ધીરગંભીર - ૫ Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધીરગંભીર - ૫

મોહિત ઘરેથી તો નિકળ્યો પણ એનું મન ભૂતકાળમાં પહોંચી ગયું. 


***************************


મોહિત મમ્મી સાથે ટ્રેનમાં તો બેસી ગયો પણ આખો ડબ્બો રિઝર્વ હતો. આથી એમને બન્નેને બેસવાની જગ્યા ન મળી. ચેતના મનમાંને મનમાં કંઈક બબડી રહી હતી, અને બન્નેની હાલત પણ એટલી ખરાબ હતી કે મુસાફરી કરનાર એમને જોઈને પણ સહેજ ડરે! આથી કોઈએ એમની પાસે જગ્યા આપી નહી, દરવાજા અને વોશરૂમની બાજુની જગ્યામાં બન્ને ગોઠવાયા. 

મોહિતની સામેની સીટમાં એક બહેન બેઠા હતા, જે એ બન્નેનું નિરીક્ષણ કરી રહ્યા હતા. ચેતનાના વિખરાયેલ વાળ, અસ્તવ્યસ્ત કપડાં, ઉઘાડા પગ! એમના ચહેરા પર સહેજ અણગમાના ભાવ તરવરી ઊઠ્યા. એમની નજર હવે મોહિત પર પડી, ઉઘાડા પગે ચાલવાથી તાપના લીધે લાલ થઈ ગયેલા પગના તળિયા, ગરમીથી રેબઝેબ અને ગભરાયેલ ચહેરો, રડું રડું થતી આંખ અને તરસથી સુકાયેલ હોઠ!! એમના મનમાં દયા જન્મી, લાગણીવશ પોતાના પાસે રહેલ પાણીની બોટલ મોહિત તરફ આગળ ધરી. મોહિત બોટલ પકડે એ પહેલા તો ચેતનાએ બોટલ ઝૂંટવી અને સીધી ગાડીની બહાર જ ફેંકી દીધી સાથોસાથ એવું બબડી પણ ખરા,"તું શું મારા દીકરાને પીવડાવીશ?? એની મા હજુ જીવે છે સમજી!"  ચેતનાના મનમાં રહેલ ઝેર શબ્દો અને આંખ થકી રીતસર ઓકાયું. પહેલા બેન તો ઠીક પણ અન્ય કોઈ મુસાફરની પણ મોહિતને પાણી આપવાની હિંમત ન થઈ! મોહિત ભૂખ અને તરસથી પરેશાન થઈ રહ્યો હતો એ વાત ચેતનાના ધ્યાનમાં જ ન્હોતી. અને મોહિતમાં એના મમ્મીને પાણી પીવું કે કંઈક ખાવું છે એવું બોલી શકે એવી હિંમત ન્હોતી. મમ્મીની પાસે એ લપેટાઈ સુનમુન બેઠો રહ્યો.

ખંભાળિયા સ્ટેશન આવ્યું, ગાડી થોભી, નાસ્તા અને પાણી વેચવાવાળાના અવાજથી મોહિતના ચહેરે થોડી ચમક આવી, એને થયું મમ્મી હવે કશુંક લઈ આપશે. એ વેચવા આવનારની પ્રતીક્ષાએ બેઠો. શેરડીનો રસ પીધો એને ત્રણ કલાકથી વધુ સમય થઈ ગયો હતો આથી ભૂખ સાથે તરસ હવે અસહ્ય હતી. એક વેચવાવાળા ભાઈ એનો ચહેરો પરખી ગયા એ હજુ કંઇ કહે એ પહેલાં જ ચેતના તાડુકતા બોલી,"ચાલ ચાલતી પકડ... નીકળ ચુપચાપ."  ચેતનાના વર્તનથી એને ચૂપચાપ જતું રહેવું જ યોગ્ય લાગ્યું. અનેક મુસાફરો ચડ્યા અને કેટલા ઊતરતા ગયા, એમના આવનજાવન લીધે મા દીકરાને કેટલાક દયાથી જોતા તો કેટલાક તીરછી નજરથી જોઈ ઠેબે લેતા જતા હતા. મોહિત લાચાર બની બેઠો હતો. ચણાચોર ગરમ વાળાની મસાલાની સુગંધ મોહિતના શ્વાસ દ્વારા પેટ સુધી પહોંચી અને ભૂખને વધુ તીવ્ર બનાવી ગઈ. હિંમત કરી એ બોલવા જ જતો હતો કે, "મમ્મી ખૂબ ભૂખ લાગી છે લઈ દો ને!" બસ, એજ ક્ષણે ચેતના ફરી બબડી," આ તરફ જોયું તો તારી આંખના કોડા કાઢી લઈશ." મોહિત પાસે હવે સહન કરવા સિવાય કોઈ રસ્તો નહોતો. એના મમ્મીનાં ખોળામાં માથું મૂકી એ ઊંઘવાનો પ્રયાસ કરવા લાગ્યો.

મોહિતના પપ્પાને જોઈ સફાળો બેઠો થઈ ગયો, દોડીને એમને ભેટી પડ્યો અને બોલ્યો, "સારું થયું પપ્પા તમે આવી ગયા, મને ખૂબ ભૂખ લાગી છે. મને કંઈક ખાવાનું લઈ આપોને!" એના પપ્પાએ એને તેડી લીધો અને એના ચહેરા પર અનેક ચૂમીઓ કરી અને બોલ્યા, "ચાલ બેટા તને જે ખાવું હોય એ લઈ આપું!" પપ્પાએ એક બિસ્કિટનું પેકેટ એને લઈને આપ્યું એ લેવા જઈ જ રહ્યો હતો ત્યાં ચેતનાના શબ્દોએ મોહિતનું સુંદર સ્વપ્ન તોડ્યું, "ચાલ ઊઠ મામાનું ગામ આવી ગયું." મોહિતને ઝંઝોળી ઉઠાડતા એ બોલી.

મોહિત જાગ્યો, એની નઝર આસપાસ પપ્પાને શોધી રહી હતી. એણે હાથ વડે આંખ સહેજ ચોળી પપ્પા ક્યાંય દેખાયા નહી, આંખમાં આંસુ છવાઈ ગયા. એને હજુ ઊંઘમાંથી કળ વળે ત્યાં હજુ ગાડી સરખી ઊભી પણ નહોતી રહી ત્યાં ચેતનાએ ફંગોળીયા કરી ગાડી પરથી નીચે ઉતાર્યો. મોહિત પડી જ જાત જો એક ભાઈએ એને સહેજ હાથ ન ઝાલ્યો હોત! 

ચેતનાએ પર્સ તો લીધું જ ન્હોતું આથી અત્યારે પણ ચાલતા જ જવાનું હતું એ સમજતા મોહિતને વાર ન લાગી. એ ફરી માંડ એના મમ્મીનાં કદમ સાથે કદમ મિલાવી શકતો હતો. મોહિત ભૂખ અને તરસના લીધે ખૂબ થાક્યો હતો, થોડા કિલોમીટર મમ્મી સાથે દોડ્યો તો ખરા પણ હવે એને ચક્કર આવવા લાગ્યા. મોહિત એનું સંતુલન ગુમાવી બેઠો, એના મમ્મીની હાથની પકડ એટલી ટાઇટ હતી કે, એનો હાથ છૂટ્યો નહી અને એ ચક્કરના લીધે બેભાન હાલતમાં મમ્મી સાથે ઢસડાયો. હજુ આસપાસના લોકો ચેતનાને જાણ કરે ત્યાં સુધીમાં એકાદ બે ફૂટ ઢસડાઈ જવાથી મોહિતના હાથ પગ રોડ પરના કંકરથી છોલાઈ અને કુણી ચામડી ફાટી જવાથી લોહી નીકળવા લાગ્યું.

ચેતનાને લોકોના કોલાહલથી સમજાણું કે મોહિત ઢસડાઈ રહ્યો છે. મોહિતના શરીર પર ઢસડાઈ જવાથી થયેલ ઈજા જોઈને ચેતના હવે સહેજ સજાગ થઈ. દીકરાને બેભાન જોઈ એ પણ ચિંતામાં આવી ગઈ. એ તરત જ અટકી અને મોહિતને સહેજ જગાડવા પ્રયત્ન કર્યો. પણ મોહિત જાગ્યો નહી. ચેતના હવે ખૂબ ગભરાઈ, પોતાની ભૂલ સમજવાને બદલે હજુ ગુસ્સામાં એમ બોલી, "આ બધું તારા પપ્પાના લીધે જ થયું, એમને તો હું હવે ક્યારેય માફ જ નહી કરું."

ચેતનાએ હવે મોહિતને તેડી લીધો અને આસપાસ બધાને વિનંતી કરવા લાગી, "મને મારા ઘર સુધી કોઈ મૂકી જાવ ને!" ચેતનાની હાલત અને એનું વિચિત્ર વર્તન કોણ એને લિફ્ટ આપે? વળી રિક્ષા સ્ટેન્ડ તો ત્યાં હતું નહી કે કોઈ રીક્ષા પણ મળે. થોડી વાર પછી એ રીતસર ભીખ જ માંગવા લાગી કે "મહેરબાની કરી કોઈ તો મને મારા ઘર સુધી લઈ જાઓ, મારો દીકરો બીમાર થઈ ગયો છે." આમ તેમ બધા લોકોને ભીખ માંગતી એની ભાભીના નજરે એ ચડી. ભાભી મંદિરથી ઘર તરફ જઈ રહ્યા હતા. જેવી એમની નજર ચેતના પર પડી તે પણ મા દીકરાની હાલત જોઈ વિચારમાં પડ્યા. સ્વગત જ બોલ્યા,"આ બન્ને અહીં કેવી રીતે? શું થયું મોહિતને?" ભાભીએ એમનું સ્કૂટર ચેતના તરફ લીધું, ચેતનાને એના ભાભી છે એ ભાન જ ન્હોતું, એ પોતાના ભાભી પાસે પણ વ્યાકુળ થઈ ભીખ માંગી રહી, "મને ઘર સુધી મૂકી જાઓ ને!" 

"અરે ચેતનાબેન! હું છું તમારી ભાભી! શું થયું? તમે કેમ અહીં અને આવી હાલતમાં?" ભાભીના શબ્દોએ ચેતનાની તંદ્રા તોડી. એ ભાભીને જોઈ, એમને ભેટીને રડી પડી. આંખમાંથી ટપાટપ આંસુ સરવા લાગ્યા. ભાભીએ ચેતના બહેનને સાંત્વના આપતા કહ્યું, "ચિંતા ન કરો બધું ઠીક થઈ જશે. ચાલો બેસો. પહેલા આપણે મોહિતને હોસ્પિટલ લઈ જઈએ."

ભાભી ખુદ ચિંતામાં આવી ગયા. વળી એમને મનમાં ફાળ પડી. જ્યારે જ્યારે ચેતનાબેન ઘરે આવ્યા હોય ત્યારે ત્યારે ઘરનું વાતાવરણ એકદમ તંગ બની જતું. એમણે મનોમન પ્રભુને પ્રાર્થના કરી, "આ વખતે આ બન્ને મા દીકરાના જીવનમાં શાંતિ આપજો."

હોસ્પિટલ એ ત્રણેય પહોંચી ગયા. મોહિત હજુ બેભાન જ હતો, એના ચહેરા પર પાણી છાંટ્યું, મોહિત તરત ભાનમાં આવ્યો. એને થોડું પાણી પીધું. ડોક્ટર બોલ્યા, શરીરમાં પાણી ઘટી ગયું હોય એવું લાગે છે. એક ઇન્જેક્શન મારી આપું છું, ચિંતા જેવું નથી. અને જ્યાં છોલાયું હતું ત્યાં 
સાફ કરી ટ્યુબ લગાવી આપી. ડોક્ટરે અમુક દવા અને ટ્યુબ આપી એ લઈને આ ત્રણેય ઘર તરફ વળ્યા.

નમસ્તે વાચકમિત્રો. મારી ધારાવાહિક "ધીરગંભીર" ને વાંચી આપના અમૂલ્ય પ્રતિભાવ અવશ્ય આપજો. મોહિતના સફરમાં જોડાવવા માટે હું આપ સર્વનો દિલથી આભાર માનું છું. ફરી મળશું નવા પ્રકરણ સાથે. જય શ્રી રાધે કૃષ્ણ.