ચકલીનો માળો Ashwin Chandarana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

ચકલીનો માળો

ચકલીનો માળો-અશ્વિન ચંદારાણા

ગોવિંદરાયે ચાલુ રિક્ષાએ બહાર નજર દોડાવી. રસ્‍તો તો આ જ હતો, પણ પાટિયું ક્‍યાંય નજરે પડતું ન હતું. એ થોડા મૂંઝાતા હતા. રિક્ષામાં બેસતી વખતે ડ્રાઇવરે પૂછેલું પણ ખરું, કે ક્‍યાં જવું છે? પણ ‘કહેવું કે ન કહેવું'ની અવઢવમાં એ જગ્‍યાનું નામ લઈ શકતા ન હતા, એટલે ખાલી ‘બ્રિજની પેલી બાજુ’ કહીને રિક્ષામાં બેસી ગયા હતા.

બ્રિજ પૂરો થયા પછી ડ્રાઇવરે રિક્ષા ધીમી પાડીને આગળના અરીસામાંથી ગોવિંદરાયને આંખોના ઇશારે આગળનો રસ્‍તો પૂછ્‍યો, ત્‍યારે પણ એમણે ‘જમણી બાજુ વાળી લે...’ કહીને પતાવ્‍યું હતું. ડ્રાઇવરે રિક્ષા મારી મૂકી એટલે એમણે પાછળથી હાથ લંબાવીને તેનો ખભો પકડીને ‘જરા ધીમે ચલાવજે...’ કહીને રસ્‍તા પરનાં મકાનોનાં પાટિયાં વાંચવાની શરૂઆત કરી દીધી.

‘લગભગ તો... જમણી બાજુ જ હતું મોટાભાગે તો...’ એ વિચારવા લાગ્‍યા. વારંવાર રસ્‍તાની બંને બાજુનાં પાટિયાં વાંચવાની તેમની કોશિશ કળી જઈને ડ્રાઇવરે ફરીથી ભારપૂર્વક પૂછ્‍યું, ‘કાકા, ક્‍યાં જવું છે એ કહો તો હમણાં પહોંચાડી દઉં...’

‘તું તારે ધીરે-ધીરે આગળ વધને ભાઈ, કહું છું હમણાં આવે એટલે...’ કહેતાં એમણે પાટિયાં વાંચવાનું ચાલુ રાખ્‍યું. ‘ક્‍યાં જવું છે એ ડ્રાઇવરને કહેવામાં વાંધો શો?’ ઘડીભર એમને થઈ આવ્‍યું. ‘એ ક્‍યાં મારો કોઈ સગો-વહાલો થાય છે કે સંકોચ થાય છે મને...!’

એમણે વારંવાર પાછળ ફરીને સામે જોતા ડ્રાઇવર સામે ઘડીભર માટે સંકોચભરી નજર મેળવી-ન મેળવી, અને નીચું જોઈ ગયા.

ડ્રાઇવર એમની આ ચેષ્ટાથી કંટાળીને ફરીથી રસ્‍તા પર નજર રાખીને ધીમે-ધીમે રિક્ષા ચલાવતો રહ્યો. રસ્‍તો તો લગભગ સૂમસામ થવા આવ્‍યો હતો. બજારનો ભાગ તો ક્‍યારનોયે પૂરો થઈને હવે તો રહેણાક વિસ્‍તાર શરૂ થઈ ગયો હતો. ગોવિંદરાય કંઈક અસમંજસમાં હજુ પણ રિક્ષામાંથી ડાબે-જમણે જોતાં-જોતાં પાટિયાં વાંચતા હતા.

‘કાકા, પાકું સરનામું છે ને તમારી પાસે...?’ કંટાળાભર્યા અવાજે ડ્રાઇવરે ફરી એક વખત પ્રયત્‍ન કરી જોયો. પણ એના પ્રશ્નનો જવાબ આપવાને બદલે ગોવિંદરાયે તેના ખભા પર ફરીથી હાથ મૂક્‍યો. ‘એમ કર, ઊભી રાખ. જરા આ પાનના ગલ્લે પૂછી જોઉં...’

જલદી છૂટકારો મેળવવાના ઇરાદે ડ્રાઇવરે રિક્ષાને ઝટ ઊભી રાખી દીધી. બેગ રિક્ષામાં જ રહેવા દઈને ગોવિંદરાય ઊતર્યા. ‘કોને પૂછવું...? આ સામે ગલ્લાવાળાને...? તો પછી ડ્રાઇવરને કહેવામાં શું વાંધો હતો?’ એમણે પાછા વળીને ડ્રાઇવર સામે જોયું તો ડ્રાઇવરની આંખમાં ડોકાતા એ જ પ્રશ્ને એમને પાછા વાળ્‍યા. હજુ ડ્રાઇવર સાથે કદાચ આગળ જવું પડે. થોડી વધારે વાર કદાચ એની સાથે રહેવું પણ પડે... ના, ડ્રાઇવરને નથી કહેવું...

ઉતાવળી ચાલે એ પાનના ગલ્લે પહોંચ્‍યા. ‘ભાઈ... આ કેશવરામ ભૂદરજી ટ્રસ્‍ટનું મકાન...’ પાનવાળા સામે આંખ મેળવવાને બદલે એમણે પાનવાળાના પાન બનાવતા હાથ સામે જોઈને ધીરેથી પૂછ્‍યું. પૂછતાંની સાથે પાછું વળીને રિક્ષાવાળાએ સાંભળ્‍યું તો નથી ને એની ખાતરી કરી લીધી. રિક્ષાવાળો પોતાની સીટ પર મસ્‍તીથી બેઠો હતો. એની નજર સામે સડક પર ટેકવાયેલી હતી.

પૂછતાં-પૂછતાં હજુ એમના મનમાં રહેલી અવઢવને કારણે હજુ પણ પૂરેપૂરું સરનામું પૂછી લેવાને બદલે એમણે માત્ર મકાનનું નામ આપી દીધું હતું. અધૂરું સરનામું આપવાથી કોઈ બતાવશે કે કેમ એ પ્રશ્ન તો હતો જ, પણ એમના આશ્‍ચર્ય વચ્‍ચે પાન બનાવવામાં વ્‍યસ્‍ત પાનવાળાએ પાન બનાવવાની પ્રક્રિયામાં જરા પણ ખલેલ ન પડે એ રીતે નજર ઉંચક્‍યા વગર જ જવાબ આપી દીધો, ‘રિક્ષા હજી આગળ લઈ જાવ. અડધો કિલોમીટર આગળ... બગીચા પાસે મોટા પગથિયાં આવશે... એ ઊતરી જજો... આવી જશે.’

આટલી સ્‍પષ્ટતા મળી ગઈ એટલે વધારે પડપૂછમાં પડયા વગર ગોવિંદરાય સપાટાબંધ પાછા આવીને રિક્ષામાં બેસી ગયા. રિક્ષાવાળો પ્રશ્નાર્થભરી નજરે એમની સામે જોતો રહ્યો. ‘આગળ...’ આંગળી ચીંધીને ગોવિંદરાય આરામથી સીટમાં સરકી ગયા, અને જાણે પહેલેથી જ રસ્‍તો જાણતા હોય એમ આત્‍મવિશ્વાસથી બોલ્‍યા, ‘બાગ પાસે પગથિયા છે. ત્‍યાં ઊભી રાખી દેજે.’

‘વૃદ્ધાશ્રમ જવું છે એમ કહો ને કાકા... ક્‍યારનાયે પહોંચાડી દીધા હોત. નક્કામા અહીં-ત્‍યાં ભટક્‍યા... પાછા પાનવાળાને પૂછવા રોકાયા... મને કહેવામાં કંઈ વાંધો...’

ગોવિંદરાયને ફરી એક વખત કહેવાનું મન થઈ આવ્‍યું, કે તું તારે ચલાવ ને મારા ભાઈ... બીજાની જિંદગીમાં શું માથું મારે છે -એમણે સંયમ જાળવ્‍યો. એમને તો એ પણ કહેવાનું મન થઈ આવ્‍યું, કે તું તો આ પહેલાં ઘણીએ વખત આવ્‍યો હોઈશ કોઈકને મૂકવા... હું તો આ પહેલી વખત જ... -પણ એમણે સંયમ જાળવ્‍યો.

એમના વિચારોની ગાડીને ઝટકો લાગ્‍યો. ‘વૃદ્ધાશ્રમ તો માણસ એક વખત જ આવતો હોય જિંદગીમાં. અને મોટાભાગે તો એક વખત જ બહાર નીકળતો હશે! જીવનના અંતે... અને વચ્‍ચેનાં વર્ષો વૃદ્ધાશ્રમની એકલતામાં ગાળી નાખતો, ઓગાળી નાખતો હશે, એમ જ... જો કે... એકલતા શાની વળી! આ થોડી કંઈ જેલ છે, કે બહાર નીકળવા ન મળે! પાનવાળાના કહેવા મુજબ તો પાસે જ બાગ છે. એ...ય ને મજાના સાંજે બાગમાં બેસીને વાતો થતી હશે વળી...! ને આ અડધોએક કિલોમીટરમાં જ પાનવાળાની દુકાન સુધી ટહેલવા પણ અવાય અને પાન-બાન પણ ખાઈ નખાય ક્‍યારેક... બીડી-સિગારેટ... આ કંઈ સજા થોડી છે!? અને હું તો મારી મરજીથી અહીં આવ્‍યો છું. કોઈ મજબૂરી થોડી હતી મારે કંઈ? મારે ક્‍યાં ઘર નથી! મારે ક્‍યાં કુટુંબ નથી!’

ફરી એક વખત એમના વિચારોને ઝટકો લાગ્‍યો. આ વખતે ઝટકો કદાચ ઘર-કુટુંબના વિચારોને કારણે નહીં, પણ રિક્ષાને લાગેલી સજ્જડ બ્રેકને કારણે લાગ્‍યો હતો કદાચ!

‘કાકા, બાગ આવી ગયો. પગથિયા સુધી લઈ લઉં? કે પછી હજુ થોડે આગળ નીચે ઊતરવાનો રસ્‍તો છે, ત્‍યાંથી વૃદ્ધાશ્રમના બારણા સુધી લઈ લઉં...’ ડ્રાઇવરની આંખોમાંના સૂચક પ્રશ્નને અવગણીને ગોવિંદરાય કંઈ પણ બોલ્‍યા વગર રિક્ષામાંથી ઊતરી ગયા. બેગ બહાર કાઢીને નીચે મૂકી. ડ્રાઇવર સામે જોવાને બદલે એ રિક્ષાના મીટર સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા. રિક્ષા-ભાડા કરતાં એમને રિક્ષાવાળા સામે નજર ન મેળવવામાં વધારે રસ હતો.

‘પાંત્રીસ રૂપિયા...’ ડ્રાઇવરે પણ એમની સામે નજર માંડયા વગર કહ્યું. ગોવિંદરાયને થોડી કચકચ, થોડી રકઝક કરવાનું મન થયું. પણ પછી ચૂપચાપ પૅન્‍ટના ખિસ્‍સામાંથી ચામડાનું પાકીટ કાઢી રિક્ષાવાળાને પાંત્રીસ રૂપિયા પકડાવી દીધા. ‘ક્‍યાં વારંવાર આવ-જા કરવાની છે અહીંથી...!’ પાંત્રીસ રૂપિયા ગજવામાં સેરવી ડ્રાઇવરે રિક્ષા ચાલુ કરી. ગોવિંદરાય ત્રાંસી નજરે રિક્ષા સામે જોઈ રહ્યા. એમની અપેક્ષાથી વિપરીત રિક્ષા ડ્રાઇવરે એક વખત પણ પાછું વળીને એમની સામે જોયું નહીં.

‘મારા પોતાનાઓએ પણ એકાદ વખત પાછું વાળીને જોયું નથી તો પછી... એ શું કામ જુએ...!’ એવા વિચારને પ્રયત્‍નપૂર્વક પાછો હડસેલી દીધો. પાછી વળીને શહેર ભણી પૂરપાટ દોડી જતી રિક્ષા પાછળ ગોવિંદરાય અનિમેષ નજરે જોતા રહ્યા, જાણે શહેર સાથેનો અંતિમ નાતો રિક્ષાના સ્‍વરૂપે છૂટી જતો હોય એમ જ! દૂર-દૂર સુધી ફેલાયેલા રસ્‍તા પર રિક્ષા સાવ નાનકડું ટપકું બની ગઈ, છેક ત્‍યાં સુધી...

ગોવિંદરાય મનોમન શહેરથી અહીં સુધીની રિક્ષા-સફ્‍રને વાગોળવા લાગ્‍યા. ‘મેં તો વૃદ્ધાશ્રમનું નામ પણ ક્‍યાં લીધું હતું એની પાસે, કે પેલા પાનવાળા પાસે પણ... તોયે એને તો જાણે ખાતરી જ હતી, કે હું અહીં જ આવવાનો છું! કે પછી... આ રસ્‍તે આવનારા બધા જ... આ રસ્‍તે ચાલનારા બધા જ...’

નીચે પડેલી બેગને એમણે જુસ્‍સાથી હાથમાં ઉંચકી લીધી. પોતે અપનાવેલા રસ્‍તા વિષે એમને ક્ષણભર દુઃખ થઈ આવ્‍યું. આમ ભર્યુંભાદર્યું ઘર છોડીને નીકળી જતાં પહેલાં એમણે જરા પણ વિચાર કર્યો ન હતો. ક્ષણિક આવેશમાં આવીને બેગ ભરીને એ ઘરમાંથી નીકળી ગયા ત્‍યારે ઘરમાં એવું કોણ હતું જે રડયું ન હોય!?

‘પણ બીજો કોઈ રસ્‍તો પણ ક્‍યાં હતો?’ એ વિચારવા લાગ્‍યા. એક પિતા તરીકે, એક પુરુષ તરીકે ઘરમાં પોતાનું સ્‍થાન જળવાતું ન હોય તો માનભેર જીવવા માટે વૃદ્ધાશ્રમ સિવાય...

‘ના...’ એમણે માથું ધુણાવ્‍યું. ‘બીજો કોઈ રસ્‍તો જ ન હતો. છોકરાં મોટાં થાય, એટલે શું? હું બાપ છું. હજુ સ્‍વસ્‍થ છું, કંઈ પથારીવશ નથી, કે આ રીતે ઘરમાં મારી અવગણના થાય! અને... હું પુરુષ છું, ક્‍યારેક...’ આગળ વિચાર કરતાં મનમાં ચાલતા વિચારોની વિરુદ્ધ મનોમન એમને થોડી શરમ આવી, થોડો સંકોચ પણ થયો, પણ...

વિચારો ફરી આગળ વધે એ પહેલાં તો હાથમાં બેગ પકડીને બાગ પાસેનાં પગથિયાં સડસડાટ ઊતરી જઈને ગોવિંદરાય ક્‍યારે વૃદ્ધાશ્રમના બારણે આવી ઊભા, એ એમને પોતાને પણ ખબર પડી નહીં!

કંપાઉંડની ડેલી ખોલીને એ અંદર પ્રવેશ્‍યા. બેગ હાથમાં જ રાખીને એમણે અંદર ચારે તરફ્‍ નજર કરી લીધી. જમણી બાજુએ આવેલી ઑફિસમાં એ ઠસ્‍સાથી પ્રવેશ્‍યા. ખૂણામાં ટેબલ પાસે એક ખુરસીમાં બેઠેલ એક વયોવૃદ્ધ માણસે એમને આવકાર્યા.

‘એવું છે ભાઈ, કે અહીં દાખલ થતાં પહેલાં કેટલીક કાર્યવાહી કરવાની હોય છે. સામાન્‍ય રીતે પહેલાં આપનું ફોર્મ ટ્રસ્‍ટીમંડળમાં મંજૂર થઈને આવે એ પછી જ...’ એ વયોવૃદ્ધ માણસ ગોવિંદરાય સાથે આદરથી વાત કરતા હતા, પણ ગોવિંદરાય એમની વાત સાંભળતાં-સાંભળતાં અકળાતા હતા.

‘શું થઈ રહ્યું છે આ દુનિયામાં! વૃદ્ધો માટે હવે વૃદ્ધાશ્રમના દરવાજા પણ બંધ થઈ ગયા છે કે શું? મારા જેવાને ઘરમાં તો ઠીક, વૃદ્ધાશ્રમમાંથી પણ જાકારો...?’ ગુસ્‍સામાં એમનો અવાજ ફાટીને ચીંથરેહાલ થઈ ગયો.

‘એવું નથી ભાઈ, પણ કાર્યવાહી તો કરવી પડે ને? તમારી ઓળખ, તમારું ફોર્મ... અને તે ઉપરાંત, તમારું મૅડિકલ ચેકપ પણ કરાવવું પડે છે...’

ગોવિંદરાયના ધૂંધવાતા ચહેરા પર ગુસ્‍સા મિશ્રિત નિરાશાના ભાવોને એ વૃદ્ધ સમજી શકતા હતા. ‘એમ કરો, છેવટે... આ ફોર્મ ભરી આપો. રાત થવા આવી છે. આવતી કાલે સવારે ટ્રસ્‍ટીને વાત કરીશું. ડૉકટર પણ સવારે આવી જશે...’

‘તો શું આજની રાત મારે ફૂટપાથ પર કાઢવી?’ ગોવિંદરાય હવે ફૂંફાડા મારી રહ્યા હતા.

‘અરે ના ભાઈ, ના. પૂરી વાત તો સાંભળો. તમારા સૂવા-જમવાની સગવડ થઈ જશે. તમે નિશ્ચિંત રહો ને!’ એ વયોવૃદ્ધ માણસ માટે આ અનુભવ કદાચ સાવ નવો ન હતો. ઘણાં વર્ષોના વૃદ્ધાશ્રમના અનુભવે કામ કરતાં-કરતાં એ પણ અહીંના રહીશોની માનસિક સ્‍થિતિથી પૂરેપૂરા વાકેફ્‍ હતા. કે પછી... એ પણ અહીંના જ રહીશ હતા!?

ગોવિંદરાયનો શ્વાસ હવે નીચે બેઠો હતો. ‘જોઈએ, નહીં તો સવારમાં બેગ લઈને ચાલતો થઈશ. આવડી મોટી દુનિયા પડી છે...’ મનમાં ચાલતા આડા અવળા વિચારોને કારણે ધ્રૂજતા હાથે એમણે ફોર્મ ભરીને આપી દીધું. વૃદ્ધ વ્‍યક્‍તિએ ગરબડિયા અક્ષરે ભરાયેલા ફોર્મ પર અછડતી નજર નાખીને ગોવિંદરાયનો સમય સાંચવી લીધો.

‘આવો ગોવિંદરાય...’ કહીને એ ઑફિસમાંથી બહાર નીકળ્‍યા. ગોવિંદરાય પણ એમની પાછળ-પાછળ બેગ લઈને નીકળ્‍યા. મેદાનમાં ઑફિસથી થોડે જ દૂર એક મકાનમાં ત્રણ નંબરની રૂમ પાસે ઊભા રહીને એમણે ગોવિંદરાયને સંબોધીને કહ્યું.

‘હાલ આજે તો તમે અહીં રહો. અહીં બે વ્‍યક્‍તિ વચ્‍ચે એક રૂમ ફળવીએ છીએ. એક ભાઈ થોડા દિવસ પછી આવવાના છે. તમને ફાવશે એમની જોડે. જમવાનું બાકી છે કે...?’

ફર્શ પર બેગ મૂકીને ગોવિંદરાય પલંગ પર બેઠા. હથેળીથી ગાદલું દબાવી જોયું, પલંગ સહિત આખો રૂમ સગવડભર્યો હોવાની ખાતરી કરી લીધી. પછી પલંગ પર લંબાવ્‍યું. પલંગ સામેની ભીંત પર ટાંગેલા મોટા આયનામાં એમને એક અજાણ્‍યો જણ લાંબા પગ કરીને બેઠેલો દેખાયો.

‘શાંતિ... કેટલી શાંતિ છે અહીં. ફાવશે... ‘ એમણે વિચાર્યું. ‘ફાવશે અહીં. કોઈ ઝંઝટ નહીં. કોઈ ઓળખાણ નહીં. કોઈ સંબંધ નહીં... કોઈ ઘરનું નહીં... ફાવશે.’

‘શું શાંતિ-શાંતિ કરો છો ગોવિંદરાય! આખો દિવસ વાતો કરવા ટેવાયેલા તમને અહીં એકલા-એકલા ફાવશે ખરું કે?’ આયનામાંના ગોવિંદરાય જરાય પોતાના નહીં એવા, કંઈક જુદા જ ભાસતા હતા. એક પછી એક ઘરનાં બધાં એમને યાદ આવતાં ગયાં. ગુસ્‍સામાં ઘેરથી નીકળ્‍યા ત્‍યારના ઘરનાં દરેકના રડમસ ચહેરા તેમની નજર સામે તરવરી રહ્યા.

‘આનંદે કેટલી કાકલૂદી કરી હતી! રડવાનું જ બાકી રહ્યું હતું! બેગ ઉઠાવવાની સાથે જ દીકરાની વહુ તો પોક મૂકીને રડી પડી હતી!’ અને એ બંનેની પાછળ ઊભેલી એમની પત્‍નીનો ચહેરો તો ગોવિંદરાયની નજર બહાર રહી શકતો જ ન હતો.

આ તબક્કે ફરી એક વાર... કે પછી કદાચ પહેલી જ વાર એમને પોતાના, વૃદ્ધાશ્રમની વાટ પકડવાના રસ્‍તાની યોગ્‍યતા ઉપર વિચાર આવ્‍યો. ‘ક્‍યાંક કંઈક ખોટું તો નથી થઈ ગયું ને અહીં આવીને... કેટકેટલાંને દુઃખ પહોંચાડીને પોતે અહીં આવી ગયા હતા એ કેટલી હદે યોગ્‍ય હતું!?’ આયનામાંના ગોવિંદરાય રહી-રહીને પૂછતા હતા.

‘યોગ્‍ય જ હતું આ પગલું! આમ જ કરવું પડે એમ હતું. નહીં તો કોઈને પડી જ ક્‍યાં હતી મારી તો...’ ફરી એક વખત એમના વિચારો ચાલવા લાગ્‍યા હતા. અને ફરી એક વખત વિચારોની ઓથે એમણે પેલી શરમની, સંકોચની લાગણી થઈ આવી.

‘તો શું થયું? હું પુરુષ છું. હજુ પણ પુરુષ જ છું હું. પુરુષને ઘરની જરૂર હોય છે, બાળકોની જરૂર હોય છે, ક્‍યારેક પત્‍નીની જરૂર હોય છે અને ક્‍યારેક... સ્ત્રીની જરૂર હોય છે પુરુષને...’ ગોવિંદરાય અવાક થઈને તકિયાના ટેકે બેઠા-બેઠા વિચારોમાં ગરકાવ થઈ રહ્યા હતા.

‘પણ ગોવિંદરાય, ક્‍યાંક ઉતાવળમાં એવું તો નથી થયું ને, કે પુરુષ હોવાની સઘન લાગણીઓને કારણે તમારામાંના એક બાપે, એક પતિએ કેટલાંયને અન્‍યાય કરી દીધો હોય. ક્‍યાંક પૌરુષની એ સઘનતાએ જ તમને આમ અહીં બગીચા પાસેનાં પગથિયાં સુધી ઊતરી જવા મજબૂર કરી દીધો હોય...! ઘરમાં કોઈને સામે બે-ચાર પગથિયાં ઊતરવા તૈયાર ન હતા તમે. કદાચ એટલે જ તો આટઆટલાં પગથિયાં ઊતરીને અહીં વૃદ્ધાશ્રમના એક કમરામાં આવીને તો નથી પડયા ને તમે!’

ગોવિંદરાય આયનામાં પડતાં પ્રતિબિંબને એકીટશે નિહાળી રહ્યા. ‘વિચારી લો ગોવિંદરાય! વિચારી લો...’ એમણે જાતે જ પ્રતિબિંબને સવાલ કરી જોયો. ‘હું હજુ એટલો તો નીચે નથી ઊતરી આવ્‍યો ને, કે પાછા ચડવું હોય તો પણ...?’

બારી બહાર ઊગેલી મધુમાલતીની ડાળીઓ વચ્‍ચે બનાવેલા માળામાં બચ્‍ચાઓની ચાંચમાં ચાંચ પરોવીને કલબલાટ કરતી ચકલીઓને ગોવિંદરાય ટગરટગર જોઈ રહ્યા. એમના ગાલ પર ગરમીથી થયેલા પરસેવાની ભીનાશ હતી કે અનાયાસ સરી ગયેલા આંસુના રેલાની ભીનાશ હતી એ આયનામાંના ગોવિંદરાય પણ જાણી ન શક્‍યા.