“ગૃહત્યાગ” Jayshree Bhatt Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

“ગૃહત્યાગ”

શોર્ટ સ્ટોરી – ટૂંકી વાર્તા

શીર્ષકઃ- “ગૃહત્યાગ”

લેખિકાઃ- જયશ્રી ભટ્ટ દેસાઈ

000000000000000000000000000000000000000000000000000000000000

સબ હેડિંગ અથવા કથા-સારાંશ

પોતાના વિચારો સંતાન ઉપર લાદી દેવાનું શું પરિણામ આવતું હોય છે, તેનું નિરુપણ કરતી ટૂંકી વાર્તા “ગૃહત્યાગ”માં વણિક-શિક્ષક પિતા જયેશભાઈ પોતાના તેજસ્વી દીકરાની ડોક્ટર બનવાની ક્ષમતા અને સપનું તોડીને કોમર્સ ગ્રેજ્યુએટ બનવા મજબુર કરે છે. દીકરો માનસિક રીતે ભાંગી પડે છે અને માનસિક સંતુલન પણ ખોઈ બેસે છે. એક દિવસ પરિવારના સુખ-ચેન અને સમાજની આબરુ ખાતર ગૃહત્યાગ કરી દે છે. કોમળ કળી ફૂલ બનીને મહેંકે એ પહેલા જ એને સ્વયં માળી દ્વારા મુરઝાવી દેવામાં આવે છે, એની સંવેદનશીલ કથા એટલે “ગૃહત્યાગ”

000000000000000000000000000000000000000000000000000000000000

માગશર મહિનાની અમાસની ઠંડી અને અંધારી રાત હતી. રસ્તાઓ સૂમસામ હતા. રસ્તા પર અડાબીડ પથરાયેલા અંધકાર સામે તો સ્ટ્રિટ લાઈટ્સ પણ વામણી સાબિત થઈ રહી હતી. ગોપાલ એક ઉપરવાળા અને બીજા બૈશાખીના સહારે ઠચુક ઠચુક કરતો આમથી તેમ ચાલી રહ્યો હતો.

મધરાત પછી ત્રીજા પ્રહરમાં તો શેરી કૂતરાઓનું ઝૂંડ પણ ઠરીને ઠામ થઈ બેસી પડ્યું હતું, જાણે સમી સાંજથી ભસી-ભસીને સાવ હાંફી ગયું હતું, એમ લાગતું હતું. રસ્તાની કોરે ફૂટપાથ ઉપર ક્યાંક ક્યાંક ટુંટિયું વળીને જીવતી લાશો જેવા માણસો પછેડી કે પાગરણ ઓઢીને સૂતા હોય એમ થોડા થોડા અંતરે ઢગલા જેવા ઓળા દેખાતા હતા. ગોપાલ કોઈની પરવા કર્યા વિના ભૂતકાળને પાછળ રાખીને દિશાવિહીન દશામાં બૈશાખીને ખેંચ્યે જતો હતો. ગોપાલનો અતીત પણ તેની પંગુતાની માફક તેની સાથે સાથે લંગડાતા પગે ખેંચાઈ આવતો હતો.

શાહ પરિવાર એટલે વલસાડનો મોભાદાર અને શિક્ષિત પરિવાર. જયેશભાઈ શાહ વણિક એટલે વણજ-વેપારનો વારસો ખરો, પરંતુ તેમણે સામાજિક ચેતનાનો એટલે કે શિક્ષણનો માર્ગ પસંદ કર્યો હતો. સ્થાનિક સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં તેઓ ફરજ બજાવે અને શાળા સિવાયના સમયમાં શહેરના તકવંચિત નબળા વર્ગના બાળકોને નિઃશુલ્ક ભણાવે. સમાજમાં જયેશભાઈ એટલે લાખેણા દાનેશ્વરી અને ઉમદા, સેવાભાવી વ્યક્તિત્વ.

મા-જણ્યાને તો મા જ જાણે-પિછાણે. જયેશભાઈની ઘર બહાર ભલે ગમે તેટલી બોલબાલા હોય. ઘરમાં સૌ જયેશભાઈના કરકસરિયા સ્વભાવથી ત્રાહિમામ્. પરિવારને કણકી ચોખા ખવડાવે અને દાન આપવામાં દહેરાદુન બાસમતી. ઘરના લોકો માટે સસ્તા અને સડેલા જેવા શાકભાજી તથા મંદિર, આશ્રમશાળા વગેરેમાં સિઝનેબલ ફ્રૂટ્સનું દાન. ઘરના લોકો માટે દરેક વાતે કરસકર અને ઘરની બહાર દાન આપવામાં રૂપિયાની લ્હાણી. જયેશભાઈના બેધારા સ્વભાવથી તો પત્ની આશાલતા જ નહીં, સમગ્ર સમાજ તેમને સમજાવે, પણ સમજે તો જયેશભાઈ શાના?

આમને આમ જયેશભાઈના ઘરે ઘોડિયું બંધાયું. આશાલતાને પહેલા ખોળે દીકરો અવતર્યો. નામ પાડ્યું, ગોપાલ. એ પછી આ પરિવારમાં અન્ય એક દીકરો મિનેષ અને દીકરી સ્વાતિનું આગમન થયું. શિક્ષક પિતાએ મોટા દીકરા ગોપાલને લાડકોડપૂર્વક પોતાની જ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મૂક્યો. જ્યારે અન્ય બે સંતાનને ગુજરાતી મીડિયમની સ્કૂલમાં મૂક્યા. ગોપાલ સમજુ અને ભણવામાં પણ હોંશિયાર. એસ.એસ.સી.ની પરીક્ષામાં બોર્ડમાં ટોપ-ટેનમાં ગોપાલ ચમકી ઊઠ્યો. ચોતરફ શાહ પરિવારની નામના થઈ ગઈ.

ગોપાલે રિઝલ્ટ લઈને ઘરે આવીને પિતાને કહ્યુઃ “પાપા, મારે સાયન્સ સ્ટ્રિમમાં આગળ ભણવું છે અને મારી ડોક્ટર બનવાની ઈચ્છા છે.”

પિતા તો તરત તાડુકી ઊઠ્યા અને બોલ્યાઃ “જો દીકરા, કાન ખોલીને સાંભળી લે, આપણે વાણિયાની જાત. આપણો ધર્મ અને કર્મ વેપાર-વાણિજ્ય. હું તો શિક્ષકની નોકરી સ્વીકારીને પંતુજી બની ગયો, પણ તારે કોમર્સ વિષય લઈને બિઝનેસ ફિલ્ડ પસંદ કરવાનું છે.”

આ સાંભળીને પોતાની ઈચ્છા પુરી કરવા ગોપાલે માતાની મદદ માગી. આશાલતાએ પતિને લાખ સમજાવ્યા છતા તેઓ એકના બે ન થયા. ગોપાલે ખાવા-પીવાનું છોડી દીધું. પરંતુ પિતાનું હૃદય ન પીગળ્યું અને તેમણે જબરદસ્તીથી ગોપાલને અગિયારમા ધોરણમાં કોમર્સમાં એડમિશન લેવડાવ્યું.

આ સાથે ગોપાલના મગજમાં ગડમથલ શરુ થઈ ગઈ. મનમાં ડોક્ટર બનવાના ખ્વાબ, ગણિત-વિજ્ઞાનના વિષયોની રુચિ ને માથે પડ્યું કોમર્સનું એકાઉન્ટ અને નામાનાં મૂળતત્વો. તે રોજ નિઃસાસા નાખતો. ધીમે ધીમે નિરાશાની ખાઈમાં ધકેલાવા લાગ્યો. મનની વાત કોઈ માનતું નહોતું અને પિતાએ નક્કી કરેલું ભવિષ્ય તેને ગમતું નહોતું.

આ ગડમથલમાં તેનું શરીર સૂકાવા લાગ્યું. તેનો સ્વભાવ ધીમે ધીમે ચીડિયો થવા લાગ્યો. તે ભણવામાં ધ્યાન આપી શકતો નહોતો. સ્કૂલે જવાની આનાકાની કરવા માંડ્યો. ઘર ઝગડાનો અખાડો બની ગયું. પરંતુ તેના પિતા એકના બે ન થયા. જેનું પરિણામ એટલું ભયંકર આવ્યું કે જેની તેઓએ કલ્પના પણ નહોતી કરી.

એક દિવસ મનોમંથનના ભંવરમાં ડૂબેલ ગોપાલ પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠો. તે એટલી હદ સુધી પાગલ થઈ ગયો કે તેને ઘરમાં હવે તો સાંકળેથી બાંધી રાખવો પડતો. પિતાને હવે ખુબ પસ્તાવો થવા લાગ્યો. પરંતુ હવે પસ્તાવો કરવાથી કોઈ ફાયદો નહોતો. દીકરાની હાલત જોઈને માની હાલત પણ દયનીય બની ગઈ. બાકીના બે સંતાનના જીવનમાં પણ ધમાચકડી મચી ગઈ.

શાહ પરિવારે મોટામાં મોટા ડોક્ટર પાસે ગોપાલનો ઈલાજ શરુ કરાવ્યો. આશાલતાની આંખો રડી રડીને લાલ થઈ ગઈ હતી. ત્રણ મહિના સુધી ઈલાજ કરાવ્યા પછી પણ કોઈ ફરક પડ્યો નહોતો. આથી પૈસે ટકે ખમતીધર એવા જયેશભાઈ દીકરાને મુંબઈની કે.ઈ.એમ. હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. જ્યાં નવેક મહિના સુધી તેની સારવાર ચાલી. પરંતુ ગોપાલના આરોગ્યમાં જોઈએ એવો કોઈ ફેર ન પડ્યો. ફાયદો માત્ર એટલો થયો કે હવે તેને સાંકળથી બાંધવાની જરુર પડતી નહોતી. ગોપાલ ઘરમાં પણ શૂન્યમનસ્ક અને એકાકી રહેવા લાગ્યો.

ધીમે ધીમે ઘરના લોકો તેના વર્તાવથી કંટાળતા ગયા. કારણ કે તે ઓટલે બેસીને હવે કોઈને અપશબ્દો બોલે તો કોઈ રાહદારીને પથ્થર પણ મારે. પિતાને આ બધું જોઈને પોતાના વર્તાવ ઉપર પસ્તાવો થવા લાગ્યો હતો. તેઓ મનમાં એક જ વિચાર કરતા હતા કે મેં હાથે કરીને મારા સંતાનનું જીવન બરબાદ કરી નાખ્યું. હવે પસ્તાવાથી કંઈ મળવાનું નહોતું. વિધાતાનો લખેલા લેખ બદલવા ચાલ્યો હતો, એમ વિચારતા વિચારતા દિવસો વીતવા લાગ્યા.

આજુબાજુના લોકોની ફરિયાદો વધી ગઈ. છેવટે શાહ પરિવારે ગોપાલને કોઈક સંસ્થામાં મૂકવાનું નક્કી કર્યું. વિચારોના વમળમાં ખોવાયેલા પરિવારને આશાનું કિરણ અમદાવાદની એક સંસ્થામાં જોવા મળ્યું. જે માનસિક રીતે બીમાર લોકોને પોતાને ત્યાં રાખીને ઈલાજ કરે છે. મને-કમને મા-બાપ દીકરાને એ સંસ્થામાં મૂકી દીધો.

ગોપાલ ધીમે ધીમે સંસ્થામાં રહેવા ટેવાઈ ગયો. પોતે ભણેલો તો હતો જ. તેથી ક્યારેય તેના વર્તાવથી કોઈ કહી ન શકે કે તે માનસિક રીતે અસ્વસ્થ છે. ઘરથી દૂર આ સંસ્થામાં રહીને ગોપાલ કંઈક પોતાની જાતને એકાકી મહેસુસ કરવા લાગ્યો હતો. સંસ્થામાં દરેક પ્રકારની સુખ-સુવિધા મળતી હતી અને તેની કાળજી પણ બરાબર લેવાતી હોવા છતા તેના ચહેરા ઉપરથી નૂર ઊડી ગયું હતું. સંસ્થામાં છ મહિના રહ્યો એમાં તો તેનું શરીર સૂકાઈ ગયું હતું.

જ્યારે ગોપાલને તેના મા-બાપ મળવા આવ્યા ત્યારે ગોપાલની આ હાલત જોઈને રીતસર ચોધાર આંસુએ રડી પડ્યાં. શાહ દંપતી ચર્ચા કરવા લાગ્યું કે દીકરાને આ રીતે અહીં મરવા છોડી દેવો જોઈએ નહીં. તેને આપણી સાથે ઘરે જ લઈ જઈએ. આ અંગે જયેશભાઈ અને આશાલતાબહેન સંસ્થાના વોર્ડનને મળવા અને તેમની સાથે ચર્ચા કરવા તેમની ઓફિસમાં ગયા એ દરમિયાન મા-બાપની ચર્ચા-વાતચીત સાંભળીને ગોપાલ સંસ્થામાંથી આંખના પલકારામાં તો ભાગી ગયો.

સંસ્થામાંથી નાસી છુટેલો ગોપાલ પોતાના ઘરે તો નહીં જ જવાનું મન બનાવી ચુક્યો હતો. આથી તે સીધો રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો. સ્ટેશનના યાર્ડમાં તે આમથી તેમ ઘુમવા લાગ્યો. લઘરવઘર હાલ અને મેલાઘેલાં કપડાંથી તે આબાદ પાગલ જેવો જ દેખાતો હતો.

જિંદગીથી કંટાળીને ગોપાલે આત્મહત્યા કરવાનું મનોમન નક્કી કરી લીધું અને સામેથી આવતી ટ્રેન જોતા જ રેલવેના પાટા પર લંબાવી દીધું. ટ્રેનના તીણા હોર્નના તીક્ષ્ણ અવાજની જાણે તેના ઉપર કોઈ જ અસર થતી નહોતી. કોઈક ભલા આદમીએ તેને બચાવવા અને રેલવે ટ્રેક પરથી ખસેડવાનો પ્રયાસ પણ કર્યો. પરંતુ એટલામાં તો ટ્રેન નજીક પણ આવી ગઈ અને ગોપાલ ઉપર ફરી પણ વળી ને આગળ નીકળી ગઈ.

આ અકસ્માતમાં ગોપાલ તો પેલા ભલા માણસની મદદથી બચી ગયો, પરંતુ તેનો ડાબો પગ કપાઈ ગયો. જિંદગી ટુંકાવવા નીકળેલો ગોપાલ હવે અપંગ બની ગયો. પેલા ભલા માણસે જ ગોપાલને તાબડતોબ હોસ્પિટલમાં ખસેડીને તેનો ઈલાજ પણ કરાવ્યો.

આ સાથે શાહ પરિવારને એક અપંગ સંતાનનું દુઃખ પણ જોવાનો વારો આવ્યો. મા-બાપે આખરે ક્યાંયથી પણ ભાળ મેળવી અને ગોપાલને ઘરે લઈ આવ્યા. હવે ગોપાલ માનસિક વિકલાંગ હોવાની સાથે સાથે શારીરિક વિકલાંગ પણ બની ગયો હતો. હા, તેનામાં એક ફેરફાર એ આવ્યો હતો કે તે હવે ખુબ શાંત થઈ ગયો હતો. હવે તે કોઈ ગાંડપણ કરતો નહોતો.

ગોપાલમાં હવે કોઈ ગાંડપણનાં ચિહ્નો જોવા મળતાં નહોતો. હા, તે આખો દિવસ પોતાના ઘરના ઓટલે બેસીને રસ્તેથી પસાર થતા ને આવતા-જતા લોકોને સાવ જ શૂન્યમનસ્ક બનીને નિહાળ્યા કરતો. તેનામાં આવેલા આ પ્રકારના પરિવર્તનથી મા-બાપને એકંદરે તો એટલો સંતોષ-પરિતોષ હતો કે તેમનો દીકરો હવે શાંત રહેતો હતો અને કોઈ ધાંધલ-ધમાલ પણ કરતો નહોતો. વીતેલાં વર્ષોમાં ગોપાલના નાના ભાઈ અને બહેન પણ હવે ઉંમરલાયક અને સમજદાર બની ગયાં હતાં.

જયેશભાઈની દીકરી અને દીકરો સ્નાતક સુધી ભણી ચુક્યા. દીકરાએ તો કોઈક નોકરી શોધી લીધી હતી. બીજી તરફ દીકરી પરણાવવા લાયક થઈ હોવા છતા ગોપાલની દીમાગી હાલતને કારણે સમાજમાં આ પરિવારને ખાસ્સી બદનામી મળી હતી. પરિણામે દીકરીના લગ્નનું હજુ સુધી ક્યાંય ગોઠવાતું નહોતું. મા-બાપને એક જ વાત સતાવતી હતી કે હવે ગોપાલ સિવાયના દીકરા અને દીકરીનાં લગ્નનું શું થશે?

મા-બાપની ચર્ચાઓ અને ચિંતાઓથી ગોપાલ અજાણ નહોતો. તેને ભલે લોકો માનસિક વિકલાંગ સમજતા હોય, પણ તે તો સમજણનો ભંડાર પણ હતો. તેને ખબર પડવા માંડી હતી કે પોતાની હાજરીના કારણે જ પોતાની બહેનનું લગ્ન થતું અટકે છે અને સમાજમાં પોતાના કારણે પરિવારને સહન કરવાનું આવે છે.

એક દિવસ ગોપાલના ઘરની બરાબર સામે ગાયત્રી હવનનો કાર્યક્રમ હતો. ઘરના બધા લોકો હવનમાં દર્શનાર્થે ગયા હતા. ગોપાલ ઘરની બહાર ઓટલે બેસીને આ બધું જોઈ રહ્યો હતો. તેના મનમાં રોજબરોજના કિસ્સા એક પછી એક પસાર થવા લાગ્યા. સાવ અચાનક તેના મગજમાં શું વિચાર આવ્યા કે તે ઘરમાં એકાન્તનો લાભ લઈને કોઈને કશું પણ કહ્યા વગર બૈશાખીના ટેકે ઘર છોડીને ચાલી નીકળ્યો.

ગૃહત્યાગ કરીને ગોપાલ વલસાડના રેલવે સ્ટેશને પહોંચ્યો અને જે ટ્રેન મળી તેમાં બેસી ગયો. આ તરફ હવનના દર્શન કરીને ગોપાલના મા-બાપ અને ભાઈ-બહેન ઘરે પાછા ફર્યા અને જોયું તો ઘર ખુલ્લું હતું અને ગોપાલ ગુમ હતો. સૌના જીવમાંથી જાણે જીવ નીકળી ગયો હતો. સૌએ ચોતરફ ગોપાલની શોધખોળ આદરી. આખા વલસાડમાં દોડાદોડ કરી મૂકી, પરંતુ ગોપાલનો ક્યાંય કોઈ પત્તો ન મળ્યો તે ન જ મળ્યો. આખરે મા-બાપ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસને પોતાનો દીકરો ગુમ થયા અંગેની જાણ કરી.

મા-બાપે દીકરાને શોધવાના પ્રયાસોમાં કોઈ કસર ન છોડી. ટી.વી. સમાચારમાં ગોપાલના ગુમ થયાના તસવીર સહિત સમાચાર પ્રસારીત થયા. અખબારોમાં ગોપાલના ફોટો સહિત વિગતો છપાવડાવી. ઠેર ઠેર શાહ પરિવારે ગોપાલની શોધ આદરી પરંતુ દીકરાનો ક્યાંય કોઈ પત્તો મળતો નહોતો. એક સમય એવો આવ્યો કે પરિવારે થાકી હારીને હવે ગોપાલને શોધવાનું જ બંધ કરી દીધું. છતા એક આશા જીવંત જરુર હતી કે દીકરો ગમે ત્યારે તો પોતાના ઘરે પાછો અવશ્ય આવશે.

ગોપાલ એક ટ્રેનમાંથી બીજી ટ્રેનમાં અને એક શહેરમાંથી બીજા શહેરમાં રઝળપાટ કરતો રહ્યો. ગોપાલનું જીવન ખરા અર્થમાં લઘરવઘર બની ગયું. લોકો જે કંઈ ખાવાનું આપે તે ખાવાનું અને લોકો જે કંઈ કપડાં પહેરવા આપે તે પહેરી લેતો. માગશરની કડકડતી ઠંડી અને અમાસી રાતના ત્રીજા પ્રહરના સન્નાટામાં પણ ગોપાલને ઊંઘ આવતી નહોતી. તેનું મન બેચેન બનીને પોતાની જિંદગીના ભૂતકાળને ફ્લેશબેક તરીકે નિહાળી રહ્યો હતો અને મનોમન પોતાની જિંદગીને તિરસ્કારી રહ્યો હતો. ગૃહત્યાગ પછી તે આજે હવે એવા મુકામ ઉપર આવીને અટકી ગયો છે કે ન તો માગ્યું જીવન મળ્યું અને માગ્યું મોત પણ મળી રહ્યું નથી.

આ તરફ વર્ષો વીતતા ગયાં. જયેશભાઈ શિક્ષક તરીકે હવે નિવૃત્ત થઈ ગયા હતા. દીકરા અને દીકરીનાં લગ્ન પણ થઈ ગયાં હતાં. બે સંતાનો પોતપોતાની જિંદગીમાં સેટ થઈ ગયા હતા. જયેશભાઈ અને આશાલતાનાં દિલોદિમાગમાંથી હજુ પણ ગોપાલની યાદ એવીને એવી તાજી જ હતી. દીકરાને તેઓ ભુલી શક્યા નહોતા. આથી જ મા-બાપે પોતાની તમામ પ્રકારની સંપત્તિના ત્રણ સરખા ભાગ પણ પાડી રાખ્યા હતા અને એ પ્રમાણે વસિયતનામું પણ બનાવી રાખ્યું હતું. જેમાં ગોપાલનો પણ ભાગ રાખ્યો હતો.

આશા અમર હતી પરંતુ ગોપાલ જો ઘરે પરત ન ફરે તો તેના નામનું ટ્રસ્ટ બનાવીને સામાજિક – સેવાભાવી પ્રવૃત્તિ કરવાનો ઉલ્લેખ પણ વિલપેપર્સમાં કર્યો હતો. આખરે જયેશભાઈનું નિધન થયું. આ તરફ મા આશાલતા દીકરો ગમે ત્યારેય પાછો ફરશે એવી આશામાં જીવી રહ્યા છે. માએ તો વહાલસોયા દીકરાના નામનું ટ્રસ્ટ બનાવ્યું છે અને સેવાભાવી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યાં છે.

આ તરફ ગોપાલ કાયમની રઝળપાટ અને દરબદરની ઠોકરો ખાતો ખાતો એક દિવસ પોતાના વતન વલસાડ જઈ પહોંચે છે. તેને પોતાનું ઘર, શેરી, રસ્તા બધું બરાબર યાદ હતું. કશું જ ભુલાયું નહોતું. કશું જ બદલાયું નહોતું. પોતાના પૈતૃક મકાનનો દેખાવ એવોને એવો જ હતો. હા, ઘર બહાર ભીંત ઉપર એક બોર્ડ લટકતું હતું - “ગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટ”.

થોડા દરિદ્રનારાયણ લોકો ઘર બહારની ઓશરીમાં જમી રહ્યાં હતાં અને મા તથા અન્ય એક બહેન ભોજન પીરસી રહ્યાં હતાં. ગોપાલ પણ ચુપચાપ દરિદ્રજનોની પંગતમાં જમવા બેસી ગયો.

ગોપાલનું મન માનતું નહોતું કે માને કોઈ રીતે સંબોધન કરીને બોલાવે.

છતા તે એટલું જ બોલી શક્યો કે “મૈયા, મુઝે ભી કુછ ખાને કો દે દો. કુછ યહાં ભી પરોસ દો...”

આટલું બોલતાં બોલતાં તો તેના ગળે ડૂમો ભરાઈ આવ્યો. તે વધુ કશું બોલી ન શક્યો.

આ તરફ અવાજની દિશામાં પાછળ ફરીને જોયું તો કોણ બોલ્યું, તે અંગે મા આશાલતા અનુમાન ન કરી શકી. જો કે માને અવાજ કંઈક જાણીતો અને અંગત લાગ્યો.

માએ પાછું ફરીને જોયું પરંતુ ગોપાલે પોતાનો ચહેરાના હાવભાવ અને આંસુ બાઝી ગયેલી આંખો છુપાવવા માટે આખો ચહેરો મેલા કપડાના ટુકડાથી ઢાંકી દીધો કે જેથી મા પોતાને ઓળખી ન જાય.

જેવું મા આશાલતાએ નવ-આગંતુક ભિક્ષુને થાળી પીરસી કે તરત જ ભિક્ષુએ કોળિયો ભરીને હાથ મોં સુધી લંબાવ્યો. પહેલો કોળિયો મોંમાં મૂકતાં વેંત જ ભિક્ષુ મા આશાલતાનાં ચરણોમાં ઢળી પડ્યો.

માને કોણ સમજાવે કે ઢાંકેલા ચહેરા પાછળ તેનો પોતાનો દીકરો ગોપાલ છે!

000000000000000000000000000000000000000000000000000000000000

સમાપ્ત