમ જેમ તે પાસે જતો ગયો, તેમતેમ તેને ભાસ થતો ગયો કે, તેઓ પોતાના ભાઇઓ જ છે.
છેવટે હર્ષઘેલા યૂસફે પોતાની ભાથાની પોટલી બગલમાં ઘાલી દોટ મૂકી. તેની કમરે ભરાવેલી મશકમાંથી પાણી
ઉછળવા લાગ્યું. ભાઇઓએ પણ તેને દૂરથી આવતાં જોયો અને સૌ એકત્ર થઇ ગયા.
‘ભાઇઓ...,’ યૂસફે એક હાથ ઊંચો કરી દોડતાંદોડતાં બૂમ પાડી.
અહીં ભાઇઓ તેની જ વાટ જોતા ઊભા હતા. તેઓ તેની મજાક કરવા લાગ્યા કે, ‘જુઓ, પેલો
સ્વપ્નપતિ આવ્યો.’
‘આપણે તો તેને પૂરો જ કરવો છે.’ એકે કહ્યું.
‘હાસ્તો, એમાં વળી બીક કોની?’ બીજાએ સાથ પૂર્યો.
‘અને આવો લાગ ફરી નહીં મળે!’ ત્રીજો બોલ્યો.
આ શબ્દો સાંભળતાં જ તેઓમાંનો એક ભાઇ, રેઉબેન, દુઃખી થઇ ગયો. નિખાલસ યૂસફ દોડતો
અને બૂમો પાડતો ભાઇઓ પાસે આવી પહોંચ્યો. તેનું હૃદય અતિવેગથી ધબકી રહ્યું હતું. લોહીના ઝડપી ભ્રમણને
લીધે તેનો ચહેરો લાલલાલ થઇ ગયો હતો અને શરીર પસીનાથી ભીંજાઇ ગયું હતું. મશકના ઉછળતા પાણીથી
પલળેલા તેના ઝભ્ભામાંથી પાણી ટપકી રહ્યું હતું અને દોડના ઝપાટાને લીધે તેના વાળ વેરવિખેર થઇ ગયા
હતા. ભાઇઓને જોઇ હર્ષમાં આવી ગયેલા યૂસફના મુખ પર આનંદ માતો ન હતો.
યૂસફ પાસે આવ્યો કે તરત બધા ભાઇઓએ તેને પકડી લીધો. યૂસફ કોઇને પણ ભેટે તે પહેલાં જ
બધા ભાઇઓ તેના પર તૂટી પડ્યા. કોઇ તેના મોંમાં મારતું તો કોઇ તેની છાતીમાં મુક્કાઓ મારતું. કોઇ તેના
પગમાં ઘા કરતું તો કોઇ તેની પીઠ ઠોકતું. બિચારા યૂસફનો બધો ઉમંગ અદૃશ્ય થઇ ગયો.
‘ભાઇઓ, હું તમને મળવા આવ્યો છું. હું તમારો ભાઇ છું. મારો કોઇ અપરાધ હોય તો મને માફ
કરો. હું તમારે પગે પડું છું. મને મારશો નહીં....,’ ગભરાયેલો યૂસફ ભાઇઓને કરગરવા લાગ્યો.
પણ ઘાતકી ભાઇઓ આજે તેનો કેડો મૂકે તેમ ન હતા. તેમણે યૂસફ પાસેથી પાણીની મશક, ભાથાની
પોટલી અને લાકડી છીનવી લીધાં. તેઓએ તેના અંગ પરનો ઝભ્ભો પણ ઉતારી લીધો અને છેવટે તેના
અંગેઅંગ પર ક્રૂર માર વરસાવવા લાગ્યા. નાદાન યૂસફ આજે પોતાના ભાઇઓનો ક્રૂર માર સહન કરી રહ્યો
હતો. અસહ્ય માર પડતાં તેનું શરીર લાલચોળ બની ગયું. તેના નાક અને મોંમાંથી લોહી ફૂટી નીકળ્યું. બિચારો
યૂસફ ભાઇઓના જુલમથી એકદમ ગભરાઇ ગયો. દુષ્ટ ભાઇઓ તેનો એક પણ શબ્દ સાંભળતા નહીં અને
જાનવારની માફક તેને ફટકારતા હતા.
એટલામાં દૂરથી મોટા ભાઇ રેઉબેને આ દૃશ્ય જોયું, તે એકલો જ અહીં હાજર ન હતો. ઝપાટાબંધ
દોડતો તે અહીં આવી પહોંચ્યો ને યૂસફને જુલમગાર ભાઇઓ પાસેથી છોડાવ્યો.
‘તમે માણસ છો કે હેવાન, યૂસફને કેમ આટલો સખત માર માર્યો?’ રેઉબેને ગુસ્સે થઇ પૂછયું.
‘તું ચૂપ રહે, નથી જાણતો કે ઘેર તેનો કેટલો રૂઆબ છે? નાનો ભાઇ હોવા છતાં મોટા ભાઇઓની
આગેવાની કરવાનો તે દાવો કરે છે અને આપણને તુચ્છ સમજે છે,’ એકે જવાબ આપ્યો.
‘ના,... ના. ભાઇઓ, હું તમારી... ભલાઇ ઇચ્છું છું. તમે તો... વડીલ જ છો... અને છતાં.... છતાં,
મારી ભૂલ હોય.... તોે, તો મને માફ કરો.’ મારથી ગભરાઇ ગયેલો યૂસફ કરગરવા લાગ્યો.
‘જોયું? આજે કેવો કાલો બની ગયો! એ તો આપણને છેતરવાનાં બહાનાં છે, ભાઇ.’ એક ભાઇએ
બધા ભાઇઓને સંબોધન કરતાં કહ્યું.
‘પણ આજે બંદા એને જીવતો છોડે તો ને!’ બીજાએ કહ્યું.
રેઉબેન યૂસફને આગળ ધરી ઊભો રહ્યો હતો. એટલામાં એક ભાઇ તેના તરફ ધસી આવ્યો.
‘રેઉ, છોડી દે એને, અમે તેના લોહીથી જમીન રંગવા માગીએ છીએ. હટ... છોડ એને.’કહી તેણે
યૂસફને બે થપ્પડ લગાવી દીધી તેની હિંમત જોઇ બીજા ભાઇઓ પણ આગળ આવી ગયા.
‘ના... મને મારશો નહીં.... ઓ પિતાજી... પિતાજી....,’ યૂસફે બૂમો પાડી મૂકી. તેની દર્દનાક બૂમોથી
રેઉબેનનું હૈયું ભરાઇ આવ્યું.
ભાઇઓના ક્રૂર મારથી ગભરાયેલો યૂસફ ભાઇઓ પાસે દયાની ભીખ માગવા લાગ્યો પણ ભાઇઓ
આજે તેનો જીવ લેવા જ ઇચ્છતા હતા. મોટા ભાઇ રેઉબેને તેમને ખૂબ સમજાવ્યા પણ આજે કોઇ વાત તેમને
ગળે ઊતરી શકે તેમ ન હતી. તેઓ ફક્ત યૂસફના લોહી તરસ્યા હતા.
‘ભાઇઓ, યૂસફ આપણો નાનો ભાઇ છે. તેનું લોહી વહેવડાવવું એ આપણા માટે ઘોર પાપ છે. તો
કૃપા કરી તેના પર હાથ નાખશો નહીં. આપણે તેને પાસેના ખાડામાં ફેંકી દઇએ, જ્યાં તે ભૂખે અને તરસે મરી
જશે.’ રેઉબેને એક યોજના દર્શાવી.
આ વાત બધાને ગળે ઊતરી. ભાઇઓ જબરજસ્તીથી યૂસફને ઢસડતા ઢસડતા, તે ખાડાની પાસે
લઇ ગયા. યૂસફે રડતાં કકડતાં ભાઇઓને ખૂબ કાલાવાલા કર્યા પણ હેવાન બનેલા ભાઇઓએ તેનું કંઇ
સાંભળ્યું નહીં ને જોરથી તેને ખાડામાં પટકી દીધો. યૂસફ ખાડામાં પડતાં જ ખાડાની ચારે બાજુ ઊભા રહેલા
ભાઇઓનું અટ્ટહાસ્ય સંભળાયું. ખાડામાં પાણી નહીં હોવાથી યૂસફ અંદર લથડિયાં ખાવા લાગ્યો. બીજી બાજુ
લોહી તરસ્યા ભાઇઓ એકબીજાને તાળીઓ દઇ, હસવા તથા મજાક કરવા લાગયા. થોડીવાર પછી ભાનમાં
આવેલો યૂસફ સ્થિર ઊભો થયો ને ભાઇઓને કરગરવા લાગ્યોઃ
‘ભાઇઓ, હું તમારો નાનો ભાઇ છું. આપણે એક જ પિતાનાં સંતાનો છીએ. મારું ખૂન કરવું એ
તમારા માટે ઘોર અપરાધ છે. વળી પિતાજી મને નહીં જુએ તો ઝૂરી ઝૂરીને મરી જશે. માટે આવું કાળું કૃત્ય
તમે કરશો નહીં. મને પિતાજી પાસે લઇ જાઓ. હુું તમારી ભલાઇ ઇચ્છું છું. હવે હું તમે કહેશો તે પ્રમાણે
કરીશ. તમને અણગમતી વાત હું કદી ઉચ્ચારીશ નહીં.’
લોહીતરસ્યા રાક્ષસોને જરાયે દયા ન આવી. તેઓએ યૂસફને હસી કાઢ્યો.
‘વાહ રે સ્વપ્નપતિ, અગિયાર પૂળીઓ તથા સૂર્ય, ચંદ્ર અને તારાઓને નમાવનાર, આજે તું પોતાને
શીદ નમાવી રહ્યો છે? તારાં સ્વપ્નો સાચાં હશે તો તું જરૂર બચી જશે.’’ કહી બધા તેની પર થૂંકવા લાગ્યા અને
મજાકભરી છેલ્લી સલામ કરી ત્યાંથી વિદાય થઇ ગયા.
મોટો ભાઇ રેઉબેન સ્વભાવે ખૂબ દયાળુ હતો. યૂસફનું દુઃખ જોઇ તે ભાઇઓનો સાથ છોડી
એકાંતમાં ચાલ્યો ગયો. એકાંતમાં તેણે વિચાર્યું કે, કોઇ પણ હિસાબે પોતે યૂસફને બચાવીને ઘેર લઇ જશે.
બીજા નવ ભાઇઓ યૂસફની પોટલીમાંનું ભાથું ખાવા એક ઝાડ નીચે એકઠા મળ્યા. બધા આજે ખૂબ
આનંદમાં હતા. પોતાની યોજના સફળ થવાથી દરેક આજે અભિમાન અને ગર્વથી ફુલાતા હતા. બધા ખાતા
જતા હતા અને યૂસફની મશકનું પાણી પીતા હતા. તેઓ ખાતાંખાતાં આજુબાજુ નજર કરતા હતા. તેમને ડર
હતો કે, આ હિચકારું કૃત્ય કરતાં તેમને કોઇએ જોયા તો નથી ને?
અહીં દોથાનના મેદાન પાસેથી મિસર દેશ તરફ જતો ધોરી માર્ગ હતો. આ માર્ગેથી રાતદિવસ
સોદાગરો પોતાનો માલ ઊંટો પર લાદીને મિસરમાં લઇ જતા અને મિસર તરફની ચીજો ઉત્તરમાં લઇ જતા.
મિસર એ વખતે ખૂબ જાહોજલાલીવાળું રાજ્ય હતું. ત્યાં તે અરસામાં ફારૂન રાજાનો રાજ કરતા હતા. તેઓ
કલાકારીગરી અને રાજ્યવ્યવસ્થા માટે ખૂબ જાણીતા હતા. મિસરમાં તે વખતે ગુલામો રાખવાની પ્રથા હતી.
સોદાગરો દૂરના દેશોમાંથી મિસર દેશ માટે સોનું, રૂપું, બોળ, લોબાન, સુગંધીઓ અને ગુલામો લાવતા અને
મોં માગ્યાં દામ લઇ મિસરમાં તેનું લિલામ કરતા. આવા જ એક મિદ્યાની સોદાગરોનો કાફલો, ગીલઆદ દેશ
તરફથી આવતો જણાયો. જમવા બેઠેલા ભાઇઓએ આ કાફલાને જોયો. ભાઇઓમાંથી યહૂદાને એક વિચાર
સૂઝયો. એ વિચાર તેણે ભાઇઓને કહી સંભળાવ્યો.
‘ભાઇઓ, યૂસફ આપણો ભાઇ છે. તેનું ખૂન કરવાથી આપણને કશો લાભ થશે નહીં. આપણે એક
જ પિતાનાં સંતાન છીએ. આપણ સૌમાં એક જ લોહી વહી રહ્યું છે. માટે હું વિચારું છું કે, આપણે તેને પેલા
સોદાગરોને ગુલામ તરીકે વેચી દઇએ. થોડા પૈસા પણ મળશે અને યૂસફનો જીવ પણ બચી જશે.’
યહૂદાનો આ વિચાર ભાઇઓને ગમી ગયો. તેઓને યૂસફને ઝટપટ ખાડામાંથી બહાર ખેંચી કાઢ્યો.
યૂસફ આ જોઇ આનંદમાં આવી ગયો અને ભાઇઓનો આભાર માનવા લાગ્યો. મિદ્યાની સોદાગરોનો કાફલો
નજીક આવી પહોંચ્યો. ભાઇઓએ સોદાગરોને થોભવા ઇશારત કરી. કાફલો અટકી ગયો અને સોદાગરો ઊંટ
પરથી નીચે ઉતર્યા. યૂસફને ગુલામ તરીકે વેચી દેવા માટે ભાઇઓ મિદ્યાની સોદાગરો સાથે મસલત કરવા
લાગ્યા. સોદાગરો હૃષ્ટપુષ્ટ અને દેખાવડા યૂસફને ગુલામ તરીકે ખરીદવા તૈયાર થઇ ગયા. પોતાને ગુલામ
તરીકે વેચાતો જોઇ, યૂસફના હોશકોશ ઊડી ગયા. તે પોક મૂકીને રડી પડ્યો પણ ભાઇઓએ તેને ધમકાવ્યો
અને સોદાગરોને આધીન થઇ જવા ફરમાવ્યું. આખરે સોદો વીસ રૂપિયામાં પત્યો. બીચારો યૂસફ આંસુ લૂછતો
રહ્યો અને સોદાગરોને વેચાઇ ગયો. તેના કરૂણ આક્રંદથી પણ ભાઇઓનાં દિલ પિગળ્યાં નહીં. સોદાગરોએ
યૂસફને ઊંટ પર ચઢાવી દીધો અને આગળ ચાલવા માંડ્યું.
થોડી વારમાં રેઉબેન અહીં આવી પહોંચ્યો. આવીને તરત તે યૂસફની ખબર લેવા ખાડા પાસે
પહોંચ્યો. ભાઇને બચાવી લેવા તેનામાં કરૂણાની સરવાણીઓ ફૂટી નીકળી હતી પણ તે મોડો પડી ગયો. રેઉબેન
નિરાશ બની ગયો. તે રડવા તથા વિલાપ કરવા લાગ્યો અને ભાઇઓને યૂસફ વિશે પૂછવા લાગ્યો. રેઉબેન
વડીલ હોવાથી તે જવાબદાર વ્યક્તિ હતો. પિતાને શો જવાબ આપવો તેના વિચારથી એનું હૈયુ ભરાઇ આવ્યું
રેઉબેનને ખેદિત થયેલો જોઇ, એક ભાઇએ લવારું કાપી, તેના રક્તમાં યૂસફનો ઝભ્ભો ઝબોળ્યો, જેથી તેઓ
બતાવી શકે કે યૂસફ માર્ગમાં જ કોઇ જંગલી જાનવરનો ભોગ થઇ પડ્યો હતો. આ યુક્તિથી બધાને સંતોષ
થયો. છેવટે બધા ભાઇઓ પોતાના ટોળાં લઇ ઘર તરફ ચાલી નીકળ્યાં.
યુસફને ઘર છોડ્યે કેટલાય દિવસો વિતી ગયા હતા. ઇઝરાયલ, તેની પત્નીઓ અને નાનો બિન્યામીન
યૂસફ અને બીજા ભાઇઓની વાટ જોતાં બેઠા હતાં. એક દિવસ દૂરથી તેમણે પોેતાના પુત્રોને ટોળાં સાથે
આવતા જોયા. તેમને જોતાં જ સહુ હર્ષઘેલાં થઇ ગયાં. બિન્યામીન તો દોડીને ભાઇઓની પાસે પહોંચી ગયો.
તેને યૂસફને મળવાની ઉત્કંઠા હતી. ભાઇઓની પાસે જઇ તે અટકી ગયો. તેઓ આનંદ ઓસરી ગયો. યૂસફ
ભાઇઓની સાથે હતો જ નહીં. જેવો તે આવ્યો હતો, તેવો જ પાછો વળી ગયો અને પિતાજીને ખબર આપી.
ઇઝરાયલને તેની વાત સાચી લાગી નહીં. ભાઇઓ નજીક આવી પહોંચ્યા. તેમને જોતાં જ સંઘનાં સ્ત્રીપુરૂષો ત્યાં
દોડી આવ્યાં અને ખબરઅંતર પૂછવા લાગ્યાં. દીકરાઓને નજદીક આવેલા જોઇ ઇઝરાયલે યૂસફની ખબર
પૂછી. યુસફનું નામ સાંભળતાં જ સૌ શાંત થઇ ગયા.
‘શું તમને મારો યૂસફ માર્ગમાં મળ્યો હતો?’ ઇઝરાયલે પ્રશ્ન કર્યો.
‘પિતાજી, અમને યૂસફ મળ્યો જ નથી.’ એક ભાઇએ જવાબ આપ્યો.
‘તો પછી મારો યૂસફ ક્યાં ગયો?’ ઇઝરાયલ ગળગળો થઇ ગયો.
‘પિતાજી, અમને યૂસફ તો મળ્યો જ નહીં, પણ માર્ગમાં આવતાં આ ઝભ્ભો મળી આવ્યો છે. જુઓ,
એ યૂસફનો જ છે કે શું?’ યહૂદાએ આગળ આવી યૂસફનો લોહીમાં ખરડાયેલો ઝભ્ભો બતાવતાં કહ્યું.
ઇઝરાયલે તે ઝભ્ભો પોતાના હાથમાં લીધો અને તેને ફેરવી ફેરવીને જોવા લાગ્યો. લોહીથી ખરડાયેલા
યૂસફના ઝભ્ભાને ઓળખી તે તરત પોતાનું માથું કૂટવા લાગ્યો તથા વસ્ત્ર ફાડવા લાગ્યો. આ જોઇ તેની
પત્નીઓ લેઆહ, બિલ્હાહ અને ઝિલ્પાહ ત્યાં દોડી આવી અને ઇઝરાયલને આશ્વાસન આપવા લાગી.
‘મારા દિકરાને કોઇ જંગલી જાનવરે ફાડી ખાધો છે.’ કહી ઇઝરાયલ વધુને વધુ શોક કરવા લાગ્યો.
આ જોઇ નાનો બિન્યામીન પણ પોક મૂકીને રડવા લાગ્યો. રેઉબેન ત્યાંથી બહાર ચાલ્યો ગયો અને પોતે કરેલા
હિચકારા કૃત્ય બદલ રડવા તથા પસ્તાવા લાગ્યો.
‘હવે હું જિંદગીભર દિલાસો પામી શકીશ નહીં. મારી પ્રાણપ્રિય રાહેલ ચાલી ગઇ અને છેવટે મારો
વાહાલસોયો યૂસફ પણ ચાલ્યો ગયો. હવે મારે જિંદગીભર રડ્યા તથા ઝૂર્યા વિના કંઇ જ બાકી રહ્યું નથી.’
એમ ઇઝરાયલ ભારે શોકમાં ડૂબી ગયો.
સંઘના લોકો ઝભ્ભાને હાથમાં લઇ ફેરવી ફેરવીને જોવા લાગ્યાં અને ઇઝરાયલ તથા બિન્યામીનને
આશ્વાસન આપવા લાગ્યા. આટલા કરૂણ વાતાવરણમાં પણ નવ ખૂની ભાઇઓ મેંઢા બની ઊભા રહ્યા હતા.
ઇઝરાયલ ભારે વિલાપ કરવા લાગ્યો. તેણે શરીર પરનાં વસ્ત્રો ફાડી નાંખ્યાં અને તાટ ધારણ કરીને રાખમાં
બેઠોબેઠો તે શોક કરવા લાગ્યો.
‘હે ઇશ્વર, મારો દીકરો ન્યાયી તથા પવિત્ર હતો, છતાં આટલો ઘોર સિતમ એના માથે કેમ તૂટી
પડ્યો? પત્નીના ગયા પછી આ પુત્રને આધારે હું જીવતો હતો અને તે પણ આજે છીનવાઇ ગયો! અરેરે...પ્રભુ,
આ શો ગજબ થયો! અમારો અપરાધ હોય તો અમને માફ કર પણ મારો યૂસફ તું મને પાછો આપ... પાછો
આપ.’
૫
મિસરમાં ગુલામી, કારભાર અને કેદખાનું
તેજાના અને કિંમતી માલ ઊંટો પર લાદીને લાંબી મજલ કાપતા મિદ્યાની સોદાગરો મિસર દેશના
પાટનગરમાં આવી પહોંચ્યા. સોદાગરોના આવતાં જ મોટામોટા રાજ્યાધિકારીઓ અને નગરનાં સહેલાણીઓ
તેમની પાસે માલ ખરીદવા આવી પહોંચતા. આ વખતે પણ માલ ખરીદવા આવેલા લોકોનો ખૂબ ધસારો હતો.
કોઇ લોબાન ખરીદતા કોઇ બોળ, કોઇ સુગંધીઓ ખરીદતા તો કોઇ હીરા અને સોનાનો ભાવ કરાવતા.
માલ ખરીદવા આવેલા ઉમરાવોમાં ફારૂન રાજાનો સરદાર પોટીફાર પણ હતો. તે રાજાના
અંગરક્ષકોનો વડો હતો. સોદાગરો પાસે આવતાં જ તેણે ખરીદવા લાયક સામાન જોવા માંડ્યો. એટલામાં
ગુલામો તરફ નજર ફેરવતાં તેની નજર યૂસફ પર ઠરી ગઇ. દેખાવડો અને કદાવર યૂસફ તેની પર આગવી
છાપ પાડી ગયો. યૂસફને પોતાના ગુલામ તરીકે ખરીદવા તેને ઇચ્છા થઇ આવી. તરત તેણે સોદાગરો સાથે
ભાવતાલ કરી યૂસફ ખરીદી લીધો. ગુલામ યૂસફને પોટીફારના મહેલમાં લઇ જવામાં આવ્યો.
તંબૂઓમાં ઘરવખરું રાખી, રાત્રે ખુલ્લા આકાશની છત્ત નીચે સૂઇ જનાર એક ભરવાડનો છોકરો
જ્યારે એક આલીશાન મહેલમાં પગ મૂકે, ત્યારે તેની નવાઈનો પાર રહે ખરો કે? તેવું જ યૂસફ વિશે બન્યું.
ભવ્ય અને રોનકદાર મહેલમાં પ્રવેશતાં જ યૂસફ આભો બની ગયો. મહેલની સામે સુંદર બગીચો શોભતો
હતો. બગીચાની મધ્યમાંથી પસાર થતો પથ્થરનો માર્ગ મહેલના પ્રવેશદ્વારે પહોંચાડતો. મહેલનું પ્રવેશદ્વાર એ
મિસરી કારીગરીના નમુનારૂપ હતું. મહેલના ઓરડાઓમાં ખૂણેખૂણે રહેલી ફુલદાનીઓ ચિત્તાકર્ષક હતી.
ઓરડાની મધ્યમાં ગોઠવાયેલી દેવોની શિલ્પ કૃતિઓ મિસરીકલાનું ભાન કરાવતી. મહેલખંડોના ભોયતળિયામાં
મઢેલા અર્ધપારદર્શક પથ્થરો, ઉપરથી પસાર થતી વ્યક્તિઓને પોતાનામાં જાણે કંડારી લેતા. ઓરડાઓની
ઉપરની છત દરેક ઓરડાઓના પ્રમાણમાં રંગબેરંગી અને સુંદર હતી. મહેલની દીવાલો પર મિસરી ચિત્રલિપિનું
લખાણ આગંતુકનું ધ્યાન ખેંચ્યા વિના રહેતું નહીં. આવા સુંદર મહેલને જોઇ યૂસફ જાણે સ્વપ્નમાં ન હોય તેમ
અચંબો પામી ગયો.
થોડીવારમાં પોટીફારની પત્ની ત્યાં આવી પહોંચી. સુંદર ચહેરો ધરાવતા યુવાન યુસફને જોઇ તેનું મન
પુલકિત બની ગયું. તેણે યૂસફને કપડાં આપવા હુકમ કર્યો. યૂસફને મિસરી નોકરનો પોશાક આપવામાં આવ્યો.
મિસરી પોશાકમાં શોભતા યૂસફને લઇ, પોટીફાર અને તેની પત્ની એક ખાસ ઓરડામાં ગયાં. ત્યાં તેને
મહેલમાં કરવાનાં કામો વિશે સમજાવવામાં આવ્યું અને કામ યોગ્ય રીતે કરવા સૂચના કરવામાં આવી. એક
ભરવાડના બિચારા આ છોકરાએ મહેલના અટપટા કામમાં પોતાની કોઇ મુશ્કેલી સમજી નહીં અને પોતાના
કામથી સંતોષ આપવા કબૂલાત કરી.
બીજા દિવસથી યૂસફ પોતાને કામે લાગી ગયો. બધું કામ તેના માટે તદ્દન નવું જ હતું. છતાં દરેક
કામમાં તેને ઇશ્વરની દોરવણી અને પોટીફારની પત્નીની મદદ મળી રહેતી હોવાથી, તેનું દરેક કામ દીપી
ઊઠતું. જોતજોતામાં યૂસફના કામથી પોટીફારનો મહેલ વધારે સુંદર બનવા લાગ્યો. પોટીફારના મિત્રો અને
ઓળખીતાંઓ યૂસફના કામની પ્રશંસા કરવા લાગ્યાં. પોેટીફારની પત્ની તોે યૂસફના કામનાં વખાણ કરતાં
થાકતી ન હતી. યૂસફના કામથી પોટીફાર પણ ખુશ થઇ જતો અને તેને બક્ષિસો આપતો. દિનપ્રતિદિન યૂસફનું
માન વધવા લાગ્યું. તે મહેલનો લોકપ્રિય કામદાર થઇ પડ્યો. એના કામની કદર કરી પોટીફારે તેને પોતાના
મહેલનો કારભારી ઠરાવ્યો. વળી તેને રહેવા માટે સુંદર ઘર પણ આપ્યું.
યૂસફનું માન હવે ઘણું વધી ગયું. મહેલનું દરેક કામ યૂસફની દેખરેખ નીચે કરવામાં આવતું. દરેક
નોકરચાકર સાથે યૂસફ ખૂબ પ્રેમથી કામ લેતો. મહેલના કોઇ કામમાં પોટીફાર અગર તેની પત્નીને માથું
મારવાનું રહેતું નહીં. હવે તો પોટીફાર યૂસફને માનથી જોતો અને ઘણીવાર તેની સલાહ પણ લેતો. વળી
યૂસફની સલાહથી પોટીફારનું દરેક કામ સફળ થતું હોઇ, પોટીફારને યૂસફમાં ખૂબ વિશ્વાસ જાગ્યો હતો.
ઇશ્વરે યૂસફની પ્રાર્થનાઓ સાંભળી ત્યારે તેને ક્યાં મોતના ખાડામાંથી મિસરના મહેલમાં લાવી દીધો!
પોટીફારની સ્ત્રી ઘણી જ સુંદર હતી. પોટીફાર તેને ખૂબ ચાહતો અને પોતાના દરેક કામમાં તેની
સલાહ લેતો. યૂસફના આવ્યા પછી તેની પત્ની યૂસફમાં લીન બની ગઇ હતી. સુંદર અને તેજસ્વી મુખમુદ્રા,
કુદરતી રીતે જ ગુંથાયેલા આકર્ષક વાળ, શરીરનો મજબૂત બાંધો અને સુડોળ દેહછટા ધરાવતા યૂસફને કોઇ
પણ વ્યક્તિ બે ઘડી જોઇ જ રહે, એવું તેનું સ્વરૂપ હતું. પોટીફારની પત્ની રાતદિવસ સુંદર યૂસફનાં સ્વપ્નો
સેવ્યા કરતી પણ આમ કેટલા દિવસ ચાલે? યૂસફ માટે તેના હૃદયમાં પ્રેમ જાગી ઊઠ્યો હતો પણ પોતાના
પ્રેમને પ્રદર્શિત કરતાં તે ખૂબ ગભરાતી હતી. યૂસફ સાથે તે ખૂબ પ્રેમથી રહેતી. યૂસફ પણ શેઠાણીનાં
માનમર્યાદા સાચવતો. તેની દૃષ્ટિ સ્વચ્છ અને નિર્મળ હતી. પોતાના દરેક કામમાં તે શેઠાણીનો સાથ અને
સહકાર મેળવતો. આમ દિવસો વિતવા લાગ્યા. પોટીફારની સ્ત્રીની યૂસફ વિશેની ભૂખ દિવસેદિવસે વધવા
લાગી. અનેક વાર તેણે યૂસફની આગળ પોતાની ઇચ્છા પ્રદર્શિત કરવાનો વિચાર કર્યો પણ તે નિષ્ફળ
નીવડતી. આખરે તેની ભૂખ અસહ્ય થઇ પડી અને એક વાર તેણે પોતાની ઇચ્છા પ્રદર્શિત કરવાનો મક્કમ
નિર્ધાર કર્યો.
પોટીફાર આજે રાજ્યના કામાર્થે પાસેના નગરમાં ગયો હતો. મહેલમાં ફક્ત યૂસફ અને તેની શેઠાણી
અહીંતહીં નજરે પડતાં. થોડા ઘણા નોકરો મહેલમાં કામે ગૂંથાએલા હતા. તેઓને ઘેર જવા પોટીફારની સ્ત્રીએ
રજા આપી દીધી. બધાના ગયા બાદ શેઠાણીએ મહેલના દરવાજાઓ બંધ કરી દીધા અને યૂસફની પાસે આવી
બેસી ગઇ. દીવાનખાનામાં બંને સામસામેનાં આસનો પર ગોઠવાયાં. યૂસફે નોકરોને રજા આપવાનું કારણ
પૂછયું. શેઠાણી તેનો યોગ્ય ઉત્તર વાળી શકી નહીં. તેને તો આજે પોતાની એક જ આશા પૂરી કરવી હતી.
‘યૂસફ, તમે એક રાજકુંવર જેવા સુંદર અને યશસ્વી યુવાન છો, છતાં તમને ગુલામ તરીકે કેમ વેચી
દેવામાં આવ્યા? શું તમારાં માતપિતા હજી જીવે છે?’’ શેઠાણીએ વાત શરૂ કરી.
‘માફ કરજો શેઠાણી, એ બધી વાતો મને શોકમાં ડૂબાવી દેશે. હું તમને ફક્ત એટલું જ કહીશ કે,
આપને ત્યાં મને કોઇ જાતની ખોટ નથી. અહીં હું સુખાનદમાં મારા દિવસો ગાળું છું અને મારા ભૂતકાળને ભૂલી
જવા કોશિશ કરું છું,’’ યુસફે ઉત્તર વાળ્યો.
‘યૂસફ, તમે કેટલા સુંદર છો! જ્યારથી તમે આ મહેલમાં આવ્યા, ત્યારથી હું રાતદિવસ તમારાં જ
સ્વપ્નો જોયા કરું છું. પહેલાં તમે એક ગુલામ હતા પણ હવે તમે આ મહેલનો કારભાર ચલાવો છો. યૂસફ,
મારી એક જ આશા છે. તમે તે પૂરી કરશો તો હું જિંદગીભર તમારી આભારી બની રહીશ,‘ શેઠાણીએ વાત
ચાલુ રાખી.
‘શેઠાણી, હું આપનો એક સામાન્ય નોકર છું. છતાં મારાથી બનશે ત્યાં સુધી, આપની આશા પૂરી
કરવા હું તૈયાર છું,‘ યૂસફે જવાબ વાળ્યો.
યૂસફના જવાબથી તેની શેઠાણી ખુશ થઇ ગઇ. તે માનતી હતી કે યુસફ પોતે પણ તેની સુંદરતાનો
પૂજારી છે અને તે એની આશાઓને જરૂર સંતોષી શકશે. આ વિચારથી તેનું અંગેઅંગ પુલકિત થઇ ઊઠ્યું. તેને
લાગ્યું કે, પોતાનો પ્રેમ પ્રદર્શિત કરતાં જ યૂસફ ખુશ થઇ જશે. વળી તેમાં એક યુવાનને યુવાનીમાં અયોગ્ય
લાગે તેવું શું છે? તે ખુશીમાં ને ખુશીમાં પોતાની ઇચ્છાઓ યૂસફ આગળ પ્રદર્શિત કરવા તૈયાર થઇ ગઇ.
યૂસફ પણ તેની ઇચ્છાઓ સાંભળવા અને તેને યોગ્ય રીતે અનુસરવા તત્પર બનેલો જણાયો.
એવામાં બહાર ઘોડાનાં પગરણ મંડાયાં અને થોડી જ વારમાં મહેલનો મુખ્ય દરવાજો કોઇએ
ખટખટાવ્યો. દીવાનખાનામાં આરામથી બેઠેલાં યૂસફ અને શેઠાણી એકદમ ઊભાં થઇ ગયાં. પોટીફારની
સ્ત્રીનાં હૃદયમાં ફાળ પડી ગઇ. યૂસફ ઝપાટબંધ દરવાજા નરફ ધસી ગયો અને તેણે દરવાજો ખોલી નાંખ્યો.
પોટીફારે મહેલમાં પ્રવેશ કર્યો અને આમ એકાએક બંધ દરવાજા માટે તે યૂસફને પૂછવા લાગ્યો. સામે તેની
પત્ની ઊભી હતી તે તરત ત્યાં દોડી આવી અને ખાસ કંઇ કારણ ન હોવાનું પોટીફારને સમજાવવા લાગી. છતાં
પોટીફાર આમ બંધબારણે રહેલાં યૂસફ અને પોતાની પત્નીનો ભેદ વિચારવા લાગ્યો. તેણે યૂસફ તરફ જોયું તો
તેના મુખ પર ગભરાટનું કોઇ ચિહ્ન ન હતું. તે તો હંમેશની માફક હસમુખો અને નિર્દોષ જણાયો. જ્યારે તેની
પત્ની સાધારણ ગભરાયેલી અને બેબાકળી બની ગયેલી જણાઇ. પોતે વધુ વિચારશે તો કંઇક અયોગ્ય સમજી
બેસશે એમ વિચારી તેણે વાત ત્યાં જ પડતી મૂકી અને યૂસફ તથા પોતાની પત્નીની અન્ય વાતોમાં પોતાનું મન
પરોવવા લાગ્યો. વળી શુદ્ધ અને પવિત્ર યૂસફ પર તે કોઇ જાતનો શક લાવી શેક તેમ ન હતું. યૂસફ પર તેને
પૂરો વિશ્વાસ હતો. એટલે તો એક ગુલામમાંથી તેને મહેલનો કારભાઇ બનાવ્યો હતો!
પોતાના વિચારોમાં મશગૂલ પોટીફાર યૂસફ સાથે આમથી તેમ ફરવા લાગ્યો. પોતાના મનને શાંત
કરવા તેણે થોડો દ્રાક્ષારસ લીધો. પોટીફારની પત્ની તે બંનેનો સાથ છોડી મહેલના શણગારખંડમાં ચાલી ગઇ.
ઓરડામાં પેસતાં જ તેણે અંદરથી દરવાજા બંધ કરી દીધા. બંધબારણે પૂરાયેલી સુંદરીને ચારે બાજુ દીવાલોમાં
મઢેલા અરીસાઓએ પ્રતિબિંબો દ્વારા આગળ અને આગળ કરી. પોતાની આશાઓને નષ્ટ કરવામાં પોતાના
પતિની હાજરીથી તે રોષે ભરાઇ. ગભરાટથી તેનો ચહેરો લાલ થઇ ગયો હતો. તેનામાં પોતાના પતિ વિશે
આગ ભભૂકી ઊઠી. ચારે બાજુ અરીસાઓમાં ઝીલાયેલાં પ્રતિબિંબો તેને વાચા આપવા લાગ્યાં.
‘હવે હું વધારે સમય સુધી તેને નિભાવીશ નહીં. વર્ષો સુધી તે મને સુખસંતોષ આપી શક્યો નથી. હવે
મેં યૂસફને અપનાવી લીધો છે. તે મારો જ છે. હું તેની બનીને રહીશ. સદાને માટે...’
યૂસફ હજુ સુધી તે સુંદરીની ઇચ્છાઓને સમજી શક્યો નહોતો. પહેલાંની માફક તે એને શુદ્ધ દૃષ્ટિથી
જોતો, તેના કામમાં સહકાર આપતો અને તેને શુદ્ધ હૃદયથી ચાહતો. જ્યારે પોટીફારની સ્ત્રીમાં યૂસફ વિશેની
મોહઆગ દિનપ્રતિદિન ઉગ્ર બનવા લાગી હતી.
એક દિવસ મિસર દેશ પર કોઇ દુશ્મન રાજા ચઢી આવ્યો. દુશ્મન રાજાને પડકારવા મિસરનો રાજા
ફારૂન તૈયાર થઇ ગયો. ફારૂનનું લશ્કર સામનો કરવા થનગની ઊઠ્યું. તીર, તલવાર અને ભાલાઓ સાથે
લશ્કર તૈયાર ઊભું હતું. દુશ્મન લશ્કર નગરની લગોલગ આવી ગયું. જેવું લશ્કર નગરની અંદર પ્રવેશ પામ્યું
કે, તરત ફારૂનના તારંદાજોનાં હજારો તીરો દુશ્મન લશ્કર પર ત્રાટકી પડ્યાં. તલવારિયા સૈનિકો પોતપોતાના
ઘોડા સાથે દુશ્મન સૈનિકોનો સામનો કરવા તેમની સામે મેદાને પડ્યા. દુશ્મન સેના નગરની અંદર ઘૂસી આવી
હોવાથી ફારૂનના લશ્કર માટે ખૂબ ભય સેવાતો હતો. ફારૂનના સૈનિકો મરણિયા બની જંગ ખેલી રહ્યા હતા.
લડાઇમાં હજારો સૈનિકો ઘાયલ થઇ નીચે ઢળી પડતા.
આખરે ફારૂન રાજાનો સેનાપતિ પાણીદાર ઘોડા સાથે દુશ્મન રાજાના સેનાપતિ સામે ટક્કર લેવા
આવી પહોંચ્યો. તલવારબાજીના કાતિલ ઘાથી બચવા બંને સેનાપતિઓ પોતાની યુદ્ધકળાનું પાણી બતાવવા
લાગ્યા. ફારૂન રાજાનો સરદાર પોટીફાર પણ અડગ રહી સામનો કરતો જણાતો. ફારૂનનું લશ્કર જાન પર
આવી લડી રહ્યું હતું. ધીમે ધીમે દુશ્મન લશ્કરનો ઘાણ વળવા લાગ્યો. એક બાજુ બંને સેનાપતિઓ
તલવારબાજીની રમઝટમાં એકબીજાને દાદ આપતા ન હતા. જોતજોતામાં સરદાર પોટીફાર ઘવાયો. તેને તેનો
વફાદાર ઘોડો જંગમાંથી બહાર લઇ ગયો. બીજી બાજુ બંને સેનાપતિઓનો જીવન સટોસટનો જંગ ચાલુ હતો.
એટલામાં દુશ્મન રાજાના કોઇ એક તીરંદાજે, ફારૂનના સેનાપતિ પર છોડેલું બાણ દુશ્મન સેનાપતિના જમણા
હાથમાં ભોંકાઇ ગયું. સેનાપતિની તલવાર હવામાં ઊડી ગઇ. તે નીચે ઢળી પડ્યો અને તેનું લશ્કર જીવ
બચાવવા નાસી છૂટ્યું. દુશ્મન રાજાને ફારૂન રાજાના કેદી તરીકે પકડી લેવામા આવ્યો.
દુશ્મન રાજાના આવા એકાએક આક્રમણ માટે તેને કડામાં કડી સજા કરવા, ફારૂન રાજાએ ફરમાન
કર્યું. આખા મિસર દેશમાં ઢંઢેરો પીટાવવામાં આવ્યો કે, જે કોઇ નાગરિક બસો વાર દૂરથી દુશ્મન રાજાની
આંખને વીંધી નાખશે, તેને રાજા તરફથી મોટું ઇનામ આપવામાં આવશે.
બીજે દિવસે શાહીમેદાન પર સવારથી લોકોની ભીડ જામવા લાગી. મેદાનની સામે દુશ્મન રાજાને
થાંભલા સાથે દોરડે બાંધવામાં આવ્યો હતો. થાંભલાની વિરૂદ્ધ દિશામાં એક ઊંચો મંચ બનાવવામાં આવ્યો હતો.
તેની પર અક ધનુષ્ય અને બેટલાંક બાણ પડેલાં હતાં. થાંભલા અને મંચ વચ્ચે બસો વારનું અંતર હતું.
થાંભલાની જમણી બાજુના આસનો પર મોટાં રાજવીકુટુંબો શોભતાં હતાં. જ્યારે તેઓની સામે સામાન્ય પ્રજા
નજરે પડતી. બધાં વાતચીત અને વિચારોમાં મશગૂલ હતાં. રાજ્યાધિકારીઓ મજાકમશ્કરીભરી નજરે દુશ્મન
રાજાને જોઇ તેની હાંસી ઉડાવતા હતા. એટલામાં યૂસફ અને તેની શેઠાણી રાજ્યાધિકારીઓનાં આસનો તરફ
આવતાં જણાયાં. પોટીફારની સ્ત્રીને સૌએ ઓળખી કાઢી, પણ તેની સાથે નવા આગંતુકને જોઇ કેટલાક
વિચારમાં પડી ગયા. સુંદર અને પ્રતિષ્ઠાવાન યૂસૂફની મુખમુદ્રા અહીં પણ સૌનું આકર્ષણ બની ગઇ. તેઓ બંને
મુખ્ય સેનાપતિ પાસેનાં આસનોમાં આવી ગોઠવાઇ ગયાં. લોકો અધીરાં બની રાજારાણીના આગમનનની રાહ
જોઇ રહ્યાં હતાં.
એટલામાં દૂરથી રાજરથ આવતો જણાયો. રથને જોતાં જ સૌ ખુશીખુશી થઇ ગયાં. રથ પાસે આવી
પહોંચ્યો. રથમાંથી ઊતરી રાજારાણીએ મેદાનમાં પ્રવેશ કર્યો. તેમના પ્રવેશતાં જ બધાં ઊભાં થઇ ગયાં અને
રાજારાણીનું બહુમાન કરી બેસી ગયાં. રાજારાણી સૌથી મધ્યમાં આવેલાં તેમનાં ખાસ આસનોમાં જઇને
ગોઠવાઇ ગયાં.
થોડી વારમાં એક સિપાઇ ઊભો થયો અને તેણે હરીફાઇની જાહેરાત કરી તેમ જ શરતો સમજાવી.
જાહેરાત પૂરી થતાં જ તાળીઓનો ગડગડાટ સાંભળાયો અને સૌથી પ્રથમ સેનાપતિ મંચ પર હાજર થઇ ગયા.
દુશ્મન રાજાનો ચહેરો તેના અચાનક અને ભયાનક મોતને વાચા આપી રહ્યો હતો. સેનાપતિએ ધનુષબાણ લીધાં,
બાણને પણછ પર ચઢાવ્યું અને ખૂબ સાવચેતીથી દુશ્મન રાજા તરફ ફેંક્યું. તે જોતાં જ દુશ્મનરાજાની આંખો બંધ
થઇ ગઇ અને બાણ તેના મોંમાં ખૂંપી ગયું. રાજાનું મોં ફાટી પડ્યું ને તેમાંથી એક દર્દનાક ચીસ સંભળાઇ. ચીસ
સાંભળતાં જ સૈનિકોનું અટ્ટહાસ્ય ચારે તરફ પથરાઇ ગયું. બાણાવળી સેનાપતિની હાર જોઇ બધાં શાંત બની ગયાં.
ધીમેધીમે બધાંની નજર પોટીફારની સ્ત્રી પર મંડાવા લાગી. પોટીફાર એક બાહોશ બાણાવળી હતો. તે આજે હાજર
હોત તો બાજી તેના હાથમાં હતી. પોટીફારની સ્ત્રી યૂસફ તરફ પોતાનું ધ્યાન પરોવી રહી હતી. થોડી વાર સુધી કોઇ
ઊભું થયું નહીં. આખરે બે ત્રણ સૈનિકોએ પોતાની જાતને અજમાવી જોઇ પણ તેઓ નિષ્ફળ નીવડ્યા. દુશ્મન
રાજાના મોંમાંથી લોહી વહી રહ્યું હતું. એટલામાં ફારૂન રાજા ઊભો થયો ને તેણે જાહેર કરેલા ઇનામ કરતાં ભારે
ઇનામ આપવાની જાહેરાત કરી.
સર્વત્ર શાંતિ પથરાઇ ગઇ. સૌ એકબીજાનાં મોં તરફ જોવા લાગ્યાં. તેવામાં યૂસફ ધીમે રહી પોેતાના
આસન પરથી ઊઠ્યો અને મંચ તરફ ચાલવા લાગ્યો. યૂસફને મંચ પર જોઇ સૌ ડઘાઇ ગયાં અને પોટીફારની
સ્ત્રી મોંમાં આંગળાં નાખી ગઇ. દરબારીઓ તથા સૈનિકો યૂસફને હસવા લાગ્યા. એક તેજસ્વી જુવાનને મંચ પર
જોઇ, આમપ્રજામાંથી એક યુવતી ઊભી થઇ ગઇ અને યૂસફને ધારીધારીને જોવા લાગી. તેને આડે આવતી
જોઇ ઘણાં બૂમાબૂમ કરવા લાગ્યાં. આ જોતાં જ યુવતીના ઘરડા પિતાએ તેનો હાથ પકડીને તેણે નીચે બેસાડી
દીધી.
મંચ પર પહોંચેલા યૂસફે એ સાથે બે બાણ લીધાં અને તેમને એકબીજાની લગોલગ ડાબી-જમણી ગમ
પણછ પર ચઢાવ્યાં. આવી વિચિત્ર ધનુર્વિદ્યા જોઇ લોકો તેને હસવા લાગ્યા. બાણને પણછ પર ચઢાવી, ધનુષ્ય
આડું રાખી યૂસુફે એક સાથે બંને બાણ સન્ ન્ ન્ કરતાં દુશ્મન રાજા તરફ છોડ્યાં. બાણો છૂટતાં જ દુશ્મન
રાજાની બંને આંખો એકી સાથે વીંધાઇ ગઇ. બંને આંખોમાંથી રૂધિરની ધારાઓ વહેવા લાગી અને થાંભલે
બંધાયેલો રાજા ધમપછાડા કરવા લાગ્યો. હરીફાઇ જોનારાઓના આનંદનો પાર રહ્યો નહીં. સૌ ઊંચા થઇથઇને
યૂસફને અભિનંદન આપવા લાગ્યા.
મેદાનમાં તાળીઓનો ગડગડાટ ગાજી રહ્યો. ખુશીમાં આવેલો ફારૂન રાજા ઊભો થઇ ગયો ને તેણે
યૂસફને પોતાની પાસે આવવા ઇશારત કરી. રાજાનો હુકમ થતાં જ યૂસફ અદબભેર રાજા પાસે આવી
પહોંચ્યો. ખુશમિજાજ રાજાએ પોતાના કંઠનો કિંમતી હીરાનો હાર ઉતારી યૂસફના કંઠમાં પહેરાવી દીધો અને
તેને શાબાશી આપવા લાગ્યો. આજુબાજુ તાળીઓના ગડગડાટ ચાલુ જ હતા. યૂસફના વિજયથી સૌ જોનારાંઓ
આશ્ચર્યચકિત થઇ ગયાં. હરીફાઇ સમાપ્ત કરવામાં આવી. વારાફરતી યૂસફને અભિનંદન આપી રાજવીરો
વિદાય થવા લાગ્યા.
પોટીફારની સ્ત્રીનો આનંદ આજે પૂરબહારમાં ખીલ્યો હતો. યૂસફનો વિજય એ પોતાનો જ વિજય
હોય એમ તેને લાગતું. બધાંના ગયા બાદ એક ઘરડો પિતા પોતાની યુવાન પુત્રીને લઇ યૂસફને અભિનંદન
આપવા આવ્યો. તેને જોતાં જ શેઠાણીએ યૂસફને ચાલવા ઇશારત કરી પણ યૂસફ એમ કોઇનું દિલ દુભાવે તેવો
ન હતો. તે ત્યાં જ થંભી ગયો. તેઓએ આવીને યૂસફને પ્રણામ કર્યા અને અભિનંદન આપ્યા. અજાણ્યા
પિતાપુત્રીની યૂસફે ઓળખ માગી. આમપ્રજામાંથી યૂસફને અભિનંદન આપવા ફક્ત બે જણ આવ્યાં હતાં.
યૂસફના આગ્રહને લીધે તે ઘરડા પિતાએ પોતાની ઓળખાણ આપી.
‘માલિક, હું ઓન દેવનો પૂજારી છું અને આ મારી એકનીએક પુત્રી છે. એ મને બહુપ્રયાસે આપને
અભિનંદન આપવા તેડી લાવી છે. મારું નામ પોટીફેરા અને દીકરીનું નામ આસનાથ.’
‘ઓહ, કેટલું અજાયબ! પોતાના માલિક (સરદાર) જેવું નામ અને પ્રેમભાવ પણ તેટલો જ!’ યૂસફ
તેમની મુલાકાતથી પ્રભાવિત બન્યો, તેનામાં કૌટુંબિક ભાવના જાગી ઊઠી. યુસફને અહીં વધારે રોકાયેલો જોઇ
તેની શેઠાણી કંટાળી પણ યૂસફે તેમની સાથે વાતો કરવાનું ચાલુ રાખ્યું. વળી પોતે જરૂર એક વાર તેમની
મુલાકાત લેશે એ છેલ્લા વિધાન બાદ તેઓ છૂટાં પડ્યાં. આસનાથ તો યૂસફ પર વારી ગઇ હતી. એટલે તો
શેઠાણીની આંખો તેની સામે નાનીમોટી થતી હતી. અંતે યૂસફ અને શેઠાણી પોતાના રથમાં બેસી ઘર તરફ
સિધાવ્યાં.
આજે પોટીફારની સ્ત્રી યૂસફે મેળવેલો વિજય જોઇ ગાંડી ગાંડી થઇ ગઇ. તેણે ઉમળકાભેર યૂસફને
પોતાને ત્યાં જમવા આમંત્રણ પાઠવ્યું. યૂસુફે આમંત્રણનો સ્વીકાર કર્યો. પોટીફારને ત્યાં જાતજાતનાં પકવાન
અને ભાતભાતનાં મિષ્ટાન્ન તૈયાર થવા લાગ્યાં પણ પોટીફાર આજે રાજ્યના ચિકિત્સાલયમાં સારવાર લઇ રહ્યો
હતો. બીજી બાજુ તેના ઘેર મોટી મિજબાનીની તૈયારી થઇ રહી હતી.
જમવાના ઓરડામાં ભોજનમેજ પર સોનાચાંદીના પાત્રો ગોઠવાઇ રહ્યાં હતાં. એ પાત્રોમાં જાતજાતનાં
અને ભાતભાતનાં ભોજન પીરસાઇ ગયાં. ભોજનમેજ પર સામસામે યૂસફ અને તેની શેઠાણી ગોઠવાયાં.
ભોજન માટે બે મિનિટનું સ્તુતિસ્તોત્ર ઉચ્ચાર્યા બાદ બંને જમવા લાગ્યાં. બંને વાતોે કરતાં જાય છે અને જમતાં
જાય છે. વાતોમાં પોટીફારની સ્ત્રીનો મુખ્ય પ્રશ્ન એ હતો કે યૂસુફ, તમે કોણ છો? અને ક્યાંથી આવો છો?
યૂસફ એ પ્રશ્નોનો ઉત્તર વાળી શક્યો નહીં. તેણે કહ્યું કે, પોતે એકવાર બધું જ બતાવી દેશે. આમ વાતોમાં ને
વાતોમાં બંને ભોજન કરી રહ્યાં. સુંદર ભોજન માટે યૂસફે સંતોષ વ્યાક્ત કર્યો અને બંને વિદાય થયાં.
પોટીફાર જ્યાં સારવાર લઇ રહ્યો હતો ત્યાં તેને સમાચાર મળ્યા કે, આજની હરીફાઇમાં કોઇ નવી
જ વ્યક્તિ ઇનામ જીતી ગઇ. વળી તે વ્યક્તિનું નામ યૂસફ જાણતાં જ પોટીફારને પોતાના કારભારીનો ખ્યાલ
આવી ગયો. તે વિચારવા લાગ્યો કે, ભાગ્યે જ આ નગરમાં કોઇ યુસફ જેવો બાહોશ માણસ હોય. યૂસફની
જીત જાણી પોટીફાર તેણે મળવા ઉતાવળો બની ગયો. પોતાની સારવાર અધૂરી રાખી રાજવૈદ્યની રજા મેળવી,
પોટીફાર પોતાના ઘર તરફ રવાના થયો.
જમ્યા બાદ શેઠાણી શણગારખંડમાં ગઇ અને સુંદર વેશભૂષામાં તૈયાર થવા લાગી. સુંદર વસ્ત્રોમાં
સજાયેલી સુંદરીની ચારે બાજુના અરીસાઓએ રોનકદાર છબીઓ પોતામાં કંડારી લીધી. પોેતાના સૌંદર્ય
પુરાવાસમ પ્રતિબિંબોને તે ઘૂમી ઘૂમીને જોવા લાગી. પોતાનું અતિમોહક રૂપ જોઇ તે પોતે જ આકર્ષાઇ ગઇ.
આજે તેણે યૂસફ સાથે દિલ ખોલીને વાત કરવા મક્કમ નિર્ધારકર્યો હતો. શણગારખંડમાંથી તે
દીવાનખાનામાં આવી અને યૂસફની ઇંતેજારીમાં જાતજાતના વિચારો કરવા લાગી. મહેલમાં અત્યારે કોઇ
જણાતું ન હતું. યૂસફને કામ પર આવવાનો સમય થયો હતો. જોતજોતામાં તેની સ્વપ્નમૂર્તિએ મહેલમાં પ્રવેશ
કર્યો, તેને જોતાં જ શેઠાણીનું અંગેઅંગ ઉમંગથી નાચી ઊઠ્યું.
પધારો યૂસફ, આજનો દિન કેવો મહાન છે! આસનમાં બેઠેલી શેઠાણીએ યૂસફને આવકાર્યો અને તેની
પોતાની સામેના આસન પર બેસવા ઇશારત કરી.
‘હં.... અને તમે પણ આજે કેટલાં ખુશ જણાઓ છો.’ યૂસફે સસ્મિત ઉત્તર વાળ્યો અને બેઠકમાં
પોતાનું સ્થાન લીધું.
પોતાની શેઠાણીના સૌંદર્યમાં થયેલા અજાયબ પરિવર્તનને યૂસફ એકી નજરે જોઇ જ રહ્યો પણ
સમજી શક્યો નહીં. શેઠાણીનો દિમાગ અત્યારે બેકાબૂ બની ગયો પણ યૂસફ પોતાની પવિત્રતામાં જ લીન હતો.
શેઠાણી પોતાની જાતને સંભાળી શકી નહીં અને આવેશમાં આવી તે યૂસફના દેહ પર ઢળી પડી. ગાંડીતૂર
બનેલી શેઠાણીને પોતાના પર ઢળી પડેલી જોઇ યૂસફ ચોંકી ગયો. ચોંકેલો યૂસફ એકદમ પોતાના આસન પરથી
ઊઠી ગયો. તેના ઊઠી જતાં જ શેઠાણી ભોંયતળિયા પર પછડાઇ અને ગભરુ યૂસફ બહાવરો બની તેને તાકી
રહ્યો. યૂસફને ખસી ગયેલો જોઇ શેઠાણી ઊઠી અને યૂસફને વળગી પોતાનો જાતીય પ્રેમ પ્રગટ કરવા લાગી.
જાતીય પ્રેમ અને વાસનાથી વંચિત યૂસફ અહીં બિલકૂલ નાદાન ભાસતો હતો.
‘પ્રીતમ, જ્યારથી તમે આ ઘરમાં આવ્યા છો, ત્યારથી મારી નીંદ હરામ થઇ ગઇ છે. તમારી સુંદરતા
અને શૂરવીરતા જોઇ હું પાગલ બની ગઇ છું. મારી બસ એક જ તમન્ના છે કે, તમે મને તમારી પ્રિયા તરીકે
અપનાવી લો.’
‘શેઠાણી, આજે આપને આમ એકાએક શું થઇ ગયું છે? અને આપ આ શું બોલી રહ્યાં છો? હું આપનો
નોકર છું,’ કહી યૂસફ દૂર ખસવા લગ્યો.
હાથમાં આવેલો શિકાર છટકી જતો જોઇ, પોેટીફારની સ્ત્રીમાં રહેલો શેતાન ભભૂકી ઊઠ્યો. તેણે
યૂસફનો ઝભ્ભો ખભેથી પકડી લીધો ને તેને પાસેના પલંગ તરફ ખેંચવા લાગી. પોતાને કટોકટીમાં મૂકાયેલો
જોઇ યૂસફ ગભરાઇ ગયો.
‘શેઠાણી, આપના પતિએ મારાથી કોઇ વસ્તુ પાછી રાખી નથી. મહેલના ખૂણેખૂણા અને રજ માત્રનો
હું પરિચિત છું પણ આપ મારા માલિકાનાં ધર્મપત્ની હોવાથી આપની પર મારો કોઇ અધિકાર નથી. હું મારા
માલિકને બેવફા નીવડી ઇશ્વરનો ગુનેગાર બનવા માંગતો નથી. એ ઘોર પાપ હું કદી જ કરીશ નહીં.’ યૂસફે
સ્પષ્ટતા કરી.
‘જો તને મારા પર અધિકાર ન હોય તો મને તારા પર પૂરો અધિકાર છે. તું મારો નોકર છે. તારું
જીવન અને મોત પણ મારા પર અવલંબે છે. સમજ્યો?’’ કહી શેઠાણી વધારે બળથી યૂસફને ખેંચતી પોતાના
પલંગ પાસે લઇ ગઇ.
એ શબ્દો સાંભળતાં જ યૂસફના હોશકોશ ઊડી ગયા. તેને માટે હવે કોઇ માર્ગ રહ્યો નહીં. તેણે
શેઠાણીના હાથમાંથી છૂટવા માટે કોશિશ આદરી. યૂસફે પોતાનું છેલ્લું જોર અજમાવ્યું. તેના જોસથી તેનો આખો
ઝભ્ભો ખૂલી ગયો અને શેઠાણીના હાથમાં રહી ગયો. યૂસફ ખુલ્લે બદન નાસી છૂટ્યો અને પાસેની બારીએથી
કૂદી બહાર પલાયન થઇ ગયો. એટલામાં મહેલમાંથી ઉપરાઉપરી ચીસો સંભળાઇ.
બચાવો.... બચાવો.... બચાવો....
મહેલની આજુબાજુ થોડા નોકરચાકર જણાતા હતા. આ ચીસો સાંભળતાં જ તેઓ મહેલ તરફ દોડી
આવ્યા. થોડી વારમાં બધા નોકરોનું ટોળું મહેલના પ્રવેશદ્વાર આગળ જમા થઇ ગયું. શેઠાણી યૂસફના ઝભ્ભા
સાથે મહેલની બહાર નીકળી આવી. તેના વાળ અને વસ્ત્રો વેરવિખેર થઇ ગયાં હતાં. પોતાની શેઠાણીને આ
સ્થિતિમાં જોઇ લોકો શું બન્યું છે તે જાણવા ઉત્સુક બની ગયા.
‘આપને આમ એકાએક શું થઇ ગયું?’ એક નોકરે પ્રશ્ન કર્યો.
‘જુઓને, હું આજે જમ્યા બાદ બપોરના આરામ કરતી હતી, તે વેળાએ આ પેલો નોકર, કારભારી
યૂસફ, મારી પાસે આવ્યો અને તેણે મારી ઇજ્જત લેવાનો પ્રયાસ કર્યો. તે વેળા હું ગભરાઇ ઊઠી ને તેનો
ઝભ્ભો પકડી બૂમો પાડી મૂકી. મારી બૂમો સાંભળી તે પાપી જીવ બચાવવા નાસી છૂટ્યો અને તેનો આ ઝભ્ભો
મારા હાથમાં રહી ગયો.’ પોટીફારની સ્ત્રીએ કહ્યું.
નોકરો આ સાંભળી વિચારમાં પડી ગયા. યુસફને બધાં ખૂબ માનથી જોતાં હતાં. તેના પર એવો શક
પણ ન કરી શકાય એવો એ પવિત્ર માણસ હતો. છતાં પોતાની શેઠાણીની ચીસો તેઓએ કાનોકાન સાંભળી
હતી. વળી યૂસફનો ઝભ્ભો! એ તેની સચોટ સાબિતી પૂરતો હતો. એટલે નોકરો શેઠાણીની વાત માની તેના
પ્રત્યે દિલસોજી દર્શાવવા લાગ્યા.
થોડીવારમાં પોટીફાર પોતાના ઘેર આવી પહોંચ્યો. પોટીફારને જોતાં જ નોકરચાકરો ફરી તેની
આસપાસ ટોળે વળ્યા. પોતાની આશાઓની નિષ્ફળતા અને પોતાને મળેલો સારો લાગ જોઇ પોટીફારની સ્ત્રીએ
ડૂસકાં ભરવા માંડ્યાં. આજુબાજુ ઊભા રહેલા લોકો આ દૃશ્ય જોઇ ગુસપુસ કરવા લાગ્યા. વાતાવરણ શાંત
અને ગંભીર હતું.
‘તને આમ એકાએક શું થઇ ગયું? તું કેમ રડે છે?’ પોટીફારે પત્નીને ખભે હાથ દઇ પૂછયું.
‘આજે પેલો યહૂદી ગુલામ યૂસફ મારી ઇજ્જત લૂંટવા આવ્યો હતો....,’
‘શું કહે છે?’ પોટીફારે તેને વચ્ચે જ રોકી.
સાંભળનારાઓ નજદીક આવવા લાગ્યા.
‘તદ્દન સાચું. મેં બચાવ માટે ખૂબ પ્રયત્ન કર્યો, ત્યારે તે ભાગવા લાગ્યો. નાસતા યૂસફને પકડવા મેં
કોશિશ કરી તો તેનો ઝભ્ભો હાથમાં આવી ગયો,’ કહી તે વધારે આંસુ સારવા લાગી અને યૂસફનો ઝભ્ભો
બતાવવા લાગી. પોટીફાર માટે આ બધું સમજવું મુશ્કેલ બની ગયું.
‘કોણ? યૂસફ? જે આપણો કારભારી છે તે?’ પોટીફારે પ્રશ્ન કર્યો.
‘હા હજૂર, એ પરદેશી યૂસફ. ઉપરથી દૂત અને અંદરથી ભૂત! અમે જાતે જ બાઇસાહેબાની બૂમો
બહારથી સાંભળી હતી અને...’’
‘તું છાનો મર. તને કોણે પૂછયું છે? અને તમે બધાં અહીં કેમ ઊભાં છો? જાઓ, તમારું કામ કરો.’
પોટીફારે પોતાના નોકરને વચ્ચે જ રોકી નોકરોને હુકમ કર્યો.
પોટીફાર સારદારનો હુકમ થતાં જ બધાં દાસદાસીઓ આમથી તેમ વિખેરાવાં લાગ્યાં. પોટીફારે
યૂસફનો ઝભ્ભો હાથમાં લીધો. તેને પારખતાંની સાથે જ તે છેડાઇ ગયો. તેણે યુસફને જીવતો પકડી લાવવા
હુકમ કર્યો. સિપાઇઓ યૂસફની શોધ કરવા નગરમાં નીકળી પડ્યા.
પોટીફારના ઘેરથી ભાગી છૂટેલો યૂસફ ઘરડા યાજક પોટીફેરાને ત્યાં આશરો લઇ રહ્યો હતો. તેણે
પોતાની સત્ય હકીકત યાજક આગળ કહી સંભળાવી. ભયંકર સંકટનો સામનો કરી પરીક્ષણમાંથી પાર
ઊતરેલા યૂસફની યાજક અને તેની પુત્રી આસનાથ દયા ખાવા લાગ્યાં. પોેટીફેરા યાજકે યૂસફને જોઇતી મદદ
આપવા આશ્વાસન આપ્યું.
પોટીફાર સરદારના નોકરો આખા નગરમાં ફરી પાછા વળ્યા. તેમને યૂસફનો ક્યાંયે પત્તો લાગ્યો
નહીં. યૂસફ પવિત્ર અને ન્યાયી જુવાન હતો. તેને ઇશ્વર પર પૂરો ભરોસો હતો કે, તે તેને જરૂર બચાવશે.
થોડા દિવસ બાદ પોતાના માલિકનો ગુસ્સો સમી ગયો હશે એમ વિચારી, પોટીફેરા યાજકનો આશીર્વાદ લઇ
યૂસફ સરદારને આધીન થવા આવી પહોંચ્યો. સરદારે યૂસફને ગુનાનો એકરાર કરી લેવા જણાવ્યું. પણ યૂસફે
પોતાને નિર્દોષ જાહેર કર્યો. રોષે ભરાયેલા પોટેફારે યૂસફની નિર્દોષતાને જૂઠ કહી વખોડી કાઢી અને તેને સજા
સહન કરવા તૈયાર થવા જણાવ્યું. થોડી વારમાં તે એક કોરડો લઇ હાજર થઇ ગયો.
‘નિર્લજ પરદેશી, આ છે તારા પાપની સજા,’ કહી પોટીફાર ચર્મપટ્ટીઓમાં ગૂંથાએલા લોહટુકડાઓનો
કોરડો બતાવવા લાગ્યો.
‘મને એ મંજૂર છે પણ ફરી હું સત્ય કહું છું, મેં કોઇ અપરાધ કર્યો નથી. સરકાર, આપ માનો છો
એવું મેં કોઈ પાપ કર્યું જ નથી.’
‘ખામોશ, નિમકહરામ, શું મેં તને એટલા માટે એક સામાન્ય નોકરમાંથી આખા મહેલનો કારભારી
ઠરાવ્યો હતો? બોલ....,’ કહી પોટીફારે કોરડો વીંજ્યો અને નિર્દોષ યૂસફ તેમાં વીંઝાઇ ગયો. કોરડાના અસહ્ય
ફટકાથી તેનું શરીર રંગાઇ ગયું. આજુબાજુ ઊભાં રહેલાં દાસદાસીઓ યૂસફની દયા ખાવા લાગ્યાં. મારથી
બેહોશ બનેલો યૂસફ જમીન પર ઢળી પડ્યો. ક્રુર રીતે હણાયેલા યુસફને જોઇ તેની શેઠાણીને દયા ઊપજી. તે
આ દૃશ્ય જોઇ શકી નહીં અને ચૂપચાપ ત્યાંથી બહાર ચાલી ગઇ.
આ પછી યૂસફ પાસેથી બધી વસ્તુઓ છીનવી લેવામાં અવી. ફારૂન રાજા તરફથી ઇનામ મળેલો
પેલો કિંમતી હીરાનો હાર પણ પોટીફારના હાથમાં ચાલ્યો ગયો. છેવટે જે ગરીબ સ્થિતિમાં યૂસફે આ મહેલમાં
પગ મૂક્યો હતો, તે જ સ્થિતિમાં તેને મહેલની બહાર હાંકી કાઢવામાં આવ્યો અને રાજ્યના નોકરોની જેલમાં
પૂરી દેવામાં આવ્યો.
૬
સ્વપ્નપતિ યુસફ અને ફારૂનનાં સ્વપ્ન
ચઢતીપડતીનો ક્રમ દુનિયામાં ચાલ્યા જ કરે છે. ગુલામી અને પડતી દશામાંથી વિજય મેળવનાર
યૂસફ પાછો ઘડીભરમાં મિસરનો એક કેદી બની ગયો. આજની રાત તે કેદખાનામાં ઉંઘ પણ લઇ શક્યો નહિં.
કોરડાના મારથી તેના શરીરનું હીર હણાઇ ગયું હતું. પોતાની પર લાગેલા જાૂઠ્ઠા અને નીચ આક્ષેપો માટે આખી
રાત તેનું મન કકળી રહ્યું. તેને પિતાજી, ભાઇબહેન અને ઘર યાદ આવ્યાં. પોતે કેવી મુશ્કેલીમાં મૂકાઇ ગયો છે
તે વિશે રાતભર વિચારતાં તેનો આત્મા રડી ઊઠ્યો. પોતે ચાહે તો પોટીફાર આગળ બધો જ ભંડો ફોડી દે પણ
તેમાં પોતાના માલિકની ઇજ્જતનો સવાલ હતો, માટે તે ચૂપ જ રહ્યો. રાત્રે વિચારોમાં ને વિચારોમાં તેનું હૈયું
ભરાઇ આવ્યું અને પોતાના પર વધી ગયેલા બોજને હલકો કરવા તેણે પ્રભુને અરજ કરીઃ
‘હે પ્રભુ, તું જાણે છે કે હું નિર્દોષ છું. છતાં ભયંકર કાવતરાનો ભોગ કેમ થઇ પડ્યો? પિતાજી,
ભાઇઓ અને ઘરથી તો હું વિખૂટો પડી ગયો છું અને હવે આ જિંદગી પણ શાંતિથી ન જાય તો મારે શું કરવું?
હે ગુપ્તમાં જોનાર મારા પ્રભુ, તું મને ઓળખે છે ને જાણે છે કે જે આરોપ મને લાગ્યો છે તેમાં હું શુદ્ધ છું. આ
દુઃખોમાંથી તું મને છોડાવજે.’
બીજા દિવસથી યૂસફ જેલખાનાના કામમાં પરોવાઇ ગયો. જેલમાં તેને કેદીઓ સાથે સખત મજૂરી
કરવી પડતી. છતાં તે પોતાનું દરેક કામ સમજપૂર્વક કરતો. તેના દરેક કામથી વડો જેલર સંતોષ અનુભવતો.
જેલના અન્ય કેદીઓ યૂસફને પોતાનું કામ બરાબર નહીં કરવા સમજાવતા, છતાં યૂસફ સોંપાયેલું કામ
વિશ્વાસુપણે કરતો રહ્યો. આમ જેલમાં યૂસફના દિવસો વિતવા લાગ્યા. યૂસફના કામથી સંતોષ પામેલા વડા
જેલરે તેને કેદીઓનો ઉપરી જાહેર કર્યો.
યૂસફ તુરંગમાં હોવાના સમાચાર સાંભળી, એક દિવસે પોટીફેરા યાજક અને તેની પુત્રી આસનાથ
યૂસફની મુલાકાતે આવ્યાં. તુરંગમાં પૂરાયેલા યૂસફને જોઇ તેઓ દુઃખી થઇ ગયાં. પણ યૂસફે તેઓને દુઃખી ન
થવા જણાવ્યું. તેણે કહ્યું કે, ઇશ્વરની કૃપાથી મને કેદીઓનો ઉપરી બનાવવામાં આવ્યો છે. આ સાંભળતાં જ
યાજક અને તેની પુત્રી આસનાથ રાજીરાજી થઇ ગયાં. થોડી વારની મુલાકાત બાદ યૂસફને આશીર્વાદ આપી
તેઓ વિદાય થયાં.
તુરંગમાં અવારનવાર નવાનવા કેદીઓ ઉમેરાતા જતા. એક વાર ફારૂન રાજાના પાત્રવાહક અને
ભઠિયારાએ કોઇ ગુનો કર્યો. રાજાના હુકમથી બંનેને જેલમાં પૂરી દેવામાં આવ્યા.
થોડા દિવસ પછી એવું બન્યું કે આ બંનેને લગભગ એક જ જાતનાં સ્વપ્ન આવ્યાં. રાજાના
પાત્રવાહકે સ્વપ્ન જોયું કે, તેની સામે એક દ્રાક્ષવેલો છે. તેને ત્રણ ડાળીઓ છે. તે ડાળીઓ પર કળીઓ આવી,
ફૂલ ખીલ્યાં અને દ્રાક્ષો લચી પડી. પાત્રવાહકે રાજાનો પ્યાલો હાથમાં લીધો. તેમાં તેણે પાકેલી દ્રાક્ષોનો દ્રાક્ષરસ
તૈયાર કર્યો અને પ્યાલો ફારૂન રાજાના હાથમાં આપ્યો.
જ્યારે ભઠિયારાએ સ્વપ્નમાં જોયું કે, પોતાના માથા પર ત્રણ ટોપલી છે. તેમાંથી નીચેની બે
ટોપલીઓમાં રોટલી છે અને ઉપરની ટોપલીમાં પકવાનો છે. તેણે જોયું તો ઉપરની ટોપલીનાં પકવાનો પક્ષીઓ
આવીને ખાતાં હતાં.
આમ બંને જણને આવેલાં એક જ પ્રકારનાં સ્વપ્નોથી સવારે તેઓ વિચારમાં પડી ગયા. સ્વપ્નોનો શું
અર્થ હશે? એક રાત્રે બે જણને એક જ પ્રકારનાં સ્વપ્નોે! વગેરે વિચારોથી તેઓ નિરાશ બની એક સ્થળે બેઠા
હતા. એવામાં જેલર અને યૂસફ ત્યાંથી પસાર થતા હતા. પાત્રવાહક અને ભઠિયારાને નિરાશ જોઇ તેઓ ત્યાં
જ રોકાઇ ગયા અને જેલમાં તેઓને શું દુઃખ છે વગેરે પૂછવા લાગ્યા. પાત્રવાહક અને ભઠિયારાએ જણાવ્યું કે,
જેલમાં તો અમને કંઇ દુઃખ નથી પણ રાત્રે આવેલાં સ્વપ્નોેએ અમને નિરાશ કરી મૂક્યા છે.
‘ ‘સ્વપ્ન અને નિરાશા’ એ વળી શું? સ્વપ્ન તો દરેકને આવે, તેમાં વિશેષતા શી?’ જેલરે કહ્યું.
‘કેમ નહીં! સ્વપ્ન, અને બે વ્યક્તિઓને એક જ રાત્રે, એક જ પ્રકારનાં! પછી ચિંતા કેમ ન થાય?’ પાત્રવાહકે
કહ્યું.
‘તેનો પણ કંઇ અર્થ હશે, ખરો ને?’ ભઠિયારો બોલ્યો.
યૂસફ આ બધું શાંત ચિત્તે સાંભળી રહ્યો હતો. તેને પણ ભૂતકાળમાં આવેલાં સ્વપ્નો યાદ આવ્યાં.
વળી એક સ્વપ્નનો અર્થ પિતાજીએ કેવી અજાયક રીતે કરી બતાવ્યો હતો; તે બધું યાદ આવ્યું. આ બધાંનું
સ્મરણ થતાં જ તેણે ભઠિયારા અને પાત્રવાહકનાં સ્વપ્નો વિશે ઇશ્વરમાં ચિત્ત પરોવ્યું. થોડીવાર પછી
વિચારોમાંથી શુદ્ધિ મેળવી તેણે તેઓનાં સ્વપ્નોના અર્થ કરવા તેમને આશ્વાસન આપ્યું. જેલરે તેને હસી કાઢ્યો
પણ તેજસ્વી પ્રતિભા ધરાવતો યૂસફ આ બંનેના હૃદયમાં વસી ગયો. યૂસફ પર તેઓને આશા બંધાઇ અને સૌ
પ્રથમ પાત્રવાહકે પોતાનું સ્વપ્ન કહી સંભળાવ્યું. જોતજોતામાં અહીં ઘણા કેદીઓ એકઠા થઇ ગયા અને
સ્વપ્નોની ચર્ચામાં રસ લેવા લાગ્યા. પાત્રવાહકનું સ્વપ્ન સાંભળી યૂસફ થોડીવાર શાંત રહ્યો. પછી તેણે કહ્યું.
‘ભાઇ, પ્રભુ પરમેશ્વરની કૃપાથી હું તારા સ્વપ્નનો અર્થ કરું છું. તે મુજબ જરૂર તારું સ્વપ્ન ફળીભૂત
થાઓ. દ્રાક્ષવેલાની ત્રણ ડાળીઓ તો ત્રણ દિવસ છે. ત્રણ દિવસમાં ફારૂન રાજા તારા પર કૃપાદૃષ્ટિ કરશે અને
તને તારા કામ પર પાછો બોલાવી લેવામાં આવશે. તે સમયે તું દ્રાક્ષારસનો પ્યાલો રાજાના હાથમાં મૂકશે.’
યૂસફે કરેલા સ્વપ્નનો અર્થ સાંભળી પાત્રવાહક ખુશખુશ થઇ ગયો તેમ જ સાંભળનારાઓ વિસ્મિત
થઇ ગયા. બધાંને સ્વપ્નાર્થ બિલકુલ બંધબેસતોે લાગ્યો. યૂસફ પર ખુશ થયેલા પાત્રવાહકે જો તે અર્થ સાચો ઠરે
તો તેને યોગ્ય ઇનામ આપવા જાહેર કર્યું પણ યૂસફે કોઇ ભેટની આશા ન કરતાં થોડો ખુલાસો કર્યોઃ
‘ભાઇ, હું પરદેશી માણસ છું. કોઇ પણ કારણ સિવાય મને આ દેશમાં ધકેલી દેવામાં આવ્યો છે.
વળી મેં એવો કોઇ ગુનો કર્યો નથી કે મારે આ જેલમાં પૂરાવું પડે. છતાં ન છૂટકે હું આ કેદમાં સપડાઇ ગયો
છું. માટે જો તું મને બદલો જ આપવા ઇચછતો હોય, તો મારે કોઇ મોટું ઇનામ નથી જોઇતું પણ જ્યારે તને
મારા સ્વપ્નાર્થ મુજબ રાજમહેલમાં પાછો બોલાવી લેવામાં આવે, ત્યારે તું મને યાદ રાખી આ જેલમાંથી
છોડાવવા પ્રયત્ન કરજે.’’
યૂસફની આ નિર્દોષ માગણીથી બધા તેની દયા ખાવા લાગ્યા. બીજી બાજુ ભઠિયારો પોતાના સ્વપ્નનો
અર્થ જાણવા તત્પર બની ગયો હતો. તેણે અધીરા બની પોતાના સ્વપ્નનો અર્થ કરવા યૂસફને વિનંતી કરી.
યૂસફ તેના સ્વપ્નનો પણ અર્થ કરવા તૈયાર જ હતો. ભઠિયારાએ ઉમંગમાં ને ઉમંગમાં પોતાનું સ્વપ્ન કહી
સંભળાવ્યું. સ્વપ્ન સાંભળતાં જ યૂસફ શાંત અને ગમગીન બની ગયો. બધા યૂસફનો ઉદાસ ચહેરો જોઇ
વિચારમાં પડી ગયા. ભઠિયારો તો એકી નજરે યૂસફને તાકી રહ્યો હતો. એટલામાં યૂસફ બોલ્યોઃ
‘ભાઇ, તારા સ્વપ્નનો અર્થ તારી તરફેણમાં નથી. તું અર્થ સાંભળતાં જ દુઃખી થઇ જઇશ.’ છતાં
ભઠિયારાએ પોતાનો સ્વપ્નાર્થ જાણવા જીદ પકડી. લોકો પણ ભઠિયારાના સ્વપ્નનો અર્થ જાણવા ઉત્સુક હતા.
સૌનો આગ્રહ જોઇ યૂસફે અર્થ કર્યોઃ
‘જો ભાઇ, જે ત્રણ ટોપલીઓ તારા માથા પર હતી તે ત્રણ દિવસ સૂચવે છે. ત્રણ દિવસમાં ફારૂન
રાજાનો કોપ તારી પર સળગી ઊઠશે. રાજા તારો શિરચ્છેદ કરાવશે ને તારા ધડને જંગલમાં ઝાડ પર ટાંગી
દેવામાં આવશે. જેમ તારી ઉપરની ટોપલીઓમાંના પકવાન પક્ષીઓ ખાતાં હતાં, તેમ ઝાડ પર ટાંગવામાં
આવેલા તારા ધડ પરથી પક્ષીઓ તારું માંસ ચૂંટી ખાશે.’
સ્વપ્નાર્થ સાંભળતાં જ ભઠિયારો ગભરાઇ ગયો અને સાંભળનારા અવાક્ બની ગયા.
હા... હા... હા.... સ્વપ્નોના તે વળી અર્થ હોતા હશે? આ તો બધું તૂત છે! દોસ્ત, (ભઠિયારાને) તું
ફોગટ ચિંતા કરીશ નહીં,’ કહી એક કેદી હાસ્ય કરવા લાગ્યો. ભઠિયારો પોતાના ચહેરા પરનો પસીનો લૂછી
રહ્યો હતો. જેલર અને યૂસફે આગળ ચાલવા માંડ્યું. સૌ પોતપોતાને કામે લાગી ગયા.
યૂસફે કરેલા સ્વપ્નાર્થ પછી બે દિવસ વિતી ગયા. ત્રીજા દિવસે ફારૂન રાજાનો જન્મદિન હતો. રાજાનો
મહેલ રંગબેરંગી શણગારથી શોભી ઊઠ્યો હતો. બધા દરબારીઓને આજે ફારૂનને ત્યાં જમણનું આમંત્રણ
હતું. પાટનગરમાં ઘેરઘેર મીઠાઇ વહેંચવામાં આવી. રાજવીરોના રથો આવી પાટનગરમાં છૂટવા લાગ્યા.
મહેલમાં આજે મોટી મિજબાનીની તૈયારી ચાલી રહી હતી. રાજા ફારૂનની પ્રસન્નતાથી આજે નગરનું વાતાવરણ
ખીલી ઊઠ્યું હતું. ભભકાદાર પોશાકમાં સજ્જ થયેલો ફારૂન રાજા સૌ મહેમાનોનો આવકાર કરતો હતો. આ
મિજબાનીમાં સામેલ થવા પોટીફાર સરદાર અને તેની પત્ની પણ આવી પહોંચ્યાં. પાટનગરમાં આજે
આનંદઆનંદ વ્યાપી રહ્યો હતો.
રાજાના જન્મદિને એક મોટી જાહેરાત કરવામાં આવી. આ જાહેરાતમાં રાજાના કેદીઓની સજા-માફી
અને સજા-મોકૂફી જાહેર કરવામાં આવી. સજા-માફીના હુકમમાં પાત્રવાહકનું નામ હતું. તેને કેદમાંથી મુક્ત
કરવામાં આવ્યો અને રાજમહેલમાં અગાઉના કામે લઇ લેવામાં આવ્યો.
તે જ પ્રમાણે જે કેદીઓ ગુનેગાર સાબિત થયા હતા તેમને તેમના ગુનાના પ્રમાણમાં શિક્ષા
ફરમાવવામાં આવી. આ ફરમાનમાં ભઠિયારાનું નામ હતું. ભઠિયારાનો બીજા ગુનેગારો સાથે શિરચ્છેદ કરી
તેના શરીરને જંગલમાં ઝાડ પર ટાંગી દેવામાં આવ્યું. ત્યાં માંસભક્ષી પક્ષીઓ તેનું માંસ ખાવા ત્રાટકી પડ્યાં.
આમ યૂસફ બંને સ્વપ્નાર્થમાં સફળ રહ્યો.
પોતાની જીંદગીમાં સત્યતા અને પવિત્રતાનું આચરણ કરનાર યુસફ સ્વપ્નપતિનું માન મેળવી ગયો.
તેના સ્વપ્નાર્થ સફળ નિવડ્યા પણ સ્વપ્નપતિ ભુલાઇ ગયો. કેદીઓનો આગેવાન હોવા છતાં પણ આખરે તો તે
મિસરનો એક કેદી જ હતો ને! કેદમાં તે પોતાનાં દુઃખોને ભૂલી જઇ આનંદમમય જીવન ગાળવા પ્રયત્ન કરી
રહ્યો હતો. તેના દુઃખમાં ઇશ્વર સિવાય તેનો કોઇ આશ્રય ન હતો. યૂસફ રાતદિવસ ઇશ્વરચિંતન અને પ્રાર્થનામાં
જ મગ્ન રહેતો.
બીજી બાજુ યૂસફ વિનાનો પોટીફારનો મહેલ સૂમસામ બની ગયો હતો. પહેલાંના જેવી હવે તેની
રોનક ન હતી. નોકરચાકરો પોતાની મરજી મુજબ કામ કરતાં હતાં. પોટીફારનું કોઇ ચીજમાં મન પરોવાતું
નહીં. યૂસફ પાછળ દીવાની બનેલી પોટીફારની સ્ત્રી બિલકુલ બેચેન બની ગઇ હતી. હવે તે પોતાના પતિને
સુખ આપી શકતી નહીં અને પોતે પણ સુખમાં રહી શકતી નહીં. પોતે કરેલા ઘોર પાપ બદલ રાતદિન તે
પસ્તાવો કરતી હતી. નમ્ર અને પવિત્ર યૂસફ પર જાૂઠ્ઠા આક્ષેપો મૂક્યા, તેના શરીર પર કોરડાનો માર
વરસાવ્યો અને તેને તુરંગમાં ધકેલી દેવામાં આવ્યો. આ બધાંને લીધે તેનો આત્મા રાતદિન તેને ડંખ્યા કરતો.
ઊંઘમાં પણ તે ઝબકીને જાગી ઊઠતી. તેનાં આંસુઓ ટપકી ટપકીને તેના પાપને ધોવા મથતાં છતાં તેને હૃદયની
શાંતિ મળતી નહોતી. એક પવિત્ર અને સાચા હૃદયના માનવીને શેતાની માર્ગ તરફ દોરતાં પોતે જ કેવી ફસડાઇ
પડી, તેનો તેને આઘાત રહ્યા કરતો.
આખરે એક દિવસ શેઠાણીએ જેલરને પોતાને ઘેર બોલાવ્યો. પોટીફાર આજે ઘેર ન હતો. શેઠાણી
જેલરની વાટ જોતી દીવાનખાનામાં બેઠી હતી. વારે ઘડીએ તે ઊંચી થઇ બારીએથી બહાર નજર કરતી હતી.
થોડીવારમાં દૂરથી ઘોડા પર આવતો જેલર નજરે પડ્યો. શેઠાણી ઉમંગમાં આવી ગઇ. જોતજોતામાં જેલર
શેઠાણીના મહેલ પાસે આવી પહોંચ્યો. ઘોડાના દાબડા વાગ્યા, અને જેલર મહેલના દરવાજે આવી ઊભો.
જેલરના આવતાં જ તેમનો આવકાર કરતો એક નોકર તેમને દીવાનખાનામાં લઇ ગયો. દીવાનખાનામાં શેઠાણી
એક આસન પર બિરાજ્યાં હતાં.
‘નમસ્તે,’ જેલરે માથું નમાવી શેઠાણીને પ્રણામ કર્યા.
‘આવો, બેસો,’ શેઠાણીએ સસ્મિત પ્રણામ ઝિલતાં કહ્યું.
‘આપની શી સેવા કરી શકું?’ જેલરે સામેના આસનમાં ગોઠવાતાં પૂછ્યું.
‘એમ તો ખાસ કંઇ નથી... પણ, હા, અમારો દાસ યૂસફ કેમ છે?’ શેઠાણીએ આસપાસ નજર
ફેરવતાં કહ્યું.
‘હા... હા... હા... કંઇ નહીં ને કેદીને જ યાદ કર્યો. બેશક, એ મઝામાં છે.’ જેલરે ઉત્તર વાળ્યો.
‘વારું, તો સાંભળો. મેં તમને એક અગત્યના કામ માટે બોલાવ્યા છે. મારે યૂસફ સબંધી કંઇક તમને
કહેવુ છે. શું તમે મારી મદદ કરશો?’ શેઠાણીએ પ્રશ્ન કર્યો.
‘શેઠાણીજી, મારાથી બની શકે તેટલી બધી જ મદદ હું આપને કરવા તૈયાર છું પણ જેનાથી કોઇને
પણ હાનિ થાય એવું પગલું હું ભરીશ નહીં.’ જેલરે પોતાનું મંતવ્ય દર્શાવ્યું.
‘તમારા મંતવ્યને હું આવકારું છું મારી તો એક જ ઇચ્છા છે કે, યૂસફને ઉતાવળે કારાવસમાંથી મુક્ત
કરવામાં આવે.’ શેઠાણીએ પોતાની ઇચ્છા પ્રદર્શિત કરી.
‘ખૂબ આનંદની વાત! મારી પણ એવી જ ઇચ્છા છે. આપને કદાચ ખબર નહીં હોય કે, યૂસફ બધા
કેદીઓેેનો ઉપરી છે. કોઇના પણ હૃદયને જીતી લે એવો એ જુવાન છે. તેનામાં પ્રેમ, નમ્રતા અને પવિત્રતા જોઇ
હું નવાઇ પામી ગયો.’ જેલરે યૂસફના વખાણ કર્યાં. યૂસફનાં વખાણ સાંભળી શેઠાણી આનંદવિભોર બની ગઇ.
‘જેલર, હું આ શું સાંભળું છું? એક કેદીમાં પણ આપને ખરા માનવીનાં દર્શન થયાં? ખરેખર યૂસફ એક
એવો માનવી છે કે જે ક્યાંયે ઢાંક્યો રહે નહીં. આપે તેના તરફ જે મમતાભર્યું વર્તન કર્યું, તે બદલ આભાર.’
શેઠાણીએ કહ્યું.
‘શેઠાણીજી, આપે આભાર માનવાની જરૂર નથી. મેં તો મારી ફરજ બજાવી છે. યૂસફને જેમ બને
તેમ જલ્દી છોડાવવા હું મારાથી બનતા બધા જ પ્રયત્નો કરીશ પણ આખરે પ્રશ્ન એ રહે છે કે, યૂસફને કયા
ગુનાસર કેદમાં નાખવો પડ્યો?’ જેલરે પૂછયું.
આ સાંભળતાં જ શેઠાણીનું માથું ઝૂકી ગયું. તેના વાત કરવાના હોશ ઊડી ગયા અને દુઃખની મારી તે
પોતાને વશમાં રાખવા પ્રયત્ન કરવા લાગી.
‘હેં, આપ ચૂપ કેમ થઇ ગયાં? યૂસફના ગુનાનો ખુલાસો તેની મુક્તિ માટે મદદરૂપ થઇ પડશે. આપ
તેના ગુનાની મને માહિતી આપો કે, તરત હું તેના છુટકારાની કાર્યાવાહી શરૂ કરી દઇશ.’ જેલરે કહ્યું.
‘ભાઇ, આપની શુભેચ્છાઓ બદલ ખૂબ આભાર,’ કહેતાં શેઠાણીની આંખો ભીંજાવા લાગી.
‘જી... આપને આમ એકાએક દુઃખ કેમ થયું? મારી કોઇ ભૂલ તો નથી ને?’ જેલર બેબાકળો બની
ગયો.
‘ના રે ના, તમારી કોઇ ભૂલ નથી. ભૂલતો મારી જ છે. યૂસફ જે ગુના બદલ સજા ભોગવી રહ્યો છે, તેનું
કારણ હું જ છું. યૂસફ નિર્દોષ છે. બતાવો, જેલર હું શું કરું? યૂસફને કેવી રીતે છોડાવું? હું તેની પાછળ રાત અને દિન
એક કરી રહી છું. બસ, હવે તો એક જ આશા છે કે, યૂસફનો ઇશ્વર તેને બચાવે.’ કહી શેઠાણી આંસુ સારવા લાગી.
‘શેઠાણી, આપ કંઇ ચિંતા કરશો નહીં. યૂસફને બચાવવામાં હું મારાથી બનતી બધી જ મદદ કરીશ
અને આખરે તમે કહ્યું તેમ ઇશ્વર તો છે જ. વારું મારે ઘણો સમય થઇ ગયો. હું રજા લઇશ.’ જેલરે વિનવ્યું.
‘નમસ્તે, યૂસફની મુક્તિ માટે મારી જ્યારે પણ જરૂર પડે, બેધડક મને બોલાવજો. હું મારી કોઇ પણ
કુરબાની આપવા તૈયાર રહીશ.’ શેઠાણીએ કહ્યું.
‘નમસ્તેજી,’ કહી જેલર બહાર નીકળી ગયો અને તેને ઘોડા પર દૂર સુધી જતાં શેઠાણી તાકી રહી.
આમ બે વર્ષ વિતી ગયાં. એક રાત્રે ફારૂન રાજાને સ્વપ્ન આવ્યું કે, તે મિસર દેશની નાઇલ નદીને
કિનારે ટહેલી રહ્યો છે. તેવામાં હૃષ્ટપુષ્ટ અને સુંદર સાત ગાયો નદીમાંથી નીકળી કિનારા પર ચરવા લાગી. તે
જ સમયે બીજી સાત દૂબળી અને કદરૂપી ગાયો પેલી માતેલી સાત ગાયો સાથે ચરવા લાગી. હવે શું બને છે
તે જોવા રાજા તત્પર બની ગયો, તો તેની અજાયબી વચ્ચે દૂબળી સાત ગાયો પેલી હૃષ્ટપુષ્ટ સાત ગાયોને ગળી
ગઇ! સ્વપ્ન પૂરું થતાં જ રાજા બેબાકળો બની જાગી ઊઠ્યો અને વિચારમાં પડી ગયો. રાત હજુ અર્ધી પસાર
થઇ હતી. એટલે રાજા વિચારમાં ને વિચારમાં નિદ્રાવશ બની ગયો.
નિદ્રાવશ થતાં જ તેને ફરી સ્વપ્ન આવ્યું કે, પોતે નાઇલ નદીના કિનારા પર જ છે. તેવામાં એક સાંઠા
પર દાણાથી ભરાયેલાં દાણાદાર એવાં સાત કણસલાં તેણે જોયાં. એ જ સમયે બીજાં ખાલી તથા દાણા વિનાનાં
સાત કણસલાં પણ તેના જોવામાં આવ્યાં. હવે શું બને છે, તે જોવા રાજા અધીરો બન્યો. તે કણસલાં તરફ જવા
લાગ્યો, તો તેની અજાયબી વચ્ચે પેલાં હલકાં સાત કણસલાં દાણાદાર સાત કણસલાંને ભરખી ગયાં!
સ્વપ્ન પૂરું થતાં જ રાજા સફાળો જાગી ઊઠ્યો અને વિચારોમાં લીન બની ગયો. પ્રભાતનો પ્રકાશ
આસપાસ પથરાઇ રહ્યો હતો. પક્ષીઓનો કિલકિલાટ સંભળાતો હતો. રાજમહેલના નોકરો પોતપોતાના કામમાં
પરોવાઇ રહ્યા હતા. તેવામાં રાણી જાગી અને રાજાને વિચારમગ્ન જોઇ કારણ પૂછવા લાગી. રાજાએ પોતાને
આવેલાં બે સ્વપ્નો રાણીને કહી સંભળાવ્યાં. રાણીએ તે સ્વપ્નોનો અર્થ કરવા જ્ઞાનીઓ તથા જાદુગરોનો દરબાર
ભરવા સલાહ આપી. રાણીની સલાહને માન આપી રાજાએ બીજે દિવસે દરબાર ભર્યો અને પોતાનાં સ્વપ્નોના
અર્થ જ્ઞાનીઓ, શાસ્ત્રીઓ તથા જાદુગરોને પૂછી જોયા. તેમાંથી કોઇ રાજાના સ્વપ્નોના અર્થ કરી શક્યું નહીં.
રાજાએ દરબાર બરખાસ્ત કર્યો અને સ્વપ્નોની ચિંતામાં તે વધારે નિરાશ બની ગયો.
૭
જેલખાનેથી પ્રધાનપદે
રાજાનાં સ્વપ્નોની વાત વાયુવેગે રાજ્યમાં પ્રસરવા લાગી. ચોરે અને ચૌટે રાજા અને તેનાં સ્વપ્નોની
જ ચર્ચા ચાલતી. વળી ફારૂન રાજાએ આખા મિસર દેશમાં ઢંઢેરો પિટાવ્યો કે, જે કોઇ માણસ મારાં સ્વપ્નોના
અર્થ કરશે, તેને મોટું ઇનામ આપવામાં આવશે.
આમ દિવસો પછી દિવસ વિતતા ચાલ્યા પણ હજુ સ્વપ્નોનો ખુલાસો કરી આપનાર રાજાને કોઇ
મળ્યો નહીં. રાજા પોતાનાં સ્વપ્નો વિશે રાતદિવસ નિરાશ રહેતો. એક દિવસે એવી જ રીતે રાજા ચિંતાતૂર
વદને મહેલમાં બેઠો હતો. બેચેન બનેલા રાજાને દ્રાક્ષારસ આપવા રાણીએ હુકમ કર્યો. પાત્રવાહકે સોનાના
પ્યાલામાં સુગંધમિશ્ર દ્રાક્ષારસ તૈયાર કર્યો અને રાજાને આપવા લઇ આવ્યો. રાજાનાં સ્વપ્નો વિશે તેને જાણ
હતી. આજે રાજાને નિરાશ અને લાચાર જોઇ પાત્રવાહકને પોતાનું સ્વપ્ન યાદ આવી ગયું અને સ્વપ્નપતિ યૂસફ
પણ યાદ આવ્યો. રાજાની નજીક જઇ તેણે દ્રાક્ષારસનો પ્યાલો સામે ધર્યો. રાજાને બેધ્યાન બનેલા જોઇ રાણીએ
પ્યાલો પોતાના હાથમાં લઇ લીધો અને રાજાને દ્રાક્ષારસ પીવા આગ્રહ કર્યો. રાજાએ રાણીના હાથમાંના
પ્યાલામાંથી થોડો દ્રાક્ષારસ પીધો અને કંઇક હોશમાં આવ્યો. છતાં પાત્રવાહક ત્યાં જ ઊભો રહ્યો અને રાજાનું
ધ્યાન પોતાના તરફ કેન્દ્રિત કરવા લાગ્યો. પાત્રવાહકને ત્યાં ને ત્યાં જ ઊભો રહેલો જોઇ તેને શું જોઇએ છે,
એવી ઇશારત રાજાએ તેને કરી.
પાત્રવાહક ઝૂકીને પ્રણામ કરતાં બોલ્યો, ‘મહારાજ, આજે મને મારા કેદનાં દિવસો યાદ આવે છે. એક
વખતે મને અને ભઠિયારાને સાથે કેદમાં પૂરવામાં આવ્યા હતા. કેદમાં અમને બંનેને એક જ રાત્રે લગભગ એક
જ જાતનાં સ્વપ્નો આવ્યાં. સવારમાં તે સ્વપ્નોથી અમે બંને ખૂબ વિચારમાં પડી ગયા. અમને વિચારમાં પડેલા
જોઇ એક યહૂદી કેદીએ અમારાં સ્વપ્નો સાંભળ્યાં અને તેના અજાયબ જેવા અર્થ કરી બતાવ્યા. વળી તેણે
કરેલા અર્થ બિલકુલ સાચા નીકળ્યા. મને મારા કામ પર પાછો લઇ લેવામાં આવ્યો અને ભઠિયારાને મોતની
સજા કરવામાં આવી.’ પાત્રવાહકની આ વાત સાંભળી રાજારાણીનાં મુખ આનંદથી ચમકી ઊઠ્યાં. તેમણે
પાત્રવાહકને ખૂબ શાબાશી આપી.
પછી રાજાએ યૂસુફને કેદમાંથી મુક્ત કરી, સુંદર વસ્ત્રો પહેરાવી, રાજદરબારમાં હાજર કરવા હુકમ
કર્યો. બીજે દિવસે દરબાર ભરવામાં આવ્યો. યૂસફને સુંદર વસ્ત્રોમાં સજાવી દરબારમાં હાજર કરવામાં
આવ્યો. ફરી આ તેજસ્વી ચહેરો દરબારીઓની નજરે ચઢ્યો. ઘણાં તો તેને જોતાંની સાથે જ ઓળખી ગયાં.
સરદાર પોટીફાર પણ દરબારમાં હાજર હતો. યુસફને જોતાં જ તેની આંખો લાલપીળી થવા લાગી.
રાજદરબારમાં ગુસપુસ શરૂ થઇ. એટલામાં રાજા ઊભો થયો. તેના ઊભા થતાંની સાથે જ દરબારીઓ શાંત
થઇ ગયા અને રાજાએ ફરમાવ્યુંઃ
‘રાજસામંતો, આજે મને આનંદ થાય છે કે, આ શુભદિને મારી આશાઓ ફળીભૂત થશે. મેં બે
અજાયબ સ્વપ્નો જોયાં હતાં એ વાતથી તમે બધા વાકેફ છો. તેના માટે મેં અગાઉ દરબાર ભરી શાસ્ત્રીઓ,
જ્ઞાનીઓ અને જાદુગરોને બોલાવ્યા હતા. પણ અફસોસની વાત છે કે, તેઓ મારાં સ્વપ્નોના અર્થ કરી શક્યા
નહીં. પછી મને ખબર મળી કે, આપણા રાજ્યનો એક હિબ્રુ કેદી સ્વપ્નોના અર્થ કરી જાણે છે. માટે મેં તમારી
સમક્ષ એ જુવાન યૂસફને હાજર કર્યો છે. મને આશા છે કે, તે જરૂર મારા સ્વપ્નોના અર્થ કરી બતાવશે.’
રાજાનું બ્યાન પૂરું થતાં જ બધા દરબારીઓનું ધ્યાન યૂસફ પર કેન્દ્રિત થયું. રાજાની જમણી ગમ
ઊભો રહેલો યૂસફ જરા આગળ આવ્યો અને મનમોહક હાસ્ય સહિત તેણે બોલવાની શરૂઆત કરી.
‘રાજાધિરાજ ફારૂન અને રાજદરબારીઓ, આપની સમક્ષ હાજર થતાં હું કૃતકૃત્યતા અનુભવું છું.
રાજાનાં સ્વપ્નો વિશે મને વિશ્વાસ છે કે, મારો પ્રભુ પરમેશ્વર, તેના યોગ્ય અર્થ મને સમજાવશે. હવે હું આપ
નામદારને વિનંતિ કરું છું કે, મને આપનાં સ્વપ્નો કહી સંભળાવો.’
યૂસફની નમ્ર અને મીઠી વાક્છટાથી દરબારીઓ આશ્ચર્ય પામ્યા, જ્યારે આવેશમાં આવેલો પોટીફાર
પોતાની ભ્રૂકુટિઓ ઊંચીનીચી કરવા લાગ્યો. એટલામાં ફારૂન રાજાએ પોતાનાં બંને સ્વપ્નોની રાજદરબારમાં
જાહેરાત કરી અને યુસફ તેને ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો. સ્વપ્નો સાંભળતાં જ દરબારીઓ અર્થ સાંભળવા
તલપાપડ થઇ ગયા અને યૂસફને તાકી રહ્યા. સ્વપ્નો સાંભળ્યા પછી યૂસફે ઇશ્વરની પ્રાર્થના કરી અને પછી
સ્વપ્નાર્થ કહેવાની શરૂઆત કરીઃ
‘રાજાધિરાજ ફારૂન, આયુષ્યમાન હો. આપનાં સ્વપ્નોમાં ઈશ્વરે ભવિષ્યનો ચિતાર આપની આગળ
રજૂ કર્યો છે. આપે સ્વપ્નમાં જે સાત હૃષ્ટપુષ્ટ ગાયો જોઇ તે મિસરમાં આવનાર સમૃદ્ધિનાં સાત વર્ષ દર્શાવે છે
અને જે દૂબળી સાત ગાયો જોઇ તે મિસરમાં આવનાર દુષ્કાળનાં સાત વર્ષ દર્શાવે છે. મતલબ કે, મિસરમાં
પ્રથમ સાત વર્ષમાં મબલખ અનાજ પાકશે. અનાજની અઢળક પેદાશથી પ્રજા પાસે એનો સમાવેશ કરવાની
જગા રહેશે નહીં. મિસરનાં ખેતરો પાકથી લચી પડશે અને દેશ અનાજથી ભરાઇ જશે. એ પછી કપરા
દુકાળનાં સાત વર્ષોની શરૂઆત થશે. સાત વર્ષ સુધી બિલકુલ વરસાદ પડશે નહીં અને અનાજની પેદાશ
અટકી જશે. વળી બે વાર સ્વપ્ન આવ્યું તેનો અર્થ એ કે, પ્રભુ પરમેશ્વરે આ મુકરર કરેલું છે અને આપને
અગમચેતી આપી છે. માટે આપ એવા કોઇ જ્ઞાની પુરુષને પસંદ કરો, જે આપને પુષ્કળતાનાં સાત વર્ષ
દરમ્યાન દેશનું અનાજ એકઠું કરવામાં મદદ કરે. જેથી દુકાળનાં વર્ષોમાં એ અનાજનો ઉપયોગ કરવામાં આવે
અને પ્રજા નાશથી બચી જાય. અનાજ એકઠું કરવા માટે દરેક ખેડૂત પાસેથી પાંચમો હિસ્સો રાજ્ય માટે
ફાળવવામાં આવે અને તેનો રાજ્યના કોઠારોમાં સંગ્રહ કરવામાં આવે. અનાજ સંગ્રહના કામ માટે બીજા પણ
કેટલાક આગેવાનોની નિમણૂક કરવી, જેઓ રાજ્યને મદદરૂપ થાય.
અજાયબ સ્વપ્નાર્થ તથા યોગ્ય સલાહ સાંભળી રાજા પ્રસન્નપ્રસન્ન થઇ ગયો. રાજદરબારીઓ પણ
વિસ્મિત થઇ યૂસફને તાકી રહ્યા.
‘શાબાશ, યહૂદી જવાન, હું તારામાં ઇશ્વરનો આત્મા જોઇ શકું છું. તારા જેવો પવિત્ર પુરુષ આ દેશમાં
ક્યાંથી હોય! ખરેખર ઇશ્વરે તને આ બધું બતાવ્યું છે. તારા જેવો જ્ઞાની દુનિયામાં મળવો મુશ્કેલ છે. તારા
સ્વપ્નાર્થથી મને સંપૂર્ણ સંતોષ થયો છે. હું તને આ દેશનો પ્રધાન જાહેર કરું છું. દેશની પ્રજા તારી આજ્ઞા
અનુસાર ચાલશે. ફક્ત રાજ્યાસન પર જ હું તારાથી ઊંચે દરજ્જે રહીશ. વળી અનાજસંગ્રહ કરવાનો
અધિકાર પણ હું તારા જ હાથમાં સોંપું છું. તું જેમ ચાહે તેમ આ દેશનું ભલું કરજે.’ રાજાએ દરબારમાં
જાહેરાત કરી.
રાજાની જાહેરાતને દરબારીઓએ વધાવી લીધી. ચારે બાજુ તાળીઓના ગડગડાટ ગાજી ઊઠ્યા અને
યૂસફ સર્વનો આવકાર ઝીલતો મુક્ત હાસ્ય વેરી રહ્યો. યૂસફને મળેલા બેહદ માનથી પોટીફાર સરદાર ઊકળી
ઊઠ્યોઃ
‘મારે ઇન્સાફ જોઇએ.’ તાળીઓના ગડગડાટ વચ્ચે પોટીફાર ઊભો થઇ બરાડી ઊઠ્યો. દરબારમાં
શાંતિ છવાઇ ગઇ. રાજા ચોંકી ઊઠ્યો અને યૂસફ પોટીફારને તાકી રહ્યો.
‘તમારી શી ફરિયાદ છે?’ રાજાએ પોટીફારને પ્રશ્ન કર્યો.
‘મહારાજ, જે યહૂદી જુવાનને આપે દેશનો પ્રધાન જાહેર કર્યો, તે મારો ગુલામ છે. તેણે કરેલા
ભયંકર ગુના બદલ મેં તેને જેલમાં નાખ્યો હતો. તે મિસરનો પ્રધાન બનવાને જરા ય લાયક નથી.’ પોટીફારે
ઉત્તર વાળ્યો. રાજા આ સાંભળી મૂંઝાયો. દરબારીઓ યૂસફ અને પોટીફારને તાકી રહ્યા.
‘યહૂદી જુવાન, શું તેં એવો કોઇ ગુનો કર્યો છે કે, મારે તને પદભ્રષ્ટ કરવો પડે?’ રાજાએ યૂસફને
પૂછયું.
‘મહારાજ, હું જીવતા પ્રભુ પરમેશ્વરને માનું છું. માટે હું જે કહીશ તે તેની બીક રાખીને કહીશ.
આજથી ત્રણ વર્ષ ઉપર હું સરદાર પોટીફારનો ગુલામ હતો પણ મેં એવો કોઇ ગુનો કર્યો નથી કે, મારે જેલ
ભોગવવી પડે, છતાં મેં ખામોશ રહી ત્રણ વર્ષની જેલયાતના સહન કરી છે. હું એક પરદેશી છું. મહારાજ,
મારી પર જે જુલમ ગુજારવામાં આવ્યો તે તદ્દન ગેરવાજબી હતો.’ યૂસફે નમ્ર વાણીમાં પોતાનો બચાવ રજૂ
કર્યો.
‘બિલકુલ અસત્ય, મહારાજ, પરદેશમાંથી અહીં ધકેલી મૂકવામાં આવનાર આ જુવાન, પાપી અને
શેતાન છે. હું તેને કદી માફ કરીશ નહીં.’ પોટીફારે જીદ પકડી.
એટલામાં યાજક પોટીફેરાએ રાજદરબારમાં પ્રવેશ કર્યો અને તેણે કંઇક કહેવાની રાજા પાસે રજા
માંગી. રાજાએ તેને સંમતિ આપી.
‘જહાંપનાહ, સ્વપ્નપતિ યૂસફ એક પરદેશી માણસ છે. તેને વતનમાંથી દગો કરી અહીં ગુલામ તરીકેે
વેચી દેવામાં આવ્યો હતો. હું તેના પરિચયમાં આવ્યો હોવાથી તેણે હૃદય ખોલીને મને સર્વ હકીકત કહી છે.
વળી સરદાર પોટીફારે તેને જે ગુના બદલ શિક્ષા કરી તેમાં યૂસફ બિલકુલ નિર્દોષ છે.’ પોટીફેરા યાજકે
યૂસફનો બચાવ રજૂ કર્યો.
‘સદંતર જૂઠ મહારાજ, એક મિસરી યાજક હોવા છતાં પરદેશીનો પક્ષ લે છે!’ પોેેટીફાર ત્રાટક્યોે.
‘ખામોશ, આ બધું શું છે? મને કંઇ સમજાતું નથી. હવે એક જ માર્ગ છે. આ ગુનાની બારીક તપાસ
કરવામાં આવશે અને જે ગુનેગાર ઠરશે તેને મોતની સજા કરવામાં આવશે.’ રાજા રોષે ભરાયો.
એટલામાં દરબારમાંથી વડો જેલર ઊભો થયો. રાજાનું ધ્યાન તેના તરફ દોરાતાં રાજાએ તેને
સાંભળવાની તૈયારી બતાવી.
‘મહારાજ, યૂસફ ત્રણ વર્ષથી આપણા કેદખાનામાં છે. હું જેલનો વડો હોઇ યૂસફ સાથે વધારે
સંપર્કમાં રહ્યો છું. યૂસફ એક સાચા રૂદયનો વફાદાર યુવાન છે. તેની વફાદારી અને સચ્ચાઇની સાબિતીરૂપ
આજે ભૂતકાળનો એક દિવસ મને યાદ આવે છે. તે દિવસે એક સ્ત્રી સાથે મારે મુલાકાત થઇ હતી. તેણે જ
મને મુલાકાત માટે બોલાવ્યો હતો. મુલાકાતનો તેનો મુખ્ય હેતુ યૂસફને જલદી મુક્તિ અપાવવાનો હતો પણ
રાજ્યના કાયદાઓ સામે તેની માગણી દબાઇ ગઇ અને આજે પણ યૂસફ એક કેદી છે. તેણે ભારપૂર્વક એ
જણાવ્યું હતું કે યૂસફ નિર્દોષ છે.’
‘વારું, અમે એ જાણવા માગીએ છીએ કે, યૂસુફની આઝાદી ઝંખતી એ સ્ત્રી કોણ છે?’ રાજાએ પ્રશ્ન
કર્યો.
‘માફ કરજો મહારાજ, એ બધું દરબારમાં યોગ્ય નહીં લાગે. હું કદી પણ બીજાઓને બેઇજ્જત કરી
પોતાની ખુશી માનીશ નહીં. આખરે મારી એ વિનંતી છે કે, આપ ભલે મને પ્રધાનપદ માટે લાયક ન સમજો,
પણ મને જેલમાંથી મુુક્ત કરશો તો હું સદાનો આપનો ઋણી રહીશ,’ યુસફે વિનંતિ કરી.
‘બિલકુલ નહીં, મહારાજ, આ પાપી યુવાન આપણી દયાને જરાયે લાયક નથી. તેને જેલમાં જ
સબડાવા દો. તેને છૂટો કરવામાં આવશે તો તે કાલે બીજાઓને પણ પોતાની જાળમાં ફસાવી દેશે,’ પોટીફાર
અટલ રહ્યો.
‘ચૂપ કરો સરદાર, મારે તમારી કોઇ સલાહ સાંભળવી નથી. હું એ જાણવા માગું છું કે, યૂસફને
મુક્ત કરવાની માગણી કરનાર એ સ્ત્રી કોણ હતી? તેને તત્કાળ દરબારમાં હાજર કરવામાં આવે.’ રાજાએ
હુકમ કર્યો.
‘ક્ષમા કરો, મહારાજ, મારાથી બોલ્યા વિના રહેવાય તેમ નથી. આ દગાબાજ પરદેશીએ બધાંને
આંધળાં કરી મૂક્યાં છે. જ્યારે તે મારી સાથે કામ કરતો હતો ત્યારે હું પણ તેની જાળમાં ફસાઇ ગયો હતો. તે
મારા હૃદયમાં એટલો તો ઠસી ગયો હતો કે, મેં તેને એક નોકરમાંથી મારા મહેલનો કારભારી બનાવી દીધો
પણ એક દિવસે તેની દુષ્ટતાનો પણ મને પૂરો ખ્યાલ આવી ગયો. એ જ નીચ હેવાને આપને અને જેલરને
અંધારામાં રાખવાની કોશિશ કરી છે. સાવધાન, મહારાજ, નહીં તો કાલે એ દેશનો પ્રધાન બની આખા મિસરનું
સત્યાનાશ વાળી દેશે.... તેને મુક્ત કરવાની માગણી કરનાર એ સ્ત્રી કોઇ નહીં બલ્કે એ તો યૂસફની
મેલીવિદ્યાનો જાદુ છે. જાદુ....’ પોટીફારે સૌને વિચારમાં મૂકી દીધા.
‘હા... હા... હા..જાદુ, એ જાદુ પણ અમે જોવા તૈયાર છીએ. ભરદરબારમાં જાદુનો ખેલ, હા... હા...
યૂસફ સ્વપ્નપતિ, અજમાવો તમારી એ જાદુઇવિદ્યા અને હાજર કરો એ સ્ત્રીને,’ રાજાએ હસતાં હસતાં કહ્યું.
આ સાંભળતાં જ જેલર ઉતાવળે દરબાર છોડી જવા લાગ્યો. બધાં તેને તાકી રહ્યાં અને યૂસફે
જેલરને રોકવા બૂમ પાડવાની કોશિશ કરી. ત્યાં તો સામેથી બે સુંદરીઓએ દરબારમાં પ્રવેશ કર્યો. તેઓને જોતાં
જ જેલર પ્રવેશદ્વાર પર થંભી ગયો અને દરબારીઓ આશ્ચર્યર્ચકિત બની ગયા. તે સ્ત્રીઓ રાજ્યાસન તરફ
આગળ વધી રહી હતી. એક સ્ત્રીના હાથમાં રત્નજડિત હાર ઝબકારા મારી રહ્યો હતો. તેનો ચહેરો શરમથી
ઝૂકી ગયો હતો. તેના પોશાકમાં ખાસ કોઇ ઠાઠ ન હતો. તેની આંખમાં આંસુઓ જાણે બળપૂર્વક રોકી રાખવામાં
આવ્યાં હતાં. પોટીફાર સરદારની આંખ તેના પર ઠરતાં તે હેબતાઇ ગયો અને યૂસફની નજર પણ તે સ્ત્રી પર
મંડાઇ. આ સુંદરીને સહકાર આપી રહેલી બીજી સ્ત્રી જુવાન, દેખાવડી અને ચબરાક જણાતી હતી. સુઘડ
વસ્ત્રોમાં સજ્જ થયેલ તે નવયૌવના પોટીફેરા યાજકની પુત્રી આસનાથ હતી અને પોટીફાર સરદારની પત્નીને
દરબારમાં આગળ લાવવામાં સાથ આપી રહી હતી. રાજ્યાસન તરફ આવતાં જ આસનાથ આગળ ઊભા
રહેલા પોતાના પિતાની પાસે થોભી ગઇ.
હવે શું બને છે એ જોવા સૌ અધીરાં બની ગયાં. રાજ્યાસન પાસે પહોંચતાં જ પોટીફારની સ્ત્રીએ
રાજાને નમન કરી, પોતાના હાથમાંનો રત્નજડિત હાર યૂસફને પહેરાવી દીધો અને તેના ચરણોમાં ઢળી પડી.
પોટીફાર સરદાર બાહૂક બની આ બધું જોઇ રહ્યો હતો. યૂસફે શેઠાણીના હાથ પકડી તેને ઊભી કરી દીધી અને
તેને સાંત્વન આપવા લાગ્યો. તે સ્ત્રીની આંખમાંથી આંસુઓના રેલા ચાલ્યા જતા હતા. રાજા આ બધું ફાટી
આંખે જોઇ રહ્યો હતો. યૂસફના ગળામાં શોભતો પોતાનો કિંમતી હાર તે તરત ઓળખી ગયો. તેણે પોતે જ એ
હાર એક હરીફાઇમાં ઇનામ તરીકે આપ્યો હતો. એ સાથે જ તેને ઇનામ જીતનાર યુવાન પણ યાદ આવ્યો.
બિલકુલ યૂસફ સ્વપ્નપતિ જેવો જ ચહેરો!
હવે સૌ યુસફને ઓળખી ગયાં. વિચારમુક્ત બની રાજાએ પોટીફારની પત્ની શું ચાહે છે એમ નિર્દેશ
કર્યો.
‘ફારૂન મહારાજ, પ્રધાન યૂસફ સ્વપ્નપતિ અને રાજદરબારીઓ, (આંસુલૂછતાં) મારે સ્વપ્નપતિના
ગુના બાબતે એટલું કહેવાનું છે કે, તેઓ નિર્દોષ છે. હું પોતે ગુનેગાર છું. યૂસફને મુક્ત કરવાની માગણી
કરનાર સ્ત્રી પણ હું પોતે જ. આપ મને જે સજા ફરમાવશો તે ખુશીથી હું ભોગવવા તૈયાર છું.’ પોતાની
પત્નીએ જાહેર કરેલી યૂસફની નિર્દોષતા સાંભળી પોટીફાર સરદાર દરબારમાંથી પલાયન થઇ ગયો.
‘રાજાધિરાજ ફારૂન તથા દરબારીઓ, હું હાલ એટલી જ વિનંતી કરીશ કે, એક સ્ત્રીએ નિર્દોષ ભાવે
કબૂલ કરેલી ભૂલ બદલ તેને ક્ષમા આપવામાં આવે.’ યૂસફે શેઠાણીનો બચાવ કર્યો.
યૂસફના પ્રેમાળ સ્વભાવથી સૌ ખુશખુશ થઇ ગયાં. વજીરે દરબારમાં ઊભા થઇ પ્રધાન, સ્વપ્નપતિ,
યહૂદી જવાન, યૂસફની જય બોલાવી. આખરે આનંદ ઉમંગની લાગણીઓથી ઊભરાઇ જતો દરબાર રાજાના
હુકમથી બરખાસ્ત કરવામાં આવ્યો.
પોતાની પત્નીની મૂર્ખતા તથા ભરદરબારમાં થયેલા પોતાના અપમાન બદલ પોટીફાર ખૂબ ચિડાઇ
ગયો હતો. ગુસ્સામાં તપી ઊઠેલા પોટીફારનો ચહેરો વિકરાળ બની ગયો હતો અને તેના શરીર પરનાં રૂવેરૂવાં
ઊંચાં થઇ ગયાં હતાં. પોતાના હાથમાં કોરડો લઇ, પત્નીની રાહ જોતો પોટીફાર મહેલમાં અહીંતહીં આંટા મારી
રહ્યો હતો. એટલામાં તેની પત્નીએ મહેલમાં પ્રવેશ કર્યો. તેના પ્રવેશતાંની સાથે જ પોટીફાર તેના પર ધસી
ગયો અને કોરડાઓનો માર શરૂ કરી દીધો. કોરડાઓના અસહ્ય મારથી તેની પત્ની બૂમો પાડી ઊઠી. શેઠાણીની
ચીસો સાંભળી આજુબાજુથી નોકરચાકરો અને દાસદાસીઓ દોડી આવ્યાં. પોટીફાર પોતાની સ્ત્રીનો એક હાથ
પકડી બીજા હાથે કોરડો વિંઝી રહ્યો હતો. મારથી લાલચોળ બની ગયેલી શેઠાણી જમીન પર ઢળી પડી.
‘સરદાર, બસ કરો હવે.’ એક નોકરે આગળ આવી દયા દર્શાવી.
‘હટ અહીંથી, ખબરદાર કોઇ આગળ આવ્યું છે તો,’ કહી પોટીફારે ફરી કોરડો વિંઝયો.
‘મારી ભૂલ થઇ છે... મને ક્ષમા કરો. હવે હું તમને જ મારું સર્વસ્વ માનીશ,’ કહી પોટીફારની સ્ત્રી તેના
ચરણોમાં ઢળી પડી.
‘હટ... (લાત મારતાં)... કુલટા, તેં ભરદરબાર વચ્ચે મારી ઇજ્જત લીધી છે. હવે હું તને જીવતી નહીં
મૂકું’ પોટીફારે પત્નીને હડસેલી દીધી. દૂર પટકાયેલી શેઠાણી ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. આજુબાજુ ઊભેલાં
નોકરચાકરો તેની દયા ખાતા હતાં. પોટીફાર ઝટપટ તે ખંડ છોડી બીજા ખંડમાં ચાલ્યો ગયો.
તેના ગયા પછી કેટલીક દાસીઓએ શેઠાણીને ત્યાંથી ઊઠાવી પલંગમાં સૂવાડી તેની સેવાચાકરી કરવા
લાગી. નાજુક શરીર પર કોરડાઓનો માર પડતાં પોટીફારની સ્ત્રીના શરીરમાં ખૂબ બળતરા થતી હતી. તે આખી
રાત ઊંઘી શકી નહીં. રાત્રે પોટીફાર મહેલમાં જણાયો નહીં.
બીજે દિવસે સવારે પોટીફાર વહેલો આવી પહોંચ્યો. થોડીવારમાં એક ગાડી પણ ત્યાં આવી લાગી.
પોટીફારે તરત એ ગાડી જંગલમાં લઇ જઇ, પોતાની પત્નીને જંગલમાં છોડી આવવા પોતાના સારથિને હુકમ કર્યો.
પહેલાં તો ગાડીવાને થોડી આનાકાની કરી : ‘હજૂર, શેઠાણીને આટલી ભયંકર સજા ન કરશો.’
‘ખામોશ, જો મારા હુકમનો અમલ નહીં થાય તો તારું મસ્તક ધડથી જુદું થશે, સમજ્યો!’ પોટીફાર તડૂકી
ઊઠ્યો.
પોતાના મોતની બીકથી ગાડીવાન ગભરાઇ ગયો. પોટીફારે પોતાની પત્નીને ગાડીમાં બેસી જવા હુકમ
કર્યો. તે બીચારી ગભરાઇ ગઇ અને પતિને પગે પડી ખૂબ માફી માંગવા લાગી પણ ગુસ્સાના તાપમાં તપી ઊઠેલા
પતિએ તેને ઊંચકી જબરજસ્તીથી ગાડીમાં પૂરી દીધી. ગાડીને ચારેબાજુથી બરાબર બંધ કરી દેવામાં આવી.
આજુબાજુ જોનારાં લોકો પોતાની શેઠાણીની દયા ખાવા લાગ્યાં પણ પોટીફાર પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યો.
પોટીફારના સારથિએ મુખ્ય માર્ગ પર ગાડી વળાવી અને સૌ ઉદાસ બની એ જોઇ રહ્યાં.
તે દિવસ પ્રધાન સ્વપ્નપતિ યૂસફનો શાહીસવારી દિન હતો. મિસરનાં બધાં લોકો નવા પ્રધાનને નિહાળવા
માર્ગની બંને બાજુએ ગોઠવાઇ ગયાં હતાં. સવારીનો સમય થયો અને રાજઘંટ રણક્યો. ફારૂન રાજા અને સ્વપ્નપતિ
યૂસફ રાજરથમાં આવી બિરાજ્યા. યૂસફ કિંમતી મલમલનાં વસ્ત્રોમાં સજ્જ થયેલો હતો. રાજાએ તેને પોતાના
હાથની અંગૂઠી પહેરાવી અને તેના કંઠમાં સોનાનો હાર પહેરાવવામાં આવ્યોે.
‘રાજાધિરાજ, ફારૂન અને સ્વપ્નપતિ, પ્રધાન યૂસફ આગળ ઘૂંટણ ટેકવો,’ એવી નેકી પોકારવામાં આવી
અને શાહીસવારી રાજમાર્ગ પર વળી. આજે લોકોના આનંદનો પાર ન હતો પણ આ શું? એક ભેદી ગાડી રાજમાર્ગ
પરથી પૂરપાટ દોડી રહી હતી. ગાડી ચારે બાજુથી બંધ હોવાથી તેમાં શું છે એ કોઇને સમજાતું ન હતું. સૌના આશ્ચર્ય
વચ્ચે ગાડી રાજમાર્ગ પર પોતાનો માર્ગ કાપી રહી હતી.
બીજી બાજુ સામેથી પ્રધાન યૂસફની શાહીસવારી માર્ગમાં આગળ વધી રહી હતી. સવારીમાં સૌથી આગળ
બે તલવારધારી ઘોડસવારો રસ્તાની સલામતી જોવા ઝડપ કહી રહ્યા હતા. તેમનાથી પચ્ચીસેક ફૂટના અંતરે પ્રચંડ
રાજરથ નજરે પડતો હતો. આ રાજરથને સાત ઘોડાઓ ખેંચી રહ્યા હતા. રથમાં ડાબીજમણી ગમ સોને મઢ્યાં
આસનો પર પ્રધાન યૂસફ અને રાજા ફારૂન ભભકાદાર પોષાકમાં બિરાજ્યા હતા. તે બંનેની પડખે રહેલી બે
દાસીઓ રત્નજડિત ચમરોથી ચમર ઢાળી રહી હતી. આસનોની પાછળ ચાર ભાલદારો ખડે પગે સ્થિર જણાતા
હતા. છ પૈડાવાળા આ રથ પાછળ સો ભાલદાર ઘોડસવારો અને હજાર સૈનિકોનું પાયદળ કૂચ કરી રહ્યું હતું.
શાહીસવારીને જોઇ પ્રજા આનંદવિભોર બની જતી અને સૌ રાજા અને પ્રધાનને ઝૂકીઝૂકીને નમન કરતાં
હતાં. રાજા મુક્ત હાસ્ય વેરી રહ્યો હતો જ્યારે પ્રધાન સૌનાં વંદનોનો સસ્મિત ઉત્તર વાળી રહ્યો હતો. મિસરના
રાજવી પોશાકમાં સજ્જ થયેલો યહૂદી જુવાન લોકો પર આગવી છાપ પાડતો હતો. તેની આકર્ષક મુખમુદ્રાને લીધે
સૌ તેને એકીટસે જોઇ રહેતાં હતાં. સવારી માર્ગમાં આગળ અને આગળ વધે જતી હતી. મોખરે રહેલા બે તલવારધારી
સૈનિકોએ ખાસો માર્ગ કાપી નાખ્યો હતો. તેમની સામી દિશાએથી આવતી એક ભેદી ગાડી પૂરપાટ આગળ વધી
રહી હતી. લોકો એ ગાડી જોવામાં પણ મશગૂલ હતાં. એટલામાં મોખરે રહેલા બે સૈનિકોએ સામેથી આવી રહેલી
ગાડીને જોઇ. ગાડીને જોતાં જ બંને સિપાઇઓએ પોતાની તલવારો સામસામે અડાડી ભયનું નિશાન કર્યું ગાડીવાન
સૈનિકોને જોતાં જ ગભરાઇ ગયો અને તેની ગાડી ત્યાં જ અટકી ગઇ. ગાડીને થંભી ગયેલી જોઇ બંને સિપાઇઓ
મારતે ઘોડે ગાડી પાસે આવી પહોંચ્યા. આજુબાજુ ઊભા રહેલા લોકો આ તમાશો જોઇ રહ્યાં હતાં. સૈનિકોએ ગાડીને
આગળ ન વધવા દેવા ગાડીવાનને હુકમ કર્યો. પોટીફારની બીકથી ગભરાયેલો ગાડીવાન ગાડીને જલદી જંગલમાં
લઇ જવા ઇચ્છતો હતો. તેણે ગાડીને આગળ જવા દેવા સિપાઇઓને આજીજી કરી. ગાડીવાનના આ વિચિત્ર વલણથી
સૈનિકો ગુસ્સે થયા.
‘ચૂપ કર, પાછળ શાહી સવારી આવી રહી છે ને તારે આગળ જવું છે?’ એકે કહ્યું.
‘ખબરદાર, જો આગળ વધ્યો છે તો!’ બીજાએ કહ્યું.
આજુબાજુના લોકો આ જોઇ નવાઇ પામી ગયા. એટલામાં સવારી નજદીક આવી પહોેંચી. આગળ થોભી
ગયેલા રક્ષકોને જોઇ સવારીના સો તલવારધારી ઘોડેસવારોએ તલવારો ઊંચી કરી ‘રૂક જાવ’નું નિશાન કર્યું. એ
સાથે શાહીસવારી રોકાઇ ગઇ. સવારીને આમ એકાએક રોકાયેલી જોઇ ફારૂન રાજા રોષે ભરાયો. તે એકદમ ઊભો
થઇ ગયો અને આવેશમાં આવી બોલી ઊઠ્યો,
‘શાહીસવારીને રોકવાની હિંમત કરનાર એ કોણ છે?’ રાજાની જોશીલી જબાનથી ગભરાઇ ગયેલો
ગાડીવાન રાજા પાસે દોડી આવ્યો અને પગે પડી ગયો.
‘મહારાજ, મારે મારા સરદારના હુકમનું પાલન કરવાનું છે અને હુકમનો અમલ ન થાય તો તેમણે મને
મોતની સજા આપવા કહ્યું છે.’ ગભરાયેલો ગાડીવાન બોલ્યો.
‘કોણ છે તારો સરદાર?’ રાજાએ પ્રશ્ન કર્યો.
‘હજૂર, હું પોટીફાર સરદારનો ગાડીવાન છું.’ ગાડીવાન ધ્રુજવા લાગ્યો.
પોટીફારનું નામ સાંભળતાં જ યૂસફ અને ફારૂનની નજર એક થઇ ગઇ. રાજાએ તરત તે ગાડી ખોલી
નાખવા સામેના બે સિપાઇઓને હુકમ કર્યો. રાજાનો હુકમ થતાં જ સિપાઇઓએ બંધ ગાડીને ચારેબાજુથી ખોલી
નાંખી. ખુલ્લી ગાડીમાંથી એક સ્ત્રી દયામણા ચહેરે બહાર આવી. અસ્તવ્યસ્ત વસ્ત્રોમાં, દયા ઉપજાવે એવી બેહાલ
સ્ત્રીને જોઇ યૂસફ પણ રથમાં ઊભો થઇ ગયો. રાજા અને પ્રધાન તેને પહેલી જ નજરે ઓળખી ગયા.
‘કહો, બહેન, શું ફરિયાદ છે?’ રાજાએ પ્રશ્ન કર્યો.
‘મહારાજ, મારી કોઇ ફરિયાદ નથી. એક નિર્દોષ અને પવિત્ર માણસને દોષિત ઠરાવવાની બીજી કઇ
સજા હોઇ શકે? મારાં પાપનો બદલો મને મળી રહ્યો છે. મને જંગલમાં છોડી આવવા મારા પતિએ હુકમ કર્યો છે.’
તે સ્ત્રીએ પોતાનો ચહેરો જમીન તરફ ઢાળી રાખી જવાબ આપ્યો.
એટલામાં એક યુવતી આગળ આવી. આવતાંની સાથે તેણે સરદાર પોટીફારની પત્નીનો હાથ પોતાના
હાથમાં લઇ લીધો. તે પોટીફેરા યાજકની દીકરી આસનાથ હતી.
‘બહેન, જ્યાં સુધી તમારા પતિનો ગુસ્સો શાંત ન પડે, ત્યાં સુધી તમે મારા ઘેર રહેજો. હું તમને ખૂબ
પ્રેમથી રાખીશ.’ તેણે વિનયથી કહ્યું.
આ સાંભળી ફારૂન રાજા અને પ્રધાન યૂસફ પ્રસન્ન થયા. ગાડીવાન ઝડપથી પોતાની ગાડી પાસે પહોંચી
ગયો અને ખુલ્લી ગાડીમાં શેઠાણી અને આસનાથને બેસાડી, ગાડી પોટીફેરા યાજકના ઘર તરફ વળાવી, પૂરપાટ
દોડાવી મૂકી. ખુલ્લી ગાડીમાં બેઠેલી બે સ્ત્રીઓને દૂર સુધી જતાં સૌ જોઇ રહ્યાં. થોડીવારમાં શાહીસવારી આગળ
વધી અને લોકો ફરી સવારી જોવામાં તલ્લીન બની ગયાં. છેવટે સવારી આગળ વધતીવધતી મુખ્ય માર્ગ પરથી
રાજમહેલ પર પહોંચી ગઇ અને લોકો પોતપોતાને ઘેર વિખેરાઇ ગયાં. તે દિવસે પાટનગરમાં ખૂબ આનંદ વ્યાપી
રહ્યો. નવા પ્રધાનને જોઇ લોકોએ સંતોષ અનુભવ્યો. વળી તેમણે કરેલા અજાયબ સ્વપ્નાર્થથી ઘણા તેમને દેવ જેવા
માની બેઠા.
ઇશ્વરના આશીર્વાદિત યૂસફની પવિત્રતા અને નમ્રતા પર રાજારાણી ખુશ થઇ ગયાં. તેમણે યાજક
પોટીફેરાની પુત્રી આસનાથ માટે યૂસફનું માગું મોકલ્યું. ગરીબ યાજક પોટીફેરા તથા તેની પુત્રીને આ શાહી માગણીથી
ખૂબ નવાઇ
ઊપજી . યૂસફના માગાનો તેમણે ખુશીથી સ્વીકાર કર્યો. તે રાત્રે ધામધૂમથી રાજમહેલમાં યૂસફ
તથા આસનાથનાં લગ્ન થયાં અને તે જ રાત્રે રાજમહેલમાં રાજા તથા યૂસફના પ્રયત્નથી સરદાર પોટીફાર અને તેની
પત્નીનું સ્નેહમિલન યોજાયું. યૂસફ-આસનાથને રાજારાણી અને મિત્રો તરફથી ખૂબ ભેટો મળી.
રાજાએ તે બંનેને રહેવા રાજમહેલ પાસેનો એક સુંદર મહેલ આપ્યો. મહેલમાં પ્રધાનની ખિદમત માટે
કેટલાંય નોકરચાકરો અને દાસદાસીઓ રોકવામાં આવ્યાં.
આ સમયે યૂસફ ત્રીસ વર્ષનો જુવાન હતો. તેને આસનાથ જેવી સુંદર, સદ્ગુણી અને ભક્તિશીલ સ્ત્રી
જીવનમાં મળી હતી. તેમના દિવસો સુખશાંતિમાં પસાર થવા લાગ્યા. દિવસે રાજા અને પ્રધાન ભેગા મળી
રાજવ્યવસ્થાની ચર્ચા કરતા રાજ્યમાં અનેક સુધારાવધારા કરતા.
આમ એક વર્ષ પસાર થઇ ગયું અને આસનાથે એક સુંદર પુત્રનો જન્મ આપ્યો. એ પુત્રનું નામ મનાશા
પાડવામાં આવ્યું. પુત્રના જન્મથી યૂસફને અતિઘણો આનંદ થયો. તેણે ખુશાલીમાં ઘેરઘેર મિઠાઇ વહેંચાવી અને
પોતાના મહેલમાં મોટી મિજબાનીમાં રાજારાણી તથા મોટા રાજવી કુટુંબોને નિમંત્ર્યા. તેમાં પોટીફાર સરદાર અને
તેની પત્ની પણ યૂસફના પુત્રને આશીર્વાદ આપવા આવી પહોંચ્યાં. આમ રાજ્યાધિકારીઓ અને પ્રજાની લાખ લાખ
શુભેચ્છાઓ સાથે યૂસફે પુત્રનો જન્મદિન ખૂબ ખૂશીમાં મનાવ્યો.
૮
પિતાપુત્રનું મનોમંથન
મિસરમાં જ્યારે યૂસફ રાજાનો જમણો હાથ બની બેઠો હતો ત્યારે બીજી તરફ તેની યાદમાં ઇઝરાયલ
પોતાનું સર્વસ્વ ભૂલી બેઠો હતો. પુત્રની યાદ, પુત્રના વિચારો અને પુત્રનાં સ્વપ્નોમાં ઘેલો બનેલો ઇઝરાયલ વર્ષો
પૂર્વેના ઇઝરાયલ કરતાં જુદો જ બની ગયો હતો. રાત દિવસ તેને ભૂતકાળ ચલચિત્રની માફક આંખોએ આવતો.
પોતે યૂસફની સાથે ફરી રહ્યો છે યુસફ તેની ગોદમાં રમી રહ્યો છે. યૂસફ બિન્યામીન હાથોહાથ મિલાવી
દૂર ટહેલી રહ્યા છે. મોટા ભાઇઓ યૂસફની મજાક ઉડાવી રહ્યા છે. યૂસફ પોતાનાં સ્વપ્નો સંભળાવી રહ્યો છે.
નાદાન યૂસફ માતાના મૃત્યુને સમજવા કોશિશ કરે છે.
‘બાપુજી, મારી માને શું થઇ ગયું? તમે કેમ કંઇ બોલતા નથી, બાપુ?’ કહી આંસુ સારતો યૂસફ યાદ આવી
જતાં જ ઇઝરાયલ શોકમગ્ન બની જતો.
તેના જીવનમાં હવે કોઇ સુખ જણાતું ન હતું. તેનો બધો આનંદ ઓસરી ગયો હતો. કોઇ પણ કામમાં તેનું
ચિત્ત ચોટતું ન હતું. ઘરના કારોબારમાં પણ તે ખાસ માથું મારતો નહીં. મોટા ભાઇઓ પિતાના વર્તનને કળી ગયા
હતા. છતાં તેઓ ખૂબ ખુશીમાં રહેતા. તેમના મોં પર કદી શોકની માત્રા પણ દેખાતી ન હતી. યૂસફની યાદ તેમનાં
હૃદયોમાંથી ભૂંસાઇ ગઇ હતી.
ઇઝરાયલ બસ એક જ આધારે જિંદગી ગુજારી રહ્યો હતો. તેનો આધાર માત્ર બિન્યામીન હતો. બિન્યામીનને
તે બીજા યૂસફ તરીકે જોતો. પોતાની પત્ની રાહેલની છેલ્લી યાદ એટલે બિન્યામીન! આમ ઇઝરાયલ બિન્યામીનમાં
પોતાનું મન મનાવી લેતો. બિન્યામીન હવે મોટો થઇ ગયો હતો. તેને પણ ઘણીવાર યૂસફની યાદ આવી જતી.
‘બાપુ, થોડા દિવસ પહેલાં મને એક સ્વપ્ન આવ્યું હતું.’
‘શું કહે છે, દીકરા?’
‘હા, બાપુ, યૂસફનું!’
‘કેવું?’
‘કહું, બાપુ? યૂસફ ખૂબ દૂર જંગલમાં ફરતો હતો.’
‘પછી શું થયું?’
‘પછી? પછી ત્યાં એક ભયંકર જાનવર દેખાયું.’
‘બસ કર બીનું, મારે તારું સ્વપ્ન નથી સાંભળવું.’
‘ત્યારે બીજું સ્વપ્ન કહું.?’
‘વાહ, દીકરા, તું પણ ખરો છે? સ્વપ્નો જ જોયા કરે છે.’
‘હા, બાપુ, સ્વપ્નમાં મને ખૂબ મઝા આવે છે.’
‘બોલ ત્યારે.’
‘બાપુ, યૂસફ એક દૂર દેશમાં રાજા બની બેઠો છે.’
‘હા... હા.... હા.... બેટા, હવે તો તું રાજા બને તો ખરો,’ કહી ઇઝરાયલ હસવા લગ્યો.
‘ખરેખર બાપુ, યૂસફ ખૂબ સુંદર વસ્ત્રોમાં મને દેખાયો હતો. ફરતાં ફરતાં હું તેના રાજ્યમાં પહોંચી ગયો.
મને જોતાં જ તે ભેટી પડ્યો.’
‘વાહ ભાઇ, વાહ, ખરું તારું સ્વપ્ન!’
‘પછી કહું, બાપુ?’
‘ના બેટા, બસ કર હવે. તારો ભાઇ હવે આ દુનિયામાં નથી. છે તો બસ એક તેની યાદ! મારો આધાર હવે
તું જ છે, બિનું. મારાબિનું, પ્રભુ તને જિંદગીભર સુખી રાખો.’
રાત્રે પણ ઇઝરાયલની નીંદ હરામ થઇ ગઇ હતી. રાહેલ સાથેનો રોમાંસ, યૂસફ પરનો અનહદ પ્રેમ અને
બિન્યામીનનાં યૂસફ વિશેનાં સ્વપ્નો યાદ કરી કરીને ઇઝરાયલ મનોદુઃખમાં તવાઇ જતો. જ્યારે તેનું દુઃખ અસહ્ય
થઇ પડતું ત્યારે તે ઇશ્વરને ચરણે ઢળી પડતો.
અરેરે, ઇશ્વર, ગજબ થયો. મારી રાહેલ ચાલી ગઇ અને તે પણ ઓછું હોય તેમ કલેજાનો કટકો યૂસફ
કપાઇ ગયો! પ્રભુ, તું નિરાધારનો આધાર અને દુઃખીનો દાતાર છે. કૃપા કરી મારું દુઃખ લઇ લે, પ્રભુ! મારો આનંદ
લૂંટાઇ ગયો છે અને મારો દેહ દુર્બળ બનતો જાય છે. મારો પ્રેમ મંદ પડતો જાય છે અને મારું ભાવિ તૂટવા લાગ્યું છે.
તેં જ મને સુખાનંદ અને સર્વસ્વ આપ્યું હતું. તું જ મારો આધાર છે. તારાથી મહાન એવું અન્ય નામ ઉપર આકાશમાં
કે નીચે પૃથ્વીમાં ક્યાંયે છે જ નહીં. હે ઇશ્વર, કૃપા કરી મને મારો આનંદ પાછો આપ.
બીજી બાજુ, મિસરમાં વેચાએલો યૂસફ કારભારી બન્યો અને ત્યાંથી તેને જેલમાં જવું પડ્યું. છતાં ઇશ્વર
પર સંપૂર્ણ શ્રદ્ધા રાખનાર યૂસફ જેલમાંથી મુક્ત થયો અને મિસર દેશનો પ્રધાન બની બેઠો. તેની સરભરામાં સેંકડો
દાસદાસીઓ હાજર રહેતાં હતાં. તેને આસનાથ જેવી સુંદર અને સુશીલ પત્ની, બાહોશ પુત્ર મનાશા અને રહેવા
માટે ભવ્ય મહેલ મળ્યો હતો. આ બધું હોવા છતાં, યૂસફ સુખી ન હતો.
મિસરમાં એક પરદેશી હતો કે જ્યાં કોઇ તેનું ન હતુું. પિતાજી અને ભાઇઓ ઘણા દૂર હતા. તેઓ શું કરતાં
હશે? નાનો બિન્યામીન તો બદલાઇ ગયો હશે. બિચારા ભાઇઓ રોજ ઘેટાંબકરાં ચારવા જતા હશે. તેઓને ખબર
પણ ક્યાંથી હોય કે યૂસફ જીવે છે!
‘બાપુજી, તમારો દીકરો આજે મિસરનો પ્રધાન છે પણ જેમ તમે તેની યાદમાં બધું ભૂલી બેઠા છો તેમ તે
પણ તમારી યાદમાં સર્વસ્વ ભૂલી બેઠો છે. બિન્યામીન અને મોટા ભાઇઓ મને રોજ યાદ આવે છે. મિસરનું
રાજ્યાસન મને ખૂંચે છે અને અહીંનો રાજવૈભવ મને અસાર લાગે છે. મારી જિંદગીમાં કોઇ આનંદ કે ઉલ્લાસ છે
જ નહીં. બસ કંઇ છે તો મારા અંતરના ઊંડાણમાં તમારી એક યાદ! હું અહીંથી નાસીને પણ ક્યાં જાઉં? પિતાજી,
મારે તમને મળવું છે. ઇશ્વર આપણને મૃત્યુથી જુદાં પાડે તે પહેલાં આપણો મેળાપ કરાવે એ જ મારા અંતરની
અભિલાષા છે.’ આમ રાત દિવસ ઉદાસ રહેતો યૂસફ આસનાથની ચિંતાનું કારણ બની ગયો.
‘કહોેને, યૂસફ, તમારું હાસ્ય કેમ છીનવાઇ ગયું છે. શું મારી કંઇ ભૂલ થઇ છે? તમારા માટે જરૂર પડે તો
મારા પ્રાણને પણ હું વિશેષ ગણીશ નહીં, તમારા નાના મુન્નાને ખાતર કહો.’
‘બસ કર, આસનાથ, કૃપા કરી હવે વધારે કંઇ પૂછીશ નહીં. તું જ મારો સહારો છે. તું જ મારો આનંદ છે.
ખરું કહું તો દુનિયામાં માત્ર એક જ સ્ત્રી મેં જોઇ અને તે તું જ છે, આસનાથ! પણ તું ઇશ્વરને ખાતર ચૂપ રહે. મારું
દુઃખ હું તને સમજાવી શકું તેમ નથી. ઇશ્વર તેની કૃપાથી બધું ઠીક કરી દેશે. પછી આપણે ખૂબ આનંદમાં જીવન
ગાળીશું.’
‘એટલે, હું મસજી નહીં?’
‘અરે ગાંડી, મારે તને સમજાવવું પણ નથી. જીવનમાં સુખ અને દુઃખ આવ્યાં જ કરે છે. દુઃખનો કટોરો
હસતે મોંએ પી જવામાં જ પોતાનું સુખ સમાયેલું હોય છે. તું જાણે છે કે, હું પોટીફાર સરદારનો ગુલામ હતો. ત્યાં
બધું સારું જ કરવા મેં પ્રયત્નો કર્યા હતા. છતાં મને કોરડાઓ મારી જેલમાં ધકેલી દેવામાં આવ્યો. ત્યાં એક કેદી
તરીકે જીવન જીવવામાં પણ મેં પોતાને સુખી માન્યો અને આજે હવે મારાં દુઃખોનો અંત આવી રહ્યો છે. ઇશ્વરની
કેટલી મહાન કૃપા કે હું આ દેશમાં પરદેશી હોવા છતાં અહીંનો પ્રધાન બન્યો છું અને કાલ કોેણે જોઇ છે? ઘણું ઘણું
બનશે. ચાલ, હવે તો હું દુઃખી નથી લાગતો ને! જા, તારું કામ કર.’
આમ, દિવસો વિત્યા અને એક રાત્રે યૂસફને સ્વપ્ન આવ્યું. કનાન દેશમાં દુકાળની ભારે આફત ઊતરી.
ઘાસચારો અને ઝાડપાન સૂકાઇ ગયાં. પોતાના ભાઇઓ પાણી અને ઢોરના ઘાસચારા માટે આમતેમ ફાંફાં મારતા
હતા. પિતાજી ગમગીન બની બેઠા હતા. દીકરાના વિયોગમાં વળી દુકાળે દાટ વાળ્યો. ઇઝરાયલ નાસીપાસ થઇ
ગયો. આખરે કંઇ ન સૂઝવાથી એકાએક તેણે આ પ્રદેશ છોડી જવા પોતાના માણસોને હુકમ કર્યો. ઇઝરાયલનો
આખો કાફલો સ્થળાંતર કરવા તૈયાર થઇ ગયો. ભૂખ અને દુઃખના માર્યા તેઓ આ પ્રદેશ છોડી ચાલી નીકળ્યાં. બધાં
પાછું વળીવળી પોતાની માતૃભૂમિને જોઇ નિસાસો નાંખતાં હતાં. આખરે ઇઝરાયલે એક નજર પોતાના અડ્ડા ઉપર
કરી અને તેની આંખો ભીની થઇ ગઇ.
‘હે ઇશ્વર, રાહેલ ગઇ, યૂસફ ગયો અને આખરે તારા વચનનો આ પ્રદેશ પણ છોડવાનો વખત આવ્યો.
અરેરે! પ્રભુ!’’ તેણે ઊંડો નિશ્વાસ નાખ્યો.
યૂસફ આ જોઇ શક્યો નહીં. અને તેનાથી ચીસ પડાઇ ગઇ. ‘બાપુજી.. ... ..’ તેની ચીસ સાંભળતાં જ
દાસદાસીઓ દોડી આવ્યાં. બધાંને જોઇ યૂસફ હાંફળોફાંફળો બેઠો થઇ ગયો.
‘તમને આમ એકાએક શું થઇ ગયું?’ આસનાથે યૂસફની પીઠ પર હાથ ફેરવતાં પૂછયું.
‘કેમ, મને વળી શું થવાનું? તમે બધાં અહીં કેમ આવ્યાં છો?’ યૂસફે શુદ્ધિ મેળવતાં પ્રશ્ન કર્યો.
‘કેમ, હમણાં તો તમે કંઇક બૂમ પાડી હતી.’ આસનાથે કહ્યું.
‘જી, નામદારે બાપુજી... એમ જોરથી બૂમ પાડી હતી.’ એક નોકરે કહ્યું.
યૂસફ આ બધું જોઇ સાંભળીને હકબક બની ગયો. તેણે પાણીની માગણી કરી અને સૌને સૂઇ જવા વિનંતી
કરી.
એક દાસી ઉતાવળે પ્યાલામાં પાણી લઇ આવી અને પ્યાલું આસનાથના હાથમાં આપ્યું. આસનાથ યૂસફને
પાણી પાવા લાગી અને દાસદાસીઓ વિખેરાઇ ગયાં.
‘ચાલો હવે તો કહો. અહીં કોઇ નથી. તમે એકાએક બૂમ કેમ પાડી હતી,’ આસનાથે પૂછયું.
‘વારું, જો તને કહું છું. ગભરાઇ ન જતી હોં. કહું? મને એક ભયાનક સ્વપ્ન આવ્યું હતું. તેથી હું એવો તો
ડરી ગયો કે મારાથી ચીસ પડાઇ ગઇ.’ યૂસફે હસીને જણાવ્યું.
આ સાંભળી આસનાથ ખડખડાટ હસી પડી.
૯
ભાઇઓનું અદ્ભુત મિલન
વિશાળ મિસર દેશમાં હવે સમૃદ્ધિનાં સાત વર્ષની શરૂઆત થઇ. ખૂબ વરસાદ વરસ્યો. દેશના પ્રાણ સમી
નાઇલ નદીનાં પાણી દૂરદૂરના કાંઠાઓ પર છલકીને લીલાં કૂંજર ખેતરો અને વાડીઓમાં અને પહાડો પર સમૃદ્ધિ
રેલવા લાગ્યાં. દેશનો ખૂણેખૂણો ફળદ્રુપ બની ગયો. ચારે બાજુ ખેતરોમાં પાક લહેરાઇ ઊઠ્યો. દર વર્ષના કરતાં આ
વર્ષે મબલખ અનાજ પાક્યું. ફારૂન રાજાના બગીચાઓ ફળોથી લચી પડ્યા. દેશમાં સમૃદ્ધિની શરૂઆતથી યૂસફે
પોતાના કામનો આરંભ કર્યો.
દેશનાં દરેક નગરોમાં અનાજ અને અન્ય પેદાશોની ફાળવણી માટે યૂસફે અધિકારોઓ નિમ્યા. પ્રજાને
થતી દરેક ખેત-પેદાશમાંથી રાજ્યને પાંચમો હિસ્સો આપવાનું નક્કી થયું. સૌ પ્રજાજનો પોતાનું અનાજ અને અન્ય
પેદાશો રાજ્ય માટે લઇ આવ્યાં. રાજ્યના કોઠારો છલકાવા લાગ્યા. દેશમાં ઠેર ઠેર નવા કોઠારો બાંધવામાં આવ્યા.
ખેતીની પેદાશ એટલી વધી ગઇ કે લોકો નક્કી કરેલા હિસ્સા કરતાં વધારે રાજ્ય સંગ્રહમાં આપવા લાગ્યા.
દિનપ્રતિદિન સંગ્રહ વધતો ગયો. અનાજ અને ખાદ્યચીજોનો સંગ્રહ એટલો તોે વધી ગયો કે તેનો હિસાબ રાખવાનું
કામ મુશ્કેલ બન્યું. યૂસફે હિસાબી કામકાજ બંધ કરી પેદાશનો સંપૂર્ણપણે સંગ્રહ કરવા હુકમ કર્યો.
સમૃદ્ધિનાં સુખરૂપ વર્ષોમાં યૂસફને બીજો એક પુત્ર થયો. તેનું નામ એફ્રાઈમ પાડવામાં આવ્યું. યૂસફના
કામથી રાજા તેમ જ પ્રજા પ્રસન્ન હતાં. યૂસફના કોઇ પણ કામ પર રાજાને દેખરેખ રાખવાની જરૂર રહેતી નહીં.
મિસરના કોઠારો અને ધનભંડારો છલકાઇ ગયા. રાજા ફારૂન પરમ સંતોષ અનુભવવા લાગ્યો. આમ, યૂસફની
સફળ કામગીરી દર્શાવતાં સમૃદ્ધિનાં સાત વર્ષ સંપૂર્ણ થયાં.
જેના માટે સાત વર્ષની સતત મહેનત ઉઠાવવી પડી, એ ગોઝારો દુષ્કાળ હવે શરૂ થયો. પાણી ભર્યાં
વાદળો અદૃશ્ય થઇ ગયાં. સૂર્યનાં કાળઝાળ તાપે મિસર દેશની ભૂમિ સૂકાવા માંડી. દેશના પ્રાણસમી નાઇલ નદીનાં
પાણી સૂકાવા લાગ્યાં. અનાજનાં ખેતરો અને ફળફળાદીની વાડીઓ વેરાન બનવા લાગી. દેશની પેદાશ ઘણી ઘટી
ગઇ. દુકાળના દિવસોમાં કરકસરથી કહેવા અને શાંતિ જાળવવા રાજ્ય તરફથી અપીલ કરવામાં આવી. દેશમાં
કૂવાઓ તથા તળાવનાં પાણી પણ સૂકાઇ ચાલ્યાં. ઠેકઠેકાણે રેતીનો વા-વંટોળ ઊડવા લાગ્યો. ત્યારે એ દિવસોમાં
રાજ્ય તરફથી રાહત કાર્યો શરૂ થયાં.
દુકાળના કપરા સમયમાં યૂસફની કામગીરી અજાયબ હતી. તેની અક્કલ ને હોંશિયારીથી દેશમાં રાજા
અને પ્રજા આગળ તેનું માન વધી ગયું. મિસર દેશ અને પડોશના દેશોમાં ભારે દુકાળ હતો. ધીમે ધીમે પરદેશોમાં એ
વાત વહેતી થઇ કે મિસરમાં ખૂબ અનાજ છે. એ જાણી કેટલાંક પરદેશીઓ મિસર દેશમાં અનાજ લેવા આવવા
લાગ્યા. પરદેશીઓના પ્રશ્ને મિસરમાં ખૂબ ચર્ચા જગાવી. જો દરેક પરદેશીને છૂટથી અનાજ આપવામાં આવે તો
પોતાના જ લોેકો ભૂખે મરી જાય. એ માટે દરેક પરદેશીને અનાજ મેળવવા માટે ફારૂન રાજાની અગર યૂસફ
પ્રધાનની પરવાનગી લેવી પડતી.
એ અરસામાં કનાન દેશના કેટલાક જુવાનો અહીં અનાજ લેવા આવી પહોંચ્યા. અનાજ મેળવવા માટે
સૌથી પહેલાં તેમણે રાજાનો સંપર્ક સાધ્યો. તેઓ હિબ્રુ (યહૂદી) હોવાથી રાજાએ તેમને યૂસફ પાસે મોકલી આપ્યા.
રાજાનો હુકમ થતાં યહૂદી જુવાનો યૂસફ પાસે આવી પહોંચ્યાં. અને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી ઊભા રહ્યા.
જોતાંની સાથે જ યૂસફ એ જુવાનોને ઓળખી ગયોઃ ‘આ તો મારા પોતાના મોટા ભાઇઓ જ છે, જેમણે મને ગુલામ
તરીકે વેચી દીધો હતો.’
યૂસફ ઇશ્વરની બીક રાખનાર પ્રેમાળ દિલનો માણસ હતો. તે કદી પણ કોઇનો બદલો લેવાની ઇચછા
રાખતો નહીં. વળી આ તો પોતાના ભાઇઓ જ ને! તેમણે ભૂલ તો ભારે કરી પણ આખરે એક જ પિતાના સંતાન ને!
વળી તેમણે યૂસફને ગુલામીમાં વેચ્યો ન હોત તો આજે પોતે મિસરનો પ્રધાન પણ ક્યાંથી હોત? એ તો ઇશ્વરની
યોજના હતી. આમ વિચારી યૂસફે ભાઇઓ પર બદલો વાળવાનો વિચાર તો ન જ કર્યોઃ પણ ભાઇઓની થોડી
ચકાસણી કરવાનું તેને મન થયું, જેથી ભાઇઓ પોતાના પાપનો પસ્તાવો કરે. આ વિચારથી તેણે ભાઇઓની આગળ
પોતાને ખુલ્લો કર્યો નહીં પરંતુ તેઓને ગભરાવી મૂક્યાઃ
‘તમે કોણ છો અને ક્યાંથી આવો છો?’ યૂસફે પ્રશ્ન કર્યો.
‘નામદાર, અમે યહૂદી જુવાનો છીએ અને કનાન દેશથી અનાજ લેવા આવ્યા છીએ.’ એક ભાઇએ જવાબ
આપ્યો.
‘જાૂઠું, તમે જાસૂસ જેવા લાગો છો. ખબરદાર, કંઇ છૂપાવવાની કોશિશ કરી છે તો, જે હોય તે સાચેસાચું
કહી દો,’ યુસફે કડક અવાજે કહ્યું.
‘સરકાર, અમે જાૂઠું નથી બોલતા. અમારા વૃદ્ધ પિતાનું નામ યાકૂબ છે, એ ઇઝરાયલ તરીકે પણ ઓળખાય
છે. અમે બાર ભાઇઓ છીએ. તેમાંથી એકનો પત્તો જ નથી, જ્યારે સૌથી નાનો ભાઇ બિન્યામીન પિતાની પાસે છે.
અમારી પર દયા કરો, સરકાર!’ બીજો ભાઇ દયામણા ચહેરે બોલ્યો.
‘ચૂપ કરો, મને છેતરશો નહીં. તમે આ દેશમાં જાસૂસી માટે આવ્યા છો. જો તમે સાચું જ કહેતા હો તો
તમારામાંથી એક ભાઇ ઘેર જઇને તમારા નાના ભાઇને અહીં લઇ આવે, જ્યારે બીજા બધા મારા કેદી બની રહે.’
યૂસફે શરત કરી.
આ શરતથી ભાઇઓ અવાક્ બની ગયા. બિન્યામીનને પિતાજી પાસેથી મિસરમાં લઇ આવવો, એ બિલકુલ
અસંભવિત હતું. ઇઝરાયલ કોઇ કાળે બિન્યામીનને પોતાથી વિખૂટો પડવા દે તેમ ન હતું. ભાઇઓ તરફથી કંઇ
જવાબ ન મળ્યો એટલે યૂસફે હૃદય કઠણ કરી સૌને જેલમાં પૂર્યા અને જેલરને તેમની સંભાળ લેવા તથા તેઓ પર
કોઇ જુલમ નહીં કરવા જણાવ્યું. ત્રણ દિવસ જેલમાં ગાળ્યા પછી બધા ભાઇઓએ ફરી ઘેર જવા યૂસફને વિનંતિ
કરીઃ ‘જો અમે વેળાસર ઘેર નહીં જઇએ તો માતપિતા ચિંતા કરશે અને સંઘના લોકો તથા ઢોરઢાંખર ભૂખથી મરવા
લાગશે.’ એમ તેઓએ જણાવ્યું.
‘ફારૂન રાજાના જીવના સમ, તમે નાના ભાઇને હાજર કર્યા સિવાય જેલમાંથી છૂટી શકશો નહીં,’ યૂસફે
જવાબ આપ્યો.
‘સરકાર, તમે એકભાઇને કેદમાં રાખો અને નવ ભાઇઓને અનાજ લઇ ઘેર જવા રજા આપો. અમે
જઇને નાના ભાઇને લઇ આવીએ તો જ તમે તે ભાઇને છૂટો કરજો.’ એક ભાઇએ અરજ કરી.
ગમગીન અને ગભરાઇ ગયેલા ભાઇઓને જોઇ યૂસફનું હૃદય પીગળી ગયું. તેણે એ યોજના મંજૂર રાખી.
બધા ભાઇઓમાંથી સિમોન કેદખાનામાં રહેવા તૈયાર થયો. યૂસફે તેને બાંધવા હુકમ કર્યો. યૂસફનો હુકમ થતાં જ
બધાં ભાઇઓના દેખતાં સિમોનને બાંધવામાં આવ્યો. ત્યારે ભાઇઓ માંહોમાંહે અફસોસ કરવા લાગ્યા કે, તે દિવસે
આપણે યૂસફના કાલાવાલા સાંભળ્યા નહીં અને તેને ખૂબ દુઃખ દીધું માટે ઇશ્વર આપણી પર કોપાયમાન થયો છે.
‘મેં તો તમને કેટલું બધું કહ્યું હતું અને ખૂબ સમજાવ્યા હતા. છતાં તમે મારું માન્યું નહીં અને બિચારાને
મોતના માર્ગે ધકેલી દીધો. હું માનું છું કે, ઇશ્વર જરૂર આપણા પાપનો બદલો લઇ રહ્યો છે,’ રેઉબેન કહેવા લાગ્યો.
યૂસફ પોતાના ભાઇઓને ધ્યાનથી સાંભળી રહ્યો હતો. તે યહૂદી હોવાથી તેઓની હિબ્રુ ભાષા સમજતો
હતો પણ ભાઇઓને તેની ક્યાં ખબર હતી! તેઓનો વાર્તાલાપ સાંભળી, યૂસફનું હૈયું ભરાઇ આવ્યું. તેણે ગુપ્તમાં
એક અધિકારીને બોલાવી ભાઇઓને અનાજ આપવા તથા તેમનું નાણું તેમની ગૂણોમાં પાછું મૂકવા હુકમ કર્યો તેમ
જ સિમોનને જેલમાં પૂરવા ફરમાવ્યું. પોતાનું કામકાજ પતાવી તે વહેલી તકે અહીંથી નીકળી ગયો અને એકાંતમાં
જઇને પોતાના માતપિતા તથા ભાઇઓને યાદ કરીને ખૂબ રડ્યો.
સિમોનને કેદમાં લઇ જઇ તેનાં બંધન છોડી નાખવામાં આવ્યાં. નવ ભાઇઓ પોતપોતાનું અનાજ ગધેડા
પર લાદી કનાન દેશને રસ્તે પડ્યા. માર્ગમાં તેઓ એક જગાએ આરામ કરવા બેઠા, ત્યારે એક ભાઇએ ગધેડાને
દાણા ખવડાવવા ગુણ છોડી તો ગુણના આગળના ભાગમાં પૈસા મૂકેલા જણાયા. આ જોઇ બધા ભાઇઓ ગભરાઇ
ગયા અને કહેવા લાગ્યા કે, હવે આપણું આવી બન્યુ. હવે આપણા પર ચોરીનો આરોપ મૂકવામાં આવશે. આપણને
ખરેખર જાસૂસ સમજી પકડી લેવામાં આવશે. આખરે અફસોસ કરતાં કરતાં તેઓ કનાન દેશ તરફ આગળ વધ્યા
અને પોતાને વતન આવી પહોંચ્યાં.
ઘરના બધા આતુરતાથી તેમની રાહ જોઇ રહ્યાં હતાં. ભાઇઓને હેમખેમ પાછા આવેલા જોઇ બધાં ખુશ
થઇ ગયાં પણ દીકરો સિમોન નહીં હોવાથી વૃદ્ધ ઇઝરાયલ ખિન્ન બની ગયો. ભાઇઓએ બનેલી બધી બીના વિગતવાર
કહી સંભળાવી અને જણાવ્યું કે, ફરી તેઓ બિન્યામીનને સાથે નહીં લઇ જાય તો મિસર દેશનો પ્રધાન તેમને જાસૂસ
સમજી પકડી લેશે, જેલમાં પૂરી દેશે અને સિમોનને પણ છોડશે નહીં. આ સાંભળી ઇઝરાયલ ખૂબ દુઃખી થઇ ગયો,
અને કહેવા લાગ્યોઃ
‘હવે તમે મને પુત્રહીન કરી રહ્યા છો. તમારી શોધ કરતાં કરતાં યૂસફ માર્યો ગયો, સિમોનને પણ તમે દૂર
દેશ મૂકી આવ્યા અને હવે બિન્યામીનને લઇ જવાની વાત કરો છો! હું તેને તમારી સાથે કદાપિ પણ મોકલીશ નહીં.’’
ઘરમાં સર્જાયેલા વાતાવરણથી સૌ ભેગા થઇ ગયાં. એટલામાં બધા ભાઇઓએ પોતાની અનાજની ગૂણો
છોડી તો દરેકની ગૂણોમાંથી પૈસા નીકળ્યા. બધાં આ જોઇ ગભરાઇ ગયાં. ભાઇઓ તો ખૂબ ગભરાઇ ગયા અને
કહેવા લાગ્યા કે હવે તો અમને જરૂર જાસૂસ માની કેદ કરી દેવામાં આવશે.
ત્યારે ઇઝરાયલે તેઓને આશ્વાસન આપ્યું કે તમે ફરી જ્યારે મિસર જાઓ, ત્યારે બે ગણા પૈસા સાથે લઇ
જજો, જેથી તમારી ઉપર કોઇ આરોપ મૂકવામાં આવશે નહીં. ઇઝરાયલના આશ્વાસનનથી ભાઇઓ કંઇક શાંત
પડ્યા.
ભાઇઓને મળ્યા પછી યૂસફ દરરોજ નિરાશ જણાતો. રાતદિવસ માબાપ અને ભાઇઓની યાદ તેના
મનમાંથી ખસતી નહીં. તે દરરોજ પોતાના ભાઇ સિમોનની મુલાકાત લેતો. પોતાના મહેલમાં પણ તે ખૂબ વિચારમગ્ન
અને નિરાશ જણાતો. આસનાથ પણ પોતાના પતિને હરરોજ ગમગીન રહેતા જોઇ વારંવાર પૂછતી, ‘તમને એકાએક
શું થઇ ગયું છે?’ પણ યૂસુફ એનો જવાબ આપતો નહીં. પોતે રાજાનો જમણો હાથ હોવા છતાં પોતાના ઘર અને
પોતાના વતનની યાદે તેને ગમગીન બનાવી દીધો હતો. યૂસુફના આવા વર્તનથી આસનાથ પણ નિરાશ થઈ જતી
અને જાતજાતની કલ્પનાઓ કરતી. શું રાજાએ યૂસફને કંઇ કહ્યું હશે? કોઇ અધિકારોઓના ઝઘડામાં તે ફસાયા
હશે? કે કોઇ રાજરમતનો ભોગ બન્યા હશે? આવા વિચારોમાં આસનાથ રાતદિવસ ચિંતા કર્યા કરતી. ત્યારે યૂસફ
એક વાત જરૂર કહેતોઃ
‘પ્રિય આસનાથ, આજે હું મારૂં મનદુઃખ તને જણાવી શકતો નથી. તેથી તો તારે અને મારે વધુ દુઃખી થવું
પડશે પણ ધીરજ રાખ, દુઃખના આ દિવસો એક વાર સુખમાં પલટાઇ જશે.’
થોડા દિવસો વિત્યા અને ઇઝરાયલનાં કુટુંબોનું અનાજ ખૂટવા લાગ્યું. ઇઝરાયલે ફરીથી અનાજ લઇ
આવવા પુત્રોને આજ્ઞા કરી. પુત્રોએ પિતાને જણાવ્યું કે, બિન્યામીનને લીધા સિવાય અમે અનાજ લેવા જઇ શકીશું
નહીં. આ સાંભળી ઇઝરાયલ વિચારમાં પડી ગયો. કેમકે બિન્યામીન તેનો સૌથી વહાલો દીકરો હતો.
‘પિતાજી, મિસરી પ્રધાને બિન્યામીન વિના પોતાનું મોં પણ બતાડવાની ના પાડી છે. તો કૃપા કરીને તેને
અમારી સાથે મોકલો. હું તેનો જામીન થાઉં છું. અગર જો હું તેને પાછો ન લાવું તો તેનો દોષ મારે માથે,’ યહૂદાએ
પિતાજીને કહ્યું.
આખરે ઇઝરાયલે બિન્યામીનને મિસરમાં લઇ જવાની પરવાનગી આપી. એ જાણી બિન્યામીન પણ ખુશ
ખુશ થઇ ગયો. તેને તો ભાઇઓ સાથે જવાની ઘણી ઇચ્છા હતી. મિસરના પ્રધાનને ખુશ કરવા ઇઝરાયલે દેશનાં
ઉત્તમ ફળો ગુગળ, મધ, બોળ, પીસ્તાં, તેજાના, અંજીર અને બદામની ભેટ મોકલી આપી. વળી અનાજ માટે
બમણું નાણું તેમ જ જે નાણું ગૂણોમાં પાછું આવ્યું હતું તે પણ મોકલી આપ્યું.
પોતાની સાથે ભેટસોગાદો અને નાના બિન્યામીનને લઇ ભાઇઓ મિસર દેશ તરફ રવાના થયા. જતાંજતાં
તેઓને તરેહતરેહના વિચારો આવ્યા. આ વખતે તેઓ પ્રધાન આગળ પોતાનો જોરદાર બચાવ કરશે, એ આશા
સાથે તેઓ મિસર આવી પહોંચ્યા.
મિસરમાં પગ મૂકતાં જ તેઓને પ્રધાન યૂસફ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. યૂસફે ગુપ્તમાં પોતાના
કારભારીને બોલાવી આ જુવાનોને ઘેર લઇ જવા, તેમની આગતાસ્વાગતા કરવા અને તેમને માટે સુંદર ભોજન
તૈયાર કરવા જણાવ્યું. પ્રધાનના હુકમની સાથે દસેય ભાઇઓને યૂસફના મહેલમાં લઇ જવામાં આવ્યા.
મહેલમાં પ્રવેશતાં જ ભાઈઓ ગભરાઈ ગયા અને વિચારવા લાગ્યાં કે હવે આપણું આવી બન્યું. પ્રધાન
આપણને જાસૂસ ઠરાવી તેના ગુલામ બનાવી દેશે. મોટા ભાઈઓની એવી બધી વાતો સાંભળી નાનો ભાઈ બિન્યામીન
તો ગભરાઈ ગયો. પછી તેઓએ કારભારીને બોલાવ્યો અને ગયા વખતે પોતાની પાસે ભૂલથી આવી ગયેલા નાણાંની
વાત કરી. એ નાણું અમે પાછું લઈ આવ્યાં છીએ, કહી તેઓ પૈસાની થેલીઓ બતાવવા લાગ્યાં. કારભારીએ ગભરાયેલા
ભાઇઓને શાંત થવા આશ્વાસન આપ્યું, તેઓને પગ ધોવા પાણી આપ્યું અને તેમનાં જાનવરોને ઘાસચારો પણ
નાખ્યો. પ્રધાનના મહેલમાં થઈ રહેલી પોતાની આગતાસ્વાગતા જોઈ ભાઈઓ નવાઈ પામી ગયા. એટલામાં સિમોનને
પણ જેલમાંથી મુક્ત કરી અહીં લાવવામાં આવ્યો. સિમોનને જોતાં જ બધા ભાઈઓના આનંદનો પાર રહ્યો નહી.
‘ભાઈ સિમોેન,અમે તને લેવા આવ્યા છીએ. માટે જરાય ચિતા કરીશ નહી.’
‘તું ક્ષેમકુશળ તો છે ને ?’
‘ભાઈ, તને માતપિતા ખૂબ યાદ કરતાં હતાં.’
‘સિમોન, તારી પર કોઈ જાુલમ તો થયો નથી ને ?’
‘તને,એકલાને અહીં નહીં ગમ્યું હોય, ખરું?’
‘અમે બધાં રોજ તને ખૂબ યાદ કરતાં હતાં.’
એમ ઉપરાઉપરી સિમોનને સૌ કહેવા લાગ્યા.
‘ભાઈઓ, મને અહીં કોઈ જાતની મુશ્કેલી પડી નથી. પ્રધાનજી તો ખૂબ પ્રેમાળ છે. તેઓ રોજરોજ મારી
મુલાકાત લેતા હતા અને જેલરને ખાસ મારી સંભાળ લેવા કહેતા હતા. મને ફક્ત ચિંતા હતી તમારી અને ઘરની
પણ તમને જોયા એટલે મારી બધી ચિંતા દૂર થઈ ગઈ છે,’ સિમોને સસ્મિત ઉત્તર વાળ્યો.
ભાઈઓ આ બધું સાંભળી આશ્ચર્ય પામી ગયા. પછી તેઓ વાતોચીતો કરતા પ્રધાન માટે ભેટો તૈયાર
કરવા લાગ્યા. થોડીવારમાં યૂસફ ત્યાં આવી પહોંચ્યો. તેના મુખ પર આજે આનંદ માતો ન હતો. તેને જોતાં જ
ભાઈઓ ગભરાઈ ગયા. તેમણે તરત તેને સાષ્ટાંગ દંડ્વત્ પ્રણામ કર્યા અને પોતાની ભેટો તેને ચરણે ધરી દીધી.
ભાઈઓને પોતાના ચરણોમાં પડેલા જોઈ યૂસફને બાળપણમાં આવેલું, પેલું બાર પૂળીઓવાળું સ્વપ્ન યાદી આવ્યું.
‘તમારા નાનાભાઈ બિન્યામીનને સાથે લાવ્યા છો?’ યૂસફે જાણતા છતાં પણ પૂછયુ. બિન્યામીન બે હાથ
જોડી યૂસફની સામે ઉભો રહ્યો.
‘નામદાર, એ જ અમારો સૌથી નાનો ભાઈ બિન્યામીન છે.’ એક ભાઈએ ઉત્તર આપ્યો.
‘તમારા પિતાજી હયાત છે?’ યૂસફે પ્રશ્ન કર્યો.
‘હા, નામદાર, આપનો દાસ, અમારો પિતા ઈઝરાયલ હાલ વયોવૃદ્ધ છે,’ બીજાએ ઉત્તર આપ્યો.
અહીં યૂસફને પોતાના પિતા યાદ આવ્યા. તે પોતાની પર કેટલું બધું વહાલ રાખતા, વગેરે યાદ આવવાથી
તેનું હૈયુ ભરાઈ આવ્યું. યૂસફ અહીંથી એક ઓરડામાં ચાલ્યો ગયો અને ત્યાં પિતાજી તથા ઘરને યાદ કરીને ખૂબ
રડ્યો. થોડી વાર પછી તે બહાર આવ્યો અને રુદનમાંથી સ્વસ્થ બની તેણે ભાણું પીરસવા હુકમ કર્યો. દેશની રીત
પ્રમાણે મિસરીઓ અને યહૂદીઓની પંગત જુદી રાખવામાં આવી અને દરેકને ઉંમર પ્રમાણે ક્રમવાર જમવા બેસાડ્યા.
બધા ભાઈઓ અને યૂસફના મહેલનાં બધાં સાથે બેસીને ખૂબ આનંદથી જમ્યાં. ભાઈઓ તેમના પર ઘડીમાં થતી
સખતાઈ તેમ જ ઘડીમાં મળતા માન બદલ વિચારમાં પડી ગયા. તેમને કોઈ જાતનો ભેદ સમજાતો નહીં. યૂસફના
મહેલનાં સર્વ માણસો યૂસફના આવા વિચિત્ર વર્તનથી તરેહ તરેહની વાતો કરવા લાગ્યાં.
જમ્યા પછી, ભાઈઓની ગૂણો અનાજથી છલોછલ ભરી દેવા અને નાનાભાઈની ગૂણમાં પોતાનો ચાંદીનો
પ્યાલો મૂકવા યૂસફે હુકમ કર્યો. યૂસફના હુકમનો અમલ કરવામાં આવ્યો. ભાઈઓએ અનાજ માટે પોતાનાં નાણાં
ચૂકવી દીધાં. છેવટે બધા ભાઈઓ પોતાનું અનાજ ગધેડા પર લાદી, પ્રધાન સાહેબનો આભાર માનીને વતન તરફ
ચાલતા થયા.
તેઓ થોડે દૂર ગયા પછી યૂસફે પોતાના કારભારીને હુકમ કર્યો કે, ‘મારતે ઘોડે તે જુવાનોનો પીછો પકડ
તેમને કહે કે, તમે ભલાઈનો બદલો ભૂંડાઈથી કેમ વાળ્યો? મારા માલિક શુકન પણ જોઈ શકે છે, એ શું તમે નથી
જાણતા? તેમનો શુકન જોવાનો ચાંદીનો પ્યાલો તમે ચોરી લીધો છે. માટે જેની પાસે તે પ્યાલો હશે તેણે પ્રધાનના
ગુલાબ બનવું પડશે.’
પ્રધાનના આ વિચિત્ર વર્તનથી કારભારી વિચારમાં પડી ગયો પણ તેને પોતાના માલિકના હુકમનો અમલ
કરવો જ રહ્યો. ઝપાટાબંધ તેણે યહૂદી જુવાનોનો પીછો પકડ્યો. ભાઈઓ થોડે દૂર પહોંચ્યા હતા, એટલામાં પાછળથી
કોઈને મારતે ઘોડે પોતાના તરફ આવતો તેઓએ જોયો. જરૂર કોઈ ભય પોતાના પર તોળાઈ રહ્યો છે, એ વિચારથી
સૌ ભયભીત બની ગયા. થોડીવારમાં કારભારી નજીક આવી પહોંચ્યો.
‘સાવધાન,’ કહી તેણે પોતાનો ઘોડો તેઓની પાસે થંભાવ્યો.
‘નિમકહરામ પરદેશીઓ, તમે ભલાને બદલે ભૂંડું કર્યું? મારા માલિક શુકન પણ જોઈ શકે છે, એનું શું
તમને ભાન ન હતું? તેમનો શુકન જોવાનો ચાંદીનો પ્યાલો તમે ક્યાં છૂપાવ્યો છે? યાદ રાખો, જેની પાસેથી તે પ્યાલો
જડશે, તેણે મારા માલિકના ગુલામ બનવું પડશે, સમજ્યા?’
કારભારીની વાણી સાંભળી ભાઈઓના હોશકોશ ઉડી ગયા. પોતાના પર થયેલા જાૂઠ્ઠા આક્ષેપથી ભાઈઓ
હેબતાઈ ગયા.
‘સરકાર, આ વાત બિલકુલ માનવા યોગ્ય નથી. જે નાણું અમારી ગૂણોમાં ભૂલથી આવી ગયું હતું તે અમે
પ્રમાણિકપણે પાછું લઈ આવ્યા, તો પ્રધાનજીના સોનારૂપાની ચોરી અમે કેમ કરી શકીએ? એક ભાઈએ માર્મિક
અવાજે કહ્યું.’
‘છતાં આપને અવિશ્વાસ હોય, તો અમારી તપાસ કરવામાં આવે. તપાસમાં જેની પાસેથી ચાંદીનો પ્યાલો
મળે તે માર્યો જાય અને બાકીના અમે બધા આપના ગુલામ થઈ જઈશું,’ બીજાએ કહ્યું.
‘ભલે તમે કહ્યું તેમ, જેની પાસેથી પ્યાલો જડે તે મારા ધણીનો ગુલામ થાય,’કારભારીએ કહ્યું.
પછી દરેકની ગૂણો તપાસવામાં આવી તો બિન્યામીનની ગૂણમાંથી ચાંદીનો પ્યાલો મળી આવ્યો. તે જોતાં
જ બધા ભાઈઓના હોશકોશ ઉડી ગયા. પોતાના પર આવી પડેલી અણધારી આફતને લીધે, તેઓએ પોતાનાં વસ્ત્રો
ફાડ્યાં અને કારભારીની પાછળપાછળ પ્રધાન પાસે પાછા આવ્યા. તેઓ હવે બહુ દુઃખી બની ગયા હતા. પોતે કરેલાં
પાપ તેમને યાદ આવતાં હતાં અને હવે તેઓ ફરી એવાં કૃત્યો કદી કરશે નહીં એવો તેમણે મનોમન નિશ્ચય કર્યો.
ખાસ કરીને યૂસફની વાત તેમનાં મનોને ખૂબ કોર્યા કરતી.
પાછા આવેલા ભાઈઓને પ્રધાન સમક્ષ રજુ કરવામાં આવ્યા. પ્રધાનને જોતાં જ ભાઈઓએ રડમસ ચહેરે
ભૂમિ પર ઉંધા પડી પોતાનો શોક વ્યક્ત કર્યો.
‘તમે આ શું કર્યું? ભલાઈનો બદલો ભૂંડાઈથી વાળ્યો? શું તમે નથી જાણતા કે હું શુકન જોઈ શકું છું?’
પ્રધાને કહ્યું.
‘નામદાર, અમે હવે પોતાને નિર્દોષ કેવી રીતે કહીએ? અમારાં ભૂંડાં કામ ઈશ્વરે શોધી કાઢ્યા છે. અમે
બધા આપના ગુલામ બની જઈશું.’ એક ભાઈએ નમ્ર ભાવે કહ્યું.
‘ના, ના, એમ તો નહીં, માત્ર જે ગુનેગાર હોય તે જ મારો ગુલામ થાય. તમે બધા જઈ શકો છો,’પ્રધાને
હુકમ કર્યો.
પ્રધાનના શબ્દો સાંભળતાં જ ભાઈઓનાં હૃદય ચીરાઈ ગયાં. એટલામાં યહૂદા આગળ આવ્યો. તે ખૂબ
દુઃખી જણાતો હતો. યૂસફ પાસે આવતાં જ તેનાથી ડૂસકું ભરાઈ ગયું.
‘સરકાર, કૃપા કરીને આપના દાસને થોડું બોલવાની રજા આપો.’ યહૂદાએ વિનંતી કરી. યૂસફ મૌન
રહ્યો.
‘આપ ફારૂનના સરખા છો. માટે આપને રોષ ન ચઢે એવી હું પ્રાર્થના કરું છું. સરકાર, આપે અમને પૂછયું
હતું કે તમારે બાપ અથવા ભાઈ છે? અને અમે આપને જણાવ્યું હતું કે, અમારે ઘરડો બાપ છે અને એક નાનો ભાઈ
પિતાની પાસે છે. તે જ તેમનો વહાલો દીકરો છે. આપે તેને અહીં લઈ આવવા તાકીદ કરી હતી. સરકાર, અમારા
પિતાને ઘડપણના બે દીકરા હતા. તેમાંથી મોટા દીકરાને જંગલમાં કોઈ જંગલી જાનવરે ફાડી ખાધો એવું તે જાણે છે.
એ દીકરાના મૃત્યુને લીધે, તેના જીવનમાંથી શાંતિ નષ્ટ થઈ ગઈ છે. હવે બીજા સૌથી નાના દીકરાને તે નહીં જુએ તો
તેના આઘાતથી તે નક્કી શોકમાં માર્યો જશે. વળી અમે આપના હુકમથી તેને અહીં લઈ આવ્યા છીએ. હું તેનો... તેનો
જામીન થયો છું... માટે અમારું ભલું ઈચ્છતા હો.....તો....તો..... કૃપા કરીને તેને..... છોડી દો. સરકાર, અમારા
નાનાભાઈને છોડી દો....’ કહી યહૂદા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.
યહૂદાના કરુણ આક્રંદથી આજુબાજુનું વાતાવરણ ગમગીન બની ગયું. આ દૃશ્ય જોઈ અન્ય લોકોની
આંખ ભીની થઈ ગઈ. પ્રધાન યૂસફ એકદમ ગળગળો થઈ ગયો. તેણે આ ભાઈઓ સિવાય બીજાં બધાંને એકદમ
સ્થળ છોડી જવા હુકમ કર્યો. હુકમની સાથે જ આજુબાજુના લોકો ત્યાંથી ચાલ્યા ગયા. બધાંના ગયા બાદ યૂસફની
આંખોનાં આંસુ રોક્યાં રોકાયાં નહીં.
‘પ્રિય ભાઈઓ...., હું તમારો ..... તમારો ભાઈ યૂસફ છું.’ કહી તે ચોધાર આંસુએ રડી પડ્યો.
યૂસફનું નામ સાંભળતાં જ બધા જાણે સ્વપ્નમાં ન હોય તેમ બેબાકળા બની જોઈ જ રહ્યા. યૂસફ તેઓની
નજદીક આવ્યો. તેણે પોતાના માથા પરનો મુગટ ઉતારી લીધો.
‘હું યૂસફ છું. યૂસફ..... જેને તમે ગુલામ તરીકે વેચી દીધો હતો,’ એમ કહી યૂસફ નાના ભાઈ બિન્યામીનને
ભેટી પડ્યો.વર્ષો બાદ મળેલા બંને ભાઈઓ ઉષ્માભર્યા પ્યારથી ભેટ્યા અને ખૂબ રડ્યા. માં વિનાના ભાઈઓનો
પ્રેમ અહીં ભરપૂર વહી જતો હતો. પછી યૂસફ દરેક ભાઈઓને ભેટ્યો અને ખૂબ રડ્યો. યૂસફને જોઈ દરેક
ભાઈઓને પોતાનાં કાળાં કૃત્યો બદલ અફસોસ થવા લાગ્યો. દરેકનાં મોં યૂસફ આગળ શરમથી ઝૂકી ગયાં.
‘ભાઈઓ, હું મિસરમાં એક ગુલામ તરીકે વેચાઈ ગયો હતો પણ ઈશ્વરે મને સ્વપ્નપતિ બનાવ્યો હતો.
જેના પ્રતાપે હું મિસરના પ્રધાનપદે પહોંચી ગયો. તમે બિલકુલ દિલગીર થશો નહીં. તમે મને ગુલામ તરીકે વેચ્યો ન
હોત તો હું આ દેશમાં આવત પણ ક્યાંથી! એ તો ઈશ્વરની યોજના છે. આ દુકાળના સમયમાં તમારો જાન બચાવવા
ઈશ્વરે મને અગાઉથી આ દેશમાં મોકલી દીધો હતો. શું પિતાજી જીવે છે?’
‘હા, તે હજી તારી યાદમાં દિવસો વિતાવી રહ્યાં છે,’ બિન્યામીને ઉત્તર વાળ્યો.
‘તો ભાઈઓ, હવે તમે ઉતાવળે ઘેર જાઓ, અને પિતાજી તથા ઘરનાં બધાં માણસોને તથા ઢોરઢાંખરને
અહીં લઈ આવો. હજુ દુકાળનાં પાંચ વર્ષ બાકી છે. તે દરમ્યાન હું તમને આ દેશમાં જોઈતાં સુખસગવડ પૂરાં
પાડીશ,’ યૂસફે કહ્યું.
જે ભાઈને પોતે માર માર્યો હતો અને ગુલામ તરીકે વેચી દીધો હતો, તેનો અનહદ પ્રેમ જોઈ ભાઈઓનાં
હૈયાં આનંદથી ઉભરાઈ ઊઠ્યાં. યૂસફના ભાઈઓની વાત ફારૂન રાજાને કાને પહોંચી. ફારૂન રાજાએ યૂસફના
પિતાના કુટુંબકબીલાને મિસર દેશમાં લાવવા માટે જે વસ્તુની જરૂર પડે તે આપવા કહ્યું. યૂસફે ભાઈઓ સાથે સો
બળદ ગાડાં મોકલાવ્યાં અને દરેક ભાઈઓને નાણું તેમ જ એક એક જોડ કપડાં આપ્યાં. તેણે બિન્યામીનને ત્રણસો
રૂપાના સિક્કા તથા પાંચ જોડ વસ્ત્ર આપ્યાં. પોતાના કુટુંબ માટે ઉત્તમ વસ્તુથી લાદેલાં દસ ગધેડાં અને માર્ગમાં
ભાઈઓના આહાર માટે મિસરી ખોરાકથી લાદેલી દસ ગધેડીઓ આપી. યૂસફનો અનહદ પ્રેમ અને તેના તરફથી
મળેલી ભેટો લઈ અગિયાર ભાઈઓ આનંદથી કનાન દેશને રસ્તે પડ્યા.
૧૦
ઈઝરાયલ મિસરમાં
ઘણા વખતથી ઈઝરાયેલ મિસર ગયેલા દીકરાઓની રાહ જોઈ રહ્યો હતો પણ તેઓનો કોઈ પત્તો ન હતો.
પ્રાણસમા પુત્ર બિન્યામીન વિના તો ઇઝરાયેલ રોજ જીવ બાળ્યા કરતો.
‘પ્રભુ, મારા બિનુને તું જરૂર સંભાળજે યૂસફ નથી, અને પેલો યહૂદા બિન્યામિનને પણ લઈ ગયો. એણે
બિચારાએ માનો પ્રેમ પણ ક્યાં અનુભવ્યો. બિનું, તુ જરૂર પાછો આવજે તારા વિના હું કેમ કરી જીવીશ?’
આમ દીકરાઓની વાટ જોતાંજોતાં ઘણા દિવસો વિતી ગયા. કેટલાય વટેમાર્ગુઓને ઇઝરાયેલે પૂછપરછ
કરી જોઈ પણ કંઈ જ સમાચાર ન મળ્યા. ઇઝરાયેલને મન હવે ઘડીઓ દિવસ અનેે દિવસો મહિના જેવા લાગવા
માંડ્યાં. નિરાશ અને ચિંતામાં દિવસો વિતાવતો ઇઝરાયલ એક વહેલી સવારે ટેકરી પર બેસી તે દૂર નજર કરી રહ્યો
હતો. અચાનક કોઈ અવાજ તેના સાંભળવામાં આવ્યો. કાન માંડીને તેણે અવાજ સાંભળ્યા કર્યો. જાનવરોના કોટે
બાંધેલા ઘુઘરાઓનો અવાજ ખણખણ થતો હતો. અવાજ ધીમે ધીમે વધવા લાગ્યો અને સામેનું દૃશ્ય જોતાં જ
ઇઝરાયેલના મનમાં ફાળ પડી.
‘સાવધાન સાવધાન’એવી બૂમો તેના મુખમાંથી નીકળી પડી. તંબૂની આસપાસ કામે વળગેલાં લોકો
એકદમ ત્યાં દોડી આવ્યાં. તંબૂમાં ભરાયેલી સ્ત્રીઓના રક્ષણ ખાતર તંબૂની આસપાસ પહેરો લાગી ગયો. ટોળે
વળેલાં લોકો ધારીધારીને દૂરથી આવી રહેલી મોટી જમાતને નિરખી રહ્યાં હતાં. ઇઝરાયેલે લોકોને સાવધ થવા ફરી
એલાન કર્યું. લોકો તરત જ પોતપોતના હાથમાં હથિયારો લઈ તૈયાર થઈ ગયાં. કોઈ પરદેશીઓનું ધાડું આવી રહ્યું
હોય તેમ જણાતું હતું.વળી દુકાળના કારમા દિવસો ભૂલ્યા ભૂલાય નહીં તેવા હતા. ઇઝરાયેલનો સંઘ એકી નજરે
સામે તાકી રહ્યોે હતો.
તેવામાં દૂરથી બિન્યામીન દોડીને આવતો નજરે પડ્યો. તેને જોતાં જ લોકોને આશ્ચર્ય થયું! પુત્રને જોતાં જ
ઇઝરાયેલ ભાન ભૂલી ગયો અને તેણે સામે દોટ મૂકી. હર્ષઘેલા બાપદીકરો રસ્તામાં જ સામસામે દોડી એકબીજાને
પ્રેમથી ભેટી પડ્યા. એટલામાં ઇઝરાયેલના માણસો ત્યાં આવી પહોચ્યાં. ઇઝરાયેલ પુત્રની પાસે જ રોકાઈ ગયો
અને પોતાના માણસોને આગળ કૂચ કરી જવા આજ્ઞા કરી. ઇઝરાયેલનો હુકમ થતાં જ કેટલાય લોકો આગળ ચાલી
નીકળ્યા જ્યારે થોડા ઘણા ઇઝરાયેલ અને બિન્યામીનના રક્ષણ અર્થે રોકાઈ ગયા.
‘શું છે દીકરા,તારા ભાઈઓ ક્યાં ગયા, તને તો કંઈ નથી થયું ને?’ બિન્યામીનને હાથોમાં જકડી રહેલા
ઇઝરાયલે ઉપરાઉપરી પ્રશ્નો પૂછયા.
‘પતાજી, પિતાજી, મોટા ભાઈ ....યૂસફ....જીવે છે.’ તેણે બોલવાનો પ્રયાસ કર્યો. ઇઝરાયેલ યૂસફનું
નામ સાંભળતાં જ ચોંકી ગયો.
‘બેટા, પાગલ તો નથી થઈ ગયો ને. અરે, મારા દીકરાને શું થઈ ગયું?’ ઇઝરાયેલે બિન્યામીનને માથે હાથ
દેતાં ઉદ્ગાર કાઢ્યાં.
‘સાચું કહું છું....બાપુ, તમે....નહી માનો.પણ,પણ યૂસફ જીવે છે,’ બિન્યામીને હાંફતા હાંફતા કહેવા
માંડ્યું.
હર્ષના આવેગથી છલકાતા બિન્યામીનને ઇઝરાયેલ ગાંડા જેવો ધારી તાકી રહ્યો.
‘તને કોણે ભરમાવ્યો, દિકરા?’ ઇઝરાયલે પૂછયું.
એટલામાં સામેથી આવી રહેલી જમાત લગભગ નજદીક આવી પહોંચી. ઇઝરાયલ ચોંકી ઊઠ્યો અને
બિન્યામીનને ઊંચકી ઊભો થઇ ગયો. બાપની ગોદમાં રહેલો બિન્યામીન હર્ષઘેલો બની ગયો હતો. ભયથી ધ્રુજતા
ઇઝરાયલે સામે નજર કરી તો પુરુષોથી ભરાયેલાં બળદગાડાં તેની લગોલગ આવી પહોંચ્યાં હતાં. ઇઝરાયલ ત્યાંથી
નજર હટાવે તે પહેલાં તો લોકો ગાડાંઓમાંથી કૂદી કૂદીને તેની તરફ દોડવા લાગ્યા. તેમાંના દસ જુવાનોએ તો હદ
કરી નાંખી. સૌથી આગળ દોડી તેઓ ઇઝરાયલ સમીપ આવી પહોંચ્યા. તેઓના મુખાર્વિંદ ઉપર આનંદની ઊર્મિઓ
ઊભરાતી હતી. તેઓને જોતાં જ ઇઝરાયલનો ભય હર્ષમાં પલટાઇ ગયો. તે દસ જુવાનોે તો તેના જ પુત્રો હતા.
‘પિતાજી, યૂસફ જીવે છે!’
‘અને એ મિસરનો વડો પ્રધાન છે!’
‘તે આપણને બધાંને ત્યાં બોલાવે છે!’
એમ તેઓ એક પછી એક કહેવા લાગ્યા. ઇઝરાયલ આ બધું સાંભળી આશ્ચર્યચકિત બની ગયો. ભાઇઓએ
તેને યૂસફે મોકલાવેલો બધો માલસામાન બતાવ્યો. ઇઝરાયલ આ બધું જોતાં જ ગાંડો ગાંડો થઇ ગયો. તેની આંખમાંથી
હર્ષાંસુ મુક્તપણે રેલાવા લાગ્યાં.
‘હે મારા પિતૃઓના પ્રભુ તું દુઃખીજનનો બેલી છે. આજે તેં મારા જીવનનું બધું દુઃખ લઇ લીધું છે. તેં મને
ઘરડે ઘડપણ ભારે દિલાસો દીધો છે. જીવનમાં કદી નહીં અનુભવેલો આનંદ તેં મને આજે આપ્યો છે. મારો વહાલો
પુત્ર જે ખોવાઇ ગયો હતો, તે મને પાછો મળ્યો છે. જે મૂએલો હતો તે ખરેખર સજીવન થયો છે,’ ઇઝરાયલે ઇશ્વરની
સ્તુતિ કરી.
પછી તેણે બધો સામાન ઉપાડી ગાડાંઓમાં ભરવા તથા ટૂંક મુદતમાં મિસર દેશમાં જવા લોકોને જાહેરાત
કરી. આમ એકાએક થયેલી જાહેરાતથી લોકોને નવાઇ ઊપજી. તે દિવસે ભાઇઓએ પોતાને મિસરમાં વિતેલી
કથની કહી સંભળાવી. સંઘનાં બધાં લોકો તે સાંભળીને અજાયબ થઇ ગયાં.
તે જ રાત્રે ઇશ્વરના દૂતે ઇઝરાયલને દર્શન દેતાં કહ્યું કે, ‘તું મિસરમાં જતાં ગભરાઇ નહીં. ત્યાં હું તારી
અને તારાં સંતાનોની સાથે હોઇશ. ત્યાં તારાથી એક મોટી પ્રજા ઉત્પન્ન થશે. એ પ્રજાને એક દિવસે હું મિસરમાંથી
અહીં તેમના વચનના દેશમાં પાછી લાવીશ.’ ઇઝરાયલનું દર્શન પૂરું થયું અને તેનો આત્મા પ્રભુના દર્શનથી દૃઢ થયો.
આખી રાત કામ કરીને લોકોએ ઇઝરાયલના કબીલાનો બધો સામાન ગાડાંઓમાં ભરી દીધો. વહેલી
સવારે તેઓ પોતાના ઘોડા અને ઊંટો પર સવાર થઇ માલસામાનવાળાં ગાડાં હાંકવા તૈયાર થયા. એક ગાડામાં
કેવળ સ્ત્રીઓને જગા અપાઇ હતી. બધાંએ છેલ્લી નજર પોતાની માતૃભૂમિપર કરી ત્યારે ઇઝરાયલની આંખો
ભીની થઇ ગઇ. તેણે કબીલા માટે આખરી પ્રાર્થના કરી.
આખરે યહૂદી લોકો કુટુંબકબીલા અને સરસામાન સાથે પોતાનું વતન છોડી, મિસર દેશની સફરે ચાલી
નીકળ્યાં. જેમજેમ માર્ગ કપાતો તેમ તેમ તેમનું વતન દૂર ને દૂર ચાલ્યું જતું. વતનથી વિખૂટા પડતાં કોને દુઃખ ન
થાય! પણ સૌના હૈયામાં એક આનંદ હતો. વર્ષોથી દૂર રહેલા સ્વપ્નપતિ યૂસફને જોવાની સૌને તાલાવેલી લાગી
હતી. એ ખુશીમાં સૌ ગીતો ગાતાંગાતાં અને ખુશી પોકારતાં રસ્તો કાપતાં હતાં. એમ આનંદમાં અને આનંદમાં માર્ગ
ઝડપથી કપાઇ ગયો. હવે દૂરથી પિરામિડોની ટોચ અને મહેલના બુરજો નજરે પડવા લાગ્યા. ગાતાં ગાતાં મિસરની
સીમોમાં તેઓએ પ્રવેશ કર્યો. રસ્તામાં દૂરથી એક રાજરથ આવતો સૌની નજરે પડ્યો. તે યૂસફનો રથ હતો. પિતાને
મળવા અધીરો બનેલો પુત્ર રથ જોડી અધવચ્ચે આવી પહોંચ્યો.
ઇઝરાયલની જમાત થંભી ગઇ. ઇઝરાયલ ઊંટ પરથી ઊતરી આગળ આવી ઊભો. ઇઝરાયલને દૂરથી જોતાં જ
યૂસફે પોતાનો રથ થંભાવી દીધો અને દોડીને પિતાજીને ભેટી પડ્યો.
‘પિતાજી, હું અહીં ગુલામ તરીકે વેચાઇ ગયો હતો. મને અહીં ઘણાં ઘણાં દુઃખો વેઠવા પડ્યાં. બાપુજી, ઇશ્વરે મારી
મદદ કરી અને... અને... કહેતાં તેની આંખોમાંથી આંસુ સરી પડ્યાં. આજે જુઓ ને, હું મિસરનો પ્રધાન બની ગયો છું. એ સર્વ
તમારો જ આશીર્વાદ છે ને! બાપુજી, આજે વર્ષો પછી તમને મળ્યો!’ પિતાના પ્રેમમાં લીન બનેલો યૂસફ ઇઝરાયલને વળગી
રહ્યો.
‘દીકરા, તું મળ્યો એ જ મારો મોટામાં મોટો આનંદ છે. ઇશ્વર તને આયુષ્યના સર્વ દિવસોભર સુખી
રાખો,’ કહી ઇઝરાયલે યૂસફને આશીર્વાદ આપ્યો.
વર્ષો બાદ મળેલા પિતાપુત્રનો પ્રેમ હર્ષાંસુઓ રૂપે છલકાઇ રહ્યો હતો. તેમના મિલનમાં આજે વર્ષોની
ઇંતેજારીનો અંત આવ્યો. પછી બધાં યૂસફ પાસે દોડી આવ્યાં. બધાંએ નીચા નમીને તેને નમસ્કાર કર્યા. ત્યારે
ઇઝરાયલ, યૂસફ અને સર્વ ભાઇઓને સૂર્ય, ચંદ્ર અને અગિયાર તારાવાળું યૂસફનું સ્વપ્ન યાદ આવ્યું. બધાંને મળી
રહ્યા પછી યૂસફ પોતાના ભાઇઓમાંથી પાંચને તથા પિતાજીને લઇ ફારૂન રાજા પાસે ગયો. રાજાએ સૌનો માનભર્યો
સત્કાર કર્યો. ઇઝરાયલને તો પોતાના પિતાસમ વડીલ ગણી રાજાએ માન આપ્યું અને બનતી બધી મદદ કરવા
વચન આપ્યું.
ફારૂન રાજાએ તેઓને મિસરનો ગોશેન નામનો ઉત્તમ પ્રદેશ રહેવા માટે આપ્યો. તેઓ ભરવાડ હોવાથી
રાજ્યના હવાલાનાં પશુઓ પણ તેમને સોપ્યાં. ઇઝરાયલે ફારૂન રાજાનો ખૂબ આભાર માન્યો અને તેને ઇશ્વરના
નામે આશીર્વાદ આપ્યો.
ત્યાર પછી યૂસફ, તેની પત્ની તથા તેના પુત્રો ઇઝરાયલના કુટુંબકબીલાને વળાવવા ગયાં. માર્ગમાં
ઇઝરાયલી સંઘ થોભ્યો હતો, ત્યાં એક સુંદર ઝાડ નીચે યૂસફનો રથ સ્થિર થયો. તેમાંથી યૂસફનું કુટુંબ તેના પિતા
તથા પાંચ ભાઇઓ ઊતર્યા. ઇઝરાયલની આજ્ઞા અનુસાર તેમને ગોશેન પ્રદેશ તરફ પ્રયાણ કર્યું. સો બળદગાડાં
અને હજારોની સંખ્યામાં જાનવરોની જમાત નજરે પડતી હતી. ગાડાંમાં ખીચોખીચ ભરાયેલાં ઇઝરાયલનાં માણસો
આનંદની કિલકારીઓ કરી હાથ બતાવી રહ્યાં હતાં. સુંદર ઝાડ નીચે ઊભાં રહેલાં યૂસફ, તેની પત્ની અને તેના બે
પુત્રો તેઓને દૂર સુધી જતાં જોઇ રહ્યાં.