Bhutkaal books and stories free download online pdf in Gujarati

ભૂતકાળ - એક ભુલાઈ ગયેલી વાસ્તવિક્તા

સમય : વર્ષ 4021

"મેક્સ ક્યાં છે તું? તારા જમવાનો સમય થઈ ગયો છે." પોતાની પાવર ટેબ્લેટ લેતા મેક્સના મમ્મી બોલ્યા.
"મોમ... આ જો. આ શું વસ્તુ છે?" હાથમાં રહેલ કોઈક ગોળ પદાર્થ બતાવતા મેક્સએ પૂછ્યું.
"મને શું ખબર ? અને તને કેટલી વાર ના કહ્યું છે કે સ્ટોર રૂમની વસ્તુઓ અહીંના લાવીશ. ખબર નહિ તારા દાદા એ બધો જૂનો કચરો કેમ સાચવી રહ્યા છે?" મેક્સ સામે જોતા મેક્સની મમ્મીએ કહ્યું.
"નહિ મોમ. ગ્રાન્ડ પા ની બધી જ વસ્તુઓ બહુ રહસ્યમય હોય છે. અને યુનિક પણ. બિલકુલ મારી જેમ." હસતા મેક્સએ કહ્યું.
"હવે ચુપચાપ તારું ચેકઅપ પતાવ અને જમી લે." આંખો બતાવતા મેક્સના મમ્મીએ કહ્યું.
મેક્સ તરત જ પોતાની ઓક્સિજન ખુરશી પરથી ઉઠીને મશીન સામે બેઠો. મશીનએ મેક્સની આંખો ધબકારા અને બ્લડને સ્કેન કરીને એને 4 પાવર ટેબલેટ આપી. મેક્સ પાછો એની ઓક્સીજન ખુરશી પર બેઠો.
"બસ મેં જમી લીધું મોમ." પાવર ટેબલેટ ખાઈને મેક્સ ઉભો થયો.
"ગુડ બોય. હવે લિટલ ચેમ્પ મારી વાત સાંભળ તારા ડેડ તો લગભગ એક બે અઠવાડિયામાં આવી જ જશે. હું પણ આજે ઓફીસના કામથી બહાર જઇ રહી છું. કદાચ આજે ઘરે ના પણ આવી શકું." મેક્સની સામે ઘૂંટણ પર બેસીને મેક્સની મમ્મી એને સૂચના આપી રહી હતી.
"ચિંતાની શું વાત છે એમાં મોમ. ગ્રાન્ડ પા તો છે જ ને. આમ પણ મને એકલા એમની સાથે રહેવાની આદત થઈ ગઈ છે. મારી ચિંતા ના કરીશ." હસતા મેક્સએ કહ્યું.
"તો પછી ઠીક છે. પણ સમયસર જમી લેજે. અને મેં તારા પ્લાન્ટસને પાણી આપ્યું છે. છતાં જો હું ના આવી શકું ઘરે તો દાદાની મદદ લેજે. નહીં તો ગયા વખતની જેમ તું ભૂલી ગયો તો શ્વાસ લેવામાં તકલીફ પડશે. મારો ફોન ચાલુ જ છે. તું ઇમર્જન્સીમાં ફોન કરી શકે છે. દાદાને હેરાન ના કરતો. એલેક્સ સાથે સ્ટડી પતાવી લેજે. ડેડ પાછા આવે પછી આપણે સાથે ગેમ રમશું." મેક્સને સમજાવતાં મમ્મીએ કહ્યું.
"યસ મોમ. બાય. હેવ નાઇસ ડે." હસતાં મેક્સએ કહ્યું.
મેક્સ એના રૂમમાં એના રોબોટ ટીચર એલેક્સ પાસે ગયો.

"એલેક્સ.. આ ગોળ વસ્તુ શુ છે? શું તું મને કહી શકે છે?" એલેક્સને એ વસ્તુ બતાવતા મેક્સએ કહ્યું.
"મેક્સ આ શું છે એ મારા પ્રોગ્રામમાં મને ક્યાંય મળી નથી રહ્યું. કદાચ આવી કોઈ ઈન્ફોર્મેશન મારા કોઈ પણ પ્રોગ્રામમાં આપેલી નથી." એલેક્સ એ પદાર્થને જોતા કહ્યું.
"સારું. હું ગ્રાન્ડ પાને પૂછીને આવું. એમને જરૂર ખબર હશે. હું આવું પછી આપણે સ્ટડી કરીએ." કહીને મેક્સ દાદાના રૂમમાં આવ્યો.
"હાઈ ગ્રાન્ડ પા. તમેં કઇ કામમાં વ્યસ્ત ના હોવ તો હું તમને કંઈક પૂછી શકું?" મેક્સ દાદાના રૂમમાં દાખલ થતાં જ બોલ્યો.
"યસ માય સન. આવ.. હું તારા માટે કાયમ ફ્રી જ છું." દાદાએ મેક્સને રૂમમાં આવકાર્યો.
"ગ્રાન્ડ પા, શું તમે કહી શકો કે આ ગોળ વસ્તુ શું છે?" ગોળ પદાર્થ બતાવતાં મેક્સએ પૂછ્યું.
"આ દડો છે. મતલબ તમે જે ક્રિકેટ રમો છો એનો બોલ." દાદાએ મેક્સના હાથમાંથી દડો લઈને કહ્યું.
"બોલ? અરે હા.. હવે યાદ આવ્યું. આ તો ક્રિકેટમાં રમીએ છીએ. પાપા અને હું વિકેન્ડમાં પ્રોજેક્ટર પર રમીએ છીએ એ. પણ આ તો ગેમના પ્રોગ્રામમાં હોય છે ને ? તો અહીં બહાર કઈ રીતે આવ્યો ગ્રાન્ડ પા ?" મેક્સને જેટલું ખબર હતું એ બધું જ એક સાથે કહી દીધું.
"હા મેક્સ. પણ શું તને ખબર છે.. આજથી હજારો વર્ષો પહેલાના લોકો ક્રિકેટ સાચેમાં રમતાં હતાં. અસલી બેટ અને બોલ વડે આપણી જેમ ફોન કે પ્રોજેક્ટર પર નહીં." દાદાએ મેક્સને બોલ આપતા કહ્યું.
"સાચેમાં ? પણ તેઓ એ ઘરમાં એક બે લોકો મળીને ક્રિકેટ કંઈ રીતે રમી શકે ?" મેક્સએ સવાલ ચાલુ રાખ્યા.

"ના દીકરા. એ જમાનામાં ક્રિકેટના મોટા મેદાન હતાં. અને તેઓ એક વ્યક્તિ નહીં આખી ટિમ સાથે મળીને રમતા. જેમ તમે ફોનમાં નકલી પ્લેયર સાથે રમો છો એમ એ જમાનામાં એ બધા અસલી લોકો સાથે મળીને રમતા." દાદાએ જવાબ આપ્યો.
"એટલા મોટા મેદાન ક્યાં હશે? આપણાં સિટીમાં તો જરાય જગ્યા નથી ગ્રાન્ડ પા. તો મેદાન ક્યાં હશે ત્યારે. અને એટલા બધા લોકો રોજ કઈ રીતે ભેગા થઈ શકે? એમને પણ સ્ટડી કરવાનું હોય ને?" મેક્સએ ફરી પ્રશ્ન કર્યો.
"વાત તો તારી સાચી છે. પણ શું તને ખબર છે કે ત્યારના લોકો સ્કૂલમાં ક્રિકેટ રમતા. અને એ પણ સ્ટડી ટાઈમ માં." દાદાએ હસતા કહ્યું.

"સ્કૂલ..?" કઈક નવો શબ્દ સાંભળતા મેક્સને આશ્ચર્ય થયું.
"હા સ્કૂલ.. જેમ તું અત્યારે એલેક્સ સાથે સ્ટડી કરે છે. એમ એ લોકો પણ સ્ટડી કરતા. ત્યાં એ જગ્યા ના બધા જ સ્ટુડન્ટ એક જ જગ્યાએ ભેગા થતા. અને એક વ્યક્તિ તેમને ભણાવતો. અને એ માણસ હોય એલેક્સની જેમ કોઈ રોબોટ કે કોમ્યુટર નહીં. એ બધા બાળકો સાથે ભણતાં, રમતો રમતા, સાથે જમતાં અને બહુ બધી મજા કરતા.. ક્યારેક તો બહાર પિકનીક પર પણ સાથે જતા." દાદાએ ખુશ થતાં બધી જ વાત કહી.
મેક્સ આગળ કંઈ બોલી જ ના શક્યો. એ કદાચ કોઈ ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો હતો.

"અને આ બોલ જે તને મળ્યો છે એ આપણી પેઢીના જ એક પૂર્વજનો છે જેમનું નામ રાહુલ હતું. એ ખૂબ સારા બોલર હતા એવું મેં મારા દાદા પાસેથી સાંભળ્યું હતું." મેકસને ભાનમાં લાવતા દાદાએ કહ્યું.

"એ લોકો કેટલા લકી હશે ને ગ્રાન્ડ પા, જેમને આવી રીતે રમવા અને સ્ટડી કરવા મળતું હશે." બોલને તાકી રહેલો મેક્સ બોલ્યો.

"લકી તો તું પણ બની શકે છે દીકરા. જો તું બનવા ઇચ્છતો હોય તો !" હસતા દાદાએ કહ્યું.
"હું કંઈ સમજ્યો નહીં ગ્રાન્ડ પા." આશ્ચર્ય સાથે મેક્સ દાદાને સાંભળી રહ્યો.
"હું પણ મારા બાળપણમાં તારા જેવો જ હતો મેક્સ. મને પણ આ બધી વાતો માટે આકર્ષણ થતું. એટલે હું મારા ટાઈમ મશીન વડે ત્યાં ગયો હતો. અને તું માનીશ નહીં હું ત્યાં રાહુલને મળ્યો હતો. એની સાથે એક દિવસ રહીને આવ્યો હતો. અને જો તું ત્યાં જવા ઇચ્છતો હોય તો હું તારી મદદ કરી શકું." આંખ મારતા દાદાએ મેક્સને કહ્યું.

"ઓહ ગ્રાન્ડ પા, આઇ લવ યુ. મારે ત્યાં જવું છે. હું બહુ જ ઉત્સુક છું ત્યાં જવા માટે." દાદાને ભેટી પડતા મેક્સએ કહ્યું.
"ઓકે. પણ તારે અમુક રૂલ ફોલોવ કરવા પડશે. તો જ હું તને ત્યાં મોકલી શકું." ગંભીર થઈને દાદાએ કહ્યું.

"કેવા રૂલ?" મેક્સએ પુછયું.

"ત્યાં તું તારી અસલી ઓળખાણ નહીં આપે. હા તું તારું નામ કહી શકે. પણ તું ભવિષ્યમાંથી આવ્યો છે એ રાઝ જ રાખીશ. તું ભવિષ્ય બદલવાની કોશીશ નહીં કરે. કારણકે એના પરિણામ ભયંકર આવી શકે છે. તું એક દિવસમાં પાછો આવી જઈશ. કેમકે તારી મોમ કાલે આવી જશે. અને સૌથી જરૂરી વાત ત્યાં તું તારી ઓક્સિજન ખુરશી લઇ નહીં જઇ શકે. તારે ત્યાં ચાલવું પડશે તારા પગ વડે. અને તારે ત્યાં પાવર ટેબલેટ નથી જમવાની. ત્યાંનું જમવાનું એ જે આપે એ જમવું પડશે. કોઈ સવાલ કર્યા વગર." દાદાએ મેક્સને સમજાવતા કહ્યું.
"ઓક્સિજન ખુરશી વગર હું શ્વાસ કંઈ રીતે લઇશ ? અને હું તો વર્ષોથી ચાલ્યો નથી તો મને એ કઈ રીતે ફાવશે? અને પાવર ટેબલેટ વગર હું શક્તિ ક્યાંથી મેળવીશ?" મેક્સએ બધી સમસ્યાઓ રજૂ કરી દીધી.

"દીકરા મારા પર વિશ્વાસ રાખ. તને કોઈ તકલીફ નહીં પડે. તું એક વાર ત્યાં જા. તને બધું આપમેળે જ સમજાઈ જશે." દાદાએ મેક્સનો હાથ પકડીને કહ્યું.

દાદાની વાત પર વિશ્વાસ રાખીને મેક્સ પોતાની ઓક્સિજન ખુરશી છોડીને ટાઈમ મશીનમાં બેઠો. એ છતાં એને દાદાને પૂછીને થોડી પાવર ટેબલેટ સાથે લઈ લીધી હતી. મેક્સ ટાઈમ મશીનમાં 2000 વર્ષ પાછળનું ટાઇમર સેટ કરીને બેઠો. પાંચ મિનિટમાં જ તે ડેસ્ટિનેશન પર આવી પહોંચ્યો. મશીનને દાદાની સૂચના મુજબ તેને અદ્રશ્ય કરી દીધું.
તે દાદાના બતાવેલા લોકેશન પર જ પહોંચ્યો હતો. રાહુલના ઘરની બહાર જ.
ત્યાંનું દ્રશ્ય જોઈને મેક્સ અવાચક બની ગયો હતો. ચારે તરફ વૃક્ષો હતા. વાતાવરણ બહુ જ શુદ્ધ હતું. મેક્સને એની ઓક્સિજન ખુરશી વગર પણ શ્વાસ લેવામાં કોઈ તકલીફ નહોતી થઈ રહી. એ ખાસા વર્ષો પછી પગથી ચાલી રહ્યો હતો. એટલે પગમાં ધ્રુજારી થઈ રહી હતી.
"બેટા કોનું કામ છે તારે?" એક સાડી પેહરેલી લાંબા ચોટલાવાળી સ્ત્રીએ જેના ચહેરા પર ખૂબ પ્રેમ દેખાતો હતો તેને મેક્સને પૂછ્યું. મેક્સને એની હંમેશા કામમાં વ્યસ્ત અને કામના લીધે ચીડાયેલી મમ્મી યાદ આવી.
"મારે રાહુલને મળવું છે." મેક્સએ ઝડપથી કહ્યું.
"આવ બેટા ઘરમાં બેસ. હું એને બોલવું." કહીને રાહુલની મમ્મીએ રાહુલને બોલાવ્યો.
"હા. કોણ ?" કહીને રાહુલએ મેક્સ સામે જોયું. રાહુલ મેક્સ જેટલો જ હશે ઉંમરમાં. એકદમ સાધારણ દેખાવ અને કસાયેલુ મજબૂત શરીર.
"હું મેક્સ છું. રોયનો પિતરાઈ ભાઈ. રોયએ તમારા બધાના ખૂબ જ વખાણ કર્યા હતાં. એટલે મારી પણ તમને બધાને મળવાની ઈચ્છા થઈ. રોય પણ આવા માંગતો હતો. પણ ઘરના અમુક કામના લીધે આવી ના શક્યો. પણ એને મને તમારા ઘરનું સરનામું આપ્યું. હું એક દિવસ માટે જ આવ્યો છું. શું હું તમારી સાથે એક દિવસ રહી શકું?" મેક્સએ દાદાનું નામ આપી તેમને શીખવાડેલું બધું જ એક શ્વાસે બોલી ગયો.
"હા કેમ નહીં. એમાં પૂછવા જેવું શું છે? તું અહીં ઈચ્છે એટલા દિવસ રહી શકે છે. રોયનો ભાઈ એ મારો ભાઈ." મેક્સના ખભે હાથ મુકતા રાહુલએ કહ્યું.
રાહુલની મમ્મીએ પણ મેક્સને આવકાર્યો.
મેક્સના કહેવાથી રાહુલ તેને સ્કૂલ જોવા લઈ ગયો. સ્કૂલ અને ત્યાંની વસ્તુઓ જોઈને મેક્સ આશ્ચર્ય પામ્યો. એ લોકો કાગળ અને પેન થઈ લખતાં હતા. તેઓ ચોપડીઓ વાંચતા હતા એ પણ અસલી. જ્યારે મેક્સ તો હંમેશા કોમ્પ્યુટરથી જ ભણ્યો છે. લેસન પણ કોમ્પ્યુટરમાં જ અને પરીક્ષા પણ એમાં જ. એને પહેલી વાર અસલી ચોપડી જોઈ. અને પોતાનું નામ પણ પેનથી લખતા શીખ્યો.

એ પછી મેક્સ રાહુલ અને તેના મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો. એ બહુ વધારે દોડી નહોતો શકતો કારણકે વર્ષો પછી તે ચાલ્યો હતો. પણ તેને પ્રોજેક્ટર કરતા આ અસલી ક્રિકેટમાં ખૂબ મજા આવી સાથે થાક પણ એટલો જ લાગ્યો.
ત્યાર બાદ રાહુલ અને તેના મિત્રો સાથે એ તળાવ પર ગયો. જ્યાં બધા બાળકો પાણીમાં રમવા લાગ્યા. મેક્સને તરતાં નહોતું આવડતું. પણ એ થોડું થોડું શીખ્યો. બધા સાથે ઓછા પાણીમાં રમ્યો. મેક્સને પોતાના કોઈ મિત્ર હતાં જ નહી. આ બધાને જોઈને એ ખૂબ ખુશ થયો.
સાંજ પડતાં રાહુલ સાથે તેના ઘરે પાછો આવ્યો. રાહુલની મમ્મીએ જમવાનું બનાવ્યું હતું. પણ એ પાવર ટેબલેટ નહોતી. એ કંઇક બીજું જ હતું. મેક્સને ગ્રાન્ડ પા ની વાત યાદ આવી. તે પણ રાહુલ સાથે જમવા બેઠો. રાહુલના પપ્પા પણ આવી ગયા હતા.ઘરના બધા જ લોકો સાથે જમવા બેઠા. એના પપ્પા ઘરના લોકોને સમય આપી રહ્યા હતા.આ જોઈને મેક્સને બહુ ખુશી થઈ. મેક્સને એના પપ્પા યાદ આવ્યા જેમને એ ખાલી વિકેન્ડમાં જ મળતો હતો. રાહુલનું અનુકરણ કરીને એ પહેલીવાર જમ્યો. મેક્સને પહેલીવાર પેટ ભરાવું કોને કહેવાય એ સમજાયું.
રાત થતાં આજુબાજુના લોકો બધા ઘરની બહાર ઓટલા પર બેસીને વાતો કરવા લાગ્યાં. હસી મજાક વચ્ચે બધા ખૂબ ખુશ હતા. મેક્સ વિચારી રહ્યો હતો કે કોઈના હાથમાં ફોન, લેપટોપ કે કોમ્પ્યુટર નહોતું. છતાં બધા કેટલા ખુશ છે. રાતે બધા ઘરના વચ્ચેના ભાગમાં નીચે પથારી કરીને સાથે સુઈ ગયાં. જ્યાં વચ્ચેના આંગણામાં છત નહોતી, જેના કારણે તારા બહું જ સુંદર દેખાય રહ્યા હતા. મેક્સને યાદ આવ્યું કે એ તો રાતે હંમેશા એકલો જ ઊંઘી જાય છે. જેમાં ઘણા દિવસ એને ઊંઘ નથી આવતી. ડોક્ટરના કેહવા મુજબ એને અનિંદ્રા હતી. પણ અહીં બધા સાથે એને ક્યારે ઊંઘ આવી ગઈ એ ખબર જ ન રહી. મેકસને આટલી સારી ઊંઘ આ પહેલા ક્યારેય પણ નહોતી આવી. સવારે ઉઠીને બધાં જોડેથી વિદાય લઈને મેક્સ ભવિષ્યમાં પાછો આવ્યો. તેને દાદા જોડે બધી જ વાતો અને અનુભવો વહેંચ્યા. એના આવ્યા બાદ મમ્મી પણ આવી ગઈ.
"મેક્સ તે કઈ સ્ટડી કર્યું નથી કાલે. શું કર્યું તો તે આખો દિવસ? ચાલ જલ્દી સ્ટડી કરવા બેસ. એલેક્સ તારી રાહ જોવે છે." મમ્મીએ મેક્સને ચિડાઈને કહ્યું.
મેક્સ એના રૂમમાં જઈને એલેક્સ સામે બેઠો. એલેક્સ એને ભણાવી રહ્યો હતો સ્ક્રીન પર ચિત્રો બદલાઈ રહ્યા હતાં. પણ મેક્સનું ધ્યાન ત્યાં નહોતું. એ મનથી તો હજુ પણ રાહુલ સાથે જ હતો.

એલેક્સ બોલી રહ્યો હતો..

મેક્સ બીજી જ દુનિયામાં પહોંચી ગયો હતો..
જ્યાં ખરેખર જીવન હતું.
- MANSI VAGHELA.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED