Niyati Nu Chakra : Part-2 books and stories free download online pdf in Gujarati

Niyati Nu Chakra : Part-2

નિયતિનું ચક્ર

ભાગ-૨

રૂપાલી શાહ

dalalrupali@hotmail.com | M. 9833056181


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


નિયતિનું ચક્ર

ભાગ-૨

રૂપલ પલ્લવે કહેલી ઘટનાને મમળાવતી હતી ત્યારે જ સુનંદાએ આવીને ચા ટિપોય પર મૂકી. સુનંદાના પગરવથી અને ચાના કપના ખખડાટથી રૂપલની વિચાર તંદ્રા તૂટી. આડાઅવળા અને ઉડાઉડ કરી રહેલા વિચારોને જેમ તેમ મનનાં ભંડાકિયામાં ચસોચસ બંધ કરી રૂપલ મનને મક્કમ કરી નિત્યક્રમમાં પરોવાઇ. સાંજે તો આકાશને મળવાનું હતું.

‘હેય, આકાશ તું ખાસ બદલાયેલો નથી લાગતો. વેલ.. વેલ.. વેલ, માથાનાં વાળ ઘણાં આછા થઇ ગયા છે અને શરીર પર પૈસાનો ઘેરાવો દેખાય છે.’ આંખ મિચકારી ખડખડાટ હસતાં રૂપલે વર્ષોથી બટકી ગયેલા સંબંધને ખૂબ જ સાહજિકતાથી જોડવાનો પ્રયત્ન કરતાં વાતનો દોર શરૂ કર્યો.

‘હા, પણ તું નખશીખ બદલાઇ ગઇ છે. અચાનક સામે મળી જતે તો કદાચ ઓળખી પણ ન શકાય એટલી હદની.’

‘ના. જે ટાઢકથી તું અબાઉટ ટર્ન થઈ આપણાં સંબંધનું પાનું ફાડી જતો રહ્યો એટલી હદે તો હું નથી જ બદલાઈ.’ રૂપલના અવાજમાં અજાણતાં જ કડવાશની ધાર ઉમેરાઈ ગઈ. જોકે, તેણે અવાજને થોડો સંયત કરી બાજી વાળી લેતાં હળવાશથી કહ્યું,

‘એની વેઝ, બોલ શું લઇશ?’

‘કોફી વીથ ગાર્લિક બ્રેડ’

વેઇટર આવ્યો અને ઓર્ડર લઇ ગયો, પણ શરૂઆતની હળવાશની પળો બાદ તે બંને વચ્ચે ચૂપકીદી પ્રસરી ગઇ. આંખોમાંના ભાવ ચહેરા પર ચાડી ન ખાઇ જાય એની તકેદારી રાખતા બંને પક્ષે સ્વસ્થતાનો અંચળો ઓઢાયેલો રહ્યો. અંદર તો વાવાઝોડું ફૂંકાતું હતું. કદાચ આ વાવાઝોડું તહસનહસ કરી નાખે અથવા તો પછી જિંદગીને એક નવી દિશા આપે. ખબર નહીં. છેવટે રૂપલે ધારદાર મૌન તોડયું.

‘બોલ આકાશ’ આપણે રિવર્સથી શરૂ કરીએ? કોલેજ પત્યા પછી તે શું કર્યું?’

વર્ષોથી નકાબનો અંચળો ઓઢાડી કોઈ ક્ષણને આપણે ટાળી રહ્યા હોય અને એ ખુલ્લંખુલ્લાં આવીને ઊભી રહે તો શું થાય? એવો જ અનુભવ આકાશને થયો. એ જરા ઝંખવાયો પણ તેણે તરત જ સ્વસ્થતા કેળવી. ખોંખારો ખાધો અને પોતાને ડિફેન્સ કરતો હોય તેમ નજાકતતાથી વાતની રજૂઆત શરૂ કરી.

‘ગામ ગયો ત્યારે તો મમ્મી પપ્પાને હું મારી અને તર્જનીની વાત કરવા જ ગયો હતો. પણ વિધિએ કશું જૂદું જ ઘડી રાખ્યું હતું. ત્યાં ગયો અને પપ્પાને હાર્ટ એટેક આવ્યો. હું મારા આગળના ભાવિ વિશેના કોઇ પણ સપનાં વિશે પપ્પાને કહું એ પહેલાં તો પપ્પાએ તેમનાં અમેરિકા વસીને ઠરીઠામ થયેલા મિત્રની દીકરી સાથે મારા લગ્નની ઇચ્છા વ્યક્ત કરી. માંદગીને બિછાને સૂતેલા પપ્પાને હું ના ન કહી શક્યો. અને છેવટે એમણે નક્કી કરેલી છોકરી સાથે લગ્ન કરી હું અમેરિકા સેટ થઇ ગયો. તો સામે પક્ષે તમારી ખાસ કરીને તર્જનીની સામે આવવાની પણ મારી હિંમત નહોતી. લગ્ન બાદ પંદર દિવસમાં જ પપ્પાનું મૃત્યુ થયું.’ એકધારૂં બોલ્યા પછી આકાશ જરા અટક્યો.

‘તર્જની.... તર્જની કેમ છે?’ એનો અવાજ જરા તરડાયો પણ રૂપલની તો દુખતી નસ દબાઇ ગઈ. ટીપે ટીપે એકઠી થયેલી વેદના, અધૂરી રહી ગયેલી ઝંખનાની એ તડપ, લાચારી આ બધાનો ચિતાર એક વાક્યમાં કેવી રીતે આકાશને આપી શકાય? આકાશ એ ક્ષણોની તીવ્રતા અનુભવી શકશે ખરો? તર્જની સચવાઇ તો ગઇ હતી પણ શરીરમાં ઝમતી રહેલી એ તરછોડાયેલાની વેદના એને રૂંવે રૂંવે ફરી વળી હતી. અને આ વાત એનાથી વધુ સારી રીતે કોણ જાણી કે અનુભવી શક્યું હતું? રૂપલે જવાબ આપવાને બદલે સામો સવાલ પૂછ્‌યો.

‘આટલા વર્ષ મુંબઇ આવ્યો જ નહીં? આજે જે ચિંતા તને સતાવી રહી છે એ તું પહેલાં પણ વ્યક્ત કરી શક્યો હોત, કમસે કમ....’ રૂપલ વાક્ય ગળી ગઈ.

‘હું સમજું છું તું શું કહેવા માગે છે. પણ મારો અપરાધ ભાવ મને જંપવા નહોતો દેતો. તર્જનીને છેતરવાનો ડંખ સતત મને કોતરતો રહ્યો છે. રાતોની રાતો હું જાગતો. સતત એક અજંપો મને ઘેરી વળતો. તર્જનીને છેહ દીધાનો વસવસો મારા હ્ય્દયને ડંખતો રહેતો. ઇશ્વર એનો સાક્ષી છે. પણ છેવટે મેં એ દિશા તરફ જોવાનું જ માંડી વાળ્યું. તું માની શકતી હોય તો માનજે. પણ દરિયાની સપાટી પર બધું શાંત દેખાતું રહે છે. પણ એના ઊંડાણમાં કેટલી ઉથલપાથલ થતી હોય છે એની જાણ કોઈને નથી હોતી. એવું જ મારી સાથે બનતું રહ્યું. બસ, હવે તો એક જ ઇચ્છા છે.’ એણે ઊંડો નિશ્વાસ નાખ્યો. ‘એકની એક દીકરી છે- સાક્ષી. કોલેજના છેલ્લા વર્ષમાં. એનું ભણતર પૂરૂં થાય એટલે સારૂં ઠેકાણું જોઇ એના હાથ પીળા કરી મારી જિંદગીની સૌથી મોટી જવાબદારીમાંથી મુક્ત થાઉં.’

એક જવાબદારીમાંથી છટકી બીજીને સુપેરે પૂરી કરવાની ઇચ્છા વ્યક્ત કરવાની વાત પર કંઇક ચોપડાવી દઉં એવી ઇચ્છા હોવા છતાં રૂપલના મોં માંથી સહસા થડકાર સાથે નીકળી પડયું,

‘ને તારી પત્ની?’

‘તર્જની સાથે જીવવાનું સપનું પિતાના પ્રેમ આગળ તૂટી ગયું. પણ સામે મારી મહત્વકાંક્ષાને પાંખ મળી. અમેરિકામાં પત્નીના સાથે હું સફળતાના શિખર ચઢ્‌યો. પણ કુદરત એક હાથે સુખ આપતી તો બીજી બાજુ કશું ક છીનવી લેતી હોય એમ સાક્ષીના જનમ સાથે જ મારી પત્નીનું મૃત્યુ થયું.’ આકાશનો અવાજ જરા તરડાયો.

વેઇટરે આવીને પ્લેટ્‌સ મૂકવા લાગ્યો. બંને સ્વસ્થ થયા.

‘દીકરી માટે છોકરા જોવા અહીં આવ્યો છે?’ રૂપલે ધીમેથી વાતનો તંત સાધ્યો.

‘ એક્ચ્યુઅલી સાક્ષીની જ યુનિવર્સિટિમાં ભણતાં એક છોકરા સાથે સાક્ષી ગળાડૂબ પ્રેમમાં છે. વર્ષોથી ધરબી રાખેલી ભારઝલ્લી વાતો પરથી પરદો ઊઠતાં આકાશ હળવાશ અનુભવી રહ્યો હતો. એણે ખેલદિલી પૂર્વક હવે વાતને આગળ વધારી. ‘છોકરાને એક બે વાર મળ્યો છું. ખૂબ જ સાલસ અને સંસ્કારી કુટુંબનો લાગે છે. પલ્લવ- પલ્લવ નામ છે છોકરાનું. બીજું તો ખાસ કંઇ ખબર નથી. ખરેખર તો મુંબઇ હું એની તપાસ કરવા જ આવ્યો છું. બધું બરાબર હોય તો....’

રૂપલ ખડખડાટ હસી પડી. અને વચ્ચેથી જ આકાશને કાપી બોલી. ‘તારી જાણ ખાતર તારી દીકરી જે છોકરાના પ્રેમમાં છે એ પલ્લવ બીજો કોઇ નહીં મારો જ દીકરો છે.’ રૂપલની આંખમાં આગ લબકારા મારી રહી હતી.

હવે ચમકવાનો વારો આકાશનો હતો.

‘શું વાત કરે છે પલ્લવ.... પલ્લવ તારો દીકરો છે?’

‘હા અને વર્ષો પહેલાં તે જે દગો તર્જની સાથે કર્યો હતો એ તર્જનીની તરછોડાયેલાની વેદના અને આજ સુધી એની આંખોમાં અટવાતાં અનેક મૂક પ્રશ્નોની હું એક માત્ર સાક્ષી રહી છું. એનો જ બદલો લેવા કદાચ વિધાતાએ મને આજે તારી સમક્ષ ઊભી કરી દીધી છે. હું ચાહું તો એનો બદલો બહુ સિફતથી તારી સાથે લઈ શકું છું.’ રૂપલના શબ્દો અને અંગેઅંગમાંથી આગ ઓકાઈ રહી હતી.

‘આ જ છળ મારો દીકરો પલ્લવ તારી દીકરી સાક્ષી સાથે કરી શકે એમ છેપ. જો હું ચાહું તો. ઇતિહાસનું પુનરાવર્તન થઇ રહ્યું છે. ફક્ત પાસા અને પાત્ર ઉલટપુલટ થઇ ગયા છે. મિસ્ટર આકાશ....’

અને આકાશને યાદ આવી ગઇ પેલી શાયરી

“સંબંધોના હસ્તાક્ષર કોઇ ઉકેલી નથી શકતું,

એમાં જોડણીની ભૂલ કોઇ શોધી નથી શકતું

ખૂબ સરળ લાગે છે વાક્ય રચના પણ

એમાં પૂર્ણવિરામ કોઇ મૂકી નથી શકતું.”

***

બીજા રસપ્રદ વિકલ્પો