Sidharth MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Sidharth

Siddharth

Written by : Herman Hesse

Adapted by : Mavji K. Savla


પ્રાસ્તાવિક

કોઈ મને પૂછે કે, ‘મારે જીવનમાં એવું એક જ પુસ્તક વાંચવું હોય જેમાંથી જીવનના - મનુષ્યના રહસ્યોની, સંબંધોની તેમ જ રોજિંદા વ્યવહારિક જીવનની અને અધ્યાત્મની પણ સ્પષ્ટ અને ઊંડી સમજણ મળે, અને વળી એ પુસ્તક રસાળ પણ હોય.’ તો? ૪-૫ દાયકાથી મારો એક જ જવાબ રહ્યો છે - ‘હરમાન હૅસની લઘુનવલ

સિદ્ધાર્થ!’ એ કૃતિ આજદિન સુધી મારા હૃદયમાં - ચિદ્દાકાશમાં સર્વોચ્ચ સ્થાને બિરાજી

રહી છે. મૂળ અંગ્રેજીમાં (મેકમિલન પ્રકાશન) મેં એ વાંચી, ત્યારપછી જાણીતા પત્રકાર નીરુભાઈ દેસાઈ (હવે સ્વ.)નો અનુવાદ (૧૯૫૮)નો ઠેઠ મુંબઈ સુધીના પચાસેક મિત્રોને પણ વંચાવ્યો. એ ગુજરાતી અનુવાદ પછીથી લાંબો સમય અનુપલબ્ધ રહેતાં ગુર્જર પ્રકાશન તરફથી શ્રી રવીન્દ્ર ઠાકોરનો અનુવાદ (૧૯૯૨) પ્રકાશિત થયો છે.

મેકમિલનની મૂળ અંગ્રેજી આવૃત્તિ (૧૯૭૯ - અંગ્રેજી અનુવાદક હિલ્ડા રોસનેર ૐૈઙ્મઙ્ઘટ્ઠ ર્ઇજહીિ) પરથી મેં કરેલ ‘સિદ્ધાર્થ’નું નાટ્યરૂપાંતર જૂનાગઢના મિડિયા પબ્લિકેશને (૨૦૦૬) પ્રગટ કર્યું છે.

મારો આ સંક્ષેપ પ્રકાશિત કરીને વિચારવલોણું પરિવારે - શ્રી મુનિ દવેએ

મને તૃપ્ત જ કર્યો છે. હરમાન હૅસની આ લઘુનવલ ‘સિધ્ધાર્થ’ પરથી એ નામની જ ફિલ્મ પણ બની છે, જેમાં શશીકપુરે સિદ્ધાર્થનું અને સીમી ગરવાલે કમલાનું પાત્ર ભજવેલ. અલબત એ ફિલ્મની સી.ડી. ઉપલબ્ધ ન હોતાં હું એ ફિલ્મ જોઈ શક્યો નથી. મારા લેખનકાર્યનું નિયમિત ડિક્ટેશન લેવા માટેની શ્રીમતી દક્ષા સંઘવીની

માનદ્‌ સેવાઓ ૬-૮ વરસોથી મને મળતી રહી છે. એમનો આભાર માનવાનો તો

મને અધિકાર જ નથી.

‘સિદ્ધાર્થર્’માંથી હું જીવનના અનેકવિધ મૂલ્યવાન પાઠ શીખ્યો છું. દર્શનશાસ્ત્ર

તરીકે બૌધ્ધદર્શન ભણતાં-ભણાવતાં મને જે ઊંડાણ નહોતું સમજાયું તે આ નવલકથાએ જાણે કે રહસ્યો આડેનો પડદો મારા માટે ખોલી આપ્યો.

પ્રા. સુરેશ પરીખ ઠેઠ (૧૯૮૫)થી મને ‘વિચારવલોણું’ના માધ્યમથી ગુજરાતના એક સુજ્ઞ વિચારશીલ અને રૂચિસંપન્ન વાચકવર્ગ સુધી પહોંચાડતા રહ્યા છે.

રવિવાર, તા. ૧૮-૭-૨૦૧૦

માવજી કે. સાવલા

ઍપ્લાઈડ ફિલોસોફી સ્ટડી સેન્ટર

એન-૪૫, ગાંધીધામ-કચ્છ-૩૭૦૨૦૧

સારાનુવાદકનો પરિચય

માવજી કે. સાવલાનો જન્મ કચ્છ જિલ્લામાં આવેલ નાની તુંબડી ગામે તા.

૨૦-૯-૧૯૩૦ના રોજ થયેલ છે. ૧૯૬૮માં રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી ફિલસૂફીના વિષયમાં એમ.એ. કર્યું. ૧૯૭૪થી ૧૯૭૭ ત્રણ વર્ષ માટે આદિપુર (કચ્છ) ખાતેની તોલાણી આટ્‌ર્સ કોલેજમાં ફિલસૂફીના વિષયમાં પાર્ટટાઈમ લેક્ચરર રહ્યા. વ્યવસાયે તેઓ પહેલેથી કૌટુંબિક વેપારમાં જોડાયેલા રહ્યા છે.

૧૯૭૩થી ૧૯૮૪ દરમિયાન એમણે ‘કચ્છ કલામ’ નામના કચ્છી ભાષા-કચ્છવિદ્યાને સમર્પિત સામયિકનું સંપાદન-પ્રકાશન કર્યું. ૧૯૭૫માં એમણે પરિચય

ટ્રસ્ટ માટે ‘ભારતીય દર્શન’ નામની પુસ્તિકા લખી. મેઈલ આર્ટના નામે વૈશ્વિક સ્તરે

ચાલતી ચિત્રકળાની પ્રવૃત્તિ સાથે પણ તેઓ પચીસેક વર્ષથી સંકળાયેલા છે.

૧૯૮૪થી એમની લેખનપ્રવૃતિ અવિરત ચાલતી રહી છે. અનુવાદો-સારાનુવાદો સહિત એમનાં પચાસેક પુસ્તકોમાં ‘તાઓસૂત્ર’, ‘ગુર્જયેફ : એક રહસ્યમય

ગુરુ’, ‘યાત્રિકની આંતરકથા’, ‘સોક્રેટિસથી સાર્ત્ર’, ‘એ મેનિફેસ્ટો ઓફ ફિલોસોફી’,

‘ગોપીહૃદયા’ વગેરેનો સમાવેશ થાય છે. ‘એક અધૂરી સાધનાકથા’ નામે એમની એક નવલકથા પણ પ્રગટ થઈ છે. એમના બસોથી વધુ અભ્યાસલેખો વિધવિધ સામયિકોમાં

પ્રગટ થયા છે. આકાશવાણી-ભુજ કેન્દ્ર પરથી એમના વાર્તાલાપો પણ પ્રસારિત થયા છે. છેલ્લા દશેક વર્ષથી ‘કચ્છમિત્ર’ દૈનિકની ‘પરાગપૂર્તિ’માં તેઓ સાપ્તાહિક કોલમ

‘ફૂટપાથની આસપાસ’ લખે છે. એમનાં લખાણોમાં જેને તેઓ ‘એપ્લાઈડ ફિલોસોફી’

કહે છે એવો એક નિજી સૂર વર્તાતો હોય છે. અવિરત ચાલતા સ્વાધ્યાય અને વાસ્તવિકતાના નિચોડરૂપ એમનું સૂત્ર છે - ‘માણસ એટલે માણસ’.

હરમાન હૅસ (૧૮૭૭-૧૯૬૨)

હેસનો જન્મ ૨ જુલાઈ ૧૮૭૭માં જર્મનીના બ્લેક ફોરેસ્ટ વિસ્તારના કાલ (ઝ્રટ્ઠઙ્મુ) ગામમાં થયો હતો. એમના પિતા એસ્ટોનીયાથી આવેલા બાલ્ટિક જર્મન હતા. જ્યારે માતા ફ્રેન્ચ

હતા. એમના દાદા ડૉકટર અને નાના ધર્મગુરૂ અને ઈન્ડોલોજીસ્ટ હતા. નાના દક્ષિણ ભારતમાં ઠીક ઠીક લાંબો સમય રહ્યા હતા.

પાલી, સંસ્કૃત, મલયાલમ, હિન્દુસ્તાની અને બંગાળી સહિત ત્રીસથી પણ વધુ ભાષાઓ તેઓ જાણતા હતા. એમની માતાએ યુવાનીમાં ઘણા વર્ષો ભારતમાં ધર્મ અને સેવાના કામ માટે ગાળ્યાં. એમના પિતા પણ ધર્મગુરૂ હતા. એમના કુટુંબમાં વિવિધ રાષ્ટ્રીયતાઓ હતી, એમાં આ બે જુદા જુદા દેશના લોકો વચ્ચે રહેવાનો અને બે દેશની લોકબોલીઓના અનુભવોનો ઉમેરો થયો.

એમના નિશાળના દિવસો દરમ્યાન એ બોર્ડિંગ સ્કૂલમાં રહ્યા અને થોડો વખત ધર્મગુરૂઓની તાલીમ આપતી સંસ્થામાં રહ્યા. પ્રમાણમાં એ સારા વિદ્યાર્થી હતા. ગ્રીકમાં બહુ સારા નહીં, પણ લેટીન વધુ ફાવતું. એ સંભાળી શકાય એવા ન હતા, ખાસ તો ધર્મનું પૂરી શિસ્ત સાથે શિક્ષણ આપતી સંસ્થાનું એ બંધિયાર વાતાવરણ

- જે વ્યક્તિનું પોતાનું આગવું વ્યક્તિત્વ ભૂંસી નાંખે - એમને કબૂલ નહોતું. એથી એમને નિશાળમાંથી કાઢી મૂકવામાં આવેલ. બાર વર્ષની ઉંમરે એમની કવિ થવાની ઈચ્છા હતી. પણ કોઈ નિશ્ચિત રાહ ન હોવાને કારણે નિશાળ પૂરી કર્યા પછી શું કરવું તે નક્કી કરવું આકરું હતું. આથી એ શીખાઉ મિકેનીક બન્યા અને ઓગણીસ વર્ષની ઉંમરે પુસ્તકો અને પૂરાણી ચીજોની દુકાનમાં કામ કર્યું.

૧૮૯૯માં એમની કવિતાઓનું એક નાનું પુસ્તક છપાયું અને ત્યારપછી અન્ય પુસ્તકોનું પ્રકાશન પણ થયું. પણ કોઈએ એની નોંધ ના લીધી. પણ ૧૯૦૪માં સ્વીટ્‌ઝર્લેન્ડની પશ્વાદભૂમાં લખાયેલી નવલકથા ‘પીટર કેમેનઝીન્દ’ને ત્વરીત સફળતા

મળી. પછી એમણે ચોપડીઓ વેંચવાની બંધ કરી. ત્યારબાદ એ ગ્રામપ્રદેશમાં રહેવા ગયા. ત્યારથી તેઓ ગામડામાં જ રહ્યા. શહેરોથી, આધુનિક સંસ્કૃતિથી દૂર રહેવાની એમની વૃત્તિ રહેલી.

૧૯૧૨માં તેઓ સ્વીટ્‌ઝર્લેન્ડમાં ગોઠવાયા. પ્રથમ વિશ્વયુદ્ધ થયું, અને પછીના દરેક વર્ષોમાં જર્મન રાષ્ટ્રિયતા સાથે સંઘર્ષમાં આવ્યા. હિંસાના વિરોધને કારણે જર્મનીથી ઘણા આકરા પત્રો મળ્યા અને સતત હુમલાઓ થતા રહ્યા. હિટલરના આધિપત્ય

હેઠળના જર્મનીએ એમને ધિક્કાર્યા, પણ એનું સાટું વળ્યું રોમાંરોલાં સાથેની થયેલી એમની મિત્રતાથી, જે એમના મૃત્યુ પર્યંત રહી. ઉપરાંત પૂર્વના દૂરના દેશો - જાપાન અને ભારતના લોકોની સહાનુભૂતિથી પણ સાટું વળ્યું. હિટલરના પતન પછીના જર્મનીએ તેમને સ્વીકાર્યા. નાઝીઓ અને યુદ્ધના કારણે એમનું ઘણું સાહિત્ય નષ્ટ પામ્યું. ૧૯૨૩માં એમણે જર્મનીમાંથી રાજીનામું આપી સ્વીસ નાગરિકત્વ સ્વીકાર્યું.

એમના બીજીવારના છૂટાછેડા પછી ઘણા વર્ષો એકલા રહ્યા. પછી ૧૯૩૧માં નિનો ડોલ્બીન સાથે ત્રીજા લગ્ન કર્યાં.

૧૯૧૪ સુધી એ મુસાફરી કરતા રહ્યા. વારંવાર ઈટલી ગયા. માતાએ જોયેલ

ભારતને પોતાની આંખે જોવા માટે હરમાને સને ૧૯૧૧માં ભારતનો પ્રવાસ કર્યો હતો. એની પાસે એક સ્વપ્નનું ભારત હતું અને પછી વાસ્તવિક ભારત પણ જોયું. આ ભારતયાત્રાને કારણે જ ‘સિદ્ધાર્થ’ નવલકથાનો જન્મ થયો એમ કહી શકાય. પણ પછી મુસાફરી સદંતર બંધ કરીને દશેક વર્ષ સ્વીસની બહાર ન ગયા. એમના પર વધુ અસર કરનાર પશ્ચિમના દર્શનશાસ્ત્રીઓ હતા પ્લેટો, સ્પીનોઝા, શોપનહાવર અને નિત્સે તેમજ ઈતિહાસકાર જેકોબ બુખાર્ત. પણ આ બધાએ એટલી અસર ન કરી જેટલી ભારતીય અને ચાઈનીઝ દર્શનશાસ્ત્રોએ કરી.

હરમાન હેસને ‘ધી ગ્લાસબીડ ગેઈન’ માટે ૧૯૪૬માં નોબેલ પ્રાઈઝ મળ્યું.

તેઓ હંમેશા લલિતકળાઓના ચાહક રહ્યા. સંગીત સાથેનો એમનો નજીકનો સંબંધ ફળદાયી રહ્યો, એ એમના લખાણોમાં મહદ્‌અંશે જણાય છે.

૯મી ઓગષ્ટ ૧૯૬૨માં ઊંઘમાં જ સેરેબ્રલ હેમરેજ થવાથી એમનું અવસાન થયું ત્યારે એ ૮૫ વર્ષના હતા.

હરમાન હૅસે કહ્યું છે :

‘‘આખી કેળવણીની પ્રથા નકામી છે. એની સામે વિદ્રોહ કરવો જોઈએ.

મને પ્રત્યેક દિવસ પાસેથી જોઈએ છે શું? માત્ર આટલું જ - એક મૂડ, એક પોતાનો રંગ અને જો ખુશનસીબ હોઉં તો એક ગીત. માણસ યુધ્ધ કરે છે એ એની મૂર્ખાઈ છે,

લોહીતરસ છે. સમાજ એક ટોળું છે અને ટોળું મૂરખ અને જુઠ્ઠું હોય છે. માણસ એકલો છે, એકલવાયો છે. સમાજ એને એકાકી વરુ જેવો વધુ એકલવાયો બનાવે છે. આખી સંસ્કૃતિને ડિપ્રેશનનો, મેલેન્કોલીયાનો, ન્યુરોસિસ અને સાઈકોસીસનો રોગ લાગ્યો છે. સંસ્કૃતિ પોતે જ સ્કિઝોફ્રેનિક છે.’’

(આધાર સંદર્ભ : ઋણસ્વીકાર સાથે ડૉ. સુરેશ દલાલની પુસ્તિકા (૧૯૮૨) ‘હરમાન હૅસ’)

૧. બ્રાહ્મણપુત્ર સિદ્ધાર્થ

બ્રાહ્મણ પુત્ર સિદ્ધાર્થ અને તેનો મિત્ર ગોવિંદ નદીમાં સ્નાન કરીને પાછા આવી રહ્યા છે. થોડેક દૂરથી માથે પાણીનાં બેડાં લઈને આવતી યુવતીઓ અંદરોઅંદર ધીમે સ્વરે સિદ્ધાર્થના ઉમદા વ્યક્તિત્વની અને વિદ્વતાની વાતો કરે છે.

ગોવિંદ સમજી ગયો છે કે સિદ્ધાર્થ કોઈ સામાન્ય ક્રિયાકાંડી બ્રાહ્મણ નહિ બને. સર્વોચ્ચ એવું દિવ્યજ્ઞાન પ્રાપ્ત કરવા જ એનો જન્મ થયો છે એવું એ સિદ્ધાર્થને કહે પણ છે. એટલે જ જીવનભર સિદ્ધાર્થને અનુસરવાનું જ ગોવિંદે નક્કી કરી લીધું છે. સિદ્ધાર્થે ગોવિંદને કહ્યું - ‘એક ભારે અજંપામાંથી હું પસાર થઈ રહ્યો છું. આ યજ્ઞો,

મંત્રો અને પંડિતોની જ્ઞાનગોષ્ઠિઓથી મને સંતોષ નથી. એક વટવૃક્ષ નીચે થોડેક અંતરે બંને ધ્યાનમાં બેસે છે. ધ્યાન પૂરું થયેથી સિદ્ધાર્થે ગોવિંદને કહ્યું :

‘ઓમકાર એ ધનુષ્ય છે અને આત્મા એ બાણ છે. બ્રહ્મતત્ત્વરૂપી લક્ષ્યને સાધકે એક ચિત્તે વીંધવાનું છે.’

એટલામાં ત્યાંથી થોડાક શ્રમણો પસાર થયા. કઠોર વૈરાગી જીવનથી એમના

ચહેરા પર કંઈક નિર્લેપ એવી ઉદાસીનતા છવાયેલી હતી. ધીમે સ્વરે એમનું રટણ સંભળાયું :બુધ્ધં શરણં ગચ્છામિ,

ધમ્મમ્‌ શરણં ગચ્છામિ,

સંઘમ્‌ શરણં ગચ્છામિ.

સિદ્ધાર્થ ઊંડા વિચારમાં સરી પડ્યો. થોડીવાર રહીને એણે ગોવિંદને કહ્યું,

‘તારો આ સિદ્ધાર્થ આવતીકાલે ચાલ્યો જશે. શ્રમણોના સંઘમાં ભળી જઈને સિદ્ધાર્થે હવે શ્રમણ થવાનું છે. આવતીકાલે પરોઢે મારા શ્રમણજીવનનો આરંભ થશે.’

ઘરમાં દાખલ થતાં સિદ્ધાર્થે જોયું કે એના પિતા એક ચટાઈ પર બેઠા હતા.

એમની પાછળ જઈને તે ઊભો રહ્યો અને પિતાને કહ્યું - ‘આપની આજ્ઞા હોય તો પિતાજી, હું એમ કહેવા આવ્યો છું કે આવતીકાલે આપનું ઘર છોડીને હું સાધુઓ સાથે જોડાઈશ, શ્રમણ થવાની મારી ઈચ્છા છે.’ એના પિતા આ સાંભળી સ્તબ્ધ થઈ ગયા.

સિદ્ધાર્થ અદબ વાળીને સ્થિરપણે ચૂપચાપ ઊભો જ રહ્યો. છેવટે પિતાએ આ અસહ્ય

મૌનને ભંગ કરતાં કહ્યું - ‘એક બ્રાહ્મણ માટે ગુસ્સાભેર ઊંચે સાદે કંઈ કહેવું એ અનુચિત છે. ફરી કદી આવું હું સાંભળવા માગતો નથી.’ આટલું આક્રોશપૂર્વક કહીને પિતા અંદરના ઓરડામાં ચાલ્યા ગયા. સિદ્ધાર્થ અદબ વાળીને એમને એમ પાષાણની

મૂર્તિની જેમ ચૂપચાપ ઊભો રહ્યો.કલાકેકનો સમય પસાર થઈ ગયો. થોડીવાર ઓરડામાં આંટા માર્યા પછી પિતાએ બારીમાંથી નજર કરી. તેમણે જોયું કે સિદ્ધાર્થ હજી ત્યાં જ - જરાય હલનચલન કર્યા વગર - અદબવાળીને ઊભો હતો. સિદ્ધાર્થનું શ્વેત ઉપવસ્ત્ર તારાઓના પ્રકાશમાં સહેજ ઝબકતું હતું. આમને આમ બીજો એક કલાક પણ પસાર થઈ ગયો. ફરીથી પિતાએ બારીમાંથી જોયું તો સિદ્ધાર્થ હજી પણ એમ જ અદબ વાળીને પાષાણવત્‌

ઊભો હતો.ફરી એમ જ બીજા પણ બે કલાક પસાર થઈ ગયા. ચિંતા, આક્રોશ, ભય

અને ગમગીનીથી ઘેરાયેલ પિતા આખરે વહેલી પરોઢે સિદ્ધાર્થ સામે ઊભા રહ્યા.

સિદ્ધાર્થની મક્કમતા અને અચલતા એમને હવે કંઈક સમજાઈ હતી. હવે જાણે કે પોતાનો આ પુત્ર એને તદ્દન અપરિચિત લાગતો હતો. જાણે કે ઊંચા કદની એક ભવ્ય

મૂર્તિ.

પિતા : ‘સિદ્ધાર્થ, હજી તું શાની રાહ જોઈ રહ્યો છે?’

સિદ્ધાર્થ : ‘તમે એ જાણો જ છો.’

પિતા : ‘હજી પણ શું બપોર, સાંજ સુધી તું આમ જ ઊભો રહીને રાહ જોતો રહીશ?’

સિદ્ધાર્થ : ‘હા, હું રાહ જોતો રહીશ.’

પિતા : ‘સિદ્ધાર્થ, તું થાકી જઈશ.’

સિદ્ધાર્થ : ‘હા, હું થાકી જઈશ.’

પિતા : ‘સિદ્ધાર્થ, તને હવે ઊંઘ આવશે.’

સિદ્ધાર્થ : ‘ના, મને ઊંઘ નહિ આવે.’

પિતા : ‘સિદ્ધાર્થ, આમ તો છેવટે મૃત્યુ જ આવે.’

સિદ્ધાર્થ : ‘હા, હું મૃત્યુ પામીશ.’

પિતા : ‘શું તું પિતાની આજ્ઞા પાળવાને બદલે મૃત્યુને પસંદ કરીશ?’

સિદ્ધાર્થ : ‘સિદ્ધાર્થે હંમેશાં પિતાની આજ્ઞાનું પાલન ...’

પિતા : ‘તો શું હવે તું તારો નિર્ણય રદ કરે છે?’

સિદ્ધાર્થ : ‘સિદ્ધાર્થના પિતા જેમ કરવાનું કહેશે તેમ જ સિદ્ધાર્થ કરશે.’

પ્રભાતના પ્રથમ કિરણો ઓરડામાં પ્રવેશી રહ્યા હતા. પિતાએ જોયું કે સિદ્ધાર્થના પગ હવે સહેજ ધ્રુજી રહ્યા હતા, પરંતુ એનો ચહેરો જરાપણ વિચલિત નહોતો. સિદ્ધાર્થ હવે ઘરમાં રહી શકશે નહિ - સૂક્ષ્મ રીતે તો એનો ગૃહત્યાગ થઈ જ

ચૂક્યો હતો. છેવટે એમણે સિદ્ધાર્થને ખભે હાથ મૂકીને કહ્યું, - ‘વહાલા પુત્ર, ભલે, તું વનમાં જઈને શ્રમણ થા. ત્યાં જો તને પરમ શાંતિ પ્રાપ્ત થાય તો પાછો આવીને મને ૨

પણ એ રાહ પર દોરી જજે. હવે તું જા, તારી માતાના ચરણસ્પર્શ કરીને તેને પણ તારા રાહની વાત કર.’

વહેલી સવારે નિદ્રાધીન નગર વચ્ચેથી થાકેલા પગે સિદ્ધાર્થ જઈ રહ્યો હતો, ત્યારે નગરના છેડે જાણે કે એક પડછાયો એની સાથે જોડાયો. એ ગોવિંદ હતો. સિદ્ધાર્થે સ્મિતપૂર્વક એનું સ્વાગત કર્યું. એ જ દિવસે સંધ્યાકાળ પહેલાં બંને મિત્રો એ શ્રમણોની સાથે થઈ ગયા અને શ્રમણોએ એમનો સ્વીકાર કર્યો.

સિદ્ધાર્થે પોતાના વસ્ત્રો રસ્તા પરના એક ગરીબ યાચકને આપી દીધા અને એણે એક ગેરુઆ રંગનું વસ્ત્ર પોતાના શરીર પર લપેટી લીધું. સિદ્ધાર્થે પ્રથમ ચૌદ

દિવસના અને પછીથી અઠ્ઠાવીસ દિવસના ઉપવાસ કર્યા. એ પછી પણ દિવસમાં એક જ વાર ફળફૂલ ખાઈ લેતો. અનાજ કદીયે ખાધું નહિ. એના શરીર પરની માંસપેશીઓ સૂકાતી ગઈ. યાત્રા દરમિયાન તેણે વેપારીઓને વેપાર કરતાં, રાજાઓને શિકારે જતાં, વિષાદગ્રસ્ત ચહેરાવાળા ડાઘુઓને, વેશ્યાઓને દેહનું લીલામ કરતાં, વૈદોને રોગીઓની સારવાર કરતાં જોયા, યુગલોને પ્રેમ કરતાં પણ જોયા, સંતાનોને વહાલ કરતી માતાઓને પણ જોઈ. છતાં ક્યાંય નજર નાખવા જેવું એણે કશું જોયું નહિ. એણે જોયું માત્ર અસત્ય, ભ્રમણા, માયા. સુખની-સૌંદર્યની-ભોગની નરી ભ્રમણા જ. સંસારનો સ્વાદ

કડવો હતો, જીવન દુઃખમય હતું અને સૌ મોડાવહેલા નાશ પામવાના હતા. સિદ્ધાર્થનું એક માત્ર ધ્યેય હતું - બધી જ તૃષ્ણાઓ, ભ્રમણાઓ અને સમણાંઓના બંધનથી મુક્ત થઈને શૂન્ય બનવાનું.

વયોવૃદ્ધ વડીલ શ્રમણની આજ્ઞા અનુસાર સિદ્ધાર્થે મનોનિગ્રહ સાધ્યો.

શ્રમણસંઘના નિયમો અનુસાર ધ્યાન કેળવ્યું. ગોવિંદ તેના પડછાયા સમાન તેની સાથે જ રહેતો. તે પણ સિદ્ધાર્થના રાહે જ ચાલતો અને તેના જેવા જ પ્રયત્નો કરતો. સાધના અને અભ્યાસના હેતુ સિવાય બંને જણા ભાગ્યે જ કશી વાત કરતા. પોતાના માટે તથા વડીલ શ્રમણો માટે ભિક્ષા માગવા ગામડાઓમાં કોઈવાર તેઓ બંને સાથે જતા.

એકવાર સિદ્ધાર્થે ગોવિંદને પૂછ્યું - ‘તને શું લાગે છે? આપણે કશી પ્રગતિ સાધી શક્યા છીએ? આપણો ઉદ્દેશ પાર પડ્યો છે ખરો? ગોવિંદે જવાબમાં કહ્યું -

‘આપણે ઘણું શીખ્યા છીએ. સિદ્ધાર્થ! તું મહાન શ્રમણ બનશે. વૃદ્ધ શ્રમણો વારંવાર તારી પ્રશંસા કરતા રહે છે. કોઈક દિવસ તું મહર્ષિ થયા વિના નહિ રહે!’ સિદ્ધાર્થે કહ્યું

- ‘મિત્ર, મને એવું કંઈ લાગતું નથી. શ્રમણો પાસેથી હું જે શીખી શક્યો છું તે તો હું જુગારીઓની મંડળી વચ્ચે બેસીને કે વેશ્યાગૃહમાંથી વધુ સરળતાથી અને શીઘ્ર શીખી શક્યો હોત. ધ્યાન એટલે શું? નિર્વાણ એટલે શું? કઠોર તપસ્યા એટલે શું? પ્રાણાયામ

એટલે શું? આ બધું તો મને પલાયનવાદ ભાસે છે. આટલું શીખવાને માટે તો મેં ઘણો ૩

સમય આપ્યો ને હજી તેનો અંત આવ્યો નથી. જે જ્ઞાન છે તે સર્વત્ર છે - મારામાં-

તારામાં સર્વ પ્રાણીઓમાં છે. જ્ઞાનના સૌથી મોટા દુશ્મન હોય તો આ પંડિતજનો અને

શ્રમણો છે!’ ગોવિંદ સિદ્ધાર્થની આવી વાતોથી સ્તબ્ધ થઈ ગયો.

શ્રમણો સાથે યોગાભ્યાસ અને સાધનામાં બંને મિત્રોએ ત્રણેક વર્ષ વીતાવ્યાં.

એવામાં અનેક સ્થળેથી એમના કાને લોકવાર્તા જેવા એક એવા સમાચાર આવ્યા કે ભગવાન બુદ્ધ - ગૌતમ બુદ્ધ આ ધરતી પર પ્રગટ થયા છે. બુદ્ધ વિશેની વાતો સૌને આકર્ષતી હતી. જાણે કે આ દુઃખમય સંસારમાં એક નવી આશા જાગી હતી. ગોવિંદે કહ્યું ‘મિત્ર, આપણે બુદ્ધનો ઉપદેશ સાંભળવા અહીંથી જઈ ન શકીએ?’ સિદ્ધાર્થ સહેજ કટાક્ષપૂર્વક હસ્યો અને પછી વૃદ્ધ ગુરુની વિદાય લઈને ગૌતમ બુદ્ધના દર્શન માટે બંને મિત્રો ચાલી નીકળ્યા.

શ્ર્રાવસ્તી નગરીમાં પહોંચીને એક ગૃહમાં ભિક્ષા લેતી વેળાએ સિદ્ધાર્થે ગૃહિણીને બુદ્ધના નિવાસસ્થાનની માહિતી પૂછી. ગૃહિણીએ નમનપૂર્વક કહ્યું - ‘હે શ્રમણો, તમે યોગ્ય સ્થળે આવ્યા છો. જેતવનના ઉદ્યાનમાં ભગવાન બુદ્ધ રહે છે, જ્યાં તમે રાત્રે રોકાઈ શકશો. ભગવાનના ઉપદેશ શ્રવણ માટે આવનાર લોકો માટે ત્યાં પૂરતી સગવડો રાખવામાં આવી છે.’ વધુમાં ગૃહિણીએ કહ્યું - ‘મેં અનેકવાર રાજમાર્ગ પર વિચરતા, શાંતભાવે ભિક્ષાપાત્ર ધરતા ભગવાન બુદ્ધને પ્રત્યક્ષ જોયા છે.’

ગોવિંદને ભગવાન બુદ્ધના ઉપદેશનું શ્રવણ કરવાની તીવ્ર ઝંખના હતી.

બુદ્ધના ઉપદેશનો સાર ઘણીવાર સિદ્ધાર્થે લોકોના મુખેથી સાંભળ્યો હતો.

બુદ્ધનો ઉપદેશ પૂરો થયો ત્યારે રાત પડી ચૂકી હતી. એમનો ચરણસ્પર્શ કરી અનેક જિજ્ઞાસુઓ વિધિવત્‌ એમના સંઘમાં પ્રવેશ કરતા હતા. શરમાળ એવા ગોવિંદની આવી વિનંતીનો પણ સ્વીકાર થયો. ગોવિંદે જોયું કે સિદ્ધાર્થ નિર્લેપ હતો. એણે પૂછ્યું

- ‘સિદ્ધાર્થ, તારે આ મુક્તિમાર્ગનું અનુસરણ નથી કરવું? તું હજી રાહ જોઈશ?’

સિદ્ધાર્થે ગોવિંદના ખભા પર હાથ મૂકી ધીરે સ્વરે કહ્યું - ‘આજે તેં તારો માર્ગ નક્કી કરી લીધો છે, તું એને અંત સુધી વળગી રહેજે, તને નિર્વાણ પ્રાપ્ત થાઓ. મારી શુભેચ્છાઓ તારી સાથે જ છે.’

હવે જ ગોવિંદને ખ્યાલ આવ્યો કે તેનો પ્રિય મિત્ર તેને છોડી રહ્યો છે.

સિદ્ધાર્થે એકાંતમાં ગૌતમબુદ્ધને મળીને પોતાની મૂંઝવણ અને મનોમંથનને એમની સમક્ષ મૂકતાં કહ્યું - ‘ઉપદેશ દ્વારા કોઈને મુક્તિ મળતી નથી. તમે જે કાંઈ પ્રાપ્ત કર્યું છે તે ઉપદેશ દ્વારા નહિ, પરંતુ સ્વપ્રયત્ને મેળવ્યું છે. તમારા ઉપદેશમાંથી સ્વાનુભૂતિનું રહસ્ય મને સાંપડ્યું નથી, માટે જ હવે હું મારા માર્ગે જઈશ.’ ગૌતમ

બુદ્ધે સિદ્ધાર્થની આંખોમાંના ભાવને પારખીને સ્મિતપૂર્વક એને જવાની અનુમતિ આપતાં ૪

કહ્યું - ‘શ્રમણ! તું તારો માર્ગ ભલે જાતે જ શોધ. પરંતુ મિત્ર! વધારે પડતી ચતુરાઈથી તું સાવધ રહેજે.’

જેતવન છોડ્યા પછી સિદ્ધાર્થ સામે અનેક પ્રશ્નાર્થો આવી પડ્યા. વૈરાગ્ય અને દેહદમનના આ વર્ષો પછી શું ફરી પાછું માતા-પિતાની છત્રછાયામાં ઘેર જવું? ફરી એ જ યજ્ઞો, અભ્યાસ, ધ્યાન? એ બધા પર તો હવે પૂર્ણવિરામ આવી ગયું હતું. હવે તો એ માત્ર

‘સિદ્ધાર્થ’ હતો - પ્રબુદ્ધ ‘સિદ્ધાર્થ’ હતો. સિદ્ધાર્થે ઘર તરફ નહિ, પિતા તરફ નહિ, વીતી ગયેલા જીવન તરફ નહિ, પરંતુ જુદી જ દિશામાં એક નૂતન પ્રયાણ આદર્યું - એણે સહેજ ધ્રુજારી અનુભવી, પરંતુ જાણે કે એ પ્રસવ પહેલાંની છેલ્લી વેદના હતી.

૨. વારાંગના કમલા

સિદ્ધાર્થનું હવે નવપ્રસ્થાન શરૂ થયું. ટેકરીઓ વચ્ચેથી સૂર્યના કિરણો ચારે તરફ વૃક્ષોને ઉલ્લાસિત કરી રહ્યાં હતાં. પંખીઓનો મધુર સ્વર અને વચ્ચે વચ્ચે ક્યાંક ખળખળ વહેતા ઝરણાઓનો નિનાદ આખા વાતાવરણને તરંગિત કરી રહ્યો હતો.

જાણે કે પહેલીવાર જ સિદ્ધાર્થને લાગ્યું - ‘અહો! આ જગત કેટલું બધું સુંદર છે? આ જગત તો એનું એ જ છે, પરંતુ અત્યાર સુધી મારી દૃષ્ટિ બીજી દિશામાં હતી. ગૌતમ

બુદ્ધે ભલે આ સુંદર જગતને ક્ષણભંગુર અને નાશવંત ગણાવ્યું, પરંતુ મારે આવું ઉછીનું જ્ઞાન નથી ખપતું. આ જગતના તમામ અનુભવમાંથી પસાર થઈને જ મારે સત્યને પામવું છે.’

સંધ્યાટાણે સિદ્ધાર્થ એક નદીના કિનારે પહોંચ્યો. આસપાસ નજર કરતાં એક ઝૂંપડી જોઈને ત્યાં પહોંચ્યો. ઝૂંપડીમાં રહેતા હોડીવાળાએ એને આવકાર્યો અને રાતવાસા

માટે આશ્રય આપ્યો. આખા દિવસના પ્રવાસથી થાકેલા સિદ્ધાર્થને ઘસઘસાટ ઊંઘ

આવી ગઈ. સવારના એ જ્યારે જાગ્યો ત્યારે ઝૂંપડીની નજીકથી નદીનું પાણી ખળ

ખળ વહી રહ્યું હતું અને પશુ-પંખીઓના કલરવથી આખું વાતાવરણ જીવંત ભાસતું હતું. હોડીવાળાનો તો વ્યવસાય જ આવતાં-જતાં મુસાફરોને નદી પાર કરાવવાનો હતો. સિદ્ધાર્થે હોડીવાળાને પોતાને સામે પાર પહોંચાડવા વિનંતી કરી.

હોડી વહેતી નદી વચ્ચેથી આગળ વધી રહી હતી. સિદ્ધાર્થે સહજ ઉદ્‌ગારરૂપે હોડીવાળાને કહ્યું - ‘આ નદી ખરેખર સુંદર છે.’ હોડીવાળાએ એને કહ્યું - ‘ખરેખર આ સુંદર નદી છે. પ્રત્યેક ખેપમાં હું આ નદી પાસેથી કંઈ ને કંઈ શીખતો રહુ છું. નદી પાસેથી ઘણું બધું શીખી શકાય.’

કિનારે પહોંચી, નાવમાંથી ઊતરીને સિદ્ધાર્થે હોડીવાળાને કહ્યું - ‘હું એક

શ્રમણ બનેલો બ્રાહ્મણ પુત્ર છું, ઘર-બાર વિનાનો. સાવ અકિંચન. મને નદી પાર કરાવીને તમે મારા પર ભારે અનુગ્રહ કર્યો છે. તમને આપવા માટે મારી પાસે નાણાં કે બક્ષિસ જેવું પણ કશું નથી.’

હોડીવાળાએ કહ્યું - ‘તમે શ્રમણ છો એ તો હું જોઈ શકું છું, અને આમ પણ સાધુ-સંન્યાસી-શ્રમણ પાસેથી કશું લેવાય જ નહિ. કોઈ પ્રસંગે કે અન્ય અવસરે મને એનો બદલો તો મળી જ રહેશે. આ નદી પાસેથી હું એ જ તો શીખ્યો છું. બધું પરત આવે જ છે, પ્રકૃતિનો એ અફર નિયમ છે. પ્રિય શ્રમણ, તમે પણ ક્યારેક પાછા આવશો. તમારી મૈત્રી એ જ મારા માટે બક્ષિસ છે. પૂજા-પ્રાર્થના કરતી વખતે મને યાદ કરજો.’

આગળ વધતાં-વધતાં સિદ્ધાર્થ એક ગામડા વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો.

શેરીમાં ઝૂંપડીઓ આગળ બાળકો રમી રહ્યાં હતાં. નાચતા-કૂદતા હતા, પરંતુ આ વિચિત્ર વેશધારી શ્રમણને જોઈને ભાગી ગયા. ગામ બહાર જવાના રસ્તા પર એક ઝરણું આવ્યું. ઝરણાના કિનારે બેસીને એક યુવતી વસ્ત્રો ધોઈ રહી હતી. સિદ્ધાર્થે એનું અભિવાદન કર્યું. થોડીક ક્ષણો માટે સિદ્ધાર્થ એ સુંદર યુવતીને તાકીને જોઈ રહ્યો. પરંતુ સિદ્ધાર્થના અંતરાત્મામાંથી ફરી એક ધ્વનિ ઊઠ્યો અને જાણે કે પોતાના માર્ગે આગળ

વધવાનો આદેશ એ ધ્વનિમાં એને સંભળાઈ રહ્યો હતો.

સિદ્ધાર્થને હવે જનસમુદાય વચ્ચે રહીને રોજે-રોજના જાતઅનુભવમાંથી શીખવાની ઈચ્છા હતી. સંધ્યા સમયે એણે એક નગરમાં પ્રવેશ કર્યો. સિદ્ધાર્થ નગર બહારના એક ઉદ્યાન પાસે આવી ઊભો રહ્યો. એણે જોયું કે કેટલાંક સ્ત્રી-પુરૂષો હાથમાં

ચીજ-વસ્તુઓથી ભરેલ ટોપલીઓ લઈ એ ઉદ્યાનની અંદર જઈ રહ્યાં હતા. એ સ્ત્રી-

પુરૂષોની વચ્ચે પાલખીમાં બેઠેલ એક સુંદર સ્ત્રી હતી. પાલખીમાંની બેઠક આસપાસ

લાલ રંગના મખમલી તકિયાઓ મૂકેલા હતા. ચાર સેવકો એ પાલખીને ઊંચકીને લઈ

જઈ રહ્યા હતા. પાલખીમાં બેઠેલ એ સ્ત્રીનું રૂપ જોઈને સિદ્ધાર્થને આનંદ થયો. પાલખી એની નજીકથી પસાર થતાં એણે સહેજ નમીને એ સુંદરીનું અભિવાદન કર્યું. એ લલનાના શૃંગારમાંથી આવતી એક અજ્ઞાત સુવાસને તેણે પોતાના શ્વાસોમાં ભરી અને અનિમેષ નયને એ સુંદરીને જોતો રહ્યો. એ સુંદર સ્ત્રીએ સિદ્ધાર્થના અભિવાદનના પ્રત્યુત્તરમાં સ્મિત કર્યું અને પછી પોતાના સેવકો સાથે ઉદ્યાનમાં અદૃશ્ય થઈ ગઈ.

નજીક ઉભેલા એક નગરજન પાસેથી સિદ્ધાર્થને જાણવા મળ્યું કે કમલા નામની એ સુંદર સ્ત્રી નગરની પ્રસિદ્ધ વારાંગના છે અને આ ઉદ્યાન ઉપરાંત નગરમાં પણ એનું એક ભવન છે.

સિદ્ધાર્થને હવે સમજાઈ ગયું કે એના જેવા લઘર-વઘર વેશવાળા શ્રમણને આ ઉદ્યાનમાં પ્રવેશ મળે જ નહિ.

સિદ્ધાર્થની સામે હવે તેનું લક્ષ્ય સ્પષ્ટ અને નિર્ધારિત હતું. આ લક્ષ્યની પૂર્તિ

માટે તે નગરની શેરીઓમાં નીકળી પડ્યો. એણે હજામના એક સહાયક સાથે મિત્રતા બાંધી. વિષ્ણુ મંદિરમાં પ્રાર્થના સમયે પણ એ મિત્ર મળ્યો. સિદ્ધાર્થ રાત્રે નદીમાંની કોઈક નાવ પર સૂઈ રહ્યો, વહેલી સવારે એ હજામની દુકાને મિત્રને મળ્યો. હવે તેના વાળ સુંદર રીતે કાપેલા હતા, માથામાં સુગંધિત તેલ હતું. હવે એ કોઈ રાજકુમાર જેવો સુંદર દેખાતો હતો. નદીએ જઈ સ્નાન કરી બપોર પછી ઉદ્યાનના પ્રવેશદ્વાર આગળ આવીને સિદ્ધાર્થ ઊભો રહ્યો. કમલાના આવતાં જ સિદ્ધાર્થે નમન કર્યું. જવાબમાં સુંદરીએ પણ અભિવાદન કર્યું. પાલખી સાથે ચાલતા સેવકોમાંના છેલ્લે રહેલ એક સેવકને એણે કમલાને પહોંચાડવાનો સંદેશ આપ્યો - ‘એક યુવાન બ્રાહ્મણ આપની સાથે વાત કરવા ઈચ્છે છે.’

થોડીવારે એ સેવક પાછો આવ્યો અને સિદ્ધાર્થને પોતાની પાછળ આવવા કહ્યું. શમિયાણામાં કમલા એક પલંગ પર બેઠી હતી. ત્યાં એને મૂકીને સેવક જતો રહ્યો. ગઈકાલનો આ લઘર-વઘર, ફકીરના વેશવાળો શ્રમણ અને અઢળક ધનસંપત્તિ અને સુખ-સાહેબી વચ્ચે મહાલતી નગરની આ પ્રસિદ્ધ વારાંગના! શું આવા બે સામ સામા છેડા પરના સ્ત્રી-પુરૂષ વચ્ચે કોઈ વાતચીત-આવકાર-સંવાદની શક્યતા કલ્પી શકાય? એ બંને વચ્ચેનો સંવાદ કંઈક આવો હતો.

કમલા : ‘ગઈકાલે આ ઉદ્યાનના પ્રવેશદ્વાર આગળ ઊભા રહીને શું તમે જ મને અભિવાદન નહોતું કર્યું?’

સિદ્ધાર્થ : ‘હા.’

કમલા : ‘પંરતુ ગઈકાલે તો તમારા લાંબા વાળમાં ધૂળ ભરાયેલી હતી અને તમને દાઢી પણ હતી!’

સિદ્ધાર્થ : ‘હવે મેં એ શ્રમણમાર્ગ ત્યજી દીધો છે કમલા, હું તમને એ કહેવા માટે અહીં

આવ્યો છું કે તમે જ એવી પ્રથમ સ્ત્રી છો, કે જેની સાથે સિદ્ધાર્થે આંખો ઢાળ્યા વગર વાત કરી હોય.’

કમલા : ‘શું માત્ર એટલું જ કહેવા સિદ્ધાર્થ અહીં આવ્યો છે?’

સિદ્ધાર્થ : ‘હા, અને તમે જો નારાજ ન થાઓ તો મારા મિત્ર અને ગુરુ બનવા માટે તમને કહું છું. તમે જે પ્રેમકળામાં પારંગત છો એ વિશે હું તો કશું જ જાણતો નથી.’

કમલા : ‘બ્રાહ્મણપુત્રો સહિત અનેક યુવાનો મારી પાસે આવતા હોય છે, પરંતુ તેઓએ સુંદર વસ્ત્રો અને સુંદર ઉપાનહ ધારણ કરેલા હોય છે, તેમના માથામાં સુગંધિત તેલ

હોય છે અને તેમના ખિસ્સાઓમાં ધન હોય છે. હે શ્રમણ, આ રીતે જ યુવાનો મારી પાસે આવે છે.’

સિદ્ધાર્થ : ‘તમારી પાસેથી પાઠો ભણવાનું શરૂ થઈ જ ગયું છે! ગઈકાલે મેં જે કાંઈ

કરવાનું નક્કી કર્યું છે એ આજે શા માટે પ્રાપ્ત ન કરી શકું? - દા.ત. તમારા મિત્ર બનવાનું અને તમારી પાસેથી પ્રેમકળાના પાઠ ભણવાનું. કમલા, તમે જોશો કે આ બાબતમાં હું એક યોગ્ય વિદ્યાર્થી છું.’

કમલા : (હસતાં હસતાં) ‘ના, ના એમ ન ચાલે! સિદ્ધાર્થ પાસે કિંમતી વસ્ત્રો, સુંદર ઉપાનહ, પુષ્કળ ધન અને કમલાને આપવા માટે કિંમતી ભેટો હોવી જ જોઈએ -

સમજાય છે તને?’

સિદ્ધાર્થ : ‘હા, હા, હા, હું બધું જ સમજું છું. આવા રૂપાળા મુખેથી આવતા શબ્દો મને કેમ ન સમજાય! પરંતુ સુંદરી, તું મને સાચું કહે, પ્રેમના પાઠ શીખવા આવેલ આ

શ્રમણનો તને કશો ડર નથી લાગતો?’

કમલા : ‘ના, ના! હું ડરતી નથી. શું કદી કોઈ બ્રાહ્મણ કે બ્રાહ્મણને એવો ડર લાગ્યો છે કે એમના પર હુમલો કરીને કોઈ એમનું જ્ઞાન, એમની પવિત્રતા, એમની ઊંડેથી વિચારવાની શક્તિને લૂંટી લેશે? નહિ જ. કારણ કે એ તો એમની નિજી આંતરિક શક્તિ છે અને એની ઈચ્છા થાય ત્યારે જ કોઈકને એ આપી શકે. કમલાનું અને પ્રેમના આનંદનું બરાબર એવું જ છે, કમલાની ઈચ્છા વિરૂધ્ધ એને ચૂમી જો, અને એ હોઠના

માર્ધુયનું એક ટીપું પણ તને નહિ જ જડે. સિદ્ધાર્થ તું એક યોગ્ય વિદ્યાર્થી છે એટલે આ બધું શીખી લે.’

સિદ્ધાર્થ : (સહેજ નમીને સ્મિતપૂર્વક) ‘કમલા, તારી વાત તદ્દન સાચી છે. સિદ્ધાર્થ બીજી કોઈવાર આવશે જ્યારે એની પાસે સુંદર વસ્ત્રો, સુંદર ઉપાનહ અને ધન હશે, પરંતુ શું તું મને થોડીક સલાહ ન આપી શકે? એ ત્રણે વસ્તુઓ જલ્દીથી પ્રાપ્ત કરવા

માટે મારે ક્યાં જવું જોઈએ અને શું શું કરવું જોઈએ?’

કમલા : ‘તને જે કાંઈ આવડતું હોય એ દ્વારા તારે આ બધું પ્રાપ્ત કરવું જોઈએ. તને શું શું આવડે છે?’

સિદ્ધાર્થ : ‘હું વિચાર કરી શકું છું.

હું ધીરજ ધરી શકું છું.

હું ઉપવાસ કરી શકું છું.’

કમલા : ‘બસ? બીજું કશું જ નહિ?’

સિદ્ધાર્થ : ‘અરે હા! હું કવિતા કરી શકું છું. એક કવિતાના બદલામાં શું તું મને એક

ચુંબન આપે ખરી?’

કમલા : ‘હાસ્તો! પણ જો તારી કવિતાથી હું ખુશ થાઉં તો!’

સિદ્ધાર્થ : (થોડીક ક્ષણે વિચારીને)

‘ઉપવને આગમન સુંદર કમલા,

ઊભો પ્રવેશ દ્વારે એક શ્રમણ,

નિહાળી એ સુંદર કમલાક્ષીને,

કર્યું ભાવભર્યું નમન,

અહો! સુંદરી સ્વીકારતી એ અભિવાદન!

વિચારી રહ્યો શ્રમણ,

કાં ન ધરું સર્વસ્વ આ કમલાને ચરણે!’

કમલા : ‘તારી કવિતા ખરેખર સુંદર છે શ્રમણ, (કમલા સિદ્ધાર્થને એક દીર્ઘ, આસક્તિપૂર્ણ ચુંબન આપે છે. પછી થોડી ક્ષણો બાદ) હું એ કવિતા માટે તને ધન પણ આપું, પરંતુ તને જેટલા ધનની આવશ્યકતા છે એટલું ધન કવિતાઓ કરવાથી નહિ

મળે. કમલાના મિત્ર થવા માટે ઘણા વધુ ધનની આવશ્યકતા પડશે. તું કવિતા સિવાય

બીજું શું શું કરી શકે?’

સિદ્ધાર્થ : ‘મને યજ્ઞયાગ, હવન માટેનાં સ્તોત્રો આવડે છે. મેં શાસ્ત્રો પણ વાંચ્યા છે.’

(એટલામાં એક સેવકે આવીને ધીમેથી કમલાના કાનમાં કશુંક કહ્યું) કમલા : ‘મારા એક મુલાકાતી આવે છે સિદ્ધાર્થ, તું હવે ઝડપથી ચાલ્યો જા. તું અહીં

કોઈની નજરે ન ચડે તેમ હું ઈચ્છું છું. આવતીકાલે આવીને તું મને મળજે.’

(બીજે દિવસે સિદ્ધાર્થ નગરમાંના કમલાના નિવાસસ્થાને ઉપસ્થિત થયો) કમલા : ‘સિદ્ધાર્થ, કામાસ્વામીને મેં તારી વાત કરી છે, તું એને મળજે. આ નગરનો તે સૌથી ધનવાન વેપારી છે. એ તને પોતાની પેઢીમાં રાખી લેશે. કામાસ્વામી ભારે શક્તિશાળી છે, પરંતુ તું એની સામે વધુ પડતો નમ્ર નહિ બનતો. એની સાથે મિત્ર તરીકેનો વર્તાવ રાખજે. તું એનો નોકર બનીને નહિ, પરંતુ એનો સમોવડિયો બનીને રહે તો જ મને ગમે. તું ખરેખર નસીબદાર જણાય છે. તારા માટે એક પછી એક દરવાજા ખૂલતા જાય છે એની મને નવાઈ લાગે છે. શું તારી પાસે કંઈ જાદુમંત્ર જેવું તો નથી ને!’

સિદ્ધાર્થ : ‘ગઈકાલે મેં તને કહ્યું હતું કે મને વિચાર કરતાં, ધીરજ રાખતાં અને ઉપવાસ કરતાં આવડે છે, પરંતુ તને આ ત્રણ બાબતોની કશી કિંમત જણાતી નથી! ઉપવનમાં ૯

પ્રવેશ કરતી વખતે મેં તારા તરફ જે પ્રથમ નજર કરી એ પરથી જ હું જાણી ગયો હતો કે તું મને સહાય કરશે.’

કમલા : ‘મારા મિત્ર, કદાચ તું કહે છે એમ જ હશે ... તું એક સુંદર યુવાન છે, નસીબદાર છે અને તારી આંખોના ભાવ સ્ત્રીઓને મોહિત કરે છે.’

નગરના ધનિક વેપારી કામાસ્વામીને મળવા સિદ્ધાર્થ પહોંચ્યો. કામાસ્વામીના વાળ સહેજ ધોળા થવા આવ્યા છે, આંખોમાં બુદ્ધિની તીક્ષ્ણતા છે. એના આખા ચહેરા પર જાણે કે એક પ્રકારની વિલાસિતા છલકે છે. શેઠ અને સિદ્ધાર્થ પરસ્પર મૈત્રીભાવે અભિવાદન કરે છે. કામાસ્વામી સિદ્ધાર્થને પૂછે છે - ‘તમે એક બ્રાહ્મણ છો, વિદ્યાવાન છો, છતાં એક વેપારીને ત્યાં કામ કરવા ઈચ્છો છો, એટલે શું નોકરીની તમને એવી જરૂર છે?’કામાસ્વામીએ આવા તો અનેકવિધ પ્રશ્નો સિદ્ધાર્થને પૂછ્યા અને સિદ્ધાર્થના વિલક્ષણ જવાબોથી ભારે પ્રભાવિત થયા. છેલ્લે સિદ્ધાર્થે કામાસ્વામીને કહ્યું - ‘જો સિદ્ધાર્થને ઉપવાસ કરતાં ન આવડત તો તમારી પાસે કે અન્ય ક્યાંય કામધંધાની યાચના કરવી પડત, પરંતુ વાત એમ છે કે સિદ્ધાર્થ શાંતિપૂર્વક રાહ જોઈ શકે છે, સિદ્ધાર્થ અધીર નથી, જરૂરતમંદ નથી, ઓશિયાળો નથી, ભૂખ પ્રત્યે પણ તે હસી શકે છે.’

કામાસ્વામીએ એક ગોળ વીંટાળેલો દસ્તાવેજ સિદ્ધાર્થને આપીને એમાંનું

લખાણ વાંચી સંભળાવવા કહ્યું. સિદ્ધાર્થે એ દસ્તાવેજ વાંચી સંભળાવ્યો અને સુંદર હસ્તાક્ષરે એ લખાણની નકલ પણ કરી આપી. પ્રસન્નતાપૂર્વક કામાસ્વામીએ સિદ્ધાર્થને કહ્યું - ‘તમે ખૂબ જ સુંદર લખી શકો છો એ જોઈને મને આનંદ થયો. હજુ આપણે ઘણી બધી વાતો કરશું. પરંતુ આજે હું તમને મારા અતિથિ બનવા અને મારે ત્યાં જ રહેવા

માટે આમંત્રણ આપું છું.’

સિદ્ધાર્થે અભિવાદનપૂર્વક એ નિમંત્રણ સ્વીકાર્યું. હવે તે કામાસ્વામી જેવા ધનાઢય વેપારીના ઘરમાં રહે છે. હવે એની પાસે મૂલ્યવાન વસ્ત્રો અને સુંદર ઉપાનહ છે, સ્નાન માટેનું સુગંધી જળ એક સેવક રોજ એને માટે તૈયાર રાખે છે. સવાર-સાંજ બંને વખત સ્વાદિષ્ટ ભોજનના થાળ એની સમક્ષ ધરવામાં આવે છે, પરંતુ સિદ્ધાર્થ દિવસમાં એક જ વાર ભોજન લે છે. કામાસ્વામી એને પોતાના વેપાર-ધંધાની સમજણ આપે છે. સિદ્ધાર્થ ધ્યાનપૂર્વક બધું સાંભળે છે, પણ બોલે છે ઓછું. કમલાના શબ્દો એને યાદ છે એટલે સિદ્ધાર્થનો વ્યવહાર એવો છે કે કામાસ્વામી એને એક નોકર ન

માનતાં પોતાની બરોબરીનો ગણે અને મિત્ર કરતાં પણ વધુ આદર આપે. કામાસ્વામી પોતાનો વેપાર ખૂબ ચીવટથી અને આસક્તિપૂર્વક ચલાવે છે, જ્યારે સિદ્ધાર્થ એને એક રમત સમજીને રમતના બધા જ નિયમો કાળજીપૂર્વક જાણી લે છે.

હવે સિદ્ધાર્થ કામાસ્વામીના વેપાર-વહીવટમાં ભાગ લે છે, પરંતુ પોતાના સ્વતંત્ર આવાસમાં રહે છે. કમલાના આમંત્રણ મુજબ જુદા-જુદા સમયે તે કમલાને ત્યાં સુંદર વસ્ત્રાભૂષણોથી સજ્જ થઈને જાય છે અને કમલા માટે ભેટ સોગાદો પણ લઈ જાય છે. આ

મુલાકાતો દરમિયાન એ બંને વચ્ચેના થોડાક સંવાદોની એક ઝલક : સિદ્ધાર્થ : (કમલાને) ‘હજી પણ હું પ્રેમશાસ્ત્રની બાબતમાં તદ્દન અબુધ જેવો છું. આ કળાના ઊંડાણ સુધી પહોંચવાની મારી તીવ્ર અને અતૃપ્ત લાલસા છે.’

કમલા : સિદ્ધાર્થ, તારી આવી તીવ્ર જિજ્ઞાસા છે એટલે હું તને એ બધું જ શીખવીશ.

બરાબર ધ્યાનપૂર્વક સમજી લે કે અન્યને આનંદ આપ્યા વગર આનંદ પ્રાપ્ત થઈ શકે નહિ, પ્રત્યેક હાવભાવ, પ્રત્યેક સ્પર્શ, આંખોના ભાવમાં, શરીરના એક-એક ભાગમાં અદ્‌ભુત રહસ્યો છૂપાયેલાં છે. તને આ બધું કંઈક સમજાય છે?

સિદ્ધાર્થ : ‘શ્રમણો વચ્ચેથી આવેલ આ સિદ્ધાર્થ માટે કોઈપણ નવો વિષય શીખવો કઠિન નથી. મારી પ્યાસ અનંત છે. કશું પણ ગોપિત રાખ્યા વિના તું મને શીખવતી રહે. હું તારો પ્રેમી છું, મિત્ર છું અને શિષ્ય પણ છું.’

કમલા : (પ્રેમક્રીડા બાદ વિદાય વખતે) ‘એક બીજો પાઠ પણ તું આજે શીખી લે. જુદા પડતી વખતે પ્રેમીઓએ અરસ-પરસ પ્રશંસાના શબ્દો ધીમેથી ઉચ્ચારવા જોઈએ.

અન્યોન્યને જીતવાનો કે જીતાયાનો ભાવ ન રાખવો જોઈએ, નહિતર ખોટા સંતોષની કે વિષાદની - કોઈકનો ગેરઉપયોગ કર્યાની કે પોતાનો ગેરઉપયોગ થવા દીધાની

લાગણી ઉત્પન્ન થાય છે.’

સિદ્ધાર્થ આભિજાત્યથી છલકતી આ વારાંગના સાથે જે સમય ગાળતો તે જ એને માટે અદ્‌ભુત, વિલક્ષણ અને અર્થપૂર્ણ બની રહેતો. કમલા સાથેના જીવનમાં એને ગહન અર્થ દેખાયો. કામાસ્વામીના વેપાર-વ્યવસાયમાં તો આવું કશું ક્યાંથી હોય! શરૂઆતમાં તો કામાસ્વામીએ મહત્ત્વના પત્રો લખવાનું અને સોદાઓની નોંધ કરવાનું સિદ્ધાર્થને સોંપ્યું હતું. ધીરે ધીરે અનેક મહત્ત્વના કાર્યો અને જવાબદારીઓ પણ એ સિદ્ધાર્થને સોંપવા લાગ્યો. કામાસ્વામીએ જોઈ લીધું કે વેપારી માલ કે વહાણવટા વિશે સિદ્ધાર્થ ઓછું સમજતો હોય પણ એની સૂઝ-સમજણ અસામાન્ય હતાં. અપરિચિત વ્યક્તિઓ પર પણ ઊંડો પ્રભાવ પાડવામાં, એમની વાતો શાંતિથી ધ્યાનપૂર્વક સાંભળવામાં સિદ્ધાર્થ પ્રવીણ હતો. કામાસ્વામીએ પોતાના કોઈ મિત્રને એકવાર કહ્યું

- ‘આ બ્રાહ્મણ વેપારી નથી, વેપારી થઈ શકશે પણ નહિ, ઊંડેથી તેને વેપારમાં જરાપણ રસ નથી, પરંતુ સફળતા પ્રાપ્ત કરવા માટેના ગહન સૂત્રો તે બરાબર જાણે છે.

સફળતા સામે ચાલીને તેની પાસે આવે છે. ગમે તેવી આંટીઘૂંટીની વાત હોય તો પણ

વેપારની બાબતોને જાણે કે એક રમત તરીકે જ તે રમતો હોય છે. એેને નિષ્ફળતાનો ડર નથી, નફા-નુકસાનની જરા પણ દરકાર નથી.’

એ મિત્રે કામાસ્વામીને સલાહ આપી, ‘તમારા વેપારમાં નફામાં અને નુકસાનમાં એને ત્રીજો ભાગ આપી ભાગીદાર બનાવો, આમ કરવાથી એને ધંધામાં વધારે રસ પણ પડશે અને પોતાની જવાબદારીને પણ એ સમજી શકશે.’ કામાસ્વામીએ આ સલાહનો અમલ કર્યો. પરંતુ સિદ્ધાર્થ? નફા-નુકસાન જેવી ક્ષુદ્ર બાબતોથી સિદ્ધાર્થ સાવ નિર્લેય રહે એમાં શું આશ્ચર્ય? નફો એ શાંતિથી સ્વીકારી લેતો. ખોટ આવતી ત્યારે હસીને કહેતો : ‘અચ્છા! સારું થયું, આ અનુભવ પણ શીખવા જેવો જ ગણાય!’

એકવાર ડાંગરનો પાક ખરીદવા સિદ્ધાર્થ એક ગામમાં ગયો હતો. એ પહોંચ્યો એ પહેલાં જ પાક તો બીજા વેપારીઓ લઈ ગયા હતા, છતાં સિદ્ધાર્થ એ ગામમાં થોડાક દિવસ રોકાયો. એણે ખેડૂતોને મિજબાની આપી, એમના બાળકોને નાની નાની ભેટો વડે ખુશ કર્યા. એક ખેડૂતને ત્યાં લગ્નસમારંભમાં હાજરી આપી અને પૂરા સંતોષ સાથે તે પાછો આવ્યો. તરત પાછા આવી જવાના બદલે નકામો સમય વિતાવ્યો અને અનાવશ્યક ખર્ચમાં ધન વેડફવા બદલ કામાસ્વામીએ એને ઠપકો આપ્યો. સિદ્ધાર્થે કહ્યું

- ‘કોઈને ઠપકો આપવાથી કદીયે કશું પરિણામ આવ્યું છે કે? થયેલ ખર્ચ અને નુકસાન તમે ખુશીથી મારા ખાતે લખો. આ પ્રવાસથી મને ઘણો આનંદ થયો છે. મેં ઘણા બધા

લોકોનો પરિચય કર્યો. ખેડૂતોએ મને તેમના ખેતરો બતાવ્યા, એમના બાળકો મારા ખોળામાં રમ્યા અને કોઈએ મને લાલચુ વેપારી ન ગણ્યો એ શું મૂલ્યવાન બાબત નથી? હું કામાસ્વામી હોત તો ખરીદી ન થતાં ક્રોધિત થઈ પાછો ફરત. સમય અને ધનનો વ્યય તો થયો જ હોત, પરંતુ હું ત્યાં થોડા વધારે દિવસ રહ્યો, આનંદ આવ્યો, ઘણું નવું શીખ્યો પણ ખરો. ગુસ્સા કે અધીરાઈમાં મેં કોઈનું કશું નુકસાન ન કર્યું, આજે હું કોઈ નવો પાક લેવા ત્યાં જાઉં તો આ બધા મિત્રો મને આવકારશે - જ્યારે તમને એમ લાગે કે સિદ્ધાર્થ તમને નુકસાન પહોંચાડી રહ્યો છે ત્યારે માત્ર એક જ શબ્દ કહેજો, અને સિદ્ધાર્થ ચાલ્યો જશે, આપણે મિત્રો જ છીએ.’

સિદ્ધાર્થ એનો આશ્રિત છે એવું ઠસાવવાના કામાસ્વામીના પ્રયાસો સતત

ચાલુ રહેતા. એકવાર કામાસ્વામીએ સિદ્ધાર્થને કહ્યું પણ ખરું - ‘તમે મારી પાસેથી બધું શીખ્યા છો.’ સિદ્ધાર્થે એના જવાબમાં કહ્યું હતું - ‘ચોખાની એક ગુણીની કિંમત કેટલી થાય અથવા તો ધીરેલા અમુક નાણાનું વ્યાજ કેટલું થાય એ હું ચોક્કસપણે તમારી પાસેથી શીખ્યો છું, પરંતુ સ્વતંત્રપણે વિચારવાનું હું તમારી પાસેથી નથી શીખ્યો અને એ તમે મારી પાસેથી શીખી લો તો સારું!’

વેપારમાં સિદ્ધાર્થનું દિલ હતું જ નહિ, પરંતુ કમલા માટે જરૂરી નાણા પ્રાપ્ત કરવાનું આ વેપાર એક સાધન માત્ર હતું. જરૂર કરતાં પણ વધુ નાણા તેને આ વેપારમાંથી

મળતાં હતાં. સિદ્ધાર્થના હૈયે મનુષ્ય આખરે શું છે એ જાણવા-સમજવાની ઈચ્છા હતી.

લોકો તો બાલિશ ભાવથી પશુની રીતથી જીવતા હોય એમ તેને લાગતું. પૈસા માટે, ક્ષુલ્લક મોજશોખ માટે, સામાન્ય માન માટે, જેની ખરેખર સિદ્ધાર્થને મન કશી કિંમત નહોતી, તેવી પામર વસ્તુઓ માટે સખત પરિશ્રમ કરતી, યાતના વેઠતી, માથાના વાળ ધોળા કરી નાખતી પ્રજા તેણે જોઈ.

સિદ્ધાર્થ પાસે આવનાર સૌ કોઈ ઉષ્માભર્યો આવકાર પામતા, પછી ભલે તે કોઈ વેપારી હોય, નોકર હોય, હજામ હોય કે ફેરિયો હોય, વ્યાજે નાણા માગવા આવનાર પણ એવો જ આવકાર પામતા. કામાસ્વામી ક્યારેક કોઈક સોદા માટે સિદ્ધાર્થને ઠપકો આપતો અથવા પોતાની મુશ્કેલીઓની રામાયણ માંડતો ત્યારે પણ સિદ્ધાર્થ શાંતિથી-ધ્યાનપૂર્વક બધુ સાંભળતો અને કામાસ્વામીને સમજવા પ્રયાસ કરતો. ક્યાંક વ્યવહારુ દૃષ્ટિએ થોડુ નમતું પણ મૂકતો અને પછી તરત એને મળવા આવેલ વ્યક્તિઓ સાથે વાતચીતમાં સામેલ થઈ જતો.

ઘણા લોકો તેની પાસે આવતા. કેટલાક વેપાર કરવા, કેટલાક છેતરવા, કેટલાક માત્ર તેની વાતો સાંભળવા, કેટલાક સલાહ લેવા તો વળી કેટલાક તેનો સમભાવ

મેળવવા પણ આવતા. તે સલાહ આપતો, સમભાવ વ્યક્ત કરતો, ભેટ આપતો, જાતને થોડી છેતરાવા પણ દેતો. શ્રમણ હતો ત્યારે ઈશ્વર વિશે જે ઉત્કટતાથી વિચારતો એટલી જ ઉત્ટકતાથી આ રમત માટે અને એના રમનારાઓની લાગણીઓ માટે પણ એ વિચારતો હતો.

ક્યારેક એને ઊંડેથી પોતાના અંતરાત્માનો કોઈક ગૂઢ સાદ સંભળાતો, ત્યારે એને ક્ષણભર માટે એવું સ્પષ્ટ સમજાતું કે એ પોતે જે પ્રકારનું જીવન વીતાવી રહ્યો છે એ એના માટેનું સાચું જીવન નથી. પોતે માત્ર એક રમત રમી રહ્યો છે, એમાં આનંદ

અને પ્રસન્નતા પણ અનુભવી રહ્યો છે, પરંતુ રહસ્યપૂર્ણ અને મૂલ્યવાન એવું જીવન તો એને સ્પર્શ કર્યા વગર જ આગળ વહેતું જાય છે. ક્યારેક તેને આવા વિચારોનો ડર પણ

લાગતો. લોકોના રોજિંદા જીવનમાં એક દર્શક-સાક્ષી થવાને બદલે એમના જેટલી જ તીવ્રતાથી એમના જીવનમાં સહભાગી અને સામેલ થવાનું એને મન થતું.

તે કમલાને ઘેર નિયમિત જતો. તેની પાસેથી પ્રેમની કળા શીખતો. કોઈપણ અન્ય કળામાં ભૂંસાય એ કરતાં વધારે આ કળામાં હું-તું ના ભેદ ભૂંસાઈ જતા. આપવા-

લેવા વચ્ચેની સીમા રેખા ઓગળી જતી. એ કમલા સાથે વાતો કરતો, શીખતો, સલાહ

લેતો. તેના પરમ મિત્ર ગોવિંદ કરતાં પણ કમલા તેને વધારે સમજી શકતી હતી.

ક્યારેક સિદ્ધાર્થને એવો પણ ઝબકાર થતો કે ‘કમલા પણ મારા જેવી જ છે!’

સિદ્ધાર્થે એકવાર કમલાને આવું કંઈક કહ્યું પણ હતું : ‘મને લાગે છે કે તું પણ કંઈક ઊંડે-ઊંડેથી મારી જેમ જ વિચારે છે. સર્વ સામાન્ય લોકો કરતાં તું પણ સાવ નોખી જ છે. તું કમલા છે - માત્ર કમલા - અન્ય કોઈ જ નહિ. તું પણ મારી જેમ જ અંતઃકરણમાં ઊંડે-ઊંડે રહેલ સ્વસ્થતાના કેન્દ્ર તરફ પહોંચી શકે છે. એ કેન્દ્ર તારું એક વિરામસ્થાન છે. મેં જોયું છે કે ભાગ્યે જ લોકોમાં આવી શક્તિ કે આવું લક્ષ્ય હોય છે.

આવી સમજણ અને શક્તિ માટે કોઈ હોંશિયારીની આવશ્યકતા નથી. કામાસ્વામી

મારા જેટલો જ હોંશિયાર છે છતાં આવા રહસ્યોને પામવાનું તેનું ગજું નથી. કમલા!

સર્વસામાન્ય લોકો તો હવામાં ઊડતાં તણખલાંઓ જેવા હોય છે. ફરી ફરીને અથડાતાં-કૂટાતાં પાછા જમીન પર વેરાઈ જઈને ફરી ઊડવાની મથામણ કરતાં જ રહે છે. માર્ગ અને માર્ગદર્શક એના બંને ઘટકો જેમના અંતરમાં હોય એવા પ્રાજ્ઞ પુરુષોને હું શોધતો રહ્યો છું. આ બાબતમાં સંપૂર્ણ કહી શકાય એવા એકને હું કદી પણ ભૂલી શકું નહિ -

એ છે ભગવાન ગૌતમ બુદ્ધ! સેંકડો-હજારો યુવાનો એમના ઉપદેશનું શ્રવણ કરે છે, ઉપદેશ પ્રમાણેનું આચરણ પણ કરે છે, પરંતુ એ બધા તો ઊડતા પેલા તણખલાં જેવાં જ! એમના અંતઃકરણમાં પ્રજ્ઞાનું એવું કોઈ કેન્દ્ર જ નથી.’

કમલા ક્ષણભર તેની આંખોમાં તાકીને જોઈ રહી અને પછી હસતાં હસતાં કહ્યું - ‘ફરીથી તેં ભગવાન બુદ્ધને યાદ કર્યા! ફરીથી તારામાં રહેલો એ શ્રમણ તારા

માથા પર સવાર થઈ જાય છે.’

સિદ્ધાર્થ પોતાના શયનખંડમાં ગાઢ નિદ્રામાં હતો. ઓચિંતાનું જાણે કે એના અંતઃકરણમાંથી ફરી એકવાર એક ધીમો-ગૂઢ સાદ સંભળાયો : ‘‘તારી બેહોશીની ઊંઘ

ક્યારે પૂરી થશે? હવે તારા જાગવાનો સમય થઈ ચૂક્યો છે. આ બધું કેવું વિચિત્ર જીવન તું જીવી રહ્યો છે - આ બધી રમત ક્યાં સુધી?’’

સિદ્ધાર્થ ઝબકીને જાગી ગયો. તે કંઈક ભયભીત પણ હતો. થોડીક ક્ષણો માટે તો તે ભારે અસ્વસ્થ થઈ ગયો, પરંતુ પ્રયત્નપૂર્વક એ બધું ભૂલી જઈને તેણે સ્વસ્થતા

પ્રાપ્ત કરી લીધી. કમલાને એણે પોતાની અસ્વસ્થતાની વાત કરી, એને સંભળાતા એ ગૂઢ સાદની વાત કરી. ફરી એકવાર એણે ભગવાન ગૌતમ બુદ્ધની વાત કરી.

કમલા : ‘ફરીથી તું એક શ્રમણ જેવી વાતો કરી રહ્યો છે.’

સિદ્ધાર્થ : (થોડીક ક્ષણો મૌન રહીને, આંખો મીંચીને) ‘કમલા, મને કશું જ સમજાતું નથી. શું હું હજી પણ ખરેખર શ્રમણ છું? મને ભય લાગે છે.’

કમલા : ‘આપણે આ બધી વાતોમાં ક્યાંથી આવી ચડ્યા! મારા જીવનમાં તારા જેવો ઉત્તમ પ્રેમી મેં કોઈ જોયો નથી. મારી કળાના પાઠ તેં પૂરેપૂરા શીખી લીધા છે. સિદ્ધાર્થ, હું એ દિવસની રાહ જોઈ રહી છું કે તારાથી પ્રાપ્ત સંતાન હું મારા ગર્ભમાં ઉછેરું - પરંતુ સાચું કહે ... શું તને ખરેખર મારા ઉપર પ્રેમ છે? મને લાગે છે કે તું માત્ર એક શ્રમણ જ છે.’

સિદ્ધાર્થ : (થાકેલા સ્વરે નિશ્વાસપૂર્વક) ‘કદાચ એમ પણ હોય, કમલા હું તારા જેવો જ છું. તું પણ કોઈને પ્રેમ કરી શકે નહિ, નહિ તો પ્રેમને એક કળા તરીકે તું ન જ શીખવી શકે. કદાચ આપણા જેવા લોકોના ભાગ્યમાં પ્રેમ હોય જ નહિ, સામાન્ય લોકો જ એકબીજાને ચાહી શકે.’

હવે ધીરે ધીરે સિદ્ધાર્થનાં અંતરાત્માનો સાદ ક્ષીણ થતો ગયો. સિદ્ધાર્થ વિલાસ ભરપૂર જીવનની આસક્તિઓમાં વધુને વધુ ઊંડો ઊતરતો ગયો. અગાઉ તે અન્ય

દુનિયાદારીના લોકોથી પોતે કંઈક જુદો હોવાનું અનુભવતો, પરંતુ હવે તે પણ તેમના જેવો જ થતો જતો હતો. હવે ધંધામાં નુકશાનથી, જુગારમાં હારવાથી તેને ગ્લાનિ થતી - તે તાણ અનુભવતો. હવે તે ભિખારીઓને મદદ કરવાને બદલે તેમને હડધૂત કરતો. હવે વધુ ને વધુ ધન પ્રાપ્ત કરવાનું જાણે કે તેનું લક્ષ્ય બની ગયું. હવે તેના ચહેરા પર પણ સામાન્ય લોકોના જેવી આધિ-વ્યાધિ-ઉપાધિઓની બધી જ રેખાઓ અંકાવા

માંડી. આમ ને આમ વર્ષો વીતતાં રહે છે.

સિદ્ધાર્થ કમલાને ત્યાં જવા તૈયાર થયો. કમલાના આવાસના પ્રવેશદ્વાર નજીક સોનાના પિંજરામાં રાખેલ બુલબુલે મધુર ગીતથી એનું સ્વાગત કર્યું. એક સુંદર વૃક્ષ નીચે બંને બેઠાં.

કમલા : ‘સિદ્ધાર્થ, તને યાદ છે - તેં મને અગાઉ એકવાર ભગવાન ગૌતમ બુદ્ધની વાત કરી હતી, મને લાગે છે કે કોઈક દિવસ હું પણ એમની શિષ્યા બનીશ. મારો આ સુંદર આવાસ અને ઉદ્યાન એમને અર્પણ કરી દઈ એમના શરણમાં જઈ એમની વાણી સાંભળીશ.

સિદ્ધાર્થ : (ધીરા સ્વરે નિશ્વાસપૂર્વક) ‘એમ જ હો.’

કમલા સિદ્ધાર્થને શયનકક્ષમાં દોરી ગઈ અને સિદ્ધાર્થને દૃઢ આલિંગનમાં

લીધો. સિદ્ધાર્થ ભીંસ અનુભવી રહ્યો. પ્રથમવાર જ સિદ્ધાર્થને સમજાયું કે તીવ્ર આસક્તિ અને મૃત્યુ, બંનેના અનુભવ એક સમાન જ છે. કમલાની આંખોમાંથી અશ્રુધારા વહેતી રહી. એક નિશ્વાસ સાથે સિદ્ધાર્થે કમલાની વિદાય લીધી.

રાત્રે એના આવાસમાં જુગાર-શરાબ-નર્તકીઓની મહેફિલ પૂરી થતાં સિદ્ધાર્થે ઊંઘવાનો પ્રયત્ન કર્યો. હવે આ વિલાસ ભરપૂર જીવનથી મુક્ત થવાની તેને તીવ્ર ૧૫

આકાંક્ષા થઈ. ઊંઘમાં તેને એક સ્વપ્ન આવ્યું. તેણે સપનામાં જોયું કે કમલાને ત્યાં સુવર્ણ પિંજરામાં રહેલ બુલબુલ સાવ મૂંગું થઈ ગયું છે. પિંજરની નજીક જઈ જોતાં તે પક્ષી મૃત્યુ પામી ચૂક્યું હોવાનું જણાયું. સિદ્ધાર્થે પિંજર ખોલી મૃત પંખીને હાથમાં લઈ

રસ્તા પર ફેંકી દેતાં કહ્યું - ‘તારી મુક્તિની પળ આવી પહોંચી.’ જાગી જતાં સ્વગત પોતાને જ તેણે કહ્યું - ‘આ સંસારની રમતનો અંત નથી, આ રમતનું નામ જ સંસાર, બાળકો માટેની રમત માત્ર! બસ, હવે મારા માટે આ રમતનો અંત આવ્યો છે.’

ફરી એક વખત બધું જ છોડીને તે ચાલી નીકળ્યો. દાસીએ કમલાને સિદ્ધાર્થની શોધ કરવા સૂચવ્યું. પણ ‘તે આખરે શ્રમણ જ હતો’ એવું અસ્પષ્ટ ઉચ્ચારીને કમલાએ સુવર્ણ પિંજરનું બારણું ખોલી બુલબુલને મુક્ત આકાશમાં ઊડી જવા દીધું. પછી તે પંખીને દૂર દૂર સુધી આકાશમાં અદૃશ્ય થતું જોઈ રહી. એ દિવસથી કમલાનો આવાસ

મુલાકાતીઓ માટે બંધ થઈ ચૂક્યો. સિદ્ધાર્થ સાથેની છેલ્લી મુલાકાતના ફળરૂપે હવે કમલા સિદ્ધાર્થનું સંતાન પોતાના ગર્ભમાં ઉછેરી રહી હતી.

૩. પુનઃપ્રસ્થાન

સિદ્ધાર્થ ચાલી તો નીકળ્યો, પણ હવે ક્યાં જવું ને શા માટે જવું? એક સ્વપ્નનો જાણે કે અંત આવી ચૂક્યો. તે એક નદી પાસે આવીને અટક્યો. નદીના શાંત જળમાં પોતાના ચહેરાના પ્રતિબિંબને તે ધિક્કારપૂર્વક જોઈ રહ્યો. એ નદીમાં કૂદી પડવા માટે નીચો નમ્યો ત્યાં જ વર્ષોથી એના હૃદયમાં સુષુપ્ત રહેલો ધ્વનિ ‘ૐ’ સાંભળતાં જ તે જાણે કે ઓચિંતો નિદ્રામાંથી જાગૃત થયો. બસ, હવે ઓમકારનું જ શરણ હો. ઓમકારનો જપ કરતાં કરતાં તે સમાધિ અવસ્થામાં સરી પડ્યો. જાણે કે સ્પપ્નવિહીન, ઘેરી વર્ષો સુધીની ઊંઘ. જ્યારે જાગ્યો ત્યારે કોઈ એક નવા જ મનુષ્ય તરીકે તે પોતાને જોઈ

શક્યો. કેવી અદ્‌ભુત નિદ્રા હતી! કદી પણ એને નિદ્રાએ આટલી પ્રસન્નતા નહોતી આપી. હવે એક નવા માનવી તરીકે તેનો પુનઃજન્મ થયો હતો. ગાઢ નિદ્રા પછી પૂર્ણ જાગૃતિથી એનો થાક ઉતરી ગયો હતો. એનામાં રહેલ પેલી જિજ્ઞાસા પણ પાછી આવી હતી. સિદ્ધાર્થ બેઠો થયો. સામે જ એક ભગવાધારી સાધુ ધ્યાનમુદ્રામાં બેઠો હતો.

તેણે એ સાધુ તરફ જોયું અને પળમાત્રમાં તેને ઓળખી લીધો. એ હતો તેનો બાળપણનો મિત્ર ગોવિંદ! ગોવિંદ - ભગવાન બુદ્ધનો શિષ્ય ગોવિંદ. તેના ચહેરા પર પણ વધેલી ૧૬

વયના લક્ષણો દેખાતા હતા, છતાં જૂના લક્ષણો-જિજ્ઞાસા, તીવ્રતા, આતુરતા, સંનિષ્ઠા હજી તેના ચહેરા પર હતાં. ગોવિંદે આંખો ખોલી સિદ્ધાર્થ તરફ જોયું ત્યારે સિદ્ધાર્થને ખ્યાલ આવ્યો કે ગોવિંદ હજી તેને ઓળખી શક્યો નથી. સિદ્ધાર્થને જાગેલો જોઈ

ગોવિંદને આનંદ થયો. ઓળખ્યો ન હોવા છતાંયે તે સિદ્ધાર્થના જાગવાની પ્રતીક્ષામાં

લાંબા સમયથી અહીં બેઠો હતો તે સ્પષ્ટ જણાતું હતું.

ગોવિંદે કહ્યું - ‘જંગલના પ્રાણીઓ ભટકતા હોય, સર્પાદિ ફરતા હોય તેવા સ્થાને સૂવું સલાહભર્યું નથી. હું શાકય મુનિ બુદ્ધનો શિષ્ય છું. સંઘની સાથે સાથે જાત્રાએ નીકળ્યો છું. આવી જોખમકારક જગ્યાએ તને સૂતેલો જોયો, તને જગાડવા

પ્રયત્ન પણ કર્યો, પરંતુ તું ઘેરી નિદ્રામાં હતો એટલે સાથીઓને આગળ જવા દઈ હું અહીં જ રોકાઈ ગયો. મને લાગે છે કે પછી મને પણ નિદ્રા આવી ગઈ. હું થાકેલો હતો તેથી તારું યોગ્ય નિરીક્ષણ ન કરી શક્યો, પરંતુ હવે તું જાગૃત થયો છે તો હું આગળ

ચાલવા માંડું, જેથી સંઘની સાથે જોડાઈ શકું.’

‘ઊંઘના સમયે તમે મારી ચોકી કરી તે બદલ હે શ્રમણ, હું તમારો આભાર

માનુ છું. બુદ્ધના શિષ્યો કરૂણામય હોય જ છે. હવે તમે તમારા પંથે આગળ વધો.

આવજે ગોવિંદ!’ સિદ્ધાર્થે કહ્યું.

ભિક્ષુ થંભી ગયો - ‘મારા નામની તને ક્યાંથી ખબર પડી?’

સિદ્ધાર્થ હસ્યો - ‘ગોવિંદ, હું તને પિતાના ઘરથી, શાળા સમયથી, યજ્ઞોથી,

શ્રમણ તરીકેના આપણા સહપ્રવાસથી, જેતવનમાં તું બુદ્ધનો શિષ્ય થઈ તેમના સંઘમાં જોડાયો ત્યારથી ઓળખું છું.’

‘અરે! તું તો સિદ્ધાર્થ! તને ફરીવાર મળીને મને ખૂબ આનંદ થયો છે.’

સિદ્ધાર્થે કહ્યું - ‘મને પણ એટલો જ આનંદ થયો છે. મારે કોઈ સંરક્ષકની જરૂર તો નહોતી, છતાં તેં ઊંઘ દરમિયાન મારી રક્ષા કરી. તું હવે ક્યાં જશે મિત્ર?’

ગોવિંદે કહ્યું - ‘અમારી કોઈ ચોક્કસ દિશા કે સ્થાન જેવું હોતું જ નથી. અમે સાધુઓ ચોમાસાની ઋતુ સિવાય સદા પરિભ્રમણ કરતા રહીએ છીએ. સંઘના નિયમ

પ્રમાણે જીવીએ છીએ, ઉપદેશ આપીએ અને ભિક્ષા મેળવીએ, આ જ અમારો જીવનક્રમ

છે. પરંતુ સિદ્ધાર્થ! તું ક્યાં જઈ રહ્યો હતો?

સિદ્ધાર્થે કહ્યું : ‘મારું પણ તારા જેવું જ છે, મારે પણ કોઈ નિશ્ચિત દિશા કે

મંઝિલ નથી. બસ, આમ જ ફરતો રહું છું, એમ સમજ ને કે હું યાત્રાએ નીકળ્યો છું.

મારા મૂલ્યવાન વસ્ત્રાભૂષણો જોઈને તને મારી વાત પર વિશ્વાસ ન બેસે એ હું સમજું છું. પરંતુ આજે આવાં વસ્ત્રોવાળો યાત્રી તને જોવા તો મળ્યો ને! ગોવિંદ! એક વાત યાદ રાખજે. બહારની દુનિયા ક્ષણિક છે. વાળ અને શરીર ક્ષણભંગૂર છે. તારું નિરીક્ષણ

તદ્દન સાચું છે કે મેં ધનિક જેવા વસ્ત્રો પહેર્યા છે, કારણ કે હું શ્રીમંત હતો. દુનિયાના

માનવીઓના જેવા સુશોભિત મારા કેશ છે, કારણ કે હું તેમાંનો એક હતો. હું ધનવાન હતો, હવે નથી. આવતીકાલે હું શું હોઈશ તે હું જાણી શકું નહિ. મેં ધન ગુમાવ્યું કે ધન-સંપત્તિએ મને ગુમાવ્યો તે હું સમજી શકું નહિ. માયાચક્ર ત્વરિત ગતિએ ફરે છે.

પેલો બ્રાહ્મણ સિદ્ધાર્થ, શ્રમણ સિદ્ધાર્થ, શ્રેષ્ઠી સિદ્ધાર્થ, આજે હવે એ ક્યાં છે? જે ક્ષણિક છે તેનું શીધ્ર રૂપાંતર થાય છે એ વાત તો ગોવિંદ તું જાણે છે.’

કિશોર વયથી જ પોતાના અંતરંગ મિત્ર એવા સિદ્ધાર્થ સામે ગોવિંદ ઘડીકવાર સુધી તો અપલક નેત્રે જોતો જ રહ્યો. સિદ્ધાર્થનો શબ્દે શબ્દ જાણે કે એની ચેતનામાં ઓગળીને કોઈક ગુપ્ત સ્થાને વિરમતો જતો હતો. પછી જાણે કે કોઈક જ્ઞાની મહાત્માને નમન કરતો હોય એ રીતે મસ્તક નમાવીને એણે સિદ્ધાર્થને નમન કર્યા અને ચુપચાપ પોતાના રસ્તે આગળ ચાલવા લાગ્યો.

પ્રસન્નતાપૂર્વક સિદ્ધાર્થ ગોવિંદની વિદાયના આ દૃશ્યને જોતો રહ્યો. પોતાના આ જિજ્ઞાસુ અને શ્રધ્ધાવાન મિત્ર પ્રત્યે એના દિલમાં હવે એક નવો જ અનુરાગ જાગ્યો. ઓમકારથી સ્પંદિત પોતાની આજની આ વિલક્ષણ એવી ગાઢ નિદ્રા પછીની આ એક ભવ્ય ક્ષણ એને માટે હતી. આ ક્ષણે એની આસપાસ જ્યાં જ્યાં નજર પડતી હતી ત્યાં એ સૌ તરફ એના હૃદયમાં ઉલ્લાસભર્યો સ્નેહ વહેતો હતો. વિદાય થતા ગોવિંદને ભિક્ષુના રૂપમાં તે જોઈ રહ્યો.

બે દિવસથી એણે કશું જ ખાધું ન હતું. હવે એને ભૂખ લાગી હતી. ભૂખને સહન કરવાનું કે ટાળવાનું ભારે મુશ્કેલ જણાતું હતું. આવી પરિસ્થિતિઓમાં પણ તેને કમલા સાથેના પ્રથમ મિલન વખતે વ્રત સમાન પોતાની ત્રણ વિશેષ શક્તિઓની વાત કરી હતી તે સહેજે યાદ આવી ગઈ.

હું વિચારી શકું છું.

હું ધીરજ રાખી શકું છું.

હું ઉપવાસ રાખી શકું છું.

હા, વધુમાં એણે કમલાને એવું પણ કહ્યું હતું - હું કાવ્ય રચી શકું છું.

આજની આ ભૂખની સ્થિતિમાં પણ તેનાથી હસી પડાયું. કકડીને ભૂખ લાગી હોય ત્યારે કાવ્ય શું ખપમાં આવે?

વિચાર શક્તિ, ધ્યાન કે ઉપવાસ. આમાનું એકેય વ્રત હવે આજે એના અંકુશમાં નહોતું! સંપત્તિ કે આડંબરી જીવન માટે, ઈન્દ્રિયોના વિલાસ માટે, નાશવંત તુચ્છ પદાર્થો માટે તેણે આ વ્રતોનો વિનિમય કર્યો હતો. કોઈ વિચિત્ર માર્ગે તે વળ્યો હતો.

આજે હવે એને લાગ્યું કે એ એક સામાન્ય માણસની સ્થિતિએ પહોંચી ગયો હતો.

આજે જ્યારે એ તમામ ક્ષણભંગુર વસ્તુઓ તેની પાસેથી સરી ગઈ છે ત્યારે તે એક બાળકની જેમ ફરીવાર આ સૂર્ય નીચે ઊભો છે. તેનું કોઈ નથી, કશું જ નથી - તે કાંઈ

જાણતો નથી. તેની પાસે સંપત્તિ નથી અને તે કંઈ શીખ્યો પણ નથી. તે સ્વગત બોલ્યો

- ‘કેવું વિચિત્ર! આજે જ્યારે હું યુવાન નથી, મારા કેશ શ્વેત થવા માંડ્યા છે, શક્તિઓ ક્ષીણ થઈ ગઈ છે ત્યારે પુનઃ હું જાણે બાળક બન્યો હોઉં તેમ લાગે છે.’

એનું આખું જીવન કેવી વિચિત્ર રીતે પસાર થયું! કેવી કેવી ચિત્ર-વિચિત્ર કેડીઓ પર તે રઝળતો રહ્યો, બાલ્યાવસ્થામાં યજ્ઞ-યાગ અને દેવકાર્યમાં તે ઓતપ્રોત રહ્યો. યુવાનીમાં વૈરાગ્ય, ચિંતન અને ધ્યાનમાં મગ્ન રહ્યો, પછી બ્રહ્મતત્ત્વને શોધવા નીકળ્યો. અનંત આત્માને પૂજતો હતો. કિશોરવયે જ તપશ્ચર્યા આદરી, દેહ પર વિજય મેળવ્યો. બુધ્ધની વાણીનું પાન કર્યું. જીવમાત્રના એકત્વનું જ્ઞાન તેની રગેરગમાં વહેવા લાગ્યું, છતાંય ભગવાન બુદ્ધનો અને આ જ્ઞાનનો ત્યાગ કરવાનું થયું. કમલા પાસેથી પ્રેમશાસ્ત્રના પાઠ શીખ્યો, કામાસ્વામી પાસેથી વેપાર, ધનનો સંગ્રહ કર્યો.

વૃત્તિઓને પ્રદીપ્ત કરતો રહ્યો. વિચાર કરવાની ક્ષમતા ગુમાવવા માટે, દુનિયાની એકતા વિસારવા માટે, બુદ્ધિનો ક્ષય કરવા માટે સિદ્ધાર્થને અનેક વર્ષો આમ વીતાવવાં પડ્યાં.

અનેક ખાડા-ટેકરા વટાવ્યા પછી ધીમે ધીમે તે પુખ્ત મનુષ્યમાંથી પાછો એક બાળક બની ગયો! એક તત્ત્વચિંતક - એક સાધકમાંથી સામાન્ય માનવી બન્યો. છતાં એના અંતરમાં રહેલું પંખી મૃત બન્યુ નહોતું.

એના ચહેરા પર સ્મિત હતું. જીવનના આરંભ તરફ તે પાછો ફરી રહ્યો હતો. ખાલી હાથે, વસ્ત્રો વગર સાવ અજાણ બની એક નવા પંથ પર તે ઊભો હતો, પરંતુ એ માટે તેને કોઈ અફસોસ નહોતો.

આ વિચિત્ર દુનિયા પર હસવાની, જાત પર હસવાની પ્રબળ ઈચ્છા તેના અંતરમાં જાગી. આ દુનિયા પણ કેવી એની સાથે કદમ મિલાવી રહી હતી. અને આ નદી! એનોે કલકલ વહેતો પ્રવાહ હવે જાણે કે ઉલટી દિશામાં વહેતો હતો. એને એ દૃશ્ય ખૂબ ગમ્યું. તેણે પ્રસન્નતાપૂર્વક સ્મિત વેર્યું. આ તો એ જ સરિતા, જેમાં ડૂબવાની તેને એકવાર ઈચ્છા થઈ આવી હતી! કે પછી એ બધુંં પણ માત્ર એક સ્વપ્ન!

પણ કેવો કપરો હતો એ માર્ગ! કેવાં કેવાં શોક, નિરાશા, દોષો, મૂર્ખામી અને સૂગ તેને અનુભવવાં પડ્યાં! એ બધું શું પુનઃ એક બાળક થવા માટે?

આમ તો જે થયું તે યોગ્ય જ થયું. પુનઃ ઓમકારનું શ્રવણ કરવા, પુનઃ નિદ્રા, પુનઃ જાગૃતિ જેવા આવા નિરાશાના અનુભવની, ઊંડા વિચારમાં ડૂબવાની અને આત્મહત્યાના વિચારની એને આવશ્યકતા હતી એમ એને સમજાયું. આત્મતત્ત્વની

પ્રાપ્તિ માટે પુનઃ મૂર્ખ બનવાની જરૂર હતી. ધર્મ સમજવા માટે અધર્મ કર્યા વિના ચાલે તેમ ન હતું. આ માર્ગ હવે ક્યાં દોરી જશે? આ માર્ગ બુદ્ધિશૂન્ય છે, કુંતલાકારે, કદાચ

વર્તુળાકારે પણ એ માર્ગ ઘૂમી રહ્યો છે. પણ આમ માર્ગ જ્યાં દોરે ત્યાં ચાલવાનું-અનુસરવાનું જાણે કે મનોમન નિર્ધારિત થઈ રહ્યું હતું. હવે સિદ્ધાર્થના દિલમાં જાણે કે એક આનંદની લહર ઊભરાતી હતી. એ આનંદલહરી જાણે કે મુક્તિમાંથી જ જન્મી હતી. આ પલાયનનું, પુનઃ મુક્ત થવાનું પણ આશ્ચર્યજનક હતું. હવે જ્યાંથી એણે પલાયન કર્યું હતું ત્યાંની અતિશયતાનું, માદકતાનું, વિલાસિતાનું રહસ્ય જાણે કે તેને સમજાઈ ગયું. ધનની એ જુગારી દુનિયામાં લાંબો સમય રહેવા માટે પોતાની જાત ઉપર જ ગુસ્સો આવતો હતો. હવે તેણે એ મૂર્ખતાપૂર્ણ જિંદગીનો અંત આણી દીધો હતો. આટલાં બધાં ગાંડા-ઘેલાં વર્ષો પછી પણ તેણે કેટલીક સિધ્ધિઓ મેળવી છે. ફરી એકવાર પેલા મુક્ત પંખીનું ગીત સાંભળીને તેને અનુસરવાનો તેણે સંકલ્પ કર્યો.

પેલા સુખકારક-સુંદર-સુશોભિત નરકમાં થોડો વધારે વખત એ અવશ્ય રહી શક્યો હોત - જો પૂર્ણ નિરાશા અને હતાશાની લાગણી ઘેરી ન બની હોત, વહેતા પાણીમાં વિલિન થવાની ઈચ્છા ન જાગી હોત તો આજે પણ તે એ જ જીવન ગુજારતો હોત, પણ અંતરાત્માનો અવાજ - પેલું પંખી હજી પણ તેને દોરવા તૈયાર હતું તેનો આનંદ હતો. શ્વેત કેશ હોવા છતાંય એના મુખ પર પ્રકાશ હતો. આ બધું પરિવર્તન નહિ, એક રૂપાંતરણ હતું.

આ બધું તે વિચારતો રહ્યો, અને તેના અંતરમાં બિરાજમાન પેલા પંખીનું ગીત સાંભળતો રહ્યો. વર્ષોથી જેની સાથે તેણે સંગ્રામ માંડ્યો હતો, અને વારંવાર જે તેને પરાજિત કરતી રહેતી હતી, સુખ ઝૂંટવી લઈ તેને ડરાવ્યા કરતી હતી તે અહંતાનો-ડરામણી, અભિમાની અને ક્ષુદ્ર અહંતાનો નાશ તેણે વારંવાર ઝંખ્યો હતો.

બ્રાહ્મણ તરીકે, સાધુ તરીકે અહંતા સાથેની આ લડાઈ કેવી નિરર્થક હતી તે પણ સિદ્ધાર્થને સમજાયું, વધારે પડતા જ્ઞાન, વધારે પડતા મંત્રોચ્ચારો, યજ્ઞાદિ ક્રિયાકાંડો, દેહદમન, વધુ પડતા પ્રયત્નો વગેરેએ માર્ગમાં અવરોધો ઊભા કર્યા હતા, તે અભિમાનથી છલકાતો હતો. તે સૌથી એક ડગ આગળ જવા વધારે ચતુર, જિજ્ઞાસુ, પંડિત, સાધુ, પુરોહિત બનવા મથી રહ્યો હતો; આ અભિમાન નહિ તો બીજું શું હતું?

અંહતા તેની પર મજબૂત પક્કડ જમાવીને બેઠી હતી. અને મુક્તિ કોઈ ગુરુ દ્વારા શક્ય

નહોતી તે વાત પણ તેને સમજાઈ હતી. આ સમજવા માટે જગતમાં જઈ સ્ત્રી, સંપત્તિમાં જાતને ભૂલી જવાનું, અંતરમાં રહેલા શ્રમણ અને પુરોહિતનો અંત આવે તે માટે

શ્રેષ્ઠી, જુગારી, શરાબી, ધનવાન બનવાનું તેને માટે આવશ્યક બન્યું હતું. એટલે તો પેલો વિલાસી સિદ્ધાર્થ - પેલો ધનિક સિદ્ધાર્થ નાશ પામે તે માટે નિરર્થક, શૂન્ય સમા ૨૦

જીવનનો પાઠ તે અંત સુધી શીખતો રહ્યો. એ સિદ્ધાર્થ હવે મૃત્યુ પામ્યો, એક નવો સિદ્ધાર્થ હવે જાગ્યો હતો. આ સિદ્ધાર્થ પણ વૃદ્ધ થશે, મરણ પામશે. સિદ્ધાર્થ ક્ષણભંગૂર હતો, તેના બધાં જ રૂપ નાશવંત હતા. પણ આજે એ નવો સિદ્ધાર્થ હતો - બાળક જેવો સિદ્ધાર્થ, ખૂબ ખૂબ સુખી હતો.

તેણે આનંદપૂર્વક મધમાખીના ગુંજન સાંભળ્યા, સરિતાના વહેતા પાણી જોયા, નદીનું આવું આકર્ષણ તેણે આ પહેલાં કદી નહોતું અનુભવ્યું. વહેતા જળનું સંગીત સુંદર હતું. નદી અપરિચિત છતાં જાણે કોઈ વિશિષ્ટ સંદેશો એને આપી રહી હતી.

પેલો વૃદ્ધ શ્રમિત, હતાશ સિદ્ધાર્થ ખરેખર આ નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો.

નવા સિદ્ધાર્થને આ નદીના વહેતા નીર તરફ ઊંડો અનુરાગ જન્મ્યો.

૪. વાસુદેવ હોડીવાળો

બ્રાહ્મણપુત્ર સિદ્ધાર્થ, એ પછી શ્રમણ બનેલ સિદ્ધાર્થ અને ત્યારપછી પ્રસિદ્ધ

વારાંગના કમલાનો પ્રીતિપાત્ર બનેલ સિદ્ધાર્થ, વળી કમલાની જ ભલામણથી વેપારી કામાસ્વામી સાથે જોડાઈને અઢળક ધનસંપત્તિમાં રાચનાર પણ સિદ્ધાર્થ! આમ જાણે કે એક જ જન્મમાં ચાર વળાંકો પાર કરીને એ ચારે પરિવર્તનોનું બધું જ ખંખેરી આજે સિદ્ધાર્થ નિર્ભાર થઈને નદી કિનારે ઊભો છે. આ એ જ નદી છે જ્યાં હોડીવાળાએ ભૂતકાળમાં નદી પાર કરાવી હતી અને પછી સામે પારના નગરમાં સિદ્ધાર્થનું કમલા સાથે મિલન થયું હતું. સિદ્ધાર્થે આ નદીના કિનારે જ રહી જવા વિચાર્યું. એક વૃક્ષ નીચે બેસીને તે ધીમે મૃદુ સ્વરે ઓમકારનું ઉચ્ચારણ કરતો બેસી રહ્યો. એના ચહેરા પર

પ્રસન્નતાપૂર્ણ તેજ છવાતું જતું હતું.

ઓમકારના નાદથી વિરમીને આંખો ખોલીને નદીના વહેતા પ્રવાહને તે જોઈ રહ્યો. આ સરિતા જાણે કે સાદ પાડીને એને કહી રહી હતી. ‘‘સિદ્ધાર્થ, તું મારા આ કિનારે જ રહેજે, મારી પાસેથી શીખતો રહેજે, તારા બધા જ પ્રશ્નોના ઉત્તર મારી પાસેથી શીખતો રહેજે, મારાં બધા જ રહસ્યોને તું આત્મસાત્‌ કરી શકીશ.’’

પરંતુ આજે નદીના અનેક રહસ્યોમાંથી એક ખાસ રહસ્ય એને સમજાયું, એણે જોયું તો નદીના જળ વહેતા છતાં એક જ સ્થાને કાયમ હતાં, અને પ્રત્યેક ક્ષણે એના વહેતા પાણી નૂતનતા ધારણ કરતાં હતાં.

સિદ્ધાર્થ ઊઠ્યો, નદીના કાંઠે ફરતો રહ્યો, નદીનું જળગીત સાંભળ્યું, શરીરમાંથી સાદ કરતી ભૂખની વેદનાનો સૂર પણ એણે સાંભળ્યો.

ઘાટ પર પહોંચ્યો ત્યારે હોડી ત્યાં જ હતી. જે હોડીવાળો એકવાર તેને સામે પાર લઈ ગયો હતો તે હાજર જ હતો. સિદ્ધાર્થ તેને ઓળખી ગયો. તેના પર પણ વાર્ધક્યની નિશાનીઓ દેખાતી હતી.

‘મને સામે કાંઠે લઈ જશો?’ સિદ્ધાર્થે પૂછ્યું.

આવી સંપન્ન જણાતી વ્યક્તિને આમ પગે ચાલીને આવેલ જોઈ હોડીવાળાને આશ્ચર્ય થયું. તેણે સિદ્ધાર્થને હોડીમાં બેસાડી હોડી હંકારી.

‘તમે સુંદર જીવન પસંદ કર્યું છે.’ સિદ્ધાર્થે કહ્યું - ‘આવી સુંદર સરિતાને કાંઠે રહેવું, રોજ હોડી હંકારવી આનંદપૂર્ણ છે, નહિ કે?’

હોડીવાળો હસ્યો - ‘તમે માનો છો તેમ આ જીવન સરસ જ છે, પરંતુ શું

પ્રત્યેક જીવન, પ્રત્યેક કાર્ય સરસ નથી?’

‘કદાચ હોય પણ, પરંતુ તમારા જીવનની મને અદેખાઈ જરૂર આવે છે.’

‘બહુ જલદીથી તેમાંથી તમારો રસ ઊડી જશે. આવા સુંદર વસ્ત્રો ધારણ કરનાર માટે આ જીવન નથી.’

સિદ્ધાર્થ હસ્યો, ‘મારા આ વસ્ત્રોના કારણે મને શંકાશીલ નજરે જોવામાં આવે છે, મારા માટેનો નિર્ણય બંધાય છે. મને અવરોધરૂપ બનતા આ વસ્ત્રો તમે સ્વીકારશો? સામે પાર લઈ જવા માટે તમને આપવા મારી પાસે ધન નથી.’

‘તમે મજાક કરતા લાગો છો!’

‘હું મજાક નથી કરતો. મિત્ર, તમે મને જૂના વસ્ત્રો આપશો, તમારા મદદનીશ તરીકે યા સેવક તરીકે રાખશો તો મને આનંદ થશે. મારે હોડી હાંકતાં શીખવું છે, મારું નામ સિદ્ધાર્થ છે.’

‘હું તમારું સ્વાગત કરું છું, સિદ્ધાર્થ! મારું નામ વાસુદેવ છે. તમે મારા મહેમાન બનો, મારી ઝૂંપડીમાં મારી સાથે રહો. આવાં સરસ વસ્ત્રોથી તમે કેમ કંટાળી ગયા છો, ક્યાંથી આવો છો, વગેરે વાતો મને માંડીને કહેજો.’

વાસુદેવનું આમંત્રણ તેણે આભારસહ સ્વીકાર્યું. કાંઠે પહોંચતાં જ હોડીને બાંધવામાં તેણે મદદ કરી. વાસુદેવ તેને ઝૂંપડીમાં લઈ ગયો. પાણી અને રોટલો આપ્યાં.

સિદ્ધાર્થે આનંદપૂર્વક એ સ્વીકાર્યાં. હોડીવાળાએ આપેલાં આમ્રફળ પણ તેણે આરોગ્યા.

મોડેથી જ્યારે સૂર્ય આથમતો હતો ત્યારે ઝાડના થડને અઢેલીને સિદ્ધાર્થે પોતાના જીવનની કથા માંડીને કરી. મોડીરાત સુધી આ વાત ચાલતી રહી. વાસુદેવ આ કથા ધ્યાનથી સાંભળી રહ્યો હતો. સિદ્ધાર્થના બાળપણ વિશે, તેની કિશોરાવસ્થા વિશે, તેના અભ્યાસ અને પુરુષાર્થ વિશે, તેના મોજશોખ અને જરૂરિયાતો વિશે વાસુદેવે અથથી ઈતિ સાંભળ્યું. કેમ સાંભળવું એની તેને બરોબર ખબર હતી. વાસુદેવ એક શબ્દ પણ વચ્ચે ૨૨

બોલ્યો નહોતો. છતાં વાતો કરનારને એમ લાગતું કે એ પ્રત્યેક શબ્દ શાંતિથી-ધીરજથી સાંભળે છે, કોઈ અર્થ એ ચૂકતો નથી. તેનામાં અધીરાઈ મુદ્દલે નહોતી. તેનામાં

પ્રશંસા કે નિંદા નહોતાં - તે માત્ર સાંભળતો જ હતો. પોતાના જીવનમાં, પ્રયત્નમાં, દુઃખમાં આવો સમભાગી શ્રોતા મેળવવાનું અદ્‌ભુત હતું એમ સિદ્ધાર્થને લાગ્યું.

વાતને અંતે જ્યારે સિદ્ધાર્થે સરિતાકાંઠે આવેલાં વૃક્ષોની, પોતાની ઊંડી નિરાશાની, ઓમકારની, ગાઢ નિદ્રા પછી સરિતા પ્રત્યે જાગેલા અનુરાગની વાતો કરી ત્યારે તો વાસુદેવ તેનામાં સંપૂર્ણ તલ્લીન બની ગયો હતો. આંખો બંધ કરી તે વધારે ધ્યાનપૂર્વક આ બધું સાંભળતો રહ્યો. સિદ્ધાર્થે કથા પૂરી કરી. તે પછી ઠીક ઠીક સમય

સુધી બંને મૌન રહ્યા, પછી વાસુદેવે કહ્યું - ‘નદીએ તારી સાથે વાત કરી છે, તે તારી સાથે આવો સંવાદ કરે તે ખરેખર સરસ - ઘણું સારું કહેવાય. સિદ્ધાર્થ, તું મારી સાથે રહી શકે છે. મારી પત્નીનું અવસાન થયું છે તે પછી હું એકલો જ છું. તું ખુશીથી મારી સાથે રહી શકે છે, અને સાંભળ, આ નદી સર્વજ્ઞાતા છે. તેની પાસેથી ઘણું પામી શકાય, અગાધમાં ડૂબકી મારવામાં શ્રેય છે, એવું તું નદી પાસેથી જ શીખ્યો છે. શ્રેષ્ઠી સિદ્ધાર્થ હવે નાવિક બનશે. પંડિત સિદ્ધાર્થ નાવવાળો થશે એ પણ નદીએ જ શીખવ્યું.

બીજું ઘણું બધું તું નદી પાસેથી જ શીખી શકશે.’

નદી પાસેથી બીજું શું શું શીખી શકાય એવા સિદ્ધાર્થના પ્રશ્નના ઉત્તરમાં વાસુદેવે કહ્યું, ‘‘ઘણું મોડું થયું છે, હવે આપણે સૂવા જઈએ. બીજી કઈ વાત છે તે હું કહી શકું તેમ નથી. તું જાતે જ એ જાણશે, કદાચ તું એ જાણતો પણ હશે. હું વિદ્વાન નથી. મને વાત કરતાં કે વિચારતાં આવડતું નથી. મને માત્ર સાંભળતાં જ, ભક્ત બનતાં જ આવડે છે. જો ઉપદેશ આપવાનું કે વાત કરવાનું મને આવડતું હોત તો હું શિક્ષક બન્યો હોત, પરંતુ હું માત્ર હોડીવાળો જ છું, મારું કામ લોકોને સામે પાર પહોંચાડવાનું છે. સેંકડો પ્રવાસીઓને હું સામે કાંઠે લઈ ગયો છું. તેમને સૌને આ નદી વિઘ્નરૂપ જ લાગી છે. એ સહુનો પ્રવાસ ધન કે વ્યવસાય માટે, સમારંભો કે યાત્રા

માટેનો હતો. નદી તેમના માર્ગમાં આડે આવતી હતી અને હું તેમને સામે પાર પહોંચાડતો. છતાં ત્રણ-ચાર પ્રવાસી એવા પણ હતા જેમને નદી વિઘ્નરૂપ નહોતી

લાગી, તેમણે પણ નદીનો અવાજ સાંભળ્યો. તેમને માટે નદી પવિત્ર બની ગઈ.

ચાલ, હવે આપણે સૂઈ જઈએ સિદ્ધાર્થ.’

સિદ્ધાર્થ હોડીની માવજત કરતાં શીખી ગયો. હોડી પર કામ ન હોય ત્યારે તે વાસુદેવની સાથે ડાંગરના ખેતરોમાં કામ કરતો. લાકડાં લઈ આવતો,કેળ પરથી કેળાં

લઈ આવતો. તે સઢ બનાવતાં, હલેસાં બનાવતાં, ટોપલીઓ બનાવતાં પણ શીખ્યો.

દરેક કામમાં તેને આનંદ આવતો. દિવસો-મહિનાઓ પસાર થવા લાગ્યા. વાસુદેવ ૨૩

શીખવી શકે તે કરતાં પણ વધારે પાઠ તે નદી પાસેથી શીખ્યો. એ સતત શીખતો જ રહ્યો. નદી પાસેથી એ શાંત સ્વસ્થ ચિત્તે - લાગણી, ઈચ્છા, સંવેદના, નિર્ણય કે અભિપ્રાયરહિત મુક્તમને સાંભળતાં શીખ્યો. વાસુદેવ સાથે સુખ-સંતોષથી તે હવે રહેતો હતો. વાસુદેવ મિતભાષી હતો, તેને બોલતો કરવામાં સિદ્ધાર્થ ભાગ્યે જ સફળ

થતો. સિદ્ધાર્થ નદી પાસેથી જીવન અને મૃત્યુના નવાં નવાં રહસ્યો શીખતો જતો હતો. અનેક રહસ્યોની ગુરુચાવી સમાન સમયનું રહસ્ય પણ તેેણે નદી પાસેથી સમજી

લીધું. સમય જેવી કોઈ વસ્તુ છે જ નહિ એ હવે સિદ્ધાર્થને સમજાઈ ગયું. સિદ્ધાર્થનું પોતાનું જીવન પણ એક નદી સમાન જ હતું, એ પણ એને સ્પષ્ટ સમજાઈ ગયું. બાળક સિદ્ધાર્થ, યુવાન બ્રાહ્મણપુત્ર સિદ્ધાર્થ, કમલાનો પ્રેમી એવો સિદ્ધાર્થ અને હવે કંઈક વૃદ્ધ

એવો સિદ્ધાર્થ - એ બધા સિદ્ધાર્થો વચ્ચેનું અંતર વાસ્તવિકતાનું નહિ પરંતુ પડછાયા સમાન હતું. સમયનું રહસ્ય આમ સમજાયા પછી સિદ્ધાર્થ હવે પરમ સંતોષ અનુભવતો હતો, સુખ-દુઃખ, યાતનાઓ, ચિંતા, ભય વગેરે બધું જ સમયની ઉપજ બની જાય

અને સંસારના આ બધાં જ અનિષ્ટો પર તે વિજય પ્રાપ્ત કરી શકે છે. સિદ્ધાર્થે ઉલ્લાસપૂર્વક વાસુદેવને પણ આ બધી વાતો કહી, વાસુદેેવે તો માત્ર સંમતિપૂર્વક ડોકું ધૂણાવી સિદ્ધાર્થનો વાંસો થાબડ્યો અને ફરી પોતાના કામે લાગ્યો.

એકવાર ચોમસા દરમિયાન નદીમાં ભારે પૂર આવ્યું. નદીનો પ્રવાહ ગર્જનાઓ કરતો વેગપૂર્વક ધસમસતો વહી રહ્યો હતો. સિદ્ધાર્થને એમાંથી રાજાનો, સૈનિકનો, પંખીઓનો, અનેકવિધ પશુઓનો, ગર્ભવતી સ્ત્રીનો અને દુઃખથી ઘેરાયેલ માનવીનો

- બાળકના રૂદનનો પણ - એવા હજારો સ્વર સંભળાતા હતા. વાસુદેવને એણે પૂછ્યું

- ‘આવાં હજારો સ્વર એક જ સમયે સાંભળવામાં કોઈ સફળ થાય ત્યારે એના હોઠે કયો સ્વર સંભળાય?’

વાસુદેવે ઉલ્લાસપૂર્વક સિદ્ધાર્થના કાનમાં ઓમકારનું ઉચ્ચારણ કર્યું.

સમય જતાં સિદ્ધાર્થનું સ્મિત પણ વાસુદેવના જેવું જ બની રહ્યું, એમાં એવું જ તેજ, એવું જ સુખ પ્રગટ થતું હતું જે એવું જ બાળસુલભ બની રહ્યું. એની ઝીણી-

ઝીણી કરચલીઓમાંથી એ બધું પ્રકાશિત થતું રહ્યું. બંનેને સાથે જોનાર પ્રવાસીઓ તેમને સગા ભાઈઓ જ ગણતા. સાંજે ઘણીવાર ઝાડના થડને અઢેલીને બંને જણા બેસતા અને નદીની વાતો સાંભળતા રહેતા. સરિતાનો અર્થ તેમને માટે બદલાઈ

ચૂક્યો હતો. એમાંથી જીવનનો-આત્માનો-પરમાત્માનો અવાજ ઊઠતો હતો - માત્ર પાણીનો પ્રવાહ નહિ. નદીને સાંભળતાં કોઈકવાર એમ પણ બનતું કે બંનેને એકસમાન વિચારો આવતા. આગલા દિવસે થયેલ સંભાષણના, જેના સંજોગ તેમના ચિત્તને

સ્પર્શી ગયા હોય તેવા કોઈ પ્રવાસીના, મૃત્યુના, બાળપણના વિચારો એકી સાથે આવતા.

નદી એ ક્ષણે, કંઈક પ્રિયંકર કહેતી તો બંને એકબીજા સામે જોતા. સમાન પ્રશ્ન, સમાન ઉત્તર, સમાન વિચાર.

હોડી અને બંને હોડીવાળા પાસેથી એવું કંઈક તત્ત્વ રેલાતું જેનો પ્રભાવ

પ્રવાસીઓ પર પણ પડતો. કોઈકવાર એમ પણ બનતું કે એકાદ પ્રવાસી નદીનો ઉપદેશ સાંભળવા સાંજે રોકાઈ જવાની અનુમતિ માગતો. નદી કાંઠે બે પવિત્ર, સુજ્ઞ, સંત, ચમત્કારી પુરુષો રહે છે એવી વાતો પ્રસરતી જતી હતી. કેટલાક જિજ્ઞાસુઓ અહીં આવતા, તેઓ અનેક પ્રશ્નો પૂછતા, પરંતુ તેમને કશો પણ ઉત્તર મળતો નહિ.

આવનારને બે વૃદ્ધ પુરુષો - મોટેભાગે મૂંગા, જરા વિચિત્ર, જાણે કે મૂર્ખ લાગતા. આ જિજ્ઞાસુઓ હસતા અને પછી લોકોને કહેતા : ‘આવી ખોટી અફવાઓ ફેલાવનારાઓ કેવા મૂર્ખ અને અંધશ્રદ્ધાળુ છે!’

વર્ષો વહેતા હતાં, ત્યાં એક દિવસ ગૌતમબુદ્ધના અનુયાયીઓ, ભિક્ષુઓ વગેરે આવ્યા અને નદીને સામે કાંઠે લઈ જવાની વિનંતી કરી. ભગવાન તથાગત ગંભીર માંદગી ભોગવતા હતા અને તેમના નિર્વાણનો સમય આવી પહોંચ્યો હતો.

એટલે એ સૌ વહેલામાં વહેલી તકે ત્યાં પહોંચી જવા આતુર હતા. થોડા દિવસો એક પછી એક શ્રમણગણ ત્યાં આવ્યે જ ગયા. બીજા પ્રવાસીઓ પણ આવતા. એ બધા પણ ગૌતમ અને તેમના નિર્વાણની જ વાતો કરતા. એ સૌ ગૌતમની મૃત્યુશય્યા તરફ જઈ

રહ્યા હતા.નિર્વાણ પામતા બુધ્ધની યાત્રાએ જતા સંખ્યાબંધ પ્રવાસીઓમાં એક વખતની અતિસુંદર વારાંગના કમલા પણ એક દિવસ આવી પહોંચી. એ પૂર્વજીવનમાંથી પૂર્ણપણે નિવૃત થઈ હતી. ગૌતમના અનુયાયીઓને તેણે પોતાનું ઉદ્યાન-સમગ્ર સંપત્તિ ભેટ ધરી દઈ તેમના ઉપદેશનું શરણું શોધ્યું હતું.

બુદ્ધનો નિર્વાણ સમય નજીક આવવાની જાણ થતાં તે સાદાં વસ્ત્રો પરિધાન કરી પોતાના પુત્ર સાથે પગપાળા યાત્રાએ નીકળી પડી હતી. બંને નદીકાંઠે પહોંચ્યા, પરંતુ પુત્ર થાકી ગયો હતો. તેને ઘેર જવું હતું. આરામ કરવો હતો, ખાવું હતું. તેને વારંવાર ઝોકાં આવી જતાં, આંખમાં આંસુ ઊભરાતાં. કમલાને વારંવાર તેની સાથે થોભવું પડતું હતું. માની વાતોનો વિરોધ કરતાં આ છોકરો શીખ્યો હતો. એક પવિત્ર, પણ અપરિચિત વ્યક્તિ મૃત્યુ પામતી હતી એ કારણે આવી કંટાળાજનક, અસુવિધાજનક દર્શનયાત્રાએ મા શા માટે જતી હતી તે આ છોકરાને સમજાતું ન હતું.

વાસુદેવની હોડીથી યાત્રાળુઓ થોડેક જ દૂર હતા ત્યારે આ નાનકડા સિદ્ધાર્થે

માતાને કહ્યું કે, ‘મારે આરામ કરવો છે.’ કમલા પણ જરા થાકી હતી. છોકરાએ કેળું

ખાવા માંડ્યું ત્યારે આંખો મીંચી તે જમીન પર આડી પડી. એકાએક તેણે જોરથી બૂમ

પાડી, છોકરો ચક્તિ થઈ તેને જોઈ રહ્યો. કમલાના વસ્ત્રો નીચેથી એક કાળો નાગ તેને દંશ થઈ ચાલ્યો જતો છોકરાએ જોયો.

લોકોની નજીકમાં પહોંચી જવા માટે બંને ઝડપભેર દોડ્યાં. હોડી નજીક આવતાં જ કમલા જમીન પર ઢળી પડી. છોકરાએ મદદ માટે બૂમો પાડવા માંડી.

કમલાએ વેદનાથી બૂમો પાડી. હોડી નજીક ઊભેલા વાસુદેવે આ અવાજ સાંભળ્યો. તે તરત જ આવ્યો, સ્ત્રીને ઊંચકીને હોડીમાં બેસાડી, હોડી હંકારી, મા અને છોકરા સાથે ઝૂંપડી પર આવ્યો. સિદ્ધાર્થ એ વખતે દીવો પ્રગટાવતો હતો. તેણે પ્રથમ છોકરાના

મુખ સામે જોયું અને કશુંક પરિચિત સ્મરણ તેને સ્પર્શી ગયું. ત્યાં તો તેણે કમલાને જોઈ. તેને તરત જ ઓળખી શક્યો. તેને ખ્યાલ આવ્યો કે પેલો છોકરો પોતાનો જ દીકરો હતો.

કમલાનો ઘા ધોઈને તેને ઔષધિ આપવામાં આવી, તે ભાનમાં આવી. તે સિદ્ધાર્થની શય્યા પર સૂતી હતી. અને જેને તે અત્યંત ચાહતી હતી તે સિદ્ધાર્થ તેની પાસે જ ઊભો હતો. જાણે સ્વપ્ન જોતી હોય તેવું કમલાને લાગ્યું. મોં પર સ્મિત સાથે તેણે પ્રિયતમ તરફ જોયું. ધીરે ધીરે તેને પોતાની સ્થિતિનો ખ્યાલ આવ્યો. સર્પદંશનુ સ્મરણ થતાં જ એણે પુત્ર વિષે પૃચ્છા કરી.

‘ચિંતા ના કરીશ.’ સિદ્ધાર્થે કહ્યું, ‘તે અહીંયાં જ છે.’ કમલાએ તેની આંખ

સામે જોયું. તેના શરીરમાં વિષ વ્યાપેલું હોવાથી તેને બોલવામાં મુશ્કેલી પડતી હતી.

કમલાએ કહ્યું, ‘વાર્ધક્યની અસર થયા પછી, કેશ શ્વેત થયા છતાં પણ આજે હજુ તું અડવાણે પગે, સામાન્ય વસ્ત્રો પહેરીને મારા ઉદ્યાનમાં પ્રથમ વખત આવનાર પેલા યુવાન શ્રમણ જેવો જ લાગે છે. કામાસ્વામીનો અને મારો ત્યાગ કરતી વખતે

લાગતો હતો તેના કરતાં આજે તું વિશેષપણે શ્રમણ લાગે છે. તારી આંખો એ શ્રમણના જેવી જ છે. હું પણ હવે વૃદ્ધ થઈ છું, તું મને ઓળખી શક્યો?’

‘હા, તરત જ ઓળખી શક્યો.’

કમલાની આંખો ચારેબાજુ ઘૂમી રહી હતી અને મીંચાઈ ગઈ. છોકરો રડવા

લાગ્યો. સિદ્ધાર્થે તેને ખોળામાં લીધો અને પંપાળવા લાગ્યો, બાળકનો ચહેરો જોઈ

સિદ્ધાર્થને પોતાના બાળપણની એક પ્રાર્થના યાદ આવી. ધીરે ધીરે મધુર સ્વરે એણે એ

પ્રાર્થના ગાવા માંડી. ભૂતકાળની સ્મૃતિ પરથી શબ્દો અને સૂર વહેતા રહ્યા. બાળક ધીરે ધીરે શાંત બની ઊંઘી ગયો.

કમલા પુનઃ ભાનમાં આવી. તેના મુખ પર દુઃખ હતું. સિદ્ધાર્થે તેના મુખ

પરની યાતના વાંચી અને દુઃખમાં સહભાગી બની રહ્યો.

કમલાએ કહ્યું - ‘તારી દૃષ્ટિમાં પરિવર્તન થયું હોય તેમ લાગે છે. એ સાવ નિરાળી જ છે. તું સિદ્ધાર્થ જ છે તે હું કેમ જાણી શકું? તું સિદ્ધાર્થ છે છતાં તેના જેવો નથી.’ સિદ્ધાર્થ એક પણ શબ્દ બોલ્યા વિના કમલાની આંખોમાં જોઈ રહ્યો અને તેના હાથ પર હાથ મૂકી જરા હસ્યો.

કમલા એકીટશે તેને જોઈ રહી. તથાગત ગૌતમના દર્શને જવાનું, તેના પવિત્ર મુખે અમીનું પાન કરવાનું તે ઝંખતી હતી, ત્યાં એકાએક અણધાર્યો સિદ્ધાર્થ આવી મળ્યો, જાણે ગૌતમ બુદ્ધ જોયાનો તેને આનંદ થયો.

ધીમા તૂટક સ્વરે તેણે સિદ્ધાર્થને કહ્યું - ‘જે શાંતિ પ્રાપ્ત કરવા ગૌતમ બુદ્ધના દર્શને હું જઈ રહી હતી ... એ બધું ... એ બધું જ અહીં તમારા મિલનથી મને પ્રાપ્ત થઈ ચૂક્યું ... હવે ... મને બીજી કશાની જ ઈચ્છા નથી ... બધું જ ... મને મળી

ચૂક્યું છે .. હું ધન્ય છું ... તૃપ્ત છું - તૂષ્ટ છું!

તે સિદ્ધાર્થ સામે જોઈ રહી. તેની આંખમાંથી જીવન અસ્ત થઈ રહ્યું હતું.

છેલ્લી વેદના આવી, અને તેણે ચિરવિદાય લીધી. તેના શરીરનો છેલ્લો સંચાર પણ

લુપ્ત થયો. સિદ્ધાર્થે ધીરે રહી તેની પાંપણો બીડી ને ચૂમી લીધી.

તેના મૃત વદનને નીરખતો તે બેસી રહ્યો. લાંબા સમય સુધી તેના વૃદ્ધ

શ્રમિત મુખ તરફ, સૂકાઈ ગયેલા હોઠ તરફ તે જોતો રહ્યો. જીવનના વસંતકાળમાં આ જ હોઠોને તેણે અંજીરની તાજી ચીર સાથે સરખાવ્યા હતા તે યાદ આવ્યું. એના વિવર્ણ વદનને તે જોતો રહ્યો. એણે એના જેવું જ પોતાનું વદન પણ જોયું, એ પણ એવું જ મૃત અને ફિક્કું હતું. સાંપ્રત જીવનની અનુભૂતિ તેને ઘેરી વળી. પ્રત્યેક જીવનનું અવિનાશીપણું, પ્રત્યેક કાળની અનંતતા આ ક્ષણે તેને પૂરેપૂરી સમજાઈ ગઈ.

સિદ્ધાર્થ બહાર ગયો અને આખી રાત નદીનો ઉપદેશ સાંભળતો સાંભળતો એ જીવનના તમામ કાળથી આવરાયેલા ભૂતકાળમાં ડૂબી જઈને બેઠો. અવાર-નવાર તે ઊભો થઈ ઝૂંપડીના બારણે જઈ છોકરો ઊંઘતો હતો કે નહિ તે જોઈ આવતો.

સૂર્યોદય થતાં વાસુદેવ બહાર આવ્યો અને સિદ્ધાર્થ સામે બેસીને તેણે કહ્યું -

‘‘સિદ્ધાર્થ! તેં ઘણું સહન કર્યું છે, પણ છતાં હું જોઈ રહ્યો છું કે તારા અંતરમાં વિષાદ

નથી પ્રવેશ્યો.’’

‘‘મિત્ર, શા માટે હું ઉદાસ થાઉં? એકવારનો ધનિક, સુખી માણસ હવે વધારે સમૃદ્ધ અને સુખી બન્યો છે. મને મારો પુત્ર પાછો મળ્યો છે.’’

‘‘તારા પુત્રનું સ્વાગત છે, પણ સિદ્ધાર્થ આપણે હજી ઘણા કામ આટોપવાનાં છે - જે પથારી પર મારી સ્ત્રીનું અવસાન થયું હતું ત્યાં જ કમલા પણ ચિરનિદ્રામાં પોઢી છે. જે ટેકરી પર મેં મારી સ્ત્રીની ચિતા રચી હતી ત્યાં જ કમલાની ચિતા આપણે રચીશું.

સિદ્ધાર્થ સ્થિર નજરે ચિતાની જ્વાળાઓમાં ભસ્મીભૂત થતા કમલાના દેહ તરફ જોઈ રહ્યો. ભયભીત દશામાં એનો પુત્ર પણ જાગી ઊઠ્યો અને આ દૃશ્ય જોઈ

રહ્યો.

૫. સિદ્ધાર્થ પુત્ર

દિવસો વીતતાં જાય છે. સિદ્ધાર્થનો અગિયાર વરસનો આ પુત્ર આમ તો પોતાના પિતાથી સાવ જ અપરિચિત છે. પોતાના પિતા પ્રત્યે એને જરા પણ સ્નેહ નથી. દિવસે દિવસે તે વધુ બેજવાબદાર અને ઉધ્ધત થતો જાય છે. વાસુદેવને પણ હવે વૃદ્ધાવસ્થાની અસર વર્તાય છે, આમ છતાં હોડીના બધા કામની જવાબદારી એણે પોતાના પર લઈ લીધી અને કુટિરનું તથા ખેતરોનું ધ્યાન રાખવાનું એણે સિદ્ધાર્થને સોંપ્યું, જેથી એ પોતાના પુત્રનું પણ ધ્યાન રાખી શકે.

સિદ્ધાર્થ પુત્ર સાથે પ્રેમથી વર્તતો હતો. એને એ મોકળાશથી એકલો રહેવા દેતો. માતાનું છત્ર ગુમાવવાના તેના દુઃખને તે ઊંડી સહાનુભૂતિપૂર્વક સમજતો હતો.

સિદ્ધાર્થ એવું માનતો કે છોકરો હજુ તેને ઓળખતો નથી એટલે પિતા તરીકે તેને

ચાહવા તત્પર નથી. ધીરે ધીરે તેને એમ પણ લાગવા માંડ્યું કે અતિ લાડ-કોડને કારણે તે છકી ગયો હતો. ધનિકોની રીત-રસમ પ્રમાણે તેનો ઉછેર થયો હતો. તેને સારો ખોરાક અને હૂંફાળી પથારી જોઈતી હતી. તે સેવકોથી ટેવાયેલો હતો. આવો છકેલો છોકરો આ નિર્જન જગ્યાએ સંતોષથી રહી ન શકે તે અત્યંત સહજ હતું. છોકરાને તે કશો આગ્રહ કરતો નહિ. સિદ્ધાર્થ તેના માટે સારો ખોરાક ખાસ રાખી મૂકતો, તેનું ઘણું કામ પણ તે પોતે જ કરી આપતો. આવી રીતે પુત્રનો પ્રેમ-વિશ્વાસ પ્રાપ્ત કરવાની તેને આશા હતી.

સમય જતાં છોકરો વધુ ને વધુ અતડો થતો ગયો. જ્યારે એ વધારે પડતો અભિમાનથી સામો થવા માંડ્યો, પિતાની સૂચનાઓની અવગણના કરવા લાગ્યો, કોઈપણ કાર્ય કરવાની ના પાડવા લાગ્યો, વડીલોનું અપમાન કરવા લાગ્યો, વાસુદેવના ફળો ચોરીને ખાવા લાગ્યો ત્યારે સિદ્ધાર્થને લાગ્યું કે છોકરાના આગમનથી સુખ નથી આવ્યું, પરંતુ દુઃખ અને શોક જ આવ્યાં છે. છોકરો સમજશે, તેનું વાત્સલ્ય સ્વીકારશે ૨૮

અને તેના વાત્સલ્યનો પડઘો પાડશે એવી આશા મહિનાઓ સુધી તેણે રાખી. વાસુદેવ

મૂંગો મૂંગો આ બધું જોયા કરતો હતો. એક દિવસે છોકરો ગુસ્સામાં આવી ભાતના બંને વાસણો ભાંગી નાખીને બાપને પજવતો હતો ત્યારે, સાંજની વેળાએ વાસુદેવ આ વત્સલ પિતાને પોતાની સાથે લઈ ગયો, એક વૃક્ષ નીચે બંને બેઠા. વાસુદેવે કહ્યું - ‘તું

ચિંતામાં દુઃખી રહે છે તે હું જોઈ શકું છું. તારો છોકરો તને અને મને - બંનેને પજવે છે.

આ પંખીડું જુદા માળાનું છે, તે જુદી જિંદગીથી ટેવાયેલ છે. તે તારી માફક કંટાળો અનુભવીને શહેર કે ધનસંપત્તિ છોડી, નાસીને નથી આવ્યો. આ બધી ચીજો તેને પોતાની ઈચ્છા વિરુદ્ધ છોડવી પડી છે. આ જગ્યાએ તારો છોકરો કદાપિ સુખી નહિ થઈ શકે. તેને વધુ દુઃખ ભોગવવાનું જ થશે. તેનું હૃદય અભિમાની અને કઠોર છે.

તેને ઘણું સહેવું પડશે. તે ઘણી ભૂલો અને પાપો કરશે. મિત્ર! શું તું એને કશું શીખવી શકે એવો આજ્ઞાંકિત એ છે ખરો? તું એને દંડે છે? મારે છે ખરો? તું એની સાથે કડક થતો નથી. તું એને દંડતો નથી, આદેશ આપતો નથી, કારણ કે તું એમ સમજે છે કે કઠોરતાં કરતાં મૃદુતા, પથ્થર કરતાં પાણી, બળ કરતાં વાત્સલ્ય વધુ બળવાન છે.

તારી આ સમજણ માટે હું તારી પ્રશંસા પણ કરું, પરંતુ તેની સાથે જરાયે કડક ન થવું, તેને શિક્ષા ન કરવી તેમાં તને તારી ભૂલ નથી દેખાતી? તારી લાગણીઓથી તું એને બંધનમાં નથી મૂકતો?’

‘જેમનાં હૈયાં વૃદ્ધ અને સ્વસ્થ હોવાથી સાવ નિરાળા ધબકાર અનુભવે છે, એવા બે વૃદ્ધ માણસો સાથે રહેવાની આ અભિમાની અને ઉદ્દંડ છોકરાને ફરજ પાડવી તે શું યોગ્ય છે? આને કારણે તે વધારે બંધનમાં આવે છે એવું તને નથી લાગતું? તું તેને શહેરમાં તેની માને ઘેર લઈ જા, ત્યાં હજી નોકર-ચાકર હશે. એવું ન હોય તો કોઈ

શિક્ષાદાતાને ત્યાં મૂકી આવ. માત્ર અભ્યાસ માટે નહિ, પરંતુ બીજા છોકરા-છોકરીઓને તે મળી શકે, તે જે દુનિયાનો છે એમાં તે રહી શકે તેટલા ખાતર પણ તેને એવા સ્થળે

મૂકી આવ. તને આ અંગે ક્યારેય કશો વિચાર નથી આવ્યો?’

વાસુદેવે આ પહેલાં આટલી વાતો ક્યારેય નહોતી કરી. સિદ્ધાર્થે મિત્રનો આભાર માન્યો અને વ્યથિત હૈયે ઝૂંપડી તરફ ચાલ્યો. તે ઊંઘી શક્યો નહિ. પોતે જાણતો ન હોય એવી એક પણ વાત વાસુદેવે નહોતી કરી. પરંતુ આ સત્ય કરતાંય પુત્ર

પ્રત્યેની લાગણી ગુમાવવાનો તેનો ભય વધારે બળવાન હતો. વળી સિદ્ધાર્થને એવો પણ ભય હતો કે આ ઉધ્ધત છોકરો પોતાને મુઠ્ઠી ઊંચો માનીને સંસારના ભોગવિલાસમાં જીવનને કદાચ બરબાદ કરી નાખશે. આ બાબતમાં પણ વાસુદેવે એને ખભે હાથ

મૂકીને કહ્યું - ‘શું તું એમ માને છે કે તારા પુત્રને તું બધા જ દોષો કે દૂષણોથી બચાવી શકીશ? બ્રાહ્મણપુત્ર સિદ્ધાર્થને સંસારના બધા જ કામ, ક્રોધ, મોહ, લોભમાંથી કોણે ૨૯

બચાવ્યો? પિતાની પવિત્રતાએ કે પછી શિક્ષકોના ઉપદેશે? અરે! તારું પોતાનું જ્ઞાન પણ તને આ બધા અનિષ્ટોથી બચાવી ન શક્યું. તું દશ જન્મો સુધી તારા એ પુત્ર માટે

મથામણ કરતો રહે - હેરાન થતો રહે તો પણ તું એની નિયતિમાં રજમાત્ર ફેરફાર કરી શકે નહિ.’આટલું કહીને વાસુદેવ હોડી પર પહોંચ્યો, ત્યાં મુસાફરો તેની રાહ જોતા હતા. વાસુદેવની વાતમાં જાણે કે અગમવાણી હતી, એની ખાત્રી સિદ્ધાર્થને તરત જ થઈ. સિદ્ધાર્થ હવે રસોઈની તૈયારી કરી રહ્યો હતો, તેણે પુત્રને આજુબાજુમાં જઈને બળતણ માટે થોડીક સૂકી ડાળખીઓ વીણી લાવવા કહ્યું. પુત્રએ ગુસ્સે થઈને ઉધ્ધતાઈપૂર્વક જવાબ આપતાં કહ્યું - ‘હું કંઈ તમારો નોકર નથી કે બળતણ વીણવા જાઉં. તમે પોતે જ લઈ આવો. તમને પાઠ ભણાવવા ખાતર પણ હું તમારા જેવો બનવાને બદલે એક ચોર, એક ખૂની બનીને નરકમાં જવાનું પસંદ કરું. હું તમને ધિક્કારું છું. તમે વર્ષો સુધી મારી માતાના પ્રેમી રહ્યા હો તેથી તમને મારા પિતા ગણવા હું તૈયાર નથી.’ આમ પોતાનો બધો આક્રોશ ઠાલવીને તે દોડીને બહાર રખડવા ચાલ્યો ગયો, અને છેક મોડી રાત્રે પાછો ફર્યો.

બીજે દિવસે સવારમાં વાસુદેવે જોયું કે આગલા દિવસના હોડીભાડા પેટે

મળેલ ચાંદીના સિક્કાઓ એણે જે ટોપલીમાં મૂક્યા હતા તે ટોપલી જ ગાયબ હતી.

ઝૂંપડીની બહાર આવીને નદીના કિનારા તરફ નજર કરતાં એણે જોયું કે હોડી પણ દેખાતી ન હતી, હોડી ઠેઠ સામે કિનારે દેખાતી હતી. વાસુદેવે સિદ્ધાર્થને એટલું કહ્યું -

‘અરે ભગવાન, તારા આ લાડકા પુત્રના કરતૂતોથી હું પણ હવે ત્રાસી ગયો છું.’

સિદ્ધાર્થે પોતાની એવી ચિંતા વ્યક્ત કરી કે જંગલમાં પુત્ર એકલો ક્યાંક કોઈ

આફતમાં ન આવી પડ્યો હોય. વાસુદેવે સિદ્ધાર્થને કહ્યું કે, ‘દીકરાને હવે એની રીતે જ જવા દેવો જોઈએ, હવે એ કંઈ બાળક નથી, એની નજર હવે શહેર તરફ છે અને ત્યાં જ એનું સ્થાન છે.’

બંનેએ સાથે મળીને દોરડાં બાંધીને વાંસનો એક તરાપો બનાવ્યો અને નદી પાર કરીને સામે કિનારે હોડી પાછી લાવવા પહોંચ્યા. હોડીમાં હલેસાં પણ ગાયબ હતાં. વાસુદેવે કુહાડીથી જેમ તેમ હલેસાં પણ બનાવી લીધા અને ફરી નદી પાર કરીને કિનારે પહોંચ્યા.

સિદ્ધાર્થ ચિંતીત થઈને પુત્રની શોધમાં નીકળી પડ્યો. વાસુદેવે એને રોક્યો નહિ. માત્ર હાથ ઊંચો કરીને મૌનપણે એને વિદાય આપી.

પુત્રને શોધતો શોધતો સિદ્ધાર્થ જંગલ પાર કરીને નગરની નજીક પહોંચ્યો.

કમલાના એક વખતના સુંદર ઉદ્યાનના પ્રવેશદ્વાર નજીક તે ઊભો રહી ગયો. આખો ૩૦

ભૂતકાળ એના મનોચક્ષુ સમક્ષ ખડો થઈ ગયો. ઉદ્યાનના ખુલ્લા પ્રવેશમાંથી નજર ફેરવતાં તેણે જોયું કે એ સુંદર વૃક્ષો નીચે શ્રમણો ફરી રહ્યા હતા. કમલા સાથેનો તેનો ભૂતકાલીન સંસાર ફરી એકવાર તેણે શ્વાસોમાં ભરી લીધો. ફરી એકવાર એને પોતાની અંદરથી પવિત્ર ઓમકારનો ધ્વનિ સંભળાયો. પ્રવેશદ્વાર નજીકના જ એક વૃક્ષ નીચે તે કલાકો સુધી બેસી રહ્યો. એક શ્રમણે આવીને એની પાસે બે કેળાં મૂક્યાં, પરંતુ સિદ્ધાર્થ નિદ્રાધીન હતો.

જ્યારે તે જાગ્યો ત્યારે વાસુદેવના સ્નેહપૂર્ણ ચહેરા તરફ સિદ્ધાર્થ આશ્ચર્યચક્તિ થઈને જોઈ રહ્યો. શ્રમણે મૂકેલ કેળાંમાંથી એક કેળું તેણે વાસુદેવને આપ્યું અને એક કેળું પોેતે ખાધું. નિશબ્દપણે ઊભો થઈને તે વાસુદેવ સાથે ચાલી નીકળ્યો. નદી પાર કરી તેઓ પાછા ઝૂંપડીમાં આવ્યા.

૬. ઓમકાર

વાસુદેવની આંખો વૃદ્ધાવસ્થાના કારણે નબળી પડી હતી એટલે હોડીમાં યાત્રીઓને નદી પાર કરાવવાનું કામ હવે સિદ્ધાર્થ જ કરે છે. મુસાફરો સાથેના બાળકોને જોઈને સિદ્ધાર્થને પોતાના પુત્રની યાદ આવતી. સાંજે કુટિરમાં આવી તે વાસુદેવ પાસે બેઠો, વાસુદેવ ટોપલી ગૂંથી રહ્યો હતો. વાસુદેવે સિદ્ધાર્થને પૂછ્યું - ‘તું પુત્રની શોધમાં નદી પાર કરીને નગરમાં ગયો ત્યારે નદીમાં તને શું શું દેખાયું? હું એ બધું સમજું છું, પણ તું જ મને એ બધું કહે - બધું જ મને કહેતો જા.’

થોડીક પળો માટે સિદ્ધાર્થ આંખો ઢાળીને મૌન થઈ ગયો. પછી તેણે કહ્યું -

‘કેવું આશ્ચર્ય! નદીના નિર્મળ જળમાં મારો ચહેરો દેખાવાને બદલે મેં મારા વૃદ્ધ પિતાનો

ચહેરો જોયો, આબેહૂબ એ જ, પુત્ર સિદ્ધાર્થના વિયોગથી દુઃખી, સંતપ્ત અને આર્દ્ર

ચહેરો, નદી જાણે કે મને મારા ભૂતકાળથી વર્તમાન સુધીના બધા જ ચિત્રો મારી આંખ

સામે ધરી રહી હતી.’

‘‘નદીના વહેતા જળમાં સિદ્ધાર્થને દેખાયો હતો એના પિતાનો ઉદાસ અને વ્યથિત ચહેરો, અને વળી એને દેખાયો હતો પોતાનો જ એક ચહેરો - એ ચહેરો હતો એક એકાકી યુવકનો જે તૃષ્ણાઓના પ્રજ્જવલિત વમળો વચ્ચેથી પોતાની જીવનયાત્રા આગળ ધપાવી રહ્યો હતો. એના પિતા, એમનો યુવાન પુત્ર એવો પોતે અને વળી એનો પોતાનો યુવાન પુત્ર - એમ બધા જ ચહેરા એકમેકમાં ભળીને નદીના જળમાં ઓગળી જતા હતા. અને વળી કમલા! ગોવિંદ પણ એને જળપ્રવાહમાં દેખાયો હતો -

એ જ સનાતન આકાંક્ષાઓ, તૃષ્ણાઓ અને વેદનાઓ.’’ આટલું કહીને સિદ્ધાર્થ ચૂપ થઈ ગયો.વાસુદેવે છેવટે કહ્યું - ‘‘નદી પાસે બધા જ પ્રશ્નોના ઉત્તર છે. ઘટનાઓનો પુરપાટ વહેતો અનંત પ્રવાહ એ જીવનનું ગૂઢ સંગીત છે. અને પછી આ રહસ્યમય

સંગીતના બધા જ સૂર એક જ શબ્દમાં પૂર્ણતા પામીને સમાઈ જાય છે : એ શબ્દ છે‘

ઓ... મ્‌ ..’ તને એ સંભળાય છે ને? સમજાય છે ને? ચાલ, હવે સમય આવી પહોંચ્યો છે મારા મિત્ર, જે અવસરની હું રાહ જોઈ રહ્યો હતો તે ઘડી હવે આવી પહોંચી છે. વાસુદેવ હોડીવાળાને હવે તું વિદાય આપ. આ નદીને, આ કુટિરને અને મિત્ર સિદ્ધાર્થ, તને પણ મારી અલવિદા...’’

જંગલ તરફ અદૃશ્ય થતા વાસુદેવની પીઠ તરફ સિદ્ધાર્થ અનિમેષ નયને જોઈ

રહ્યો. કમલાએ પોતાનું જે ઉદ્યાન ભગવાન ગૌતમબુદ્ધને અર્પણ કર્યું હતું ત્યાં એકવાર ગોવિંદ થોડા ભિક્ષુઓ સાથે આવી પહોંચ્યો. અહીંના ભિક્ષુઓ સાથેના વાર્તાલાપમાં એણે અહીંથી થોડેદૂરના નદીકાંઠે ઝૂંપડીમાં રહેતા એક હોડીવાળા વિશેની વાતો પણ સાંભળી. એ હોડીવાળો સાધુપુરુષ જેવો - સંત, જ્ઞાની હોવાની વાતો ચારેબાજુ થતી રહેતી. વળી વાતરસિયા લોકો આવી વાતોને ચગાવ્યે રાખતા. આ બધું સાંભળીને ગોવિંદે પોતાની સાથેના ભિક્ષુઓને કહ્યું - ‘મારા હૃદયમાં હજી ખૂબ અજંપો છે, આટલાં બધાં વરસોના કઠોર જીવન અને સાધના પછી પણ મારો અસંતોષ હજી એવો ને એવો છે. મને લાગે છે કે એ હોડીવાળાને વિનાવિલંબે મળવાનો સમય મારે માટે આવી પહોંચ્યો છે.’ આમ કહીને ગોવિંદ એકલો જ એ હોડીવાળાને મળવા ચાલી નીકળ્યો. એના સાથી ભિક્ષુઓ વિસ્મયપૂર્વક એને જતો જોઈ રહ્યા - આપસમાં તેઓ એના વિશે કંઈક ટીકા-ટીપ્પણ પણ કરતા રહ્યા.

નદી કિનારે પહોંચતાં જ હોડીવાળાને જોઈને ગોવિંદે સહેજ હાથ ઊંચો કરી એનું અભિવાદન કરતાં કહ્યું - ‘ભાઈ, મારે સામે કિનારે પહોંચવું છે - પહોંચાડશો ને?

હોડીવાળાએ માત્ર ઈશારાથી અને આંખોના ભાવથી અદબપૂર્વક એને હોડીમાં બેસવા કહ્યું. સામે કિનારે પહોંચતાં હોડીમાંથી ઊતરીને ગોવિંદે હોડીવાળાને કહ્યું - ‘તમે ખૂબ જ ભલા છો, માયાળુ છો, ઘણા બધાને તમે આ નદી પાર કરાવી છે. તમે કોઈ સામાન્ય

નાવિક જેવા સંસારી નથી લાગતા. મને તો એમ લાગે છે કે તમે કોઈક આધ્યાત્મિક સાધનાના માર્ગના એક યાત્રી જ છો.’ હોડીવાળાએ સ્મિતપૂર્વક કહ્યું - ‘આયુષ્યના આટલા બધા વર્ષો વીત્યા અને ભગવાન બુદ્ધના ભિક્ષુનો વેશ તમે શોભાવો છો, છતાંયે શું તમે હજી યાત્રી જ રહ્યા? હજી ક્યાંય પહોંચ્યા નહિ?’

ગોવિંદે આંખો ઢાળીને કંઈક સંકોચપૂર્વક કહ્યું - ‘તમારી વાત તો સાચી છે,

મારી સાધના ચાલુ જ છે અને ચાલતી જ રહેશે, કદાચ મારી નિયતિ એ જ છે. તમારા વિશે હું ઘણું બધું સાંભળતો રહ્યો છું, એટલે જ તો તમને મળવા માટે આ નદી પાર કરવાના બહાને હું અહીં આવ્યો છું. તમે મનુષ્યજીવન વિશે અને આધ્યાત્મિક સાધના વિશે ઘણું બધું જાણો છો, તમે વિના સંકોચે મને એ વિશે થોડુંક અવશ્ય કહો કારણ કે હું ખૂબ જ અંજપામાં છું. તમને જે કંઈ મને કહેવા યોગ્ય લાગે તે મને જરૂર કહો. હવે

મારી ધીરજ પણ ખૂટતી જાય છે.’

થોડીક પળો માટે બંને વચ્ચે એક મૌનનો પ્રવાહ વહેતો રહ્યો; પછી હોડીવાળાએ કહ્યું, ‘‘મને લાગે છે કે તમે સાધનાના નામે ઘણું ઝંખી રહ્યા છો. તમારી આ શોધ, તમારી વધુ પડતી જિજ્ઞાસા જ હવે અવરોધ બની બેઠાં છે. દરેકે પોતાનો

માર્ગ પોતે જ શોધવાનો હોય છે - પોતાના જાત અનુભવમાંથી ઘણું બધું શીખવાનું હોય છે. શોધનો અર્થ છે લક્ષ્ય અને લક્ષ્ય પર પહોંચવા માટેના પ્રયત્નો પોતે જ બંધન અને અવરોધ બની રહે છે. તમામ પરિસ્થિતિનો સ્વીકાર અને લક્ષ્યથી પણ મુક્ત થાવું એનું નામ જ સાચી મુક્તિ. થોડાંક વર્ષો પૂર્વે એકવાર તમે આ નદી પાસે આવ્યા અને એક નિદ્રા દરમિયાન જીવજંતુઓ-જાનવરોથી જેની રક્ષા કરવા તમે એની પાસે થોડો સમય બેસી રહ્યાં, પરંતુ એ સૂતેલા માણસને તમે ઓળખી શક્યા નહિ, ખરું ને ગોવિંદ!’’

ગોવિંદ આશ્ચર્યચક્તિ થઈને હોડીવાળાને ધ્યાનપૂર્વક જોતાં બોલી ઉઠ્યો -

‘અરે! તું તો સિદ્ધાર્થ! આ વખતે પણ હું તને ઓળખી શક્યો નહિ. મારા મિત્ર, આ કેવું અદ્‌ભુત. સુંદર મિલન! ઓળખી શકાય એવો તું રહ્યો છે જ ક્યાં? ને વળી તેં

હોડીવાળાનો વેશ લીધો છે! મારે કહેવું જોઈએ કે તેં આ હોડીવાળાના વેશને શોભાવ્યો છે - સાર્થક કર્યો છે. હું મારી યાત્રાએ આગળ નીકળું તે પહેલાં હજી પણ એક પ્રશ્ન

પૂછું - ‘તેં જેનું અનુસરણ કર્યું હોય એવું જીવનમાં કોઈ વિશેષ દિશાસૂચક જ્ઞાન તને

મળ્યું છે ખરું?’

સિદ્ધાર્થે કહ્યું - ‘તું તો જાણે જ છે કે જ્યારે આપણે જંગલમાં બૌદ્ધ ભિક્ષુઓ સાથે રહેતા હતા ત્યારે પણ સિધ્ધાંતો-સૂત્રો અને ગુરુઓમાં મને આસ્થા હતી જ નહિ, અને હજી પણ મારું વલણ એવું જ રહ્યું છે. જો કે મને ઘણા બધા શિક્ષકો-માર્ગદર્શકો

મળતા જ રહ્યા છે. એક ખૂબસુરત વારાંગનાએ પણ મને વર્ષો સુધી જીવનના પાઠ

શીખવ્યા, એક ધનિક વેપારી અને એક જુગારી પાસેથી પણ હું ઘણું બધું શીખ્યો. પરંતુ સૌથી વધુ તો હું આ નદી પાસેથી અને હોડીવાળા વાસુદેવ પાસેથી શીખ્યો છું. વાસુદેવ એક સીધો-સાદો માણસ હતો. તે કંઈ ચિંતક-ઉપદેશક કે સાધક નહોતો, પરંતુ જીવનના ૩૩

મર્મ વિશે તે કદાચ ગૌતમ બુદ્ધ જેટલું જાણતો હતો. મને જે જડ્યું છે તે જ હું તને કહી રહ્યો છું. ‘માહિતી’ અન્યને આપી શકાય, - ‘જ્ઞાન’ નહિ. જ્ઞાન તો પ્રાપ્ત કરવું પડે, એ કોઈને શીખવાડી શકાય પણ નહિ. એક પથ્થરને - એક તણખલાને - એક વૃક્ષને પ્રેમ

કરી શકાય, પરંતુ શબ્દોને નહિ, ગોવિંદ, ‘સંસાર’ અને ‘નિર્વાણ’ માત્ર શબ્દો છે.

આપણે શબ્દોની ભૂલ-ભુલામણીમાં અટવાઈ જઈએ છીએ. ગોવિંદ, આવ નજીક આવ... હજી વધુ નજીક ...’

આમ કહીને સિદ્ધાર્થે ગોવિંદના કાનમાં અત્યંત ધીમે સૌમ્ય સ્વરે ઓમકારનું ઉચ્ચારણ કર્યું. તત્ક્ષણ જાણે કે આસપાસનું બધું જ અદૃશ્ય થતું ગયું. નદીના વહેતા

પ્રવાહમાં ગોવિંદે સિદ્ધાર્થનો સ્મિતપૂર્ણ ચહેરો જોયો અને પછી ગૌતમબુદ્ધનો પ્રશાંત અને સ્મિત ફેલાવતો આકાર પણ ગોવિંદે જોયો. એને નમન કરવા ગોવિંદ નીચે નમ્યો, એની આંખોમાંથી વરસતી અશ્રુધારા વહેતી નદીના રૂપમાં એ પોતે જ જોઈ

રહ્યો.

• • •

વિચારવલોણું પરિવાર

વીસમી સદીમાં વિજ્ઞાન અને ટકનોલોજીનો ખૂબ વિકાસ થયો. તેમાંયે છેલ્લાં પચ્ચીસેક વર્ષમાં ટકનોલોજી આપણા જીવનનાં દરેક ક્ષેત્રોમાં પ્રસરી ગઈ છે, એણે જીવનની ગતિને આપણી જાણ બહાર વધારી દીધી છે. આપણી પાસે હજારેક વર્ષની જીવંત સાંસ્કૃતિક પરંપરા છે, જેની અસર આપણા વિચારોમાં, વર્તનમાં અનાયાસ ડોકાયા કરે છે. ઉપરાંત વિકસિત દેશોની અસરથી પણ આપણે મુક્ત નથી.

આપણી આજની મથામણ છે આ પરંપરા, વિજ્ઞાન અને ટકનોલોજી અને વિદેશી અસર, આ બધા વચ્ચે મેળ બેસાડી સ્વસ્થ રીતે જીવવું. ‘વિચારવલોણું પરિવાર’

એવા લોકોનો પરિવાર છે, જેના પ્રયાસો છે કે -

• વૈજ્ઞાનિક અભિગમ સાથે જીવનની જરૂરિયાતો અને પ્રશ્નોને ઓળખીએ, સમજીએ અને ‘આજ’ના સત્યની શોધનો પ્રયાસ કરીએ.

• નવા વિચારોને, નવા અર્થઘટનોને સાંભળવાની, સમજવાની, સ્વીકારવાની ક્ષમતા કેળવીએ.

• કોઈ વ્યક્તિ-વિચારધારાના ચોકઠામાં બંધાઈ ન જવાની સજાગતા રાખીએ.

• વિરોધી વિચારને ઉગ્રતા વગર સાંભળવાની, સમજવાની ધીરજ રાખીએ.

• આપણને ગમતા વિચારોના પ્રચારક ન બનતાં પ્રસારક બનીએ.

• સર્વગ્રાહી, માનવકેન્દ્રી વિચારોને આચરણમાં મૂકી એની કસોટી કરતા રહીએ.

• પોતાની વાત રજૂ કરતી વખતે વિચારશુદ્ધિની, ભાષાના યોગ્ય ઉપયોગની, અનાગ્રહની અને બિનજરૂરી વિસ્તારના જોખમની કાળજી રાખીએ.

• વિશ્વસમસ્તમાં ઊઠતા વિચારવમળોથી અવગત રહીને એને સમજવા

પ્રયત્નશીલ રહીએ.

• અવિરત ચાલતી આ વિચારવલોણાની પ્રક્રિયામાં વધુ ને વધુ લોકોને સહજ સામેલ કરીએ.

• સૌંદર્યદૃષ્ટિ કેળવીએ.

• વ્યક્તિગત આગ્રહો છોડીને સમૂહમાં સ્વસ્થપણે જીવવા પ્રયત્ન કરીએ.

આપ સર્વેને આ પરિવારમાં જોડાવાનું આમંત્રણ છે.