કાંચળી Raksha Baraiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાંચળી

'આ બૈરાઓને આટલી બધી ફુરસદ ક્યાંથી મળી જતી હશે ?' શમિતા બબડતી બબડતી શો-કેસમાં ડિસ્પ્લે કરાયેલી જ્વેલરી ગોઠવતી હતી.ત્યાં જ પાછળથી એક અવાજ સંભળાયો ,'ભાઈ આ સફેદ માળા કેટલાની ?'સવાલ પૂછનાર વ્યક્તિ શમિતાને ધ્યાનથી જોયા બાદ ઓજ્પાઈ ગઈ પરંતુ શમિતાના ચહેરા પર એક હળવું સ્મિત આવી ગયું .

સિલ્વર ડાયમંડ સ્ટડ કડી એક જ કાનમાં ,વ્હાઈટ લીનન શર્ટ,બ્લ્યુ ડેનીમ, લાર્જ બક્કલ જડેલા પહોળા બેલ્ટમાં શર્ટ વ્યવસ્થિત ટક-ઇન કરેલું હતું ,શમિતાએ એના ટૂંકા બોય-કટ પણ સુંવાળા વાળમાં હાથ ફેરવ્યો અને માળાનો ભાવ પૂછનાર મહિલાનો સંકોચ દુર કરવા તેની નજીક જઈ માળા તેના હાથમાં પકડાવીને ભાવ કહ્યો .કસ્ટમરના ગયા બાદ એકલી પડેલી શમિતા ફરી એના અસલ મૂડમાં આવી ગઈ .આજે સવારથી જ એનો મૂડ ખરાબ હતો .પચ્ચીસી વટાવી ગયેલી દરેક સુંદર પુત્રીના પિતાની જેમ શમિતાના પિતા પણ ઈચ્છતા હતા કે કોઈ યોગ્ય મુરતિયો જોઇને શમિતા એ પરણી જવું જોઈએ ,પરંતુ શમિતા લગ્ન માટે જરાયે ઉત્સુક નહોતી .પોતે ક્યારેય સ્ત્રી સહજ સાજ -શણગારનો ઉપયોગ નહોતો કર્યો. શમિતાની કપડા પહેરવાની સ્ટાઈલથી માંડીને વાત કરવાનો ટોન શુદ્ધાં પુરુષ જેવો હતો ,પરંતુ તેના શરીરના વળાંકો તેમજ સુંવાળી ત્વચાની લાલી સ્ત્રીત્વની હાજરી પુરાવતા ,,,માત્ર નોકરીના ભાગરૂપે જ શમિતા ઘરેણાને અડતી જાણે .....

આવી જ એક કંટાળાજનક બપોરે યંત્રવત પોતાનું કામ કરી રહેલી શમિતાને એક સૌમ્ય અવાજે જાણે ભરઊંઘમાંથી ઉઠાડી દીધી 'હેય બ્યુટીફૂલ ...કેન યુ ટ્રાય ધીસ ફોર મી ...'વાંકડિયા વાળ ,શામળી પણ ડાઘરહિત સ્વચ્છ ત્વચા ,છ ફૂટથી એકાદ ઇંચ ઓછી હાઇટ અને ૨૭-૨૮ ની વયનો દેખાતો એક યુવાન શમિતાને એક નેકલેસ ધરી રહ્યો હતો .શમિતાના ચહેરા પર ધસી આવેલા અણગમાના ભાવને જોઇને યુવાને તરત જ ખુલાસો કર્યો 'અરે ,ઇઝી.... ઇઝી .... ડોન્ટ ગેટ મી રોંગ આ હું મારી ગર્લફ્રેન્ડને ગીફ્ટ કરવાનો છું.જો તમે ટ્રાય કરો તો મને ચૂઝ કરવામાં ઓપ્સન મળશે ...બાકી જરા આમ તેમ થયું તો મારા પર જ નેકલેસ છુટ્ટો ફેંકાય એવી ૧૦૦ % પોસીબીલીટી છે.હવે તમે જ કહો હું મો પર પાટા- પીંડી સાથે કેટલો ભયંકર લાગીશ!!! લગભગ તમારા જેવી જ દેખાય છે એ ,સો પ્લીઝ ,વિલ યુ હેલ્પ મી ?' સ્મિત મઢેલા ચહેરે આજીજીના ભાવ સાથે કહેવાયેલી આપવીતી સ્પર્શી હોય કે પછી નોકરીના ભાગરૂપે શમિતા આગળ વધી ને નેકલેસ ગળામાં પહેર્યો ને અરીસાથી ઉંધી દિશામાં ફરી ગઈ .પણ બીજો એક જીવતો અરીસો ઉભો હતો એની સામે ત્યાંથી એ કેમ છટકે ! અજાણ્યા યુવાને ઘણી બધી જવેલરી ટ્રાય કરાવી દરવખતે તે શામીતાનો પર અભિપ્રાય પૂછતો .આખરે તેણે થોડી જ્વેલરી સિલેક્ટ કરી .શમિતાને થેંક્યું કહી ,કાઉન્ટર પર બીલ ચૂકવીને તે નીકળી ગયો .મોલની એક્ઝીટ સુધી શમિતાની નજર એની પાછળ દોરવાઈ .એક હળવા નિસાસા સાથે તે પોતાને કામે વળગી .

છઠ્ઠા ધોરણમાં ભણતી શમિતા આજે શાળાએ પહોચવામાં થોડી મોડી હતી.હેડ માસ્તરે ઓફિસમાં બોલાવી છે.ટેબલને બીજે છેડે બેસેલા હેડમાસ્તર ઉઠીને શમિતાની સાવ નજીક પહોચ્યા અને એમનો હાથ ખભાથી સરકીને ક્યારે છાતી સુધી પહોચ્યો ....ક્યારે શમિતા એમને ધક્કો મારીને ઓફિસમાંથી ભાગી નીકળી ...વરસો પહેલા થયેલો એ અણગમતો સ્પર્શ યાદ આવતા જ શમિતાનું મો જાણે કડવાસથી ઉભરાઈ ગયું.વાસનાથી ખદબદતા બદદાનત પુરુષો અવાર નવાર શમિતાના મનમાં પુરુષો માટેના અણગમાને ઘેરો બનાવવામાં નિમિત્ત બનતા ગયા,દારૂડિયો રીક્ષાવાળો,લંપટ મેનેજર, બદદાનત પિત્રાઈ ..કેમ જાણે શમિતા એક દુર્ઘટના ભૂલે ત્યાં બીજો ઘા આવી જ પડ્યો હોય.શમિતાના મનમાં આવા પ્રસંગોથી પુરુષો માટે એક જાતનો દુર્ભાવ આવી ગયો હતો ..પુરુષના સ્પર્શની કલ્પના માત્રથી એને ઉબકા આવતા હવે એની દુનિયા જ સાવ અલગ હતી .ના તો એ સ્ત્રી તરીકેની ઓળખ છતી થાય એવા વસ્ત્રો પહેરતી કે ના તો અલંકારો ધારણ કરતી.

એવું પણ નહોતું કે તે દરેક પુરુષ માટે એ જ અણગમાથી વર્તન કરતી .પરંતુ કોઈ લાગણીભીના સબંધને હજુ શમિતાના જીવનમાં સ્થાન નહોતું મળ્યું.પણ એ અભેદ્ય કિલ્લામાં જાણે ગાબડું પડ્યું . શમિતાને વાંકડિયા વાળવાળા યુવાનની અજાણી પ્રેમિકા માટે ઈર્ષાના ભાવ ઉગી નીકળ્યા તેણે આખી રાત પોતાની જાત સાથે ઝઘડવામાં જ વિતાવી.ઘડીકમાં તેને સોળ શણગાર સજેલી શમિતા દેખાતી તો ઘડીકમાં પેલા અજાણ્યા યુવાને ખરીદેલી જ્વેલરી પોતે પહેર્યા હોય એવી કલ્પના ગમવા લાગતી.વિચારોની સંતાકુકડીમાં સવાર પડી ગઈ. આખરે નોકરી પર તો જવાનું જ હતું.કમને તૈયાર થઈને શમિતા નોકરી પર પહોચી.

પહેલીવાર જ્વેલરી ડિસ્પ્લે કરતી વખતે શમિતા બબડતી નહોતી .એક એક દાગીનો ગોઠવાતા પહેલા વહાલથી પંપાળતી હોય એમ હળવું સ્પર્શીને ગોઠવતી.ગઈકાલે આવેલા અજાણ્યા યુવાને જેટલા દાગીના જોયા હતા એ દરેકમાં જાણે કૈંક શોધતી હોય એમ ફેરવી ફેરવીને જોયા.વારે ઘડીએ નજર અનાયાસ મોલના પ્રવેશદ્વાર સુધી ફરીને મૌન નિસાસાના સંગાથે પાછી ફરતી રહી.સમય કપાતો નહોતો બપોર થતા સુધીમાં તો શમિતા કંટાળી ગઈ.પોતાના મેનેજરની પરમીસન લઈને તેને અર્ધા દિવસની રાજા લઇ લીધી.રાજા તો લીધી પણ જવું ક્યાં બાજુના જ મોલમાં કામ કરતી ને તેની એકમાત્ર સહેલી માયા પાસે જવાનું ઠીક લાગ્યું .પણ આ શું? હજુ તો એ પોતાની જગ્યા છોડે એ પહેલા જ તેની નજર પેલા અજાણ્યા યુવાન પર પડી.એક ક્ષણ તો એને લાગ્યું કે આ મને જ મળવા આવે છે ..પણ ના ..તે એકલો નહોતો ..સમિતા જેટલી જ વયની દેખાતી એક યુવતી તેની સાથે હતી.બને હસતા હસતા મોલમાં પ્રવેશી ગયા.સમિતા મો ફેરવીને વોશ-રુમ તરફ દોડી ગઈ .

મહામહેનતે પોતાની જાતને સંભાળીને શમિતા પોઅતની જગ્યાએ પાછી આવી ત્યારે ત્યાં ગમતો કે અણગમતો એકેય ચહેરો જોવા મળ્યો નહિ .

બાકીનો દિવસ રોજીંદી પ્રવૃતિમાં ગાળીને શમિતા ઘરે પહોચી .આ રાત તો વધુ બિહામણી લાગી ..ગમતા ચહેરા સાથે અણગમતા ચહેરાને જોવો,પોતાની જાતને આશ્વાસન આપતી શમિતા આખરે ભાંગી પડી..અશ્રુનો એક માત્ર સાથ શમિતાને પોતીકો લાગતો.

અવાર નવાર કલ્પનામાં દેખાતો યુવાન સાચે જ દેખાતો ત્યારે તેની મૂંઝવણ વધી જતી .હવે તો તે ઘણીવાર જોવા મળતો .ક્યારેક એકલો ક્યારેક પેલી યુવતી સાથે ..તેને વિચાર્યું પણ ખરું કે હું માયાને બધી વાત કરું ..પણ શું વાત કરું ? કે મને એક અજાણ્યા યુવાનનું આકર્ષણ થયું છે ? ને એ પણ કોઈકની સાથે પહેલેથી જ સબંધમાં હોય એવા યુવાનનું ?બપોરે જમવામાં ભેગા થતા ત્યારે એક બે વાર માયાએ પૂછ્યું પણ ખરું .

સવાર તો રોજ નવી આવતી પણ એ જ જુના ખાલીપાને સાથી બનાવીને શમિતા નોકરી પર પહોચતી

એક સવાર થોડી જુદી ઉગી .પોતાના કાઉન્ટર પર પહોચીને તેણે જોયું કે એક ગીફ્ટ બોક્ષ, એક ફ્લાવર બુકે અને એક કાર્ડ તેની રાહ જોઈ રહ્યા હતા. કાર્ડ ખોલ્યું .

તારા થકી,

તારા સુધી

તને જ પામવા

ઈચ્છતો

તારો

જ ......

...........

......શ્યામ

કાર્ડમાં લખાયેલી લાગણી અને ગીફ્ટ બોક્ષમાં રહેલા દાગીનાનો સરવાળો શમિતાને સમજાયો.

અચાનક હસતો ચહેરે શ્યામ એની સામે આવીને ઉભો ..

એની સાથે હતી એની સખી માયા અને તે દિવસે જોયેલી અજાણી યુવતી .

'આ મારી બહેન છે જુહી ને માયા ને તું ઓળખે જ છે..અને કદાચ હું પણ હવે અજાણ્યો નથી ખરું ને ?!!!!!!'

શ્યામ બોલી રહ્યો હતો ને શમિતા હકારમાં માથું હલાવી રહી શમિતા ઓળખે છે શ્યામને ,..,લાગણી માટેના અણગમાની કાંચળી તેણે ઉતારીને ફેંકી દીધી છે .