છે કોઈ એવો પાર્થ...? Ashwin Chandarana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

છે કોઈ એવો પાર્થ...?

અશ્વિન ચંદારાણા

એ-૨૨૮, સૌરભપાર્ક,

સુભાનપુરા,

વડોદરા-૩૯૦૦૨૩

ફોનઃ ૯૬૦૧૨૫૭૫૪૩

chandaranas@gmail.com

પ્રકાશિત પુસ્‍તકઃ રખડપટ્ટી (બાળ-કિશોર વાર્તાસંગ્રહ), બિલ ગેટ્‍સ (બાળોપયોગી જીવનચરિત્ર), અહીંથી ગયા એ રણ તરફ (પ્રખર પ્રતિબદ્ધ પત્રકાર શિવકુમાર આચાર્યના પરિચીતોનો સ્મૃતિ-સંચય સંપાદન)

આગામી પુસ્તકોઃ યાતનાઓનું અભયારણ્ય, ધ પિયાનિસ્ટ, શિન્ડલર્સ લિસ્ટ, ડૉ. ઝિવાગો (અનુવાદો) રિફ્લેક્શન્સ (ફોરમ ચંદારાણા દ્વારા ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુદિત શ્રી ડાહ્યાભાઈ પટેલ ‘દિનેશ’ની ગઝલોનો અનુવાદ સંગ્રહ, અશ્વિન ચંદારાણા સાથે સંયુક્ત સંપાદન)

  • અખંડઆનંદ, કુમાર, ઉદ્દેશ, શબ્‍દસૃષ્ટિ, કવિતા, બુદ્ધિપ્રકાશ, શબ્‍દસર, કવિ, શહિદેગઝલ, ગઝલવિશ્વ, ધબક, ભાવિક પરિષદ, કેકારવ, સુવાસ, ચિનગારી, તમન્ના, સાધના, સૌજન્‍ય માધુરી, સ્ત્રી, દિવ્‍યભાસ્‍કર, સંદેશ, લોકસત્તા, ચાંદની, સરવાણી, ગુજરાત, જેવાં પ્રકાશનોમાં ગઝલ, ટૂંકીવાર્તા, લેખ, વ્‍યંગ, વગેરે.
  • શ્રી સુરેશ દલાલ સંપાદિત કવિતા સામયિકમાં છેલ્લા દસ વર્ષોમાં પ્રગટ થયેલ કવિતાઓમાંથી ચૂંટેલ શ્રેષ્ઠ ૨૫૦ કવિતાઓના સંપાદન વિશેષાંક ઓગસ્‍ટ ૨૦૦૮
  • શ્રી મધુભાઈ કોઠારી સંપાદિત ‘દીકરી વરસતી વાદળી', ૨૦૦૭
  • શ્રી પંકજ શાહ સંપાદિત ‘ગઝલગરિમા'
  • શ્રી નટવર પટેલ સંપાદિત ‘શ્રેષ્ઠ બાળકાવ્‍યો-૨૦૦૭'
  • શબ્‍દસૃષ્ટિ બાળસાહિત્‍ય વિશેષાંક-૨૦૦૬
  • શ્રી હરીશ વટાવવાળા સંપાદિત ‘ધ્‍વની-પ્રતિધ્‍વની'
  • શ્રી દિનેશ ડોંગરે સંપાદિત શ્રી દિનેશ દેસાઈની ગઝલોના આસ્‍વાદસંગ્રહ
  • વગેરે સંપાદનોમાં સ્‍થાન.

  • બાળસાહિત્ય અકાદમી દ્વારા ‘રખડપટ્ટી' બાળ વાર્તાસંગ્રહ માટે શ્રી નગીન મોદી પ્રેરિત શ્રેષ્ઠ વિજ્ઞાન વિષયક બાળસાહિત્‍ય ૨૦૦૭ પારિતોષિક ૧૧ જાન્યુઆરી ૨૦૦૯ના રોજ અમદાવાદ ખાતે એનાયત થયો
  • શ્રી બી કેશરશિવમ આયોજિત ટૂંકીવાર્તા સ્‍પર્ધા ૨૦૦૮ પ્રોત્‍સાહન પારિતોષિક ‘શમણાની આરપાર' માટે
  • શ્રી કેદાર વ્‍યાસ સ્‍મૃતિ ફઉન્‍ડેશન આયોજિત ટૂંકીવાર્તા સ્‍પર્ધા ૨૦૦૮ પ્રોત્‍સાહન પારિતોષિક ‘હું ચોક્કસ આવીશ' માટે
  • શ્રી કેતન મુનશી સ્‍મૃતિ ફાઉન્‍ડેશન આયોજિત ટૂંકીવાર્તા સ્‍પર્ધા ૨૦૦૮ શ્રેષ્ઠ ૨૫ વાર્તાઓમાં સ્‍થાન ‘હું ચોક્કસ આવીશ' માટે
  • સાધના સામયિક આયોજિત લઘુકથા સ્‍પર્ધા ૨૦૦૬ દ્વિતીય પારિતોષિક લઘુકથા ‘ફોટોગ્રાફી’ માટે અમદાવાદ ખાતે એનાયત થયો.
  • છે કોઈ એવો પાર્થ...? -અશ્વિન ચંદારાણા

    રસ્‍તા પરનો આ વળાંક ખતરનાક છે. આ વળાંક પર થતા જીવલેણ અકસ્‍માતો મેં ઘણી વખત જોયા છે. હું જાણું છું કે આ વળાંક પર વાહનને ધીમું પાડવું જોઈએ, અને છતાં હું ક્‍યારેય આ વળાંક પર મારી કાર ધીમી પાડતો નથી.

    મારી આ ટેવ મારા માટે ક્‍યારેક ખતરનાક સાબિત થશે. પણ કદાચ મને એની પરવા નથી. હું માનું છું કે લાઈફ શુડ બી એડ્‍વેન્‍ચરસ. જિંદગી સાહસોથી ભરેલી હોવી જોઈએ... પછી ભલે એ સાહસો સાવ અર્થહીન હોય. જીવનના કોઈ પાસા સાથે જરા પણ સંકળાયેલા ન હોય. છતાં... સાહસો તો જોઈએ જ, ગમે તેવા. છેવટે સિત્તેર-એંસી કે નેવું કિલોમીટરની ઝડપે કાર ચલાવવા જેવા સાહસો.

    પણ એક વાત સતત મને ખૂંચતી રહે છે. મારા આવા સાહસોની કોઈ જ નોંધ લેતું નથી. હું સિત્તેર-એંસી કે નેવું કિલોમીટરની ઝડપે કાર ચલાવું છું ત્‍યારે રાહદારીઓ અને બીજાં વાહનચાલકો માત્ર ગાળો જ આપે છે. હા, મારી ઝડપની નોંધ લે છે, તો માત્ર એક વ્‍યક્‍તિ. ચાર રસ્‍તા પર ઊભેલો ટ્રાફ્‍કિ કંટ્રોલર.

    શહેરમાં ચાર રસ્‍તા ઘણાં છે, અને જે ચાર રસ્‍તા પરથી મારી કાર પસાર થાય છે, એ દરેક ચાર રસ્‍તા પરનો ટ્રાફ્‍કિ કંટ્રોલર મારી હાજરીની નોંધ પોતાની ડાયરીમાં મારી કારનો નંબર લખીને લે છે.

    પણ તેની નોંધની મારા પર કોઈ અસર નથી, કહી શકાય કે મને કોઈ પરવા નથી. કારણ કે હું શહેરની એક પ્રતિષ્ઠિત કંપનીનો ‘જનરલ મેનેજર’ છું. આરટીઓમાં મારી ઓળખાણ છે. મારો ‘ડ્રાઈવીંગ રેકોર્ડ’ એકદમ ‘ક્‍લીન’ છે. મારા નામે હજુ સુધી કોઈ અકસ્‍માત નોંધાયો નથી. હા, મેં અકસ્‍માતો કર્યા છે એ જુદી વાત છે.

    હા, તો હું શહેરની એક પ્રતિષ્ઠિત કંપનીનો જનરલ મેનેજર છું. હજુ છ મહિના પહેલાં જ મને પ્રમોશન મળ્‍યું છે. ત્‍યાં સુધી હું એ જ કંપનીમાં ‘માર્કેટીંગ મેનેજર’ હતો. મારી પોસ્‍ટ ટૂંકમાં ‘એમએમ’ કહેવાતી.

    ઑફ્‍સિમાં મારો એક અલગ મોભો રહેતો. મારી એક અલગ કૅબિન હતી. લગભગ દરેક ઑફ્‍સિોમાં હોય છે એવું, કિંમતી ફર્નિચર હતું. મારી રિવૉલ્‍વીંગ-ચેરની પાછળની દીવાલ પર કંપનીનો ‘ઍન્‍યુઅલ માર્કેટીંગ ચાર્ટ’ લટકાવેલો રહેતો, જેના પર હું દર અઠવાડિયે લાલ-લીલી સ્‍કેચપેનથી ઊંચા-નીચા લીટા તાણતો રહેતો.

    એક પટાવાળો હતો. એક સેક્રેટરી હતી, પણ પ્રાઇવેટ નહીં. બંને આખી ઑફ્‍સિ માટે કૉમન રહેતાં.

    કૅબિનનાં પોલીશ કરેલા દરવાજે મારા નામની તકતી લટકાવેલી રહેતી. ‘મી. પાર્થ મહેતા, માર્કેટીંગ મેનેજર’. ઑફ્‍સિનાં બીજાં સહકર્મચારીઓ મને ‘મી. મહેતા’ કહીને સંબોધતાં. એકંદરે સુમેળભર્યું વાતાવરણ રહેતું.

    અને હા, એક વાત તો ભુલાઈ જ ગઈ! ત્‍યારે હું સ્‍કૂટર વાપરતો હતો. સ્‍કૂટર જોકે કંપનીએ આપેલી લોનમાંથી ખરીદ્યું હતું.

    દરરોજ સવારે સાડાદસ વાગ્‍યે હું ઘેરથી સ્‍કૂટર લઈને નીકળતો. ઑફ્‍સિનો સમય અગિયાર વાગ્‍યાનો રહેતો. હું હંમેશા, કેટલાક અપવાદોને બાદ કરતાં, સફેદ પૅન્‍ટ-શર્ટ પહેરતો અને શાર્પ અગિયાર વાગ્‍યે ઑફ્‍સિે પહોંચી જતો. બંનેમાં કેટલાક અપવાદ હતા, પણ લગભગ આવું બનતું.

    સાંજે પાંચ વાગ્‍યે હું સ્‍કૂટર પર રવાના થઈ જતો. ઑફ્‍સિ પાંચ વાગ્‍યે છૂટતી. ખરેખર તો અમે છૂટતા. ઑફ્‍સિ તો પાંચ વાગ્‍યે બંધ થઈ જતી હતી. કોંક્રિટની દીવાલોમાં, લાકડાનાં બારણાં પાછળ, લોખંડના શટરોમાં...

    પાંચ અને પચ્‍ચીસે શાંતિવન હાઈસ્‍કૂલથી થોડે દૂર હું સ્‍કૂટર પાર્ક કરતો. દસ મિનિટ રાહ જોવી પડતી. બરાબર પાંચ અને પાંત્રીસે પાંચાલી શાળાના દરવાજામાંથી નીકળતી. ધીરે-ધીરે, પોતાની સહેલીઓથી છૂટી પડતી, એ મારા સુધી લગભગ બે મિનિટમાં પહોંચી જતી. હું એક સ્‍મિત આપતો. જવાબમાં એ ફ્‍ક્કિું હસી લેતી. હું સ્‍કૂટર સ્‍ટાર્ટ કરતો. એ પાછળ બેસી જતી, પોતાનું કૉફી કલરનું જૂનું પર્સ લઈને.

    અને હું સ્‍કૂટર દરિયાકિનારા તરફ હંકારી મૂકતો.

    આ મારો, અથવા અમારો દરરોજનો ક્રમ હતો. રવિવાર સિવાયનો. રવિવારે અમે ન મળતાં. અમારો રવિવાર અમે અમારા કુટુંબ માટે ફાળવતાં.

    શાંતિવન હાઈસ્‍કૂલથી નીકળી હું સ્‍કૂટર સિવિલ-લાઈન્‍સ તરફ વાળતો. ત્‍યારે હું સ્‍કૂટર ધીરે-ધીરે ચલાવતો. પાંચાલીને હું ઝડપથી સ્‍કૂટર ચલાવું એ ન ગમતું. એ પાછળ બેઠી હોય, ત્‍યારે મારે સ્‍કૂટર ધીરે જ ચલાવવું પડતું. એ પોતાની ચારમાંથી કોઈ એક સાડી પહેરીને બેઠી હોય. એક હાથમાં એ જ જૂનું કૉફી કલરનું પર્સ, બીજો હાથ મારા ખભા પર મૂક્‍યો હોય.

    જેમ-જેમ શાંતિવન હાઈસ્‍કૂલથી દરિયાકિનારા વચ્‍ચેનું અંતર કપાતું જાય, તેમ-તેમ અમારા વચ્‍ચેનું અંતર પણ ઓછું થતું જતું. સિવિલ-લાઈન્‍સ પહોંચતા સુધીમાં મારી પીઠ પર પાંચાલીની છાતીનો સ્‍નિગ્‍ધ, ઉષ્‍માભર્યો સ્‍પર્શ થતો. એ ક્ષણનો રોમાંચ... ઓહ...!

    સિવિલ-લાઈન્‍સથી હું દરિયાકિનારા તરફ્‍ના રસ્‍તે સ્‍કૂટર વાળતો. રસ્‍તામાં એક ચાર-રસ્‍તા પર, બરાબર વચ્‍ચે જ ગાંધીજીનું એક પૂતળું રહેતું. એ પૂતળું આવે ત્‍યાં સુધીમાં તો પાંચાલી પૂર્ણપણે મારી પીઠ પર ઢળી પડી હોય. એનો હાથ મારી કમર ફ્‍રતો વીંટળાઈ વળ્‍યો હોય. એના હૃદયના ધબકારા હું મારી પીઠ પર સ્‍પષ્ટપણે અનુભવતો. એના ગાલનો નરમ સ્‍પર્શ મારા ખભાને વિચલિત કરી દેતો. એનો ગરમગરમ શ્વાસ મારી ગરદન પર ઝણઝણાટી બોલાવી દેતો.

    એના સ્‍પર્શના ઘેનમાં હું સ્‍કૂટરને દરિયાકિનારા સુધી લગભગ દોરી જ જતો. મસ્‍તિષ્‍ક પર એક નશો સતત છવાયેલો રહેતો.

    અમે દરિયાકિનારાની રેતીમાં બેસતાં. એક-બીજાંની સામે જોઈ રહેતાં. અમે બહુ ઓછું બોલતાં. ક્‍યારેક મૂંગા બેઠા-બેઠા રેતી પર પાંચાલી મારું નામ લખતી, અને હું એનું. નામ લખીને અમે એકબીજાં સામે જોઈ રહેતાં, પછી થોડીવારે હસી પડતાં.

    પાંચાલી બહુ ઓછું હસતી. હસતી ત્‍યારે પણ સાવ ફ્‍ક્કિું હસતી. તેના ચહેરા પર તીખી વેદનાની ટશરો હંમેશા ફૂટતી રહેતી. સાંસારિક જવાબદારીઓનો એક મસમોટો બોજ હંમેશા એની નજરોમાં, એની વાતોમાં, એના સ્‍મિતમાં, એની દરેક વર્તણુંકમાં દેખા દેતો.

    એના પતિને લકવા હતો. કમરથી નીચેના ભાગથી પગના તળિયા સુધીનો ભાગ તદ્દન નકામો હતો. ઉપરાંતમાં લાંબા સમયથી એ બીમાર હતો.

    ત્રણેક વર્ષ પહેલાં પાંચાલી મારી ઑફ્‍સિમાં આવી હતી, નોકરીનો ઈન્‍ટરવ્‍યુ આપવા માટે. ટાઈપીસ્‍ટ તરીકે એ સિલૅક્‍ટ થઈ ગઈ. માર્કેટીંગ મેનેજર તરીકે મારે ઘણી વખત એનું કામ પડતું. ક્‍યારેક બેલ મરીને પટાવાળા દ્વારા મારે એને મારી કૅબિનમાં બોલાવવી પડતી.

    એ સમયે એના ચહેરા પર ચિંતાનો બોજ વધુ દેખાઈ આવતો. એક વખત મેં એને મારી કૅબિનમાં બોલાવી ત્‍યારે પૂછ્‍યું, ‘‘જુઓ, મિસિસ શાહ, આમ તો તમારી અંગત બાબત કહેવાય, આ પૂછવાનો મારો કોઈ હક્ક પણ નથી. છતાં એક સહકર્મચારીને નાતે શું હું પૂછી શકું કે...?’’

    જવાબમાં એ ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી. આશ્વાસન દેવા માટે ત્‍યારે મારી પાસે કોઈ શબ્‍દો ન હતા.

    એ પછી એક વખત હું તેના ઘેર ગયો ત્‍યારે ખરેખર મને કંપારી છૂટી ગઈ. એના પતિનો ચહેરો અને કૃશ શરીર જોઈને ઘડીભર હું અવાક થઈ ગયો હતો. એ પુરુષ પોતાની પત્‍નીને પૂરું એક વર્ષ પણ સુખ આપી શક્‍યો ન હતો. છતાં, તેની પત્‍ની તેની કેટલી કાળજી રાખતી હતી! એ સાજો થઈ જાય એ માટે કેટલી બાધા-આખડીઓ રાખતી હતી, દવાઓ પાછળ પૈસા ખર્ચતી હતી! સારુ હતું કે એમને કોઈ બાળક ન હતું, નહીં તો આ સ્ત્રીની શી દશા હોત?

    હું તેના ખાટલા પાસે બેઠો ત્‍યારે તેની આંખમાંથી ગાલ પર સરી ગયેલા આંસુનાં બે બુંદ મેં જોયાં. તેના સમગ્ર ચહેરા પર લાચારી તરવરી રહી હતી.

    એ વખતે હું વધારે સમય ત્‍યાં બેસી શક્‍યો ન હતો.

    એ પછી અવારનવાર હું તેને ઘેર જતો. ક્‍યારેક ફ્રુટ-દવા બાબતે પૃછા કરતો. લાવી આપતો. મારાથી બનતી મદદ હું કરતો. ક્‍યારેક મારા સ્‍કૂટર પર તેને ઘર સુધી મૂકી જતો.

    મને ક્‍યારેક વિચાર આવતો, કે આ સ્ત્રીએ લગ્ન કરીને શું મેળવ્‍યું? સંસારસુખ તો એક વર્ષ પણ નથી મેળવ્‍યું! નથી બાળક, કે નથી બીજા કોઈ સહારાની આશા! કયા ટેકાને આધારે આ સ્ત્રી પોતાનું જીવન, પોતાનો સંસાર ટકાવીને બેઠી છે?!

    એક સામાન્‍ય સ્ત્રીને હોય એવી કોઈ ઇચ્‍છાઓ શું એને નહીં હોય?

    બીજી સ્ત્રીઓની માફ્‍ક ફ્‍લ્‍મિો જોવી, નવી સાડી ખરીદવી, મા બનવું... સંસારનો મોહ શું સાવ જ છૂટી ગયો હશે?!

    શા માટે એ પોતાના લકવાગ્રસ્‍ત પતિને છોડી નથી દેતી? શું સુખ મેળવ્‍યું છે એણે એ અપંગ પતિથી?

    પણ મારા આવા વિચારો હું ક્‍યારેય એની પાસે વ્‍યક્‍ત ન કરતો.

    ઑફ્‍સિમાં એને આવ્‍યે એક વર્ષ થવા આવ્‍યું હતું. ધીરે-ધીરે ઑફ્‍સિમાં એ સેટ થતી જતી હતી.

    ...અને એક દિવસ એ મારી પાસે આવી, મારી કૅબિનમાં.

    “મી. મહેતા, મારે તમને એક વાત કહેવી છે...” એ થોડા સંકોચ સાથે બોલેલી.

    “બોલો, શું કહેવું છે?”

    “......” એની જીભ ઊપડતી ન હતી.

    “બોલો, સંકોચ ન રાખો. જે કામ હોય તે કહો. કંઈ મદદની જરૂર હોય તો...”

    “ન..ના...” મારું વાક્‍ય પૂરું થાય એ પહેલાં એ બોલી ઊઠી. “મદદ તો નથી માગવી, પણ એક વિનંતી કરવા આવી છું...”

    “વિનંતી? એવું તે શું છે? જે કહેવું હોય તે નિઃસંકોચ કહો...”

    “તમે મારે ઘેર આવવાનું બંધ ન કરી શકો...?”

    હું ઘડીભર હેબતાઈ ગયો. “હું કંઈ સમજયો નહીં મિસિસ શાહ. હું તમારા ઘેર કોઈ સ્‍વાર્થથી નથી આવતો. એક... એક માનવીય લાગણી અને અનુકંપાથી પ્રેરાઈને આવું છું. છતાં... તમને કંઈ મારી નજરમાં દોષ...”

    “ના, ના... મી. મહેતા. તમે એવું ન માની લ્‍યો. આ બાબતે મનમાં ગેરસમજ ન બાંધશો. પણ... તમે મારે ઘેર આવો છો એ બાબતે આપણી ઑફ્‍સિમાં બહુ સારી વાતો નથી થતી...”

    “ઓહ...”

    એ ચાલી ગઈ. એ બનાવ પછીના એક મહીનામાં હું માત્ર એક જ વખત એને ઘેર ગયો. નહોતું જવું છતાં એ તરફ નીકળ્‍યો હતો અને મનને રોકી ન શકાયું.

    તેનો પતિ હવે મારી સાથે થોડી વાતો કરતો. તે દિવસે મેં જોયું કે હું ત્‍યાં ગયો તે ખુદ પાંચાલીને પણ ગમ્‍યું હતું. થોડી વાર બેસીને સાથે લાવેલા ફ્‍ળો આપીને હું ચાલ્‍યો ગયો હતો.

    એ વાતને એકાદ અઠવાડિયું થયું હશે અને પાંચાલી ઑફ્‍સિમાં આવતી બંધ થઈ ગઈ. બીજા એકાદ અઠવાડિયા સુધી મેં તેની રાહ જોઈ. છેવટે પટાવાળાને પૂછી જોયું તો ખબર પડી કે મિસિસ શાહ તો રાજીનામું આપીને જતા રહ્યા છે.

    એ સાંજે જ હું પાંચાલીને ઘેર ગયો. એ ઘરમાં જ હતી. એનો પતિ સૂતો હતો.

    “મી. મહેતા, બંધ કૅબિનમાં બેઠાંબેઠાં તમને નહીં સમજાય કે લોકો આપણાં મળવા અંગે કેવી-કેવી વાતો કરતાં હતાં. આખરે મારે એ લોકો સાથે રહેવાનું હતું. એ લોકો સાથે ચા-નાસ્‍તો-લંચ લેવાનાં હતાં સ્ત્રી બધાં દુખો સહન કરી શકે. પણ પોતાના ચારિત્ર્યને ખોટી રીતે દાગ લાગતો ન જોઈ શકે. મેં નોકરી છોડી દીધી છે...” આ પાંચાલીની કેફ્‍યિત હતી.

    “તો હવે... આઈ મીન... બીજી કોઈ જગ્‍યાએ નોકરી...”

    “ના. શોધું છું... મળી જશે ભાગ્‍યમાં હશે ત્‍યારે...”

    “હું કંઈ મદદ કરી શકું...?”

    “કઈ રીતની મદદ કરવા ઇચ્‍છો છો? પૈસાની? તો આભાર. હું નોકરી શોધું છું. મળી જશે ક્‍યાંક આછી-પાતળી...”

    “હું પૈસાની વાત નથી કરતો. મારી ઓળખાણ છે ઘણી જગ્‍યાએ... તમે ઇચ્‍છો તો તમે કહો છો તેવી આછી-પાતળી શું, સારી નોકરી પણ મળી શકે...”

    એ મૌન રહી. મારી સામે થોડી વાર જોઈ રહી. એની આંખમાંના ભાવ... નજરે દેખાતી લાચારીની પાછળ ખુદ્દારી છલકાતી હતી.

    બે દિવસ પછી મારી ઓળખાણથી એણે શાંતિવન હાઈસ્‍કૂલમાં ક્‍લાર્કની નોકરી શરુ કરી.

    એ પછી અમારો પરિચય આગળ વધીને દરિયાકિનારા સુધી કઈ રીતે પહોંચ્‍યો, તેની વિગતો મારી પાસે પણ નથી. કદાચ તેની પાસેથી પણ નહીં મળી શકે.

    અમે વારંવાર મળતાં. ક્‍યારેક દરિયાકિનારે જતાં. ક્‍યારેક ફ્‍લ્‍મિ જોવા પણ જતાં.

    એક વખત દરિયાકિનારે અમારી વચ્‍ચે થયેલો સંવાદઃ

    “પાંચાલી મને સમજાતું નથી કે આપણા સંબંધોનું પરિણામ શું આવશે! તું પરિણીતા સ્ત્રી છે. તારે ઘર છે, પતિ છે...”

    “ઘર? પતિ? મારી પાસે એ હોવા છતાં ન હોવા બરાબર જ છે ને, પાર્થ! લગ્ન કરીને મેં શું મેળવ્‍યું? ચાર દીવાલો, જેને તું અને હું ઘર ગણી રહ્યાં છીએ. કમરથી ઉપરનો કહેવાતો પતિ. અસહ્ય જવાબદારીઓનો ભાર, અને લોકો જેને વ્‍યભિચાર ગણે છે એવો તારી સાથેનો લગ્નેતર સંબંધ...”

    “પાંચાલી, હું તને એવું કંઈ કરવા નથી કહેતો. પણ માત્ર પૂછું છું કે ક્‍યારેય તને તારા પતિને છોડી દેવાનો વિચાર નથી આવતો...”

    “ના પાર્થ. હજુ સુધી તો એવો વિચાર નથી આવ્‍યો. એને છોડી દઉં તો એની શું દશા થશે, પાર્થ? મને એના પ્રત્‍યે બહુ પ્રેમ છે એવું પણ નથી કહેતી. હું એવો દંભ નથી કરી શકતી. પણ આખરે એ મારો પતિ છે. મારી સાથે એણે ચાર ફેરા ર્ફ્‍યા છે. મારા ગળામાં એનું મંગળસૂત્ર છે, પાર્થ... મારી કંઈક જવાબદારી ખરી કે નહીં એના પ્રત્‍યે...?”

    તે દિવસે એ ઘણું બોલી ગઈ હતી. છેવટે આંખમાં આંસુઓ વહેવાં લાગેલાં. તે પછી મેં ક્‍યારેય તેના પતિ વિષે વાત કાઢી નહીં.

    અમે રવિવાર સિવાય દરરોજ મળતાં. દરિયાકિનારો અથવા થિયેટર. લગભગ આ બેમાંથી જ પસંદગી કરવાની રહેતી.

    સમય વીતતો હતો. અમે મળતાં. સ્‍કૂટર પર મારી પીઠ પર પોતાના શરીરને ઢાળી, મારી કમર પર હાથ વીંટાળી એ બેસતી, હંમેશા. એને હવે કદાચ દુનિયાનો ડર ન હતો.

    અમારા પરિચયને લગભગ અઢી વર્ષ જેવો ગાળો થઈ ગયો હતો.

    એક સાંજે મેં એને કહ્યું,”પાંચાલી, મારી મા મારા લગ્ન માટે દબાણ કરે છે, એ તો તું જાણે છે. આ વખતે બીજાં સગાં દ્વારા પણ દબાણ વધ્‍યું છે.”

    “તેં શો જવાબ આપ્‍યો?” આંગળીઓથી રેતી સાથે રમત કરતાં એ બોલી. પરિસ્‍થિતિની ગંભીરતા એ સમજી ન હતી.

    “પાંચાલી, આ વખતે મારે ફાઇનલ જવાબ આપવો પડશે. એ લોકોએ મારા માટે બે-ત્રણ છોકરીઓ જોઈ રાખી છે...”

    પાંચાલી હવે ચોંકી. તેના મોં પર ગંભીરતા આવી ગઈ.

    “તેં શું વિચાર્યું, પાર્થ...?” એના અવાજમાં આર્દ્રતા હતી.

    “હું કંઈ નથી વિચારી શકતો, પાંચાલી. મારે શો જવાબ આપવો? મારે શું એમ કહેવું કે હું એક પરણેલી સ્ત્રીને ચાહું છું...?”

    “પાર્થ, કહેવું તો પડશે જ ને?”

    “હા, પાંચાલી. હું માનું છું કે કહેવું તો જોઈએ જ. પણ કહેવું કે ન કહેવું, એનો આધાર તારા પર છે...”

    “મારા પર?! હું કંઈ સમજી નહીં...”

    “પાંચાલી, તું જો તારા પતિને છોડવા તૈયાર હોય, તો હું તારી સાથે લગ્ન કરવા તૈયાર જ છું...”

    “પાર્થ...” એ લગભગ ચીસ પાડી ઊઠી. “આ તું શું કહે છે પાર્થ? આજે આટલા સમય પછી તું મને આ શબ્‍દો કહે છે? તું એટલું પણ નથી સમજતો કે...” એની ચીસ એનાં આંસુઓમાં દબાઈ ગઈ.

    “હું સમજું છું, પાંચાલી, બધું સમજું છું. પણ હવે કંઈક તો નક્કી કરવું જ પડશે... આપણે સાથ નિભાવવો હશે, તો લગ્ન કરવા પડશે...”

    “પાર્થ... લગ્ન વિના સાથ ન નિભાવી શકાય...?”

    “અત્‍યાર સુધી નિભાવ્‍યો, પાંચાલી. મારા માટે હવે ફેંસલો કરવાનો સમય આવ્‍યો છે. અને મારે માત્ર મારી ખુશી કે જરૂરિયાત માટે લગ્ન નથી કરવાના. મારે મારી માને વહુ લાવી આપવાની છે. મારી નાની બહેનને ભાભી લાવી આપવાની છે...”

    એ ઘણીવાર ચૂપ રહી.

    “બોલ પાંચાલી. કંઈક બોલ. શું વિચાર કરે છે?”

    “પાર્થ... બીજો કોઈ રસ્‍તો નથી...?” એ લગભગ ભાંગી પડી હતી.

    “મેં બહુ વિચાર્યું, પાંચાલી. લગ્ન તો કરવા જ પડશે મારે. તું ના પાડીશ, તો કોઈક બીજી સાથે...”

    “પાર્થ... પાર્થ... સંબંધો બાંધતા પહેલાં આપણે આ બાબતે કંઈ જ વિચાર્યું ન હતું! કે ક્‍યારેક તો આવો ફેંસલો કરી લેવાનો સમય આવી જશે, અને ત્‍યારે શું કરીશું આપણે?”

    એ પ્રશ્‍નો કરતી રહી, અને મારી પાસે તેના કોઈ જ પ્રશ્નોના ઉત્તરો ન હતા. બંને મજબૂર હતાં. બંનેએ પોતાના કુટુંબનો, પોતાના સંસારનો વિચાર કરવાનો હતો. એ રડતી રહી. હું એને રડતી જોતો રહ્યો.. સૂર્ય ધીરે-ધીરે દરિયામાં ડૂબી ગયો.

    છેક અંધારું થવા આવ્‍યું ત્‍યારે અમે ઊભા થયાં. દરરોજ સ્‍કૂટર સુધી જતાં એકબીજાના હાથમાં હાથ પરોવી રાખતાં. આજે બંને વચ્‍ચે જાણે માઈલોનું અંતર હતું.

    “પાર્થ, ઠીક છે. તું લગ્ન કરી લે. સુખી થવાનો તને અધિકાર છે. પણ પાર્થ, લગ્ન પછી તું મળીશ તો ખરોને મને? સાવ ભૂલી તો નહીં જાય ને મને?” પોતાના પ્રેમીથી વિખૂટી પડતી કોઈ મુગ્‍ધા જેવી એ લાગતી હતી.

    “કહી ન શકાય, પાંચાલી. આપણે મળીએ પણ ખરાં. કદાચ ન પણ મળી શકાય. મળીશું તો પણ આ રીતે દરિયાકિનારે નહીં આવી શકાય. થિયેટરમાં નહીં જઈ શકાય. બહેતર છે કે આપણે એકબીજાંને ભૂલી જઈએ.”

    “એવો જુલમ ન કર પાર્થ, એવો જુલમ ન કર મારા પર. મેં ક્‍યારેય તારી પાસે કંઈ જ માગ્‍યું નથી. આજે મને વચન આપ. આ રીતે નહીં તો ક્‍યારેક-ક્‍યારેક. તારી પત્‍નીને લઈને મારે ઘેર આવતો રહેજે. તને જોઈશ, તો પણ મનનો બોજ હળવો થઈ જશે. બોલને પાર્થ, આવીશને...”

    હું કંઈ જ બોલી ન શક્‍યો. મેં સ્‍કૂટર સ્‍ટાર્ટ કર્યું. એ પાછળ બેઠી. અંધારાના ઓળાઓ સડક પર ઊતરી ચૂક્‍યા હતા. દરરોજ કરતાં આજે વિશેષ મોડું થઈ ગયું હતું. દરિયાથી પાંચાલીના ઘર સુધી અમારી વચ્‍ચે સ્‍પર્શની એક લહેરખી પણ ન ફરકી.

    એના ઘર પાસે મેં સ્‍કૂટર ઊભું રાખ્‍યું. એ ઊતરીને મારી સામું જોઈને ઊભી રહી, થોડી વાર માટે. એની આંખો રડી-રડીને લાલ થઈ ગઈ હતી. ત્‍યારે પણ એની આંખોમાં આંસુનાં બે મોટાં ટીપાં તગતગતાં હતાં. ક્ષણવારમાં એણે મોં ફેરવી લીધું. લગભગ દોડીને એ ઘરમાં જતી રહી.

    લગ્ન માટે મેં માને હા પાડી દીધી. માએ એક છોકરી બતાવી. શૈલ એનું નામ. હું અને શૈલ, મારા ઘરમાં પહેલી વાર મળ્‍યાં. માએ અમને બહાર મોકલ્‍યાં. હું એને દરિયાકિનારે એ જ જગ્‍યાએ લઈ ગયો, જયાં હું અને પાંચાલી દરરોજ બેસતાં. હવે મારે પાંચાલીને શૈલમાં શોધવાની હતી.

    હું અને શૈલ પરણી ગયાં. પસંદગીનો મારા માટે કોઈ સવાલ ન હતો, અને શૈલને હું પસંદ હતો. મારા લગ્નની આમંત્રણપત્રિકા મેં પાંચાલીને મોકલી હતી, પણ... ખેર, તેના આવવાની આશા પણ ન હતી.

    અને એ અરસામાં જ મને પ્રમોશન મળ્‍યું. ‘એમએમ’ માંથી હું હવે ‘જીએમ’ બન્‍યો. ‘જનરલ મેનેજર’. જૂના જનરલ મેનેજર કોઈ બીજી કંપનીમાં જતા રહ્યા હોવાથી જગ્‍યા ખાલી પડી હતી. બહારની કોઈ વ્‍યક્‍તિને એપૉઈન્‍ટ કરવાને બદલે તે જગ્‍યા પર મારી પસંદગી થઈ.

    મારી કૅબિન બદલાઈ ગઈ છે. હવે સાંકડી કૅબિનમાં ‘ઍન્‍યુઅલ માર્કેટીંગ ચાર્ટ’ પર લાલ-લીલી સ્‍કેચપેનથી ઊંચાનીચા લીટા દોરવાને બદલે, વિશાળ આલીશાન કૅબિનમાં ખરેખર કિંમતી એવા ટેબલ-ખુરશી, કારપૅટ, નકશા અને ચાર્ટ્‍સમાં હું ખોવાઈ જાઉં છું.

    હવે મારો અંગત પટાવાળો છે. અંગત સેક્રેટરી છે. મારી કૅબિનના બારણા પર હવે પિત્તળની તકતી લાગેલી છે. ‘મી. પાર્થ મહેતા, જનરલ મેનેજર’.

    ઑફ્‍સિમાંનાં બધાં જ કર્મચારીઓ હવે મને ‘સર’ કહે છે. હું સવારે અગિયાર વાગ્‍યે ઑફ્‍સિમાં પ્રવેશું છું, ત્‍યારે બધાં ‘ગુડ મોર્નિંગ સર’નું ફાંકડું સ્‍મિત હોઠ પર ચિટકાવી લ્‍યે છે. હવે આખી ઑફ્‍સિની જવાબદારી મારા પર છે. ક્‍યારેક સાંજના પાંચને બદલે સાત વાગ્‍યે ઑફ્‍સિનાં બારણાં પટાવાળા પાસે બંધ કરાવી, ચાવી કોટના ખિસ્‍સામાં મૂકી, મારી કારમાં હું ઘેર જાઉં છું.

    હા, યાદ આવ્‍યું. હવે મેં કાર ખરીદી છે, કંપનીની લોનથી. સવારે સાડાદસ વાગ્‍યે મારી કાર લઈને હું નીકળું છું. હવે કોઈપણ અપવાદ વિના શાર્પ અગિયાર વાગ્‍યે, થ્રી-પીસ સૂટ અને લેધર શૂઝમાં ઑફ્‍સિમાં હું હાજર હોઉં છું.

    સાંજે ક્‍યારેક પાંચ, છ તો ક્‍યારેક સાત વાગ્‍યે હું ઘેર જાઉં છું. સિત્તેર, એંસી કે નેવુંની સ્‍પીડ પર હું કાર ચલાવું છું. શૈલને ફસ્‍ટ લાઈફ્‍ ગમે છે, એટલે મેં પણ ફસ્‍ટ લાઈફ્‍ સ્‍વીકારી છે. શૈલ કહે છે, ‘લાઈફ શૂડ બી એડ્‍વેન્‍ચરસ. પછી ભલે...’.

    આ મારો દરરોજનો ક્રમ છે. રવિવાર સિવાયનો. રવિવાર મેં મારા કુટુંબ માટે ફાળવ્‍યો છે. રવિવારે હું શૈલને કાં તો દરિયાકિનારે લઈ જાઉં છું, અથવા તો થિયેટરમાં. મારી અંગત પસંદ તો એ જ, જૂની જ રહી છે.

    ચાલુ કારમાં શૈલ અને મારી વચ્‍ચેનું અંતર લગભગ દોઢેક ફૂટનું હોય છે. એ ક્‍યારેય ચાલુ કારમાં મારા ખભે માથું નથી મૂકતી, કારની બારીમાંથી એ રસ્‍તાઓને કુતૂહલપૂર્વક જોઈ રહે છે, એક બાળકની માફ્‍ક. હું ચાલુ કારે પણ તેને વારેવારે જોઈ લઉં છું. એક પુરુષની માફ્‍ક.

    એક તરફ શૈલ છે, જનરલ મેનેજરની પોસ્‍ટ છે અને મારી નવી નક્કોર કાર છે, હું છું...

    નથી માત્ર પાંચાલી, છતાં હું સુખી છું.

    બીજી તરફ પાંચાલી છે, એની ક્‍લાર્કની પોસ્‍ટ છે, એનો બીમાર પતિ છે...

    નથી માત્ર હું. અને મેં માની લીધું છે, કે પાંચાલી સુખી છે.

    હવે, જરૂર છે એક એવા પાર્થની જે જૂના સ્‍કૂટર પરની ધૂળ ખંખેરીને તેને ફેરવે. જરૂર છે એક એવા પાર્થની, જે ‘એમએમ’ની ખાલી પડેલી પોસ્‍ટને સંભાળે, રિવોલ્‍વીંગ ચેર પાછળ લટકાવેલા ચાર્ટ પર લાલ સ્‍કેચપેનથી ઊંચાનીચા લીટા દોરે. જરૂર છે એક એવા પાર્થની જે અપરિણીત રહીને એક પરિણીતા, નામે પાંચાલીનો જીવનભર સાથ નિભાવે...

    બોલો, છે કોઈ એવો પાર્થ...?

    *