Featured Books
શ્રેણી
શેયર કરો

વ્યક્તિસૂચકતા-5 (રહસ્ય બેપર્દા થાય છે)

વ્યક્તિસૂચકતા-૫

(પ્રકરણ ૫ – રહસ્ય બેપર્દા થાય છે)

ભાર્ગવ પટેલ

લેખકનો પરિચય

આમ તો અત્યાર સુધીના મારા બધા લખાણોમાં મારો પરિચય આપવા માટે શબ્દો લખ્યા નથી, પણ આ વખતે મન થઇ ગયું. હું ભાર્ગવ પટેલ, વ્યવસાયે એક MNCમાં એન્જીનીયર. મીકેનીકલ એન્જીનીયરીંગનો અભ્યાસ પૂરો કર્યા પછી છેલ્લા પેપર અને સર્વિસ જોઈનીંગ વચ્ચેના પંદરેક દિવસમાં હું માતૃભારતીના પરિચયમાં આવ્યો અને મહેન્દ્રભાઈએ મને લખવા માટે પ્રોત્સાહન અને પ્લેટફોર્મ પૂરું પાડ્યું. ગુજરાતીમાં લખવાની શરૂઆત મેં ક્યારથી કરી એ વિષે મને પણ થોડી અસમંજસ છે પણ હા! કદાચ માતાનો પ્રેમ ક્યારથી મળવાનો શરુ થયો એ વિષે હું કઈ ન જ વિચારું તો સારું રહેશે. પરંતુ ઓફિસીયલી લખવાનું મારું પ્રથમ પગથીયું માતૃભારતી છે. મારું લખાણ આપ બુદ્ધિશાળી વાચકો સમક્ષ રજુ કરતા અનોખી મોજ આવે છે. તમારા કીમતી રીવ્યુ અને સૂચનો આવકાર્ય.

ફોન (કમ વોટ્સએપ) :- ૯૮૭૯૬૯૯૭૪૬

ઈ-મેઈલ :-

....અનંતે ફાઈલ એની નિયત જગ્યાએ મુક્ત પહેલા એના ફોનમાં ડોક્યુમેન્ટનો એક ફોટો લઇ લીધો અને સુરેશભાઈને ધરાર અવગણીને બહાર નીકળ્યો.

“શું થયું બેટા? કેમ આટલી ઉતાવળ?”,સુરેશભાઈએ પૂછ્યું.

“બસ એમ જ! જાઉં છું હું!”, અનંતના બોલવામાં એનો ગુસ્સો સાફ ઝલકતો હતો અને એના લીધે રૂટીનની જેમ ઘરની બહાર નીકળતા પહેલા ‘જૈ જૈ શ્રી ગોકુલેશ’ બોલવાનું પણ એ ભૂલી ગયો.

સુરેશભાઈની અંદર રહેલું વકીલપણું સળવળ્યું. એમને કંઈક અનિષ્ટ થયું હોવાની શંકા જાગી. તરત જ ઉઠીને તિજોરી પાસે ગયા અને પેલા બધા ડોક્યુમેન્ટ ચકાસવા લાગ્યા. અનંત બધું જેમ હતું એમ જ કરીને ગયો હતો આથી એમની શંકા વધારે પ્રબળ બને એ પહેલા જ અસ્ત થઇ.

આ બાજુ અનંત બાઈક અને મનમાં વિચારોનું ઘોડાપુર લઈને પોલિસ સ્ટેશન જવા નીકળ્યો. એના મનમાં નિશા અને ઈશિતાના કેસ ઉપરાંત પોતાના અસ્તિત્વનો કેસ ચાલી રહ્યો હતો. ‘કોણ છે આ સુરેશ દોશી?’ ‘જો આ મારા પપ્પા છે તો જીતેન્દ્ર સોની કોણ છે?’ ‘ઈશિતા અને નિશાના ખૂની અને આ ઘટના વચ્ચે સામ્યતા તો નથી ને?’ વગેરે સવાલો એને વ્યાકુળ બનાવી રહ્યા હતા. આવી સ્થિતિમાં પોલિસ સ્ટેશન ક્યારે આવ્યું એ ખબર ન પડી. બાઈક પાર્ક કરીને અનંત સોલંકી સાહેબના ટેબલ પર ગયો.

“આવ અનંત બેસ. ડોક્યુમેન્ટ લાવ્યો છે સાથે?”

“હા સર! આ રહ્યા”, કહીને અનંતે બધા ડોક્યુમેન્ટ સોલંકી સાહેબને આપ્યા.

“ઝેરોક્ષ હું રાખું છું, ઓરીજીનલ તો માત્ર વેરીફીકેશન માટે મંગાવ્યા હતા!”

“સારું થયું સર તમે મંગાવ્યા! એના લીધે એક મોટું રહસ્ય મારી સામે છતું થઇ ગયું આજે!”

“શેનું રહસ્ય?”, સોલંકી સાહેબની આંખોમાં ખૂનીની ભાળ મળવાની ચમક આવીને જતી રહી.

“સુરેશ દોશીનું રહસ્ય”

“એ તો તારા પપ્પા છે ને? એમનું વળી શું રહસ્ય હોય?”, સોલંકી મૂંઝાયા.

અનંતે ફોન કાઢીને પેલા ડોક્યુમેન્ટનો ફોટો બતાવ્યો અને પૂછ્યું,

“આનો શું મતલબ હોય સર?”

આખું વાંચીને સોલંકી સાહેબના કપાળ પર કરચલી પડી. આવો સંજોગ ભાગ્યે જ એમના અત્યાર સુધીના કાર્યકાળમાં જોયો હશે.

“દાળમાં ક્યાંક કાળું લાગે છે અનંત”, સોલંકી બોલ્યા.

“તમારી થોડી મદદ મળે આની પાછળનું કાવતરું બેનકાબ કરવામાં સારું રહેશે”, અનંતના મનમાં કોઈ પ્લાનિંગ ઘર કરી રહ્યું હતું. વકીલ સાથે આટલા વર્ષ સુધી રહેવાના લીધે થોડા ઘણા કાનૂની દાવપેચ એ પણ જાણતો હતો.

“મારી મદદની જરૂર તો પડશે જ”, સોલંકી સાહેબ એમના અનુભવથી કળી ગયા કે અનંતના મનમાં શું ચાલે છે. “તમારા આ ડોક્યુમેન્ટના આધારે હું સુરેશ દોશીના ઘરનું સર્ચ વોરંટ બનાવું અને સર્ચ કરું એવું જ કંઈક તમે વિચારો છો ને?”

“એકઝેટલી આવું જ વિચારું છું સર હું”, અનંતે કહ્યું. એટલામાં એનો ફોન રણક્યો, સ્ક્રીન પર ઈશિતાના પપ્પાનો નંબર ફ્લેશ થઇ રહ્યો હતો. અનંતે ત્રીજી જ સેકન્ડે ફોન ઉઠાવ્યો.

“હા બોલો અંકલ!”

“હા અનંત! ક્યાં છે બેટા?”

“સોલંકી સાહેબ સાથે છું અંકલ, પેલા ડોક્યુમેન્ટ....”

“હા હા! બરાબર! મેં તને એટલા માટે ફોન કર્યો હતો કે હમણાં ડોક્ટર સાથે વાત થઇ મારી”

“તો શું કહ્યું એમણે?”

“એમણે કહ્યું છે કે ચિંતા કરવા જેવી કોઈ વાત નથી, ઈશિતા ગમે ત્યારે ભાનમાં આવી શકે છે, એની નસ પરનો સોજો જલ્દીથી ઉતરી રહ્યો છે”

“હાશ! સારું છે ચાલો એક બાજુની શાંતિ થઇ?”

“કેમ? બીજો કોઈ પ્રોબ્લેમ છે બેટા?”

“હા”, કહીને અનંતે બધી કથની કહી સંભળાવી.

“ઓહ! એમ વાત છે?”

“હા અંકલ! તમે ત્યાં જ રહો ઈશિતા સાથે, હું અને સોલંકી સાહેબ અહી બંને કેસમાં લીડ મેળવવાનો ટ્રાય કરીએ છીએ”

“ઓકે! મને જે હોય તે અપડેટ આપતો રહેજે! ચિંતા થાય છે મને થોડીક”

“સ્યોર પપ્પા.. સોરી! અંકલ”, ફોન કટ થયો.

સોલંકી સાહેબે અનંતના મોબાઈલમાંથી ડોક્યુમેન્ટના ફોટાની પ્રિન્ટ કઢાવડાવી અને એના આધાર પર સુરેશ દોશીના ઘરનું સર્ચ વોરંટ તૈયાર કરાવડાવ્યું. સુરેશ દોશી એક પ્રખ્યાત વકીલ હતો એટલે એના ઘરનું સર્ચ વોરંટ બનાવવામાં સહેજ પણ ભૂલ ન થાય એની સોલંકી સાહેબે કાળજી રાખી હતી. એમના મનમાં નિશાના ખૂની અને સુરેશભાઈ વચ્ચે કંઈક સંબંધ હોવાની આશંકા હતી અને એ જ પાક્કી કરવા માટે આ વોરંટ બનાવી રહ્યા હતા.

અનંત અને બે હવાલદાર સાથે જીપ લઈને સોલંકી સાહેબ સુરેશ દોશીના ઘર તરફ રવાના થયા. આ બાજુ અન્ય એક કોન્સ્ટેબલ અન્રે આસપાસના ઇલાકાના કહેવાતા ખબરીઓની ટીમ, પેલા ‘ઇન્ફીનિટી’ લખેલા લોકેટના આધારે તપાસ કરવા નીકળ્યા.

જીપ અનંતના ઘર પાસે આવીને ઉભી રહી. સોલંકી સાહેબે બારણું ખખડાવ્યું. બારણું સુરેશભાઈએ જ ખોલ્યું,

“ઓહો! આવો આવો સોલંકી સાહેબ! કેમ આજે આ બાજુ આવવું થયું? બેસો અંદર”, સુરેશભાઈ સર્ચ વોરંટની વાતથી સાવ અજાણ હતા.

“સોરી સુરેશભાઈ આજે તમારે ત્યાંચા પીવા નઈ પણ ખણખોતર કરવા આવ્યા છીએ”, સોલંકીના અવાજમાં અડગ નિશ્ચય સાફ દેખાતો હતો.

“શું મજાક કરો છો સાહેબ?”

“એ મજાક નથી કરતા”, કહીને અનંતે ગુસ્સા સાથે સર્ચ વોરંટ અને એનો પુરાવો બંને એમના હાથમાં થપાક કરીને થમાવ્યા.

આખું સર્ચ વોરંટ વાંચીને સુરેશભાઈ સ્તબ્ધ થઇ ગયા. એમનો ભાંડો હવે ફૂટવાની તૈયારીમાં હતો.

સોલંકી સાહેબ અને બંને હવાલદાર ઘરમાં ગયા અને બધી શોધખોળ ચાલુ કરી. અનંત પણ ગયો અને સોલંકી સાહેબને ફાઈલોની તિજોરી પાસે લઇ ગયો અને જે ફાઈલ એણે જોઈ હતી એ ફાઈલ કાઢીને બતાવી. સોલંકી સાહેબ ફાઈલની બધી વિગત વાંચવા લાગ્યા, પણ અનંત જે ડોક્યુમેન્ટની વાત કરતો હતો એ એમાં હતું જ નઈ!! સોલંકી સાહેબે આખી ફાઈલ ફેંદી કાઢી પણ ન તો એ ડોક્યુમેન્ટ મળ્યું કે ન તો એને લગતું કોઈ અન્ય ડોક્યુમેન્ટ!

“કદાચ એમને ખબર પડી ગઈ હતી કે આપણે સર્ચ વોરંટ સાથે અહી આવવાના છીએ”, સોલંકી સાહેબે ધીમેથી અનંતને કહ્યું.

“કેમ શું થયું? એમને કેવી રીતે ખબર પડે?”

“તમારું પુરાવાવાળું ડોક્યુમેન્ટ ગાયબ છે અને એને રીલેટેડ પણ કોઈ ડોક્યુમેન્ટ અહી દેખાતું નથી!”

“ના હોય સર!”, કહીને અનંતે ફાઈલ લીધી અને ફેંદી કાઢી, પણ કંઈ હાથ લાગ્યું નહી.

સુરેશભાઈ જાણે કાંઈ ન બન્યું હોય એ રીતે ઇનોસન્ટ વર્તન કરવા લાગ્યા.

“શું થયું સાહેબ? હું કહું છું તો ખરો કે એવું કાઈ નથી જેના આધારે તમે સર્ચ કરી શકો મારા ઘરે”

એવામાં સોલંકી સાહેબની નજર છત પર કરેલી પ્લાસ્ટર ઓફ પેરીસની સીલિંગ પર પડી. ત્યાં એક ખૂણામાં નાની સરખી તિરાડ જેવું હતું. એમને શંકા ગઈ એટલે તરત હવાલદારને તપાસ કરવા જણાવ્યું.

સુરેશભાઈ ગભરાઈ ગયા કારણ કે એમને જે દર હતો એવું જ થઇ રહ્યું હતું. હવાલદારે એ જગ્યાને અડકીને ચેક કરી અને થોડુક જોર લગાવ્યું તો પીઓપીની આખી શીટ સ્લાઈડ થઈને એક બાજુ ખસી ગઈ. આ જોઇને સોલંકી સાહેબ અને અનંત બંને વિસ્મય પામ્યા. હવાલદારે અંદર હાથ નાખીને તપાસ કરી તો જણાયું કે ત્યાં બે ફાઈલો અને અન્ય કાગળની એક થપ્પી મુકેલી હતી. સોલંકી સાહેબે એ બધું નીચે લાવવા માટે આદેશ કર્યો.

બધી ફાઈલો નીચે ઉતરી અને ફાઈલો ચેક કરતા અનંત જે પુરાવો લઈને આવ્યો હતો એ ડોક્યુમેન્ટ અને અન્ય પણ એને સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા. સુરેશભાઈ જીવનમાં પહેલી વાર વકીલમાંથી અસીલ બનવાની ગ્લાનિ અનુભવતા હતા. બધી વિગતોની ચકાસણી કરીને સોલંકી સાહેબે હવાલદારને આદેશ કર્યો,

“જીપમાંથી હાથકડી લઇ આવો, સુરેશભાઈની અટકાયત કરવામાં આવે છે”

જીપમાં બેસીને બધા પોલિસ સ્ટેશન જવા રવાના થયા. ત્યાં જઈને અનંતનીં હાજરીમાં સુરેશભાઈની પૂછપરછ ચાલુ થઇ,

“તમારો અને અનંતનો શું સંબંધ છે?”

“અનંત, જીતેન્દ્ર સોનીનો છોકરો છે! મારો નહી!”

અનંત એકબાજુ ઉભો રહીને પોતાના જીવનના સૌથી મોટા રહસ્યને જીવી રહ્યો હતો.

“જીતેન્દ્ર સોની કોણ છે અને ક્યા છે? અને તમારો એમની સાથે શું સંબંધ છે?”, સોલંકીએ પોતાના આગવા અંદાજમાં પૂછપરછનો દોર ચાલુ કર્યો.

“જીતેન્દ્ર સોની એક બિઝનેસમેન હતા અને હું એમનો લીગલ એડવાઈઝર હતો”

“તો અનંતના પિતા તરીકે તમારું નામ કેમ બોલે છે?”

“જીતેન્દ્ર સોની અહી નહતા રહેતા, એમના કામથી બહાર જ રહેતા હતા, અનંત અહી મારી અને મારી પત્ની સાથે રહેતો હતો, અચાનક એમનું એક રોડ અકસ્માતમાં અવસાન થયું અને કરોડો રૂપિયાની સંપત્તિ અનંતના નામે છોડી ગયા”

“અને તમને એ બધી પચાવી પાડવાની લાલચ જાગી હશે નઈ?”, સોલંકી એક પછી એક કડી ગોઠવતા જતા હતા.

“હા! એટલે મેં વસિયત તો એમની એમ જ રહેવા દીધી પણ અનંતને કાયદેસર મારા સંતાન તરીકે જાહેર કરાવી દીધો, જેથી કરીને એમની બધી સંપત્તિનો સીધો માલિક હું થઇ જાઉં”

પુછપરછ ચાલતી જ હતી એ દરમિયાન સરિતાબેન ત્યાં આવી પહોચ્યા.

“શું થયું બેટા? પપ્પાની કેમ અટકાયત કરી આ લોકોએ? મને સોસાયટીમાંથી ખબર પડી એટલે હું સીધી અહી આવી! શું વાત છે?”, એમણે ગભરાયેલા સ્વરે અનંતને પૂછ્યું.

“આવો આવો મેડમ! સારું થયું તમને લેવા માટે અમારી જીપનું ડીઝલ ન બાળવું પડ્યું”, સોલંકી કટાક્ષમાં બોલ્યા.

“એટલે તમે કહેવા શું માંગો છો?”

“સરિતા! આપણું રહસ્ય છતું થઇ ગયું છે”, સુરેશભાઈએ રડમસ અવાજે કહ્યું.

સરિતાબેન ઢીલા પડ્યા અને એમની પણ પૂછપરછ કરવા માટે લોક-અપમાં લઇ જવાયા.

“હા સાહેબ, અનંત અમારો છોકરો નથી, માત્ર એના નામે કરેલી સંપત્તિ ખાતર જ અમે એના મા-બાપ બન્યા છીએ”, સરિતાબેને કબુલ્યું.

“તો તો જરૂર નિશાના ખૂન અને ઈશિતા પરના હુમલામાં તમે સંડોવાયેલા હશો! કારણ કે જે રીતે અનંતે મને આ બધી ઘટનાઓ બાદ તમારા રીએક્શન વિષે જણાવ્યું ત્યારે મને શંકા તો ગઈ જ હતી”, બંને કેસ ભેગા કરવા સોલંકી મથી રહ્યા હતા.

આ સવાલ આવતા જ બંને ચમક્યા. થોડીવાર માટે બધા ચુપ રહ્યા.

“તમે સીધી રીતે કહેવા માગતા હોય તો ઠીક છે નહી તો મારી પાસે બીજા ઘણા પ્રયોગો છે, તમને તો ખબર જ હશે વકીલ સાહેબ!!”, સોલંકીએ કહ્યું.

“અનંતના જીવનમાં પહેલા નિશા હતી અને પછી ઈશિતા આવી. પણ એક છોકરી હતી જે અનંતને આંધળો પ્રેમ કરતી હતી એનો જ અમે ફાયદો ઉઠાવ્યો!”

“કોણ હતી એ?”

“કાવ્યા”

“કોણ કાવ્યા?”

“ઈશિતાની ફ્રેન્ડ! એ અનંતને આંધળો પ્રેમ કરતી હતી અને અનંત સાથે લગ્ન કરાવવાની ખાતરી આપી અમે નિશાનું ખૂન કરવા મજબૂર કરી હતી!”

“એ કેવી રીતે?”

“જો નિશાના ખૂનમાં ઈશિતાને સજા થાય તો અનંત સાથે કાવ્યાના લગ્ન કરી આપવાની ખાતરી અમે એને આપી હતી, એ એકલી જ છે કે જે જાણે છે કે અનંત અમારુ સંતાન નથી”

અનંત આ સાંભળતા જ જમીન પર ફસડાઈ પડ્યો. એ કાવ્યા હતી કે જેણે નિશાનું ખૂન કર્યું હતું. કાવ્યા, કે જે ઉપરથી એકદમ શાંત અને સૌમ્ય સ્વભાવ ધરાવતી હતી એનો આ બીજો ચહેરો હતો. અનંતની આવી હાલત જોઈ હવાલદારે એને ઉઠાવ્યો અને ખુરશીમાં બેસાડ્યો.

“તો ઈશિતા ઉપર કેમ હુમલો કરાવડાવ્યો તમે બંનેએ?”, આ વખતે ગુસ્સાથી લાલચોળ થયેલા અનંતે સવાલ કર્યો.

“એકઝેટલી! ઈશિતાથી તમને શું પ્રોબ્લેમ હતો? અને આ ઇન્ફીનિટીનું લોકેટ કોનું છે?”

“ઈશિતા ઓલરેડી નિશાના ખૂનમાં સસ્પેક્ટ હતી અને જો ઈશિતા ઉપર આવો હમલો થાય અને સાથે ક્રાઈમ સીન પરથી ‘ઇન્ફીનિટી’ કે જેનો ગુજરાતીમાં અર્થ ‘અનંત’ થાય છે, તો સીધો શક અનંત પર જાય અને જો એક જ વાર અનંત સસ્પેક્ટ બની જાય તો મારી ઓળખાણો અને વકીલાતનું નોલેજ બંનેથી એને ખૂની સાબિત કરવાનું અમારા માટે સરળ થઇ જાત!”

“ઓહ આઈ સી! તો આટલો ચીવટપૂર્વક તમે પ્લાન બનાવ્યો હતો! પ્લાનિંગ ઘણું લાંબુ હશે ને? ક્યારથી આ ષડ્યંત્રની શરૂઆત કરી તમે લોકોએ?”

“અનંત અને એના બધા મિત્રોના પિકનિકથી અમે આ પ્લાનિંગની શરૂઆત કરી હતી”, સુરેશભાઈએ કહ્યું.

“કાવ્યાના ખભા પર બંદુક મુકીને ગોળી ચલાવવાનો વિચાર તમને જ આવ્યો હશે નઈ?”, સોલંકીએ સરિતાબેનને સીધો સવાલ કર્યો.

“હા!”, શરમ અને ગ્લાનિના ભારથી એમનું માથું ઝુકી ગયું.

અનંત લગભગ અવાક હતો. શૂન્યમનસ્ક અને પોતાના જ જીવનના આટલા મોટા રહસ્યથી અત્યાર સુધી સાવ અજાણ હતો. એણે ઉભા થઈને બહાર જવા માટે સોલંકી સાહેબની પરવાનગી માગી,

“સર! હવે આ લોકોને હું મારી સામે બેઠેલા નઈ જોઈ શકું, હું અહીંથી નીકળું છું”

“ઠીક છે અનંત! અને તું આ બંનેની સજાની ચિંતા ના કરીશ! કોર્ટમાં આમના બધા ગુનાના પુરાવા પહેલી સુનાવણીમાં જ સાબિત થઇ જશે પછી ઉમરકેદ તો લગભગ નિશ્ચિત છે, અને હા! તારી એક વધારે મદદ જોઈતી હતી!”

“હા સર બોલો!”

“કાવ્યાના ઘરનું સરનામું આપતો જા! એની પણ અટકાયત કરીને ચાર્જશીટ ફાઈલ કરવી પડશે”

“હું તમને મેસેજ કરું છું”

“ઠીક છે”

“ઓકે”, કહીને અનંત નીકળ્યો.

બાઈક સ્ટાર્ટ થઇ. અનંત દિશાહીન હતો. ‘ક્યાં જાઉં તો કદાચ શાંતિ મળે?’ ‘કોઈ એવું સ્થાન છે જ્યાં મનનો ઉચાટ શમી જાય?’ આવું બધું એના મનમાં સતત ઘુમરાયા કરતુ હતું. એટલામાં એ કોઈ જાણીતા સ્થળ પાસેથી પસાર થયો. એ સ્થળ કે જ્યાં એ અને નિશા પહેલી વાર મળ્યા હતા. ઇત્તેફાક કહો કે નસીબ, પણ ઈશિતા અને અનંતની પણ પ્રેમકથા એ જ જગ્યાએથી ખીલવાની શરૂઆત થઇ હતી. અનંતે યુ-ટર્ન લીધો અને એ બાંકડા પર જઈને બેઠો કે જ્યાં એના જીવનના બે સાચા અને પવિત્ર સંબંધનું અંકુર ફૂટ્યું હતું. બેસતાની સાથે એના રુંવાડા ખડા થઇ ગયા અને શરીરમાં એક ઝનઝણાટી પ્રસરી ગઈ. પછી એના બંને ગાલ પર આંખોએ અશ્રુ-અભિષેક શરુ કર્યો. છુટ્ટા મને અનંત રડી રહ્યો હતો. કદાચ આટલું મનમુકીને મેઘ પણ વરસતા વિચાર કરતો હશે એ હદે ચોંધાર પાણી એની આંખના વાદળમાંથી સરતું હતું. એવામાં એના મજબૂત ખભા પર એક કોમળ સ્પર્શ થયો. આંખોમાં ઝળઝળિયાંથી ધૂંધળા બનેલા આસપાસમાં સ્પર્શ કોનો છે એ જોઈ શકાતું નહતું, પણ આંગળીઓની મૃદુતા અને સ્પર્શની તીવ્રતા અનંત ઓળખી ગયો. દેખાયા વિના જ એ સ્પર્શકર્તાને બાથમાં ભરી લેવા ઉભો થયો. એ ઈશિતા હતી. બંને એકબીજાને એવી રીતે ભેટ્યા કે જાણે બાંકડો એમની હુંફથી સજીવ થવું થવું હતો...

“ઈશુ......”, અનંત કંઈક કહેવા જઈ રહ્યો હતો.

“ના! તું કાંઈ ન બોલીશ! મને બધું ખબર છે! બસ કંઈક કરવું જ હોય તો મને છોડીશ નઈ! આઈ લવ યુ ડીયર!”

“આઈ લવ યુ ટુ”!

શોર્ટ એન્ડ સ્વીટ :- ‘સામે દેખાતા માણસ જેવું જ એનું માનસ હોય એ દરેક વખતે જરૂરી નથી હોતું’

*અસ્તુ*