એક નારી નો મહાદેવ ને પત્ર Jay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક નારી નો મહાદેવ ને પત્ર

Jay Raval

jay.raval7192@gmail.com

અસ્તિત્વની શોધ માટે ભટકતી એક નારી નો મહાદેવ ને પત્ર

મારા સર્વસ્વ, દેવો ના દેવ મહાદેવ,

તમે તો મારી દરેક પરિસ્થિતિ થી પરિચિત જ છો. કારણ કે આ જીવન એ તમારા જ આશીર્વાદ છે. પરંતુ આજે હું આપની સમક્ષ મને મળેલા અને મેં જીવેલા જીવન ની ઘટનાઓ કહીને અમુક પ્રશ્નો પૂછવા માગું છું..

મારા જન્મ સમય થી જ તમે મારી સાથેની દરેક ઘટનાઓ થી પરિચિત જ છો. જયારે હું મારી માતા ના ગર્ભ માં ખીલી રહી હતી ત્યારે મારી માતા સિવાય ના દરેક લોકો મારાથી નાખુશ હતા અને નહોતા ઈચ્છતા કે હું આ દુનિયા માં આવું. અરે, મારા પિતા પણ મને આ દુનિયા માં લાવવા નહોતા ઈચ્છતા.!! પરંતુ, મારી માતા નો સંઘર્ષ અને આકરી લડત ના અંતે મને આ દુનિયા માં આવવા મળ્યું.. અને જે પિતા મને આ દુનિયા માં લાવવા નહોતા ઈચ્છતા એ મને જોઇને બધું જ ભૂલી ગયા, જાણે એમને પોતાની જીંદગી ની સૌથી કિંમતી અને વહાલી વસ્તુ ના મળી ગયી હોય..!! એ મને પ્રેમ કરતા, વહાલ કરતા થાકતા નહોતા. અને ઘર ના અન્ય લોકો ને પણ એમણે સમજાવ્યા અને મારા આગમન ને વધાવી લીધું. હું મારા પિતાની રાજકુમારી બની ગયી અને મારી દરેક નાની-નાની ઈચ્છા અને ખુશીયો મારા પિતા પૂરી કરવા તત્પર રહેવા લાગ્યા...

અચાનક જીવન માં અમુક વળાંકો આવે છે, અને જેમ જીવન એની દિશા બદલે છે, માણસ એનો સ્વભાવ બદલે છે એવું જ કંઈક મારા જીવન માં પણ થવા લાગ્યું.. મારા પિતા જે શેરબજાર નું પણ કામ કરતા, એ અચાનક બદલવા લાગ્યા. મારી માતા ને વારે વારે અપમાનિત કરવા લાગ્યા, એમની સાથે જઘડવા લાગ્યા અને ઘર માં કંકાસ થવા લાગ્યો... જે દીકરી એમના માટે સર્વસ્વ હતી, એના માટે પણ એમને ઘૃણા થવા લાગી. પિતાજી, ઘરે દારૂ પીને આવા લાગ્યા, અને આવા જ વ્યસનો માં ઘેરાયીને મારી માતા પર અત્યાચાર કરવા લાગ્યા.. આ બધું મારી નાની ઉંમર માં જોઇને મને ઘણું દુખ થતું અને એક જ પ્રશ્ન થતો કે મારી માતા ની આમાં શું ભૂલ છે? શા કાજે એને આ બધું ભોગવવાનું આવે છે, અને સહન કરવાનું આવે છે.? શું એ માત્ર મારા ભવિષ્ય માટે થયીને આ અત્યાચાર સહન કરે છે, કે એની ભૂલ એ જ છે કે એને મારા પિતા ને જીવનસાથી તરીકે પસંદ કર્યા?

આ બધી ઘટનાઓ થી મારું કોમળ હૃદય ક્યાંક ભયભીત ના થયી જાય, અને પ્રેમ, લાગણી જેવી ભાવનાઓ ભૂલી ના જાય, એના માટે થયીને મને હોસ્ટેલ માં ભણવા મુકવામાં આવી. મારી માતા ને તો જાણે એમનું જીવન જીવવાની આશા જ દૂર મોકલી દેવી પડે એવી પરિસ્થિતિ હતી, છતાં પણ એ ડગી નહિ, અને મક્કમ મન રાખીને મારા સુંદર ભવિષ્ય માટે અને મને આ બધી તંગ પરિસ્થિતિ થી દૂર મોકલવા માટે આ અઘરો નિર્ણય લઇ લીધો.. ઉંમર ના જે પડાવ પર મને ઘર વાળા નો પ્રેમ, સહકાર, લાગણી અને ઉષ્માભર્યું વર્તન મળવું જોઈએ, એ સમય પર મને હોસ્ટેલ માં રહીને આ બધા થી દૂર એક અલગ જ દુનિયા માં જીવવું પડ્યું.!! જયારે મારે માતા-પિતા નો પ્રેમ જોઈતો હતો એ સમય પર મારે હોસ્ટેલ જીવન ના કડક વાતાવરણ નો ભાગ બનવું પડ્યું.!! જયારે મારે પરી-કથાઓ, વાર્તાઓ સાંભળવી હતી, એ સમયે મારે શિસ્ત અને સમય સુચકતા ના પાઠ શીખવા પડ્યા.!! જયારે મારે મારી માતા ના પ્રેમાળ હાથે બનાવેલ જમવાનું ખાવું હતું, એ સમયે હું જાતે જે પણ બનેલું હોય એ ખાયી લેતી હતી.!! જે પ્રેમ, લાગણી, સાથ-સંગાથ અને સહકાર માટે હું જન્ખતી હતી, એ જાણે વિલુપ્ત થયી ગયો હતો, અને હવે મારી સાથે અને મારી આસપાસ રહેતા લોકો માં હું એ પ્રેમ મળે એમ શોધવા લાગી....!

આ સમય દરમિયાન મારી માતા તો એકદમ મજબૂત બની ગયા, અને જાણે પરિસ્થિતિ સાથે એમણે સમાધાન કરી લીધું હતું. અને મારા પિતા નું વર્તન સમય જતા લાગણીવિહીન થવા લાગ્યું હતું..જયારે હું કૉલેજ માં ગયી એ વખતે એક વાર મારા પિતા મારા પર એટલા ગુસ્સે હતા કે એમને ઘરે કહી દીધું હતું કે હું જ્યાં પણ હોઉં ત્યાંથી પાછી બોલાવી લે અને હવે મારે આગળ કઈ ભણવાની જરૂર નથી.. પરંતુ, ફરી મારી માતા મારી મદદ એ આવી અને એમને મને એક વિશ્વાસુ સંબંધી ના ત્યાં થોડા સમય માટે મોકલી દીધી. બસ, નાનપણ થી માત્ર તિરસ્કાર, જઘડા, હિંસા અને દ્વેષ જોઇને મારું મન સુષુપ્ત થયી ગયું હતું, જાણે બધી જ લાગણીયો મરી પરવારી હતી.. મેં મનોમન દ્રઢ નિશ્ચય કરી લીધો હતો કે હું મારું જીવન મને અને મારી માતા ને અનુકૂળ બનાવીશ.. હું ભણી-ગણી ને એક સ્વતંત્ર જીવન જીવીશ અને મારા પગ પર ઉભી રહીને મારી માતા એ કરેલા સંઘર્ષો બદલ એમને એક સુખી અને શાંત જીવન આપીશ અને હું આજીવન જે પ્રેમ માટે તરસી છું અને વલખા માર્યા છે એ પ્રેમ લઈશ અને આપીશ...!!! અને આ વસ્તુ પ્રાપ્ત કરવા માટે હું જીવન માં કંઈ પણ કરીશ...!!

આ બધું જોઇને હું પણ સ્વાર્થી અને કોઈ પર વિશ્વાસ ના મૂકી શકું એવું થયી ગયી હતી.. પણ, આ સમય દરમિયાન મને કૉલેજ માં એક મિત્ર મળ્યો અને પ્રેમ ની ભૂખ અને જન્ખના માં ખબર જ ના રહી કે અમે ક્યારે એટલા નજીક આવી ગયા કે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા અને અમારી દિનચર્યા એકબીજા વગર અધૂરી રહેવા લાગી.. એ મારી દરેક ખુશી નું ધ્યાન રાખતો અને હમેશા મારી પડખે ઉભો રહેતો, જાણે કે હું અત્યાર સુધી જે પ્રેમ માટે ભટકી એની શોધ એના પર આવીને અટકી..!! પણ, મને એના સ્વભાવ માં પણ અમુક વાત ખૂંચવા લાગી. એ મારા માટે બહુ જ લાગણીશીલ હતો અને મને એ કોઈ સાથે વહેચી ના શકતો. અને મારા માટે એટલો જ સ્વત્વબોધક (possessive) થવા લાગ્યો, મને કોઈ સાથે વાત કરતો જોવે તો એને ના ગમે, બસ હું એની એટલે માત્ર એની જ એવું એને થયી ગયું હતું.. આ સમય દરમિયાન મારી કૉલેજ પતાવીને હું નોકરી પર લાગી ગયી હતી, અને મારી સ્વતંત્ર બનવાની અને પગભર બનવાની મંજિલ તરફ આગળ વધવા લાગી હતી.. અને નોકરી ચાલુ થયા પછી, એના વર્તન માં પણ મને મારા પિતાની ઝલક દેખાવા માંડી, અને મને લાગ્યું કે મારી જીંદગી પણ આખરે મારી માતા ની જેમ જ થયી જશે...!!!

આ સમય દરમિયાન નોકરી માં મારી સાથે કામ કરતા એક દોસ્ત સાથે સારી એવી મિત્રતા થયી ગયી અને મારા પ્રેમ ને જેણે મને ગુલામ ની જેમ રાખવાની ચાલુ કરીને અને મને એક પિંજરામાં પૂરીને રાખવાની કોશિશ કરી એને બહુ જ કઠણ નિર્ણય કરીને છોડી દીધો.. બહુ જ કપરો અને અઘરો નિર્ણય હતો આ મારો પણ હું જે નાનપણ થી મારી માતા સાથે જોયી હતું એ જ વસ્તુ મારી જીંદગી માં થાય એમ નહોતી ઈચ્છતી.. અને મારા આ કપરા સમય માં મારા એ ઓફીસ ના મિત્ર એ મને સાથ આપ્યો અને મને તૂટવાથી બચાવી.. ફરી મારું પ્રેમ અને લાગણી ભૂખ્યું મન સળવળ્યું અને મને એની સાથે પ્રેમ અને લાગણી બંધાવા લાગી, અને એક વાર અમે બધી જ મર્યાદા ઓળંગી લીધી. એ મિત્ર અમારા સંબંધ માટે બહુ જ મક્કમ હતો અને વચન આપ્યું હતું કે કોઈ પણ સંજોગો માં એ મને દગો નહિ આપે... પણ, હું હવે એનાથી ધરાયી ચુકી હતી. અને એને કોઈ પણ રીતે મારી જીંદગી થી દુર કરવા માગતી હતી. અને આખરે મેં એને ખુબ જ અપમાનિત અને તિરસ્ક્રિત કરીને દૂર કરી દીધો અને એની દરેક વાતો સામે આંખ આડા કાન કરી દીધા. અને હવે તો હું પણ સ્વતંત્ર હતી અને મારા પગ પર ઉભી રહી ગયી હતી એટલે મારે કોઈની જરૂર નહોતી, અને જેની મારે જરૂર નહોતી એને હું મારી જીંદગી માંથી દૂર કરવા લાગી..

થોડાક સમય પછી મને ફરી એક છોકરો મળ્યો જેની સાથે મિત્રતા થયી અને પછી એની સાથે પણ અનેક વાર મર્યાદા ઓળંગી લીધી. ખબર નહિ મારી જીંદગી કયા રસ્તે જઈ રહી હતી..?!! અને એ છોકરા એ મને થોડા સમય પછી એક હકીકત જણાવી કે એ મારી સાથે લગ્ન નહિ કરી શકે કેમકે એ પહેલેથી કોઈ છોકરીને પ્રેમ કરે છે અને એની સાથે જ એના લગ્ન થવાના છે..!! આ સંભાળીને મારા પગ તળે જમીન સરકી ગયી... મને તરત જ પેલો ઓફીસ વાળો મારો મિત્ર યાદ આવી ગયો કે જેના પ્રેમ ની મેં મજાક ઉડાવી હતી અને જેની સાથે લાગણીયો સાથે હું રમી હતી. અને તમે પણ મને કદાચ એની જ સજા આપી.. કેમકે એ તમારો બહુ મોટો ભક્ત હતો. મહાદેવ, હું હવે સાવ તૂટી ગયી હતી, કેમકે હવે મારી સાથે એવા જ લોકો આવતા જેને ફક્ત મારા શરીર સાથે રમવું હોય અને એમની ઇચ્છાઓ ને પૂરી કરવી હોય.. અને જે પ્રેમ માટે હું ભટકતી હતી એ મને કોઈ બીજા રસ્તે લઇ ગયો અને હું માર્ગ ભૂલી ગયી... જાણે કે હું એક ગણિકા બની ગયી છું જે માત્ર લોકોના મનોરંજન માટે અને ઈચ્છાપૂર્તિ ના સાધન તરીકે છે...!!!

કદાચ, હું હવે મારા એ પ્રેમ પાસે પણ જઈ શકું એમ નથી કારણ કે હું મારી પવિત્રતા ગુમાવી ચુકી છું, અને હવે એની સામે શું મોઢું લઈને જાઉં? મેં પૂરી ઓફીસ માં એનું ભારોભાર અપમાન કર્યું છે અને એવું અપમાન કે જેના માટે માફી પણ ઓછી પડે..!! મારી સ્વતંત્રતા અને પગભર થવાની હોડ માં અને પ્રેમ ની લાલસા માં હું મારું વ્યક્તિત્વ, મારું સ્ત્રીત્વ ગુમાવી ચુકી છું. બસ, હું સ્વાર્થી બનીને રહેતી અને હવે લોકો મારો એમના સ્વાર્થ અને ઉપભોગ માટે ઉપયોગ કરે છે..!! મારી માતા નો પણ મેં વિશ્વાસ તોડ્યો છે એમ લાગી રહ્યું છે..!!

મહાદેવ, મારો એ ઓફીસ નો પ્રેમ તમને બહુ જ માનતો હતો અને એને તમારા માં બહુ જ શ્રદ્ધા હતી. અને તમે પણ જાણો છો કે આ સમાજ એક સન્માન અને પવિત્રતા ગુમાવેલી ચુકેલી સ્ત્રી સાથે કેવું વર્તન કરે છે એ.!? આ રૂઢીચુસ્ત અને સિદ્ધાંતો ને ભરેલા સમાજ માં મારા જેવી સ્ત્રી નું કોઈ સ્થાન નથી, માત્ર તમે જ છો કે જે અમારા માટે પૂજનીય છો અને અમને આ સમાજ માં કે સમાજ થી દૂર કોઈ જગ્યા એ સન્માન ભર્યું જીવન આપી શકો છો. એટલે જ તમને આ પત્ર લખી રહી છું. એક આશા સાથે કે મને મારી ભૂલો સુધારીને અને એનું પ્રાયશ્ચિત કરીને બાકીનું જીવન સુખપૂર્ણ રીતે જીવવા મળશે..

હે, મહાદેવ! આ બધું જ બરાબર છે અને મારાથી થયેલી ભૂલો નું પણ મને ભાન છે. પણ મારા તમને અમુક સવાલ છે પ્રભુ..!! તમે મને એવા પરિવાર માં કેમ મોકલી જ્યાં એક સ્ત્રી નું સન્માન નથી જળવાતું અને જ્યાં મારા જન્મ ની કોઈને કંઈ જ ખુશી નહોતી? તમે નાનપણ થી મારા નસીબ માં સંઘર્ષ, અત્યાચાર, ઘૃણા આ બધું કેમ લખી દીધું? મારા જીવન માં પ્રેમ, લાગણી અને સન્માન ને કેમ અધૂરા રાખ્યા? જે પ્રેમ, લાગણી અને સંબંધો ની હુંફ મેળળવા માટે હું ભટકી અને મારો માર્ગ ભૂલીને ના જાણે કેમ એક ઉપભોગ નું સાધન અને ગણિકા જેવું જીવન જીવવા લાગી? જો તમે મને પહેલેથી ઘર, પરિવાર, માતા-પિતા નો પ્રેમ, હુંફ, લાગણી અને સહકાર આપ્યા હોત તો શું હું આ પરિસ્થિતિ માં હોત, કે મેં મારું સન્માન ગુમાવ્યું હોત? જો તમે મારા પિતા ને એટલી સૂજ આપી હોત કે પરિવાર અને બાળકો સાથે કેમ વર્તવું અને પ્રેમ આપવો, તો શું હું પ્રેમ ની લાલસા માં આમતેમ ભટકી હોત? જો તમે મારી માતા ને આટલી હિંમત આપી જેનાથી એ બધું સહન કરી શકી, તો એને એવું કેમ ના સુજાડ્યું કે મને લઈને દૂર જતી રહે અને પોતાની દીકરીને એક સુઘડ ભવિષ્ય આપે? શું મારી માતા મારી સાથે હોત તો હું આવી ભૂલો કરેત કે આવી પરિસ્થિતિ માં આવેત? તમે સંજોગો ને અનુકૂળ કરવાને બદલે શીદ ને એને પ્રતિકૂળ બનાવ્યા? હે! દેવો ના દેવ મહાદેવ, હે! ભોલાનાથ, હું જવાબ માંગુ છું તમારી પાસે મારા આ સવાલો ના? મારી આ જીંદગી ના? મારા અસ્તિત્વ ના? શું મારી સાથે જે થયું એમાં માત્ર મારી જ ભૂલ છે કે જેનાથી હું માર્ગ ભટકી? શું મારો પરિવાર મારી પડખે હોત તો આવું થયું હોત મારી સાથે? શું તમે સંજોગો ને પ્રતિકૂળ ના બનાવ્યા હોત તો આવું થયું હોત? આજે હું મારા અસ્તિત્વ ને શોધી રહી છું, કે આખરે હું કોણ છું? એક સ્ત્રી? એક દીકરી? એક પ્રેયસી? એક ગણિકા? એક મિત્ર? એક મનુષ્ય? મને મારા સવાલો ના જવાબ આપીને મારા અસ્તિત્વ સાથે ઓળખાણ કરાવીને, મારા જીવન નો ઉદેશ્ય કહો પ્રભુ, અને જીવન ને દિશા આપો..!!! એ જ આશા સાથે આપને આ પત્ર લખી રહું છું..

- લી. પોતાના અસ્તિત્વ ની શોધ માં ભટકતું આપનું સર્જન (એક નારી).

- લેખક:- જય રાવલ