સૌમિત્ર
સિદ્ધાર્થ છાયા દ્વારા
-: પ્રકરણ ૧૪ : -
“આમ કાં હંધાય દાંત કાઢો સો? મને કાંક ખબર્ય તો પાડો?” હિતુદાન અકળાયો.
“તારું હિન્દી સાંભળીને.” સૌમિત્ર હસતાં હસતાં બોલ્યો.
“તે અમને આવરે એવું બોયલા, એમાં દાંત કાઢવાના?” હિતુદાન થોડોક ગુસ્સે હતો.
“મને તો બીજી વાત પર પણ હસું આવે છે.” વ્રજેશ પણ હસી રહ્યો હતો.
“હવે કી વાત સે વીજેભાય?” હિતુદાન વ્રજેશ સામે જોઇને બોલ્યો.
“આપણે જ્યારે પહેલીવાર નિશા વિષે વાત કરી ત્યારેજ મેં કીધું હતું કે એ કેરાલિયન છે પણ નાનપણથી જ ગાંધીનગરમાં રહે છે અને મારી સાથે પહેલેથી જ એટલે કે સ્કૂલના ટાઈમથી જ સાથે છે. તોય ગઢવી તે હિન્દીમાં શરુ કર્યું એટલે મને વધારે હસવું આવ્યું.” વ્રજેશે ખૂલાસો કર્યો.
“મારું હારું ઈ તો ભૂલાય જ ગ્યું!” હિતુદાન પોતાનું માથું ખંજવાળતો બોલ્યો.
“અને બીજું, નિશા ગુજરાતીમાં બી.એ કરે છે અને ઇટ્સ ઓકે ગઢવી, આ તો બે ઘડી ગમ્મત.” વ્રજેશ હિતુદાનના ખભે ટપલી મારતો બોલ્યો.
“અરે, પણ ભૂમિ અને નિશા ક્યાં?” બધાનું હસવાનું પતવાની સાથેજ સૌમિત્રનું ધ્યાન ગયું.
“હમણાં તો આપણી સાથે હસી રહ્યા હતા?” વ્રજેશ પણ સૌમિત્રની સાથે સાથે આમતેમ જોવા લાગ્યો.
“ઓ રયા બેય, ઓની કોર...” હિતુદાને થોડેક દૂર એક બાંકડા પર બેસેલા ભૂમિ અને નિશા તરફ આંગળી ચીંધતા કહ્યું.
“નિશાભાભી ની એક ફરિયાદ છે વ્રજેશભાઈ, તમે કેમ એમને હિતુભાઈના મેરેજમાં ના લઇ આવ્યા?” સૌમિત્ર, વ્રજેશ અને હિતુદાનના તેની અને નિશા ની નજીક પહોંચતા જ ભૂમિ બોલી.
“અરે તને ખબર તો છે જ ભૂમિ, નિશા ને ઘેરે કેટલી તકલીફ છે?” વ્રજેશે જવાબ આપ્યો.
“અરે ના ના.. ફરિયાદ નહીં, બસ મને થોડુંક પેઈન થયું કે સૌમિત્ર અને ભૂમિ સાથે હતા અને હું... અને આ શું ભાભી-ભાભી? હું ખાલી નિશા જ છું વ્રજેશની જેમજ તમારા ત્રણેયની ફ્રેન્ડ.” નિશા ભૂમિ સામે હસીને બોલી.
“અરે તમે મને પેલાં કીધું હોત ને વીજેભાય, તો મારા લગનમાં આવવા હાટુ નિસાભાભી હાટુ કાંક ને કાંક તો કરત હોં?” હિતુદાન થોડોક નિરાશ થઈને બોલ્યો.
“હવે જે થઇ ગયું એ થઇ ગયું. આપણે અહીંયા બધા વાતો કરવા ભેગા થયા છીએ ને?” વ્રજેશ હસીને બોલ્યો.
થોડો સમય બધાંએ પોતપોતાની મનગમતી વાતો કરી અને પછી ભૂમિએ મહત્ત્વનો મુદ્દો ઉપાડ્યો.
“નિશા, તારા અને વ્રજેશભાઈના કાયમ માટે મળવા બાબતે મોટો પ્રોબ્લેમ છે એની અમને પણ જાણ છે. તે કશું વિચાર્યું છે? એટલે તેં અને વ્રજેશભાઈ બંનેએ? કારણકે હવે બે મહિના પછી એકઝામ્સ આવશે અને...” ભૂમિના અવાજમાં સહેજ ચિંતા હતી.
“સાચું કહું તો કશું જ નથી વિચાર્યું. અત્યારે તો એવું જ નક્કી કર્યું છે કે જ્યારે જે સંજોગો ઉભા થશે, ત્યારે જોયું જશે.” નિશા એ સ્મિત સાથે જવાબ તો આપ્યો પણ એ સ્મિત કુદરતી નહોતું.
“તેં પણ એમ જ વિચાર્યું છે વ્રજેશ?” સૌમિત્રએ વ્રજેશ સામે જોઇને પૂછ્યું.
“હા, અત્યારે તો એમ જ કહી શકાય.” વ્રજેશે જવાબ આપ્યો.
“તું આવું બોલે છે વ્રજેશ? મને નવાઈ લાગે છે.” સૌમિત્રને આશ્ચર્ય થયું.
“એટલે?” વ્રજેશને ખ્યાલ ન આવ્યો.
“એટલે એમ કે તું આપણા ત્રણેય મિત્રોમાં સૌથી વધુ ઓર્ગનાઈઝ્ડ છે અને તું પણ એવું વિચારે છે કે જ્યારે જે થશે તે જોયું જશે?” સૌમિત્ર એ વળતો સવાલ કર્યો અને વ્રજેશ આડું જોઈ ગયો.
“તો શું કરીએ સૌમિત્રભાઈ? અમને કાંઈ સુજતું જ નથી.” નિશા વ્રજેશની મદદે આવી.
“ઈ તો અટાણ લગી અમને કોયને ખબર્ય નો’તી અટલે. હવે આપણે હંધાય ભેગા મરીને કાં’ક વિચારસું, કાં સોમિતર?” હિતુદાને જાણેકે બધાંને સધિયારો આપ્યો.
“એ તો છે જ. વ્રજેશ માટે નહીં કરીએ તો કોને માટે કરશું?” સૌમિત્ર હસીને બોલ્યો.
“મારા મામલામાં અનુભવ થઇ જાય તો પછી જ્યારે સૌમિત્રનો વારો આવશે ત્યારે આપણે બધા વધુ તૈયાર રહીશું.” વ્રજેશ હસતાં હસતાં બોલ્યો.
“એટલે તમારા લોકોમાં પણ...” નિશાએ ભૂમિ સામે જોયું. જવાબમાં ભૂમિએ હકારમાં માત્ર એનું ડોકું હલાવ્યું.
“અમારા મામલામાં અમારી સાથે સમય છે નિશા. બીએ પછી એમએ અને કદાચ આગળ પણ. અમે હજી બીજા ત્રણ-ચાર વર્ષ કાઢી શકીએ તેમ છીએ.” સૌમિત્રએ નિશા ને જવાબ આપ્યો. ભૂમિએ માત્ર ફિક્કું સ્મિત આપ્યું. કદાચ એને તેના અને સૌમિત્રના ભવિષ્ય વિષે થોડીક ચિંતા થઇ ગઈ.
“નો પોબ્લેમ, આપણે કાંક વચારી લેહું. ચ્યનતા ન કરો. હાલો હવે મને બવ ભૂખ લાયગી સે, એનું કાંક કરો.” હિતુદાને પોતાની મજબૂરી જણાવી દીધી.
“તને ભૂખ સિવાય બીજું કાંય સુજે છે?” સૌમિત્ર હસી પડ્યો.
“ના, નથ્ય સુજતું, પણ ઘીરે સીરો ને પૂરી બનાયવા હોય ને તો મારાથી તો ઝરાય નો રે’વાય. હાલો બધા ઉભા થાવ, આપણે મારે ઘીરે ઝમવા ઝાવાનું હે, તમારી ભાભી રાહ ઝોતી હઈસે.” હિતુદાને ધડાકો કર્યો.
“અરે ના ના, આપણે અહિયાં જ કોઈક રેસ્ટોરન્ટમાં જમી લઈશું.” વ્રજેશ બોલ્યો.
“ના, મારે સીરો પૂરી ગા ને નથ્ય નાખવી, હાલો ઝટ ઉભા થાવ.” આટલું બોલતાં જ હિતુદાન ઉભો થઇ ગયો અને પોતાની બાઈક તરફ ચાલવા લાગ્યો.
હિતુદાનના હુકમ સામે કોઈનું ચાલવાનું નહોતું જ એટલે બાકીના મિત્રો પણ ઉભા થયા. ભૂમિને સમજાવીને સૌમિત્ર હિતુદાન પાછળ બાઈક પર ગોઠવાયો જેથી વ્રજેશ અને નિશા વધુ સમય એકબીજા સાથે ગાળી શકે. ભૂમિ વ્રજેશ અને નિશા સાથે રિક્ષામાં તો ગઈ પણ એણે એ બાબતનું પણ ધ્યાન રાખ્યું કે વ્રજેશ અને નિશા સાથે બેસે. સાંજે સૌમિત્ર અને ભૂમિ અમદાવાદ જવા રવાના થયા આ અનોખા દિવસથી મીઠી યાદો સાથે.
== : : ==
“પણ શું કરું? આ વખતે પપ્પાનું ખુબ પ્રેશર છે.” ભૂમિ સૌમિત્રને મનાવી રહી હતી.
“તો બે મહિના હું શું કરીશ ભૂમિ? મારો તો વિચાર કર?” સૌમિત્રના અવાજમાં નિરાશા હતી.
“પપ્પાએ ચોખ્ખું કીધું છે કે આ વખતે ભૂમિએ મારું માનવું જ પડશે એ કાયમ છટકી જતી હોય છે. મારી પાસે ના પાડવાનું કોઈજ કારણ નથી મિત્ર.” ભૂમિએ પોતાની મજબૂરી જણાવી.
“લંડનની જગ્યાએ લોનાવાલા હોત તો કદાચ હું આટલું અકળાતો ન હોત. તારી યાદ આવત તો ટ્રેન પકડીને પણ આવી ગયો હોત. આ તો લંડન છે, મારાથી વિચાર પણ ન કરાય કે જો તું મને ખુબ યાદ આવે તો હું દોડીને તારી પાસે આવી જાઉં.” સૌમિત્રનો ચહેરો સાવ પડી ગયો હતો.
“તું અત્યારથી આટલી ચિંતા ન કરને યાર. આવતા શનિવારે ડિબેટ છે અને તારે હેટ્રિક કરવાની છે, બાકી બધું તું ભૂલી જા. મારી જ ભૂલ થઇ કે મે તને આટલું જલ્દી કહી દીધું.” ભૂમિએ આટલું કહીને સૌમિત્રના ખભે પોતાનું માથું ઢાળી દીધું.
“હેટ્રિકની હવે મને એટલી ચિંતા નથી, જેટલી તારા વિના હું હવે બે મહિના કેવી રીતે કાઢીશ એની છે. અને તું શું કામ તારો વાંક કાઢે છે? એક દિવસ તો તારે મને કહેવાનું જ હતું? ત્યારે પણ મારી આ જ હાલત થઇ હોત. ત્યારે કદાચ ડિબેટની જગ્યાએ એક્ઝામ્સ હોત. તું ક્યાં સુધી મારાથી છુપાવત ભૂમિ?” સૌમિત્ર હવે ભૂમિના માથામાં પોતાની આંગળીઓ ફેરવવા લાગ્યો.
“હું શું કરું? મમ્મી પણ જાય છે અને એલોકો કોઇપણ હિસાબે મને અહિંયા બે મહિના સુધી એકલી મૂકીને જવા નથી માંગતા. મારે બી નથી જવું. તારા વિના મને ત્યાં ગમશે? બોલ?” ભૂમિની આંખો ભીની થઇ ગઈ.
“અરે, તું એમ ઈમોશનલ ન થા ભૂમિ. જો હું તારો વાંક નથી કાઢતો, પણ મને ખ્યાલ જ નથી આવતો કે હું શું કરીશ, એટલે આટલો અકળાઉં છું બસ.” સૌમિત્ર ભૂમિને સાંત્વના આપતાં બોલ્યો.
“તું મારા માટે નાની-નાની લવ સ્ટોરીઝ લખજે.” અચાનક જ ભૂમિ પલાંઠી વાળીને સૌમિત્રની સામે બેસી ગઈ.
“એટલે?” સૌમિત્રને સમજાયું નહીં.
“કોલેજના મેગેઝિન માટે તેં શોર્ટ સ્ટોરી લખી હતી, પછી તે એકપણ નવી સ્ટોરી લખી નથી. બે મહિનામાં તું બને તેટલી શોર્ટ સ્ટોરીઝ લખ. હું લંડનથી આવીને વાંચીશ.” ભૂમિએ સૌમિત્રને સ્મિત આપ્યું.
“પણ એ તો આપણો અનુભવ હતો એટલે લખાયું. એમ હું કેવી રીતે?” સૌમિત્રને કદાચ સમજાઈ નહોતું રહ્યું કે ભૂમિ એને શું કહેવા માંગે છે.
“તો તારી કલ્પનાશક્તિના ઘોડા દોડાવને? મને ખાતરી છે મિતુ કે તું બહુ મસ્ત સ્ટોરીઝ લખી શકીશ અને એ પણ લવ સ્ટોરીઝ. સાચું કહું તો કદાચ દુનિયાની બધીજ છોકરીઓ તારા જેવા પ્રેમીને ઈચ્છે છે. તારામાં જે લખલૂટ પ્રેમ ભર્યો છે અને તે તું મારા પર વરસાવતો રહે છે, હું ઈચ્છું છું કે એ દુનિયાની બીજી છોકરીઓ પણ જાણે. એમને પણ ખબર પડે કે ભૂમિ અમીનની ચોઈસ કેટલી જોરદાર છે.” ભૂમિ નો આખો ચહેરો ચમકી રહ્યો હતો.
“તું એમ મને ચણાના ઝાડ પર ન ચડાવ. હું લખી તો નાખું પણ કોઈ પબ્લિશ કરે તો દુનિયાની બધી છોકરીઓ વાંચશે ને?” સૌમિત્ર હસતાં હસતાં બોલ્યો.
“એની ફિકર તું ના કર. મારા એક કઝિન અંકલ છે, એ પબ્લિશર છે એમને હું કહીશ એટલે એમનો ના પાડવાનો કોઈ સવાલ જ નથી. બસ તું લખ બીજી કોઈજ લપ્પન છપ્પનમાં ના પડ અત્યારે.” ભૂમિએ સૌમિત્રના બંને હાથ પકડી લીધા.
“ઠીક છે, હું બને તેટલી શોર્ટ સ્ટોરીઝ આ બે મહિનામાં લખીશ ફક્ત ભૂમિ માટે....મારી ભૂમિ માટે. એ પબ્લિશ થાય કે ન થાય એ અલગ વાત છે.” સૌમિત્ર ભૂમિની આંખોમાં આંખ નાખીને બોલ્યો, એના ચહેરા પર સ્મિત હતું.
“ચાલો છેવટે મારો મિતુ હસ્યો તો ખરો.” ભૂમિએ એનો એક હાથ સૌમિત્રના હાથમાંથી છોડાવીને એના માથાના વાળ આગળથી ડીસ્ટર્બ કર્યા.
“તું કોઈ ઈચ્છા કરે અને હું પૂરી ન કરું એવું બને? પણ એટલું ખરું કે તે મને આ બે મહિના હું શું કરીશ એ પ્રોબ્લેમમાંથી બહાર કાઢી દીધો ખરો હોં કે?” સૌમિત્ર હસી રહ્યો હતો.
“મને જે સુજ્યું એ કીધું અને તે પણ તરત સ્વિકારી લીધું ને?” ભૂમિએ જવાબ આપ્યો.
“હા જે રીતે તને હું મેગેઝિન માટે સ્ટોરી લખું એવી જ રીતે. પણ ભૂમિ તું મને ત્યાંથી ફોન તો કરી જ શકે ને?” સૌમિત્ર બોલ્યો.
“અફકોર્સ, હું તને કરીશ. અહીંની જેમ ઈચ્છા થાય ત્યારે તો નહીં કરી શકાય, પણ અઠવાડિયામાં બે-ત્રણ દિવસ તો ખરો જ. મમ્મી-પપ્પા ક્યાંક ગયા હશે ત્યારે તો હું ખાસ કરીશ.” ભૂમિએ સૌમિત્રને સધિયારો આપ્યો.
સૌમિત્ર અને ભૂમિ ઉભા થયા અને એકબીજાને વળગી પડ્યા. થોડો સમય આ પ્રમાણે વળગેલા રહીને પાર્કની બહાર નીકળ્યા.
== : : ==
“સમય વીતતાં વાર નથી લાગતી” આ વાક્ય ભલે ચવાઈ ચવાઈને કુથ્થો થઇ ગયું હોય પણ એની સત્યતા જરાય ઓછી નથી થતી. સૌમિત્ર અને ભૂમિના મળ્યા બાદના અઠવાડિયે એચડી આર્ટ્સ કોલેજમાં ફરીથી મહાત્મા ગાંધી વકતૃત્વ સ્પર્ધા થઇ અને ભૂમિ, વ્રજેશ અને હિતુદાનની ઈચ્છા અને પ્રાર્થના ફળી કારણકે સૌમિત્ર આ સ્પર્ધાના વર્ષો જૂના ઇતિહાસમાં હેટ્રિક બનાવનાર પ્રથમ સ્પર્ધક બન્યો. તે દિવસે સૌમિત્રએ તેના ત્રણેય મિત્રોને એક મોંઘી રેસ્ટોરન્ટમાં પાર્ટી આપી. બીએ ના ત્રીજા વર્ષમાં હોવાને લીધે આ વર્ષે આ તમામ મિત્રોની ફાઈનલ એક્ઝામ છેક એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં હતી. એક્ઝામ પતવાના છેલ્લા દિવસે ફરીથી આ ચારેય સાથે બેસીને જમ્યાં અને છુટા પડ્યા. છુટા પડતી વખતે ચારેયની આંખો ભીની થઇ ગઈ હતી.
વેકેશન શરુ થયે હજી માત્ર અઠવાડિયું જ થયું હતું કે ભૂમિનો લંડન જવાનો દિવસ પણ આવી ગયો. આ વખતે ભૂમિના પિતા એટલેકે પ્રભુદાસ અમીન પણ તેની સાથે જવાના હતા એટલે સૌમિત્રના ભૂમિને આવજો કહેવા માટે એરપોર્ટ જવાનો કોઈજ સવાલ ન હતો. ભૂમિના લંડન જવાના આગલા દિવસે જ જનકભાઈ અને અંબાબેન ત્રણ દિવસ માટે જનકભાઈના બિમાર મોટાભાઈની ખબર પૂછવા માટે ભાવનગર ગયા. સૌમિત્રએ તકનો લાભ લેવાનું નક્કી કરી લીધું અને ભૂમિને પોતાને ઘેર જ બોલાવી લીધી.
== : : ==
“તો? બધી તૈયારી થઇ ગઈ? બેગ બરોબર પેક કરી દીધી?” સોફા પર પોતાના ખોળામાં સુતેલી ભૂમિના વાળમાં વહાલથી પોતાની આંગળીઓ ફેરવતાં ફેરવતાં સૌમિત્ર બોલ્યો.
“છેલ્લી દસ મિનિટમાં તેં ચોથીવાર આ એકનો એક સવાલ કર્યો મિત્ર.” ભૂમિએ જવાબ આપ્યો.
“હમમમ...” સૌમિત્ર ફક્ત આટલું જ બોલ્યો.
“શું હમમમ? તારે જે બોલવું છે એ બોલ ને? અને પ્લીઝ હવે મને રડવું આવે એવું ન બોલતો, મારે આજે રડવું નથી. તારી સાથે મારે હસતાં હસતાં છૂટા પડીને કાલે લંડન જવું છે.” ભૂમિએ એનો ચહેરો સતત બદલતાં બદલતાં કહ્યું.
“ના તને નહીં રડાવું. તું આજે રડીને જઈશ તો મારે માટે પણ બે મહિના કાઢવા ખુબ અઘરા થઇ જશે.” સૌમિત્રએ ભૂમિને સ્મિત આપ્યું, કદાચ પરાણે કારણકે અંદરખાને એને ભૂમિથી બે મહિના અલગ રહેવાનું ખુબ દુઃખ હતું.
“તો પછી હવે ફટાફટ બોલ તારે શું કહેવું છે જે તું મારાથી છૂપાવી રહ્યો છે, તને ખબર છે કે આવી પરિસ્થિતિમાં મારાથી રાહ નથી જોવાતી.” ભૂમિએ સૌમિત્રના ખોળામાં સુતાસુતા જ એનો કાન ખેંચ્યો.
“મારે કશુંજ કહેવું નથી. બસ હું તને આમને આમ સતત જોતો રહું અને સમય આમને આમ ઉભો રહી જાય...” સૌમિત્ર બોલ્યો.
“..અને મારી લંડનની ફ્લાઈટ જતી રહે એટલે ભૂમિના આ લેખક મહાશયને મજા પડી જાય નહીં?” ભૂમિ ખડખડાટ હસી પડી. સૌમિત્રના બંધ ઘરમાં ભૂમિનું એ ખડખડાટ હાસ્ય ગુંજી ઉઠ્યું.
“હા, અને જો એમ ના થાય, તો હું પ્લેનને હાઈજેક કરી નાખું.” સૌમિત્ર હસ્યો.
“પછી તું જેલમાં અને હું કોઈ બીજા વ્યક્તિના મહેલમાં.” ભૂમિ ફરીથી હસી.
“ના, એ આપણને ના પોસાય, ચલો હાઈજેકનો પ્લાન કેન્સલ.” સૌમિત્ર ફરીથી હસીને બોલ્યો.
“તો તારો જે પ્લાન છે એ બોલને?” ભૂમિ હવે સૌમિત્રના ચહેરા પર પોતાની આંગળીઓ ફેરવી રહી હતી.
“કોઈજ પ્લાન નથી યાર.” સૌમિત્રએ ભૂમિથી પોતાની આંખો ચોરી.
“ખોટું ન બોલ મિતુ, તારી આંખો કશુંક બોલી રહી છે, આમ તો મને ખબર પડી જ ગઈ છે, પણ તોયે મારે તારી પાસેથી જાણવું છે.” ભૂમિ હસતાં હસતાં બોલી.
“જો તને ખબર પડી જ ગઈ હોય તો પછી, તું જ....” સૌમિત્ર હવે ભૂમિની આંખોમાં પોતાની આંખો નાખીને બોલ્યો.
ભૂમિએ પોતાનો જમણો હાથ લંબાવીને સૌમિત્રની ડોક પાછળ મૂક્યો અને એના ચહેરાને પોતાની તરફ સહેજ ખેંચ્યો. સૌમિત્રનો ચહેરો જ્યારે ભૂમિના ચહેરાની લગોલગ આવી ગયો ત્યારે તેણે પોતાના હોઠ સૌમિત્રના હોઠ પર મૂકી દીધા. સૌમિત્ર અને ભૂમિના હોઠ ઘણા સમય સુધી એકાકાર રહ્યા. બંને એકબીજાના વાળમાં સતત આંગળીઓ ફેરવી રહ્યા હતા. લગભગ બે થી ત્રણ મિનીટ સુધી બંને આ જ પોઝિશનમાં રહ્યા અને પછી છૂટા પડ્યા.
“તો હવે તારી નેક્સ્ટ શોર્ટ સ્ટોરીનું નામ હશે મારું બીજું રસપાન...” સૌમિત્રના ખોળામાંથી ઉભા થઈને એની બાજુમાં બેસતાં બોલી.
આટલું સાંભળતાં જ સૌમિત્ર ખડખડાટ હસી પડ્યો અને ભૂમિ પણ. ત્યારબાદ બંને લાંબો સમય સુધી એકબીજા સાથે વાતો કરતા રહ્યા. આ દરમ્યાન બંને વચ્ચે વારંવાર લાંબા ટૂંકા ચુંબનોની આપ-લે થતી રહી. બાદમાં સૌમિત્ર ભૂમિને એના ઘરથી નજીક આવેલા રિક્ષા સ્ટેન્ડ સુધી મૂકી ગયો. બીજે દિવસે ભૂમિ પણ સૌમિત્રને કોલ કરીને લંડન જવા રવાના થઇ ગઈ.
== : : ==
ભૂમિના લંડન જવાને અઠવાડિયું થઇ ગયું. સૌમિત્રએ હવે શોર્ટ સ્ટોરીઝ લખવાનું શરુ કરવાનું નક્કી કર્યું. એક દિવસે વહેલી સવારે સૌમિત્રએ એની કોલેજની વણવપરાયેલી ફૂલસ્કેપ બૂક હાથમાં લીધી જ હતી અને ડ્રોઈંગરૂમમાં ફોનની બેલ વાગી. જનકભાઈએ સૌમિત્રના નામની બૂમ પાડી.
“હલ્લો?” ફોન ઉપાડતાં જ સૌમિત્ર બોલ્યો.
“મિતલા....મિતલા... વીજેભાય....” સામેથી હિતુદાનનો ગભરાયેલો અવાજ આવ્યો.
“શું થયું ગઢવી? તું આટલો ગભરાયેલો કેમ છે? વ્રજેશ ઠીક છે ને?” સૌમિત્રને પણ સ્વાભાવિકપણે ચિંતા થઇ.
“ના વીજેભાય ઝરાય ઠીક નથ્ય, તું ઝટ ગાંધીનગર આવી ઝા.” હિતુદાને રીતસર વિનંતી કરી.
“હા, હું હમણાંજ નીકળું છું, પણ તું મને કે તો ખરો કે મામલો શું છે?” સૌમિત્રની ચિંતા વ્યાજબી હતી, એને જાણવું હતું કે વ્રજેશ સાથે એવું તો શું થયું કે હિતુદાન જેવો મજબૂત મનનો વ્યક્તિ પણ આટલો ગભરાઈ ગયો?
“તું બસ નીકરીને સીધો પથિકા આવી ઝા હું ન્યા ઝ તારી રાહ ઝોઈને ઉભો સું.” હિતુદાન બોલ્યો.
“ઠીક છે. હું આવું છું.” આટલું કહીને સૌમિત્રએ ફોન મૂક્યો અને કુદકો મારીને પોતાના રૂમ તરફ દોડ્યો. જનકભાઈ અને અંબાબેન સૌમિત્ર તરફ જોઈ રહ્યા.
-: પ્રકરણ ચૌદ સમાપ્ત :-