અહીં અશોકની અને એના માતા પિતાની સ્થિતિ ખૂબ કઠિન હતી અને ત્યાં ચેતના એના પિયર હતી એટલે એના પિયરના દરેક સભ્યો ખૂબ દુઃખી હતા. ચેતના અને અશોક છૂટા પડ્યા ત્યારથી અત્યારસુધીનો સમય એ બન્ને માટે ખૂબ ગંભીર રહ્યો, અને મોહિત.. બિચારો કેટલી પીડા આજે સહી રહ્યો છતાં કોઈ માટે મનમાં કઈ જ ફરિયાદ નહી!!
*************************************
મોહિતને એના મમ્મીની તબિયત બગડવાનું કારણ સમજાય ગયું હતું. મોહિત જો પરણી જાય તો એ વહુનો બની જાય એ મિથ્યા ડર ચેતનાના માનસિક સંતુલનને બગાડી રહ્યો હતો. મોહિત એના મામી, મામાની દેખરેખ હેઠળ મમ્મીને રાખીને ઓફિસ માટે એ નીકળ્યો એટલે એને થોડી રાહત તો હતી પણ ભવિષ્યમાં શું થશે એ વિચાર એને ખૂબ સતાવી રહ્યા હતા.
મોહિતના પ્રોજેક્ટને આજ લોન્ચ કરવાનો હતો આથી પૂર્વ તૈયારીઓ એ બધી આગલે દિવસે કરીને જ આવ્યો હતો. એ ઓફિસ પહોંચી ગયો હતો. એની નજર સુહાનીને શોધી રહી હતી. સુહાની હજુ આવી નહોતી એ સમજી ચૂક્યો. લેપટોપ ચાલુ કર્યું અને પ્રોજેક્ટરને કનેક્ટ કર્યું. માઈક સેટ કર્યું. એ આમાં વ્યસ્ત હતો એજ સમયે સુહાની એ હોલમાં પહોંચી રહી હતી. એ સહેજ ઊભી રહી કેમકે એની નજર કાચના ડોર માંથી દેખાતા મોહિત પર સ્થિર થઈ. મોહિતનો માસૂમ ચહેરો, સફેદ પ્લેન શર્ટ અને ડાર્ક રોયલ બ્લ્યુ પેન્ટ, હાથમાં કાર્બનબ્લેક બેલ્ટ વાળી વોચ, ફ્રેમલેસ ચશ્મા. ઘડીક એને જોઈ જ રહી. આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ સુહાનીની ટ્રાન્સફર થવાની હતી એ વાતથી આખી ઓફિસ હજુ અજાણ હતી. સુહાની હવે મોહિતની સાથે સતત રહી શકશે નહી એ દુઃખ એને થવા લાગ્યું! કદાચ એટલે જ આજ એના કદમ હોલની બહાર જ થંભી ગયા. એ મનમાં જ વિચારી રહી મને મોહિતથી આટલો લગાવ કેમ? હું કેમ છેલ્લા ત્રણ દિવસથી એના જ વિચારોમાં છું? શું આને જ પ્રેમ કહેતા હશે? ના..ના.. આમ મારે મોહિત માટે વિચારવું યોગ્ય નથી. એ મારા માટે આવી લાગણી ન પણ અનુભવતો હોય! અને કદાચ અનુભવતો હોય તો? હું એની સાથે વાત કરું તો જાણી શકું કે એ મારા માટે શું વિચારે છે. હા મારે એને મારી લાગણી જણાવવી જ જોઈએ.
સુહાની પોતાના વિચારોને મનમાં રાખી હોલનો ડોર ખોલવા જઈ રહી હતી ત્યાં જ મોહિતની નજર સુહાની પર પડી! ડાર્ક ગ્રીન પ્લેન કુર્તી અને સાથે બ્લેક સલવાર અને એના જ મેચિંગનો બ્લેક દુપટ્ટો!! સુહાની પર રહેલ સાદગીનો શણગાર હંમેશની જેમ આજે પણ મોહિતને આકર્ષી રહ્યો! ડાર્ક કલરમાં ગોરો વાન વધુ ખીલી ઊઠ્યો! એક પણ મટકું માર્યા વગર એ સુહાનીને જોઈ જ રહ્યો. સેન્ડલનો ટક ટક અવાજ મોહિતની ધડકનને તેજ કરી રહ્યો હતો. મન એનું ખૂબ વ્યાકુળ હતું આથી એ સુહાનીને પોતાની મનની વાત કહેવા ઇચ્છતો હતો, બસ એ જ ક્ષણે એને પોતાની મમ્મી યાદ આવી! સુહાનીની હાજરીથી મદહોશ થયેલ એનું મન એકાએક શાંત થઈ ગયું. સ્વગત જ વિચારી રહ્યો મારે મારા પ્રેમને કોઈ બંધનમાં નથી નાખવી. મમ્મી સાથે હું આટલા વર્ષોથી રહું છું, સુહાની એક પતંગિયાની માફક મારા જીવનમાં આવી છે એને હું આવું જીવન ન આપી શકું. એણે તરત પોતાના વિચારો પર અંકુશ મેળવ્યો અને ધ્યાન લેપટોપમાં જે ફાઈલ શોધી રહ્યો હતો એમાં કેન્દ્રિત કર્યું.
આજ સુહાનીને પણ મોહિતના મનના ભાવો સ્પર્શી ગયા. એને પણ મનમાં સંદેહ થયો કે મોહિત કદાચ મને પસંદ કરે છે. એ હજુ કંઇ વિચારે એ પહેલા જ ધીરે ધીરે હોલમાં બધા હાજર થવા લાગ્યા! અને એ બન્ને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા.
મોહિત અને સુહાનીનો પોજેકટ ખૂબ સરસ બન્યો હતો. વિવેકસર એમના કામથી ખૂબ પ્રભાવિત થયા! ત્યાં ઉપસ્થિત દરેક બન્નેના કામની ખૂબ પ્રશંસા કરી રહ્યા હતા. મોહિત અને સુહાનીને એમની ધારણા પ્રમાણેનો જ બધાનો રિસ્પોન્સ મળ્યો. આજનો એમનો દિવસ યાદગાર બની ગયો.
ઓફિસેથી નીકળતી વખતે બન્ને સાથે જ પાર્કિંગ તરફ જઈ રહ્યા હતા. એકબીજાના કદમની સાથોસાથ ધબકાર પણ મેચ થઈ રહ્યા હતા. કદાચ બન્ને મૌન ભાષા પરખી ચૂક્યા હતા. મોહિત પોતાના શબ્દો પર ખૂબ કંટ્રોલ કરી રહ્યો હતો. એ પોતાના પ્રેમને દુઃખી જીવન આપવા ઇચ્છતો નહોતો. બસ, એટલે જ એ મૌન હતો.
સુહાની ઈચ્છતી હતી કે મોહિત કંઈક કહેશે. બન્ને મૌન જ રહ્યા અને વેહિકલ સુધી પહોંચી પણ ગયા.
સુહાની હવે બોલ્યા વગર રહી શકી નહી, એણે મોહિતને કહેવા એટલું કહ્યું, "મોહિત.." પછી એ ચૂપ રહી.
મોહિત બાઈક પર બેસવા જ જઈ રહ્યો હતો અને એ પોતાના નામનો સાદ સાંભળી અટક્યો, પાછળ ફરી બોલ્યો, "હમમ બોલ સુહાની."
સુહાનીના શબ્દો મનમાં જ રહ્યા અને એણે વાત ફેરવી નાખી, એનાથી પોતાની ટ્રાન્સફર થશે એ વાત કહેવાઈ ગઈ!
મોહિતને ટ્રાન્સફર વાળી વાત સાંભળી એકદમ આઘાત લાગ્યો. એણે કલ્પનામાં પણ ન્હોતું વિચાર્યું કે, અચાનક આમ અલગ થઈ જશે! મોહિતના ચહેરા પર જે ભાવ ઉપજ્યા એ સુહાનીને સ્પર્શી ગયા. સુહાની સમજી ચૂકી મોહિત આ વાત સ્વીકારી શક્યો નથી. એણે પૂછ્યું, "તમને ખુશી નથી થઈ?"
"અરે ના ના.. સુહાની એવું નથી."
"તો શું થયું? તમારા ચહેરા પરથી બિલકુલ લાગતું નથી કે તમને ખુશી થઈ?"
"ખૂબ ખૂબ અભિનંદન સુહાની." હાથ મિલાવવા હાથ લંબાવીને મોહિતે સહસ્મિત કહ્યું.
સુહાનીએ અભિનંદન સ્વીકારવા અને આભાર વ્યક્ત કરતા એનો હાથ મોહિત સાથે મેળવ્યો. પ્રથમ વખત એણે મોહિતના હાથનો સ્પર્શ કર્યો. અનોખો જ આત્મીય અહેસાસ એને થયો. ક્ષણભર બન્ને એકબીજાની આંખમાં જોઈ રહ્યા. આંખ દ્વારા બન્ને એકબીજાને પોતાના પ્રેમનો એકરાર કરી રહ્યા. આ ક્ષણ બન્નેને રોમાંચની પરાકાષ્ઠાનો અનુભવ કરાવી રહી. આ ક્ષણથી બન્ને એકદમ નજીક આવી ગયાં. મોહિતનો પોતાના પરનો અંકુશ તૂટી રહ્યો હતો, એ હજુ સુહાનીને કંઈ કહે ત્યાં જ મોહિતના ફોનની રિંગ વાગી! એ ફોન એના મમ્મીનો હતો, મમ્મીનો ચહેરો એની આંખ સામે આભાસી પ્રતિબિંબ બની તરવરી રહ્યો. તરત જ એ સુહાનીના નશાથી બહાર આવી ગયો, એણે પોતાના પર ફરી અંકુશ લીધો અને મમ્મી સાથે વાત કરતા એ ત્યાંથી નીકળી જ ગયો!
મોહિત ત્યાંથી તો નીકળ્યો પણ મન તેનું સુહાની પાસે જ અટકી ગયું. પોતાના પ્રેમનો એકરાર પણ એ જીવનભર નહી કરી શકે એ અફસોસ એને પારાવાર થઈ રહ્યો હતો. એ પુખ્ત થયા બાદ ક્યારેય એની આંખમાં આંસુ આવ્યા નહોતા, આજ એની આંખો વર્ષો બાદ ફરી આંસુ સારવા લાગી! મન મક્કમ હતું પણ આંખો આજે કંટ્રોલમાં ન્હોતી. એણે મમ્મી સાથે વાત કરી ફોન મૂક્યો પણ શું વાત કરી એ એને જ ખબર નહોતી. એ શાંતિથી બાઈક ચલાવી રહ્યો હતો પણ મનમાં એક વંટોળ એવું ચડ્યું હતું જે એના ભીતરને જડમૂળથી ફંગોળી રહ્યું હતું.
આ તરફ સુહાની એજ સ્થાન પર અટકી રહી. એના રોમ રોમમાં જે મોહિતના સ્પર્શની ઝણઝણાટી થઈ એ હજુ એને આનંદ આપી રહી હતી. તેને જે ખુશી થઈ રહી હતી એ ખુશી આજ પહેલા એણે ક્યારેય અનુભવી નહોતી. એના હૃદયને એ ખાતરી થઈ ચૂકી કે મોહિત એને અવશ્ય પસંદ કરે છે. એ મનોમન એક સંકલ્પ લઈ ચૂકી અને કોઇપણ ભોગે હવે એ સંકલ્પ પર જીત લેવાનો જાત સાથે નિર્ણય કરી ચૂકી.
નમસ્તે વાચકમિત્રો. મારી ધારાવાહિક "ધીરગંભીર" ને વાંચી આપના અમૂલ્ય પ્રતિભાવ અવશ્ય આપજો. મોહિતના સફરમાં જોડાવવા માટે હું આપ સર્વનો દિલથી આભાર માનું છું. ફરી મળશું નવા પ્રકરણ સાથે. જય શ્રી રાધે કૃષ્ણ.