સૌમિત્ર - કડી ૮ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૌમિત્ર - કડી ૮

સૌમિત્ર

સિદ્ધાર્થ છાયા દ્વારા

-: પ્રકરણ ૮ : -


“કેમ તને સંગીતા સાથે કોઈ વાંધો છે?” સૌમિત્રના સવાલ અને તેનો ચહેરો જે રીતે એક અજીબ એક્સપ્રેશન આપી રહ્યો હતો તેનાથી ભૂમિને નવાઈ લાગી.

“નાનાનાનાના...મને શો વાંધો હોય?” સૌમિત્રને ભૂમિને જણાવવું ન હતું કે તેને કાયમ ઊંડે ઊંડેથી સંગીતાનો ડર લાગે છે કે એ કદાચ એમની બાજી બગાડી શકે છે.

“તો પછી સવાલ કેમ કર્યો?” ભૂમિ હજીપણ મુદ્દાને વળગી રહી હતી.

“અરે એ તો તે અચાનક જ સંગીતાને સાથે લઇ જવાનું કીધું અને એને સાથે લઇ જવા માટે મારે ગઢવીને શું પૂછવું એ બધું એક સાથે વિચારતો હતો એટલે હું જરાક....” સૌમિત્રએ વાત વાળી.

“હમમ... ઠીક છે. તો હું કાલે જ પપ્પાનો મૂડ જોઇને વાત કરી લઉં અને પછી તને ફોન કરીશ.” ભૂમિના ચહેરા પર હવે ચમક આવી ગઈ હતી.

“કેમ ફોન? કાલે મળીએ ને ક્યાંક?” સૌમિત્ર બોલ્યો.

“અરે, હવે એક્ઝામ્સ પતી ગઈ મિત્ર, હવે કયું બહાનું શોધવું?” ભૂમિએ એની મજબૂરી કહી.

“આ સાલી તકલીફ છે. તો શું આપણે હવે ગઢવીના લગ્ન સુધી મળીશું જ નહીં? હજી તો વીસ દિવસ બાકી છે.” સૌમિત્રના અવાજમાં સહેજ ગુસ્સો હતો.

“ના યાર મારાથી એટલા બધા દિવસ તને જોયા વગર નહીં રહી શકાય મિત્ર.” સૌમિત્રના હાથમાં હાથ નાખીને ચાલી રહેલી ભૂમિએ બે-ત્રણ સેકન્ડ એના ખભા પર પોતાનું માથું મૂકી દીધું.

“મને પણ.. એટલે તો મેં કીધું. અને હવે તો વેકેશન છે. કોઈને કોઈ બહાનું બનાવી લે ને? પછી મને કોલ કરજે.” સૌમિત્રએ રસ્તો બતાવ્યો.

“તો પછી હું સંગીતાને લઈને ક્યાંક બહાર જવાનો પ્લાન બનાવીને ઘરે કઈ ને તને કોલ કરી દઈશ ઓકે?” ભૂમિને આઈડિયા આવ્યો.

“આમાંયે સંગીતા?” સૌમિત્ર ફરીથી ગભરાયો.

“પણ તો હું શું કહીને ઘરેથી નીકળું?” ભૂમિએ ફરીથી મજબૂરી કહી.

“જો એમ સંગીતાનું નામ વારેવારે યુઝ કરીશું તો પછી તારા મમ્મી-પપ્પા પાસે એની અસર નહીં રહે. તું કે છે ને કે તું બિન્દાસ છે. એક દિવસ કહી દે ને કે તને બહાર ફરવા જવાનું મન છે? ઉપડી પડ.” સૌમિત્ર ભૂમિને સમજાવી તો રહ્યો જ હતો પણ સાથે સાથે એ પણ પાકું કરી રહ્યો હતો કે એ સંગીતાને લઈને તો ન જ આવે.

“હા એ છે. આવતે અઠવાડિયે હું કહીશ કે આખો દિવસ ઘરમાં બેસીને બોર થાઉં છું તો લો ગાર્ડન ફરી આવું, પેલી ચણિયાચોળીની બજાર છે ને? ફરતી આવું.” ભૂમિને હવે રસ્તો સુજ્યો.

“હવે તું બરોબર સમજી. બસ પછી મને કોલ કરી દે જે. આપણે બે-ત્રણ કલાક લો ગાર્ડનમાં બેસીશું.” સૌમિત્ર બોલ્યો.

“રાઈટ. એમ જ કરીએ. હવે હું જઉં? નવ વાગે છે. મમ્મી ચિંતા કરતી હશે.” સૌમિત્રના હાથને તેની બંને હથેળીઓમાં લઈને ભૂમિ બોલી. તેનો એક અંગુઠો સતત સૌમિત્રની હથેલી પર ફરી રહ્યો હતો.

“બસ દસ મિનીટ?” સૌમિત્રને ભૂમિથી છુટું પડવું ન હતું.

“મમ્મી માટે મિત્ર?” ભૂમિના અવાજમાં આજીજી હતી.

“મારા માટે ભૂમિ...” સૌમિત્રએ પણ વિનંતી કરી.

“પ્લીઝ....” ભૂમિએ સૌમિત્રની આંખમાં આંખ નાખીને કીધું.

“ઓકે, જેમ તું કહે તેમ. પણ આવતા અઠવાડિયાનું પાકું હોં કે? લો ગાર્ડન.” સૌમિત્ર છેવટે માની ગયો.

“હા અને રોજ તો આપણે ફોન પર વાત કરીશું જ.” ભૂમિ બોલી.

“ચોક્કસ, અને સાંભળ. મમ્મી કે પપ્પા કોઇપણ ફોન ઉપાડે તો ગભરાતી નહીં, એ બંને તને જાણે છે કે તું મારી ફ્રેન્ડ છે. તું તારે મારા વિષે પૂછી જ લેજે. જો હું આસપાસ જ હોઈશ તો વાત કરીશું. જો બહાર હોઈશ તો ઘેરે આવીને તને કોલ કરીશ.” સૌમિત્રએ ભૂમિને જરાય ડર્યા વગર ફોન કરવાનું કહ્યું.

“બસ ખાલી ફ્રેન્ડ? બહુ જુઠ્ઠું બોલવા લાગ્યો છે હોં મિત્ર તું આજકાલ?” ભૂમિએ આંખ મારી અનેહસતાંહસતાં બોલી.

“તારા માટે ને?” સૌમિત્ર પર ભૂમિની મસ્તીની કોઈજ અસર ન થઇ એને હજીપણ ભૂમિના જવાનું દુઃખ હતું.

“એટલેજ તો લવ યુ મિત્ર! તું મારા માટે ગમેતે કરવા કાયમ તૈયાર હોય છે.” ભૂમિ હવે સ્મીત વેરી રહી હતી.

“અને કાયમ એમ કરતો પણ રહીશ. પ્રોમિસ!” સૌમિત્ર બોલ્યો.

ભૂમિએ પોતાના હાથ સૌમિત્રના હાથમાંથી છોડાવ્યા અને પછી એકબીજાને આવજો નજીકમાં જ ઉભેલી એક રિક્ષામાં બેસીને ભૂમિ ત્યાંથી નીકળી ગઈ. સૌમિત્ર જ્યાંસુધી ભૂમિની રિક્ષા એની આંખોથી દૂર ન થઈ ત્યાંસુધી એને જોતો રહ્યો.

==::==

આમતો રોજ સૌમિત્ર અને ભૂમિ એકબીજા સાથે થોડીવાર ફોન પર વાત કરી લેતા હતા, પરંતુ નક્કી કર્યા પ્રમાણે બીજે અઠવાડિયે ભૂમિનો કોલ લો ગાર્ડનની એમની મુલાકાત બાબતે આવ્યો. સૌમિત્ર એના રૂમમાં જ હતો પણ ફોન પાસે જનકભાઈ બેઠા હતા એટલે એમણે રિસીવ કરીને સૌમિત્રને બોલાવ્યો.

“છોકરીઓના ફોન આવવા લાગ્યા એમને?” ભૂમિનો કોલ પૂરો થઇ જતા જનકભાઈ બોલ્યા. કાયમની જેમ સૌમિત્ર જ્યારે ખુશ હોય ત્યારે જ જનકભાઈ એને ટોકતા અને સૌમિત્રનો મૂડ ખરાબ થઇ જતો.

“તે હવે મોટો થયો તમારો દિકરો, આવે જ ને?” જમીન પર જ ઘઉં મોઈ રહેલા અંબાબેને પણ કાયમની જેમજ સૌમિત્રનો પક્ષ લીધો.

પણ સૌમિત્ર મૂંગો જ રહ્યો. તે દિવસે ભૂમિ માટે એ જનકભાઈની વિરુદ્ધ ગયો હતો ત્યાર પછી એ અને જનકભાઈ ભાગ્યે જ એકબીજા સાથે કશું બોલતા. પણ જનકભાઈ સૌમિત્રને ટોકવાનો એકપણ મોકો છોડતા નહીં.

“મોટો થયો એટલે છોકરીઓ ફેરવવાની?” જનકભાઈએ સૌમિત્રને ન ગમતી વાત કહી.

“હાય હાય કેવું બોલો છો તમે તો ભૈશાબ? મારો તમારો જમાનો નથી રહ્યો સાહેબ.” અંબાબેને વાત વાળી.

“હા, એ જ તો તકલીફ છે. ક્યાં જાવ છો કાલે?” જનકભાઈએ સૌમિત્ર ભૂમિને ફોન પર જે કહી રહ્યો હતો તે બરોબર સાંભળી ચૂક્યા હતા એટલે એમને ખબર હતી કે સૌમિત્ર ‘એ છોકરી’ સાથે આવતિકાલે ક્યાંક જવાનું નક્કી કરી ચૂક્યો હતો.

“તમારે બધી પંચાત. વેકેશન છે, મિત્રો સાથે હળેમળે નહીં તો આખો દિવસ ઘરમાં શું કરે?” અંબાબેન સૌમિત્રના ઓફિશિયલ વકીલ હતા.

“હા અને એમ ના કરતા હોય ત્યારે સવાર સાંજ બેટ ટીચવાનું. અમે તો વેકેશનમાં કોઈ કામ શોધી લેતા અને બાપાને બે પૈસાની મદદ કરી આપતા.” જનકભાઈનું લેક્ચર ચાલુ જ હતું.

“તમારા બાપા અંગ્રેજોના પટાવાળા હતા, મારા દિકરાના બાપા ફર્સ્ટક્લાસ ઓફિસર હતા. મારો દિકરો શું કામ એનું વેકેશન બગાડે?” અંબાબેન પાસે જનકભાઈની દલીલ સામેની દલીલો હાજર જ હતી.

“તો છોકરાને બગાડો બીજું શું?” જનકભાઈએ એમનું છેલ્લું હથીયાર વાપર્યું અને કાયમની જેમ ઉપરના માળે પગ પછાડતા જતા રહ્યા.

“પપ્પા કેમ આવા છે મમ્મી?” જનકભાઈના ઉપર ગયા પછી સૌમિત્ર બોલ્યો.

“તું ચિંતા ન કર બટા. હું છું ને?” અંબાબેન હસીને બોલ્યા.

“એમ નહીં, એ આટલા કડવા કેમ છે? હું એમનો દિકરો છું, દુશ્મન નથી. જરાક તો વિશ્વાસ કરે ને મારા પર? હવે તો હું પહેલાની જેમ પોકેટમની સામેથી પણ નથી માંગતો. એ જ દર સોમવારે આપે છે અને મારું સેવિંગ્સ એટલું છે કે એકાદ સોમવારે એ ભૂલી પણ જાય તો પણ હું સામેથી માંગતો નથી.” સૌમિત્ર થોડોક ખિન્ન થઇ ગયો હતો.

“દિકરા એમણે ખુબ ગરીબી જોઈ છે. તારા દાદી એ નાના હતા ત્યાંજ ઉપરવાળાને ત્યાં સિધાવી ગ્યા’તા. તારા દાદા તો તારા પપ્પાને પણ સારા કહેવડાવે એવા એકદમ પેલા દુર્વાસા મુનિ જેવા. એટલે બેટા એમણે જે જોયું હોય એમ જ કરે ને?” અંબાબેને સૌમિત્રને સમજાવવાની કોશિશ કરી.

“હમમ.. પણ સાચું કહું મમ્મી? તે દિવસે હું ભૂમિ માટે સ્કૂટર લઈને એને ઘેરે મુકવા ગયો હતો ને? પછી મને એમની બીક નથી લાગતી.” સૌમિત્રના મોઢા પર સ્મીત હતું.

“હા તે એમાં બીવાનું શું? બાપ છે સાપ થોડો છે? અને તું કોઈ બિચારી છોકરીને મદદ જ કરવાનો હતો ને?” અંબાબેન બોલ્યા.

“હાસ્તો. એને પણ કેટલું સારું લાગ્યું કે હું આટલું મોટું રિસ્ક લઈને પણ એને એના ઘેરે મૂકી આવ્યો.” ભૂમિની વાત નીકળતાં જ સૌમિત્રના ચહેરા પર તેજ આવી ગયું.

“કેટલું હારું લાગ્યું?” અંબાબેન ઘઉં ડબ્બામાંથી લેતાલેતા હસી રહ્યા હતા.

“એટલે?” સૌમિત્ર કન્ફયુઝ થયો, એને અંબાબેનનો સવાલ સમજાયો નહીં.

“એટલે એમ કે એને તું ય હારો નથી લાગી ગ્યો ને એમ પૂછું છું?” અંબાબેન હજીપણ હસી રહ્યા હતા.

“અરે...ના ના, મમ્મી અમે ખાલી ફ્રેન્ડ્સ જ છીએ. કાલે એટલે જ લો ગાર્ડન મળવાના છીએ.” સૌમિત્રને પકડાઈ જવાની બીક લાગી.

“હા શરૂઆતમાં બધાંય આમ જ કે, પછી એક દિવસ અચાનક ધડાકો કરે.” અંબાબેન હસતાંહસતાં બોલ્યા.

“અરે ના મમ્મી શું તું પણ યાર.” સૌમિત્રને હવે આ વાત પૂરી કરવી હતી.

“હા..ઠીક છે ઠીક છે..જુવાની છે, જમાનોય આગળ વધી ગ્યો છે. તારી ખુશીમાં હું ય ખુશ બટા.” સૌમિત્ર સામે જોઇને અંબાબેને તેલવાળા હાથે એના ઓવારણાં લીધા.

==::==

આખરે અગિયારમી મે આવી ગઈ. સૌમિત્ર, ભૂમિ અને સંગીતા અમદાવાદથી ગાંધીનગર વહેલી સવારની બસમાં બેસીને પહોંચી ગયા. વ્રજેશ એમને પથિકાશ્રમ લેવા આવ્યો હતો. આ તમામ ત્યાર પછી હિતુદાનના સેક્ટર પાંચમાં આવેલા ઘેરે પહોંચ્યા જ્યાં જબરી ઝાકઝમાળ હતી. આ બધાના ત્યાં પહોચ્યાં પછી બધાને ચા – નાસ્તો આપવામાં આવ્યા. વરરાજાના ખાસ મિત્રો હોવાને લીધે એમને સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળવી જોઈએ એની ખાસ સૂચના ઘરના વડીલોએ ઘરના યુવાનોને આપી જ દીધી હતી અને કાનો જે હિતુદાનના મોટા કાકાનો દિકરો હતો તેને આ ચારેયનું ધ્યાન રાખવાનો ચાર્જ આપી દેવામાં આવ્યો હતો. કાનો હતોય રસપ્રદ માણસ એટલે સૌમિત્ર, ભૂમિ અને વ્રજેશને એની સાથે વાતો કરવાની મજા પડવા લાગી. સંગીતા એના સ્વભાવ મુજબ મૂંગીમૂંગી બેસી રહી. થોડીવારમાં હિતુદાનના પિતા પણ આવ્યા અને ચારેય જણા એમને પગે લાગ્યા. જાનની બસ પણ રેડી હતી. બરોબર મૂરતનો સમય થયો એટલે ગોર મહારાજે હિતુદાનને વિધિ કરવા બહાર બોલાવ્યો અને બીજાબધાને બસમાં બેસવાનું કીધું. સૌમિત્ર અને ભૂમિ પણ બધાની પાછળ પાછળ બસમાં ચડવા જ લાગ્યા હતા કે...

“એ તમે સારેય એમાં કાં સડો?” કાનાએ બૂમ પાડી.

“બધાની ભેગા...” સૌમિત્ર અડધો બસમાં અને અડધો બહાર એવી અવસ્થામાં હતો અને એમ જ એણે જવાબ આપ્યો.

“અરે ઈ તો મને ખબર્ય પડી ગય, પણ આપણે એમાં નથ્ય ઝાવાનું.” કાનાએ સ્પષ્ટતા કરી.

“તો?” ભૂમિ કાના તરફ જોઇને બોલી.

“એ તમારા સારેય હાટુ તો પેસીયલ વ્યવસ્થા સે...હાલો મારી હાઈરે.” આટલું બોલીને કાનો બસની વિરુદ્ધ દિશામાં ચાલવા લાગ્યો.

ચારેય મિત્રો કાનાની પાછળ સુધી થોડે સુધી ચાલ્યા અને ત્યાં કાનો પેલી કેદીઓને લઇ જાય એવી એક વાન પાસે ઉભો રહ્યો.

“આ સે આપણા બધાય હાટુ..હેયને આમાં આપણે પાંસેય ભેળા થયને આમાં ધૂબાકા મારહું.” વાનનો પાછળનો દરવાજો ખોલીને હિતુદાન બોલ્યો.

હિતુદાનના પિતા પોલીસ ખાતામાં હતા અને આથી એમણે હિતુદાનના ખાસ મિત્રો માટે આ ખાસ વ્યસ્થા કરી હતી, કારણકે એમના સગાંઓ સાથે કદાચ આ ‘શહેરીલોકો’ બરોબર સેટ ન થઇ શકે એવી એમની શંકા હતી એટલે એમણે ખાસ પોલીસની વાનમાં ચારેય મિત્રોને અલગથી લઇ જવાનું નક્કી કર્યું હતું. સૌમિત્ર અને વ્રજેશને આ વાનમાં જવાની વાત થોડી ઓડ લાગી, પણ એમની પાસે બીજો કોઈ ઓપ્શન જ નહોતો. પણ ભૂમિ આ નવા વાહનમાં સફર કરવા માટે એકદમ એક્સાઈટેડ હતી અને એ એના ચહેરા પરથી સાફ દેખાઈ આવતું હતું.

“હમ તો તેરે પ્યારકી જેલમેં તેરે ચલે સાજન!” સૌમિત્રના કાન પાસે આવીને ભૂમિ ગણગણી.

પોલીસ વાનમાં જવાનું છે હકીકતને હજી ગળે ઉતારી રહેલો સૌમિત્ર અચાનકજ ભૂમિના આ આક્રમણને સમજી શક્યો નહીં એટલે એણે ભૂમિ સામે આશ્ચર્યથી જોયું. ભૂમિ એની મસ્તીમાં જ હતી એટલે એણે આંખ મારી. સૌમિત્ર ભૂમિની મસ્તી સમજી ગયો અને એણે પણ સામે આંખ મારી. સૌમિત્રના ચહેરા પણ સ્મિત આવી ગયું, એને થયું કે હિતુદાનના લગ્નમાં જવાની સફર બરોબર શરુ થઇ છે.

ગાંધીનગરથી હાપા લગભગ આઠ કલાકની મુસાફરી હતી. પણ વચ્ચે લીમડી પાસે અને રાજકોટ પસાર કર્યા પછી કલાક કલાકના બ્રેક લેવાનો હોવાથી આ સફર દસ કલાકની થઇ જવાની હતી. આખી સફરમાં કાનાનું બોલવું સતત ચાલુ હતું. કાનો એકરીતે હિતુદાનની જ ફોટોકોપી હતો. આ પાંચેયમાં જો કોઈ સૌથી મૂંગું હતું તો તે હતી સંગીતા.

“તે હેં કાનાભાઈ તમારા લગ્ન થઇ ગયા?” ભૂમિએ કાનાને પૂછ્યું.

“ના.. બેના. હજી તો હું બાયરમાં માં જ સું.” કાનો હસતાંહસતાં બોલ્યો.

ભૂમિને અને બાકી બધાને નવાઈ લાગી કારણકે કાનો બારમાં ધોરણમાં હોય એવું લાગતું ન હતું.

“ઓહ, મને એમ કે તમેય હિતુભાઈની જેમ કોલેજમાં હશો.” ભૂમિ કન્ફર્મ કરવા માંગતી હતી.

“હા તે હું ને હિતલો એક હરખા જ, પણ ઈ તમારી હાયરે કોલેઝના બીજા વરહમાં સે ને હું હજી બાયરમાં જ સું સેલ્લા ત્રણ વરહથી, અટલે હઝી હું લગન માઈટે નાનો કે’વાવ.” કાનાના ચહેરા પર હાસ્ય હતું.

ભૂમિ, સૌમિત્ર અને વ્રજેશ કાનાના ભોળપણથી ભરપૂર મજાકથી હસી પડ્યા, સંગીતાના મોઢા પર સ્મિત હતું જેની સૌમિત્રએ નોંધ લીધી.

“પણ હિતુભાયની જેમ રિવાજ પ્રમાણે તમારાં પણ નાનપણમાં જ લગન નક્કી થઇ ગયા હશે ને?” ભૂમિએ વાત આગળ વધારી.

“હકનને...થ્યા’તાં ને! પણ ઈ દોઢેક વરહ પેલાં દેવ થય ગય.” કાનો બારીની બહાર જોઇને બોલ્યો.

“ઓહ, આઈ એમ સોરી.” ભૂમિને આઘાત લાગ્યો. સૌમિત્ર અને વ્રજેશ પણ એકબીજાની સામે જોવા લાગ્યા.

“ના.. એમાં તમે હુંકામ સોરી થાવ સો... ઓલો ઉપરવારો એને લય ગ્યો તોય કાંય નો બોલ્યો.” કાનાની આંખ હવે ભરાઈ ગઈ હતી.

“સોરી, તમે રડો નહીં. મારો ઈરાદો...” ભૂમિને હવે દુઃખ થયું કે એણે ક્યાં આ વાત ઉપાડી?

“કાના તમે રડો નહીં. આપણેય શું કરીએ?” સૌમિત્ર ઉઠીને કાનાની બાજુમાં બેઠો અને એના ખભે હાથ મૂકી દીધો.

“પણ ઈને તો ખબર્ય પડે ને કે એકાબીજાને બવ પ્રેમ કરતાં હોય ઈને આમ હેરાન નો કરાય?” કાનાની આંખ લાલ થઇ ગઈ હતી.

“તમે એમને મળ્યા હતા?” કાનાની વાત સાંભળીને ભૂમિથી ન રહેવાયું કારણકે હિતુદાન એની થનાર પત્નીને ક્યારેય નહોતો મળ્યો એવું એણે ભૂમિને એકવાર કહ્યું હતું.

“હકનને. મારા બાપા કાંય હિતલાના બાપા ઝેવા કડક નય. એના બાપાય એવાજ સે. ઈ મારા ગામની. અમે રોઝ મળતાં.” કાનાએ જવાબ આપ્યો.

“તો તો તમને એની યાદ આવે જ, કોઈ સવાલ નથી.” ભૂમિ બોલી.

“યાદ? મારા માથાના વાર થી પગના અંગૂઠા હુધીન હંધુય ઈ ઝ સે. હવે બેના તમેજ ક્યો, મને હવે લગન કરવાનું મન થાય? હંધાય મને રોઝ કીયે સે કે રાઝલને ભૂલી ઝા...પણ એમ કરું તો ઈ મિનિટે હું ય એની પાંહે જતો રવ, તો મારી માડી ને બાપાને કોણ હાસવે?” કાનો તેના આંસુ લૂછતાં બોલ્યો.

કાના ની વાત સાંભળીને સૌમિત્ર અને ભૂમિ એકબીજા સામે જોઈ રહ્યા. એ બંનેને ખ્યાલ આવી ગયો હતો કે પ્રેમની ડગર એટલી સરળ નથી. કાના ના પ્રેમ પ્રત્યે બંને ને ખુબ માન થઇ ગયું.

==::==

સાંજે લગભગ સાત વાગ્યે અંતે જાન હાપા પહોંચી. ગામના પાદરે જ જાનનું સામૈયું કરવામાં આવ્યું. કાનાના શબ્દોમાં સૌમિત્ર, ભૂમિ, વ્રજેશ અને સંગીતા જેવા ‘શહેરના લોકો’ને આ બધું જોવાની ખુબ મજા આવી. સામૈયું પત્યા પછી એમને ગામમાં લઇ જવામાં આવ્યા. આમતો હાપા એક નાનકડું ગામ હતું, પરંતુ હજી થોડા વર્ષ અગાઉ સુધી જામનગર ટ્રેઈનમાં જવા માટે તે છેલ્લું સ્ટેશન હતું એટલે એનું મહત્ત્વ ઘણું હતું. વેવાઈને ઘેર પણ હિતુદાનના મિત્રો અંગેનો સંદેશો પહોંચી ગયો હશે એટલે એમના માટે બધાના ઉતારા કરતા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. વેવાઈએ એક આખું ઘર જ એમને આપી દીધું હતું. કાનાની ડ્યુટી અહીં પણ ચાલુ રહી હતી, પણ હવે તે આ ચારેયનો મિત્ર બની ગયો હતો.

રાત્રે દસ-સાડા દસ વાગ્યે લગ્નની વિધિ શરુ થઇ કે તરતજ બધાને જમાડવાનું શરુ થઇ ગયું. વરરાજાના મિત્રોને આમ બધાની સાથે પણ ટેબલ ખુરશી પર જમાડવાનું નક્કી કર્યું હતું, પણ હવે સૌમિત્ર, ભૂમિ અને વ્રજેશને આ સ્પેશિયલ ટ્રીટમેન્ટ ગમતી નહોતી. એમને બીજા લોકો સાથે ભળી જવું હતું એટલે એમણે કાનાને સમજાવ્યો અને બધાની સાથે જ જમવા બેઠા.

“હવે તારો શું પ્રોગ્રામ?” જમીને એક ખાટલા ઉપર બેસતાં વ્રજેશે સૌમિત્રને પૂછ્યું.

“શું?” સૌમિત્રને ખ્યાલ ન આવ્યો કે વ્રજેશ એને શું પૂછી રહ્યો છે.

“અહીંયા તું ગઢવીના લગ્ન માટે આવ્યો છે કે ભૂમિ સાથે સમય ગાળવા?” વ્રજેશે બીજો સવાલ કર્યો.

“બેય..” સૌમિત્ર હસ્યો.

“તો પછી મારી જોડે શુંકામ બેઠો છે? ઉપડી જ એને લઈને ક્યાંક.” વ્રજેશ બોલ્યો.

“અરે પણ એમ કેવીરીતે? ક્યાં?” સૌમિત્ર ઓસંખાયો.

“હાથ પકડીને. આપણો ઉતારો ખાલી જ છે. વિધિ હજી ત્રણેક કલાક ચાલશે.” વ્રજેશે આઈડિયા આપ્યો.

“અરે પણ પેલી સંગીતા...” સૌમિત્રને એનું મુખ્ય ભયસ્થાન દેખાયું.

“એને હું સાંભળી લઉં છું ને? તું સરક અહીંથી ભૂમિને લઇને.” વ્રજેશના અવાજમાં હવે કડકાઈ હતી.

“એટલે તારે સંગીતા સાથે સેટિંગ કરવું છે એમને?” સૌમિત્રએ આંખ મારી.

“જતો હોય તો જા ને યાર?” વ્રજેશે સૌમિત્રને ધક્કો માર્યો.

સૌમિત્ર વિધિમાં ચોરીની બાજુમાં મહિલાઓ સાથે બેઠેલી ભૂમિ તરફ ગયો અને એને ઈશારો કર્યો. લાલ બાંધણીવાળી ચણીયા-ચોળીમાં ભૂમિ ખુબ સુંદર લાગતી હતી. ભૂમિએ પણ સામેથી શું કામ છે એવો ઈશારો કર્યો. સૌમિત્રએ ફરીથી ભૂમિને પાસે આવવાનો ઈશારો કર્યો. ભૂમિ ઉભી થઈને સૌમિત્ર પાસે આવી.

“શું થયું?” સૌમિત્ર પાસે આવતાંવેંત ભૂમિ બોલી.

“આપણે ખાલી ગઢવીના લગ્ન જોવા આવ્યા છીએ?” સૌમિત્ર ધીરેક થી બોલ્યો.

ભૂમિ સમજી ગઈ અને હસવા લાગી. સૌમિત્ર એ આંખના ઈશારે એને પોતાની પાછળ આવવાનું કીધું અને પછી બંને લગ્નના સ્થળથી થોડે જ દુર એમના ખાસ ઉતારે આવી ગયા. બારણાને ફક્ત કડી જ મારી હતી એટલે બંનેને અંદર જવામાં કોઈ તકલીફ ન પડી. સૌમિત્રએ બારણું અટકાવી દીધું પણ બંધ ન કર્યું, ક્યાંક કોઈક આવી ચડે તો એને શંકા ન જાય એટલા માટે.

“ખરેખર, કાના ભાઈની વાત સાંભળીને મને તો ખૂબ રડવું આવી ગયું મિત્ર.” રૂમમાં મુકવામાં આવેલા ખાટલા પર બેસતાંની સાથે જ ભૂમિએ વાત શરુ કરી.

“મને તો એના પ્રેમને સલામ કરવાનું મન થાય છે. એ રાજલભાભીને ભૂલી શક્યો નથી.” સૌમિત્રએ પણ બેસીને ભૂમિનો હાથ પોતાના હાથમાં લેતા કહ્યું.

“ભાભી? એ બંને ક્યાં પરણ્યા હતા?” ભૂમિને આશ્ચર્ય થયું.

“કાનાનો પ્રેમ એવો છે ને ભૂમિ કે એ તો રાજલભાભીને મનમાં તો પરણી જ ચૂક્યો છે. હવે એ એની જગ્યાએ બીજી કોઈને જોઈ નહીં શકે. એટલે આપણા બધા માટે તો એ ભાભી જ થયાને?” સૌમિત્રના ચહેરા પર સ્મિત હતું.

“પ્રેમ કરવો સહેલો છે મિત્ર, પણ નિભાવવો આવું મેં વાચ્યું છે પણ જોયું... આપણી સાથે ક્યાંક આવું થશે તો? મને તો બીક લાગે છે.” ભૂમિ બોલી.

“શું યાર તું બી? એવું ના બોલ.” સૌમિત્ર સહેજ ખીજાયો.

“હું મરવાની વાત નથી કરતી, કદાચ એવું કશુંક થાય અને આપણે છૂટા..” ભૂમિની આંખો સહેજ ભીંજાઈ.

“કશું જ નહીં થાય. અને આપણે આ બધી વાતો કરવા છેક અમદાવાદથી આવ્યા છીએ?” સૌમિત્ર હવે સહેજ વઢવાના અંદાજમાં બોલ્યો.

“તો શું કરવા આવ્યા છીએ?” ભૂમિના ચહેરા પર તોફાન પરત આવ્યું.

“તું જેની ના પાડીશ એ બધું.” સૌમિત્રએ આંખ મારી.

“અને હા પાડું તો?” ભૂમિનું તોફાન ચાલુ જ હતું.

“તો પણ હું લિમીટ ક્રોસ નહીં કરું ભૂમિ. મેં તને એટલા માટે પ્રેમ નથી કર્યો.” સૌમિત્રએ ભૂમિના બંને હાથ પોતાના હાથમાં લઈને દબાવ્યા.

“હમમ..” ભૂમિ સૌમિત્ર સામે ટગર ટગર જોઈ રહી, એને સૌમિત્ર થોડીક છૂટછાટ લે તો વાંધો ન હતો.

“પણ, ખોટું નહીં કહું, મારે એક અનુભવ તો લેવો જ છે, તું જ્યારે પણ કમ્ફર્ટેબલ ફીલ કરે ત્યારે.” સૌમિત્ર ભૂમિની આંખમાં આંખ નાખીને સહેજ ધીરા અવાજે બોલ્યો.

“કઈ?” ભૂમિની ઉત્કંઠા વધી ગઈ, એને હવે સૌમિત્રના સ્પર્શની ઈચ્છા થઇ આવી હતી.

“મારે કિસનો અનુભવ કરવો છે. સાંભળ્યું છે કે જો બંને વ્યક્તિ એકબીજાને ખુબ પ્રેમ કરતા હોય, તો કિસ એ ઈશ્વરના આશિર્વાદ મળતા હોય એવો અનુભવ કરાવે?” સૌમિત્ર સહેજ ખચકાટ સાથે બોલ્યો.

“આપણે પણ એકબીજાને ખુબ પ્રેમ કરીએ છીએ ને મિત્ર?” ભૂમિએ હવે સૌમિત્રના ડાબા હાથની કોણીથી ઉપરનો ભાગ પકડી લીધો.

સૌમિત્ર ભૂમિની સામે જોઈ રહ્યો. ભૂમિની પકડ મજબૂત થઇ રહી હતી. બંને એકબીજા સામે જોઈ રહ્યા હતા. બંનેને ખબર હતી કે તેમને શું જોઈએ છીએ, પણ તેને શબ્દો સાથે કે ક્રિયા સાથે વ્યક્ત કરી શકતા ન હતા.

“બારણું ખાલી અટકાવેલું જ છે.” સૌમિત્રના અવાજમાં ધ્રુજારી હતી.

“આખું ગામ ત્યાં જ છે મિત્ર...કોઈ નહીં આવે.” ભૂમિ બોલી.

સૌમિત્રનું ગળું હવે સુકાવા લાગ્યું. ભૂમિ સૌમિત્રના હાથને ઉપરથી નીચે પસવારી રહી હતી. ધીરેધીરે બંને એકબીજાની નજીક આવ્યા.

“એ લાઈટ ગય......” અચાનક જ રૂમમાં અંધારું છવાઈ ગયું અને બહાર કોઈની બૂમ સંભળાઈ.

સૌમિત્ર અને ભૂમિ એકબીજાને વળગી પડ્યા. સૌમિત્રએ પાછલી બારીમાંથી આવતા પૂર્ણ ચંદ્રના પ્રકાશમાં ભૂમિનો ચહેરો જોયો અને તેને પોતાની બંને હથેળીઓમાં સમાવી દીધો. પોતાના ગાલ પર સૌમિત્રનો સ્પર્શ થતાં જ ભૂમિની આંખો આપોઆપ બંધ થઇ ગઈ અને એના હોઠ અડધા ખુલ્લા થઇ ગયા. સૌમિત્રને એમાં આમંત્રણ દેખાયું અને એણે પોતાનો ચહેરો ભૂમિના ચહેરાની એકદમ નજીક લાવી દીધો. બંનેના ગરમ શ્વાસ એકબીજાના શ્વાસ સાથે અથડાઈ રહ્યા હતા. બંને એકબીજાના ધબકારા સાંભળી શકતા હતા. સૌમિત્ર અને ભૂમિના હોઠ વચ્ચે હવે કહેવાપુરતું જ અંતર હતું.

સૌમિત્ર એ પોતાના હોઠ ખોલ્યા અને એને ભૂમિના હોઠ ની એકદમ નજીક લઇ ગયો....

-: પ્રકરણ આઠ સમાપ્ત :-