પેલી અજાણી છોકરી : ભાગ - 2 Ruchita Gabani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પેલી અજાણી છોકરી : ભાગ - 2

પેલી અજાણી છોકરી

રૂચિતા ગાબાણી


Chapter – 2

આર્યને, અત્યાર સુધી મનમાં રાખેલી વાત, બ્રાઉન આંખોવાળી છોકરી ના મળી શકવાનું દુઃખ, આ અચાનક થઈ ગયેલા લગ્નની જવાબદારીથી આવેલું ફ્રસટ્રેશન, બધું જ સુહાનીની સામે નીકાળી દીધું.

“પત્ની તરીકે સ્વીકારવામાં સમય જોઈએ છે”, કેટલું સહેલાઈથી આર્યને કહી દીધું, પણ આવું કહેતા પહેલા તેણે એમ પણ ના વિચાર્યું કે તેની સા,મે આંખોમાં સપના જોઇને બેઠેલી છોકરીના અરમાનો નું શું ? આ બધામાં તેનો શું વાંક હતો ? હજી પેલી છોકરી વિષે તો આર્યને કહ્યું પણ નહતું, જયારે તેને સાચી વાતની ખબર પડશે ત્યારે શું હાલ થશે સુહાનીના ? બધાની લાગણીઓનું ધ્યાન રાખનારો આર્યન આજે થોડો મતલબી બની ગયો હતો.

થોડી મિનીટ સુધી રૂમમાં સન્નાટો છવાઈ ગયો.

આ બધું સાંભળીને શું કહે સુહાની ? એક જટકામાં સપનાઓનો મહેલ તૂટી ગયો. તેનો વહેમ દુર થઈ ગયો કે, આર્યન પણ ખુશ છે આ લગ્નથી. સુહાની ખુદને સમજાવવા લાગી, લગ્ન તોડવાની ક્યાં વાત કરી છે ? બસ ખાલી થોડો સમય જ તો માંગ્યો છે, એટલો સમય તો હું આપી જ શકુ ને તેને. ત્યાં સુધી અમે ફ્રેન્ડસ બનીને તો રહી જ શકીએ. ક્યારેક તો આર્યન પણ મને પ્રેમ કરશે જ ને.

કેટલી મીનીટો સુધી છવાએલી ચુપકીદીને તોડતા, થોડું સહજ બનીને સુહાની એ કહેવાની કોશિશ કરી,

સુહાની – તું મને પત્ની તરીકે એક્સેપ્ટ કરવા હજી રેડી નથી. વાંધો નહિ. હું ઇચ્છતી પણ નથી કે જબરદસ્તી અથવા બીજાને દેખાડવા માટે તું મને તારી પત્ની માને. તું મને એ હક આપવાને લાયક સમજે, અને એ જવાબદારી માટે રેડી ના થાય ત્યાં સુધી, શું આપડે ફ્રેન્ડસ બની શકીએ ? ફ્રેન્ડશીપ નો બેઝ છે વિશ્વાસ, તે મારી પર વિશ્વાસ રાખીને તારા મનની વાત કહી, એટલે તારી ફ્રેન્ડશીપને યોગ્ય હું છુ, એવો અનુમાન લગાડું છુ.

આર્યનને ઘણી નવાઈ લાગી, સુહાનીની વાત સાંભળીને, આ સિચુએશનમાં પણ તેના ફેસ પર સ્માયલ આવી ગઈ. આર્યનને સુહાનીની આ વાત ગમી, તે વિચારવા લાગ્યો કે, ”કમાલ ની છોકરી છે, જરાય રડી નહિ, કોઈ સવાલ પણ નહિ, કે ગુસ્સો પણ નહિ. આટલી સહેલાઈથી વાત ને એક્સેપ્ટ કરી લીધી. અને કહ્યું પણ શું ? કે હું એની સાથે ફ્રેન્ડશીપ કરું. વાહ!!”

અને બંનેવ ફ્રેન્ડસ બની ગયા. શરૂઆતમાં તો ફક્ત નામના ફ્રેન્ડસ અને આમ એકબીજા માટે અજાણ્યા. સબંધ ને નામ તો આપી દીધું, પણ તે મુજબ વર્તતા, સુહાનીને ખરેખર એક ફ્રેન્ડ માનીને તેની સાથે પોતાની લાગણીઓ શેર કરતા આર્યનને ઘણો સમય લાગ્યો..

સુહાની કોઇપણ ફરીયાદ કર્યા વિના, હમેશા ખુશી ખુશી આર્યન અને તેના ઘરના લોકોનું ધ્યાન રાખતી, પ્રેમથી સાચવતી, એમની જરૂરતો ને પૂરી કરતી. આર્યનને વાહલી દરેક વસ્તુ અને વ્યક્તિથી સુહાનીને પ્રેમ હતો, કેમકે તે આર્યનને પ્રેમ કરતી હતી. સુહાની ખુશ હતી કારણકે ભલે ફ્રેન્ડ તરીકે જ સહી, આર્યન તેની લાયફમાં તો હતો.

સુહાનીના આ સ્વભાવે જ આર્યનને પોતાની વર્તણુક પર વિચારવા વિમર્શ કર્યો, મેં તેને કશું જ નથી આપ્યું છતા તે ખુશ રહીને પોતાની જવાબદારી નિભાવે છે, તો હું એને કાઈ નહિ તો, સાચા અર્થમાં ફ્રેન્ડ તો માની જ શકું ને. લગ્નના ૨-3 મહિના પછી જ સહી, આર્યનને સમજાયું અને તે સુહાનીનું ધ્યાન રાખવા લાગ્યો, સાચા અર્થમાં મિત્ર બનીને.

એકબીજાના સારા ફ્રેન્ડસ બનતા, ધ્યાન રાખતા, મસ્તી અને નાની નાની ખુશી, દુખ શેર કરતા, આ સંબંધને પૂરું એક વર્ષ થઈ ગયું. હવે તો બનેવ બેસ્ટફ્રેન્ડસ બની ગયા હતા. લેટ નાઈટ શોઝ માં મુવી જોવી, દરેક સન્ડે ક્યાંક ને ક્યાંક રખડવા જવું, એકબીજાની ખામીઓની મજાક ઉડાડવી અને સારી વાતોની પ્રશંશા કરવી, રાત રાત સુધી જાગીને લેપટોપમાં મુવી જોવું, અથવા હાથ-પગ વગરની વાતો કરવી, કોઈ નવું સોંગ મળતા એકબીજા સાથે શેર કરવું અને સોંગ પણ સાથે એક જ ઇઅરફોનમાં સાંભળવા, નાનામાં નાની વાતની એકબીજાને જાણ કરવા તત્પર રહેવું, રીસાઈ જવું, મનાવવું, ચીડવવું, ખીજાવવું, એકબીજાની આદતોની આદત પડવી, કોઈ ઉદાસ હોય તો તેને ખુશ કરવા ગમે તે કરી છુટવું, કેટલા બધા રંગો ઉમેરાઈ ગયા હતા તેમની ફ્રેન્ડશીપમાં.

બંનેવ આમ જ મિત્ર બનીને ખુશ થઈને રહેતા, એટલે ઘરના લોકોને પણ એવું લાગતું રહ્યું કે બંનેવ સાથે ખુશ છે, એક પતી-પત્ની તરીકે.

એક રાતે, બંનેવ હમેશની જેમ બેઠાબેઠા વાતો કરી રહ્યા હતા. વાતો કરતા કરતા આર્યન કશુક વિચારવા લાગ્યો. અસમંજસમાં હતો. જે વાત લગ્નના આટલા સમય સુધી ના કહી, તે આજે કહું કે નહિ ? હવે તો કહેવાય જ ને. અમે બંનેવ બેસ્ટફ્રેન્ડસ છીએ. હવે એને નહિ કહું આ વાત તો કોને કહીશ ? એ સમજશે મને, મને વિશ્વાસ છે. પણ તેને ખોટું લાગશે તો ? નહિ લાગે. કહી જ દવ છુ.

અને આર્યને, પેલી બ્રાઉન આંખોવાળી છોકરી કેવી રીતે મળી, અને તેને શોધવા પોતે કેટલી મહેનત કરી, તે જ સમયમાં સુહાનીના લગ્ન પોતાની સાથે થયા, એ બધું જ સુહાનીને કહ્યું. છેલ્લે એમપણ કહી દીધું કે, તે કદાચ હજીપણ તે ગ્રીન દુપટ્ટાવાળી અને બ્રાઉન આંખોવાળી છોકરીને પ્રેમ કરે છે.

આ છેલ્લા વાક્યે સુહાનીનું દિલ તોડી નાખ્યું. તેને રડવાનું મન થઈ રહ્યું હતું. આર્યને તેને ખરેખર પોતાની ફ્રેન્ડ માનીને એ વાત કહી હતી, જે આજ સુધી કોઈને નહતી કહી, તો પછી આવી રીતે તેની સામે રડીને તે આર્યનને ગિલ્ટી ફિલ કેવી રીતે કરાવી શકે ? તે તો આર્યનને પ્રેમ કરતી હતીને, એટલે પોતાના આંસુઓને અંદર દબાવીને, હસતો ચહેરો રાખતા, એક મિત્ર ચીડવે તેવા ટોનમાં જ તેણે આર્યન ને કહ્યું, “ઓહો છુપા રુસ્તમ, આટલી જલ્દી હાર કેમ માની લીધી ? ચલ હવે તો હું પણ છુ તારી સાથે, આપણે મળીને તેને શોધીશું.” આર્યને કશું કહ્યું નહિ અને તે બસ હસતો રહ્યો.

જયારે આર્યન ઊંઘી ગયો, ત્યારે સુહાનીએ મન મુકીને રડી લીધું, પોતાના ડુંસ્કાઓના અવાજ થી આર્યન ઉઠી ના જાય એટલે, ગોદડામાં ચહેરો છુપાવીને રડ્યા કર્યું. રડતા રડતા પણ મનમાં કેટલા વિચારો આવતા રહ્યા. “કેટલી ખુશનસીબ છુ હું, અમુક લોકોને પોતાના પ્રેમને, મનની વાત કહેવાનો મોકો પણ નથી મળતો, જયારે મને તો ભગવાને તેની પત્ની બનીને, તેનું હમેશા ધ્યાન રાખવાનો, સાથે રહી શકવાનો મોકો આપ્યો. હું તેની મિત્ર બની શકી તેનાથી વિશેષ શું જોઈએ ?” રડવાનું બંધ કર્યું, આંસુ લુચ્યા, અને નક્કી કરી લીધું, આમાં જ ખુશ રહેવાનું.

સુહાની હમેશા પોઝીટીવ રહેનારી, અને હાલાત ને જલ્દીથી અપનાવનાર સમજુ છોકરી હતી. રોજની જેમ તે બીજા દિવસે સવારે ઉઠીને કામે લાગી ગઈ, સાવ નોર્મલ, તેને જોઇને કોઈ કહી જ ના શકે કે આ વ્યક્તિ ગઈકાલે કેટલું રડી હતી.