લઘુ કથા
સુખનું પેપર
સૌના ચહેરા ગમગીન હતા . બધા સ્તબ્ધ બનીને રણછોડકાકાના પાર્થિવ દેહને નિહાળી રહ્યા હતા . હવે થોડી જ વારમાં આ કોફીન ઈલેકટ્રીક સગડીમાં ભસ્મીભૂત થઇ જવાનું છે .
દિકરો નરેન્દ્ર રડતી આંખે પપ્પાને આખરી વિદાય આપી રહ્યો હોય એમ અનિમિષ નજરે પપ્પાના કોફીનમાં ઢાંકી રાખેલા દેહને નિહાળી રહ્યો હતો . ત્યાં હાજર રહેલા સૌની આંખો ભીની લાગતી હતી . વાતાવરણમાં એક અજબ
પ્રકારની ઉદાસીનતા છવાઈ હતી . સૌ એકદમ ચૂપચાપ રીતે આ બધુ નિહાળી રહ્યા હતા . અને ઇલેકટ્રીક સગડીને ઓપરેટ કરનાર ઓપરેટર અંતિમ વિધિ શરુ કરે તેની રાહ જોતા બેઠા હતા .
રણછોડકાકા પહેલી વાર જ્યારે મળેલા તે દિવસ હજુ પણ યાદ છે . તે દિવસે દરરોજની જેમ અમે સૌ મિત્રો બ્લેકટાઉન સીટીમાં આવેલ પબ્લીક લાયબ્રેરીની સામે આવેલી ખુલ્લી જગ્યા પર આવેલ બાંકડા પર બેસીને ગપાટા મારતા હતા . ત્યાં એક મોટી કાર આવીને ઊભી રહી . અમે જોયું કે કારમાંથી નીચે ઊતરીને એક યુવાન કહી શકાય તેવી ઈંચી પાતળી અપટૂડેટ યુવતી એક વ્રુધ્ધ કાકાનો હાથ પકડીને અમારી તરફ આવી રહી હતી . આવીને તેણીએ અમોને બે હાથ જોડીને જય શ્રી ક્શ્રુષ્ણ કહ્યા . અને કહ્યું કે , " આ મારા પપ્પા આઇ મીન મારા સસરા ઇન્ડીયાથી અઠવાડિયા પહેલાં અહીં આવેલા છે . તેઓ ખાસ ભણેલા નથી . તેમને અંગ્રેજી ભાષા બીલકૂલ આવડતી નથી . આ દેશમાં પહેલી વાર આવેલા હોઈ બહુ ઝાઝી ખબર પડતી નથી . હું અને મારા પતિ બન્ને નોકરી કરતા હોઇ તેઓને ઘેર એકલા ઘેર ગમતું નથી . હું તમોને સૌને અહીં દરરોજ બેઠેલા જોઉં છું . એટલે મને વિચાર આવ્યો કે મારા પપ્પાને તમારી પાસે મૂકી જાઉં . હવેથી હું તેઓને દરરોજ આ રીતે સવારે દસ વાગે અહીં મૂકી જઈશ અને અઢી કલાક પછી એટલે કે સાડા બાર વાગે આવીને લઈ જઈશ . પણ મહેરબાની કરીને તેમને એકલા ક્યાંય જવા દેશો નહિ .
અને પછી તો આ દરરોજનો ક્રમ થઈ ગયો . રુચિતા રોજ સવારે દસ વાગે કારમાં આવી રણછોડકાકાને મૂકી જાય અને બપોરે સાડા બારની આસપાસ ફરી પાછી આવીને લઈ જાય .
રણછોડકાકા પછી તો અમારા સૌના મિત્ર બની ગયા . તેઓ આમતો બહુ જ ઓછું બોલતા . ખપ પૂરતું જ બોલે . બહુ ખુશ થાય ત્યારે ખડખડાટ હસે ત્યારે તેમનું દાંત વિનાનું બોખું મોં જોવાની અમોને બધાને ખૂબ મજા આવતી . દિવસો એક પછી એક વિતવા લાગ્યા . અમે જોયું કે ધીરે ધીરે રણછોડકાકાને ગમવા લાગ્યું હોય તેમ ખુશ જોવા મળતા . તેઓ હવે તો પોતાના જીવનની અંગત વાતો પણ શેર કરવા લાગ્યા .
રણછોડકાકાનું જીવન ખૂબ જ સંઘર્ષમય રહ્યું હતું . નાનપણમાં જ પિતાજીનું અવસાન થતાં નાની ઊંમરમાં જ ઘરની જવાબદારી ઉઠાવવી પડેલી . કોઈ મદદ કરનાર ન હોઈ ઘર ચલાવવા અને માતા અને નાના ભાઈ બહેનનું ભરણપોષણ કરવા સખત મજૂરી કરવી પડેલી . ખેતરમાં ખાસ કશું પાકે નહી . તેથી બીજાના ખેતરમાં કાળી મજૂરી કરતા કરતા દિકરાને ભણાવતા ગયા . દિકરો નરેન્દ્ર નાનપણથી જ ભણવામાં ખૂબ જ હોંશિયાર હતો . તેને ભણાવવામાં રણછોડકાકાએ પોતાની જાત ઘસી નાંખેલી .
ઇશ્વરક્રુપાથી નરેન્દ્ર ઉચ્ચ અભ્યાસ કરીને ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં આવ્યો . તેની પત્ની રુચિતા પણ ખૂબ જ સારુ ભણેલી , હોંશિયાર , મહેનતુ અને ખૂબ સંસ્કારી હતી . બન્ને જણાએ ભેગા મળી ખૂબ મહેનત કરી . પોતાની આવડત અને મહેનતથી તેઓ ખૂબ સુખી થયા . મોટું રાજમહેલ જેવું પોતાનું ઘર પણ બનાવ્યું .
એક દિવસ બન્ને પતિ પત્ની જમ્યા બાદ નિરાંતે વાતો કરવા બેઠાં . એકાએક રુચિતાએ નરેન્દ્રને કહ્યું , " નરેન્દ્ર આપણા પપ્પાએ આખી જીંદગી નર્યું વૈતરું જ કૂટ્યું છે . બિચારાએ કોઇ જ સુખ ભોગવ્યું નથી . અને બે વર્ષથી તો મમ્મીના અવસાન બાદ સાવ એકલા ગામમાં પડ્યા રહે છે . મને એક વિચાર આવ્યો છે કે આપણા પપ્પાને અહીં આપણે ઘેર બોલાવીએ તો કેવું ? "
આ સાંભળીને નરેન્દ્ર ખુશ થયો અને તે અંગે વિચાર કરવા લાગ્યો . તેણે કહ્યું , " પણ રુચિતા પપ્પાને અહીં ફાવશે ખરું ? આપણે તો જોબ પર જતા રહીએ પછી આખો દિવસ પપ્પા કરશે શું ? તેમને અહીં ગમશે ? "
" જો નરેન્દ્ર તારે એવી ચિંતા કરવાની જરુર નથી . અને જો પપ્પા અહીં આપણી સાથે રહેશે તો તેમને ખૂબ આનંદ થશે . વળી આપણી ફરજ પણ છે . બધા દિકરા તેમના મા બાપને જાત્રા કરાવે છે . આપણે મમ્મી તો છે નહી તો પપ્પાને આપણે ઓસ્ટ્રેલિયાની જાત્રા કરાવીએ . બોલ કેવી લાગી મારી વાત ? "
નરેન્દ્ર પણ આ સાંભળીને રાજી રાજી થઇ ગયો .
અને આમ રણછોડકાકા સીડની આવી ગયા . દિવસે અમારા સૌની કંપની મળી અને ઘરમાં દિકરા અને પુત્રવધુનો અસીમ પ્રેમ મળવા લાગ્યો . સારું સારું ખાવાનું મળવા લાગ્યું . નાનકડા પૌત્રનું વહાલ મળવા લાગ્યું . દિકરાની આવી જાહોજલાલી જોઈ .અને આમ રણછોડકાકા જાણે સ્વ્રગનું સુખ માણવા લાગ્યા .
દરરોજ અમારી સાથે બેસતા ત્યારે અમે જોતા કે તેઓની ખુશી તેમના ચહેરા પર ચમકતી દેખાતી . ખૂબ ખુશ રહેતા .
પણ કહેવાય છે ને કે વધારે પડતું સુખ પણ જીરવવું બહું અઘરું હોય છે . અને એવું જ બન્યું . રણછોડકાકા જીંદગીનું કારમું દુ:ખ તો જીરવી ગયા પણ સુખ જીરવી ના શક્યા .
એક દિવસ જમ્યા બાદ દિકરા અને વહુની સાથે વાતો કરતા હતા અને અચાનક ત્યાં જ ઢળી પડ્યા . કશું પણ બોલ્યા વિના લાંબી જાત્રાએ નિકળી પડ્યા .