સૌમિત્ર
સિદ્ધાર્થ છાયા દ્વારા
-: પ્રકરણ ૭ : -
“પણ મેં તને એ જ નજરે જોયો હોય તો?” ભૂમિનું ખડખડાટ હાસ્ય હવે એક ગંભીર સ્મિત બની ગયું હતું.
“મને ખબર જ હતી...મારા નસીબ જ કાંણા છે. મેં જેની ઈચ્છા કરી એ મને ક્યારેય મળ્યું નથી. પણ તોયે આજે મેં હિંમત કરીને તને કહી દીધું. પણ પ્લીઝ તું ગુસ્સે ના થતી ભૂમિ, આપણે ફ્રેન્ડ્સ તો રહીશું જ. હું તને હવે ક્યારેય આ બાબતે કશું જ નહીં કહું પ્રોમિસ.” સૌમિત્ર એક શ્વાસે બોલી ગયો.
“મિત્ર...મિત્ર....મિત્ર...જરાક શ્વાસ લે યાર અને સમજ તો ખરો કે મેં શું કીધું?” ટેબલ તરફ નીચી નજર નાખીને જોઈ રહેલા સૌમિત્ર સાથે પોતાની નજર મેળવવા ભૂમિ સહેજ ઝૂકી.
“એ જ કે તું મને એ નજરે જ જુવે છે.” સૌમિત્ર હજીપણ કશું બીજું જ સમજી રહ્યો હતો.
“અરે તું પાગલ થઇ ગયો છે કે શું મિત્ર? પાછો ફર જ્યાં હોય ત્યાંથી!” ભૂમિએ સૌમિત્રના ચહેરા સામે બે ચપટી વગાડી.
“એટલે? હું સમજ્યો નહીં.” ભૂમિ સામે નિરાશ ચહેરે જોતા સૌમિત્ર બોલ્યો.
“તેં મને છેલ્લે શું કીધું? કે પ્લીઝ એમ ન બોલતી કે હું તને એ નજરે નથી જોતી.” ભૂમિએ હવે સૌમિત્રને સ્પષ્ટતા કરવાનું શરુ કર્યું.
“હા અને તે કીધું કે તું એ જ નજરે જ જુવે છે.” સૌમિત્ર હજીપણ નિરાશ સૂરમાં બોલી રહ્યો હતો.
“તો એનો મતલબ શું થયો?” ભૂમિના ચહેરા પર ફરીથી સ્મિત આવી ગયું.
“એમ જ કે તું મને પ્રેમ કરે છે.” સૌમિત્રના શબ્દોમાં અનાયાસેજ દોર ફરીથી સંધાઈ ગયો.
“તો શું કરવા આટલો ડીસ્ટર્બ થઇ ગયો?” ભૂમિ હવે હસી રહી હતી.
“એટલે? એટલે તે હા પાડી?” સૌમિત્રને ખ્યાલ આવતાં જ એનો ચહેરો ખીલવા લાગ્યો.
“હા બુદ્ધુરામ...હા...” ભૂમિ ફરીથી ખડખડાટ હસવા લાગી.
“ઓહ ગોડ....સાચ્ચે જ?” સૌમિત્ર હવે વિશ્વાસ જ નહોતો કરી શકતો કે ભૂમિએ એની પ્રપોઝલ સ્વિકારી લીધી છે.
“ના ખોટ્ટે!” ભૂમિએ ખોટેખોટું મોઢું બગડતા કહ્યું અને ટેબલ પર રહેલી સૌમિત્રની બંને હથેળીઓ પકડી લીધી.
“મને તો એમ જ હતું કે તું ના જ પાડી દઈશ એટલે મેં...” હવે સૌમિત્ર ભૂમિની આંખમાં આંખ નાખીને જોઈ રહ્યો હતો.
“તને ના પાડવાનો સવાલ જ નથી...તે જો આજકાલમાં પ્રપોઝ ના કર્યું હોતને તો થર્ડ યરમાં હું તો કરી જ દેત!” ભૂમિના ચહેરા પર ફરીથી એનું તોફાની સ્મિત આવ્યું અને એણે સૌમિત્રને આંખ મારી.
“કેમ એવું?” સૌમિત્ર પણ હસી રહ્યો હતો.
“છોકરીને એના પ્રેમી કે એના જીવનસાથીમાં શું જોઈએ? એક તો એ હોશિયાર હોય, એને ખુબ પ્રેમ કરે અને બીજું એને સપોર્ટ કરે એનું રક્ષણ કરે.” ભૂમિએ હજીપણ સૌમિત્રની હથેળીઓ છોડી ન હતી.
“તો મારામાં તને એ બધું ક્યારે દેખાયું?” સૌમિત્ર હવે પોતાના વખાણ સાંભળવા માંગતો હતો.
“સાતમી ડિસેમ્બર ઓગણીસસો બાણું ના દિવસે.” ભૂમિએ આંખ મારી.
“એટલે?” સૌમિત્ર ભૂમિની વાત સમજ્યો નહીં.
ત્યાંજ વેઈટર બે ડીશ ગરમાગરમ મેંદુવડા પીરસી ગયો.
“ડિબેટમાં તું જોરદાર છે જ એ તો તે બે વર્ષ સતત જીતીને બતાડી દીધું. તને પહેલીવાર મેં ખાલી બે મિનીટ જ સાંભળ્યો હતો, પણ બધા જે તારા વખાણ કરતા હતા તેનાથી તો હું ઈમ્પ્રેસ થઇ જ ગઈ હતી. પણ તે દિવસે કોલેજમાં શહેરમાં તોફાનો થશે એવી વાત બહુ ફરતી હતી, પણ મને એમ કે મારા એરિયામાં તો કશુંજ ના થાય. પણ તે મને આવીને પહેલા સમજાવી કે ઘરે જવા માટે ટેન્શનવાળા એરિયામાંથી જ જવું પડશે. ત્યારે મને સહેજ અછડતો ખ્યાલ આવી ગયો કે તને મારી ખુબ ચિંતા છે. તારો ચહેરોજ કહેતો હતો.” ભૂમિ બોલી અને છરી-કાંટાથી મેંદુવડું તોડી અને ખાવા માટે સહેજ અટકી.
“હમમ.. પછી.” સૌમિત્રએ પણ ભૂમિની જેમજ એની ડીશનું મેંદુવડું ખાવાનું શરુ કર્યું.
“ત્યાં હિતુભાઈ આપણને કૃણાલ પાસે લઇ ગયા. એની ગર્લફ્રેન્ડને ઘેરે સુખરૂપ મુકવા ને બદલે કૃણાલતો ફસકી ગયો હતો, પણ તેં હિંમત દેખાડી ત્યારે તો તું મને તારી ગર્લફ્રેન્ડ પણ નહોતો માનતો અને મને આટલાબધા ટેન્શનમાં અને ડરના વાતાવરણમાં પણ ઘેર મૂકી ગયો.” ભૂમિ ખાતાખાતા જ બોલી રહી હતી.
“એ તો ખાસ ફ્રેન્ડ પણ કરે.” સૌમિત્રએ મુદ્દો ઉઠાવ્યો.
“કરે જ, પણ જ્યારે તું મને ઘરે લઇ ગયો અને મારા માટે ખાસ તે તારા પપ્પા સાથે ઝઘડો કરીને સ્કૂટર રીતસર લઇ જ લીધું અને તું મને એકદમ સંભાળીને ઘરે મૂકી ગયો હતો ને?” ભૂમિએ યાદ દેવડાવ્યું
“એ પણ ફ્રેન્ડ કરે.” સૌમિત્રને હજીપણ જાણવું હતું કે ભૂમિને એનામાં એવો કયો ગુણ દેખાયો કે એ એના પર મોહી પડી.
“પણ તારા પપ્પા વિષે તે મને જે વાતો કરી હતી..ખોટું ન લગાડતો, પણ એ ખુબ મોટી હિંમત કહેવાય મિત્ર. આ બધું હું તારા મને તે દિવસે ઘરે મૂકીને ગયા પછી ખુબ વિચારતી હતી. એ આખો દિવસ તું મારા મનમાં ને મનમાં જ આવતો રહ્યો. મને ખબર નહીં કેમ એક અલગ જ ફીલિંગ તારા માટે આવવા લાગી.” ભૂમિ બોલી રહી હતી.
“હમમ...” સૌમિત્રને હજી સાંભળવું હતું.
“લગભગ વીસ થી પચ્ચીસ દિવસ આપણે ના મળ્યા, તારા પપ્પાના ડરથી મેં ફોન બી ના કર્યો અને કદાચ તું બી એટલે જ ફોન કરી ના શક્યો. પણ મારે તને રોજ મળવું હતું. મારે તારી સાથે વાતો કરવી હતી. હું સતત વિચારતી હતી કે તે દિવસે મેં તને જ દીદીની વાત કેમ કરી? કેમ હું તારી પાસે જ રડી પડી? એટલેકે મેં એ બધું કહેવા તને જ કેમ પસંદ કર્યો? ત્યારે મેં તને એક મેચ્યોર્ડ ફ્રેન્ડ જ ગણ્યો હતો, પણ તારામાં એવું શું છે કે...” ભૂમિ પાણી પીવા અટકી.
“પછી?” સૌમિત્રની ભૂમિના મોઢે પોતાના વખાણ સાંભળતા રહેવાનું ગમી રહ્યું હતું. જીવનમાં પહેલીવાર અંબાબેન સીવાય કોઈએ એના વિષે આટલી સારીસારી વાતો કરી હતી.
“તું મને ત્યારેજ ગમી ગયો હતો, પણ મારે તારું મન જાણવું હતું. હા આપણે ફરીથી મળ્યા ત્યારે જ મને લાગ્યું કે આપણે ખુબ નજીક આવી ગયા છીએ અને કદાચ તું પણ એવું જ સમજતો હશે. પણ મેં રાહ જોવાનું નક્કી કર્યું. જો આ વેકેશન સુધીમાં તે ન કીધું હોય તો લાસ્ટ યરમાં હું તો તને તરતજ પૂછી લેવાની હતી, પણ થેન્ક ગોડ...તે પૂછી લીધું.” બાજુમાં પડેલા પેપર નેપકીનથી પોતાની આંગળીઓ અને હોઠ લૂછતાં ભૂમિ બોલી.
“થેન્ક્સ.” ભૂમિની વાતથી સૌમિત્રથી અનાયાસે બોલાઈ ગયું.
“હમમ.. ફ્રેન્ડસ હતા ત્યારે મેં તને એકવાર મૈને પ્યાર કિયાનો ડાયલોગ કીધો હતો કે દોસ્તીમેં નો સોરી નો થેંક્યું. પણ હવે આપણે..યુ નો... એટલે હવે તારે મને થેન્ક્સ અને સોરી કહેવાની ટેવ પાડવી જ પડશે.” ભૂમિ ફરીથી ખડખડાટ હસી પડી.
“હા યાર, પણ મને આમાં બહુ ખબર નથી પડતી, પહેલીવાર છે ને? એટલે કોઈ ભૂલ થઇ જાય તો માફ કરી દેજે.” બીલ સાથે આવેલી વરીયાળી ખાતા અને પોતાના પર્સમાંથી સો ની નોટ કાઢતા સૌમિત્ર બોલ્યો.
“હા, એટલે જાણેકે મેં તો ચાર-પાંચ છોકરા ફેરવ્યા હોય એવી વાત કરે છે તું..” ભૂમિએ હસતાંહસતાં આંખ મારી.
“ના, યાર એવું નથી, પણ હવે મારે તને કોઇકાળે ગુમાવવી નથી. આજે તે ના પાડી હોત તો ઠીક હતું, પણ હવે તારાથી દુર નહીં જ રહેવાય.” હવે સૌમિત્રએ ભૂમિના બંને હાથ પકડી લીધા અને એની આંગળીઓમાં પોતાની આંગળી ભેરવીને લોક કરી દીધી.
એકબીજાને આવી રીતે પહેલીવાર સ્પર્શ કરતાં, સૌમિત્ર અને ભૂમિ બંનેને કોઈ અલગ પ્રકારની લાગણી થઇ. બંનેના શરીરમાં જાણેકે વિજળીનો કરંટ લાગ્યો હોય એવી લાગ્યું.
“હજી આજે તો મળ્યા મિત્ર અને ત્યાં તું....” ભૂમિની આંખો સહેજ ભીની થઇ ગઈ.
“હા પણ...” સૌમિત્ર ભૂમિની ભીની આંખો જોઇને બોલતા બોલતા રોકાઈ ગયો.
“આપણે જેમ છીએ એમ જ રહીશું મિત્ર તો કોઈજ વાંધો નહીં આવે.” ભૂમિ સૌમિત્રને આશ્વાસન આપતા બોલી.
“હા, પણ તારા પપ્પા.” સૌમિત્રને ભૂમિની બહેન નિલમ સાથે જે થયું હતું એ યાદ આવી ગયું.
“બહુ ઉતાવળો સૌમિત્ર. હજી આજે તો આપણે મળ્યા. હજી ખુબ ભણવાનું છે અને પછી પગભર થવાનું છે. ત્યારે વિચારીશું. મેં પપ્પાને છવ્વીસ-સત્યાવીસ વર્ષ સુધી મેરેજનો મ પણ ન બોલવાનું ક્યારનુંયે કહી દીધું છે. એટલે તું હમણાં એ બધું ના વિચાર.” ભૂમિ બોલી.
“ઠીક છે, કશેક બીજે જઈએ? અહીં ખાધા પછી બહુ બેસવું કદાચ સારું નહીં લાગે.” સૌમિત્રએ વેઈટર તરફ ઈશારો કરીને ભૂમિને પૂછ્યું.
“હા, પણ બહુ વાર નહીં મારે ઘરે જવું પડશે.” ભૂમિ પોતાના કાંડા ઘડિયાળ જોતા બોલી. ભૂમિ પોતાની કાંડા ઘડિયાળ ઉંધી પહેરતી હતી એટલે સમય જોવા તેણે પોતાનું કાંડું વાળવું પડતું.
“અરે..હજી થોડીવાર..આટલું જલ્દી?” સૌમિત્રને ભૂમિ સાથે વધુ સમય ગાળવો હતો.
“મને પણ હવે ઈચ્છા નથી ઘરે જવાની, પણ મેં મમ્મીને દોઢ બે કલાકમાં આવી જઈશ એમ કીધું છે અને મને એવો તો ખ્યાલ જ નહોતો કે મારો મિત્ર આવો ધડાકો કરવાનો છે.” રેસ્ટોરન્ટની બહાર આવતા આવતા ભૂમિ બોલી એના ચહેરા પર પેલું સ્મિત બરકરાર હતું.
“મને પણ તું આટલી જલ્દી હા પાડી દઈશ એવી આશા નહોતી..” સૌમિત્રને ભૂમિએ ‘મારો મિત્ર’ કહીને બોલાવ્યો એ એને ખુબ ગમ્યું.
“કશો વાંધો નહીં, હવે આપણી પાસે ટાઈમ જ ટાઈમ છે. નોર્મલ રહીશું તો વધારે મજા આવશે.” ભૂમિ એ જવાબ આપ્યો.
“અફકોર્સ, હું તો એવો જ રહીશ જેવો છું, તું ન બદલાતી.” સૌમિત્રએ હસીને કીધું.
“હોય કાઈ? હું તો હવે સાવ બદલાઈ જઈશ. હું ખુબ જ ડીમાન્ડીંગ થઈ જઈશ. તને તારી પ્રેમિકાને સાચવવી અઘરી પડશે મિત્ર!” ભૂમિ ફરીથી ખડખડાટ હસી પડી.
“બંદા હાઝીર હૈ!” સૌમિત્ર એર ઇન્ડિયાના મહારાજાની જેમ વાંકો વળીને બોલ્યો અને પેલી ફાઈવ સ્ટાર ચોકલેટ ભૂમિ સામે ધરી.
“અરે વાહ, મારા માટે? તને ખબર છે ને કે મને ફાઈવ સ્ટાર ખુબ ભાવે છે?” ભૂમિ ખુશ થઇને બોલી.
“હા, પણ તે ના પાડી હોત તો ના આપત.” સૌમિત્ર હસતાંહસતાં બોલ્યો.
“એક નંબરનો જુઠ્ઠો.” ભૂમિએ મોઢું બગાડ્યું.
જવાબમાં સૌમિત્ર ફક્ત હસ્યો. એને ભૂમિની અદાઓ હવે ઓફિશિયલી જોવાની અને ગમાડવાની છૂટ મળી ગઈ હતી અને તેને એનો પુરેપુરો લાભ લેવો હતો.
ચલ, ઇન્કમટેક્સ સુધી ચાલતા અને વાતો કરતા જઈએ, ત્યાંથી બસ પકડીને ઘરે જઉં.” ભૂમિએ સૌમિત્રની એની સાથે વધુ સમય ગાળવાની ઈચ્છા પૂરી કરી.
બંને જણા નટરાજથી ઇન્કમટેક્સ સુધી ચાલતા ગયા અને ખુબ વાતો કરી. સૌમિત્રને હજીપણ વિશ્વાસ નહોતો આવતો કે ભૂમિએ તેની પ્રેમ પ્રપોઝલને આટલી જલ્દીથી સ્વીકારી લીધી. સૌમિત્ર ભૂમિને પ્રપોઝ કરવા માટે જેટલી આનાકાની કરતો હતો તેનાથી વિરુદ્ધ તેને પરિણામ મળ્યું એટલે એ જરાક કન્ફયુઝ થઇ ગયો હતો કે હવે તે આગળ કેમ વધે. પણ ત્યાંજ એને ભૂમિએ થોડા સમય પહેલા કહેલી વાત યાદ આવી કે જો એ બંને નોર્મલ એટલેકે અત્યારે છે એવા જ રહેશે તો કોઈ જ તકલીફ નહીં પડે.
==::==
“ખબર્ય નથ્ય પડતી વીજેભાય ભગવાને આ માંણાને હેમાંથી બનાયવોસ? ઓલીને પ્રપોજ કરવાને બદલે ભાઈ એને મેંદુવડું ખવરાવીને હાલ્યા આયવા. હું ન્યા હોતને તો આને ન્યા ને ન્યા વગર પાવડરે ધોય નાખત.” હિતુદાન ગુસ્સામાં હતો.
હિતુદાનનો ગુસ્સો વ્યાજબી હતો. સૌમિત્રએ એના બંને મિત્રોને ચીડવવા માટે એમને કેન્ટીનમાં બોલાવીને એમની સામે એવી ખોટી વાર્તા કરી કે ગઈકાલે એ ફરીથી ભૂમિને પ્રપોઝ કરવામાં નિષ્ફળ ગયો અને એ બંને માત્ર થોડી વાતો કરીને અને મેંદુવડાની એક એક ડીશ ખાઈને છૂટા પડી ગયા હતા. આટલું સાંભળીને હિતુદાન કાયમની જેમ ગુસ્સે થઇ ગયો અને વ્રજેશ નિરાશ થઇ ગયો.
“કાલે તો હું પણ તારી સાથે હોત ને ગઢવી? તો આના પર મારો હાથ જરૂર સાફ કરત.” વ્રજેશ બોલ્યો.
“તૈય્હું? આટઆટલા મોકા ઉપરવારો કો’ક ને જ દીયે ને આ માંણાને હઝીયે પરીક્સા લેવી સે અને ઇયે ઉપરવારાની. હવે આવતે મોકે અમે બેય તારી હાયરે ઝ આવસું અને તારે અમને જીરીકે ના નથ્ય પાડવાની હઈમજ્યો?” હિતુદાનનો અવાજ મોટો થઇ રહ્યો હતો અને કેન્ટીનમાં આસપાસ બેઠેલા લોકોમાંથી થોડાંક એની સામે જોઈ રહ્યા હતા.
“આપણે એની જોડે જઈશું તો ય આ વ્યક્તિ એવી છે કે ભૂમિ સામે આપણને ખોટા કહી દેશે અને કહેશે કે હું તો આવું એમને ખોટેખોટું કહેતો હતો. મને તો હવે સૌમિત્ર પર કોઈ જ વિશ્વાસ નથી રહ્યો. મને નથી લાગતું કે એ કોલેજ પતે ત્યાંસુધીમાં ભૂમિને કોઈ વાત કરે.” વ્રજેશની નિરાશામાં પણ ગુસ્સો હતો અને સૌમિત્ર મૂછમાં હસી રહ્યો હતો.
“હાઈ કેમ છો બધાં?” અચાનક જ ભૂમિ ત્યાં આવી ચડી અને એણે સૌમિત્રની પાછળ થી એના ગળામાં પોતાના બંને હાથ નાખી દીધા અને વ્રજેશ અને હિતુદાનની સામે વારાફરતી જોવા લાગી. સૌમિત્રએ પણ એના હાથ પકડી લીધા.
“તમાર ઝેવું હોય?” હિતુદાન ગુસ્સામાં બોલ્યો.
“તો વ્રજેશભાઈ મારું નામ કેમ બોલ્યા?” જ્યારે વ્રજેશ ભૂમિ વિષે બોલી રહ્યો હતો ત્યારે ભૂમિ ઓલરેડી કેન્ટીનમાં આવી ગઈ હતી અને આ મિત્રોના ટેબલની નજીક હતી એટલે એણે પકડી પાડ્યું.
“અરે એ તો આ સૌમિત્રની વાત થતી હતી એટલે તમારું નામ આવ્યું, બેસો.” વ્રજેશે એની અને સૌમિત્ર વચ્ચેની ખુરશી ખેંચીને ભૂમિને બેસવા આમંત્રણ આપ્યું.
“થેંક્યું. તો તમે એવી તો કઈ વાત કરતા હતા કે મારું અને મિત્રનું નામ એકસાથે આવ્યું?” ભૂમિએ ફરીથી સવાલ કર્યો અને વ્રજેશ અને હિતુદાન થોડીક અસમંજસમાં આવી ગયા.
“ઝાવા દે ને બેનડી, સા પી ને પસે લેક્ચરમાં ઝાંય.” હિતુદાન ભૂમિ સામે જોયા વગર બોલ્યો.
“ઓહો બેનડી? મિત્ર તો હવે હિતુભાઈ મારા જેઠજી નહીં બને પણ તારા સાળા બની ગયા રાઈટ?” ભૂમિ ખડખડાટ હસી પડી.
હવે સૌમિત્રથી પણ પોતાનું હસવું રોકવું મુશ્કેલ થઇ ગયું અને એ પણ મુક્તપણે હસવા લાગ્યો. સૌમિત્ર હસતાંહસતાં તાળીઓ પાડી રહ્યો હતો. ભૂમિ, વ્રજેશ અને હિતુદાનને ખબર જ નહોતી પડતી કે સૌમિત્ર આમ કેમ હસી રહ્યો છે. વળી, વ્રજેશ અને હિતુદાનને તો ભૂમિ જે બોલી એનાથી પણ આંચકો લાગ્યો હતો એટલે એલોકો ડબલ કન્ફયુઝનમાં આવી ગયા હતા.
“લાગે છે સૌમિત્રએ આપણી ગેમ કરી નાખી છે.” વ્રજેશને હવે થોડી ખબર પડવા લાગી.
“એટલે?” હિતુદાન કાયમની જેમ કશું સમજી શક્યો ન હતો.
“એટલે એમ ગઢવી કે કાલે આખરે સૌમિત્રએ ભૂમિને પ્રપોઝ કરી દીધું અને ભૂમિએ આ લબાડને હા પાડી દીધી છે.” વ્રજેશના ચહેરા પર સ્મીત હતું.
“એલા હાચેકાને?” હિતુદાનનો ગુસ્સો અચાનક ઓગળી ગયો અને હસીહસીને થાકી ગયેલા સૌમિત્રને પૂછ્યું.
“એટલે? સૌમિત્ર? તે હજી તારા ફાસ્ટ ફ્રેન્ડ્સને આપણી વાત નથી કરી? વેરી બેડ બોય!” ભૂમિએ પોતાના હોઠ પહોળા કરીને આશ્ચર્ય વ્યક્ત કર્યું.
“ના, કારણકે આ બેય મહાનુભાવોના ચહેરા જે અત્યારે જેવા છે એવા જોવાનો લાભ મને એમનેમ એમને કહી દીધું હોત તો ન મળત ભૂમિ!” સૌમિત્ર હવે હસવાનું બંધ કરીને થોડોક ગંભીર થઇ ગયો પણ તેના ચહેરા પર સ્મીત જરૂર હતું.
“એન્ની માં ને માસી કવ, મિતલા....” આટલું બોલીને હિતુદાન ખુરશીએથી ઉભો થઇ ગયો અને સૌમિત્રને ખેંચીને ઉભો કર્યો અને ભેટી પડ્યો.
હિતુદાનના સૌમિત્રને મનભરીને ભેટી લીધા પછી વ્રજેશે પણ સૌમિત્રને બાથ ભરી લીધી. ત્રણેયની આંખો ભીની થઇ ગઈ હતી અને એમની ભરેલી આંખો જોઇને ભૂમિની આંખો પણ ભરાઈ આવી. આ આંસુમાં ખુશી હતી. થોડીવાર પછી ત્રણેય ફરીથી પોતપોતાની ખુરશીઓ પર બેસી ગયા.
“તો હવે પાક્કું, વ્રજેશભાઈ તારા તરફથી અને હિતુભાઈ મારી તરફથી, આજથી એ મારા ભાઈ.” ભૂમિ બોલી.
“હા પાક્કું. આલે હાલ બનેવીલાલ પાર્ટી આપ્ય હવે.” હિતુદાન બોલ્યો.
“અત્યારે નહીં, કોઈ સરસ જગ્યાએ આપણે જશું. એક્ઝામ્સ પછી.” સૌમિત્ર એ વચન આપ્યું.
“ઠીક છે, છેલ્લા પેપર પછી ક્યાંક જઈએ. જગ્યા આપણે નિરાંતે નક્કી કરીશું.” વ્રજેશ બોલ્યો.
“તને તો વાંધો નથીને ભૂમિ?” સૌમિત્રએ ભૂમિને પૂછ્યું.
“ના રે ના, મને શો વાંધો હોય? આપણે તૈયાર જ હોઈએ.” ભૂમિ હસી રહી હતી.
“પણ ઇગીયાર અને બારમી મેં ના દિવસે કોઈ પોગરામ નથ્ય રાખવાનો, કય દવ સું.” હિતુદાન બોલ્યો.
“કેમ કાંઈ ખાસ?” વ્રજેશે પૂછ્યું.
“દહમીએ હું બાવી વરહનો થઇસ અટલે બાપાએ બારમીની તારીખ નક્કી કર દીધી.” હિતુદાન કદાચ પહેલીવાર શરમાઈ રહ્યો હતો.
“ઓહો, શું વાત છે!” સૌમિત્રએ હિતુદાનની પીઠ પર ધબ્બો માર્યો.
“શું? મને તો કોઈ સમજાવો?” ભૂમિને ખબર નહોતી પડી રહી.
“સાલેસા’બ પરણવા જઈ રહ્યા છે.” સૌમિત્ર ભૂમિ સામે આંખો નચાવતા બોલ્યો.
“અરે...વાહ!! બે મિનીટ પહેલાંતો હજી ભાઈ મળ્યો અને ત્યાં ભાભી પણ બોનસમાં? શું લક છે મારાં હેં કે?ક્યાં છે લગ્ન અમદાવાદમાં?” ભૂમિએ હિતુદાન સામે જોયું અને હિતુદાન હજીપણ શરમાઈ રહ્યો હતો.
“ના, ઝામનગર કોર હાપા ગામ સે, ન્યા ગાંધીનગરથી ઝાન જોડીને ઇગીયારમી હવારે નીકરવાનું ને મોડી રાઈતે લગન. અમે તો બારમી હાઈંજે પાસા નીકરસુ, પણ તમારે તણે ઝો બારમીએ હવારે નીકરી આવવું હોય તો વાંધો નથ્ય.” હિતુદાન બોલ્યો.
“એમ નહીં ગઢવી. વેકેશન છે એટલે અમને તો કોઈ વાંધો નહીં આવે ભૂમિ પણ તારે ન આવવું હોય તો અમને કોઈને કે ગઢવીને પણ ખરાબ નહીં લાગે. તારા પપ્પા મમ્મી તને ના પાડે તો બહુ ફોર્સ ન કરતા.” વ્રજેશે પોતાની પીઢતા દેખાડી.
“ના શું કામ? હું મારી ભાભીને લેવા શું કામ ન આવું? હું તો આઇશ. મમ્મી તો ક્યારેય ના નહીં પાડે. પપ્પાને સમજાવવાની જવાબદારી મારી.” ભૂમિ સ્મીત રેલાવતા બોલી અને સૌમિત્ર એને જોઈજ રહ્યો.
==::==
“તો અગિયારમીએ સવારે પથિકા મળીયે ઓકે?” વ્રજેશ બોલ્યો.
સેકન્ડ યરની પરિક્ષાઓ આજે જ પતી હતી. સૌમિત્ર, ભૂમિ, વ્રજેશ અને હિતુદાન, સૌમિત્રએ આપેલી તેની સક્સેસફૂલ પ્રપોઝલની પાર્ટી માણીને આશ્રમરોડ પર આવેલા કોઈ રેસ્ટોરન્ટની બહાર હિતુદાનની જાનમાં કેવીરીતે જવું એનો પ્લાન બનાવી રહ્યા હતા અને છેવટે નક્કી થયું કે અગિયારમીએ સૌમિત્ર અને ભૂમિ અમદાવાદથી ગાંધીનગરના પથિકાશ્રમ બસ સ્ટેન્ડ આવશે અને ત્યાંથી વ્રજેશ એમને હિતુદાનને ઘેરે લઇ જશે અને લગભગ દસેક વાગ્યે જાનમાં બધા સાથે હાપા જશે. આટલું નક્કી કરીને વ્રજેશ અને હિતુદાન ઇન્કમ ટેક્સ તરફ વળ્યા.
“મિત્ર, એક પ્રોબ્લેમ છે.” વ્રજેશ અને હિતુદાનના ગયા પછી ભૂમિ બોલી.
“શું?” સૌમિત્રએ પૂછ્યું.
“મેં હજી પપ્પાને પૂછ્યું નથી. આમ તો એ ના નહીં જ પાડે, પણ કોઈવાર હું એકલી નથી ગઈ. અત્યારસુધી સંગીતા જોડે જ જતી અને તમને એ ઓળખતા પણ નથી. જો ના પાડશે તો?” ભૂમિના અવાજમાં અને ચહેરા પર ડર હતો.
“તો વાંધો નથી, આપણે ગઢવીને સોરી કહી દઈશું.” સૌમિત્ર ભૂમિને ધરપત આપતા બોલ્યો.
“ના પણ મારે આવવું છે. વેકેશનમાં તને મળવાનું અને તારી સાથે બે દિવસ રહેવાનો મોકો હું ગુમાવવા નથી માંગતી.” ભૂમિએ સૌમિત્રનો હાથ પકડી લીધો.
“તો પપ્પાને બિન્દાસ કહી દે, જરાય ડર્યા વીના. ખોટું તો બિલકુલ ન બોલતી.” સૌમિત્રએ ભૂમિનો હાથ દબાવ્યો.
“ખોટું બોલવું તો મને પણ નહીં ગમે મિત્ર. પણ ખોટું પણ ન બોલવું પડે અને આપણું કામ પણ થઇ જાય એવું કંઈક કરીએ તો?” ભૂમિની આંખમાં હવે તોફાન હતું.
“શું? બોલ” સૌમિત્રને એવું થાય તો કોઈ વાંધો જ નહતો.
“હિતુભાઈને તું પૂછી લે ને કે જાનમાં એક વધારાની વ્યક્તિ આપણી જોડે આવે તો એમને કોઈ વાંધો ખરો?” ભૂમિએ રસ્તો બતાવવાની શરૂઆત કરી.
“એક વધારે વ્યક્તિ? એ કોણ?” સૌમિત્રની ઉત્કંઠા વધી ગઈ.
“જો, હું અત્યારસુધી સંગીતા સાથે જ બધે ગઈ છું અને ઘરે બધા જ એને ઓળખે છે. તો જો હું ઘરે એમ કહું કે હું સંગીતા સાથે જામનગર કોલેજ ફ્રેન્ડના લગ્નમાં જઉં છું તો ઘરે કોઈજ મને ના નહીં પાડે. બોલ શું કહે છે મિત્ર?” ભૂમિએ આઈડિયા બતાવ્યો.
“સંગીતા???” સૌમિત્ર સંગીતાનું નામ સાંભળતા જ ગભરાઈ ગયો.
-: પ્રકરણ સાત સમાપ્ત :-