સવારના છ વાગ્યા હતા.
આખું ઘર હજી ઊંઘમાં હતું, પરંતુ સીતાની આંખોમાં ઊંઘનો કોઈ અણસાર નહોતો. એલાર્મ વાગે એ પહેલાં જ તેની આંખ ખુલી ગઈ હતી.
રસોડામાં જઈને તેણે ગેસ ચાલુ કર્યો. એક બાજુ ચા ચઢાવી, બીજી બાજુ નાસ્તાની તૈયારી શરૂ કરી. બાળકો માટે ટિફિન, રામ માટે નાસ્તો અને ઘરના બીજા સભ્યો માટે ચા—સવારની શરૂઆત જ જવાબદારીઓની લાંબી યાદીથી થતી.
રામ તૈયાર થઈને બહાર આવ્યો.
“સીતા, મારી ચા થઈ?”
“હા, બસ આવી જ.”
સીતા ચાનો કપ લઈને આવી.
રામે ચા પીધી અને ઘડિયાળમાં જોયું.
“મારે આજે વહેલું નીકળવું છે. કંપનીમાં મીટિંગ છે.”
“હા, તમે નીકળી જજો. હું બધું સંભાળી લઈશ.”
રામે સીતા તરફ જોયું.
“તમે પણ ઓફિસે જવાનું છે ને?”
સીતા હળવું સ્મિત કરી બોલી,
“હા, પણ મારી ઓફિસ તો તમારા ગયા પછી શરૂ થાય છે.”
રામ હસ્યો.
“તું બધું મેનેજ કરી લે છે.”
સીતા પણ હસી, પરંતુ મનમાં વિચાર્યું—
“બધું મેનેજ કરવું એ મારી પસંદગી નથી, મારી જવાબદારી છે.”
રામ વહેલી સવારે કંપની માટે નીકળી ગયો.
સીતા માટે હવે દિવસનો બીજો ભાગ શરૂ થયો.
ઘરના કામ પૂરા કરવા, બાળકોને તૈયાર કરવા, નાસ્તો કરાવવા, રસોડું ગોઠવવું અને પછી પોતાની ઓફિસ માટે તૈયાર થવું.
સાડા આઠ વાગ્યે સીતા ઓફિસ માટે નીકળી.
ઓફિસ પહોંચતાં જ તેના ફોનમાં મેસેજ આવવા લાગ્યા.
“સીતા, આ ફાઇલ આજે જ જોઈએ.”
“સીતા, ક્લાયન્ટ સાથે કોલ છે.”
“આ રિપોર્ટ ચેક કરી આપશો?”
સીતા પોતાની ખુરશી પર બેસી ગઈ.
ઘરમાં તે પત્ની હતી, વહુ હતી, માતા હતી.
ઓફિસમાં તે એક જવાબદાર કર્મચારી હતી.
બન્ને જગ્યાએ લોકોની અપેક્ષાઓ હતી.
અને બંને જગ્યાએ સીતા પોતાને સંપૂર્ણ આપવાનો પ્રયત્ન કરતી હતી.
તે દિવસે ઘરમાં ખાસ પ્રસંગ હતો.
સીતાની સાસુનો જન્મદિવસ હતો અને સાંજે ઘરમાં નાનો પરિવારિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
સવારથી જ ઘરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી.
સીતાએ વિચાર્યું હતું કે આજે ઓફિસમાંથી થોડું વહેલું નીકળી જઈશ.
પણ ઓફિસમાં કામ વધતું ગયું.
એક પછી એક કામ આવતું ગયું.
બપોરે તેણે ઘડિયાળમાં જોયું.
“હાય ભગવાન… આજે તો વહેલું નીકળવાનું હતું.”
તેના ફોનમાં ઘરના મેસેજ પણ આવી રહ્યા હતા.
“સીતા, ફૂલ આવી ગયા છે.”
“મીઠાઈ લઈ આવવાની છે.”
“સાંજે મહેમાનો છ વાગ્યે આવશે.”
સીતા થોડી ક્ષણ માટે આંખો બંધ કરી.
થાક લાગ્યો હતો.
ખૂબ થાક.
પણ તેણે પોતાને કહ્યું,
“હજુ ઘણું બાકી છે.”
તે ફરી કામમાં લાગી ગઈ.
સાંજે ઓફિસમાંથી નીકળતાં તેને લાગ્યું કે જાણે આખું શરીર થાકી ગયું છે.
બેગ ખભા પર હતી.
હાથમાં મોબાઇલ હતો.
મનમાં ઘરની ચિંતા.
અને પગોમાં થાક.
રામ તો ઘણી વાર પહેલાં જ કંપનીમાંથી નીકળી ગયો હતો.
રામની કંપનીમાં સમય પૂરો થાય એટલે તે ઘરે જવા નીકળી જતો.
તેના માટે કામ અને ઘર વચ્ચેનો સમય અલગ હતો.
પણ સીતાના જીવનમાં બંને વચ્ચે કોઈ સીમા જ નહોતી.
ઓફિસનો છેલ્લો મેસેજ ઘરમાં આવીને પણ ચાલુ રહેતો.
અને ઘરના કામની શરૂઆત ઓફિસમાં બેઠેલી હોય ત્યારે જ થઈ જતી.
સીતા ઘરે પહોંચી ત્યારે રામ પહેલેથી જ આવી ગયો હતો.
“આવી ગઈ?”
“હા.”
“ખૂબ થાકી ગઈ લાગે છે.”
સીતા હસીને બોલી,
“થોડી.”
રામે કહ્યું,
“તમે પહેલા થોડી વાર બેસી જાઓ.”
સીતા થોડું સ્મિત કરી બોલી,
“બેસીશ… પણ પહેલાં રસોડું જોઈ લઉં.”
“સીતા, આજે તો ફંક્શન છે.”
“એટલે જ તો.”
રામ શાંતિથી તેને જોતો રહ્યો.
સીતાએ કપડાં બદલ્યા.
થોડો મેકઅપ કર્યો.
વાળ ગોઠવ્યા.
સાડી પહેરી.
થાકેલી આંખોને છુપાવવા માટે ચહેરા પર સ્મિત લાવ્યું.
અને ફરી રસોડામાં પહોંચી ગઈ.
મહેમાનો આવવા લાગ્યા.
ઘરમાં હાસ્ય હતું.
બધા ખુશ હતા.
કોઈ સીતાને કહે,
“વાહ સીતા, કેટલી સુંદર લાગી રહી છે!”
કોઈ કહે,
“બધી વ્યવસ્થા બહુ સરસ કરી છે.”
કોઈ કહે,
“તારી ઓફિસ પણ છે અને આટલું બધું ઘર પણ સંભાળી લે છે, ખરેખર બહુ સારું.”
સીતા માત્ર સ્મિત કરતી.
કોઈને ખબર નહોતી કે આ સ્મિત પાછળ કેટલી થાકેલી સવાર હતી.
કોઈને ખબર નહોતી કે ઓફિસમાં આખો દિવસ કામ કર્યા પછી પણ તેણે ઘરના કાર્યક્રમ માટે પોતાને ફરીથી તૈયાર કર્યું હતું.
કોઈને ખબર નહોતી કે સવારથી તેણે એક ક્ષણ પણ પોતાની માટે લીધી નહોતી.
કાર્યક્રમ પૂરો થવા આવ્યો.
બધા મહેમાનો જવા લાગ્યા.
રામે બધાને વિદાય આપી.
ઘરમાં શાંતિ છવાઈ.
સીતા રસોડામાં વાસણો ગોઠવવા લાગી.
રામે તેને રોકી.
“બસ કર હવે.”
“થોડું જ બાકી છે.”
“કાલે કરીશું.”
સીતા થોડી ક્ષણ ઊભી રહી.
પછી બોલી,
“રામ…”
“હા?”
“તને ક્યારેય લાગે છે કે હું બહુ થાકી જાઉં છું?”
રામ થોડો આશ્ચર્યમાં પડ્યો.
“હા… આજે તો લાગી રહ્યું છે.”
સીતા ધીમેથી બોલી,
“આજે નહીં રામ. રોજ.”
રામ ચૂપ થઈ ગયો.
સીતા આગળ બોલી,
“સવારે ઘર, પછી ઓફિસ, પછી ઘર. ક્યારેક લાગે છે કે હું આખો દિવસ એક ભૂમિકામાંથી બીજી ભૂમિકામાં દોડતી રહું છું.”
તેની આંખોમાં આંસુ આવી ગયા.
“ઓફિસમાં હું જવાબદાર કર્મચારી છું. ઘરે હું પત્ની, વહુ અને માતા છું. દરેક જગ્યાએ મારી પાસેથી અપેક્ષા હોય છે કે હું બધું સારું કરું.”
રામે પહેલી વાર સીતાને એટલી નજીકથી સમજવાનો પ્રયત્ન કર્યો.
“પણ આજે તું ફરિયાદ કેમ કરી રહી છે?”
સીતા હળવું સ્મિત કરી બોલી,
“ફરિયાદ નથી કરતી. બસ ઈચ્છું છું કે ક્યારેક કોઈ મને પણ પૂછે…”
તે થોડી ક્ષણ અટકી.
“સીતા, તું કેવી છે? થાકી ગઈ છે?”
ઘરમાં ફરી શાંતિ છવાઈ ગઈ.
રામ પાસે કોઈ જવાબ નહોતો.
બીજા દિવસે સવાર ફરી આવી.
એ જ એલાર્મ.
એ જ રસોડું.
એ જ જવાબદારીઓ.
પરંતુ કંઈક બદલાયું હતું.
રામ વહેલો ઊઠ્યો.
રસોડામાં ગયો.
સીતા હજુ થોડી ઊંઘમાં હતી.
રામે ચા બનાવી.
“સીતા…”
સીતા ઊઠી.
“શું થયું?”
“આજે ચા મેં બનાવી છે.”
સીતા આશ્ચર્યથી તેને જોઈ રહી.
રામ બોલ્યો,
“તારી બે ભૂમિકાઓ છે—ઘર અને ઓફિસ.
પણ એનો અર્થ એ નથી કે બંને જગ્યાએ તારે એકલી જ બધું કરવું.”
સીતા કંઈ બોલી નહીં.
તેની આંખોમાં પાણી આવી ગયું.
રામે કહ્યું,
“હવે ઘર આપણું છે તો જવાબદારી પણ બંનેની.”
સીતા હળવું સ્મિત કરી.
તે દિવસે પહેલી વાર તેને લાગ્યું કે કદાચ તેની દોડ થોડી ઓછી થશે.
સીતા આજે પણ નોકરી કરતી હતી.
આજે પણ સવારે વહેલી ઊઠતી હતી.
આજે પણ ઓફિસ જતી હતી.
આજે પણ ઘરના કાર્યક્રમોમાં આગળ રહેતી હતી.
પરંતુ હવે એક ફરક હતો.
તે એકલી નહોતી.
રામે સમજ્યું હતું કે પત્નીનો થાક માત્ર એક દિવસનો થાક નથી હોતો.
ઘણી વખત સ્ત્રી આખો દિવસ બધાને ખુશ રાખવામાં પોતાની જાતને ભૂલી જાય છે.
તે ઘર માટે પણ કામ કરે છે.
પોતાના સપનાઓ માટે પણ કામ કરે છે.
અને પરિવારની ખુશી માટે પોતાની થાકેલી લાગણીઓને પણ છુપાવે છે.
સીતા પણ એવી જ એક સ્ત્રી હતી.
એક શરીર… બે ભૂમિકા… અને અસંખ્ય જવાબદારીઓ.
પણ દરેક સીતાને રામ જેવો સાથ મળી જાય તો કદાચ તેની સફર થોડી સરળ બની શકે.
કારણ કે સ્ત્રીને હંમેશાં મદદની જરૂર નથી હોતી…
ક્યારેક તેને માત્ર એટલું સાંભળવું હોય છે—
“હું તારી સાથે છું.”