કામસૂત્ર : અધિકરણ -૧ (સાધારણ) Kandarp Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કામસૂત્ર : અધિકરણ -૧ (સાધારણ)

કંદર્પ પટેલ

+919687515557

Work @Navajivan Trust

વાત્સ્યાયનરચિત

કામસૂત્ર

અધિકરણ-૧

(સાધારણ)

વાત્સ્યાયન મુનિના

મૂળ સંસ્કૃત ગ્રંથ ‘કામસૂત્ર’ પરથી

શ્રી યશોધર જયમંગલા ટીકા

‘કામસૂત્ર’ ગ્રંથનું આયુષ્ય કેટલું?

જ્યાં સુધી ઓષ્ટો (હોઠો) વડે ચુંબનકાર્ય અને નેત્રો દ્વારા દર્શનકાર્ય થયા કરશે ત્યાં સુધી આ ગ્રંથ જીવતો રહેશે.

ધર્મ, અર્થ અને કામ ને નમસ્કાર હો!

બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચાર વર્ણ તથા બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસી - આ ચાર આશ્રમો છે. એમના બધા મોક્ષ ઇચ્છતા નથી તેથી જ ધર્મ, અર્થ અને કામ જ પરમ પુરુષાર્થ છે.

સંસારના સર્વોત્તમ પદાર્થોમાં આ ત્રણની ગણના કરવામાં આવે છે. જે માનવી આ ત્રણ નું યથાર્થ પાલન કરે છે તે સંસારયાત્રા માં વિજયી નીવડે છે. આ વ્યક્તિ જ આલોક તેમજ પરલોક માં સુખી થાય છે.

શ્રી વાત્સ્યાયન મહર્ષિ કહે છે કે, આ ગ્રંથની રચનામાં એ દરેક આચાર્યોના ગ્રંથોનો આધાર લેવાયેલો છે જેમણે ધર્મ, અર્થ અને કામ શાસ્ત્રની રચના કરી છે. એટલે જ અહીં જે નમસ્કાર કહેવામાં આવ્યા છે એ તેમના પ્રતિ કૃતજ્ઞતા, ધન્યવાદ અને આદરભાવ પ્રદર્શિત કરવા માટે જ છે.

પ્રજાપતિએ પ્રજા ઉત્પન્ન કરી તેના જીવનને ક્રમપૂર્વક ચલાવવા માટે તથા તેમના ધર્મ, અર્થ અને કામની સિદ્ધિને માટે સૌ પ્રથમ એક અધ્યાયમાં કામસૂત્રની રચના કરી.

આ શાસ્ત્રના ધર્મ વિષયક અંગને બ્રહ્માના પુત્ર મનુએ અલગ કરી લીધું અને તેની નવી જુદી રચના કરી. આ રચનાને માનવધર્મશાસ્ત્ર કહે છે. આ માનવધર્મશાસ્ત્ર તે જ મનુસ્મૃતિ.

બૃહસ્પતિએ અર્થશાસ્ત્ર બનાવ્યું.

મહાદેવના અનુચર નંદીએ એક હજાર અધ્યાયમાં કામસૂત્રને પૃથક કર્યું.

નંદીએ રચેલા આ કામસૂત્રને ઉદ્દાલકના પુત્ર શ્વેતકેતુએ પાંચસો અધ્યાયમાં સંક્ષિપ્ત કરી એક અલગ જ કામસૂત્ર લખ્યું.

છેવટે, પંચાલ દેશવાસી બભ્રુના પુત્ર બાભ્રવ્ય એ શ્વેતકેતુના સક્ષિપ્ત શાસ્ત્રને દોઢસો અધ્યાયમાં રચી-

૧. સાધારણ

૨. સામ્પ્રયોગિક

૩. કન્યાસમ્પ્ર્યુક્તક

૪. પારદારિક

૫. ભાર્યાધિકારિક

૬. વૈશિક

૭. ઔપનિષદિક

આ સાત અધિકરણોમાં વિભક્ત કરી સંક્ષિપ્ત કર્યું.

આ પ્રકારે જોતા આ શાસ્ત્રમાં કુલ

૩૬ અધ્યાય

૬૪ પ્રકરણ

૭ અધિકરણ અને

૧૨૫૦ શ્લોક છે.


અધિકરણ – ૧

સાધારણ

આચાર્ય શ્રી વાત્સ્યાયન મુનિ કહે છે કે,

સો વર્ષ સુધી આયુષ્ય ભોગવનારા મનુષ્યોએ પોતાનું જીવન ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વચ્ચે વિભક્ત કરી નાખવું જોઈએ. પોતાના જ વર્ણવાળી અને શુદ્ધ આચરણ ધરાવતી કુમારી સાથે લગ્ન કરવાથી ધર્મનું રક્ષણ થાય છે તેમજ કામની પણ સિદ્ધિ થાય છે. અવ લગ્ન આવકારદાયક અને શ્રેષ્ઠ છે. સવર્ણ કન્યાની સાથે વિધિપૂર્વકના વિવાહથી સુખની પ્રાપ્તિ થાય છે. અસવર્ણ, વિધવા, પરસ્ત્રી તથા વેશ્યાના સહવાસથી કામની તૃપ્તિ તો થાય છે, પરંતુ ધર્મ તથા અર્થનો નાશ થાય છે.

  • જીવનની ત્રણ અવસ્થા:
  • ૧. બાલ્યાવસ્થા

    ૨. યુવાવસ્થા

    ૩. વૃદ્ધાવસ્થા

    બાલ્યાવસ્થામાં બ્રહ્મચર્ય ધારણ કરી વિદ્યાનું અધ્યયન કરવું.

    યુવાવસ્થામાં અર્થ અને કામનો સંચય કરવો અને તેનો ઉપભોગ કરવો.

    વૃદ્ધાવસ્થામાં ધર્મ અને મોક્ષપ્રાપ્તિ માટે આચરણ કરવું.

    ધર્મ એટલે શું? – શાસ્ત્રના નિયમોનું યોગ્ય આચરણ કરવું તેને ધર્મ કહે છે.

    અર્થ એટલે શું? – વિદ્યા, જમીન, સોનું, પશુ, અનાજ રહેઠાણ, વસ્ત્રો તેમ જ મિત્રોને ધર્મપૂર્વક પ્રાપ્ત કરી તેની વૃદ્ધિ કરવી એ જ અર્થ.

    કામ એટલે શું? – આત્માથી સંયુક્ત, મનથી સંયુક્ત, મનથી અધિષ્ઠિત તેવા કાન, ત્વચા, ચક્ષુ, જીભ, નાક (પાંચ ઇન્દ્રિયો) ઈચ્છાનુકૂળ બની પોતપોતાના કાર્યમાં પરોવાઈ જય તે પ્રવૃતિને કામ કહે છે.

    મનમાં કામનો વેગ ઉદ્ભવે છે. કાનમાં મધુર સ્વરોની લાલસા જાગે છે. જીભને સ્વાદિષ્ટ ભોજનની તલપ જાગે છે. આંખને સુંદર રૂપ જોવાની ઈચ્છા થાય છે. ત્વચાને સ્પર્શ-સુખ ભોગવવાની સંવેદના થાય છે.

    કામરસ બે પ્રકારે ઉત્પન્ન થઇ શકે : સામાન્ય કામ અને વિશેષ કામ

  • સામાન્ય કામ : શબ્દ, સ્પર્શ, રૂપ, રસ તથા ગંધ. આ પાંચ વિષયોને લીધે મનમાં ઉત્પન્ન થતા ભાવને જયારે ચિંતાનું આભૂષણ ચડે ત્યારે મન તે વિષયમાં વિચારવા માટે પ્રવૃત્ત બની જાય છે. બળપૂર્વક તે વિષય વિષે વિચારવા માટે આસક્ત બની જવાય છે. જયારે આત્મા પણ આ વિષયમાં આસક્ત બનીને પ્રવૃત્ત બને છે ત્યારે તેની આ અસક્તિને ‘કામ’ તરીકે ઓળખવામાં આવે છે. આત્માને આમ કરતા જે સુખ મળે છે તે ‘સામાન્ય કામ’ કહેવામાં આવે છે.
  • વિશેષ કામ : જયારે રૂપ, રંગ, ગંધ આદિની સાથે આલિંગન, ચુંબનથી સંયુક્ત બની સ્ત્રી-પુરુષના વિશેષ અંગોનો સ્પર્શ થાય અને તે વીર્ય-સ્ખલન સુધી પહોંચે તે સુખને પ્રધાન કામ કહે છે. સ્ત્રી-પુરુષના સંયોગ વિના સામાન્ય કે વિશેષ કામની ઉત્પત્તિ થઇ શકતી નથી.
  • ભૂષણ, લેપન અને માળા આદિને ધારણ કરવું તે આયતન સમ્પ્રયોગ છે. સંગીત, નૃત્ય, દ્રશ્યો, કોમળ સ્પર્શ, જીભને સ્વાદિષ્ટ ભોજન અને નાસિકાને સુગંધી પદાર્થો વગેરેની પ્રાપ્તિ થાય તેને કામના અંગોની સાથેનો સંપ્રયોગ કહ્યો છે.

    વાત્સ્યાયન મહર્ષિનું કહેવું છે કે,

    રાજાઓને માટે અર્થ-ધર્મ અને કામથી વિશેષ જરૂરી છે.

    વેશ્યાઓને માટે ધન અને કામ-ધર્મથી અધિક છે.

    કામ એ શાંત અને મઘ્યમ અવસ્થામાં પ્રસંશનીય છે. પણ જયારે એ વિકૃત બને છે ત્યારે એ ધિક્કારવા યોગ્ય છે. વિકૃત કામ માણસમાં પ્રમાદ, અપમાન, લાંછન અને અવિશ્વાસ ઉત્પન્ન કરાવે છે.

    ઇન્દ્ર અહલ્યા સાથે, કીચક દ્રોપદી સાથે, રાવણ સીતા સાથે વિષયવાસનામાં લલચાઈને નાશ પામ્યા હતા.

    જાતીય જ્ઞાનના વિશ્વવિખ્યાત તેવા હેવલોક એલિસ કામસૂત્રના રચયિતા વાત્સ્યાયનને કામકાલાની વિદ્યાના અઠંગ અભ્યાસુ તરીકે સ્વીકારે છે અને કહે છે કે, મુનિ વાત્સ્યાયન કામસૂત્રના મહાન અભ્યાસુ ગણી શકાય.


    કામસૂત્ર કોણ જાણી શકે?

    આચાર્ય વાત્સ્યાયન કહે છે કે,

    ધર્મવિદ્યા, અર્થવિદ્યા તથા બીજી વિદ્યાઓના અધ્યયન સાથે થોડો સમય કાઢીને કામસૂત્ર તેમજ તેની અંગવિદ્યાનો પણ અભ્યાસ કરવો જરૂરી છે.

    સ્ત્રીઓ એ કામસૂત્ર જાણવું જરૂરી છે.

    અપરિણીત યુવતી યુવાનીના સમય પહેલા પોતાના પિતાને ઘેર જ સંગીત, ચિત્ર, આદિ વિદ્યા શીખે છે અને તે પછી લગ્ન બાદ પતિની સંમતિ લઇ કામસૂત્રનું અધ્યયન કરે. આવું પહેલાના સમયમાં થતું હતું.

    સ્ત્રીઓમાં કામસૂત્ર વાંચવાથી ક્રિયાત્મક શિક્ષણ પણ આવે છે તેથી તેમને પણ આ ભણાવવું જોઈએ. તેથી વિશ્વાસપાત્ર સ્ત્રી કોઈ અન્ય સહેલી દ્વારા ગુપ્ત જગ્યાએ સમસ્ત શાસ્રોના દરેક પ્રયોગોને પોતાના પિતાના ઘરે જ શીખે.

    કામભવન વિશાલ, સુંદર, સારી રીતે સફેદ રંગથી સજેલું, ચિત્રોથી શણગારેલું, વિશાલ ચોક ધરાવતું, ધૂપ – સુખડ - અને પુષ્પોથી સુવાસિત, સંગીતના સાધનોની હાજરી ધરાવતું, દીવાથી પ્રકાશિત હોવું જોઈએ. આવા સ્થાનમાં નિ:શંક બનીને પોતાના પ્રિયપાત્ર સાથે ઇચ્છાનુસાર કામક્રીડા કરવી જોઈએ.


    ગૃહનિર્માણ અને શય્યારચના

    વિદ્યાભ્યાસ પૂર્ણ થયા પછી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર એ ચારેય વર્ણના પુરુષોએ દાન, વિજય, ચાકરી કે વ્યાપાર કરીને ધન પ્રાપ્ત કરવું જરૂરી છે. ત્યારબાદ કોઈ કન્યા સાથે લગ્ન કરીને તેની સાથે ગૃહસ્થાશ્રમ માંડવો અને પુરુષની જેમ આચરણ કરવું.

  • ઘર કેવું હોવું જોઈએ?
  • ગૃહસ્થનું ઘર કેવું હોવું જોઈએ તેનો ઉલ્લેખ પણ વાત્સ્યાયન આચાર્ય કરે છે.

    જે શહેર કે ગામમાં રહેતા હોઈએ તેની નજીક નદી, તળાવ કે સમુદ્ર પાસે રાખવું. પ્રત્યેક કાર્યને માટે અલગ-અલગ ઓરડાની રચના કરવી. શયનગૃહ માટે બે અલગ ઓરડા રાખવા જોઈએ.

    *****

    બહારના શયનગૃહમાં મુલાયમ અને સુગંધિત શય્યા રચાવી જોઈએ. બંને છેડે નરમ તકિયા ગોઠવીને તેને એક તરફ ઝુકેલી રાખવી. શૈયા પર સફેદ ચાદર બિછાવવી. તેની બાજુમાં જ રતિક્રીડા માટે અલગ પલંગ લગાવવો.

    શાસ્ત્રકારોના મત મુજબ નિદ્રા અને રતિ માટે અલગ-અલગ શૈયા હોવી જરૂરી છે. એક જ શૈયા પર રાત્રે શયન અને ક્રીડા કરી શકાય નહિ. પવિત્ર નિદ્રા માટે ક્રીડા કરેલી શૈયા તદ્દન નકામી અને અપવિત્ર ગણાય છે. મુખ્ય શૈયાના મસ્તક તરફના ભાગ આગળ એક નાની વેદિકા રાખવી જોઈએ. આ વેદિકા પર રાત્રીના ઉપભોગ પછી બચેલું ચંદન, લેપન, પુષ્પમાળા, સુગંધી પાત્ર, પાન વગેરે વસ્તુઓ મુકવી જોઈએ. આ દરેક વસ્તુઓ કામક્રીડાને ઉત્તેજન આપનારી છે. શૈયાની પાસે જમીન પર થૂકદાની, ખૂંટી પર લગાવેલ વીણા, ચિત્રોથી સજ્જ દીવાલ, કલમ, પીંછી, રંગ વગેરે દોરવાની સામગ્રી હોવી જોઈએ. કોઈ વિનોદાત્મક પુસ્તક અને કુરંટક પુષ્પની માળા કે જે આલિંગન – ચુંબન જેવી સ્પર્શક્રિયા કરવા છતાં કરમાતી કે કચડતી નથી. આ બધી વસ્તુ વેદિકા કે શૈયા પર ન હોવી જોઈએ. પરંતુ, તેની પાસે નીચે જમીન પર મુકવી જોઈએ. શૈયાની પાસે એક ગોળ આસન બિછાવવું અને તેના પર એક સુંદર તકિયો મુકવો. આસનની બાજુમાં જુગાર-પાસા આદિ રમવાના સાધનો મૂકવા.

    ઉદ્યાનની રચના :

    શયનગૃહની બહાર પક્ષીઓ જેવા કે મેના-પોપટ વગેરેના પાંજરા ટાંગવા અને એકાંત સ્થળે એક બગીચાની વ્યવસ્થા કરવી. આ બગીચામાં પતિ-પત્નીએ નિદ્રાના સમય પહેલા ટહેલવું. વિનોદ કરવો અને એકબીજાનો પ્રેમ વધે તેવી ચર્ચાઓ કરવી.

    ઉદ્યાનમાં એક એવા હિંચકાની વ્યવસ્થા કરવી જેના ઉપર લતાઓ-વૃક્ષોની છાયા બિછાવાઈ હોય. સુંદર પુષ્પો ઝુલાની આસપાસ અને ઉપર મહેકી રહ્યા હોય. આ ઝૂલા પર બેસીને પતિ-પત્નીએ વિનોદ કરવો. તેની બાજુમાં જ એક નાનકડી શૈયા બનાવવી જેના પર પુષ્પો ફેલાયેલા હોય. દરેક પ્રકારના ઉપભોગની સામગ્રી રાખવી. ગૃહસ્થ જીવનની ખરી મજા આવી ગૃહ રચના અને શૈયારચના વડે જ મળે છે.


    સ્ત્રી-પુરુષની દિનચર્યા

    પ્રાત:કાલે ઉઠી શૌચક્રિયાથી નિવૃત્ત બની, દાતણ કરી, ચંદન અને કેસરનો લેપ લગાવી પુષ્પમાળા પહેરી પોતાના હોઠ લાલ રાખવા. તેના પર મીણ ઘસી, અરીસામાં ચહેરો જોઈ, પાન અને સુગંધની ગોળી ખાઈ, ધર્મ – અર્થ – કામના કાર્યમાં લાગી જવું. નિત્ય સ્નાન કરવું, દર બીજા દિવસે દરેક અંગ મસળાવવું, દર ત્રીજે દિવસે ફીણ લગાવવા, દર ચોથે અને પાંચમે દિવસે ગુહ્ય સ્થાન પરના વાળ કાપવા. આ દરેક નાગરિકના નૈતિક ધર્મ છે. દરેક નાગરિકે પોતાની બગલમાં થતા પસીનાને હંમેશા લૂછતાં રહેવું.

    બીજા પ્રહરની પહેલા અને સાંજના સમયે ભોજન કરવું જોઈએ. તેમજ રાત્રિના હળવું ભોજન લેવું જરૂરી છે.

    ભોજન લીધા પછી થોડો સમય વિનોદમાં પસાર કરવો જોઈએ. સંધ્યા સમયે નૃત્ય કે મનોરંજનના અન્ય સાધનો વડે આનંદ મેળવવો. ત્યારબાદ નાગરિકે પોતાના ક્રીડાંગણને સજાવવું. પોતાની પત્નીને ઘરનું કામ આટોપીને પોતાની પાસે બોલાવવી. પોતાના મિત્રસાથીઓને પણ માન આપીને બેસાડવા. પત્નીનો શૃંગાર અસ્તવ્યસ્ત થઇ ગયો હોય, વસ્ત્રો અને અલંકારો પોતાની જગ્યાથી ખસી ગયા હોય તથા ફૂલમાળા કરમાઈ ગઈ હોય ત્યારે તેને પતિએ નવીન વસ્ત્ર અને આભૂષણથી સજ્જ કરવી. શૃંગારની સામગ્રી પોતાના મિત્રો દ્વારા તૈયાર કરાવવી. આ દરેક બાબતો સામાન્ય નાગરિકના કર્તવ્યમાં આવે છે.

    પોતાની જેટલી જ સમાન વયના મિત્રો સાથે કે પરિચિતોની સાથે દેવદર્શન કે યાત્રા માટે જવું. કવિઓ, શાસ્ત્રીઓ ક પંડિતો સાથે ચર્ચા કરવી. મદિરા આદિ માદક પદાર્થોનું સેવન કરવું. બાગ-બગીચાની સહેલ કરવી. દર પંદર દિવસે કે પ્રતિ મહિને કોઈ નક્કી કરેલા સરસ્વતી મંદિરમાં જવું. ત્યાં જઈને હાસ્યવિનોદ, ખેલ-ગમ્મત કરીને સામાજિકતાનો આનંદ લૂંટવો.

    વેશ્યાઓને ઘરે, સભામાં અથવા અંદર અંદર એકબીજાની બેઠકમાં વિદ્યા, બુદ્ધિ, શીલ, ધન અને અવસ્થામાં સરખા હોય તેવાની સાથે મળીને બેસવું. સાથે વેશ્યાઓને બેસાડીને ભેગા મળીને વિનોદાત્મક વાતાવરણ ઉભું કરવું તેનું નામ ગોષ્ઠી. તેનો મુખ્ય ઉદ્દેશ મનોરંજન છે. જો વેશ્યાઓ કે નાયિકાઓ ન હોય તો પોતાના નાગરિકો અને સખીઓની સાથે મળીને વિનોદમાં પોતાનો સમય પસાર કરવો.

  • ધનહીન એકલો પુરુષ, જેની પાસે મલ્લિકા હોય. અલગ-અલગ વસ્ત્રો હોય અને પ્રસિદ્ધ દેશમાંથી આવેલો હોય તે વ્યક્તિ કોઈ સભા કે ઉત્સવોમાં જઈને લોકોનું મનોરંજન કરે અને પૈસા કમાય તેને ‘પીઠમર્દ’ કહેવાય.
  • જે પુરુષે સુખ ભોગવ્યું હોય, જે ગુણી હોય, જેની સ્ત્રી જીવતી હોય તથા વેશ્યાઓ અને રસિક સમાજમાં જેનું આદરમાન હોય એ પુરુષ અન્ય વિલાસી પુરુષોની સેવા કરીને પોતાની આજીવિકા કમાય તેને ‘વિટ’ કહે છે.
  • જે પુરુષ ૬૪ મૂળ કલાઓમાં સંગીત, નૃત્ય કે કોઈ વિદ્યાનો જાણકાર હોય, જેની પાસે કઈ પણ ન હોય છતાં સર્વસ્વ ભોગવી ચૂક્યો હોય, એકલો હોય, કઈ કમાવાનું સાધન ન હોય તો તે વિદૂષક બનીને વેશ્યાઓ તેમજ વિલાસી પુરુષોનું પ્રિય પાત્ર બની શકે છે. આવો સ્વભાવ ધરાવતા વ્યક્તિને ‘વિદૂષક’ કહે છે.
  • વિદૂષક, પીઠમર્દ અને વિટ ની જેમ ૬૪ મૂળ કલાઓમાં નિપુણ વિધવા, વંધ્ય અને વૃદ્ધ વેશ્યાઓ પણ ભેદ કરાવીને મંત્રીત્વથી પોતાનું જીવન ચલાવે છે. આવી સ્ત્રીઓ કે જેઓ એકબીજામાં લડાઈ કરાવીને પછી સમાધાન કરાવે છે, તેઓને ‘કુટ્ટીનિ’ નામથી ઓળખવામાં આવે છે.
  • આચાર્ય વાત્સ્યાયન કહે છે કે,

    એકદમ સંસ્કૃત કે તદ્દન દેશી ભાષામાં વાર્તાલાપ કરવો યોગ્ય નથી. શુદ્ધ સંસ્કૃત ભાષામાં વાર્તાલાપ કરવામાં આવે તો થોડા જ સમજી શકશે અને જો દેશીભાષામાં ચર્ચા કરવામાં આવે તો લોકો સમજશે કે આ માણસ વિદ્વાન નથી. તેથી હંમેશા વ્યક્તિ એ તેવી ભાષામાં વાર્તાલાપ કરવો જોઈએ કે જેથી વિદ્વાન અને મુર્ખ બંને પ્રસન્ન રહે.

    સમાજની રૂઢિ અનુસાર કામ કરનારો, ગોષ્ઠી-સભાને અનુકૂળ આચરણ કરનારો નિપુણ નાગરિક સંસારમાં દરેક જગ્યાએ સફળતા મેળવે છે.

    *****

    (અધિકરણ – ૧) : સાધારણ પૂર્ણ

    આવતા ખંડ....

    અધિકરણ ૨ : સામ્પ્રયોગિક માં

  • પૂર્વ ક્રીડા ચર્ચા, આલિંગન, ચુંબન, મૈથુન, સિત્કાર, મુખ-મૈથુન, સંભોગનો આરંભ, રાગના પ્રકાર, નખક્ષત, પ્રણયકલહ વગેરે વિષે જોઈશું.
  • +919687515557

    રેટ કરો અને રિવ્યુ આપો

    kinjal Bambharoliya

    kinjal Bambharoliya 3 અઠવાડિયા પહેલા

    Fseslll

    Fseslll 1 માસ પહેલા

    Ayush Thakor

    Ayush Thakor 2 માસ પહેલા

    Solanki Dipak

    Solanki Dipak 2 માસ પહેલા

    Shantilal Prajapati

    Shantilal Prajapati 2 માસ પહેલા