Gir Gay ni Vishvaprasiddhi Keval Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Gir Gay ni Vishvaprasiddhi

જામકાની લાખેણી ગીર ગાયની વિશ્વપ્રસિધ્ધી - વિદેશથી આવતા આભૂષણો

કેવલ દવે – રાજકોટ

જેમ તાલલાની કેસર કેરી, જામનગરની બાંધણી અને સાસણના સિંહ પ્રખ્યાત છે તેમ જામકાની ગીર ગાયએ એક ઓળખ ઉભી કરી છે. ગીર ગાયનું પિયર ગણાતા જામકાની મુલાકાતે જયારે પહોંચ્યુ ત્યારે જાણવા મળ્યુ કે જામકાની ગીર ગાય પૂરા વિશ્વમાં પ્રસિધ્ધ બની છે. જામકાની ગીર ગાયનું ઘી અમેરિકા, ન્યૂ જર્સી, નોર્વે અને દુબઈ સહિતના રાષ્ટ્રોમાં પહોંચે છે. જામકાની પ્રસિધ્ધીનું પ્રમાણ એ છે કે વિદેશથી આવતા મહેમાનો ગીર ગાય માટે આભૂષણો લઈ આવે છે.

ગીર ગાયની વિશિષ્ટતા

જૂનાગઢથી 22 કીમી દૂર આવેલા જામકાની ગીર ગાય પુરી દુનિયામાં પ્રખ્યાત બની છે તેનું એકમાત્ર કારણ એ છે કે જામકાના ગ્રામજનોએ ગીર ગાયનું મહત્વ સમજી તેના સંવર્ધન માટેની વિશીષ્ટ વ્યવસ્થા ગોઠવી છે. 2700ની વસ્તી ધરાવતા ગામમાં 400 ગીર ગાયનું ગૌ શાળામાં સંવર્ધન થાય છે. જામકાનાં સરપંચ સુશીલાબેન સિદપરા ગીર ગાયની વિશીષ્ટતા સમજાવતા જણાવે છે કે ઋષીમુનિઓએ પણ કહયુ છે કે વિશ્વની તમામ સસ્તન માદાઓમાં ગાય જ એક એવું પ્રાણી છે જેના દૂધમાંથી 34 મીલીગ્રામ કેલ્શિયમ મળી રહે છે આનાથી પણ એક ડગલુ આગળ વધીને કહીએ તો સંતાન પ્રાપ્તિ માટે ગાયનું ઘી - દૂધ ગ્રહણ કરવુ તેવો પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી જ તો રાજા દશરથ અને દિલીપ સહિતના રાજવીઓ ગાયને પોતના આંગણામાં રાખતા. ભગવાન કૃષ્ણએ પણ પોતાનું જીવન ગાય સાથે જ વિતાવ્યુ તેથી જ તો કૃષ્ણ ગોવાળિયા કહેવાયા.

ગામના આગેવાન પરષોતમભાઈ સિદપરા કહે છે કે વૈજ્ઞાનિકરીતે જોઈએ તો જરસી ગાય અને ભેંસમાં આલ્ફાકેશિન નામનું તત્વ રહેલું છે જે ડાયાબીટીશ અને કેન્સર જેવા રોગને ડેવલોપ કરે છે જયારે ભારતીય ગીર ગાયમાં બિટાકેશિન છે જે અસાધ્ય રોગને રોકે છે ગીર ગાયના દૂધનું સેવન સ્વાસ્થય માટે ફાયદાકારક તો છે જ પરંતુ સાથેસાથે અનેક રોગનું નિરાકરણ પણ લાવે છે.

26 દેશમાંથી સાત લાખ લોકોએ જામકાની મુલાકાત લીધી

જામકા ગામ હવે વૈશ્વીક ફલક પર એટલુ ખ્યાતનામ બની ગયુ છે કે ગામની વિશીષ્ટતા દેશના સીમાડા વટાવી વિદેશ સુધી પહોંચી ગઈ છે. અત્યારસુધીમાં 26 દેશમાંથી સાત લાખ લોકોએ જામકાની મુલાકાત લઈ લીધી છે. બ્રાઝીલ, કોલંબિયા, સ્પેન, યુથોપીયામાંથી ડેલીગેશન આવે છે અને ગીર ગાય અને તેના સંવર્ધનની જાણકારી મેળવે છે. ઘણીવખત તો ગીર ગાયને જોઈને જ વિદેશીઓ ઉત્સાહભર્યા પ્રતિભાવો આપે છે.

સરપંચ કહે છે કે વર્ષ 2007માં બ્રાઝીલથી જામકા આવેલા માર્શેલોએ તો સૌ પ્રથમ વખત ગીર ગાયને જોઈ ત્યારે પોતાની હેટ ઉતારીને ગાયને પહેરાવી દીધી હતી અને બીજા પ્રવાસ વખતે આવેલા માર્શેલો જ ગાય માટે પરંપરાગત આભૂષણો લઈ આવ્યા હતા. આ રીતે વિદેશથી આવતા મહેમાનો અનેક વખત ગીર ગાય માટે ભેટ લઈ આવે છે. સ્પેનથી ટેકનીકલ એન્જીનિયર હનુએ ગીર ગાયના અભ્યાસ માટે જામકાની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત કોલંબિયા અને યુથોપીયાથી પણ ડેલીગેશન આવ્યુ હતુ જેમને ગીર ગાય વિશે કોઈ પ્રકારની માહિતી ન હતી તેમને સરપંચે ગીર ગાયનું મહામૂલ્ય સમજાવ્યુ હતુ.

ફિલ્મી હસ્તી, ઉચ્ચ અધિકારીઓ રાખે છે ગાય

ફિલ્મી હસ્તીઓથી લઈને ઉચ્ચ અધિકારીઓ પણ હવે પોતાના ઘરમાં એક ગાય રાખતા થઈ ગયા છે. બાબા રામદેવ જામકા આવ્યા ત્યારબાદ ગીર ગાયનું મહત્વ સમજી હરિદ્વારમાં પોતાના આશ્રમમાં ગીર ગાયનો ઉછેર શરૂ કર્યો. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેદ્ર મોદી અને કેશુભાઈ પટેલએ પણ જામકામાં ગીર ગાયના સંવર્ધનને જોઈને પ્રશંસા કરી હતી. પંજાબનાં પશુપાલન મંત્રી ગુલઝારસીંઘ રાણીંગે બે વર્ષ પહેલા જામકામાંથી ગાય લઈ ગયા હતા.

બોલીવુડના સુપ્રસિધ્ધ ગાયક દિલેર મહેંદીએ દિલ્હીમાં પોતાની જમીનમાં ગીર ગાયનું સંવર્ધન કરવાની જામકાના સરપંચ સમક્ષ ઈચ્છા વ્યકત કરી છે. જૂનાગઢનાં તત્કાલીન કલેકટર મનીષ ભારદ્વાજ ગીર ગાય લઈ ગયા હતા તો અશ્વિનીકુમારનાં વતન હૈદરાબાદમાં તાજેતરમાં જામકાથી 15 ગાય મોકલવામાં આવી. વર્ષ 2006માં એક ઉદ્યોગપતિએ જામકાની ગોપી ગાય રૂપીયા 11 લાખમાં માગી હતી તે સમયે સરપંચની આર્થિક સ્થિતી નબળી હોવા છતાં ગીર ગાયનું મહત્વ સમજીને ગાય આપવાની ના પાડી દીધી હતી.

ગાય આધારિત ખેતીથી 90 ટકા બચત

ગીર ગાય આધારીત ખેતી કરવાથી 90 ટકા બચત થાય છે તેવુ ખુદ જામકા ગામના ખેડૂતો કહે છે. દેવકુભાઈ મન કહે છે કે ગાયનું છાણ અને મૂત્ર ખેતીમાં ખુબ લાભ આપે છે. વનસ્પતિને પોષણ માટે કુલ 18 તત્વોની જરૂર પડે છે ત્યારે ગીર ગાય જે વનસ્પતિ આરોગે છે ત્યારબાદ તેના છાણ અને મૂત્ર 50 તત્વો બનાવી આપે છે. એટલે કે વનસ્પતિને જે પોષક તત્વોની જરૂરિયાત છે તે તો ગીર ગાયના છાણમાંથી મળી રહે છે. ગામના જ મહિલા ખેડૂત શાંતુબેન આનંદની લાગણી સાથે કહે છે કે ગીર ગાય આધારિત ખેતી ખૂબ જ ઉપયોગી બની રહે છે તેમાંથી તૈયાર થયેલા ઓર્ગેનિક ઘઉં, ચણા, ધાણા અને શાકભાજી આરોગ્ય માટે લાભદાયી નિવડે છે. સજીવ ખેતીમાં એક તો રાસાયણીક દવાઓનો ઉપયોગ રહેતો નથી અને તેમાંથી ઉગેલા ધાન્ય અને શાકભાજી લોકોના આરોગ્યને પણ નુકશાન પહોંચાડતા નથી. જો કે ઓર્ગેનિક ઘઉંની કિંમત ઘણી ઉંચી છે તેમ છતાં પણ લોકો ખરીદે છે.

બીજી એક ગર્વ લેવા જેવી બાબત એ છે કે જામકાથી ગૌ ક્રંતિ અને જળ ક્રંતિ દિનનો જયઘોષ થયો હતો. વર્ષ 2004માં મોરારિબાપુની ઉપસ્થિતિમાં જામકાથી ગૌ ક્રંતિ સ્થાપના દિનની જાહેરાત કરવામાં આવી હતી. આ અગાઉ વર્ષ 2002માં મનસુખભાઈ સુવાગીયાએ જળસંચયનનો વિચાર આપ્યો અને જળક્રંતિ દિન ઉજવવાની શરૂઆત થઈ.

ગીર ગાયના ઉછેર માટે પ્રોત્સાહનરૂપ સરકારી નીતિ બનવી જોઈએ

જામકાનાં સરપંચ કહે છે કે ગીર ગાયના ઉછેર માટે સરકારની પ્રોત્સાહનરૂપ નીતિની જરૂર છે બ્રાઝીલમાં 60 લાખ ગીર ગાય છે તેનું કારણ એ છે કે ત્યા ગીર ગાયના ઉછેર માટે સરકાર સહાયરૂપ બને છે. બ્રાઝીલમાં કોઈ એક ગાય રાખે તો તેને 30 એકર જમીન સરકાર આપે છે. એ જ રીતે સ્પેનમાં કોઈ એક ગાય રાખે તો તેને 3 યુરો સબસીડી સરકાર તરફથી મળે છે.

માનવ આરોગ્ય અને પ્રકૃતિ માટે સવિશેષ ગણાતી ગીર ગાયનું સંવર્ધન થાય અને લોકો પણ તેનું મહત્વ સમજીને ગીર ગાયનો ઉછેર કરે તે જરૂરી છે અને તેમાં પણ સરકાર દ્વારા જો ગીર ગાયના ઉછેર માટેની પ્રોત્સાહન સ્વરૂપ નીતિ બહાર પાડવામાં આવે તો વધુમાં વધુ ગીર ગાયનો ઉછેર થઈ શકે.

ગામમાં 51 ચેકડેમ, 59000 વૃક્ષો

જામકા ગામ ગીર ગાય ઉપરાંત જળસંચયન અને હરિયાળી માટે પણ જાણીતુ છે. વર્ષ 1999માં શ્રમદાન અને લોકભાગીદારીથી ગામમાં 51 ચેકડેમ અને બે તળાવ બનાવવામાં આવ્યા. તે વખતે જળસંચયનની પ્રવૃતિને બિરદાવવા માટે તત્કાલિન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સહિતનું મંત્રીમંડળ જામકા આવ્યુ હતુ.

જામકા ગામમાં 2700ની વસ્તી સામે 59000 વૃક્ષો છે જે જમીનના પ્રમાણમાં વધુ છે. ગામમાં હરિયાળી અને શુધ્ધ આબોહવા બક્ષતા વૃક્ષોના ઉછેર માટે ગામલોકોનો પૂરતો સહકાર મળી રહયો છે તે જ ગામની એકતા બતાવે છે.

બોકસ 1 - જામકા તો છે ‘મન’ નું ગામ

ગામના વૃધ્ધ વિક્રમબાપા કહે છે કે જામકા એ જૂનુ બાબરા ગણાય છે વર્ષો પહેલા જયારે બહારવટીયાઓએ હુમલો કર્યો ત્યારે ચાર દરબારોએ ખુમારીથી લડત આપી પોતાનો જીવ ગુમાવ્યો પરંતુ ગામને સુરક્ષીત રાખ્યુ. જેનાથી ખુશ થઈને નવાબોએ જામકા ભેટમાં આપ્યુ હતુ. જામકાના દરબારની અટક ‘મન’ હતી તેથી જામકા મનનું ગામ કહેવાય છે.

બોકસ 2 - ગીર ગાયની ડેરી દરેક ગામમાં સ્થપાય તે સ્વપ્ન છે જામકાનુ

જૂનાગઢનાં જામકા ઉપરાંત રાજકોટ, ભાવનગર, જામનગર, સુરેદ્રનગર અને મોરબી સહિતના જીલ્લાઓમાં ગીર ગાયનું સંવર્ધન થાય છે તે વાત સાચી પરંતુ તેના ઉછેર માટે સરકારનું જે પ્રોત્સાહક વલણ હોવુ જોઈએ તે નથી. જામકાના ગ્રામજનોનું તો સ્વપ્ન છે કે દરેક ગામમાં ગીર ગાયની ડેરી સ્થપાય જેમાં માત્ર ગીર ગાયનું જ દૂધ વેંચવામાં આવે. ગીર ગાયનું જતન કરવુ એ માનવીના આરોગ્ય અને ખેતીમાં ઉપયોગી સાબિત થયુ છે ત્યારે સરકાર પણ ગીર ગાયનું મહામૂલ સમજી સહાયકારક નીતિ જાહેર કરે તેવુ જામકાના ગ્રામજનો ઈચ્છી રહયા છે.