‘Love’ અને ‘પ્રેમ’ વચ્ચેની પાતળી ભેદરેખા
‘Love’ શબ્દોથી વ્યક્ત થાય છે, જયારે પ્રેમ અહેસાસથી વ્યક્ત થાય છે.
વેલેન્ટાઈ ડે એટલે પ્રેમનો એકરાર કરવાનો દિવસ. આ દિવસે પ્રેમનો એકરાર નહિ, પરંતુ અહેસાસ થવો જોઈએ. આજના યુવાધને પ્રેમ જેવા પવિત્ર સંબંધને સાવ નિમ્ન કક્ષાએ પહોચાડી દીધો છે. આજનો યુવાવર્ગ એકબીજાને Love તો કરી શકે છે. પણ સાચો પ્રેમ નથી કરી શકતો કે નથી પામી શકતો. માતાપિતા પેટે પાટા બાંધીને પોતાના સંતાનોને ઉંચ્ચ અભ્યાસ માટે સારી એવી સ્કુલ કોલેજોમાં મોકલે છે.પરંતુ સંતાનો સ્કુલ કોલેજ જવાને બદલે બગીચાઓમાં વધુ જાય છે. આવું કરવાથી સંતાનો માતાપિતાનો વિશ્વાસ તો ગુમાવે જ છે. પણ સાથોસાથ યુવતીઓ પોતાનું સૌથી કીમતી ચરિત્ર પણ ગુમાવે છે.
પ્રેમ કોઈ વ્યક્તિના શરીરને નહિ પણ આત્માને થાય છે.પ્રેમ વ્યક્તિની ખૂબીને નહિ પરંતુ ખામીને થાય છે. પ્રેમ વ્યક્તિની બાહ્ય સુંદરતા નથી જોતો પણ આંતરિક સુંદરતાને અનુભવે છે. પ્રેમ કરવો સહેલો છે. પરંતુ કોઈના પ્રેમને સમજવો એટલો જ મુશ્કેલ છે. પ્રેમ પામવો સહેલો છે પરંતુ તેને જીવનભર ટકાવી રાખવો મુશ્કેલ છે. સુખના દિવસોમાં આપણે પ્રેમને પામીએ છીએ જયારે દુઃખના દિવસોમાં પ્રેમને ઓંળખીએ છીએ. જીવનમાં પ્રેમ કરનાર તો અનેક મળે છે. પણ આપણી લાગણીને સમજનાર અને આપની ખામીને સ્વીકારનાર ભાગ્યે જ કોઈ એક હોય છે.
પ્રેમનો સંબંધ એ લોહીના સંબંધથી અનેકગણો ચડિયાતો છે. જીવનમાં પરિસ્થિતિ ભલે બદલાય પણ સાચો પ્રેમ કદી બદલાતો નથી. સાચો પ્રેમ એ નિરંતર વહેતા પાણીના પ્રવાહ જેવો છે. તે પોતાનો રસ્તો આપોઆપ જ કરી લે છે. વ્યક્તિ જ્યાં પણ સાચો પ્રેમ અનુભવશે ત્યાં આપોઆપ જ તણાતો રહેશે. પ્રેમ અને વિશ્વાસનો સંબંધ એ સાગર અને સરિતાના સંબંધ જેવો ગાઢ છે. જે રીતે સરિતા સાગરમાં ભળીને એક થઇ જાય છે. એ જ રીતે પ્રેમ અને વિશ્વાસ પણ એકબીજામાં ભળીને એક થઇ જાય છે. જ્યાં સાચો પ્રેમ હોય છે ત્યાં વિશ્વાસ આપોઆપ આવી જાય છે. પણ જ્યાં વિશ્વાસ જ નથી હોતો ત્યાં કદી ભવિષ્યમાં પણ સાચો પ્રેમ પાંગરતો નથી. સમાજના લોકો આપણી થોડીગણી પણ મદદ કરશે તો અનેકવાર સંભળાવશે. પણ માત્ર એક પ્રેમ કરનાર વ્યક્તિ જ એવી છે જેને હમેશા આપણી ખૂબી જ દેખાય છે. અને આપણામાં રહેલ ખામીને પણ ખુબીમાં પલટાવી જાણે છે.
જીવનમાં પ્રેમની બુનિયાદ જ નબળી હશે તો જીવનભર એ પ્રેમને ટકાવી રાખવો મુશ્કેલ બની જાય છે. દરેક સંબંધનું એક સત્ય હોય છે. બે વ્યક્તિના સત્ય જયારે એક થાય છે ત્યારે જ સાત્વિક પ્રેમનું નિર્માણ થાય છે. પ્રેમ એટલે એકબીજામાં ઓગળવાની આવડત. સંબંધમાં સત્ય કેવું છે એના પરથી જ પ્રેમની આવરદા નક્કી થાય છે. આપણને ખબર હોવી જોઈએ કે આપણી વ્યક્તિને આપણી પાસેથી શું જોઈએ છે. પ્રેમના સત્યનું પણ લોહી જેવું જ છે. જો બ્લડગ્રૂપ સરખું ન હોય તો લોહી ચડતું નથી. એ જ રીતે પ્રેમનું સત્ય સરખું ન હોય તો પ્રેમ લાંબો સમય ટકતો નથી. અમુક લોકો મૌન રહે છે. એનો અર્થ એવો નથી કે એમને કઈ કહેવું નથી. કહેવું તો હોય છે પણ એમના મૌનને સમજનાર કોઈ હોતું નથી. સાચો પ્રેમ મૌનને પણ સમજી શકે છે.
પ્રેમમાં પામવાનું અને ગુમાવવાનું તો ચાલ્યા જ કરે. તમે તમારું બધું જ ગુમાવીને પણ અમીર બની જાવ એ જ સાચો પ્રેમ. ગમે તેવું દુઃખ હોય પણ સાચો પ્રેમ આપનાર વ્યક્તિ આપણી પાસે હોય, આપણી સાથે હોય અને બધું દુઃખ વિસરાઈ જાય એ જ સાચો પ્રેમ. પરસ્પરના વિશ્વાસને કોઈ ડગાવી ન શકે એ જ સાચો પ્રેમ. પ્રેમ તો દરેકનો સરખો જ હોય છે. પણ પરિસ્થિતિ અને સંજોગો અલગ અલગ હોય છે. દરેકના જીવનમાં રાધા કૃષ્ણ જેવો પ્રેમ હોય એ જરૂરી નથી. વર્તમાન સમયમાં કોઈ સ્ત્રી કે પુરુષ વચ્ચે રાધાકૃષ્ણ જેવો સંબંધ હોય તો આપણે તેને એક અલગ જ નજરથી જોઈએ છીએ. કૃષ્ણની પત્ની તો રૂક્ષ્મણી હતી. આમ છતાં કૃષ્ણ સાથે તો હમેશા રાધાનું નામ જ લેવાય છે. આ બંનેના સંબંધમાં પ્રેમ હતો, પણ આકર્ષણ નહતું. માત્ર લાગણી અને સવેદના હતી. માટે જ રાધા કૃષ્ણના પ્રેમને પવિત્ર માનવામાં આવે છે.
એક વ્યક્તિના સપોટને લીધે બીજાનો થતો વિકાસ એ પ્રેમ છે. પ્રેમનો કોઈ જ આકાર નથી હોતો, પણ પ્રકાર હોય છે. પ્રેમનો સંબંધ માત્ર દિલ સાથે નહિ પરંતુ આત્મા સાથે જોડાયેલ હોય છે. સાચો પ્રેમ દર્પણ અને પડછાયા જેવો હોય છે. દર્પણ કદી જુઠ્ઠું બોલતું નથી અને પડછાયો કદી સાથ છોડતો નથી. પ્રિય વ્યક્તિ પાસે માણસને સમયનું ભાન નથી રહેતું અને અપ્રિય વ્યક્તિ પાસે એક સેકંડ પણ એક મહિના જેવી લાગે છે. પ્રેમમાં કઈ પામવાનો ભાવ નથી હોતો માત્ર સમર્પણ ભાવ જ હોય છે. પ્રેમમાં જેટલું પામીએ છીએ એથી વિશેષ ગુમાવવું પડે છે.
પ્રેમ કોઈ કહીને કરવાની વસ્તુ નથી. એ તો બસ આપોઆપ થઇ જાય છે. પ્રેમ એક ખુબસુરત અહેસાસ છે. જેનું કોઈ જ નામ નથી હોતું.કહ્યા વિના જ એકબીજાની વાતને સમજવી, દુઃખ એકને હોય અને પીડાનો અનુભવ કોઈ બીજું કરે. દુર હોવા છતાં પાસે હોવાનો અહેસાસ. કોઈક એવું કે જેમની દરેક વાત આપણને સાચી લાગે. કોઈક એવું કે જેમના દરેક શબ્દો આપણા દિલ સુધી પહોચે. કોઈક એવું કે જેમના આવવાથી આપણા જીવનમાં જડમુળથી પરિવર્તન આવી જાય. કોઈક એવું કે જેમના આવવાથી દુનિયાની તમામ સમસ્યાઓનું નિવારણ મળવા લાગે. કોઈક એવું કે જેમના આવવાથી જીવનનું તમામ દુઃખ સાવ નિમ્ન બની જાય અને જીવન જીવવું સહેલું બની જાય. કોઈક એવું કે જેમને આપણે વધુમાં વધુ ઓળખવા ઇચ્છીએ છીએ. કોઈક એવું કે જેમના દ્વારા મળેલ નાનામાં નાની વસ્તુ પણ મુલ્યવાન બની જાય. કોઈક એવું કે જેમના આવ્યા બાદ અન્ય વ્યક્તિને એ સ્થાન આપવું મુશ્કેલ બની જાય. કોઈક એવું કે જેમની પાસેથી શારીરિક કોઈ જ ભૂખ ન હોય પણ માનસિક હુફનો અહેસાસ હોય. જાણે એવું જ લાગે કે એમની સાથે આપણો કોઈ સંબંધ નહિ પણ રુન્નાનુંબંધ હોય.
પ્રેમ પાણી જેવો નિર્મળ છે.માનો તો ગંગા છે અને માત્ર ભોગવો તો ગટર છે. ગંગામાં પણ પાણી હોય છે અને ગટરમાં પણ પાણી હોય છે. આમ છતાં ગંગાના પાણીને પવિત્ર માનવામાં આવે છે, જયારે ગટરના પાણીને અપવિત્ર માનવામાં આવે છે. એ જ રીતે સાચા દિલથી પ્રેમ કરવામાં આવે તો ગંગા જેવો પવિત્ર છે.એ માત્ર આકર્ષણ હોય તો ગટર જેવો અપવિત્ર છે. આકર્ષણની ઉમર બહુ લાંબી હોતી નથી. સમય જતા એ ઘટતું જાય છે. જયારે સાચો પ્રેમ સમય જતા વધતો જ જાય છે. તેમાં કડી ઓટ આવતી નથી અને ભરતી આવ્યા વિના રહેતી નથી.
બહુ ઓછા લોકોને આવા પવિત્ર પ્રેમનો અહેસાસ થતો હોય છે. બહુ ઓછા લોકોને આવો અલૌકિક સ્નેહ મળતો હોય છે. આવો સંબંધ એક એવો સંબંધ હોય છે કે જેને આપણે ઇચ્છવા છતાં તોડી શકતા નથી. જયારે ઋણાનુબંધ વાળી વ્યક્તિ શ્રેષ્ઠ સ્થાને હોય, પ્રેમી હોય અને તે આપણને યોગ્ય પંથ પર લઇ જઈને તે જ પંથ પર ટકાવી રાખનાર હોય ત્યારે માનવું કે આપણો આ ભવ સફળ રહ્યો.
“જીવનનું ખાતર નાખ્યા વિના પ્રેમનું વૃક્ષ મોટું થતું નથી. ‘ભૂલ તારી નહિ’ પણ ‘ભૂલ મારી છે’ એમ સમજવું એ જ સાચો પ્રેમ”
ધર્મિષ્ઠા પારેખ
8460603192