Featured Books
શ્રેણી
શેયર કરો

વ્યક્તિસૂચકતા-૨(પિકનિકની છેલ્લી રાત)

વ્યક્તિસૂચકતા-૨

(પ્રકરણ ૨ – પિકનિકની છેલ્લી રાત)

ભાર્ગવ પટેલ

પ્રસ્તાવના

વ્યક્તિસૂચકતાને તમે એક લઘુકથા કહી શકો. સાચો સમય સાચવવાની સૂઝ એટલે સમયસૂચકતા. પણ જે-તે સમયે સાચા વ્યક્તિને ઓળખવાની સમજ એટલે મારી લઘુકથાનું શીર્ષક. કોઈ વાર આપણે વ્યક્તિઓને ઓળખવામાં થાપ ખાઈ જઈએ છીએ. એમની વાત કરવાની આગવી વિશેષતા અને એમના વર્તન પરથી આપણે એમની શિયાળવૃત્તિનો અંદાજો પણ નથી લગાવી શકતા એનું જ એક ઉદાહરણ આપતી મારી લઘુકથાનું બીજું ચેપ્ટર ‘પિકનિકની છેલ્લી રાત’ તમારી સમક્ષ રજુ કરતા આનંદની લાગણી અનુભવું છું. અણધાર્યા વળાંકો લેતી મારી આ કૃતિ તમારા માટે લગભગ સસ્પેન્સ થ્રીલરની ગરજ સારે એવી આશા જરૂર રાખીશ. તમારા સૂચનો અને રીવ્યુ આવકાર્ય.

લેખકનો પરિચય

આમ તો અત્યાર સુધીના મારા બધા લખાણોમાં મારો પરિચય આપવા માટે શબ્દો લખ્યા નથી, પણ આ વખતે મન થઇ ગયું. હું ભાર્ગવ પટેલ, વ્યવસાયે એક MNC કંપનીમાં એન્જીનીયર. મીકેનીકલ એન્જીનીયરીંગનો અભ્યાસ પૂરો કર્યા પછી છેલ્લા પેપર અને સર્વિસ જોઈનીંગ વચ્ચેના પંદરેક દિવસમાં હું માતૃભારતીના પરિચયમાં આવ્યો અને મહેન્દ્રભાઈએ મને લખવા માટે પ્રોત્સાહન અને પ્લેટફોર્મ પૂરું પાડ્યું. ગુજરાતીમાં લખવાની શરૂઆત મેં ક્યારથી કરી એ વિષે મને પણ થોડી અસમંજસ છે પણ હા! કદાચ માતાનો પ્રેમ ક્યારથી મળવાનો શરુ થયો એ વિષે હું કઈ ન જ વિચારું તો સારું રહેશે. પરંતુ ઓફિસીયલી લખવાનું મારું પ્રથમ પગથીયું માતૃભારતી છે. મારું લખાણ આપ બુદ્ધિશાળી વાચકો સમક્ષ રજુ કરતા અનોખી મોજ આવે છે. તમારા કીમતી રીવ્યુ અને સૂચનો આવકાર્ય.

ફોન (કમ વોટ્સએપ) :- ૯૮૭૯૬૯૯૭૪૬

ઈ-મેઈલ :-

....“ઓકે ચલ યાર!! વી વિલ મિસ યુ અ લોટ. તું આવી હોત તો પિકનિકમાં વધારે રોનક આવી જાત”, ઈશિતાએ પોતાની બેસ્ટ ફ્રેન્ડના પિકનિકમાં ન આવી શકવા પર અફસોસ વ્યક્ત કર્યો.

“સોરી ડીયર, પણ નઈ આવી શકાય”, કાવ્યાએ પણ એટલી જ ઉદાસીનતાથી કહ્યું.

ફોન અને ઈશિતાના રૂમની લાઈટ બંને ઓફ થયા.

પિકનિકની ગોઠવણ એક દિવસ પછીના જ દિવસે થઇ હતી અને ઈશિતાને શોપિંગનો માથાબુળ શોખ હતો એટલે વચ્ચેના એક દિવસમાં અનંત સાથે મોલમાં જાય એ વાત સ્વાભાવિક હતી. અનંત અને ઈશિતા શહેરના સૌથી જાણીતા મોલમાં શોપિંગ માટે ગયા. પિકનિકમાં ટેન્ટ અને કેમ્પ ફાયરની લહેજત હોવાના લીધે એ વાતાવરણને અનુકુળ કપડા, કપડાને લગતી જ્વેલરી, એક્સેસરીઝ વગેરે લેવામાં ઈશિતા મશગુલ હતી. અનંતનું બધું ધ્યાન એના પર જ હતું એવામાં એની પીઠ પર કોઈએ થપ્પો કર્યો,

“સરપ્રાઈઝ!!”, સામે નિશા અને એની મિત્ર હેમાલી હતી.

“ઓહ!! તમે બંને???”, અનંત સહસા બોલી ઉઠ્યો.

ઇશિતાનું ધ્યાન એટીટ્યુડના બ્રાન્ડેડ પર્સ પરથી હટીને નિશા અને હેમાલી પર ગયું.

“ઓહ! તું પણ અહી જ છે? શોપિંગ માટે આવી છે એમ ને?”, એણે નિશાને અવગણી અને હેમાલીને પૂછ્યું.

“ના ના! શોપિંગ કરીને ખાલી પૈસા કેમ બગાડવા અને એ પણ બીજાના!!”, નિશાએ થોડા મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો. પણ આવો કટાક્ષથી છલકાતો જવાબ સાંભળીને ઈશિતા લાલઘૂમ થઇ ગઈ,

“એટલે તું કહેવા શું માંગે છે નિશા? હું અહી અનંતના પૈસા બગાડવા આવી છું એમ?”

“અરે ! આઈ વોઝ જસ્ટ જોકિંગ યાર!! આટલી બધી સીરીયસ કેમ થાય છે? ચિલ યાર!”

“વોટ ડુ યુ મીન બાય જોકિંગ? અમારી લાઈફમાં અમે ગમે તે કરીએ, તારા બાપના પૈસા તો નથી વાપરતા ને?”, ઈશિતાનો અવાજ આજુબાજુના લોકોના કાને પડતા એ બંને એમનું કેન્દ્ર બન્યા.

“જો ઈશિતા! હવે તું લીમીટ ક્રોસ કરે છે! મેં ખાલી મસ્તીમાં જ કીધુ હતું..”

“હા! મસ્તી જોઈ મેં અનંત અને તારી વોટ્સએપ ચેટમાં..”

આ વાત સંભાળતા નિશા સહેજ ચમકી અને પોતાની ભૂલ પર પડદો પાડતી હોય એમ બોલી,

“હા તો એમાં શું છે? અમે બંને એક સમયે સાથે હતા, અને એકબીજાને લવ કરતા જ હતા. અત્યારે હું એની સાથે વાત કરું એમાં તને શું વાંધો હોય? અનુને કઈ વાંધો નથી તો તારે શું છે?”

બંનેનો ઝગડો હવે થોડું મોટું સ્વરૂપ લઇ રહ્યો હતો. અનંત વચ્ચે પડ્યો,

“શું તમે બંને આમ ભરચક મોલમાં ઝગડો કરો છો યાર! મારા અંગત સંબંધોનો જાહેરમાં ભવાડો કરવાનો શું મતલબ છે?”

“એક મિનીટ અનંત, તું પ્લીઝ આજે ચુપ રહેજે. દર વખતે તું આની વાત પર મને અને મારા ગુસ્સાને શાંત કરતો આવ્યો છે આજે મારે આનું ચેપ્ટર ક્લોઝ કરવું જ છે.. હજીયે આ તારી પાછળ જ પડી છે અને જ્યારે હોય ત્યારે તારી સાથે વાત કરવાના બહાના શોધતી હોય છે..”, એક સમયની બેસ્ટ ફ્રેન્ડ માટે આવા શબ્દોનો ઉપયોગ કરતા ઈશિતાની જીભ જરાય પણ અચકાતી નહતી.

“ઓ હેલ્લો! હું વાત કરવાના બહાના નથી શોધતી, મારે કામ હતું એટલે જ મેસેજ કર્યો હતો અને થોડીક વધારે વાત થઇ જાય તો એમાં ખોટું શું છે! અને બાય ધ વે, તું હમણાં એના જીવનમાં આવી પણ એ પહેલા અનુ મારી જ સાથે આંખોમાં આંખ પરોવીને એના સુખ દુખની વાતો કરતો હતો.”

“એક તો તું આ અનુ અનુ કહેવાનું બંધ કર! એનું નામ અનંત છે.. અને બીજી વાત કે તારી સાથે જે સુખ દુખની વાતો એ કરતો હતો એનાથી એને માત્ર દુખ જ થતું હતું અને એટલે જ એ મારી પાસે આવતો હતો અને એટલે જ એ મને તારા કરતા લાખ ગણો વધારે પ્રેમ કરે છે, સો પ્લીઝ ખાલી ખોટા એક્સ્ક્યુઝીસ આપવાનું બંધ કર અને એને ફરીથી મેળવવાનો વિચાર તો તું માંડી જ વાળ..”

“મારે ફરીથી મેળવવો હોત તો મારી પાસે ઘણા રસ્તા હતા પણ બીજાની ખુશી છીનવવામાં હું તારા કરતા થોડીક કાચી છું”, નિશાએ તસતસતો જવાબ આપ્યો.

“બસ હવે!! ઈનફ ઈઝ ઈનફ! તમે બંને બંધ કરો નહીતર હું જાઉં છું”, ક્યારની ચુપ ઉભેલી હેમાલી ગુસ્સામાં બોલી.

“હા! તમે બંને હવે ચુપ કરો! ચાલ ઈશિતા લેટ્સ ગો! તારે આવવું છે કે હું એકલો જતો રહું?”, અનંતના શબ્દોમાં પણ ગુસ્સો ઝલકતો હતો.

“તું કહે છે એટલે હું વધારે બોલતી નથી”, ઈશિતાએ અનંતને કહ્યું અને જતા જતા નિશા સામે જોઇ દાંત ભીડીને બોલી, “તને તો હું જોઈ લઈશ!”

“મેડમ, પર્સ નથી લેવું?”, સ્ટોરના માલિકે ઈશિતાને પૂછ્યું.

“હવે મારે કશું લેવું નથી!”,શોપિંગ અધુરી મુકીને ઈશિતા અનંતનો હાથ પકડીને ચાલતી થઇ. મોલમાં બધું વાતાવરણ રાબેતા મુજબ થયું.

બંને બાઈક પર બેઠા. પૈડા ગતિમાન થયા. ઈશિતા ચુપ હતી અને અનંત પણ. દસ પંદર મિનીટ સુધી બંને વચ્ચે કોઈ જ વાતચીત ન થઇ. અનંતે બાઈક સીસીડી પાસે ઉભી રાખી.

“કેમ અહી ઉભી રાખી?”, ઈશિતાએ મૌન તોડ્યું.

“મૂડ સારો નથી બંનેનો તો એક એક કેપેચીનો પી લઈએ, કદાચ સારો થઇ જાય”,અનંતે શાલીનતાથી કહ્યું.

“હવે શું સારો થાય યાર!! મગજનો ભાજીપાલો કરી નાખ્યો પેલીએ”, ઈશિતા ચિડાઈ.

“અરે! તું હજીયે એની વાતો લઈને બેસી રહી છે, એ તો ભૂલી પણ ગઈ હશે. હું જાણુ છું એને! એના મનમાં એવું કાંઈ હોતું નથી.”, નિશાના સ્વભાવથી પરિચિત એવા અનંતે કહ્યું.

“ઓકે. ચલ, પણ બિલ હું આપીશ”,નિશાના શબ્દો ઈશિતાના મનમાં પડઘાયા.

“કેમ?”

“મારે કોઈના પૈસા નથી બગાડવા”

અનંત સમજી ગયો કે ઈશીતાના મનમાં શું ચાલે છે એટલે તરત જ બોલ્યો,

“કોફી પીવાની મારી ઈચ્છા છે તો બિલ મારે જ આપવાનું ને?”

“ના! બિલ જો તારે આપવું હોય તો મારે કોફી નથી પીવી! સમજે છે શું એની જાત ને!?એ પોતે કેટલા વપરાવતી હતી એનું તો ભાન નથી”, ઈશિતા છણકી.

“સારું! ઓકે!ચાલ બિલ તું આપજે બસ! હવે જઈએ આપણે અંદર?”

“હા”

બંને કોર્નર પરના ટેબલ પર બેઠા. વેઈટર આવીને ઓર્ડર લઇ ગયો અને અનંતે વાત બદલી

“કાલે તો પિકનિક જવાનું છે ને?”

“હા! જીગરને યાદ અપાવી દેજે ગાડીનું સેટિંગ કરવા માટે, પાછો ભૂલી ના જાય”, ઈશિતાનો મૂડનું સમારકામ ચાલુ થયું.

“હા, સારું થયું યાદ કરાવ્યું. હમણાં જ ફોન કરું એને”, કહીને અનંતે જીગરને ફોન લગાવ્યો.

“બોલ લ્યા”

“ક્યા છે તું?”

“બસ આ કાલે પિકનિક માટેની ગાડીનો બંદોબસ્ત કરવા નીકળું છું.. ત્રણ દિવસની ટ્રીપ છે એટલે ભાડું વધારે કહે છે તો ભાવતાલ કરવા માટે નીકળ્યો છું. તું ક્યાં છે બાય ધ વે? નવરો હોય તો પંડ્યા બ્રીજ આવી જા”

“ના લા! નઈ અવાય અત્યારે બહાર છું”

“સારું તો એક ભાઈ મળ્યા છે અને રીઝનેબલ ભાવ કહે છે તો ફાઈનલ કરવાની ઈચ્છા છે. આપડે ૨૦ જાણ છીએ એટલે બે ટાવેરા કરવી પડશે”

“ઓકે! વાંધો નઈ. જે કાઈ પણ ડીસાઈડ કરે એ ગ્રુપમાં શેર કરી દેજે અને જલ્દી કરજે એટલે પછી પીક અપ સ્પોટ નક્કી કરી શકાય વહેલી તકે”

“હા સ્યોર! ચાલ તો મળીએ સાંજે! બાય”

“બાય”

કેપેચીનોના મોટા મગ અનંત અને ઈશિતાના હોઠ ચૂમવા તત્પર હતા. બંનેએ એકમેકની આંખોમાં આંખ પરોવી પીવાનું શરુ કર્યું.

“તને ખબર છે હું તને કેટલો પ્રેમ કરું છું?”, ઈશિતાએ કહ્યું.

“હા! અને હું પણ”

“પિકનિકમાં મજા આવશે આ વખતે, હે ને?”, ઈશિતાનો ઉત્સાહ છુપાતો નહતો.

“હા આવશે જ ને.. કોલેજનું છેલ્લું પિકનિક અને એ પણ આપણે બધાય ફ્રેન્ડસ સાથે હોઈશું એટલે મજા તો આવવાની જ છે”

“હમ્મ્મ”

“અને આમ જોતા આપણને બે દિવસનો સમય મળશે શહેરથી દૂર એકાંતમાં”

“હા એ પણ છે”

વાતો વાતોમાં કોફી પૂરી થઇ અને વેઈટરે બિલ આપ્યું. અનંતનો હાથ દર વખતની જેમ પાછળના ખિસ્સામાં ગયો અને ઈશિતાએ હસતા હસતા નકારમાં માથું હલાવ્યું. અનંતથી પણ હસાઈ ગયું.

બાઈક પર બેસતા બેસતા બંનેના મોબાઈલમાં નોટીફીકેશનની રીંગ વાગી,

“ગાડીનો બંદોબસ્ત થઇ ગયો લાગે છે”, અનંતે કહ્યું.

મોબાઈલમાં વાંચતા વાંચતા ઈશિતાએ કહ્યું, “હા! સાચી વાત. જીગરનો જ મેસેજ છે”. અને મેસેજમાં લખ્યું હતું,

‘બે ટાવેરા નક્કી થઇ છે, એક પંડ્યા બ્રીજ પાસેથી ઉપડશે અને બીજી એરપોર્ટ સર્કલથી. આજુબાજુના મિત્રોએ લાગતા વળગતા પીક અપ સ્પોટ પર સવારે ૭ વાગ્યા સુધીમાં આવી જવું’

સંમતિદર્શક મેસેજોનો પ્રવાહ આવતો રહ્યો.

****

સવારે સાત વાગ્યે બંને ગાડીઓ મિત્રોથી ભરચક થઈને પંચમહાલ તરફ રવાના થઇ. ઈશિતા-અનંત અને નિશા જાણીજોઈને અલગ અલગ ગાડીમાં બેસે એ માટે અનંતે પહેલેથી જ જીગરને સુચના આપી હતી એટલે જીગરે સીટીંગ અરેન્જમેન્ટ એ પ્રમાણે જ ગોઠવી હતી.

ત્રણ કલાકના સફર બાદ બધા રતનમહાલ પહોચ્યા. પ્રકૃતિ અને નયનરમ્યતાના અજોડ ઉદાહરણ એવા નૈસર્ગિક જંગલમાં ચારેકોર નીરવ શાંતિ અને ઘટાદાર વૃક્ષોના છાંયડા જમીન પર બધાના સ્વાગત માટે તૈયાર હતા. ૨૦ જણમાંથી અમુક તો આવા જંગલમાં પહેલી વાર આવ્યા હતા. કેમેરાની ક્લિક્સ અને ફોટોગ્રાફી માટેના પોઝની રમઝટ જામી હતી.

ગાઈડ આવીને બધાને સૂચનો આપવા માંડ્યો. બધાએ તમામ સૂચનો ધ્યાનથી સાંભળ્યા અને પછી બધા ટેન્ટ તરફ ગયા. પાંચ ટેન્ટમાં વીસ જણની વ્યવસ્થા કરવામાં આવી હતી. બધા પોતપોતાની અનુકુળતા જેની સાથે હોય એની સાથે ટેન્ટમાં જવા રવાના થયા. નિશા, હેમાલી અને એમની બીજી બે ફ્રેન્ડ એક ટેન્ટમાં અને અનંત, ઈશિતા, જીગર અને શૈલીએ બાજુના ટેન્ટમાં સામાન ગોઠવ્યો.

કલાકેકમાં ટેન્ટ બધાયના સામાનથી સુશોભિત થયા અને ગાઈડ આવીને આજુબાજુના જોવાલાયક સ્થળોની માહિતી આપવા લાગ્યો. ત્રણેય દિવસનું ટાઈમટેબલ નક્કી થયું અને એનું અનુસરણ પણ થયું.

બે દિવસ વીત્યા અને છેલ્લો દિવસ આવી ગયો. છેલ્લા દિવસે રાત્રે કેમ્પ ફાયરની અલગ જ ઝલક હતી. રોજની જેમ બધા અંતાક્ષરી રમીને ટેન્ટમાં જવા રવાના થયા.

રાત્રે લગભગ એકાદ વાગ્યાના સુમારે ઈશિતા ટેન્ટની બહાર નીકળી અને નિશાના ટેન્ટ તરફ ગઈ. એણે કોઈના એ તરફ જવાનો પગરવ સાંભળ્યો હતો. નિશાના ટેન્ટમાં બે જણ ઉભા રહ્યા હોય એની સાબિતી આપતા પડછાયા આછા પ્રકાશમાં દેખાયા. એક પડછાયાનો હાથ ઉગમ્યો ત્યારે એના હાથમાં ખંજર જેવું કૈક હથિયાર હોવાનું ઈશિતાએ જોયું. ઊંઘમાં હોવાના લીધે ઈશિતા કાઈ સમજે એ પહેલા જ એ ખંજર સામેના પડછાયાની ગરદન ચીરીને આરપાર નીકળી ગયું. કદાચ સ્વરપેટી છિન્ન થઇ જવાના લીધે જેના પર ઘા થયો હતો એની ચીસનો અવાજ શમી ગયો. પાણીના છાંટા ઉડે એમ લોહીનો ફુવારાથી ટેન્ટનું કાપડ ખરડાઈ ગયું અને ઈશિતા અચાનક જ જાણે કે ભાનમાં આવી. કોઈની હત્યા થઇ હોવાનું જોતા જ એ નિશાના ટેન્ટમાં ગઈ અને જોયું તો હત્યા કરનાર પાછળના દરવાજેથી ભાગી રહ્યું હતું પણ એની પરવા કર્યા વગર ઈશિતા જોવા માગતી હતી કે ક્રૂર હુમલો થયો કોના પર? એણે જમીન પર જોયું તો એ નિશા હતી કે જે એના છેલ્લા શ્વાસ લઇ રહી હતી. ઈશિતા એટલી ગભરાઈ ગઈ કે ગભરાહટની મારી એના મોમાંથી ચીસ પણ નહતી નીકળતી. નિશાનું માથું ખોળામાં લઇ એ ખંજર કાઢવા ગઈ અને ત્યાં જ નિશા ઢળી ગઈ.

ઈશિતાએ હતી એટલી બધી હિંમત ભેગી કરીને, “નિશા.....”ની બુમ પાડી.

આજુબાજુના ટેન્ટમાં સુતેલા તમામ જાગી ગયા. ગાઈડ પણ બહારથી દોડીને નિશાના ટેન્ટ તરફ ભાગ્યો. ઈશિતાની બુમ છે એમ સાંભળતા જ અનંત અવાજની દિશામાં દોડ્યો. ગાઈડ અને એ બંને લગભગ એકસાથે જ નિશાના ટેન્ટમાં પ્રવેશ્યા અને જુએ છે કે નિશાના ગળામાંથી રક્તપ્રવાહ અવિરત વહે છે, ઈશિતાના હાથમાં ખંજર છે અને નિશાનું માથું ઈશિતાના ખોળામાં છે.

અનંત સુન્ન થઇ જાય છે, કદાચ એ પણ એ જ વિચારતો હતો કે જે વિચાર ગાઈડના મનમાં હતો. પરંતુ ઈશિતા સાથેના સંબંધો એને એવું વિચારતા અટકાવી રહ્યા હતા. એનાથી મનોમન બોલાઈ ગયું, ‘ઈશિતા આવું કરે જ નઈ’.

“અનંત, નિશા... કોઈક ખંજર... ભાગી ગયું પાછળથી..”, તુટક તુટક વાક્ય બોલતી ઈશિતાની આખી વાત અનંત સમજી ગયો પણ એ હજીયે ગાઈડની નજરમાં ગુનેગાર જ હતી.

“પુલિસ કો બુલાના પડેગા, એક્સીડેન્ટ કા કેસ ફાઈલ હોગા ઇસકા તો”, ગાઈડ બોલ્યો.

“પુલિસ કો કયું બુલાયેંગે? જો ખૂની થા વો તો ભાગ ગયા અબ યહા પે ક્યાં ઇન્ક્વાયરી કરેગી પુલિસ?”, અનંત ચિંતાયુક્ત સ્વરે બોલ્યો.

“ખંજર ઇસ છોકરી કે હાથ મેં હૈ! તો ખૂની ભાગ ગયા એસ કયું બોલતે હો”

“અરે ઇસને ખૂન નહી કિયા હૈ સરજી! નિશા તો ઉસકી બેસ્ટ ફ્રેન્ડ થી.”

“વો સબ પુલિસ તય કરેગી ભૈયા! મેં અભી બુલાતા હું”, કહીને ગાઈડે નજીકના પોલીસ સ્ટેશન પર ફોન લગાડ્યો.

“હેલ્લો, પોલીસ સ્ટેશન”

“હા”

“સર, યહા પે એક ખૂન હો ગયા હૈ”

“કહા પર?”

“રતનમહાલ કે જંગલ મેં જહાં પે જહાં ટેન્ટ વગેરા લગતે હૈ ઉસ જગહ પે”

“ઠીક હૈ મેં દો હવાલદાર કે સાથ જગહ પે આતા હું એક ઘંટે મેં..તબ તક ક્રાઈમ સીન પર કિસીકો જાને મત દેના, સબુત વેસે કે વેસે હી રેહને દો”, ઈન્સ્પેક્ટરે કહ્યું.

“ઠીક હૈ સરજી”, ફોન કટ થયો.

અનંત ઈશિતા પાસે જવા ગયો પણ પોલીસના આદેશાનુસાર ગાઈડે એને રોક્યો અને જવા માટે મનાઈ કરી. ઈશિતાને પણ ત્યાંથી ઉઠવાની ના પાડી અને આજુબાજુ ભેગા થઇ ગયેલા તમામને ક્રાઈમ સીનથી દુર રાખ્યા.

કલાક જેવું થવામાં જાણે કે એક સદી વીતી ગઈ.

પોલીસનું સાયરન વાગ્યું અને બધાના ધબકારા તેજ થયા. ટેન્ટમાં એટલી શાંતિ હતી કે બધાના ધબકારા એકસાથે સાંભળી શકાતા હતા.....

(ટુ બી કંટીન્યુ...)

વ્યક્તિસૂચકતા-૨

(પ્રકરણ ૨ – પિકનિકની છેલ્લી રાત)

ભાર્ગવ પટેલ