મામાને ઉદાસ જોઈ મામીએ એમને પોતાના રૂમમાં બોલાવ્યા. મામીએ એમને કહ્યું, " તમે હિંમત હારી જશો તો બધું બગડી જશે. તમારી સમજદારીએ બધાને જોડીને રાખ્યા છે. સમય છે કાલ બદલી જશે. પણ જો હિંમત ખરા સમયે હાર્યા તો જે ગુમાવશો એ ક્યારેય પાછું નહી મળે! ચિંતા છોડો અને ખુશ રહો, બાળકો નાના છે પણ ચહેરા પરની ઉદાસી પરખી શકે એટલા સમજદાર છે. આપ ચિંતા ન કરો, હું છું ને તમારી સાથે."
"તું છો એટલે જ આટલી હિંમત છે. બધે થી હારુ છું પણ તારી પાસે આવું ત્યારે જગ જીત્યાનો અહેસાસ તું કરાવે છે. ખરેખર હું ખૂબ ભાગ્યશાળી છું કે મને તારા જેવી સમજદાર જીવનસાથી મળી. આજના સમયમાં નણંદના લીધે થતો ઘરમાં કંકાશ કોણ સહન કરે? પણ તું હંમેશા સાથ આપે છે. તારો આભાર માનું એટલો ઓછો છે."
"અરે હું એક જ થોડી પરેશાન હોઉં છું? મારો આખો પરિવાર મારી સાથે પરેશાન હોય છે. નણંદ પણ આ ઘરની દીકરી છે, અને આજીવન રહે જ.. એને મુશ્કેલી હોય તો એ બીજે ક્યાં જાય? અને હું પણ કોઈકની નણંદ જ છું ને!! હું ચેતનાબેનની પરિસ્થિતિ સમજી શકું છું. હું આપણા બધાની ખુશી માટે કરું છું. કારણકે મારો પરિવાર ખુશ ન હોય તો હું કેમ ખુશ રહી શકું?? મારો આ સ્વાર્થ પણ એમાં સામેલ છે." આમ કહી મામીએ મામાના ગાલ પર સહેજ એક ટપલી મારી અને હસતા હસતા વાત પૂરી કરી.
મોહિત બીજા કપડાં પહેરીને મામાને દેખાડવા આવ્યો. મામા એને જોઈ બોલ્યા, "વાહ! તારા ઉપર બધા રંગ શોભે છે. આ કપડાં પણ તને ખૂબ સરસ લાગે છે. મારે એક મિત્રને મળવા જવાનું છે ચાલો, આપણે પેલા જમી લઈએ પછી હું બહાર જાઉં."
બધા જમવા બેઠા. ચેતનાનું જમવામાં ધ્યાન જ ન્હોતું. ચેતના મનમાં કંઈક બબડી રહી હતી, અને એક હાથના નખથી બીજા હાથના નખ કાપી રહી હતી. મામા એને જોઈ રહ્યા, નાનાનું એના પર એટલે ધ્યાન ગયું , કારણકે મામા જમતા જમતા અટકી ગયા. નાનાએ ચેતના ને કહ્યું, "ચેતના તું કેમ જમતી નથી? કે તે જમી લીધું? લે પાણી પી." એમ કહી પાણીનો ગ્લાસ એની સામે ધર્યો.
ચેતનાએ પાણીના ગ્લાસનો સીધો ઘા સામેની દિવાલ પર કર્યો અને એ બોલી, "પીવડાવી જ દો બધા મને! એટલે બધાને શાંતિ!" ગ્લાસના અવાજ અને ચેતનાના શબ્દો બન્નેનું જે સાથે ગુંજન થયું એ દરેકના ધબકાર વધારી ગયું. દરેક વ્યક્તિ જમતી અટકી ગઈ. ગ્લાસનો જમીન પર ગોળ ગોળ ભ્રમણથી થતો અવાજ ધીરે ધીરે બંધ થયો પણ દરેકનાં મનમાં ચેતનાના અવાજની ગુંજ હજુ ગુંજતી હતી. કોઈને કાંઈ બોલવું ઉચિત ન લાગ્યું બધા મૌન રહી પોતાની થાળીમાં પીરસેલું જમણ જમીને ઊભા થયા.
નાનાએ નાનીને એમના રૂમમાં બોલાવ્યા. બન્ને બેઠા પલંગ પર અને નાનાએ કહ્યું, "તે જોયું ચેતનાનું બદલાયેલું વર્તન? મને જે વિચાર આવે છે એ જ વિચાર તને આવ્યો?"
"હા, મને પણ એ જ વિચાર આવ્યો. પણ આપણા દીકરા અને વહુ સામે કઈ બોલતા નહી કેમ કે એ બન્ને ભણેલા એટલે આપણી વાતની ઠેકડી ઉતારે. અને આવી વાત વહુના પિયર પહોંચે એ પણ યોગ્ય નહી!"
"તો શું કરશું આપણે? કરવું તો પડશે ને કંઈક, આપણી દીકરી હેરાન થાય એ થોડી ચાલે. મારું તો મગજ જ સાવ બંધ થઈ ગયું છે. શું કરવું શું કહેવું કંઇ સમજાતું નથી. જે પણ થયું છે એ સાસરેથી જ થયું છે એ વાત તો પાક્કી."
"સાચી વાત છે. સાસરે જ કઈક થયું છે. આપણી ચેતના બધી રીતે હોશિયાર એમાં જ કોઈકને ખૂંચતી હશે. હું તો કહું છું તમારા પેલા ભાઈબંધ છે ને એમને જ કહોને, કાલ રવિવાર પણ છે. જો એને સમય અનુકૂળ હોય તો કાલે જ પાઠ બેસાડીએ એમના ઘરે એટલે ચોક પડે કે શું હકીકત છે. અને હા, આ વાત આપણા બે સિવાય કોઈને કરવી જ નથી. જ્યાં સુધી સાચી હકીકત સામે ન આવે ત્યાં સુધી છુપાવવું જ પડશે. એ પછી દીકરાને કહેશું, ખર્ચો થશે તો કહેવું તો પડશે ને!"
"હા, તારી વાત સાચી છે, આપણે કાલે જ સવારે એને ત્યાં જઈએ. અને હમણાં હું કોઈને કઈ નહી કહું, ચેતના ને ત્યાં લઈ જવી કે નહી?"
"હા. એને તો લઈ જ જવી પડશે ને? એની ચિંતા ન કરો એનું હું સાચવી લઈશ."
આ બધી છાની વાતો મામી સાંભળી ગયા. એમના પગતળે જમીન સરકી ગઈ. એમનું મન ઉચક થઈ ગયું. મામા ઘરે હતા નહી આથી મૌન રહેવું જ એમને યોગ્ય લાગ્યું.
મામા બહાર ગયા, એક ગાર્ડન પાસેના બાંકડે બેઠા. રાત પડી ગઈ હતી એટલે લોકોની સંખ્યા કઈ ખાસ નહોતી આથી વાત કરવા માટે આ જગ્યા એમને યોગ્ય લાગી. એમણે કુમારને ફોન કર્યો, રિંગ એક આખી પૂરી થઈ ગઈ પણ કુમારે ફોન ઉપાડ્યો નહી. બીજી વાર રિંગ કરી કે કદાચ કંઈક કામમાં હોય અને ધ્યાન ન ગયું હોય! બીજી વખતની રિંગ પણ આખી પૂરી થઈ ગઈ. મામા વિચારમાં પડ્યા, એમની ધારણા હતી કે કુમાર તરત ફોન ઉપાડશે અને વાત કરશે. મામાને હવે ચિંતા થવા લાગી. એમણે થોડીવાર અહીં બેઠા રહી ફોનની રાહ જોવી ઉચિત લાગ્યું. મામા એકલા બેઠા હતા આથી વિચારે ચડ્યા, એમનું મન ભૂતકાળના વિચારોમાં જતું રહ્યું.
***************************
"અભિનંદન કુમાર, ચેતનાએ પુત્ર રત્ન ને જન્મ આપ્યો છે." હોસ્પિટલમાં પરિવાર વચ્ચે બેઠા કુમારને વધામણા આપતા મામા ખૂબ ખુશ થતા કુમારને ભેટી પડ્યા.
"તમને પણ ખૂબ ખૂબ શુભેરછા. તમે પણ મામા બન્યા ને. અને હા આપણે પહેલી માનતા રાખી હતી એ પૂર્ણ કરવાની છે એ યાદ છે ને! માં ચામુંડા નો આભાર માનવા ચોટીલા જવાનું એ પણ મીઠાપુરથી ચોટીલા ચાલતા જવાનું!"
"હા કુમાર યાદ જ હોય ને! આટલી મહત્વની માનતા થોડી ભુલાઈ. મારા બેનના જીવનમાં માતાજીએ આટલું સુખ આપ્યું તો આભાર માનવા તો જવું જ પડે ને! તમે કહો તો કાલ રજા મળે અને આપણે આપણી માનતા પૂર્ણ કરવા જઈએ."
"હા, મને પણ એમ જ છે કે છઠ્ઠી પેલા માનતા પૂર્ણ કરી આવીએ. આથી આપણે એને જોઈ શકીએ ને."
મામા અને અશોક બંને એમની રાખેલ માનતા પૂર્ણ કર્યા બાદ જ ચેતનાના પુત્રને જોશે એમ માનતા રાખેલ હોવાથી બન્ને બીજે દિવસે જ નીકળી ગયા. ઉઘાડા પગે ચાલતા ચાલતા ચોટીલા જતા સમયે માતાજીએ અમુક કસોટી કરી પણ એ કસોટીમાંથી પાર પણ એમણે જ પાડ્યા. ચાર દિવસે બંને ચાલતા ચોટીલા માઁ ચામુંડાનાં મંદિર પહોંચ્યા. બંને એ દર્શન કર્યા અને માતાજીનો ખૂબ આભાર માન્યો અને કહ્યું, માઁ અમારું બાળક ખૂબ હિંમતવાળું અને પાચમાં પૂછાય એવું સક્ષમ બનાવજો. વળતી વખતે બંને બસમાં મીઠાપુર જવા નીકળ્યા. આ સમય બન્નેએ સાથે વિતાવ્યો ત્યારે એમણે અનુભવ્યું કે સબંધી પણ મિત્ર સરખો હોય શકે. બન્નેને એકબીજાનો સાથ ખૂબ ગમ્યો હતો.
ચેતનાના બાળકની છઠ્ઠીની વિધિની શરૂઆત થઈ રહી હતી. ત્યાં જ મામા અને અશોક બંને ઘરે આવી ગયા. બન્ને હવે બાળકને જોવા ખૂબ ઉતાવળા હતા. બન્ને એ સાથે જ બાળક જોયું. એમની ખુશીનો પાર નહોતો! બન્ને એ એકસાથે બાળકને રમાડ્યું. બધાના હરખનો પાર નહોતો. અશોક એ કહ્યું, આ બાળક કોઈનું પણ મન મોહી લે એટલું સુંદર મનમોહક છે એનું નામ 'મોહિત' રાખશું.
***************************
'મોહિત' નામના શબ્દથી મામાની તંદ્રા તૂટી, વર્તમાન એમને ખૂબ દર્દ આપી રહ્યું. ઘણો સમય વીતી ગયો. એમણે ઘર તરફ પ્રયાણ કર્યું.
નમસ્તે વાચકમિત્રો. મારી ધારાવાહિક "ધીરગંભીર" ને વાંચી આપના અમૂલ્ય પ્રતિભાવ અવશ્ય આપજો. મોહિતના સફરમાં જોડાવવા માટે હું આપ સર્વનો દિલથી આભાર માનું છું. ફરી મળશું નવા પ્રકરણ સાથે. જય શ્રી રાધે કૃષ્ણ.