ધરબાયેલો ચિત્કાર ભાગ - ૯ Ravi Yadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધરબાયેલો ચિત્કાર ભાગ - ૯

Name :- Ravi Dharamshibhai Yadav Address :- Dubai, UAE.
Contact No.
:- +91 88 66 53 62 88 (WhatsApp) +971 55 898 1928 (Call)
Email ID :- cardyadav@hotmail.com
cardyadav@gmail.com

ધરબાયેલો ચિત્કાર

Part – 9

હજુ તો સેન્ડી સદીયા જોડે આવી વાતો કરીને નીકળવા જતી હતી ત્યાં જ સદીયાએ તરત જ સેન્ડીનો હાથ પકડ્યો.

સેન્ડી ચોંકી ઉઠી. પોતાની જ ઓફીસમાં પોતાનો એમ્પ્લોયી આવી રીતે તેનો હાથ પકડે ?

એટલામાં જ સદીયા તેને ખેંચીને સીધી જ મીટીંગ રૂમમાં લઇ ગઈ અને જોરથી બારણું બંધ કરી દીધું.

તું શું માને છે તારી જાતને ? તે તારી કંપનીનો ડાયરેક્ટર છે એટલે તું એની જોડે લગ્ન કરી શકીશ એમ ?

સેન્ડી અદબ વાળીને કટાક્ષ સાથે બોલી, "લાગે છે તને તારી નોકરી પ્રત્યે પ્રેમ નથી."

અરે ! તારી કંપની જેવી ૧૦ કંપનીઓને હું ઠોકર મારીને અહિયાં સુધી પહોચી છું. મને તારી કંપનીની નહિ પણ તારી કંપનીને મારી જરૂર છે એટલે મને રાખી છે. એટલે મહેરબાની કરીને આ નોકરીની ધમકી કોઈ બીજાને આપજે એ જ સારું રહેશે.

સેન્ડી ફરી પાછુ કટાક્ષ કરતા બોલી, "લાગે છે હજુ તું મને સરખી રીતે ઓળખતી નથી કે તું કોની સાથે વાત કરી રહી છે ?"

ખુબ જ સારી રીતે ઓળખું છું "મિસ. સંધ્યા પ્રબોધ મહેતા" આ કંપનીના માલિક પ્રબોધ મહેતાની એક ની એક દીકરી છો. અમેરિકામાં મોટા થયેલા છો અને લાડકા છો એટલે જાહેર વાત છે કે અલ્લડ તો હોવાના જ. કારણ કે સોનાની ચમચી સાથે જન્મેલા છો. ઇશાન અને તમે બંને બાળપણના દોસ્ત છો એ પણ ખબર છે. અને તમે છેલ્લા ૨ દિવસથી ઓફીસમાં આવ્યા એમાં પણ તમારું કેરેક્ટર મને ઓળખાઈ ગયું છે મિસ સંધ્યા મહેતા. હજુ બીજું કશું નવું જાણવું છે ?

હવે સેન્ડીથી આ સહન નાં થયું કેમ કે સદીયા તેનાથી સહેજપણ ડરી રહી નહોતી. પરંતુ આખરે જે વાત નાં કારણે આજે બંને સામસામે આવ્યા હતા તે નામ હતું ઇશાન. જે સદીયાના મોઢેથી નીકળતા જ તે થોડી ઢીલી પડી ગઈ અને આ મુદ્દાને પ્રેમથી હલ કરવાનું વિચાર્યું.

દોસ્ત ? ઇશાન દોસ્ત નહિ મારી જાન છે જાન. જેના વગર હું શ્વાસ પણ નથી લઇ શકતી. મારી દરેક નાની મોટી જરૂરિયાતો અને માંગ એ કોઈ પણ ભોગે પૂરી કરે છે. મારા માટે એ બધું જ છે. જેને મેં બાળપણથી જ પ્રેમ કર્યો છે. જ્યારથી મેં પ્રેમને સમજ્યો છે ત્યારથી બસ મારી પાસે મારા હૃદયમાં ફક્ત અને ફક્ત એક જ નામ છે અને તે છે "ઇશાન" એવો કયો દોસ્ત હોય જે આવું બધું જ ધ્યાન રાખતો હોય ? દોસ્તી આવી નાં હોય, આ તો પ્રેમ છે પ્રેમ. ઇશાન ભલે મને કહે નહિ પણ એની આ દરેક બાબતમાં એનો મારા તરફનો પ્રેમ મને હમેશા દેખાતો રહ્યો છે.

શું ઈશાને તને ક્યારેય કહ્યું છે કે એ તને પ્રેમ કરે છે ? તેણે કોઈ દિવસ આ બાબતે તને કહ્યું છે કે તે તારા વગર નહિ રહી શકે ? તેણે કોઈ દિવસ તારી જોડે ફલર્ટ કરવાની કોશિશ કરી છે ? તું આટલા સમયથી અમેરિકા હતી તે દરમિયાન પણ તે એકદમ મસ્ત રીતે પોતાની લાઈફ જીવતો જ રહ્યો છે ને. એની આંખમાં કોઈ દિવસ તે તારા પ્રત્યે હેત છલકાતું જોયું છે ?

સદીયાને આવા પ્રશ્નોની જડી કરતી જોઇને સેન્ડી અકળાઈ ઉઠી. તો પણ તેણે ફક્ત ટુકાક્ષરીમાં જવાબ આપ્યો, "નાં"

"તો પછી તું કઈ રીતે કહી શકે કે ઇશાન તને પ્રેમ કરે છે ?" , સદીયાએ દલીલ કરતા પૂછ્યું.

અરે એમાં કહેવાનું શું હોય ? એ તો ખુદ સમજી જશે જ. મારી આંખોનો પ્રેમ તેને આજ નહિ તો કાલે દેખાશે જ. સવારમાં મને જગાડવાથી માંડીને રાત્રે મને સુવાડવા સુધીમાં એ મને કેટલીય વાર ફોન કરે છે, મેસેજ કરે છે, મારું ધ્યાન રાખે છે. શું આ સબંધને હવે શબ્દોની જરૂર લાગે છે ?

એ જ તો ફર્ક છે સેન્ડી. પ્રેમ કરે છો તો ઈઝહાર કરવો જરૂરી છે જે તે હજુ સુધી કર્યો જ નથી. અને ઈશાને મને તો ઈઝહાર પણ કરી ચુક્યો છે અને એ ઈઝહારનો હું એકરાર પણ કરી ચુકી છું. તે હવે તારી જિંદગીમાં નથી, જો કે આજ સુધી પણ તે તારી જિંદગીમાં નહોતો જ સેન્ડી.

નહિ ! એ કદાપી નહિ બની શકે. હું એ નહિ થવા દઉં. ઇશાન મારો જ હતો અને મારો જ રહેશે. હું કોઈ પણ ભોગે કોઈને પણ મારાથી ઇશાનને છીનવવા નહિ દઉં.

"આનું પરિણામ ભોગવવા તૈયાર થઇ જજે સદીયા." આટલું બોલીને સેન્ડી સીધી જ ત્યાંથી દરવાજો ખોલીને ચાલી નીકળી.

સદીયા ત્યાં ઉભી ઉભી જ વિચારે ચડે છે કે જો ઈશાને હજુ સુધી સેન્ડીને કશું કહ્યું જ નથી તો પછી એનો મતલબ એમ થાય કે ઈશુ મને જ પ્રેમ કરે છે અને સંધ્યા ફક્ત અને ફક્ત તેની દોસ્ત જ છે. મને ખબર જ હતી કે મારો ઈશુ મારી સાથે કોઈ દિવસ દગો નાં જ કરી શકે અને હવે કશુક નવાજૂની પણ થઇ શકે છે અને છેલ્લે મારી નોકરી પણ જઈ શકે છે તેનો અંદાજ પણ સદીયાને આવી ચુક્યો હતો.

===**===**===

એ પછીના દિવસથી સેન્ડી કોઈને કોઈ બહાને સદીયાને હેરાન કરવાનું કરતી. તેને જાહેરમાં ઉતારી પાડતી, તેના પર ગંદા ગંદા જોક્સ કરતી. સદીયા બધું જ એમ ને એમ ચુપચાપ સહન કરતી હતી અને ઇશાનને આ વાતની ગંધ પણ નહોતી આવા દીધી.

સેન્ડીનાં આ પ્રયત્નો નિષ્ફળ જતા તેણે સદીયાનું કામ બગાડવાનું નક્કી કર્યું. સદીયાએ કરેલા કોઈ પણ કામમાં તે કોઈને કોઈ ભૂલ કાઢતી અથવા તો જાતે કરીને કોઈક ડોક્યુમેન્ટ સંતાડી દેતી અને ત્યારબાદ સદીયા પર તે ડોક્યુમેન્ટ માટે તેના પર ચીસો પાડતી. જ્યારે જ્યારે પણ સદીયા ઇશાનની કેબીનમાં જતી ત્યારે પાછળ પાછળ જ સેન્ડી પણ કોઈક ફાઈલ લઈને ત્યાં પહોચી જતી જેથી કરીને ઇશાન અને સદીયાને એકાંત નાં મળે.

હદ તો ત્યારે થઇ ગઈ જ્યારે સદીયાએ કંપનીના પ્રેઝેન્ટેશન માટે તૈયાર કરેલી પાવરપોઈન્ટ પ્રેઝેન્ટેશનની ફાઈલમાં ચેડા કર્યા. કંપનીનો બધો જ ડેટા કંપનીના સર્વરમાં સ્ટોર થતો. બીજા દિવસે ક્લાયન્ટ સાથે મીટીંગ હતી જેમાં તે પ્રેઝેન્ટેશનની ખુબ જ જરૂર પડવાની હતી. પરંતુ સેન્ડીએ સદીયાના યુઝર આઈડી અને પાસવર્ડની ડીટેઇલ લઈને તે તૈયાર કરેલી ફાઈલમાં કંપનીની પ્રોફાઈલની જગ્યા એ એડલ્ટ ફોટાઓ અને પોર્ન વિડીઓની કલીપ તે પ્રેઝેન્ટેશનમાં સેટ કરી દીધી હતી. જેના કારણે આજે ઇશાનને ક્લાયન્ટ સામે શરમથી માથું ઝુકાવવું પડ્યું હતું. તે દિવસે તેણે સદીયાને ખુબ જ રિમાન્ડમાં લીધી હતી. બધાયની વચ્ચે તેણે સદીયાને નાં કહેવાનું કહી ચુક્યો હતો. જેના કારણે સદીયા નીચું માથું રાખીને રડી રહી હતી. અને સેન્ડી ઇશાનની પાછળ ઉભી ઉભી દાઢમાં હસી રહી હતી.

સેન્ડી મનમાં બબડાટ કરી રહી હતી કે હજુ તો તારે ઘણું બધું જોવાનું બાકી છે સદીયા. હજુ તો આ શરૂઆત છે. તે મારા પ્રેમ પર હાથ નાખ્યો છે. તેનું પરિણામ તો તારે ભોગવવું જ પડશે.

ઇશાનને ૨ દિવસ માટે કંપનીની મીટીંગ માટે બહાર જવાનું થયું. અને તેથી પ્રબોધભાઈ ઓફીસમાં આવ્યા હતા. સેન્ડીએ મોકો જોઇને કંપનીની મેઈન ટેન્ડરની ફાઈલ સંતાડી દીધી જેની કસ્ટડી હમેશા સદીયા પાસે રહેતી. ત્યારબાદ પ્રબોધભાઈને એવી ફરિયાદ કરવામાં આવી હતી કે સદીયાએ તે ફાઈલ ખોઈ નાખી છે અથવા તો શક્યતા એ છે કે તેણે આપણી કંપનીની ફાઈલ આપણા હરીફને પૈસા માટે વેચી નાખી હશે. કારણ કે થોડા દિવસ પહેલા પણ પ્રેઝેન્ટેશનમાં ઇશાનને બધાય સામે જુકવું પડ્યું હતું તે પણ સદીયાના કારણે જ. આનાથી આપણી કંપનીની રેપ્યુટેશન પર ખુબ મોટો ફટકો પડી શકે છે પાપા. મને લાગે છે કે હવે સદીયાને આ કંપનીમાંથી કાઢી નાખવી જોઈએ નહિતર આપણી બધી જ મહત્વની માહિતી લીક થઇ શકે છે.

પ્રબોધભાઈને પોતાની દીકરીની વાત વ્યાજબી લાગતા કોઈને પણ પૂછ્યા વગર જ સીધી જ સદીયાને નોકરીમાંથી કાઢી મૂકી અને સદીયા તો જાણે પહેલેથી જ તૈયાર બેઠી હોય એમ પર્સ લઈને ઉભી થઈને ઓફીસની બહાર નીકળવા લાગી અને છેલ્લી વાર સેન્ડી તરફ એકદમ કાતિલ ભયંકર નજર બગાડી.

સેન્ડી તેની સામે જોઇને મંદ મંદ હસી રહી હતી.

===**===**===

તે દિવસે જ સાંજે ઘરે પ્રબોધભાઈ અને સેન્ડી બંને ડીનર લીધા બાદ શાંતિથી બેઠા હતા અને ટીવી જોઈ રહ્યા હતા અને સેન્ડીએ મોકો જોઇને આખરે વાત કહેવાની શરૂઆત કરી.

પાપા મારે તમારી સાથે કઈક વાત કરવી છે.

"હા બોલને બેટા", પ્રબોધભાઈએ લાડથી સેન્ડીના માથા પર હાથ પસવારતા પૂછ્યું.

"પાપા આજ સુધી મેં જે પણ માંગ્યું એ બધું જ તમે મને આપ્યું. મારી દરેક જરૂરીયાતને તમે પૂરી કરી છે. મને ક્યારેય કોઈ પણ વસ્તુ માટે નાં નથી પાડી. તો આજે પણ હું તમારી પાસેથી કશુક માંગવા ઈચ્છું છું. શું તમે આપશો ?"

"અરે કેમ નહિ ? મારી દીકરી કશું માંગે અને હું એ નાં આપું એવું થોડું બને. બોલ ને બેટા."

"પાપા મને ઇશાન જોઈએ છે."

"શું ? એટલે ?", પ્રબોધભાઈએ થોડા ચોકીને પૂછ્યું.

"પાપા ! હું ઇશાનને પ્રેમ કરું છું. એના વગર જીવી નહિ શકું પાપા. મારે તેની સાથે લગ્ન કરવા છે. મારી જિંદગી એની સાથે કાઢવી છે. હું એની સિવાય બીજા કોઈ જોડે આટલી ખુશ નહિ રહી શકું."

પ્રબોધભાઈ થોડીવાર માટે વિચારમાં પડી ગયા પરંતુ પછી આખરે વિચાર કર્યો કે તે આમ તો બાળપણથી જ સાથે રહેલો છે અને આટલી સારી પોઝીશન પર છે અને તેની સાથે જો લગ્ન થશે તો મારી દીકરીનું તે સારી રીતે ધ્યાન પણ રાખશે અને મારી દીકરી મારાથી દુર પણ નહિ થાય.

અરે વાહ ! મારી દીકરીની પસંદ તો ખુબ સારી છે. મને કશો વાંધો નથી દીકરા. હું તારા લગ્ન ઇશાન જોડે કરાવી આપીશ.

"ઓહ્હ આઈ લવ યુ પાપા. યુ આર વર્લ્ડ'સ બેસ્ટ પાપા." , કહીને સેન્ડી પ્રબોધભાઈને ભેટી પડી.

પણ દીકરા મારે હજુ એકવાર ઇશાન જોડે પણ વાત કરવી પડશે. એને પણ પૂછવું જરૂરી છે.

"નાં પાપા એને પૂછવાની જરૂર નથી. એની પણ હા જ છે. એ પણ મને ખુબ પ્રેમ કરે છે.", સેન્ડીએ એમને એમ જ પ્રબોધભાઈને જવાબ આપી દીધો.

વાહ ! તો તો કરો કંકુના. હું કાલે જ ગોર મહારાજને બોલાવીને સગાઇ અને લગ્નની તારીખ નક્કી કરાવી લઉં છું.

"પણ બેટા એક વાત તને યાદ છે ને કે તેની એકવાર સગાઇ તૂટી ચુકી છે. તને બધી ખબર તો છે ને ?", પ્રબોધભાઈએ થોડા ચિંતિત સ્વરે પૂછ્યું.

હા પાપા મને બધી જ ખબર છે. તમે ચિંતા નહિ કરો.

===**===**===

ઇશાન ૨ દિવસ બાદ ઘરે આવતા જ તેને બધી વાતની ખબર પડી કે સદિયાને ઓફીસમાંથી હાંકી કાઢી છે અને સેન્ડીની સગાઇ અને લગ્ન તેની સાથે થવાના છે. ઇશાનને આ બધું શું થઇ રહ્યું હતું કશું જ સમજાતું નહોતું. પ્રબોધભાઈએ તો બધે જ ફેલાવી દીધું હતું કે ઇશાન જ તેનો જમાઈ બનશે.

"ખરાબ વાતની સૌથી સારી વાત એ હોય છે કે જેના વિષે એ ખરાબ વાત હોય છે તેને સૌથી છેલ્લે ખબર પડતી હોય છે."

ઇશાન સાથે પણ આવું જ કશુક થયું હતું. હવે તેને સંધ્યા સાથે મળીને બધી વાતની ચોખવટ કરી લેવાનું જ યોગ્ય લાગ્યું અને તરત જ સંધ્યાને ફોન કર્યો અને સામે છેડે સંધ્યાએ એકદમ મસ્તીભર્યા ટોનમાં કહ્યું "હા બેબી ! તું કહીશ ત્યાં આવીશ બસ."

ઇશાન સેન્ડીને લઈને દરિયાકિનારે ગયો જ્યાં કોઈ માણસની ચહલપહલ નહોતી. ત્યાં પહોચતાવેત ઇશાન બરાડી ઉઠ્યો.

"શું છે આ બધું સેન્ડી ? આ શું કરવા બેઠી છો તું ? સદિયાને પણ તે નોકરીમાંથી કઢાવી મૂકી. શું કામ ?"

"પ્રેમ છે ઈશુ પ્રેમ. તારા તરફનો ગાંડો પ્રેમ"

"વ્હોટ પ્રેમ ? સગાઇ લગ્ન આ બધું મજાક નથી હોતું સેન્ડી."

"મેં ક્યા કીધું કે હું મજાક કરું છું ઈશુ. મેં તો પાપાને એ જ કહ્યું જે હકીકત હતી. તું કહી શકતો નહોતો એટલે મેં કહી દીધું. સિમ્પલ.", સેન્ડી બને એટલું હળવાશથી જવાબ આપવાની કોશિશ કરી રહી હતી.

"મેં તને ક્યારેય કહ્યું છે કે હું તને પ્રેમ કરું છું ? ક્યારેય પણ એવું વર્તન કર્યું છે કે મને તારી સાથે પ્રેમ છે એમ ? તો તું કઈ રીતે માની લે છે ?", ઇશાન બોલ્યો.

બસ ઈશુ બસ. બહુ થયું હવે. એમ કરતા સેન્ડી જોરથી બરાડી ઉઠી.

બાળપણથી લઈને આજ સુધીની મારી જિંદગીમાં એવી કઈ બાબત છે કે જે તારા વગર બની હોય ? મારી એવી કઈ વાત છે જેમાં તું શામેલ નાં હોય ? મારી દરેક નાની નાની જરૂરિયાતો, મારી પસંદ-નાપસંદ, સ્વભાવ, ગુસ્સો, વ્હાલ બધું જ તને ખબર છે. ફક્ત અને ફક્ત તે જ મને સાચવી છે ઈશુ. મને ખવડાવા માટે પણ તું મારી પાછળ લાગેલો રહે છે. એ પ્રેમ નથી તો શું છે ? મને ઊંઘ નાં આવતી હોય ત્યારે મારું માથું તારા ખોળામાં રખાવીને તું મને માથે વ્હાલથી હાથ ફેરવતા ફેરવતા પરીઓની વાર્તા કહે છે એ પ્રેમ નથી તો શું છે ? હું બીમાર હોઉં તો તારી ઊંઘ હરામ થઇ જાય છે એ પ્રેમ નથી તો શું છે ? મને કઈ પણ તકલીફ થઇ જાય તો એ સોલ્વ કરવા માટે તું કોઈ પણ હદ પાર કરી જાય છે એ પ્રેમ નથી તો શું છે ? અરે મારા કારણે તો તું જેલ સુદ્ધા ભોગવી ચુક્યો છે એ પ્રેમ નહોતો તો શું હતું ? નાનેથી આવડી મોટી થઇ અને બધું જ તારા પર જ આવીને અટકી જતું હતું એ પ્રેમ નથી તો શું હતું ઈશુ ? જવાબ દે મને.

ઇશાન સાંભળીને ચુપ થઇ ગયો. વિચારવા લાગ્યો.

ખરેખર સાચી વાત છે કે જે પુસ્તક આંખોની સાવ નજીક હોય એનું લખાણ આપણે વાંચી શકતા નથી હોતા.

નાં એ પ્રેમ નાં કહેવાય. એ ફક્ત અને ફક્ત મારી ફરજ પૂરી કરી રહ્યો હતો. હા, મને તારી કેર કરવી ગમે છે. કારણ કે મારી કેર કરવાવાળું કોઈ નહોતું અને મને સાચવવાવાળું પણ કોઈ નહોતું ત્યારે તારા પાપાએ મને સાચવ્યો છે. મને ભણાવી ગણાવીને આજે આ પોઝીશનને લાયક બનાવ્યો છે. એ વખતે જો તે નાં હોત તો હું અહિયાં નાં હોત. ત્યારે મેં તને જોઈ અને જોયું કે તું માં વગરની છે ત્યારે જ મેં નક્કી કરી નાખ્યું હતું કે તને કોઈ દિવસ માંની કમી મહેસુસ નહિ થવા દઉં. તને હંમેશા ખુશ રાખીશ. તારી બધી જ ઇચ્છાઓ પૂરી કરીશ. તારી એ ચેહરાની મુસ્કુરાહટ માટે કઈ પણ કરીશ. જેના કારણે હું પહેલેથી તારા તરફ પ્રોટેક્ટીવ અને કેરીંગ બની ગયો છું. તું મારી જિંદગીની સૌથી સારી દોસ્ત છે પરંતુ મેં તને ક્યારેય પણ એ નજરથી નથી જોઈ અને દોસ્તીથી આગળના સબંધ વિષે ક્યારેય વિચાર્યું પણ નથી.

સેન્ડી આ બધું સાંભળીને હવે પથ્થરને પણ પીગળાવી દે એટલું આક્રંદ કરી રહી હતી. તેને હવે સમજાઈ ગયું હતું કે તે જેને પ્રેમ સમજતી હતી તે તો ફક્ત દોસ્તી અને ફરજ નિભાવી રહ્યો હતો. પરંતુ મેં તો તેને સાચા હૃદયથી પ્રેમ કર્યો છે. મેં એને આજ સુધી કહ્યું નહિ એ મારી ભૂલ ? મેં કોઈ દિવસ એને એવો ઈશારો પણ નથી કર્યો કે તેને થોડી પણ ભનક લાગે કે હું તેના પ્રેમમાં છું પણ એનો મતલબ એમ પણ નથી કે તે પ્રેમ નથી.

"નહિ ઈશુ નહિ, હું તને છોડી નહિ શકું."

સેન્ડીનો આક્રંદ હવે ચિત્કારમાં પરિવર્તન પામ્યો હતો. વર્ષોથી જે લાગણીઓ, પ્રેમ, દુઃખ-દર્દને સેન્ડી પોતાના હૃદયમાં ધરબાવીને બેઠી હતી તે સમંદર હવે ખળભળી ઉઠ્યો હતો. તોફાનનાં કારણે આ બધી જ લાગણીઓમાં હવે વમળો સર્જવા લાગ્યા હતા. જે હવે બહાર નીકળવાના હતા.

નાની વયમાં મને મારી માં છોડીને જતી રહી, પાપાને મારી માટે એટલો સમય નહોતો જેટલો એક બાળકને જરૂરી હોય. તે તેના બીઝનેસમાં જ બીઝી રહેતા. એવામાં મને તારા સ્વરૂપે એક ભેટ પાપાએ આપી જેની સાથે હું આખી જિંદગી જીવી શકું પરંતુ તે હરામી માણસનાં લીધે હું તેની હવસનો શિકાર બની અને તે તેનું ખૂન કરી નાખ્યું અને તું જેલમાં ગયો. મારાથી દુર. પાપાએ જાણે એ વાગ્યા પર ડામ દીધો હોય એમ મને તેમનાથી અને તારાથી દુર અમેરિકા મોકલી દીધી. પાછી આવી તો તારી સગાઇના સમાચાર સાંભળ્યા, સગાઇ તૂટી ગઈ ત્યાં ખબર પડી કે તને ઓફીસની સદીયા જોડે પ્રેમ થઇ ગયો છે. આમાં તો હું માત્ર મુક પ્રેક્ષક બનીને જ જોતી રહી ઈશુ. મારી લાગણીઓ કોઈને દેખાઈ જ નહિ ? મારા હૃદય પર પડેલા ઘાવને તમે લોકોએ રૂઝાવા જ નાં દીધા. એક પછી એક ઉઝરડા પાડતા જ રહ્યા અને હું સહન કરતી રહી. શું આ બધું મેં મારી માટે સહન કર્યું ? નહિ ઈશુ નહિ. મેં આ બધું જ તને મેળવવા અને તને પામવા માટે સહન કર્યું છે. બાળપણમાં થયેલી એ શારીરિક શોષણની ઘટના પછી મને કોઈ પણ પુરુષનો સ્પર્શ ગુસ્સો દેવડાવી દેતો. મને નફરત થઇ આવતી. એ બધા જ પુરુષોમાં ફક્ત તું એક જ એવો છે જેનો સ્પર્શ મને પોતાનું ફિલ કરાવે છે. મારા શરીરમાં પ્રેમના તાર હલબલાવી મુકે છે. શું તને મારી સાથે ક્યારેય પણ એક સેકંડ માટે પણ પ્રેમ નથી થયો ઈશુ ?

આજે સેન્ડી પોતાનું હૃદય ઉલેચી રહી હતી. જિંદગીની એક એક દુઃખદ ઘટના અને હૈયાવરાળને બહાર નીચોવી રહી હતી. હ્રદયમાં ધરબાયેલા એ દુઃખો અને પીડાઓ આજે ચિત્કાર બનીને પોકારી રહી હતી. અને ઇશાન આ બધું જ સાંભળતો ચુપચાપ ઉભો હતો.

શું ? તને કોણે કહ્યું કે મને સદીયા જોડે પ્રેમ થઇ ગયો છે ? ક્યાંક એટલે તો તે તેને ઓફીસમાંથી હાંકી નથી કાઢી ને ? વેઇટ વેઇટ તો શું ઘટાને મારાથી દુર કરવામાં પણ તારો જ હાથ છે ? ઇશાનના મગજમાં હવે બધું ધીમે ધીમે ક્લીયર થતું જતું હતું.

હા, મેં જ સદીયાને ઓફીસમાંથી હાંકી કાઢી કારણ કે તેણે જ મને કહ્યું કે તમે બંને પ્રેમમાં છો. જે વાત મારાથી સહન નાં થઇ. ઘટાને પણ મેં જ તારા વિરુદ્ધ શંકાના વાદળો ઘેર્યા અને તને તેના તરફ નફરત જાગે એવા નાટકો પણ કર્યા. આફ્ટરઓલ એવરીથીંગ ઈઝ ફેર ઇન લવ એન્ડ વોર ઈશુ. તારી અને મારી વચ્ચે જે કોઈ પણ આવશે તે પોતાની ઓળખ યાદ રાખવા જેવા પણ નહિ રહે. તું ફક્ત મારો અને મારો જ છે.

આટલું સાંભળતા જ ઈશાને સેન્ડીને ગાલ પર ૧ તમાચો ચોડી દીધો. પ્રેમ ક્યારેય છીનવીને નથી મેળવી શકાતો સેન્ડી. તું એ વાત કેમ સમજતી નથી. પ્રેમ તો પોતાનો રસ્તો જાતે કરે છે. તે તો આપોઆપ થાય છે. આ કોઈ રમત થોડી છે જે કોઈની પણ જિંદગી સાથે તમે રમી શકો. હું તને પ્રેમ કરતો નહોતો, કરતો નથી અને કરી શકીશ પણ નહિ. કારણ કે હું ફક્ત અને ફક્ત સદીયાને જ પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરીશ.

ઓકે. એમ કરીને સેન્ડીએ પર્સમાંથી સીધી જ ઉંદર મારવાની દવા કાઢી અને મોઢે શીશી લગાવા જતી હતી ત્યાં જ ઈશાને હાથ પકડી લીધો અને શીશી ફેંકાવી દીધી. જો ઈશુ તું મારી જીદંગીમાં નથી તો મારે આ જિંદગીનું કશું કામ નથી. હું ફક્ત અને ફક્ત તને જ ચાહું છું. હું તારા સિવાય બીજા કોઈ જોડે લગ્ન નહિ કરી શકુ. હું તારા વગર એક પળ પણ જીવવા નહિ માંગતી. તારી સાથે જીવેલી અત્યારસુધીની દરેક પળ મારી માટે હંમેશા અમુલ્ય રહેશે.

આખરે ઇશાન વિચારે ચડ્યો કે જેને કારણે આજે આ પોઝીશન પર છું એમનો એ એહસાન મારે હજુ પણ ચુકવવાનો બાકી છે. મેં સામે તે એહસાનના બદલામાં શું આપ્યું ? કશું જ નહિ. હવે તે સમય આવી ગયો છે કે પ્રબોધ અંકલના એ એહસાનનો બદલો હું સેન્ડીની ખુશીઓથી ચૂકવીશ. જો સેન્ડી સાથે લગ્ન કરવાથી સેન્ડી ખુશ રહેતી હોય તો હું મારા અરમાનોની હત્યા કરીને પણ એને ખુશ રાખીશ.

ઈશાને સંધ્યાના બંને હાથ પકડીને પ્રેમથી કહ્યું,"ભલે સંધ્યા, હું તારી સાથે જ લગ્ન કરીશ, તારી ખુશીઓ માટે મને આ સબંધ મંજુર છે."

વધુ આવતા અંકે.