દીકરીની જાસૂસી
-રાકેશ ઠક્કર
પ્રકરણ ૪
જ્ઞાનેશકુમારના આ અણધાર્યા સવાલે નવનીતલાલને ભ્રમમાં મૂકી દીધા. ‘રામુકાકાનો જુવાન દીકરો?’ નવનીતલાલનું મગજ થોડીવાર માટે શૂન્ય થઈ ગયું. એમણે ફિક્કું હસીને જવાબ આપ્યો, ‘જ્ઞાનેશકુમાર, તમે કંઈક ગેરસમજ કરી રહ્યા છો. રામુકાકા તો નિઃસંતાન છે, એમને કોઈ સંતાન જ નથી!’
જ્ઞાનેશકુમારે પોતાની તીક્ષ્ણ નજર નવનીતલાલના ચહેરા પર સ્થિર કરી અને પૂછ્યું, ‘નિઃસંતાન છે? તો પછી હમણાં એમના ઘરમાં રહેવા આવેલો પેલો યુવાન કોણ છે? મેં નીચે આવતી વખતે બાજુની સાઈડથી એને જોયો છે. દેખાવમાં એકદમ હોશિયાર, સ્માર્ટ અને હીરો ટાઈપ લાગે છે.’
નવનીતલાલના ચહેરા પર હવે આશ્ચર્યની સાથે થોડી હળવાશ પણ આવી ગઈ. એમણે માથું હલાવતા સ્પષ્ટતા કરી, ‘ઓહ! તમે એની વાત કરો છો? એ રામુકાકાનો દીકરો નથી, પણ એમનો ભાણિયો છે. એના ગામડેથી અહીં ભણવા આવ્યો છે અને નજીકની જ કોલેજમાં અભ્યાસ કરે છે. હા, દેખાવમાં તે સારો છે અને ફેશનેબલ રહે છે, પણ એને મારી દીકરી સ્નેહાના ડિનર કે એની રૂમ સાથે શું લેવા-દેવા હોઈ શકે?’
‘લેવા-દેવા શું છે એ હું તમને ટૂંક સમયમાં જણાવીશ, બસ મને થોડી વધુ તપાસ કરી લેવા દો.’ જ્ઞાનેશકુમારનો અવાજ હવે વધુ મક્કમ અને આત્મવિશ્વાસથી ભરેલો હતો. એમની આંખો રૂમના એકેએક ખૂણાને કાળજીપૂર્વક ફંફોસી રહી હતી અને એમનું દિમાગ કોઈ તેજસ્વી કોયડો ઉકેલવામાં વ્યસ્ત હતું.
જ્ઞાનેશકુમારનું ધ્યાન હવે રૂમમાં આવેલા વિશાળ વોર્ડરોબ (કબાટ) તરફ ગયું. એમણે કબાટના હેન્ડલને ખેંચી જોયું, પણ એ મજબૂત રીતે લૉક થયેલો હતો.
‘નવનીતલાલ શેઠ, તમારા બંગલામાં ડિસમિસ (સ્ક્રૂડ્રાઈવર), લોખંડની કોઈ પાતળી ખીલી, મજબૂત લોખંડનો તાર અથવા તો કોઈ હેરપિન મળી રહેશે ખરી? મારે આ કબાટ ખોલવું પડશે. મને પૂરી ખાતરી છે કે સ્નેહા પોતાના કબાટની ચાવી ક્યારેય કોઈને આપતી નહીં હોય!’ જ્ઞાનેશકુમારે માંગણી કરી.
નવનીતલાલ તરત જ નીચે દોડી ગયા અને થોડી જ વારમાં શેઠાણી સાથે પાછા આવ્યા. શેઠાણી પોતાની સાથે લોખંડનો તાર અને કેટલીક હેરપિન લઈને આવ્યાં હતાં, જ્યારે ઘરના નોકર પાસેથી એક નાનું ડિસમિસ પણ મળી આવ્યું, જે અગાઉ સ્નેહાના ડ્રેસિંગ ટેબલના ખાનામાંથી હાથ લાગ્યું હતું.
આ સાધનો જોઈને જ્ઞાનેશકુમારના હોઠ પર એક શરારતી અને આત્મવિશ્વાસુ સ્મિત ઊભરી આવ્યું. એમણે જરાય સમય બગાડ્યા વગર પોતાના કામની શરૂઆત કરી દીધી. લોખંડના તાર અને હેરપિનની કુશળ કારીગરી વડે એમણે કબાટના લૉકમાં અદભુત હાથ અજમાવ્યો. માંડ પાંચેક મિનિટની મહેનત પછી ‘ક્લિક’નો અવાજ આવ્યો અને વોર્ડરોબનું મોટું બારણું હળવેથી ખૂલી ગયું.
કબાટની અંદર સ્નેહાનાં સુંદર અને મોંઘાં કપડાં વ્યવસ્થિત ગોઠવાયેલાં હતાં. જ્ઞાનેશકુમારે કપડાં હટાવીને કબાટના સાવ છેક નીચેના ખાના પર નજર નાખી. એ ખાનામાં જે નજરે પડ્યું તેણે નવનીતલાલના શ્વાસ અધ્ધર કરી દીધા—ત્યાં એક ડિનરની થાળી, વાટકો અને ચમચી સંતાડેલા પડ્યા હતા! આ એ જ થાળી હતી જે રાત્રે સ્નેહા પોતાના રૂમમાં ઉપર લાવતી હતી.
પરંતુ વાત અહીં પૂરી નહોતી થતી. કબાટની અંદર એક નાનું ‘ચોરખાનું’ પણ બનાવવામાં આવ્યું હતું. જ્ઞાનેશકુમારે જેવું એ ચોરખાનું ખોલવા માટે હાથ લંબાવ્યો અને અંદર ઝાંખ્યું, એમના ચહેરાના હાવભાવ એકદમ બદલાઈ ગયા. અંદર શું હતું તે જોઈને એમણે સેકન્ડોમાં જ એ ખાનું પટ દઈને બંધ કરી દીધું અને ગંભીર અવાજે નવનીતલાલ સામે જોયું.
નવનીતલાલનું હૃદય ધડકવા લાગ્યું. એમણે ધ્રૂજતા અવાજે પૂછ્યું, ‘જ્ઞાનેશકુમાર... અંદર શું છે? મારી દીકરીના કબાટમાં એવું શું છે જે તમે મને જોવાની ના પાડી?’
જ્ઞાનેશકુમારે પિતાની આંખોમાં આંખ પરોવીને ધીમેથી કહ્યું, ‘શેઠજી, હમણાં જ ઉત્સાહિત ન થાઓ. આ બધી કડીઓ એકબીજા સાથે જોડાઈ રહી છે. ચાલો મારી સાથે, આપણે બારી પાસે જઈએ. હવે આ કેસનો સૌથી મોટો પર્દાફાશ થવાની તૈયારીમાં છે.’
જ્ઞાનેશકુમારના આદેશથી નવનીતલાલ અને એમના પત્ની પગલું ભરીને રૂમની પેલી મોટી, પહોળી કાચની બારી પાસે જઈને ઊભાં રહ્યાં. બારીની બહારનો આખો નજારો લીલોછમ ગાર્ડન અને દૂર દેખાતી રામુકાકાની નાની ઝૂંપડી પર ફેલાયેલો હતો.
જ્ઞાનેશકુમારના હાથમાં પેલું નાનું ડિસમિસ હજી પણ રમી રહ્યું હતું. એમણે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાના અવાજમાં એક પ્રોફેશનલ ડિટેક્ટિવ જેવો ભારે ગંભીર અને અંકુશિત લહેકો લાવતા બોલવાનું શરૂ કર્યું: ‘નવનીતલાલ શેઠ, જરા હિસાબ લગાવો. તમારી દીકરી સ્નેહાની ઉંમર કેટલી? અઢાર વર્ષ! અને આજે હું તમારા બંગલામાં આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી કેટલી મિનિટો વીતી છે? એ પણ બરાબર અઢાર જ મિનિટ થઈ છે!’
જ્ઞાનેશકુમારની આ વાત સાંભળીને નવનીતલાલ અને શેઠાણી અસમંજસમાં પડી ગયાં. શેઠાણીએ અધીરા થઈને પૂછ્યું, ‘આ અઢાર વર્ષ અને અઢાર મિનિટનો શું સંબંધ છે? તમે કહેવા શું માંગો છો?’
‘સંબંધ બહુ મોટો છે, શેઠાણી સાહેબ!’ જ્ઞાનેશકુમારે બારીની લોખંડની ગ્રિલ પર ડિસમિસ મૂકતા સમજાવ્યું, ‘અઢાર વર્ષની ઉંમર, એક યુવાન અને સુંદર છોકરી- આટલી વાત સાંભળતા જ મારા મગજમાં ગુલાબની સુગંધની જેમ રહસ્યની સુગંધ આવવા માંડી હતી. સ્નેહાની રાત્રે જમવાની અજીબ પેટર્ન જોઈને જ મારા મનમાં શંકાનો કીડો જાગ્યો હતો કે આ મામલો માત્ર ઓવરઇટીંગ કે ડાયેટિંગનો નથી. ઓરડામાં બીજું કોઈ પાત્ર પણ હોવું જોઈએ. અને એ બીજું પાત્ર કોણ હોઈ શકે? જે પણ હોય, તે ઘરની આસપાસનો જ કોઈક હોવો જોઈએ, કારણ કે વાત બેડરૂમની ગોપનીયતા અને મોડી રાત્રે ભોજનની છે.’
જ્ઞાનેશકુમારે પોતાની આંગળી રામુકાકાના ભાણેજ તરફ ચીંધી અને આગળ કહ્યું, ‘મેં અહીં આવીને શું જોયું? રામુકાકાની ઝૂંપડી આગળ પડેલી એક લાંબી લાકડાની સીડી, રામુકાકાનો પેલો હેન્ડસમ કોલેજિયન ભાણેજ, અને આ બારી! બસ, કડીઓ જોડાઈ ગઈ. રોજ રાત્રે આ જ બારીમાંથી એ લવરિયો ચૂપચાપ અંદર આવતો હોવો જોઈએ. કબાટમાં સંતાડેલી થાળી, વાટકો અને ચમચી એના માટે જ આશીએ... અરે, સ્નેહાએ સંતાડી રાખ્યાં હતાં! બંને જણા પહેલાં રાત્રે પેટની ભૂખ સંતોષે છે અને પછી...’
આ સાંભળીને શેઠાણીનું મોં કડવું થઈ ગયું અને નવનીતલાલ ગુસ્સાથી ધ્રૂજવા લાગ્યા. નવનીતલાલે ચીસો પાડતા કહ્યું, ‘એ હરામખોર મારી દીકરીને... હું એને જીવતો નહીં છોડું! રામુકાકાના ભાણેજને આજે જ આ ઘરમાંથી બહાર ફેંકી દઈશ!’
‘જરા થભી જાઓ, શેઠ!’ જ્ઞાનેશકુમારે એમને રોકતા કહ્યું, ‘આઘાત પામવાની હજુ શરૂઆત થઈ છે. પેલા બાથરૂમના ડસ્ટબિનમાંથી મને જે વપરાયેલી વસ્તુઓ મળી આવી છે અને કબાટના પેલા ચોરખાનામાંથી જે ખાસ ગર્ભનિરોધક પિલ્સ મળી છે, એ સાક્ષી પૂરે છે કે આ મામલો માત્ર પ્રેમપ્રકરણ પૂરતો સીમિત નથી રહ્યો. સ્નેહાના વજન વધારાનું અને આ બદલાયેલા વર્તનનું અસલી કારણ એ જ છે!’
નવનીતલાલના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ ધ્રૂજતા હાથે દીવાલનો ટેકો લઈને બેસી ગયા. શેઠાણી રડી પડ્યાં અને ડૂસકાં ભરવા લાગ્યા. તેમણે અસહાય અવાજે પૂછ્યું, ‘પણ આ બારીમાં તો લોખંડની મજબૂત ગ્રિલ લગાડેલી છે! તો પછી રાત્રે કોઈ અંદર કેવી રીતે આવી શકે?’
જ્ઞાનેશકુમારે પોતાના હાથમાં રહેલું ડિસમિસ બતાવતા એક રહસ્યમય સ્મિત સાથે કહ્યું, ‘રોજ રાત્રે સ્નેહા આ ડિસમિસની મદદથી આ ગ્રિલના સ્ક્રૂ હળવા કરીને ખોલી નાખે છે, અને પેલો યુવાન સીડી ચડીને અંદર આવી જાય છે. કામ પૂરું થયા પછી સ્ક્રૂ પાછા ફિટ કરી દેવાય છે.’
રૂમમાં એક ભારે સન્નાટો છવાઈ ગયો. નવનીતલાલની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. પ્રતિષ્ઠા અને આબરૂના ધૂળધાણી થવાની શરમ વચ્ચે એક પિતાનું હૃદય તૂટી ગયું હતું.
જ્ઞાનેશકુમારે પોતાની લેધર બેગ વ્યવસ્થિત કરી અને ભારે અવાજે કહ્યું, ‘મારું કામ અહીં પૂરું થયું છે. હવે સ્નેહાને બીજે ક્યાંક પરણાવી દેવી, રામુકાકાના ભાણેજને હંમેશાં માટે તગેડી મૂકવો, આ બારીની જગ્યાએ કાયમી દીવાલ ચણાવી દેવી કે પછી એ બંનેનાં લગ્ન કરાવી આપવા- એ તમારો અંગત પ્રશ્ન છે, શેઠ! મારો પ્રશ્ન માત્ર મારા બાર હજાર રૂપિયાનો ચેક લેવા પૂરતો જ હતો, જે તમે મને ઓફિસે આવીને ચૂકવી શકો છો.’
એટલું કહીને જ્ઞાનેશકુમારે દરવાજો ખોલ્યો અને પાછળ એક મોટો પારિવારિક વંટોળ છોડીને એ ભવ્ય બંગલામાંથી બહાર નીકળી ગયા.
ક્રમશ: