જીરાનો વઘાર Raksha Baraiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીરાનો વઘાર

જીરાનો વઘાર

આખી તપેલી ઉંચકીને બધું શાક તેણે કચરાપેટીમાં ઠાલવી દીધું , પોતાનો ઉકળાટ ઠાલવતી હોય તેમ જ. ખાલી તપેલી ચોકડીમાં અને મસોતું રસોડાના પ્લેટ ફોર્મ પર પછાડી તે ગેલેરીમાં આવી ગઇ.

આ ઉકળાટ શેનો હતો ? એને પોતાના શરીર નું તાપમાન વધતું લાગ્યું. કાયમ તો ગેલેરી મેડીટેશન રૂમની ગરજ સારતી. અહીં જે શાંતિ અનુભવાતી તે જ તેનું આગવું સુખ , અહિં ગોઠવાયેલા પ્લાન્ટ્સ – પાંદડાનો રંગ , માટીની ગંધ , ખીલેલાં ફૂલનો ઉજાસ , આ તેનો આગવો વૈભવ. પણ આજે કેમ બધું અળખામણું લાગે છે. ખરેખર ગરમી છે? ઓહ ! આ પરસેવો. રોડ શેકાય છે! આ ડામરની ગંધ છે! આખા વાતાવરણમાં કઇંક ખદબદતું હોય એવું લાગ્યું. બધું જ ઉકળતું – સખત ગરમ. સ્પર્શ તો ના જ કરાય. તેણે જોરથી માથું ધુણાવ્યું. વાળને ક્લીપની પકડ્માંથી છૂટા મૂક્યા. જાણે વિચારોને પણ લગામમાંથી છુટ્ટા મૂક્યા. અચાનક વાતાવરણે પલટો માર્યો. દાઝેલી ચામડી પર ધીમે ધીમે મરાતી ફૂંક જેવો હળવો હળવો પવન અનુભવાયો. ઉકળાટ થોડો ઠંડો પડવા લાગ્યો. અંદર પણ અને બહાર પણ. તેને સામેના રોડ પરના એપાર્ટમેન્ટ ના ફ્લેટ્ની પાળી પર બેસેલો કાગડો દેખાયો. આ શું કરે છે ? ચાંચ ઘસે છે ? એ ખંજવાળ દૂર કરે છે ? ચાંચ સાફ કરે છે ? કે પછી કંઇ જ નથી કરવાનું બસ આદતવશ જ આમ પોતાનું શરીર પોતાની ચાંચથી ઘસી રહ્યો છે. શું કારણ હશે ? કારણ ! કારણો તારી પાસે શું છે. કેમ આજે આવું કર્યું ? શું કર્યું? તે તને નથી ખબર ? તેની અંદરથી જ ઘણા અવાજો ઉઠી રહ્યા.

એક સામટા અવાજો અને દૃશ્યોની ભરમારે તેનો કબજો કરી લીધો.

************************************************************************

‘ દીદી એક જ વડું ’

‘ તને ના પાડી ને ‘

મમ્મી જો ને આ દીદી એક વડું નથી આપતી. મમ્મી આવીને કશું કહે એ પહેલાં જ તેણે તૈયાર વડાની કડાઇ પર ઢાંકણ ઢાંકી દીધું. “ બધાં વડા તૈયાર નહીં થાય ત્યાં સુધી નહીં આપું. હવે જા અહીંથી કેટલી વાર કહેવાનું કે હું રસોડામાં કામ કરતી હોંઉ ત્યારે અહીં નહીં આવવાનું.” મીલી રસોડામાં છણકો કરીને રસોડામાંથી જતી રહી. પણ જમતી વખતે સૌથી વધારે વડા મીલીને જ મળ્યા. મમ્મી પપ્પા અને દાદી તો હજુ નવાઇમાં જ હતાં.

“ હેં મીના આ વડા તને કોણે શીખવાડ્યા ?” દાદી એ મમ્મીને પૂછેલું. પપ્પાને તો ખાવું એટલું જ કામ.,કોણે બનાવ્યું અને કોણે નહી એની પંચાત પપ્પાને નહોતી. એ તો બસ વડાને ચટણીમાં બોળીને ખાવાની મજા લઇ રહ્યા હતા.

મમ્મી જવાબ આપે એ પહેલાં જ મીલી ટહુકી હતી. ‘ દાદી મમ્મી એ નથી બનાવ્યા. આ તમારી , ખડુસ રીનીએ બનાવ્યા છે.’ ચટણીનો ચટકારો કરીને મીલી એ મોં વાંકું – ચુંકું કરતાં વાત પૂરી કરી.

‘ હં રીની તે બનાવ્યું! પણ આપણે તો આવા ક્યારેય નથી બનાવતાં. બહુ – બહુ તો દાળ કે બટાકાના વડા. આમાં તો ફ્લાવર અને પનીર એવો સ્વાદ આવે છે.’ દાદી એ અડધું વડું ચટણીમાં બોળીને મોંમાં પધરાવતાં પૂછ્યું.

માથું હલાવતાં હલાવતાં વડાં ખાતા દાદી યાદ આવતાં રીની ને આજે પણ હસવું આવી ગયું. તે દિવસે દાદીએ પણ સ્વીકારી જ લીધું કે આ ચોરનાં માથાની જેમ ભમતી. છોકરાઓ સાથે ધોલ-ધપાટ કરી આવતી , ક્યારેક સ્કૂલમાંથી વઢ વ્હોરી લાવતી રીની રસોડું પણ સંભાળી લેશે.

દાદીને કાયમ ફરિયાદ હતી. તારી દીકરી બહુ વંઠી ગઇ છે. તેનું થોડું ધ્યાન રાખો. ધરનું કામ નહીં આવડે તો કોઇ નહીં સંઘરે.

પણ એક દિવસ હાં! એ દિવસ. રીની એ વાળને બે હાથે સંકોરીને ડાબી તરફ્ના ખભા પાસે છૂટા મૂકી દીધા. પવનમાં ફરફરતાં વાળ અને ઝૂલી રહેલી વેલનાં દૃશ્યને માણતાં માણતાં ફરી ભૂતકાળના પ્રસંગોનો જાદુઈ પટારો ફરી ખુલી ગયો. એ દિવસ , રક્ષાબંધન પહેલાં લોકોના ઘરે જઇને કાંડે એક ફૂમતાંવાળી રાખડી બાંધતાં ગોર – મહારાજ આવીને બેઠાં. વાતો – વાતોમાં એમણે જમવાની ઇચ્છા દર્શાવી. હવે ? દાદી તો મૂંઝાઇ જ ગયા હતાં. માં હજુ માર્કેટ માંથી શાકભાજી લઈને આવે પછી તો રસોઈના શ્રી ગણેશ થાય. પણ , ચપટીક ચણાના લોટને છાશમાં બોળી રીની એ કઢી વઘારી આપી અને કાંદા સમારી ને ઝટપટ બને એવું સેવ-કાંદાનું શાક પણ પીરસ્યું. મહારાજ આશીર્વાદ આપતાં જઈ રહ્યા હતાં તેમણે લીધેલો ઓડકાર પણ સ્પષ્ટ સંભળાયો હતો. પછી તો જાણે રીનીને પાક-કલા નીષ્ણાંતનો મળી અબાધિત હોદ્દો મળી ગયો. દર રવિવારે રસોડું રીની ના કબજામાં જ હોય. નવું – નવું વાંચીને હાથ ધરાયેલાં પાક – કલાના પ્રયોગો પહેલાં આડકતરા ડરથી પણ પછી હોંશેં –હોંશેં સ્વીકારવા લાગ્યા.રીનીની પાક – કલા પડોશમાં પણ વખણાવા માંડી. દાદી ને હવે ચિંતા નહોતી. રસોડું તો હવે સંભાળી જ લેશે ને !

*************************************************************************

અને , ઓહ ફરી આ પવન ક્યાં સંતાઇ ગયો. ખૂલ્લા મૂકેલા વાળ રીનીએ ફરી અંબોડામાં બાંધી લીધાં. પેલી શીતળ યાદોને પણ જાણે બાંધીને મૂકી દેતી હોય એમ.

ફરી ઉકળાટ.... અને એવી જ ઉકળતી યાદો.પરણ્યા પછી નવા પરિવારનું રસોડું સાચવવાનું આવ્યું ત્યારે પણ તે પોતાની આવડત પર મુસ્તાક હતી. રસોડું ગોઠવતાં તેને હોંશથી સુમિત માટે નાસ્તામાં પૌવા બનાવ્યા,પણ...સુમીતે -પતિ તરીકે પોતે પ્રતિક્રિયા આપવામાં એવી જ હોશ બતાવી.આ શું બનાવ્યું છે? પૌંઆ આવા? રીની જો આવા અખતરા તારે નહીં કરવાના. મને આવા પૌંઆ જરાય ભાવતાં નથી. હું હોસ્ટલમાં ભણતો હતો ત્યાંના મહારાજ પણ આનાથી સારા પૌંઆ બનાવતાં.એક પ્લેટ પૂરી કરીને બીજીવારનાં પૌંઆ ડીશમાં લેતી વખતે સુમીતે રૂક્ષ અવાજે કહ્યું.

“પણ, કહો તો ખરા તમારા મહારાજ કેવાં પૌંઆ બનાવતાં. હું પણ કોશિશ કરીશ. આજે મેં પહેલીવાર બનાવ્યા અને બટાકા સાથે થોડાં વેજીટેબલ્સ પણ ઉમેર્યા. કદાચ એટલે તમને નહીં ભાવ્યા હોય.ફરી થોડા દિવસ બાદ નવો અખતરો ને નવું સુમિતનું પણ નવું વાગ્બાણ, પણ સુમિત ‘આજે મેં પૌંઆને માત્ર કેબીજથી ચાઇનીઝ સ્ટાઇલમાં બનાવ્યા છે’.’ તું પહેલા મારા હોસ્ટેલના મહારાજની જેમ દેશી સ્ટાઇલ શીખ.’ ‘ઓહ, ઘણીવાર તમે મહારાજના પૌંઆ યાદ કરો છો. તો તમે કહો તો ખરા.”રીની એ દબાતાં અવાજે પૂછ્યું.” પૌંઆ સારા કે ખરાબ તમે ખાધાં તો છે જ. મારે ફેંકવા નથી પડ્યા”. છેલ્લું વાક્ય મોટેથી નહોતું બોલાયું. પણ બોલાયું હોત તો પછીની પરિસ્થિતિની કલ્પના કરવી બહુ અઘરી નહોતી. ફરી વાતાવરણમાં ઉઅકળાટ વધવા માંડ્યો. ખદબદતાં પ્રવાહી જેવાં વિચારો ફરી રીનીને પજવવા લાગ્યા.

“ઓહો! લંચમાં છોલે. આખો દિવસ પેટ ભારે લાગશે.” સુમીતનો છણકો.

પણ ગયા મહિને રાત્રે બનાવેલાં તો તમે કહયું હતું આવું ભારે ડીનર ખાઇને ઉંઘવું કેમ ? રીનીનો ખુલાશો.

“જો બહું તીખું નહીં કરવાનું મને નથી સદતું.” પાઉંભાજી ખાતા સુમીતે કરેલી ટીપ્પણી. “અચ્છા,” રીનીએ ભરેલી હામી. પણ ભત્રીજાના લગ્ન્ના રીસેપ્સનમાં મરચાંના ભજીયા પર જે સ્પીડમાં સુમીતનાં હાથ અને મોઢું ચાલ્યાં હતાં તે રીનીને યાદ આવ્યા વિના ના રહ્યું.

શ્રાધ્ધની ખીર હોય કે બર્થ ડે નો કેક , શિયાળાનું ઉંધિયું કે ઉનાળામાં અથાણાં , પ્રસંગોપાત રીનીની મદદ લેનારં અને તેનાં ઘરે મહેમાનગતી માણી ચૂકેલાં મોટેભાગે રીનીની રસોઇ વખાણતાં. એક સુમીતને ક્યારેય કશું વખાણવા લાયક ના મળ્યું.આજે પણ કંઇક એવું જ થયું હતું .

અઠવાડિયા પહેલા પાડોશમાં રહેવા આવેલા બંગાળી પરિવારને રીનીની પાક-કલાનો પરચો થઈ ચુક્યો હતો. ગુજરાતી મહેમાનગતિ માણી ચુકેલા પરિવારને યજમાન બનવાનું મન થયું,બે દિવસ પહેલા બંગાલણ બાનુના મહેમાન બનેલા સુમિતે -બાફેલા બટાકાને જીરાના વઘારવાળી દહીં સાથેની રસાદાર શાક વખાણી વખાણીને ખાધેલું.રીની કદાચ વખાણથી પેટ ભરવા માંગતી હશે તે બે દિવસ પહેલાનો પ્રસંગ યાદ કરીને એવું જ શાક ઘરે બનાવ્યું.રીનીનું પેટ જ નહિ મન અને આત્મા સુધ્ધાં ગ્લાનીથી ભરાઈ પડી હતી જયારે સુમિતે શાક ખાવાની તો ઠીક ચાખવાની પણ તસ્દી નહોતી લીધી.બોનસમાં સલાહ મળી હતી આવા અખતરા કરવા રહેવા દે. શાકની તપેલી તો ઠાલવી દીધી ઉકરડે, પણ આ ઉકળાટ ક્યાં ઠાલવું ? ફોનની રીંગ વાગી કે ડોર બેલ? રીની ઉઠીને બેઠક-ખંડમાં આવી.સોફા પર પડેલો ફોન ઊંચક્યો.ઓહ ઘણા મેસેજીસ આવી ગયા,,હમમ સોસાયટીમાં ફન-ફેરનું પ્લાનીગ ચાલે છે.ઘણા સ્ટોલ્સ ફાઈનલ થઈ ચુક્યા છે. ક્યારે છે ? ઓહ એક અઠવાડિયા પછી ? સુજલ કેક બનાવવાની છે! ઓન ધી સ્પોટ કુકીંગ કોમ્પિટિશન પણ છે. વાવ- લાઇક્સ- સ્માઇલી-....ઢગલો પ્રતિભાવ ...રીનીએ પણ એક લાઇક વહેતી મૂકી. ઓહ હૈ ,રીની તારું શું છે ? સરપ્રાઈઝ? બોલ ?લખાવને ...જો ક્યાંક રીપીટ ના થાય ...અરે હા વેરાયટી નહિ મળે ..તું પણ ડીકલેર કરી દે ને યાર ...કોણ હું ? અરે ના ..મારે નથી કરવું કઈ.કેમ ?એવું થોડું ચાલે યાર ..અરે છોડ ને ..એ ખાલી ભાવ ખાય છે ..છેલ્લે દિવસે જો જે એનો જ ધમાકો હશે ..હમમમ ..હસાહસ ને કોમેન્ટ્સ...રીની બધાને બાય કરીને ઓફલાઈન થઈ ગઈ.

***********************************************************************

એન્ડ ધી વિનર ઓફ ટુડેઝ કુકીંગ કોમ્પીટીશન ઈઝ મિસીઝ રીની શાહ ..........બધાનું અભિવાદન સ્વીકારતી રીની પ્રાઈઝ સ્વીકારવા સ્ટેજ પર પહોંચી ત્યારે અનાયાસે તેનું ધ્યાન સુમિતને શોધવામાં હતું.સુમિત મિસીઝ દેસાઈના સ્ટોલ પર વધેલા દહીં-વડા ખાતો હતો.રીનીને થોડા દિવસ પહેલા એક મંદિરમાં જોયેલું એક દ્રશ્ય યાદ આવી ગયું. ભીક્ષુકોને ભોજન પીરસવામાં આવી રહ્યું હતું. વ્યસ્ત યજમાનના હાથમાંથી એક લાડુ પડી ગયો એક ભિખારી આખું ભરેલું ભાણું છોડીને પેલા નીચે પડેલા લાડુ તરફ લપક્યો હતો.ત્યારે તેને ભિખારીની દયા આવી હતી, આજે પ્રસંગ યાદ આવતા જ રીનીના ચહેરા પર તિરસ્કારભર્યું હાસ્ય પથરાઈ ગયું.