પિતાનો યુવાન થતી દીકરીને પત્ર Nipun Choksi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિતાનો યુવાન થતી દીકરીને પત્ર


નિપુણ. સી ચોકસી
મો.-૯૩૨૭૦૮૮૮૭૪. email:nipunchoksi@gmail.com



પિતાનો યુવાન થતી દીકરીને પત્ર
મારી વ્હાલી દીકરી
સમય જોને કેવો પવનની જેમ વહી ગયો .....અને તું નાની સી ,નાજુક સી ,નમણી સી , ખોળામાં હસતી ,ખેલતી,રમતી,રડતી ......ઢીંગલી સાથે રમતાં રમતાં શાળા અને ત્યાર પછી કોલેજ માં પણ પહોચી ગઈ. તારું બાળપણ ,મઝાક મસ્તી એ મને મારા બાળપણ ની યાદ અપાવતું. તું નટખટ દીકરી તો ક્યારેક અંગત મિત્ર તો ક્યારેક મારી મા તો ક્યારેક દાદીમા બનીને મને સમજાવતી. આજે તું ઉંચાઈમાં મારી સમકક્ષ થઇ ગઈ છે ત્યારે તને બેટા એટલું જ કહેવું છે કે ....
મારા આનંદની ગંગોત્રી છે તું
લાગણીનું છલોછલ ઝરણું છે તું ,
આંખોમાં રમતું સપનું છે તું ,
ઘરમાં ખીલતું મેઘધનુષ છે તું ,
હૃદયમાં ગુંજતું ગીત છે તું .
આજે જયારે તું ૧૮ વર્ષ પુરા કરીને યુવાનીમાં કદમ માંડી રહી છે ત્યારે મને થયું કે ચાલ તને પત્ર લખું. રોજ તું મારી સાથે જ હોય એટલે મઝાક,મસ્તી કરતાં કરતાં હું મારી વાત તને કહી દેતો અને ક્યારેક આંખોથી પણ આપણે એકબીજાની વાતને,એકબીજાના મનને સમજી લેતા.પણ હવે કદાચ ભણવા માટે અને ત્યાર બાદ નોકરી માટે તારે ઘરની દૂર જવાનું થાય તો એક પિતા ,મિત્ર અને માર્ગદર્શક તરીકે મારા દિલની વાત તને આ પત્રથી કહેવા ચાહું છું .જે તને હવે પછીની જિંદગી જીવવામાં ખૂબ જ મદદરૂપ થશે.
ઈશ્વરના વરદાન રૂપે જયારે તારો જન્મ થયો. તું નહિ માને હું મારી જાતને દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ માનતો થઇ ગયો. દીકરો કે દીકરી જન્મે એ એક પિતા માટે સરખી જ ખુશીની વાત છે. પણ તારા જન્મથી મને વિશેષ ખુશી થઇ હતી અને મેં બધે જ પેંડા વહેચ્યા હતા અને પાર્ટી રાખી હતી. મને હજુ યાદ છે તારા જન્મ વખતે મેં પહેલી વાર તને હોસ્પિટલમાં હાથ માં લીધી અને તે એકધારી રીતે એકીટસે મારી સામે જોઇને સ્મિત કર્યું. હું ખુશીનો માર્યો પાગલ થઇ ગયો.જાણે સાક્ષાત સ્વર્ગની પરી ઘરે ના આવી હોય.
તારા માટે રમકડાં,કપડા લાવવામાં મને ખૂબ જ આનંદ મળતો. તારી કાલીઘેલી વાતોથી હું મારા આખા દિવસનો થાક ભૂલી જતો.તું મને મારી બાળપણ ની દુનિયામાં લઇ જતી અને હું મારા બાળપણની બધી જ મસ્તી તારી સાથે કરતો.તને ક્યારેય મેં રીક્ષામાં સ્કુલે ન મોકલી.ઘેટાં બકરાની જેમ બાળકોને રીક્ષા અને વાન માં ભરતાં એ જોઈ ને મને ખુન્નસ ચડતું.એટલે હું જ તને બાઈક પર મારી આગળ બેસાડીને સ્કુલે લઇ જતો. અને બાઈક પર તારી સાથે અલકમલકની કાલીઘેલી વાતો કરવી વચ્ચે સરસ મઝાની અસંખ્ય પપ્પી લેવાની અને આપવાની . એ મારા માટે અદભૂત સમય હતો.
હું બાઈક ચલાવતો નહોતો પણ જાણે કે હવામાં ઉડતો હતો.હું તને અલગ અલગ નામે બોલાવતો અને તું ખુશ થઈને ચીચયારી કરતી એ સાંભળી મને સ્વર્ગનો આનંદ મળતો. અને મેં તારા માટે કવિતા પણ લખી હતી ...
દીકરી
ઓ ખિલખિલ કરતી ખિસકોલી...મારા ઘરમાં ખિલતી પુષ્પકળી...ઓ ચીં ચીં કરતી ચકલી...મારા દિલમાં ભરતી પગલી...
ઓ હવામાં ઉડતી હંસલી...મારા ઘરમાં જાણે રૂપની ઢગલી..
ઓ કૂ કૂ કરતી મીઠડી કોયલ..ગીત મઝાના ગાતી હરપળ...
ઓ રુમઝુમ રુમઝુમ કરતી મ્યાંઉડી...તારી પગલી તો છે કંકુ- ઢગલી...
ઓ ફૂલોમાં રમતી ફૂલપરી...મારા શ્વાસોમાં મહેંકતી ધૂપસળી..ઓ હસતી રમતી લાડકડી...મારા હ્રદય-સંગીતની સૂરાવલી....
-નિપુણ ચોકસી

તારું શાળાકીય જીવન પણ સરસ રીતે પૂર્ણ થયું. મને આનંદ છે કે શાળા જીવનમાં ભણતર સાથે તે રમતગમત ,વકૃત્વ સ્પર્ધાઓ ,ડાન્સ તથા અન્ય પ્રવૃતિઓમાં ભાગ લઇ શક્ય એટલું શીખવાનો પ્રયત્ન કર્યો છે.
હવે તું કોલેજ માં જશે. તારે ઘરથી દૂર હોસ્ટેલમાં પણ રહેવા જવું પડે.તે મારી પાસે ૧૦ માં ધોરણ પછી મારી પાસે મોબાઈલ માંગ્યો હતો પણ મેં ના પાડી હતી. પણ હવે તને હું મોબાઈલ અપાવીશ.સાથે આશા રાખું છું કે તું એનો દુરુપયોગ નહિ કરે. ફેસબુક, વોટ્સએપ, અને ઈન્ટરનેટ એ તારી આંગળી ના ટેરવા પર આવી જશે. મિત્રો બનાવવા ,ચેટ કરવું ,અગત્યની માહિતી શેર કરવી એ હવે આજના યુગની જરૂરીયાત છે.પણ સાચું, સારું ,ખોટું ,ઉપયોગી, બિનઉપયોગી એ બધું તારે જાતે જ નક્કી કરતાં શીખવું પડશે.કોઈના પર આંધળો વિશ્વાસ મુકવો નહિ. કયા મિત્રો સાથે દોસ્તી કરવી ,કોનાથી દૂર રહેવું એ તારે શીખવું પડશે.તારે દુનિયાના પુરુષોની નજર ઓળખતાં પણ શીખવું પડશે. દરેક પુરુષ ખરાબ જ હોય છે એમ સમજી ને દૂર રહેવું એવું નથી પણ વ્યક્તિને તું એના બાહરી નકલી દેખાવ, અને ખોટા આડંબર કે બાપના પૈસે લહેર કરનારા લોકોથી તું દૂર રહેજે. અને જાત મહેનતથી આગળ આવેલા, મેઘાવી, જ્ઞાની લોકોને તું મિત્ર વર્તુળમાં સ્થાન આપજે. તને વાંચવાનો શોખ છે એ તું જીવન પર્યંત જાળવી રાખજે. પુસ્તકથી સારો કોઈ મિત્ર નથી. આત્મકથાઓ, ફિક્શન , એડવેન્ચર સ્ટોરીસ, નવલકથાઓ ,હાસ્ય અને કવિતાના પુસ્તકો એમ અલગ અલગ રસ અને વિષયવસ્તુ ને તું વાંચીસ તો જીવનના મેઘધનુષી રંગને પામી શકીશ. પુસ્તકો થી તારું આત્મજ્ઞાન, આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે.જેટલા પૈસા તું હોટેલ અને મુવી માં ખર્ચે એટલા જ પૈસા તું પુસ્તકો પાછળ ખર્ચો કરજે. કોલેજમાં ભણતી વખતે જે ભણવાનો ટાઈમ છે એ પ્રમાણિક પણે એ વિષયોને જ આપજે. ડીગ્રીમાં માર્ક્સ ની સાથે એનું ડીપ નોલેજ હોવું એટલું જ જરૂરી છે.
હમેશા કુદરત સાથે જ રહેજે. વહેલી સવારનો સૂર્યોદય અને સાંજના સૂર્યાસ્તને માણજે.
જે કામ છોકરાઓ કરી શકે છે એ બધા જ કામ તું પણ કરી જ શકે છે. હું માનું છું કે એથી ઉપર સ્ત્રીઓ ઘણા કામ ખૂબ જ સારી રીતે કરી શકે છે.પર્વતો, જંગલો માં ટ્રેકિંગ કરવું, બધા જ પ્રકારના એડવેન્ચર સ્પોર્ટને માણવાના.તમે જ્યાં સુધી અંદરથી ડરતાં નથી ત્યાં સુધી તમને કોઈ જ ડરાવી શકતું નથી. અને જ્યાં સુધી તમે હાર સ્વીકારી નથી ત્યાં સુધી તમે જીતેલા જ છો. એટલે કર્મ અને પ્રયત્નો જી-જાન લગાવીને કરવા બાકી બધું ઈશ્વર પર છોડી દેવું. ધાર્યા પરિણામ ના પણ આવે. ફરી કોશિશ કરવાની.મંજિલ પ્રાપ્ત કર્યાના આનંદ કરતાં એ જગ્યાએ પહોચવાની જે મહેનત કરી છે એ પ્રવાસ બહુ યાદગાર અને મઝેદાર હોય છે. બસ એનો આનંદ લેવો. કોઈ વ્યક્તિ કે કોઈ કાર્ય આપણને નિરાશ કે ડીપ્રેસન તરફ ન લઇ જાય એનું ધ્યાન રાખવું. અને હમેશા કોઈ પણ સબંધમાં કે કાર્ય માં પીછેહઠ થાય તો માનવું કે એનાથી વધુ યોગ્ય સબંધ અને કાર્ય તમારી રાહ જોઈ રહ્યું છે. અણમોલ જિંદગી આંસુ સારવા માટે નથી. પ્રભુએ આપેલી જિંદગીને માણવાની હોય છે. મગજમાં અને દિલમાં ડીલીટ બટન રાખવું જેનાથી દુઃખી થવાય એવી બાબતોને ક્લીન કરતાં રહેવું. જેથી સતત નવા વિચારો, જ્ઞાન અને અનુભવો માટે અવકાશ રહે.

ભણ્યા પછી નોકરી પણ મળશે જ. પણ આગળ વધવા માટે કદી શોર્ટકટ કે ખુશામતનો ઉપયોગ કરવો નહિ. સખત મહેનત કર્યા કરવી. સફળતા સામેથી જ મળશે.લગ્ન પછી સાસરીયા,અન્ય સગાવહાલાં, ઓફીસ સ્ટાફ, પિયર પક્ષ બધા સાથે બેલેન્સથી સબંધો જાળવવા.આજના ડીજીટલ યુગમાં માણસો એકલા થતા જાય છે.માનવીય અને સામાજિક સબંધોની પણ મઝા હોય છે.એક વાત યાદ રાખજે કે "Those pleasure are greatest which are cheapest. " ઈશ્વરે જે આનંદો આપણા માટે સર્જ્યા છે તે ઉચ્ચ છે. માનવીએ નકલી દુનિયા બનાવી ઉભા કર્યા છે એ ક્ષણિક છે.

અને હા આ ઘર આજીવન તારું જ છે. તું લગ્ન કરીને વિદાય થાય એટલે આ ઘરની સભ્ય મટી નથી જતી. અમને તારી કંપની,હૂંફ અને પ્રેમની જરૂરત પહેલાની જેમ જ હંમેશા રહેશે.અને અમે બધા જ તારાથી દૂર હોવા છતાં સદા તારી સાથે જ છીએ. હંમેશા તું ભલે તારી દુનિયામાં જ્યાં પણ રહે,તું સદા ખુશ અને સુખી રહે............!

લી. પાપા...............