ગુજરાતી કટાર લેખનમાં કાજલ ઓઝા વૈદ્યનું પ્રદાન Bhavya Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુજરાતી કટાર લેખનમાં કાજલ ઓઝા વૈદ્યનું પ્રદાન

‘ઈસકે જેસા નેક ઔર ઈસકે જેસા બદ નહીં,

ઈસકિ નફરત ઔર મુહબ્બત કી કુછ હદ નહીં.’

જોશ મલીહાબાદીનો આ શેર મારા ખ્યાલ મુજબ પત્રકાર પર રચાયો હોઈ શકે. એક સામાન્ય માણસ ધારે એ બધુ જ કરી શકતો હોય તો પત્રકાર શું ન કરી શકે? પત્રકાર ઈચ્છે તો સમાજમાં ક્રાંતિ આવે અને પત્રકાર ઈચ્છે તો એ ક્રાંતિની ક્ષણો એકાએક શાંતિમાં પરિવર્તિત થઈ જાય! પત્રકાર વિકાસ પણ કરી શકે અને વિનાશ પણ લાવી શકે. એ કલમ વડે એકતાની જ્યોત પ્રગટાવી ઉજાશ પણ ફેલાવી શકે અને શબ્દોની જાળ ફેલાવી વિનાશક વિખવાદ પણ લાવી શકે. ચોથી જાગીર પાસે એક એવી અસ્ક્યામત છે જે તેને બાકીની ત્રણેય જાગીરથી જૂદી પાડી વિશિષ્ટ બનાવે છે. આથી જ મારી દ્રષ્ટીએ પત્રકાર સમાજનો ઘડવૈયો છે. એ કશું બનવા કરતાં કઈક બનાવવાનું કાર્ય કરે છે.

દરેક દેશ પાસે પોતાની સરહદી સેના હોય તેમ પોતાના ભાષાકીય પત્રકારો હોય છે જે દેશની આગેવાની કરે છે. પત્રકાર સંસ્કૃતિ અને સમાજની સુકાની બની રક્ષા કરે છે. પત્રકાર ઈતિહાસનું પુન:ઘટન અટકાવી ચેતના અને ચેતવણી બંને આપે છે. પત્રકાર પવિત્ર ન હોઈ તો ચાલશે, નિષ્પક્ષ ન હોય તો નહીં ચાલે. પત્રકારમાં એક વકીલ કે પોલીસ કે સમાજસેવકના ગુણ ન હોય તો ચાલશે પરતું પત્રકારમાં માનવતાનો ગુણ નહીં હોય તો નહીં ચાલે. પત્રકાર પાસે શું-શું હોવું અને ન હોવું, કરવું જોઈએ એનું લાંબુ લખાણ/સૂચિ બની શકે. પણ હા, એક અગત્યની વાત – પત્રકાર પાસે અંતર આત્માનો અવાજ સાંભળી શકવાની સમજ, આકરી પરિસ્થિતિમાં લડીને ટક્કર આપવાની નિડરતા, આત્મવિશ્વાસ અને બીજાથી અલગ જીવી અને જીતી જવાની આવડત ન હોઈ તો આ ક્ષેત્રમાં પ્રવેશવું નહીં.

પત્રકારત્વ એ સર્કસ છે જે સર્કસનો મુખ્ય ખેલાડી રિપોટર છે, સર્કસનો રિંગ માસ્ટર તંત્રી છે અને પ્રજા પ્રેક્ષક છે. ‘પત્રકારત્વ’ વિવિધતા અને વિરોધીતાનું સંગમ સ્થાન છે. ‘પત્રકારત્વ’ Just The Fact ના સિદ્ધાંતો પર કહેવતાં મીશનથી ચાલતું કમિશનનું મશીન છે. જેની અંદર પત્રકાર માત્ર ખબરપત્રી બની ગયો છે. સમાચાર હવે સમાચાર રહ્યા નથી. આથી જો પત્રકારને ઈચ્છિત સ્વતંત્રતા અને સલામતી આપવામાં આવશે નહીં તો બની શકે એક દિવસ પત્રકાર જન્મશે ખરા પણ બનશે કોઈ નહીં.

ગિજાલે! તું તો વાકિફ હો, કહો મજનૂ કે મરને કી,
દિવાના મર ગયા આખિર કો વિરાને પૈ ક્યાં ગુજરી…

મતલબ કે,
ઓ હરણો ! તમે તો ત્યાં ઘટનાસ્થળે હતા, તમને તો મજનૂના મૌતની પૂરી ખબર છે.
મરનાર તો મરી ગયો, પણ જંગલના શું હાલ થયા, એ કહો..

જ્યારે કોઈપણ ઘટના બને ત્યારે એ ઘટનાસ્થળ પર કોઈ ઉપસ્થિત ન હોય તો? ઘટના બની ગયા બાદ ઘટનાની ખબર આપનાર કોઈ હાજર ન હોય તો? અહી લખેલાં શેરમાં પણ એ જ વાત વ્યથિત થાય છે. સિરાજઉદૌલાની સાથ દગાબાજી થઈ એની કતલના સમાચાર પટના પહોચ્યા ત્યારે રાજા રામનારાયણ મૌજુએ કહેલો આ શેર અમર થઈ ગયો. અને પછી રાજા સાધુ બની ગયો. આ બહુ દિલચશ્પ કિસ્સો છે. જો કોઈ સમાચાર આપનાર, ખબર દેનાર ન હોય તો તેની શું અસર થઈ શકે એ સમજવા જેવુ છે. એમાં પણ કોઈ અફવા ફેલાવે તો એ સ્થિતિની કલ્પના કરવી મુશ્કેલ છે. એ સમયે ઘટનાની વાસ્તવિક સચોટતા મેળવવા માટે જરૂર પડે છે – પત્રકાર.

પત્રકારત્વમાં મુખ્ય કળા છે – રજૂઆત

અને

પત્રકારત્વમાં મહત્વનું છે – સત્યતા.

એક સમય હતો જ્યારે માનવ ગુફામાં રહેતો. ફળ-ફૂલ ખાતો. વનસ્પતિનાં પાન શરીર પર ઢાંકી ફરતો. આગળ જતાં અગ્નિ અને ચક્રની શોધ થઈ. આદિમાનવમાંથી માણસ બનવાની પ્રક્રિયા શરૂ થઈ સંસ્કૃતિ અને સભ્યતાનો ઉદભવ થયો. ઉત્ક્રાંતિનાં પરિણામ સ્વરૂપ આદિમાનવ આધુનિક માનવ બન્યો. નવા કબિલા સ્થપાયા. ધર્મનો જન્મ થયો. યુદ્ધો થયા, પ્રજાની ખુવારી અને ખુમારીએ અનેક હર્ષ અને દર્દનાં ઉત્સવો અને પ્રસંગો આપ્યા. સાહિત્ય, નૃત્યો, ચિત્રો વગેરે કલા વડે માણસ પોતાની લાગણી વ્યક્ત કરતો થયો. પ્રત્યાયનનાં પાયા નખાયા. માણસ માધ્યમો સાથે જોડતો ગયો. એક નાનકડા ગામમાંથી રચેલું વિશ્વ ખુદ આજે એક નાનકડું ગામ બની ગયું. જેના એક વાહકો એટલે – પત્રકાર.

પત્રકાર બનવું એ ગૌરવની વાત છે, પત્રકાર હોવું એ ગર્વની વાત છે. પરંતુ પત્રકાર તરીકે જન્મવું એ નસીબની વાત છે. હું નાનપણથી ખુદને પત્રકાર સમજતો આવ્યો કેમ કે, મને કોઈપણ ઘટના, બાબત અથવા વિષય પ્રત્યે પ્રશ્નો થાય છે, મંતવ્યો આપવા ગમે છે. પત્રકારની જેમ અભિવ્યક્ત થવું અને અભિપ્રાય મેળવવા પસંદ છે. આ હેતુસર હું સ્નાતકનાં અભ્યાસક્રમ બાદ સમૂહ પ્રત્યાયન અને પત્રકારત્વનાં અભ્યાસક્રમમાં જોડાયો.

પત્રકારત્વ અને સમૂહ માધ્યમનાં ક્ષેત્રે કોલેજ પૂરી થયા પછી મળેલી જિંદગીના બે વર્ષ પસાર થઈ ગયા. હું શીખવા કરતાં સમજી વધુ શક્યો. સમય જોડે તાલ મિલાવતા-મિલાવતા.. સાથે રહેનારા દોસ્તો એમની દુનિયામાં ગાયબ થઈ ગયા. દૌડધૂપ, ઝડપ, પુનપરિચયો:, નવા પાત્રો તરફ ખેચાતી આત્મીયતા અને જીવનખંડમાથી ઊભરતી એક હકારાત્મક ઉપજ. આ ક્ષેત્રમાં માણસ સાથે જરૂરિયાતનો સંબંધ આપોઆપ બંધાઈ જાય છે. અજાણી વ્યક્તિ સાથે પ્રેમ થઈ શકે તો જાણીતા લોકો સાથે પ્યાર ઔર નફરતની નુમાઈશ ન ચાહવા છતાં થઈ જ જાય અને એક બેહતરીન અથવા બેપસંદ બદલાવટ આવી જાય છે. સ્વયંમમાં આવતો પરિવર્તન અનુભવી શકાય.
આજે શું શું બદલાય ગયું છે? સમય સાથે માણસની સમજ સરખી જ રહે છે માત્ર વ્યાખ્યાઑ, વ્યક્તિની ઓળખ અને નામ પાછળ લાગતાં સંબોધનો અને પીઠ પાછળ બોલાતા ઉદબોધનો બદલાય જાય છે. પહેલા પણ ચોવીસ કલાક આરામથી જીવાય જતું હતું પણ જવાબદારીઓ એ હવે આ ચોવીસ કલાકને ફર્જના, અપેક્ષાના ખાનામાં એવી રીતે બેસાડી મૂક્યા છે કે હવે સ્મૃતિપ્રદેશની સફર કરવાનો મોકો મળતો નથી. હમદર્દની રોષકથા, વેદનકથા, અને યારોની પ્રેમકથા, સાહસકથામાં જોડાઈ શકાતું નથી. બસ અંધકાર પ્રિય બની જાય છે ત્યારે બધુ જ ગમવા લાગે છે. સૂર્ય આપની સામે છે છતાં આપણે તેને જોઈ શકતા નથી. શું કામ? સૂર્ય પ્રકાશ માણસની આંખો જીલવા સક્ષમ નથી. જીવનમાં ઘણુંબધુ આપની સામે હોવા છતાં આપણે અપનાવી શકતા નથી, જોઈ શકતા નથી. પત્રકારત્વનું ક્ષેત્ર પણ આવુ છે. અહિયાં એક માણસ બીજા માણસને ઊચે ચડતા જોઈ શકતો નથી. હિતેચ્છુ સાથેની જ હરીફાઈમાં ટકી શકતો નથી. તકોને જીલી શકતો નથી. અનુભવીઓ તરફથી મળી રહેલી પ્રેરણાસ્ત્રોત્રની ઉર્જાનો ભરપૂર ઉપયોગ કરી શકતો નથી. આજનાં પત્રકારની નિરાશા અને હતાશા પાછળ કાર્યનું પૂરતું વળતર ન મળી શકવાની મર્યાદા, કલમના સિપાહીને બદલે નોકરશાહી ભોગવાની વ્યથા જવાબદાર છે. પત્રકારત્વ ઉપર હવે મની અને મસલ્સ પાવરનો વધતો દબાવ તથા ભવિષ્યમાં આ ક્ષેત્રમાં ઊજળી તક ન હોવાથી પત્રકારો અખબારના અખાડામાં પડતાં નથી. પત્રકારત્વમાં કઠણાઈ ફક્ત બહારની બાજુએ જ નથી. અંદરખાને બીજી કેટલીક નબડાઈ પણ વકરેલી છે.

હું આ બધી વાતોથી ચિંચિત નહીં, આશ્ચર્યચકીત છું. એકંદરે હું સાહિત્યનો માણસ. સાહિત્ય અને પત્રકારત્વ એક સિક્કાની બે બાજુઓ જેવા છે. વર્તમાન સમયમાં પત્રકારત્વની ખરાબીઓ સાહિત્યમાં પણ પ્રવેશી. પહેલાનાં સમયમાં લેખકો પુસ્તકો લખતાં અને પત્રકારો છાપાંમાં લખતાં જ્યારે હવે મગનલાલ, છગનલાલ, બચુભાઈ, લીલાબેન, કોકીલા ભાભી અને પેલા રામભાઈનો ટેણિયો લાલીયો પણ શનિવારની બાળકોની પૂર્તિમાં લખે છે. આ એકવીસમી સદીનાં સાહિત્ય અને પત્રકારત્વનો આયનો છે.

આ પ્રસંગે એક જાણીતો શેર લખી વિરમું..

હજારો જવાબો સે અચ્છી હૈ મેરી ખામોશી,

ન જાને કીતને સવાલો કી આબરૂ રખી.


હેતુ :-

સમાજ માટે સ્ત્રી હમેશા કુતુહલ, જિજ્ઞાશા અને રસનો વિષય રહી છે. ખાસ કરીને એ સ્ત્રી જ્યારે લેખિકા હોય અને પોતાના જીવન અનુભવ કલમ વડે કંડારી પરિવર્તનના પડકારો ફેંકી સાહિત્ય અને પત્રકારત્વમાં સફળ શબ્દ-શિલ્પી બની હોય ત્યારે તેમની નોંધ લીધા વિના, તેમના લેખનનો પૂર્ણ અભ્યાસ કર્યા વિના, લેખિકાને વધાવીએ અથવા વખોડીએ તો આપણે સરસ્વતીના ખરા પૂજક કે ઉપાસક, વિદ્યાના સાચા પ્રસંશક કે આલોચક કહેવાઈ શકીએ નહીં.

‘ગુજરાતી કટાર લેખનમાં કાજલ ઓઝા વૈદ્યનું પ્રદાન : એક અભ્યાસ’ સંશોધનનો મૂળ હેતુ ગુજરાતી વાંચકોમાં આ સ્ત્રી લેખિકા પ્રત્યે ચર્ચાતી ખોટી ભ્રામકતા દૂર કરી એક પત્રકારત્વનો રાજ ધર્મ નિભાવવાનો મતલબ કે કાજલ ઓઝાનાં કટાર લેખનનો આયનો દર્શાવવાનો છે. જેમાં કોઈ અતિશયોક્તિ કે આવેશ વિના કાજલ ઓઝાના કટાર લેખનનું એવું સંશોધન હાથ ધર્યું છે જેમાંથી ભવિષ્યમાં આ વિષયમાં બીજા ઘણા નિષ્કર્ષો અને તારણોને અવકાશ છે. મારૂ કાર્ય માત્ર કોઈપણ લઘુતાગ્રંથિ અને માન્યતા કેળવ્યા વિના કાજલ ઓઝાનાં કટાર લેખનને સંશોધનનાં વિવિધ તબ્બકા અને પાસાથી ન્યાયી રીતે મૂલવવાનું હતું જે મે કર્યું છે. આ સંશોધનમાં રજૂ કરેલી તમામ માહિતી અને સંદર્ભોને વાંચકો તથા અન્ય અભ્યાસુઓએ વિવેકબુદ્ધિથી ધ્યાનમાં લેવા વિનંતી છે.

  • મેઘધનુષી લેખિકા : કાજલ ઓઝા વૈદ્ય
  • કાજલ ઓઝા વૈદ્ય ગુજરાતનાં એવાં લેખિકા જેની કલમ મલમ જેવી દર્દશામક છે, ચલમ જેવી નશીલી છે અને બલમ જેવી રોમન્ટિક પણ છે. ગુજરાતી નાટક હોય, વાર્તા હોય, નવલકથા હોય કે પછી કોઈ સાંપ્રત ઘટના – કાજલ ઓઝા વૈદ્યની કલમ હંમેશાં સોળને બદલે સોળસો કલાએ ખીલી છે.

    વરિષ્ઠ પત્રકાર દિગંત ઓઝાનાં દીકરી કાજલ ઓઝાએ ‘સંદેશ’ અખબારથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને હાલ તેઓ ‘દિવ્ય ભાસ્કર’, ‘ગુજરાત મિત્ર’, ‘મુંબઈ સમાચાર’, ‘ફૂલછાબ’ વગેરે અખબારોમાં લખી રહ્યાં છે. કાજલ ઓઝા વૈદ્ય ગુજરાતની એકમાત્ર લેખિકા છે જેણે રંગભૂમિ, પત્રકારત્વ, ફિલ્મ, ટેલિવિઝન, એડવર્ટાઇઝિંગ અને સાહિત્યનાં ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે.

    એમનાં નાટકો ‘ગુરુબ્રા’, ‘પિતૃદોષ’, ‘ડાક્ટર તમે પણ! (અનુવાદ), ‘ચૂંગ-ચિંગ’ (અનુવાદ), ‘આપણા એ આપણા’ મુંબઈની ગુજરાતી રંગભૂમિને ગજાવી ચૂક્યાં છે.

    તેમણે ’એક ડાળનાં પંખી’, ‘અપ્ને-પરાયે’ (રાજેશ ખન્નાનો એકમાત્ર ટેલિવિઝન સોપ), ‘પરણ્યા એટલે પતી ગયા’, ‘મહાસતી સાવિત્રી’, ‘ઉલઝન’, ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’ જેવી સિરિયલોનું કામ પણ કર્યું છે. તો હિન્દી ફિલ્મો ‘દિવાનગી’ તથા ‘ઘાત’ના સંવાદો પણ લખ્યા છે.

    લગભગ ૧૯૮૭થી ૧૯૯૨ સુધી મુંબઈના નાટ્યક્ષેત્રે લેખિકા અને અભિનેત્રી તરીકે કામ કર્યા પછી જાણીતા તસવીરકાર સંજય વૈદ્ય સાથે લગ્ન કરીને એ અમદાવાદમાં સ્થાયી થયાં. સાત જ વર્ષમાં સાહિત્યના ક્ષેત્રે એમનાં ૫૫થી વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે.

    તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં સ્ક્રિપ્ટ રાઇટિંગનો વિષય ભણાવતા હતા, અને એક્ઝામિનર પણ રહી ચૂક્યા છે. પ્રસ્તુત છે ગુજરાતની નામાંકિત લેખિકા કાજલ ઓઝા વૈદ્યનો તેમની પ્રતિભા જેવડો જ એક ભવ્ય પરિચય..

    કાજલ ઓઝા વૈદ્ય (૨૯ સપ્ટેમ્બર, ૧૯૬૬) એ જાણીતા ગુજરાતી સાહિત્યકાર છે. તેમનો જન્મ મુંબઇ ખાતે થયો હતો.તેમના પિતાનુ નામ દિગંત ઓઝા છે અને તેઓ ફોટોગ્રાફર સંજય વૈદ્ય સાથે પરણ્યા છે. હાલ તેઓ અમદાવાદમાં રહે છે.

    કાજલ ઓઝાએ ગુજરાતી સાહિત્યનું ખ્યાતનામ નામ છે. તેઓ લેખિક ઉપરાંત ખૂબ જ સારા વક્તા અને સાહિત્યપ્રેમી છે.

  • કાજલ ઓઝા વૈદ્ય – અંગત ઉપલબ્ધિ અને જીવન ઝરમર
  • શિક્ષણ અને લેખન
  • એવોર્ડ
  • પત્રકારત્વ
  • પરફોર્મીંગ આર્ટસ
  • ટેલિવિઝન અને ટેલિફિલ્મસ
  • ધારાવાહિક શ્રેણીઓ
  • ફિલ્મ
  • સર્જન
  • કોફી ટેબલ બુક્સ
  • કોલમનિસ્ટ તરીકે કાર્ય
  • શિક્ષણ અને લેખન
  • કાજલ ઓઝા-વૈધે તેમની સ્નાતકની ઉપાધી અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે ૧૯૮૬માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી. તેમણે અનુસ્નાતકની ઉપાધી એડવર્ટાઇઝીંગ મેનેજમેન્ટમાં સેંટ ઝેવિયર્સ, મુંબઇ ખાતેથી મેળવી હતી. તેમણે ૭ વર્ષના ટૂંકા સમયગાળામાં ૪૫ પુસ્તકો પ્રકાશિત કર્યા છે કે જેમાં નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, અનુવાદો, નિબંધો, નાટકો અને ૪ ઓડિયો પુસ્તકોના સંગ્રહનો પણ સમાવેશ થાય છે. તેમણે એક લેખક હોવા ઉપરાંત હિન્દી અને ગુજરાતી સિનેમા તેમજ ટેલિવિઝન ક્ષેત્રે કટાર લેખક, કવિ, અભિનેત્રી અને સંચાલક તરીકે પણ યોગદાન આપ્યું છે. આ ઉપરાંત તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાના સ્ક્રિપ્ટ લેખન વિષયમાં મુલાકાતી શિક્ષક તરીકે કાર્ય કર્યુ છે.

  • એવોર્ડ
  • ૧૯૮૧: નેશનલ એવોર્ડ અને નિબંધ લેખન માટે "સંસ્કાર ચંદ્રક"
  • ૧૯૮૨: નેશનલ એવોર્ડ અને ટૂંકી વાર્તા લેખન માટે "સંસ્કાર ચંદ્રક"
  • ૧૯૮૧-૮૨/૧૯૮૨-૮૩: શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ, ગુજરાત યુનિવર્સિટી યુથ ફેસ્ટીવલ
  • પત્રકારત્વ
  • સંદેશ
  • ગુજરાત ડેઇલી
  • લોકસત્તા-જનસત્તા
  • ઈન્ડીયન એકસપ્રેક્ષ ,મુંબઇ
  • અભિયાન
  • સમકાલીન
  • સંભવ
  • પરફોર્મીંગ આર્ટસ
  • કાજલ ઓઝા-વૈધે સ્વ. શ્રી શફી ઇમાનદાર સાથે સહાયક નિર્માતા તરીકે કામ કર્યા બાદ "હમ પ્રોડકશન" ના અંતર્ગત ગુજરાતી નાટકો પણ લખ્યા હતા.

  • ટેલિવિઝન અને ટેલિફિલ્મસ
  • ધારાવાહિક શ્રેણીઓ
  • ફિલ્મ
  • દિકરી તો પારકી થાપણ કહેવાય ( ગુજરાતી ) (સ્ક્રીનપ્લે-સંવાદ)
  • ઘાટ (હિન્દી)
  • દિવાનગી (હિન્દી) (સહાયક સંવાદ લેખક)
  • સર્જન
  • કોફી ટેબલ બુક્સ
  • આંસુ
  • ચુંબન
  • સ્મિત
  • પ્રાર્થના
  • પ્રેમ
  • કોલમનિસ્ટ તરીકે કાર્ય
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત મિત્ર(સુરત)
  • કચ્છ-મિત્ર
  • જન્મભૂમિ-પ્રવાસી
  • કલક્ત્તા હલચલ
  • મુંબઈ સમાચાર
  • આ ઉપરાંત તેમણે "અંગત- લાઇવ ફોન ઇન કાઉન્સેલીંગ" નામે ટીવી કાર્યક્રમના સંચાલક તરીકે કાર્ય પણ કર્યુ હતુ. તેઓ "માય એફએઅમ ૯૪.૩ -અમદાવાદ સ્ટેશન" ખાતે રેડિયો જોકી તરીકે કાર્ય કરી ચૂક્યા છે.(૧)(૨)

    કાજલ ઓઝા વૈદ્યના પરિચય પરથી ખ્યાલ આવે કે, જેટલું મોટું નામ એટલી જ ઊંચી એમની પ્રતિભા-પ્રતિષ્ઠા અને એટલું જ ઉચ્ચ એમનું વ્યક્તિત્વ છે. ગુજરાતી સાહિત્યમાં લેખન ક્ષેત્રે સ્ત્રીઓને એક અલગ જ સ્થાને પહોંચાડનાર કાજલ ઓઝા વૈદ્ય માત્ર નવી પેઢીને જ નહીં પણ ઉંમરના વિવિધ તબક્કાનાં માનવીને ઘડવા માટે પોતાની કલમ સુસજ્જ કરે છે. એક મજબૂત, સ્પષ્ટ અને પ્રભાવશાળી વક્તા એવા કાજલ ઓઝા વૈદ્ય સરળ અને ડાઉન ટુ અર્થ છે. હાલમાં તેઓ ચાર અલગ અલગ દૈનિક અખબારોમાં કોલમ લખે છે. અત્યાર સુધીમાં એમના ૬૦ જેટલા પુસ્તકો બહાર પડી ચુક્યા છે જેમાંથી ૪ પુસ્તકો ઓડિયો સ્વરૂપે પણ ઉપલબ્ધ છે. તેઓએ લગભગ બધા જ ક્ષેત્રમાં કાર્ય કર્યું છે. તેમને નાટકો, ગુજરાતી અને હિન્દી ફિલ્મમાં સંવાદો અને ધારાવાહિકોમાં પણ પોતાનું પ્રદાન કર્યું છે. આ પૈકી ‘એક ડાળના પંખી’ નામની ધારાવાહિકે ૧૬૦૦ જેટલા એપિસોડ્સ પૂરા કરી એક નવો જ વિક્રમ પ્રસ્થાપિત કર્યો હતો. વળી, ‘પરફેક્ટ હસબન્ડ’ નામના નાટકને માર્શલ એકેડમી દ્વારા બેસ્ટ કોમેડી પ્લે ઓફ ધ યરનો પુરસ્કાર પણ મળ્યો હતો. આ ઉપરાંત, તેઓ એક રેડિયો ચેનલ પર આર.જે. તરીકે પણ કાર્યરત રહી ચૂક્યા છે. એવોર્ડ્સ અને એમના કાર્યોનો વિસ્તાર ખૂબ મોટો છે. આ સરસ્વતીના સર્જકથી વધુ પરિચિત કરતી તેમના જાહેર અને અંગત જીવનનો પરિચય આપતી મુલાકાત:

  • કાજલ ઓઝા વૈદ્ય મુલાકાત :
  • મેઘધનુષી લેખિકા સાથેની ગોષ્ઠિ.

  • આપ્ની પ્રથમ વાર્તા ક્યાં અને ક્યારે છપાઈ હતી?
  • મારી ટૂંકી વાર્તાઓ કોઈ સામયિકમાં છપાઈ નથી. સૌથી પહેલો સંગ્રહ ‘સંબંધ... તો આકાશ’ નવભારત સાહિત્ય મંદિરમાંથી છપાયો.

  • આપ્ની પ્રથમ નવલકથા?
  • પ્રથમ નવલકથા ‘છલ’ કલકત્તા હલચલમાં છપાઈ. એ પછી તરત જ, લગભગ એની સાથે જ દિવ્ય ભાસ્કરની ‘મધુરિમા’ પૂર્તિમાં, ‘મધ્યબિંદુ’ છપાઈ.

  • આપ્ના ગમતા ગુજરાતી લેખક?
  • અશ્ર્વિની ભટ્ટ, ચન્દ્રકાન્ત બક્ષી અને હરકિશન મહેતા (ક્રમ એ.બી.સી.ડી. પ્રમાણે છે, બાકી ત્રણેય એકસરખા ગમે છે.)

  • આપ્ને ગમતાં ગુજરાતી પુસ્તકો?
  • ઘણાં... એક-બેનું નામ લઈ શકાય તેમ નથી.

  • આપ્ના પિતાજી વિશે?
  • અમે દોસ્ત હતા. અમારી વચ્ચે પિતા-પુત્રીનો સંબંધ પ્રમાણમાં ઘણો ઓછો રહ્યો છે. હું મારા પપ્પાને અથવા ડેડીને અથવા પિતાજીને ‘બાપુ’ કહું છું... આખીય અખબારી આલમ અને મોટા ભાગના એમના મિત્રો પણ એમને ‘બાપુ’ કહેતા થઈ ગયેલા. અમે બાપ-દીકરી ઓછાં, સહકાર્યકર અથવા મિત્રો વધારે રહ્યાં છીએ અને અમારી વચ્ચે ‘થેન્ક યુ’, ‘સોરી’ કે ‘પ્લીઝ’ જેવા શબ્દોના ઉપયોગની ક્યારેય જરૂર નથી પડી. એમણે મને આખી જિંદગી એક પુખ્ત વ્યક્તિ તરીકે અથવા દોસ્ત તરીકે જ સ્વીકારી છે. કદાચ અમે આ બધા શબ્દોથી ઉપર જતો રહેલો એક નવો સંબંધ વહેંચતાં હતાં, જેમાં અમને આવી ઔપચારિકતાઓની ક્યારેય જરૂર પડી જ ન હતી. હું એમના જેવી છું... એવું બધા કહે છે. પણ હું નથી માનતી, કારણ કે જિંદગી આખી મેં એમના પડછાયામાંથી નીકળીને સાવ જુદા જીવવાનો, જુદા બનવાનો પ્રયાસ કર્યો છે - અજાણ્યે નહીં, જાણી જોઈને! અને એમ કરવાનું પણ મને એમણે જ શીખવ્યું છે.

  • આપ્ની દ્રષ્ટિએ આપ્નું શ્રેષ્ઠ સર્જન?
  • મારાં બે સંતાનો.

  • ગુજરાતી લેખકો અને સાહિત્યકારો વિશે શું વિચારો છો?
  • હું માનું છું ત્યાં સુધી ગુજરાતી ભાષાના લેખકોએ અપડેટ થવાની બહુ જરૂર છે. પોતાની ભાષા પૂરતા સીમિત રહીને એમાં જ રાચતા રહેલા કોઈ લેખકો ક્યારેય સફળ થઈ શક્યા નથી કે વધુ વાચકોને પોતાના સુધી લાવી શક્યા નથી. ક્લિષ્ટ, સુષ્ઠુ અને અઘરી ગુજરાતી ભાષા ‘સાચી અને શ્રેષ્ઠ’ ભાષા છે એમ માનનારાઓએ એટલું સમજવું અને વિચારવું જોઈએ કે વાચક વાંચે એ ભાષા... હું મારું કામ કરું છું અને વડીલોથી શરૂ કરીને મારા પછીની પેઢી સુધી સહુના કામનો આદર કરું છું. મારી નિષ્ઠા મારી ભાષા પ્રત્યે છે, એટલે ગુજરાતીમાં લખનારા દરેક માટે મને સન્માન છે જ!

  • ગુજરાતમાં મહિલા લેખકો બહુ ઓછાં છે. શા માટે?
  • હું જ્યાં સુધી સમજી શકી છું ત્યાં સુધી સ્ત્રીના લેખનમાં એની આત્મકથા શોધવા નીકળતા વિવેચકો કે એના લખાણને ચૂંથી-ચૂંથીને એમાંથી ‘રસ ટપકાવતા’ ભાષાવિદો અને જ્ઞાનીઓએ એટલું સમજી લેવાની જરૂર છે કે સ્ત્રીલેખકો વધે અથવા સ્ત્રીઓ પ્રામાણિક રીતે લખે એવી એક ટકો પણ ઇચ્છા હોય તો સ્ત્રીની પ્રામાણિકતાને સ્વીકારવાની તૈયારી રાખવી પડશે.

  • કાજલ ઓઝાની જિંદગી એક વાક્યમાં વર્ણવવી હોય તો?
  • રોમાન્સ વિથ ડિઝાસ્ટર!!

  • તમારા વિશે એવી વાત જે વાચકોને જણાવવી જોઈએ.
  • અઢાર વર્ષની ઉંમરે મેં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો... જેના માટે કર્યો હતો એને આજે જોઉં છું તો હસવું આવે છે! અને, પાછી ફરીને જોઉં છું તો સમજાય છે કે ઈશ્ર્વરે મને જિવાડવાનું નક્કી કર્યું હતું, કદાચ એટલે જ એ વખતે બચી ગઈ. ‘એની’ ડિઝાઇન નક્કી હોય છે. ‘એ’ તમને જે કામ કરવા મોકલે છે એ કર્યા વિના પાછા આવવાનો અધિકાર તમને નથી આપતો! મારે જે કામ કરવાનું હશે એને માટે હું હજી અહીં છું. જે દિવસે મારું કામ પૂરું થશે એ દિવસે મારી ઇચ્છા વિરુદ્ધ પણ મને પાછી બોલાવી લેતાં એ અચકાશે નહીં!(૩)

  • 'કાજલ ઓઝા વૈદ્ય' કઈ રીતે બન્યા?
  • સાચું કહું તો મેં વિચાર્યું નહોતું કે હું લેખિકા બનીશ. હું માત્ર એક ગૃહિણી બનવા ઈચ્છતી હતી. પણ સંજોગો એવા આવ્યા કે મારે કમાવું પડ્યું. ઘર ચલાવવા, મારા ઉત્તરજીવન માટે મારે કંઇક કરવાની ફરજ પડી અને ત્યાંથી વિચારોની શ્રુંખલા શરુ થઇ જે છેલ્લા સાત વર્ષથી 52 પુસ્તકોમાં પરિણમી.

  • તમારા પુસ્તકોમાં દરેક સંબંધ વિશે ઘણી નજીવી વાતો પર પ્રકાશ નાખવામાં આવતો હોય છે. સંબંધ વિશે તમારું શું માનવું છે?
  • તમારા જીવનમાં શાંતિની પળો માણવા સંબંધો ખૂબ જરૂરી હોય છે. જે વ્યક્તિ એવું કહે છે કે મને કોઈની જરૂર નથી એને ખરેખર સૌથી વધારે માણસોની જરૂર હોય છે. જીવનમાં ટકી રહેવા માટે સંબંધ અનિવાર્ય છે અને હું એવું માનું છું કે કેટલાક સંબંધો જીવનમાં એવા હોય કે જે તમારી તાકાત બની રહે છે. તમે જે કઈ છો એનું કારણ એ સંબંધો છે.

  • તમે પહેલેથી જ સાહિત્યિક વાતાવરણમાં ઉછરેલા છો. આ સમગ્ર જર્નીમાં તમારા પિતા દિગંત ઓઝા અને લેખક ચંદ્રકાન્ત બક્ષી સિવાય અન્ય કયા ભારતીય અને વિદેશી લેખકોનો તમારા સાહિત્ય પર પ્રભાવ પડ્યો? કેટલો?
  • આ પૈકી સૌથી પ્રિય લેખક કે સાહિત્યકાર કયા છે? શા માટે?

    હા, હું જર્નાલિઝમના બેકગ્રાઉન્ડમાંથી આવું છું. ચંદ્રકાન્ત બક્ષી, અશ્વિનકાકા(અશ્વિની ભટ્ટ) કે હરકિસન મહેતા સાથે પહેલેથી સંબંધ હતા પણ એમના સિવાય બીજા ઘણા લેખકોને મેં ખૂબ વાંચ્યા છે. મારું વાંચન પુષ્કળ છે. શેલ્ફ પર દેખાતા નાનામાં નાના પુસ્તકથી લઈને બધા જ પ્રકારના પુસ્તકો હું વાંચુ છું. સ્વામી સચ્ચિદાનંદની ગીતાથી લઈને વિદેશી લેખક હ્યુઘ પ્રેથરના પુસ્તકોમાં પણ હું રસ ધરાવ છું. ટુંકમાં, મને શેલ્ફ પર જે જડે અને જે વાંચવા જેવું લાગે એ હું વાંચું છું. પણ આ પૈકી મને અમ્રિતા પ્રીતમ એમની પ્રામાણિકતા માટે ખૂબ જ ગમે છે.

  • મુંબઈના દરિયાકિનારાથી લઈને ગુજરાતના કોઈ એક ટિપીકલ શહેર સુધીના તમામ દ્રશ્યો તમે આબેહૂબ વર્ણવ્યા છે. આ માટે તમે તૈયારી કેવી રીતે કરો છો? અને આ માટે તમે સંશોધનને કેટલું મહત્ત્વ આપો છો?
  • હું ખૂબ ટ્રાવેલ કરું છું અને એ સફર દરમિયાન મળતા લોકોના હાવભાવ, એમના ઊઠવામાં, બેસવામાં મને ખૂબ રસ પડે. હું ‘કીન’ ઓબ્સર્વર છું. એટલે મને અવલોકનો કરવાની એક અલગ જ મજા આવે. હું કલાકો સુધી સ્ટેશન પર બેસીને ટ્રેઈનની રાહ જોય શકું અને છતાંય મને સહેજ પણ કંટાળો ન આવે. હું જ્યારે કાર્યક્રમમાં જાઉ ત્યારે એકબીજા સાથે જે વાતો થતી હોય, એકબીજા સાથે કંઇક શેર થતું હોય, આસપાસ શું થઇ રહ્યું છે એ બધું હું ખૂબ એન્જોય કરું. હું જે શહેરમાં જાઉ, જેમકે સુરત આવું ત્યારે અહીનું વાતાવરણ કેવું, લોકોનો ખોરાક કેવો, લોકો કેટલા ફૂડી હોય એવા ઘણા નિરીક્ષણો અને જ્યારે રાજકોટ જાઉ ત્યારે લોકોનો બપોરે કામ ન કરવાનો અભિગમ, આ બધું જ મને ખૂબ અપીલ કરે છે. એટલે મને મૂળભૂત રીતે માણસ જ રસપ્રદ લાગે. જો તમે માણસમાં રસ લેવા લાગો તો આવા વર્ણનો ખૂબ સરળ બની જાય છે. કોઈ પણ વસ્તુનું વર્ણન કરવા માટે મારે પ્રયત્નો નથી કરવા પડતા, પરંતુ મારા માટે એ એક મજાની વસ્તુ બની રહે છે.

  • તમે સ્ત્રીની મનોવ્યથાને ખૂબ ઊંડાણપૂર્વક રજૂ કરી શકો છો. તમારા એક પ્રવચનમાં તમે કહેલું કે, મારી દરેક નવલકથાના પાત્રોમાં મારો અંશ રહેલો છે કારણકે એ સીધા હૃદયથી નીકળીને લોકોના હૃદય સુધી પહોંચે છે. તો, આ પૈકી કયા પાત્રએ કાજલ ઓઝા વૈદ્યનું પ્રતિબિંબ મહત્તમ અંશે ઝીલ્યું છે?
  • (સહેજ પણ વિલંબ વગર) દ્રૌપદી. હું મહત્તમ રીતે પોતાને ‘દ્રૌપદી’ સાથે સાંકળી શકું છું.

  • તમારા એક પ્રવચનમાં "હું મેઈન સ્ટ્રીમમાં જ લખીશ. હું ડરીશ નહીં" એવા તમારા સૂચનો સાંભળવા મળ્યા હતા. એક સ્ત્રી તરીકે લખાણમાં આટલી મક્કમતા અને સ્પષ્ટતા કઈ રીતે ઉદભવી? અને સમાજમાં શું બદલાવ આવ્યો?
  • હજી સુધી સમાજમાં સ્ત્રીઓના લખાણ માટે એક નિશ્ચિત સ્થાન અને સીમા હતી. સ્ત્રીઓ પોતાના પુસ્તકો લખે, એના એક બે પુસ્તકો હોય અને કંઇક નાની નાની માહિતી હોય. સ્ત્રીઓ અને પુરૂષો માટેના માપદંડ અલગ હતા. પણ હવે સ્ત્રીઓના પુસ્તકો પણ બેસ્ટસેલર થઇ શકે છે એવો એક અભિગમ કેળવાયો અને એથી જ સમાજમાં ઘણો બદલાવ આવ્યો. અશ્વિની ભટ્ટ, હરકિસન મહેતાની જેમ સ્ત્રીઓના લખાણને પણ એટલા જ વાચકો મળે છે, એમના પુસ્તકોને વેચવાની જરૂર નથી પડતી.

  • તમારા પુસ્તકો હવે અંગ્રેજીમાં પણ અનુવાદિત થયા છે અને અમિતાભ બચ્ચને "કૃષ્ણાયન"નો પોતાના બ્લોગ પર પણ ઉલ્લેખ કર્યો છે. એક ગુજરાતી સ્ત્રી લેખક માટે આ બાબત કેટલી મહત્ત્વની છે?
  • મારી સફળતા કરતા હું આ મારી ભાષાની સફળતા ગણું છું અને એ મારા માટે ખૂબ મહત્વની બાબત છે. એક એવી અગત્યની લાગણી થાય છે કે ક્યાંક લેખિકાઓની પણ નોંધ લેવાય છે અને એને લીધે મારી પાછળ બીજી અનેક લેખિકાઓ માટે રસ્તો ખુલ્યો છે એવું હું માનું છું. મેઈન સ્ટ્રીમમાં સ્ત્રીઓ લખી જ નહીં શકે એ આખી એક વિચારસરણી જ ભાંગી પડી છે અને એટલે જ હવે સ્ત્રીઓ જે વિચારે, ઈચ્છે એ તમામ વસ્તુ મુક્તપણે લખી શકે છે.

  • એક પ્રતિષ્ઠિત, અગ્રીમ નવલકથાકાર તરીકે વાચકો પ્રત્યે તમારી શું ફરજ હોય છે?
  • હું ખૂબ પ્રામાણિક છું. જ્યારે પણ કોઈ નવલકથા કે પછી સેમિનારમાં કશુંક લોકોને માર્ગદર્શન આપતી હોઉં ત્યારે હંમેશાં મને એક પ્રશ્ન થાય છે કે શું હું લાયક છું આ બધાને? મારા થકી કોઈ ખોટા વિચારો તો સમાજમાં નથી ફેલાતા ને? દિનપ્રતિદિન મારા વાચકોની સંખ્યા સાથે મારી જવાબદારીઓ પણ વધે છે અને આથી હું મારા શબ્દો માટે ખૂબ સાવચેત રહું છું. મારું કામ નિષ્ઠાપૂર્વક કરવું એને હું મારી જવાબદારી ગણું છું.

  • લખતી વખતે તમને કોઈ ચોક્કસ માહોલ કે પછી વસ્તુઓની જરૂર રહે છે?
  • મારી પાસે એવી કોઈ પસંદગી હોતી જ નથી. પણ આમ છતાં, છેલ્લા કેટલાક સમયથી હું જાતે લખતી નથી. પણ હું બોલું અને બે ટાઈપિસ્ટસ એ લખે છે. એટલે ઘણી વાર મારો દીકરો કહે પણ છે કે આ કાજલ ઓઝા વૈદ્ય ‘લિખિત’ નથી પણ ‘બોલિત’ છે.

  • તમારી યોગ-વિયોગ નવલકથામાં સ્કિઝોફ્રેનિયાથી પીડિત એક ટોચની અભિનેત્રી અનુપમા ઘોષનું વર્ણન હતું, જે અલયના પ્રેમનો વિરહ સહી ન શકતા આત્મહત્યા કરે છે અને હાલમાં જ પ્રેમમાં નિષ્ફળ થયા બાદ જીયા ખાનનો પણ કંઇક આ જ અંત આવ્યો? આ કેટલા અંશે યોગ્ય છે? આત્મહત્યા વિશે તમે શું માનો છો?
  • આત્મહત્યા કરવાનો પ્રયાસ મેં પણ કર્યો હતો. પણ હું બચી ગઈ, એટલે આજે તમારી સમક્ષ વાતો કરી શકું છું, આ સફળતાને પામી શકું છું. આ પ્રયાસ કર્યા બાદ હું એટલું તો સમજી જ ગઈ કે જે દુનિયા તમે જોઈ નથી, જે વિષે તમને ખ્યાલ જ નથી ત્યાં જઈને સુખી થવાશે એમ વિચારી હાલમાં જીવી રહેલા જીવનનો અંત કરવો એ એક મિથ્ય માન્યતા છે. હું આત્મહત્યાના વિચારને જ બુદ્ધિહીન ગણું છું. ખરેખર જીવવા માટે હિંમત જોઈએ. મરવા માટે હિંમતની જરૂર જ નથી. હું આત્મહત્યાના વિચારમાત્રનું પણ સમર્થન નથી કરતી. એ માત્ર એક નપુંસક વિચાર છે.

  • તમારી એક નવલકથામાં આ વાક્યોનો ઉલ્લેખ થયો છે: "ખરેખર માણસની સ્મૃતિ કરતા એની ખાલી પડેલી જગ્યાનો ખાલીપો વધારે ભયાવહ અને પીડાદાયક હોય છે."તથ્યોને શબ્દોમાં આટલી સ્પષ્ટતા સાથે લખવાની ખુમારી એક ગુજરાતી લેખિકા તરીકે તમને અલગ જ તારવે છે. આ કળા કઈ રીતે વિકસાવી?
  • હું આ દરેક ક્ષણ જીવી છું અને મને આ તમામ અનુભવો થયા છે. નવલકથાના લગભગ બધા જ શબ્દોને મેં અનુભવ્યા છે. જ્યારે તમે એકલા હોવ ત્યારે કેવો અનુભવ થાય, કોઈ તમને તરછોડે ત્યારે કેવો અનુભવ થાય, જ્યારે તમે સાવ ભાંગી પાડો ત્યારે તમારી સ્થિતિ શું હોય, આ બધું જ હું જીવી છું અને એટલે જ આ તમામ લખાણ ખૂબ ‘ટેન્જીબલ’ છે. તમે દરેક લાગણીઓને સ્પર્શી શકો છો. જિંદગીમાંથી લીધેલા તાણાવાણા વણીને એમાંથી પોત બને છે અને કદાચ એટલે જ આ બધી વસ્તુઓ મારા હૃદયની ખૂબ જ નજીક છે.

  • 'દરેક માનવીમાં એક નવલકથા છુપાયેલી હોય છે'.આ વાક્યમાં તમે કેટલું તથ્ય જુઓ છો?
  • હા, હું દ્રઢપણે માનું છું. મારા મત પ્રમાણે તો દરેક માનવીમાં એક નહી એક કરતા વધુ નવલકથાઓ રહેલી હોય છે પણ આજના વ્યસ્ત માહોલમાં આપણને કોઈકને શાંતિથી જોવાનો, સાંભળવાનો સમય જ નથી. દરેક વ્યક્તિની બે બાજુઓ હોય છે. એક સારી અને બીજી નરસી. આપણે હંમેશાં નરસી બાજુ જ જોતા આવ્યા છે પરંતુ જ્યારે સારી બાજુએ ધ્યાન આપીશું ત્યારે ઘણી બધી સમસ્યાઓનું નિવારણ થઇ જશે.

  • લંડનમાં સ્ટ્રીટ મ્યુઝિસિયન કાર્લના મધુર સંગીતથી અભિભુત થઈને, એને ભેટીને રડનાર કાજલ ઓઝા વૈદ્યનું એ કયું સ્વરૂપ હતું?
  • એ ‘કાજલ ઓઝા વૈદ્ય’નું નહીં, માત્ર ‘કાજલ’નું સ્વરૂપ હતું. દરેક વ્યક્તિમાં બે પ્રકારનું વ્યક્તિત્વ રહેલું હોય છે. એક, જે ક્યારેક જ બહાર નીકળે છે કે પછી એમ કહું કે એને આપણે ક્યારેક જ બહાર નીકળવા દઈએ છીએ. કારણ કે, સમાજમાં આપણી એક પ્રતિષ્ઠા છે. પરંતુ હું જાણતી હતી કે કાર્લ માટે હું તદ્દન અજાણી છું. એ મને જજ નહિ કરશે અને કરે તો પણ મને કંઈ ખાસ ફરક નહીં પડશે. આપણે સૌ આ જ પ્રકારે ઘડાયેલા છીએ. જ્યારે કોઈ આપણને જજ નથી કરતુ ત્યારે એ બીજી વ્યક્તિ બહાર આવે છે. લંડનના એ સમયની હૂંફ હું હજી સુધી અનુભવી શકું છું અને હું ચોક્કસપણે કહી શકું કે એ વ્યક્તિ ખૂબ ઉમદા સ્વભાવની હશે.

  • આજની ટેલીસોપ્સમાં આવતી સ્ત્રીઓ અને તમારી નવલકથામાં વર્ણવાયેલી સ્ત્રીઓમાં આટલો તફાવત શા માટે? નવલકથામાં હોય એવી સ્ત્રીઓ પર શા માટે કોઈ હીટ ધારાવાહિકો બનતી નથી?
  • હું ખરેખર આ બધી સિરીયલોને નિરર્થક ગણું છું. આ તો આપણે જોઈએ છીએ એટલે ચાલે છે. નહીંતર આવી ધારાવાહિકોને પ્રોત્સાહન ન જ મળવું જોઈએ. મારી પાસે ઘણી દરખાસ્તો આવે છે પરંતુ મને આવી અયોગ્ય વાતો લખવાનું નથી ગમતું. હું હાલમાં એક માત્ર ધારાવાહિક લખું છું ‘છૂટાછેડા’ જે ઈટીવી ગુજરાતી પર આવે છે અને હું માનું છું કે હું કંઇક અર્થપૂર્ણ કામ કરી રહી છું.

  • ભવિષ્યમાં સંબંધો ઉપરાંત કયા વિષય પર લખવાનું પસંદ કરશો?
  • હું ચોક્કસપણે ‘દ્રૌપદી’ની જેમ જ અન્ય સ્ત્રીઓ, જેમકે મંદોદરા, શિખંડી, યશોધરા, વૃશાલી( કર્ણની પત્ની) જેવી અનેક સ્ત્રીઓ જેને હંમેશાં અવગણવામાં આવી છે એ વિશે લખવાનું પસંદ કરીશ.

  • આજના યુવા લેખકો ખાસ કરીને લેખિકાઓ માટે કોઈ ખાસ સૂચના કે માર્ગદર્શન?
  • હું માત્ર એક જ વાત સમજુ છું કે બને એટલા પ્રામાણિક બનો. તમે જે અનુભવો છો એ જ લખો અને એ જ વર્ણવો. લોકોને શું ગમે છે, શું વાંચવું છે એ પ્રમાણે ન લખો. એવા તો ઘણા પુસ્તકો ઉપલબ્ધ છે જ પણ તમારી લાગણીઓ, તમારા અનુભવો એ માત્ર તમારા છે અને એ, લોકો નિશ્ચિતપણે વાંચશે. તમારા લખાણને વંચાવવા માટે લોકોને કેળવો અને હું નવી પેઢી પાસે પરિવર્તનની આશા રાખું છું. આજના યુવાનો માટે મને બહુ માન છે.

  • તમારી સૌથી નજીક હોય એવી એક નવલકથા કઈ? શા માટે?
  • મૌન-રાગ. કારણકે, એમાં સ્ત્રીની લાગણીઓનો સાચો અર્થ ઉજાગર કરવામાં આવ્યો છે. ખૂબ નિખાલસતાથી એક જ સ્ત્રીના ઘણા સ્તરો એમાં વર્ણવ્યા છે. જેમ જેમ વાંચતા જઈએ તેમ તેમ કંઇક નવું એ સ્ત્રી વિશે જાણવા મળતું રહે અને એટલે જ એ મારા માટે રસપ્રદ છે. આ ઉપરાંત, ‘મધ્યબિંદુ’ પણ મને પસંદ છે.

  • ચિત્રલેખામાં પ્રસિદ્ધ થઇ ગયેલી નવલકથા 'ધુમ્મસને પેલે પાર' ખૂબ જ થોડા સમયમાં ખૂબ જ લોકપ્રિય બની છે. એ પરથી તમે શું તારણો કાઢો છો? વાંચકો કયા વિષયવસ્તુને મહત્વ આપે છે?
  • લોકોને પ્રામાણિકતા ગમે છે. અહીં મહત્વનું એ છે કે તમે નવી વાત કરી અને છતાં હકીકતને સ્પર્શીને વાત કરી, લોકોને આ જ વાંચવું ગમે છે. તમે જે લખો છો એ મન સુધી પહોંચવું જોઈએ. લોકોને આદર્શ વાતો નથી ગમતી. લોકો તમારી કથાને, એના પાત્રોને પોતાની સાથે સાંકળી શકે એ પ્રકારનું વર્ણન એમને ગમે છે.

  • હવે પછીના વર્ષોમાં કાજલ ઓઝા વૈદ્ય પોતાને કયા સ્થાને જોવા માંગે છે?
  • (એક મુક્ત હાસ્ય સાથે) હું ખરેખર નથી જાણતી. મને જે પ્રેમ, શ્રધ્ધા અને સન્માન વાચકો તરફથી મળ્યા છે એનાથી હું ખૂબ સંતુષ્ટ છું. મને મારી જિંદગીથી હવે બીજા કશાની અપેક્ષા નથી કારણકે, કોઈને પણ આ ઉંમરે જેટલું પણ મળી શકે એના કરતા વધુ મને મળ્યું છે. કોઈ પણ આ ઉંમરે જીવી શકે એનાથી વધુ હું જીવી છું અને આ ઉંમરે કોઈ પણ અનુભવી શકે એના કરતા વધારે સંબંધો મેં અનુભવ્યા છે. બસ, એટલે જ હું તૃપ્ત છું અને આ માટે હું રોજ મારા ઈશ્વરનો આભાર માનું છું.(૪)

  • આપની જિંદગીમાં એવી કોઈ ઘટના ઘટી છે કે આપને લાગ્યું હોય કે ઈશ્વર મારી સાથે હતા?
  • સો ટકા, એકથી વધારે ઘટનાઓ છે કે દરેક વખતે મને એવું લાગ્યું છે કે જ્યારે જ્યારે હું પડી છું ત્યારે મને બચાવી છે. આવું એક વાર નહીં પણ અનેક વાર થયું છે. હાલની જ વાત કરું તો હું કૈલાસ માનસરોવર જઈ રહી છું તે હમણાને હમણાં ત્રીજીવાર ઈન્વિટેશન આવ્યું. પહેલી વાર પૈસા બચાવેલા તે મેં મારા દિકરાને યુરોપ મોકલવામાં વાપરી નાખ્યા એટલે મને થયું આ વખતે નહીં જવાય, ત્યાં બીજી ટ્રાવેલ એજન્સીનો મેસેજ આવ્યો કે તમે જાઓ અને લખો અમારા વિશે ત્યારે હું તૈયાર થઈ, તો ઉત્તરાખંડનું થયું તો તે લોકોએ કેન્સલ કર્યું તો થયું ફરી કેન્સલ થયું. આ ત્રીજું ઈન્વિટેશન છે સેમ સીઝનમાં તો સંકલ્પ તમારા મનમાં હોય તો આઈ થિંક યુ ડૂ મેઈક ઈટ લાઈફ.

  • આજે આપ જ્યાં છો તે શું તમારું સ્વપ્ન કે વિચાર હતો?
  • ના..રે... મારે એકદમ હાઉસ વાઈફ થવું ‘તું, કમાવાનો તો મને વિચાર જ નથી આવ્યો. મારે કંઈ કરવું જ નહોતું. લખવું તો શું કમાવાનું પણ સુઝ્યું ન હતું. હું સારી ગૃહિણી, સારી માતા બનવા ઈચ્છતી હતી. આજે હું જ્યાં છું તે ઈશ્વરે નક્કી કરેલી જગ્યા છે અને હું આનંદથી જઉં છું.

  • આપના જીવનમાં ધર્મની કોઈ ભૂમિકા છે? છે તો કેવી રીતે?
  • ધર્મની ભૂમિકા બીલકૂલ નથી, અધ્યાત્મની ભૂમિકા છે. હું સ્પ્રિચ્યુઅલ છું. અધ્યાત્મમાં મને એમ લાગ્યું છે કે એક કનેક્ટ છે મારું, સુપર પાવર સાથે. હું કાં તો બધા જ ધર્મમાં માનું છું ને કાં તો કોઈ ધર્મમાં નથી માનતી.

  • જીવનમાં ખુશી રહેવા માટે આપનો મંત્ર શું છે?
  • ‘ઈટ્સ ઓકે’...આપણા હાથમાં કશું છે જ નહીં, પ્રયત્ન કરવા સિવાય આપણે કશું કંઈ કરી શકતા નથી. પ્રયત્ન કરવો અને પછી છોડી દેવું, રિઝલ્ટને સ્વીકારી લેવું. હું બહુ અફસોસ નથી કરતી, બહુ ધમપછાડા નથી કરીતી. સામાન્ય રીતે ડિવાઈન ડિઝાઈનનો ભાગ બની જાઉં છું. હું વિચારું છું કે તે જે નક્કી કર્યું છે તેમ જ જો થવું હોય તો હું તે સ્વીકારું છું.

  • તમારા માટે સુખની વ્યાખ્યા શું હોઈ શકે? ભૌતિક કે માનસિક?
    માનસિક. સો ટકા. ભૌતિક સુખ નથી જોઈતું એવું નથી. મને કપડા સારા પહેરવા ગમે, મને બેસ્ટ પરફ્યૂમ્સ ગમે, મને ફાઈવસ્ટાર લક્ઝૂરી ગમે, પણ એ બધા પછી મારે માટે ખુશ રહેવું, માનસિક શાંતિ વધુ જરૂરી છે. એટલે મારા મિત્રો મારી દુનિયા, એના વગર મને ન ચાલે.
  • આપને મૃત્યુનો ડર લાગે છે?
  • જરાય નહીં ને. મને મૃત્યુ વધારે રોમેન્ટિક લાગે છે. કેવી રોમેન્ટિક હશે તે જગ્યા જેના વિશે હું જાણતી નથી, મેં જોઈ નથી. પણ એવો ડર મને ચોક્કસ લાગે છે કે મારે ડિપેંડન્ટ થઈને નથી મરવું, એટલે કામ કરતા કરતા ફટાક દઈને જીવ નીકળી જાય એવી પ્રાર્થના હું ઈશ્વરને કર્યા કરું છું.

  • પુનર્જન્મ જેવું કશું હોઈ અને આપને પસંદગી આપવામાં આવે તો આપ બીજા જન્મમાં શું બનવા ઈચ્છો?
  • જે છું એ જ. મને કંઈ જિંદગી વિશે અફસોસ નથી. મને પસંદગી મળે તો હું એવું પ્રિફર કરું કે મારું બાળપણ જેવું હતું તેના કરતા થોડું જુંદું હોઈ. બાકી કંઈ ફેર નથી પડતો. મજા છે. બહુ સારી રીતે જીવું છું?

  • ધર્મ અને અધ્યાત્મને આપ કેવી રીતના તફાવત જુઓ છો?
  • મારા માટે દિવો કરવો કે એવું રહી જાય તો મારા માટે એ બધું અપિલ નથી કરતું. મને મારી જાત સાથે મજા આવે છે. પણ અધ્યાત્મ વિશે એવું ખરું કે હું મારી પ્રામાણિકતામાંથી ચૂકું નહીં, મારો આત્માનો અવાજ હું સાંભળું. મારી સિક્સ્થ સેન્સ મને કહે છે બધું. કે આ કરવું અને આ ન કરવું. કશું ખોટું થતું હોય તો મારી સિક્સ્થ સેન્સ મને અટકાવે છે, એવું મને હંમેશા લાગ્યું છે.

  • આપની સફળતાનો શ્રેય તમે કોને આપવા ઈચ્છો?
  • મારા સંઘર્ષને. મરી પીડાએ મને હું જે છું તે મને બનાવી છે. હું ખરેખર સખત મહેનત કરું છું, હું સુપર રાઈટર છું એવો વહેમ મને થયો જ નથી. મને હંમેશા એવું લાગ્યું છે કે હું મિડિયોકર લેખક છું, બહુ મધ્યમ પ્રકારનું કામ કરું છું. મારામાં કોઈ એવી મર્મહંશ સર્જનાત્મકતા જેવો વહેમ નથી. પણ હું એવું ચોક્કસ માનું છું કે હું જેવું લખું છું, તેવું જીવું છું. હું પ્રાણાણિક અને સખત મહેનતું છું. આ બે વસ્તુ મારા માટે જરૂરી છે.

  • આપના જીવનસાથીની સૌથી સારી અને ખરાબ કોઈ એક બાબત?
  • મારા જીવનસાથીની સૌથી ખરાબ બાબત એની બેજવાબદારી અને સૌથી સારી બાબત એને મને જે ફ્રિડમ આપ્યું છે તે. મારી સ્વતંત્રતાને એને જે સન્માન આપ્યું છે એવી રીતે ભાગ્યે જ કોઈ ભારતીય પુરુષ આપી શકે. હું ગુજરાતી નથી કહેતી, ભારતીય પુરુષ કહું છું. તેણે ખરેખર મને સ્વતંત્રતા અને પસંદગી આપી છે. હું જે છું તે મને એણે રહેવા દીધી છે, એટલે હું બહુ જ એ વિશે માર્ક આપું. અને તે મહાબેજવાબદાર છે એ એનું બીજું ખરાબ પાસું છે.(૫)(૬)

    સંદર્ભ :-

    (૧) "kaajaloza vaidhya’s Books". Retrieved December 30, 2012.

    (૨) બાહ્ય કડીઓ - કાજલ ઓઝા-વૈદ્યની અધિકૃત વેબસાઈટ.

    (૩) મુલાકાત સંદર્ભ :-

    http://www.sadhanaweekly.com/article.php?catid=186issue_date=2012-04-28 ૨૮મી એપ્રિલ, ૨૦૧૨ના રોજનું ‘સાધના’ સામાયિકમાંથી સાભાર – રાજ ભાસ્કર સાથેની ગોષ્ઠિ.

    (૪) મુલાકાત સંદર્ભ:-

    http://gujaratguardian.in/E-Paper/06-25-2013Suppliment/index.html

    2૫મી જૂન, ૨૦૧૩ના રોજની ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ " કલ્ચર ગાર્ડિયન"માંથી સાભાર

    (૫)મુલાકાત સંદર્ભ :

    ૯મી ઓગષ્ટ, ૨૦૧૩નાં ‘દિવ્યભાસ્કર’ અખબાર-વેબસાઇટ પરથી સાભાર.

    http://divyabhaskar.co.in/news/referer/3776/WEL-CH-exclusive-interview-oza-vaidya-4343488-PHO.html?referrer_url

    (૬) http://gu.m.wikipedia.org/wiki/કાજલ_ઓઝા-વૈદ્ય

  • કલમ અને કંઠની દેવી કાજલ ઓઝા વૈદ્ય....
  • લિવ લાઇક કિંગ સાઇઝ, લિવ લાઇક એન એમ્પેરેર, એન્ડ નેવર એ ડાઇ ઈન એની સિચ્યુએશનમાં માનનાર કાજલ ઓઝા વૈદ્યનાં પત્રકારત્વ અને સાહિત્યજીવનનાં કટાર લેખન ક્ષેત્રે વિવિધ આયામો અને અનુભવોનો અભ્યાસ કરતાં માલૂમ પડે છે કે, આ સ્ત્રી-લેખિકા જેવું કાળજાથી જીવી છે તેવું જ કલમ વડે તેમના વ્યક્તિત્વની માફક બૉલ્ડ અને બ્યૂટિફૂલ સાહિત્ય કાગળ પર કંડારી શકી છે. આંગળીનાં વેઢાથી ગણી શકાય તેટલી જ સ્ત્રી-લેખિકાઓ/કૉલમનીસ્ટોમાં કાજલ ઓઝા વૈદ્યનું કટાર લેખનની શરૂઆત ક્યાં પ્રકારે શરૂ થઈ એ તેમના પરિચય બાદ તેમના મારફત જાણવું બહું રસપ્રદ છે.

    એકવાર હું અશ્વિની ભટ્ટને ત્યાં ગઈ. મારે નોકરી જોઈતી હતી. તેમણે કહ્યું કે ‘કાલથી ‘સંદેશ’માં આવી જા પરંતુ એક શરત છે : હાલમાં સુનીલ ગવાસ્કર અહીં અમદાવાદમાં છે. જા…, ઈન્ટરવ્યૂ કર. જો તું ઈન્ટરવ્યૂ લઈને આવે તો તારી નોકરી પાક્કી….’ મારે કોઈ ઓળખાણ નહીં. મારા પિતા દિગંત ઓઝા તો મદદ કરે જ નહિ, એવું નક્કી જ હતું. ત્યાંથી એક યાત્રા શરૂ થઈ. એને સંઘર્ષ ગણો તો સંઘર્ષ, સર્જન ગણો તો સર્જન અને સમજદારી ગણો તો સમજદારી…. આવો એક પ્રવાસ શરૂ થયો અને આજે તમારી સામે આવીને ઊભી છું.

    સવાલ છે સ્ત્રીની સંવેદના અને લોકપ્રિયતા. પ્રામાણિકતા સ્ત્રીના સર્જનમાં બહુ જવલ્લે જ જોવા મળે છે. આ આક્ષેપ નથી, આ કબૂલાત છે. સૌથી પહેલાં તો આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ કે સ્ત્રી સર્જકો કેમ પ્રામાણિકપણે લખતા નથી? એનું કારણ એ છે કે સ્ત્રીના તમામ લેખનમાં આત્મકથાનો ટૂકડો શોધવામાં આવે છે.

    કાજલ ઓઝાનાં લેખન કરતાં દેખાવ વિશે વાત કરું તો ક્યારેય તેમણે કોસ્મેટિક્સ વાપરવા અને કેવા સ્કર્ટ પહેરવા એ વિશે લખ્યું નથી. તે કહે છે કે,

    હું સાડી પહેરું છું એ મારા સ્ત્રીત્વના પ્રતિનિધિ તરીકે નહીં પરંતુ મને ગમે છે એટલે પહેરું છું. હું Feminist નથી, હું Feminine છું અને મારે એમ જ લખવું છે. મારે સ્ત્રી પરત્વે લખવું છે. સ્ત્રીના મનની વાત લખવી છે. બ્લેક ઍન્ડ વ્હાઈટ ટી.વી.થી શરૂ કરીને પામટોપ અને સ્લાઈડિંગ ફોન અમારી પેઢીએ જોયા છે. આ ટ્રાન્સ્ઝિશનનો સમય છે અને એ સર્જનનો શ્રેષ્ઠ સમય પુરવાર થયો છે. મને તો ખરેખર એમ હતું કે બહુ કોમ્પિટિશન મળશે પરંતુ હકીકતે એમ નથી થયું. હું લોકપ્રિય છું કારણ કે મારી સાથે દોડમાં કોઈ છે જ નહિ! હું એકલી જ દોડું છું. એવા લોકપ્રિય સર્જકો જ મારી સાથે ક્યાં છે, જેની સાથે ઊભા રહીને મારે મારી જાતને સાબિત કરવાની હોય? ચારમાંથી કયું પુસ્તક ખરીદવું એમ જ્યારે નક્કી કરવાનું હોય અને વાચક તમારું પુસ્તક ખરીદે તો તમે લોકપ્રિય છો એમ કહી શકાય. હું કોલમ નથી. હું નવલકથાકાર છું, મારી રીતે અને મારી જગ્યાએ… હું ટેલિવિઝન છું અને એટલે જ તો તમારા ઘરમાં ઘૂસી જાઉં છું અને તમારે મને જોવી જ પડે છે. ‘મોટીબા’ હોય કે ‘એક ડાળના પંખી’ હોય કે ગમે તે. ‘ચિત્રલેખા’ સાથે હું મફત આવું છું! એવા આ સમયમાં વાચક ક્યાંક થોડું વાંચીને જો બીજા પ્રકરણની રાહ જોતો થાય છે તો મેં ક્યાંક કશું કર્યું છે એવું મને માનવાની છૂટ છે.

    હું એ ગૃહિણી માટે લખું છું જે દિવસનું કામ પરવારીને નિરાંતે પોતાનું રસોડું આટોપીને સહેજ તડકો આવતો હોય ત્યાં સોફા પર પગ લંબાવી ‘મધુરિમા’ ખોલે છે અથવા તો ‘ચિત્રલેખા’ ખોલે છે. હું કોઈ જ્ઞાનની વાતો લખવામાં વિશ્વાસ કરતી જ નથી અને હું કોઈ જ્ઞાન આપવા માંગતી નથી કારણ કે મારી પાસે છે જ નહિ. મારે સિમ્પલ લખવું છે. ‘મળ્યું’ એમ શબ્દ લખવાથી ચાલે તો ‘પ્રાપ્ત’ થયું એવો શબ્દ નહીં લખું. મારે સાદુ લખવું છે. મારે એવા લોકો માટે લખવું છે જે લોકો ખરેખર ગુજરાતી વાંચે છે, વાંચવા માંગે છે અને વાંચતા રહેવા માંગે છે. મારો પુરુષવાચક એ છે કે જેણે ઘણું કહેવું છે. જેની પત્નીએ એના પર વર્ષો સુધી દાદાગીરી કરી છે એવા ભય હેઠળ એણે પત્નીને સહન કરી છે કારણ કે જો એ જતી રહેશે અથવા અમુક રીતે વર્તશે તો મારા માબાપનું ધ્યાન કોણ રાખશે? છોકરા મોટા થઈ ગયા છે એટલે તાયફો નથી કરવો – આ મારો પુરુષવાચક છે. મને કોઈ સુફીયાણી કથાઓ કરવામાં રસ નથી અને હું એમ માનું છું કે આ લખાણ, સીધું દિલથી આવે છે અને દિલ સુધી પહોંચી જાય છે. હું કોઈ આડંબર હેઠળ લખતી નથી. હું જે વિચારું છું, જે માનું છું, એવું જ લખું છું અને એવું જ જીવવાનો પ્રયત્ન કરું છું.

    મને હમણાં જ એક દિવસ કોઈક કાર્યક્રમમાં એક જણે પૂછેલું કે ‘બેન, તમે આ બધું લખો છો એ તમારા વર વાંચે છે ખરા?’ ત્યારે ખરેખર મેં મારા પતિ સંજયને ઘરે જઈને પૂછ્યું કે ‘આ જે બધું હું લખું છું એ તું વાંચે છે ?’ એટલે એણે કહ્યું કે ‘શેમાં લખે છે તું ?’ આ સત્ય છે અને આ વાક્ય ‘શેમાં લખે છે તું ?’ એ સ્ત્રીની સંવેદના છે. એણે પોતાનું સર્જન બે રસોઈની વચ્ચે, પતિ જાય પછી, છોકરાઓ પોતાની સ્કૂલે જતાં રહે અને એ લોકો પાછા આવે એની વચ્ચે કરી નાખવાનું હોય છે ! એના સર્જનનો ફક્ત આટલો જ સમય છે ! એમાં વચ્ચે કુરિયરવાળો આવે, એકાદ-બે ફોન આવે, અચાનક બે વણબોલાવેલા મહેમાનો આવે જે કદાચ જમીને જવાના હોય છે! આની વચ્ચે સ્ત્રીએ લખવાનું છે… હું બહુ જ સદભાગી છું કે મારી પાસે પોતાની ઓફિસ છે. હું જુદા પ્રકારની લાઈફસ્ટાઈલમાં જીવું છું પણ આવું નસીબ દરેક સ્ત્રી સર્જકનું નથી. માટે જ, સ્ત્રીની સંવેદના જુદા અવાજ સાથે બહાર આવે છે. આ પીડાનો વિદ્રોહ છે કે વિદ્રોહની પીડા છે ત્યાંથી જ આ સવાલ શરૂ થાય છે.

    સ્ત્રીની સ્વતંત્રતા એ એક અદ્દભુત કલ્પના છે પણ જ્યારે સ્ત્રી હાથ લંબાવીને પોતાની સ્વતંત્રતા માંગે છે ત્યારે એમાં આત્મકથાનો ટૂકડો શોધનારા એટલા બધા છે કે એ બિચારી ચૂંથાઈ જાય છે. દરેકને એવું જાણવું છે કે આ જે તમે લખ્યું છે એવું તમારી જિંદગીમાં થયેલું, બહેન? એક પુરુષ લખતો હોય ત્યારે પત્ની બાળકોને કહે કે ‘શ..શ… અવાજ નહિ કરો, પપ્પા લખે છે…’ હું એક મારા જીવનનો જ પ્રસંગ કહું. બક્ષીબાબુ ગુજરી ગયા એના બે-ત્રણ દિવસ પહેલાં હું એમને ત્યાં ગઈ હતી. એ વખતે હું ત્રણ નવલકથા લખતી. બક્ષીબાબુએ મારા પતિ સંજયને કહ્યું કે ‘પત્ની ત્રણ નવલકથા એક સાથે લખતી હોય તો એક કપ ચા બનાવવી આપવી એમાં પૂણ્ય છે.’ એક સ્ત્રી તરીકે લખવાનું છોડી દેવું તો બહુ સરળ હોય છે. મેં દશ વર્ષ ન લખ્યું કારણ કે મારો પહેલો દીકરો સત્યજીત અઢી વર્ષનો, પડીને ગુજરી ગયો, એ સમયે હું કંઈ જ કરી શકતી નહોતી. એ પછી તથાગતનો જન્મ થયો અને મને એવો ફોબિયા કે હું એને એક મિનિટ છોડું નહિ. કંઈ થઈ જશે તો? એ ફૂલટાઈમ પહેલીવાર સ્કૂલમાં જતો થયો ત્યારે મને સમજાયું કે મારે ખરેખર કંઈક કરવું પડશે. ત્યારે મારી પાસે થોડી ટૂંકીવાર્તાઓ હતી. એ લઈને હું પહેલીવાર બક્ષીબાબુ પાસે ગઈ અને કહ્યું કે મારે આ છપાવવી છે. એમણે કહ્યું મૂકી જા, હું વાંચીશ, જોઈશ અને જો મને ગમશે તો પ્રસ્તાવના લખીશ. એની પ્રસ્તાવનામાં એમણે લખ્યું છે કે આ ૨૦૦૫ની વાર્તાઓ છે. આ ૨૦૦૫ની સ્ત્રી તમારી સાથે વાત કરી રહી છે….

    સ્ત્રી યુવાન લાગવા માંગે છે એટલે એમાં યુવાચેતના છે જ અને એને સમાજની નિસ્બત છે કારણ કે ઈતિહાસ એની આરપાર પસાર થાય છે. સ્ત્રી એ ઈતિહાસની વાહક છે. સંસ્કૃતિનો આખો ભાર એના ખભે મૂકી દેવાયો છે. આ સોસાયટીએ વર્ષોથી બધાને એવું શીખવ્યું છે કે સંસ્કૃતિમાં જે કંઈ થાય છે એ બધું સ્ત્રીની જવાબદારી છે! એ મા છે, બહેન છે, પત્ની છે, ભાભી છે, કાકી છે… પણ એ વ્યક્તિ નથી! સ્ત્રીને એમ કહેવામાં આવે છે કે બધા જ રોલ તમે કરો પણ જો તમે ઊભા થશો અને સવાલ પૂછશો તો તમારી હાલત દ્રોપદી જેવી થશે. બસ, પ્રશ્ન નહીં પૂછવાનો! સ્ત્રી જ્યારે સવાલ પૂછે છે ત્યારે મહાભારત સર્જાય છે અને એવા સમયે સ્ત્રી ભરસભામાં પૂછે છે કે પહેલાં એની જાતને હાર્યા કે મને હાર્યા? આપણને તો ગાડીની ચાવી ગાડીમાં રહી જાય તો પણ મનનું બેલેન્સ હાલી જાય છે જ્યારે ત્યાં તો ભરસભામાં એક રજસ્વલા સ્ત્રીના કપડાં ખેંચવામાં આવે છે અને તો પણ એ એનું બેલેન્સ જાળવી રાખે છે. એથી કહેવાનું મન થાય છે કે સ્ત્રી તો બુદ્ધિશાળી હતી જ. એને મિત્રતા પણ આવડતી હતી. એણે એક શબ્દ પર પાંચ લોકોને નિભાવ્યા. સવાલ માત્ર એટલો છે કે એને આ બધું પ્રોજેક્ટ કરવા દેવાયું જ નહિ. આ કોઈ આક્રોશ, બળાપો કે ફરિયાદ નથી. મને કંઈ રિઝર્વેશન નથી જોઈતું. અમારે ૩૩% નથી જોઈતાં. સવાલ માત્ર એટલો છે કે અમને અમારી વાત કહેવાનો એટલો જ અધિકાર મળવો જોઈએ. જો કોઈ એક લેખકની આત્મકથામાં એણે એના કોઈ નટી સાથેના સંબંધો વિશે લખ્યું હોય અને એને જો ‘પ્રામાણિકતા’ કહેવામાં આવે તો તસ્લીમાની આત્મકથામાંથી ચાર પાના કેમ કાઢવાના? હું અહીંયા કોઈના પર આક્ષેપ કરવા ઊભી નથી થઈ. જો કોઈ પુરુષ એના સ્ત્રી સાથેના સંબંધો વિશે લખે તો એ પ્રામાણિકતા છે પણ જો કોઈ સ્ત્રી લેખક એના સંબંધો વિશે લખે તો એ પ્રામાણિકતા નથી! એને નફ્ફટાઈ ગણવામાં આવે છે. એમાં તો સંસ્કૃતિના પાયા હાલી જાય છે! શું સંસ્કૃતિના પાયા આટલા કાચા છે કે આટલી નાની અમથી પ્રામાણિકતાથી હચમચે છે? એક સ્ત્રી જ્યારે માથું ઉઠાવીને સવાલ પૂછે છે ત્યારે જવાબ નથી માટે માથા ઝૂકી જાય છે. માથા એટલા માટે નથી ઝૂકી જતાં કે એ ભરસભામાં નગ્ન થઈ રહી છે.

    લોકપ્રિયતાની વાત કરીએ તો લોકપ્રિયતા સ્ત્રીને આકર્ષી શકતી નથી. કારણ કે એ તો ૧૫-૧૬ વર્ષની હોય ત્યારથી જ એને ખબર હોય કે બે-ત્રણ છોકરાઓ તો આંટા મારે જ છે! લોકપ્રિયતા તો સ્ત્રીને જુવાન થાય ત્યારથી સમજાવા જ માંડે છે. એટલે જ સ્ત્રી ક્યારેય લોકપ્રિયતા માટે લખતી જ નથી. એ પ્રામાણિક લખી શકતી નથી કારણકે એને બાંધી દેવાઈ છે. ‘હું આવું લખીશ તો સામેનો માણસ મારા વિશે શું વિચારશે ?… હું શ્રુંગારનું વર્ણન કરીશ તો લોકો શું વિચારશે?’ ‘મધ્યબિંદુ’ કરીને મારી એક નવલકથા છે એમાં મેં એક એવા સ્ત્રીપાત્રની વાત કરી છે જે એમ બોલે છે કે જે રીતે દ્રશ્યને Three-Dimensionally જોવા માટે બે આંખો જોઈએ એવી રીતે મને પરફેકટલી જીવવા માટે બે પુરુષ જોઈએ. એના પતિને તે કહે છે કે હું જેવી છું એવી મને સ્વીકાર. હું તો માનું છું કે સ્ત્રીને એની મર્યાદા ખબર છે. એને મર્યાદા બતાવવાનો અધિકાર કોઈ પાસે છે જ નહિ. સ્ત્રીની સંવેદના બહુ ઋજુ હોય છે. બહુ જ ભીતરથી નીકળે છે. નાજુક વેલને વીંટળાવવા માટે કશુંક જોઈએ છે. પુરુષનો પ્રેમ કદાચ આધાર હોઈ શકે.

    મેં એક જગ્યાએ લખ્યું છે : ‘I need a man to love, not a man to live with.’ પુરુષ વગર જીવી શકાય છે પણ પ્રેમ કરવા માટે સ્ત્રીને મિનિમમ એક પુરુષની જરૂર છે અને એ વાત પુરુષને સમજાઈ જાય છે ત્યારથી સ્ત્રીના દુર્ભાગ્યનું ચક્કર શરૂ થાય છે. સ્ત્રી સ્વયંને પ્રેમ કરી જ નથી શકતી કારણ કે એવું એને બાળપણથી શીખવવામાં જ નથી આવ્યું. સોસાયટીએ એને એવું શીખવ્યું છે કે તારો પતિ તને કહે કે તું સુંદર તો તું સુંદર, તારો પતિ તને કહે કે તું બહુ સારી કૂક તો તું બહુ સારી કૂક. તને જો કોઈ પુરુષ કહે કે તું સારી લાગે છે તો જ તું સારી. અરીસામાં જોઈને તને જે સમજાય છે તે બધું વ્યર્થ છે! તારે શ્રેષ્ઠતાના એક સર્ટિફિકેટની જરૂર છે અને તે આપવાનો અધિકાર ફક્ત અને ફક્ત પુરુષ પાસે છે! – હું માનું છું કે આ કેટલીય સદીઓથી સ્ત્રીની અંદર ધીરે ધીરે સીન્ક થઈ ગયું છે. અસલામતી એ બીજું કશું નથી પણ જે માણસ મને ચાહે છે એ જતો રહેશે તો હું બીજો ક્યાંથી લાવીશ એમ સ્ત્રીને થાય છે. સ્ત્રીનું સર્જન ઈનસિક્યોરીટીમાંથી નથી આવતું. સ્ત્રી જ્યારે લખે છે ત્યારે એનું સર્જન એની પીડામાંથી આવે છે. આ પીડા કોઈ પણ હોઈ શકે : એકલા હોવાની, પ્રેમ કરવાની, પ્રેમ ન કરવાની, પ્રેમમાંથી બહાર નીકળવાની, સ્વતંત્ર હોવાની-સ્વતંત્ર રહેવાની, સ્વતંત્ર થઈ શકવાની…. આ બધી જ પીડાઓ છે. સ્વતંત્ર રહેવાની પણ એક પીડા છે. તમને દરેક માણસ પૂછે કે તમે સાથે નથી રહેતાં?…. અરે ભાઈ, શું ફેર પડે છે ? એનાથી મારા સર્જનમાં કોઈ ફેર પડે છે? હું કોની સાથે રહું છું અને શું કરું છું એ બાબતને મારા લખાણ સાથે કોઈ નિસ્બત છે ખરી? ઉપરોક્ત સવાલ પુરુષને પૂછવામાં નથી આવતો કે ‘ભાઈ, તમારે બે વાઈફ છે ?’…. એવો સવાલ એમને કોઈ પૂછતું નથી. ‘તમારે એક લફરું હતું એવું સાંભળ્યું છે’, આવું કોઈ પૂછતું નથી.

    આ આખી સાયકોલોજી અને કેમેસ્ટ્રી બહુ રસપ્રદ છે. હું માનું છું કે દરેક સ્ત્રી, જે સર્જન કરે છે તે એક ભય હેઠળ સર્જન કરે છે. સામેનો માણસ મને વાંચી લેશે એવો ભય. જો વાંચી લેશે તો જાણી લેશે અને જાણી લેશે તો સલામતીનું શું? જો મારી પીડાઓ એના સુધી પહોંચી જશે તો એ મારો દૂરઉપયોગ કરશે અને એટલે જ એ સુષ્ઠું-સુષ્ઠું અને ઉપર-ઉપરનું લખે છે. દરેક સર્જક એ પોતાના સર્જનમાં હોય જ છે. એ નથી તો એનું સર્જન ક્યાં છે? મહેશ ભટ્ટે ખૂબ સરસ કહ્યું છે કે મારી તમામ સફળ ફિલ્મો એ મારી આત્મકથાનો એક ભાગ હતો. અને હું પણ એમ જ કહું છું કે મારું દરેક લખાણ, દરેક શબ્દ એ મારી આત્મકથાનો જ એક ભાગ છે. દરેક શબ્દ હું લખું છું એ જીવ્યા પછી જ લખું છું. મારા દરેક કામમાં દઝાય એટલી પારાવાર પ્રામાણિકતા છે. હું ઈચ્છું કે દરેક સ્ત્રી મારી સાથે આવે અને આટલું પ્રામાણિક સર્જન કરે. એમ થાય તો હું લોકપ્રિય છું કે નહિ એનું બેરોમીટર મને મળશે. હું કદાચ પહેલી એવી સ્ત્રી છું કે જેણે મેઈનસ્ટ્રીમમાં પગ ખોળીને ઊભા રહેવાની હિંમત કરી છે. હું એ જગ્યાએ લખીશ જ્યાં પુરુષો લખે છે. હું એવું લખીશ જેવું પુરુષો લખે છે. હું ડરીશ નહીં, એવું મેં મારી જાતને વચન આપ્યું છે.

    પાંચ વર્ષની છોકરી હોય ત્યારથી સ્ત્રીને એવું શીખવવામાં આવે છે કે ‘જા, કપડાં અંદર જઈને બદલ.’ એને બધું સંતાડવાનું અને ગોપનીય રાખવાનું કહેવામાં આવે છે. એમ ન થાય તો ‘સપડાઈ જઈશ’ એમ કહીને એને ડરાવવામાં આવે છે. સ્ત્રીનું શરીર એની કમજોરી છે. એ શારીરિક રીતે એટલી સક્ષમ નથી જેટલો પુરુષ છે. છતાં, દરેક જગ્યાએ એવા ડેટા ઉપલબ્ધ છે કે સ્ત્રી પુરુષ કરતાં વધુ કામ કરે છે. સ્ત્રી શું લેખક છે તો જ એ સર્જન કરે છે એમ કંઈ થોડું કહેવાય? લગભગ દરેક સ્ત્રી સંતાનને જન્મ આપીને સર્જન કરે છે. જીવમાંથી જીવ છૂટો પાડવો એ કંઈ સહેલી વસ્તુ નથી. દશ જણા શું જમશે, કોણ મીઠું ઓછું ખાશે, કોણ કાંદા નહીં ખાય…. એ બધું જ એને યાદ હોય છે. આ એની કલા છે. આ એની સર્જનાત્મકતા છે. આને ignore કરીને પુરુષ સમોવડી થવાના ઈરાદાથી સ્ત્રી લખશે, તો એ પોતાની જાત સાથે જ બેઈમાની કરશે. પહેલા તો જાત સાથેની પ્રામાણિકતા અને પછી વાચક સાથેની પ્રામાણિકતા – આવા બે Layers છે સ્ત્રીના. સ્ત્રીની પ્રામાણિકતા બે વિભાગમાં વહેંચાય છે. આજે સમાજે ‘મને શું થાય છે’ એ અનુભવવાની સ્ત્રીને છૂટ જ નથી આપી. આમ તો ‘સમભોગ’ કહેવાય છે પણ એમાં ક્યાંય એને પૂછવામાં પણ નથી આવતું કે Did you enjoyed ? Was it good ? એણે તો બસ જાતને ધરી દેવાની છે.

    તમે જ્યારે સામેના માણસ પાસેથી સુખી થવાનો આધાર રાખો છો ત્યારે તમે પોતાને દુઃખી થવાનો અધિકાર પણ એને જ આપી દો છો ! અહીંથી સ્ત્રીના ફરિયાદની કે પીડાની શરૂઆત થાય છે એમ હું માનું છું. આ જે ફરિયાદો છે એનાથી સ્ત્રીનું સર્જન ક્યાંક ખાબકે છે કારણ કે એનું સર્જન પોતાને માટે નથી થતું, પારકા માટે થવા માંડ્યું છે. ‘મારો પતિ મારી આત્મકથા વાંચશે તો ?’ એમ એને થાય છે. પ્રતિમા બેદી વગેરેએ ખૂબ પ્રામાણિક લખ્યું છે. એમાં ક્યાંય આછકલાઈ નથી. સ્ત્રી ‘સેન્સિટિવ’ લખી શકે છે પરંતુ એને ‘સેન્સેશનલ’ બનાવવામાં આવે છે. એને બોલ્ડનેસનો એક રંગ આપવામાં આવે છે. મને પણ ઘણા લોકો ‘બોલ્ડ એન્ડ બ્યુટિફૂલ’ તરીકે introduce કરે છે. બોલ્ડ તમે કોને કહો છો ? બોલ્ડની વ્યાખ્યા શું છે ? જે વાંચે તે ક્લીન-બોલ્ડ થઈ જાય તે ?! કુન્દનિકાબેન વગેરેએ ઘણું પ્રામાણિક લખ્યું છે. હું તો એના ફળ ખાઉં છું. મેં એવું કશું લખ્યું જ નથી જે પહેલાં નથી કહેવાયું. સવાલ માત્ર એટલો છે કે હું હવે વારંવાર કહી રહી છું.

    સ્ત્રીની ઓળખાણ પુરુષ સાથે જોડાયેલી જ રહી છે. જેમ કે, ‘મિ. ઍન્ડ મિસિસ સંજય વૈદ્ય’. આવું આપણે કદી નથી વાંચ્યું કે ‘મિસિસ એન્ડ મિ. કાજલ ઓઝા-વૈદ્ય’. આ કોઈ પુરુષ સમોવડા થવાની ચર્ચા નથી. આ સ્વયંના અસ્તિત્વની ચર્ચા છે. સ્ત્રી જો પોતે જ સ્ટેબલ નથી તો એ બાકીની સંસ્કૃતિનો ભાર શું ઊંચકશે? એને પોતાના પગ પર ઊભા રહેવા દો તો એ બિચારી ભાર ઉપાડી શકશે. એ ઊભી થાય એ પહેલાં તો એને પાડી નાખવાનો પ્રયાસ થાય છે. શા માટે ? આ સવાલ મારે અહીં સુજ્ઞ શ્રોતાઓને પૂછવો છે. સ્ત્રી શા માટે લખતા ડરે છે ? સ્ત્રીને કેમ એવું લાગે છે કે હું પારદર્શક થઈશ તો સામેનો માણસ મને પકડી લેશે? અન્ય ભાષાઓમાં અનેક સ્ત્રીઓ લખી રહી છે, સાવ નથી લખી રહી એવું નથી. પરંતુ ગુજરાતી ભાષામાં સ્ત્રી લખે છે ત્યારે ‘બેટી બચાવો’ અને બાકીના એવા વિષયો છે. પતિ સમયસર ઘેર નથી આવતો એની ફરિયાદ છે, બીજી સ્ત્રી પતિના જીવનમાં પ્રવેશી ગઈ છે એની ફરિયાદ છે… જયભાઈ વસાવડાએ સરસ કહ્યું કે નવી પેઢી લેપટોપ સાથે જન્મી છે. હવે તે પેઢી સીધું લેપટોપ પર જ લખે છે અને તમે વાર્તામાં ટ્રીન…ટ્રીન…કરીને ફોનની ઘંટડી વગાડો તો એ નવી પેઢી તમને શું કામ વાંચે? એમને એ વાંચવામાં રસ જ નથી. ‘એણે પડદો ખસેડ્યો અને સનનન… દઈને સિતાર વાગ્યો…’ શું કામ સિતાર વાગે ભાઈ? ‘એણે પડદો ખસેડ્યો અને સૂરજનો તડકો પ્રવેશ્યો.’ સિમ્પલ!! નવી પેઢીને ખબર છે કે પડદો ખસે ત્યારે સિતાર નથી વાગતો.

    મને એક વાચકે લખેલું કે તમારી દરેક નવલકથામાં (લગભગ ૧૫ માંથી ૮ માં) કેમ સ્ત્રી એકલી રહી જાય છે ? એનો જવાબ મેં એક લેખમાં આપેલો કે પુરુષ સ્ત્રીના જીવનમાં એકલતા વધારવા માટે આવે છે. કારણ કે તેના આવ્યા પછી એ આધાર રાખતી થઈ જાય છે. એકલી હોય છે ત્યાં સુધી તો એને કોઈ ફરક જ નથી પડતો. જ્યારે તમારા ઈમોશન્સ કોઈક ખીંટીએ ટિંગાય ત્યારે તમને સમજાય કે આ ખીંટી ટકશે કે નહીં ટકે ? કે બધું જ પડશે ? એ ‘બધું પડશે’ એના ભયમાં સ્ત્રી ડરી જાય છે અને એ ડર એને સર્જન નથી કરવા દેતો. આ સ્ત્રીની સંવેદના છે. હું એવું દ્રઢ પણે માનું છું કે જ્યારે જ્યારે સ્ત્રી પોતાનું કામ કરે છે ત્યારે ત્યારે એની કલમને બાંધી દેવાય છે. એ બાંધે છે સમાજ.

    સ્ત્રી જ્યારે શ્રુંગારનું વર્ણન કરે છે, સ્ત્રી જ્યારે દેખાવડા પુરુષની વાત કરે છે, સ્ત્રી જ્યારે ગમતા પુરુષની વાત કરે છે – જેમ કે, એની ચોડી છાતી હોય, એની કમર ‘વી’ શૅઈપની હોય, એના ખુલ્લા બે બટનમાંથી છાતીના વાળ દેખાતા હોય – કેમ સ્ત્રી શા માટે આવું ન લખી શકે? એને પણ એક કલ્પના હોય છે. વાચક ઈચ્છે છે કે કંઈક લખાય પણ આ પેલું ‘લોલિતા’ જેવું છે કે ઉપર કંઈક બીજું પુસ્તક રાખવું છે અને અંદર એ વાંચવું છે. કોઈને એવું સ્વીકારવું નથી કે મેં ‘લોલિતા’ વાંચી છે. બધાને આવું ચટપટું મસાલેદાર વાંચવામાં મજા તો આવે જ છે, પણ એવો ભય છે કે આ જો અમે વાંચીશું તો બધું બગડી જશે.

    મેં હમણાં જ એક નવલકથામાં એવું લખ્યું છે કે ‘તમે કોઠીમાં ઘઉં ભરો એટલે કંઈ ઘઉં એ કોઠીના ન થઈ જાય. એટલે કે બાળક તો પુરુષનું જ રહે!’ આવી વાત મારા પોતાના નાની અમને કહેતા હતાં.

    હવે સમય પ્રમાણે બદલાવવાની જરૂર છે, સમાજે બદલાવવાની જરૂર છે. સ્ત્રીના લખાણને સ્વીકાર જોઈએ છે. આ એની પહેલી જરૂરિયાત છે. એનો ચોકો અલગ કરવાની જરૂર નથી. સ્ત્રી લેખિકાઓનું અલગ સંમેલન શા માટે? ‘ડૉક્ટરેસ’ નથી કહેતા કે ‘એન્જિનિયરેસ’ નથી કહેતા તો પછી ‘કવિયત્રી’ જેવો શબ્દ પણ શા માટે? સ્ત્રીએ જો મેઈનસ્ટ્રીમમાં ઊભા રહેવું હશે તો પ્રામાણિકતાથી લખવું પડશે એ પહેલી શરત છે. સાથે સાથે એનો ચોકો જુદો ન બનાવવો એ બીજી શરત છે. એને કોમ્પિટિશન આપો, એને આરક્ષણ ન આપો. એને પણ સમજવા દો કે અહીં લોકપ્રિય થવાનો કેટલો સંઘર્ષ છે! હું એવા પુરુષોને બહુ જ રિસ્પેક્ટ કરું છું કે જે એક સ્ત્રીનો આવા સંઘર્ષમાં વિકાસ થવા દે છે અને એને જગ્યા આપે છે. છેલ્લે એક ટૂંકી વાત એ કહેવી છે કે આજકાલ ટેલીવિઝન સિરિયલમાં બે સ્ત્રીઓને લડતી બતાવાય છે પરંતુ એવી સ્ત્રીઓ હકીકતે ક્યાંય હોતી નથી. ‘સ્ત્રી સ્ત્રીની દુશ્મન છે’ એવું એને એટલા માટે શીખવવામાં આવ્યું છે કારણ કે સમાજને ખબર છે કે જો સ્ત્રીઓ ભેગી થશે તો શક્તિ બહુ વધી જશે. ‘ડિવાઈડ ઍન્ડ રુલ’ની આ નીતિ છે. એમને ભેગી થવા જ ન દેવી! આવી વાત મારા પોતાના નાની અમને કહેતા હતાં. મને એક વાત ચોક્કસ સમજાય છે કે સ્ત્રીની સંવેદના એના અધિકારોની લડાઈ છે. એનો એવો સંઘર્ષ છે કે જ્યાં એને ‘સ્ત્રી તરીકે સ્વીકારો’ એટલી જ એની વાત છે. સ્ત્રીની આર્થિક સ્વતંત્રતા એ ક્યારેય એની જરૂરિયાત જ નહોતી. એણે તો contribute કરવા માટે કમાવવા માંડ્યું. અને ત્યારે એને પહેલીવાર સમજાયું કે પૈસામાં પાવર છે. એ ખર્ચી શકવાની તાકાતથી આવતી સ્વતંત્રતા એ એની ઈમોશનલ સ્વતંત્રતા નથી. ઈમોશનલ સ્વતંત્રતા જ બહુ અગત્યની છે અને એ એને શીખવવામાં આવી જ નથી ! એને એવું કહેવાયું જ નથી કે તું સ્વયં સંપૂર્ણ છે.

    સ્ત્રીનું સર્જન બહુ ઋજુ હોય છે અને એ જ્યારે થાય છે ત્યારે હવા પણ એને ઉડાડી જઈ શકે એવું કોમળ એ લખતી હોય છે. એને થોડીક જરૂર હોય છે કે કોઈ એને એમ કહે કે ‘તું સારું લખે છે’ કારણ કે એવું એને શીખવવામાં આવ્યું છે. પતિ, પિતા વગેરેનું સર્ટિફિકેટ એના માટે બહુ જ અગત્યનું હોય છે. જો સ્ત્રીની સંવેદના પાંગરે એવું જો આજનો સમાજ, આજનો પુરુષ, આજનો પિતા, આજનો પતિ ઈચ્છતો હોય તો એણે એવું ના પૂછવું જોઈએ કે ‘તું ક્યાં લખે છે ?’ એણે તો સો ટકા એમ કહેવું જોઈએ કે ‘હા…હા… વામાપૂર્તિનો લેખને? મેં વાંચ્યો છે….’ – પછી ભલે ને ન વાંચ્યો હોય તો કાંઈ વાંધો નહીં. મિનિમમ ખબર હોવી જોઈએ.

    સ્વતંત્રતા એ સ્ત્રીનો સ્વભાવ હોઈ શકે, એની પ્રકૃતિ નથી. એક શિકાર કરીને લાવે અને એક રાંધીને ખવડાવે એવી આદિકાળની વ્યવસ્થા સ્ત્રીએ સ્વીકારી લીધેલી છે. એમાં એને કોઈ વાંધો નથી. એની સ્વતંત્રતાની માંગણી જન્મે છે એની ગૂંગળામણમાંથી. દરેક વાતમાં જ્યારે એને સવાલ પૂછવામાં આવે છે, દરેક વાતમાં જ્યારે એના પર શંકા કરવામાં આવે છે ત્યારે એવું જોવામાં આવે છે કે એ ‘શું કરે છે, ક્યાં જાય છે? કેમ આમ કરે છે?’ આવી પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે સ્ત્રી કહે છે કે મારે આ બધું જોઈતું જ નથી. મારે તદ્દન સ્વતંત્ર થઈ જવું છે. આ ‘તદ્દન સ્વતંત્રતા’ ગૂંગળામણમાંથી આવી છે. બાકી, ખરેખર સ્ત્રીને ‘ડિપેન્ડન્ટ’ રહેવું બહુ ગમે છે. પતિના શર્ટને બટન ટાંકીને દોરો તોડવામાં જે રોમાન્સ છે એ કોર્પોરેટની ચેર પર બેસીને મળતો નથી. પતિ હીરા લઈ આવે એના બદલે સાંજે સરપ્રાઈઝમાં જો ગજરો લઈ આવે તો એ સ્ત્રી માટે બહુ મોંઘી ભેટ છે. આ દરેક સ્ત્રીની વાત છે. સ્ત્રી સમય સાથે બદલાઈ નથી. સ્ત્રી સ્થળ સાથે બદલાઈ નથી. સ્ત્રી આ જ છે, અહીંયા પણ, અમેરિકામાં પણ, યુરોપમાં પણ… તમે જ્યાં જાઓ ત્યાં એ ‘ઈમોશનલ’ જ છે. એનામાં માતૃત્વ અકબંધ છે. પાંચ વર્ષની છોકરી અમેરિકન હોય, ભારતીય હોય કે જાપાનીઝ હોય… પણ એ ઢીંગલી રમાડે ત્યારે મા જ હોય. એમાં કોઈ ફેર પડતો નથી. એનો પતિ બિમાર પડે ત્યારે એને એટલું જ ટેન્શન થઈ જાય જેટલું એક ગુજરાતી સ્ત્રીને થાય.

    હું જ્યારે ‘સ્ત્રી સંવેદના’ વિશે લખું છું ત્યારે મને એવું ચોક્કસ સમજાય છે કે આ કોઈ યુદ્ધ છે જ નહિ. આ કોઈ પુરુષ સાથેનો સંઘર્ષ છે જ નહિ. આ કોઈ સમોવડા થવાની લડાઈ છે જ નહિ. આ તો એના સ્ત્રીત્વને recognize કરાવવાનો બહુ બળૂકો અને બહુ જ મરણિયો પ્રયાસ છે. સ્ત્રી સર્જકને બે લાઈનની વચ્ચે વાંચનારા લોકો સ્ત્રીના સર્જનને બાંધે છે. એની બે લાઈનની વચ્ચે ફક્ત એક જ વાત છે અને એ છે ‘મુક્તિ’ એટલે કે ખાલી જગ્યા. એને ખાલી જ રહેવા દો. એ શ્વાસ લેવાની જગ્યા મળી રહેશે તો એ એનું સર્જન કરી શકશે. સ્ત્રી ચોક્કસ લખશે અને એટલું લખશે કે મને એકલીને લોકપ્રિયતાનો તાજ તમારે નહીં પહેરાવો પડે. થેન્કયૂ સો મચ.(૧)

    આ પ્રકારે શરૂ થઈ કાજલ ઓઝા નામની એક એવી સ્ત્રીની સાહિત્યસફર જે ખુલ્લા સીધા વાળમાં તો ક્યારેક ચોટલો વાળેલો અને માથામાં લાંબી સૂયાદાર પીન નાખી તેના રેશમી લાંબા વાળને બહેલાવતી તેમની નવલકથાની નાયિકા મારફત આપણી નજર સમક્ષ પેશ થાય છે. ઊંચી એડીના સેન્ડલ/સૂઝ પહેરી જીન્સમાં તે ફેસબુક પ્રોફાઇલમાં પણ જોવા મળે. દેખાવમાં લાંબુ નાક, બોલીમાં અમદાવાદી ભાષાનો લહેકો, પાતળી-લાંબી કાયા. કાજલ ઓઝા માટે કહિ શકાય જેવડું વિરાટ વૈવિધ્યશાળી વ્યક્તિત્વ એટલુ જ અનેરું આકર્ષક અસ્તિત્વ. આ સ્ત્રીને સુંદર લખવા સાથે સુંદર દેખાવું બેશક ગમતું લાગે છે. તેઓ જેવો ચાંલ્લો કરે તેવા જ મેચિંગ કાનમાં જુમખ્કા અને ક્યારેક બંગડીઓ પણ પહેરે, સ્લીવલેશદોરીવાળું બ્લાઉસ અને સાડીના કલરને અનુરૂપ લિપસ્ટિક કરે.

    કાજલ ઓઝા વૈદ્યએ ઘણી જગ્યાએ પોતાને અને સમાજને મૂકી મહાભારતથી લઈ મોબાઈલ સુધીના અર્વાચીન અને આધુનિક વિષય, વ્યક્તિ અને વસ્તુ પર નિખાલસ, પારદર્શક, શિસ્તતાથી નિયમિતરીતે દિલફાડી લેખન કર્યું છે, નિડરતાથી છાતી ફાડીસમાજના સળગતા સવાલો-સમસ્યા પર વક્તવ્ય આપ્યું છે. ક્યારેય લાગે નહીં આ સ્ત્રી સાહિત્યની સર્જક છે કે પછી સેલ્સમેન? તેમના નવલકથા આટલી કેમ વખાણાય અને કેટલાક લખાણો માટે વાગોવાય પણ.. શું કામ? એ કાજલ ઓઝા પાસેથી જ હવે જાણીએ..

    ‘ચિત્રલેખામાંથી ભરત ઘેલાણી બોલું છું….’ આ એક વાક્યે મને એકદમ થ્રીલ કરી નાખી હતી, બીજું વાક્ય સાંભળીને હું બેભાન થવાની તૈયારીમાં હતી, ‘ચિત્રલેખા માટે નવલકથા લખશો ?’

    એ પહેલાં મારી ટૂંકી વાર્તાઓનું એક પુસ્તક ‘સંબંધ તો આકાશ’ છપાયેલું. કોલકતાના ‘હલચલ’ ગ્રૂપના એક મેગેઝીન ‘સાંવરી’ માટે એક નવલકથા લખેલી. પરંતુ નવલકથા લખતાં ‘આવડે છે’ એવું કહી શકું તેમ નહોતી જ! ‘ચિત્રલેખા’ જેવા સામાયિક માટે લખી શકીશ એવાં હામ કે હથોટી એકેય નહોતાં. વળી, જે વિષય ચિત્રલેખા માટે આપવાનો વિચાર કરતી હતી એ જ વિષય બીજા એક સાપ્તાહિકે ‘મજા નથી આવતી’ કહીને રિજેક્ટ કરેલો. આ જ વિષય પર એક ગુજરાતી ટેલિવિઝન શ્રેણી પણ શરૂ થઈને પચીસ હપતામાં બંધ પડી ગઈ, તેમ છતાં આ વિષય સાથે મારા તાણાવાણા કંઈક એવા મજબૂત હતા કે બીજા અનેક વિષયોનો વિચાર કરવા છતાં ફરી ફરીને આ જ વિષય મનમાં આવતો રહ્યો…..

    કેટલાંય વર્ષો – લગ્ન અને બાળકોની પાછળ વપરાતાં રહેલાં, જેને કારણે લેખન તો ભુલાઈ જ ગયેલું, વાંચન પણ સાવ ઘટી ગયેલું. હમણાં શું લખાય છે, શું વંચાય છે એની પણ ખાસ ખબર નહીં. એ દરમિયાન મારા અંગત જીવનના પ્રશ્નો પણ ધીમે ધીમે વધુ વિકટ બનતા જતા હતા. મારી પાસે કોઈ કામ નહોતું, નોકરી કે નિયમિત આવકનું કોઈ સાધન પણ નહીં. એવા સમયમાં આવેલી આવા માતબર સામાયિકની દરખાસ્ત નકારવાની મારામાં તાકાત નહોતી.….એટલે લખવાનું શરૂ કર્યું.

    નવલકથા મારો સ્વભાવ નથી, હપ્તે હપ્તે વાંચી પણ શકતી નથી તો લખવાની વાત દૂર હતી. પહેલો હપ્તો લખ્યો અને લાગ્યું કે, ‘જરાય મજા નથી આવતી. વાચક બીજો હપ્તો નહીં વાંચે!’ મારા વડીલમિત્ર શ્રીકાંત શાહને પહેલો હપ્તો વાંચી સંભળાવ્યો, ‘આમાં નવું શું લખ્યું છે? એ જ મરીમસાલા છાંટેલી કોઈ એક ગુજરાતી સ્ત્રીની વ્યથાકથા જેવું લાગે છે.’ પતી ગયું! મને થયું કે આ સંઘ કાશીએ નહીં પહોંચે!

    છતાં મન મક્કમ કરીને, જાતને ધક્કા મારીને ચાર હપ્તા લખ્યા. મારા કમ્યૂટર ઑપરેટર નલિન સોલંકી એકમાત્ર એવા માણસ હતા, જેમણે કહ્યું, ‘બહેન, વાર્તા જામશે.’ પછી હિંમત થઈ…. એટલે મારી માને વાંચવા આપી, વાંચતા વાંચતા એની આંખોમાં પાણી આવી ગયાં, ‘તું આટલું સારું લખે છે ?’

    મને લાગ્યું કે હવે કદાચ વાંધો નહીં આવે. છતાં ભરત ઘેલાણીની ચીકાશ અને નવલકથા વિશે ‘ચિત્રલેખા’ની પ્રતિબદ્ધતા મારાથી અજાણી નહોતી. પહેલા ચાર હપ્તા એમને મોકલીને ફફડતા જીવે જવાબની રાહ જોવા લાગી. ‘હું આવતા શુક્રવારે અમદાવાદ આવું છું ત્યારે વાત કરીએ.’ એમનો જવાબ મારા ઉત્સાહ પર પાણી રેડે એવો હતો. છતાં શુક્રવારે સાંજે ટી-સેન્ટરમાં એમને મળી.

    ‘આપણે આ નવલકથા છાપીએ છીએ.’ ભરતભાઈએ કહ્યું અને ગંભીર ચહેરે ઉમેર્યું : ‘જે રીતે ટેક-ઑફ કર્યો છે એ રીતે 40 હપ્તા ટકાવી રાખવા પડશે. પતિના જીવતાં એનું શ્રાદ્ધ કરી નાખનારી પત્નીની વાર્તા છાપીને હું હિંમત કરી રહ્યો છું… પણ શ્રાદ્ધ થઈ જશે પછી શું? એ તમારે જ ગોઠવવું પડશે!’ મને ચોક્કસ ખબર હતી મારે શું કરવું છે – અને સાચું પૂછો, તો મારી પાસે એટલી જ મૂડી હતી! મારા લગ્નજીવનમાંથી ઊઠેલા કેટલાક અંગત સવાલો અને મને જડેલા – નહીં જડેલા જવાબોની જિગ્સો ગોઠવતા ગોઠવતા મેં આઠ હપ્તા લખ્યા.. દશેરા-૦૫ ના દિવસે પહેલો હપ્તો છપાયો. નવલકથાનું નામ સામયિકે આપ્યું ‘યોગ-વિયોગ’ અને ચાર હપ્તા પૂરા થતાં થતાંમાં તો વાચકોએ મને સ્વીકારી લીધી.

    એ મારી પહેલી ગણો કે બીજી નવલકથા, પરંતુ એ લખવાની પ્રક્રિયા મને ભીંતરથી સીંચતી રહી. સંજોગો અને સમય સાથે લડતાં લડતાં મેં ક્યારે મારી જાત સાથે લડવા માંડ્યું હતું એની મને જ ખબર નહોતી રહી…. ‘યોગવિયોગ’ના સર્જન દરમિયાન હું મારી પોતાની સાથે સંવાદ કરી શકી, ‘વ્યક્તિ’ બનવાની હોડમાં ખોવાયેલી મારી અંદરની ‘સ્ત્રી’ મને આ નવલકથા લખતા લખતા ટુકડે ટુકડે જડી છે. મારી અંદર ઘણું બધું બદલાયું છે એવું મારે સ્વીકારવું જોઈએ. 60 વર્ષની એક સ્ત્રી વાર્તાની હિરોઈન હોય અને વાર્તા એની જિંદગીના કોઈ એક દિવસથી આગળ ચાલે એ વિચાર વાચકો સ્વીકારશે નહીં એ વાત મારા માટે પડકાર હતી, પરંતુ ‘વસુમા’, વસુંધરા સૂર્યકાન્ત મહેતા એક એવું પાત્ર બની ગયું જે દરેક વાચકને ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રીતે સ્પર્શતું રહ્યું. દેશ-વિદેશથી કેટલાય વાચકો પત્રો દ્વારા એમની લાગણી છલકાવતા તો ઈ-મેઈલ દ્વારા એમની વાત કહેતા. જેમ જેમ વાચકોના પ્રતિભાવ આવતા ગયા તેમ તેમ મારી સર્જનપ્રક્રિયા પણ વધુ ને વધુ નિખરતી રહી. ‘ચિત્રલેખા’ના 53 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર મુંબઈ અને અમદાવાદમાં ‘સર્જક સાથે સંવાદ’ યોજાયા. સહૃદયી વાચકોથી ખીચોખીચ ભરેલા હૉલમાં એમના સવાલોના જવાબો આપતી વખતે મને પોતાને સમજાયું કે આ એક જ નવલકથાએ એમની મારા માટેની અપેક્ષા અને મારી, મારી જાત પરત્વેની જવાબદારી કેટલી વધારી દીધી છે.

    મને મારા વાચકોએ જાહેર કાર્યક્રમોમાં, પત્રો દ્વારા, ઈ-મેઈલ અને ટેલિફોન દ્વારા અવારનવાર પૂછ્યું છે કે, ‘વસુમાનું પાત્ર તમને ક્યાંથી મળ્યું ? શું ખરેખર આવું કોઈ પાત્ર જીવે છે ખરું?’ મારા મોટા ભાગના વાચકોએ વસુમાના પાત્રને આત્મસાત કરીને માણ્યું છે. ત્યારે એક વાત કહેવાની ઈચ્છા થાય છે કે, ‘વસુમા’ મારી અંદર ઊગી રહેલા કશાકનું પ્રતિબિંબ છે, કદાચ! મારી તમામ નવલકથાઓના વિષયવસ્તુમાં લગ્ન અથવા સ્ત્રી-પુરુષસંબંધ કેન્દ્રસ્થાને રહ્યાં છે. મેં જોયેલા સંબંધોના ઉતાર-ચઢાવ આને માટે કારણભૂત હશે કદાચ. મને હંમેશાં લાગ્યું છે કે લગ્ન એક એવો સંબંધ છે, જે જીવવાનું શરૂ કરો ત્યારે તમે એના વિશે બધું જ જાણવાનો દાવો કરો છો અને લગ્નજીવનનાં પચીસ વર્ષ પૂરાં થાય ત્યારે તમે એ સંબંધને ફરી એક વાર સમજવાનો, ફરી એક વાર મૂલવવાનો, ફરી એક વાર માપી-તોલી જોવાનો પ્રયાસ કરો છો – આ પ્રયાસ કરો છો ત્યારે તમને સમજાય છે કે જે જીવ્યા, એવું તો જીવવાનું જ ન હતું ! એવું ઘણું બધું હતું જે નિવારી શકાયું હોત, એવું ઘણું બધું હતું જે કરવાનું હતું પણ થઈ શક્યું નહીં…. એવું ઘણું બધું હતું જે નહોતું કહેવાનું તે કહ્યું, અને જે ખરેખર કહેવાનું હતું એ તો રહી ગયું….

    અંગત અનુભવોમાંથી સર્જાયેલી કથાઓ મને આટલા વાચકો સુધી પહોંચાડશે એવી ક્યારેય કલ્પના નહોતી, સાચું પૂછો તો મને આજે પણ એમ લાગે છે કે મને ‘નવલકથાનું સ્વરૂપ’ સમજાતું નથી. મને આવડે છે એક જ વસ્તુ, અને એ છે – રસ પડે તેવી શૈલીમાં મારી વાત કહેવાની રીત…. એ રીતમાં સ્થળનું વર્ણન, સંવાદો અને ક્યારેક આંખમાં પાણી લાવી દે તેવી ઉત્કટ લાગણીભરી પળો, તો ક્યારેક શરીરનું રૂંવાડે રૂંવાડું થરથરી ઊઠે એવી શૃંગાર પ્રચુર પળો પણ આવી જ જાય. ગુજરાતી ભાષામાં સ્ત્રીલેખકો વિશે એવો એક આક્ષેપ પ્રવર્તે છે કે તેઓ માત્ર સુષ્ઠુ કહેવાતી, શરીરની સાચુકલી તીવ્રતમ અભિવ્યક્તિથી મોં છુપાવીને, માત્ર પીડાના નામે જિવાતી લાગણીઓના સંબંધો આલેખે છે…. મેં આની બહાર નીકળીને કામ કરવાનો પ્રયાસ કર્યો છે. મારી નાયિકા શરીરને અવગણીને જીવી શકતી નથી! એની તમામ અભિવ્યક્તિઓમાં એનું શરીર એના અસ્તિત્વનો અભિન્ન ભાગ છે….. મારી તમામ નાયિકાઓની પીડા એમની પોતાની છે એ ખરું, પરંતુ એ બધી જ નાયિકાઓ સતત એમાંથી બહાર નીકળીને કશું બીજું અનુભવવાનો પ્રયાસ કરે છે, કરાવે છે એ પણ કદાચ મારી નવલકથાનો જુદો જ આયામ આપતી પ્રક્રિયા હશે? સ્ત્રીના મન પાસે અભિવ્યક્તિ કરવા જેવું ઘણું છે, પીડા એનો એક બહુ જ નાનકડો ભાગ છે. આખા કોસ્મોસને આવરી લે એટલું વિશાળ સ્ત્રીનું મન કંઈ કેટલાંય પડોમાં વહેંચાયેલું છે. પુસ્તકના પાનાની જેમ ઊઘડતાં એ દરેક પડમાં વિભિન્ન સમયખંડો વિસ્તરેલા છે. એ દરેક સમયખંડને પોતાની એક આગવી કથા છે. મેં મારી જુદી જુદી નવલકથાઓમાં જુદા જુદા સમયખંડને સ્પર્શીને મારી જુદી જુદી નાયિકાઓ કંડારવાનો પ્રયાસ કર્યો છે. અને એ નાયિકાઓની કથા કહેતી વખતે ક્યાંક ક્યાંક હું પોતે પણ પ્રગટ થઈ જતી હોઉં એવું બનતું હશે, ચોક્કસ !

    ‘યોગ-વિયોગ’ મારા માટે એક કેથાર્સિસનો અનુભવ રહ્યો. જેમ જેમ વસુમાના પાત્ર સાથે નવલકથા આગળ વધતી ગઈ તેમ તેમ મારી અંદર કંઈ-કેટલોય તરફડાટ અને ઉચાટ ધીમે ધીમે શાંત થતો ગયો. મને મારા પોતાના કેટલાય સવાલોના જવાબો મારી જાતે જ સાંપડતા રહ્યા. આ એવા સવાલો હતા, જે મેં મારા સિવાયના સૌને પૂછ્યા હતા અને જ્યારે જ્યારે પૂછ્યા ત્યારે મારી અંદર પીડાનો એક સબાકો નવેસરથી ઊઠ્યો હતો ! ‘યોગ-વિયોગ’ ૭૬ પ્રકરણ સુધી ચાલતી રહી. બાવન પ્રકરણમાં પૂરી કરવા ધારેલી એ નવલકથા ૭૬મા પ્રકરણે પણ વાચકોને અધૂરી લાગી!

    એ દરમિયાન ‘દિવ્યભાસ્કર’ની મધુરિમામાં ‘મધ્યબિંદુ’ લખી. એક એવી નાયિકાની કથા, જે પતિ અને પ્રેમી બંનેને એકસરખી ઉત્કટતાથી ચાહે છે. એની પાસે એ પરિસ્થિતિ માટે તર્કશુદ્ધ દલીલો છે. કોઈ અપરાધનો ભાવ નથી. મને એક દિવસ મારા મિત્ર ચેતન રાવલ અને મૌલિન મહેતાએ બે લીટીમાં વિષય કહ્યો, ફિલ્મનો વિષય…. ફિલ્મ તો ના બની, પરંતુ એના માટે જે કામ કરેલું તે લેખે લાગ્યું. બેલા ઠાકરે નવલકથા માગી, મને સ્ત્રી-સામાયિક માટે આવો બોલ્ડ વિષય લઈને લખવાની ઘણા વખતથી ઈચ્છા હતી ! દરેક વખતે બે સ્ત્રીઓ વચ્ચે અટવાતો કે બૅલેન્સ કરતો પુરુષ જ નાયક શા માટે હોય ? દ્રૌપદી સરખી સ્ત્રી માત્ર સતયુગમાં જ શું કામ? હું પોતે એવું માનું છું કે તમારી લાગણીઓ કે ઈમોશન કે જરૂરિયાત જો છલકાતી હોય, વેડફાતી હોય તો એને ક્યાંક વહી જવા દેવામાં કશું જ ખોટું નથી – મારો આ વિચાર મારી નાયિકા ‘પ્રિયમ’ને ગમી ગયો અને એણે નવલકથામાં એક જગ્યાએ દલીલ કરી, ‘દશ્યને સંપૂર્ણપણે જોવા માટે, થ્રી ડાયમેન્શિયલી જોવા માટે બે આંખોની જરૂર પડે છે. અને એમાંની કોઈ એક આંખ વધારે અને બીજી કોઈ ઓછી કામની ન હોઈ શકે… તને જે સ્ત્રી ચાહે છે તે કોઈની પત્ની નથી, અને કોઈની પત્ની તને નથી ચાહતી, સમજ્યો?’

    સાથે જ લખાતી રહી ‘મૌનરાગ’, જેની નાયિકા બે દાયકા પહેલાં થોડા સમય માટે જિવાયેલા એક સમયખંડમાં થીજી ગઈ છે. જિંદગી આગળ વધી જાય છે. એનાં લગ્ન થયાં છે. બે સંતાનો છે. તદ્દન નિષ્ઠાવાન ગૃહિણી અને સમર્પિત પત્ની હોવા છતાં એની અંદર ક્યાંક ઊંડે એક સંબંધ એને અવારનવાર પોતાની તરફ ખેંચે છે. એ પોતાની વર્તમાન જવાબદારીઓ અને ફરજોમાં જીવવાનો સંનિષ્ઠ પ્રયાસ કરે છે અને છતાંયે, વળી વળીને મન એ જ સમયખંડમાં પાછું જઈને જીવવા લાગે છે અને જાતને જ કહે છે, ‘આવો પતિ, આવાં સંતાનો અને ઓડકાર આવી જાય એવું સુખ હોવા છતાં તું ભૂતકાળમાં જ જીવે છે. ત્યાં જ જીવવા માગે છે. વર્તમાન સાથેના તમામ સંપર્ક કાપીને જીવવા માગે છે તું, તો કોઈ શું કરે અંજલિ ? નક્કી તારે કરવાનું છે. જે મળ્યું છે તેનો આનંદ માણવો છે કે જે નથી મળ્યું એના અભાવમાં તરફડીને ઉઝરડાયા કરવું છે ?’

    અને ‘પારિજાતનું પરોઢ’ ધર્મની ગાદી પર બેઠેલા એક એવા માણસની કથા, જેણે સત્યને ત્યજીને પ્રેમને અપનાવ્યો… ‘સ્વર્ધમ’ની વાત કહેતી આ બે વિધર્મીઓની પ્રણયકથા ‘મધુરિમા’નાં પાનાં ઉપર લખતા લખતા ક્યારે થ્રીલર બની ગઈ એની મને જ ખબર ના પડી એમ કહું તો ખોટું નથી ! ‘તથાગત’નું પાત્ર મને ખૂબ આકર્ષતું રહ્યું, આવડા મોટા સંપ્રદાયની ધર્મની ગાદી પર બેઠેલા માણસ આવો મૉડર્ન, આવો હૅન્ડસમ અને છતાં આવી રીતે દિલ ફાડીને પ્રેમ કરી શકે, એ વિચાર મને ક્યાંથી આવ્યો એ ખબર નથી, પરંતુ એ વિચાર મને એટલો તો જકડતો ગયો કે ધીરે ધીરે તથાગતને ‘લાર્જર ધૅન લાઈફ’ બનાવતાં કદાચ હું જ એના પ્રેમમાં પડી ગઈ એવું મારા વાચકોને લાગ્યું. તથાગત પાસે ધર્મની ગાદી પર બેઠા પછીનું પહેલું વ્યાખ્યાન જે કહેવડાવ્યું એમાં ક્યાંક જે. કૃષ્ણમૂર્તિ, રજનીશ, યુ.જી. કૃષ્ણમૂર્તિ, સાર્ત્ર, કાફકા અને એવા કેટલાય વિદ્રોહી વિચારકોની અસર આવતી રહી…. ‘હું કોઈ ગુરુ કે ધર્માત્મા નથી. મારી પાસે કોઈ દિવ્ય શક્તિઓ નથી કે નથી મારા પિતા જેવું અગાધ આત્મજ્ઞાન. ખરું પૂછો તો હું માત્ર મારા પિતાનો પુત્ર હોવાના કારણે આ ગાદી પર બેઠો છું…. ધર્મને અફીણ બનાવીને ક્યાં સુધી આમ માણસોને ઘેનમાં રાખવાના ? ક્યાં સુધી ધર્મના નામે આ જ રીતે જિંદગીઓના ભોગ લેવાના ? આ ક્યો ધર્મ છે, જેની સંસ્થાપના માટે આટઆટલી જિંદગીઓ દાવ પર લાગી છે – રોજરોજ લાગી રહી છે. હું પણ આનો એક ભાગ છું. મને લાગે છે મારે આમાંથી મુક્ત થવું જોઈએ….’

    ‘તારા ચહેરાની લગોલગ’ નવલકથાનું સાવ નવું જ સ્વરૂપ – પત્રો, ઈ-મેઈલ અને એસ.એમ.એસ. દ્વારા એકબીજાને પોતાની વાત કહેતાં ત્રણ પાત્રોની એક અતિશય ઉત્કટ પ્રણયકથા, જેની નાયિકા લગ્નને બંધન માને છે અને બેડરૂમ તથા રસોડા વચ્ચે ગૂંગળાઈને જીવવું એને મંજૂર નથી…. પ્રેમની સાવ જુદી જ કદાચ, મોટા ભાગના લોકોના ગળે ના ઊતરે એવી વ્યાખ્યા, આ પ્રણયકથામાં નવલકથાના એક જુદા જ સ્વરૂપે લખવાનો પ્રયાસ કર્યો. સાથે જ એ પત્રોની એક શ્રાવ્ય સી.ડી. પણ બનાવી. નવલકથા સાંભળી શકાય એ સૌથી પહેલાં મેં મારી નવલકથા ‘કૃષ્ણાયન’માં પ્રયોગ કર્યો. કૃષ્ણના જીવનની ત્રણ અગત્યની સ્ત્રીઓ – પત્ની રુક્મિણી, સખી દ્રૌપદી અને પ્રિયતમા રાધા જ્યારે કૃષ્ણને માનવસ્વરૂપે જોઈને એમની સાથે જીવેલી ક્ષણો ફરી જીવવાનો પ્રયાસ કરે છે એ વાત મેં ‘કૃષ્ણાયન’માં લખી…. એ કથાને ઈતિહાસ સાથે, હકીકતો સાથે, કૃષ્ણ વિશેનાં સંશોધનો સાથે કોઈ જ સંબંધ નથી. કોઈ પણ માણસ જે આટલું અદ્દભુત જીવ્યો હોય, આટલી બધી ઘટનાઓ અને જીવનના સડસડાટ વહેતા પ્રવાહ સાથે વહીને જીવ્યો હોય એ માણસ જ્યારે દેહ ત્યાગે ત્યારે એની લાગણી કેવી હોય… આ વિચાર મને હંમેશાં રહી રહીને આવતો રહ્યો. એનું કારણ કદાચ એ હોય કે મેં કૃષ્ણને કદી ભગવાન તરીકે નથી જોયા. પોતાના સમયથી વીસ હજાર વર્ષ વહેલો જન્મેલો એ માણસ જો જન્મ્યો હતો, અને જીવ્યો હતો તો એ એના સમયનો ચમત્કાર હતો જ ! ‘માણસ થઈને જીવેલા ઈશ્વરની વાત – કૃષ્ણાયન’ બહુ જ વંચાયું અને વખણાયું. શ્રી મોરારિબાપુએ પણ એમની કથાઓમાં અવાર-નવાર કૃષ્ણાયનના ઉલ્લેખ કર્યા. જેમની પાસેથી અપેક્ષા નહોતી એવા ઘણાએ કૃષ્ણાયન વાંચીને મારો સંપર્ક કર્યો અને પુસ્તક વખાણ્યું. પરંતુ, સત્ય એ છે કે હું જ્યારે કૃષ્ણાયન વાંચવાનો પ્રયાસ કરું છું ત્યારે મને પોતાને જ પ્રશ્ન થાય છે કે, ‘આ મેં લખ્યું છે ?’ ‘કૃષ્ણાયન’ લખતાં લખતાં જ મને સમજાઈ ગયું કે આ હું નથી લખતી, મારી અંદર કોઈ બીજું છે, જે આ લખાવે છે. એ ‘કોઈ’ કોણ છે એની મને ખબર નથી….…. પણ ન લખતી હોત તો શું કરતા એનીયે મને ખબર નથી !

    મેં જિંદગીમાં લગભગ બધું જ કરી જોયું છે એમ કહું તો ખોટું નથી. રેસ્ટોરાંમાં સ્ટૂઅર્ટની નોકરીથી શરૂ કરીને એકલવ્ય જેવી શાળામાં એક વર્ષ કલાસ ટીચર રહેવાનો અનુભવ છે મારી પાસે! અત્યારે સી.ડી.સી.માં એમ.એ.નાં બાળકો ભણાવું છું… તો ક્યારેક મોડલિંગ, અભિનય સુધી…. મને લાગે છે મારો સ્વભાવ માત્ર કલમને જ અનુકૂળ આવ્યો! બીજું કોઈ ક્ષેત્ર મને સહી નહીં શક્યું હોય એટલે ઊછળતી-કૂદતી, અથડાતી-કુટાતી, કોઈ પીંછાની જેમ હવામાં ઊડતી ઊડતી કલમના કૉલરમાં આવીને ભરાઈ હોઈશ! ને, કલમે મને લાડથી હાથમાં લઈને, પંપાળીને દુલારથી પોતાના ખોળે બેસાડી લીધી. લેખન મારો વ્યવસાય નથી, મારું જીવન છે. શબ્દો મારી અભિવ્યક્તિ નથી, મારા અસ્તિત્વનો ભાગ છે. હવે ક્યારેક મને લાગે છે કે જીવવાનું બંધ કરી દેવું સહેલું છે, લખવાનું બંધ કરી દેવું સહેલું નથી. હું લખું છું, કારણ કે મને સતત એમ લાગ્યું છે કે મારામાં રહેલી ક્યારેય નહીં થાકતી, સતત દોડતી – ક્યારેક હાંફતી એક વ્યક્તિની સાથે દોડવાનું બળ ફક્ત કલમમાં છે. મારી સાથે પ્રવાસે નીકળેલા બધા જ ધીમે ધીમે ક્યાંક ને ક્યાંક અટકતા ગયા… પણ ‘એ’ સતત મારી સાથે છે અને હું લખું છું, કારણ કે મારી કલમ ધક્કો મારીને, ઊભી કરીને, કાચી ઊંઘમાંથી જગાડીને મારી પાસે લખાવે છે.

    દરેક નવી નવલકથા લખતા લખતા દરેક વખતે વ્યક્તિ તરીકે હું વધુ રિફાઈન્ડ, વધુ સ્વચ્છ થાઉં છું. મને લાગે છે મારી નાયિકાની જગ્યાએ ક્યારેક હું એવો સમયખંડ જીવી લઉં છું, જે મારો પોતાનો નથી હોતો ! સવાલ રહે છે આ સત્ય અને ભ્રમની વચ્ચે ક્યાંક મારી જાતને શોધવાનો. તો મારે પ્રમાણિકતાપૂર્વક સ્વીકારવું જોઈએ કે લેખનની આખીયે પ્રક્રિયા મારી જાતને શોધવાની પ્રક્રિયા છે. હું મારી જાતને ક્યાંક એવી જગ્યાએ ભૂલી આવી હતી, જે જગ્યાનું નામ-સરનામું મારાથી જ ખોવાઈ ગયું હતું….. જાતને શોધતી શોધતી હું આગળ અને આગળ નીકળતી ગઈ. ને જ્યાં ભૂલી આવી હતી તે પાછળ ઘૂટતું ગયું હતું. નવલકથાનાં પાનાંઓ ઉપર મને એ સરનામું જડ્યું – જડ્યું રહ્યું!

    અંગત અનુભવોને ક્યારેક એવા ને એવા લીલા – લોહી ટપકતા તો ક્યારેક ખડખડાટ હસતા, ક્યારેક ઝળઝળિયાં સાથે તો ક્યારેક બંધ આંખે સંપૂર્ણ સ્ત્રી હોવાની પરિતૃપ્તિના અનુભવના આહલાદ સાથે મેં મારી નવલકથાઓમાં વણ્યા છે અને એ વાત કહેતાં મને કોઈ સંકોચ નથી, ન હોવો જોઈએ એવું માનું છું.(૨)

    કાજલ ઓઝા વૈદ્ય પોતાના અંગત અનુભવો અને વ્યાવહારિક વ્યક્તિગત વિચારો થકી વાસ્તવિક જીવનના પરિવેશને પોતાના લેખનમાં ઢાળી એવું સર્જન કરી શકી છે જે આજ સુધી થયેલા ગુજરાતી ભાષા દરેક સર્જનથી અલગ છે. વાત એક જ પણ રજૂઆત વિશિષ્ટ છે. એક સાથે ચાર-ચાર અખબારોમાં કોલમો ચલાવી, મુસાફરીઓ કરવી, પ્રવચનો આપવા અને સ્ત્રી તરીકેનું જવાબદારીઑ અદા કરતાં કરતાં પતિ-સંતાનને સાચવાના, દોસ્તોને સમય ફાળવાનો એ સિવાય વાંચકવર્ગનું પણ વિશેષ ધ્યાન રાખવાનું. કોઈને નારાજ ન થવા દેવાનું, આ સહેલું નથી. આ સ્ત્રીએ જીવનમાં ઘણું જોયું અને સહયું છે.

    હું મૃત્યુને ઓળખું છું —કાજલ ઓઝા વૈદ્ય નામના એક લેખમાં તેઓ લખે છે કે,

    સંજય સાથેનાં લગ્ન અને સત્યજીતનો જન્મ મારા માટે જિંદગીના એક તદ્દન નવા અધ્યાયની શરૂઆત હતી. પોણા બે વર્ષનો સત્યજીત ખુલ્લી બારી પાસે ઊભો હતો. હું એને સ્વેટર પહેરાવવાનો પ્રયત્ન કરતી હતી. એણે અચાનક ઝટકો માર્યો. પલંગ પર ચાલીને બારીમાંથી બહાર નીકળી ગયો. અમે કશું સમજી શકીએ એ પહેલાં સત્યજીત ત્રીજા માળેથી નીચે પડી ગયો. એની આંખોમાં જિંદગી છલકાતી હતી… મને મારા અસ્તિત્વનો અર્થ સાંપડયો હતો એ આંખોમાં. એ આંખો બંધ થઈ ગઈ. જે નાનકડા દેહને ચુમતા, છાતીએ લગાડતા મને અજબ પ્રકારનો સંતોષ અને સુખ મળતા હતા એ દેહ સાવ ઠંડો થઈ ગયો હતો. હૉસ્પિટલના પલંગ પર સૂતેલો એ નાનકડો દેહ મારો દીકરો હતો, પરંતુ એનો આત્મા ક્યાંક દૂર, કોઈક હવામાં ઝૂલતો હતો, બીજી સ્ત્રીનો ગર્ભ બનવા માટે…

    મારા શરીરનો એક ભાગ કાપીને ફેંકી દીધો હોય એમ કશુંક ખૂટી ગયું મારા અસ્તિત્વમાં, ખૂટે છે આજે પણ. દર વર્ષે સત્યજીત મોટો થાય છે… મારી અંદર. કોઈના પંદર વર્ષના બાળકને જોઉં ત્યારે એમાં સત્યજીત દેખાઈ જ જાય છે. તથાગત ક્યારેક ‘ભાઈ’ વિશે પૂછે કે સત્યજીતની તસવીરો ઉથલાવું ત્યારે ‘મારા’ હાથમાંથી એ નીચે પડયો એ વાતનું ગિલ્ટ મને કોરી ખાય છે.

    ક્યારેક રાત્રે આંખો ખૂલી જાય છે. નીચે પડતી વખતની ક્ષણે પડે કે વાગે ત્યારે એ સામાન્ય રીતે પાડતો હતો એમ, “મમ્માઆઆઆઆ….” એવી બૂમ પાડી હશે?? નીચે પડયા પછી તરત જ બેભાન થયો હશે? એને પીડા થઈ હશે? મનમાં કોઈ વિચાર આવ્યા હશે? આવા સવાલો મને સવાર સુધી ઊંઘવા નથી દેતા… અને છતાં, સત્યજીત નથી એ `સત્ય’ છે.

    સત્યજીતને ખોયા પછી ધીમે ધીમે મેં સંજયને પણ ખોઈ દીધો. કોઈક કારણસર અમારી વચ્ચે એક વિચિત્ર પ્રકારનું અંતર ઊભું થતું ગયું. મૃત્યુ ફક્ત દેહનું જ થાય છે એવું નથી, લાગણીનું, વચનોનું, સંબંધનું મૃત્યુ થતાં પણ મેં જોયું છે. આપણી અંદર ચાલતો કોઈક શ્વાસ, જે આપણા સંબંધને જીવતો રાખે એ શ્વાસ… એ ધડકતી લાગણીઓ ધીમે ધીમે નિશ્ચેષ્ટ થવા લાગે અને સાવ નઃશબ્દ મૃત્યુ પામે એવું મેં જોયું છે. અગત્યની વાત એ છે કે આ મૃત્યુનું કોઈ પ્રમાણ કે પરિમાણ નથી હોતું. નિદાન થઈ શકે એવો કોઈ રોગ કે દવા પણ નથી હોતા! મનની અંદર ક્યાંક સાવ ઊંડે મરી ગયેલું કશુંક મહિનાઓ… વર્ષો સુધી ત્યાં જ પડયું રહે છે. એના અગ્નિસંસ્કાર નથી થતા, થઈ જ શકતા નથી.

    આપણને જ્યારે સમજાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. એક જ વિધિ બાકી રહે છે ત્યારે, એ મરી ગયેલા પદાર્થને ઊંચકીને જાતમાંથી બહાર ફેંકવાની અઘરી અને છેલ્લી વિધિ. માણસ જીવતો રહી જાય છે, પણ જીવવાનું કારણ મરી જાય છે. કોઈ માતમ વગર, શોક વગર, સગાંવહાલાંની ચહલપહલ વગર, સફેદ વસ્ત્રોના દેખાડા, ગીતા કે ગરુડપુરાણ વગર તમારા અસ્તિત્વ સાથે જોડાયેલો એક અભિન્ન હિસ્સો અલગ થઈ જાય છે. તમે અસહાય, પામર ઊભા રહી જાવ છો… એને જોતા.

    સત્યજીતના મૃત્યુ પછી તથાગતનો જન્મ. એક નવા ગર્ભની… નવા દેહની… નવા નામ અને ચહેરાની સાથે જીવાતી જિંદગી!(3)

    પોતાના સંતાન સત્યજીતના મૃત્યુ પછી તથાગતના જન્મના કેટલાક વર્ષ બાદ કાજલ ઓઝા વૈદ્ય સાહિત્યથી અલિપ્ત રહ્યાનો વનવાસ ભોગવી ફરી સાહિત્ય ક્ષેત્રે ફરીથી સક્રિય થયા. જેમ-જેમ સમય પસાર થતો ગયો તેમ-તેમ કાજલ ઓઝા અને તેમનું લેખન કોઈપણ કિશોર વયથી લઈ કબરમાં પગ હોય તેવા વૃદ્ધને પણ પ્રિય અને આકર્ષક લાગવા લાગ્યું, કાજલ ઓઝાનું લેખન તેમના ફિગર જેવુ હોટ બનવા લાગ્યું. તેમના નેચર જેવુ સેન્સિટિવ અને અટ્રેક્ટિવ થયું. મારી દ્રષ્ટિએ એ વલ્ગર નથી, એરોટીક ખરું! મગજને ભડકાવનારું નથી પરંતુ મનના ભાવ જગાડનારું છે. કાજલ ઓઝાના કટાર લેખનમાં દરેક જીવને નવજીવન આપવાની તાકાત છે. સંબંધોમાં ઉદભવતી સમસ્યાઓને કેમ માત આપવી તેની મારી-તમારી વાત છે. આથી કાજલ ઓઝા વૈદ્યની કટાર લેખનની સફર બની શકી સફળ..

    વર્તમાન સમયમાં તેમની કટાર-કૉલમ આ મુજબ પ્રકાશિત થાય છે..

  • પેઈન રિલીવર રાઈટર
  • કાજલ ઓઝા વૈધના કટાર લેખનની વિશેષતા :-

    માહિતી સમૃદ્ધિ અને ચોકસાઈ, કહેવતો, વાર્તા, ટૂચકાનો ઉપયોગ, રમૂજી-કટાક્ષ ઉપરાંત સમાજનાં મધ્યબિંદુ સ્ત્રીની વાત કાજલ ઓઝા એક જ લેખમાં ક્યાં પ્રકારે કરી શકે છે એમના એક લેખના અમુક અંશમાં જોઈએ તો..

    ‘પ્રીટિ વુમન’ નામની એક ફિલ્મમાં એક સેક્સવર્કરના પ્રેમમાં પડતા એક અબજોપતિની કથા કહેવાઇ છે... એમાં રિચાર્ડ ગેર જુલિયા રોબટ્ર્સને કહે છે, ‘આ બધું છોડી દે, હું તને એક ઘર આપીશ. તારા માટે પૈસાની વ્યવસ્થા કરીશ. હું નથી ઇચ્છતો કે કોઇ તને સેક્સવર્કરની જેમ ટ્રીટ કરે.’ ‘તમે હમણાં જ મને એવી રીતે ટ્રીટ કરી.’ (યુ જસ્ટ ડીડ) જુલિયા રોબર્ટ્સ કહે છે. સામાજીક માન્યતા વગરનો કોઇ પણ સંબંધ સ્ત્રી માટે મહદંશે પીડાદાયક સંબંધ પુરવાર થાય છે. આમાંથી બહાર રહી શકનારી સ્ત્રી જવલ્લે જ જોવા મળે છે. મોટા ભાગની સ્ત્રીની જરૂરિયાત એ હોય છે કે એનો પુરુષ ફકત એનો જ હોય!

    એક ઉર્દૂ ટૂંકી વાર્તા ‘શાહની’માં દીકરાના જન્મપ્રસંગે આવેલી પતિની રખાતને પૈસા આપીને પોતાની સત્તા સાબિત કરતી ‘શાહ’ની પત્ની શાહનીની વાત છે. રખાત પૈસા લેતી વખતે પત્નીને કહે છે, ‘ઉનકા દિયા હી ખાતી હૂં...’ અને પત્ની એને સંભળાવે છે, ‘ઉનસે તો રોજ હી લેતી હો, મુઝસે લેને કા દિન બાર બાર નહીં આયેગા...’ મીનાકુમારીની એક નઝમ આવી સ્ત્રીની પીડાને બહુ સુંદર રીતે વ્યક્ત કરે છે: પૂછતે હો તો સુનો, કૈસે બસર હોતી હૈ, રાત ખૈરાત કી, સદકે કી સહર હોતી હૈ... ખેરાતમાં મળેલી રાત અને કોઇના માથેથી બલા ઉતારીને આપી દેવામાં આવેલી સવાર સાથે જીવતી સ્ત્રી માટે કદાચ એ સંબંધ એના જીવનનો એકમાત્ર અને જિંદગીનો પર્યાય કહી શકાય એવો સંબંધ હોઇ શકે, પરંતુ પુરુષ માટે એ ‘ઉત્તરીય’ (ઓઢવાના વસ્ત્ર) જેટલો સાદો અને એટલી જ ઝડપથી બદલી નાખવામાં આવતો સંબંધ હોઇ શકે. રખેલ અથવા કપિ અથવા મસ્ટિ્રેસ અથવા ગેઇશા અથવા રખાત જેવો શબ્દ આપણા સમાજે શોધી કાઢ્યો છે. આ શબ્દ એવી સ્ત્રી માટે વાપરવામાં આવે છે, જે પત્ની નથી... પરંતુ એના જીવનમાં એ પુરુષ સિવાય બીજું કોઇ નથી! એણે તો પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું છે, પરંતુ જેને એણે સર્વસ્વ અર્પણ કર્યું છે અથવા જેને એ પોતાના સમગ્ર અસ્તિત્વથી ચાહે છે એના જીવનમાં એ એક જ સ્ત્રી નથી એવી એને ખબર છે... મોટા ભાગે હોય છે!

    પહેલાંના સમયમાં રાજાઓને એકથી વધુ રાણીઓ હતી. એ સમાજ બહુપત્નીત્વને માન્યતા આપતો હતો. હવે જ્યારે એકપત્નીત્વનો કાયદો છે ત્યારે પુરુષના જીવનમાં બીજી સ્ત્રીનો પ્રવેશ સમાજમાં સ્વીકાર્ય નથી, પરંતુ ઈતિહાસ તપાસીએ તો સમજાશે કે આવી ગણિકા કહી શકાય તેવી, જેને સમાજ માન્યતા ન આપે તેવી સ્ત્રીઓ વિશે સાહિત્યમાં શ્રેષ્ઠ કામ થયું છે. શુદ્રકના ‘મૃચ્છકટિક’ નાટકમાં લેખકે વસંતસેના અને ચારુદત્તના પ્રેમસંબંધની વાત કરી હતી. ‘ઉત્સવ’ ફિલ્મ એ જ કથા લઇને બનાવવામાં આવી હતી. શુદ્રક, દંડી અને કાલિદાસ જેવા કવિઓએ ગણિકાનું મહત્વ પોતાના નાટકોમાં સમજાવ્યું છે. જેમ નટ વિદૂષક હોય તેવી જ રીતે સંસ્કૃત નાટકોમાં ‘ગણિકા’નું મહત્વ છે... મોગલ સમયમાં પણ ‘કનીઝ’ એટલે નર્તકી અથવા દાસીનું મહત્વ આલેખવામાં આવ્યું છે. સલીમ-અનારકલીની કથાથી શરૂ કરીને મોગલ સમયની નર્તકીઓની વાતો આપણે જાણીએ છીએ.

    હીરોડોટસ નામના ગ્રીક ઈતિહાસકારે લખ્યું છે, ‘બેબિલોનની પ્રજામાં એક બહુ જ શરમ ભરેલો રિવાજ ચાલે છે. બેબિલોનમાં જન્મેલી પ્રત્યેક સ્ત્રીને માથે એક ફરજ હતી કે એણે એક વખત દેવી મીલીયા-રતિના મંદિરમાં જઇને બેસવું અને કોઇ પણ પરદેશી-અજાણ્યા પુરુષ સાથે સહચાર સાધવો. અજાણ્યો પુરુષ પોતાને મનગમતી સ્ત્રીના ખોળામાં ચાંદીનો સિક્કો નાખીને કહે કે, દેવી મીલીટા તને આબાદી બક્ષે એટલે સ્ત્રીએ પેલા પુરુષની સાથે જવું જ પડે અને એને સંતુષ્ટ રાખવો પડે.’ મિસર સંસ્કૃતિમાં ‘બાલદેવતાનાં મંદિરો’ વિશાળ ગણિકાગૃહો હતા.

    યુરોપના અગ્નિ ખૂણામાં આવેલો ગ્રીસનો એક નાનકડો પ્રદેશ આ બાબતમાં સાવ જુદું વિચારતો હતો. સોક્રેટીસ જ્યાં જન્મ્યો એવા એ દેશમાં બે પ્રકારની સ્ત્રીઓ હતી. એક ભાગમાં પ્રતિષ્ઠિત છતાં પછાત પત્ની અને બીજા ભાગમાં પુરુષની રસભાવના, કલાભાવના અને કામને સંપૂર્ણપણે સંતુષ્ટ કરતી ગણિકા. ગણિકાના બાળકને નાગરિકતા ન મળતી. ફ્રાઇન નામની એક ગણિકાએ થબિ્ઝ શહેરનો નાશ થયો ત્યારે પોતાના ધનથી બંધાવી આપવાનું માથે લીધેલું. રતિદેવી-વિનસના મંદિરમાં લામિયા નામની એક ગણિકા હતી. મહારાજા ડીમીટ્રિયસે એલેકઝાન્ડિ્રયા જીતી લીધું પછી એથેન્સ ઉપર ટેક્સ નાખ્યા અને એ રકમ લામિયાને એના સાબુ માટે આપી દેવામાં આવી હતી. હર્મોડિયસની ઉપપત્ની લીના, થારજેલિયા અને એસ્પેસિયાના નામો આજે પણ ગ્રીસને યાદ છે. ગુજરાતી સાહિત્યમાં લીલાવતી મુન્શીએ એસ્પેસિયા વિશે લખ્યું છે. સોક્રેટિસ જેવો તત્વજ્ઞ, એલ્સીબીએડીસ જેવો યોદ્ધો અને પેરિક્લિસ જેવો મુત્સદી શાસક એસ્પેસિયાના ચાહકો હતા. પેરિક્લિસ અંતે પોતાની પત્નીને છુટાછેડા આપીને એસ્પેસિયા સાથે પરણ્યો હતો... એસ્પેસિયાની જેમ જ હપિર્સિયા પણ જાણીતી હતી. હપિર્સિયાએ ઘણા ગ્રંથો પણ લખ્યા છે... બેકીસ અને લાઇ જેવી ગણિકાઓના નામ પણ ગ્રીસના ઈતિહાસમાં જાણીતાં છે... આજના સમયમાં મુંબઇનો ફોકલેન્ડ રોડ કે કોલકાતાની સોનાગાચ્છીમાં વસતી સ્ત્રીઓ વિશે આપણે વાત ન કરીએ, તો પણ જે સ્ત્રીઓએ પોતાના શરીરને પોતાની બુદ્ધિ કરતાં ઓછું મહત્વ આપીને પુરુષને જીતવાનો પ્રયાસ કર્યો છે એ બધી જ સ્ત્રીઓ અંતે સફળ પુરવાર થઇ છે. શુદ્રકના ‘મૃચ્છકટિક’માં ગણિકા વસંતસેના વિશે એક શ્લોક લખીને એણે ગણિકાના ગુણ કે અવગુણની વાત કરી છે. એષા નાણકમોષિકામકશિકા મત્સ્યાશિકા લાસિકા, નિનૉસા કુલનાશિકા અવેશિકા કામસ્ય મવ્જુષિકા, એષા વેશવધૂ: સુકેશનિલયા વેશાંગના, વેશાશિકા, એતાન્યસ્યા દશ નામકાનિ મયા કૃતાન્યાધ્યાપિ માં નેચ્છતિ. (નાણાંનું હરણ કરનારી, ચોરડાકુઓ જેવાનાં દિલને પણ ચાબુકની માફક ઉત્તેજિત કરનારી, મત્સ્યભક્ષી, નાચમાં જીવન ગુજારનારી, નાક વગરની નફ્ફટ-નિનૉસા, કુટુંબ વિનાશિની, અંકુશહીન, કામ મંજુષા-કામની પેટી, વેશવધૂ-ગણિકા, અલંકારનો ભંડાર, વેશાંગના, વેશ્યા આવાં દસ નામોથી તને હું સંબોધું છું, છતાં તું મને કેમ ઇચ્છતી નથી ? (૪)

    એક નાનકડા લેખમાં માહિતીનો ધોધ અને મહિલાની મનોવ્યથાને માર્મિક વાતથી બેલેન્સ કરી કાજલ ઓઝા જ લખી શકે. આજે સમગ્ર ગુજરાતી સાહિત્યમાં કાજલ ઓઝા એકમાત્ર એવી કલાકારા છે જેને હરરોજ હું જોઉ છું, વાચું છું અને શબ્દો અને અવાજના માધ્યમ થકી જેની જોડે જીવું છું. આ વ્યક્તિ એવા ગુજરાતી ઓડીયન્સને પોતાની પાસે ખેંચી શકી છે જે ગુજરાતી ઓડીયન્સ માટે વાચવું એટલે સજા હતી. આજે વાંચન જે સજા કહેવાતું એ મજા બન્યું છે. એ પાછળનો શ્રેય કોઈ સવાલ કે શક વિના કાજલ ઓઝા વૈદ્યના ભાગે જાય છે.કાજલ ઓઝાનું કટાર લેખન યાત્રા ગુજરાતી ભાષામાં એક અજુબો છે, જેમ મહાભારતમાં દ્રોપદી છે, રામાયણમાં સિતા છે, રાજનીતિમાં ઇન્દિરા છે, ટેલિવુડમાં એકતા કપૂર છે તેમ ગુજરાતી સાહિત્યમાં કાજલ ઓઝા વૈદ્ય છે.

    કાજલ ઓઝાએ તેમની કટરો વડે યુવાપેઢી ખીજાય છે, જાટકણી કાઢી છે તો બીજી તરફ યુવા-સ્વતંત્રતા અને સમાજવ્યવસ્થા જેવા વિષયો પર લાડ લડાવતા એવા વ્હાલીઓને વઢે છે જેમના માટે તિરસ્કાર અને તરફદારી બંને થાય. જડતાવાદી વિચારસરણીથી લઈ જનરેશન ગેપની વાત કાજલ ઓઝા પોતાના લેખો અને વક્તવ્યમાં અવાર-નવાર કરે છે. જ્યાં વિસંગતતા જોવા મળે. રાજકારણ જેવા વિષયથી તેમની કલમ જેટલી દૂર છે એટલી જ સમાજકારણ જેવા વિષય પર નજદીક છે. તેમનામાં એક લેખિકા તરીકે ક્યારેક વાંચક તો એક વક્તા તરીકે ક્યારેક શ્રોતા દર્શકના દિલ જીતી લેવાની ઈચ્છામાં જસબાતોનો અતિરેક થતો જોવા મળે છે.

    આમ છતા, કાજલ ઓઝા વૈદ્ય ગુજરાતી વાંચક વર્ગને સ્વીકાર્ય છે. તેમના ફોટોગ્રાફ હોય, ઓટોગ્રાફ હોય કે પર્સનલ બાયોગ્રાફ.. આ બધુ તેમના દર્શકો-ચાહકો સિવાય તેમને ન વાંચનારા વિરોધીઓ પણ આવકારે છે. કાજલ ઓઝા વૈદ્ય કોલમનિસ્ટ, નોવેલિસ્ટ, જર્નાલિસ્ટનાં લેખન બાદ તેમના વિશે ગુજરાતી સાહિત્યનાં સમકાલીન કટારલેખક શું કહે છે? અને ત્યારબાદ તેમના આજ સુધીના પત્રકારત્વમાં સાહિત્યક યોગદાન પર એક ગરૂડાવલોકન કરીએ..

    સંદર્ભ :-

    (૧) અસ્મિતાપર્વ – ૧૫ – કાજલ ઓઝા વૈદ્ય. ૨૦ એપ્રિલ, ૨૦૧૨ |પ્રકાર : પ્રવચન|

    આલેખન : મૃગેશ શાહ. રીડગુજરાતી.કોમ પરથી સાભાર.

    http://www.readgujarati.com/2012/04/20/asmitaparva-kajaloza/

    (૨) જાતને શોધવાની પ્રક્રિયા – કાજલ ઓઝા વૈદ્ય.

    ૨૩ જુલાઈ, ૨૦૦૮ |પ્રકાર : સાહિત્ય-લેખ|

    ‘શબ્દસૃષ્ટિ’ સામાયિક, દીપાવલી અંકમાં ‘નવલકથા અને હું’ નામક વિશેષાંકમાંથી સાભાર.

    (3)હું મૃત્યુને ઓળખું છું. – કાજલ ઓઝા વૈદ્ય.

    ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૪ |પ્રકાર : સાહિત્ય-લેખ|

    http://www.e-shabda.com/blog/about-mrutyu-kaajal-oza-vaidya/

    (૪)પૂછતે હો તો સૂનો.. - કાજલ ઓઝા વૈદ્ય.

    ૩ ઓગષ્ટ, ૨૦૧૨ |પ્રકાર : સાહિત્ય-લેખ|

    સામાજીક માન્યતા વિનાનો સંબંધ પુરુષ માટે સહજ – મધુરિમા પૂર્તિમાંથી સાભાર.

    http://divyabhaskar.co.in/news/kajal-ojha-vaidya

    કાજલ ઓઝા વૈદ્ય હરરોજ જેટલું લખે છે તેનાથી વધુ અને વિશેષ કાજલ ઓઝા પર દરરોજ વ્યક્તિગત બોલાતું, જાહેરમાં લખાતું અને અંગતમાં જાણવા મળતું રહેતું હોય છે એ સમયે કાજલ ઓઝા વૈદ્ય વિશે સમકાલીન સુપર પોપ્યુલર કૉલમનિસ્ટ શું અભિપ્રાય ધરાવે છે? એક કવિનાં મનમાં કાજલ ઓઝા માટે કેવા ખ્યાલ વિકસેલા છે? એક સ્ત્રી લેખિકા-સંપાદક કે પછી યુવાન લેખક કે રેશનાલિસ્ટ રાઈટર કે પત્રકાર કાજલ ઓઝા અને તેમના લેખનને પોતાની સમકક્ષ રાખી કેવી વિચારધારા અને મંતવ્યોને રજૂ કરે છે, જ્યોતિષ તજજ્ઞ શું તર્ક આપે છે કાજલ ઓઝાના લેખન-જીવન અને ભવિષ્ય વિશે એ જાણવા ગુજરાતી ભાષામાં જેઓ લખે-બોલે છે એવા પસંદ કરાયેલા સુજ્ઞ કટારલેખક, કોમળ હદયનાં કવિરાજ. સફળ વાર્તા-નવલકથાકાર, સામાયિકનાં સંપાદક, અને તટસ્થ પત્રકારને એક સરખા ચાર સવાલો પૂછીને સંશોધનનાં વિષય ‘ગુજરાતી કટાર લેખનમાં કાજલ ઓઝા વૈદ્યનું પ્રદાન : એક અભ્યાસ’ને વધુ પારદર્શક બનવાનો પ્રયાસ હાથ ધરાયેલો છે. જે ચાર સવાલો મારફત કાજલ ઓઝા વૈદ્યનાં કટારલેખનની લોકપ્રિયતા પાછળનું કારણ, લેખન વિશેષતા તથા એક સ્ત્રી-લેખિકા વિશે કોણ શું કહે છે એ આ મુજબ જાણવા મળ્યું છે.

  • કાજલ ઓઝા વૈદ્ય વિશે અખબારી/સાહિત્ય ક્ષેત્ર સાથે જોડાયેલા મહાનુભાવોને કરવામાં આવેલા ચાર સવાલ :-
  • (૧) કાજલ ઓઝાનું કટાર લેખન કેવું લાગે છે? તેમની કોલમ અંગેનાં વિચાર જણાવો.

    (૨) કાજલ ઓઝાના કટાર લેખનમાં કોઇ ખાસ વિશેષતા કે અલગપણું જોવા મળે છે?

    (૩) કાજલ ઓઝાને લેખિકા તરીકે કઇ કક્ષા મૂકી/મૂલવી શકો? તેમની પાસેથી હજુ એક ગુજરાતી વાંચક તરીકે કેટલી આશા છે?

    (૪) કાજલ ઓઝાને એક શબ્દમાં વર્ણવી હોય તો?

  • કાજલ ઓઝા વૈદ્ય અંગે સમકાલીન કટાર લેખકો, કવિ, સંપાદક, પત્રકાર, વગેરેને પૂછેલા ચાર સવાલોનાં ક્રમબદ્ધ જવાબો:-
  • શિશિર રામાવત
  • (૧) અને (૨) - કાજલ ઓઝા પાસે જીવનનો સમૃદ્ધ અનુભવ છે અને માનવીય સંબંધોની ઊંડી સમજ છે. તીક્ષ્ણ નિરીક્ષણશક્તિ અને બુદ્ધિમત્તા ખરી જ. આ સઘળું તેમની નવલકથાઓની સાથે સાથે તેમની કટારોમાં પણ ઝીલાય છે. કાજલ ઓઝાની કોલમો કન્ટેમ્પરરી છે, ગતિશીલ છે, વાચકોને સતત પોતાની પાસે ખેંચતી રહે તેવી એડિક્ટિવ છે. ચોક્કસપણે, કાજલ આજના સૌથી વધારે વંચાતા કેવળ નોવેલિસ્ટ જ નહીં, પણ કોલમનિસ્ટ પણ છે.

    (૩) કાજલ પર લોકપ્રિય લેખિકાનું લેબલ લાગ્યું છે તેથી તેમના ભાગ્યમાં આ બિરુદ સાથે ઉચ્છભ્રૂ સાહિત્યવર્તુળ તરફથી આપોઆપ, બાય ડિફોલ્ટ મળનારી અવગણના પણ લખાયેલી છે. પણ આમાં કશું નવું નથી. હરકિસન મહેતા અને અશ્ર્વિની ભટ્ટ જેવા સુપર પોપ્યુલર લેખકો પણ આવી અવગણના ભોગવી ચુક્યા છે, ના, જોઈ ચુક્યા છે. મને નથી લાગતું કે કાજલને સાહિત્યના વિવેચકો તરફથી સ્વીકૃતિ મેળવવાની લાલચા હોય. મને લાગે છે કે કાજલ ઓઝા પાસેથી હજુ ઘણું મળવાનું બાકી છે એવું હું ચોક્કસપણે માનું છું. ઓન્લી શી શુડ નોડ સ્પ્રેડ હરસેલ્ફ ટૂ થિન.

    (૪) કાજલ ઓઝા માટે એક શબ્દ નહીં, પણ એક વાક્ય - સુપર કોન્ફિડન્ટ, સુપર એનર્જેટિક, બિન્દાસ. હા, એમના આ બિન્દાસ અવતારની ભીતર એક બહુ જ વલ્નરેબલ સ્ત્રી છુપાયેલી છે. આ કોમ્બિનેશન મને તો બહુ આકર્ષક લાગે છે.(૧)

    - શિશિર રામાવત

  • અંકિત ત્રિવેદી
  • (૧) કાજલ ઓઝાનાં સમકાલીન હોવાના નાતે એવું કહેવું ગમે કે, કાજલ ઓઝાએ જે કાર્ય ગદ્યમાં કર્યું એ કાર્ય અંકિત ત્રિવેદીએ પદ્યમાં કર્યું. કાજલ ઓઝાનું કટારલેખન એટલે સ્ત્રીના કલમે લખાતી પુરુષનાં હદયની વાત. કાજલની કલમ સ્ત્રીની ફેવર નથી કરતી, પુરુષની ઉપેક્ષા પણ નથી કરતી.

    (૨) લેખનમાં બંને સમાન લાગે છતા કાજલ ઓઝાની સરખામણી શોભા ડે સાથે ચાહવા છતાં હું ન કરી શકું. કેમ કે, શોભા ડે પાસે સમસ્યા કે સવાલો નથી. જ્યારે કાજલ ઘણું જોયું છે. કાજલ ઓઝાનાં અંગત જીવનની જવાબદારીઓ, સમસ્યા વગેરે પ્રશ્નોમાંથી તેની જાતનું ઉભરવું, કલમમાં ઉપસવું.. તમે અભ્યાસ કરો કાજલ ઓઝાની નવલકથાનો નાયક સમુદ્ર પર ઊભો નથી, ઊંડે ઉતર્યો છે. નવલકથાની નાયિકા કિનારા પર ઊભી છે. કાજલ ઓઝાનાં લેખનની વિશેષતા છે – તેમના લેખનમાં લીલી લાઈટ નથી, લાલ લાઇટ છે. છતાં એક સિગ્નલ છે.

    (૩) એક પંખી એક વૃક્ષ પાસે જેટલી અપેક્ષા રાખે એટલી અપેક્ષા કાજલ પાસે મારી છે.

    (૪) વિદ્રોહી. કાજલ ઓઝાને એક શબ્દમાં વિદ્રોહી કહી શકાય. હા, ક્યારેક એ એટલા શાંત લાગે કે તેમની પાસે શૂન્ય પણ મોળું પડે.(૨)

    - અંકિત ત્રિવેદી

  • જય વસાવડા
  • (૧) કાજલ ઓઝા વૈદ્યની કૉલમ મને વાંચવી ગમે છે તેના ત્રણ કારણ છે. આપણે ત્યાં સ્ત્રી લેખિકા ભાગ્યે જ કૉલમ લખે છે. એ મોટા ભાગે નવલકથાઓ, વાર્તાઓ અને કવિતાઓ લખતા હોય અને મહિલાઓ માટેનું કશુક લખતા હોય તેમાં જનરલ ઈશ્યુ કૉલમ ગુજરાતીમાં બહુ ઓછા લેખિકાઓ લખે છે. એ બધામાં કાજલ બેનનું કટારલેખન મને વાંચવું ગમે છે. એ સ્ટેન્ડ આઉટ છે. એમની કૉલમ સાથે જોડાયેલી એક વાત એ કે, કાજલબેન માત્ર મહિલાઓના દ્રષ્ટિકોણથી જ કૉલમ લખતા નથી, એ બહું જનરલી લખે છે. જેમના લેખનમાં પુરુષની વાત આવે, સાહિત્યની વાત આવે, ફિલ્મોની વાત આવે, આજુબાજુ બનતા સામાજીક બનાવોની વાત આવે, વગેરે વગેરે. એટલે ‘એક મહિલાનો એંગલ’ એમ કરીને કૉલમ નથી લખતા. એટલે કાજલ ઓઝાનું લેખન મને ગમે.

    (૨) કાજલબેન ઓઝા અમુક પ્રકારનાં ઈમોશન પંચવાળા વાક્યો સરસ બનાવી મૂકે છે જેને પંચલાઈન કહેવાય. કાજલબેનની કૉલમમાં એક પેઈજમાં પાંચ-સાત આ પ્રકારનાં વાક્યો જોવા મળે જ. ઉપરાંત તે પોતાના પર્સનલ ઓર્બ્જવેશન પોતાના જીવનમાં બનતી ઘટનાઓને ઝીલી.. તે ક્યાય બહાર ગયા હોય તો તેમની કૉલમમાંથી ખ્યાલ આવી જાય, કોઈની સાથે બેઠા હોય અને ખાસ પ્રકારની વાત કરી હોય તો તેમની કૉલમમાંથી ખ્યાલ આવી જાય. પર્સનલ ઑક્યુપેશન સાથે એક્સપ્રેશન મૂકી લખે છે એ મને ગમે છે, જે એમની એક ઔર વિશેષતા છે. અપડેશન લાગે છે.

    (૩) કાજલબેન પાસેથી શું અપેક્ષા છે? એવું તો કશું કહી ન શકું, એવું કશું છે નહીં, મને લાગતુ નથી. દરેક લેખકની પોતપોતાની સ્ટાઈલ હોય, આગવી શૈલી હોય અને ગમતા સબ્જેક્ટ હોય. એટલે એવી અપેક્ષા ન હોય કે હું લખું એવું જ કોઈ બીજા લખે, કાજલબેન લખે એવું કોઈ બીજા લખે. એ પોતાના એંગલથી લખતા હોય, હું મારા એંગલથી લખતો હોઉ. હા, એક વાત છે – કાજલબેન સાયન્સ પર ક્યારેય લખતા નથી. મને ખબર છે એ એમનો રસનો વિષય પણ નથી. પરંતુ ક્યારેક સાયન્સ – ટેક્નોલોજી આવી બધી બાબતો પર લખે તો કાજલ ઓઝાનો એંગલ કેવો હશે? એક ફિમેલ લેખિકા, વિદુષી કહી શકાય.. હોશિયાર કહી શકાય.. અને વિદ્વાન કહી શકાય.. એવી વ્યક્તિ આ નવા-નવા સાયન્ટિફીક સબ્જેક્ટ કે ટેક્નોલોજીકલ બાબતો પર શું માને છે એ જાણવું આપણને ગમે ખરું ઘણું.

    (૪) તેઝતર્રાર.(૩)

    - જય વસાવડા

  • નરેશ કે. ડોડીયા
  • (૧) સાવ સાચુ કહું તો કાજલ ઓઝાની કટાર હું ક્યારેક જ વાંચું છુ પણ વાંચવું ગમે છે.

    (૨) કાજલ ઓઝાના કટારલેખનમાં બક્ષી સાહેબ સ્ત્રેણ અંદાજની તાદશ ઝાંખી દેખાય આવે છે.

    (૩) કાજલ ઓઝા તેમની કટારમાં એક સ્ત્રી તરીકે અલગ ચીલો ચાતરીને લખે છે, ગુજરાતી સાહિત્યને તેઓ હજુ ઘણું આપી શકે તેમ છે.

    (૪) કાજલ ઓઝા એટલે.. - કૈક અલગ લખતી સ્ત્રી લેખિકા..(૪)

    - નરેશ કે. ડોડીયા

  • મૌલિકા દેરાસરી
  • (૧) ‘એક બીજાને ગમતાં રહીએ’, જેમાં જબરદસ્તી ફક્ત ગમાડ્યા કરવાની જ વાત નથી પણ બે ય પાત્રોની ખામીઓના પણ સહજ સ્વીકારની વાત છે. જિંદગીના કોઈપણ સંબંધમાં એક સમયનું બહુ જ ગમતું પાત્ર ક્યારેક સાવ ફાલતું બાબતમાં અણગમતું થઈ જાય છે. એવી નાની નાની વાતોમાં તૂટી ગયેલા તારને ખૂબીથી સાંધીને ફરી એક વાર પ્યારના સૂરને કઈ રીતે છેડી શકાય એ કોઈ આમાંથી શીખે...!

    (૨) કલમ જ્યારે કોઈ સ્ત્રી ઉપાડે છે ત્યારે ખાસ કરીને એક સ્ત્રીની સંવેદનાની વાત વધારે ઝલકે પણ કાજલ ઓઝા એક પુરૂષના વ્યક્તિત્વની વાત પણ એક એવા પૌરુષિક અંદાજમાં કહે છે કે વાંચતા વાંચતા ઘણીવાર આપણને એ પુરુષ મનમાંય ઝાંકીને જોવાનું મન થઈ આવે.

    (૩) કોઈ પણ લેખકને એક કક્ષા કે ચોકઠામાં ફીટ કરીને મૂલવી નાખવામાં હું નથી માનતી. કાજલબેનના લેખનનો અને ખાસ તો વિચારોનો વ્યાપ અતિ વિશાળ છે. એક સ્ત્રી વિષે, એક સ્ત્રી માટે એક સ્ત્રી તરીકે એટલું બે-ઝીઝક અને હાડોહાડ પ્રામાણિકતાથી લખે છે એ વાંચતા લાગે જાણે અરીસાની સામે ઊભાં હો અને પાત્રોના મનનેય અરીસા સામે મૂકી દીધું હોય એ રીતે લખવું એ ખતરનાક કામ છે. ચંદ્રકાન્ત બક્ષી પછી તેઓ બીજા એવા લેખક છે, સ્ત્રી પાત્રોને જેમણે પાત્રને ખુદને ગમે એ રીતે ઘડ્યા છે, નહીં કે દુનિયા કે સમાજને ગમે એ રીતે. એમને વાંચ્યા, સાંભળ્યા પછી હંમેશા કંઇક ખૂટતું ઉમેરાયું હોય એવો એહસાસ થયો છે એટલે આશા તો કાયમ રહેશે.

    (૪) ‘કાજલ ઓઝા’ – આ એક નામ સિવાય બીજા કોઈ એકાદ શબ્દમાં એમને વર્ણવવા ના-મુમકીન છે.(૫)

    - મૌલિકા દેરાસરી

  • ભુપેન્દ્રસિંહ રાઓલ
  • (૧) મેં એમની કોલમ વાંચી નથી.

    (૨) એમની એકેય કોલમ વાંચી નથી માટે એમના કટાર લેખન વિશે કહેવું મુશ્કેલ છે.

    (૩) મેં એમની કૃષ્ણાયણ વાંચી છે મને બહુ ઈમ્પ્રેસ કરી શકી નથી. લેખિકા તરીકે એક જ પુસ્તક વાંચીને અભિપ્રાય આપવો મુશ્કેલ છે. પણ મેં એમને રૂબરૂ સાંભળ્યા છે. એમના ક્વોટ વાંચ્યા છે. બોલ્ડ લેખિકા છે. બીજું એ લખતા નથી બોલે છે અને ગુજરાતી ટાઈપરાઈટર લખે છે. અતિશય લખવામાં પછી ક્વોલીટી જળવાય નહિ.. એમનું લખેલું એમને ખુદને યાદ રહેતું હશે કે કેમ?

    (૪) તદ્દન પ્રોફેશનલ લેખિકા..(૬)

    - ભુપેન્દ્રસિંહ રાઓલ

  • હરનેશ સોલંકી
  • (૧) લેખિકા કાજલ ઓઝા વૈદ્ય મારા મતે ખરા અર્થમાં કટારલેખક છે. આજે જયારે સુડી લેખકો, ચપ્પા લેખકો, સાંધા લેખકોનો રાફડો ફાટયો છે તેવે સમયે ધારદાર અને સાફદાર વિચારોનું કટારલેખન તેમની મુડી છે એક વાચક તરીકે તેમનું કટાર લેખન હું અચૂક વાંચું છું. ‘મુંબઇસમાચાર’, ‘દિવ્‍યભાસ્‍કર’ કે ‘ફૂલછાબ’માં લખાતી તેમની કટારનો નિયમિત વાચક છું. એટલે સ્‍વાભાવિક છે કે તેમની કલમ અને કોલમ ગમે પણ તેમાં અગત્‍યનું છે તેમની અલગ અલગ અખબારોમાં ચાલતી નિયમિત કોલમ લેખિકા તરીકે સંપૂર્ણ રીતે વાચકો સાથે વફાદાર રહીને લખતા હોય તેવું લાગે છે.

    (ર) કાજલ ઓઝાના કટાર લેખનમાં ખાસ વિશેષતા એ તેમનું વિષય વૈવિધ્‍ય છે. અને એકી સાથે ત્રણ ચાર અખબારો તેમજ મેગેજીનમાં લખવા છતાં કયાંય વિષયો રીપીટ થતાં હોય તેવું ન લાગે અને લખવાના આકાશની ચારેય દિશાઓ જાણે સર કરી કોઇપણ વિષય ઉપર તેઓ કલમ ચલાવી શકે છે અને એ પણ જે તે વિષયમાં સંપૂર્ણ ઉંડા ઉતરી અને પુરી તટસ્‍થતા, ઇમાનદારી અને પ્રમાણિક પ્રયત્‍નથી વાચકો સુધી પહોંચાડતા હોય તેવું લાગે..આ તેમને બીજા કૉલમીસ્‍ટોથી અલગ પાડતી બાબત છે.

    (૩) કાજલ ઓઝા વૈદ્યને લેખિકા તરીકે કોઇ કક્ષામાં મુકવા બાબતે એક વાચક તરીકે હું સક્ષમ ન ગણાવું..અને એમના પ્રચંડ સાહિત્‍ય સર્જનને પણ મુલવી ન શકાય પણ હા.. એક ગુજરાતી વાચક તરીકે તેમની પાસેથી હજી ગુજરાતી સાહિત્‍યના વણખેડાયેલ વિષયો ઉપર તેમની કલમ ચાલે અને ખાસ કરીને શ્રી બક્ષી સાહેબ ગયા પછી ગુજરાત અને ગુજરાતીના પ્રભુતાની વાત કરનાર કોઇ ગુજરાતી સાહિત્‍યકાર હાલ છે નહીં ત્‍યારે કાજલબેન આ વિષય ઉપર ચિંતન કરે અને આજના નવોદિતોએ પણ કાજલબેન પાસેથી લખવા-બોલવાનું ખાસ શીખવા જેવું છે. મારી શ્રી બક્ષી સાહેબની ડીવીડી નિર્માણ સમયે તેઓએ ત્રણ મીનીટમાં જ તેમને જે કહેવું હતું તે ધારદાર.. સચોટ.. બિન્‍દાસ કહી દીધેલ... જે આજના નવોદિતોએ શીખવા જેવું ખરું... મારા કાર્યક્રમમાં આવેલા ત્‍યારે નવોદિતો માટે વાર્તા શીબીર કરવા અને નવોદિતોને માર્ગદર્શન આપવાનો તેમણે કોલ આપેલ છે.. તો એક ગુજરાતી વાચક તરીકે આ બાબતે કાજલબેન કાંઈક કરે તેવી અપેક્ષા ખરી.

    (૪) કાજલ ઓઝા વૈદ્યને માત્ર એક શબ્‍દમાં વર્ણવવું અઘરું છે. પણ મારી દ્રષ્‍ટએ ગુજરાતી ભાષાના બોલ્‍ડ એન્‍ડ બ્‍યુટીફુલ કટાર લેખિકા કહી શકાય.(૭)

    - હરનેશ સોલંકી

  • અભિમન્યુ મોદી
  • દિગંત ઓઝાના સુપુત્રી કાજલ ઓઝા વૈદ્ય. ગુજરાતી લેખન જગતમાં જાણીતું નામ છે. મોટું નામ પણ કહી શકાય. (લેખન જગત શબ્દ વાપર્યો છે, પત્રકારત્વ જગત નહિ, એની નોંધ લેવી.) મુખ્યત્વે નિબંધ અને નાટકોથી એમણે લખવાની શરૂઆત કરી. અને અત્યારે વર્તમાન સમયમાં તેઓ કોલમ, વ્યાખ્યાન અને વિશેષત: નવલકથા માટે વધુ જાણીતા છે. મોર્ડન ગુજરાતી કૃતિઓ રચે છે અને વાચકોના એક મોટા સમૂહની સરાહના પણ પામે છે. કાજલ ઓઝા વૈદ્ય ગુજરાતમાં, અનેક ચોક્કસ સમૂહોમાં પ્રખ્યાત છે. એના અમુક કારણો એ લાગે છે કે તેઓએ મોટા જથ્થામાં મોર્ડન અને એમની સ્ટાઈલ મુજબ બિન્દાસ લખ્યું છે, નવલકથાઓમાં. આદર્શ ભારતીય સ્ત્રીની ટીપીકલ છાપવાળી નાયિકાઓ એમની નોવેલ્સમાં સામાન્ય રીતે જોવા ન મળે. ઉપરાંત, એમના લેક્ચર્સમાં પણ તેઓ આઉટસ્પોકન અને સ્ટ્રેઈટફોરવર્ડ રહે છે. પોતાના અંગત જીવનની વાતો કે પોતાનો ભૂતકાળ પણ બહુ સાહજિકતાથી શેર કરે છે અને એ રીતે ઓડીયન્સ સાથે જલ્દી અને સારી રીતે કનેક્ટ કરી જાણે છે. એમની અમુક વાતો પરથી તેઓ ફેમીનીસ્ટ લાગ્યા છે પણ એમનું ફેમિનિઝમ બેલેન્સ્ડ છે, અંતિમવાદી નથી એ એક સારી વાત છે. આ એકમાત્ર ગુજરાતી લેખિકા એવા છે કે જેમના લેકચરની ક્લીપીંગ વોટ્સએપમાં પણ ફરતી હોય છે અને તેમની ઓડિયો/વિડીયો કેસેટ્સ બુક સ્ટોર્સમાં જોવા મળે છે. આ તેમની સફળતા કહી શકાય. સામાન્ય ગૃહિણી હોય એમને પણ પોતાના લેકચર વડે ગજબનાક કોન્ફીડંસ આપે છે કે સામાન્ય નારી પોતાનું ક્યારેય અવમુલ્યન ન કરે. એ એમની આવડત છે. અને ઓડીયન્સમાંથી પ્રશ્નોતરી સમયે જો કાજલ ઓઝા ઈરીટેટ થાય તો એ પ્રશ્નકર્તાને ગરમ પ્રત્યુતર માટે પણ તૈયાર રહેવું પડે. આ વસ્તુ એમની ક્લેરિટી ઓફ થોટ્સ બતાવે છે. એ જે લખે છે, વિચારે છે અને બોલે છે એમાં ક્લેરિટી છે. પોઈન્ટ છે. એ ક્લેરિટી કે મુદ્દા સાથે આપણે સહમત હોઈએ કે અસહમત, એ વાત જુદી છે પણ કાજલ ઓઝા પોતે પોતાના માઈન્ડમાં ક્લીયર છે કે એમને શું કહેવું છે કે લખવું છે. અમુક જૂની કે જાણીતી વાતો, જુના ડાઈલોગ્સ કે ટુચકાને પણ ઓડીયન્સને ફરીથી સાંભળવા ગમે એ રીતે રજુ કરવામાં કે વાચકને વાંચવા ગમે એ રીતે આલેખવાની એમની શૈલી આવડતભરી કહેવાય. ઓલ ઇન ઓલ, ગુજરાતે આવી મોર્ડન અને ફોરવર્ડ લાગતી મહિલા લેખક બહુ ઓછી જોઈ છે. અને એમાં વર્ષોથી એકધારું અને અનેકવિધ મીડિયા અને એક્ટીવીટીઝ સાથે સંકળાયેલા રહીને કાજલ ઓઝા વૈદ્ય, ‘માસ’ ને ગમે, એક મોટા વર્ગને પસંદ આવે એવું કામ આપી રહ્યા છે.

    (૧) કાજલ ઓઝાનું કટાર લેખન સારું છે. હું ઈમ્પ્રેસ ક્યારેય નથી થયો જો કે. પણ સુષ્ઠુ સુષ્ઠુ લખતા બોરિંગ લખાણ કરતા સારું છે.

    (૨) એ જ જે ઉપરના સવાલના જવાબમાં કહ્યું. ચિંતનાત્મક અને ફિલોસોફી વાળું કંટાળાજનક લખાણ કે ભાષા નથી. એ જ વિશેષતા. છતાં પણ તમે થોડા વિવરણાત્મક જવાબની આશા રાખો તો એક વાત યાદ આવે છે કે દિનકર જોશીનું પુસ્તક ‘શ્યામ એકવાર આવોને આંગણે’માં જે એક મુખ્ય સંસ્કૃત લાઈન હાઈલાઈટ કરવામાં આવી છે: ‘‘ત્વદીયમ વસ્તુ ગોવિન્દ તુભ્યમેવ સમર્પેયત’’ એ જ લાઈન કાજલ ઓઝાએ એમના વખણાયેલા પુસ્તક ‘કૃષ્ણાયન’ની મેઈન ટેગલાઈન તરીકે વાપરી છે. તો ટૂંકાગાળામાં કૃષ્ણ સંબંધિત એક ગુજરાતી પુસ્તકમાં ઉપયોગમાં લાવેલી એક જ લાઈન ફરીથી પોતાના પુસ્તકની ટેગલાઈન તરીકે વાપરવી અને એમને પોતાના આગવા અંદાજમાં પેશ કરવાની કોશિશ કરવી, આ એમની વિશેષતા કહી શકાય.

    (૩) પીઢ અને જાગૃત વાચકો તરફથી કાજલ ઓઝા વૈદ્યની કૃષ્ણાયનના બહુ વખાણ સાંભળ્યા છે. પણ કૃષ્ણાયનની પહેલી આવૃત્તિ ૨૦૦૬માં આવી હતી. એને નવ વર્ષ થઇ ગયા. તો સવાલ એ થાય કે કૃષ્ણાયન પછી શું? એમના બીજા કોઈ પુસ્તકના પણ આવા વખાણ સાંભળવા મળવા જોઈએ. કાજલ ઓઝા વૈદ્ય કે ફોર ધેટ મેટર, કોઈ પણ સ્થાપિત ગુજરાતી કોલમિસ્ટ કે લેખકની હું મુલવણી કરી શકું, એને લાયક હું ખુદ મને સમજતો નથી. હા, અભિપ્રાય આપી શકાય. માટે કહીશ કે એમને સકસેસફૂલ હિન્દી ફિલ્મ ડીરેક્ટર્સ, રોહિત શેટ્ટી અને રાકેશ રોશન સાથે સરખાવી શકાય. પબ્લિકને શું જોઈએ છે, અને એમને શું ગમશે, એ તેઓ જાણે છે. ‘આ કંઇક નવીન છે’- એવી ફીલિંગ વાચકોને પ્રતીત કરવામાં સફળતા એમણે મેળવી છે. એક ગુજરાતી વાચક તરીકે તો બહુ બધી આશાઓ અને અપેક્ષાઓ હોય, પણ એ અપેક્ષાઓનો ભાર કોની ઉપર કેટલો લાદવો એ જે-તે લેખક અને એમના પોટેન્શિયલ ઉપર અવલંબે છે. રહી વાત કાજલ ઓઝા વૈદ્યની, તો તેઓ પાસેથી આશા એ કે તેઓ તેમના લખાણ, લેક્ચર્સ અને ફેઈમ દ્વારા ગુજરાતની એવી સ્ત્રીઓ કે જે હંમેશા લઘુતાગ્રંથીથી પીડાય છે, એક સીમિત ચોકઠાંમાં બંધાઈને જીંદગી ગુજારે છે તેવી સ્ત્રીઓ માટે પ્રેરણારૂપ બને, એવી સ્ત્રીઓને કોન્ફીડન્સ આપતા રહે, એવી સ્ત્રીઓને એમના બહુ નાનકડા કમ્ફર્ટ ઝોનથી બહાર કાઢવા માટે રસ્તો બતાવે. ઇન શોર્ટ, ગુજરાતી ફીમેલ્સ, સ્ત્રી/યુવતી કે છોકરી તરીકે જીવે, એક ‘બૈરા’ તરીકે નહિ.

    (૪) કાજલ ઓઝાને એક શબ્દમાં વર્ણવી હોય તો - ઈચ્છાવર્તી લેખિકા.(૮)

    - અભિમન્યુ મોદી

  • ગૌરાંગ અમીન
  • (૧) કાજલ જે રીતે સ્ત્રી અને પુરુષ અલગ પાડે છે તે રીતને અનુસરીને મેં પુરુષ તરીકે એમને વાંચ્યા કદી નથી. જેટલું પણ વાંચ્યા છે એટલું એક માણસ તરીકે જ વાંચ્યા છે. ગુજરાતી ભાષામાં જે સમયે એમણે સ્યાહીબાર ચાલુ કર્યો તે સમય માટે એમનું લખવું એટલે કે એ જે વિષય પર સામાન્યત: લખે છે તે વધુ જરૂરી હતું. પણ, એ વિષય પર સતત છેક ૨૦૧૫માં પણ લખવું એટલે કોઈ નોર્મલ સંબંધને ચોળીને ચીકણા કરવા જેવું છે. નોર્મલ સંબંધને મજબૂત કરવાના નામે એબનોર્મલ ના બનાવાય. કેક્ટસને પાણી પીવડાવાની અને મની પ્લાન્ટની પાણી પીવાની મર્યાદા અલગ અલગ હોય. સમય બદલાય તે સાથે સ્ત્રી તરફ સમાજે બદલાવું જોઈએ એમ લખાણે પણ. સવાલ સિદ્ધાંત સાથેના બાંધછોડનો બિલકુલ નથી. કે નથી વાત એમના અવિરત આંદોલનને બંધ કરવાની કે અન્ય માર્ગે લઇ જવાની. અલબત્ત! કોન્સ્ટટ અને ક્વોન્ટેટિટીવ લખવું એ ચોક્કસ એમનું કમીટમેન્ટ સાબિત કરે છે.

    (૨) એમના વિષય પ્રત્યેનું અને કલમ-કાગળ પ્રત્યેનું.

    (૩) આશા અને વિશ્વાસ બંને છે- એમના પર. પરંતુ, કોઈને પણ આશા ફળે એ વધુ ગમે! અને હું રહ્યો પુરુષ એટલે મને સ્ત્રીલિંગ પ્રત્યે કુદરતી આકર્ષણ રહેવાનું. એ ગરીબો અને ગામડાના લોકોના સંબંધ પર લખે- વધુ લખે. અને આધ્યાત્મિક બાબત પર ના લખે એવી ખુલ્લી આશા.

    (૪) "કાજલ ઓઝા"ને અભિવ્યક્ત કરવા માટે એક સાચું, લોકભોગ્ય અને ગળામાંથી ફટાક કરીને નીકળી જાય એવું એક્સપ્રેશન વાપરું તો "બેસ્ટસેલર".(૯)

    - ગૌરાંગ અમીન

  • જ્વલંત છાયા
  • (૧) કાજલ ઓઝા વૈદ્યનું કટારલેખન મને એટલા માટે સારું લાગે છે કારણ કે, તેમાં લેખિકાવેડા નથી. વિષય વૈવિધ્ય છે. કાજલ સ્ત્રી છે એટલે ફક્ત સ્ત્રી માટે, સ્ત્રી વિશે, સ્ત્રી-લક્ષી જ લખવું એવું કરતા નથી. તેઓ ક્વોટ અને રેફરન્સ ઓછા ઉપયોગમાં લે છે. ક્યારેક તેમના લેખન પરથી એવું પણ લાગે કે તે અતિ વ્યસ્ત રહેતા હશે.

    (૨) કાજલ ઓઝા જ્યારે-જ્યારે ફિલ્મો વિશે લખે ત્યારે-ત્યારે વધુ મજા આવે. તેમના પોતાના અંગત અનુભવ લખે ત્યારે પોતાની જાતને જબોળીને લખે. ઉહ. તેમનો રાજેશ ખન્ના પરનો લેખ કે બીજા કેટલાક લેખો. હું એવું માનું છું કે કાજલ ઓઝા અંદરથી અતિ શુદ્ધ અને પારદર્શક છે. કોઈ દંભ વગર જીવે છે અને તેવું જ લખે છે. એટલે જ જ્યારે કાજલબેન પોતાની વાત કરે ત્યારે વાંચકને પણ તેમની જિંદગી સાથે જોડી આપે.

    (૩) હું ક્યારેય કોઈને પણ મૂલવતો નથી, નેવર. મૂલવનાર આપણે કોણ? દરેક વસ્તુ, વ્યક્તિ અને સ્થિતિ એમના સ્થાને યોગ્ય છે. કાજલબેનની વાત લેખિકા તરીકે કરીએ તો લોકપ્રિય તો હવે તેઓ છે જ. થોડું એવું પણ લખે જે પોતાને પ્રિય હોય અને લોકોને ગમે. કક્ષા શબ્દ પણ મને ન ગમે. હા, હું એમ કહીશ કે કાજલબેન શુદ્ધ સાહિત્યિક કહેવાતા લેખનથી દૂર રહ્યા છે. વાર્તાની શૈલી, પ્રતિક, કલ્પન, વગેરે વગેરેની મથામણમાં પડ્યા વિના એમણે લખ્યું છે.વાંચક તરીકે અપેક્ષા... ભલે થોડું ઓછું લખાય પણ હજુ વધુ નક્કર, હજુ વધુ જોરદાર તેઓ લખી શકે તેમ છે. એમનું લેખન ચીરફાડવાળું છે. ચિરકાલ સુધી રહી શકે તો સારું. અને હા, મુનસીની મંજરી, ત્રિપાઠીનો સરસ્વતીચંદ્ર ધુમકેતુનો અલીડોસો, મન્ટોનો ટેકસિંગ, હરકિશનભાઈનો જગ્ગા અને તુલસી જીવે છે એમ કાજલબેનનું કોઈ એક પાત્ર અમર થઈ જાય એવું તાકાતવર આવે.

    (૪) કાજલ ઓઝા વૈદ્ય – ઓલરેડી ૩ શબ્દો છે, એક શબ્દમાં વર્ણવું તો અઘરું છે યાર, પણ મને તો છ શબ્દો ગમે..(૧૦)

    -જ્વલંત છાયા

  • ડૉ. હિતેષ મોઢા
  • કાજલ ઓઝા - ફેસ રીડીંગ-રાઈટીંગ પર રીડીંગ અને ચંદ્ર કુંડલી અનુસાર મીન રાશિ લગ્ન ભાવે ચંદ્ર શનિના વિષયોગ અને સપ્તમ ભવન પર સૂર્ય અને બુધ શુક્રની યુતિ ... પ્રતિ યુતિમાં પાંચ ગ્રહો. કેન્દ્ર્સ્થ તાકાત વધારે. સાથો-સાથ એટલી તાકાત કે તીવ્રતા સાથે દુઃખ જેવા પ્રતિકુળ સંજોગોનો સામનો કરવો જ પડે.

    આ વિષયોગના કારણે જાતકને કોઈ ચોક્કસ સમય માટે ઉંડો અને આઘાતજનક વિષાદમાંથી પસાર થવુ પડે છે. આ એક સંભાવના છે.

    મીનનો ચંદ્ર અને સ્વગૃહી બુધ કોઈ પણ જાતકને લેખન વ્યવસાય તરફ આગળ લઈ જાય. જયારે અહી આ બન્ને ગ્રહ પ્રતિયુતિ અને દ્રષ્ટી સંબંધમાં હોતા જાતકને લેખન દ્રારા પ્રચંડ પ્રસિદ્ધિ અને પૈસા પણ અપાવી શકે છે, આ સંભાવના ને નકારી શકાતી નથી.

    પંચમ સ્થાને મંગળ-ગુરુ હોતા કોઈ એક સંતાનનું બાલ્યાવસ્થામાં મૃત્યુ, કસુવાવડ કે વિલંબ સંતાન, જેવા યોગનું સુચન કરે છે.

    સપ્તમ સ્થાને, રહેલો શુક્ર અહી કન્યા રાશિમાં હોતા શાસ્ત્રોકત નીચસ્થ બને છે, આથી સપ્તમ સ્થાન એવરેજ રહે કોઈ એક ફેકટર માટે. કદાચ દાંમ્પત્યજીવન સરેરાશ. અથવા જોબ-વ્યવસાય અંગે અસંતોષ.

    સપ્તમ સ્થાને રહેલા બુધ સૂર્યનો બુધાદિત્ય યોગ જાતકને અધિકારવાળી નોકરી કે કલાસ વન/ટુ જેવી જોબ, કે કોઈ ચોક્ક્સ ફિલ્ડ/ફેક્લ્ટીના વડા.. આ ઉપરાંત પબ્લીકેશન, પબ્લીસીટી-માર્કેટીંગ, લેખન, અનુવાદક, કે સરકારી ટીચર કે પ્રોફેસર જેવા યોગો જણાય છે.

    મીનનો ચંદ્ર અને કર્કનો ગુરુ પરાવર્તન પામતા જાતક ઘણીવાર ખાલીપાની અનુભુતિ કે તીવ્ર પીડાની અનુભુતિ કરે. બીજા શબ્દોમાં કહીએ તો જાતકનું અનુભવ અને ભાવ-સંવેદન જગત અતિ સમૃદ્ધ હોય છે, અને આના કારણે જ કલમ વધારે ધારદાર બનીને નીખરે છે.

    તમામ ગ્રહોનો અભ્યાસ કરતાં માલુમ થાય છે, જાતક હજુ મહત્વની કેટલીક ઉંચાઈઓને આંબશે. ભવિષ્યમાં કલાનાં ક્ષેત્રમાં રાજ્ય-રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ આંતરાષ્ટ્રીય કક્ષાએ કરવા મળશે.(૧૧)

    - ડો હિતેષ એ મોઢા

    સંદર્ભ :-

    (૧) રામાવત શિશિર સાથે ઈન્ટરવ્યુ. તા. ૧૩મી જાન્યુઆરી, ૨૦૧૫.

    સ. સાંજે – ૬ વાગ્યે.

    (૨) ત્રિવેદી અંકિત સાથે ટેલિફોન ઈન્ટરવ્યુ. તા. ૧૯મી જાન્યુઆરી, ૨૦૧૫.

    સ. સાંજે – ૭ વાગ્યે.

    (૩) વસાવડા જય સાથે ટેલિફોન ઈન્ટરવ્યુ. તા. ૨૨મી જાન્યુઆરી, ૨૦૧૫.

    સ. બપોરે – ૨ વાગ્યે.

    (૪) ડોડીયા નરેશ સાથે ઈન્ટરવ્યુ. તા. ૨૩મી જાન્યુઆરી, ૨૦૧૫.

    સ. બપોરે – ૨ વાગ્યે.

    (૫) દેરાસરી મૌલિકા સાથે ઈન્ટરવ્યુ. ૨૪મી જાન્યુઆરી, ૨૦૧૫.

    સ. મોડી સાંજે – ૮ વાગ્યે.

    (૬) રાઓલ ભુપેન્દ્રસિંહ સાથે ઈન્ટરવ્યુ ૨૪મી જાન્યુઆરી, ૨૦૧૫.

    સ. વહેલી સવારે – ૫ વાગ્યે.

    (૭) સોલંકી હરનેશ સાથે ઈન્ટરવ્યુ ૨૫મી જાન્યુઆરી, ૨૦૧૫.

    સ. બપોરે – ૧૨ વાગ્યે.

    (૮) મોદી અભિમન્યુ સાથે ઈન્ટરવ્યુ ૨૫મી જાન્યુઆરી, ૨૦૧૫.

    સ. સાંજે – ૫ વાગ્યે.

    (૯) અમીન ગૌરાંગ સાથે ઈન્ટરવ્યુ ૨૮મી જાન્યુઆરી, ૨૦૧૫.

    સ. સવારે – ૯.૩૦ વાગ્યે.

    (૧૦) છાયા જ્વલંત સાથે ઈન્ટરવ્યુ ૩૦મી જાન્યુઆરી, ૨૦૧૫.

    સ.સાંજે – ૭ વાગ્યે.

    (૧૧) મોઢા હિતેષ સાથે ઈંન્ટરવ્યુ ૨૬મી જાન્યુઆરી, ૨૦૧૫

    સ. સાંજે – ૬.૩૦ વાગ્યે.

    સાહિત્યના દરેક ક્ષેત્રે ખેડાણ કરનાર સ્ત્રી..

    એકવાર ઉઘડે છે પછી એ તેજપુંજ વિલાતો નથી. સરતા જતા સમયની સાથે એ સરતો નથી. અડીખમ રહે છે. સમયના સળની આરપાર એના વલયો વિસ્તર્યા કરે છે અને એ છે સાહિત્ય વારસો. જેમણે શબ્દોને સેવ્યા છે, શબ્દોને પોતાની રગરગમાં વહાવ્યા છે એવા સાહિત્યસ્વામીઓ પોતાના વારસામાં પણ આ અજવાળું પાથરતા ગયા છે અને એમાંય આ જ્યારે એમની પુત્રીઓને પ્રાપ્ત થયું છે ત્યારે એનો પ્રકાશ કંઇ ઓર જ રંગ લાવ્યો છે

    સ્ત્રી મૂળે જ સર્જક છે. બાળકને જન્મ આપવાથી માડીને એની સર્જકતાને કુદરતેય પ્રમાણી છે. આવી સંવેદનાથી ભરી ભરી સ્ત્રી જ્યારે શબ્દને સેવે છે ત્યારે એક નવી દુનિયા એમાં ઉઘડી આવે છે. જેમના માતા કે પિતા સાહિત્યકાર હતા અને જેમણે શબ્દને ખિલતો, વિકસતો, એક જુદી આભા પ્રગટાવતો જોયો છે એને પછી બીજો રંગ ચડવો મુશ્કેલ બન્યો છે. પોતાના અસ્તિત્વની સાર્થકતા એને એમાં જ નજરે ચડી છે એવી સર્જક પુત્રીઓથી ગુજરાતી સાહિત્ય મઘમઘે છે.

    આ સૌએ પોતાના સાહિત્યવારસાને આગળ ધપાવ્યો છે, ઉજાળ્યો છે અને એમાં જે ઉઘડતું પમાય છે તે એ કે એક સુગંધિત ક્યારીમાં ઊગવા છતાં, આદરપૂર્વક એનાથી વેગળા રહીને, સૌએ પોતાની આગવી મહેક પ્રસારી છે.

    કાજલબહેન કહે છે, “હું જે કંઇ છું એમાં મારા પિતાનો કેટલો ફાળો છે એની મને ખબર નથી પરંતુ હું જે કંઇ લખું છું એ મારી જિંદગીમાંથી આવ્યું છે. હું કોણ છું અને શું કરી રહી છું એ સમજી શકું એવી થઇ એ પછીના તમામ વર્ષો હું જિંદગીની ખૂબ નજીક રહીને જીવી છું. એક સામાન્ય ગુજરાતી છોકરી જે પ્રકારના પ્રોટેક્ટેડ વાતાવરણમાં ઊછરે, એવું કશુંયે મારી સાથે નથી થયું. આને માટે હું કોઇને જવાબદાર નથી ગણતી, પરંતુ એ જિંદગીમાંથી જે કંઇ શીખી છું એ આજે લખી રહી છું. મારા માતાપિતા બંન્નેનો આ માટે મારે આભાર માનવો જોઇએ, કારણ કે એમણે મને ખુલ્લા પગે તેજ તડકામાં ચાલવાની છૂટ આપી. મારા પિતાને મેં કહેતા સાંભળ્યા છે કે “દરેકને ભૂલ કરવાનો અધિકાર છે અને એનું પરિણામ ભોગવવાની એણે તૈયારી રાખવી જોઇએ.” સાચું કહું તો મેં ખૂબ ભૂલો કરી છે. એવું લોકો માને છે!! હું જે કંઇ જીવી છું એ તમામ પળો, તમામ સંબંધો અને તમામ લાગણીઓને હું આજે પણ સાચી અને મારી પોતાની ગણીને ગળે વળગાડું છું. મારી આ પ્રામાણિકતાનો વારસો કદાચ મને મારા પિતા પાસેથી મળ્યો છે. મારા તમામ વાણી, વર્તન કે વિચારને મેં નકાર્યા વિના સ્વીકાર્યા છે. આ સ્વીકાર જ મારા સર્જનમાં શબ્દ બનીને પ્રગટે છે અને આ સ્વીકારનો વારસો મને શફી પાસેથી મળ્યો છે.”

    સાહિત્યનું વાતાવરણ અને શબ્દની સંપતિ મહિલા સાહિત્યકારોના આ દિશામાં દરવાજા ખોલવામાં અને એક નવો ઉઘાડ આપવામાં ચોક્કસ ભૂમિકા ભજવે છે. તો જેમને સાહિત્ય કે શબ્દનો કોઇ પ્રકારે વારસો કે વાતાવરણ નથી મળ્યા છતાં જેમના હૈયામાં શબ્દની આરાધના પ્રગટી છે એવા સ્ત્રી સર્જકોથીયે ગુજરાતી સાહિત્ય રળિયાત છે. ગુજરાતી સાહિત્યના ભવિષ્ય અંગે હવે જ્યારે ધુંધળું ચિત્ર વર્તાયા કરે છે ત્યારે આ સમર્થ સ્ત્રીસર્જકો પાસેથી આ બાબતે એક નવી દૃષ્ટિની અપેક્ષા જરૂર રાખી શકાય.(૧)

    આ પરથી કાજલ ઓઝા વૈદ્યની સાહિત્યક પરિસ્થિતિ ગર્ભ શ્રીમંત છે તેવું કહી તેમની પાસેથી સાહિત્ય ક્ષેત્રે ઉત્તરોતર વધુને વધુ શ્રેષ્ઠની અપેક્ષા ધરાવીએ તો કાઈ જ ખોટું નથી. સાહિત્યના દિગ્ગજ પિતા દિગંત ઓઝા, મુરબ્બી દોસ્ત ચંદ્રકાંત બક્ષીનો સાથ-સહકાર નહીં પણ એ સાહિત્યના સંસ્કારિત વાતાવરણમાં કાજલ ઓઝાને નાનપણથી જે અવસર પ્રાપ્ત થયો તેમાં નિયતિએ આડકતરી રીતે લેખન-વાંચન અને કળા તરફ કાજલ ઓઝાને આકર્ષીને ધકેલી છે. યુવાનીકાળ સુધી પહોચતા પોતાના અનુભવો અને જાત મહેનત થકી એમણે સાહિત્યના શિખર પર પહોચવાની સફર શરૂ કરી. એ સફર દરમિયાન ફોટોગ્રાફર સંજય વૈદ્ય નામનાં જીવનસાથીનું મળવું. ઉપરાંત પત્રકારત્વના ક્ષેત્રમાં પ્રવેશતાની સાથે જ અશ્વિની ભટ્ટ, ભરત ઘેલાણી, કૃષકાંત ઉનડકટ જેવા કેટલાક લોકોએ કાજલ ઓઝાને જે પ્લેટફોર્મ આપ્યું તે પ્લેટફોર્મ પરથી કાજલ ઓઝાનું જે ટેક ઓફ રહ્યું તે ઉડાન આજ એ મુકામ પર છે જે જોતા કહી શકાય.. સ્ત્રી લેખિકાઓમાં કાજલ ઓઝા વૈદ્ય ગુજરાતી ભાષાનું સીમાસ્તંભ છે. કાજલ ઓઝાનાં પુસ્તકો-એવોર્ડની સંખ્યા કે વાંચકો - શ્રોતાઑનો સ્નેહ લેખિકા કાજલ ઓઝા વૈદ્ય ગુજરાતી સાહિત્યનું બ્રાન્ડનેમ છે, તેઓ લેડી એન્ડ યૂથ-આઈકોન છે એ વાત સ્પષ્ટપણે સાબિત કરે છે.

  • ડાઈવર્જન થિંકિંગના કિંગ અને રાઈટિંગના ક્વીન કાજલ ઓઝા વૈદ્ય
  • સર્જનતા એટલે જ અલગ દિશામાં ફંટાઈને જીવવું-વિચારવું-લખવું. કાજલ ઓઝાની વિશિષ્ટ સફળતાનું આ મુખ્ય લક્ષણ છે. કાજલ ઓઝાનું કટારલેખન મને બધાથી હટકે એકદમ અલગ, બધાથી કઈક જુદું-વિશિષ્ટ અને બધાથી ચડિયાતું-ટોપક્લાસ લાગે છે કેમ કે, કાજલ ઓઝાના શબ્દોમાં પંચ મહાભૂત જેવી અનુભૂતિ છે. કાજલ ઓઝાનાં કટારલેખનમાં વાયુની શીતળતા પણ હોય અને અગ્નિની ગરમાહટ પણ.. જળ જેવી પવિત્રતા પણ હોય. પૃથ્વી જેવી કઠોરતા પણ અને આકાશ જેવી વિશાળતા પણ.. તેમના કટારલેખનમાં વાંચકને એક એવા વિચારવિશ્વ તરફ લઈ જવાનો પ્રયત્ન થાય છે જ્યાથી વાંચક પોતાની સમસ્યાનું સમાધાન તો કરી જ શકે પરતું તેને પોતાનું પ્રતિબિંબ દેખાડવા કરતાં પણ પોતાના અંદર રહેલી ત્રુટિ-ખામી કે ભૂલોને સુધારવાની ક્યાં, કેટલી જરૂરિયાત છે એ વિશેની વાત કરવામાં આવે છે. મતલબ કે માનવમનનું ખેડાણ. કાજલ ઓઝાના કટારલેખનમાંથી રિલેશનને કેમ રિસાયકલ કરી શકાય તે શીખી શકાય.

    ઐતિહાસિકથી આધુનિક દ્રષ્ટાંતો વડે કાજલ ઓઝા વૈદ્ય જે વાત પોતાના કટારલેખનમાં સ્ત્રી-લેખિકા સ્થાનેથી રજૂ કરે છે તે વાત પુરુષને પણ શરમાવી નાખે એવી છે. કહેવાતા સભ્ય સમાજને બંધ બારણા પાછળ પણ એ વાત અપનાવી કે કેમ એ સવાલ થાય. આથી જ મે મારા સંશોધનનો વિષય કોઈ બીજા વિચારો વિના કાજલ ઓઝાના કટાર લેખનને કેન્દ્રમાં રાખી પસંદ કર્યો. જેથી હકિકતના મૂળ સુધી પહોચી શકાય. તેમના કેટલાક ચોક્કસ કારણ પણ હતા જ. મૂળ તો કાજલ ઓઝા ગુજરાતી વાંચન વર્ગમાં જેટલી પ્રખ્યાત કે કુખ્યાત છે તે પાછળની કેટલીક ભ્રામકતા દૂર કરવાનો હતો. કાજલ ઓઝાનાં લખાણમાં ક્યાક નિર્ભયતાથી એવી કેટલીક નિખાલસ કહી શકાય તેવી બાબતો કે પ્રસંગોની વર્ણન આવે છે જે વાંચીને ઑફિસમાં સેક્સની ચર્ચા અને બેડરૂમમાં ટેક્સની ચિંતા કરનાર મનાતું સંસ્કારી ગુજરાતી સમાજનું નાકનું ટેરવું કાજલ ઓઝાનાં નાકનાં ટેરવાં જેટલું-જેવડું ચડી જાય છે. સમાજનાં એક વર્ગને આ પરથી કાજલ ઓઝા માટે તિરસ્કાર થાય તો કોઈ એક વર્ગને પુરસ્કાર આપી દેવાનું મન થાય. આવું જ એક ઉદાહરણ જોઈએ તો.. કાજલ ઓઝાની નવલકથા ‘મધ્યબિંદુ’ પ્રથમ પાના પર એક વાંચક અયોગ્ય રીતે પોતાનો પ્રતિભાવ રજૂ કરી કાજલ ઓઝાને ઈમેઈલથી મોકલે છે ત્યારે એક લેખક તરીકે કાજલ ઓઝા તેમને ખુલ્લા દિલથી સ્વીકારી જણાવે છે કે..

    Dear, we like like interesting readers like you. Thank you. પહેલી વાત - પુસ્તક પર આ પ્રકારે ન લખવું જોઈએ, એ કોઈ પણ હોય, કોઈની પણ હોય. બીજી વાત – વાંચકો એ લખતા પહેલા પોતાનું ગુજરાતી સુધારી લેવું જોઈએ.

    Lastly, YOU CAN LOVE ME, YOU CAN HATE ME, BUT CANNOT IGNOR ME! Love.. kaajal oza vaidya

    કાજલ ઓઝાની નિખાલસતાનો પરિચય આપવાની મને વધુ જરૂર જણાતી નથી. કાજલ ઓઝાને કલમનું કલંક ગણી વિરોધ કરવો કે તેમને કલમની ક્રાંતિવીર કલ્યાણી ગણી વહાલ વરસાવું એ બાબત વ્યક્તિગત છે. પણ હા, આ સંશોધનની ફલશ્રુતિ સ્વરૂપે હું ઊંડા અભ્યાસનાં આધારે પેન પછાડી લખી શકું કે, કાજલ ઓઝાનું કટારલેખન વિવેચનને પાત્ર છે, કાજલ ઓઝાનાં વિચારો ચર્ચાને કાબિલ છે. તેનો સ્વીકાર-અસ્વીકાર સમાંતર છે. ઈનશોર્ટ કાજલ ઓઝા વૈદ્યને પડકારી શકાય, નકારી શકાય તેમ નથી. કારણ કે, કાજલ ઓઝાનાં કટારલેખનમાં લેખનનો પ્રથમ ગુણધર્મ જે છે - ‘વાંચકને વિચારતો કરવાનો છે’ તે છે. કાજલ ઓઝાનું લેખન થંભી ગયેલા સમયમાં પ્રાણ પુરનારું છે. આજે જીવનમાં જે કાઈ થાય છે તે પાછળ ક્યાકને ક્યાક સંબંધોની ગેરસમજણ, શારીરિક-માનસિક સ્વાર્થ અને સાચું શું? ખોટું શું? તેની મુંજવણો વિસ્તરેલી છે એ સમયે કાજલ ઓઝાનો પ્રત્યેક લેખ ગીતાના અધ્યાય જેવો છે. કાજલ ઓઝાની કવિતાઓ નરસૈયાનાં ભજનો, અખાના છપ્પા, તુલસીની ચોપાઈ સમાન છે. કાજલ ઓઝાની નવલકથામાં દ્રોપદીનું પાત્ર એ વર્તમાનમાં દામિનીનું પ્રતિક છે. લોકો ભલે આ શબ્દોને મારી ભક્તિ-ભાટાઈ સમજે કે ક્યાક લાળ ટપકાવતી લઘુતાગ્રંથી અનુભવે પણ કાજલ ઓઝા વૈદ્ય સાહિત્યની સારથિ છે એ વાત નક્કી છે.

    કાજલ ઓઝા પર શો-કોલ્ડ સભ્ય સમાજનાં લોકો ટીકા-ટિપ્પણી કરે ત્યારે તેમના ઊઠવેલા આક્ષેપો પર મને તેમની આંગળી મરોડી, કાન ખેંચતા કહેવાનું મન થાય છે -

    લખી-લખીને, બોલી-બોલીને એક ગુજરાતી સ્ત્રી ઘર ચલાવી શકે? મહિને છ આંકડાની રકમ કમાઈ શકે? કાજલ ઓઝા નામની સ્ત્રી-લેખિકા એ આ ચમત્કાર સાર્થક કરી બતાવ્યો છે. મને એક ગુજરાતી માનો લાલ પુરુષ કાજલ ઓઝા જેવો બતાવો જે હરામનાં કામ કર્યા વિના, ધર્મમાં રામ નામની માળા જપ્યા વિના કે સરકારી ચિઠ્ઠીનો ચાકર બન્યા વિના માત્ર શબ્દોનો આશરો લઈ મહિને સુપરસ્ટાર લાઈફ સ્ટાઈલમાં જીવી શકે તેટલું કમાતો હોય. કાજલ ઓઝા મારી દ્રષ્ટિએ ગુજરાતની હાઇક્લાસ રાઈટર જ નહીં, ગુજરાતની ટોપક્લાસ બિસનેશ વુમેન પણ છે.

    મિત્રો, કાજલ ઓઝાએ સાહિત્યમાં સુ-સંસ્કૃત વાતો જ કરી કોઈનું દિલ જીતવાનો પ્રયત્ન કર્યો નથી, મન પ્રફુલિત થઈ જાય તેવી ડાયલોગબાજી કરી નથી. ઓપન સેક્સ-લિવ ઈન રિલેશનશીપ જેવા મુદ્દા પર કોઈની તરફદારી કરી નથી. ફિલસૂફીને રીડર-લિસનર પર ઠોકી બેસાડી દીધી નથી. કોઈનો પક્ષ લઈ લખ્યું નથી ને તેમ છતાં કેટલાક જડશુંઑ કાજલ ઓઝાને બિગડેલ લેડી ગણે છે તો હું એ ધોતીધારી જડશું આગેવાનોને પૂછવા માગું છું કે તેમના ફિમેઈલ સગા-સ્નેહી-સંતાનોને તેઓ પડદામાં, બુરખામાં કે તિજોરીમાં પૂરી રાખે છે? શું તેમના કુટુંમ્બમાં દુર્યોધનો પેદા થાય છે ત્યારે એ ધુતરાષ્ટ્ર બને છે? કે કૃષ્ણ? કાજલ ઓઝાએ સાહિત્યની ‘સંજય’ છે. એ માત્ર ઉવાચ કરે છે. સમાજમાં પનપતી સમસ્યા પર સવાલ ઉઠાવવાનું, તેમને ચરિતાર્થ કરવાનું કાર્ય કરે છે. જેમ-જેમ સદીઓ બદલાતી જાય છે તેમ-તેમ સમજણ બદલવાની ખાસ જરૂરિયાત છે. કાજલ ઓઝા એ સમજણને શાલીનતાથી આપની સમક્ષ પેશ કરે છે. એક પુરુષ લેખક ભલે સ્ત્રી-સંવેદના વિશે કાજલથી વધુ સારું લખી-બોલી શકે.. સ્ત્રી-સંવેદનાને સારી રીતે અનુભવી એક સ્ત્રીની મનોવેદના, એક પુત્રીની મનોઈચ્છા, એક પ્રેમિકાની મનોસ્થિતિ, એક પત્નીની મનોવ્યથા, એક મમ્મીની મનોભાવના, એક વહુની મનોદશાને માત્ર કાજલ ઓઝા જ કહી-જણાવી રજૂ કરી શકશે. વ્હાય? બિકોઝ.. તે એક સ્ત્રી છે. શિ ઇસ.. ફિમેઈલ. તે માદા છે.

    આમ, કાજલ ઓઝા સ્વયમ કાચ જેવા પારદર્શક હોય અને કાજલ ઓઝાનું કટારલેખન તીક્ષ્ણ-અણીદાર હોય ત્યારે તે ઘણા લોકોને આપોઆપ ખુચવાનું હતું, કેટલાક લોકો ઘવાયા પણ ખરા, કાજલ ઓઝાના કટારલેખનથી કેટલાક આબાદ થાય છે તો કેટલાકને આઘાત લાગે છે. પરંતુ કાજલ ઓઝાના કટારલેખન વિશે મારા મનમાં થોડી શંકા હતા તે દૂર કરવા આ સંશોધન કાર્ય દરમિયાન હું કાજલ ઓઝા વૈદ્યને મળ્યો ત્યારે મે આ લઘુશોધ નિબંધના પ્રકરણ-૫ માં સમકાલીન લેખકો, કવિ, સંપાદક વગેરેએ જે તેમના અંગે અભિપ્રાય આપ્યા હતા તે સંદર્ભમાં સવાલો પૂછ્યા જે સવાલ-જવાબ આ મુજબ હતા.

  • કાજલ ઓઝા વૈદ્ય સાથે મુલાકાત
  • ૧. કાજલ ઓઝા વૈદ્ય જેટલા વધુ વંચાતા નથી તેનાથી વધુ જોવામાં-સાંભળવામાં આવે છે. આજે કોઈ પણ યુવાન-વૃદ્ધ-ગૃહિણીના સ્માર્ટફોનમાં કાજલ ઓઝાના વક્તવ્યની ઓડિયો-વિડીયો ક્લિપ વ્યૂ એન્ડ વ્હાટ્સઅપ પર ફોરવર્ડ થાય છે. ફેસબુક પર જોઈએ તો તમારા ક્વોટ્સ કરતાં ફોટોસ વધુ ફેઈમર્સ છે. આ અંગે આપ શું કહેશો?

    કાજલ ઓઝા વૈદ્ય – આજે કોઈ પાસે સમય નથી. વાંચન કરવાનો સમય તો સાવ નથી. એ વાતને નકારી ન શકાય. મારા અનેક વાંચકો છે, અને ચાહકો છે. દર્શકો અને શ્રોતા છે. જે મને વાંચી નથી શકતા એ સાંભળે છે. આ સારું કહેવાય. હું ખુશ છું.

    ૨. શિશિર રામાવત તમારા વિશે જણાવે છે કે, ‘કાજલ પર લોકપ્રિય લેખિકાનું લેબલ લાગ્યું છે તેથી તેમના ભાગ્યમાં આ બિરુદ સાથે ઉચ્છભ્રૂ સાહિત્યવર્તુળ તરફથી આપોઆપ, બાય ડિફોલ્ટ મળનારી અવગણના પણ લખાયેલી છે. પણ આમાં કશું નવું નથી.’ આ વિશે તમારો પ્રત્યુતર શું છે?

    કાજલ ઓઝા વૈદ્ય - મને વાંચકોએ લોકપ્રિય બનાવી છે. મે ક્યારેય પોતાના પર આપ મેળે લોકપ્રિયતાનું લેબલ લગાવ્યું નથી. વાંચકોની વફાદારીનું બિરુદ છે – લોકપ્રિયતા. હું લોકપ્રિય છું.

    ૩ ‘કાજલબેન સાયન્સ પર ક્યારેય લખતા નથી. મને ખબર છે એ એમનો રસનો વિષય પણ નથી. પરંતુ ક્યારેક સાયન્સ – ટેક્નોલોજી આવી બધી બાબતો પર લખે તો કાજલ ઓઝાનો એંગલ કેવો હશે? એક ફિમેલ લેખિકા, વિદુષી કહી શકાય.. હોશિયાર કહી શકાય.. અને વિદ્વાન કહી શકાય.. એવી વ્યક્તિ આ નવા-નવા સાયન્ટિફીક સબ્જેક્ટ કે ટેક્નોલોજીકલ બાબતો પર શું માને છે એ જાણવું આપણને ગમે ખરું ઘણું.’ જય વસાવડા કાજલ ઓઝાના કટારલેખનમાં આવી ઈચ્છા દર્શાવે છે. આ અંગે શું કહેવું છે?

    કાજલ ઓઝા વૈદ્ય - સાયન્સ અને ટેક્નોલૉજી પર લખવું મારો રસનો વિષય નથી. એ સાચી વાત છે. પણ હા, જ્યાં જરૂર લાગે ત્યાં હું ભરપૂર ટેક્નોલૉજીનો ઉપયોગ કરું છું. માહિતી મેળવવી મને ગમે છે, માહિતી આપતા સાધનો પર લખવું બહું ન ગમે. વિજ્ઞાન વિષયક લખવામાં મને વધુ પડતો રસ નથી.

    ૪. મે અંકિત ત્રિવેદીને એક પ્રશ્ન કર્યો. કાજલ ઓઝા વૈદ્યને એક શબ્દમાં વર્ણવી હોય તો? અંકિત ત્રિવેદીએ જવાબ આપ્યો - ‘કાજલને એક શબ્દમાં વર્ણવી હોય તો હું ‘વિદ્રોહી’ કહું.’ તમે આ વાતથી સહેમત છો?

    કાજલ ઓઝા વૈદ્ય – ના, ક્યારેય નહીં. હું વિદ્રોહી નથી. અંગ્રેજીમાં બે શબ્દો છે. રિબેલ્યસ અને રેડિકલ. રિબેલ્યસ મતલબ બળવાખોર. હું બળવાખોર નથી. રેડિકલ એટલે ધરમૂળથી ફેરફાર કરવાના હિમાયતી હોય. હું રેડિકલ હોય શકું. સમાજ બદલવા માટેની રેશનલ વિચારધારા.. રેડિકલ બળવાખોર નથી.

    હું એક બદલાવનો પ્રયાસ ઈચ્છું છું. કોઈ એક ઈમારત હોય તો તેને પાડી નાખવાની કે તોડફોડ કરવાનું મને પણ ના ગમે. એ ઈમારતમાં રિનોવેશન કરી એ ઈમારતને સજાવટ કરી સુંદર બનાવવું ગમે. રેડિકલ એટલે જરા ઉદ્દામવાદી. જરૂર પડે ત્યાં ધરમૂળથી બદલાવની હું હિમાયતી છું.

    ૫. અભિમન્યુ મોદી સવાલ ઉઠાવે છે કે, ‘પીઢ અને જાગૃત વાચકો તરફથી કાજલ ઓઝા વૈદ્યની કૃષ્ણાયનના બહુ વખાણ સાંભળ્યા છે. પણ કૃષ્ણાયનની પહેલી આવૃત્તિ ૨૦૦૬માં આવી હતી. એને નવ વર્ષ થઇ ગયા. તો સવાલ એ થાય કે કૃષ્ણાયન પછી શું?’ બીજી એક વાત જ્વલંત છાયા એવી ઈચ્છા દર્શાવે છે કે, ‘વાંચક તરીકે અપેક્ષા... ભલે થોડું ઓછું લખાય પણ હજુ વધુ નક્કર, હજુ વધુ જોરદાર તેઓ લખી શકે તેમ છે. એમનું લેખન ચીરફાડવાળું છે. ચિરકાલ સુધી રહી શકે તો સારું. અને હા, મુનસીની મંજરી, ત્રિપાઠીનો સરસ્વતીચંદ્ર ધુમકેતુનો અલીડોસો, મન્ટોનો ટેકસિંગ, હરકિશનભાઈનો જગ્ગા અને તુલસી જીવે છે એમ કાજલબેનનું કોઈ એક પાત્ર અમર થઈ જાય એવું તાકાતવર આવે.’ કાજલ ઓઝા વૈદ્ય આ પ્રશ્નો અને માંગ માટે શું કહેવા માગે છે?

    કાજલ ઓઝા વૈદ્ય – હા, અભિમન્યુભાઈ ઇસ રાઇટ. જ્વલંતભાઈએ સાચું કહ્યું. હું એ પર વિચાર કરીશ. મને જે કોઈ કાઈપણ નાની-મોટી સુચના આપે એ હું નજરમાં રાખું છું અને ભવિષ્યમાં આ પરથી પરિણામ પણ જોવા મળે.(૨)

    કાજલ ઓઝા વૈદ્ય – સત્યમ.. શિવમ.. સુંદરમ..

    મારી જર્ની માણસોને સ્વીકારવાની જર્ની છે. મારો પ્રવાસ ડિઝાઇન તોડીને જ્યાં દરવાજો નથી ત્યાં દરવાજો કરવાનો પ્રયાસ છે.

    મારા વાચકોએ મને આજે મહત્ત્વના સ્થાને પહોંચાડી છે. મને પ્રસિદ્ધિની મજા નથી પણ કયાંક પહોંચવાનો આનંદ છે. મારી જર્ની માણસોને સ્વીકારવાની જર્ની છે અને શરૂઆત મારાથી કરી છે.

    સ્વતંત્રતા લોભામણો આકર્ષક શબ્દ છે પણ તેના માટે ઘણાં ઇએમઆઇ ભરવાં પડે છે. મારો પ્રવાસ હજુ પણ જારી છે અને ઘણું કરવાનું છે અને ઘણું લખવાનું છે. ડગલે ને પગલે હું ખૂબ શીખી છું અને તે મને અહીં સુધી ખેંચી લાવ્યું છે..

    – કાજલ ઓઝા વૈદ્ય

    અને અંતે.....

    ‘ગુજરાતી કટાર લેખનમાં કાજલ ઓઝાનું પ્રદાન : એક અભ્યાસ’ વિષય પર દ્વારા હાથ ધરાયેલા સંશોધનનાં પરિણામ સ્વરૂપ અહેવાલ અને તારણો..

    (૧) કાજલ ઓઝા વૈદ્ય આજ સુધીની એકમાત્ર એવી ગુજરાતી સ્ત્રી લેખિકા છે જે એક સાથે ત્રણથી વધુ અખબાર-સામાયિકમાં નિયમિત કૉલમ લખે છે. તેમનું કટારલેખન ક્યાં વર્ગમાં વધુ પ્રિય અને વંચાય છે તેમની ટકાવારી આ મુજબ છે.

    (આ ટકાવારી વિવિધ ક્ષેત્રનાં, વિસ્તારનાં કાજલ ઓઝાની અખબારમાં આવતી કટારના વાંચકોને મળીને, અલગ-અલગ પ્રશ્નાવલિ અને અહેવાલને ધ્યાનમાં રાખી કાઢવામાં આવી છે. આ પરથી કાજલ ઓઝા વૈદ્યની કટારનો વધુ પડતો વાંચકવર્ગ સ્ત્રીઓ છે તેવી સ્પષ્ટતા મળે છે.)

    (૨) કાજલ ઓઝા વૈદ્ય ગુજરાતી ભાષાની લોકપ્રિય લેખિકા હોવાના મુખ્ય પાંચ કારણો..

    ૧. નિખાલસતા અને પારદર્શકતા

    ૨. વાંચકો અને શ્રોતા-દર્શકોના ગમા-અણગમાથી સંપૂર્ણ પરિચિત

    3. સ્ત્રી સ્થાનેથી લાગણીશીલ મુદ્દા પર નિર્ભયતાથી વિચારો દર્શાવવા

    ૪. સુંદર લખવા અને બોલવા સાથે સુંદર દેખાવવા માટે થતો અથાક પ્રયાસ

    ૫. વ્યવસાયલક્ષી અભિગમ

    (૩) કાજલ ઓઝા વૈદ્યનાં કટારલેખનની મુખ્ય પાંચ ત્રુટિ/ખામી.

    ૧. રીપીટેશન. એકને એક વાત-વિચારને અનેક જગ્યાએ ફરીથી-ફેરવીને દર્શાવવા

    ૨. લાગણીના નામ પર નાની અમથી વાત સમજાવવા માટે લાંબુ લખાણ અને

    બિનજરૂરી ઉદાહરણ આપવા

    ૩. પોતાના જ વિચારોનો અલગ-અલગ જગ્યાએ થતો વિરોધાભાસ

    ૪. વધુ પડતાં મોર્ડન-ફેશનેબલ અને અસ્વીકાર્ય વિચાર-લખાણ

    ૫. અનેક જોડણી ભૂલ. વધુ પડતાં હિન્દી, ઉર્દૂ, અંગ્રેજી શબ્દોનો ઉપયોગ. લેખન ઉપરાંત ભાષાની અસ્પષ્ટતા

    (૪) કાજલ ઓઝા વૈદ્ય ગુજરાતી પ્રજાના કેટલાક વર્ગમાં અપ્રિય હોવાના મુખ્ય ત્રણ કારણો..

    ૧. કાજલ ઓઝા વૈદ્ય સંબંધોનાં, એકવીસમી સદીનાં મોર્ડન યુગનાં, વિદેશી લાઇફસ્ટાઇલનાં નામ પર.. અનેક કિસ્સા-દાખલા આપી સમાજને ગેર દિશા તરફ દોરે છે.

    ૨. કાજલ ઓઝા વૈદ્યના વિચારોમાં તાકાત છે પરંતુ તર્કબદ્ધ રજૂઆત, વાસ્તવિક્તા કે ઊંડાણનો દ્રષ્ટિકોણ નથી.

    3. કાજલ ઓઝા વૈદ્યના લેખનમાં શૃંગારિક રસ મર્યાદા વટાવી બીભત્સ રસમાં પ્રગટે છે. અનૈતિક સંબંધો વિશે લખતા-બોલતા ઘણી જગ્યાએ કાજલ ઓઝા વૈદ્યની કલમ અને કંઠ લક્ષ્મણ રેખા ઓળંગી જાય છે.

    (૫) કાજલ ઓઝા વૈદ્યનાં કટારલેખનનાં મુખ્ય પાંચ લક્ષણો..

    ૧. ‘સંબંધો’ શબ્દ વિનાનો લેખ ભાગ્યે જ જોવા મળે

    ૨. સેક્સ વિષય અચૂક કટારલેખનમાં આવે

    ૩. સ્ત્રી-પુરુષ, સમાજ અને સંસ્કાર કરતાં વધુ પડતા સબંધોને જ પ્રાધાન્ય આપતી ફિલસૂફી

    ૪. વાંચકને લેખનમાં સાંકળવા પ્રથમ પોતાની અંગત અથવા કોઈની વ્યક્તિગત વાત કરી/દ્રષ્ટાંત આપી ઉત્સુકતા જગાવી અંત સુધી રસ જાળવી રાખવો. ‘હું..’થી શરૂ અથવા ‘આપણે..’થી શરૂ કરી ‘સમાજ’સુધી.. આ પ્રકારે રજૂઆત કરવાની તેમની ખાસિયત છે

    ૫. કૃષ્ણ, ગીતા, મહાભારત, રામાયણ, સીતા, દ્રોપદી, અશ્વિની ભટ્ટ, હરકિશન મહેતા, અમેરિકા, યુરોપ, ટી.વી. સિરીયલ્સ વગેરે જેવા અમૂક કાજલ ઓઝા - સ્પેશ્યલ શબ્દો જો કાજલ ઓઝાના કટાર લેખનમાં ન હોય તો એ એમનું લેખન ન ગણાય

    આ પાંચ તારણો અને તેનાં તમામ મુદ્દા પરથી કાજલ ઓઝા વૈદ્યના કટારલેખનનો અંદાજ બારીકાઈથી આવી શકે તેમ વધુને વધુ શક્યતાથી, સત્યતાથી રજૂ કર્યો છે. આ સંશોધનમાં શરૂઆતથી અંતનાં પડાવ એટલે કે આજ સુધી કાજલ ઓઝાના કટારલેખન વિશે એક આંખમાં ટેલિસ્કોપ અને બીજી આંખમાં માઈક્રોસ્કોપ રાખી જીણવટભર્યું મૂલ્યાંકન કર્યું છે. કાજલ ઓઝાની વ્યક્તિગત મુલાકાત, પુસ્તકો અને વક્તવ્યો ઉપરાંત સમકાલીન લેખક, કવિ, સંપાદક તથા ગુજરાતી વાંચક વર્ગને અનેક સવાલો પૂછી, મંતવ્યો, સૂચનો આવકારી અનેક તર્ક, વિચારણા કરી આ વિસ્તૃત સંશોધન ક્રિયાને નિસ્પક્ષ, તટસ્થ અને તથ્યપૂર્ણ બનાવવાનો આ એક પ્રયાસ માત્ર છે. જે પાછળ માનસિક મહેનત, સાહિત્યનાં સેંકડો સંન્દર્ભ, માર્ગદર્શકનો મિત્રભાવ અને સૌનો સહિયારો સાથ જવાબદાર છે. આ અવસરે ખુશી પણ થાય છે અને ખુશનસીબી પણ અનુભવાય છે.. આખરે કાજલ ઓઝા વૈદ્યનાં કટારલેખનનો અભ્યાસ કોઈ જ પ્રકાર નીતિ વિના નીતિમત્તાથી અહિ ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ જગતને સુપ્રત કરું છું.

    કાજલ ઓઝા વૈદ્ય અંગે અંતે કહિ શકાય..

    નેવર બિફોર, વન-વુમન-શો.. એકમાત્ર કાજલ ઓઝા વૈદ્યની માફિક પત્રકારત્વ અને સાહિત્યના ઉંબરા પર કબજો જમાવી બેસનાર ભૂતકાળમાં તેમની સમકક્ષ કોઈ હતું નહીં, વર્તમાનમાં તેમની આસપાસ કોઈ નજરે ચડે તેવું છે નહીં અને ભવિષ્યમાં તેમના જેટલા ટોચના સ્થાન પર કોઈ બીજી સ્ત્રી લેખિકા બિરાજમાન થઈ શકશે કે કેમ? એ સવાલ યા નિશાન છે.

    સંદર્ભ :-

    (૧) શબ્દ સાથે સગાઇ – હીરાની લતા જ. | પ્રકાર : સાહિત્યક લેખ |

    ‘નવચેતન’ સામાયિક, એપ્રિલ ૨૦૧૨ અંકમાંથી સાભાર.

    (૨) ઓઝા વૈદ્ય કાજલ - મુલાકાત. (અમદાવાદ) તા. ૨જી ફેબ્રુઆરી, ૨૦૧૫.

    સ. બપોરે ૧૨ વાગ્યે.

    હવે પડાવ નથી, મંજીલ છે.

    અને જિંદગીનો કારવા ગુજરતો જાય છે એમ એમ દરેક મંજીલ ફરીથી એક પડાવ બની જાય છે! એનો પણ આનંદ છે. આજે આનંદ ઘણી વાતનો છે. સૌ પ્રથમ આ સંશોધન સફળતાપૂર્વક પૂર્ણ થયાનો અનેરો આનંદ. અવનવો આનંદ છે આ સંશોધન જે વિષય પર હાથ ધરાયું હતું તે વિષયનાં અનેક લોકોથી મળી શકવાનો આનંદ. આનંદ થાય છે પત્રકારત્વનાં ક્ષેત્રમાં પ્રવેશી સંશોધનાત્મક સાહિત્યનું રચના કરવાનું.

    આજે ઉમંગ છે..

    આજે હર્ષ છે..

    હું આભાર માનું છું.. આ આખા લઘુશોધ નિબંધ પાછળ મારી મહેનતમાં ભાગીદાર બનેલા પડદા પાછળનાં કસબીઓનો. શુક્રિયા.. શુક્રિયા..

    ગર્ભવતી સ્ત્રીનાં જીવનમાં નવ માસનો સમયગાળો પ્રસ્તુતિનો ગણાય. નવ માસનાં ત્રણસો દિવસોમાં ત્રણ ઋતુઑ બદલાઈ જાય. સ્ત્રી બાળકને જન્મ આપી માતા બની જાય. એ સમયે માને બાળક જન્મ્યાનો જે આનંદ થાય એ આનંદ આજ મને થઈ રહ્યો છે. આ સંશોધનનો સમયગાળો અને લઘુશોધ નિબંધને બનતા પણ નવ માસનો સમય લાગ્યો છે. આ આખી પ્રક્રિયા પાછળ કેટલીયે માવજત લેવામાં આવી છે. જે સાહિત્ય અને પત્રકારત્વનાં ઝવેરીને ઉડીને ચોક્કસ આંખે વળગશે અને દિલમાં ઉતરશે એવી હું આશા રાખું છું.

    જીવંત વ્યક્તિ પર સંશોધન કરવું પ્રમાણમાં અઘરું છે પણ અશક્ય નહીં. પ્રામાણિક્તા અને પ્રેમથી વિષયવસ્તુને કેન્દ્રમાં રાખી સંશોધન કરીએ તો એ સંશોધન સફળતા અને ગર્વ ચોક્કસ અપાવે છે. ‘ગુજરાતી કટાર લેખનમાં કાજલ ઓઝા વૈદ્યનું પ્રદાન : એક અભ્યાસ’ સંશોધનનો વિષય લઘુશોધ નિબંધ બની પત્રકારત્વ અને સાહિત્યમાં દિશાસૂચક બની રહેશે એવી હું પ્રાર્થના કરું છું.

    પત્રકારત્વનાં અભ્યાસક્રમમા પ્રવેશ્યા બાદ..

    લઘુશોધ નિબંધ પૂર્ણ થયા પછી..

    આ અવસરે મારી લાગણીને વાચા આપવાની મને તક આપનાર, મારા દરેક સારા પ્રસંગો અને માઠા અકસ્માતોએ મને હિંમત દેનાર, મને સહાયક થનાર તમામ નાના-મોટા સ્નેહી-શત્રુઓનો આભાર વ્યક્ત કરી ‘ગુજરાતી કટાર લેખનમાં કાજલઓઝા વૈદ્યનું પ્રદાન : એક અભ્યાસ’ લઘુશોધ નિબંધ સાહિત્ય અને પત્રકારત્વનાં ક્ષેત્ર સાથે જોડાયેલા સૌ ભાવકોનાં હસ્તે ધરું છું.

  • "kaajaloza vaidhya’s Books". Retrieved December 30, 2012.
  • બાહ્ય કડીઓ - કાજલ ઓઝા-વૈદ્યની અધિકૃત વેબસાઈટ.
  • મુલાકાત સંદર્ભ :-
  • http://www.sadhanaweekly.com/article.php?catid=186issue_date=2012-04-28 – ૨૮મી એપ્રિલ, ૨૦૧૨ના રોજનું ‘સાધના’ સામાયિકમાંથી સાભાર.

    રાજ ભાસ્કર સાથેની ગોષ્ઠિ.

  • મુલાકાત સંદર્ભ :-
  • http://gujaratguardian.in/E-Paper/06-25-2013Suppliment/index.html

    2૫મી જૂન, ૨૦૧૩ના રોજની ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ

    " કલ્ચર ગાર્ડિયન"માંથી સાભાર

  • મુલાકાત સંદર્ભ :
  • ૯મી ઓગષ્ટ, ૨૦૧૩નાં ‘દિવ્યભાસ્કર’ અખબાર-વેબસાઇટ પરથી સાભાર.

  • http://divyabhaskar.co.in/news/referer/3776/WEL-CH-exclusive-interview-oza-vaidya-4343488-PHO.html?referrer_url
  • http://gu.m.wikipedia.org/wiki/કાજલ_ઓઝા-વૈદ્ય
  • અસ્મિતાપર્વ – ૧૫ – કાજલ ઓઝા વૈદ્ય. ૨૦ એપ્રિલ, ૨૦૧૨ | પ્રકાર : પ્રવચન |
  • આલેખન : મૃગેશ શાહ. રીડગુજરાતી.કોમ પરથી સાભાર.

    http://www.readgujarati.com/2012/04/20/asmitaparva-kajaloza/

  • જાતને શોધવાની પ્રક્રિયા – કાજલ ઓઝા વૈદ્ય. ૨૩ જુલાઈ, ૨૦૦૮
  • | પ્રકાર : સાહિત્ય-લેખ | ‘શબ્દસૃષ્ટિ’ સામાયિક, દીપાવલી અંકમાં ‘નવલકથા અને હું’ નામનો વિશેષાંકમાંથી સાભાર.

  • હું મૃત્યુને ઓળખું છું. – કાજલ ઓઝા વૈદ્ય. ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૪
  • | પ્રકાર : સાહિત્ય-લેખ |

    http://www.e-shabda.com/blog/about-mrutyu-kaajal-oza-vaidya/

  • પૂછતે હો તો સૂનો.. - કાજલ ઓઝા વૈદ્ય. ૩ ઓગષ્ટ, ૨૦૧૨ | પ્રકાર : સાહિત્ય-લેખ | સામાજીક માન્યતા વિનાનો સંબંધ પુરુષ માટે સહજ – મધુરિમા પૂર્તિમાંથી સાભાર.
  • http://divyabhaskar.co.in/news/kajal-ojha-vaidya

  • રામાવત શિશિર સાથે ઈન્ટરવ્યુ. તા. ૧૩મી જાન્યુઆરી, ૨૦૧૫.
  • સ. સાંજે – ૬ વાગ્યે.
  • ત્રિવેદી અંકિત સાથે ટેલિફોન ઈન્ટરવ્યુ. તા. ૧૯મી જાન્યુઆરી, ૨૦૧૫.
  • સ. સાંજે – ૭ વાગ્યે.
  • વસાવડા જય સાથે ટેલિફોન ઈન્ટરવ્યુ. તા. ૨૨મી જાન્યુઆરી, ૨૦૧૫.
  • સ. બપોરે – ૨ વાગ્યે.
  • ડોડીયા નરેશ સાથે ઈન્ટરવ્યુ. તા. ૨૩મી જાન્યુઆરી, ૨૦૧૫.
  • સ. બપોરે – ૨ વાગ્યે.
  • દેરાસરી મૌલિકા સાથે ઈન્ટરવ્યુ. ૨૪મી જાન્યુઆરી, ૨૦૧૫.
  • સ. મોડી સાંજે – ૮ વાગ્યે.
  • રાઓલ ભુપેન્દ્રસિંહ સાથે ઈન્ટરવ્યુ ૨૪મી જાન્યુઆરી, ૨૦૧૫.
  • સ. વહેલી સવારે – ૫ વાગ્યે.
  • સોલંકી હરનેશ સાથે ઈન્ટરવ્યુ ૨૫મી જાન્યુઆરી, ૨૦૧૫.
  • સ. બપોરે – ૧૨ વાગ્યે.
  • મોદી અભિમન્યુ સાથે ઈન્ટરવ્યુ ૨૫મી જાન્યુઆરી, ૨૦૧૫.
  • સ. સાંજે – ૫ વાગ્યે.
  • અમીન ગૌરાંગ સાથે ઈન્ટરવ્યુ ૨૮મી જાન્યુઆરી, ૨૦૧૫.
  • સ. સવારે – ૯.૩૦ વાગ્યે.
  • છાયા જ્વલંત સાથે ઈન્ટરવ્યુ ૩૦મી જાન્યુઆરી, ૨૦૧૫.
  • સ.સાંજે – ૭ વાગ્યે.
  • મોઢા હિતેષ સાથે ઈંન્ટરવ્યુ ૨૬મી જાન્યુઆરી, ૨૦૧૫
  • સ. સાંજે – ૬.૩૦ વાગ્યે.
  • શબ્દ સાથે સગાઇ – હીરાની લતા જ. | પ્રકાર : સાહિત્યક લેખ |
  • ‘નવચેતન’ સામાયિક, એપ્રિલ ૨૦૧૨ અંકમાંથી સાભાર.
  • ઓઝા વૈદ્ય કાજલ - મુલાકાત. (અમદાવાદ) તા. ૨જી ફેબ્રુઆરી, ૨૦૧૫.
  • સ. બપોરે ૧૨ વાગ્યે.