નો-વેલ
ધ સ્ટોરી ઓફ કન્ફ્યુઝ્ડ યુથ...
(પ્રકરણ - ૧૫)
દર્શન નસીત
darshannasit@gmail.com
૨ વર્ષ બાદ...
કોલેજનો સમય પૂરો થવા સાથે ઝરીનને મળવા માટેનું બહાનુ પણ રહ્યું ન હતુ. પંદર દિવસથી બંનેએ ફોન પર મેસેજ કે કોલ કરીને વાત પણ નહોતી કરી. વિરહનો વલોપાત દરેક પળે હદયના ધબકારાની સાથે આટાફેરા કરી જતો હતો. સંજનાના કહેવાથી તે એકવાર તેના ઘરે આવી ત્યારે બંને વચ્ચે મુલાકાત થઇ. સંજના હવે બંનેને મળાવવા માટેના શક્ય એટલા પ્રયત્નો કરતી કારણ કે, એ માનતી હતી કે પ્રેમીને પામવો એ પ્રેમ નથી પણ પ્રેમીને ખુશ રાખવો એ જ સાચો પ્રેમ છે.
સંજનાના ઘરે મુલાકાત ગોઠવવામાં આવી. બપોરે બે વાગ્યે પ્રેમી પંખીડાઓ પર નજર રાખવાવાળું કોઈ નહોતું. ટીવીરૂમના સોફા પર બેઠાબેઠા સંજના, શ્યામ અને ઝરીન બંનેને તરસતી આંખે જોઈ રહી હતી.
‘ફૈઝલ આવી ગયો છે.’ ઝરીને આંખો વચ્ચે બંધાયેલા પુલને તોડતા ફૈઝલના બે વર્ષ બાદ અમદાવાદથી આવ્યા હોવાના સમાચાર આપ્યા.
‘ક્યાં છે ? તો શું થયું ?’ સંજના બંને મોકળા મને વાત કરી શકે એવા હેતુથી ઉભી થઈને રસોડામાં ચાલી ગઈ.
‘બિલાલમામાએ હવે અમારા બંનેના નિકાહ કરવાનું નક્કી કરી નાખ્યું છે અને આવતા રવિવારે મારી સગાઇ ગોઠવવા વિચારે છે.’ શ્યામે આંગળીના વેઢે ગણ્યું કે રવિવારને તો ફક્ત પાંચ દિવસની વાર હતી.
‘ફૈઝલનો શું વિચાર છે?’
‘અમે બંને એકબીજાને પહેલેથી ભાઈ-બહેન માનીએ છીએ. સવારે આ બાબતને લઈને વાત કરી. ભાઈએ મામાને અમારા બંનેની સગાઇ ન કરવા વાત કરી પણ તેઓ નથી માનતા. ફૈઝલે મને પૂછ્યું કે મારી શું ઇચ્છા છે? તો મેં આપણા બંનેની વાત જણાવી.’
‘હમ્મ્મ્મ... બીજું કઇ ?’
‘તેઓ તને મળવા માંગે છે.’
‘શુ તેઓ મને અપનાવશે?’
સંજના વરીયાળીના શરબત ભરેલા ત્રણ કાચના ગ્લાસ પ્લેટમાં લઈ આવી. ઝરીને ગ્લાસ પોતાની જાતે લઇ લીધો અને શ્યામે ખચકાટ સાથે સંજનાના હાથમાંથી ગ્લાસ લેતા મનથી કહેવા લાગ્યો કે ધન્ય છે સંજનાને, બીજાને ખુશ રાખવા પોતાના પ્રેમનું બલીદાન આપવા તૈયાર થઇ ગઈ.
‘હું તારી સાથે રહેવા માટે ગમે તે કરવા તૈયાર છું. મામાના ઘરે હું સાવ કંટાળી ગઈ છું. જો ફૈઝલભાઈ હા, નહિ પાડે તો હું તારી સાથે ભાગી જઈશ.’ ઝરીને શ્યામને પૂછ્યા વગર ભાગવાની વાત કરી.
‘તેમને આજે મળવા મોકલજે.’
ત્રણ અક્ષરથી મળીને બનતો શબ્દ ભાગવું એ બોલવું સહેલું છે, તેનાથી અઘરું છે ઘરથી દુર જવું અને તેનાથી પણ વધુ અઘરું છે ભાગ્યા પછી સાથે રહેલા વ્યક્તિનો અંતીમ સમય સુધી ગમે તેવી કઠીન પરિસ્થિતિમાં પણ સાથ ના છોડવો.
₪ ₪ ₪
બગસરા-ધારી રોડ પર આવેલા મંદિર પાસે ફૈઝલની રાહ જોતો અડધો કલાકથી ઊભો હતો. શ્યામે ઘડિયાળ સામે ચોથી વાર જોયું. સાડા છમાં પાંચ... ફૈઝલ સાથે આ તેની પાંચ વર્ષ પછીની મુલાકાત હતી. રીત-રિવાજોના ઘૂમરાની વચ્ચે મુંજાયેલું મન ચકરાવે ચડી ગયું કે જો ઝરીનને ભગાડશે તો આગળ શું કરશે? ઘરેથી તેને અપનાવશે વગેરે વગેરે... પ્રશ્નોની માયાજાળમાંથી બહાર કેમ નીકળશે?
‘હેય શ્યામ’ ફૈઝલે શ્યામની નજીક આવીને કહ્યું.. ફક્ત અવાજ એ હતો ચહેરાના દેખાવની સાથે શરીરનો બાંધો થોડો બદલાઈ ગયેલો હતો.
‘ધર્મ અલગ હોવાના કારણે ઘણા બધા પ્રશ્નો ઊભા થશે.’
‘હું તો ધર્મના બંધનોમાં નથી માનતો. ઝરીનના કહેવા મુજબ તમે પણ કદાચ આ કોમવાદના વિરોધમાં જ છો. ખરું ને?’
‘ હા, તેથી જ તો મેં ઝરીનને તારી સાથે લગ્ન કરાવવા માટેનું નક્કી કર્યું છે.’
‘પણ તમારા પપ્પા.?’
‘એ તરફ હું જોઈ લઇશ. જો તને તારા ઘરથી કઇ પ્રોબ્લેમ આવેતો મને કહેજે આપણે સાથે મળીને કઈક રસ્તો શોઘીશુ.’ ફૈઝલ બંનેને જોડવાના ઈરાદામાં મક્કમ હતો.
‘કોર્ટમાં ક્યારે જઈશું?’
‘કાલે સવારે આપણે ત્રણેય વ્યક્તિઓ જઈને તમારા લગ્ન કરાવી નાખીએ. જેથી તમને કાનૂની સપોર્ટ પણ મળી જાય.’
‘ઓકે. કાલે મળીએ.’ કુટુંબના સદસ્યોની વચ્ચે રહીને મંડપમાં હસ્તમેળાપ કરવા કરતા કોર્ટમાં જઈને હદયમિલાપ કરવાનું નક્કી થઇ જતા તેઓએ હાથ મિલાવ્યો અને છૂટા પડ્યા. રસ્તા પર વાહનોની અવરજવર ઠપ્પ થઇ ગઈ હતી. ટ્રેન પસાર થવાની રાહ જોતા વાહન ચાલકોએ વાહનો ઉભા રાખીને વિનાકારણ હોર્ન વગાડતા હતા.
₪ ₪ ₪
દરરોજ બસમાં કોલેજ જવા માટે મુસાફરી કરતા અલગ હતી. લોકોની સામાજિક ઝઘડાની વાતો સાંભળવા, વિચારવાના બદલે આજે શ્યામ તેની જ પ્રેમિકા સાથે લગ્ન(નિકાહ) કરવા માંગતો હતો. લગ્ન માટેના સર્ટીફીકેટ પર સિગ્નેચર કરીને એકબીજાને હાર પહેરાવ્યા. માથામાં સિંદુર અને ગળામાં મંગળસૂત્ર પહેરાવીને પોતીકી બનાવી લીધી.
‘કોન્ગ્રેચ્યુલેશન’ ફૈઝલે પ્રણયમાંથી પ્રભુતામાં પગલા પાડતા નવયુગલને અભિનંદન પાઠવ્યા.
‘તમે ઘરે જાવ અને તમારી જિંદગીને આગળ વધારો.’
‘ઓ. કે.’ ઝરીનનો હાથ પકડતા શ્યામે કહ્યું. આમ બે કલાકમાં લગ્ન થઇ ગયા ઉનાળાની ભારેખમ ગરમીમાં તપતી બપોરનો ઘરે પહોચતા વધુ ગરમીનો અહેસાસ તો ત્યારે થયો જયારે ઘરમાં પગ મુકતાની સાથે પપ્પાએ વધાવતા પૂછ્યું ‘આ કોણ છે?’
‘મારી પત્ની.’
‘ભાગીને લવમેરેજ પણ કરી નાખ્યા. નામ શું છે?’
‘ઝરીન’
‘તને આની સાથે લગ્ન કરતા પહેલા વિચાર ના આવ્યો કે તું એક હિંદુ છે.’
‘આવ્યો હતો. શું કરું પ્રેમ થઇ ગયો હતો. જયારે ઘરમાંથી પ્રેમ ખૂટે ત્યારે કોઈ વ્યક્તિ બીજાના પ્રેમની અપેક્ષા રાખે છે.’ એકવીસ વર્ષમાં પહેલીવાર પપ્પા સાથે અયોગ્ય રીતે વાત કરી પ્રેમ માટે.
‘પ્રેમ આંધળો હોય છે પણ એટલો બધો નઈ કે સામેવાળો કોણ છે અને કેવો છે ખબર જ ના પડે.’
‘આ ડાકણે જ તને પ્રેમજાળમાં ફસાવ્યો છે. હવે તારી પાસે ફક્ત બે વિકલ્પ છે તું ઘર છોડી દે અથવા આને...’ પપ્પાના અવાજમાં કડકાઈ વધવા લાગી.
‘તમે મને બેમાંથી એક સંબંધ તોડવા કહો છો. દરેક સંબંધની પણ કિંમત હોય છે. તમારા મારા બાપ-દીકરાના સંબંધ છે, તો ઝરીન સાથે પ્રેમીના અને રહી વાત પ્રેમની તો પ્રેમ આંધળો નથી હોતો તે કરવાવાળાની લાગણીઓ આંધળી હોય છે. દરેક ધર્મમાં પ્રેમ હોય છે એટલે જ તો પ્રેમનો કોઈ ધર્મ નથી હોતો.’ એક તરફ નવી જીંદગી જીવવા માગતી ઝરીન સાથે દુખી મો કરીને ઊભી હતી તો બીજી તરફ રસોડા પાસે ચોધાર આંસુની ધારા વહાવતી માં.
‘મા-બાપના પ્રેમનો વિચાર જ ના આવ્યો?’ પપ્પા ગળું ખંખેરતા બોલ્યા.
‘તમે મને પ્રેમ કરો છો પણ મારા પ્રેમને દુશ્મન માનો છો. આવું કેમ?’ આજના સમયમાં પણ પ્રેમ પામવા દુનિયા સામે લડવાની શરૂઆત ઘરથી જ થઇ ચુકી હતી.
‘તારા પર આનું ભૂત સવાર છે. અત્યારે અમારે તને કઇ પણ કહેવું ભેસ આગળ ભાગવત બરાબર છે.’ પપ્પા સાથેના ઉગ્રઘર્ષણમાં ગુસ્સાના દરેક તીર સમાન શબ્દો કમાનમાંથી છુટતા જતા હતા.
પપ્પાને ગુસ્સે થતા જોઇને રસોડાના દરવાજા પાસેથી મમ્મી રડમસ અવાજમાં બોલી, ‘જવા દો ને હવે તમે પણ શું જીદ પર ઉતર્યા છો. છોકરી સારી હોય તો તમને શુ વાંધો છે?’ વાત પૂરી થાય ત્યાં તેણે બે ડુસકા ભરી લીધા.
‘વાંધો છે જ્ઞાતિનો, ધર્મનો. આપણી જ્ઞાતિની છોકરી સાથે લવ મેરેજ કર્યા હોત તો મને કઇ વાંધો ના આવત પણ આ તો અલગ રીત-રિવાજ અને ધર્મ બધી વાત છે.’
આંતરજ્ઞાતિય લગ્નનો મુદો ઘરમાં આ રીતે સળગતો હોવાના લીધે ઉકેલતો નહિ હોય.
‘શ્યામને આ ઘરમાં રહેવું હોય તો તેને ઝરીનને ભૂલવી પડશે તો બાકી તેના માટે ઘરમાં જગ્યા નથી.’ મમ્મી તરફ ફરતા ફરતા બોલ્યા.
‘આશિકને પોતાની એક અલગ દુનિયા હોય છે. પ્રેમના વચનો અને સપનાઓ તેની જિંદગી બની જાય છે અને રહી વાત ઝરીનની એ તો મારો પ્રેમ છે. હું જાવ છું ઘર છોડીને મારો સંસાર બનાવવા. આશા રાખું છું કે ઝડપથી જ્ઞાતિવાદની કટ્ટરતા ધરાવતા વિચારોમાં બદલાવ આવે.’
શ્યામે ઝરીનની હાથ પકડીને ઘર મંદિર તરફ જઈને ગણેશજીને પગે લગાવી ગૃહ્સ્થાશ્રમમાં પગ મુકતાની સાથે પ્રાર્થના કરી. ઘરમાંથી બેગ લઇને બહાર નીકળી ગયા કારણ કે, હવે ધરતીનો છેડો ઘર વસાવવાનો સમય આવી ગયો હતો. શ્યામે ફૈઝલની સાથે ફોન પર વાતચિત કરી. અમદાવાદમાં રહેતા તેના મિત્રના ઘરે વ્યવસ્થા કરી. એના એ દિવસે અમદાવાદ જવા રવાના થયા. તેની સાથે કપડા ભરેલી બેગ હતી અને એ બેગમાં ઝરીનના જીવનમાં વળાંક લેતી દરેક ઘટનાનો સંગ્રહ કરેલી એક તેની પર્સનલ બુક...
આજુબાજુએ ઉનાળાની ગરમીના લીધે અકળાયેલા લોકો એકબીજા વચ્ચે જગ્યા રાખવા પ્રયત્નો કરતા હતા જયારે નવયુગલ આશ્વાસન અને હિમત આપવા શક્ય એટલું નજીક બેઠું હતું.
‘કેમ આટલી નર્વસ છે?’ અમરેલીથી બહાર નીકળતી વેળાએ ઝરીનની આંગળીઓ પર પોતાની આંગળી સરકાવતા પૂછ્યું.
‘ઘરેથી ભાગીને આવ્યા છીએ એટલે મને મામાનો ડર લાગે છે.’
‘ફૈઝલ તો ઘરે છે. એ બધું સભાળી લેશે.’
‘મામાને થોડા સંભાળવા મુશ્કેલ છે. કદાચ તે ફૈઝલથી પણ...’
‘કેમ?’ બેગમાંથી પાણીની બોટલ કાઢીને પીતા પીતા પૂ છ્યું.
‘તે એકદમ રૂઢીચુસ્ત છે.’ ઝરીને પાણીની બોટલ ખોલતા કહ્યું.
‘મતલબ?’
‘આપણે ગમે ત્યાં જઈશું. તે આપણને પકડી લેશે.’ મનમાં હજુ પણ કંસ જેવા મામાની બીક ઘુસેલી હતી.
‘ડોન્ટ વરી, બધું ઠીક થઇ જશે.’
‘મને નથી લાગતું કે બધું ઠીક થઇ જશે. રડમસ અવાજમાં બોલવાનું શરૂ કર્યું, ‘આજ સુધી તેને મને એક ભાણકીની જેમ રાખવાના બદલે ધર્મની એક આદર્શ પુતળી તરીકે રાખી. ઘરની બહાર નીકળવા માટે ઘણા બધા પ્રયત્નોમાં ક્યારેક સફળતા મળતી. જિંદગીને નર્ક બનાવી દીધી હતી. ત્યાંથી છૂટીને હજુપણ મને તે યમરાજ જેવા મામાનો ડર છે.’
‘ચિંતા ના કર બધું સરખુ થઇ જશે.’
‘હમમમ...’ ગણગણીને ભીની આખો બંધ કરીને શ્યામના ખભા પર માથું ટેકવ્યું સાથે તેણે તેના ખભા પર હાથ રાખી આશ્વાસન આપ્યું,’
એક તરફ ઝરીનનો દુખી ચહેરો નજીક હતો તો બીજી તરફ ઘર છોડતી વખતે પપ્પાનું રોદ્ર સ્વરૂપ અને માની મમતાથી ભીની આંખો. બસ અને સમયની ગતિને ઘણું અંતર કાપીને દુર નીકળી ગયા હતા. શ્યામને તો રાકેશ (જાતીવાદમાં પપ્પાને પણ વધે એવા ભાઈ) પર આશા હતી કે કદાચ તે પપ્પાને સમજાવીને બધું ઠીક કરી દેશે.
શું શ્યામ અને ઝરીનના લગ્ન પરિવાર તરફથી સ્વીકારશે?
વધુ આવતા અંકે...
દર્શન નસીત
darshannasit@gmail.com