ધરબાયેલો ચિત્કાર-10 Ravi Yadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધરબાયેલો ચિત્કાર-10

Name :- Ravi Dharamshibhai Yadav Address :- Dubai, UAE.
Contact No.
:- +91 88 66 53 62 88 (WhatsApp) +971 55 898 1928 (Call)
Email ID :- cardyadav@hotmail.com
cardyadav@gmail.com

ધરબાયેલો ચિત્કાર

Part – 10

ઇશાન અને સેન્ડી આખરે લગ્ન કરવાના નિર્ણય પર આવી ચુક્યા હતા જેની જાણ સદીયાને ઈશાને કરી દીધી હતી. સદીયાને તો જાણે આંચકો જ લાગી ગયો હતો આ સાંભળીને કે જે વ્યક્તિને જિંદગીમાં જગ્યા આપી અને એ જ વ્યક્તિ મારી જિંદગીમાં નહિ રહે ? મારા પ્રેમમાં શું ખામી હતી ? પરંતુ બીજી જ ઘડીએ સદીયાને ઇશાનની મજબૂરી અને તેનું લગ્ન કરવા પાછળનું કારણ પણ ઈશાને તેને કહ્યું જ હતું જેથી સદીયા પણ બધું જ સમજતી હતી.

મોડી રાત થઇ ચુકી હોવા છતાય સદીયા ઉઘાડી આંખે પથારીમાં પડખા ફેરવી રહી હતી. ઊંઘ આજે કોઈ ચોરી ગયું હતું. તે યાદ કરી રહી હતી તે ઘડી જ્યારે એક વખત સદીયાએ ઇશાનની આંખમાં આંખ નાખીને આ વાત કરી હતી.

"ઈશુ.. આ પ્રેમ શું છે ? ક્યારે થાય છે ? કેવી રીતે થાય છે એ મને નથી ખબર. પરંતુ જ્યારથી મેં તને જોયો છે, જાણ્યો છે અને સમજ્યો છે ત્યારથી લાગ્યું કે જાણે મારામાં જે ખૂટી રહ્યું હતું એ માત્ર અને માત્ર તું જ છે. આ પૂર્ણતાનો અહેસાસ હું મારા રોમેરોમમાં મહેસુસ કરી શકું છું. આ સ્વાર્થી દુનિયામાં મારા અસ્તિત્વને જાણે એક મતલબ મળી ગયો છે. તને મેળવી લીધા પછી હવે મને કશું જ નથી જોઈતું એ લાગણી અનુભવી રહી છું. તું એ જ છે જે મારા જીવનનું વજૂદ છે. આઈ લવ યુ ઈશ. લવ યુ સો મચ."

આટલું બોલીને સદીયા ઇશાનના ગળે વળગીને બસ ઇશાનના હૃદયના ધબકારા સાંભળ્યા હતા. અને થોડીવાર બાદ ઈશાને સદીયાનો ચેહરાને વ્હાલભર્યા ચુંબનોથી નવડાવી દીધો હતો. આ ઘટનાને યાદ કરતા કરતા સદીયા તકિયાને છાતીસરસું ચાપીને સુવાની કોશિશ કરી રહી હતી. આંખના ખૂણા ભીના થઇ ચુક્યા હતા પરંતુ આ રાત તેને આજે ખાવા દોડી રહી હતી. અંતે તે ઊંઘની ગોળી ખાઈને સુઈ ગઈ.

===***===***===

બીજી તરફ ઇશાન પણ સદીયાને યાદ કરી કરીને વિચારોની દુનિયામાં ખોવાયેલો હતો. ઓફીસનું કામ એકબાજુ પડ્યું હતું અને બસ બેઠા બેઠા ખુલ્લી આંખોએ જાણે સપના જોઈ રહ્યો હતો જેમાં ફક્ત અને ફક્ત સદીયા હતી. એટલામાં જ એ સપનું તૂટ્યું કારણ કે સેન્ડીનો ફોન આવ્યો હતો.

"હા બોલ સેન્ડી", ઈશાને એકદમ નરમ અવાજથી ધીમેથી જવાબ આપ્યો.

"અરે ! કેમ આમ મોઢું લટકાવીને વાત કરે છે ? હા ?" સેન્ડીએ થોડા મજાકના સ્વરે પૂછ્યું.

"બસ કશું નહિ, તું બોલ હું સાંભળું જ છું." ઈશાને ફરીવાર એવો જ જવાબ આપ્યો.

"અરે મારા ઈશ્કમીજાજી ભોળા પાગલ લલ્લુ, આમ દેવદાસની આત્મા બનીને વાત કરીશ તો કેમ ચાલશે ?"

"બસ એમ જ ચાલે છે સેન્ડી, શું બોલવું, શું કરવું કશું જ સમજમાં નથી આવતું. મગજ જાણે સાવ જ બંધ થઇ ગયું છે."

"અરે વાહ ! તો તો સૌથી સારું થયું. તારા મગજને કહેજે કે બંધ જ રહે અને ચુપચાપ મને પ્રેમ કરવાનું શરુ કરે."

"હમમ" ઈશાને હોંકારો આપ્યો.

"મેરે હોનેવાલે વો" કહેતા સેન્ડીએ હસતા હસતા ફોન મૂકી દીધો.

===***===***===

સેન્ડીના ઘરમાં બધી જ તૈયારીઓ થઇ ચુકી હતી. ઘરમાં મહેંદીની રસમ ચાલી રહી હતી. ઇશાન પણ પ્રબોધભાઈના ઘરે જ હતો. લગ્નગીતો ગવાઈ રહ્યા હતા. ઘરમાં ફૂલોથી કરેલા શણગારને કારણે ઘર આખું મહેકી રહ્યું હતું. દરેક લોકો આનંદ ઉત્સવ મનાવી રહ્યા હતા અને બધા જ ખુબ ખુશ હતા. ઇશાન શેરવાની પહેરીને તૈયાર થઇ રહ્યો હતો જ્યારે સેન્ડીના હાથમાં મહેંદી મુકાઈ રહી હતી. મહેંદીના કલર કરતા તો એના ચેહરા પરની ખુશીનો રંગ આ ઘરને વધુ મહેકાવી રહ્યો હતો. નાની ઢીંગલીઓ જેવી દીકરીઓ ઘરમાં ડાન્સ કરી રહી હતી અને મહેમાનો તેને માણી રહ્યા હતા. એટલામાં જ જોરથી અવાજ આવ્યો.

"ઇશાન.... ઈઇ શા શા ન ન ન ..."

દરેક લોકોનું ધ્યાન અવાજની દિશામાં ગયું. જોયું તો દરવાજા પર સદીયા ઉભી હતી. ઇશાનને બોલાવી રહી હતી. અવાજ સાંભળીને ઇશાન રૂમમાંથી બહાર આવ્યો અને જોયું તો રડેલી આંખો સાથે સદીયા ઘરના દરવાજે ઉભી હતી. તેને જોઇને ઇશાન નીચે આવ્યો અને નીચે આવતાની સાથે જ સદીયા દોડીને એના ગળે વળગી પડી અને રડવા લાગી અને હીબકા ભરતી ભરતી બોલી, "હું મારી જાતને તારી પાસે આવતા નાં રોકી શકી ઈશુ, હું નહિ રહી શકું તારા વગર અને તું પણ મારા વગર નહિ જ રહી શકે એ વાત પણ હું જાણું જ છું. હું જગજાહેર અત્યારે બધાયને કહીશ કે આપણે બંને એકબીજાને કેટલો પ્રેમ કરીએ છીએ. તું ફક્ત અને ફક્ત મારો જ ઇશાન. હું તને કોઈ બીજા સાથે જોઈ નહિ શકું. આઈ લવ યુ ઈશુ."

આટલું સાંભળતા જ ઇશાનમાં પણ જાણે એકાએક શક્તિનો સંચાર થયો અને લોકોની પરવાહ કર્યા વગર જ સદીયાને પોતાની બાહોમાં સમાવી લીધી અને તેના પ્રેમના ઈઝહારનો એકરાર કરવા લાગ્યો. "આઈ લવ યુ ટુ સદીયા. લવ યુ વેરી વેરી મચ"

એટલામાં જ "ઈશુ... ઈશુ..."નો અવાજ સંભળાયો અને આંખ ખોલીને જોયું તો બાજુમાં સેન્ડી બેઠી હતી અને ઇશાનને ઊંઘમાંથી જગાડી રહી હતી. સેન્ડીએ ઇશાન ઊંઘમાં શું બોલ્યો એ બધું જ સાંભળ્યું અને સદીયાનું નામ પણ સાંભળ્યું હતું. પરંતુ જાણે કશું બન્યું જ નાં હોય એમ નોર્મલ બિહેવ કર્યું. ઇશાન ઉભો થઈને સીધો જ બાથરૂમમાં ફ્રેશ થવા જતો રહ્યો અને સેન્ડી હડપચી પર હાથ ટેકવીને વિચારોના વમળમાં ખોવાઈ ગઈ.

===***===***===

આજે સદીયાનો બર્થડે હતો અને ઇશાન હજુ પણ સદીયાને મળી નહોતો શક્યો કારણ કે સેન્ડી હવે સતત ઇશાનની સાથેને સાથે જ રહેતી. સેન્ડીને એવું હતું કે તેની સાથે વધુ ને વધુ સમય વીતાવીશ અને તેનું ધ્યાન રાખીશ એટલે ઇશાન બધાને ભૂલી જશે. પરંતુ તેને ક્યા ખબર હતી કે દિલના વેપાર આમ જબરદસ્તીથી નાં થાય. તે તો બસ આંખોથી આંખોમાં લેવડદેવડ થઇ જતી હોય.

તે દિવસે જો કે નસીબ સાથે હતું એવું લાગ્યું કારણ કે અચાનક જ પ્રબોધભાઈનો સેન્ડી પર ફોન આવ્યો હતો અને ઘરે બોલાવી હતી તેથી સેન્ડી ઘરે જવા નીકળી ગઈ. સેન્ડીના ઓફીસમાંથી નીકળતા તરત જ ઈશાને પહેલું કામ કોઈ કામનું બહાનું કાઢીને ઓફીસની બહાર નીકળવાનું કર્યું. બહાર જઈને લાલ ગુલાબનો મોટો ગુલદસ્તો અને ગીફ્ટ લઈને સીધો જ સદીયાના ઘરે પહોચી ગયો. પરંતુ ત્યાં જઈને જોયું તો ઘરને લોક મારેલું હતું. ઈશાને સદીયાને ફોન કરવાની કોશિશ કરી પણ ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો હતો આથી તે ગીફ્ટ અને બુકે ત્યાં જ મુકીને ઇશાન જતો રહ્યો.

સદીયા રાત્રે ઘરે આવી અને જોયું તો એક નાની ગીફ્ટ અને ગુલાબ પડેલા જોયા અને તેને સમજતા વાર નાં લાગી કે આ કોણ મૂકી ગયું હશે. ફટાફટ તે ઘરમાં ગઈ અને સ્વીચ ઓફ થઇ ગયેલો મોબાઈલ ચાર્જમાં મુકીને ગીફ્ટ ખોલવા લાગી. ગીફ્ટ ખોલીને જોયું તો તેમાં એક નાનું શો પીસનું ગીટાર હતું જેનો તાર તૂટી ગયેલો હતો. સાથે જ એક ગ્રીટિંગ કાર્ડ પણ હતું જેમાં ખુબ બધી બર્થડે વિશ લખેલી હતી અને સાથે એક પત્ર પણ હતો. પત્ર ખોલીને વાંચવા લાગી.

મારા હૃદયના ધબકારા જેવી સદીયા,

આ ગીટારના તાર તૂટી ગયેલા છે એનો મતલબ એમ નથી કે તેમાં હવે સંગીત નથી. એવી જ રીતે કોઈ બે વ્યક્તિ ભેગા નાં થઇ શકે તો એનો મતલબ એમ નથી થતો કે તેમની વચ્ચે હવે પ્રેમ નથી. પ્રેમ તો હંમેશા આપણા હૃદયના પટારામાં ધરબાયેલો રહેશે જ પરંતુ આપણે એને નિભાવી નહિ શકીએ. સમયની સાથે આ ગીટારના તાર પણ સંધાઈ જશે એમ જ સમય જતા કોઈને કોઈ બીજી વ્યક્તિ આપણી લાઈફમાં આવીને આપણા હૃદયમાં રહેલું એ દર્દ ચોક્કસથી હળવું કરી નાખશે.

સદીયા, તુ મને પ્રોમિસ કર કે તુ કોઈ સારો છોકરો શોધીને તેની સાથે લગ્ન કરીને સેટ થઇ જઈશ. મને ભુલાવી દેજે સદીયા, તુ ખુશ રહીશ. સમયની સાથે સાથે ગમે તેવા ઊંડા ઘાવ પણ ભરાઈ જતા હોય છે. આ એક સપનું તૂટ્યા બાદ હવેના તારા બધા જ સપનાઓ પુરા થાય એવી ભગવાનને પ્રાર્થના કરીશ. હું દિલથી દુવા કરીશ કે તારી બધી જ દુવાઓ કબુલ થાય. હંમેશા ખુશ રહેજે સદીયા. હસતી રહેજે.

હેપી બર્થ ડે.

હું તારો જ હતો પણ તારો નાં થઇ શક્યો,
ઇશાન.

પત્ર પૂરો થતા સુધીમાં પત્રના ખૂણા પર સદીયાના આંસુઓના ટીપા કાગળને ભીનો કરી ચુક્યા હતા. તેમ છતાયે સદીયાએ તરત જ ઇશાનને ફોન કર્યો.

"હેલો, થેંક્યું ફોર ફ્લાવર્સ એન્ડ ગીફ્ટ. હું ખુશ રહીશ ઇશાન, ખુશ રહેવાની કોશિશ કરીશ. બાય."

કહેતા સદીયાએ ઇશાનનો જવાબ સાંભળ્યા વગર જ ફોન કાપી નાખ્યો. સદીયા ખુબ જ રડી રહી હતી. પ્રેમના આ ચક્રવ્યૂહ કેવા કેવા રચાયા હતા તેનો ખ્યાલ હવે તેને બરાબર રીતે આવી રહ્યો હતો પરંતુ કરે પણ શું ? હવે તો એ બધો જ વાંક જાણે ભગવાનનો હોય તેમ ભગવાનને દોષ દઈ રહી હતી.

"કેસી યે ખુદાઈ તેરી, તુને હી બનાયી ઓ રબ્બા,

કાહે કો બનાયા તુને ઈશ્ક,

બેઝુબાન ઝુબાન કી ભાષા, કેસે કોઈ સમજે બતા જા,

કાહે કો બનાયા તુને ઇશ્ક."

===***===***===

લગ્નની તારીખ નજીક આવી ચુકી હતી. ઇશાન અને સદીયા મળી શક્યા નહોતા. જ્યારથી ઈશાને સેન્ડી જોડે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો ત્યારથી સદીયાએ પણ ઇશાન જોડે સાવ સબંધ કાપી નાખ્યો હતો. તેની સાથે સાવ બોલવાનું જ બંધ કરી દીધું હતું. તે હવે ઇશાનની લાઈફમાંથી નીકળી જવા માંગતી હતી. અને સદીયા જોડે આમ કર્યા પછી હવે ઇશાન ક્યા મોઢે તેની સાથે વાત કરી શકે એ વિચારમાં ને વિચારમાં તે સદીયાને કશું જ કહી નહોતો શક્યો. બીજી તરફ સેન્ડી ખુબ જ ખુશ હતી કે તેને ઇશાન મળી રહ્યો હતો. જાણે આસમાનમાં તારાઓની વચ્ચે સેર કરી રહી હોય એમ સેન્ડી ખુશ હતી અને તેને જોઇને પ્રબોધભાઈ પણ ખુબ ખુશ હતા. આ બંનેની ખુશી જોઇને ઇશાન પણ મનોમન હૃદયને મનાવતો હતો કે જેના એહસાનના કારણે આજે પોતે એક સારી લાઈફ જીવી રહ્યો છે તેના આ ચેહરાની મુસ્કાન કેવી રીતે છીનવી શકે.

લગ્નને હવે ફક્ત ૨ જ દિવસની વાર હતી. સેન્ડીના ઘરમાં બધી તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. ઇશાન પણ ત્યાં જ હતો. અચાનક ઇશાનના ફોનની રીંગ વાગી અને જોયું તો તે ફોન ઘટાનો હતો. ઇશાન ઘડીક માટે ચોંકી ઉઠ્યો પરંતુ તો પણ તેણે ફોન ઉઠાવ્યો.

"હેલો ઇશાન, મારે તને મળવું છે. આજે જ, અત્યારે જ. પ્લીઝ નાં નહિ કહેતો."

ઇશાનને ઘડીક શું બોલવું સમજ નાં પડી. પછી થોડીવારે બંને વચ્ચેનું મૌન તોડતા બોલ્યો, "ઓકે, ક્યા મળવું છે ?"

"ઘરની પાછળ જ. હું ત્યાં ઉભી છું."

"વ્હોટ ? તને કોણે કહ્યું હું અહિયાં જ છું એમ ?"

"અંશુલે કહ્યું, પ્લીઝ સવાલ પછી કરજે પણ તુ પહેલા નીચે આવી જા."

ઇશાન તરત જ ઘર બહાર નીકળ્યો. પરંતુ જતો હતો ત્યાં જ સેન્ડીનું ધ્યાન તેના પર પડ્યું અને સેન્ડી પણ ચુપચાપ તેની પાછળ નીકળી. જોયું તો ઇશાન ઘરની પાછળની બાજુએ જઈ રહ્યો હતો. આથી સેન્ડીએ પોતાના ઘરની પાછળની બાજુ દીવાલની અંદરની બાજુએથી પાછળ જોયું તો ત્યાં ઘટા ઉભી હતી. રાત્રે ખુબ શાંતિ હતી એટલે તે પણ કોઈ પણ પ્રકારનો અવાજ નાં આવે એમ શાંતિથી ઉભી રહી ગઈ.

રાતના અંધારામાં સ્ટ્રીટલાઈટ ચાલુ હતી અને થોડે સુધી જ પડતા ઝાંખા પ્રકાશમાં ઘટા પોતાની એકટીવા લઈને ઉભી ઇશાનની રાહ જોઈ રહી હતી. ઇશાન ધીમે ધીમે ચાલતો તેની પાસે પહોચ્યો અને જેવો તે નજીક આવ્યો કે ઘટાએ તેની સાથે ફક્ત હાથ મિલાવ્યો અને ઘડીક ઇશાનનો ચેહરો ચુપચાપ જોતી રહી.

"તારા વગરના આ દિવસો કેવા કાઢ્યા છે ઇશાન એ મને ખબર છે. પરંતુ એ દિવસો હવે મારા નસીબમાં નથી જે હું સ્વીકારી પણ ચુકી છું અને મારી લાઈફમાં આગળ પણ વધી ચુકી છું. મેં તારા પર શક કર્યો અને તને મારી જિંદગીમાંથી નીકળી જવા મજબુર કર્યો. પછી લાગ્યું કે જાણે મેં મારી પોતાની જાતે જ પગ પર કુહાડો માર્યો. પરંતુ તું સદીયાને પ્રેમ કરે છે એ જાણ્યા પછી હું પણ આંચકો અનુભવી રહી છું. હું તો અત્યારસુધી એમ માની રહી હતી કે તું સેન્ડીના પ્રેમમાં છે અને તેથી તે મારી સાથે આવું વર્તન કરીને સગાઇ તોડી નાખી. પરંતુ હકીકત જાણવા મળી કે તું સદીયાને પ્રેમ કરે છે અને લગ્ન સેન્ડી જોડે કરી રહ્યો છે પછી તારી હકીકત મને સમજાઈ."

"સદીયાનું નામ સાંભળતા જ ઇશાન ચોંક્યો. તને સદીયા વિષે કોણે કહ્યું ?"

"અંશુલ જોડે મારે વાત થઇ હતી આ બાબતે"

"હમમ.. ઘટા મારા પર સેન્ડીના પાપાના ખુબ જ એહસાન છે. સેન્ડી મને ખુબ જ પ્રેમ કરે છે. એટલે એની ખુશી માટે થઈને હું એની જોડે લગ્ન કરવા માટે તૈયાર થયો છું. એ ખુશ થશે એ જોઇને પ્રબોધ અંકલ ખુશ થશે અને તે બંનેને ખુશ જોઇને હું ખુશ રહી લઈશ કે મેં એમણે મારા પર કરેલા એહસાનનો બદલો ચુકાવી દીધો. મારા હૃદય પરથી એક ભાર હળવો થઇ જશે."

ઘટા આ સાંભળીને સાવ જ નિરુત્તર થઇ ગઈ. તેની આંખોના ખૂણા ભીના થઇ ગયા. પરંતુ ઇશાનની આ મજબૂરી સાંભળીને ફક્ત ખુશ રહે એવી દુવા કરવા સિવાય એનાથી કશું જ થઇ શકે એમ નહોતું."

"ઘણીવાર સબંધોની આ માયાજાળમાં પ્રેમ હોમાઈ જતો હોય છે પરંતુ એના બદલામાં અપાતી ખુશી વધુ મહત્વની થઇ જતી હોય છે ઘટા."

ઘરની દીવાલની અંદરથી સેન્ડીએ બધું જ સાંભળ્યું અને આ સાંભળીને તે ત્યાં જ જાણે સડક થઇને ઉભી રહી ગઈ હતી. પરંતુ પોતાની આંખોમાં રહેલા એ આંસુઓના બંધને નાં રોકી શકી.

===***===***===

આખરે લગ્નનો દિવસ આવી ગયો. ઘરની તૈયારીઓ બધી ધૂમધામથી થઇ ચુકી હતી. આખરે શહેરના સૌથી અમીર એવા પ્રબોધ મહેતાની દીકરીના લગ્ન હતા. દરેક કુટુંબી લોકો કિલ્લોલ કરી રહ્યા હતા. લગ્નગીતો વાગી રહ્યા હતા. આખું ઘર જાણે વિવિધ પ્રકારની લાઈટોથી ઝગમગારા મારી રહ્યું હતું. ઘરની બહાર બેન્ડવાજા વાગી રહ્યા હતા. લગ્નમંડપ શણગારાઇ ચુક્યો હતો. શહેરના મોટા મોટા નામી વ્યક્તિઓ અને ધંધાદારીઓ લગ્નમાં હાજરી આપવા માટે આવી પહોચ્યા હતા. પ્રબોધભાઈની છાતી ગદગદિત હતી કે તેમની દીકરી માટે એકદમ લાયક અને પ્રેમાળ સમજુ છોકરો તેને મળી ગયો હતો.

રૂમમાં તૈયાર થઇ રહેલી સેન્ડી જાણે કોઈ અપ્સરા હોય એ રીતે તૈયાર થયેલી હતી. લાલ કલરની ચોલીમાં ડાર્ક બ્લુ કલરની બોર્ડર અને એ બોર્ડર પર ટકાયેલા એ નાના નાના કાચ અને મોતી અને ભરતકામ, કાનમાં લાંબા એરીન્ગ્સ, નાકની નથડી અને હાથમાં અલગ અલગ મેચિંગવાળી ચૂડીઓ તેના સૌન્દર્યમાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા. પરંતુ આવા આકર્ષક સૌન્દર્યની વચ્ચે સેન્ડીનો ચેહરો એકદમ નીરસ લાગી રહ્યો હતો. તેના ચેહરા પરનું નૂર જાણે છીનવાઈ ગયું હતું. કોઈક ગંભીર વિચારોમાં ખોવાયેલી સેન્ડી જાણે ત્યાં હતી જ નહિ ફક્ત તેનું શરીર જ ત્યાં બેઠું હતું.

બીજી તરફ ઇશાન પણ સાવ એવી જ હાલતમાં હતો. એકદમ મસ્ત રીતે તૈયાર થઈને બેઠેલો ઇશાન કોઈ રાજકુમારથી ઓછો નહોતો લાગતો પરંતુ તેના હૃદયમાં ઉછળી રહેલા તોફાનો કોઈ જોઈ શકે તેમ નહોતું. લોકોને દેખાડવા માટે બહારથી તે સ્મિત કરી રહ્યો હતો પરંતુ અંદર તો જાણે આગનો દરિયો સળગી રહ્યો હતો. તેની નજર સામે અત્યારે ફક્ત અને ફક્ત સદીયા જ દેખાઈ રહી હતી. આજે તેના લગ્નના અગ્નિકુંડમાં જ તેના પ્રેમની ચીતા સળગવાની હતી. તેના પ્રેમની અંતિમવિધિ માટે અગ્નિદાહ આપવાનો હતો. એ વિચાર માત્રથી ઇશાન ખળભળી ઉઠ્યો હતો.

વાજતે ગાજતે ઇશાનનો વરઘોડો નીકળ્યો હતો. ખુબ બધા ફટાકડા ફૂટ્યા હતા અને ખુબ લોકો નાચ્યા હતા. હોશે-હોશે જાન લગ્નમંડપ સુધી પહોચી ગઈ. ધીમે ધીમે લગ્નની વિધિ આગળ ચાલી રહી હતી, સેન્ડી પણ લગ્નમંડપમાં આવી ચુકી હતી અને બાજુમાં પ્રબોધભાઈ નીચે કન્યાદાન કરવા બેઠા હતા અને બાજુમાં જ તેમના પત્નીનો ફોટો પણ મુક્યો હતો. સેન્ડીએ એના પાપાને આ રીતે બેસીને જોયા ત્યાં જ આ એક પળમાં જ જાણે બધું જીવી લીધું હોય એવું મહેસુસ કર્યું. થોડી જ વારમાં ગોરમહારાજે હસ્તમેળાપની વિધિ શરુ કરી. એટલામાં જ ત્યાં સદીયા અને ઘટા બંને આવી પહોચી. ઇશાનનું ધ્યાન જતા જ વિચારે ચડ્યો કે આ બંને અહિયાં શું કરે છે ? પરંતુ કશું જ બોલ્યા વિના ત્યાંથી ધ્યાન હટાવીને ચુપચાપ બેઠો રહ્યો. બંનેના હસ્તમેળાપ થયા પરંતુ સેન્ડીએ મહેસુસ કર્યું કે ઇશાનનો હાથ ધ્રુજી રહ્યો હતો. જે હાથને તે હંમેશા માટે પકડવા જઈ રહી છે તે હાથ લગ્નમંડપમાં જ કાંપી રહ્યો છે. તેણે તરત જ ઇશાન સામે જોયું પરંતુ ઇશાનનું ધ્યાન સદીયાની સામે હતું અને સેન્ડીએ બારીકીથી જોયું તો ઇશાનની આંખના ખૂણામાં આંસુઓ ઉતરી આવ્યા હતા. જાણે આંખોથી જ સદીયાની માફી માંગી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું. સેન્ડીથી આ સહન નાં થયું અને તે તરત જ ત્યાંથી ઉભી થઈને લગ્નમંડપની બહાર આવી ગઈ. થોડીવાર માટે તો બધા જ આશ્ચર્યમાં પડી ગયા કે સેન્ડી આ શું કરી રહી છે.

"બસ, બહુ થયું હવે." સેન્ડી ગુસ્સામાં આવીને બોલી.

"શું થયું સંધ્યા બેટા ? કેમ આમ શરુ વિધિએ તું ઉભી થઇ ગઈ ?" પ્રબોધભાઈએ તરત જ પાસે આવીને પૂછ્યું.

"પાપા આ લગ્ન નથી આ બીઝનેસ ડીલ થઇ રહી છે જેમાં દીલનો સોદો થઇ રહ્યો છે. તમે ઇશાનને આ પોઝીશન સુધી પહોચાડ્યો છે તે એહસાનના બદલામાં ઇશાન મારી જોડે લગ્ન કરી રહ્યો છે."

"વ્હોટ ?"

"હા પાપા, ઇશાન ફક્ત અને ફક્ત મને અને તમને ખુશ રાખવા માટે આ લગ્ન કરી રહ્યો છે. પરંતુ પોતે હૃદયથી આ કરવા તૈયાર છે કે નહિ એ તમે નથી જાણતા. આમ પણ કોઈને ખુશ કરવા માટે સાચા દીલથી કરેલા પ્રયાસ હોવા જોઈએ ઇશાન. તો જ તમે કોઈને ખુશી આપી શકો. તારું હૃદય પોતે રડી રહ્યું છે અને તું અમને ખુશી શું આપવાનો ?"

"પાપા, ઇશાન જો આપણા બંનેની ખુશી માટે આટલું બલિદાન આપી શકતો હોય કે પોતાના પ્રેમનો પણ ત્યાગ કરી દે તો શું આપણે એવું બલિદાન સ્વીકાર કરવું જોઈએ ? શું આપણે એની એક વાત નાં માની શકીએ ?

પ્રબોધભાઈ બધું જ સાંભળી રહ્યા હતા અને સાંધા અને ઇશાન સામે વારાફરતી જોઈ રહ્યા હતા.

પ્રેમમાં બંને તરફનું પાગલપન સારું હોય છે પરંતુ એક તરફનું પાગલપન બહુ જ ખરાબ. બંને લોકોની જિંદગી બરબાદ થઇ જાય છે ઇશાન. આ જિંદગીએ મને બધું જ આપ્યું છે ઇશાન. મારી કોઈ ઈચ્છા હવે બાકી નથી રહેતી. અને મેં આ જિંદગી માટે શું કર્યું ? કશું જ નહિ.

તને ખબર છે ઇશાન મારા દરેક બર્થડે પર તે હંમેશા મને કાંઇક ને કાંઇક ભેટ આપી છે. મારા દરેક જન્મદિનને તે યાદ કરીને સ્પેશીયલ બનાવ્યો છે તે. પરંતુ મેં તને આજ સુધી ક્યારેય પણ કોઈ ગીફ્ટ નથી આપી. અરે મને તો ઘણીવાર તારો બર્થડે પણ ભુલાઈ ગયેલાના દાખલા છે. કોઈની કેર કરવી, કોઈને સાચવવા, કોઈની મદદ કરવી કે કોઈ બીજાની ખુશી માટે પોતે દુઃખ સહન કરવા એ બધું મારા પલ્લે નથી પડતું યાર. અને તું પાગલ મારી ખુશી માટે પોતાનો પ્રેમ દાવ પર લગાવવા બેઠો હતો. જો કે તું પણ મજબુર હતો મારા કારણે જ. મારો જ વાંક હતો એ. પણ હવે એ ભૂલ હું નહિ થવા દઉં.

સંધ્યા ત્યાંથી ઘટા ઉભી હતી ત્યાં ગઈ.

"મારી પાસે એવા કોઈ શબ્દો પણ નથી કે જેના દ્વારા તારા પર કરેલા અત્યાચારોને હું માફ કરાવી શકું. મેં તારો પ્રેમ તારી પાસેથી છીનવી લીધો છે એ બદલ ભગવાન પણ મને ક્યારેય માફ નથી કરવાનો. તને મેં જે દુઃખ આપ્યું છે તેના માટે તું જે કઈ પણ સજા કરીશ એ મને મંજુર હશે. મારા કારણે તારી લાઈફ કોઈ કારણ વગર બરબાદ થઇ ગઈ. શું કરું ? પ્રેમ છે જ એવો પાગલ કે કઈ પણ કરાવી શકે.

ઇશાન મારે તને એક વાત કહેવી છે. તારી અને ઘટા વચ્ચે જે કઈ ગેરસમજણ ઉભી થઇ તેના માટે ફક્ત અને ફક્ત હું જ જવાબદાર છું. મને માફ કરી દેજે.

ઘટા તેની સામે મૂઢ અવસ્થામાં ચુપચાપ ઉભી હતી અને આંખો સંપૂર્ણ રીતે આંસુડાથી સાફ થઇ ગઈ હતી. જાણે આખોથી જ સેન્ડીને માફ કરી દીધી હોય એ રીતે એની સામે જોતી રહી.

સદીયા, તારી સાથે ખરેખર મેં નાં કરવાનું બધું જ કર્યું તો પણ તે ચુપચાપ સહન કરી લીધું. તને મેં ઓફીસમાં બધા સામે બદનામ પણ કરી. તારી કેરિયર ખત્મ કરી નાખવાની પૂરી કોશિશ પણ કરી. મને માફ કરી દેજે પ્લીઝ. મને ખરેખર આ પ્રેમનો એહસાસ ત્યારે થયો જ્યારે ઇશાન ઘટાને મળવા ગયો હતો. ઘટા સામે તેણે પોતાનું હૃદય ઉલેચી નાખ્યું. ત્યારે મને એહસાસ થયો કે મારા સબંધમાં ક્યાંક કોઈક કચાશ રહી ગઈ કે ઇશાન મારી સામે કશું નાં બોલી શક્યો અને બધું જ ઘટા સામે ઠાલવ્યું. ત્યારે વિચાર કર્યો કે ઇશાન ખરેખર તારી માટે જ બનેલો છે સદીયા, ઇશાન તો એનો જ હોવો જોઈએ ને જેને તે પ્રેમ કરતો હોય, અને ઇશાનનો એ પ્રેમ એટલે તું છે સદીયા. હા એ વાત સાચી છે સદીયા કે ઇશાનને મારા જેટલો પ્રેમ કોઈ નાં કરી શકે. પરંતુ ઇશાન તને જેટલો પ્રેમ કરે છે એટલો બીજા કોઈને નાં કરી શકે. સારું જ થયું સદીયા કે મેં ગઈ કાલે જ તને રીક્વેસ્ટ કરીને લગ્નમાં આવવા માટે મનાવી લીધી. આખરે થોડો મોડો તો મોડો પણ મારા હૃદયે મને જવાબ તો આપ્યો. હું મોટું પાપ કરતા બચી ગઈ.

ઇશાન, મારા બર્થડેમાં તે આપેલી ગીફ્ટના બદલામાં આજે હું તને સદીયા ગીફ્ટ કરું છું. ખુશ રહેજે ઈશુ.. કારણ કે તારી ખુશી મારા માટે સૌથી વધુ મહત્વની હતી, છે અને રહેશે.

ઇશાન આ બધું સાંભળી લીધા પછી હવે કશું બોલવા જેવો રહ્યો જ નહોતો. તે ધીમેથી સંધ્યા પાસે આવ્યો એટલામાં જ સંધ્યા બોલી ઉઠી, "બસ હવે કશું બોલતો નહિ, નહિતર હું ફરીવાર મારો નિર્ણય બદલી નાખીશ." એમ કરીને ઇશાનને વળગીને રડવા લાગી. સંધ્યા એટલું રડી રહી હતી કે જાણે તેણે હૈયું ઉલેચી નાખવું હોય. થોડીવારે શાંત પડેલી સંધ્યાનો ચેહરો બંને હાથમાં લઈને ઈશાને તેનું કપાળ ચૂમી લીધું અને બોલ્યો, "તું ખરેખર ખુબ મોટી થઇ ગઈ છે સેન્ડી"

ઇશાન, તું સદીયા સાથે લગ્ન કરી લે અને તમે બંને ખુશ રહો. પરંતુ હું હવે આ શહેરમાં રહેવા નથી માંગતી. હું અને પાપા થોડા દિવસમાં જ અમેરિકા જતા રહેશું. હંમેશા માટે. હવે હું ક્યારેય પાછી નહિ આવું. અને તું પણ મને મળવાની કે વાત કરવાની કોશિશ નહિ કરતો ઈશુ. આ કંપની હવે તારે જ સાચવવાની છે.

સંધ્યા હળવે પગલે પ્રબોધભાઈ પાસે ગઈ અને તેની નજર સામે નજર મેળવી ત્યાં જોયું તો પ્રબોધભાઈની આંખોમાં ગર્વ દેખાઈ આવતો હતો. પોતાની દીકરી કોઈ બીજાની ખુશી માટે પોતાની ખુશી આપીને આવી હતી.

"પાપા, મેં બરાબર કર્યું ને ?"

"હા બેટા, તે એકદમ બરાબર કર્યું."

"પાપા, મારી હજુ એક વાત માનશો ?"

"હા બેટા બોલ. એક નહિ હવે તો તું મોટી થઇ ગઈ છે. તું કહીશ એ જ મારે માનવાનું છે. બોલ મારી દીકરી."

"પાપા ઘટા અને અંશુલના લગ્ન પણ આજ મંડપમાં કરાવી દઈએ ? હું જાઉં તે પહેલા મારે ઘટાના લગ્ન પણ કરાવી દેવા છે. હું તેણે પણ ખુશ જોવા માંગું છું."

"શું અંશુલ જોડે ?"

"હા પાપા. અંશુલ જોડે. ઇશાન અને ઘટાની સગાઇ તૂટ્યા બાદ અંશુલે જ ઘટાને સાચવી હતી. તેણે તો ફક્ત ફ્રેન્ડ તરીકે જ સપોર્ટ કર્યો હતો પરંતુ ક્યારે તે બંને વચ્ચે પ્રેમના ફૂલો ખીલી ઉઠ્યા તે બંનેને ખબર જ નથી રહી. પરંતુ હવે તે બંને સાથે જિંદગી કાઢવા માંગે છે. આ વાત ખુદ મને અંશુલે કીધી. બે દિવસ પહેલા જ્યારે ઘટા ઇશાનને મળીને ગઈ ત્યારે એમાં અંશુલનું નામ આવ્યું પછી અંશુલને મળી અને પૂછ્યું હતું."

પ્રબોધભાઈએ ખુશ થઈને હા પાડી અને ઘટાના પાપાને પણ કહી દીધું જે ત્યાં હાજર જ હતા.

અંતે, સદીયા અને ઇશાન, અને ઘટા અને અંશુલ હંમેશા માટે લગ્નના બંધનમાં બંધાઈ ગયા. સેન્ડી અને પ્રબોધભાઈ હમેશા માટે અમેરિકા જતા રહ્યા. અને દરેક લોકો પોતપોતાની ખુશહાલ જિંદગીમાં વ્યસ્ત બની ગયા.

સમાપ્તિ.