સૌમિત્ર - કડી ૧ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

શ્રેણી
શેયર કરો

સૌમિત્ર - કડી ૧

સૌમિત્ર

પ્રકરણ-૧

સિદ્ધાર્થ છાયા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ-૧

“હાલ હવે ઉપડ, ઈ ઓલા લીંબુડીનાં જાડ લગી પોંચી ગય હઈસે.” હિતુદાને સૌમિત્રનો ખભો ખેંચતા કહ્યું.

“ગઢવી, મેં તને કીધું છે ને કે હું આ બધા દિવસોમાં માનતો નથી? આજે નહીં, ફરી ક્યારેક.” સૌમિત્ર હિતુદાનનો મજબૂત પંજો પોતાના ખભા પરથી હટાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યો હતો.

“માનતા નથી એટલેજ સાહેબ હમણાં રીસેસમાં ફ્લાવર શોપ માંથી દસને બદલે પચ્ચીસ રૂપિયાનું રેડ રોઝ લેતા આવ્યા છે.” વ્રજેશે પોતાની આદત મુજબજ પુસ્તક વાંચતા વાંચતા ટમકું મુક્યું.

“એ તો હું, કૃણાલ માટે લઇ આવ્યો હતો. ક્યાં ગ્યો એ પટેલ? મારે એની પાસેથી પચ્ચીસ રૂપિયા લેવાના છે...” સૌમિત્ર સાવ ખોટેખોટું આમતેમ જોતજોતા બોલ્યો.

“કુણાલ્યો ગ્યો એની ચંપાકલીને લયને રૂપાલીમાં ફિલમ ઝોવા. તારામાં હિમત નથી એમ કય દે એટલે વાત્ય પતે.” હિતુદાન હવે અકળાયો.

“હા હા હા, હિંમત નથી, બસ? શાંતિ થઇ તને?” સૌમિત્રએ એની ટેવ પ્રમાણે બહુ સરળતાથી હથિયાર હેઠા મૂકી દીધા.

“ચાલ તો પછી અંકલને ત્રણ કટલેસનો ઓર્ડર આપ, બહુ ભૂખ લાગી છે.” વ્રજેશે ફરીથી ચોપડીમાંથી મોઢું કાઢ્‌યા વિના સૌમિત્રને કીધું.

“ઘીરેથી પચાસ રૂપિયા લયને આયવો’તો. પચ્ચીનું આ રાતું ફૂલડું લીધું, હવે આમાં કટલેસ નો આવે વીજે ભાય.” હિતુદાન હસવા લાગ્યો.

“તો બે મંગાવ, તોય પાંચ બચશે.” આ વખતે વ્રજેશે સૌમિત્ર સામે સ્હેજ હસીને જોયું અને ફરીથી પુસ્તક વાંચવા લાગ્યો.

“આજે પાસ ભૂલી ગયો છું... ઘેરે એટલે ટીકીટ માટે જોશે. કટલેસ કાલે.” સૌમિત્રએ પોતાની મજબૂરી જણાવી.

“ઝબરૂં સે હોં? હંધુય કાલ પર. કટલેસેય કાલ્ય અને ઓલીને પ્રપોજેય કાલ્ય.” હિતુદાને આંખ મારી.

“ના ના એનેતો હું ફાઈનલ એક્ઝામ પહેલાં પૂછીજ લઈશ.” સૌમિત્ર થોડોક આકળવિકળ થઈને બોલ્યો.

“દિવાળીની એક્જામ પેલાંય તું આમજ બોયલો’તો. આમને આમ ફાયનલ એક્જામ આવીને વય પણ જાસે. પછી એસવાય બીએ, પછી ટીવાય બીએ, પછી એમએ ના બે વરહ, પછી એમ ફિલ, પીએચડી.. તું તો કોરટ કરતાંય વધુ મુદતો પાડવાનો મને ખબર્ય છે, મીતલા.”

“પીએચડી પછી નોકરી પણ કરશેને? ભલું હશે તો બેય એકજ કોલેજમાં પ્રોફેસર હશે અને એમાં બીજાં ત્રીસેક વર્ષ તો મીનીમમ મળશે.... એને પૂછવા માટે.” વ્રજેશે ફરીથી ચોપડી વાંચતા સિક્સર મારી.

==ઃઃ==

સૌમિત્ર, વ્રજેશ અને હિતુદાન આ ત્રણેય અમદાવાદની એચડી આર્ટસ કોલેજમાં સાથે ભણતા હતા. બારમાં ધોરણનું પરિણામ આવ્યા બાદ જયારે કોલેજની એડમીશનની લાંબી લાઈનમાં આ ત્રણેય આગળપાછળ ઉભા હતા, ત્યારે આ ત્રણેયને એકબીજાનો પરિચય થયો અને પછીતો ત્રણેય ગાઢ મિત્રો બની ગયા. આ લાઈનમાં સૌમિત્રની બરોબર આગળ ભૂમિ પણ હતી. ભૂમિ એટલે ખભાથી સ્હેજ નીચે સુધી વાળ ધરાવતી, સૌમિત્રથી દોરાવાર ઉંચી, સ્હેજ ભરેલા શરીરવાળી, પણ જાડી નહીં, મોટીમોટી આંખો અને સતત બોલબોલ કરવાની આદત ધરાવતી મસ્ત છોકરી.

એડમીશનને દિવસે ભૂમિ પણ સૌમિત્રની જેમ એકલીજ આવી હતી. ફોર્મમાં એકાદબે જગ્યાએ શું લખવું એનો ખ્યાલ ન આવતાં ભૂમિએ પોતાની પાછળ ઉભેલા સૌમિત્રની મદદ લીધી હતી. બસ ત્યારથીજ સૌમિત્ર એની એકેએક અદા પર ફિદા થઇ ગયો હતો. વ્રજેશ અને હિતુદાન સાથે સૌમિત્રને શરૂઆતના પરિચય પછી ખૂબ વાતો થઇ. પાછો ભૂમિનો સ્વભાવ પણ ખૂબ વાતોડિયો એટલે આ દોઢ-બે કલાક પોતાના વારા આવવાની રાહ જોતજોતા ચારેયે ખૂબ વાતો કરી.

સૌમિત્રના પપ્પાને સૌમિત્રને કોમર્સ કરાવવું હતું અને એટલેજ દસમા ધોરણ પછી તેમણે સૌમિત્રને બળજબરીથી કોમર્સ લેવડાવ્યું. સૌમિત્ર આમ કળાનો માણસ. એને ગીત ગાતા આવડે, એને લખતા સારૂં આવડે, એને કોઈ કાર્યક્રમનું કોમ્પેરીંગ કરવાનું કહો તો વગર કોઈ સ્ક્રીપ્ટે એ પણ ચાલુ કરી દે. સ્કુલમાં લગભગ દર વર્ષે, સૌમિત્ર વકતૃત્વ સ્પર્ધામાં પહેલાં ત્રણ સ્થાનેજ આવતો. ખૈર! આવાં કળાના પુજારીને કોમર્સમાં ચાંચ ન ડૂબી એટલે બારમાં ધોરણમાં માંડમાંડ બાવન ટકે પાસ થયો. અને તેથી સૌમિત્રના પ્રોફેસર કાકાની સલાહ અને મદદથી કોમર્સને બદલે તેમનીજ આર્ટસ કોલેજમાં એડમીશન લેવાનું નક્કી કરાયું. એચડી આર્ટસ કોલેજનું નામ અમદાવાદમાં ખુબ મોટું હતું, આથી સામાન્ય વિદ્યાર્થીને બાવન ટકે એમાં કોઈજ ચાન્સ ન મળે, પરંતુ સૌમિત્રને એના કાકાના ક્વોટામાંથી આસાનીથી એડમીશન મળી ગયું.

સૌમિત્ર, વ્રજેશ અને હિતુદાને મેઈન સબ્જેક્ટ અલગઅલગ લીધા હતા, પરંતુ પોલીટીક્સ તેમનો ફર્સ્ટ સબસીડરી વિષય હોવાથી ત્રણેય રોજ એક લેકચરતો સાથેજ ભરતા. આમ એમની મિત્રતા ગાઢ બનતી ગઈ, અને અમુક મહિના પછીતો આ ત્રણેય એકબીજાના સ્વભાવથી એટલા અવગત થઇ ગયા કે એકબીજાની મસ્તી કરવી, એકબીજા પાસે હક્કથી નાસ્તો કરાવવાની માંગણી કરવી જેવી બાબતો સામાન્ય થઇ ગઈ. સૌમિત્રને હજીપણ ખબર નહોતી કે ઈતિહાસ સાથે ગ્રેજ્યુએટ થઈને એ શું કરશે? જયારે વ્રજેશ અને હિતુદાનનું લક્ષ્ય સ્પષ્ટ હતું. વ્રજેશને અંગ્રેજીના પ્રોફેસર થવું હતું, જયારે હિતુદાનને જીપીએસસી ની પરીક્ષા આપીને ક્યાંક કલેકટર બનવું હતું. હિતુદાનના લગ્ન તો બાળપણમાં જ નક્કી થઇ ગયા હતા, અને એના પિતા એના એકવીસ વર્ષના થવાનીજ રાહ જોઈ રહ્યા હતા, જે આવતે વર્ષે પૂરા થવાના હતા. હા, હિતુદાન સૌમિત્ર અને વ્રજેશ કરતાં સારોએવો મોટો હતો.

ભૂમિના તો ત્રણેય વિષયો અલગઅલગ હતા એટલે આ ત્રિપુટી સાથે તો એ ફક્ત કમ્પલસરી ઈંગ્લીશનું લેકચરજ ભરવા આવતી, જે અઠવાડિયામાં માંડ ત્રણવાર આવતા હતા. આ દરમ્યાન અને પછીપણ સતત સખીઓથી વીંટળાયેલી રહેતી ભૂમિ અને કાયમ એનેજ શોધતો રહેતો સૌમિત્ર એકબીજાને ‘હાઈ હેલ્લો’ કરી દેતા અને સૌમિત્ર મન ભરીને ભૂમિને જોઈ લેતો. ધીરેધીરે વ્રજેશ અને હિતુદાનને પણ તેણે પોતાના મનની વાત કરી અને તેમણે એને ભૂમિને પોતાની લાગણી કહી દેવાની યોગ્ય સલાહ પણ આપી. પણ સૌમિત્રના માનવા પ્રમાણે એમ ખાસ કાંઈ પરિચય ન હોય તો એવીરીતે કેમ પ્રપોઝ કરી દેવાય? કદાચ એમ કરવાથી આટલી વાતો પણ બંધ થઇ જાય તો? ટૂંકમાં સૌમિત્ર ભૂમિને પોતાનાં મનની વાત કરતાં ડરતો હતો.

આજની તારીખ હતી ૧૪મી ફેબ્રૂઆરી ૧૯૯૨. વેલેન્ટાઈન્સ ડે વિશે આ યુગમાં મોટાભાગના યુવાનો અજાણ હતા. પણ છેલ્લા પંદરેક દિવસથી કેટલાંક ‘જાણકાર’ છોકરાઓ અને છોકરીઓ જે કેન્દ્રીય વિદ્યાલયમાંથી કોલેજમાં આવ્યાં હતા તેમણે આ બાબતનો સારોએવો પ્રચાર કરીને સૌમિત્ર અને એના મિત્રો જેવા ‘દેસી’ યુવક-યુવતીઓમાં પણ આ દિવસ બાબતે ઘણી ઉત્કંઠા જગાવી હતી. અને એટલેજ આજે સૌમિત્ર પહેલાંતો એને મળતી અઠવાડિક પચાસ રૂપિયાની પોકેટમનીમાંથી સામાન્ય દિવસે દસ રૂપિયાના મળતાં ગુલાબના આજે પચ્ચીસ રૂપિયા આપીને ખરીદી લાવ્યો હતો. વ્રજેશ અને હિતુદાને આ પહેલાં પણ સૌમિત્રના ભૂમિને ‘બદ્ધુંજ કહી દેવાનાં’ પ્લાનને કાયમ ટેકો આપ્યો હતો અને આજે પણ તેમણે બંનેએ સૌમિત્રને લગભગ તૈયાર પણ કરી દીધો હતો, પરંતુ કાયમની જેમ છેલ્લી ઘડીએ સૌમિત્ર ફસકી ગયો અને ભૂમિ પોતાના ઘેર જતી રહી.

==ઃઃ==

એચડી આર્ટસ કોલેજની ‘મહાત્મા ગાંધી વકતૃત્વ સ્પર્ધા’, આખી ગુજરાત યુનીવર્સીટીમાં ખુબ સન્માનભર્યું સ્થાન ધરાવતી હતી. દરવર્ષે ફેબ્રૂઆરી મહિનાનાં છેલ્લા અઠવાડિયે યોજાતી આ સ્પર્ધાનાં નિર્ણાયકો તરીકે ગુજરાતના મોટામોટા સાહિત્યકારો આવતાં. સ્પર્ધા ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં થતી. સ્કુલમાં સૌમિત્ર માટે વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેવો અને તેને જીતી લેવી એ કોઈ નવી બાબત નહોતી, પરંતુ અહિયાં વકતૃત્વકળાનું સ્તર ઘણું ઊંચું હતું. પરંતુ તેમછતાં, કોલેજનાં ગુજરાતી, હિંદી અને અંગ્રેજીનાં ત્રણેય પ્રોફેસર્સ સૌમિત્રની વકતૃત્વકળાથી સારાએવા પ્રભાવિત થયા અને ગુજરાતી સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા અન્ય સાતેક વક્તાઓ, જેમાં એક તો ગયા વર્ષની સ્પર્ધાનો રનર અપ હતો, એ તમામની સામે સૌમિત્ર બાજી મારી ગયો અને આ વર્ષની મહાત્મા ગાંધી વકતૃત્વ સ્પર્ધામાં એચડી આર્ટ્‌સ કોલેજનો પ્રતિનિધિ બનવાનું માન તેને સાંપડયું.

સ્પર્ધાનો આ વર્ષનો વિષય હતો, ‘સરકારની નવી ખુલ્લી આર્થિકનીતિ કેટલી સારી, કેટલી ખરાબ?’ આ વિષયમાં સંપૂર્ણ અજ્ઞાન ધરાવતાં સૌમિત્રએ ઇકોનોમિકસના પ્રોફેસર પાસે પહેલાંતો અમુક સમય અગાઉ ખુલ્લાં અર્થતંત્રની તે વખતની કેન્દ્ર સરકારે નક્કી કરેલી નીતિ વિશે જાણ્‌યુ. વ્રજેશે પોતાના મિત્રએ ભેગાં કરેલા છેલ્લાં એક-બે વર્ષના છાપાંના કટિંગ્સ લાવી આપ્યાં. પછી આ ખુબ બધાં મુદ્દાઓ નોંધીને સૌમિત્રએ પોતાની સ્પિચ તૈયાર કરી. સ્કુલનાં સમયથી જ ભણવાની અને અન્ય બાબતોમાં આળસુ એવો સૌમિત્ર જ્યારે કશું લખવું હોય કે વકતૃત્વ સ્પર્ધાની તૈયારી કરવી હોય કે પછી ગીત ગાવાની કોઈ સ્પર્ધામાં ભાગ લેવો હોય તો એની મહેનતમાં એવો ખૂંપી જતો કે જાણેકે એ પીએચડી કરી રહ્યો હોય. આથી સૌમિત્રની આ મહેનતથી આ સ્પર્ધાનાં તેના મેન્ટર પ્રોફેસર બારિયા ખુબ પ્રભાવિત થયાં, અને એમણે સૌમિત્રને એમપણ કહ્યું કે તેઓ છેલ્લા દસ વર્ષથી આ સ્પર્ધામાં મેન્ટર છે પણ સૌમિત્ર જેવી મહેનત કોઈએ કરી હોય એવું તેમણે જોયું નથી.

એવું કહેવાતું કે એક જમાનામાં આ મહાત્મા ગાંધી વકતૃત્વ સ્પર્ધામાં ભાગલેવા ગુજરાત યુનીવર્સીટીની કોલેજોમાંથી એટલી મોટી સંખ્યામાં સ્પર્ધકો આવતાં કે એચડી આર્ટ્‌સ કોલેજે બહારગામથી આવેલા સ્પર્ધકોને સ્પર્ધાની આગલી રાતે સૂવાની અને ખાવાપીવાની ખાસ વ્યવસ્થા પણ કરવી પડતી. પરંતુ ધીમેધીમે ગુજરાતનાં યુવાનો અન્ય બાબતો તરફ પણ વધુ આકર્ષાવા લાગ્યા અને સ્પર્ધકોની સંખ્યા ઓછી થઇ ગઈ. આજે માત્ર બાર સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા થવાની હતી, જેમાંથી એક સૌમિત્ર પણ હતો. સ્પર્ધકો માટે મુકાયેલી ખુરશીઓમાંથી એક પર બેસેલા સૌમિત્રને આવી સ્પર્ધાનો બહોળો અનુભવ હોવાથી તેમજ તેની મહેનત અને તૈયારી પણ જોરદાર હોવાથી, તે બિલકુલ ટેન્શનમાં નહોતો. કોલેજનાં હોલની પ્રથમ બે હરોળ પ્રોફેસરો માટે આરક્ષિત હતી. ત્રીજી હરોળમાં તેના મિત્રો વ્રજેશ અને હિતુદાન બેઠાં હતા. તેમણે બંનેએ સૌમિત્રને હાથ હલાવીને ‘ઓલ ધ બેસ્ટ’ કહ્યા ત્યારેપણ સૌમિત્ર સ્વસ્થ હતો. સૌમિત્ર પહેલાં લગભગ છ સ્પર્ધકો બોલ્યા અને એમાંથી ત્રણતો ખુબ સરસ બોલ્યા અને એમણે પણ સૌમિત્રની જેમજ વિષય ઉપર સારૂએવું રિસર્ચ કર્યું હતું એવું લાગ્યું. પરંતુ તોયે સૌમિત્ર સ્વસ્થ રહ્યો કારણકે તેને પોતાનાં રિસર્ચ અને ક્ષમતા પર પુરેપુરો વિશ્વાસ હતો. છેવટે સૌમિત્રનું નામ બોલાયું અને પોતાનીજ કોલેજનો સ્પર્ધક હોવાથી તેનું નામ બોલાતાં જ તમામ વિદ્યાર્થીઓએ જબરદસ્ત તાળીઓ, બૂમો અને સીટીઓથી તેને વધાવી લીધો.

સૌમિત્રએ બોલવાનું શરૂ કર્યું. તેણે સાત મિનીટ બોલવાનું હતું. સૌમિત્રને બોલવાની, લખવાની અને ગાવાની કળા તો જાણે ગળથુથીમાંજ મળી હતી. કોઈ માસ્ટર બેટ્‌સમેન જાણેકે અઘરી પિચ ઉપર પણ એકપછી એક ચોગ્ગા અને છગ્ગા મારતો હોય એમ સૌમિત્ર બોલવા માંડયો. એની અમુક દલીલો પર તો આખું ઓડિયન્સ અને એક-બે વારતો ખુદ નિર્ણાયકો તાળી પાડી બેઠાં. બસ હવે દોઢ મિનીટ બાકી હતી. વ્રજેશ અને હિતુદાનનાં મત મુજબતો સૌમિત્રએ ઓલરેડી બાજી મારીજ લીધી હતી, કારણકે તેની અગાઉ આવેલા સ્પર્ધકોમાંથી સૌમિત્ર જેવું કોઈજ નહોતું બોલ્યું, અને સૌમિત્ર જે રીતે બોલી રહ્યો હતો અને નિર્ણાયકો પણ તેનાથી પ્રભાવિત દેખાતા હતા એ જોઇને એવું લાગતું નહોતું કે બાકીના સ્પર્ધકોમાંથી પણ કોઈ સૌમિત્રને પછાડી શકશે. સૌમિત્ર બોલતી વખતે થોડીથોડી વારે પોતાનો જમણો હાથ ઉપર કરીને દર્શકદીર્‌ઘા તરફ કાયમ જમણેથી ડાબે નજર ફેરવતો ફેરવતો બોલતો, આ તેની આગવી સ્ટાઈલ હતી. તેણે સ્કુલના સમયમાંજ પેલી ટેબલ પર હાથ પછાડીને બોલવાની તેના ટિચરે બતાવેલી ‘વેવલી સ્ટાઈલ’ નકારી નાખી હતી. તે એકવાર પ્રવાહમાં આવી જાય પછી તેને સાંભળનાર મંત્રમુગ્ધ થઇ જતો. આજે પણ તેણે ઓડિયન્સને કાબુમાં કરીજ લીધું હતું.

પોતાનાં છેલ્લા મુદ્દાની છણાવટ કરતી વખતે સૌમિત્ર ફરીવાર જમણેથી ડાબે નજર ફેરવી રહ્યો હતો, તેનો હાથ ઉંચો હતો અને જેવું તેણે ડાબી બાજુ છેક છેલ્લી રો તરફ જોયું અને એણે એ તરફનાં પ્રવેશદ્વારમાંથી ભૂમિને હોલમાં પ્રવેશતાં જોઈ અને જીવનમાં પહેલીવાર સ્પર્ધામાં બોલતી વખતે સૌમિત્રની જીભ થોથવાઈ. એ મુદ્દો ભૂલવા લાગ્યો. તેની નજર છેલ્લી રો માંથી બેસેલાં લોકોના પગ હટાવતી હટાવતી જમણી તરફ જઈ રહેલી ભૂમિ પર મંડાઈ ગઈ હતી. આખો હોલ ખચોખચ ભરેલો હોવાથી ભૂમિને બેસવાની જગ્યા ન મળી એટલે છેવટે એ બે રો ની વચ્ચેના સ્પેસમાં બરોબર વચ્ચે અદબવાળીને ઉભી રહી ગઈ. ભૂમિ એક જગ્યાએ સ્થિર થઇ જતાં, સૌમિત્રએ પણ પોતાનો કાબુ પાછો મેળવ્યો અને ફરીથી મુદ્દા પર આવ્યો. હવે તેનું ધ્યાન ડાબે-જમણે ન જતાં બિલકુલ વચ્ચે ભૂમિ ઉપર સ્થિર થઇ ગયું અને છેલ્લી એક મિનીટતો એ જાણે ભૂમિનેજ ઉદ્દેશીને બોલ્યો. વચ્ચેની પાંચ-સાત સેંકડ પોતાના વક્તવ્ય પરથી કાબુ ગુમાવી દેવા છતાં, સૌમિત્રનું પરફોર્મન્સ અત્યંત સારૂં રહ્યું. તાળીઓ, બૂમો અને સીટીઓ એકધારી દોઢથી બે મિનીટ ચાલુ રહી. કોલેજનાં બે-ત્રણ સિનીયર મોસ્ટ પ્રોફેસરોતો એમ સુદ્ધાં બોલી ગયાં કે એચડી આર્ટસ કોલેજ તરફથી છેલ્લા વીસ વર્ષમાં આવો સ્પર્ધક તેમણે સાંભળ્યો નથી. અને એમની વાત પણ સાચી હતી, કારણકે પોતાનાં ઘરની સ્પર્ધા હોવાછતાં એચડી આર્ટસ કોલેજ વીસ વર્ષથી તેને જીતી શકી ન હતી.

સૌમિત્રનાં પરફોર્મન્સની અસર હોય કે પછી તેમની ખુદની તૈયારીઓ ઓછી હોય, એમ સૌમિત્ર પછીનાં પાંચેય સ્પર્ધકોની રજૂઆત નબળીથી અતિશય નબળી રહી. આથી દર્શકદીર્‌ઘામાં બેસેલા એચડી આર્ટ્‌સનાં વિદ્યાર્થીઓમાં સૌમિત્રની જીત વિશે ગણગણાટ શરૂ થઇ ગયો. સ્પર્ધા પૂરી થઇ જતાં, નિર્ણાયકો એક અલગ ખંડમાં નિર્ણય લેવા ગયાં. આ દરમ્યાન કોલેજનાં કેટલાંય વિદ્યાર્થીઓ જેમાં છોકરા છોકરીઓ બંને શામેલ હતાં, તે સૌમિત્રની આસપાસ વીંટળાઈ વળ્યાં અને તેનાં મોફાટ વખાણ કરવા લાગ્યાં. ગઈકાલ સુધી કોલેજની જે સુંદર છોકરીઓ સૌમિત્રની સામે પણ નહોતી જોતી તેપણ સૌમિત્ર સાથે હાથ મેળવવા રીતસરની પડાપડી કરી રહી હતી. સૌમિત્રના અંતરંગ મિત્રો વ્રજેશ અને હિતુદાન આ ભીડને કિનારે ઉભા રહીને ગર્વભેર સ્મિત વેરતાં સૌમિત્રને જોઈ રહ્યાં હતાં. એમને જોતાંજ સૌમિત્રએ વિદ્યાર્થીઓને ‘સોરી’ કહીને તેમની ભીડ ચીરીને પોતાનાં મિત્રો સુધી પહોચ્યો. હિતુદાનેતો સૌમિત્રને રીતસરનો ભીંસી જ લીધો.

“મારૂં બેટું તું તો સૂંપું રતન નીકળ્યું.” હિતુદાન હજીપણ સૌમિત્રને ભેટીને ઉભો હતો અને તેની પાછળ વ્રજેશ ઉભોઉભો સ્મિત વેરી રહ્યો હતો.

સૌમિત્રએ હિતુદાનને ભેટતાં ભેટતાં જ વ્રજેશ તરફ પોતાનો ડાબો હાથ લંબાવ્યો અને વ્રજેશે એને પકડી લીધો અને એની આંગળીઓને ખુબ દબાવી. પછી તો વ્રજેશ અને સૌમિત્ર પણ ગળે મળ્યાં.

‘તે, વસ્સે હું કામ તતફફ થઇ ગ્યો’તો?’ થોડી ભીડ ઓછી થતાં, હિતુદાને સૌમિત્રને પૂછ્‌યું.

જવાબમાં સૌમિત્ર એ પોતાનું ડોકું હલાવીને દૂર પોતાની સખીઓ સાથે વાતો કરતી ભૂમિ તરફ ઈશારો કર્યો.

‘હકને! હવે મને ખબર્ય પઈડી, કે સાય્‌બ કાં આમ અચાનક બધું ભૂલી ગ્યા?’ આટલું કહીને હિતુદાને ખડખડાટ હસીને સૌમિત્રની પીઠ ઉપર ધબ્બો માર્યો. સૌમિત્ર ફક્ત શરમાયો. વ્રજેશે સૌમિત્ર તરફ આંખ મારી.

ત્યાંજ નિર્ણાયકો પોતાના નિર્ણય સાથે આવી રહ્યાં છે એવી જાહેરાત થઇ. આથી ફરીથી બધા પોતપોતાની જગ્યાએ બેસવા લાગ્યા. સૌમિત્રએ ફરીથી ભૂમિ તરફ એક નજર નાખીને પોતાની સ્પર્ધક તરીકેની ખુરશી પર ફરી બેસી ગયો. ગુજરાતી સાહિત્યના તે સમયનાં ખુબ પ્રસિદ્ધ હાસ્યકાર બકુલ દવે એ નિર્ણય જાહેર કરતાં, એચડી આર્ટસ, તમામ સ્પર્ધકો અને તેમની કોલેજોના વખાણ કર્યા. સૌમિત્રનું હ્ય્દય હવે જોરથી ધબકવા લાગ્યું હતું. સ્કુલમાં તો એ પોતાની સ્પિચ પછી તરતજ નક્કી કરી લેતો કે તેનો કેટલામો નંબર આવશે અને મોટેભાગે તે સાચો પણ પડતો. પરંતુ આ એકતો ખુબ મોટી સ્પર્ધા હતી. પ્રોફેસર બારિયાએ વળી એમપણ કીધું હતું કે તેનાજેવો સ્પર્ધક તેમણે છેલ્લા દસવર્ષમાં નથી જોયો અને ઉપરાંત છેલ્લાં વીસ વર્ષથી કોલેજે પણ આ સ્પર્ધા નહોતી જીતી. આથી સૌમિત્રને અચાનક પોતાની જવાબદારીનું ભાન થયું. આ ઉપરાંત તેને લાગ્યું કે તેની જીત ભૂમિને પણ તેના તરફ કદાચ આસાનીથી આકષ્ર્િાત કરી શકશે અને આથીજ તેને માટે હવે જીતવું ખુબ જરૂરી બની ગયું હતું.

બકુલ દવે ત્રીજા સ્થાન થી આગળ વધ્યાં અને જેવું તેમણે વિજેતા તરીકે “સૌમિત્ર પંડયા, એચડી આર્ટ્‌સ કોલેજ, અમદાવાદ” એવું જાહેર કર્યું કે હોલમાં અફરાતફરી મચી ગઈ. પ્રોફેસર બારિયા દોડીને સૌમિત્રને ભેટી પડયા. પોતાની ખુરશીમાંથી તરતજ ઉભા થઇ ગયેલા કોલેજનાં કડક પ્રિન્સીપાલ અરવિંદ પટેલની આંખો પણ ભીની થઇ ગઈ, કારણકે વીસ વર્ષ પછી તેમની કોલેજમાંથી કોઈએ આ પ્રતિષ્ઠિત સ્પર્ધા જીતી હતી. કોલેજનાં વિદ્યાર્થીઓ તો જાણેકે પાગલજ થઇ ગયાં. વ્રજેશ અને હિતુદાન એકબીજાને વળગી પડયા અને હિતુદાને આજ પોઝીશનમાં કુદકા મારવાનું પણ શરૂ કરી દીધું. પ્રોફેસર બારિયાએ સૌમિત્રને પોતાનું ઇનામ લેવા જવાનું કહ્યું. સૌમિત્રને ગોલ્ડ મેડલ મળ્યો જે તેણે રાખવાનો હતો જ્યારે એચડી આર્ટ્‌સ કોલેજને મહાત્મા ગાંધી શિલ્ડ મળ્યો, વીસ વર્ષ પછી! મેડલ અને શિલ્ડ લઈને પોતાની જગ્યાએ પાછાં વળતાં સૌમિત્રએ પ્રિન્સીપાલ પટેલ અને પ્રોફેસર બારિયાને વારાફરતી પગે લાગ્યો.

સ્પર્ધા સત્તાવારરીતે પૂરી થયેલી જાહેર થતાંજ ફરીએકવાર સૌમિત્ર કોલેજનાં વિદ્યાર્થીઓ થી ઘેરાઈ ગયો. આ વખતેતો પહેલાં કરતાં લગભગ ત્રણગણી સંખ્યા હતી. ધીમેધીમે આ તમામના અભિનંદનો સ્વીકારીને સૌમિત્ર ફરીથી એક ખૂણે આ બધું ગર્વથી જોઈ રહેલા પોતાનાં ખાસ મિત્રો વ્રજેશ અને હિતુદાન તરફ આગળ વધ્યો અને ત્યાંજ...

“કોન્ગ્રેચ્યુલેશન્સ સૌમિત્ર!”

સૌમિત્રએ પાછું વળીને જોયું, તો ભૂમિ પોતાનો હાથ લંબાવીને તેનું ચિતપરિચિત પહોળું સ્મિત દેખાડતી ઉભી રહી હતી.

‘ઓહ થેંક્યું!” કહીને સૌમિત્રએ તરતજ ભૂમિનો હાથ પકડી લીધો અને કેટલીયે સેકંડો સુધી તેને હલાવે રાખ્યો.

‘સોરી, હું થોડી મોડી પડી, પણ શું કરૂં? બસ જ ના મળી. પણ તું ખુબ સરસ બોલ્યો સૌમિત્ર. મેં તો ખાલી એકજ મિનીટ તને સાંભળ્યો પણ મારી ફ્રેન્ડસે મને કીધું કે તું સુપપ બોલ્યો. એ બંનેતો તારાથી ખુબજ ઈમ્પ્રેસ થઇ ગઈ છે, યાર!” ભૂમિએ કદાચ પહેલીવાર સૌમિત્રની આંખમાં આંખ પરોવીને આટલો લાંબો સમય બોલી.

“હા, મને ખબર છે!” આમ અચાનક ભૂમિનાં ‘હુમલાથી’ થોડાંક બઘવાયેલા સૌમિત્રએ કહ્યું.

“શું?’ ભૂમિનાં ચહેરા પર આશ્ચર્ય હતું.

‘એજ કે તમે મને છેલ્લી એકજ મિનીટ સાંભળી શક્યા.” સૌમિત્રથી સાચું બોલાઈ ગયું.

“અરે? તમને કેવીરીતે ખબર પડી?” ભૂમિએ તિક્ષ્ણ સવાલ કર્યો.

“અમમ...” સૌમિત્ર પાસે તેનો જવાબ હતો, પરંતુ નહોતો. તેને ડર હતો કે જો તે સાચું કહી દે કે જ્યારથી તે હોલમાં દાખલ થઇ ત્યારથી એની નજર ભૂમિ પર જ હતી, તો કદાચ ભૂમિને ખરાબ લાગે.

“શું વિચારો છો સૌમિત્ર? ક્યોને તમને કેવીરીતે ખબર પડી કે હું છેલ્લી એકજ મિનીટ તમને સાંભળી શકી?” ભૂમિની ઉત્કંઠા વધી ગઈ હતી.

સૌમિત્ર મનોમન ભગવાનને મદદનો પોકાર કરી રહ્યો હતો.

-ઃ પ્રકરણ એક સમાપ્ત :-