મેન્ટલ હોસ્પિટલ Mansi Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મેન્ટલ હોસ્પિટલ

મેન્ટલ હોસ્પિટલ

31st ની રાતે હું, મેહુલભાઈ, પ્રિતેશ અને ભાવિક, અમે બધાં હર્ષલભાઈના ઘરે મળ્યા હતા. બહુ જ બધી મસ્તી અને ધમાલ પછી હું રાત્રે ઘરે આવી હતી. 31st જેવું કંઈ ઉજવ્યું જ નહોતું. હું રાતે ફોન બંધ કરીને સુઈ ગઈ.

રોજ જેવી જ સવાર. વર્ષનો પહેલો દિવસ. વોટ્સએપ, ફેસબુકના થોડા "Happy New year"ના મેસેજ..!

હું ઉઠીને મારા રોજિંદા કામમાં લાગી ગઈ, પણ એ દિવસ રોજ જેવો નહોતો. એ દિવસે મારી મેન્ટલ હોસ્પિટલમાં પોસ્ટિંગ હતી. મેન્ટલ હોસ્પિટલનો પહેલો દિવસ..! મને પોતાને સાયકોલોજીમાં વધારે રસ છે. એટલે હું ખુશ હતી ત્યાં જવા માટે. તૈયાર થઈને હું કોલેજ પહોંચી ગઈ. બધા એકબીજાને happy new year કહી રહ્યા હતા. કદાચ બધા જ મારી જેમ ઉત્સાહિત હતા. કંઇક નવો જ અનુભવ માણવા માટે.

‌દિલ્હી દરવાજા મેન્ટલ હોસ્પિટલમાં અમે પહોંચ્યા. ખૂબ જ સુંદર બગીચો અને બહુ જ મસ્ત વાતાવરણ , કોઈ કહી જ ના શકે એ આ હોસ્પિટલ છે. પહેલા અમને અમારું ડ્યૂટી લિસ્ટ આપ્યું. હંમેશાની જેમ હું, દક્ષા, સંકલ્પ અને ક્રિષ્ના અમે ચાર સાથે જ હતા.અમે ચાર એક ગ્રૂપમાં તો નથી, પણ ડ્યૂટી પાર્ટનર તો ખરા જ ......!

જો હું મારા જીવનમાંથી આ ત્રણ નમુનાઓને કાઢી નાખું તો જીવન સાવ ઝાંખું થઈ જાય. મારા જીવનના ચિત્રમાં જે રંગ છે એ આ ત્રણ થકી જ છે. અમે ચાર બધી જગ્યા એ પહેલા કૅન્ટિંન જ શોધીએ.સવારમાં 100 રૂપિયા નો નાસ્તો કરીએ અને લંચમાં ટિફિન તો અલગ જ......! કોઈ પણ વાત મજાકમાં ઉડાઈ દેવું એ બધું મેં આ ત્રણેય પાસેથી જ શીખ્યું હતું.

‌અમે ચાર એ દિવસે ઓકયુપેશનલ થેરાપી (OT) યુનિટમાં હતાં. ત્યાંના સ્ટાફ સાથે થોડી વાત કરીને અમે એક રૂમમાં બેઠા. કેમકે હજુ કોઈ દર્દી આવ્યા નહોતા. એ ત્રણ વાતો કરી રહ્યા હતા અને હું પ્રવીણભાઈ પીઠડીયાની "નો રિટર્ન" નોવેલ વાંચી રહી હતી.મને જ્યારે પણ ફ્રી સમય મળે ત્યારે હું વાંચતી જ હોઉં.

‌અચાનક જ ત્યાં એક બહેન આવ્યા ને એ કંઈક ગાઈ રહ્યા હતા.અમને જોઈને એ અમારા રૂમમાં આવ્યા જીન્સ, ટી-શર્ટ, હાથમાં રુદ્રાક્ષનું બ્રેસલેટ, ગળામાં પણ રુદ્રાક્ષ, કાળા વાળમાં બે ત્રણ લટો સોનેરી કલરની.. એમને જોઈને કંઈ સમજમાં નહોતું આવી રહ્યું કે આ કોણ હશે..! પેલા ત્રણેયે રોકસ્ટાર જેવું અનુમાન લગાવ્યું હતું..! પણ હું તો મારી બૂકને વધારે માન આપી રહી હતી.

‌એ બહેને ક્રિષ્નાને થોડા સવાલ કર્યા.

‌જેમકે, તમે અહીં શું કરો છો ? તમે કોણ છો ? માનસિક આરોગ્ય એટલે શું ?

જેના પરથી અમે ચારે એવું અનુમાન લગાવ્યું કે આ બહેન અહીં નોકરી કરતા હશે અને કોઈક સારી પોસ્ટ પર હશે.

‌પછી એ મારી પાસે આવ્યા અને મારી સાથે વાત કરવાનું શરૂ કર્યું.

‌"હું કોરિયોગ્રાફર છું." એવું એમણે કહ્યું.

‌મેં એમનામાં જરાય રસ લીધા વિના બૂકમાંથી મોઢું કાઢીને "હમમ" કહ્યું..!

‌જ્યારે મારે વાત ના કરવી હોય ત્યારે મારી પાસે બધા સવાલનો એક જ જવાબ હોય, " હમમ..!"

‌પણ પેલા બહેને હાર તો ના જ માની..!

‌એમણે અમને વળતો સવાલ કર્યો, "તમે ભવ્ય ગાંધીને ઓળખો છો? દયા ભાભીવાળી સીરિયલમાં આવે છે?"

‌અમે બધાંએ હા કહ્યું.

‌"એ મારો ફ્રેન્ડ છે" એણે મને કહ્યું હતું કે તું ઓડિશન આપ અને તું સિલેક્ટ પણ થઈ જઈશ.

‌એવું એ એક શ્વાસે બોલી ગયા..!

‌અને અમે બધા આશ્ચર્ય સાથે એમને જોઈ રહ્યા.

‌મેં પણ છેવટે હાર માનીને બુક બંધ કરી દીધી કે આ મને નહીં જ વાંચવા દે..!

‌થોડી વાતો સાંભળ્યા પછી એ બહેને કહ્યું કે તેઓ અહીંના દર્દી છે..! ‌ત્યારે અમારા ચારના ચેહરા જોવા જેવા હતા...!

‌એ પછી થોડી વાતો એમણે કરી.. કે અઘોરા મોલ એમનો જ છે...!

‌ઘણા સેલિબ્રિટી એમના ફ્રેન્ડ છે‌અને પછી એ જતા રહ્યા.‌એમના ગયા પછી અમે ચાર પોતાની જાત પર હસી રહ્યા હતા. કોઈક વર્ષના પેહલા દિવસે જ એપ્રિલફુલ બનાવીને જતું રહ્યું હોય એવું લાગી રહ્યું હતું પણ આ નવા જ અનુભવમાં બહુ જ મજા આવી રહી હતી.પહેલો જ અનુભવ આવો જોરદાર રહ્યો એમ વિચારી અમે હસી રહ્યા હતા અને મેં બુક વાંચવાનું ફરી શરૂ કર્યું.

‌થોડી વારમાં દર્દીઓ આવી ગયા. એમણે એક જેવા જ કપડાં પહેર્યા હતા. એક ભાઈએ એમને યોગ, આસન અને પ્રાર્થના કરાવી. અમે એમને ધ્યાનથી નિહાળી રહ્યા હતા. તેઓ બધાં થોડા અલગ તો હતાં જ પણ પાગલ કહી શકાય એવા તો નહીં જ. જાણે નાના બાળકો સાથે કામ કરતા હોઈએ એવું લાગે પણ જેવા પાગલખાના અમે ફિલ્મ અને અમારા વિચારોમાં નક્કી કર્યા હતા તેનાથી તો આ લોકો એકદમ અલગ જ હતા. અમે તેમની સાથે કેરમ, ચેસ, ક્રિકેટ જેવી રમતો રમ્યા.

ત્યાં લાયબ્રેરી પણ હતી. તેઓ બુક પણ વાંચી રહ્યા હતા. કેટલાક વાંચી રહ્યાં હતાં. જ્યારે કેટલાક ખાલી ચિત્રો જોઈ રહ્યા હતા. ત્યારબાદ એ બધાને એક સાથે બેસાડવામાં આવ્યા. છાપું વાંચવા માટે. છાપું વાંચ્યા બાદ એક ભાઈ સિસ્ટર સાથે વાત કરી રહ્યા હતા.એમને જોઈને લાગી રહ્યું હતું કે તેઓની સારવાર પુરી થઈ ગઈ હશે.

તેઓએ સિસ્ટરને કહ્યું, "સિસ્ટર શું હું ઘરે જઈ શકું ? મારે ઘરે જવું છે. મારે નોકરી કરવી છે. "

‌સિસ્ટરે એમને કહ્યું , "તમારા ઘરનું સરનામું અહીં નથી. અમે તમને એમ ક્યાં મોકલીએ ? તમને કંઈ થઈ જાય તો એની જવાબદારી તો અમારા ઉપર જ આવેને ? "

‌એ ભાઈ ચૂપ થઈ ગયા.

‌સિસ્ટરે એમને જોઈને કહ્યું

"તમારી જવાબદારી લેવાવાળું કોઈ હોય તો અમે તમને જવા દઈએ અને તમે સરનામું આપો ઘરનું"

‌એ ભાઈ કંઇક વિચારમાં પડી ગયા. ‌કદાચ એવું કોઈ હશે જ નહીં જે એમનું હોય અથવા એમનું ઘર જ નહીં હોય. ‌શરૂઆતમાં અમે ચાર હસી રહ્યા હતા.અમને આ બધું નવું લાગી રહ્યું હતું પણ હવે અમે ગંભીર હતા.

‌સિસ્ટરે ફરી પૂછ્યું "ક્યાં છે તમારું ઘર ? "

‌તેમનામાંથી બીજા એક ભાઈ બોલ્યાં, " 'ફૂટપાથ'

‌અહીં આવ્યા એ પેહલા અમે ત્યાં જ રહેતા હતા ને..! અમે તો ફૂટપાથીયા છીએ" કહી તેઓ હસી રહ્યા હતા અને એમની વાત સાંભળી બીજા દર્દીઓ પણ હસ્યાં.

‌અમે ચાર વિચારોમાં ખોવાઈ ગયા.

મને કંઇક ઠીક નહોતું લાગી રહ્યું. બધાની એ જ હાલત હતી.અમે સંવેદનશીલ થઈ રહ્યા હતા એ દર્દીઓ પ્રત્યે.‌

હું વિચારી રહી હતી ‌કે સાચુંમાં આ દર્દીઓનું ઘર નહીં હોય ? ‌એમનું પોતાનું કહી શકાય એવું કોઈ નહીં હોય ? ‌આ બધા અનાથ થોડા હોય ? ‌આ બધા ફૂટપાથ પર કઈ રીતે રહેતા હશે ?

હું આ બધામાં ખોવાઈ જ ગઈ. અમે ચાર ચૂપ હોઈએ એવું મેં આટલા ત્રણ વર્ષમાં પેહલી વાર જોયું. એ પછી અમને આખી હોસ્પિટલ જોવા લઇ ગયા..

પણ હું હજુ શાંત હતી.પેહલા જ વોર્ડમાં અમને સવારવાળી પેલી છોકરી મળી. એનું નામ શિવાની હતું.અમે બધાએ એની સાથે વાતો કરી અને બીજા વોર્ડમાં ગયા.અમુક દર્દીઓ છુટા ફરી રહ્યા હતા અમુક રૂમ માં હતા.

મેં જેવું વિચાર્યું હતું કે બધાને સાંકળોથી બાંધ્યા હશે ..! એવું તો અહીં ક્યાંય નહોતું.અમે બધાં સાથે તો વાત ના જ કરી શકીએ.ત્યાં અમારાં જુનિયર હતા જેમની પોસ્ટિંગ એક મહિનાથી ત્યાં જ ચાલી રહી હતી.

એક વિદ્યાર્થીને અમે ચારેય એ પકડી અને પૂછ્યું કે આ શિવાની વિશે જણાવ.

અમને જાણવા મળ્યું કે, "એ સાચે જ કોરીઓગ્રાફર છે. એના છૂટાછેડા થઈ ગયા છે. તેને ચાર વર્ષની દીકરી પણ છે. એની દીકરી તેના પતિ સાથે જ રહે છે. એની જ દીકરી એને ઓળખતી નથી. એની સાથે રમતી પણ નથી. એની પાસે પણ નથી આવતી એટલે એ ડિપ્રેશનમાં છે."

હું પાછી વિચારો માં ખોવાઈ ગઈ કે એક મા તરીકે પોતાના જ બાળકથી દુર રહેવું કેટલું અઘરું હશે ? એની જ દીકરી એને નહીં ઓળખતી હોય તો એને કેટલું દુઃખ થતું હશે ?

એની સાથે એટલું બધું તો શું ખોટું થયું હશે કે એ ડિપ્રેશનમાં આવી ગઈ ?

આ બધામાં જ દિવસ પૂરો થઈ ગયો અને અમે ઘરે આવી ગયા.

હોસ્પિટલની વાતો અમે બધા હોસ્પિટલમાં જ મૂકીને ઘરે જઈએ. કેમકે હોસ્પિટલ બહાર અમારું એક અલગ જીવન છે. જ્યાં અમે કંઈક અલગ જ અંદાઝમાં છીએ. પણ એ દિવસે હું આ બધું જ યાદ કરી રહી હતી. કોઈ કામમાં મન નહોતું લાગી રહ્યું. આમ પણ હું એકલી જ રહું છું એટલે વાત કરવા માટે કોઈ હોય જ નહીં. આખી રાત ઊંઘ જ ના આવી.

સવારે હું હોસ્પિટલ જવા માટે જરાય ઉત્સાહમાં નહોતી. કદાચ મારે જવું જ નહોતું. ખબર નહીં કેમ... છતાંય હું હોસ્પિટલ પહોંચી.

અમે OT માં રોજ જેવું અમારું કામ પતાવ્યું. બપોર પછી એ વિભાગ બંધ હતો એટલે સિસ્ટરે અમને બીજા વોર્ડમાં જવા માટે કહ્યું. અમે સ્ત્રીઓના વિભાગમાં ગયા. ક્રિષ્ના અને સંકલ્પ કોઈક કામ માટે બીજા વિભાગમાં જતા રહ્યા. હું અને દક્ષા ત્યાં પાળી પર બેઠા હતા. દક્ષા એટલે એવી વ્યક્તિ જેને હું મારી બધી જ વાતો કહી શકું. અમારા બંનેની હાલત એક જેવી જ હતી. અમે બન્ને ઘરથી દુર અહીં અમદાવાદમાં રહીએ છીએ એટલે અમે એકબીજાને સારી રીતે સમજીએ.

હું મારી બુક વાંચી રહી હતી અને એ કંઇક લખી રહી હતી. મારી બાજુમાં બેસવાની જગ્યા ખાલી હતી. અચાનક જ એક અવાજ આવ્યો "હું અહી બેસું ? "

એક પચીસેક વર્ષ ની છોકરી, ટૂંકા વાળ, અસ્તવ્યસ્ત કપડાં, ચહેરા પર બહુ જ બધુ સ્મિત.. ખબર નહીં કેમ પણ મેં એને હા કહ્યું..! દક્ષા પણ ગભરાઈ ને મારી સામે જોઈ રહી..

અને એ ત્યાં મારી બાજુમાં બેસી ગઈ. બોલતા તો બોલાઈ ગયું. પણ મને ચિંતા હતી કે એ મારી બુક ના લઇ જાય અને સૌથી મહત્વનું તો એ કે મને કંઈક મારી ના દે એટલે મેં ઝડપથી બુક બંધ કરી ને દક્ષા અને મારી વચ્ચે મૂકી દીધી.

એણે અમારું નામ પૂછ્યું. અમે બંને એ અમારા ખોટા નામ કહ્યા. કેમકે અમને અહીં આવતા પહેલા જ સમજાવવામાં આવ્યું હતું કે પોતાની કોઈ જાણકારી દર્દીઓને આપવાની નહીં.

એણે એનો પરિચય આપ્યો કે એનું નામ દિનલ છે. એ વઢવાણની રહેવાસી છે. એને તાવ આવ્યો હતો એટલે અહીં લાવ્યા હતા. એના માતાપિતા નથી અને એ તેની બહેન સાથે રહે છે.

મેં એને પૂછ્યું "તને તારી બહેન મળવા આવે છે ? "

એણે સાવ નાના બાળકની જેમ કહ્યું, "ના. એ પેહલા આવતી હતી પણ પછી એ ક્યારેય નથી આવી. ઘણા સમયથી એનો ફોન પણ નથી આવ્યો."

મેં ફરી સવાલ કર્યો "તો તારે ફોન કરવો જોઈએ ને ?"

એણે હસતાં હસતાં કહ્યું, "એનો નંબર નથી લાગતો.... પેલી આ સિસ્ટર છે ને... એ એવું કે છે કે મારી બહેને ખોટો નંબર આપ્યો છે અને સરનામું પણ ખોટું છે. એ મને અહીં મૂકી ને જતી રહી. પાછી નહીં આવે...પણ મને ખબર છે મારી બહેન આવશે. હે ને?? "

મેં હા કહ્યું. અને એ હસી રહી હતી. જ્યારે મારા ચહેરા પર જરાય હાસ્ય નહોતું. હું બહુ જ બધા દર્દનો અનુભવ કરી રહી હતી. હું કેટલીવાર સુધી ચૂપ જ રહી અને એ ઉભી થઈને દક્ષાની બાજુમાં બેઠી.

એ દક્ષા ને કહી રહી હતી "તમે જીન્સ પહેરતા હશોને ? મારા માટે લેતા આવજો હો."

દક્ષા એ હા કહ્યું. પછી એ અમને બાય કહીને હસતા હસતા જતી રહી.

દક્ષા એ મને કહ્યું" શુ વિચારે છે ?"

મેં દક્ષા સામે જોઈ ને કહ્યું, "શુ સાચુંમાં એની બહેન એને મૂકીને જતી રહી હશે ? એનો ફોન કેમ નથી લાગતો ? એ મળવા કેમ ના આવી ? અને આ છોકરી આટલી ખુશ કઈ રીતે રહી શકે ? "

દક્ષાએ મને કહ્યું " અરે યાર એતો એવું જ હોય. એની બહેન ક્યાં સુધી સાચવે ? એટલે મૂકીને જતી રહી હશે અને આવી જગ્યાએ લોકો ખોટા જ નંબર આપતા હોય અને રોડ પર રખડે એના કરતાં અહીં રહે એ સારું જ છે ને ? "

મને કંઈ સમજાઈ નહોતું રહ્યું. આ બધું સમજ શક્તિની બહારનું હતું. શું આવું પણ હોઈ શકે..??

બે ત્રણ દિવસ અમે એ વોર્ડમાં રહ્યા.

બીજા અઠવાડિયામાં અમારી પોસ્ટિંગ પુરુષ વોર્ડમાં થઈ. અમે વોર્ડમાં અંદર ખાસ જતા નહીં. ત્યાંના સ્ટાફમાં પણ મોટા ભાગે બધા પુરુષ જ હતા.

એ દિવસે હું ક્રિષ્ના અને દક્ષા વોર્ડની બહાર બેઠા બેઠા અમારું કામ કરી રહ્યા હતા. બહાર એક બહેન બેઠા હતા. એમની જોડે બીજો એક નાનો છોકરો અને એક નાની છોકરી પણ હતા. દક્ષા અને ક્રિષ્ના લખવામાં જ વ્યસ્ત હતા. પણ મારું ધ્યાન પેલા બહેન પર હતું. થોડી વાર પછી વોર્ડમાંથી એક છોકરો બહાર આવ્યો.

મેં એને આ પહેલા જોયો નહોતો પણ એ દર્દી જ હતો. એ બહાર આવ્યો તો પેલા બહેન અને એમના બાળકો એ છોકરા સાથે વાત કરવા લાગ્યા.પણ પેલો છોકરો કઇ જ નહોતો બોલી રહ્યો.એ બહેન એના મમ્મી હતા. એ એમના છોકરા માટે નાસ્તો પણ લાવ્યા હતા. પણ પેલો હજુ પણ ચૂપ જ હતો અને અચાનક જ એ રડવા લાગ્યો. કદાચ એને અહીં નહીં ફાવતું હોય. એને એના ભાઈ બહેન અને પરિવાર સાથે રહેવું હશે.

એની સાથે એની મમ્મી અને ભાઈ બહેન પણ રડવા લાગ્યા. ખબર નહી ક્યારે મારી આંખમાંથી પણ આંસુ નીકળવા લાગ્યા..!

ક્રિષ્ના અને દક્ષાએ મને પૂછ્યું કે કેમ રડે છે.? પણ મારી પાસે કોઈ જવાબ નહોતો. શું આપણા ઘરમાં જો કોઈ વ્યક્તિ પાગલ થઈ જાય તો આપણે એને આમ એકલું મૂકી દઈએ? કેમ બધા પોતાના સંબંધો ભૂલીને પોતાના જ નજીકના વ્યક્તિને તરછોડી મુકતા હશે?

મેં આ આખી પોસ્ટિંગમાં જોયું છે કે અહીં રહેતા દરેક દર્દીને આ હોસ્પિટલમાંથી બહાર જવું છે. પણ હું એમ માનું છું કે બહારની દુનિયા એમના માટે યોગ્ય છે જ નહીં. ખામી એમનામાં નથી. ખામી આપણાં આ સમાજમાં છે.

અહીં કેટલી એવી સ્ત્રીઓ છે જેમને એમના પતિ કે સાસરીયાઓ એ મારી છે, સળગાવી છે, ધમકાવી છે. કેટકેટલી પીડા બધાએ સહન કરી હશે. કેટલી ખરાબ પરિસ્થિતિ એમણે સહન કરી હશે.

મારા મતે હોસ્પિટલમાં રહેતી એ દરેક વ્યક્તિ નિખાલસ છે. એમનામાં કોઈ જ ખામી નથી. એ સંપૂર્ણ જ છે. બસ થોડા અલગ છે અને બહુ જ સુંદર છે. એમનામાં કપટ નથી. કોઈના માટે ખરાબ ભાવના કે ઈર્ષ્યા નથી. જે બધાને ખુશી વહેચે છે. તો પછી એમને કેમ તરછોડી દેવાય છે? એમને કેમ પાગલ કહેવા?

આજે આ મેન્ટલ હોસ્પિટલની પોસ્ટિંગ પુરી થઈ ગઈ. પણ હું મારા જીવનની શ્રેષ્ઠ યાદો અહીંથી લઈને જઇ રહી છું જેની મને ખુશી છે.

- માનસી વાઘેલા