ધીરગંભીર - ૪ Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધીરગંભીર - ૪

મોહિતની નજર જ્યારે તે કર્ણપ્રિય અવાજ તરફ વળી, ત્યારે તેના હૃદયના ધબકારા એક ક્ષણ માટે થંભી ગયા. શરદ પૂનમના ચંદ્ર જેવો નિખરેલો એ ચહેરો અને તેના પર અંકિત થયેલી એ નાનકડી કાળી બિંદી, જાણે કોઈ કુશળ ચિત્રકારે અતિશય લાડથી મૂકેલું નજરબિંદુ હોય તેમ શોભતી હતી.
તેના ખભા સુધી લહેરાતા, ઘેરા વાદળ જેવા વાંકડિયા વાળ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા. કુદરતે જાણે પોતાના હાથે જ તેના શરીરનું ઘડતર કર્યું હોય તેવો તેનો ઘાટીલો અને નમણો બાંધો કામણગારો હતો. તેનો ભીનોવાન તેણીએ ધારણ કરેલા આછા ગુલાબી રંગના સુતરાઉ વસ્ત્રો તેની કાયા પર એમ શોભી રહ્યા હતા જાણે ગુલાબની પાંખડીઓ ઝાકળથી ભીંજાયેલી હોય. એ સાદગીમાં પણ એક એવી કાતિલ અદા હતી કે મોહિત તેની નજર હટાવી શક્યો નહીં. સાદગી અને શૃંગારનો આ અદ્ભુત સંગમ તેના વ્યક્તિત્વમાં એક અગમ્ય આકર્ષણ ઉમેરતો હતો, જે કોઈને પણ તેના પ્રત્યે આકર્ષવા પર્યાપ્ત હતો.

"વેરી ગુડમોર્નિંગ સુહાની!  આવો . અમે તમારી જ રાહ જોઈ રહ્યા હતા. આમને મળો એ છે આપણા નવા એમપ્લોય મોહિત. આપણા નવા પ્રોજેક્ટમાં આપ બંન્નેએ વર્ક કરવાનું છે." વિવેકસર મોહિતની તરફ મોઢું ફેરવી બોલ્યા.

સુહાની અને મોહિતની નજર હવે એકબીજાની નજર પર સ્થિર થઈ. સુહાની સહેજ સ્મિત સાથે બોલી,  "હેલો સર!"

"હેલો" મોહિતે ટૂંકો જવાબ એના સ્વભાવ મુજબ આપ્યો. 

વિવેકસર બંન્નેને પ્રોજેક્ટ વિશે માહિતી આપી રહ્યા હતા. બે કલાક જેટલા સમયની ચર્ચા બાદ બંનેને નવા પ્રોજકેટ માટેનું પ્લાનર કરવા કહ્યું અને આજથી જ એ કામને શરૂ કરવા કહ્યું.

સુહાની અને મોહિત વિવેકસરની કેબિનમાંથી બહાર આવ્યા. ટી બ્રેક હોય બંન્નેએ પહેલા ટી પીધી અને ત્યારબાદ પ્રોજેક્ટનું કાર્ય શરૂ કર્યું. સુહાની ખૂબ સહજ રીતે મોહિત સાથે વર્ક કરી રહી હતી, વાતમાં ને વાતમાં મોહિતે જાણ્યું કે આ ઓફિસમાં એને ઘણા પ્રોજેક્ટ કર્યા છે અને એ બધા જ સક્સેસ રહ્યા છે. મોહિત માટે આ પ્રથમ પ્રોજેક્ટ હતો આથી એને આ પ્રોજેક્ટ માટે અત્યંત ઉત્સાહ સાથે રોમાંચ પણ હતો.

મોહિતનો આ સમય ખૂબ ઝડપથી પસાર થઈ રહ્યો હતો. પ્રોજેક્ટ પરનું કાર્ય જેમ જેમ આગળ વધતું હતું એમ એમ સુહાની પ્રત્યેનું આકર્ષણ પણ!! સતત સુહાનીના સંપર્કમાં રહેવાથી આ આકર્ષણ પ્રેમમાં રૂપાંતરિત ક્યારે થયું એ પણ મોહિતને ખ્યાલ ન રહ્યો. મોહિતની આ લાગણી એકતરફી જ છે કે સુહાની પણ એને પસંદ કરે છે એ વાતથી ખુદ મોહિત હજુ અજાણ હતો. એ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હતો. મોહિત પોતાના પ્રોજેક્ટને પૂર્ણ કર્યા બાદ સુહાનીને પોતાની લાગણી જણાવશે એવું મનોમન નક્કી કરી ચૂક્યો હતો. 

ચેતના પણ મહદ્અંશે મોહિતમાં આવેલ ફેરફાર અનુભવી રહી હતી. ચેતનાને હરખ કરતા થોડો સ્વાર્થભાવ વધુ મનમાં ખળભળાટ મચાવતો હતો. દીકરાનો પ્રેમ વિભાજિત થઈ જશે એ કલ્પના માત્ર એને ગુસ્સે કરતી હતી. આજ કારણથી એ ક્યારેય દીકરાના સગપણની વાત પણ ઉચ્ચારતી ન્હોતી. મોહિત પોતાની મમ્મીનાં મનના ભાવોથી પણ અજાણ હતો. એ પોતાના પ્રોજેક્ટને હવે જૂજ સમય જ બાકી હોય એ જ આનંદમાં હતો. દોઢ વર્ષનો સમય કેમ વીતી ગયો એનો ખ્યાલ જ એને નહોતો, એ પોતાના જીવનમાં થતા આ એકતરફી રોમાંચ અને પ્રથમ પ્રોજેક્ટથી થતી ઉત્સુકતામાં જ ખૂબ ખુશ હતો!

મોહિત એના પ્રોજેક્ટને લોન્ચ કરવાના દિવસે ઘરેથી નીકળતી વખતે મમ્મીને પગે લાગી એટલું બોલ્યો, " મમ્મી આજે મારો ખૂબ મહત્વનો દિવસ છે. મારો પ્રોજેક્ટ આજે લોન્ચ થશે. અને હું હવે જીવનમાં આગળ વધવા કંઈક વિચારી રહ્યો છું."

ચેતના આટલા શબ્દો સાંભળતા જ એકદમ વ્યાકુળ થઈ ગઈ! એના ચહેરાના હાવભાવ એકદમ બદલી ગયા. બિહામણો ચહેરો જોઈ મોહિત થોડો સ્તબ્ધ થઈ ગયો. મમ્મી આટલી જ વાત પર આવું કરશે એનો એને અંદાજ જ ન્હોતો!! એ મનોમન ખૂબ ગભરાઈ ગયો, મમ્મીનાં આ હાવભાવના લીધે બાકીના શબ્દો ગળામાં જ રૂંધાઈ રહ્યા. એને ઘણું બધું કહેવું હતું અને મમ્મી પાસે પોતાનું મન હળવું કરવું હતું, પણ મનની વાત મનમાં જ રહી ગઈ! મમ્મીને દર્દ આપી એ ખુશ કેમ રહી શકે??? એણે હવે આ બાબતે કંઈ કહેવું જ વ્યર્થ લાગ્યું અને કદાચ વિચારવું પણ...

એ મમ્મીને વાત ફેરવવાના હેતુથી બોલ્યો, આજે સાંજે હું આવું એટલે આપણે બંને મંદિર જશું. પણ ચેતનાની ઉગ્ર હાવભાવ સાથે નજર જમીન પર સ્થિર જ હતી, અને એક હાથના નખ બીજા હાથના નખથી તોડી રહી હતી. એ જ્યારે પણ પોતાના અંકુશમાં ન હોય ત્યારે આમ નખ તોડ્યા કરતી અથવા દાંત કચડી મનોમન કંઈક બબડ્યા કરતી. મમ્મીની હાલત જોઈ મોહિત તરત એમના માટે એક કાચના ગ્લાસમાં પાણી લાવ્યો અને એમને કહ્યું, "લો મમ્મી પાણી પીઓ."

"પીવડાવી જ દીધું છે બધાએ.. તુંય પીવડાવી દે!" રીતસર ત્રાડ પાડતા ચેતના બોલી, એણે કાચના ગ્લાસને એટલી બધી ટાઇટ પકડથી પકડ્યો કે ગ્લાસ તૂટીને એના અમુક ટુકડા એના હાથમાં ખૂંચ્યા અને અમુક નીચે વેરાઈ ગયા છતાં એનું ધ્યાન એને ઈજા થઈ એમાં ન્હોતું.

મોહિત મમ્મીનાં હાથમાંથી એ ટુકડા કાઢવા મથવા લાગ્યો, પણ ચેતનાનું ઝનૂન કંઈક અલગ જ દિશામાં જોર પકડી રહ્યું હતું. મોહિતે આ બધા પ્રયાસ છોડી તરત એક દવા મમ્મીને થોડા પાણીમાં ઓગાળી ધરારથી એ પાણી એને પીવડાવ્યું! જેવી દવાની અસર ચેતનાને થઈ કે એ શાંત તો થઈ અને એની આંખ ઊંઘથી ઘેરવા લાગી. મોહિતે મમ્મીને સોફા પર જ ઊંઘાડી, એના હાથમાંથી નીકળતું લોહી અટકાવવા જ્યાં ઇજા હતી ત્યાં હળદળ દાબી અને પાટો બાંધ્યો.
જમીન પર વેરાયેલ કાચના ટુકડાના કણ ઉપાડવા માટે સોફા સુધી જતા પગમાં પણ વાગી ગયા હતા એ પણ કાઢ્યા. હવે સાવરણી લઈ બધા જ કાચના ટુકડાને સમેટી સુપડીમાં ભર્યા સાથોસાથ પોતાના મનમાં ઊઠતી ઇચ્છાઓને પણ સમેટી!!

મોહિતે મામાને ફોન કરી તુરંત મામીને લઈને ઘરે આવવા કહ્યું. મામાનું ઘર નજીક જ હોવાથી તેઓ તુરંત આવી ગયા. ચેતનાની હાલત જોઈ બંન્ને ખૂબ ચિંતામાં આવી ગયા, મામાએ પૂછ્યું, "કેમ આજે આમ..." બાકીના શબ્દો મનમાં જ રહ્યા.

"મામા ક્યારેક એમ થાય મમ્મીને કઈ સમજાતું નથી અને અમુક વાર એવું કરે કે જાણે આપણે જ કઈ સમજી શકતા નથી! હું શું કહું મને એજ સમજાતું નથી."

"અરે પણ કંઈક કહે તો શું પરિસ્થિતિ થઈ એ સમજાય ને!!"

હું ફક્ત એટલું બોલ્યો કે,"હવે મારે પણ મારા જીવનમાં આગળ વધવા વિચારવું છે."

" અરે રે!! શું કહું હું બેટા!! જો દીકરા એક વાત કહું તને.. ચેતનાને જોઈ તું તારું જીવન ખોટું અટકાવતો નહી. તને પણ તારા જીવનમાં તારી ઇચ્છાઓ પૂરી કરવાનો અને જીવન જીવવાનો પૂરો હક છે. ચેતનાની જે પરિસ્થિતિ છે એ રહેવાની આ તારે તારું જીવન હોમવાનું નથી. ઉતાવળે કોઈ નિર્ણય લઈશ નહી. શાંતિથી વિચારજે બેટા!"

"પણ મામા મમ્મી અત્યારે જ આવું કરે તો આગળ જતા તકલીફ વધુ થાય તો !! બસ, એટલે જ મનમાં દુઃખ થાય છે."

અત્યાર સુધી ચુપ રહેલ મામીએ હવે એમનું મૌન તોડ્યું, "સાંભળ બેટા! આ વાત પર અત્યારે જાજુ ન વિચાર અને ઓફીસ જા! આ બાબતે શાંતિથી વાત કરશું. આજે તારા પ્રોજેક્ટને પણ લોન્ચ કરવાનો છે ને! તારે મોડું થશે! તું અત્યારે ઓફીસ જા! અને ચેતનાની ચિંતા ન કર, હું આજે અહીં જ રોકાઈશ!"

મોહિત મામા અને મામીના આશીર્વાદ લઈને ઓફિસ જવા નીકળ્યો.

નમસ્તે વાચકમિત્રો. મારી ધારાવાહિક "ધીરગંભીર" ને વાંચી આપના અમૂલ્ય પ્રતિભાવ અવશ્ય આપજો. મોહિતના સફરમાં જોડાવવા માટે હું આપ સર્વનો દિલથી આભાર માનું છું. ફરી મળશું નવા પ્રકરણ સાથે. જય શ્રી રાધે કૃષ્ણ.