‘આખો દિવસ બસ.. ફેસબૂક, વૉટ્સએપ.. ! ઈન્ટરનેટ સિવાય કંઈ સૂઝતું નથી આ છોકરીને ?’ હું ખિજાયો.
અચાનક આવી પડેલા મારા ગુસ્સા ને કારણે શીતલ જરા ઝંખવાઈ ગઈ ને પોતાના રૂમ તરફ ચાલી ગઈ. શીતલની મમ્મીએ વળી તેનું ઉપરાણું લીધું, ‘હવે આવડી મોટી દીકરીને તે કંઈ આમ ખીજાવાતું હશે ?’
હું તેની વાતમાં ધ્યાન આપ્યા વગર જ ટીવી જોવા લાગ્યો. કંઈક બ્રેકિંગ ન્યુઝ આવતા મેં એને શાંત રહેવા ઈશારો કર્યો. બ્રેકિંગન્યુઝ હતા: આંદામાન-નિકોબારમાં મુસાફરોને સહેલગાહે લઈને જઈ રહેલી એક હોડી ડૂબી જતા ૪૦ ના મોત !
-ધ્રાસકો તો એવો પડ્યો કે.. થોડીવાર કંઈ બોલી ન શકાયું. મેં શીતલની મમ્મીને ધીમેથી પૂછ્યું, ‘મોટાભાઈની દીકરી ને જમાઈ ક્યાં ફરવા ગયા છે ?’
‘કેમ પૂછો છો ? તમે જ બૂકિંગ કરાવી આપ્યું હતું, ત્રણ દિવસ પહેલા વંદના અને ગૌરવકુમારનો મોટાભાઈ પર ફોન પણ આવી ગયો, એ બેઉ પહોચી પણ ગયા છે, આંદામાન-નિકોબાર !’ શીતલની મમ્મી બધું કામ પડતું મૂકીને ખુરશી પર બેસી પડી, સમાચાર બીજી વાર જોયા પછી કહે, ‘મને બહુ ચિંતા થાય છે, મોટાભાઈને બોલાવું ? એ જ ફોન કરી ને ખબર જાણી લે એટલે નિરાંત.’
‘ના ના, એમ ઉતાવળા ન થવાય. જરા સમાચારની વધુ વિગતો આવે એની રાહ જોઈએ. હજારો પ્રવાસીઓ હોય, અહિથી પણ હનીમૂન કપલને લઈને એક આખી બસ ગઈ છે. નકામી ચિંતા ન કરાય.’ -મેં કહ્યું તો ખરું પણ ડર તો મારા મનમાં પણ ફરી વળેલો.
નજર અને કાન ફરી ટીવી સાથે જડાઈ ગયા.ઝબુક ઝબુક થતી બ્રેકિંગ ન્યુઝ લાઈન અપડેટ થયા કરે છે. હવે લખ્યું છે, ‘આંદામાન-નિકોબારના હનીમૂન પોઈંટ તરફ જતી હોડી અકસ્માતે ઊંધી વળી જતા ૪૬ ના મોત અને ૬૪ લાપતા.’
ખુરશી પર બેઠા બેઠા મારા પગ ધ્રૂજી રહ્યા હતા. શીતલની મમ્મીના ચહેરા પર પણ અકળામણ નીતરવા લાગી. દીકરી-જમાઈની ચિંતા વધતી ચાલી. હજુ ગયા અઠવાડિયે જ લગ્ન હતા. દૂરના ટાપુ તરફ ફરવા જવાના ગૌરવકુમારના વિચારને મેં જ અનુમોદન આપેલું અને મોટાભાઈને પણ સમજાવેલા. ને હવે અત્યારે આ ..... ......શું કરવું ? શું થશે ?....... પરેશાનીનો પર્વત પથરાતો જાય છે, પણ કંઈ સૂઝતું નથી.
ઘડીભર વિચાર આવે કે મોટાભાઈ-ભાભીને બોલાવીને વાત કરીએ, પણ ફરી એમ થાય કે અચાનક આવા સમાચાર આપવા એ કેવું લાગે ? વંદના અને ગૌરવકુમાર સલામત જ હોય ને આપણે આવું વિચારીએ એ પણ કેવું ?
એક સીધો ને સરળ રસ્તો છે, વંદનાને ફોન લગાવવાનો,... હા, બિલકુલ એ જ સાચો ઉપાય છે. મેં ફોન લગાવ્યો, કેસેટ વાગી; 'ડાયલ કિયા ગયા મોબાઈલ સ્વીચઑફ હૈ.'.... હવે ? ગૌરવકુમારનો નંબર તો મોટાભાઈ પાસેથી જ માંગવો પડે !
બ્રેકિંગન્યુઝફ્લેશ : 'આંદામાન-નિકોબાર દ્વીપસમૂહના એક હનીમૂન પોઈંટ તરફ જતી હોડીના અકસ્માતમાં ૪૮ મૃતદેહો મળી આવેલ છે, અન્ય મુસાફરોની શોધ અને બચાવકાર્ય ચાલુ છે. હોડીમાં ૧૦૦ થી વધુ યાત્રીઓ ગુજરાતના હતા !'
માય ગ્ગોડ ! મરનારાઓની સંખ્યા તો ઝડપથી વધી રહી છે ! ને આ હોડી તો ગુજરાતીઓથી જ ભરેલી હતી કે શું ? શીતલની મમ્મી ડઘાઈ જ ગઈ. એના ચહેરા પર વધુ પરસેવો નીતરવા લાગ્યો. હું અવાચક અને મુંઝાયેલો બેસી રહ્યો. વંદનાનો ફોન હજુ પણ બંધ જ આવતો હતો એટલે આશંકા વધુ ઘેરાતી જતી હતી. મને એક રસ્તો સૂઝ્યો.શીતલની મમ્મીને જણાવ્યો, ‘એમ કર, ભાભીને તું ફોન કર. સહેજ અલક-મલકની વાતો કરાવીને હળવેથી ગૌરવકુમારનો નંબર લઈ લે. કહેવું કે બસ, અમસ્તા જ યાદ આવ્યા તો વાત કરવાનું મન થયું.
તેણે વાતનો તરત જ અમલ કર્યો, ભાભીને ફોન કર્યો ને સૌના ખબર પૂછ્યા. ભાભીએ જણાવ્યું કે વંદના અને ગૌરવકુમાર આંદામાન-નિકોબાર ત્રણ દિવસ પહેલા પહોચી ગયા છે, છેલ્લે ગઈ કાલે વાત થઈ હતી, આજે તો તેઓ સાઈટસીઈંગ માટે જવાના હતા, અને તેમની સાથે બીજાં પણ કેટલાંય ગુજરાતી કપલ ગયા છે.
શીતલની મમ્મી્નો અવાજ પણ જરા કાંપે છે, એટલે ઝડપથી ફોન પૂરો કરતા એણે જમાઈનો નંબર માગી લીધો, ને મેં હળવેથી એક કાગળ પર ટપકાવી લીધો. સારું થયું કે ભાઈ-ભાભીને ટી.વી. પર આવી રહેલા અકસ્માત-સમાચાર વિશે હજુ સુધી કંઈ જ ખબર નહોતી પડી. નહિતર એમને સંભાળવા મુશ્કેલ પડી જાય, જ્યારે ચોક્કસ કશું નક્કી કહી શકાય એમ ન હોય એવી સ્થિતિમાં!
વિલંબ કર્યા વગર મેં ગૌરવકુમારનો નંબર ડાયલ કર્યો. પણ ફરી એ જ નિરાશા, "ડાયલ કિયા હુઆ મોબાઈલ ફોન સ્વીચ્ડઑફ હૈ !" હવે અમારી અકળામણોનો પાર નહોતો. ભારે કશ્મકશ..
ન્યુઝ અપડેટ થતા રહે છે; ‘આજે વહેલી સવારે, આંદામાન-નિકોબાર ટાપુ પરના એક હનીમૂનપોઈંટ તરફ ગુજરાતી કપલની હનીમૂન ટૂરના ૧૦૦ જેટલાં મુસાફરો ને સહેલગાહે લઈ જઈ રહેલી એક હોડી ઊંધી વળી જતા ૬૦થી વધુ લોકોના મોત થયા છે,મૃતદેહોને બહાર કાઢવા માટે લશ્કરની ટૂકડી બચાવકાર્ય કરે છે.’
‘કહું છું...’ શીતલની મમ્મી ધીમે અવાજે બોલે છે, ‘મરનારનાં નામ નીચે લખાઈ ને આવે છે ? જરા જુઓ ને ?’
ઓળખાયેલાં કેટલાંક મૃતકોનાં નામ સ્ક્રોલબારમાં આવવા લાગ્યાં છે. ઝડપથી સરકી રહેલાં અને એક પછી એક ઉમેરાઈ રહેલાં નામો ધડકતે હૈયે હું ધ્યાનથી વાંચવા માંડું છું. ક્યાંય વંદના કે ગૌરવનું નામ નથી જણાતું. હું જરા ધરપત અનુભવું છું, શીતલની મમ્મી પણ સહેજ શાંત થાય છે.
અમારા ઉશ્કેરાટને પામીને પોતાના રૂમમાંથી શીતલ પણ હવે આવી ગઈ, ‘શું થયું પપ્પા ? શાની ચિંતામાં આમ ?’
‘શસ્સ્સ્સ..’ એની મમ્મી શંતિ રાખવા કહે છે, ‘આમ ટી.વી.માં જો..’
‘ઓ.. મમ્મી ?’ સમાચાર જોતા જ શીતલ ચીસ પાડી ઊઠે છે.
ટી.વી. પર અપડેટ :...‘આજે સવારે થયેલા આંદામાન-નિકોબારના હોડી અકસ્માતમાં ૬૮ લોકોનાં મોત થયા છે જેમાં ૬૦થી વધુ મૃતકો ગુજરાતના હોવાનું જાણવા મળ્યું છે.’
ન્યુઝ રીપોર્ટર હવે કેટલાક ઝાંખાં દૃશ્યો પણ બતાવે છે.બચી ગયેલા કપલની આંખે જોવાયેલો હૃદયદ્રાવક અહેવાલ પણ રજૂ થાય છે. એ કપલની આંખોમાં પણ ડર છવાયેલો હતો. કેટલાક ડેડબૉડી સહેજ દૂરથી દેખાય છે, એક ડેડબૉડી પર તો કંઈક આઈ-કાર્ડ જેવું પણ ફરફરતું દેખાયું, પણ એ બધું જ સાવ ધુંધળું, કશુંય સ્પષ્ટ નહિ.
સ્ક્રોલબારમાં મરનારાઓની વિગતો માટે એક હેલ્પલાઈન નંબર પણ અપાય છે, હું એ નંબર ડાયલ કરું છું તો એ નંબર પણ સતત બીઝી આવે છે.
અમારી સાથે હવે શીતલ પણ ભીની આંખે બધું જોઈ રહી. શું કરવું એની કોઈને કંઈ જ ખબર પડતી નહોતી. ત્યારે શીતલે ફરી પોતાનો મોબાઈલ હાથમાં લીધો એટલે હું ગુસ્સે થયો, ‘વળી પાછો ફોન લીધો ? અત્યારે વૉટ્સએપ-ફેસબૂક કરવામાં રસ છે તને ?’
‘પપ્પા, વંદનાદીદી તો વૉટસએપ નથી કરતી, ગૌરવકુમારનો નંબર હોય તો મને જલ્દી આપો... પ્લીઝ પપ્પા પ્લીઝ.’ મને સમજાયું નહિ કે તે શું કરવા માગતી હશે. તેની મમ્મીએ તેને ગૌરવકુમારનો નંબર લખેલો પેલો કાગળ ધર્યો. શીતલે એ નંબર પોતાના મોબાઈલમાં સેવ કરી ને વોટ્સએપ સાથે સિંક્રોનાઈઝ કરી વૉટ્સએપ ચાલુ કર્યું.
‘પપ્પા, અકસ્માત ક્યારે થયો ?’
‘આજે.. સવારે.. ! કેમ ?’ મને જરા જરા વાત સમજાતી લાગી.
-ને બીજી મિનિટે શીતલ જરા આનંદથી નાચી ઊઠી, ‘દીદી ઍન્ડ જીજુ આર સેઇફ, યાહ... ! થેન્ક ગૉડ.. ચિંતા ન કર મમ્મી, એ બેઉ સલામત જ છે, મને ખાતરી છે પપ્પા, તમે ચિંતા ન કરો, હવે થોડી જ વારમાં એ લોકોનો ફોન આપણા પર આવી જશે !’
મને ગમ્યું, એની મમ્મી પૂછે છે, ‘તું ખાતરીથી આ કેવી રીતે કહી શકે ?’
શીતલ કહે, ‘જો મમ્મી, વૉટસએપ પર જીજુનો નંબર આવતાં જ મેં જોયું કે એમનું ‘લાસ્ટ સીન’ સ્ટેટસ ૩૫ મિનિટ પહેલાનું જ છે, એટલે કે ૩૫ મિનિટ પહેલા એમણે કોઈ ને કોઈ સાથે કંઈ ને કંઈ શૅર કરેલું જ છે, જ્યારે આ અકસ્માત તો સવારે થયેલો છે, મતલબ કે એ લોકો બિલકુલ સેઇફ છે, ખરું ને ?? મેં મેસેજ મૂક્યો છે, હમણાં જ એમનો રીપ્લાય આવશે.’
‘વેલડન શીતલ, તેં ખરેખર અમારું ટેન્શન હળવું કરી નાંખ્યું. હવે ભાઈ-ભાભીને બોલાવીને વાત કરવી હોય તો વાંધો નહિ.’ હું પણ સ્વસ્થ થતાં બોલું છું. શીતલની મમ્મીએ તેનો વાંસો થાબડ્યો અને સાડીના છેડાથી આંસુ લૂછ્યા.
બે-પાંચ મિનિટો બાદ જ વંદનાનો ફોન પણ આવ્યો, ‘ચિંતા નહિ કરતા કાકા, અમને કશું જ થયું નથી, જે હોડી તેની ત્રીજી ટ્રીપમાં ઊંધી વળી તેની પહેલી ટ્રીપમાં અમે સલામત અહિ પહોચી ગયા છીયે. નૅટવર્ક અને બૅટરી-લૉ હોવાના કારણે અહિ ફોનથી સતત સંપર્કમાં રહી શકાતું નથી. મારા મમ્મી-પપ્પાને પણ અમારી ચિંતા ન કરવાનું કહી દેશો, હું પછી નિરાંતે ફોન કરું છું.’
પછી શીતલ વાત કરવા માટે ફોન લઈ પોતાના રૂમમાં ચાલી જાય છે, તેની મમ્મી પણ સ્વસ્થ થઈને કામે વળગે છે.
તો પણ, ટીવી પર હજુ પણ 'બ્રેકિંગ' ન્યુઝ ચાલુ જ છે; ‘આંદામાન-નિકોબાર ટાપુના એક હનીમૂન પોઈંટ તરફ ગુજરાતી પ્રવાસીઓને લઈ ને જઈ રહેલી એક હોડી ઊંધી વળતા ૬૮ લોકોના મૃત્યુ થયા છે, ને વધુ મૃતદેહોની શોધખોળ થઈ રહી છે.’
અડસઠે પહોંચેલો મૃત્યુઆંક પણ હવે મને ડરાવી ન શક્યો ! થોડીવાર પહેલા ભયાનક લાગી રહેલા એ બ્રે-કીં-ગ-ન્યુ-ઝ હવે એકદમ હળવાફૂલ કેમ લાગવા માંડ્યા હશે એની મને સમજ પડી નહિ.
ફરી મૃતદેહોની ક્લિપ પણ ટીવી પર પ્રસારિત થાય છે, હનીમૂનના સપનાં આંજેલી કેટલીયે આંખોને દરિયાએ પોતાના ખારા પાણીથી કદી ન ખૂલી શકે એમ ધરબી દીધી હતી. પેલું બચી ગયેલું કપલ પોતાની રામકહાણી ફરી કહી રહ્યું છે, પોતે કેવી રીતે બચી ગયાં, ને એ આખોય ચમત્કાર કેમ થયો એ વાત હર્ષાશ્રુ સાથે એ લોકો ઉછળી ઊછળીને ન્યુઝ રીપોર્ટરને કહે છે.
શીતલની મમ્મી રસોડામાથી જ મને કહે છે, ‘સારું થયું શીતલની હોંશિયારી કામ લાગી અને ગૌરવકુમારે પણ વૉટસએપ કર્યું તો એક મોટી ચિંતામાથી ઉગરી ગયા, નહિતર તમે તો.. !’
મેં ટી.વી. બંધ કરવા માટે રીમોટ હાથમાં લીધું. થોડીવાર પહેલા ભયાનક લાગી રહેલા એ ભાંગી નાખનારા સમાચાર હવે એકદમ હળવાફૂલ કેમ લાગવા માંડ્યા એની મને સમજ પડી રહી છે. હજુ પણ સમાચાર તો એટલા જ ગંભીર હતા. એ જ લાશોના ખડકલા વારંવાર સ્ક્રીન પર આવી રહ્યાં છે.
ટીવી બંધ કરતા પહેલા મને એક જ સવાલ થયો, આપણા તો દીકરી-જમાઈ બચી ગયા, પણ કોઈકના તો.... ?
મેં શીતલની મમ્મીને પ્રશ્ન કર્યો, ‘તારી વાત સાચી છે, સારું થયું ગૌરવકુમારે સ્ટેટસ અપડેટ કર્યુ, પણ.. પણ એ લોકોનું શું કે જેના સ્ટેટસ હવે ફરી ક્યારેય અપડેટ થઈ શકવાના નથી ??’
..................................................................................
-અજય ઓઝા, ભાવનગર. મો-૦૯૮૨૫૨૫૨૮૧૧