મેથી મારવાની કળા(હાસ્ય લેખ )-નિપુણ ચોકસી
કળા ઘણી ઘણી જાતની હોય છે ..જેમ કે માખી મારવાની કળા ,મચ્છર મારવાની કળા ,શેખી મારવાની કળા,બડાઈ મારવાની કળા ,સરકારી નોકરી માં હોવ તો ગુલ્લી મારવાની કળા ,સ્કૂલ,કોલેજમાં ભણતા હતા ત્યારે દાંડી મારવાની કળા ,ગપ્પા મારવાની કળા આવી તો અનેક કળાઓ છે. એવી જ એક બધાં માં લોકપ્રિય ,શિરમોર્ય એવી “ મેથી મારવાની કળા છે”
આ બધી કળાઓ માં એક બાબત સામાન્ય છે કે ખરેખર કશું જ મારવાનું હોતું નથી ..એટલે કે હિંસા ને લગતું આ કળાઓ માં કોઈ જ કામકાજ થતું નથી સિવાય કે મચ્છર મારવાની બાબત માં,એમાં તાળીઓ પાડવાની હોય છે પણ મચ્છર મરતા હોતા નથી એ અલગ વાત છે .જો કે કેટલાક માણસોનું લોહી પીધા પછી મચ્છરો મરી ગયાના દાખલા નોંધાયેલા છે . માખી મારવાની કળામાં પણ એવું જ છે. હારી ગયેલા રાજકારણીઓ , પેશન્ટ વગરના ડોક્ટરો , કે ગ્રાહક વગરના દુકાનદારો માખી મારતા હોય છે એવું કહેવાય છે .જેને કોઈ જ કામધંધો ના સુજે એ માખી મારવાનો ધંધો અપનાવી લે છે. જો કે આ કળાથી પણ માખીઓ મરી હોય કે ઓછી થઇ હોય એવું ધ્યાન માં આવ્યું નથી. શેખી અને બડાઈ મારવાની કળાનાં માહેરો આપણા દેશમાં ઓછા નથી. સામાન્ય રીતે આ કળામાં પણ રાજકારણીઓનો જોટો ના જડે. ચુંટણી વખતે “ હમ ઉસકો નાની યાદ દિલા દેંગે “ એવું શોર્યતા થી જાહેર કરનારા આખરે કશું જ કરી શકતા નથી અને સામેવાળા બોમ્બ ધડાકા કરતાં જ રહે છે.
“ગુલ્લી મારવાની કળા” માં સરકારી બાબુઓને કોઈ ના પહોંચે એમ કહેવાય છે. આમ સી. એલ .મંજુર કરાવી રજા પર જવાનો રીવાજ છે . પણ આ સી.એલ પૂરી થતા ઘણા કર્મયોગીઓ જી.એલ .એટલે કે ગુલ્લીનો આસરો લે છે. એટલે બાબુઓનો એક મંત્ર છે ..”જે મઝા જી.એલ માં છે એ સી.એલ કે ઈ.એલ માં ક્યા ..?” એનો રોમાંચ જ કોઈ અલગ હોય છે .બોસ બગડે તો એમને મનાવાના ઘણા રસ્તા એમની પાસે હોય છે ..!
“દાંડી મારવાની કળા”...આ કળા વિષે એમ કહી શકાય કે જે સ્કુલ કે કોલેજ જાય છે તે દાંડી માર્યા સિવાય રહી શકતો નથી. મહાત્મા ગાંધીજીએ મીઠા માટે ‘દાંડીકુચ’ કરી હતી . અમુક વિધાર્થીઓ આ ‘દાંડીકુચ’ માટે જ કોલેજ આવતા હોય એવું લાગે. ઘરે થી માં-બાપ ને લાગે કે ભાઈ શ્રી કે બહેન શ્રી કોલેજ ભણવા ગયા છે .પણ કોલેજ થી દાંડી મારીને થીયેટર તરફ કુચ કરતાં હોય છે આ બધા જ્ઞાનપિપાસુઓનો ઉદેશ એક જ હોય છે કે કોલેજ કરતા થીયેટરમાં કે પછી ચા-પાનના ગલ્લે કે કોફીશોપમાં જ્ઞાન વધુ અને વિવિધ વિષયોનું મળશે.
“ગપ્પા મારવાની કળા” આ કળા આપણા દેશમાં લગભગ દરેકને પસંદ છે . એમાં વિશેષ કૌશલ્યની જરૂર ના પડે. એક નવરાશ અને બીજી જીભ બસ બે જ વસ્તુ જોઈએ . દિમાગ ના હોય અથવા તો ના વાપરો તોય ચાલે. સ્ત્રીઓ આ કળા માં પુરષોને હરાવીને ઓસ્કાર એવોર્ડ જીતી લાવે એમાં મને તો શંકા કરવા જેવું લાગતું નથી. “ આ જુઓને તમારા ભાઈને લઈને આ વખતે તો સ્વીત્ઝર્લેન્ડ અને યુરોપની ટુર મારવી છે..” અરે બહેન ...પહેલાં શામળાજી કે સાપુતારા તો જઈ આવો જીવન માં એક વાર ..... ! સાંકળી શેરી માંથી કોઈ દિ બહાર નીકળ્યા છો ..?? એટલે સામે વાળા બહેન પણ ઓછા ના હોય ઈ કહે ..” ઈ તો અમારા એમનેય ફરવાનો તો બહું શોખ.ગઈ વખતે લંડન જાવું’તું ..પણ લોકો કે’ કે વાં તો ઠંડીયું બહું પડે ..અને તમારા ભાઈને હાલતા ને ચાલતા શર્દીયું થઈ જાય એટલે પછી માંડી વાળ્યું . લંડન માં અહી જેવી ગર્મિયું પડતી થાય પસી વાં જવાનું વિચારશું ...!”.....તમારી ભલી થાય ..! છાના રયોને..! નથી પાડવી આપણે યુરોપ અને સ્વીત્ઝર્લેન્ડમાં ગર્મિયું ..! તમતમારે અહી ગર્મિયું કરે રાખોને ‘વાતુંના વડા’ કરીને ..!!!એમ કહી આપણે હાલતા થવું પડે ...!
પણ આ બધામાં કળાઓની કળાગુરુ કહેવાય એવી કળા એટલે “મેથી મારવાનીકળા “મને યાદ છે કે હું જ્યારે સ્કુલ માં ભણતો હતો ત્યારે આ ‘મેથી’ શબ્દ જોડે મારો આ રીતે પરિચય થયો હતો. અમારી સ્કુલમાં એક સીનીયર વિદ્યાર્થીને ‘મેથીપાક’ મળ્યો . હવે મને ‘મેથીપાક’ વિષે એ ઉંમરમાં ખબર નહી. મને એમ કે કોઈ ગુલાબપાક કે સાલમપાક જેવી મીઠાઈનું નામ હશે .એટલે મેં એ છોકરાને કીધું મારે પણ મેથીપાક ખાવો છે .કોણ આપે છે ...? એટલે એણે બીજા છોકરાઓ સામે આંખ મીંચકારીને કહ્યું: અરે આપણા ટોપીવાળા સાહેબ નહી ?..એ આપે છે
“મને કેવી રીતે આપશે ?”
“બસ કઈ જ કરવાનું નહી એ સાહેબ ભણાવતા હોય ત્યારે એમની ટોપી સામે જોઈને ખીખીખી કરીને મોટે થી હસવાનું ....બસ .. સાહેબ ખુશ થઈને બહું બધો મેથીપાક આપશે ..!અને મેં એ સૂચના મુજબ કર્યું . ટોપીવાળા સાહેબ આવ્યા . મને કહ્યું હાથ લાંબો કર ...એમણે ફૂટપટ્ટી બહાર કાઢી . મેં
વિચાર કર્યો કે મને સાહેબ ખુશ થઇને ફૂટપટ્ટી ઇનામ માં આપે છે ...ત્યાં તો એમણે સટાક સટાક કરીને પાંચ ફૂટપટ્ટી મારા હાથ માં લગાવી ....બહું હસું આવે છે નહી ..?લે હસ હવે ...બસ આમ મારા જીવન માં પ્રથમ ‘મેથીપાક’ ખાવાની મેં શરૂઆત કરી . પછી તો આવા મેં વારે તહેવારે ઘણા મેથીપાક ખાધા શિક્ષકો પાસે થી અને ઘરેથી પણ.ક્યારેક મમ્મી ઘી માં શેકેલો અસલી મેથીપાક પણ ખવડાવે ખરી .
પણ અસલી વાત છે ‘મેથી મારવાની’ .પહેલાં તો સાંભળીને લાગે કે એમાં મેથીની ભાજી જે મળે છે તે ઝગડા દરમ્યાન છુટા હાથે એકબીજા ને મારવાની હશે .અથવા તો મેથીના દાણાના છુટા ઘા કરીને સામેના ને ઘાયલ કરવાના હશે. પણ ના .....મેથી મારવાની બાબત માં ખરેખર તો અસલી મેથીનો ઉપયોગ થતો જ નથી. છતાં સામેના ને ઘાયલ કરી શકાય છે
વ્યાપક જ્યાં એનો બહોળો ઉપયોગ થાય છે એના આ રહ્યા નમૂના ...
-શિક્ષકો વિદ્યાર્થીઓની કાયમ મેથી મારતા હોય છે વાત હોમવર્કની હોય કે પછી માર્કની .એમનું પુસ્તકિયું ગોખીને તમને લખતા ના આવડે એટલે તમે ગુનેગાર ..
-માં-બાપ સંતાનો ની કાયમ મેથી માર્યા કરે . “ડોબા ભણ નહી તો ડોબા ચરાવવા પડશે “..આ વખતે ધો. ૧૦ માં ખાલી ૮૦ જ ટકા આવ્યા...?આ રીતે ડોક્ટર કે એન્જીનીયર બનાય ..? અમે કેવું ભણતા હતા ખબર છે ?(તે વખતે એ ભૂલી જાય કે માર્કશીટ માં લાલ લીટીઓ આવતી હતી. અને અનેક કૃપાઓનો વરસાદ થાય ત્યારે માંડ ઉપરના ધોરણમાં જતાં હતા ..)
-આ બધું પતે પછી લગ્ન થાય . એટલે ‘મેથી મારવાનો હવાલો ‘ પત્ની પાસે ...કેમ મોડા આયા ..?....ક્યાં ગુંડાણા તા ...? ..શાક લાવાનું કહ્યું ..તે સાવ આવું લવાય ..? તમને તો કશુંય પસંદ કરતાં જ ના આવડે...! આપણાથી એવું પણ ના કહેવાય કે તે આ વાત ૧૦૦ ટકા સાચી કહી ..! એની કમર અને સાંધાઓ દર્દ ના કરે એ માટે એ મેથીપાક બનાવીને ખાશે પણ આપણી તો કાયમ મેથી જ મારશે યાર ...!
-ઘેર પતે ત્યાં ઓફીસ જઈએ એટલે બોસ મેથી મારવાનું શરુ કરે : કેમ મોડા આવ્યા ...? આ તમારા પિતાશ્રીની પેઢી છે ..? ૧૦.૩૦ નો ટાઈમ છે અને તમે ૧૦:૪૦ આવો છો ..ચાલો સી.એલ મુકો ....આવા બોસને તો મેથી ચા માં નાખી પીવડાવવી જોઈએ અથવાતો ચા ની પતી કરતાં એમની ચામાં મેથીની ભાજી ની પત્તીઓ નાખવી જોઈએ એવો આપણ ને નિર્દોષ વિચાર પણ આવે ..! પણ તોય આપણે નિયમના પાક્કા એટલે સાંજે ૧૦ મિનીટ વહેલા ઓફીસ છોડી ને સરભર કરી દઈએ ...શું છે કે બે વાર મોડા પડવું સારું નહી ને ..? ઘેર પણ ‘લાઈફટાઈમ બોસ ‘મેથી મારવા આપણી રાહ જોઈને બેઠા જ હોય છે.
-પડોશીઓ પણ એકબીજાની મેથી મારવાનું ચુકતા નથી. આ મેથીના ભાવ બહું વધી ગયા નહી એમ વાતની શરૂઆત કરી ...હવે આ સરકાર નહી ટકે ત્યાં પૂરી કરે.....અને આપણા અગત્યના કરવાના કામની વાટ લગાવી દે સવાર સવારમાં ...! આવા પડોશીઓને તો મુખવાસમાં મેથીનું ચૂર્ણ આપી દેવાનું એટલે આપણું નામ ના લે ...!!!
-વિરોધપક્ષ કાયમ શાશકપક્ષની મેથી મારતો હોય છે ...કારણકે એ જયારે શાશકપક્ષ હતો એનો એ સમયનો મેથી વ્યવહાર એ પાછો ચૂકવતો હોય છે..! ..અને આમ પક્ષો વચ્ચે મેથીપાક નો વ્યવહાર કાયમ ચાલતો રહે છે . કોઈ મુખ્યમંત્રી સારી રીતે રાજધર્મ અને પ્રજાધર્મ નિભાવતા હોય તોય મીડીયાવાળા,વિવિધ પક્ષો,અને બની બેઠેલી સેવાભાવી સંસ્થાઓ મેથી મારવાનું પુણ્યકાર્ય કરતાં હોય છે. જો કે પ્રજાને એમાં આનંદ આવતો હોય છે. કારણકે પ્રજા બધું સમજતી જ હોય છે.
-રાષ્ટ્રો વચ્ચે પણ મેથી મારવાની પ્રથા સારી એવી ચાલે છે . જગત પોલીસ અમેરિકા બધાની મેથી માર્યા કરે. પણ એને કોઈ મેથીના દાણા આપે તો બોમ્બ બોમ્બ કહીને બુમાબુમ કરે અને બધાની જડતી લે ...!!!
-અમને લાગે છે કે જેમ ‘વિશ્વ સંગીત દિવસ’ હોય છે,’વિશ્વ પર્યાવરણ દિવસ’ આપણે ઉજવીએ છીએ..જેમ કે વેલેન્ટાઈન દિવસે લાગતા વળગતાઓને ગુલાબની આપલે કરીએ છીએ તેવી જ રીતે ‘વિશ્વ મેથી દિવસ ‘આપણે ઉજવવો જોઈએ. એ દિવસે જેણે જેની જેટલી મેથી મારવી હોય એટલી મારવાની છૂટ હોવી જોઈએ. પણ વર્ષના બાકીના દિવસ તો બોસ શાંતિ જોઈએ ને ...??
કહેવાનું તાત્પર્ય એટલું જ કે ભલે તમે મેથીના ભજિયા ખાવ,મેથીના થેપલા ખાવ કે પછી મેથીનું જે બનાવીને ખાવું હોય તે ખાવ અને ખાધા પછી અજીર્ણ થાય તો મેથી ,કાળી જીરી અને અજમાનું ચૂર્ણ બનાવી રોજ રાત્રે એના ફાકા મારો એની ના નહી પણ મહેરબાની કરીને લોકોના હિતમાં ‘મેથી મારવાનું ‘બંધ કરવું જોઈએ ...કારણકે મેથી ખાવાથી પાચનતંત્રને ફાયદો થાય પણ ‘મેથી મારવાથી બધાના મગજતંત્ર ને નુકશાન thaથાય.
-નિપુણ સી ચોકસી
પ્લોટ નં-૯૮૨/૨ ,સેક્ટર -૪ ડી, ગાંધીનગર
મો. ૯૩૨૭૦૮૮૮૭૪
email: nipunchoksi @gmail.com