Ashanka books and stories free download online pdf in Gujarati

આશંકા

રૂપાલી શાહ

701/b wing, samir bldg.

Opp. Children’s academy school,

Atmaram sawant marg,

Kandivali east,

Mumbai- 400101

Contact number- 9833056181

આશંકા

‘સાગર, આઈ લવ યુ...!’

એણે આંખ મીંચી દીધી. નહીં નહીં તો આ વાક્ય એ દસમી વખત બોલી હશે. સૂતાં, ઊઠતાં, બેસતાં, પડખું ફરતાં એને આમેય સાગર સિવાય ક્યાં કશું દેખાતું જ હતું! એ સાગરના માથાડૂબ પ્રેમમાં હતી.

કહે છે ને કે પ્રેમ આંધળો હોય અને તે આપોઆપ થઈ જાય. ઘણીવાર એ હસીને કહેતી, ‘આપણે બંદા તો ખુલ્લી આંખે પ્રેમમાં ‘પડ્યા’ છીએ.’

‘કેમ?’

‘અરે કેમ શું? આઈ લવ યુ... ધેટ્સ ઓલ!’

એના કેટલીય વાર ઉચ્ચારાયેલા ‘હું તને ચાહું છું’નો સાગરે એક પણ વાર શબ્દોમાં પ્રતિસાદ નહોતો આપ્યો. જો કે ઊર્મિ પણ ક્યાં સાગરના પ્રતિભાવની પ્રતીક્ષા કરતી હતી? ઊર્મિના હૈયામાં તો આખોને આખો સમુંદર હિલોળા લેતો હતો. એ સાગરના મૂક પ્રેમનાં મોજામાં ભીંજાતી રહેતી, તણાતી રહેતી...

સાગર પ્રકૃતિએ શાંત અને ધીરગંભીર. ચાંદની વરસતી હોય કે ભરતીનો જુવાળ હોય- એનું ગાંભીર્ય ક્યારેય ઓછું ન થતું. ઊર્મિ એની સહેલીઓને હસીને કહેતી, ‘મારો સાગર ‘તમે કરજો પ્રેમની વાતો અમે કરીશું પ્રેમ’માં માને છે... જ્યારે ઊર્મિનો સ્વભાવ અભિવ્યક્તિનો. મનમાં રમતું હોય એને હોઠ પર મૂકતાં જરા ય વાર ન લગાડે. એને મન જીવનનો સૌથી ઉત્તેજનાપૂર્ણ એકરાર એટલે પ્રેમ. તેથી જ સાગરના હાથમાં હાથ પરોવી દરિયાકિનારાના રેતીના વિશાળ તટ પર ચાલતી વખતે, રમરમાટ દોડતી બાઇક પર સાગરની પાછળ ચસોચસ વીંટળાઈને બેઠી હોય ત્યારે કે ગુલમહોરના વૃક્ષ નીચે ગુફત્ગુ કરતી વખતે ઊર્મિના મોમાંથી અવારનવાર સાગર માટેની ઉત્કટ ઊર્મિ સરી પડતી. ઘણીવાર એ સાગરને પૂછી પણ બેસતી, ‘સાગર તું આવો હિમાલય જેવો અવિચળ કઈ રીતે રહી શકતો હશે?’

સાગર કશું ન બોલતો. માત્ર મીઠું સ્મિત ફેંકતો.

આજે પણ તેઓ આ જ રીતે દરિયાકિનારે ટહેલવા નીકળ્યા હતા. ઊર્મિ સાગરની સાથે એના હાથમાં હાથ પરોવી દરિયાનાં પાણીમાં પગ બોળીને ઊભી હતી. ઊછળતું- કૂદતું આવેલું પાણી ક્ષણિક પગ ફરતે વીંટળાઇને વીખરાઇ જતું હતું. કોણ જાણે કેમ, ઊર્મિ આજે પહેલી વાર થથરી. એના મનમાં ડરનું સ્પંદન જાગ્યું: સાગરનો પ્રેમ પણ આ પાણીનાં મોજાંની જેમ વિખરાઇ તો નહીં જાયને? ઊર્મિને લાગ્યું કે તેના પગ નીચેની રેતી સરકી રહી છે. અચાનક જ તેને સાગર સાથેની પહેલી મુલાકાત યાદ આવી ગઈ...

... તે દિવસે કોલેજના કમ્પાઉન્ડમાં છોકરી- છોકરાઓ ટોળે વળીને ઊભાં હતાં. એ નજીક પહોંચી. એણે જોયું કે એની ખાસ ફ્રેન્ડ કોઈની સાથે ઉગ્રતાથી દલીલ કરી રહી હતી. તરત જ ટોળાં વચ્ચે માર્ગ કરતી ઊર્મિ સડસડાટ એની પાસે પહોંચી ગઈ. અને કશુંય જાણ્યા-પૂછ્યા વગર જ એણે સામે ઊભેલા ઊંચા- સોહામણા છોકરાને ઝાટકી નાખ્યો. જોકે એને તો છેક પાછળથી સમજાયું હતું કે એ જે યુવાનને ખખડાવી રહી હતી એણે તો વાસ્તવમાં એની સહેલીને કોઈ ટીખળી ટપરોરીના સકંજામાંથી બચાવી હતી! એ બદમાશ તો ક્યારનો ચૂપચાપ ટોળાંમાંથી સરકી ગયો હતો. સામે ઊભેલો યુવાન ‘હીરો’ હતો. વિલન નહીં! ઊર્મિને ક્ષોભ થઈ આવ્યો. પોતાને શાંતિથી જોઈ રહેલા આ યુવાનની આંખમાંનો ભાવ અને મૃદુ હાસ્ય એને આકર્ષી ગયા હતાં.

ઊર્મિ બે દિવસ પછી એની માફી માગવા ગઈ ત્યારે સાગરે માફીના બદલામાં સાથે કોફી પીવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બસ, પછી શરૂ થઈ ગયો ચાહતનો સિલસિલો. સાગર આછાબોલો ખરો, પણ ઊર્મિની દરેક વાતો એ રસથી સાંભળતો. એટલું જ નહીં, ઊર્મિ સાથે સંકળાયેલી ઝીણામાં ઝીણી વિગતો પણ યાદ રાખતો. સાગરને ઊર્મિનું બોલકું, રુમઝુમ કરતું નિખાલસ વ્યક્તિત્વ સ્પર્શી ગયું હતું.

ઊર્મિની તંદ્રાવસ્થા તૂટી. એણે ક્યાંક સાંભળ્યું હતું કે અઢાર- વીસ વર્ષની કાચી ઉંમરનો પ્રેમ કદાચ પરિપક્વ ન ગણાય... પણ એ મુગ્ધ તબક્કો તો ક્યારનો પસાર થઈ ચૂક્યો હતો. હાથમાં હાથ પરોવીને ઊભેલા સાગરના ખભે એણે માથું ઢાળી દીધું. અચાનક જ ઊર્મિ બોલી, ‘ચાલને સાગર, આપણે ક્યાંક જતાં રહીએ જ્યાં જગતનું બંધન ન હોય, સમાજના સીમાડા ન નડતા હોય... એવી જગ્યાએ જ્યાં આપણે એકમેકમાં આપણું અસ્તિત્વ ઓગાળી શકીએ.’

ફરી સાગરે હસીને વાત ટાળી દીધી. ઊર્મિની આંખમાંથી ખારું પાણી વહ્યું અને ગાલ પરથી સરકીન દરિયાનાં પાણીમાં ભળી ગયું. ઊર્મિને લાગ્યું કે એકાદ- બે ટીપાં વધુ ઉમેરાવાથી આ સાગરને કશો જ ફરક પડવાનો નથી... પણ ઊર્મિ પરવશ હતી. એને સાગર સિવાય બીજું કશું જ ખપતું નહોતું. એને સાગરના સંગાથની સતત ઝંખના રહેતી. સાગર એની રગરગમાં ઊછળતો હતો.

ઊર્મિને ખબર હતી કે આ સંબંધ બાંધવામાં હજુ કદાચ અનેક વળાંક આવવાના બાકી છે. માતાપિતાની ઓથ વિના ઊછરેલા સાગરમાં એને તો કોઈ પણ પ્રકારની કમી લાગતી નહોતી, છતાં ઊર્મિને પોતાનાં મમ્મીપપ્પાના ગળે એ વાત ઉતારવી મુશ્કેલ તો હતી જ. જોકે મમ્મી પપ્પા ન માને તો ઘર છોડી દેવાની તૈયારી સુદ્ધાં એણે રાખી હતી... પણ સાગરનાં હૃદયનો પૂરેપૂરો તાગ ક્યાં મળતો હતો? એનું હૈયું વલોવાતું હતું. સાગર એને પ્રેમ તો કરે જ છે એવી ખાતરી હોવા છતાં કોણ જાણે કેમ આજે એનું મન રહીરહીને તરંગિત થઈ રહ્યું હતું. ઘડીકમાં સાગર પરની શ્રદ્ધાને વળ ચડે તો પળવારમાં એ ભરોસો એને ડગમગતી દેખાય. પ્રેમમાં અજંપાની પરાકાષ્ઠા આટલી ગુંગળાવી નાખનારી શા માટે હશે?

સાગરે ઊર્મિને પાછા ફરવાનો ઇશારો કર્યો. વિચારોમાં અટવાતી ઊર્મિ સાગરની સાથે રેતી પર પગ માંડતી ઘસડાતી ચાલવા લાગી. બંને પાર્ક કરેલી બાઇક તરફ પાછાં ફર્યાં. સાગરે જેવી હેલ્મેટ પહેરી કે ઊર્મિને દરિયા કિનારે આવતી વખતનો કિસ્સો યાદ આવી ગયો. એ મીઠું હસી. વહેલી સવારે ઊર્મિની જીદને વશ થઈ સાગર દરિયા કિનારે ફરવા જવા માટે તૈયાર થઈ ગયેલો.

બાઇક પર બેસતી ઊર્મિને ટોકતા એણે કહ્યું, ‘ઊર્મિ, તારી હેલ્મેટ પણ લાવ્યો છું. પહેરી લે.’ ‘નો વે!’ ઊર્મિએ ખભા ઊલાળ્યા. ‘મારે તો તારી પીઠ પર માથું ઢાળીને બેસવું છે... હેલ્મેટ પહેરી હોય તો તારી પીઠને મારા ગાલનો સ્પર્શ કેવી રીતે થાય?’ અહં... હું નહીં પહેરું.’

‘ઊર્મિ...’

‘સાગર પ્લીઝ... તેં એકલાએ હેલ્મેટ પહેરી છે એટલું કાફી નથી? આઇ ડોન્ટ નીડ ઈટ!’

આખરે ઊર્મિની આનાકાની સામે સાગરે નમતું જોખવું પડ્યું હતું અને બિલ્ડિંગમાં વોચમન માટે બનાવેલી કેબિનમાં જ બીજી હેલ્મેટ મૂકવી પડી હતી.

સાગરે બાઈક સ્ટાર્ટ કરી...

... સવારની જેમ જ અત્યારે પણ ઊર્મિ સાગરની પાછળ અદાથી ગોઠવાઈ. બાઇકના પૈડાં પાછળ ઊડતાં ધૂળના ગોટાએ ફરી ઊર્માન મનમાં ધુમ્મસ રચ્યું. એણે સાગર ફરતે હાથ વીંટાળી હળવી ભીંસ આપી. ધીમેથી પૂછ્યું, ‘સાગર, તું મારી સાથે લગ્ન કરીશ ને?’ સાગરે હેલ્મેટનો સહારો લઈ ફરી એક વાર જવાબ આપવાનું ટાળ્યું. સાગર ગંભીર થઈ ગયો હોય એવું ઊર્મિને અનુભવાયું. ઊર્મિના મનમાં હળવી ટીસ ઊઠી. શું સાગર મારી સાથે રમત રમી રહ્યો છે? એ બેપરવા છે? કે પછી મારા માટે એને કોઈ લાગણી છે જ નહીં? ઊર્મિની આંખો ભીંજાઈ ગઈ. એણે આસું લૂછવાની પરવા ન કરી. એના મનમાં વલોપાત સર્જાયો. બાઇક તો શહેર તરફ આગળ વધી રહી છે પણ એનું જીવન કઈ દિશામાં ગતિ કરી રહ્યું છે જીવનમાં ગતિ છે પણ ખરી કે પછી એ સ્થગિત થઈ રહ્યું છે હવે શો અર્થ છે આ તમામ પ્રશ્નોનો ધારો કે કદાચ સાગર એને છેતરતો પણ હોય છતાં એની પાસે ક્યાં માર્ગ હતો પાછા વળવાનો એ તો બધું છોડીને દૂર નીકળી ચૂકી હતી....

સૂર્ય હવે તપવા લાગ્યો હતો. સૂર્યના કિરણોને લીધે આંખ સામે લાલ-પીળાં ધાબા રચાતાં જતાં હતા. એકદમ જ સાગર ઉચાટથી બોલ્યો, ‘ઊર્મિ...’

‘હં...’

‘મારા માથા પરથી હેલ્મેટ કાઢ અને તું પહેરી લે.’

‘અહં...’

‘રસ્તો ખરાબ છે, દલીલ નહીં કર...’

સાગરના અવાજમાં એવો આદેશાત્મક ભાવ હતો કે ઊર્મિ પાસે એની વાત માન્યા સિવાય બીજો કોઈ વિકલ્પ ન રહ્યો. એણે ચૂપચાપ હેલ્મેટ કાઢીને પોતાના માથા પર પહેરી લીધી. જેને પ્રેમ કરતાં હોઈએ તેનો આદેશ શી રીતે ઉથાપાય...? છતાં ય કોણ જાણે કેમ, સાગરના પ્રેમ પ્રત્યેની એની આશંકા આજે અનેક વલયો રચી રહી હતી. મનમાં વિચારોનું ઘમસાણ મચ્યું. બધું જ ગોળ- ગોળ ફરતું હતું. એણે આંખો મીંચી લીધી...

-----------------

... એની આંખો ખૂલી. અસ્પષ્ટ આકારો ધીમે ધીમે સ્થિર થતા ગયા. આસપાસનું દૃશ્ય હવે કળી શકાતું હતું. છત પર પંખો ધીમા અવાજે ફરી રહ્યો હતો. હું ક્યાં છું? આ સવાલ સોયની જેમ ઊર્મિને ભોંકાયો. સાગરની માંસલ પીઠ, સમુદ્રમાં હિલોળા લેતું પાણી, બાઇક, હેલ્મેટ... ક્યાં ગયું એ બધું? આ આસપાસની રંગ વગરની બેજાન, ફિક્કી સફેદ દીવાલો શું સૂચવી રહી છે? સાગર ક્યાં છે? ઊર્મિએ બીજી તરફ નજર ફેરવી. એક ઊંચી પાતળી નર્સ બાજુમાં ઊભી હતી. તેના હાથમાં ઇંજેક્શન હતું. ‘આ શું? શું કામ મને લોહી ચડાવવામાં આવી રહ્યું છે? મને શું થયું છે?’ ઊર્મિ વિહવળ બની ગઈ. ‘હું અહીં કેવી રીતે આવી?’

નર્સે પોતાના મોં પર આંગળી મૂકી ચૂપ રહેવાનો ઇશારો કર્યો.

‘સિસ્ટર... સિસ્ટર... પ્લીઝ તમે સાંભળો છો હું શું પૂછું છું તે?’

‘પ્લીઝ, તમે શાંતિ રાખો. તમારે આરામની જરૂર છે-‘

‘ના!... મારી સાથે સાગર હતો... એ ક્યાં છે?’

‘જુઓ તમને સ્ટ્રેસ-‘

‘સિસ્ટર, પ્લીઝ! આઈ બેગ ઓફ યુ... મને જવાબ આપો.’

નર્સ ઊર્મિને જોતી રહી. પછી પીઠ ફેરવીને ટેબલ પર પડેલી ફાઇલ લઈ ઊર્મિના હાથમાં થમાવી દીધી.

‘ત્રીજું પાનું વાંચી લો...’

ઊર્મિએ ધડકતાં હૃદયે ત્રીજું પાનું ખોલ્યું અને અક્ષરો ઊપસતા ગયા.

‘યુવાન અને યુવતી- બાઇક પર- બ્રેક ફેઈલ- છોકરો માથામાં ઇજા થવાને લીધે ઓન ધ સ્પોટ મરી ગયો- છોકરી હેલ્મેટને કારણે બચી ગઈ...’

પ્રચંડ સંઘાત સાથે કશુંક અફળાયું. મોટો વિસ્ફોટ થયો જાણે કે... અને બધું જ ચૂરચૂર થઈ ગયું. ઊર્મિનું હૃદય વદેનાથી ફાટી પડ્યું. ફાઇલનો ઘા કરી એણે ચીસ પાડી

‘નો...!’

ઓરડાની દીવાલો ધ્રૂજી ઊઠી.

‘સાગર... સાગર... ક્યાં છે તું મારી પાસે આવ... સાગર...’

નર્સ હડબડી ગઈ. ‘પ્લીઝ હિંમત રાખો-‘

‘સાગર... યુ કાન્ટ ડુ ધીસ ટુ મી... મને આઈ લવ યુ કહેવાની બીજી કોઈ રીત તને ન આવડી?’ અને ધોધમાર આક્રંદનો સુનામી ક્યાંય સુધી હવામાં આમથી તેમ ફંગોળાતો રહ્યો...

-------------------XXXXXXXXXXXXXXXXXX

બીજા રસપ્રદ વિકલ્પો