Soumitra - 15 books and stories free download online pdf in Gujarati

સૌમિત્ર - કડી ૧૫

સૌમિત્ર

સિદ્ધાર્થ છાયા દ્વારા

-: પ્રકરણ ૧૫ : -


‘શું થયું વ્રજેશને? તું કેમ આમ અચાનક ગાંધીનગર જાય છે?’ પોતાના રૂમમાં ઉતાવળે તૈયાર થઈને સૌમિત્ર બહાર આવ્યો કે તરત જ અંબાબેને તેને આ બંને સ્વાભાવિક પ્રશ્નો પૂછી લીધા.

‘શું થયું એ એક્ઝેક્ટલી તો નથી ખબર પણ ગઢવીનો ફોન હતો, એ ખુબ ગભરાયેલો હતો અને એણે મને તરતજ ગાંધીનગર આવી જવા કીધું. લાગે છે કોઈ મોટો લોચો છે.’ સૌમિત્રએ બારણા પાછળથી પોતાના સ્પોર્ટ્સ શૂઝ લીધા અને તેની દોરી ઉતાવળે બાંધવા લાગ્યો.

‘હશે કોઈ પ્રેમપ્રકરણ. આ ઉંમરના છોકરાઓને બીજો કયો લોચો હોય? માં-બાપને શરમ આવે એવું કઈક કર્યું હશે.’ જનકભાઈ છાપું વાંચતા બોલ્યા.

સૌમિત્રએ શૂઝની દોરી બાંધતા બાંધતા જ જનકભાઈ સામે કાતિલ નજરે જોયું, પણ તે વ્યર્થ હતું કારણકે જનકભાઈએ જાણીજોઈને પોતાનો ચહેરો છાપામાં ખોંસી દીધો હતો.

‘આય હાય, તમે પણ શું ભૈશાબ આવું આડું અવળું બોલો છો? છોકરો આટલો ટેન્શનમાં છે અને તમે પાછા એમાં વધારો કરો છો.’ અંબાબેન જનકભાઈને સહેજ વઢવાના લહેકામાં બોલ્યા.

‘જે સાચું છે એ છે. કાલે સવારે તમારો આ લાડકવાયો પણ કોઈને ઘેરે લઈને આવશે અને હું અને તમે કશું જ બોલી નહીં શકીએ, લખી લો.’ જનકભાઈ એમની આદત મૂજબ ઉભા થઈને ઉપરના રૂમ તરફ ચાલવા લાગ્યા.

‘મારી પાસે અત્યારે આ બધી ચર્ચાનો ટાઈમ નથી. મમ્મી, હું જાઉં છું, ત્યાં પહોંચીને જે હશે તે તને કહીશ, પણ મારા ફોનની રાહ ના જોતી કારણકે મારે પીસીઓ શોધવો પડશે.’ સૌમિત્ર ઉભા થતા બોલ્યો એની નજર સીડી ચડી રહેલા જનકભાઈ તરફ જ હતી.

‘હા ભલે દીકરા, જે હોય ઈ આખા દિવસમાં મને કે’જે ખરો. અને ત્યાં તારી જરૂર હોય તો રાત રોકાઈ જજે.’ અંબાબેન સૌમિત્રને છેક આંગણા સુધી વળાવવા આવ્યા.

સૌમિત્ર એની સોસાયટીના દરવાજાની બહાર નીકળીને સામે આવેલા રિક્ષા સ્ટેન્ડ તરફ વળ્યો.

==: :==

‘હવે તો કે’ કે વ્રજેશને શું થયું? એ ઠીક તો છે ને?’ પથિકાશ્રમ બસ સ્ટેન્ડ પર બસમાંથી ઉતરતાં વેંત તેને લેવા આવેલા હિતુદાનને સૌમિત્રએ સવાલ કર્યો.

‘નિસાના ભાયુંએ વીજેભાયને બવ માયરા કાલ રાઈતે.’ હિતુદાન આટલું જ બોલી શક્યો અને સૌમિત્રને વળગીને ખુબ રોવા લાગ્યો.

કઠણ હ્રદય અને મન ધરાવતા હિતુદાનને આમ અઢળક રોતા જોઇને સૌમિત્રને ખ્યાલ આવી ગયો કે વ્રજેશની હાલત ખરેખર ગંભીર લાગે છે. થોડીવાર બાદ હિતુદાન રડતો બંધ થયો. સૌમિત્રએ બસ સ્ટેન્ડની બહાર ઉભેલી રિક્ષામાં હિતુદાનને બેસવાનું કીધું અને હિતુદાનના બેઠા પછી સૌમિત્ર પણ એની બાજુમાં બેઠો. હિતુદાને સેક્ટર ૨૩ની કોઈ પ્રાઈવેટ હોસ્પિટલ તરફ લઇ જવા રિક્ષાવાળાને કહ્યું.

‘હવે મને માંડીને વાત કર કે શું થયું.’ સૌમિત્રએ હિતુદાનને પૂછ્યું.

‘નિસા ને વીજેભાયે આપણને કીધું’તું ઈ રીતે જ પરીક્સા પતી કે તરતજ નિસાના ભાયુંનો નિસાને ઘીરે ફોન આયવો કે ઈ લોકો બે દી’માં ગાંધીનગર આવવા નીકરે સે અને પસે ઈ પાંચેય નિસા ને એના લગન કરાવા કેરલ જાસે.’ હિતુદાન બોલ્યો.

‘એમાં એલોકોને અહીં આવવાની શું જરૂર પડી? નિશા અને એના મમ્મી-પપ્પાને બોલાવી લીધા હોત?’ સૌમિત્રને આશ્ચર્ય થયું.

‘અરે બવ પાકા સે ઈ લોકો. ન્યા ઈ લોકો ના કારા કામું એવા સે કે હઝાર દુસ્મનો સે અટલે નિસા એના માં-બાપુજી હાયરે ઝાય ને રસ્તામાં આયાંથી છેક વાં હુધીન કોઈ ઉપાડી નો ઝાય ઈનું બ્રોબર ધ્યાન રાખવા ઈ બેય આયાં આયવા’તા.’ હિતુદાને સૌમિત્રના સવાલનો ખૂલાસો કર્યો.

‘સમજી ગયો, પછી?’ સૌમિત્ર બોલ્યો.

‘પસે, નિસાએ વીજેભાયને વાત્ય કયરી હઈસે. ખબર્ય નય ક્યારે પણ બેય જણાએ એવું નક્કી કયરું કે નિસા પે’લાં એના ભાયુંને વીજેભાય વિસે કે અને પસે વીજેભાય ઈ લોકોને મરવા ઝાય.વીજેભાયે કાયલ હવારે કાકા-કાકીનેય કીધું, નિસા બાબ્તે ને કાકા-કાકીતો ફટ માની ગ્યા. હાઈંજે વીજેભાય નિસા ને ઘીરે એના ભાયુંને મયળાય ખરા. ન્યાહુધી ઈ નકટાંઉ કાંય બોયલા ય નય અને વીજેભાયને કે કે અમે બે-તન દી’ માં ઝવાબ દેસું. નિસાનું ઘર મારા ઘરથી ઝાઝું દૂર નથ્ય, અટલે ન્યાંથી ઈ મારે ઘીરે પણ આયવા, બવ ખુસ લાગતા’તા વીજેભાય. મને કે’ કે આપણે બીતા’તા એવું કાંય નથ્ય. ઈ લોકો બવ હારા સે ને બે દી’ માં હંધુંય હારું થઇ જાહે.’ હિતુદાને વાત આગળ વધારી.

‘તો પછી તકલીફ ક્યાં પડી?’ સૌમિત્રને નવાઈ લાગી.

‘ઈ તો ઈને ખબર્ય. રાઈતે દોઢક વાયગે બેય વીજેભાયને ઘીરે આયવા અને વીજેભાયને ઘરની બાર બોલાયવાને પછી બેય હોકી પર હોકી....’ આટલું બોલતાં હિતુદાનની આંખો ફરીથી ભીની થઇ ગઈ.

‘તો અત્યારે વ્રજેશ?’ સૌમિત્રને વ્રજેશની હાલત વિષે જાણવું’તું.

‘આખું સરીર ભાંગી નાય્ખું સે ગોલકીનાઓએ. બેભાન સે. દાગતરે બોંતેર કલાક આય્પા સે.’ હિતુદાન લગભગ રડવા લાગ્યો.

થોડીવારમાં રિક્ષા હોસ્પિટલે પહોંચી ગઈ.

==::==

હોસ્પિટલના બીજે માળે આઈસીયુ હતું, હિતુદાન સૌમિત્રને એ તરફ દોરી ગયો. આઈસીયુમાં આમપણ કોઈને અંદર જવાની છૂટ નહોતી આથી વ્રજેશના માતા-પિતા ભારતીબેન અને યશવંતભાઈ બહાર બેઠા હતા. સૌમિત્ર એમની પાસે જઈને ઉભો રહ્યો અને એને જોઇને ભારતીબેનની આંખમાંથી આંસુઓની ધાર વહેવા માંડી જે કદાચ સૌમિત્રના આવવાની અમૂક મીનીટો અગાઉ જ બંધ થઇ હતી. કોણ શું બોલે? કોણ કોને સાંત્વના આપે? એટલે ચારેય મૂંગા રહ્યા. થોડીવાર પછી સૌમિત્ર અને હિતુદાને કાચમાંથી આઈસીયુના છેક છેડે બેભાનાવસ્થામાં અને આખા શરીરે પ્લાસ્ટરમાં બંધાયેલા વ્રજેશને જોયો. સૌમિત્રની આંખ ભીની થઇ ગઈ, આ વખતે હિતુદાને એને સાંભળી લીધો.

બહાર આવીને સૌમિત્ર અને હિતુદાન સામેની બેન્ચ પર બેઠા. બપોર પડતાં સૌમિત્ર અને હિતુદાન હોસ્પિટલની નજીકમાં આવેલી એક લારીમાંથી બધાં માટે દાબેલી અને સેન્ડવીચ લેતા આવ્યા. ભારતીબેન અને યશવંતભાઈએ ખુબ ના પાડી પણ છેવટે સૌમિત્રએ એમને સમજાવતાં એમણે એક-એક સેન્ડવીચ ખાધી. સાંજે સૌમિત્રએ ઘેરે કોલ કરીને અંબાબેનને તમામ બાબતે માહિતગાર કર્યા અને પોતે હજી એક દિવસ રોકાઈ જશે એમ જણાવ્યું.

લગભગ બીજે દિવસે સાંજે વ્રજેશને ભાન આવ્યું અને ડોક્ટરે એને એ રાત્રે ભયમુક્ત જાહેર કર્યો અને તમામે રાહતનો શ્વાસ લીધો. વર્જેશના માતા-પિતાએ સૌમિત્ર અને હિતુદાનને હવે ઘેરે જવાનું કહ્યું કારણકે વ્રજેશ હજીપણ થોડા દિવસ હોસ્પિટલમાં જ રોકાવાનો હતો. જતાં પહેલાં સૌમિત્ર અને હિતુદાને ડોક્ટર પાસે વ્રજેશને બે મિનીટ મળીને જવાની પરવાનગી માંગી. ડોક્ટરે બે મિનીટ એટલે બે જ મિનીટ એમ કહીને હસીને એમને માટે આઈસીયુનો દરવાજો ખોલી આપ્યો.

‘હવે રડવાનો કોઈજ ફાયદો નથી, વ્રજેશ.’ સૌમિત્ર અને હિતુદાનને જોતાં જ વ્રજેશની આંખોમાંથી આંસુ નીચે ઉતરવા લાગ્યા.

સૌમિત્ર પોતાના રૂમાલથી વ્રજેશના આંસુ લુછવા જતો જ હતો ત્યાં સામે બેસેલી નર્સે આંખો કાઢી અને ઉભી થઈને એણે સૌમિત્ર સામે મેડિકેટેડ કોટન ધર્યું. સૌમિત્રએ વ્રજેશના આંસુ એનાથી લૂછી લીધા. વ્રજેશથી આવી હાલતમાં જરા પણ બોલી શકાય એમ ન હતું. થોડો સમય આવી જ રીતે સૌમિત્ર, વ્રજેશ અને હિતુદાન એકબીજા સામે જોઇ રહ્યા. સૌમિત્રએ એ બાબતનું ધ્યાન રાખ્યું કે તે વ્રજેશ સામે સતત સ્મિત કરતો રહે. છેવટે જ્યારે સૌમિત્ર અને હિતુદાન બહાર જવા લાગ્યા ત્યારે વ્રજેશે સૌમિત્રને સામું સ્મિત આપ્યું અને સૌમિત્રનો જીવ નીચે બેઠો.

==: : ==

‘બસ તું એમ વિચાર કે આપણો વ્રજેશ સ્વર્ગના દરવાજે ટકોરા મારીને પાછો આવી ગયો.’ ભૂમિ સાથે ફોન પર વાતો કરતા કરતા સૌમિત્રનો અવાજ ભારે થઇ રહ્યો હતો.

લંડન પહોંચ્યા બાદ ભૂમિ નક્કી કર્યા મૂજબ દર બે-ત્રણ દિવસે સૌમિત્રને કોલ કરતી હતી, ત્યારે જ્યારે એ ઘરમાં સાવ એકલી હોય. ભૂમિના પિતા પ્રભુદાસ અમીનનું ખુદનું એક ઘર લંડનમાં હતું કારણકે તેમનો બિઝનેસ યુકે અને અમેરિકા ઉપરાંત આફ્રિકાના કેટલાક દેશો સુધી ફેલાયેલો હતો. ત્યાં દિવસ દરમ્યાન જ્યારે પણ પ્રભુદાસ પોતાની ઓફિસે જાય અને ભૂમિની મમ્મી શોપિંગ પર નીકળે ત્યારે ભૂમિ એકાદ વખત કંટાળાનું બહાનું કરીને સૌમિત્ર સાથે વાત કરી લેતી. બે દિવસ પહેલાં જ્યારે ભૂમિએ સૌમિત્રને કોલ કર્યો હતો અને અંબાબેને એ કોલ રીસીવ કરીને તેને સૌમિત્ર વ્રજેશના ખબર પૂછવા ગાંધીનગર કેમ ગયો છે એ માહિતી આપતાં જ ભૂમિ અત્યંત વ્યાકુળ થઇ ગઈ હતી અને બીજેજ દિવસે ફરીથી તેણે સૌમિત્રને કોલ કર્યો અને આ વખતે સૌમિત્રએ જ આ કોલ રીસીવ કરતાં ભૂમિને વ્રજેશ સાથે શું બન્યું હતું એની પૂરેપૂરી માહિતી આપી.

‘પછી નિશાભાભી?’ ભૂમિએ સૌમિત્રની વ્રજેશ વિષેની વાત પૂરી થતાંજ સવાલ કર્યો.

‘કઈ ભાભી? કોની ભાભી? પ્રેમ કર્યો હોય અને જરાક પણ ડેરિંગ નહીં બતાવવાનું? વ્રજેશે આટલી હોકી ખાધી તો નિશાએ બે-ત્રણ લાફા ખાવાની પણ હિંમત ન બતાવી?’ સૌમિત્રએ નિશા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો.

‘નિશા ની હાલત આપણે અહીં બેઠાબેઠા કેવી રીતે કહી શકીએ મિત્ર?’ ભૂમિએ દલીલ કરી.

‘જો ભૂમિ, આપણે આપણા મિત્ર વ્રજેશ વિષે ચિંતા કરવાની, જેણે એ છોકરી માટે આટલો માર ખાધો અને બોંતેર કલાક મોત સામે લડાઈ કરીને આપણી પાસે પાછો આવ્યો છે. નિશા એ જરાક હિંમત બતાવી હોય તો બેયને આપણે ક્યાંક ભગાડી દેત. ગઢવીની બહુ ઓળખાણ છે જામનગર બાજુના ગામડાઓમાં. છ મહિના સુધી કોઈને ખબર પણ ન પડત કે એ લોકો ક્યાં છે.’ સૌમિત્રનો નિશા પ્રત્યેનો ગુસ્સો યથાવત રહ્યો હતો.

‘અને છ મહિના પછી? નિશા ની હાલતનો અંદાજ મને આવે છે મિત્ર કારણકે હું પણ એક સ્ત્રી છું અને મોડા વહેલું મારે પણ એની સ્થિતિમાંથી પસાર થવાનું જ છે. એ તે દિવસે જ કહેતી હતીને કે એ કન્ફયુઝ છે કે એ શું કરશે? આપણી પાસે ભલે ટાઈમ હોય પણ આપણેય હજીસુધી ક્યાં નક્કી કરી શક્યા છીએ કે આપણે શું કરવું? અને આપણે જ્યારે આપણા મમ્મી પપ્પા સામે બોલવાનો વારો આવશે ત્યારે શું આપણે બિનધાસ્ત બની શકીશું? અને બે માંથી એકના પણ મમ્મી પપ્પાએ ના પાડી તો હું અને તું શું કરીશું એનો અંદાજ છે તને?’ ભૂમિએ સૌમિત્રની વાતનો જવાબ આપ્યો.

‘અરે આપણે એવું નહીં થાય, તું અને હું બંને હિંમતવાળા છીએ, ભાગી જઈશું પણ લગ્ન જરૂરથી કરીશું.’ સૌમિત્રના અવાજમાં સહેજ વધારે પડતો આત્મવિશ્વાસ હતો.

‘તને બે હોકી પડે કે મને મારા પપ્પા ક્યાંક મોકલી દેશે, ત્યારે આપણી આ હિંમતની કસોટી થશે મિત્ર. જ્યાંસુધી આપણે કોઈ પરિસ્થિતિમાંથી પસાર ન થઈએ ત્યાંસુધી આપણી શક્તિનો અંદાજ નથી આવતો અને એટલેજ નિશા નો પક્ષ સાંભળ્યા વગર હું એને દોષિત નહીં માનું. મને ખાતરી છે કે વ્રજેશભાઈ પણ આવું જ માનતા હશે. એમને સહેજ સાજા થવા દે, આઈ એમ શ્યોર કે એ તને આમ જ કહેશે.’ ભૂમિએ મુદ્દાની વાત કરી.

‘હમમ... મને વ્રજેશ વિષે દુઃખ થાય એટલે, બાકી નિશા સાથે મારે ક્યાં કોઈ પર્સનલ દુશ્મની છે યાર. તું તો નિશા ની વકીલ બનીને મારા પર ચડી બેઠી.’ ઘણા દિવસો બાદ સૌમિત્રએ મજાક કરી.

‘હા હા હા ... ચલ મમ્મી આવતી જ હશે. હું મુકું?’ ભૂમિએ હસતાં હસતાં કહ્યું.

‘અરે હું ત્રણ કલાક એકલો જ છું આજે, મમ્મી પપ્પા મામાને ઘેર કથામાં ગયા છે. થોડીવાર વાત કરને?’ સૌમિત્રએ ભૂમિને વિનંતી કરી.

‘મમ્મી અચાનક આવશેને તો અઠવાડિયામાં એક જ વખત વાત થઇ શકશે. હું પરમદિવસે ફરીથી કોલ કરીશ, પાક્કું. વ્રજેશભાઈના સમાચાર આપતો રહેજે અને એમને કહેજે કે બધું જ સારું થઇ જશે.’ ભૂમિ બોલી.

== : : ==

લગભગ દસેક દિવસ બાદ વ્રજેશને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યો. વ્રજેશના બંને પગના નળા તૂટી ગયા હતા અને એની ગરદનમાં પણ લચક આવી ગઈ હતી એટલે ત્યાં એણે પેલો મોટો પટ્ટો પહેર્યો હતો. તેનો ડાબો હાથ પણ પ્લાસ્ટરમાં જ હતો. ડોક્ટરે વ્રજેશને બધી રીતે સાજા થતા ત્રણથી ચાર મહિનાનો સમય આપ્યો હતો. આ દરમ્યાન સૌમિત્ર અને હિતુદાન બંને શનિ-રવિ વ્રજેશને ઘેર જતા, પણ નિશા સિવાયની જ બધી વાતો કરતા. લગભગ દોઢેક મહિના બાદ વ્રજેશને બોલવાની શક્તિ આવી.

‘એટલે હવે કોઈજ ચાન્સ નથી એમ ને?’ પોતાના ટેકે બેઠેલા વ્રજેશને ઓરેન્જ જ્યુસ પીવડાવતા સૌમિત્ર બોલ્યો.

‘ક્યાંથી હોય સૌમિત્ર? બે મહિના થઇ ગયા. એ લોકો નો પ્લાન તો અલેપ્પી પહોંચીને એક અઠવાડિયામાં જ નિશા ના લગ્ન કરાવી દેવાનો હતો, એટલે હવે તો એના લગ્નના પણ બે મહિના થઇ ગયા હશે.’ વ્રજેશે ફિક્કું સ્મિત આપ્યું.

‘ગમેતે હોય તારી હિંમતને દાદ આપવી પડે.’ સૌમિત્ર વ્રજેશને ટેકો આપીને સુવડાવતા બોલ્યો.

‘સાચું કહું સૌમિત્ર? તો માનસિક રીતે તો હું ક્યારનોય આ માટે તૈયાર હતો. મને ખબર હતી કે હું અંધારા પાછળ દોડી રહ્યો છું. પણ પ્રેમ ચીજ એવી છે ને.. હવે તને વધુ તો શું કહું? તું ખુદ ભૂમિને પ્રેમ કરે છે.’ વ્રજેશે પોતાનું સ્મિત જાળવી રાખ્યું.

‘હા, પણ તારી સાથે જે થયું એ જોઇને સાલી મારી હિંમત પણ થોડીક નબળી પડી ગઈ છે.’ સૌમિત્રએ પોતાની ગભરામણ રજૂ કરી.

‘કેમ? કોઈ પ્રોબ્લેમ? ભૂમિના પપ્પાને ખબર પડી ગઈ કે શું?’ વ્રજેશને પણ ચિંતા થઇ.

‘અરે, ના ના હજી તો એમ એ કરીશું ત્યાંસુધી તો અમે કોઈને પણ નથી કહેવાના.’ સૌમિત્ર વ્રજેશ સામે મુકેલી ખુરશી પર બેસતાં બોલ્યો.

‘તો પછી પ્રોબ્લેમ શો છે?’ વ્રજેશને નવાઈ લાગી.

‘એ જ કે આજે નહીં તો બે વર્ષે તો અમારે કહેવું જ પડશે? મારા પપ્પાનો સ્વભાવ તને ખબર છે અને ભૂમિના પપ્પાએ ઓલરેડી એની બહેન નિલમને મયંકભાઈ થી છૂટી કરીને બીજે પરણાવી દીધી છે એટલે મારી સાથે પણ એ એવું જ કરવાના.’ સૌમિત્રએ પોતાની તકલીફ સમજાવી.

‘યે ઈશ્ક નહીં આસાં...આહ...’ વ્રજેશ પોતાની ફેવરિટ લાઈન્સ ફરીથી બોલવા તો ગયો પણ ક્યાંક એને દુઃખ્યું એટલે અડધીજ બોલી શક્યો.

‘શું થયું? દુઃખે છે?’ સૌમિત્ર તરત જ ઉભો થઇ ગયો.

‘એ તો હવે જીવનભર રહેવાનું. તું ક્યાંસુધી ચિંતા કરીશ મારી? અને તું કાયમ મારી સામે થોડો હોવાનો?’ વ્રજેશની આંખો ભીની થઇ ગઈ.

‘તું અવાજ કરજે ને યાર, સૌમિત્ર હાજર થઇ જશે.’ સૌમિત્રએ વ્રજેશ સામે જોઇને સ્મિત આપ્યું.

‘ના, યાર બસ હવે તો કરિયર પર જ ધ્યાન આપવું છે. એમએ કરીને પછી પ્રોફેસર થઇ જવું છે. કોઈ પ્રોબ્લેમ જ ન જોઈએ. સીધી સરળ જિંદગી જ્યાંસુધી જીવાશે ત્યાંસુધી જીવી લઈશ. કોઈનેય ફરિયાદ કરવાનો કે બોલાવવાનો મોકો જ નથી આપવો, ન તને કે ન મમ્મી પપ્પાને.’ વ્રજેશની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા.

‘અત્યારે તારી હાલત એવી છે દોસ્ત એટલે, એક વખત તું સ્વસ્થ થઇ જઈશ ભણીશ અને નોકરી કરીશ, લગ્ન કરીશ પછી બધુંજ સેટ થઇ જશે.’ સૌમિત્ર વ્રજેશના આંસુ લૂછતાં બોલ્યો.

‘લગ્ન કોને કરવા છે યાર? બસ હવે હું અને મારી કરિયર.’ વ્રજેશે ફરીથી સ્મિત આપ્યું.

‘એટલે...?’ સૌમિત્રને નવાઈ લાગી.

‘હા તું જે સમજ્યો છે એ જ. નિશા સિવાય હું મારો પ્રેમ બીજી કઇપણ વ્યક્તિને નહીં આપી શકું. કમને કે પછી મમ્મી પપ્પાને સારું લગાડવા હું કોઈની જિંદગી શું માટે ખરાબ કરું? સમય આવશે ત્યારે મમ્મી પપ્પાને પણ કહી દઈશ.’ વ્રજેશ બોલ્યો.

‘હમમમ... હું સમજી શકું છું. તારી જગ્યાએ હું હોત તો કદાચ હું પણ... સારું થયું ગઢવી નથી નહીં તો આપણને બેયને આવી ઈમોશનલ વાતો કરતા સાંભળીને એના શબ્દોમાં આપણને બેયને ધોકાવી નાખત.’ આટલું બોલતાં જ સૌમિત્ર હસી પડ્યો અને વ્રજેશ પણ ઘણા વખતે ખડખડાટ હસ્યો.

‘ભૂમિ ક્યારે આવે છે લંડનથી? પંદરમી જૂને તો આપણા રિઝલ્ટ્સ આવી જશે.’ વ્રજેશ બોલ્યો.

‘લગભગ આજકાલમાં આવી જવી જોઈએ. આમ તો દર અઠવાડિયે બે ત્રણ વખત કોલ કરે છે પણ ખબર નહીં કેમ દસ દિવસથી એકવાર પણ નથી આવ્યો. આવશે એટલે મારી બે ખાશે.’ સૌમિત્ર હસીને બોલ્યો.

‘હમમમ... આવે અને થોડી ફ્રેશ થાય એટલે એને અહીં લઇ આવજે, મને એને મળવાનું ખુબ મન થયું છે. ખુબ મેચ્યોર છે તારી ભૂમિ, મારી હકીકત તારા અને ગઢવી કરતા એ વધુ સમજી શકશે.’ વ્રજેશે ભૂમિના વખાણ કર્યા અને સૌમિત્રના ચહેરા પર સ્મિત આવી ગયું.

== : : ==

‘તો મેડમને અમદાવાદ આવ્યે અઠવાડિયું થઇ ગયું છે અને છેક હવે એમને એમના મિત્રની યાદ આવી. કેમ લંડન ભૂલાતું નથી?’ વ્રજેશને મળ્યા પછી પંદર દિવસે ભૂમિનો સૌમિત્રને અમદાવાદથી જ કોલ આવ્યો પણ સૌમિત્રએ કોઈજ ફરિયાદ ન કરી.

‘વાત જ એવી હતી કે... આજે સાંજે લો ગાર્ડન આવીશ? મારે તારું કામ છે.’ ભૂમિ બોલી.

‘હા કેમ નહીં? બધું ઓકે છે ને?’ સૌમિત્રને ભૂમિના અવાજમાં સહેજ ગભરામણ દેખાઈ.

‘ના બધું ઓકે નથી મિત્ર.’ આટલું બોલીને ભૂમિ રડવા લાગી.

‘અરે? શું થયું? મમ્મી-પપ્પા મજામાં છે ને?’ હવે સૌમિત્રને ભૂમિની ચિંતા થઇ.

‘સૌમિત્ર, લંડનમાં પપ્પાએ...’ રડતા રડતા ભૂમિ આટલું જ બોલી શકી.

‘પપ્પાએ શું ભૂમિ? તું રડવાનું બંધ કર પ્લીઝ અને મને ડીટેઇલમાં જણાવ કે પપ્પાએ શું કર્યું?’ સૌમિત્ર એના સોફા પર રીતસર ઉભડક બેસી ગયો.

‘લંડનમાં પપ્પાએ મારી સગાઈ નક્કી કરી નાખી છે....’ આટલું બોલતાં જ ભૂમિ અઢળક રડવા લાગી.

-: પ્રકરણ પંદર સમાપ્ત :-

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED