Featured Books
શ્રેણી
શેયર કરો

વ્યક્તિસૂચકતા-૩ (એક અજુગતી ઘટના)

વ્યક્તિસૂચકતા-3

(પ્રકરણ 3 – એક અજુગતી ઘટના)

ભાર્ગવ પટેલ

પ્રસ્તાવના

વ્યક્તિસૂચકતાને તમે એક લઘુકથા કહી શકો. સાચો સમય સાચવવાની સૂઝ એટલે સમયસૂચકતા. પણ જે-તે સમયે સાચા વ્યક્તિને ઓળખવાની સમજ એટલે મારી લઘુકથાનું શીર્ષક. કોઈ વાર આપણે વ્યક્તિઓને ઓળખવામાં થાપ ખાઈ જઈએ છીએ. એમની વાત કરવાની આગવી વિશેષતા અને એમના વર્તન પરથી આપણે એમની શિયાળવૃત્તિનો અંદાજો પણ નથી લગાવી શકતા એનું જ એક ઉદાહરણ આપતી મારી લઘુકથાનું ત્રીજું ચેપ્ટર ‘એક અજુગતી ઘટના’ તમારી સમક્ષ રજુ કરતા આનંદની લાગણી અનુભવું છું. અણધાર્યા વળાંકો લેતી મારી આ કૃતિ તમારા માટે લગભગ સસ્પેન્સ થ્રીલરની ગરજ સારે એવી આશા જરૂર રાખીશ. તમારા સૂચનો અને રીવ્યુ આવકાર્ય.

લેખકનો પરિચય

આમ તો અત્યાર સુધીના મારા બધા લખાણોમાં મારો પરિચય આપવા માટે શબ્દો લખ્યા નથી, પણ આ વખતે મન થઇ ગયું. હું ભાર્ગવ પટેલ, વ્યવસાયે એક MNC કંપનીમાં એન્જીનીયર. મીકેનીકલ એન્જીનીયરીંગનો અભ્યાસ પૂરો કર્યા પછી છેલ્લા પેપર અને સર્વિસ જોઈનીંગ વચ્ચેના પંદરેક દિવસમાં હું માતૃભારતીના પરિચયમાં આવ્યો અને મહેન્દ્રભાઈએ મને લખવા માટે પ્રોત્સાહન અને પ્લેટફોર્મ પૂરું પાડ્યું. ગુજરાતીમાં લખવાની શરૂઆત મેં ક્યારથી કરી એ વિષે મને પણ થોડી અસમંજસ છે પણ હા! કદાચ માતાનો પ્રેમ ક્યારથી મળવાનો શરુ થયો એ વિષે હું કઈ ન જ વિચારું તો સારું રહેશે. પરંતુ ઓફિસીયલી લખવાનું મારું પ્રથમ પગથીયું માતૃભારતી છે. મારું લખાણ આપ બુદ્ધિશાળી વાચકો સમક્ષ રજુ કરતા અનોખી મોજ આવે છે. તમારા કીમતી રીવ્યુ અને સૂચનો આવકાર્ય.

ફોન (કમ વોટ્સએપ) :- ૯૮૭૯૬૯૯૭૪૬

ઈ-મેઈલ :-

....ટેન્ટભૂમિની આજુબાજુનો રાત્રીનો કાળો રંગ સાયરનની લાઈટથી લાલ થયો. સબ ઇન્સ્પેક્ટર વી.સી. પટેલ, હવાલદાર મોહન અને હવાલદાર યોગેશ ગાડીમાંથી ઉતાવળા પગે ઉતર્યા અને એટલી જ ઝડપથી જે ટેન્ટમાં તોડું દેખાતું હતું એ તરફ ગયા.

“કિસને ફોન કિયા થા યહાં સે પુલિસ સ્ટેશન?”, પટેલ સાહેબે પર્વતી પડછંદ અવાજે સવાલ કર્યો. પુતળા જાણે સજીવન થયા હોય એ રીતે બધા સળવળ્યા. નિર્જીવ બની ગયેલો ટેન્ટ જાણે કે ઇન્સ્પેક્ટરના અવાજથી જીવ પામ્યો.

“મેને કિયા થા સાહબજી”, બધાયમાં એક ગાઈડ એકલો જ હતો કે જે સ્વસ્થ હતો.

“હા તો બતાઈયે ક્યાં હુઆ હૈ યહા પે?”

“સાહબ! મેં જબ રાત કો ઇસ ટેન્ટ મેં આયા તબ દેખા કી યર લડકી કે હાથ મેં ખંજર થા ઔર ઉસકી ગોદ મેં ઇસકા સિર”, ગાઈડે અનુક્રમે ઈશિતા અને નિશા સામે આંગળી કરીને કહ્યું.

“અચ્છા! યે સબ લોગ યહા ઇસ જંગલ મેં ક્યાં કર રહે હૈ?”

“સબ પિકનિક કે વાસ્તે આયે થે યહા પર દો તીન દિન સે”

“યે સબ હુઆ કબ?”

“કરીબ કરીબ દો ઘંટે પેહલે”

“મોહન, લાશને એકબાજુ લઈને પંચનામું કરો”,ઈન્સ્પેક્ટરે હવાલદારને કહ્યું, અને પછી ઈશિતા તરફ જોઇને બોલ્યા, “આ છોકરીને એકબાજુ લઇ જાઓ અને બધા લોહીના દાગવાળા કપડા અલગ કરી હવાલદારને સોંપો પછી આગળની પૂછપરછ થશે”

“હા સર!”, શૈલીએ કહ્યું.

અડધોએક કલાકમાં બંને હવાલદારોએ પંચનામું અને બાકીની બધી કાયદાકીય વિધિ પતાવી, ત્યાં સુધીમાં ઈશિતા અને શૈલી બંને ટેન્ટમાં પાછા ફર્યા. ઇન્સ્પેક્ટરના કહેવા મુજબ શૈલીએ ઈશિતાના કપડાં પ્લાસ્ટિકની પારદર્શક બેગમાં મુક્યા હતા, જેની ઉપર સફેદ સ્ટીકર પર લખેલું હતું ‘એવીડેન્સ બેગ’.

“ઈશિતા! તારા હાથમાં ખંજર હતું અને નિશાનું ખૂન થયું ત્યારે તારા સિવાય ટેન્ટમાં કોઈ જાગતું નહતું, આ બધા જ ફેક્ટર ધ્યાનમાં લેતા ગાઈડના કહેવા મુજબ શંકાની સોય તમારા તરફ જ જાય છે”, પટેલ સાહેબે પૂછપરછ શરુ કરી.

“ના સર, એણે ખૂન કર્યું જ નથી, એ નિર્દોષ છે, કોઈક આવીને ખૂન કરીને ભાગી ગયું છે”, આટલી વારથી ચુપ રહેલો અનંત ઈશિતા પર આરોપ પડતા સાથે જ બોલી ઉઠ્યો.

“તમને પણ પૂછીશ પછીથી, હમણાં વચ્ચે ઇન્ટરપ્ટ ના કરશો પ્લીઝ, મને મારું કામ કરવા દો”, પટેલ સાહેબ થોડા કડક થયા.

“સર, હું જ્યારે મારા ટેન્ટમાંથી બહાર નીકળી ત્યારે નિશાના ટેન્ટમાં બે જણના પડછાયા દેખાયા અને હું કોણ છે એ જોવા માટે નિશાના ટેન્ટમાં જાઉં એ પહેલા તો એના ગળામાં ખંજર ભોંકાઈ ગયું હતું,” ઈશિતાએ સ્વસ્થ અવાજે કહ્યું.

“પણ આટલી રાત્રે તમે ટેન્ટમાંથી બહાર કેમ નીકળ્યા એ વાત પર જરા માહિતી આપો”

“મને કંઈક અજુગતો આભાસ થયો અને એટલે જ હું એ બાજુ ગઈ હતી”, ઈશિતાએ જે હતું એ કહ્યું.

“પણ તમે ખૂન થતું જોઇને બૂમ પાડી શક્ય હોત કે પછી કોઈને જગાડી પણ શક્ય હોત, ખંજર હાથમાં લઈને અને નિશાનું માથું ખોળામાં લઈને બેસવાની શું જરૂર હતી?”, શંકા દ્રઢ કરવા માટે પટેલ સાહેબે સવાલ પૂછ્યો.

“સર, એ વખતે હું કાંઈ પણ બોલી શકવાની પરિસ્થિતિમાં નહતી, બધું એટલું અચાનક થયું કે મને શું કરું ના ઈશુ ના કરું એની કોઈ સમજ રહી જ નઈ”

“તમે શું થાઓ છો બેનના?”, સાહેબે અનંતને પૂછ્યું.

અનંત થોડો અચકાયો. આજુબાજુના બધા મિત્રોમાં ગણગણાટ શરુ થયો અને એમાંથી પટેલ સાહેબે સાંભળ્યું કે એ બંને બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ છે.

“ઓહ! અચ્છા! એટલા માટે તમે એમના સમર્થનમાં છો એમ ને?”, સાહેબે અનંતને પૂછ્યું.

“સર, સાચી વાત કહું તો નિશા મારી એક્સ ગર્લફ્રેન્ડ હતી અને ઈશિતા અત્યારે મારી સાથે છે, વળી એ બન્ને એકબીજાની બેસ્ટ ફ્રેન્ડ્સ પણ છે, પણ ઈશિતાને હું જ્યાં સુધી ઓળખું છું ત્યાં સુધી એ કોઈને ટપલી મારતા પહેલા પણ વિચાર કરે તો ખૂન કરવું એ તો બહુ દૂરની વાત છે”, અનંત ઈશિતાના સમર્થનમાં જેટલું બોલી શકાય એટલું બોલી રહ્યો હતો.

“આપણે જેટલે સુધી જાણીએ અને વિચારીએ છીએ એ લીમીટ પછીની પણ એક દુનિયાનું અસ્તિત્વ હોય છે, અને ઈશિતા અને નિશા બંને બેસ્ટ ફ્રેન્ડ્સ હતી અને તમારી સાથેના બંનેના સંબંધોની આંટીઘૂંટી વત્તામાં મર્ડર વેપન પર ઈશિતાના ફિંગરપ્રિન્ટથી પ્રથમ સસ્પેકટ તરીકે ઈશિતા સિવાય બીજા કોઈનું નામ મારા મગજમાં આવતું નથી, એટલે કાયદા પ્રમાણે ઈશિતાની અટકાયત તો કરવી જ રહી,” પટેલ સાહેબે નિર્ણયાત્મક સ્વરે કહ્યું અને હવાલદારને આદેશ આપ્યો, “યોગેશ!! સ્ટેશન પર ફોન કરીને મહિલા પોલીસની ફરજ પર રહેલા અસ્મિતા પાટીલને અહી તેડાવો”

“જી સાહેબ”,કહીને યોગેશે આદેશનું પાલન કર્યું.

પોણા કલાકમાં પોલીસની બીજી જીપ આવી. ત્યાં સુધીમાં અનંત અને બાકીના મિત્રો કે જે ઈશિતાને સારી રીતે જાણતા હતા એ બધાએ એની નિર્દોષતાના પક્ષમાં જેટલું કહેવાય એટલું કહ્યું. પણ કાયદો અને વ્યવસ્થા સામે બધાના નિવેદનો લાચાર સાબિત થતા જણાયા.

“બોલો પટેલ સાહેબ! શું વાત છે?”, અસ્મિતાબેને આવીને તરત પૂછ્યું.

પટેલ સાહેબે બનાવની તમામ વિગત જણાવી.

નિશાના ઘરે ફોન કરીને જાણ કરાઈ. અચાનક આઘાત ના પામે એટલા માટે એમને માત્ર અકસ્માત થયાનું જણાવાયું. આવા સમાચાર સંભાળતા જ એના મમ્મી પપ્પા અને ભાઈ ત્રણેય સ્થળ પર પહોચવા રવાના થયા.

અજવાળું થવાની તૈયારીમાં હતું પણ ઈશિતાની અટકાયતથી અનંતને એ અજવાળું અંધકારની માફક ધૂંધળું દેખાયું.

પાટીલ મેડમ, ઈશિતા અને પહેલા ગવાહ એવા ગાઈડ સાથે જીપમાં બેસીને પોલીસ સ્ટેશન જવા રવાના થયા. અનંત, જીગર અને શૈલી ત્રણેય ગાઈડની બાઈક લઈને જીપ પાછળ ગયા. પોલીસ સ્ટેશન આવ્યું અને બધા ઉતર્યા. અંદર દાખલ થઈને સૌથી પહેલા ગાઈડનું સ્ટેટમેન્ટ લેવાયું. અનંતે બહાર રહીને જ એના પપ્પાને ફોન કર્યો. જંગલ વિસ્તારમાં નેટવર્કના પ્રોબ્લેમ હોવાના લીધે એ સમયે ફોન થઇ શક્યો નહતો.

“હેલ્લો, બોલ બેટા કેવું ચાલે છે પિકનિક?”

“પપ્પા અહી નિશાનું ખૂન થઇ ગયું છે”, અનંત સીધો વાત પર આવ્યો.

“શું?? નિશાનું ખૂન? કેવી રીતે અને ક્યારે?”

“ગઈ કાલે રાત્રે થયું પપ્પા! એના ટેન્ટમાં કોઈ આવીને ખૂન કરીને ભાગી ગયું પણ શકમંદ તરીકે ઈશિતાની અટકાયત કરીને પોલીસે ગુનો દાખલ કર્યો છે, અમે અત્યારે પોલીસ સ્ટેશન જ છીએ, આગળ શું કરવું જોઈએ હવે?”

“ત્યાંના સબ ઇન્સ્પેક્ટર કોણ છે?”

“કોઈ વી.સી. પટેલ કરીને છે”

“ઓહ! વી.સી. પટેલ છે?”, સુરેશભાઈનો અવાજ થોડો નરમ થયો.

“કેમ પપ્પા? તમે ઓળખો છો એમને?”

“હા! આમ તો મારા મિત્ર જેવા જ છે પણ થોડા કડક અને ચુસ્ત કાયદાપ્રેમી છે”

“હમ્મ્મ! હવે શું કરીએ પપ્પા અમે?”

“તું એક કામ કર એમને ફોન આપ”

“હા! આપું, એક મિનીટ”

અનંતે પોલીસ સ્ટેશનમાં પટેલ સાહેબના ટેબલ પાસે જઈને એમને કહ્યું,

“લો સાહેબ! મારા પપ્પા વકીલ છે, વાત કરોને એમની સાથે?”

“શું નામ છે?”

“સુરેશ દોશી”

“ઓહ અચ્છા! એમનો છોકરો છે તું?”, કહીને એમણે ફોન હાથમાં લીધો.

“હા સર બોલો!”

લગભગ પંદર વીસ મિનીટ વાત ચાલી. પછી ફોન મુક્યો.

“શું થયું સર? શું કીધું એમણે? એ આવે છે અહી?”, પપ્પાની વકીલાત પરના વિશ્વાસના લીધે અનંતે ઉપરાછાપરી આશાભર્યા સવાલો પૂછી લીધા.

“હા! એમનો માણસ જામીનના કાગળિયાં લઈને બેએક કલાકમાં આવે છે એવું કીધું છે. જો બધા ડોક્યુમેન્ટ જેન્યુઈન હશે તો ઈશિતાના જામીન મંજુર થશે.”

“જી સર”, કહીને અનંત, શૈલી અને જીગર મહિલા કોન્સ્ટેબલ પાટીલના ટેબલ પાસે ગયા અને સુનમુન બેઠેલી ઈશિતા પાસે જઈને બેઠા.

“ડોન્ટ વરી ઈશુ! મારા પપ્પાનો માણસ જામીનના ડોક્સ લઈને આવે છે, બે ત્રણ કલાકમાં આપણે અહીથી બહાર હોઈશું”,અનંતે ઈશિતાને સાંત્વના આપી.

“નિશાની કોઈ સાથે શું દુશ્મની હશે? મેં કોઈકને ટેન્ટમાંથી બહાર જતા તો જોયું પણ અંધારા અને નિશાની હાલતના લીધે એનો પીછો ના થઇ શક્યો, એના મમ્મી પપ્પાને ખબર પડશે તો શું થશે?”,ઈશિતા ગંભીર બની.

“હા! પણ આપણે પણ ચુપ નઈ બેસીએ, આપણી રીતે આપણે સાચા ખૂનીને શોધવાના તમામ પ્રયત્નો કરીશું”, શૈલીએ કહ્યું.

એટલામાં નિશાના મમ્મી પપ્પા અને ભાઈ ત્યાં પહોચ્યા.

“ક્યા છે મારી નિશા? કઈ હોસ્પિટલમાં દાખલ છે? એની તબિયત હમણાં કેવી છે?”, એક માતૃહૃદયની ચિંતા અને શોક સવાલોમાં ઉજાગર થતા હતા.

“શું થયું પટેલ સાહેબ?”, નિશાના પપ્પાએ પૂછ્યું.

“તમે બેસો અહી”

“બેસવાનું રહેવા દો સાહેબ, નિશાને મળવું છે મારે, ક્યાં છે એ?”,નિશાના ભાઈએ પૂછ્યું.

પટેલ સાહેબ, અસ્મિતાબેન અને મોહન ત્રણેય સાથે નિશાના મમ્મી પપ્પા અને ભાઈ નિશાની લાશ પાસે પહોચ્યા.

“કોણ છે આ?”, નિશાની મમ્મીએ પૂછ્યું.

મોહને ખચકાતા ખચકાતા નિશાના મુખ પરથી ચાદર હટાવી. નિશાનું શુષ્ક મોં જોઇને એની મમ્મી શોકાતુર થઇ ગઈ. એના પપ્પા અને ભાઈ બંને અવાક હતા. ત્રણેયની આંખોમાંથી ચોંધાર આંસુ વહેતા રહ્યા. નિશા માટે જોયેલા બધા સપનાઓ અને રાખેલી બધી આશાઓની મૃત અવસ્થા જોઇને કદાચ અત્યારે આ ત્રણેય કરતા વધારે દુર્ભાગ્યશાળી આખા જગતમાં કોઈ નહતું.

“નિશાનું ખૂન થયું છે અને એના શકમંદ તરીકે એની બહેનપણી ઈશિતાની અટકાયત અમે કરી છે”, પટેલ સાહેબે નરમ અવાજે કહ્યું.

“ઈશિતા?”,નિશાના પપ્પાએ અસમંજસભર્યા ઉદ્ગાર સાથે પૂછ્યું. એમના મનમાં નિશા અને ઈશિતાના ફ્રેન્ડશીપનો એક ફ્લેશ બેક પસાર થઇ ગયો.

“હા! ક્રાઈમ સીન પર મેં જોયેલી પરિસ્થિતિ અને વેપન પર ઈશિતાની ફિંગરપ્રિન્ટ હોવાના લીધે કાયદાની રીતે એની અટકાયત કરવી એ મારી ફરજ હતી”, પટેલ સાહેબે કહ્યું.

“ઈશિતા આવું ના કરી શકે, બંને બહેનપણીઓ નહી પણ એકબીજાની સગી બહેન જેવી હતી”, એના પપ્પાએ કહ્યું.

“હા મને એના મિત્રોએ બધી વાત કરી પણ અમે કાયદાથી બંધાયેલા છીએ”

આ બધી વાત ચાલતી હતી એટલામાં જ સુરેશભાઈના માણસે પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કર્યો.

“મને સુરેશભાઈએ મોકલ્યો છે પટેલ સાહેબ ક્યાં છે?”, પ્રકાશે પૂછ્યું.

“બોલાવું છું બેસો”,હવાલદાર યોગેશે કહ્યું.

“હા”

થોડીવારમાં પટેલ સાહેબ આવ્યા અને પ્રકાશે આપેલા ડોક્યુમેન્ટ જોયા.

“બધું બરાબર છે આમ તો!”

“શેના કાગળ છે?”,નિશાના ભાઈએ પૂછ્યું.

“ઈશિતાના જામીન માટેના કાગળ છે, અનંતના પપ્પાએ બનાવીને મોકલાવ્યા છે”

“હમ્મ્મ”

અનંત, ઈશિતા, જીગર અને શૈલી પણ ત્યાં આવ્યા.

“જામીનના કાગળ તો બધા ઠીક છે પણ હવે જ્યારે કોર્ટમાં કેસ ચાલે ત્યારે ઈશિતા અને અનંત બંનેએ હાજર રહેવું પડશે”

“સ્યોર સર”,અનંતે કહ્યું.

થોડીવાર માટે વાતાવરણ શોકમય અને સૂમસામ બન્યું.

“મને ખબર છે ઈશિતા કે તું આવું ના કરી શકે, પણ બધા એવીડેન્સ તારી બાજુ ઈશારો કરે છે. શું ખરેખર..??”

ઇન્સ્પેક્ટરે શંકા કરી ત્યાં સુધી તો ઈશિતાને કંઈ લાગ્યું નહી પણ નિશાની મમ્મીએ આવી વાત પૂછી ત્યારે એને લાગી આવ્યું અને બિચારી ધ્રુસકેને ધ્રુસકે રડી પડી. શૈલીએ એને સંભાળી. ઈશિતા કાંઈપણ બોલી શકી નહી કે પછી એને કંઈ બોલવું જ નહતું, કારણ કે માત્ર એક એવીડન્સ એની અને નિશાની ફ્રેન્ડશીપ પર સવાલ ઉઠાવી રહ્યું હતું. ભલે અનંતના લીધે બંને વચ્ચે અનબન હતી, પણ એ એમની દોસ્તી પર હાવી નહતી થઇ એ નિશા અને ઈશિતા બંને જાણતા હતા પણ નિશા એ કહેવા માટે જીવિત નહતી અને ઈશિતાની કહે તો અત્યારે કોઈ સાચી માનવાનું નહતું.

જામીન પર ઈશિતાને છોડવામાં આવી. નિશાના અંતિમ સંસ્કાર માટે પિકનિક માટે આવેલી બંને ગાડી નિશાના ઘરે પહોચી. કોને ખબર હતી કે પિકનિક નિશાના મોતનું કારણ બનશે. લાકડાની શૈય્યા પર નિશાનું આત્માહીન શરીર ભડભડ બળી રહ્યું છે.

‘નિશાને અહિયાં પહોચાડવા માટે જવાબદાર વ્યક્તિને હું શોધીને એના અંજામ સુધી પહોચાડીને જ રહીશ’,અનંતે મનોમન નિશા સાથેની અંગત પળો યાદ કરી અને સંકલ્પ કર્યો.

અંતિમ સંસ્કારની વિધિ પૂરી થઇ. બધા રવાના થયા.અનંત હજી ચિતા પાસે જ ઉભો હતો. નિશાનું આખું શરીર રાખ થયું ત્યાં સુધી ચિતાને જોઈ રહ્યો.

પિકનિકમાં આવેલા બધાને અને ઈશિતાને પોતપોતાના સ્ટેશન પાસે મુકીને અંતે અનંત અને જીગરે પિકનિકની ગાડીવાળાને ભાડું આપ્યું.

ઈશિતા ઘરે પહોચી. એના મમ્મી પપ્પા અંગત કામથી વતન ગયા હતા અને બીજા દિવસે નિશાના ઘરે જઈને પરત આવવાના હતા અને મોટોભાઈ સ્ટડીમાટે અમદાવાદ હોવાના લીધે ઈશિતા આજે ઘરમાં એકલી જ હતી. ફ્રેશ થઈને નિશાના વિચારો કરતા કરતા આજે ઈશિતા અનંતને ફોન કરવાનું પણ ભૂલી ગઈ હતી. કલ્લાકેક થયો હશે ત્યાં અનંતનો ફોન આવ્યો. ફોનની રિંગે એના વિચારોમાં ખલેલ પાડી.

“હા બોલ અનંત”

“શું કરે છે?”

“બસ આ બેઠી ફ્રેશ થઈને, નિશા વિષે વિચારું છું”

“હું પણ એ જ વિચારતો હતો! નસીબ સામે આપણે લાચાર છીએ પણ એની આ હાલત કરનારને તો હું શોધીને જ જંપીશ”, અનંત જુસ્સામાં બોલ્યો.

“હું તારી સાથે જ છું આ લડાઈમાં.. ભલે મારા પર અત્યારે બધાને શંકા છે પણ હું જવાબદાર વ્યક્તિને શોધીને મારી જાતને નિર્દોષ સાબિત કરીશ એ જ નિશાને સાચી શ્રદ્ધાંજલિ હશે.”

“હા”

ઈશિતાના ઘરનું બારણું ખખડ્યું.

“એક મિનીટ અનંત! કોઈક આવ્યું લાગે છે મારા ઘરે. જોઈ લઉં”

“હા! પણ ફોન ચાલુ રાખજે”

“ઓકે”

ઈશિતાએ બારણું ખોલ્યું. પણ બહાર કોઈ હતું નઈ. એણે આસપાસ જોયું પણ કોઈ ન દેખાયું.

“કોણ છે ઈશુ?”

“ખબર નઈ કોણ છે! બારણું તો ખખડ્યું પણ કોઈ દેખાતું નથી બહાર”

“ભ્રમ થયો હશે તને કદાચ”

“મે બી, હોઈ શકે”, કહીને ઈશિતાએ બારણું બંધ કર્યું અને અનંત સાથે વાત કરવા લાગી.

થોડીવારમાં ફરીથી બારણું ખખડ્યું. આ વખતે તીવ્રતા થોડી વધારે હતી. અનંતે પણ સાંભળી. ઈશિતા ફરી બારણા પાસે ગઈ અને ખોલીને જોયું તો ફરી પણ કોઈ દેખાયું નઈ. અનંતને શક ગયો અને ઝડપી અવાજે ઈશિતાને બારણું બંધ કરી અંદરથી સ્ટોપર મારવાનું કહ્યું. જેવી ઈશિતાએ અંદરથી બારણાને સ્ટોપર મારી એવું જ એકાએક કોઈ પાછળની બારીએથી ઈશિતાના ઘરમાં પ્રવેશ્યું અને ઈશિતાએ બૂમ પાડી,

“કોણ છે ત્યાં?” અને આટલું સંભાળતા અનંતના પેટમાં ફાળ પડી અને કોઈ જાતની પરવાહ કાર્ય વગર ફટાફટ બાઈક લઈને ઈશીતાના ઘર તરફ જવા નીકળ્યો.

સામેથી કોઈ જવાબ ના આવ્યો. અનંતનો ફોન હજી ચાલુ હતો. ઘરમાં બારીએથી ઘૂસેલું વ્યક્તિ ધીમે ધીમે ઈશિતા તરફ આવી રહ્યું હતું. મોઢું ઢાંકેલું હોવાથી ઈશિતા એને ઓળખી શકતી નહતી.

“હલ્લો! ઈશુ! કોણ છે ઘરમાં?”, અનંત વારંવાર એક જ સવાલ પૂછી રહ્યો હતો જેનો જવાબ ઈશિતા નહતી આપી શકતી.

ઈશિતાને આછો આભાસ થયો એ રાત્રીનો કે જયારે નિશાનું ખૂન થયું હતું. આ વ્યક્તિ એ જ હતું કે જેના હાથોએ નિશાનું ગળું વીંધાયું હતું. ઈશિતા એને ઓળખી ગઈ અને ઓળખતાવેંત ડઘાઈ ગઈ,

“તું એ જ છે ને? તે નિશાને કેમ મારી? તારી શું દુશ્મની હતી એની સાથે?”

જવાબમાં એણે નિશાનો મોબાઈલ ઝૂંટવી લીધો અને ફેકી દીધો. ફોન કટ થયો એટલે અનંતે બાઈકની સ્પીડ વધારી અને બમણી ઝડપથી ઈશીતાના ઘરે પહોચ્યો.

ઈશિતાના કમ્પાઉન્ડમાં બાઈકનો અવાજ સાંભળીને ખૂનીને શંકા ગઈ. ઈશિતાને મારવાનો ઈરાદો જતો કરીને ખંજર ફેંકી દીધું અને નજીકમાં પડેલું ફ્લાવર વાઝ ઉપાડીને જોરથી ઈશિતાના માથા પર ઘા કર્યો અને ઈશિતા બેભાન થઇને ઢળી પડી. પછી ખૂનીએ મેઈન ડોરની સ્ટોપર ખોલી અને બારીએથી જ પાછા ભાગી જવાનું વિચિત્ર કામ કર્યું.અનંત ઘરમાં પ્રવેશ્યો અને.....................

(ટુ બી કંટીન્યુ...)

વ્યક્તિસૂચકતા-3

(પ્રકરણ 3 – એક અજુગતી ઘટના)

ભાર્ગવ પટેલ