Featured Books
શ્રેણી
શેયર કરો

પાછા વળ્યા પાછલા દિવસો - 16

 ૧૬: 

સાંજનો સમય થઈ રહ્યો હતો. જાનવીના ઘરના નાના એવા દીવાનખંડમાં એક અનોખી ગંભીરતા છવાયેલી હતી. હોલની વચ્ચોવચ મુકાયેલી લાકડાની ખુરશીઓ પર પરિવારના તમામ સભ્યો એકઠા થયા હતા. શ્રદ્ધાની સગાઈની તારીખ નજીક આવી રહી હતી, તેથી જાનવી, તેની મોટી બહેન શ્રદ્ધા, મોટો ભાઈ રોહન તેમજ મમ્મી પાર્વતીબેન અને પપ્પા રમેશભાઈ બધા એકસાથે બેસીને બજેટ અને તૈયારીઓ અંગે ચર્ચા કરી રહ્યા હતા. સામેની સોફા ચેર પર શ્રદ્ધાનો ફિયાન્સે સુમિત  શેઠ પોતાના આત્મવિશ્વાસથી છલકાતા અંદાજ સાથે બેઠા હતા.

રમેશભાઈએ પોતે ડાયરીમાં લખેલો હિસાબ અને પોતાની મર્યાદિત ક્ષમતા મુજબની વ્યવસ્થાની યાદી રજૂ કરવાનું શરૂ કર્યું. રમેશભાઈ બહુ જ નમ્રતાથી પોતાની બચત અને ખર્ચના આંકડા સુમિત શેઠ સામે મૂકી રહ્યા હતા. પરંતુ રમેશભાઈની વાત પૂરી થાય તે પહેલાં જ સુમિત શેઠે વચ્ચેથી જ તેમને અટકાવ્યા.

સુમિત શેઠે થોડું સ્મિત આપતાં કહ્યું, "જુઓ વડીલ (રમેશભાઈ,) તમે નકામી ચિંતા ન કરો. અમારી બાજુથી સમાજના ઘણા પ્રતિષ્ઠિત, નામી અને ધનવાન લોકો આવવાના છે. શહેરના મોટા મોટા વેપારીઓ અને મારા બિઝનેસ પાર્ટનર્સ પણ આ પ્રસંગમાં ખાસ હાજરી આપવાના છે. તેથી જ મારી ઈચ્છા છે કે શ્રદ્ધાની સગાઈનો આ કાર્યક્રમ થોડો ભવ્ય, આલીશાન અને ખૂબ જ વ્યવસ્થિત રીતે થાય.

સુમિતની આજ વાત સાંભળતા બધા શબ્દ થઈ જાય છે અને ( જાનવીના મનમાં પાછો ભૂતકાળ વાગોળવા લાગે છે તેની સગાઈ વખતે પણ આ જ રીતે જતીનના માતા-પિતાએ ડિમાન્ડ મૂકી હતી અએમણે જેમ કહ્યું હતું તેમની મરજી પ્રમાણે જ બધું કરવું પડ્યું હતું ) તેને એક મનમાં ભઈ બેસી જાય છે.

ત્યાં તરત જ સુમીત શેઠ બોલે છે  અને જાનવી ના વિચારોનું ભંગ થઈ જાય છે અને તે સાંભળે છે સુમિત શું બોલી રહ્યો છે તે.

સુમિત શેઠ કહે છે તમે પૈસાની કોઈ જ ચિંતા ન કરો, આખી સગાઈનો જે પણ ખર્ચ થશે તે તમામ ખર્ચ હું એકલો ભોગવી લઈશ."

સુમિત શેઠનો આ પ્રસ્તાવ સાંભળીને હોલમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. રમેશભાઈ અને પાર્વતીબેનની આંખોમાં એક અજાણ્યો સંકોચ અને શરમ આવી ગઈ. જાનવી પોતાના સ્વાભિમાની સ્વભાવના કારણે અંદરથી અકળાઈ ગઈ. પોતાની મધ્યમવર્ગીય સ્થિતિનો કોઈ આ રીતે અહેસાસ કરાવે કે અહેસાન તળે દબાવવાનો પ્રયાસ કરે તે જાનવીથી ક્યારેય સહન થતું નહોતું. પણ સૌથી વધુ આઘાત શ્રદ્ધાને લાગ્યો હતો. તેને લાગ્યું કે તેના પરિવારના સ્વાભિમાનને સુમિત અજાણતા જ નીચું દેખાડી રહ્યા છે.

શ્રદ્ધાથી રહેવાયું નહીં. તેનો અવાજ થોડો ધ્રૂજી રહ્યો હતો છતાં તેણે સ્પષ્ટ અને મક્કમ શબ્દોમાં કહ્યું, "ના સુમિતજી, એવું બિલકુલ નહીં થાય. અમારી આર્થિક પરિસ્થિતિ જેવી છે અને અમારાથી જેટલું શક્ય બનશે, સગાઈ એ જ રીતે થશે. તમે આખો ખર્ચ ઉઠાવો અને અમારા ઘરે પ્રસંગ ઉકેલાય એ અમને જરાય મંજૂર નથી."

શ્રદ્ધાનો આવો સ્પષ્ટ જવાબ સંભાળીને સુમિત શેઠ થોડા આશ્ચર્યચકિત થઈ ગયા, અને તે સાથે તેને શ્રદ્ધાની વાત પર માન પણ થયું કે આ છોકરી થોડીક સ્વાભિમાની છે તેને તે વાત ગમી ગઈ તે મનોમન વિચાર કરવા લાગ્યા કે મેં એકદમ પરફેક્ટ છોકરી મારા માટે ગોતી છે. દીવાનખંડમાં એકદમ ભારેખમ તણાવ ઊભો થઈ ગયો. રમેશભાઈ પણ મૂંઝાઈ ગયા કે હવે આ વાતને કઈ રીતે સંભાળવી.

બરાબર એ જ ક્ષણે જાનવીએ પોતાની પરિપક્વતા અને તીક્ષ્ણ બુદ્ધિથી પરિસ્થિતિ સંભાળી લીધી. તેણે સુમિત શેઠ સામે જોઈને વિનમ્રતાથી કહ્યું, "સુમિતભાઈ, શ્રદ્ધાદીનો કહેવાનો ભાવાર્થ એવો નથી. તમારી પ્રતિષ્ઠા જળવાય અને સમાજમાં તમારું નામ ઊંચું રહે એ રીતે જ અમે સગાઈ કરશું. પણ એના માટે તમારે અમને થોડો સમય આપવો પડશે. અમે અમારી રીતે એક યોગ્ય આયોજન કરવા માંગીએ છીએ."

જાનવીની ચતુર વાચાળતા જોઈને સુમિત શેઠ પ્રભાવિત થયા. તેમણે પોતાની વાત સુધારતા શાંતિથી કહ્યું, "જુઓ જાનવી, જેટલી ફરજ તમારી છે એટલી જ મારી પણ છે અને મારો પણ અધિકાર છે. જેમ આ તમારી દીકરી કે બહેનની સગાઈ છે, તેમ મારા માટે પણ આ ખાસ પ્રસંગ છે. સગાઈમાં તમારા સગા-સંબંધીઓ આવશે અને મારા દોસ્તો પણ આવશે. તો આપણે સગાઈનો અડધો અડધો ખર્ચ વહેંચી લઈએ તો એમાં શું વાંધો? અડધા પૈસા તમે આપજો અને અડધા હું આપીશ, જેથી કોઈના પર ભાર પણ ના લાગે અને બંને પક્ષની મરજી સચવાઈ જાય."

સુમિત શેઠનો આ વ્યાજબી પ્રસ્તાવ સાંભળીને જાનવી અને શ્રદ્ધાને રાહત થઈ. પણ રમેશભાઈ અને પાર્વતીબેન હજુ થોડા અચકાતા હતા.

જાનવીએ તરત જ ઉમેર્યું, "ઠીક છે સુમિત જી, તમે મને માત્ર એક દિવસનો સમય આપો. હું પહેલાં આખી સગાઈનું એક ચોક્કસ બજેટ અને પ્લાન તૈયાર કરી લઉં. તે પ્લાન અમે તમારી સામે મૂકીશું. તમને યોગ્ય લાગે તો જ આપણે આગળ વધીશું, જેથી બજેટમાં કામ પણ થઈ જાય અને મહેમાનોને પણ સારું લાગે."

સુમિત શેઠ હસીને માની ગયા. તેમણે કહ્યું, "ચોક્કસ જાનવી, મને તારા આયોજન પર પૂરો ભરોસો છે."

આટલી વાતચીત પછી સુમિત શેઠ વિદાય લેવા ઊભા થયા. શ્રદ્ધા તેમને બહાર તેમની લક્ઝરી ગાડી સુધી મૂકવા ગઈ. બંને ઘરની બહાર નીકળ્યા ત્યારે શ્રદ્ધાનું મોઢું હજુ પણ થોડું પડેલું હતું.

ગાડીનો દરવાજો ખોલતા પહેલાં સુમિત શેઠ રોકાયા. તેમણે પાછળ ફરીને ખૂબ જ પ્રેમ અને લાગણીથી શ્રદ્ધાનો હાથ પોતાના હાથમાં લીધો. શ્રદ્ધાની આંખોમાં આંસુ આવી ગયા હતા. સુમિત શેઠે અત્યંત નમ્રતાથી કહ્યું, "જો શ્રદ્ધા, મારો ઈરાદો તારા મમ્મી-પપ્પાને નીચા બતાવવાનો કે તારું અપમાન કરવાનો બિલકુલ નહોતો. હું તો બસ આ ખુશીના પ્રસંગમાં તારી મદદ કરવા માંગતો હતો. તું મને ખૂબ ગમે છે શ્રદ્ધા! હું તારું અને તારા પરિવારનું માન સમાજમાં હંમેશા જાળવવા માંગું છું. મારે તને કે તારા પરિવારને ક્યારેય નીચા નથી દેખાડવા. ભલે આપણી સગાઈ નાની હોય, પણ જો એ વ્યવસ્થિત અને સુંદર હશે તો મને કોઈ જ વાંધો નથી. મારે બંને પક્ષોની ઈજ્જત સાચવવી છે... અને સૌથી મોટી વાત, હું તને ગુમાવવા નથી માંગતો."

સુમિત શેઠના આ પ્રેમભર્યા શબ્દો શ્રદ્ધાના દિલમાં ઉતરી ગયા. તેને સમજાઈ ગયું કે આ માણસ અહંકારી નથી, પણ પોતાની પ્રતિષ્ઠાની સાથે શ્રદ્ધાના પરિવારનું માન જાળવવા માંગે છે. શ્રદ્ધાએ ધીમેથી હા પાડી. સુમિત શેઠે ગાડી ચાલુ કરી અને ત્યાંથી વિદાય લીધી.

શ્રદ્ધા જ્યારે ઘરમાં પાછી ફરી ત્યારે જાનવી તેનું શાંત મોઢું જોઈને જ બધું સમજી ગઈ. જાનવીએ તરત જ રોહન અને શ્રદ્ધા સામે જોઈને કહ્યું, "હવે સમય બગાડવા જેવો નથી. ચાલો, તમે બંને મારા રૂમમાં આવી જાવ."

ત્રણેય ભાઈ-બહેનો જાનવીના રૂમમાં ભેગા થયા. જાનવીએ કહ્યું, "જો આપણે મમ્મી-પપ્પાને આ બજેટ બનાવવા બેસાડશું તો એ નકામું ટેન્શન લેશે. આપણે એમને કશું ટેન્શન નથી આપવું. આપણી પાસે જે મર્યાદિત બજેટ છે એમાં જ બેસ્ટ કામ કરવાનું છે. ચલો, આપણે ક્યાંક બહાર જઈને શાંતિથી સોલ્યુશન વિચારીએ અને આપણા એવા ખાસ મિત્રોને બોલાવી લઈએ જે આપણને પ્લાનિંગમાં મદદ કરી શકે."

જાનવીએ તરત જ પોતાની ખાસ બિંદાસ બહેનપણી સેજલને ફોન લગાવ્યો. સેજલ એકદમ બોલ્ડ અને સ્કૂટી તથા બાઈક ચલાવવાની શોખીન હતી. ફોન ઉપાડતાં જ જાનવીએ કહ્યું, "સેજલ, અત્યારે ને અત્યારે નુક્કડ પર દરિયા કિનારે આવેલી પેલી હોટેલે પહોંચ. આપણે સગાઈનું પ્લાનિંગ કરવાનું છે. બજેટ બહુ ટૂંકું છે."

સામે છેડેથી સેજલે પોતાના મસ્તમૌલા અંદાજમાં કહ્યું, "અરે ડાર્લિંગ! તું બિલકુલ ચિંતા ન કર. તારું બજેટ ભલે ગમે એટલું ટૂંકું હોય, આપણે એવી જોરદાર સગાઈ ગોઠવશું કે સુમિત શેઠ પણ જોતા રહી જશે! હું પાંચ મિનિટમાં પહોંચું છું."

જાનવીએ હસીને ફોન મૂક્યો. રોહને પોતાના ખાસ મિત્ર મનોજને અને પ્રેમને પણ ત્યાં જ બોલાવી લીધા. શ્રદ્ધાએ પોતાની રમુજી બહેનપણી સીમાને ફોન કર્યો.

દરિયા કિનારાની એ જાણીતી નુક્કડ હોટેલે પહોંચીને જાનવીએ કાઉન્ટર પર બેઠેલા જૂના કાકાને ચા-નાસ્તાનો ઓર્ડર આપ્યો. સેજલ, મનોજ અને પ્રેમ પણ ત્યાં આવી પહોંચ્યા. સીમા રસ્તામાં ટ્રાફિકમાં ફસાયેલી હતી એટલે જાનવીએ કહ્યું, "સીમા આવે ત્યાં સુધી આપણે સમય નથી બગાડવો. સીમા આવે ત્યાં સુધીમાં આપણે સગાઈ માટે કઈ જગ્યા યોગ્ય રહેશે તેની ચર્ચા કરી લઈએ અને પાર્ટી પ્લોટ કે હોલના બજેટનું આયોજન કરી લઈએ."

જાનવીએ મનોજ અને સેજલ સાથે ચર્ચા શરૂ કરી. પછી પોતાના ભાઈ રોહનને પૂછ્યું, "રોહન, તું એક દિવસમાં આસપાસના હોલ અને જગ્યાઓની તપાસ કરી લે અને એક બજેટ બનાવીને મને આપ, જેથી આપણને ખબર પડે કે ક્યાં કેટલો ખર્ચ થાય છે."

ત્યાં જ મનોજ વચ્ચેથી જ બોલ્યો, "જાનવી, મારી પાસે એક આઈડિયા છે! જો તને ઠીક લાગે તો હું કહું?"

જાનવીએ આંખો પહોળી કરીને કહ્યું, "હા મનોજ, બોલ ને! તારો આઈડિયા ક્યારેય ખોટો નથી હોતો."

મનોજે ઉત્સાહથી કહ્યું, "જો, હું જે જીમમાં કામ કરું છું તે જીમ એકદમ મોટું અને વિશાળ છે. ત્યાં એક મસ્ત સ્વિમિંગ પૂલ પણ છે અને આખી જગ્યા એકદમ ખુલ્લામાં છે. ત્યાં તમે સગાઈ જેવો નાનો અને સુંદર પ્રસંગ આરામથી ગોઠવી શકો છો. સુમિત શેઠના જે મોટા મોટા અને ધનવાન મહેમાનો આવવાના છે, તેમને પણ સ્વિમિંગ પૂલ અને ઓપન ગ્રાઉન્ડવાળી આ થીમ ખૂબ જ સરસ અને રોયલ લાગશે. જો ડેકોરેશન સરસ રીતે કરશો, તો એ જગ્યા કોઈ ભવ્ય પાર્ટી પ્લોટથી કમ નહીં લાગે!"

જાનવીને આ આઈડિયા ખૂબ ગમી ગયો. ત્યાં જ સેજલ બિનધાસ્ત અંદાજમાં ટેબલ પર હાથ મૂકીને બોલી, "અને એ જીમના ડેકોરેશનની જવાબદારી તું મારી પર છોડી દે ડાર્લિંગ! એ બધું હું એકદમ પરફેક્ટ રીતે સાચવી લઈશ. જગ્યા એવી ચમકાવી દઈશ કે લોકો જોતા રહી જશે!"

રોહને પણ વાત આગળ વધારતા કહ્યું, "જાનવી, તો પછી ખાવા-પીવાની અને રસોઈની વ્યવસ્થા હું સાચવી લઈશ! પણ એના માટે તારે મને એક દિવસમાં કેટલા માણસો આવવાના છે તેનું એક ચોક્કસ લિસ્ટ આપવું પડશે. સાથે સાથે સગાઈમાં ખાવામાં શું શું રાખવાનું છે તેનું લિસ્ટ આપી દે. જો તું મને આ લિસ્ટ તૈયાર કરીને આપે, તો હું તને પરમ દિવસે જ ખાવાનો શો ખર્ચ થશે અને કેટલા રૂપિયા થશે તેની પૂરી જાણકારી આપી દઈશ. બધું બજેટમાં જ પતાવી દઈશ."

જાનવીએ હસીને કહ્યું, "ઠીક છે રોહન, તો ખાવાની આખી જવાબદારી હવે તારી! હું તને કેટલા મહેમાનો થવાના છે તેનો આંકડો અને મીઠાઈ વગેરે મેનૂનું આખું બજેટ લિસ્ટ બનાવીને આપી દઈશ."

જમવાનું નક્કી થઈ ગયું, હવે જીમની જગ્યાનું ફાઈનલ કરવાનું હતું. મનોજે તુરંત જ પોતાનો ફોન કાઢ્યો અને જીમના માલિકને ફોન લગાવ્યો. જીમના માલિક મનોજના ખૂબ જ પાકા મિત્ર હતા. મનોજે આખી પરિસ્થિતિ સમજાવી. જીમના માલિકે સામેથી કહ્યું, "અરે મનોજ, આ તો તારા ઘરનો પ્રસંગ કહેવાય! જગ્યા માટે હું તારી પાસેથી એક રૂપિયો પણ નહીં લઉં!"

મનોજે વિનમ્રતાથી પણ મક્કમતાથી કહ્યું, "ના ના ભાઈ, એવું બિલકુલ ન ચાલે! મારા ફ્રેન્ડના બજેટમાં જે પણ વાજબી રકમ હશે તે તમને આપી દેશે, તમારે એ સ્વીકારી જ લેવાની છે. અમારે મફતમાં કશું જ નથી જોઈતું."

જીમનો માલિક હસી પડ્યો અને બોલ્યો, "સારું ભાઈ સારું! તમારી જે ઈચ્છા હોય તે પૈસા આપી દેજો. પણ હા, એક જ શરત... જીમને કે સ્વિમિંગ પૂલ પાસે કશું નુકસાન ન થવું જોઈએ!"

મનોજે કહ્યું, "એની જવાબદારી મારી!" અને ફોન મૂકી દીધો.

બરાબર એ જ સમયે, હોટેલના દરવાજેથી હાફતી હાફતી, દોડતી દોડતી સીમા અંદર આવી! તેના હાથમાં પાકીટ હતું, ચહેરો પરસેવાથી રેબઝેબ હતો અને શ્વાસ ચડેલો હતો.

આવતાની સાથે જ સીમાએ મોટેથી બૂમ પાડી, "લ્યો! મારા વગર આ પ્લાનિંગ ચાલવાનું કોણે દીધું?

""કેટલાક છો આવા" તમે બધા!"

સીમાનો આ એક્સપ્રેશન અને "કેટલાક છો આવા" વાળો ડાયલોગ સાંભળીને જાનવીની બહેનપણી સેજલથી રહેવાયું નહીં. તે જોરજોરથી દાંત કાઢવા લાગી અને હસતાં હસતાં બોલી, "અરે બાપ રે! આ પણ એક નમૂનો છે હોં! ક્યાંથી શોધી તારી આ બહેનપણીને?"

સેજલની વાત સાંભળીને ટેબલ પર બેઠેલા મનોજ, પ્રેમ, રોહન અને જાનવી બધા જ ખડખડાટ હસવા લાગ્યા. આખો માહોલ ગંભીરતામાંથી એકદમ રમુજી બની ગયો.

જાનવીએ હસવાનું રોકીને શ્રદ્ધા સામે જોયું અને કહ્યું, "શ્રદ્ધાદી, તારી આ બહેનપણી સીમા કપડાંની પસંદગીમાં, મેકઅપમાં અને સ્ટાઇલમાં એકદમ પરફેક્ટ છે! એટલે તારી અને સીમાની જવાબદારી એ રહેશે કે સગાઈ માટે કપડાં, મેકઅપ અને લુકનું બજેટ સાચવવાનું. બધા એકદમ રોયલ લાગવા જોઈએ."

આ જવાબદારી સાંભળતાં જ સીમાના ચહેરા પર એક અનોખી ચમક આવી ગઈ. તેણે પોતાનો હાફવાનો શ્વાસ હેઠો બેસાડ્યો અને ગર્વથી બોલી, "હા! અમને આ મંજૂર છે! હું અને શ્રદ્ધા એવા મસ્ત કપડાં અને લુક પસંદ કરશું, એ પણ આટલા ઓછા બજેટમાં... કે તમે બધા વિચારતા રહી જશો! અને સુમિત શેઠ પણ આપણો લુક જોઈને બોલી ઉઠશે કે—

"કેટલાક છો આવા!"

સીમાએ જેવો પોતાના જ અંદાજમાં સુમિત શેઠના નામે ડાયલોગ માર્યો, કે કાઉન્ટર પરથી ચા-નાસ્તાની પ્લેટો લઈને આવતા કેન્ટીન વાળા કાકા પણ પોતાની હસી રોકી શક્યા નહીં! કાકા ખડખડાટ દાંત કાઢવા લાગ્યા અને બોલ્યા, "અરે વાહ દીકરી! તું તો બહુ રમુજી છે હોં! આખા દિવસના કામનો હોટેલનો થાક ઉતારી દીધો!"

મનોજ અને સેજલ તો પેટ પકડીને હસી રહ્યા હતા. સીમાની આ કોમેડીએ બધાના મનનો આર્થિક બોજ અને ટેન્શન ક્ષણભરમાં ગાયબ કરી દીધું હતું.

હવે સગાઈનું આખું બજેટ અને તમામ વ્યવસ્થા જાનવીના મન પ્રમાણે અને ગણતરી મુજબ એકદમ નિશ્ચિત થઈ ગઈ હતી. મનનો ભાર હળવો થતાં જાનવીએ ઊંડો અને શાંતિનો શ્વાસ લીધો.

આયોજન પૂરું થતાં જ જાનવી એ કહ્યું કાલ સાંજ સુધીના બધાએ મને બજેટ આપી દેવાનું છે એટલે હું તે બજેટ સુમિતજીને મોકલી દઉં. આપણી યોજના સરખી રીતે મારે તેમને સમજાવી પડશે એટલે બધા મિત્રો કહે છે હા અમે અમારી યોજના તને કાલ સાંજ સુધીમાં કહી દેશે એમ કહી બધા મિત્રોએ એકબીજાની વિદાય લીધી અને પોતપોતાના ઘરે જવા માટે નીકળી ગયા. બધાના ગયા પછી જાનવી ધીમેથી પોતાની જગ્યા પરથી ઊભી થઈ. તે સીધી કેફેના કાઉન્ટર પર ગઈ અને કાકાને નાસ્તા-ચાના પૈસા આપતાં અત્યંત આદર સાથે બોલી, "આભાર કાકા! તમે અમને અહીં આટલો બધો સમય બેસવા દીધા અને શાંતિથી આયોજન કરવા દીધું."

કાકાએ વહાલભર્યા સ્મિત સાથે પૈસા લીધા અને જાનવીના માથે હાથ મૂકતાં કહ્યું, "અરે ગાંડી ,

જાનવી દીકરા! હું તો તને કેટલાય વર્ષોથી ઓળખું છું. તારા જેવી સમજદાર અને ડાહી દીકરી તો નસીબવાળાને જ મળે, બધાને ન મળે!"

કાકાના આ પ્રેમભર્યા શબ્દો સાંભળીને જાનવીના ચહેરા પર એક મીઠું સ્મિત આવી ગયું. તે કેફેમાંથી બહાર નીકળી અને દરિયા કિનારાની ભીની રેતી પર ચાલીને કિનારે પહોંચી.

સાંજનો સમય હતો. આકાશમાં સૂર્યાસ્તનો કેસરી અને સોનેરી રંગ રેલાઈ રહ્યો હતો. જાનવી શાંતિથી ઊભી રહીને આથમતા સૂરજને અને દરિયાના ઊછળતા મોજાંને એકધારી નિહાળવા લાગી. દરિયાની આહલાદક લહેરો તેના પગને અડી રહી હતી, પરંતુ એ શાંત મોજાંની સામે જાનવીના મનમાં અગણિત વિચારોના વંટોળો ચડી રહ્યા હતા—તે ભૂતકાળની ભૂલો પાછી દોરાવા નથી માંગતી અને તેના મા બાપને દુઃખી કરવાનો હોતી માંગતી. પરિવારનું સ્વાભિમાન, સગાઈની જવાબદારી અને આવનારા ભવિષ્યની ચિંતાઓ તેના મગજમાં ઘુમરાઈ રહી હતી.

To be continue......